સપના અળવીતરાં ૧૮

બારીનો કાચ નીચે ઉતર્યો અને અંદરનું દ્રશ્ય જોઈને રાગિણી ચમકી ગઈ. અડધી બારી આદિત્ય ના ચહેરા થી રોકાઈ ગઈ હતી, અને બાકીની જગ્યામાંથી કે. કે. નો થોડોક ચહેરો દેખાયો... તદ્દન નિસ્તેજ અને એકદમ થાકેલો! હજુ થોડા કલાકો પહેલા આ જ વ્યક્તિ ને તેણે દોડતા - ભાગતા, એક અજાણી છોકરી - મિસરી ની મદદ કરતાં જોયો હતો... તેના સપનાનો મદદગાર... આ પરિસ્થિતિ મા??? 

કે. કે. પર નજર પડતાં જ રાગિણી ના મનમાં અનુકંપા જાગી. એ સાથે જ તેના તાળવામાં (માથાનો એ ભાગ કે જે બાળક ના જન્મ વખતે પોચો હોય છે અને જ્યા ધબકારા અનુભવી શકાય છે. ) ઝણઝણાટી થવા માંડી. જોતજોતામા એ ઝણઝણાટી આખા શરીરમાં વ્યાપી ગઈ. એક સમય એવો આવ્યો કે જાણે એ તરંગો શરીર ની સીમા તોડી બહાર નીકળવા ઇચ્છતા હોય, એવું રાગિણી ને લાગ્યું! પોતાના શરીર મા ઉદ્ભવેલા આ તુમુલને રાગિણી સમજી શકે એ પહેલાં તેના કાને આદિત્ય નો અવાજ પડ્યો,

"કેયૂર, પ્લીઝ આપણે મિટીંગ પછી રાખી શકીએ? હી નીડ્સ રેસ્ટ. "

કેયૂર જવાબ આપે એ પહેલાં કે. કે. એ પાછળ થી હાથનો ઈશારો કરી પોતાની બાજુના દરવાજે આવવાનું કહ્યું, પરંતુ આદિત્ય એ તેનો વિરોધ કર્યો. 

"સોરી કે. કે., સોરી કેયૂર, બટ યુ આર કમ્પેલિંગ મી ટુ બી સ્ટ્રીક્ટ. નટુકાકા, ગાડી ચાલુ કરો અને બને એટલી ઝડપથી હોસ્પિટલ પહોંચાડો. કે. કે. ને પાછો પેનિક એટેક આવ્યો છે. "

પરિસ્થિતિ ની ગંભીરતા જોઈને કેયૂર પાછો ખસી ગયો અને નટુકાકા એ ગાડી મારી મૂકી. કેયૂરે વાત સંભાળી લીધી અને બીજા દિવસે રાગિણી ને તેની આખી ટીમ સાથે ઓફિસ મળવા આવવાનું કહ્યું. ફરી એક વાર પરસ્પર અભિનંદન આપી તેઓ છૂટા પડ્યા. રાગિણી બાકી બધા સાથે ગાડીમાં ગોઠવાઈ અને તેમની ગાડી પાર્કીંગ માંથી બહાર નીકળી કે તરત રાગિણી બોલી, 

"હે ભગવાન! હવે ઇમરાન ની ડાર્લિંગ નું શું થશે? " 

બધા આશ્ચર્ય થી પહેલા રાગિણી સામે અને પછી ઇમરાન સામે જોવા માંડ્યા. ઇમરાને મોં મચકોડ્યુ, પણ બાકી બધાને કંઈ સમજાયુ નહિ એટલે રાગિણી એ ચોખવટ કરી, 

"એક્ટીવા... "

અને બધા ખડખડાટ હસી પડ્યા. ઇમરાન એક્ટીવાનું ખૂબ ધ્યાન રાખતો. ક્યારેય બીજા કોઇ ને હાથ પણ ન લગાડવા દે... જો સ્પીચ ની ફાઇલ ભૂલી જવામાં એનો વાંક ન હોત, તો એ રાગિણી ને ક્યારેય તેનુ એક્ટીવા ચલાવવા ન આપત. તેના આવા વર્તન ને કારણે ઓફિસ મા બધાજ એ એક્ટીવા માટે 'ઇમરાન ની ડાર્લિંગ' કહી ચીડવતા. ગાડી ફુલ સ્પીડ મા ચાલતી હતી અને એક વળાંક પાસે રાગિણી એ ગાડી ઊભી રાખવાનુ કહ્યું. આ એ જ જગ્યા હતી, જ્યાં મિસરી સાથે મુલાકાત થઈ હતી.... 

ફરી આખી ઘટના તેની નજર સામે તાદૃશ થઈ, અને તે થોડી વિચલિત થઈ ગઈ. ફરી ગાડી ચાલુ થઈ અને તેણે બધાને વિસ્તાર થી આખી વાત કહી. બસ, પોતાના સપનાઓ વિશે કંઈ જ ન કહ્યું. વાતોમાં ને વાતોમાં રસ્તો કપાવા માંડ્યો, ત્યાં વળી રાગિણી એ ગાડી ઊભી રાખવા કહ્યું. 

"નાવ વ્હોટ? "

ઇમરાને અકળાઈને પૂછ્યું. એને હવે થાક લાગ્યો હતો અને ઝડપથી ઘરે પહોંચવું હતું. રાગિણી ની વાતોમાં તેને રસ નહોતો પડતો અને ઠંડા પવનની અસરમાં તેને ઝોકાં આવવાના શરૂ થઈ ગયા હતા. ગાડી ઊભી રહેવાથી તે ઝબકી ગયો અને રાગિણી પર ચિડાઇ ગયો. 

"બકા, તારી ડાર્લિંગ ત્યા રસ્તામાં પડી છે. એને સાથે લેવી છે કે પછી એમજ.... "ડાર્લિંગ શબ્દ સાંભળતાંજ ઇમરાન ની ઊંઘ ઊડી ગઈ. તે ઝડપથી ગાડી માંથી બહાર નિકળ્યો અને દોડતો એક્ટીવા પાસે પહોંચ્યો. એક્ટીવા ની હાલત જોઈને તેના મોં માં થી નીકળી ગયુ, 

"ઓહ, શીટ્! વ્હોટ હેવ યુ ડન ટુ માય... "

"ચિલેક્ષ યાર... "

રાગિણી એ વચમાં જ એની વાત કાપી ને કહ્યું,

"મને તો ખબર જ છે આની સિચ્યુએશન. હવે વિચારવાનુ એ કે વ્હોટ ટુ ડુ? કાલે મિકેનિક સાથે ફરી અહી આવવું છે, કે ટોઇંગ વેન ની હેલ્પ લેવી છે, કે પછી..." 

રાગિણી ની વાત ચાલુ હતી, ત્યા ડ્રાઇવર ભાઇએ ઇમરાન નો ખભો થપથપાવી કહ્યું, 

"ફિકર નોટ. મેં હૂ ના! હેંડો, હાથ દો. અબઘડી ગાડીની માથે બાંધી દઇએ, પછી તમે ક્યો ત્યા ઉતારી દઈશું, બીજુ શું? "

એક દિવસ ભાડે કરેલી ગાડીના ડ્રાઈવર પાસે થી આટલી હૈયાધારણા મળતા બધાને ધરપત થઈ અને તેના કહ્યા મુજબ જ એક્ટીવાને એ ગાડીની ઉપર કેરિયર સ્ટેન્ડમા બાંધી ત્યાંથી રવાના થઈ ગયા. 

**********************

બીજા દિવસે રાગિણી તેની ટીમ સાથે કે. કે. ક્રિએશન્સની ઓફિસે પહોંચી. તેના આશ્ચર્ય વચ્ચે તેમની સીધી મુલાકાત કેયૂર સાથે થઈ. વચમાં કોઇ જ નહિ... ના મિ. મનન કે ના બીજું કોઈ! સમગ્ર મિટીંગ દરમિયાન કેયૂર નુ વર્તન એટલું સાલસ હતું કે તેણે શરૂઆતમાં બતાવેલ એટિટ્યૂડ અને એના દ્વારા ઉભી કરેલી 'અકડું' તરીકેની ઇમેજ શરૂઆત ના અડધા કલાકમાં જ ધોવાઈ ગઈ. 
થોડીવાર પછી કેયૂરે આદિત્ય ને કોલ કરી તેની પરમિશન માંગી અને પછી કે. કે. સાથે વિડિયો કોન્ફરન્સ ચાલુ કરી. 

સ્ક્રીન પર કે. કે. નો ચહેરો આવતાં જ ફરી રાગિણી એક ધબકારો ચૂકી ગઈ... ***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sonal Jadeja 18 કલાક પહેલા

Verified icon

Kinjal Barfiwala 2 માસ પહેલા

Verified icon

nihi honey 3 માસ પહેલા

Verified icon

Deepali Trivedi 3 માસ પહેલા

Verified icon

Pravin shah 4 માસ પહેલા