સપના અળવીતરાં - 20

ડૉ. બાટલીવાલાનુ વર્તન સમીરા ને થોડું વિચિત્ર તો લાગ્યું, પણ તેનુ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન અત્યારે રાગિણી તરફ હતું એટલે તે વધારે લપછપ કર્યા વગર રાગિણી ને લઈને તેના ઘર તરફ રવાના થઈ. સેફ્ટી માટે તેણે રીક્ષામાં જવાનું પસંદ કર્યું. ટ્રાફિક ઓછો હતો. થોડી વારમાં તો પહોંચી પણ ગયા. આખા રસ્તે રાગિણી એમજ સૂનમૂન હતી. ઘરે પહોંચીને સમીરા એ સોફા પર રાગિણી ને બેસાડી અને તેની માટે ગ્લુકોઝ નુ પાણી બનાવીને લઈ આવી. રાગિણી પાસે ગ્લાસ ધરતા તે યંત્રવત્ પી ગઈ. ગ્લાસ પાછો રસોડામાં મૂકીને સમીરા તેની બાજુમાં બેસી ગઈ. હળવેથી તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલી, 

"શું થાય છે, બકા? કાંઇક તો બોલ! "

".......... "

"આમ જો. મને પણ નહિ કહે? કમ ઓન યાર, બોલીશ તો ખબર પડશે ને કે તકલીફ શું છે? "

"........... "

"સારુ. સાંભળ... આપણે કે. કે. ક્રિએશન્સ ની ઈવેન્ટ ધમાકેદાર રીતે પૂરી કરી. ઇટ વોઝ અ હ્યુજ સક્સેસ ફોર અસ. રાઇટ? "

રાગિણી એ માત્ર હકારમા માથુ હલાવ્યુ. રાગિણી તરફથી પ્રત્યુત્તર મળતા સમીરા ને થોડી રાહત થઈ. તેણે આગળ કહ્યું. 

"હવે કે. કે. ક્રિએશન્સ આપણને સિંગાપુર મા ફેશન શો ની ઇવેન્ટ સોંપવા માંગે છે. રાઇટ? "

ફરી રાગિણી એ ડોકી હલાવી. 

"આઇ નો કે સિંગાપુર નો ફેશન શો ઇઝ અ બીગ બી...ગ ચેલેન્જ ફોર અસ. રાઇટ? "

ફરી રાગિણી એ એમજ મૂંડી હલાવી, તો સમીરા હસી પડી. હસતાં હસતાં બોલી, 

"ઓય ડફ્ફર, એમાં આટલુ બધું ટેન્શન આવી ગયુ કે આમ બેહોશ થઈ ગઈ! તુ એકલી થોડી છે? અમે બધા છીએ ને તારી સાથે. જરૂર પડશે તો હજુ થોડો સ્ટાફ વધારી દઇશું. ડોન્ટ બી ટેન્સ્ડ. ઓકે. ચલ, ફટાફટ તાજીમાજી થઈ જા, એટલે આપણે કામ ચાલુ ...  "

બોલતા બોલતા તેનુ ધ્યાન રાગિણી ના ભીડેલાં હોઠ અને આંખ ની ધાર પર આવીને અટકી ગયેલા આંસુ પર પડ્યું. ફરી સમીરા સિરિયસ થઈ ગઈ. તેણે રાગિણી નો વાંસો પસવારતા પૂછ્યું, 

"બીજી કોઇ વાત છે? "

ફરી રાગિણી એ હકારમા માથું હલાવ્યુ, પરંતુ આ વખતે સમીરા એ ચૂપ રહી તેને પોતાની જાતને તૈયાર કરવાનો સમય આપ્યો. તે સતત રાગિણી નો વાંસો પસવારતી રહી. 

રાગિણી ના ચહેરા ઉપર કેટલાય ભાવપલટા થઈ ગયા. જાણે પોતાની લાગણી ને વાચા આપવા માટે શબ્દો શોધતી ન હોય! થોડી વારે રાગિણી ના હોઠ ફફડ્યા. કદાચ, તેને શબ્દો નો સથવારો મળી ગયો હતો.... 

"આઇ જસ્ટ ડોન્ટ નો, કઇ રીતે સમજાવું? તુ નહિ સમજી શકે. કોઈ નહિ સમજી શકે. એ પણ નહોતા સમજી શક્યા... "

રાગિણી એ એક ડૂસકું ભર્યુ. સમીરાએ ધરપત આપતા કહ્યું, 

"તુ વાત તો કર. હુ કોશિશ કરીશ સમજવાની. ઇન કેસ, હુ નથી સમજી શકતી, તો પણ તું તો હળવી થઈશ ને! ટ્રસ્ટ મી. ટ્રાય મી. સ્પીક ઇટ આઉટ. જે પણ મનમાં ભર્યું છે એ બધું જ ઠલવી દે. એકદમ હળવીફૂલ થઈ જા. "

રાગિણી એક ક્ષણ માટે સમીરા સામે જોઈ રહી, અને પછી તેની આંખોમાં આંખ પરોવીને એકદમ સપાટ અવાજે બોલી, 

"મને સપના આવે છે... "

સમીરા થી હસી પડાયુ. હસતાં હસતાં ઉધરસ ચડી ગઈ. હવે રાગિણી એ ઉભા થઈ તેને પાણી આપ્યું અને અપલક તેની સામે જોતી રહી. તેની નજરમા અત્યારે ધારદાર ચાકુ કરતા પણ વધારે ધાર હતી. પાણી નો ઘુંટડો ગળે ઉતારીને સમીરા થોડી સ્વસ્થ થઈ, પણ તેનુ હસવાનુ હજુ પણ ચાલુ હતું. માંડ માંડ કંટ્રોલ કરતાં તે બોલી, 

"સપના... એ તો મને પણ આવે છે... બધાને આવતા હોય.... "

"પણ, મારા સપના સાચા પડે છે... "

રાગિણી ની વાત સાંભળી સમીરા નુ હસવાનુ રોકાઇ ગયું. છતા તેણે કહ્યું, 

"હા, તો બરાબર છે ને. ડ્રીમ્સ અનલિમિટેડ એ તારુ સપનું છે અને તુ આટલી મહેનતથી તેને વધુને વધુ સફળ બનાવી રહી છે. બરાબર છે. આઇ એગ્રી, તુ તારા સપનાને સાચુ બનાવવા ખરેખર... "

"જસ્ટ સ્ટોપ ઇટ. મને ખબર હતી. તુ નહી સમજી શકે... કોઇ નહિ સમજી શકે... "

અચાનક રાગિણી નો અવાજ એકદમ ઊંચો થઈ ગયો હતો. ફરી તેને ગળે ડૂમો બાઝી ગયો. સમીરાએ પરિસ્થિતિ સંભાળતા ગંભીર થઈ ને કહ્યું, 

"ઓકે... ઓકે... હું હવે કશું જ નહિ બોલુ, બસ. તુ મને સમજાવ, જે તુ માને છે કે કોઈ સમજી નહિ શકે. ફાઇન. હવે, તુ જ્યા સુધી પૂરૂ નહી કરે, ત્યાં સુધી આઇ વીલ કીપ મમ. ફાઇન. " 

સમીરા એ પગ સોફા ઉપર લઈ પલાંઠી વાળી દીધી અને અદબ વાળીને અપલક રાગિણી સામે જોવા માંડી. 

રાગિણી એ સમીરા ના ચહેરા પરથી પોતાની નજર પાછી ખેંચી લીધી. તેની હાથની આંગળીઓ મા હરકત આવી. કોઇ જ દેખિતા કારણ વિના તે આંગળીઓ ને વારાફરતી અંગૂઠા સાથે ઘસવા માંડી. ઊભી થઈ ને સોફાને સમાંતર આંટા મારવા માંડી. આમ જ પાંચ મિનિટ પસાર થઈ ગઈ, પરંતુ સમીરા કશું પણ બોલ્યા વગર એમજ સ્થિર બેસી રહી. ફરી રાગિણી સમીરા ની બાજુમાં જઇને બેઠી. તેનો હાથ પોતાના હાથમાં લઈ બોલી, 

"મને સપના મા ભવિષ્ય દેખાય છે. "

સમીરા નો ચહેરો હજુ પણ એવો જ નિર્લેપ હતો. સમીરા તરફથી કોઇ પ્રતિક્રિયા ન થતાં રાગિણી એ આગળ કહ્યું, 

"આજ નું નહિ, વર્ષો થી... કેટલીય ઘટનાઓ... દુર્ઘટનાઓ.... ઘણું બધું મે એડવાન્સ માંજ જોઈ લીધુ છે, પણ બધુ અસંગત... ક્યારે થશે.... ક્યા થશે... આઇ નેવર ન્યૂ... બસ, કોઇ ને કોઇ રીતે ખબર પડે કે એ ઘટના ઘટી ગઈ છે. અને જ્યારે એ ઘટના એક દુર્ઘટના હોય ત્યારે... મારી આત્મા કાંપી ઊઠે છે. હુ... હુ... કશું જ નથી કરી શકતી... બસ એક મૂક પ્રેક્ષક બનીને રહી જાઉં છું... "

સમીરા હજુ પણ એમજ, ચૂપચાપ, અપલક રાગિણી સામે જોતી હતી. 

"નથી સમજાતું ને! વેઇટ અ મિનિટ. "

સમીરા કશો જવાબ આપે એ પહેલાં રાગિણી પોતાના બેડરૂમમાં ગઈ અને વળતી મિનિટે પાછી આવી. તેના હાથમા ડ્રોઇંગ બુકનો મોટો થપ્પો હતો. તેણે બધી બુક લાવીને સમીરા પાસે મૂકી દીધી અને પોતે બાલ્કની મા જઈને ઉભી રહી ગઈ. સમીરાએ સૌથી ઉપરની બુક ખોલી અને તેની આંખો આશ્ચર્ય થી પહોળી થઈ ગઈ. તેણે રાગિણી ને સંભળાય એટલા ઉંચ અવાજે કહ્યું, 

"રાગિણી,  આ... આતો... "

સમીરા ને પોતાની આંખો પર ભરોસો નહોતો બેસતો. 

"આ પિક્ચર તે ક્યારે દોર્યું? આ તો... "

"એક્ઝેક્ટલી. આ એજ સમયનુ પિક્ચર છે. "

"પણ.. એના પર તારીખ તો બે વર્ષ પહેલાની છે! " 

હવે રાગિણી ના ચહેરા પર મુસ્કાન આવી. તે ફરી સમીરા પાસે આવી અને બોલી, 

" યસ. ધેટ ઇઝ વ્હોટ આઇ એક્ઝેક્ટલી વોન્ટેડ ટુ ટેલ યુ. "

"બટ, હાઉ ઈઝ ઈટ પોસિબલ? "

હજુ પણ સમીરા નો અવાજ ધ્રૂજતો હતો. તેને સમજાતું નહોતું કે એ ચિત્ર જોઈ કેવી રીતે રીએક્ટ કરવુ? 


***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Kinjal Barfiwala 2 માસ પહેલા

Verified icon

nihi honey 3 માસ પહેલા

Verified icon

Deepali Trivedi 3 માસ પહેલા

Verified icon

Pravin shah 4 માસ પહેલા

Verified icon

parash dhulia 4 માસ પહેલા