Naxatra - 20 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 20)

“કપિલ, તું મને આમ જોઈ કેમ રહ્યો છે? મને જવાબ કેમ નથી આપતો?” મારા પ્રશ્નથી તે મેં ધાર્યા કરતા પણ વધુ સ્તબ્ધ બની ગયો હતો. એ ચુપ હતો. અમે એકબીજાને જોઈ રહ્યા. જંગલ પરના કાળા વાદળો વધુ કાળા થઈ ગયા. સુકી હવામાં એકદમ નમી ફેલાઈ ગઈ.

“આ બધું તારે જાણવું ન જોઈએ, તારે આ બધાથી દુર રહેવું જોઈએ.” એણે ફરી એ જ કહ્યું. એ કાર તરફ જવા લાગ્યો અને હું તેને અનુસરવા લાગી.

“પણ કેમ?” હું ચિલ્લાવા લાગી, “હું જાણવા માંગું છું. અશ્વિની મારી પણ દોસ્ત હતી. હું તને પ્રેમ કરું છું. આપણે એકબીજાની વાત જાણવી જોઈએ.”

“આ બધું તારી સમજશક્તિ બહાર છે.” હું બરાડી તે છતાં તેણે મારી સામે જોયું પણ નહી બસ કાર તરફ ચાલતો રહ્યો.

“તું મને કઈ કહે તો હું સમજી શકીશ. કદાચ આ કેસમાં મારા પપ્પા આપણી મદદ કરી શકે.” મેં એને સમજાવવા પ્રયાસ કર્યો. તે ચાલતો રહ્યો મેં આકાશમાં જોયું.

વેસ્ટર્ન સ્કાયમાં ક્યાંકથી એકાએક આવી ચડેલા વાદળો સૂર્યના કિરણોનો રસ્તો રોકવા લાગ્યા હતા. બપોરના સમયે પણ સાંજ જેવું લાગવા માંડ્યું હતું. અમે આવ્યા ત્યારથી જ સુરજના કિરણોમાં ખાસ સખ્તાઈ નહોતી. ગમે તે પળે વરસાદ આવે તેવું લાગતું હતું. મને વરસાદની કોઈ પરવા ન હતી. એ વખતે મારા મનમાં હવામાં ચાલતા તુફાન કરતા પણ મોટું તુફાન આકાર લઇ રહ્યું હતું. જોકે એક વાતથી હું અજાણ હતી કે એ હવાનું તુફાન નેચરલ નહોતું. એ ઈવલ સ્ટોર્મ હતું.

“તારા પપ્પા કોઈ મદદ ન કરી શકે. હું તને કે તારા પરિવારને આમાં સંડોવી તમારા જીવનને જોખમમાં ન મૂકી શકું.”

“એવું શું છે કે મારો જીવ જોખમમાં મૂકાઈ જાય. હું મુંબઈમાં રહી છું. મેં આ બધું જોયું છે. મને ડર નથી. હું જાણવા માંગું છું.” હું દલીલ માટે તૈયાર હતી.

“આ મુંબઈ નથી. આ જંગલ છે જે લાખો રહસ્યો પોતાનામાં સમાવીને બેઠું છે.”

“હું એ રહસ્ય જાણવા માંગું છું.”

“પણ હું કહેવા નથી માંગતો.”

“હું એ રહસ્યો જાણવા જ મુંબઈ છોડી નાગપુર આવી છું.”

“ખબર છે પણ મેં એક ભૂલ કરી છે હવે બીજી નથી કરવા માંગતો.”

“કેવી ભૂલ?” મને કઈ સમજાયું નહિ, “તે શું ભૂલ કરી છે?”

“તારા નજીક આવવાની એક ભૂલ કરી છે હવે હું તને આમાં સંડોવી બીજી ભૂલ કરવા નથી માંગતો.”

“મારાથી દોસ્તી કરવી એ તારા માટે એક ભૂલ હતી?” મને આઘાત લાગ્યો.

“હા, તારા સાથે દોસ્તી કરવી એ મારી ભૂલ હતી.”

“તને મારી દોસ્તીથી શું પ્રોબ્લેમ છે?” હું જવાબો મેળવવા હઠી ગઈ હતી.

“રોહિતને પણ અશ્વિનીએ આ સમજાવ્યું હતું. એણે ખુબ જ સમજાવ્યો હતો કે તેણે અશ્વિનીને ન ચાહવું જોઈએ. પણ એ માન્યો નહી અને આજે એને અશ્વિની સાથે જીવ ખોવો પડ્યો. હત્યારાઓને રોહિત સાથે કોઈ જ મતલબ ન હતો. જો એ અશ્વિનીથી દુર રહ્યો હોત તો હું આજે બહેન અને દોસ્ત બંને એકસાથે ન ગુમાવત.”

“મારો શક સાચો હતો કે તું જાણે છે કે એમને કોને માર્યા છે.”

“હા, હું જાણું છું.”

“તે પોલીસને કહ્યું કેમ નહિ?” મને ફરી આઘાત લાગ્યો, “તું નથી ઈચ્છતો કે અશ્વિની અને રોહિતને ન્યાય મળે? તું ખૂનીઓને સજા નથી અપાવવા માંગતો?”

હું આવેશમાં આવી ગઈ. મારા શબ્દો સાંભળી એ ઉભો રહી ગયો. એણે મારા તરફ જોયું. એની આંખમાં હજુ એ અજબ ભાવ એમના એમ હતા કદાચ એ પરામાનસ હતા. એ કોઈ કળી ન શકે એવા હતા.

“મારી પાસે કોઈ પ્રૂફ નથી. હત્યારાઓ વિરુદ્ધ કોઈ સાબિતી નથી.” કપિલના શબ્દોમાં એનો ગુસ્સો અને એની લાચારીનું મિશ્રણ હતું. હું એની હાલત સમજતી હતી, “અશ્વિનીના પેરેન્ટ્સને પણ હત્યારાએ આમ જ માર્યા, એક કાર અકસ્માતમાં. મારા પેરન્ટસે પોલીસ તપાસ કરાવી. ખુબ જ મહેનત કરી પણ કઈ ન થયું. કેસ એકસીડન્ટ તરીકે બંધ થઇ ગયો.”

કપિલનો ગુસ્સો આકાશમાં ચાલ્યો ગયો હોય એમ આકાશે એક ગુસ્સાભરી ગર્જના કરી. આકાશમાં છવાયેલા કાળા વાદળોના પડદાને ચીરતો એક વીજળીનો લીશોટો દેખાયો. આકાશ વરસાદ અને તુફાનની આગાહી આપવા લાગ્યું.

સામાન્ય રીતે હું વીજળીના એ ચમકારા અને તુફાની વરસાદના કડાકા સાંભળી ડરી ગઈ હોત પણ હવે હું જાણે કપિલ જેવી બની ગઈ હતી. મને લાઈટનીંગની જરાય અસર ન થઈ. હું કપિલ સાથે રહી નિર્ભયા બની ગઈ હતી કે પછી એનો સંગાથ મને અભય બનાવી રહ્યો હતો.

“આપણે જવું જોઈએ..” કપિલે આકાશ તરફ નજર કરી, “તુફાન આવવાની તૈયારી છે.”

“હું જવાબો મેળવ્યા વિના કયાંય જવાની નથી..” મેં જીદ કરી.

“કેવા જવાબો નયના..” એણે મારો હાથ પકડ્યો, “તુફાન આવી રહ્યું છે.”

“કોણ છે જે આ હત્યાઓ કરે છે? કેમ કોઈએ અશ્વિનીના પેરેન્ટ્સને મારી નાખ્યા હતા?” મેં સવાલો કર્યા, “કોઈને તમારા સાથે એવી શું દુશ્મની છે કે તારા અંકલ આંટીને માર્યા પછી પણ એ અશ્વિનીને મારી નાખે? કોઈ બદલો લઇ રહ્યું છે?”

“બદલો હત્યારાઓ નથી લઇ રહ્યા. બદલો તો હું લઈશ..” કપિલે કહ્યું, ”રિવેન્જ વિલ બી વેરી હોરિબલ ફોર ધેમ..” એના ચહેરા પર ગુસ્સાના ભાવ ઉતરી આવ્યા એની ફિક્કી આંખો ફરી ચમકદાર બની ગઈ. શિકાર પહેલા વાઘની આંખ જેવી ચમક એની આંખમાં મને દેખાઈ.

“તું બદલો લેવા શું કરીશ?” હું ગભરાવા લાગી.

“હું એ બધાને મારી નાખીશ.” એનો અવાજ ધીમો પણ એકદમ શાર્પ હતો.

“અને પછી..? તારા મમ્મી પપ્પાનું શું થશે? તારું શું થશે?” હું પૂછવા માંગતી હતી કે મારું શું થશે પણ હું એ શબ્દો મનમાં જ બોલી. એ શબ્દો ઉતાવળે બોલવાની મારી હિમ્મત ન થઇ.

“જે થશે એ જોયું જશે પણ હવે હું નિયમોમાં બેસીને પોતાના લોકોને મરતા નહી જોઈ શકું. એમણે બનાવેલા નિયમોમાંથી છટકવાના રસ્તા એ લોકો શોધી લે છે પણ આ વખતે હું એમને નહી છોડું. આ વખતે મારે કોઈ જ સાબિતીની જરૂર નહી પડે.”

“કેવા નિયમો? એ નિયમો કોણે બનાવ્યા છે અને એ લોકો કોણ છે જેમને તું મારી નાખવા ઈચ્છે છે?”

“હું તને નહી જણાવી શકું એ નિયમની વિરુદ્ધ છે.”

“કેવા નિયમ? આપણે એકબીજાને ચાહીએ છીએ અને તારી દરેક વાત જાણવાનો મને હક છે.”

“હું, તને બધું પછી જણાવીશ.”

“કયારે?”

“સમય આવશે ત્યારે...” કપિલ કાર તરફ આગળ વધ્યો, “અત્યારે તો મારે તને કોલેજ છોડી દેવી જોઈએ.”

“હું તારા સાથે જ રહીશ..” મેં કહ્યું, “આઈ એમ ગોઇંગ નો વેર.”

“કમ ઓન.”

“વોટ?”

“ધ કાર... ગેટ ઇન વિથ મી...” એણે ઉતાવળે અવાજે કહ્યું, “ધ રેઇન ઈઝ કમિંગ.”

મેં એની તરફ જોયું. મારે કારમાં બેસવું જોઈએ કે જાણવા માટે જીદ કરવી જોઈએ એ હું નક્કી ન કરી શકી. અમારા વિસ્તારમાં કયારે વરસાદ પડે એ અનિશ્ચિત હોતું પણ એ સમયે વરસાદ આવશે એ અણધાર્યું હતું. હું કપિલને કહેવા માંગતી હતી કે હું બધુ જ જાણ્યા વિના કારમાં નહી બેસું પણ એ જ સમયે આકાશ આખું એકાએક નીતરવા લાગ્યું. હેવી ડ્રોપ્સ કોઈ ભીડને પણ વિખેરી દેવા સમર્થ હતા. મારે ન છુટકે પણ કારમાં બેસવું પડ્યું.

હું એની પાસે કારમાં બેઠી. કારમાં બેઠા બાદ વરસાદના છાંટાનો અવાજ એકદમ અલગ જ સંભળાતો હતો. વરસાદના છાંટા કારના છાપરા પર હથોડાની જેમ અથડાતા હતા. છતાં જાણે એ અવાજ મારા હૃદયના ધબકારા કરતા ધીમો હતો.

તેણે કાર સ્ટાર્ટ કરી. હું એના બાજુમાં જ બેઠી હતી. એ મારાથી એક ઇંચના જ અંતર હતો. હું એને ઘણા બધા સવાલો કરવા માંગતી હતી પણ કાર ચલાવતી સમયે એને ડીસ્ટર્બ કરવો ઠીક ન લાગ્યું.

કાર જંગલના રસ્તે દોડવા લાગી. જે સ્પીડે અમે ભેડા આવ્યા હતા એ જ સ્પીડે એ કાર વરસાદના હેવી ડ્રોપ્સને ચીરતી પાછી જવા લાગી. કપિલ માટે ઘણી બધી અશકય ચીજોની જેમ એટલા વરસાદમાં પણ ફૂલ સ્પીડે ડ્રાઈવ કરવું આસાન હતું. મને નવાઈ લાગી કે બધું બ્લર થયેલ હતું, માંડ જ અમારાથી દશ ફૂટ સુધીનો રસ્તો પણ કલીયર દેખાતો હતો છતાં એ એટલી સ્પીડથી કાર કઈ રીતે ચલાવી શકતો હતો. કાર ટ્રેક પરથી એક સેન્ટીમીટર પણ ડેવીએટ થતી નહોતી. એ માની શકવું અશકય હતું છતાં હું મારી આંખો સામે એ જોઈ રહી હતી. એક વાતતો ચોક્કસ હતી, કપિલ માનવ નહોતો.

તેણે કાર કોલેજના ગેટ આગળ પુલ ઓફ કરી. કારની હાલ્ટના આચકાને લીધે મારી વિચાર શ્રુખલામાં વિઘ્ન થયો.

“મને લાગે વરસાદ બંધ થઇ ગયો છે.” મેં કારનો ડોર ખોલતા અંદાજ લાગાવ્યો. મારા અંદાજ મુજબ જ જયારે હું કાર બહાર નીકળી વરસાદ એકદમ ધીમો થઇ ગયો હતો અને તુફાન જાણે બીજી તરફ ઉતરી ગયું હતું. હું ઉતરીને આકાશ તરફ જોઈ રહી હતી ત્યાં સુધીમાં કપિલે કારને રીવર્સમાં લઇ ફરી એ જ રસ્તા તરફ ફેરવી લીધી.

કાર દેખાતી બંધ થઇ એટલે હું જે.એમ.વોહરાનું સાઈન બોર્ડ ક્રોસ કરી કોલેજ કેમ્પસમાં દાખલ થઇ. મેં મારી મુઠ્ઠી ખોલી. મારી મુઠ્ઠીમાં એક ચમકતા ચાંદીના નાનકડા સિક્કા જેવું કઈક હતું.

હું કારમાં એની નજીક બેઠી ત્યારે મને સીટ પર એ ચીજ દેખાઈ હતી. મેં એ મારા ખિસ્સામાં સરકાવી દીધું હતું. મેં એ સિલવર બટન અને એના પરની કોતરણી પર સર્ચ કરવા માટે કપિલને કહ્યા વિના જ એ લઇ લીધું હતું. મેં ફરી એ બટન જીન્સના પોકેટમાં સરકાવ્યું અને કેફેટેરિયા તરફ પગ ઉપાડ્યા.

મારા કપડા ગેટથી કેફેટેરિયા આવી ત્યાં સુધીમાં પણ થોડાક પલડી ગયા હતા. કેફેટેરિયા એકદમ ખાલી હતું. મોટાભાગના સ્ટુડન્ટસ કલાસમાં હતા. વરસાદ ચાલુ થઇ ગયો હતો એટલે કોઈ બહાર નહોતા. વરસાદ ભારે નહોતો પણ હજુ પવન ખુબ વધારે હતો, માટે મારી બાજુના ટેબલ સુધી છેક છાંટા આવતા હતા. કેટલાક છાંટા મારા પર પડતા હતા છતાં હું સ્થિર પૂતળાની જેમ બેસી રહી. મારા હૃદયમાં બહાર જેવું જ તુફાન ઉમટેલું હતું. કઈક તો હતું નાગપુરમાં જે મને સમજાતું નહોતું. કોઈક એવું રહસ્ય હતું જે કપિલ મારાથી છુપાવી રહ્યો હતો. કપિલ મને ચાહતો હતો એ પણ નિશ્ચિત હતું તો એ મારાથી સત્ય કેમ છુપાવી રહ્યો હતો. હું ગજબ ગુંચમાં મુકાઈ ગઈ હતી. શું કરવું કઈ સુજે એમ નહોતું.

મને એ રીતે છાંટામાં ભીંજાતી બેઠેલ જોઈ કેફેટેરિયા ઓનર મોહનદાસ મારી પાસે આવ્યા. મેં ઓડર કર્યા વગર જ તેઓ એક કપ ચા લઈને આવ્યા હતા. મને થયું કદાચ મારો ચહેરો જોઈ એ સમજી ગયા હશે કે મને ચાની જરૂર હતી. કદાચ મારા ભીના કપડા અને ઉદાસ ચહેરાએ એમને કહી દીધું હશે કે મને ગરમ ચાની જરૂર છે. પણ વેઈટરને બદલે એ પોતે જ કેમ આવ્યા એ જરાક નવાઈ લાગે તેવું હતું.

“શું થયું હતું બેટા?” દાસકાકાએ કહ્યું. એમની ઉમર પિસ્તાળીસેક વરસની હતી. તેઓ ખાસ કરીને કાળી બનીયન અને સફેદ લેઘામાં રહેતા. ગોળ કરચલીવાળા ચહેરા ઉપર મોટી સફેદ મૂછો બધાને ધ્યાનમાં આવે તેવી હતી. તેઓ મોટા ભાગના છોકરાઓને બેટા કહીને જ બોલાવતા. ખાસ તો કદાચ એમને અમારા બધાના નામ ખબર નહી હોય એટલે કદાચ બધાને બેટા કહી સંબોધતા હશે. કોલેજના બધા સ્ટુડન્ટસ પણ એમના સંબોધનનું માન સાચવી એમને દાસકાકા કહેતા.

“અશ્વિની અને રોહિત સાથે શું થયું હતું?” દાસકાકા ટેબલ પર મારા સામેની ખુરસીમાં ગોઠવાયા એ સાથે જ તેમની પીળી પડી ગયેલી આંખો જીણી કરીને પૂછ્યું.

“તમને કઈ રીતે ખબર પડી?” હું ચોકી ગઈ.

“પોલીસ આવી હતી.”

“કેમ?”

“તપાસ કરવા... કુરકુડેને શક છે કે અશ્વિની અને રોહિતની હત્યા થઇ છે. તું ત્યાં ગઈ હતી. તને શું લાગે છે?”

આ માણસને એમાં આટલો રસ કેમ છે? મને એકપળ માટે થયું. એમને શું લેવા દેવા? પણ વિચાર્યું કપિલ, અશ્વિની અને રોહિત અહી રોજ બેસતા એટલે એમને દુખ થયું હશે અને પોતાના કોઈ પરિચિતનું ખૂન થાય કે એ આત્મહત્યા કરે ત્યારે શું થયું હતું એ જાણવાનો પ્રયત્ન તો બધા કરે. એમા પણ મોહનદાસ બધાને પોતાના પરિવાર જેવા સમજતા હતા.

“મને આત્મહત્યા લાગે છે.”

“એ બંને તો એકબીજા સાથે બહુ ખુશ હતા.”

“કોઈ ફેમીલી પ્રોબ્લેમ?” મેં જાણકારી મેળવવા માટે પૂછ્યું કેમકે મને લાગ્યું કદાચ મારા કરતા વધુ માહિતી એમની પાસે હશે. કદાચ હું કઈક એવું જાણી શકું જે કપિલ મારાથી છુપાવી રહ્યો હતો.

“ના,ના એવુ કઈ નહોતું. કપિલને એમના પ્રેમની ખબર હતી. એને કોઈ વાંધો ન હતો. કારકુન મેમ પણ બધું જાણતા હતા.”

“તો પછી રોહિતના કોઈ સગા?”

“ના એ લોકો તો ખુશ હતા. રોહિત એક ગરીબ પરિવારનો છોકરો હતો એના પિતા મારા મિત્ર છે. એમનુ ઘર અમારા વિસ્તારમાં જ છે. એ લોકો તો શહેરના સૌથી અમીર ઘરમાં સબંધ થતો જોઈ ખુશ હતા.” દાસ કાકાએ એક નિશ્વાસ નાખ્યો.

“તો શું કારણ હોઈ શકે?” પ્રશ્ન એક હતો તારણ અલગ અલગ!

“તે જ નથી સમજાતું, આ કોલેજમાં આ ત્રીજો કિસ્સો છે.” એમણે ફરી એક નિશ્વાસ સાથે કહ્યું.

મને થયું દુનિયા કેવી અજીબ છે! આ માણસને પોતાને ત્યાં આવી ચા નાસ્તો કરી જનાર અશ્વિને અને રોહિતની હત્યાનું દુ:ખ છે અને કોઈક એવું છે જેણે કારણ વીના એમને મારી નાખ્યા. પણ કોણે...? હું જાણીને જ રહીશ. મેં નક્કી કર્યું.

“પહેલા કોની હત્યા થઇ હતી, અંકલ?” મેં પૂછ્યું.

“રોહીણી અને એનો મિત્ર અશોક...”

“એ લોકો પણ એકબીજાને ચાહતા હતા?” મેં એમને વચ્ચે જ અટકાવી પુછ્યું.

“હા, એ લોકો પણ એકબીજાને ચાહતા હતા પણ તમે ચાહો એમ નહી. અશ્વિની અને રોહિત એકમેકને ચાહતા એનાથી પણ એમની ચાહત અલગ હતી.”

“મતલબ?” મેં બહારની તરફ જોયું વરસાદ બંધ થવા લાગ્યો હતો. કદાચ વરસાદ જંગલમાં મને મારા જવાબ મેળવતી રોકાવા માટે આવ્યો હતો.

“અશોક અને રોહિણીએ ગાયેલા પ્રેમના ગીતો આ કોલેજને હમેશા યાદ રહેશે. રોહીણી સારી ગાયક હતી અને અશોક ગીટાર વગાડવામાં હોશિયાર. જયારે પણ કોલેજમાં કોઈ પણ ફંકસન હોય અશોક ગીટાર વગાડતો અને રોહીણી ગાતી. એમના સુર અને સંગીત પર આખી કોલેજ નાચી ઉઠતી. આખી કોલેજમાં કોઈ એમની પ્રેમ કહાનીથી અજાણ્યું ન હતું. પણ બિચારા...”

“શું થયું હતું?” હું ઉતાવળી થઇ.

“એક દિવસ એ પણ કોલેજથી એકાએક ગાયબ થઇ ગયા બધાને એમ લાગ્યું કે એ લોકો એકબીજા સાથે પ્રેમ કરતા હતા અને પરિવારે મંજુરી ન આપી એટલે ક્યાંક ભાગીને જતા રહ્યા હશે. પણ બીજા દિવસે કોલેજ પાછળની રેલ્વે ટ્રેક નીચેથી બંનેના ટુકડાઓમાં ફેરવાયેલા શરીર મળ્યા. લોકો કહે છે કે એમણે આત્મહત્યા કરી હતી.” વાત કહેતી વખતે પણ દાસ કાકાની આંખમાં પાણી આવી ગયું.

“અને તમને શું લાગતું હતું?”

“રહસ્ય..” દાસકાકાની આંખોમાં એક અલગ જ ચમક દેખાઈ.

“શું એ કપિલના સગા હતા?” મેં અધીરાઈથી પૂછ્યું.

“ના, એ સ્વામી હતા મારા અંદાજ મુજબ.”

“કોણ ડોક્ટર માથુર સ્વામી?”

“હા, એ જ....”

“તમે એ બંનેથી પરિચિત હતા?” મેં પૂછ્યું.

“હા, તમારી બધાની સાથે છું એનાથી પણ વધુ પરીચિત હતો એમની સાથે. કયારેક રોહીણી ગુસ્સે થઇ જતી તો અશોક આખો દિવસ આ ટેબલ પર બેસી એને મનાવતો. તેઓ કલાસમાં જતા જ નહી. અહી બેસી રહેતા અને વાતો કરતા. ઘણા દિવસ સુધી તો મને નવાઈ લાગતી કે આ લોકો અઠવાડિયામાં બે-ચાર વખત કેમ ઝઘડતા હશે પણ પછી સમજાયું કે રોહીણી કલાસમાં ન જવું પડે અને બહાર બેસી અશોક સાથે વાતો કરવા મળે એ માટે રીસાયાનું બહાનું બનાવતી.” કહેતી વખતે દાસકાકાના ચહેરા પર એક નજીવી ખુશી મને દેખાઈ જાણે પોતાના જ દીકરાને યાદ કરી રહ્યા હોય તેવો ભાવ એમના ચહેરા પર આવ્યો અને જતો રહ્યો.

“રોહીણી રોજ અહી બેસતી તો કદાચ તમે એના હાથ પર કોઈ વીંટી જોઈ હતી?” મેં પૂછ્યું.

“હા, રોહીણીના હાથમાં કપિલ અને અશ્વિની જેવી જ એક વીંટી હતી એટલે જ તો મને લાગે છે કે આ આત્મહત્યા નથી કોઈ જુદો જ મામલો છે કારણ દરેક મરનારની આંગળી પર એ વીંટી હોય છે.”

“ત્રીજું કોણ હતું?” મેં પૂછ્યું.

“કૃણાલ અને ભાવના એ ખાસ્સા વરસ પહેલા આ કોલેજમાં હતા. ત્યારે હું અહી નવો હતો. એ જ વરસે મેં કેન્ટીન ભાડે રાખી હતી. ત્યારે આ કોલેજ પણ બહુ મોટી નહોતી અને આ કેન્ટીન પણ નાનું હતું.”

“એમની સાથે શું થયું હતું?”

“એ જ આત્મહત્યાનો દેખાવ. બંનેએ ઝાડની ડાળ પર ફાંસો ખાઈ લીધો હતો. બધાએ એ જ માન્યું કે એ આત્મહત્યા હતી.”

મારા શરીરમાંથી ગજબ ભયની ધ્રુજારી વહી ગઈ. માંડ સ્વસ્થ થતા મેં પૂછ્યું, “પણ તમને શું લાગે છે?”

“કઈક રહસ્ય... કઈક એવું રહસ્ય જે આખા શહેરથી છુપાવવામાં આવી રહ્યું છે.. બસ એ આપણી કોલેજના કોઈ ખૂણે દફન છે.”

“ભાવનાના હાથ પર પણ એ વીંટી હતી?” મેં પૂછ્યું.

“ના. કૃણાલની આંગળીમાં...”

“કૃણાલ કપિલની જાતનો હતો?”

“કૃણાલ કપિલનો ભાઈ હતો. કારકુન મેમનો મોટો દીકરો.” દાસકાકાના શબ્દો હું ફાટી આંખે સંભાળતી રહી. હું આગળ કઈક પૂછવાનું વિચારતી હતી ત્યાજ મને લંચ ટાઈમનો બેલ સંભળાયો.

“હવે કસ્ટમર સંભાળવા પડશે, દીકરા.” દાસકાકા ઉભા થઇ કાઉન્ટર પર ગયા. હું ત્યાજ બેસી રહી. મને કૃણાલ કપિલનો ભાઈ હતો અને એની સાથે શું થયું એ સાંભળ્યા પછી એકદમ ગભરાહટ થવા લાગી.

હું ખુબ જ અકળામણ અનુભવી રહી હતી.. મારું મન એક જ ડરથી ધ્રુજી રહ્યું હતું કદાચ કૃણાલની જેમ કપિલ સાથે પણ... કદાચ કૃણાલ અને ભાવનાની જેમ મારી અને કપિલ સાથે પણ...

મેં એ વિશે ન વિચારવાનો ઘણો પ્રયાસ કર્યો પણ મારું ઓવર એક્ટીવ માઈન્ડ વાર વાર સંભાવનાઓ બાંધવા લાગ્યું. એ વિચારો મને ગૂંગળાવવા લાગ્યા. મને લાગ્યું જાણે હું ઠંડા પાણીમાં ડૂબી રહી છું. ડર મને અંદરથી ઓવર ટેક કરવા લાગ્યો. મારું આખું મગજ ફરવા લાગ્યું. મારી આસપાસ કેફેટેરિયા ગોળ ફરવા લાગ્યું. મને ચક્કર આવવા લાગ્યા.

કૃણાલ... ભાવના... અશ્વિની.... રોહિત.... રોહિણી... અશોક.... છ નામ મારા મગજમાં ભયાનક વંટોળની માફક ચકરી લેવા લાગ્યા...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED