સપના અળવીતરાં - ૪૧

"પાપા.... "

તેની બૂમના પ્રત્યાઘાત રૂપે એ વિશાળ શીપની ભવ્ય રૂમનો દરવાજો ફડાક્ કરતો ખૂલી ગયો. તેણે જે જોયું, એનાથી તે હતપ્રભ થઇ ગઇ. તેણે જોયું કે તેના પાપાના લમણે ગન લાગેલી હતી, જે પાછી ખેંચાઇ ગઇ હતી ... પાપા ના ચહેરા પર અજીબ સ્વસ્થતા હતી. રૂમમાં કમ સે કમ પચ્ચીસ ત્રીસ માણસો હોવા જોઇએ... બધાજ કાળા કપડામાં સજ્જ... બસ એક ને છોડીને... તે એક વ્હાઇટ એન્ડ વ્હાઇટ માં હતો... ઈવન તેના શૂઝ પણ વ્હાઇટ હતા અને હાથમાં પહેરેલી ઘડિયાળ નો બેલ્ટ પણ વ્હાઇટ!... એ મિ. વ્હાઈટ નો એક પગ ખુરશી પર ટેકવેલો હતો અને તાલબધ્ધ એ પગનો પંજો ઉંચોનીચો થઇ એક મ્યુઝિક જેવી અસર ઉભી કરતો હતો. વ્હાઈટ ફ્રેમમાં ટ્રાન્સપરન્ટ ગ્લાસ જડેલા ગોગલ્સમાંથી તેની આંખોમાં ફૂટેલા લાલ ટશિયા સ્પષ્ટ જોઈ શકાતા હતા. 

દરવાજો ખૂલ્યો અને  મિ. વ્હાઇટે ડોક ત્રાંસી કરી તેની સામે જોયું. તે ધ્રુજી ગઇ.. થર થર થર.... પણ તેની નજર તો આખા રૂમમાં ફરી પાછી તેના પાપા પર સ્થિર થઇ ગઇ હતી. મેકવાને ગરદન ઘુમાવી જોઇ લીધું કે બધાનું ધ્યાન આગંતુક પર કેન્દ્રિત છે. બસ, મોકાનો ફાયદો ઉઠાવી તેણે હાથે થી કેટલાક ઇશારા કર્યા. બીજું કોઈ સમજે કે ન સમજે, પણ એ છોકરી બધું જ સમજી ગઇ. 

"સોરી, હું મારા પાપાને શોધતી હતી. અહીં આવ્યા છે? જાની અંકલને જ પૂછવું પડશે. "

બસ, તે આવી હતી એવા જ શાંત પગલે પાછી જતી રહી. મેકવાનના ચહેરા પર સ્મિત ની એક રેખા અલપઝલપ આવીને જતી રહી. ફરી તેની કાનપટ્ટી પર ગન હતી અને પ્રશ્નોનો મારો ચાલુ થઇ ગયો હતો. 

બે ચાર ડગલા ધીમે ચાલી તેણે સ્હેજ પાછળ ફરી જોયુ, દરવાજો ફરી બંધ થઇ ગયો હતો. હવે તેણે રીતસર દોટ મૂકી. દોડતી ભાગતી, પડતી આખડતી તે સીધી મૂકબધિર શાળામાં ભણાવી રહેલ મિસિસ મેકવાન પાસે પહોંચીને ફસડાઇ પડી. હાંફ છાતીમાં સમાતી નહોતી. ગળે શોષ એટલો હતો કે જીભ તાળવે ચોંટી ગઇ હતી. મિસિસ મેકવાને એને પડતા જોઇ ઝીલી લીધી. ગળામાંથી અવાજ નીકળતા તો વાર લાગે એમ હતી, પણ સમય જ ક્યાં હતો? તેણે સાઇન લેન્ગ્વેજમાં આખી વાત જણાવી દીધી. 

એક સેકન્ડ અને બીજી સેકન્ડ... સ્તબ્ધતા ઓસરી ગઇ અને મિસિસ મેકવાન નું મગજ એકસો ને એક ની સ્પીડે દોડવા માંડ્યું. એ છોકરી હજુ પણ હાંફતી હતી. તેને ત્યાં સ્કુલમાં જ છોડી મિસિસ મેકવાન ત્યાંથી રવાના થઈ ગયા... 

આ હતી છેલ્લી મુલાકાત... તેના મમ્મા પાપા સાથે... 

પ્રિન્સીપાલ મેડમે તેને પોતાની સોડમાં લઇ લીધી. બધા છોકરાઓ તેને ઘેરી વળ્યા. વગર અવાજે, માત્ર હાથની હલનચલનમાં કેટલાય પ્રશ્નો પૂછી લીધા...પણ, વધુ માહિતી તો રાગિણી પાસે પણ ક્યાં હતી? તે રડી પડી... ધ્રુસકે ને ધ્રુસકે... એટલું બધું રડી કે થાકોડાને લીધે એની આંખ મીંચાઈ ગઈ. ફરી બંધ આંખો સામે ઉઘાડ થયો. આછા અજવાસ માં એ જ શીપ ફરી દેખાઈ. ફરી દેખાયો એ રૂમ... આખો ખાલી અને ભેંકાર... લોહી લુહાણ... દિવાલો પર, છતમાં, નીચે જમીન પર... બધેજ લોહી... માત્ર લોહી... ધગધગતું... દઝાડતુ લોહી... 

બંધ આંખોમાંથી આંસુ સરી પડ્યા અને તે ઝાટકા સાથે બેઠી થઈ ગઈ... પરસેવે રેબઝેબ... હાંફતી છાતી... સુકાયેલુ ગળુ... વારેઘડીએ તાળવે ચોંટી જતી જીભ... કશું પકડવા મથતો હોય એમ હવા ફંફોસતો હાથ... અને રૂમમાં ઘુમરાતો ચિત્કાર... 

"મમ્મા... પાપા.... " 

તેણે અનુભવ્યું કે કોઈનો હાથ મૃદુતાથી વાંસે ફરી રહ્યો છે. કાનમાં અસ્પષ્ટ શબ્દો પડ્યા. અવાજ કંઇક જાણીતો લાગ્યો. ધીમે ધીમે તેની ચેતના પાછી ફરી. રોશન આંટી બાજુમાં બેસી હેતથી તેનો વાંસો પંપાળી રહ્યા હતા. સાથે જ શબ્દો થી પણ મલમ લગાવી રહ્યા હતા. 

"બસ, ડિકરા, બસ. મેં છેઉં ને અંઈયા. ડોન્ટ વરી. બઢ્ઢુ જ ઓકે ઠેઈ જશે. યુ જસ્ટ રીલેક્ષ, બચ્ચા... "

રોશન આંટી ને બાજુમાં જોઇ તેને ધરપત થઈ. રોશન આંટીના ખોળામાં માથું મૂકી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તેનો અવાજ સાંભળીને હોલમાંથી ચારેય જણા બેડરૂમ તરફ દોડી ગયા. કેયૂર થોડો ઉતાવળો થઇ રૂમમાં એન્ટર થયો, પણ આદિએ તેનો હાથ પકડી ઇશારાથી રોકી લીધો. બાટલીવાલા એ બંનેની બધીજ હીલચાલ ઝીણવટપૂર્વક નોટિસ કરતા હતા. તેમણે પણ ઇશારો કરી કેયૂર ને બહાર બોલાવ્યો. કેયૂર અનિચ્છાએ બહાર ખેંચાયો. ફરી સોફા પર બેઠક જામી. 

"કમ ઓન આદિ, શી ઈઝ ક્રાઇંગ બેડલી. "

"રડવા ડે, ડિકરા, રડવા દે. એ હલ્કી ફુલ્કી ઠેઇ જસે... એકદમઠી પટંગીયા જેવી.... એનું ડિપ્રેસન બઢ્ઢુ ચાયલુ જસે... " 

કહેવાયું આદિને હતું પણ જવાબ બાટલીવાલા તરફથી મળ્યો. 

"પણ, આમ? આટલુ બધું? એટલીસ્ટ કોઈ એને છાની તો રાખો... "

ફરી બાટલીવાલા ના ચશ્મા નાકની દાંડીએ સ્હેજ નીચે સરકી આવ્યા. માથું સ્હેજ નીચું નમાવી, ચશ્મા ની ઉપરથી તે કેયૂર સામે તાકી રહ્યા. હળવેકથી આઈબ્રો ઉંચી ચડાવી ને બોલ્યા, 

"કેમ ડિકરા, ટને કંઈ વઢારેજ ફિકર ઠતી છેંવ? " 

કેયૂર સામે સવાલ ફંગોળી તેમણે આઈબ્રો ઉંચીનીચી કરવાનું ચાલુ કર્યું. આ જોઇ કેયૂર સ્હેજ થોથવાઇ ગયો. 

"અં.. બ... મ... મ્... "

"બોલની... બોલની... બિન્ડાસ બોલ.... આપણું જ ઘર સમજીને બોલ.... "

આખરે, એક ખોંખારો ખાઇ કેયૂર બોલી જ ગયો... 

"યસ અંકલ. આઇ કેર ફોર હર. આઇ જસ્ટ કાન્ટ સી હર લાઇક ધીઝ. આઇ મીન... આઇ મીન... "

"બસ, ઠેઇ ગીયું. મને સમજન પડી ગેઇ. હવે બોલ, એ પોયરી ને પન આમ જ કીઢલું? અં... બ... મ.... મ્... હે? "

આઈબ્રો નો ડાન્સ તો હજુ ચાલુજ હતો, પણ ચહેરા પર એક મોટી મુસ્કાન હતી. બાટલીવાલાના આવા એક્સપ્રેશન જોઇ ઈમરાન હસી પડ્યો. કેયૂરે પણ હળવાશ અનુભવી.... 

પણ, આદિનું મગજ સુન્ થઈ ગયુ! 


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Vimmy Patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Kinjal Barfiwala 2 માસ પહેલા

Verified icon

shital vaishnav 2 માસ પહેલા

Verified icon

Anisha Patel 3 માસ પહેલા

Verified icon

Jigisha 3 માસ પહેલા