Naxatra - 21 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 21)

“હાય.” હું માંડ ઉભા થઇ કેફેટેરીયાનું ટેબલ છોડવા જતી હતી ત્યારે જ મને કિંજલનો અવાજ સંભાળ્યો. એનું હાય પણ આજે ફિક્કું હતું. કદાચ એ પણ અશ્વિની અને રોહિત સાથે જે થયું એ જાણતી હતી.

“હાય.....” મેં ફિક્કા અવાજે કહ્યું અને ફરી ખુરશી પર બેસી ગઈ. કિંજલ મારી સામેની ખુરસી પર ગોઠવાઈ, જયાં થોડીકવાર પહેલા દાસકાકા બેઠા હતા. તેણીએ પેન્સિલ નેરો જીન્સ અને પર્પલ ટોપ પહેરેલ હતું. એને જોતા ફરી મને અશ્વિની યાદ આવી. જયારે એ મને પહેલીવાર મળી ત્યારે એ પણ પર્પલ ટોપમાં હતી. કેટલી સારી હતી બિચારી? કાશ! એને કઈ ન થયું હોત. કાશ! એ પણ મારી ફ્રેન્ડ બની ગઈ હોત! એ મારી સાથે આજ ટેબલ પર બેસી બ્રેકફાસ્ટ કે કોફીના ઘૂંટ ભરતી હોત.

“શું થયું હતું?” મને વિચાર કરવા દઈ થોડીવારે કિંજલે સવાલ કર્યો.

મેં કૃણાલ અને ભાવનાની વાત ન સાંભળી હોત તો હું એને અશ્વિની અને રોહિતને શું થયું એ કહેવાની હાલતમાં હોત પણ મારી માનસિક સ્થિતિ સારી ન હતી. જેટલી હું અશ્વિની અને રોહિતના મૃતદેહ આંખો સામે જોઈ ડરી હતી એનાથી પણ વધુ હું ચાર વરસ પહેલાની એ ઘટના સાંભળીને ડરી હતી.. કદાચ મને મારો અને કપિલનો પણ એ જ અંજામ થશે એ વિચારી ડર લાગવા માંડી હતી.

મારું શરીર માનસિક અને શારીરિક બંને રીતે ધ્રુજારી લઇ રહ્યું હતું. મને ચક્કર આવી રહ્યા હતા. હમણા ઉલટી થઇ જશે એમ લાગ્યું. કેન્ટીનનું શાંત વાતાવરણ પણ મને ગૂંગળાવી રહ્યું હતું. પીઝા અને પફની સ્મેલ પણ મને ગમી નહી. મારું મન પળવારમાં એ સ્થળથી ઉબી ગયુ. હું કોઈ અઘોર વનમાં એકલી હોઉં એવું મને લાગ્યું.

“નયના...” મારી તબિયત જોઈ કિંજલના ચહેરા પર ચિંતા દેખાઈ, “શું થયું?”

“કઈ નહિ..”

“શું કઈ નહિ..” કિંજલે મારું બાવડું પકડ્યું, “તું ધ્રુજી રહી છે. તારો ચહેરો પરસેવે રેબઝેબ થઇ ગયો છે અને તું કહે છે કશું નથી થયું?”

પપ્પા ઘણીવાર કહેતા જીવનમાં બે અલગ તબક્કા હોય છે કયારેક લોકો આપણી વધારે પડતી કાળજી લેવા માંડે છે અને કયારેક આપણી કાળજી લેવા માટે કોઈ જ નથી હોતું. પણ સદનસીબે ત્યારે મારો પ્રથમ સમય ચાલતો હતો. મારી કાળજી લેવા માટે કિંજલ હતી.

“આઈ એમ નોટ ફીલિંગ વેલ.” મારો અવાજ બહુ ઊંડાણમાંથી અને ઘણી મહેનત બાદ માંડ આવતો હતો. કદાચ હું નોસ્ટાલજીયા ફિલ કરી રહી હતી. દરેક પસાર થતી સેકન્ડે હું વધારે કમજોરી અનુભવતી હતી. મેં આંખો બંધ કરી.

“જસ્ટ વન મિનીટ...” કિંજલ કાઉન્ટર તરફ ગઈ.

પહેલા તો મને સમજમાં ન આવ્યું કે એ શું કરી રહી છે. મને ખાતરી હતી એવા દિવસે ફૂડ ઓર્ડર કરવા જાય એટલી મુર્ખ તો એ નહોતી. એક મિનીટ પછી મને સમજાયું જયારે એ હાથમાં બે સોડા ના ટીન લઇ પાછી આવી. તેણે સોડાનું ટીન ખોલી મારા હાથમાં પકડાવ્યું.

મેં સોડા પીધા. એનાથી મને જરાક રાહત થઇ. મારી વોમિટ અને નોસ્ટાલજીયાની લાગણી દુર થઇ. છતાં માથું ભારે જ રહ્યું.

“ચાલ હું તને ઘરે છોડી જાઉં.” થોડીવારે હું જરાક સ્વસ્થ થઈ એટલે એ બોલી.

“ના, હું લંચ ટાઈમ પતે પછી કલાસમાં આવીશ.” મેં ઇનકાર કર્યો.

“તારી તબિયત કલાસ જોઈન કરે એવી નથી...” કિંજલે જીદ કરી, “તારે આરામની જરૂર છે.”

“મારા ઘરે કોઈ નથી. પપ્પા નોકરી પર ગયા છે અને મમ્મી બહાર ગઈ છે. સાંજ પહેલા તેઓ પાછા નહી આવે. હું ઘરે વધારે કંટાળી જઈશ.”

“તો મારા ઘરે જઈએ. ત્યાં તું આરામ કરજે અને હું હોઈશ એટલે તને કંટાળો પણ નહી આવે.”

“ના. તારું ભણવાનું..... હજુ લેકચર બાકી છે.”

“તારી તબિયત કરતા વધુ મહત્વનું નથી.”

આ કોલેજમાં મને માત્ર ટૂંકા ગાળામાં સારા દોસ્તો અને કપિલ મળ્યા હતા. જયારે મારી કોલેજમાં એક વરસ સુધી સાચો કહી શકાય તેવો એક પણ મિત્ર મળ્યો નહોતો. મેં નાગપુરનો એ અદભૂત ભેટ બદલ આભાર માન્યો.

“ઓકેય.” અમે ઉભા થયા.

દાસકાકાએ આનાકાની કરી છતાં કિંજલે કાઉન્ટર પર સોડા ટીનનું બીલ ચુકવ્યું અને કોલેજ બહાર ગયા.

હવે વરસાદ સાવ બંધ થઇ ગયો હતો પણ હવામાં નમી હતી. આકાશમાં છવાયેલા કાળા ડીબાંગ વાદળો તુફાન હજુ પત્યું નથી એમ ચેતવણી આપતા હતા. જમીન પર ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ભરાયા હતા. કોલેજ આગળ પાકો રોડ હતો એટલે ત્યાં કેમ્પસ જેવો કીચડ નહોતો. અમે વરસાદ અને કીચડથી ટેવાયેલ હતા. જંગલ વિસ્તાર નજીક રહેતા દરેક લોકો એનાથી ટેવાયેલ હતા.

રોડ પર ઉભા રહી અમે ઓટોની રાહ જોવા લાગ્યા. કોલેજ બહુ ભીડવાળા વિસ્તારમાં ન હતી છતાં અમારે બહુ રાહ ન જોવી પડી. ત્યાં રોડ પરથી અમને થોડીક જ વારમાં ઓટો મળી ગઈ.

ઓટોએ અમને કિંજલના ઘરના દરવાજે ઉતાર્યા ત્યાં સુધી અમે ખાસ કઈ બોલ્યા વિના ચુપ જ બેસી રહ્યા હતા. ઓટો ડ્રાયવરને કિંજલે વીસની નોટ આપ્યા બાદ અમારે ખાસ ચાલવું ન પડ્યું. કિંજલનું ઘર સોસાયટીમાં બીજી ગલીમાં રોડ પર જ હતું.

કિંજલનું ઘર ખાસ્સું એવું મોટું હતું. એ બે માળનું હતું અને કોઈ પણ મધ્યમ વર્ગીય માણસના ઘર જેવુ જ હતું. ઉપરના માળની બાંધકામ શૈલી નીચેના માળ જેવી જ હતી. ઘરના આગળના ખુલ્લા ભાગમાં નાનકડો ગાર્ડન પણ ડેવલપ કરેલો હતો. મને એ ઘર પસંદ આવ્યું કેમકે મને ગાર્ડન પસંદ હતો.

અમે ઘરમાં દાખલ થયા. ઘર બહારથી જેટલું સુંદર લાગતું હતું એનાથી પણ વધુ સુંદર એ અંદરથી હતું. મુખ્ય હોલમાં પ્રવેશતા જ આધુનિક ફર્નીચર અને બારીઓ પર મખમલી પડદા આવનારનું ધ્યાન ખેચે એવા હતા.

“બેસ.” કિંજલે સોફા તરફ ઈશારો કરતા કહ્યું.

હું સોફા પર ગોઠવાઈ અને કિંજલ રસોડામાં ગઈ. મેં સામેની દીવાલ પર લાગેલ સ્માર્ટ ટીવી તરફ જોયું. લગભગ ચાળીસેક ઈંચનું એ સોનીનું ટીવી હતું. એની આસપાસ લાકડાના એલ.સી.ડી. શો-કેશને લીધે એ વધારે સારું લાગતું હતું.

“પાણી.” કિંજલે કહ્યું ત્યારે મારું ધ્યાન એ તરફ ગયું. એણીએ ફ્રિજમાંથી લાવેલ ઠંડી બોટલમાંથી એક ગલાસ ભરી મને આપ્યો. ઠંડા પાણીથી મને જરાક રાહત થઇ. ત્યારબાદ કિંજલ શો-કેશના ડ્રોવરમાં કઈક શોધવા લાગી.

“શું શોધે છે?” મેં પુછ્યું.

“ટેબલેટ. મમ્મી અહી જ રાખે છે, મમ્મીને પણ માથું દુખવાની સમસ્યા છે એટલે અમારા ઘરમાં પેઈનકીલર હોય જ છે. એનાથી રાહત થશે..”

“ચાલશે હવે થોડુક સારું છે.”

“ના. એમ કેમ ચાલે? તું બેસ હું મમ્મીને બોલાવી લાવું એ બાજુમાં જ હશે.” કિંજલ બહાર ગઈ અને ઘર આગળના બગીચામાંથી બાજુના ઘરના બગીચામાં ડોકિયું કરી એની મમ્મીને બુમ મારી.

“મમ્મી આવે છે.” એ પાછી આવીને મારી પાસે બેઠી.

“મમ્મીને હેરાન કરવાની શું જરૂર હતી.”

“કેમ? મને લાગે તું મને હજુ ફ્રેન્ડ નથી સમજતી.” કિંજલે ઠપકાભરી આંખે મારી તરફ જોયું.

“ના, એવું નથી.” મને જરા સંકોચ થયો.

અમે વાતચીત કરતા હતા ત્યારે કિંજલના મમ્મી ઘરમાં દાખલ થયા. કિંજલને પણ મારી જેમ બધું મમ્મી તરફથી જ વરસામાં મળ્યું હતું. એની મમ્મીનો શારીરિક બાંધો, ઉંચાઈ અને આંખો બધુ કિંજલ જેવુ હતું. જયારે તેઓ કિંજલની ઉમરના હશે ત્યારે કિંજલ જેવા જ લાગતા હશે અને જયારે કિંજલ એમની ઉમરની થશે ત્યારે એમના જેવી લાગશે એવું મને એક જ નજરે જોતા લાગ્યું.

આંટી અમારી સામે ચુપચાપ ઉભા રહ્યા. મને નવાઈ લાગી. કોઈ વ્યક્તિ એમ ચુપચાપ કેમ ઉભું રહે? કમ-સે-કમ આવનારથી કઈક વાત તો કરે. બીજી જ પળે હું સમજી ગઈ એ કેમ ચુપ ઉભા હતા. કિંજલ હાથના ઇશારાથી એમને કઈક સમજાવવા લાગી અને તેઓ પણ વળતા કઈક ઈશારા કરી પૂછવા લાગ્યા. આંટી બોલી શકતા નહોતા. કદાચ સાંભળી પણ શકતા નહોતા.

એમના ઈશારાની વાતચીતમાં મને ખાસ ખબર ન પડી પણ કિંજલે એમને મારી ઓળખાણ આપી એ સમજાયું. તેઓ થોડીવારે મારી તરફ જોઈ ઈશારો કરતા હતા. આખરે કિંજલના મમ્મીએ નીચેના ડ્રોઅરમાંથી ટેબલેટ શોધી કિંજલને આપી અને રસોડામાં ચાલ્યા ગયા.

“મમ્મી બોલી કે સાંભળી નથી શકતા.” કિંજલે મને ટેબલેટ આપી.

“સોરી.” મેં ટીપોય પર પડેલ બોટલથી ગ્લાસ ભર્યો.

“ઈટ’સ ઓકે.” કિંજલ ફિક્કું હસી, “હું કે પપ્પા આખો દિવસ ઘરે નથી હોતા એટલે મમ્મી કંટાળી જાય છે. બાજુમાં જઈને બેસે છે. એ લોકો હવે એનાથી ઈશારામાં વાત કરતા શીખી ગયા છે.”

હું ચુપ રહી. શું બોલવું મને કઈ સમજાયુ નહી. એક પળ પહેલા જે ઘર જોઈ મને થયું કે મારું ઘર પણ આવું હોત તો... એ ઘર એમાં રહેનાર માટે કોઈ કામનું નહોતું. માત્ર એકલતા અને કંટાળો આપનાર હતું. એમને સમય પસાર કરવા બાજુમાં જવું પડતું હતું.

“ઘરમાં તમે ત્રણ જ છો?”

“હા. મારે ભાઈ બહેન નથી. હું એક જ છું.”

“મારે પણ ભાઈ બહેન નથી.”

“ભાઈ બહેન વગર બાળપણમાં ખુબ જ એકલું લાગતું, નહી?”

“હા, અને હવે ચિંતા, કે આપણા ગયા પછી મમ્મી પપ્પા એકલા પડી જશે.”

“હું મમ્મીને છોડીને જવાની જ નથી. કોઈ છોકરાને અહી મારી સાથે રહેવાની શરત મંજુર હશે તો જ લગન કરીશ.” તેણીએ કહ્યું અને મને એ વાત ગમી. કારણ આજની છોકરીઓને બસ બોયફ્રેન્ડ મળી જાય એટલે ઘરે બધાને રામ રામ. પણ કિંજલ તેવી નથી એ જાણી મને ગમ્યું.

“સારો વિચાર છે પણ કોઈ પોતાના પરિવારને છોડીને આવશે?”

“હું કોઈ એવાને શોધી લઈશ જેને પરિવાર જ ન હોય.” કિંજલે મજાક કરી.

“તને તો ખબર જ હશે ને કે અશ્વીનીને પરિવાર ન હતો?” મેં વાત બદલી.

“હા, એ અનાથ હતી પણ એને પરિવાર ન હતો તેવું નહોતું. ક્લાર્ક મેમ અને એમનો પરિવાર અશ્વીનીને પોતાની સગી દીકરીની જેમ રાખતા.”

“આ વીંટીનું શું રહસ્ય છે?” મેં પૂછ્યું પણ કિંજલ કઈ જાણતી હોય તેવું મને લાગતું નહોતું.

“એ મને ખબર નથી, મને શું કોલેજમાં કોઈનેય ખબર નથી.”

“કઈક રહસ્ય તો છે જ.....” મેં કહ્યું.

“હા, રહસ્ય તો છે જ. કઈ ન હોય તો લોકો અલગ અલગ વાતો ન કરે.”

કિંજલના મમ્મીએ ચા બનાવી લીધી હતી. તેઓ ચાના બે કપ લઈ ફોયરમાં આવ્યા. ટ્રે સાથે કપ ટીપાઈ પર મુક્યા. ટીપાઈ પર ચા મૂકી તેઓ કિંજલ તરફ કઈક ઈશારો કરી બહાર ગયા. કિંજલે પણ એમના તરફ કઈક ઈશારો કર્યો પણ મને કઈ સમજ ન પડી.

“શું કહ્યું મમ્મીએ?” મેં ચાનો કપ હાથમાં લીધો.

“તમે નિરાંતે બેસી વાતો કરો. હું બાજુમાં છું.”

“એમને આપણી વાતોમાં રસ ન પડ્યો?”

“એવું નથી પણ એને રસ પડે એ માટે આપણે ઈશારાની ભાષામાં વાત કરવી પડે જે તને નહી ફાવે.”

“આઈ સી. પણ એમણે કઈક હોઠ ફફડાવી કહ્યું હતું. શું એ બોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા?”

“ના. હું લીપ રીડીંગ જાણું છું.”

“શું કહેતા હતા?”

“કઈ કામ હોય તો ફરી બોલાવજે.”

“હમમ...” કહી હું ચા પીવા લાગી.

“તને હવે સારું હોય તો એક વાત પૂછું?” બે ચાર ઘૂંટ ભરીને તે એકાએક બોલી.

“હા પૂછ.”

“અશ્વિની અને રોહિતને શું થયું હતું?”

“એમના હાથની નશો કોઈકે કાપી નાખી હતી. કદાચ એમણે જાતે જ કાપી નાખી હોય.” મેં કહ્યું અને ફરી એક વાર હું ધ્રુજી ઉઠી.

“તેઓ એવું કેમ કરે?”

“એ તો નથી સમજાતું. ત્યાં બીજું કોઈ હોવાની કોઈ જ નીશાની પોલીસને નથી મળી.”

“એ લોકો ઇક્જેટલી કયાંથી મળ્યા?” કિંજલે બંને પગ સોફા ઉપર લીધા અને મારી તરફ ફરીને બેઠી. તે ધીમે ધીમે મારા સ્વસ્થ થયા પછી બધું જાણવા માંગતી હતી એ મને સમજાયું.

“ભેડા પરથી...”

“એ જગ્યા મેં જોયેલી છે. મારા બે ત્રણ જન્મ દીવસ પર હું અને મમ્મી પપ્પા ત્યાં ગયા હતા.”

“મને પણ પપ્પા ત્યાં ઘણીવાર ફરવા લઇ જતા.”

“પોલીસે સિક્યુરીટી કેમેરા ચેક કર્યા?”

“શું?” કિંજલના પ્રશ્નથી હું જરાક ચોકી ગઈ.

“સિક્યુરીટી કેમેરા..... ભેડા પર સિક્યુરીટી કેમેરા લગાવેલા છે, હું ગયા મહીને જ ત્યાં સલીનનો જન્મ દિવસ ઉજવવા ગઈ હતી.”

“ના. સિકયુરીટી કેમેરા તો ધ્યાનમાં જ નથી આવ્યા.”

“ભેડાથી ઉપરના ભાગે ટેકરાળ વિસ્તારમાં સીકયુરીટી કેમેરા લગાવેલા છે. જંગલના પ્રાણીઓના ખાસ દ્રશ્યો મેળવવા માટે કોઈ સરકારી સંસ્થાએ લગાવ્યા છે. કદાચ એમાં એ લોકોની હત્યાનું રેકોર્ડીંગ થઇ ગયું હોય.”

“મારે જવું જોઈએ.....” મેં કહ્યું અને ઉભા થઈને ખાલી કરેલો કપ જે હાથમાં જ રહી ગયો હતો તે ટીપોય પર મુક્યો.

“કેમ?”

“કપિલને આ બધી માહિતી આપવા માટે.” મેં કપડા સરખા કર્યા.

“તારે હમણાં એને આ બધી માહિતી ન આપવી જોઈએ.” તે ઉભી થઇ ગઈ.

“કેમ?” મેં વિસ્મયથી કહ્યું.

“એક તો તારી તબિયત સારી નથી. તારે આરામની જરૂર છે અને બીજું એમના ઘરે આખું શહેર હશે. કેટલાયે લોકો આવેલા હશે. એ લોકો પૈસાદાર અને મોટા માણસો છે. કપિલની હાજરી ત્યાં જરૂરી છે. જો રેકોર્ડીંગ આવ્યું હશે તો કયાંય નહી જાય.”

“કોઈ રેકોર્ડીંગ ડીલીટ કરી દેશે તો?” મેં સંભાવના દર્શાવી.

“એ સરકારી કેમેરા છે. એમનો રેકોર્ડ મહિનાઓ સુધી સાચવી રાખવામાં આવે છે. ચિંતા જેવું કશુ જ નથી.”

“ઓ.કે. તારી વાત સાચી છે. એમને અત્યારે ખલેલ ન પહોચાડવી જોઈએ. એમને એમની સામાજિક અને ધાર્મિક વિધિ કરવા દેવી જોઈએ. જો સીધું પોલીસને કહીએ તો?” મેં પૂછ્યું.

“એમા પણ એક જોખમ છે.”

“શું?”

“કદાચ પોલીસના માણસો ગુનેગારો સાથે ભળેલા હોય તો રેકોર્ડીંગનું સબુત મિટાવી નાખે અને આપણું નામ પણ એ ગુનેગારો સુધી પહોચાડી દે.” મને અંદાજ નહોતો કે કિંજલ આવું વિચારી શકે. પણ તે હોશિયાર છે તે મને ત્યારે જ સમજાયું.

“તો કપિલને કહીશું ત્યારે એ લોકો એવું નહી કરે?” મને પણ જે પ્રશ્નો થયા તે તેને પૂછવા યોગ્ય લાગ્યા.

“ના.”

“કેમ?”

“એ મોટા લોકો છે. સીધા જ પોલીસની સાથે ત્યાં જશે. પોતાની હાજરીમાં એ બધું કામ કરાવશે. પોલીસ રેકોર્ડીંગ જુવે ત્યાં એ લોકો હાજર રહી શકશે અને પોલીસને કોઈ ગોટાળો કરવાનો મોકો નહી મળે. એ લોકોને સીધી મીનીસ્ટર સાથે ઓળખાણ છે એ પોતાની મરજી મુજબ પોલીસ પાસેથી કામ લઈ શકે.”

“એ પણ ખરું.” મેં કહ્યું.

મને લાગ્યું ખરેખર કિંજલ ખુબ હોશિયાર હતી અને હું બહુ ભોળી. હું તો સીધી કપિલ પાસે કે પીલીસ પાસે જાઓત. એ હોશિયાર હોય જ ને? ભગવાને એને મૂંગી બહેરી મા આપી હતી. કિંજલે પોતાને જાતે જ તો સંભાળવી પડી હશે. કદાચ જેની કાળજી લેવા માટે ભગવાન કોઈને નથી મોકલતો તેની શક્તિઓ પણ એટલી વધારી નાખે છે કે તે એકલા હાથે પણ આ સંસાર સામે લડી શકે.

અમે ફરી બેઠા અને એકાદ કલાક સુધી આડા અવળી વાતો કરી. કિંજલના ઘરે ગયા જઈને મને રાહત તો થઇ હતી પણ માથું ભારે જ હતું. મારે થોડા આરામની જરૂર હતી અને મેં એ કર્યું. હું કિંજલના રૂમમાં ઊંઘી ગઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED