Sapna advitanra - 25 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૨૫


ડૉ. ભટ્ટ અને આદિત્ય જ્યારે કે. કે. ના રૂમ માં પહોંચ્યા, ત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ પણે કંટ્રોલમાં હતી. હા, પોતાની ચૂકને કારણે નર્સ થોડી ગભરાયેલી હતી, પરંતુ અત્યારે નર્સ અને કે. કે. આશ્ચર્યથી રાગિણી તરફ તાકી રહ્યા હતા. રાગિણી અસ્ફૂટ સ્વરે કશુંક બબડી રહી હતી. તેની નજર શૂન્યમાં સ્થિર હતી અને એક જ વાત વારંવાર બોલતી હતી... 

"ડૉ. જોનાથન... કોલ ડૉ. જોનાથન... "

આદિત્ય એ રાગિણી ના ખભે હાથ મૂક્યો અને રાગિણી ઝબકી ગઈ. તેણે ચમકીને આદિત્ય સામે જોયું. આદિત્ય એ નોંધ્યું કે એસી ચાલુ હોવા છતાં રાગિણી ના કપાળે પરસેવાના ટીપા બાઝી ગયા હતા. 

"આર યુ ઓકે? "

આદિત્ય ના પ્રશ્ન ના જવાબમાં તેણે માત્ર માથુ હલાવી હા પાડી. નર્સ ના ચહેરા પર હજુ પણ ભય પથરાયેલો હતો. ડૉ. ભટ્ટ જાણતા હતા કે આ એક બહુ કોમન એક્સિડન્ટ છે. બોટલ ચડતી હોય અને તેનુ પ્રવાહી ખાલી થઈ જાય છતાં જો મેઝરીંગ વ્હીલ થી રસ્તો બંધ કરવામાં ન આવે, તો શરીરઊમાંથી લોહી બોટલ મા ચડવા માંડે છે. અનુભવી સ્ટાફ હોય તો આવી ઘટના નહિવત્ બને છે. છતાં માણસ માત્ર ભૂલ ને પાત્ર, એ ન્યાયે ક્યારેક આવુ થઈ પણ જાય! આવા સમયે મુખ્ય વસ્તુ છે દર્દી અને તેના સગા વ્હાલાઓનુ વર્તન. જો તેમની સામે ડૉક્ટર પોતાના સ્ટાફ ની ભૂલ ને હળવાશથી લે તો હોસ્પિટલ ની ઇમેજ ખરડાય એવુ બની શકે. એટલે જ ડૉ. ભટ્ટે કડક શબ્દોમાં નર્સ ને ગુસ્સો કરી પોતાની કેબીનમા મળવા કહ્યું. 

"સોરી કે. કે. આવી બેદરકારી ન ચાલી શકે. આજે જ એ નર્સ ને નોકરી છોડવી પડશે. તમારી માટે હમણાં જ નવી નર્સ ને અપોઇન્ટ કરૂ છું. "

ચૂપચાપ બધું સાંભળીને ડૉક્ટર ની રજા મળતા નર્સ ત્યાથી જતી રહી હતી. નર્સ ના ગયા પછી ડૉ. ભટ્ટ ને શાંત પાડતા કે. કે. એ કહ્યું, 

"ઇટ્સ ઓકે ડૉક્ટર. એટલું બધું પણ કંઈ થયું નથી. હવે એ બિચારી નર્સ ને કોઈ પનિશમેન્ટ ન આપશો. આઇ રીક્વેસ્ટ યુ. બહુ સારી રીતે કેર કરે છે મારી. બીજી નર્સ ની જરૂર નથી. આઇ ઇન્સિસ્ટ કે આગળ પણ આ જ નર્સ અહીં રહે. " 

આદિત્ય આ બધું જોઈ મનમાં ને મનમાં ડૉ. ભટ્ટ ની વાત વાળી લેવાની કાબેલિયત ને દાદ આપી રહ્યો. રાગિણી એમજ સ્થિર બેસી રહી હતી. કદાચ, હજુ પોતાની જાત સાથેના દ્વંદ્વમાંથી બહાર નહોતી આવી! કે. કે. એ વાતને બીજા પાટે ચડાવતા પૂછ્યું, 

"કોઇ નવા ડૉક્ટર આવ્યા છે? સમ લાઇક ડૉ. જોનાથન! "

આદિત્ય ના કાન ચમક્યા. તેણે તો હજુ કે. કે. સામે ડૉ. જોનાથન નો ઉલ્લેખ જ નહોતો કર્યો! તેણે રાગિણી સાથે મુલાકાત ગોઠવવા બદલ કે. કે. સામે એક બ્લાઇન્ડ શરત મૂકી હતી. તેનુ માનવુ હતુ કે એકવાર કે. કે. શરતમાં બંધાઈ જશે, તો તે પોતાની વાત અચૂક માનશે. એટલે જ રાગિણી સાથે મુલાકાત થઈ ગયા પછી તે ડૉ. જોનાથન અને અમેરિકા શિફ્ટ થવા બાબત કે. કે. ને જણાવવાનો હતો. પણ કે. કે. ના મોઢે ડૉ. જોનાથન નુ નામ! તેણે આશ્ચર્ય થી ડૉ. ભટ્ટ સામે જોયું. કદાચ, તેમણે જણાવ્યું હોય.... 

ડૉ. ભટ્ટ ને લાગ્યું કે આદિત્ય એ વાત કરી લીધી છે. પણ, કન્ફ્યુઝ તો એ પણ થયા. ડૉ. જોનાથન તો અમેરિકા હતા અને વાત કે. કે. ના ત્યા જવાની હતી. ડૉ. જોનાથને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે કોઈ હિસાબે પોતાના એક્સપરીમેન્ટ છોડી ને ભારત નહી આવી શકે. તો પછી કે. કે. જે બોલ્યો તે.... ડૉ. ભટ્ટે પણ પ્રશ્નાર્થ નજરે આદિત્ય સામે જોયું. ડૉ. ભટ્ટ અને આદિત્ય ને આવી રીતે પરસ્પર તાકી રહેલા જોઈને કે. કે. હસતાં હસતાં બોલ્યો, 

"જસ્ટ, આ તો જ્યારથી આ મેડમ આવ્યા છે ત્યારથી એકજ રટ લગાવી છે - કોલ ડૉ. જોનાથન.... એટલે આઇ થોટ કે... "

આદિત્ય ને નવાઈ તો ખૂબ લાગી, પણ તેણે ચાન્સ જોઈને વાત ઉપાડી લીધી. તેણે ટૂંકમાં ડૉ. જોનાથન વિશે, તેની રીસર્ચ વિશે જાણકારી આપી. સાથે સાથે આગળની ટ્રીટમેન્ટ અમેરિકા જઇને કરવાની છે, એવું પણ જણાવી દીધું. આદિત્ય એ ધાર્યું નહોતું કે આ વાત આવી રીતે રાગિણીની હાજરીમાં થશે, પરંતુ હાથમાં આવેલ મોકો પણ તે છોડી શકે એમ નહોતો. 

બધી વાત કર્યા પછી કે. કે. કોઇ રિસ્પોન્સ આપે તે પહેલાં જ આદિત્ય ત્યાથી સરકી ગયો. કે. કે. ડૉ. ભટ્ટ ને કંઈ કહેવા ગયો, ત્યાં તો એક નર્સે આવી ને કોઈ ઇમર્જન્સી આવી હોવાનું કહેતા ડૉ. ભટ્ટ પણ ઉતાવળી ચાલે ત્યાંથી નીકળી ગયા. ફરી કે. કે. અને રાગિણી એકલા પડ્યા. થોડી ક્ષણો એમજ શાંતિથી પસાર થઈ ગઈ. રાગિણી ને સમજાતું નહોતું કે વાત ની શરૂઆત ક્યાથી કરે, એટલે તે આંગળી પર રૂમાલના વળ ચડાવતી એમ જ બેસી રહી. એટલે કે. કે. એ વાતની શરૂઆત કરી. 

"મિસ રાગિણી, આર યુ ઓકે? "

"હં... હા... "

રાગિણી એ એકાક્ષરી ઉત્તર આપ્યો. હવે તે વધુ સભાન થઈ ગઈ હતી. 

"સો, શેલ વી સ્ટાર્ટ? "

"યા, અફકોર્સ. "

અને રાગિણી એ બેગમાંથી ફાઇલ કાઢીને કે. કે. સામે ધરી દીધી. કે. કે. એક એક પાનું પલટતો ગયો અને રાગિણી દરેક પાનાને લગતી વિગત બોલતી રહી. પૂરી પિસ્તાળીસ મિનિટ પછી કે. કે. ના ચહેરા પર સંતોષ નુ સ્મિત આવ્યુ. તેને ધરપત થઈ કે તેની ગેરહાજરીમાં પણ સિંગાપુરવાળા પ્રોજેક્ટ નુ કામ યોગ્ય રીતે અને યોગ્ય ઝડપે થઈ રહ્યું છે. કે. કે. એ ફાઇલ પાછી આપી જે રાગિણી એ ફરી બેગમાં મૂકી દીધી. 

નાઉ વ્હોટ? પ્રોજેક્ટ ની વાત તો પૂરી થઈ. પણ મેઇન જે વાત જાણવી હતી, તે કઇ રીતે પૂછવી? એ પ્રથમ અલપ ઝલપ મુલાકાત... અને ત્યાર પછી ઉભુ થયેલું સસ્પેન્સ... એવું સસ્પેન્સ જે હજી પણ મગજના એક ખૂણે જાગતું બેઠું છે! 

કે. કે. ના મગજમાં ચાલી રહેલા ઘમાસાણ થી અજાણ રાગિણી જવા માટે ઉભી થઈ. જેવી તે દરવાજા સુધી પહોંચી ત્યાં કે. કે. નો અવાજ સંભળાયો, 

"તે દિવસે દરિયાકાંઠે તમે જ હતા ને? "



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED