વાર્તા : પોતાનાં કે પારકાં? પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.
‘શું થયું પછી?’ મનુકાકા અને અતુલફૂવાની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઈ રહેલા, ભાઈ નીરજ અને બહેન મીરાં એમને ઘરના દરવાજેથી પ્રવેશતાં જોઇને અધીરાઈથી પૂછી બેઠા. નીરજ અને મીરાંના પપ્પા મનીષભાઈ સ્વસ્થતાપૂર્વક બોલ્યા, આવો, મનુભાઈ, આવો અતુલભાઈ, બેસો.’ બંને જણા ઘરમાં આવીને બેઠા, વર્ષોથી ઘરમાં કામ કરનાર રુખીબહેને એમને પાણી આપ્યું. ‘રૂખીબેન, બધાંને માટે ચા મુકજો, અને નાસ્તો પણ લાવજો’ મનીષભાઈએ રુખીબેનને કહ્યું. પાણી પીતાં પીતાં બંને જણે નોધ્યું કે બધાંની નજરો પોતાને પ્રશ્નાર્થરૂપે તાકી રહી છે.
મનુકાકા અને અતુલફૂવાએ એકબીજાની સામે જોયું, બંનેની નજરોએ સંતલસ કરી લીધી, પછી સહેજ ખોંખારો ખાઈને મનુકાકાએ કહ્યું, ‘બેટા, અમારી ખુબ સમજાવટ છતાં સામેવાળા છૂટાછેડા આપવાના રૂપિયા દસલાખ માંગે છે.’ ‘દસ લાખ રૂપિયા ? પાગલ થઇ ગયા છે કે ?’ નીરજ ગુસ્સે થઈને બોલી ઉઠ્યો. ‘રૂપિયા કંઈ ઝાડ પર લાગે છે, કે તોડીને આપી દઈએ ?’ મીરાં પણ ક્રોધિત થઈને બોલી ઉઠી. માત્ર એક મનીષભાઈ એમના હંમેશ મુજબના સ્વભાવથી શાંત બેસી રહ્યા.
‘બેટા નીરજ, તારી ઉંચી પોસ્ટ, સારો પગાર અને સારી આર્થિક સ્થિતિ જોઇને એમણે એટલા રૂપિયા માંગ્યા છે’ અતુલફૂવાએ કહ્યું. ‘ફૂવા, તમને તો ખબર જ છે કે પપ્પાએ આખી જિંદગીની કમાણીમાંથી બચત કરીને આ બંગલો બનાવ્યો છે, કરકસર કરીને અમને ભાઈ બહેનને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે, આજે હું ઉંચી પોસ્ટ પર જોબ કરું છું, અને સારું કમાઉ છું, તે એને એટલે કે નિશાડીને લુંટાવી દેવા માટે નથી.’ દીકરા નીરજને આમ પોતાને ક્રેડીટ આપતો જોઇને/સાંભળીને મનીષભાઈને નવાઈ લાગી, દિલમાં ખુશી પણ થઇ, પણ તેઓ પોતાની હંમેશની ચુપ રહેવાની ટેવને લીધે કંઈ બોલ્યા નહીં. ‘તારી વાત સાચી છે, બેટા. પણ આપણે આમાંથી છૂટવા માટે કંઈ રસ્તો તો કાઢવો પડશે ને ?’ મનુકાકાએ કહ્યું.
‘મારી જ ભૂલ થઇ કે મેં જાતે એને પસંદ કરી, એને ભરપુર પ્રેમ કર્યો, અને એની સાથે લગ્ન કર્યા.’ નીરજ માથે હાથ દઈને નિસાસો નાખતાં બોલી ઉઠ્યો. ‘એમાં તારી કંઈ ભૂલ નથી, ભાઈ. મેં પણ તો મારી પસંદ પ્રમાણે મિહિર સાથે લગ્ન કર્યાં જ છે ને ?’ મીરાં બોલી ઉઠી. મનીષભાઈ આ આખી વાતચીત દરમ્યાન કોઈ વિચારમાં ખોવાયેલા લાગતાં હતાં. ચા-નાસ્તો કરીને મનુકાકા અને અતુલફૂવા વિદાય થયા. ‘ભાઈ, મારે અત્યારે ગુડ્ડી (એની દીકરી) નો સ્કૂલમાંથી આવવાનો સમય થયો છે, એટલે હું નીકળું છું, પણ તું જરા પણ નિરાશ થઈશ નહીં, હું મિહિર સાથે વાત કરીને આ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન ચોક્કસ શોધી કાઢીશ’ મીરાંએ એના નાના ભાઈ નીરજને ધીરજ બંધાવતા કહ્યું, અને એ પણ પોતાના ઘરે જવા નીકળી ગઈ.
ત્રણ ચાર દિવસ પછી, ‘મારે જરા બહારનું કામ છે, તે પતાવીને કલાકેકમાં આવું છું.’ એમ નીરજને કહીને મનીષભાઈ બહાર ગયા હતા. એ દરમ્યાન મીરાં ઘરે આવી, નીરજ લેપટોપ પર ઓફિસનું કંઈ કામ કરી રહ્યો હતો, મીરાંએ નીરજને એમના પપ્પા વિશે જે વાત કરી, એ સાંભળીને નીરજને આશ્ચર્ય તો થયું જ, પણ સાથે સાથે એને પોતાનો પપ્પા પર ગુસ્સો પણ ખુબ જ આવ્યો. મનીષભાઈ જ્યારે બહારથી ઘરે આવ્યાં કે તરત જ નીરજ ગુસ્સાથી બોલી ઉઠ્યો, ‘પપ્પા, તમારી પાસેથી મેં આવી આશા નહોતી રાખી.’ મનીષભાઈ બોલ્યા, બેટા, વાત શું છે, મેં શું કર્યું ? આમ મારા પર ગુસ્સે કેમ થયો છે ?’
‘પપ્પા, તમે પહેલેથી જ જાણતાં હતા, કે નિશા અને એના ઘરવાળાનો સ્વભાવ સારો નથી, એ લોકો એક નંબરના લુચ્ચા, લફંગા અને લોભીયાં છે, તે છતાં તમે મને એની સાથે લગ્ન કરવાથી વાર્યો નહીં. તમે એવું શા માટે કર્યું એ મને સમજાતું નથી’ નીરજ નિરાશ થઈને બોલ્યો. ‘બેટા, કેટલીક વાતો એવી હોય છે, જે સમય જતાં ધીરે રહીને સમજાય છે.’ મનીષભાઈ સયંત સ્વરે બોલ્યા. ‘પણ પપ્પા, તમે ધાર્યું હોત તો તમે મને નિશા સાથે લગ્ન કરતાં રોકી શક્યા હોત, પણ તમે એમ ન કર્યું, તમે મારાં પોતાના હોવા છતાં જાણી કરીને મને કૂવામાં પાડવા દીધો, સાચું કહું તો મને તો એ જ સમજાતું નથી કે તમે મારાં પોતાનાં છો કે પારકાં ?’ નીરજ અત્યંત આક્રોશથી બોલ્યો અને પછી રડી પડ્યો. મનીષભાઈએ એને થોડીવાર રડવા દીધો, પછી કિચનમાંથી પોતે પાણીનો ગ્લાસ લઇ આવ્યાં, અને નીરજની સામે ધર્યો.
‘બેટા, લે આ પાણી પીને સ્વસ્થ થા, પછી આપણે શાંતિથી વાતચીત કરીએ.’ નીરજ પાણી પીને શાંત થયો પછી મનીષભાઈ બોલ્યા, ‘બેટા, હવે હું તમને બંને ભાઈ બહેનને જે કહેવા માંગુ છું, તે તમે લોકો શાંતિથી સાંભળો. તને અને મીરાંને અમે- મેં અને તારી મમ્મી શીલાએ, સ્વતંત્ર અભિવ્યક્તિના વાતાવરણમાં ઉછેરવાનું નક્કી કરેલું. એ મુજબ અમે તમને પુરેપુરી સ્વંત્રતા આપેલી. તમે બંને નાના હતા, ત્યારે તો બધું બરાબર હતું, પણ તમે જેમ જેમ મોટાં થતાં ગયાં, તેમ તેમ તમે બંનેએ અમે તમને આપેલી સ્વંત્રતાનો ગેરલાભ લેવાનું શરુ કર્યું. યુવાનીમા આવ્યાં, ત્યારે તો તમે બંને સ્વંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ પણ ભૂલી બેઠા હતા. અમે તમને લોકોને વારવાના, સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યાં, પણ મોડર્ન હોવાના મદમાં તમને લોકોને એમ લાગતું હતું કે - ‘મમ્મી પપ્પા સાવ ઓર્થોડોક્ષ થઇ ગયા છે.’
મેં તો મારા મન સાથે સમાધાન કરીને તમને લોકોને કંઈ પણ કહેવાનું જ છોડી દીધું, પણ હા, શીલાથી રહેવાતું નહી, એ તમારી મા હતી ને ? એટલે સ્વમાનના ભોગે પણ એ તમને ઘણીવાર વારતી, પણ તમે બંને ક્યાં કોઈને સાંભળવાના મૂડમાં જ હતાં ? એની સલાહ અવગણીને તમે બંનેએ કેટલીય વાર એનું ઈન્સલ્ટ કર્યું, એ તમારી આગળ ચુપ થઇ જતી, અને પછી મારી આગળ આવીને રડતી, હું એને સાંત્વન સિવાય કંઈ આપી શકું એમ નહોતો. એ તો દુઃખી થઈને વહેલી મરી ગઈ, પણ હું તો જીવતો હતો. ‘સ્વમાનભંગ’ થવા કરતાં ચુપ રહેવું સારું, એમ વિચારીને મેં તો જરૂર પડે તો જ, અને તેટલું જ બોલવાનું રાખ્યું.
નીરજ બેટા, યાદ કર. જ્યારે આપણી જ્ઞાતિના એક સમારંભમાં સજીધજીને આવેલી નિશાને તેં ડાન્સ કરતી જોઈ, અને તું એના પર મોહી પડ્યો. ઘરે આવીને તેં મને એના માટે માંગુ નાખવાનું કહ્યું, ત્યારે મેં તને કહ્યું હતું, ‘બેટા, નીરજ. લગ્ન એ આખી જિંદગીનો મામલો છે, બહુ વિચાર કરીને જીવનસાથીની પસંદગી કરવી જોઈએ. નિશાની બાબતે કોઈ પણ ફેંસલો કરે તે પહેલાં તું સમીરભાઈની દીકરી ઋતુને મળ. એ છોકરી ખુબ જ સારી અને સમજદાર છે.’ ત્યારે તેં કહ્યું હતું, ‘પપ્પા, તમે ભલે કહેતા હોવ કે ઋતુ સારી અને સમજદાર છે, પણ મને તો એ જરાય સ્માર્ટ ન લાગી, નિશા સામે તો એ સાવ પાણી જ ભરે.’ મેં નિશાની બાબતે તને પોઝીટીવ રિસ્પોન્સ નહીં આપ્યો, તો તેં તારી ફોઈ દ્વારા માંગુ મોકલ્યું. મને ખબર હતી, કે હું તને એ લોકો વિશે કંઈ કહીશ, તો પણ તું મારું કહ્યું માનવાનો નથી, કેમ કે તું તો એના રૂપથી અંજાઈ ચુક્યો હતો. નીરજ પપ્પાની વાત સાંભળીને કશું બોલ્યો નહીં, કેમ કે એમની વાત સાચી જ હતી. ‘હા ભાઈ, પપ્પાની આ વાત સાચી તો છે જ. બનવાકાળ હતું તે બની ગયું, પણ હવે શું ? પપ્પા, આપણે ભાભીને દસ લાખ રૂપિયા આપવા પડશે ?’
‘ના, આપણે એ લોકોને કાણી પાઈ પણ નહીં આપવી પડે’ મિહિર ઘરમાં પ્રવેશ કરતાં બોલ્યો. ‘એ કઈ રીતે જીજુ- મિહિર ?’ નીરજ અને મીરાં એકસાથે બોલી ઉઠ્યા ‘દેખ લો સાલે સા’બ, યે આપકા તાલાકનામા, જિસ મેં ભાભીજી ખુદ સાઈન કર ચુકી હૈ, ઔર વો એક ભી પૈસા લીયે બીના’ મિહિરે નિશા દ્વારા સહી કરાયેલા છૂટાછેડાના પેપર્સ નીરજની સામે લંબાવતાં કહ્યું. નીરજ અને મીરાંએ પેપર્સ જોયાં અને પછી આશ્ચર્યચકિત થઈને મિહિરને ઘેરી વળ્યા અને પૂછ્યું,’ પણ આ જાદુ થયું કઈ રીતે?’ મિહિરે મનીષભાઈની સામે જોયું, અને કહ્યું, ’એ જાદુ આપણા આ પપ્પાએ કર્યું છે, કઈ રીતે તે એમને જ પૂછો.’ હવે નીરજ અને મીરાં મનીષભાઈની પાસે આવ્યા અને પૂછ્યું, ‘પપ્પા, પ્લીઝ. કહોને કે દસ લાખમાં એક રૂપિયો પણ ઓછો નહિ લઉં એમ કહેતી નિશાએ એક પણ રૂપિયો લીધા વગર છૂટાછેડાના પેપર્સ પર સહી કઈ રીતે કરી આપી ?’
‘નિશાના પપ્પાએ મારી પાસે પાંચવર્ષ પહેલાં પોતાનો હાલનો બંગલો ગીરવે મુકીને બે લાખ રૂપિયા ઉધાર લીધા હતા. જો ત્રણ વર્ષમાં આ પૈસા નહીં ચૂકવાય તો બંગલો મારી માલિકીનો થઇ જાય એવી એમાં શરત હતી. કોઈ કારણસર તેઓ પૈસા ચૂકવી શક્યા નહીં. તે વખતે બંગલાની કીમત લગભગ ચાર લાખ હશે, જે આજે લગભગ વીસ લાખ કે એથીય વધુ થઇ ગઈ છે.’ મનીષભાઈ આટલું કહીને અટક્યા પછી બોલ્યા, ‘હવે આગળની વાત મિહિર તમને કહેશે.’
‘બંગલાના મૂળ દસ્તાવેજના પેપર્સ પપ્પા પાસે હતા, પપ્પાના કહેવાથી એ પેપર્સની ઝેરોક્સ લઈને હું, પપ્પાના વકીલ મિત્ર અનિલકાકાની સાથે નિશા અને એના પપ્પાને મળવા ગયો, પેપર્સ બતાવીને અમે લાગલું જ કહ્યું, કે આ બંગલા પર હવે મનીષભાઈનો હક્ક છે, એટલે તમે લોકો બંગલો દસ દિવસમાં ખાલી કરો, નહીતર અમારે ન છુટકે લીગલ એક્શન લેવા પડશે.’ અમારી વાત સાંભળીને અને પેપર્સ જોઇને, એમાં લખેલી શરત વાંચીને એ લોકો સાવ ગરીબડા થઇ ગયા. નિશાના પપ્પા તો હાથ જોડીને બોલ્યા, ‘મેં લીધેલા બે લાખ રૂપિયા હું આવતી કાલે જ તમને ચૂકવી આપીશ, પણ પ્લીઝ અમારા બંગલાના દસ્તાવેજના પેપર્સ અમને પાછા આપો.’ અનિલકાકાએ કહ્યું, ‘એમ બંગલાના પેપર્સ પાછા ન મળે. પહેલાં બે લાખ રૂપિયા પાંચ વર્ષના વ્યાજ સહિત પાછા આપો, અને નીરજ-નિશાના છૂટાછેડાના પેપર્સ પર નિશા બિનશરતી સહી કરીને આપે, પછી જ બંગલાના ઓરીજીનલ દસ્તાવેજ તમને પાછા મળશે.’
‘ઓહ માય ગોડ ! ઇટ્સ રીયલી અનબિલીવેબલ.’ મીરાં ખુશીથી ઉછળી પડી. ‘જીજુ, રીયલી યુ આર ગ્રેટ ! કહેતાં નીરજ તો ખુશીનો માર્યો તો મિહિરને વળગી જ પડ્યો. ‘આમાં મેં કંઈ જ કર્યું નથી, આ બધો ચમત્કાર થયો છે તે આપણા આ પપ્પાને લીધે જ થયો છે, એટલે તમારે લોકોએ થેંક્યું કે સોરી જે કંઈ પણ કહેવું હોય તે એમને કહો.’ મિહિર હસીને બોલ્યો.
નીરજ આ સાંભળીને એના પપ્પાના પગ પાસે જઈને બેસી ગયો, પપ્પાના ખોળામાં માથું મુકીને ઘણા જ અફસોસ સાથે બોલ્યો બોલ્યો, ‘પપ્પા, મારી મોટી ભૂલ થઇ ગઈ, મને માફ કરો, તમારી વાત સાચી હતી, હું જુવાનીના જોશમાં આવીને રસ્તો ભૂલી ગયો હતો, આઈ એમ રીયલી વેરી સોરી. મને માફ કરશોને પપ્પા ?’ અને એ રડી પડ્યો. મનીષભાઈ નીરજના માથે હાથ ફેરવતાં બોલ્યા, ‘બેટા, સંતાનો ભલે ગમે તેમ વર્તે, એમના ખરાબ વર્તનથી માબાપ ભલે દુઃખી થાય, તે છતાં એમના દિલમાંથી તો સંતાનો માટે દુઆ જ નીકળે.’ ‘ભાઈ, હવે કહે તો – આ પપ્પા આપણા પોતાનાં છે કે પારકાં ?’ મીરાં નીરજની સામે જોઇને હસીને બોલી. ‘હું મારા વાણી અને વર્તન બદલ ખરેખર દિલગીર છું, પપ્પા ’ નીરજ બોલ્યો. ‘સૌ સારું જેનું છેવટ સારું’ મનીષભાઈએ સત્ય વચન ઉચ્ચાર્યું.
‘પણ પપ્પા, તમારે એવા લોભિયા લોકોને પાઠ ભણાવવા એમનો બંગલો પાછો આપવાનો જ નહોતો.’ મિહિરે કહ્યું. ‘બેટા, ઉપરવાળો મારો વહાલો ઈશ્વર સૌનો ન્યાય કરવા બેઠો છે, ત્યારે પાઠ ભણાવનાર હું વળી કોણ ? વળી આખી જીંદગી પ્રમાણિકપણે વિતાવી છે, ત્યારે હવે ઢળતી ઉંમરે અણહકના રૂપિયા લઈને મારે શું કરવું ? કોઈનું દિલ દુભાવીને મળેલી લક્ષ્મી આપણને ક્યારેક બહુ હેરાન કરે, એટલે એ લેવાનો વિચાર પણ કરવો નહીં’ મનીષભાઈ બોલ્યા. ’યસ, પાપા, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ’ મિહિર બોલ્યો, અને પછી ઉમેર્યું, ‘સુનો, સુનો, સુનો, ગાંવવાલોં. યે હૈ ખુશીકા ડબલ ધમાકા. બે દિવસમાં જ પપ્પાના બે લાખ રૂપિયા વ્યાજ સહિત પાછા મળશે. એન્ડ નીરજ, નાવ યુ આર ફ્રી બર્ડ. સો ? ચીઅર અપ ગાયસ, ઇટ્સ અ પાર્ટી ટાઈમ.’ મિહિરના બોલ સાંભળીને સૌ મલકી ઉઠ્યા.