નક્ષત્ર (પ્રકરણ 19) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નક્ષત્ર (પ્રકરણ 19)

કાર તુફાની પવનની જેમ નાના સિગ્નલો પર અટક્યા વિના જ દોડતી રહી. થોડી જ વારમાં કાર જવેરીનગર પાસેની ભીડમાંથી પસાર કરી જંગલ તરફ ઉપડી. મેં કપિલના ચહેરા તરફ જોયું હજુ એના ચહેરા પર એજ ડર અને હતાશાના ભાવ છવાયેલા હતા, એ જ ઉદાસી હતી. હું સમજી શકતી હતી અશ્વિની અને રોહિત એના દિલથી કેટલા નજીક હતા. હું એના ઉદાસ ચહેરાને વધુ જોવો સહન ન કરી શકી. મેં એના ચહેરા પરથી નજર હટાવી સ્પિડોમીટર તરફ જોવા લાગી. કપિલ એ દિવસે ઓવર સ્પીડ ચલાવી રહ્યો હતો.

કાર સીટીના ભીડવાળા વિસ્તારોમાં દાખલ થઇ ત્યારે કપિલે કારની સ્પીડ કંટ્રોલ કરી પણ એ છતાં એ નોર્મલ સ્પીડ તો નહોતી. નાગપુર શહેરના રસ્તાઓ પર રોજની ભીડ પોતાના આધુનિક જીવન સાથે ફરી રહી હતી અને અમારી કાર એ રસ્તાને ચીરતી ત્યાંથી પસાર થઇ રહી હતી. બપોર થવા આવી હતી, સુરજ માથા પર આવેલ હતો છતાયે એના કિરણોમાં ઝાજુ જોર ન હતું. એકંદરે વાતાવરણ સામાન્ય હતું.

રસ્તા પર કેટલીયે આલીશાન ગાડીઓ દોડી રહી હતી પણ એમાંથી કોઈ જ અમારી જેટલું ઉતાવળું હોય એવું મને ન લાગ્યું. લોકો પોતા પોતાના કામમાં વ્યસ્ત ફરી રહ્યા હતા મને એક પળ માટે થયું આ માનવ જીવન કેવું હોય છે એક પળે જ્યાં કેટલાક લોકો ખુશીથી ખરીદી કરી રહ્યા હોય છે તો બીજી તરફ કોઈ મૃત્યુનો શોક માનવી રહ્યું હોય છે.

એ ભીડને ચીરતી અમારી કાર સતત હોર્ન વગાડતી ત્યાંથી નીકળી ગઈ. થોડીકવારમાં અમે એસ્પન પાસેથીં પસાર થયા. મને મારું ઘર દેખાયું કાચી સેકંડ માટે મને થયું મમ્મી શું કરતી હશે? પણ અત્યારે એ વિચારવાનો સમય ન હતો ફરી મેં કપિલ તરફ જોયું એના ચહેરા પરના ભાવ સતત બદલી જતા હતા હું સમજી ગઈ કે એના મનમાં વિચારો અવિરત પણે દોડી રહ્યા હતા અને એના ચહેરાના ભાવ એના વિચારો મુજબ બદલાઈ રહ્યા હતા. ક્યારેક ક્યારેક એના ચહેરા પર ઉદાસી તરી આવતી હતી તો ક્યારેક ક્યારેક એના લમણાની નશો તંગ થઇ જતી હતી.

એસ્પન વટાવતા જ જંગલ વિસ્તાર શરુ થઇ ગયો. એ માનવમેદની કયાય ગાયબ થઇ ગઈ. રસ્તાની બંને બાજુ દેખાતા મકાનો અને શોપિંગ મોલની જગ્યા વિશાળકાય વ્રુક્ષોએ લઇ લીધી. મને એમ લાગ્યું જાણે હું ત્યાના એક એક વ્રુક્ષથી પરિચિત છું.

હવે ટ્રાફિકની કોઈ સમસ્યા ન હતી એટલે કપિલે કારની સ્પીડ વધારી લીધી. મને ડર હતો કે કયાંક કોઈ જંગલી પ્રાણી વચ્ચે આવી ગયું તો? પણ હું કાંઈ જ ન બોલી. કપિલના ચહેરાના ભાવ જોતા એને ટોકવો મને યોગ્ય ન લાગ્યું.

લગભગ દસેક મિનીટ પછી કાર જંગલમાંથી પસાર થઇ ભેડા તરીકે ઓળખાતા એક સ્થળ પાસે અટકી. એ સ્થળ જંગલમાંના સુંદર સ્થળમાનું એક હતું. ભેડા એ એક ઘાટ હતો જેની નજીક જ એક વોટર ફોલ હતો. એ સ્થળથી હું બાળપણથી જ પરીચીત હતી. પપ્પા જંગલ અધિકારી હતા એટલે જંગલના દરેક જોવા લાયક સ્થળથી પરિચિત હતા અને મને પણ એવા જોવા લાયક દરેક સ્થળનો પરિચય એમણે બાળપણમા જ કરાવેલો. પરંતુ એ દિવસે એ સ્થળમાં મને જરાય સુંદરતા ન દેખાઈ. જાણે એ ઝરણાનો કલરવ પણ મને શહેરના શોર જેવો લાગ્યો. આખો કુદરતી નજારો ઉદાસીની ઘોર પછેડી ઓઢીને સુતો હોય એવું લાગ્યું. ભીની માટી અને લીલા વ્રુક્ષોની સોડમ પણ ગમગીન લાગી.

કપિલે કાર એક જુના વડના વ્રુક્ષ નીચે ખડી કરી. અમે કારમાંથી નીચે ઉતર્યા. કપિલ ઝડપથી થોડેક દુર દેખાતી ભીડ તરફ જવા લાગ્યો. હું પણ એની પાછળ જવા લાગી પણ એ બહુ ઝડપથી ચાલીં રહ્યો હતો. એટલો ઝડપથી કે લગભગ હું ધીમું ધીમું દોડી ત્યારે એનો સાથ કરી શકી.

એ સ્થળ સુંદર હતું, પક્ષીઓ ગઈ રહ્યા હતા અને ઝરણાનો નાદ પાસેના વોટરફોલના અવાજમાં ભળી અદ્ભુત સંગીત રાચતો હતો પણ એ દિવસે કુદરતી સુંદરતા મારું મન બહેલાવી શકે એમ નહોતી. એ ભીડની નજીક જ પોલીસ જીપ પાર્ક કરેલી હતી. કોઈ પણ ઘટના જોઈ એક થઇ જતી એ ભીડના લોકો અંદરો અંદર કઈ વાતચીત કરી રહ્યા હતા. કોઈ રાજનૈતિક ભાષણ હોય અકસમાત હોય કે કોઈનું મૃત્ય લોકો માટે એ બસ કુતુહલ અને ચર્ચાનો વિષય જ બની જાય છે. હું સમજી ગઈ કે જરૂર કઈક વિચિત્ર થયું છે કેમકે અહી કોઈ અકસ્માતથી તો મૃત્યુ પામે જ નહી. શું અશ્વિની અને રોહિતે આત્મહત્યા કરી હશે?કે પછી મેં જોયેલા સપના જેમ કોઈએ તેમની હત્યા કરી હશે?

હું બહુ સંભાળીને ડગલા ભરી રહી હતી. મારે એની સાથે રહેવા ઉતાવળ કરવી પડતી હતી એટલે હું એકાદ બે વાર તો સંતુલન ગુમાવી પડી જતા માંડ બચી હતી. મને નવાઈ લાગી રહી હતી હું બચપણથી આ જંગલમાં ચાલવા ટેવાયેલી હતી છતાં મને ઝડપથી ચાલવું મુશ્કેલ લાગી રહ્યું હતું જયારે કપિલ એવી રીતે ચાલી રહ્યો હતો જાણે એ રોડ પર ચાલી રહ્યો હોય. એની નજર એ ભીડ તરફ જ હતી અને એ ડગલા ભરતી વખતે નીચે પણ જોતો ન હતો છતાં એનો પગ એક પણ વાર લથડ્યો નહોતો.

અમે એ ભીડ પાસે પહોચ્યા. હું થાકી ગઈ હતી પણ એટલું બધું ઉતાવળે ચાલવા છતા કપિલ પર ચાલવાના થાકની કોઈ જ અસર ન હતી. તે એ ભીડને ચીરીને અંદર દાખલ થયો. હું પણ તેને અનુસરી ભીડમાં દાખલ થઇ. અશ્વિની અને રોહિત બંને ઘાસ પર પડ્યા હતા. એમની આસપાસના ઘાસ પરથી કયાંક એવું લાગતું નહોતું કે ત્યાં કોઈ ઘટના થઇ હશે.

કપિલ એમની પાસે જઈ ઘૂંટણીએ પડી બેસી ગયો. એની આંખોમાં આંસુ ન હતા. બસ એની કોરી ફિક્કી આંખો એ બંનેને જોઈ રહી. મેં સપનામાં મારી જાતને અને કપિલને આ ઘાટ પર અનેક વખત જોયા હતા પણ વાસ્તવિકતામાં આ પરિસ્થિતિમાં અમે બંને આ સ્થળે આમ ભેગા હોઈશું એવી કયારેય કલ્પના કરી નહોતી. મેં એક નજર આકાશ તરફ કરી. ખુશીઓના રંગોથી સતત રંગાયેલું રહેતું એ નભ મને શૂન્ય ભાસ્યું.

હું મૃતદેહોની નજીક ગઈ. ઓચિતું મારું ધ્યાન એમના હાથ પર ગયું. બંનેના હાથના કાંડા પર ઊંડા ઘા હતા. એ ઘા કોઈ સર્જિકલ બ્લેડથી થયા હોય એવા હતા. અશ્વિની અને રોહિત લોહી વહી જવાથી મૃત્યુ પામ્યા હતા.

“કપિલ, એમના હાથ...” હું કપિલને એમના કાંડા પર ઊંડા ઘા છે એમ કહેવા માંગતી હતી પણ મારો અવાજ ગાળામાં જ રૂંધાઇ ગયો. હું મારા આંસુઓને માંડ બળ પૂર્વક રોકી શકી. હું ત્યાં કપિલને સાંત્વના આપવા હતી અને હું જ રડવા લાગુ તો એ એકદમ ભાંગી પડે. મારે મજબુત બનવું જ પડ્યું. સાચે જ સમય જ માણસને મજબુત બનાવે છે. મને કે મમ્મીને કોઈને જરાક કઈ વાગે અને લોહી નીકળે તો એ જોઈ પણ હું ગભરાઈ જતી. વધુ લોહી દેખી તો મને ચક્કર આવવા લાગતા છતાં હું ત્યાં મજબુત બની ઉભી રહી.

કપિલની આંસુભીની આંખો અશ્વિની અને રોહિત તરફ ફેરવાઈ. એ એમના હાથ તરફ ફાટી આંખે જોઈ રહ્યો. એણે જે જોયું એ જોઇને એ કઈ બોલી શકવા સમર્થ નહોતો.

“આઈ એમ ઇન્સ્પેકટર કુરકુડે.” એક પાતળો પોલીસ વર્દીધારી કપિલ નજીક આવ્યો, “વોટ ઈઝ યોર રીલેસન વિથ વિકટીમ.?”

“એ મારી કઝીન છે.” મને કપિલના અવાજમાં એક ધ્રુજારી અનુભવાઈ. હું સમજી ગઈ કે એ કેટલો દુ:ખી હતો. હું એના માટે અપરીચીત હતી છતાં એ પાગલની જેમ દોડી મને દવાખાને લઇ ગયો હતો તો અશ્વીની તો એની બહેન હતી. એના પર શું વીતી રહ્યું હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી.

“એના પેરેન્ટ્સ કેમ નથી આવ્યા?” ઇન્સપેકટર કુરકુડેએ સવાલ કર્યો. એના દેખાવ પરથી એ મને નવો જ ભરતી થયેલો દેખાતો હતો. હજુ કોલેજીયન યુવક જેવો જ એનો દેખાવ હતો.

“હર પેરેન્ટ્સ આર નો મોર. એ અમારી સાથે રહેતી હતી.” કપિલે કહ્યું. મને પણ એ વાતની ત્યારે જ ખબર પડી કે હમેશા ખુશ દેખાતી અશ્વિની અનાથ હતી. મેં ફરી અશ્વિની અને રોહિત તરફ જોયું. અશ્વિનીના શરીર પર એકદમ નવું સફેદ ચૂડીદાર, પિંક કમીઝ અને સફેદ દુપટ્ટો હતો. તેના દુપટ્ટાનો છેડો તેના લોહીથી ભીંજાયેલ હતો. અશ્વિની તો મોડર્ન ડ્રેસ વધુ પહેરતી હતી. એ કોઈ કારણથી જ અહી નવા ચડીદારમાં આવી હશે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે નવા ચૂડીદાર પહેરી કેમ આવે? આજ કાલ કોઈ છોકરીઓ ટ્રેડીશનલ કપડા સામાન્ય સ્થિતિમાં પસંદ કયાં કરતી હોય છે?

“એન્ડ ધેટ બોય?” ઇન્સ્પેકટર સવાલો પૂછતી વખતે કપિલને ઓબઝર્વ કરી રહ્યો હતો.

“હી વોઝ માય ફ્રેન્ડ.” કપિલના અવાજમાં દુઃખને લીધે ધ્રુજારી ભળેલી હતી.

“તમારું કોઈ બીજું રીલેટીવ આવવાનું છે?”

“હા, મારા મમ્મી પપ્પા...” કપિલે કહ્યું, “ધે આર ઓન ધ વે.”

મને ધ્યાનમાં આવ્યું કે હું અને કપિલ એકલા અહી આવી ગયા હતા. કપિલ એની મમ્મીને કહેવા નહોતો રહ્યો. કપિલે કોઈને ફોન પણ કર્યો નહોતો. એના પેરેન્ટ્સને કોણે ખબર આપી હશે? તેઓ ઓન ધ વે કઈ રીતે હોઈ શકે? મારા મનમાં સવાલો ઉદભવ્યા છતાં હું ચુપ રહી. એ સમયે વચ્ચે બોલવું મને યોગ્ય ન લાગ્યું. મને પપ્પાએ કહેલા શબ્દો યાદ હતા. પોલીસ સાથે ડીલ કરવામાં હમેશા શબ્દો પર જ ધ્યાન રાખવું પડે છે એ લોકો શબ્દોની જાળમાં જ શિકાર ફસાવે છે. ગમે તે નિર્દોષ માણસને પણ પોલીસ શબ્દોમાં ઉલજાવી ફસાવી નાખે છે અને ઇન્સ્પેકટરના સવાલો પરથી મને લાગતું હતું કે એ કઈક એવો જ પ્રયાસ કરી રહ્યો હતો.

“ઘરે એને કોઈ સાથે ઝઘડો થયો હતો?” કુરકુડેએ એવા સમયે પણ ઇન્વેસ્ટીગેશન શરુ કરી નાખી. પોલીસ કોઈની લાગણી સમજી જ ન શકતી હોય તેમ ગમે ત્યારે તપાસ ચાલુ કરી નાખે છે. બસ એમને એમના કામથી જ મતલબ હોય એવું મને લાગ્યું. મને કુરકુડે પર ગુસ્સો આવ્યો પણ હું જાણતી હતી કે પોલીસ સામે સ્પીચ કરતા સાયલન્સ વધુ સારું હથિયાર સાબિત થાય છે.

“તમે એવું કેમ પૂછી રહ્યા છો ઇન્સ્પેકટર?” કપિલ ચોકી ગયો.

“અશ્વિની અને એના મિત્રે આત્મહત્યા કરી છે.” કુરકુડેએ ધડાકો કર્યો. હું સમજતી હતી એ કપિલને ચોકાવી કઈક જાણકારી મેળવી લેવા માંગતો હતો પણ હું વચ્ચે બોલી શકું એમ નહોતી.

“ના, ઘરમાં બધાએ એના પ્રેમને મંજુરી આપેલી હતી એમની પાસે આત્મહત્યા કરવા કોઈ કારણ નહોતું.” કપિલનો અવાજ છાતીમાં દબાવી રાખેલી ભીંસથી તરડાઇ રહ્યો હતો.

“અહી એમના બે સિવાય કોઈ ત્રીજું આવ્યું હોય એવું કોઈ જ નિશાન નથી. કે એમના આસપાસના ઘાસ પર પણ કોઈ ત્રીજા વ્યક્તીના પગલાના નિશાન નથી.” કુરકુડે જમીન અને બોડી તરફ વારાફરતી જોઇને બોલ્યો.

“તેઓ આત્મહત્યા કેમ કરે?” કપિલે બેબાકળા બની કહ્યું.

“એ પોલીસ જલદી ખબર પાડી દેશે.” કુરકુડેથી જરા દુર ઉભા રહી બધું અવલોકન કરી રહેલ બીજા પોલીસે કપિલની નજીક જતા કહ્યું. એના કપડા અને આવાજ પરથી લાગતું હતું કે એ ઉપરી હશે. હું એની વરદી કે વરદી પરનાં સ્ટાર પરથી એનું પદ જાણી ન શકી. મને એ બાબતનું ખાસ નોલેજ ન હતું પણ મેં અંદાજ લગાવ્યો એ જરૂર ઉપરી હશે. તે પાતળો હતો. તેના ગોળ સફેદ ચહેરા ઉપર આછી મૂછો અને દાઢી હતી જયારે કુરકુડે થોડો સ્વસ્થ શરીરવાળો હતો. તેના શ્યામ લંબગોળ ચહેરા ઉપર દાઢી મુછ હમણાં જ કરાવેલા હોય તેવું લાગતું હતું. પણ તેની આંખો ચબરાક હતી.

એ ઉપરીના કહેવાનો મતલબ શું હતો એહુ જાણતી હતી. એ કપિલ અને એના પરિવાર પર શક કરી રહ્યો હતો. પરોક્ષ રીતે કહી રહ્યો હતો કે જો તમે એમને માર્યા હશે તો હું તમને પકડી લઈશ.

“કોઈકે એમની હત્યા કરી છે.” કપિલે કહ્યું. તેનાના કપાળની નશો મેં તંગ થતા જોઈ. એના જડબાં ભીંસાયા અને એની આંગળીઓ મુઠ્ઠીમાં બંધ થઇ, “ધીસ ઇઝન્ટ સ્યુસાઈડ..”

“કોઈ એમની હત્યા કેમ કરે?” કુરકુડેએ પૂછ્યું અને પછી એના બાજુના પોલીસ તરફ જોયું, “સરલકર, તને શું લાગે છે?” બંને પોલીસો રમત રમી રહ્યા હતા.

“સર, મોટીવ વિના કોઈ હત્યા કેમ કરે?” સરલકરે જવાબ આપ્યો, એણે કુરકુડે માટે સર સંબધન વાપર્યું એ પરથી મને અંદાજ આવ્યો કે એ ઉપરી નહોતો.

“તમે એવું કઈ રીતે કહી શકો કે ખૂન માટે કોઈ મોટીવ નહોતો?” કપિલે પૂછ્યું.

“શું તમને કોઈના પર શક છે?” ઈન્સ્પેક્ટરે સામે પૂછ્યું.

એ જ સમયે એમ્બ્યુલન્સના પીચ હાઈ સાયરનનો અવાજ સંભળાયો. મેં એ તરફ જોયું. અમે જે રસ્તેથી આવ્યા હતા એને બદલે ઉપરના લાંબા રસ્તેથી એમ્બ્યુલન્સ એ તરફ ધસમસતી દેખાઈ. પણ હવે એનો કોઈ ફાયદો નહોતો. એમ્બ્યુલન્સ મૃતદેહોની શું મદદ કરી શકે? ટૂંકા રસ્તેથી છેક ભેડા સુધી પહોચાય એમ નહોતું એટલે એમ્બ્યુલન્સ ચાલકે લાંબો રસ્તો અપનાવ્યો હતો. ડ્રાયવરે ઉપરનો માર્ગ પસંદ કર્યો હતો જેથી છેક ભેડા સુધી આવી શકે. ત્યાં આવેલી પોલીસ જીપ પણ એ માર્ગે જ આવી હશે.

“જો કોઈ મોટીવ હશે તો એ શોધી લેતા પણ અમને વાર નહિ લાગે..” સરલકરે પોતાનું વાકય અને ટોન બંને બદલતા પૂછ્યું, “તમને કોઈના પર શક છે?”

“ના.”

“તો તમે કેમ એવું વિચારો છો કે આ મર્ડર કેસ છે?” સરલકરે જ એ સવાલ પૂછ્યો. મને એક વાતની રાહત હતી કે સરલકર માત્ર તપાસ માટે જ એ બધી ઇન્કવાયરી કરી રહ્યો હતો. એનો હેતુ કપિલને કેસમાં ફસાવી પૈસા પડાવવાનો નહોતો કેમકે મેં પપ્પાને આજ સુધી માત્ર એક જ પોલીસ અધિકારીની ઇમાનદારીના વખાણ કરતા સાંભળ્યા હતા અને એ નામ સરલકર હતું. પપ્પા જેવા પોલીસને નફરતથી જોનારા જેની ઈમાનદારીના વખાણ કરે એ ઓફિસર બેઈમાન ન જ હોઈ શકે.

“હું અશ્વિની અને રોહિતને સારી રીતે જાણતો હતો. તેઓ કયારેય આત્મહત્યા ન જ કરે.” કપિલની આંખોમાં ઉદાસી પણ અવાજમાં મક્કમતા હતી.

“હત્યા થઇ હોય એમ માનીએ તો પણ એના પાછળ કોઈ મોટીવ તો હોવો જ જોઇએ. હત્યા લુંટ માટે પણ નથી થઈ મૃતદેહ પરથી એક પણ કીમતી વસ્તુ ગાયબ નથી. ગાળામાં પહેરેલ સોનાની ચેન પણ એમની એમ જ છે.” ઇન્સ્પેક્ટરે મૃતદેહ પાસે ઉભડક બેસતા કહ્યું.

મેં અશ્વિની અને રોહિતના મૃતદેહ તરફ જોયું. ઇન્સ્પેકટરની વાત સાચી હતી. હત્યા થઇ હોય તેવો કોઈ પુરાવો નહોતો. લુંટની પણ કોઈજ સાઈન નહોતી કેમકે કોઈ જ ઘરેણું ગાયબ...

“એની અંગુઠી ગાયબ છે?” મારા ધ્યાનમાં આવ્યું. મેં અંગુઠી શબ્દ પર ભાર મુક્યો જે એકદમ વિચિત્ર હતું.

“વોટ?” કપિલ અશ્વિનીના હાથને જોઈ રહ્યો.

“મેં કોલેજમાં જોયું હતું. અશ્વિની એક નક્ષત્રની કોતરણીવાળી ચાંદીની વીંટી પહેરતી હતી. એ ગાયબ છે.” મેં ફરી કહ્યું. બધા મને જોઈ રહ્યા.

“યસ, અશ્વિનીના હાથ પરની વીંટી ગાયબ છે.” કપિલને એ વીંટી ગાયબ થયાનું ધ્યનમાં આવતા એકદમ શોક કેમ લાગ્યો એ મને સમજાયું નહિ.

એમ્બ્યુલન્સ પોલીસ વાન નજીક ઉભી રહી ગઈ હતી, સફેદ ગણવેશમાં સજ્જ બે કમ્પાઉન્ડરો એમ્યુલન્સનો બેક ડોર ખોલી સ્ટ્રેચર નીકાળી રહ્યા હતા.

“કોઈ વ્યક્તિ સોનાની ચેન અહી છોડી ચાંદીની વીંટી કેમ લઇ જાય? એણીએ જાતે જ એ ઉતારી દીધી હશે.” ઈન્સ્પેકટરે વાંધો ઉઠાવ્યો. એના અવાજે મારું ધ્યાન એમ્બ્યુલન્સ પરથી પાછું એ ઘટના પર વાળ્યું.

“હાઉ કેન યુ મેક એની કોન્કલુઝન?” હું હવે બોલ્યા વિના ન રહી શકી, “યુ જસ્ટ થીંક બીફોર ડીકલેરીંગ એનીથિંગ.”

મને પોતાને જ ન સમજાયું કે ઇન્સ્પેકટર કક્ષાના ઓફિસર સાથે હું એટલું રુડલી કઈ રીતે બોલી શકી. કદાચ એ હિમ્મત મારી આંખો સામે રહેલા મૃતદેહોને જોઇને આવી હતી. મને એમના સાથે ઠીકથી પરિચય કરવાનો મોકો પણ નહોતો મળ્યો.

“હું અંત સુધી જવામાં કોઈ ઉતાવળ નથી કરતો મિસ..” ઈન્સ્પેકટરે એના શબ્દો અધૂરા છોડ્યા.

“નયના...” મેં કહ્યું, “નયના મેવાડા..”

“યસ, ધેન મિસ નયના મેવાડા. તમે મને સમજાવી શકશો કે ખૂની એ મામુલી કિમતની ચાંદીની વીંટી લુટી લીધી અને સોનાની ચેન કેમ અશ્વિનીના ગાળામાં જ રહેવા દીધી.” સરલકરે પૂછ્યું, “કેન યુ પ્લીઝ એક્સપ્લેઈન?” તેણે પૂછીને નવાઈથી આંખો મોટી કરી. મારી પાસે એ સમજાવવા કોઈ શબ્દો નહોતા. હું ચુપ રહી.

“ખુનીએ એ વીંટી જ કેમ લીધી એ ખબર નથી પણ હું ચોક્કસ કહી શકું કે અશ્વિની જાતે એ વીંટી કયારેય ન ઉતારે.” આખરે કપિલ બોલ્યો.

“કેમ એ વીંટીમાં શું હતું.” સરલકર ચોક્યો.

“એ રીંગ એની મમ્મીની હતી. એની મમ્મીની છેલી નિશાની જેવી રીંગ એ કયારેય ન ઉતારે.”

“સર...” સફેદ યુનિફોર્મમાં સજ્જ એક કમ્પાઉન્ડર જેવો દેખાતો વ્યક્તિ ઇન્સ્પેકટર નજીક પહોચ્યો, “હેવ યુ કમ્પ્લીટેડ સર?”

“યસ..” કુરકુડેએ કહ્યું, “આઈ હેવ કમ્પલીટેડ.. નાઉ ધે આર ઓલ યોર્સ.”

“ઓકેય..” કમ્પાઉન્ડરોએ પહેલા અશ્વિની અને ત્યારબાદ રોહિતના મૃતદેહને સ્ટ્રેચર પર લઇ જઈ અમ્બ્યુલન્સમાં ગોઠવ્યા.

“મૃતદેહને પોસમોર્ટમ માટે રેફરલ મોકલી રહ્યા છીએ, કાનૂની વિધિ પતિ જાય એટલે તમને સોપી દેવામાં આવશે.” એમ્બ્યુલન્સ ચાલુ થઇ એટલે ઈન્સ્પેકટરે કપિલ તરફ જોઈ કહ્યું. કપિલે કઈ બોલવાને બદલે માત્ર હકારમાં માથું હલાવ્યું.

“મિસ્ટર....” કહી ઇન્સ્પેકટર અટકી ગયો.

“કપિલ..” કપિલે ઉદાસ સવારે કહ્યું.

“રેપોર્ટ આવે એટલે બધું ક્લીયર થઇ જશે, માફ કરજો હું સમજી શકું છું પણ પોલીસનું કામ જ એવું છે, જો જરૂર પડશે તો તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે, અમુક ફોર્મ પર સાઈન કરવા.”

“ઓકે ઇન્સ્પેકટર..” કપિલે નરમાશથી જવાબ આપ્યો, “યુ ડુ યોર ડ્યુટી, આઈ વિલ માઈન.”

ઇન્સ્પેક્ટરે માત્ર માથું હલાવ્યું, કદાચ એ કપિલના શબ્દોનો અર્થ સમજ્યો નહોતો.

“કોન્સ્ટેબલ..” કુરકુડેએ અવાજ આપ્યો એ સાથે જ થોડેક દુર ઉભો એક હવાલદાર જઇને પોલીસ જીપ કુરકુડે નજીક લઇ આવ્યો, કુરકુડે અને સરલકર પોલીસ જીપમાં ગોઠવાયા અને જીપ પોલીસ સાયરનના હાઈ પીચ અવાજ સાથે એમ્બ્યુલન્સ જે રસ્તે ગઈ એ રસ્તે દોડવા લાગી.

ધીમે ધીમે લોકોની ભીડ પણ વિખેરાવા લાગી પણ હજુ કપિલ ત્યાજ જમીન પર બેઠો હતો. એ જ કોરી આંખોથી ભીના ઘાસને જોઈ રહ્યો હતો જ્યાં થોડીક વાર પહેલા અશ્વિની અને રોહિત ચીર નિદ્રામાં સુતા હતા. એવી નિદ્રા કે જેમાંથી તેઓ ફરી ક્યારેય ઉઠવાના ન હતા.

“કપિલ, તારી જાતને સંભાળ.” મેં એના ખભા પર હાથ મુકયો. કપિલ જમીનના ઘાસ પર હાથ ફંફોસી રહ્યો હતો જાણે એ ત્યાંથી અશ્વિની અને રોહિતની ખોવાઈ ગયેલી જિંદગી શોધી રહ્યો હોય. હું એના હૃદયમાં હથોડાની જેમ ઝીંકાતા દુઃખને મહેસુસ કરતી એની પાસે ઉભી રહી.

“એમની હત્યા થઇ છે...” કપિલ ઘાસ પરથી બેજાન લાશની જેમ ઉભો થયો અને મારી સામે જોયું, “આ આત્મહત્યા નથી...”

એની આંખોમાં કઈક વિચિત્ર ભાવ હતો જે મારા માટે એકદમ અજાણ્યો હતો. એ આંખો ફિક્કી હતી, એમાં કોઈ ચમક નહોતી. એ આંખો હેઝલ નહિ પણ ડાર્ક હતી.

“પણ કોઈ એમની હત્યા કેમ કરે?” મને હત્યાનું કારણ સમજાતું નહોતું.

“વીંટી માટે...” કપિલ એટલું બોલીને અટકી ગયો, જાણે એ ભૂલથી બોલી ગયો હોય અને હવે એ આગળ ન બોલવા માંગતો હોય એમ ચુપ થઇ ગયો.

“કોઈ વીંટી માટે કેમ ખૂન કરે?” મેં હિમ્મત કરીને પૂછ્યું, “આ વીંટી શું છે? તમે બધા કેમ એ પહેરો છો?”

હું એ બધું જાણવા ઉત્સુક હતી.

“મને ખબર નથી..”

“તું જાણે છે..” મેં જીદ કરી, “તું મારાથી કઈક તો છુપાવી રહ્યો છે.”

“છુપાવવા માટે કઈ નથી...”

“કઈક તો છે.”

“કઈ નથી..” એણે આંખો ફેરવી લીધી મતલબ એ જુઠ્ઠું બોલી રહ્યો હતો.

“યુ હેવ સમ સિક્રેટ, સિક્રેટ અબાઉટ ધ રીંગ...”

“હા, રીંગ વિશે રહસ્ય છે..” એના અવાજમાં ગુસ્સો ભળ્યો, “પણ હું તને નહિ કહી શકું...”

“હું જાણવા માંગું છું કે તમે બધા એ વીંટી કેમ પહેરો છો?”

“તેનાથી તારા ઉપર જોખમ આવશે...”

“મારા પર શું જોખમ છે?” હવે હું કપીલથી ડરતી નહોતી એટલે એવી પરિસ્થિતિમાં પણ હું સવાલો કરતી ગઈ.

“આઈ ડોન્ટ વાન્ટ ટુ સી યુ ડેડ..” એનો અવાજ તરડાઇ ગયો, “હું તને અશ્વિની અને રોહિત જેમ નિર્જીવ જોવા નથી માંગતો.”

“હું મારવા તૈયાર છું.” મેં મક્કમતાથી કર્યું.

“તું પાગલ થઇ ગઈ છે.”

“પાગલ થયા વિના પ્રેમ કરવો અશકય છે.”

“પ્લીઝ, નયના. તારે એ બધું જાણવું ન જોઈએ.” એ મારી આંખોમાં જોઈ કરગરવા લાગ્યો. એની આંખો ભાવશૂન્ય હતી, કોરા કાગળ જેવી જેમાંથી હું કશું ન વાંચી શકી.

“પણ કેમ?”

“મારાથી દુર રહેવામાં જ તારી ભલાઈ છે. હવે આપણે અહીથી જવું જોઈએ.” કહીને એ વડના ઝાડ નીચે પાર્ક કરેલી કાર તરફ જવા લાગ્યો. એની આંખો મને કહી ગઈ કે એ જુઠ્ઠું બોલતો હતો. મારું ઈન્સ્ટીકટ કહેતું હતું કે અશ્વિની અને રોહિતની હત્યા કેમ થઇ છે અને કોણે કરી છે એ બાબત કપિલ જાણતો હતો. અને મારું ઈન્સ્ટીકટ કયારેય ખોટું નથી પડ્યું.

“તું કેમ બધાથી છુપાવી રહ્યો છે?” હું એની પાછળ જવા લાગી.

“શું?” અમે સાઈડ ટુ સાઈડ ચાલી રહ્યા હતા.

“હકીકત..”

“શું હકીકત?”

“તું જાણે છે કે અશ્વિની અને રોહિતની હત્યા કોણે કરી છે...” મેં કહ્યું, “તે કુરકુડે અને સરલકરને કહ્યું કેમ નહિ?”

એ ઉભો રહ્યો અને મારી સામે જોઈ રહ્યો. એની આંખો નવાઈથી પહોળી થયેલી હતી. કદાચ કપિલે મારા તરફથી આવા પ્રશ્નની આશા નહી રાખી હોય. તે મને બસ જોઈ જ રહ્યો...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky