એક ક્ષણ માટે રાગિણી થીજી ગઈ. એજ મરૂન સુટ... એવાજ મરૂન શૂઝ... પગ પાસે અણિયાળો પથ્થર... એ પથ્થર થી એક હાથ ઉપર ઝળુંબી રહેલી એ સ્ત્રી... એજ ડિઝાઇનર ઘાઘરો... રાગિણી ના મગજમાં એક શબ્દ ઝબૂક્યો... મદદગાર....
હજી રાગિણી વધારે વિચારે એ પહેલાં જ એક તીર સન્ સન્ કરતું તેના માથા ઉપરથી થઈને એ ઝાડના થડમાં ખૂંપી ગયું. એ સાથે જ રાગિણી ને કળ વળી ગઈ. કદાચ, તેને ખબર હતી કે હવે આગળ શું થવાનું છે! તેણે તરતજ આદિત્ય નો હાથ પકડીને નીચે બેસાડ્યો, એ સાથે જ બીજું એક તીર આદિત્ય ના માથા પરથી પસાર થઈ ને ઝાડમાં ફસાઈ ગયું. જો રાગિણી એ એક સેકન્ડ નું પણ મોડું કર્યું હોત તો એ તીરથી આદિત્ય વિંધાઇ ગયો હોત...
હવે કે. કે. અને તેના આધારે રહેલી એ લેડી, બંનેએ બેલેન્સ જાળવી લીધુ હતું. તેઓએ પણ આ રીતે તીર આવતા જોયા એટલે બંને હાથ ના આંગળા માથા પાછળ ભીડીને, બે કોણી વચ્ચે માથું લાવી વાંકા વળીને ઉભા હતા. રાગિણી એ હાથના ઇશારે એ લોકોને ઝડપથી ગાડીમા બેસી જવા કહ્યું. એ લોકો ગાડી સુધી પહોંચે ત્યાં સુધીમાં તો ઝાડી વિસ્તારમાંથી એક આખું ટોળુ બહાર આવ્યું. તેમનો પહેરવેશ અલગ જ હતો. બાંય વગરની બંડી અને ટૂંકી પોતડી... એ બધાના હાથમાં તીર કામઠાં હતાં. એમા એક વ્યક્તિ ના માથે પાંદડા સીવીને બનાવેલ મુગટ જેવું કંઈક હતું, તેણે આગળ આવીને કશુંક કહ્યું, પરંતુ તેની ભાષા આ લોકો માટે અજાણી હતી.
પોતાની વાતનો જવાબ ન મળતાં એ સરદાર જેવી દેખાતી વ્યક્તિ નો ગુસ્સો ખૂબજ વધી ગયો. ગુસ્સાના અતિરેકમા તે ફરીથી કંઇક બોલ્યો અને આખા ટોળાએ જોરદાર ચિચિયારી પાડી. એ સાથે જ પોતાના તીર કામઠાં સજ્જ કરી ગાડી અને એની પાસે ઉભેલા લોકો તરફ નિશાન સાધ્યું. રાગિણી એ હળવેકથી હાથ લંબાવીને પોતાની બાજુ નો ગાડીની બેકસીટનો દરવાજો સ્હેજ ખોલ્યો. તેનો અવાજ સાંભળી બાકી બધા પણ ધીરે ધીરે ખસતા એક એક દરવાજે પહોંચ્યા. નટુકાકા ડ્રાઇવિંગ સીટ પાસે પહોંચી ગયા અને આદિત્ય ફ્રંટસીટ પાસે. કે. કે. એ પણ બેકસીટનો તેની બાજુ નો દરવાજો સ્હેજ ખોલી નાંખ્યો.
એક અજબ કનેક્શન જોડાઈ ગયું હતું એ બધાના મગજ વચ્ચે. એક ઊંડો શ્વાસ લઇ ને બધા એકસાથે જ ગાડીમા ઘૂસી ગયા. પેલી સ્ત્રી ને પણ કે. કે. એ ગાડીમાં ખેંચી લીધી હતી. આ જોઈને એકસાથે અનેક કામઠાં ની પણછ ખેંચાઈ અને તીર વછૂટવા માટે તૈયાર થઈ ગયા. બસ સરદાર ના આદેશ ની રાહ હતી. નટુકાકા એ ઉતાવળે ગાડી સ્ટાર્ટ કરી.
"એક મિનિટ, કાકા... "
બંને સીટ વચ્ચે નો પરદો ખસાડીને રાગિણી બોલી. અચાનક તેણે પરદો ખસાડીને બંધ બારી ખોલી. ગાડીમાં હાજર દરેક વ્યક્તિ તેની આ ક્રિયા ને અચરજથી જોઈ રહ્યા, પણ રાગિણીએ એ બાજુ લક્ષ આપવાને બદલે પોતાના હાથમાં રહેલી પાણી ની બોટલનો ઝાડ પર ઘા કર્યો અને ત્વરાથી કાચ પાછો બંધ કરી કહ્યું,
"નાવ... "
અને નટુકાકા નો પગ એક્સિલરેટર પર જોર થી દબાયો. એક ચિચિયારી સાથે ધૂળ ઉડાડતી ગાડી આગળ વધી ગઈ અને કેટલાય તીર તેની પાછળ ઉડ્યા, પરંતુ તેના સુધી પહોંચી શક્યા નહી. આદિત્ય એ સાઇડ મિરરમા જોયું અને બોલી ઉઠ્યો...
"એક્સેલન્ટ. વ્હોટ એન આઇડિયા. "
બીજા કોઈને હજુ કશુ સમજાયું નહોતું. કે. કે. એ બારીનો પરદો ખસાડીને પાછળ જોતાં પૂછ્યું,
"વ્હોટ? "
અને આદિએ એકજ શબ્દમાં જવાબ આપ્યો.,
"મધપૂડો... "
આ સાંભળી નટુકાકા ખડખડાટ હસી પડ્યા.
"કમાલ છો છોકરી તું! તને વળી મધપૂડો ક્યારે દેખાઈ ગયો? ખેર અત્યારે તો એ ટોળકી વીંખાઇ ગઇ છે અને પાછળ કોઇ આવતું નથી. "
બધાના જીવને હા'શ થઈ. થોડેક આગળ ગયા એટલે પેલી સ્ત્રી બોલી,
"પ્લીઝ સ્ટોપ ધ કાર. "
બધાના કાન ચમક્યા. નટુકાકા એ કહ્યું,
"આપણે હજુ સેફ ડિસ્ટન્સ પર નથી પહોંચ્યા. એ લોકો આપણા સુધી પહોંચી જશે... "
"હા, પણ મારા હસબન્ડ... "
પાછું એનું રડવાનુ ચાલુ થઈ ગયું. રાગિણી એ એનો વાંસો પસવાર્યો અને બીજી બોટલમાંથી પાણી પીવડાવ્યુ. કે. કે. એ નટુકાકા ને ગાડી રોકવા કહ્યું. નટુકાકા એ સાઇડમાં ગાડી દબાવી. હવે પાછળ ના કાચ પરથી પણ પરદો ખસી ગયો હતો. બધાની નજર પાછળના કાચ પર હતી અને કાન એ સ્ત્રી તરફ. તેણે રડતા રડતા કહેવાનું શરૂ કર્યું.
"હું મિસરી, આ જંગલની પેલીબાજુ મારુ ગામ. કાલેજ મારા લગ્ન થયા. વિદાય વખતે અંધારું થઈ ગયું હતું. મારા માવતર સાવ સામાન્ય માણસ છે, પણ મને સાસરૂ બહુ સરસ મળ્યું. અહીંથી પાંચ કિલોમીટર આગળ મારુ સાસરીયુ છે. મારા સસરા ત્યા સરપંચ છે. "
ઊંડો શ્વાસ લઇ તેણે ફરી બોલવાનું ચાલુ કર્યું.
"કાલે જંગલ વિસ્તારમાંથી પસાર થતી વખતે અમારી ગાડી સાથે એક આદિવાસી છોકરાનો એક્સિડન્ટ થયો. મોટું ટોળું ભેગું થઈ ગયું. બહુ હો હા થઈ. અમે તેને દવાખાને લઈ જવાની તૈયારી બતાવી, પણ તેઓ ન માન્યા. છેવટે એ છોકરાના મા - બાપુને ઇલાજ માટે પૈસા આપ્યા, ત્યારે અમને છોડ્યા. "
હવે તે થોડી સ્ટેબલ થઈ ગઈ હતી. વારાફરતી બધાના ચહેરા જોઈ તેણે આગળ કહ્યું,
"આજે મારા ભાઈ ના લગ્ન છે. એટલે હું અને મારા હસબન્ડ મારા પિયર જતા હતા, ત્યાં એ લોકોએ અમને આંતર્યા. તેમનુ કહેવુ હતું કે એ છોકરો ગુજરી ગયો... હવે એ લોકો બદલો લેશે... તેમના આદિવાસી નિયમ પ્રમાણે અમને સજા કરશે... મારા હસબન્ડે તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે જો કાલેજ ડોક્ટર પાસે લઈ ગયા હોત તો કદાચ એ માસૂમ બચી જાત... પરંતુ એ લોકો સાંભળવા તૈયાર નહોતા. એ લોકોએ અમારી ઉપર હુમલો કરી દીધો. હું જેમતેમ ભાગતી મદદ માટે રોડ બાજુ આવી અને તમે લોકો મળી ગયા. પ્લીઝ, મને બહુ ચિંતા થાય છે. ડુ સમથીંગ. ખબર નહી મારા હસબન્ડ કેવી સ્થિતિમાં હશે? "
મિસરી ની વાત સાંભળીને એકસાથે બધા એક્શન મા આવ્યા. આદિત્ય એ 108ને ફોન કરી ઇમરજન્સી મા આવવાની તાકીદ કરી. કે. કે. એ 100 ડાયલ કરી ટૂંકમા આખી પરિસ્થિતિ સમજાવી અને પોલીસ ટીમ ને ત્યાં પહોંચવા જણાવ્યું. અને નટુકાકા ને ગાડી પાછી એ જ જગ્યાએ લઈ જવા કહ્યું. રાગિણી સતત મિસરી ને હૈયાધારણા બંધાવતી હતી.
નટુકાકા એ એક વળાંક પાસે ગાડી ઉભી રાખી, કે જેથી પેલી આદિવાસી ટોળાની નજરમાં ન આવી જવાય. થોડો સમય પસાર થયો અને પોલીસ તથા 108 બંને સાથે આવી પહોંચ્યા. આગળ પોલીસ જીપ, પાછળ એમ્બ્યુલન્સ અને એના પછી કે. કે. ની મર્સિડીસ... મિસરીના જણાવ્યા પ્રમાણે આખો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, પરંતુ ત્યાં માત્ર બિસ્માર હાલતમાં ઉભેલી ગાડી મળી. મિસરીના હસબન્ડ નો કોઈ પત્તો નહોતો.
આજુબાજુ બધે જોઈ વળ્યા, પણ... નિરર્થક. આદિવાસીઓ ની ગેરહાજરી હોવાથી આદિત્ય અને કે. કે. ની સાથે રાગિણી પણ ગાડીમાંથી બહાર નીકળી. મિસરી પોતાની ગાડીના ભંગાર પાસે જઈને હૈયાફાટ રૂદન કરતી હતી, પણ રાગિણી જાણે અત્યારે બહારની દુનિયા થી અલિપ્ત થઈ ગઈ હતી. તેના ચહેરા પર કોઇ અગમ્ય ભાવ હતા અને આંખો માં એક અજબ ચમક.
રાગિણી એકલી જ એક પગદંડી પર ચાલવા માંડી. નટુકાકા નુ ધ્યાન એ તરફ ગયું તો તેમણે બૂમ મારી, પણ જાણે એ બૂમ રાગિણી સુધી પહોચી જ નહિ. નટુકાકા ની બૂમ સાંભળી કે. કે. અને આદિત્ય તેની પાછળ ગયા.
રાગિણી ના મગજમાં અત્યારે અજબ ખલબલી મચી હતી. આજે તેનુ સપનુ તેની નજર સામે હકીકત નુ રૂપ ધારણ કરી ઉભુ હતું. એક એક વસ્તુ... એક એક પરિસ્થિતિ સપના ના એક એક દ્રશ્ય સાથે સંકળાતી જતી હતી. થોડે આગળ જતાં એક નાનકડું મંદિર દેખાયું. રાગિણી દોડતી એ મંદિર મા ગઈ. આદિત્ય અને કે. કે. પણ તેની પાછળ મંદિર મા ગયા તેમના આશ્ચર્ય વચ્ચે રાગિણી ભગવાન ની પ્રતિમા ની સામે ઉભા રહેવાને બદલે પ્રતિમા ની પાછળ પહોંચી ગઈ. ત્યા જતાં જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ....