સપના અળવીતરાં ૫ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં ૫

સપના અળવીતરાં ૫

 “કામ ક્યા કરના હોગા, સાબ? ”

આ સવાલ સાથે જ છોટુના માસુમ ચહેરા પર આવેલા ભાવપલટાને કારણે આદિત્ય અંદર સુધી હચમચી ગયો. આટલી નાની ઉંમરે આણે જિંદગી ના કેટલાય ખેલ જોઇ લીધા હશે! ચહેરા પર એ જ સ્મિત સાથે આદિ એ કહ્યું, 

“વાતો. આજે મારો વાતો કરવાનો મૂડ છે અને આ મારો ફ્રેન્ડ મોં માં મગ ભરીને આવ્યો છે. ”

આ સાંભળી છોટુ ખડખડાટ હસી પડ્યો. તેણે ત્યાં ને ત્યાં જ પલાંઠી વાળીને અડિંગો જમાવી દીધો. તેને જોઇને કે. કે. અને આદિએ પણ ભીની રેતી મા બેઠક જમાવી. ચા ના ઘુંટડે ઘુંટડે વાતોની રંગત જામી. છોટુ પણ બરાબર નો ખીલ્યો હતો. આદિએ આગ્રહ કરીને છોટુ ને પણ ચા પીવડાવી. 

છોટુ રંગમા આ આવ્યો એટલે આદિત્ય એ હળવેકથી કાલ રાતવાળી છોકરી વિશે પૂછ્યું. હો… હો… હો… છોટુ પેટ પકડીને હસી પડ્યો. 

“એવા તો અહી રોજના કેટલાય લોકો આવે, સાબ. એમ થોડો કોઇનો પત્તો મળે, સાબ? ”

 “જો બકા, યાદ કરી જો. કદાચ કોઇ એવું ધ્યાનમાં આવી જાય. ” 

“સવાલ જ નથી, સાબ. આટલો મોટ્ટો દરિયો અને આટલો લાં…. બો કિનારો… રોજ કેટલાય લોકો આવે… પોતપોતાની લાગણીઓ વહેંચવા… ક્યારેક દુઃખ ની તો ક્યારેક ક્યારેક સુખ ની… કોઈક કોઈક રોજ આવે તો કોઇક વળી ક્યારેક જ… તમારી જેમ…”

કેટલી સાચી હતી છોટુ ની વાત! પોતે પણ તો પોતાનું દુઃખ દરિયા સાથે વહેંચવા જ આવ્યો હતો ને! જે વાત કોઈની સાથે શેર નહોતી કરવી, એ વાત દરિયાલાલને કહી દીધી, એ પણ વગર બોલ્યે!!! અને દરિયો પણ તેની તકલીફો ને સમજી ગયો હતો. દરિયા પરથી આવતી ઠંડી લહેરખીઓ તેને આશ્વસ્ત કરી રહી હતી. અચાનક છોટુ ના અવાજથી કે. કે. નુ ધ્યાન ભંગ થયું. 

“ચલો સાબ, ચાય ખતમ ટાઈમ ખતમ… ” 

એમ કહી છોટુ ઊભો થઈ ગયો. કપડા પરથી ભીની રેતી ખંખેરતા એક હાથે આદિને નજીક આવવાનો ઈશારો કર્યો. છોટુ ની પાછળ આદિ અને કે. કે. પણ ઊભા થઈ ગયા હતા. એટલે આદિએ વાંકા વળીને છોટુના મોં પાસે પોતાના કાન રાખ્યા. 

“જો કે એક છોકરી આવે છે…એકલી… રોજ નહિ, પાંચ - છ દિવસે એકવાર. ભીની રેતી મા ચિત્રો દોરે અને એને જ તાક્યા કરે… ક્યારેક ચહેરો હસુ હસુ થતો હોય તો ક્યારેક હીબકા ભરીને રડતી હોય… મોડે સુધી રોકાય…. અને પછી… ”

“પછી?” 

છોટુ બોલતો’તો આદિ ના કાનમાં, પરંતુ નજર કે. કે. પર સ્થિર હતી. જેવી તેણે વાત અધૂરી મૂકી કે સહસા કે. કે. થી પ્રશ્ન થઈ ગયો. છોટુ એ પહેલી વાર કે. કે. નો અવાજ સાંભળ્યો. હવે આદિ પણ ટટ્ટાર ઊભો થઈ ગયો હતો. કે. કે. નો સવાલ સાંભળી ને તોફાની ચહેરા પર આંખો નચાવતો બોલ્યો, 

“પછી શું? જતી રહે… હો.. હો… હોહો… ”

તે દોડી ગયો અને આદિ હસી પડ્યો. પણ કે. કે. હજુ સિરિયસ જ હતો. 

“ઓહ, કમ ઓન કે. કે., હવે તો રીલેક્ષ થા. ”

 “હાઉ આદિ, હાઉ? ધેટ ગર્લ… યુ જસ્ટ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ આઇ જસ્ટ ફીલ અબાઉટ હર. આવી ફીલિંગ પહેલા ક્યારેય, કોઈ માટે નથી આવી. આઇ.. આઇ ડોન્ટ નો હર, ઇવન ધો, આઈ કેર ફોર હર. ખબર નહિ, મારી અંદર કશુંક… સમથીંગ.. ધેટ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ કાન્ટ ઇગ્નોર… આઈ જસ્ટ ફીલ લાઇક… લાઇક… ”

કે. કે. એકદમ ભાવુક થઈ ગયો. 

“આઇ કેન સી, ડિયર. બટ,... જો અત્યારે તો મને એકજ રસ્તો દેખાય છે. જસ્ટ વેઇટ એન્ડ વોચ. એઝ યુ સેઈડ, આખો બીચ ખાલી થઈ ગયા પછી પણ તે અહીં હતી. તો આપણે રાહ જોઇશું, બીચ ખાલી થવાની… બટ ટીલ ધેટ…. ”

આટલું કહીને આદિએ પોકેટમાંથી એક એન્વેલપ બહાર કાઢ્યું અને મોબાઇલ ની ટોર્ચ ચાલુ કરી. એ સાથે જ કે. કે. ના ચહેરા પરથી રંગ ઉડી ગયો. એ એન્વેલપ મા તેના રીપોર્ટ્સ હતા, જે તેણે આદિથી છૂપાવ્યા હતા!