પ્રતિક્ષા - ૨૮ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૨૮

રઘુએ વાત કરતા તો કરી લીધી ઉર્વા સાથે અને કહી દીધું કે આવતીકાલે સવારે એને મળશે પણ હવે તેને ડર લાગી રહ્યો હતો કે મળીને કહેશે શું? આમ તો કહેવા માટે કંઇજ નહોતું પણ તો ય તેનો જીવ સતત ઉંચો નીચો થતો હતો. તેને અત્યારે કંઇજ વધારે સુજી રહ્યું નહોતું. તેને એક જ નામ યાદ આવ્યું અને સામે પડેલો ફોન લઇ સીધો એ નંબર ડાયલ કરી બેઠો.
“ખુશીનો એહસાસ છે આ તમારો કે કોઈ મુશ્કેલી, ખબર નહી. બંદિશને યાદ કરી અત્યારે એનાથી વધારે નસીબ શું હોય અમારા??” પોતાના આગવા જ અંદાજમાં બંદિશનો અવાજ મધરાતે પણ એટલો જ તાજગીભર્યો હતો.
“બંદિશ, આટલો પ્રેમ ના કર ને મને...” રઘુના મગજમાં આમેય ઘણુંબધું ચાલી રહ્યું હતું તેમાં તે વધુ એક તકલીફ ઉમેરવા નહોતો માંગતો.
“ચાલ નથી કરતી. શું કરે છે? રાતના ૨ વાગવા આવ્યા છે. હજી કેમ જાગેછે?” બંદિશ બિલકુલ શાંત સ્વરે કહી રહી હતી. રઘુ સમજી નહોતો શકતો કે તેના અવાજમાં કટાક્ષ છે કે પ્રેમ માત્ર?
“બંદિશ, તને કેમ કહું સમજાતું નથી... ઉર્વિલ બચી ગયો” રઘુએ સહેજ મૂંઝાતા વાત કહેવાની શરૂઆત કરી
“ખબર છે.” બંદિશ હસી અને પછી ઉમેર્યું, “આગળ બોલ...”
“તને કેમ ખબર?” રઘુ વિસ્મયથી પૂછી રહ્યો
“જો તારા હાથે ઉર્વિલ મરાયો હોત તો ફોન ક્યારનોય આવી ગયો હોત. અને ખુશ થઇ ફોન આવ્યો હોત. રાતના ૨ વાગે ફોન કરે એનો સાફ મતલબ હોય કે ક્યાંક તારું મગજ ગૂંચવાયું છે.... અ...ને એનો ઉકેલ માત્ર બંદિશ છે.”
“શું બલા છે તું? કેટલો પ્રેમ કરે છે હેં તું મને?” બંદિશનો એક એક શબ્દ રઘુને ઓગાળી રહ્યો. તે સામે હોત તો રઘુએ તેને ચૂમી જ લીધી હોત
“રઘુ તું જે છે ને તેવો જ તને સ્વીકાર્યો છે અને છતાંય રાતદિવસ કોઈ બીજાના પ્રેમમાં મેં તને નિહાળ્યો છે. બોલ હવે, સતત કોઈ સાથે જીવવું અને વળી રોજ એના જ પ્રેમને તરસવું... આનાથી વધારે કેટલું તને પ્રેમ કરવું?” બંદિશ હસી રહી હતી પણ તેના શબ્દમાં આછી એવી ભીનાશ રઘુને ચોક્કસ વર્તાઈ રહી હતી.
“બંદિશ...”
“જો મારો ડ્રામા તો આખી રાત ચાલશે. તું કહે ક્યાં અટક્યો છે?” રઘુએ તેને ઉત્તર આપવાની કોશિશ કરી બંદિશે તરત જ વાત ફેરવી લીધી.
“હા, ઉર્વા તો ખ્યાલ છે ને તને?” રઘુ આખો ઉર્વા સાથેનો સંવાદ યાદ કરતા બોલ્યો.
“હા, રેવાની દીકરી”
“ફોન હતો એનો. આવતીકાલે મળવા માંગે છે મને.”
“હા તો મળી આવને. કંઇક વાત કરવી હશે એને.” બંદિશના સ્વરમાં ઉચાટતો ભળ્યો પણ ક્ષણેકમાં જ શાંત પણ થઇ ગયો જેથી રઘુ તે જોઈ ના શકે.
“બંદિશ મળી તો હું લઈશ એને પણ એ રેવાનો જ પડછાયો છે. હું ૧૬ વર્ષથી નથી મળ્યો એને. મને કંઇક વિચિત્ર લાગે છે આ બધું.” રઘુએ પોતાના મનમાં ચુથાતી વાત કહી દીધી.
“રઘુ, વધારે ના વિચાર. જે હશે તે બધું કાલે સામે આવી જ જશે. અત્યારે શાંતિથી સુઈ જા. બે દિવસથી એમનામ છે.” બંદિશના અવાજમાં પ્રેમ અને ચિંતા ભળી રહ્યા.
“તને સુવાની પડી છે? આમાં કેમ સુવાય હેં?” રઘુ ઇરીટેડ થઇ રહ્યો હતો.
“જો મેં ક્યાંક વાંચ્યું હતું, ના જાણું જાનકીનાથ પ્રભાતે શું થવાનું છે! અહિયાં આપણને ખબર જ નથી શું થવાનું તો ઉપાધી શેની? હં?” બંદિશ કોઈ નાના બાળકની જેમ રઘુને સમજાવી રહી અને તરત જ રઘુના ચેહરા પર સ્મિત ફરી વળ્યું.
“ચલ સુઈ જાઉં છું.” રઘુના મનનું મહદઅંશે સમાધાન થઇ ચુક્યું હતું.
“હા, કાલે યાદ કરજો.” બંદિશ પોતાના આગવા લહેકામાં બોલી અને રઘુએ ફોન કાપી નાંખ્યો. સવારની પ્રતિક્ષામાં મીઠી ઉંઘમાં વિલીન થઇ રહ્યો.

***

ફોન કટ થયો છે કે નહિ તે જોવા બંદિશ એક ક્ષણ ફોન સામે જોઈ રહી અને પછી તરત જ સામે રહેલી ભીત પર તેના ફોનનો ઘા કરી રહી. ફોનનો ઘા કરીને પણ તે શાંત નહોતી થઇ. તેની પાછળ પડેલો કાચનો જગ ઉપાડીને તેણે છુટ્ટો જમીન પર ફેંક્યો. તેની આંખોમાં ના સમજાય તેવું તોફાન હતું. પાંચ જ મિનીટ પહેલાનું બંદિશનું સૌમ્ય રૂપ અત્યારે વિકરાળ બની ચુક્યું હતું.
તેના વાળમાં સિફતથી ખોસેલી બધી જ પીનો તે બેરહેમીથી ખેંચીને કાઢીને મરજી પડે તેમ ફેંકવા લાગી. તેને નહોતું રડવું પણ તેની આંખોથી પાણી રેલાઈ રહ્યું હતું. તેની આંખો લાલ થઇ ગઈ અને તે ધબ દઈને બેસી પડી તેના પલંગ પર.
તેનાથી એક ચીસ પડાઈ ગઈ અને ત્યાંજ એક સ્ત્રી વિસ્મયતાથી બધું નિરીક્ષણ કરતી તેની નજીક આવીને ઉભી રહી ગઈ. મોબાઈલ જમીન પર તૂટેલો પડ્યો હતો અને આખા રૂમમાં કાચના ટુકડા ફેલાયેલા હતા. બંદિશ બન્ને હાથમાં મોઢું છુપાવી રીતસરની ધ્રુજી રહી હતી.
“બંદિશ, શું થયું?” આખી પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતા તે સ્ત્રી ધીમેથી પૂછી રહી
“તું જા કુમુદ. મને એકલી મૂકી દે અત્યારે.” બંદિશે તેની સામે નજર કર્યા વિના જ કહી દીધું
“હું તને એકલી મુકવા માટે અહિયાં નથી આવી.” તેનો અવાજ હજુ ધીમો જ હતો પણ એકદમ મક્કમ હતો. તે કંઇજ બોલ્યા વિના ત્યાં ચુપચાપ ઉભી રહી. અને બંદિશનો ચેહરો ધીમે ધીમે નરમ પડતો જોતા જ તેની નજીક જઈ બેસી ગઈ
“બોલ.” બંદિશનો ચેહરો પોતાની તરફ ફેરવતા તેણે કહ્યું.
“ઉર્વા...” બંદિશના ફફડતા હોઠોથી એટલું જ નીકળ્યું
“ઉર્વા?! એ કોણ?”
“રેવાની દીકરી... ઉર્વા... મળવા બોલાવ્યો છે રઘુને કાલે. પહેલા મા પછી દીકરી. સાલું જયારે એમ લાગે કે હવે તો રઘુ મારો જ છે ત્યારે ટપકી જ પડે કોઈક ને કોઈક વચ્ચે. કુમુદ, મારા ને રઘુ વચ્ચે જે કોઈ આવશે ને ચીરી નાખીશ હું એને” બંદિશનો અવાજ ઉંચો થતો જતો હતો.
“તું શાંત થા પહેલા.” બંદિશના અવાજમાં ભારોભાર આક્રોશ હોવા છતાં કુમુદનો અવાજ તદ્દન સ્થિર હતો. તેણે ધીમેથી બંદિશના ખભા પર હાથ રાખ્યો ને ઉમેર્યું, “જો, મળવા જ જાય છે ને? જવા દે. અને ભૂલથી ય ખબર ના પડવી જોઈએ અહીં તારી શું હાલત થાય છે. તું શાંત જ રહે. બાકીનું હું લડી લઈશ.”
“જો હવે મારા ને રઘુ વચ્ચે...”
“તારા ને રઘુ વચ્ચે કોઈ નહી આવે. બસ તારા આ હાલ ને આ વિચાર એને ખબર ના પડવા જોઈએ. બાકી હંમેશા માટે ખોઈ દઈશ તું એને.” જમીન પરથી બે પીન ઉપાડી બંદિશના હાથમાં આપી આછી એવી કડકાઈ બતાવતા તેણે કહ્યું ત્યાંથી ઉભી થઇ દરવાજા તરફ નીકળતા તેણે ઉમેર્યું, “આ બધો કચરો હમણાં ઉપડી જશે. એ પહેલા તારા મનનો કચરો ઉપડી જવો જોઈએ. સુઈ જા હવે.” અને તે સડસડાટ બહાર નીકળી ગઈ.
બંદિશ પણ પોતાના વિચારો ખંખેરતી સપનાના આશ્લેષમાં સમાવા મથતી રહી.

***

અડધી રાત ઉપર થઇ ગયું હતું પણ ઉર્વિલના મનમાં હજુ પણ અજંપો હતો. સાહિલને બધી જ વાત કહી દીધી એટલે રાહત હતી પણ તેની વ્યાકુળતા ઘટવાનું નામ જ નહોતી લેતી. સતત અડધી કલાકથી તે પડખા ફેરવી રહ્યો હતો પણ ઊંઘનું નામોનિશાન તેની આંખમાં નહોતું. રેવાના ત્રણ બેડરૂમમાંથી કયો રૂમ શાના વપરાય છે તેની તેને બિલકુલ જાણ નહોતી એટલે એક રૂમમાં તે સુઈ ગયો અને બીજા રૂમમાં સાહિલ. તે હળવેકથી ઉભો થયો અને સાહિલના રૂમ તરફ ગયો તો તેણે બહાર જ સાહિલના નસકોરા સંભળાઈ રહ્યા હતા. તે ત્યાંથી જ પાછો વળી ગયો.
પોતાના રૂમમાં બેડ પર બેસી મોબાઈલની તૂટેલી સ્ક્રીન પર હાથ ફેરવી સાહિલના શબ્દો મનમાં જ વિચારતો રહ્યો.
“તું સાચો છે દોસ્ત. હવે રેવા છે જ નહી તો મનસ્વીને એનો હક મળવો જોઈએ. એનો પ્રેમ મળવો જોઈએ. એને રેવાનો નહિ મનસ્વીનો ઉર્વિલ મળવો જોઈએ.” ઉર્વિલ સ્વગત જ કહી રહ્યો હતો. તેણે મોબાઈલની સ્ક્રીન ખોલી મેસેજ ટાઇપ કર્યો,
“મનસ્વી, સોરી બે દિવસથી થોડું ટેન્શન વધારે છે તો તારી સાથે ખરાબ રીતે વાત થઇ જાય છે. હાર્ટલી સોરી. હું પરમદિવસે આવી જઈશ સવારે. કાલે ફોન કરું.”
ઉર્વિલે આ જ મેસેજ પાંચ છ વાર વાંચી જોયો. તેને હજુ આમાં કંઇક ખૂટતું હોય એવું જ લાગતું હતું. તેણે ધ્રુજતા હાથે ફરી કીબોર્ડ ઓપન કર્યું. નીચે આઈ લવ યુ લખ્યું અને તરત જ સેન્ડ કરી દીધું.

***

(ક્રમશઃ)