Naxatra - 8 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 8)

કિંજલને બાય કહી હું એસ્પનમાં દાખલ થઇ. એસ્પનમાં અમારું ઘર છેક છેડે હતું એટલે મારે લગભગ દસેક મિનીટ ચાલવું પડ્યું. મને કોલેજથી ઘરે આવતા પૂરો અડધો કલાક થયો હતો. હું ઘરે પહોચી.

અમારી કોલેજ રેપ્યુટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ હતી એટલે ડે કોલેજ હતી જયારે હું ઘરે આવી લગભગ સાડા ચાર વાગી ગયા હતા. પપ્પા રોજની જેમ જ પોતાની ડ્યુટી પર ગયેલા હતા. એસન્ટ દરવાજા પાસે પાર્ક કરેલી હતી. પપ્પાને ડ્યુટી પર જંગલ ખાતાની જીપ મળતી એટલે ગાડી તેઓ રોજ ઘરે જ છોડીને જતા. એ ક્યારેય એ જીપનો ઉપયોગ અમારા વ્યક્તિગત કામ માટે ન કરતા, કોણ જાણે કેમ એમને એ સરકાર સાથે બેઈમાની થઇ એવું લાગતું.

જે હોય તે સારું જ હતું, એ જીપ જંગલમાં જ રહેતી નહીતર પપ્પા મને એમાં કોલેજ મુકવા આવત તો કોઈને મારા પર હસવા માટે બીજું કારણ શોધવાની જરૂર ન પડોત.

સારું થયું મમ્મી એ દિવસે દરવાજે મારી રાહ જોઈ રહી નહોતી. હું સીધી જ મારા રૂમમાં જઈ આરામ કરવા માંગતી હતી. મને જોતા જ મમ્મીને ખબર પડી જાય કે હું કોઈક બાબતને લઈને ચિંતામાં છું.

હું ઘરમાં દાખલ થઈ અને સીડીઓ ચડવા લાગી ત્યાં જ મમ્મીનો અવાજ સંભળાયો, “નયના, બેટા હાથ મો ધોઈ લે નાસ્તો તૈયાર છે.”

મમ્મી કિચનમાં હતી પણ સીડીઓ પર મારો પગરવ સાંભળી એ સમજી ગઈ કે એની લાડલી કોલેજથી આવી ગઈ છે.

“મમ્મી તને શું ખબર કે હું જ હોઈશ?” હું સીડીઓ ઉતરી નીચે કિચનમાં ગઈ.

“બીજું કોણ હોઈ શકે?”

“પપ્પા..”

“એ આવ્યા હોત તો પહેલા ટેબલનું ડ્રોઅર ખુલવાનો અવાજ સંભળાયો હોત. આવતા જ એ એમની પિસ્તોલ ખાનામાં મુકે છે જાણે હું એમનાથી કંટાળીને આત્મહત્યા ન કરી લેવાની હોઉં?”

“મમ્મી...” મેં ચિડાઈને કહ્યું, “તને પપ્પાથી શું પ્રોબ્લેમ છે?”

“બેટા પ્રેમ પણ એક પ્રોબ્લેમ જ છે. આખો દિવસ તો એ ડ્યુટી પર જાય મારે કઈક ને કઈક બહાને એમને યાદ તો કરતા રહેવું પડે ને..?”

મમ્મી સાચી હતી. મારી સાથે પણ કઈક એવુ જ થઇ રહ્યું હતું. મારો કપિલ સાથે પહેલા જ દિવસે ઝઘડો થયો અને હું હજુ સુધી એ ઝઘડાને પણ પ્રેમના વાર્તાલાપ જેમ મનમાં મમળાવે જતી હતી.

“મમ્મી ખરેખર પ્રેમ એવો હોય?” મેં પૂછ્યું, “આપણે ઝઘડાને બહાને પણ કોઈનાથી વાત કરવા ઈચ્છીએ એવો..?”

“યસ. ડીયર..” મમ્મીએ મારો હાથ પોતાના હાથમાં લીધો, “યુ આર ઇન કોલેજ એન્ડ સ્ટીલ ડોન્ટ નો ઈટ! લવ ઈઝ ઓફ ઓલ ધ પેશનઝ ધ સ્ટ્રોન્ગેસ્ટ, ફોર ઈટ એટેકસ સીમ્યુંલ્ટેન્સલી ધ હેડ, ધ હાર્ટ એન્ડ ધ સેન્સીઝ.”

“મમ્મી મારે કોઈના ક્વોટ નથી સાંભળવા..” મેં હાથ ખેચી લેતા કહ્યું, “મને સાચો પ્રેમ એ શું જાણવું છે?”

“તો જા ફટાફટ કપડા ચેન્જ કરીને બ્રેકફાસ્ટ ટેબલ પર આવતી રહે. યોર મોમ ઈઝ રેડી ટુ ગીવ યુ લેકચર અબાઉટ લવ.” મમ્મીએ સ્વિટ સ્માઈલ આપી.

હું કોલેજથી ઘરે આવું ત્યારે મમ્મીએ નાસ્તો તૈયાર જ રાખેલ હોય, કોઈવાર બટાટા પૌવા તો કોઈવાર મેગી, મમ્મીને હજી એમ જ લાગતું કે હું નવમાં ધોરણમાં છું ને મને એ બાળપણમાં પસંદ હતા એ નાસ્તા હજુ એટલા જ પસંદ છે જેટલા ત્યારે હતા.

મને ખાસ ભૂખ નહોતી પણ હું જાણતી હતી કે મમ્મી મને ભૂખ્યા ઊંઘી જવાની પરવાનગી તો નહી જ આપે - એને મારા શરીર પર એક્સ્ટ્રા ફેટ જોવાની ધૂન જે લાગી હતી.

હું ફટાફટ સીડીઓ ચડી ઉપર ગઈ.

“નયના, બેટા ઠંડુ થઇ જશે.” હજુ હું હાથ મો ધોઈ ચેંજ કરતી હતી ત્યાજ મમ્મીના બરાડા ચાલુ થઇ ગયા.

“આવી મમ્મી.” હું ફટાફટ મારા હાથ બ્લેક ટી-શર્ટની બાયમાંથી પસાર કરી, મારી પિંક નાઈટીમાં નીચે ગઈ. મને ઘરે લુઝ કપડા જ ગમતા. મને યાદ નથી ક્યારેય હું બીજી છોકરીઓની જેમ ઘરે જીન્સમાં રહી હોઉં કે રાત્રે પણ ફીટ કપડા પહેરીને ઊંઘી હોઉં.

“શું બનાવ્યું છે મમ્મી?” મેં બ્રેકફાસ્ટ ટેબલ પર ગોઠવાતા પૂછ્યું, “ખાય એવું તો બન્યું છે ને?”

મેં મમ્મીને ખીજવવા માટે જ પૂછ્યું હતું બાકી મમ્મી ગુડ કુક હતી એ આંખો બંધ કરી જમવાનું બનાવે તો પણ એ ખાવા લાયક જ બન્યું હોય.

“બટાટા પૌવા. અને ખાવા લાયકનું કહું તો તારા અને તારા પપ્પા સિવાય દુનિયામાં કોઈને પણ મારી રસોઈ સાથે ક્યારેય પ્રોબ્લેમ નથી થયો.”

“કેમકે એમને એકાદ દિવસ જ એ ખાવું પડે છે. અમારી જેમ રોજ નહિ.”

કદાચ મમ્મી સાચી હતી, એકબીજાને મસ્તીથી ખીજવવા એનું જ નામ પ્રેમ હશે. મને મમ્મીને એની રસોઈને લઈને ગુસ્સે કરવામાં મજા આવતી અને જવાબો આપવામાં મમ્મીને પણ મજા આવતી. જો ડાઈનીંગ ટેબલ પર મમ્મીની રસોઈ વિશે મારી કે પપ્પાની એક પણ કોમેન્ટ ન સંભળાય તો મમ્મીને એ દિવસે ઊંઘ ન આવે.

“સ્મેલ તો સારી છે, મમ્મી. હવે આપીશ કે?”

આજે બ્રેકફાસ્ટ ટેબલ પર એ જ કાયમી વાતચીત જેમકે કોલેજમાં દિવસ કેવો ગયો? કોઈ બહેનપણી બનાવી કે હજી એકલી એકલી જ ફરે છે? એવા બે ચાર મમ્મીના સવાલો સાંભળતા અને એ સવાલોના મમ્મીને વાજબી લાગે તેવા જવાબને બદલે પ્રેમ એટલે શું એ વિશે ચર્ચા થઇ. અને પ્રેમના મોટા ભાગના નિયમોને મારા વર્તન સાથે સરખાવતા મને જવાબ મળ્યો કે હું કપિલને ચાહવા લાગી હતી.

નો-વે. હું એ વેઈરડોને કઈ રીતે ચાહી શકું? છતાં હું એને ચાહતી હતી. મેં બટાટા પૌવા પતાવી ઓલ્ડ ચાઈના ડીશ મમ્મી તરફ ખસાવી ત્યારે મમ્મીની આંખોંમાં મને જો હું મમ્મીના નિયમો મુજબ બ્રેકફાસ્ટ લઉં તો મારા શરીર પર એક્સ્ટ્રા ફેટ ચડતા વાર નહિ લાગે એની રાહત દેખાઈ. જોકે મમ્મીના આજ સુધીના પ્રયાસનું કોઈ પરિણામ આવ્યું નહોતું. હું હજુ સુધી એકદમ પાતળી જ હતી.

બ્રેકફાસ્ટ ખતમ કરી હું મમ્મીને બાય કહી સીડીઓ ચડી મારા રૂમમાં ગઈ. મેં મારા સપનામાં જોયેલી બધી ચીજોના સ્કેચ બનાવ્યા હતા. મારા બેડના ડ્રોઅરમાંથી એ સ્કેચીસ બહાર કાઢ્યા. મારી પાસે કોઈ તસ્વીરમાં એનો ચહેરો તો ન હતો પણ મારી કમર પર વીંટળાયેલો એનો હાથ હતો.

મેં એક પછી એક સ્કેચ જોવા માંડયા અને મારો શક સાચો નીકળ્યો લગભગ દસેક સ્કેચ બાદ મને એક એવો સ્કેચ મળી ગયો જેમાં મેં એ હાથ પરની વીંટી ચીતરેલી હતી. એ તે જ વીંટી હતી જેના પર નક્ષત્ર કંડારેલ હતું. એ જ વીંટી જે ક્લાર્ક મેમ અને અશ્વિનીના હાથમાં હતી, એ જ વીંટી જે કિંજલના કહેવા મુજબ કપિલના હાથમાં હતી. એનો અર્થ એ હતો કે કદાચ કપિલ જ મારા સપનામાં આવનાર વ્યક્તિ હતો..??? કે કદાચ એ કોઈ કો-ઇન્સીડેન્સ હોઈ શકે..???

મેં બધા સ્કેચ પાછા બેડના ડ્રોઅરમાં ગોઠવ્યા. તત્વજ્ઞાન સિવાયના અન્ય કોઈ વિષયનું હોમવર્ક ન હતું અને આમ પણ હોમવર્કમાં મારું મન એ દિવસે લાગે તેમ ન હતું એટલે મેં ઘર પાછળના બગીચામાં થોડુક ટહેલવાનું વિચાર્યું. એ બગીચો તો ન કહી શકાય. અમારા ઘરની પાછળથી જંગલ શરુ થઇ જતું એટલે થોડાક જંગલી વુક્ષો અને થોડાક મમ્મીએ ઉછેરેલા ફૂલ-છોડને ભેગા કરીને અમે અમારો બગીચો બનાવી લીધેલો. અમારું ઘર છેલ્લું હતું એટલે અમે એ બગીચો બનાવ્યો એનાથી કોઈ વ્યક્તિને કોઈ વાંધો હતો નહી અને જંગલ ખાતામાં પપ્પા નોકરી કરતા એટલે એ તરફથીયે કોઈ સમસ્યા ન હતી.

હું નાસ્તો કરી બગીચામાં ગઈ. થોડીકવાર આમ તેમ ફર્યા પછી ડાબી તરફને ખૂણે વાવેલા સુરજમુખીના ફૂલો તરફ ગઈ. હજુયે મારા મનમાં કપિલ, પેલી વીંટી અને નિશાનો ચહેરો અવારનવાર આંટા માર્યા કરતા. સાચું કહું તો એ બધું મગજમાંથી નીકાળવા માટે જ હું હોમવર્ક કરવાને કે ટીવી જોવાને બદલે બગીચાના શાંત વાતાવરણમાં ગઈ હતી.

મારું ધ્યાન એક નવા ઉગેલા છોડ પર ગયું. એ બિચારો હજી વેતભરીનો હતો ને બાજુમાં આશોપાલવના નીચે પડેલ સુકા પાંદડાઓથી ઢંકાઈ ગયો હતો. એને તડકો ન મળે તો એ સુકાઈ જશે એમ વિચારી તેના પરથી સુકા પાંદડા હટાવવા મેં પગ લંબાવ્યો. હજી મારો પગ એ છોડ સુધી પહોચ્યો પણ ન હતો ને મને લાગ્યું કે બગીચાની મારા ઘર તરફને છેડે કોઈ છે. કદાચ મમ્મી હશે એમ મેં વિચાર્યું.

મારું ધ્યાન હજુયે એ તરફ હતું ને મારો પગ એ છોડને અડ્યો, ના એ છોડને નહોતો અડ્યો, છોડનો સ્પર્શ આવો ન હોય હું જાણતી હતી, અને બીજી જ પળે મારી બીજી આંગળી પર કાળી બળતરા થવા લાગી. મારા મોમાંથીં એક ચીસ નીકળી ગઈ. મેં મારા પગ તરફ જોયું. એક આછા છીંકણી રંગનો સાપ મને કરડીને ઝડપથી આસોપાલવના ઝાડ તરફ સરકી ગયો.

મને આખો બગીચો ગોળ ગોળ ફરતો હોય એમ લાગવા માંડ્યું. આટલી ઝડપથી ઝેરની અસર તો ન થાય પણ કદાચ હું સાપ મને કરડ્યો છે એ વાતથી એટલી બધી ડરી ગઈ હતી કે મને ચક્કર આવવા લાગ્યા. હું મારી જાતને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવા લાગી પણ મને એવું લાગતું હતું કે હું પડી જઈશ. મેં વિચાર્યું કદાચ હું એ આસોપાલવના ઝાડ સુધી પહોંચી જાઉં તો એ પકડીને સ્થિર રહી શકું. મેં એ ઝાડ તરફ પગલું ભરવાનો પ્રયાસ કર્યો પણ જેવો એક પગ ઉપાડ્યો કે બીજા પગે જવાબ આપી દીધો. મારો બીજો પગ મને સ્થિર રાખવામાં નિષ્ફળ રહ્યો. હું મારું સમતુલન ગુમાવી બેઠી અને પાછળની તરફ પડવા લાગી. મેં આંખો બંધ કરી નાખી અને ક્યારે મારી પીઠ જમીન સાથે અથડાય એની રાહ જોવા લાગી. એ બધું બે ત્રણ સેકંડમાં થઇ ગયું.

હું ગભરા કે હમણા મારું શરીર જમીન સાથે અથડાશે અને પેલી આંગળી પર કાળી બળતરા થઇ એમ જ વળી આખા શરીરને અથડાવાની અસર થશે. હું પડી રહી હતી, મારી આંખો બંધ હતી પણ મને એકાએક લાગ્યું કે હું જમીનથી એકાદ ફૂટ દુર રોકાઈ ગઈ છું. મારી પીઠ અને એ જંગલની આકરી, માટીયાળ જમીન વચ્ચે એક કે દોઢ ફૂટનું અંતર હતું. ડરને લીધે મારા મગજમાં એડ્રીનેલીનનું પ્રમાણ વધી રહ્યું અને બીજી જ પળે મારું શરીર જમીન સાથે અથડાયું. ના મને અથડાવાથી જરા પણ વાગ્યું નહીં, ના હું જમીન સાથે અથડાઈ જ ન હતી, કોઈકે મને પકડી લીધી હતી, મને લાગ્યું મમ્મી તો ક્યાય નજીકમાં ન હતી, મેં આંખો ખોલી, કપિલના ઘૂંટણ જમીનને અડકેલ હતા અને હું એના હાથમાં હતી, એના ખોળામાં હતી કહું તોયે ચાલે.

મને અત્યંત નવાઈ લાગી, એ અહી ક્યાંથી આવ્યો?? હું એને કઈક પૂછવા ચાહતી હતી પણ બોલી ન શકી. કદાચ હું બેભાન થઇ રહી હતી કે કેમ પણ મને એવું લાગ્યું જાણે કે એની કાળી મોટી આંખોની કીકીઓ સોનેરી બની રહી હતી. એની કાળી આંખો ધીમે ધીમે ભૂરી બની રહી હતી. મને એમ લાગ્યું જાણે હું એ ઊંડી સોનેરી આંખોમાં ડૂબી રહી હતી. મને મમ્મીનો અવાજ સંભળાયો, “શું થયું એને?”

મને એમ લાગતું હતું કે કોઈ મને પોતાના બંને હાથમાં ઊંચકીને લઇ જઈ રહ્યું છે. હું આંખો ખોલવા માંગતી હતી પણ ખોલી ન શકી. હું બધુ સાંભળી શકતી હતી. કપિલ મમ્મીને કહી રહ્યો હતો કાઈ વાંધો નથી એ સાપ ખાસ ઝેરી નથી હોતો, ભૂરો બેલ હતો કઈ નહિ થાય. એને કઈ રીતે ખબર કે એ કયો સાપ હતો એ આવ્યો એ પહેલા તો સાપ ત્યાંથી જતો રહ્યો હતો. કદાચ મમ્મી ગભરાઈ ન જાય એ માટે એ અસ્ટમ કહેતો હશે. અમારા વિસ્તારમાં એ સામાન્ય રીતે જોવા મળતો સાપ હતો અને એ સાપ જ સૌથી ઓછો ઝેરી હોય છે એટલે એણે અંધારામાં તીર લગાવ્યું હશે જે સાચુ પડ્યું હતું. મમ્મી એને પૂછી રહી હતી બેટા તને કાર ચલાવતા આવડે છે. મમ્મી એને એ દિવસે પહેલી જ વાર મળી હતી પણ એવી રીતે એનાથી વાત કરી રહી હતી જાણે કે એ એકબીજાને લાંબા સમયથી ઓળખતા હોય.

કપિલ હતો જ એવો. મનેય એને મળ્યાને કયા લાંબો સમય થયો હતો. હમણાં જ તો હું એને મળી હતી છતાં મને એવું લાગતું હતું જાણે હું એને વરસોથી ઓળખતી હોઉં. મને તો એવું લાગતું હતું જાણે વરસોથી નહિ સદીઓથી હું એને ઓળખતી હોઉં. જાણે અનેક જન્મોથી હું અને એ બંને એકબીજાને ઓળખતા હોઈએ. કદાચ મને ઘેન ચડી ગયું હતું. કદાચ મને પહેલે જ દિવસે એનાથી પ્રેમ થઇ ગયો હતો. કદાચ પ્રેમમાં આવું થતું હશે એકદમ અજાણ્યો પણ વરસોનો પરિચિત લાગતો હશે. મારું મન અનેક વિચારોના ચકડોળે ચડેલું હતું.

હું અર્ધ બેભાન હતી, બધું સાંભળી શકતી હતી પણ બોલી નહોતી શકતી! બધું અનુભવી શકતી હતી પણ કશું જોઈ નહોતી શકતી. મારી પાંપણ એટલી બધી વજનદાર થઇ ગઈ હતી કે હું એને ખોલી ન શકી. મેં પાંપણને હાથથી ખોલવાનું વિચાર્યું પણ મારો હાથ મારા કહ્યામાં ન હતો. હું મારા હાથને મારી આંખો સુધી જવાનો આદેશ આપતી રહી પણ જાણે કે એણે હઠ લીધી હોય એમ એ માન્યો જ નહી.

મને કારનો બેક ડોર ખુલવાનો અવાજ સંભળાયો. એ અવાજ સાંભળ્યો અને ત્યારબાદ મારી પીઠ પર કારની સીટના લેધરની ઠંડક અનુભવી. હું સમજી ગઈ કે હવે હું એના હુંફાળા હાથમાં નહિ પણ કારની ડમ્બ સીટમાં હોઈશ. મેં મમ્મીને મારા બાજુમાં બેસી મારા માથા પર હાથ મુકતી અનુભવી. હું એ હાથના સ્પર્શને ઓળખતી હતી. એ પ્રેમાળ કોમળ હાથ મારી મમ્મીનો જ હતો.

પછી એન્જીનના ચાલુ થવાનો ઘૂરકાટ અને ગાડી ઉપડી એનો આંચકો મારા શરીરે અનુભવ્યો. ગાડીના આંચકા સાથે મારું શરીર સીટમાંથી આગળની તરફ ખસી ગયું. મને એકસાથે બે હાથે પડતા રોકી લીધી એક હાથ મમ્મીનો હતો, એજ કોમળ, પ્રેમાળ સ્પર્શ અને બીજો.... બીજો કપિલનો હાથ હતો, એજ હુંફાળો અને મજબુત સ્પર્શ... એ કારની આગળની સીટ પર હતો, એ કાર ચલાવી રહ્યો હતો, છતાં એને કઈ રીતે ખબર પડી હશે કે હું સીટમાંથી પડી રહી છું, એણે એક હાથે સ્ટેરીગ અને એક હાથે મને... કઈ રીતે મેનેજ કર્યું હશે? મારા મનમાં સવાલો થયા. શું એ કારમાં ચાલક સીટની ઉપરની તરફ લગાવેલ પાછળનું વાહન જોવાના અરીસામાં મને જોઈ રહ્યો હશે? એટલે જ તો એને ખબર પડી કે હું સીટમાંથી પડી રહીં છું. બાકી બીજી કઈ રીતે ખબર પડે? એ મને કેમ જોઈ રહ્યો હશે? શું એ પણ... શું એ પણ મારી જેમ... શું એ પણ મને ચાહવા લાગ્યો હશે? મારું મન એવા કેટલાયે સવાલો કરવા લાગ્યું કે જેમના જવાબ મારી પાસે ન હતા

“તને કઈ નહિ થાય અનન્યા...” મને અવાજ સંભળાયો, પાતાળમાં વહેતા કોઈ ઝરણા જેવા એ અવાજ પછી મને કઈ સંભળાયું નહિ. હું એને પૂછવા માંગતી હતી કે તું હજુ મને અનન્યા જ કેમ કહી રહ્યો છે. હું જાણવા માગતી હતી કે કેમ હું એને માટે અનન્યા હતી. મેં મારા હોઠ ફફડાવ્યા, એ સવાલ કર્યો પણ અવાજ ગાળા બહાર નીકળ્યો જ નહિ. મારા છેલ્લા પ્રયાસ રૂપે મેં ડ્રાયવર સીટ પર બેઠેલા કપિલ તરફ હાથ લંબાવ્યો, હું એન ચહેરાને અડવા ઈચ્છતી હતી, હું એના ચહેરાને અડી પણ માત્ર મારી કલ્પનામાં અંધકાર મને ધેરી વળ્યો અને મેં હોશ ખોઈ નાખ્યો.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED