Vishuna Lagna Ane Vishwana Dhanadhya books and stories free download online pdf in Gujarati

વિશુના લગ્ન અને વિશ્વના ધનાઢ્યો.

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

વિશુના લગ્ન અને વિશ્વના ધનાઢ્યો.(હાસ્યલેખ) પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.

-કહું છું, સાંભળો છો?

-બોલ, શું કહે છે?

-પહેલા તમારું આ ટી.વી. ઓલવી નાખો, પછી કહું.

-મારું ટી.વી. તને ક્યાં નડ્યું?

-એ તમને નહીં સમજાય. ટી.વી. ચાલુ હોય છે ત્યારે તમારું અડધું ધ્યાન એમા અને અડધું ધ્યાન આપણી વાતોમા હોય છે.

-તને જો એવો ભ્રમ હોય કે ટી.વી. બંધ કરવાથી મારું પુરું ધ્યાન આપણી વાતોમા આવશે, તો ભલે, લે. આ તારા સંતોષ ખાતર ટી.વી. ઓલવી નાખ્યું, બસ? બોલ, હવે, તું શું કહેતી હતી?

-હું એમ કહેતી હતી, કે આપણી વિશુ [વિશાખા] ના લગ્નની તૈયારી હવે કરવી પડશે ને?

-હા. તે કર ને, કોણ ના પાડે છે?

-ફક્ત તમારી હા કહેવાથી બધા કામો થઈ જવાના છે?

-તો તું મારી પાસેથી શું ઈચ્છે છે?

-તમે કંઇ જ મદદ નહીં કરાવો?

-એ જ તો તકલીફ છે ને? તેં પેલું ગીત નથી સાંભળ્યું..... ‘હસીનોસે એહ દિલ વફા ચાહતે હો, બડે નાસમજ

હો, યે ક્યા ચાહતે હો, બડે નાસમજ હો....’ તું મને આટલાં વર્ષોથી ઓળખતી હોવા છતાં મારી પાસેથી મદદની અપેક્ષા રાખી રહી છે?

-મને ખબર છે કે તમારી પાસેથી મદદ લેવી એટલે વેકેશનમા રેલ્વે સ્ટેશનની ટિકિટ વીન્ડોની લાઇનમા ઊભા રહીને ટ્રેઇનની ટિકિટ લાવવા જેવું કઠીન કામ છે. પણ આપણા ‘અભૂતપૂર્વ’ એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ ઇંદિરા ગાંધી કહી ગયાં હતાં કે, ‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી.’

-જો વ્હાલી, ‘વ્યક્તિ ગઈ એની સાથે ઊક્તિ પણ ગઈ.’ અને ‘માણસો ગયા એમની સાથે માન્યતાઓ પણ ગઈ.’ Now, best thing is that.. કે તું મારી પાસેથી મદદની અપેક્ષા રાખે તે કરતાં કોઇ યોગ્ય બીજી વ્યક્તિ શોધી લે, કે જે તને કામમા મદદ કરાવે.

-એ ના ભૂલો કે છોકરી જેટલી મારી છે, એટલી જ તમારી છે.

-તારા સમ ડિયર, હું એ વાત કદી ભૂલ્યો નથી, અને કદી ભૂલીશ પણ નહિ. વિશુ જેટલી તને વહાલી છે, એટલી જ મને પણ વહાલી છે.

-હં. તો પછી એના લગ્નની તૈયારીમા મદદ કરો.

-જેવી તારી મરજી. ચાલ, સગા-વહાલાઓના લિસ્ટથી શરુઆત કરીએ. લાવ, એક પેન અને એક ફુલસ્કેપ બુક.

-એ વળી પાછાં મારે તમને આપવાના?

-તારે મારી પાસે કામ કઢાવવું હોય તો એટલું તો કરવું જ પડે ને?

-ભલે લ્યો. આ પેન અને આ નોટબુક. ‘શ્રી ગણેશાય નમ:’ લખીને શરુઆત કરો.

-જો આમા તો બહુ સમય લાગી જાય. મારી પાસે એટલો ટાઇમ ક્યાં છે? તું એક કામ કર. પ્રાયમરી લિસ્ટ તું બનાવી રાખ. પછી ફાઇનલ લિસ્ટ આપણે સાથે મળીને કરીશું.

-હે ભગવાન! આમની પાસેથી કામ લેવું એટલે ‘લોઢાના ચણા ચાવવા.’ જેવું અઘરું કામ છે. પણ હું ઓળખું ને તમને. મેં પ્રાયમરી લિસ્ટ તૈયાર જ રાખ્યું છે. લ્યો, એમાથી ફાઇનલ યાદી તૈયાર કરો હવે.

-ગુડ ગર્લ. લાવ ચાલ, સાથે બેસીને મહેમાનો ની યાદી બનાવી લઈએ.

-હં. ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ ગયું. હવે બહારગામના મહેમાનોને ઉતારો આપવા માટે કઈ હોટેલ પસંદ કરવી તે જોઇએ.

-હોટેલમા શા માટે? એ તો બહુ મોંઘું પડે. તને ખબર છે, વિપ્રો જેવી મોટી કંપનીના માલિક અઝીમ પ્રેમજી જેવા મોટા માણસો બહારગામ જાય કે મોટાં શહેરોમા રોકાય, ત્યારે ફાઇવ સ્ટાર હોટેલમા કે મોટી ક્લબમા ઉતરવાના બદલે કંપનીના ગેસ્ટ હાઉસમા રહે છે?

-તે આપણે ક્યાંક બહારગામ જવાનું થશે ત્યારે આપણે પણ એમ કરીશું, બસ? પણ દીકરીના સાસરિયાઓને એમ કંઇ ગેસ્ટ હાઉસ કે ધરમશાળામાં ઉતારો ના અપાય.

-ઓ.કે. મેડમ, સમજી ગયો. બોલો બીજો કંઇ હુકમ?

-નાટક છોડો હવે. મહેમાનોને હોટેલથી મેરેજના હૉલ સુધી લાવવા-લઈ જવા માટે થોડી સારામાંની ગાડીઓની વ્યવસ્થા કરવી પડશે.

-તને ખબર છે, પ્રિયે? ૧૨.૭ બિલિયન ડોલર સંપત્તિના માલિક અઝીમ પ્રેમજી એમની સાદી ગાડી ટોયેટા કોરોલોમા જ-

-અરે! તમારા એ અઝીમ પ્રેમજીને મૂકોને તડકે. દીકરીના લગ્નમાં સાસરિયાઓ માટે જેવી-તેવી ખખડધજ ટેક્સીઓ ના ચાલે, મસ્ત લક્ઝુરિયસ કાર જોઇએ.

-જેવી તમારી આજ્ઞા મહારાણીજી. ઔર કોઇ હુકુમ ઇસ નાચીઝ કે લીયે?

-હં... કેટરર્સ તરીકે કોને બોલાવીશું? આઇ થીંક, આર.કે. બેસ્ટ છે આપણા શહેરમા. મસ્ત ખાવાનું અને તે ય જર્મન સિલ્વરના ડિનર સેટમાં.

-અરે! એ તો બહુ મોંઘા પડે. યાર, ખુદ અઝીમ પ્રેમજીએ એમના દિકરાના લગ્નમા જમણ વખતે મહેમાનોને કાગળની પ્લેટમા જમવાનુ આપેલું.

-વળી પાછા તમે તમારા એ અઝીમ પ્રેમજી ને વચ્ચે લાવ્યા? મને તો એ બહુ જ કંજૂસ માણસ લાગે છે.

-કંજૂસ નહિ, સાદા અને સરળ માણસ કહેવાય. માણસે જીવનમા આ રીતે પૈસા વેડફવા ન જોઇએ.

-માણસે જરૂર પડ્યે પૈસા વાપરતા પણ શીખવું જોઇએ. તમે એક એવા છો કે- કેટલા વખતથી કહું છું કે આ ૨૫ વર્ષ જૂનો ઐતિહાસિક ફ્લેટ કાઢી નાંખો અને એક નાનકડું મજાનું ટેનામેન્ટ લઈ લ્યો. પણ મારું સાંભળે છે જ કોણ?

-તને ખબર છે વ્હાલી, દુનિયાની સૌથી ધનિક ગણાતી વ્યક્તિ કે જે ૬૨ બિલિયન ડોલરના માલિક છે, તે વોરેન બુફે અત્યાર સુધી પોતાના ૫૦ વર્ષ જૂના, માત્ર ૩૧,૫૦૦ ડોલરમા ખરીદેલા સાદા ઘરમા રહેતા હતા.

-તમારો ઇરાદો બીજાં ૨૫ વર્ષ આજ ખખડધજ ફ્લેટમા રહેવાનો હોય તો ભલે, મને કોઇ વાંધો નથી.પણ મારી પણ એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. વિશુના લગ્ન પહેલાં આ આખા ફ્લેટને હું રીનોવેટ કરાવવાની છું અને તે પણ ફર્નિચર સહિત.પછી તમે કંઇ પણ કહેશો તે હું સાંભળવાની નથી.

-પછી કે પહેલાં, તું ક્યાં કશું મારું કહેલું સાંભળે જ છે? હવે જ્યારે તું મારા માથે ટાલ પાડવાનું નક્કી કરીને જ બેઠી છે, પછી તને શું કહું?

-તમે ભલે ને કશું ના કહો. લ્યો ને, છાપા તો હું ય વાંચું છું. તો હું જ તમને કંઇક કહું. દુનિયાના અતિ ધનાઢ્યોમાના એક ગણાતા જહોન કોડવેલ કે જે ૨.૩ બિલિયન ડોલરના માલિક છે, તે પોતાના વાળ જાતે કાપે છે, અને તમને તો દાઢી જાતે કરવી પડે છે તે ય કંટાળો આવે છે. જહોન કોડવેલ બ્રિટનની કપડાં વેચનારી કંપનીના ‘સેલ’માંથી ખરીદી લાવેલાં કપડાં પહેરે છે, અને તમને તો ‘બ્રાન્ડેડ’ સિવાયના કપડાં ગમતાં જ નથી.

-ઓ.કે. ઓ.કે. જનાબ. તું જીતી અને હું હાર્યો.

-હં, હવે આવ્યાને ઠેકાણે?

-છૂટકો છે, કંઇ? તેં પેલું વાક્ય તો સાંભળ્યું જ હશે કે-----

‘‘Marriage is a Relationship in which, one person is always right, and another is Husband.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED