Vyasan Namno Danav books and stories free download online pdf in Gujarati

વ્યસન નામનો દાનવ

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

વ્યસન નામનો દાનવ (વાર્તા) પલ્લવી જીતેંન્દ્ર મિસ્ત્રી

ઉનાળાની બળબળતી બપોરે, બેડરુમમા એ.સી. ની ઠંડક વચ્ચે, તંદ્રામાથી સરયુબેન ઉઠયા અને ઘડિયાળમા જોયું. સાડાત્રણ થયા હતા. “ બાની ચાનો ટાઈમ થઈ ગયો.’ એમ મનોમન બબડીને એમણે બાથરુમમા જઈ મોં ધોયુ, વાળ ઓળ્યા અને કીચનમા આવી ચા બનાવવા મૂકી. “દીકરી પ્રીતિ એના લગ્નના ઉમેદવાર છોકરા સાથે બપોરના શોમા ફિલ્મ જોવા ગઇ હતી. ત્યાંથી એ લોકો કોફી શોપ જવાના હતા. એટલે એને તો આવતા લગભગ ૪.૩૦ થી ૫ વાગી જશે.” એમ વિચારતા સરયુબેને પોતાની અને સાસુમાની ચા કપમા ગાળી અને બન્ને કપ લઇને ડ્રોઇંગરુમમા આવ્યા. સાસુમા બપોરે મસાલાવાલી ચા પીતા. સરયુબેન ચા સાથે થોડો નાસ્તો લેતા. પણ હમણા થોડા સમયથી એમને પોતાનુ વજન વધ્યું હોય એમ લાગતા બપોરનો નાસ્તો એવોઇડ કરતા.

રીમા, સરયુબેનની ખાસ ફ્રેંડ હતી. એ કહેતી કે પચાસ વરસ પછી વધતી ઉમરની સાથે હોર્મોંન્સ ચેઈન્જ થતા હોય છે, એને લીધે વજન આપોઆપ વધે છે, એટલે ડાયેટિશીયનની સલાહ લઈ એ મુજબનો ખોરાક લેવો જોઈએ. રીમાનુ વજન ખાસુ ઘટયું હતું, એટલે સરયુબેને પણ એની સાથે જઈ ડાયેટિશીયનની સલાહ લેવાનુ નક્કી કર્યુ હતું. સરયુબેન ચા પીતા પીતા વિચારે ચડયા, ’બસ, એકવાર પ્રીતિનુ પ્રેમલ સાથે ગોઠવાઇ જાય તો પોતે ગંગા નાહ્યા. આવતા મહિને પ્રીતિ અઠ્ઠાવીસ વરસની થશે. પ્રીતિ ઘરના અને બહારના કામમા હોંશિયાર છે. ભણવામા એવી એક્સપર્ટ છે કે હમેશા ફર્સ્ટક્લાસ લાવે છે. બી.કોમ.ની સાથે કોમ્પ્યુટરમાં ય એની માસ્ટરી છે. જોબમા એકદમ પરફેક્ટ છે એટલે જ ઓફિસમાં બોસનો જમણો હાથ છે. બસ, સ્વભાવમાં થોડી રાંક છે. આજના જમાનાની છોકરીઓ તો બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ હોય છે. પ્રીતિની હાઇટ ઓછી અને દેખાવે સાધારણ, પોતાના ઉપર પડી છે ને.’

હા,સરયુબેનની હાઇટ ઓછી અને દેખાવે પણ સાધારણ, પણ એમનુ ઘર સધ્ધર એટલે એમના લગ્ન સારી હાઇટ બોડી ધરાવતા, સ્નેહલરાય સાથે થયા. કેટલાક લોકો આ જોડીને ‘અમિતાભ-જયાની જોડી’ પણ કહેતા. એમના જમાનામા તો મા-બાપ પોતાના સંતાનો માટે જીવનસાથી પસંદ કરતા. અને સંતાનો પણ મા-બાપની વાત માનીને એમણે શોધેલા પાત્ર સાથે પરણી જતા. સ્નેહલ-સરયુના એરેંજડ મેરેજ થયેલા.

જો કે તે વખતે સ્નેહલને જીવનસાથી પસંદ કરવાની છુટ અપાઇ હોત, તો એ પણ આ સાધારણ સરયુને બદલે કોક બ્યુટીફૂલ મોડર્ન મોનિકાને પરણ્યા હોત. આ વાત વિચારતા સરયુબેનને હસવું આવી ગયું. સ્નેહલના મમ્મી પપ્પા સાધારણ સ્થિતિના. બે બહેનોના જન્મ પછી, ‘ એક છોકરો તો હોવો જ જોઇએ.’ ની મેંટાલીટીથી જોડકું જન્મ્યું. એક દિકરો અને એક દીકરી. સ્નેહલના પપ્પા મેટ્રિક સુધી જ ભણેલા.એક ઓફિસમા વરસોથી નામુ લખવા જતા, સાથે ત્રણચાર જણનુ ટ્યુશન પણ કરતા.

એ વખતે આજના જેટલી મોંઘવારી નહોતી. કરકસરથી લોકો રહેવા ટેવાયેલા હતા. અવનવી વસ્તુઓની લાલસા કે દેખાદેખી નહોતા. જરૂર હોય તો જ વસ્તુઓ ઘરમાં આવતી. ઘણીવાર તો જરૂર હોવા છતાં લોકો વસ્તુ વિના ચલાવી લેતા અથવા અડોશપડોશમાંથી લાવીને વસ્તુ વાપરતા. પરસ્પર લેણદેણને કારણે લોકો એકબીજા સાથે લાગણીના સમ્બધથી બંધાયેલા હતા. એકબીજાના સુખે સુખી હતા.લોકો ઉદાર હતા,પરમાર્થી હતા. જિન્દગી ગરીબીમા પણ મજાની હતી. વસ્તુની કિમત હતી, વ્યક્તિઓની કિમત હતી. વડીલોની માનમર્યાદા હતી, કાળજી હતી, કુટુમ્બભાવના પ્રબળ હતી.

સ્નેહલના પપ્પાએ બાપ-દાદાનુ ઘર ગીરવી મૂકી રુપીયા વ્યાજે લઇ બે દિકરીઓને સાધારણ પણ સુખી ઘરે પરણાવી હતી.સ્નેહલ ભણવામા હોશિયાર હતો એટલે ડોક્ટર બનવાનુ સ્વપ્ન જોયું હતું. સ્કોલરશીપ માટે ખુબ પ્રયત્નો કર્યા પણ મેળ ના પડયો. સ્નેહલના પપ્પા જે ઓફિસમા વરસોથી નામુ લખતા હતા એ શેઠને વાત કરીને રુપીયા ઉધાર માંગ્યા રુપીયા આપવાને બદલે શેઠે સલાહ આપી, ‘જુઓ ભાઇ, આજે તો તમે દિકરાને માટે કરજ લેવા તૈયાર થયા છો, પણ એ જ દિકરો ‘ગરજ સરી કે વૈધ વેરી’ જેવું કરશે. સધ્ધર થયા પછી તે હાથ અધ્ધર કરી દેશે. કમાતો થાય એટલે દિકરાને મા-બાપ નો વાંક દેખાવા લાગે. અને પરણ્યા પછી તો એને એના મા-બાપ દુશ્મન જ લાગે. પુત્રવધૂ સારી મળે તો ઠીક, નહિતર એ પણ વરને ચડાવે. વર ની કમાણી ઉપર ફક્ત એનો જ હક્ક, મા-બાપ નો નહી. પુત્રવધૂ માને કે એનો વર તો ‘સેલ્ફમેઇડ’, જાતે જન્મેલો, જાતે જ મોટો થયો, જાતે જ બોલતા ચાલતા શીખી ગયો.

દિકરો ય જાણે કે હવે આખી જિંદગી આની સાથે જ ગુજારવાની છે, તો એની હા એ હા કરવામા જ સાર છે. મારું કહ્યું માનો તો દિકરાને ડોક્ટર બનાવવા દેવું કરવું માંડી વાળો અને એને કોઈ સારી જગ્યાએ કામે લગાડી દો.’ સ્નેહલના પપ્પાએ દબાતા સ્વરે કહ્યું, ‘મારો દિકરો એવું નહીં કરે, મને એના પર સંપુર્ણ વિશ્વાસ છે. છતાંય માનો કે એ એવું કરે તો તમારું દેવું હું ચુકવી આપીશ, બસ?

ક્યાંથી ભરશો દેવું? દિકરીઓને પરણાવતી વખતે ઘર તો ગીરવે મુકી દીધું છે. શેઠે રોકડું પરખાવ્યું. સ્નેહલના પપ્પા આ વરવી વાસ્તવિક્તાના અપમાનજનક ઘુંટ ગળે ઉતારી, હતાશ થઈ ઘરે પાછા ફર્યા. સ્નેહલ પપ્પાનુ પડી ગયેલું મોં જોઈને સમજી ગયો. એણે પપ્પાને સાંત્વના આપતા કહ્યું, ‘પપ્પા,તમે ચિંતા ના કરો. હું પાર્ટ ટાઇમ જોબ સાથે બી.એસસી. કરીશ.’ અને સ્નેહલે એના કહ્યા મુજબ કર્યું. કમાયો, બહેનને સારે ઘરે પરણાવી. પોતે પણ મમ્મી પપ્પાએ પસંદ કરેલી છોકરી સરયુ સાથે પરણ્યો. બે સંતાન પ્રીતિ અને પ્રતિક નો પિતા બન્યો. પ્રતિકના જન્મ પછી સ્નેહલના પપ્પા મ્રુત્યુ પામ્યા. સ્નેહલના મમ્મી એટલે કે બા એ સાંસારિક બાબતોમાંથી નિવૃતિ લઈ, આધ્યાત્મિક વાંચન અને પ્રભુભક્તિમાં મન પરોવ્યું. અત્યંત સરળ સ્વભાવ અને પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લેવાની વૃત્તિના કારણે બા એ પોતાનુ જીવન સરળતાથી ગોઠવી લીધું.

પ્રીતિ પણ એના પપ્પાની જેમ ભણવામા હોશિયાર હતી.સ્વભાવમા પણ એના પપ્પાની જેમ માઇલ્ડ નેચરની હતી. ઘરકામમા એક્સપર્ટ હતી. એ 23 વરસની થઈ ત્યારે એડવોકેટ થયેલા મનનનુ માગું આવ્યું. સ્નેહલભાઈ એ કહ્યું, ‘આપણે બા ને પુછીએ તો?’ ‘એમા બાને શું પુછવાનુ? છોકરો સારો છે, ઘર સારુ છે. વળી બા આવી ઘરની બાબતોંમા માથું મારતા જ નથી.’ સરયુબેને કહ્યું. ‘સરયુની ઉપરવટ જઈને કંઇ કરવું, એનો મતલબ કજિયાને આમંત્રણ આપવું, અને ઘરની શાંતિને જોખમમા મુકવી.’ એટલું આટલા વરસોના લગ્નજીવનના અનુભવમાંથી શીખેલા સ્નેહલરાયે, ‘તો પછી તું જાણે.’ કહીને બધું સરયુ પર છોડી દીધું. સરયુબેને ધામધુમથી પ્રીતિના એંગેજમેંટ ગોઠવી કાઢયા. સ્નેહલના મમ્મી કશું બોલ્યા નહી.

પણ જો એમને પુછ્યું હોત તો એમણે જરૂર કહ્યું હોત કે, ‘ઘર ભલે સધ્ધર છે, પણ માણસો બહુ લાલચુ અને લોભિયા છે.’ સંતાનો જ્યારે વડીલોની અવગણના કરે છે ત્યારે પોતાના સંતાનોનુ હમેશા ભલુ ઇચ્છતા મા-બાપ એ વખતે અપમાનના ડરથી ચુપકિદી સેવી લે છે. મા-બાપના મ્રુત્યુ પછી સંતાનો એમનુ શ્રાધ્ધ કરે છે, લાખો રુપિયાનુ દાન કરે છે, ઘરમા એમના ફોટા લગાવે છે. પણ એ બધું નકામું છે. કમનસીબે સંતાનોને આ વાત ત્યારે જ સમજાય છે, જ્યારે એમના સંતાનો એમની સાથે આવું કરે છે. કદાચ આને જ . ‘હિસ્ટ્રી રિપીટ્સ ઇટ્સેલ્ફ’ કહેવાતું હશે. થનાર ઘટના થયા કરે છે. બહુ થોડા અપવાદોમા મા-બાપ અને સંતાનો એકમેકને સમજીને, લાગણીને માન આપીને સુમેળથી રહે છે. આવા ઘરોમાં ધરતીનું સ્વર્ગ ઉતરે છે.

સરયુએ પ્રીતિનુ સગપણ મનન સાથે ધામધુમથી કર્યું. જ્યારે વડિલો લગ્નની તારીખ લખવા સામસામે બેઠા, ત્યારે મનનના પપ્પાએ કહ્યું ‘પહેલા પ્રીતિને ૨૧ જોડ કપડા, ૨૦ તોલા સોનુ, મનનને સોનાની વીંટી અને ચેઇન, રેમન્ડનો સુટ, બાઇક, અને ઓફિસ સ્પેસ આપવાનુ કબુલો તો જ લગ્નની તારીખ નક્કી થાય. સ્નેહલરાય અને સરયુબેન તો આ સાંભળીને આશ્ચર્ય વિમુઢ થઇ ગયા. બહુ કાકલુદી કરી. પણ મનનના પપ્પા ના માન્યા. છેવટે મનનને સમજાવ્યો તો એણે કહ્યું, ‘વહેવારની વાતો તો વડિલો નક્કી કરે, એમા મારે શું કહેવાનુ હોય?’ પ્રીતિએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એને પહેલા આઘાત લાગ્યો. પછી એણે ગુસ્સાથી અને મક્કમતાથી કહ્યું,’ આવા લોભિયા અને નમાલા છોકરા સાથે મારે પરણવું જ નથી.’ મમ્મી-પપ્પાની સ્થિતિ જોઇને એ રડી પડી. એંગેજમેંટ તુટી ગયા.

ફરીથી પ્રીતિ માટે મૂરતીયા જોવાનુ શરુ થયું.પણ બે વરસના ગાળામા કંઇ મેળ ના પડયો. એવામા પ્રીતિની ઓફિસમા શશાંક નામે છોકરો જોડાયો. પાંચ છ મહિનામા સાધારણ પરિચયમાંથી પ્રીતિ-શશાંક એકબીજાની નજીક આવ્યા. એકબીજાને પસંદ કરવા લાગ્યા. શશાંકે પ્રીતિને પ્રપોઝ કર્યું. પ્રીતિએ એના મમ્મી-પપ્પાને વાત કરી. બન્નેના વડિલો મળ્યા, વાતચીત કરી. અને પાત્ર યોગ્ય લાગતા વાત પાકી કરી.

શશાંકના દાદાના અવસાનને છ મહિના થયા હતા, એટલે બીજા છ મહિના પછી વરસી વાળી દઇને લગ્ન કરવા એવું બન્ને પક્ષે નક્કી થયું. સહુ ખુશ હતા. પણ આ છ માસના ગાળામા પ્રીતિને ખ્યાલ આવી ગયો કે શશાંક વહેમીલો છે. પ્રીતિ ક્યાં જાય છે, કોને કોને મળે છે, શું વાતો કરે છે, વગેરે તમામ બાબતો શશાંક નોંધતો અને પુછતો. પ્રીતિ અકળાઇ ઊઠી, ‘લગ્ન પહેલાં જ જો આ મારી આટલી ઉલટ તપાસ કરે છે તો લગ્ન બાદ મારુ શું થશે?’ રડતાં રડતાં પ્રીતિએ મમ્મી-પપ્પાને તમામ વાત કરી. તેઓને ખુબ આઘાત લાગ્યો. પછી શાંતિથી વિચાર કરીને આ સંબંધ તોડી નખ્યો. બે વારના સંબંધ વિચ્છેદથી પ્રીતિનુ મન લગ્ન બંધનમાથી ઉઠી ગયું.

એણે એના મમ્મી-પપ્પાને લગ્ન ન કરવાનો ઇરાદો જણાવી દીધો. પણ, ‘અમે ના હોઇયે ત્યારે તારુ કોણ?’ કહીને એમણે પ્રીતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જે કોઇ સગા સંબંધી કે ઓળખીતા પાળખીતા મળે તેને સરયુબેન કહેતા, ‘મારી પ્રીતિને લાયક કોઇ છોકરો ધ્યાનમા હોય તો બતવજોને.’ લોકો મૂરતીયો બતાવતા પણ ખરા. પણ ‘દૂધનો દાજ્યો છાશ ફૂંકીને પીએ.’ એમ સરયુબેન છોકરાની અને એના કુટુંબીજનોની ચારેકોરથી તપાસ કરતા અને નાનકડી પણ ખામી દેખાય તો ના પાડી દેતા. લોકો પણ પછી તો , ‘આ તો દૂધમાથી પોરા કાઢે છે.’ એમ કહીને છોકરાઓ બતાવવાનુ બંધ કરી દીધું.આમ ને આમ પ્રીતિ ૨૮ વરસની થઇ ગઇ અને પ્રતિક ૨૩ વરસનો થયો. એંજીનિયર થઇને એણે પાર્ટ ટાઇમ જોબ કરીને એમ.બી.એ. કર્યું. પોતાના માટે પોતાના જ ફિલ્ડની છોકરી વિનીને શોધી કાઢી. સરયુબેને, ‘વિની મહારાસ્ટ્રીયન છે, આપણા ઘરમા સૂટ નહી થાય.’ એવો વાંધો ઉઠવ્યો. પણ પ્રતિકે મક્કમપણે કહ્યું, હું પરણીશ તો વિનીને જ.’ સરયુબેન ચુપ થઇ ગયા. પ્રીતિના સદનસીબે દૂરના એક સંબંધીના તરફથી આઇ શ્પેશિયાલિસ્ટ થયેલા ડોક્ટર પ્રેમલનુ માંગુ આવ્યું. પ્રેમલનુ પોતાનુ ક્લિનીક હતું અને પ્રેકટીશ પણ સારી હતી. પોતાનો બંગલો હતો, પોતાની કાર હતી. અને ’સોને પે સુહાગા’ જેવી વાત તો એ હતી કે પ્રેમલ કે એના મમ્મી-પપ્પાને ‘કંકુ અને કન્યા’ સિવાય કશું જોઇતુ નહોતું.

આમ ‘દીવો લઇને શોધવા જઇએ તો પણ આવું ઘર કે આવો વર ના મળે’ એમ વિચારીને સરયુબેને પ્રીતિને કહ્યું, ‘બેટા, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે મોં ધોવા નથી જવું. બેટા, હા કહી દે.’ પહેલી મુલાકાતમા જ પ્રીતિ-પ્રેમલ એકબીજાને પસંદ આવ્યા. પ્રેમલે પ્રીતિને પોતાની સાથે પહેલી ફિલ્મ જોવાનુ અને પછી કોફી શોપમા જવાનુ આમંત્રણ આપ્યું. ત્યારે સરયુબેન પોતાની ખુશીને વ્યક્ત કર્યા વિના ના રહી શક્યા.’બેટા, પિંક કલરનો પંજાબી ડ્રેસ અને એને મેચ થતો અમેરિકન ડાયમંડનો સેટ પહેરજે. ’પ્રીતિએ પણ મનોમન મલકીને મમ્મીની વાત માન્ય રાખી.

સરયુબેન ચા પી રહ્યા અને ડોરબેલ વાગી. એમણે દરવાજો ખોલ્યો. ‘જલદી આવી ગઇ બેટા. કોફીશોપ ના ગયા?’ એમ પુછતા એમણે પ્રીતિને આવકારી. પણ પ્રિતી તો સામુ જોયા વિના કે કશું બોલ્યા વિના,ચંપલ કાઢી, પર્સ લઇને સીધી બેડરુમમાં જતી રહી. સરયુબેનને ધ્રાસ્કો પડયો, તેઓ પ્રીતિના બેડરુમમા ગયા, ‘શું થયું, કેમ ઉદાસ છે, બેટા?’ એ પૂછી બેઠા. ‘મમ્મી, મારે પ્રેમલ સાથે લગ્ન નથી કરવા.’ હતી એટલી હિમ્મત ભેગી કરી ને પ્રીતિ બોલી અને નીચું જોઇ ગઇ. એની આંખોમા આંસુ હતા સરયુબેનને એ ન સમજાયું કે ‘પહેલી મુલાકાતમા એકબીજાને પસંદ કરી ચૂકેલા પ્રીતિ-પ્રેમલની આ બીજી મુલાકાતમાં એવું તે શું બની ગયું કે પ્રીતિ લગ્ન જ કરવાની ના પડે છે? શું થિયેટરના અંધકારમા પ્રેમલે પ્રીતિ સાથે કંઇ અણછાજતી છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો હશે?

‘પણ પ્રીતિ બેટા એવુ તે શું બની ગયું કે તું આમ સાવ લગ્નની જ ના પાડે છે? સરયુબેને એને પુછ્યું. ‘મમ્મી, પ્રેમલ છેલ્લા દસ વરસથી સિગરેટ પીએ છે’ પ્રીતિ બોલી.

-‘બસ, આટલી જ વાત?’ -‘મમ્મી,તને આ વાત નાની લાગે છે? તુ જાણે છે ને કે સિગરેટ પીવાથી હેલ્થ પર કેવી અસર થાય. કેન્સર જેવી ભયંકર બિમારી થઇ શકે. પ્રીતિ બોલી.

-બેટા,બધા સિગરેટ પીનારાને કેંસર થતું નથી હોતું. અને હા, જેમને કેન્સર થાય છે તે બધા કંઇ સ્મોકિંગ કરતા નથી હોતા. જોને તારા પપ્પા જ ક્યાં સિગરેટ નથી પીતા?

-ઓહ! મમ્મી, તને હવે હું શું કહું? તું પપ્પાનુ સ્મોકિંગ ચલાવી લે છે એટલે મારે પણ શું પ્રેમલનુ સ્મોકિંગ ચલાવી લેવાનુ?

-હું એવુ ક્યાં કહુ છું, બેટા. તું પ્રેમથી એને સમજાવીશ તો એ સ્મોકિંગ છોડી દેશે.

-મમ્મી, ખોટું ના લગાડીશ. પણ સાચી વાત તો એ છે કે તેં કેટલા પ્રયત્નો કર્યા, પ્રેમથી સમજાવ્યા,રિસાઇ ગઇ, અબોલા લીધા, ઉપવાસ કર્યા. તો પણ પપ્પા માન્યા? સ્મોકિંગ છોડ્યું? અરે! એમના ફ્રેંન્ડ ડોક્ટરકાકાએ કેટલું ચેતવ્યા, ‘હવે તો સિગરેટ છોડ નહિતર-----‘

-બેટા, તારી વાત સ્વીકારુ છું. પણ આપણે જીવનમા ક્યારેક અને ક્યાંક તો સમાધાન સ્વીકારવું જ પડે.

-પણ આવી વાતમાં સમાધાન?

-પ્રીતિ, માંડમાંડ સારુ માંગુ આવ્યું છે ત્યારે આવા નજીવા કારણસર તું ના પાડેતે મને યોગ્ય નથી લાગતું.

-ભલે તો પછી મમ્મી, તમને લોકોને યોગ્ય લાગે તેમ કરજો. કહેતાં પ્રીતિ પોતાના રૂમમાં જતી રહી.

સ્નેહલરાય રાત્રે ઘરે આવ્યા ત્યારે સરયુબેને બધી વાત કરી. સરયુના સાસુ પહેલીવાર બોલ્યા,’બેટા,પ્રીતિને પરાણે પરણાવશો નહી.’ કહીને માળા કરવા રુમમા જતા રહ્યા.

-અરે! પ્રેમલ માત્ર સિગરેટ પીએ છે એટલે ના પાડી દેવાની? એમ તો તમે પણ ક્યાં સિગરેટ નથી પીતા?

-સાંભળ સરયુ, હું પણ વરસોથી સિગરેટ પીઉ છું. છેલ્લા એકાદ વરસથી તો મને ખોરાક ગળે ઉતારતા પણ તકલીફ પડતી હતી. ડોક્ટરને બતાવતા ય ડર લાગતો હતો કે ક્યાંક કેન્સર ના હોય. પણ દર્દ જ્યારે હદથી વધી ગયું તો મેં ગયા અઠવાડીયે જ ડોક્ટરને બતાવ્યું. એમણે કહ્યા તે બધા ટેસ્ટ કરાવ્યા. મને અન્નનળીનુ કેન્સર છે. સારવાર ખુબ યાતના જનક હશે. એ પછી પણ સાજા થવાની તક ઘણી ઓછી છે. હવે તું જ કહે, આપણી દિકરીને પણ જો આવી જ પરિસ્થિતિમાથી પસાર થવાનુ આવે તો એની શું દશા થાય? હવે તું જ નક્કી કર કે તારે એને પ્રેમલ સાથે પરણાવવી છે કે કેમ?

સરયુબેન તો ‘વ્યસન નામના દાનવ’ ની બન્ને તરફ્ની આવેલી આંધીમા અટવાઇને અવાચક થઇ ને ઉભા રહી ગયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED