પ્રતિક્ષા - ૨૭ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૨૭

ઉર્વાએ જેવું કહાનનું નામ રચિતના મોઢે સાંભળ્યું તેણે તરત જ ફોન કટ કરી નાંખ્યો. તે પોતે પણ શ્યોર નહોતી કે તે જે વિચારે છે એ સાચું હશે કે નહિ પણ છતાંય અત્યારે ચોખવટ કરવાની કોઈ જ પરિસ્થિતિમાં નહોતી તે. કહાને તેનો ભરોસો તોડ્યો હતો તે વસ્તુ ક્લીયર હતી અને રચિત પણ તેનાથી ખોટું જ બોલતો હશે તેવું તેનું અનુમાન હતું. ઉર્વિલ, કહાન, રચિત એક પછી એક આવેલા જાટકા તેનાથી હવે ખમાતા નહોતા.
અત્યાર સુધી તે બહુ જ મજબુત રહી હતી પણ અત્યારે તે ક્ષણેક્ષણમાં તૂટી રહી હતી. પ્રેમ પર ઉઝરડો અને ભરોસાની મૃત્યુ તેને ડંખી રહી હતી. તેને રડવું હતું. બુમો પાડવી હતી. તેને જોઈતું હતું કે કોઈક તો આશ્વાસન આપે પણ તેના કોન્ટેક્ટ લીસ્ટમાં કોઇપણ એવું નહોતું જેને ફોન કરી શકાય. તેની આંખો ભીંજાઈ રહી હતી પણ આંખોમાંથી એકપણ આંસુ બહાર નહોતું આવી રહ્યું.
ફોનની રીંગ સતત વાગી રહી હતી. રચિત ફોન કરી રહ્યો હતો પણ ઉર્વાને તો તે રીંગ સુદ્ધા સંભળાતી નહોતી. તે પોતાના જ ખયાલોમાં ડૂબેલી હતી.
તે સીધી ફસડાઈ પડી જમીન પર અને માથું સેટીની કોર પર મૂકી આંખ મીંચી ગઈ. રેવાને એકવખત ગળે વળગાડવા અધીરી થઇ ગઈ.

***

સાહિલ ઉર્વિલની પાટાપીંડી કરતા કરતા આખી વાત સાંભળી રહ્યો. આમ તો તે ઉર્વિલનો બહુ જુનો મિત્ર હતો. રેવા માટેની ઉર્વિલની દરેકે દરેક લાગણીનો એકમાત્ર સાક્ષી હતો. આટલા વરસમાં તે એક જ હતો જે જાણતો હતો કે ઉર્વિલના પથ્થર જેવા દિલમાં એક કોમળતા પણ છે જે રેવા માટે ધબકતી રહી છે.
“ગ્લાસ ભરુંને? મન ને તન બેયનો દુખાવો થોડો થોડો ઓછો થઇ જશે.” સાહિલે પ્લાસ્ટિક બેગ ટેબલ પરથી હાથમાં લેતા ઉર્વિલને પૂછ્યું
“ના યાર, તું પી. મારાથી હજી દારુને નહિ અડાય. તારા માટે જ મંગાવી છે...” ઉર્વિલે ફિક્કું સ્મિત વેર્યું ને ઉમેર્યું, “તું બોર ના થઇ જા ને મારી વાતો સાંભળીને એટલે.”
“આટલા વર્ષોથી સાંભળતો આવ્યો છું. હવે શું બોર થવાનો?? બોર થવાની જે લીમીટ હોય ને એ તો ક્યારની ક્રોસ થઇ ગઈ...” સાહિલ હસ્યો ને ઉભો થઇ કિચનમાં ક્રોકરી શોધવા લાગ્યો
“ઉર્વિલ આજે થોડુક તો લે. કંપની તો આપ થોડીક. ચલ બે ગ્લાસ લઈને આવું છું.” સાહિલે કિચનમાંથી જ બહાર સંભળાય તેમ કહ્યું ને બે ગ્લાસ લઇ બહાર આવી ગયો.
“નહિ થાય યાર. ૨૦ વરસમાં ના રેવા આ હોઠોને અડી ના શરાબ. તો પછી હવે ય શું કામ રેવા નથી તો શરાબને અડવું??” ઉર્વિલના ચેહરા પર હાસ્ય હતું પણ એની અંદર છુપેલી વેદનાથી સાહિલ અલિપ્ત નહોતો
“ઉર્વિલ સાચે તું ઠીક છે? રેવાની ડેથ, ઉર્વાનું આમ આવવું, આ બધું અચાનક?! સાચે નથી સમજાતું યાર શું કહું તને? તું શું કહીશ ભાભીને?” સાહિલ વ્હીસ્કીના ઘૂંટ ભરતો ઉર્વિલના મનનો તાગ લેવાનો પ્રયાસ કરી રહ્યો
“મને નથી ખબર યાર... દિવસો, મહિના ને વર્ષો વીતી ગયા રેવા સાથે વાત કર્યા વગર. પણ સાચે, અડધો દિવસ પણ નહિ નીકળ્યો હોય એને યાદ કર્યા વગર. એક ચેન હતું કે એ મારા વગર કદાચ શાંતિથી જીવતી હશે. એની એક દુનિયા હશે પણ હવે અફસોસ સિવાય કંઈ નથી મારી પાસે...” ઉર્વિલને કહાનની એકેએક વાત યાદ આવતી હતી.
“યાર ઢીંગલી જેવી છે મારી દીકરી. એની આંખો બિલકુલ મારા જેવી છે અને બોલ્યે બિલકુલ રેવા જેવી. એકદમ મજબુત બિલકુલ રેવા જેવી. હું એને એકવખત ગળે ય નથી લગાડી શકતો. મને એને ફોન કરવાનો ય હક નથી. મને એને બેટા કહેવાનો ય હક નથી. સાહિલ, હું ઉર્વાને કેમ સમજાવું કંઈ? હું કેમ વિશ્વાસ અપાવું કે હું રેવા વિના કઈ હદે મર્યો છું એ? કેમ કહું એને કે એનો ખાલી બાયોલોજીકલ ફાધર બનીને નથી રહેવું મારે... મારે ફરજ નિભાવવી છે એના બાપ હોવાની. મારે એને પૂરો સંસાર આપવો છે સાહિલ હું કેમ કહું એને??” ઉર્વિલ એકધારું બોલી રહ્યો. તેની આંખો ને નાક પણ હવે લાલ થઇ ગયા હતા. તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળવાની તૈયારીમાં જ હતી કે તેનો ફોન વાગ્યો. ઉપરથી જ મનસ્વીનો ફોન જોઈ તેણે ફોન કટ કરી નાંખ્યો ને આછા એવા આક્રોશમાં ફોન બીજી બિન બેગ પર જઈને પડે તે રીતે ફેંક્યો.
“એય ઉર્વિલ, બી સ્ટ્રોંગ યાર. નીકળશે કોઈક રસ્તો આમાંથી પણ નીકળશે. એકદિવસ કદાચ તારા ભગવાનની કૃપા રહી તો કંઇક થશે યાર. તું હિંમત ના હાર.” સાહિલ મહામહેનતે ઉર્વિલને સાંત્વના આપી રહ્યો. તેને પોતાને નહોતું સમજાતું કે ઉર્વિલને કહે તો શું કહે
“જો ઉર્વિલ રેવા હવે રહી નથી. ઉર્વાનું કેમ કરવું એ ખબર નથી. પણ એક કામ છે જે તું કરી શકે છે...” સાહિલનું આટલું કહેતા જ ઉર્વિલ પ્રશ્ન ભરી નજરે તેની સામે જોઈ રહ્યો.
“ભાભીને એના હકનો પ્રેમ આપ. આ જે આટલા વરસ એની ભેગા તોછડાઈથી કાઢ્યા છે એ બંધ કર. એને રેવાનો ઉર્વિલ આપી દે. હવે બહુ થયું.”
ઉર્વિલ એક શબ્દ પણ આગળ બોલી ના શક્યો તે ફક્ત આંખો મીંચી ઢળી પડ્યો. તેની અંદર તોફાન તો મચેલું જ હતું પણ આ મનસ્વી વાળી વાતે તેને હલાવી દીધો. અત્યાર સુધી તેને અફસોસ હતો રેવાને ખોવાનો પણ હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતો મનસ્વીને પણ પુરેપુરી પોતાની ના કરી શકવાનો.

“ઉર્વિલ, બાકી બધું તો સમજાયું પણ એક વસ્તુ ના સમજાઈ...” ઉર્વિલને ચુપ જોઈ સાહિલને લાગ્યું કે ખોટી જ આ વાત કરી દીધી એટલે વાત બદલવાના આશયથી તેણે કહ્યું
“શું?” ઉર્વિલે પોતાના વિચારોમાં ખોવાયેલા રહીને જ જવાબ આપ્યો.
“આ રઘુભાઈ તને મારવા અહિયાં સુધી આટલા વર્ષે કેમ આવ્યા? અને આવ્યા એ તો ઠીક પણ તને બચાવવા ઉર્વા કેમ આવી? કંઈ બેસતું નથી યાર.”
“એ જ તો મને ય નથી સમજાતું. ઉર્વાનો કોઈ કોન્ટેક્ટ છે નહી મારી પાસે ને રઘુભાઈને પૂછવા જવાય નહી કે ભાઈ તમે મને શું કામ મારવા લીધો તો?” ઉર્વિલ સજાગ થતા બોલ્યો
“કોઈક હશે ને જેને ખબર હોય કે આ શું કામ? જેને પૂછી શકાય?” સાહિલને હવે જાણવાની ઉત્કંઠા જાગી
“જે હતી એ તો ચાલી ગઈ...” ઉર્વિલ કડવું હસ્યો ને ઉમેર્યું “રેવા...”
“એક મિનીટ... રેવાએ તને ડાયરી અને લેપટોપ આપ્યા છે ને!! એમાં હશે આ બધું... ક્યાં છે એ બધું?” સાહિલનું મગજ બમણી ઝડપે ચાલવા લાગ્યું
“કારમાં... કાર જ્યાં બંધ પડી છે ત્યાં જ છે.”
“જઈએ ને લઇ આવીએ.”
“અત્યારે?” ઉર્વિલ સમયનો તકાજો મેળવવાની કોશિશ કરતા બોલ્યો
“ના સવારે... પણ એમાંથી ઘણા જવાબો મળી જશે આઈ ગેસ.” સાહિલ ખુશ થઇ બોલી રહ્યો પણ ઉર્વિલ વિચારી રહ્યો કે જે કંઈ જવાબ મળશે એ પોતે એ જવાબો માટે તૈયાર હશે?? એ ૨૦ વરસ જે રેવા એ પોતાના વગર કાઢ્યા એ ૨૦ વરસથી નજરો મેળવવા તે તૈયાર હશે!!!

***

શાંત સુનકારથી ભરેલા રૂમમાં અચાનક દરવાજે ટકોરા પડવાના અવાજથી ઉર્વાની આંખ ખુલી ગઈ. તે સેટીની જે કિનાર પર માથું રાખીને સુતી હતી તે ભીંજાઈ ગઈ હતી. તે રોકવાની કોશિશ કરતી હતી પણ આંખોથી પાણી ચાલ્યું જ જતું હતું.
“ઉર્વા, રચિત ફોન કરે છે બેટા, જરા દરવાજો ખોલને...” મનસ્વીની અવાજમાં ચિંતા સાફ છલકતી હતી. ઉર્વાએ તરત જ આંખો લુછી બારણું ખોલ્યું.
“હા બોલોને.” ઉર્વા પોતાના અવાજમાં સ્વસ્થતા લાવવાના નિષ્ફળ પ્રયાસો કરતી રહી. મનસ્વી તેનો ચેહરો જોઈને જ સમજી ગઈ કે કંઇક થયું છે ઉર્વાને. તેનું લાલ થયેલું નાક, નિસ્તેજ ભીની આંખો ને સુક્કો અવાજ ઉર્વાની મનઃસ્થિતિ સાફ સાફ બતાવી રહ્યા હતા.
“કંઈ થયું છે?” મનસ્વી લાગણીભર્યા અવાજે પૂછી બેઠી
“કંઈ જ નહિ... બસ થોડો ફ્રેન્ડ સાથે ઝઘડો...” ઉર્વા જુઠ્ઠું બોલવા મથી રહી હતી પણ તેનાથી કંઈ આગળ બોલાયું જ નહી
“ફ્રેન્ડ સાથેના ઝઘડામાં અડધી રાતે રડે એવી તું લાગતી નથી હા...” મનસ્વીએ તેની નજીક આવી તેના બન્ને હાથ ખભા પર રાખતા કહ્યું ને પછી ધીમેથી તેના ગાલ પર હાથ રાખી ઉમેર્યું, “શું થયું છે!! કહી દઈશ તો મન હળવું થઇ જશે. અને ના કહેવું હોય તો તું રડી લઈશ તો પણ મન હળવું થઇ જશે.”
ઉર્વા કદાચ આ જ પ્રતિક્ષામાં હતી. તેની આંખોમાં ત્યારે જ ચોમાસું બેસી ગયું અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અનાયાસે જ મનસ્વીના હાથ તેની પીઠ પાછળ ગયા અને ઉર્વા મનસ્વીને જ વળગીને રડવા લાગી.
મનસ્વીની અંદરના માતૃત્વને નખશીખ ભીંજવતી રહી. માયાના તાંતણે ઉર્વા મનસ્વી સાથે બંધાતી રહી.

***

(ક્રમશઃ)