બાબુજી ધીરે ચલના Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાબુજી ધીરે ચલના

Name: Pallavi Jeetendra Mistry

e-mail: hasyapallav@hotmail.com

બાબુજી ધીરે ચલના. પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

“બાબુજી ધીરે ચલના...” હું જ્યારે આ ગીત સાંભળું છું, ત્યારે એક દિવસના ધોધમાર વરસાદ પછીના અમદાવાદનાં રસ્તા મારી આંખ સામે આવી જાય છે. આજકાલ અમદાવાદનાં હાલમાં જ બનેલાં નવાંનકોર રસ્તાઓ સહિતના લગભગ તમામ રસ્તાઓ પર ચાલતાં અથવા વાહનોમાં બેસીને નીકળતા દરેક વ્યક્તિએ ઉપરનું ગીત, ‘બાબુજી ધીરે ચલના..’ યાદ કરવું જ પડે એવી હાલત વરસાદે કરી મૂકી છે. આ સદાબહાર અને સુમધુર ગીત આમ જુઓ તો ઘણા વર્ષો જુનું છે, પણ આજે પણ એ કેટલું હાલતને અનુરૂપ છે, તે જોતાં ગીતકારની ‘દીર્ઘદ્રષ્ટિ’ ને સલામ કહેવી પડે.

‘આકાશી આફત’, ‘અમદાવાદ કે ભૂવાનગર’ , ‘વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતનાં હાલ-બેહાલ’, ‘સૌરાષ્ટ્રમાં મેઘ કહેર’, ‘ભારે વરસાદે અમરેલીને ઘમરોળ્યું’ વગેરે વગેરે મસાલેદાર મથાળા હેઠળ વિવિધ ન્યૂઝપેપરવાળા એ વરસાદનાં ભયંકર સચિત્ર અહેવાલો પ્રગટ કર્યા. જ્યાં જુવો ત્યાં જળ બંબાકાર. આવી હાલત મને પણ લાગ્યું કે આ વખતે મેઘરાજાની સાંભળવામાં ભૂલ થઈ ગઈ છે:

‘અમે કહ્યું હતું મેઘરાજાને કર જરા મહેર,

અને જુઓ તો એણે કરી આ કેવી કહેર?’

વરસાદ જરા થંભ્યો એટલે હું મારું પ્રિય કામ [શોપિંગ] કરવા નીકળી, ત્યારે મારી મહાબળેશ્વર સોસાયટીમાં રહેતી એક જુની પડોશી મિત્ર મળી ગઈ.

‘હાય, હર્ષા, કેમ છે?’, મેં એને ખબર અંતર પૂછ્યાં.

“કોણ જાણે હતી કેવી વર્ષો જુની, જિંદગીમાં અસર એક તનહાઈની,

કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’ એને આખી કહાણી સુણાવી દીધી.”

ઘણા જ જાણીતા કવિ (નામ અત્યારે યાદ નથી) ની ઉપર મુજબની પંક્તિઓને સાર્થક કરતાં હર્ષાએ મને જે કહાણી સંભળાવી તે નીચે મુજબ છે.

“અમારી સોસાયટીનાં ઉબડ-ખાબડ રસ્તાઓ પર ચાલવા માટે અમે અહીંના રહીશો તો ટેવાઈ ગયાં છીએ. અહીંના સ્કૂટર સવારોનું ડ્રાયવીંગ એટલું તો પાકું થઈ ગયું છે, કે એમને ક્યારેક ચંદ્ર પર સ્કૂટર ચલાવવાનો વારો આવે તો પણ તેઓ આસાનીથી ચલાવી શકે. ‘મહાબળેશ્વર’ નામની સોસાયટીમાં તો ચારેકોર હરિયાળી હશે એવું કોઇ એનું નામ સાંભળીને ધારે, પણ નામથી ભોળવાયા વગર જુવો તો દર ચોમાસાની જેમ આ વખતે પણ અમારી સોસાયટીના રસ્તાઓ પર કાદવનાં થર જામ્યાં છે. અમારી સોસાયટીના રસ્તાઓ પર ચાલનારને કુદરતી રીતે પ્રાણાયામ ની પ્રેકટિસ થઈ જાય છે. (શ્વાસ રોકીને ચાલવું પડે છે.)

સોસાયટીના રહિશોની રોજની ફરિયાદો સાંભળીને તે દૂર કરવાના હેતુસર અમારી સોસાયટીના ચેરમેન, એક દિવસ મ્યુનિસિપલ કચેરીમાં ગયા. થોડા સમય પહેલાં ‘દિવ્યભાસ્કર’ નામના ન્યૂઝપેપરમાં આવેલા ન્યૂઝ, ‘વરસાદના સેમ્પલ ટેસ્ટમાં નાપાસ મ્યુનિસિપલ તંત્ર એકબીજાની પીઠ થાબડે છે.’ એ સમાચાર જો સમયસર વાંચ્યા હોત તો અમારી સોસાયટીના ચેરમેન આ ધરમ ધક્કો ખાવામાંથી બચી ગયા હોત.

ખેર! ત્યાં શું બન્યું? તમે પોતે જ એ વાંચી લો.

સ્થળ: મ્યુનિસિપલ કચેરીની ઓફિસ રુમ.

પટાવાળો સાહેબની કેબિનની બહાર બેસીને ડાબા-જમણી ઝોકાં ખાય છે. કેબિનમાં સાહેબ, ખુરશીમાં બેસી ટેબલ પર પગ લંબાવી ફોન પર વાત કરી રહ્યા છે. સ્ટાફ મેમ્બરો કોઈ ટોપિક (કદાચ ભારી વરસાદ અને એની આમ જનતા પર થયેલી ઘેરી અસરો) પર જોર શોરથી ચર્ચા કરી રહ્યા છે. ઝોકા ખાતા પટાવાળાને વળોટીને ચેરમેન, સાહેબની રૂમમાં પ્રવેશે છે.

ચેરમેન: [ગુસ્સાથી] આ જોયું? આ જોયું?

અધિકારી: આવજો, બાય બાય, ફરી મળીશું ત્યારે.

ચેરમેન:મારી સાથે વાત તો કરી નથી અને ‘ફરી મળીશું’ કેમ?

અધિકારી: (ચેરમેનને ખુરશીમાં બેસવાનો ઇશારો કરીને) ‘ફરી મળીશું’ એ તમને નહીં. મારા મિત્રને ફોન પર કહ્યું.

ચેરમેન: તમને ફોન પર ગપ્પાં મારવાનો સમય મળે છે અને અમારી મુશ્કેલી દૂર કરવાનો સમય નથી, કેમ?

અધિકારી: પણ તમે તમારી મુશ્કેલી કહો તો દૂર કરવાની મને ખબર પડે ને? હું કંઈ અંતર્યામી છું?

ચેરમેન:મને તો લાગે છે કે તમારું આખું તંત્ર જ સડી ગયું છે.

અધિકારી: તમે અમારું તંત્ર સુધારવા આવ્યા છો?

ચેરમેન: હું તો શું, ઉપરથી ભગવાન પણ ઉતરી આવે ને તો પણ તમારું તંત્ર સુધરે એમ નથી.

અધિકારી: ભલે, તો પછી એ પ્રયત્ન તમે રહેવા દો.

ચેરમેન: હાસ્તો, તમારે શું? આખો દિવસ આંખો મીંચીને ઓફિસમાં ઠાઠથી બેસી રહેવાનું.

અધિકારી: હું માત્ર રાત્રે સૂતી વખતે જ આંખો મીંચું છું, એ વગર તો ઉંઘ ના આવે ને?

ચેરમેન: ભગવાન જાણે, તમારા લોકોની ઉંઘ ક્યારે ઉડશે? તમારે શું, કારમાં ફરવાનું.

અધિકારી: તમને મારી કાર કયાં નડી?

ચેરમેન: મને તમારી કાર નહીં, અમારી સોસાયટીનો કાદવ-કીચડ નડે છે.

અધિકારી: તો એમ કહોને, ‘દુ:ખે છે પેટ અને કૂટો છો માથું.’

ચેરમેન: તમને એથી શો ફરક પડે? તમારા તો પેટનું પાણી ય હાલતું નથી.

અધિકારી:તમે ઠીક યાદ દેવડાવ્યું. આજે તો સવારથી મેં પાણી પણ પીધું નથી.

ચેરમેન: પાણી પછી પીજો, પહેલાં તમે મને એ કહો કે તમે આ કાદવ-કીચડ હટાવવા કંઈ પગલાં લેવાના છો કે નહીં?

અધિકારી: લેવાના છો કે નહીં એવું તમે પૂછો છો? અમે તો ઓલરેડી પગલાં લઈ ચૂક્યાં છીએ. ગઈ કાલે જ અમે એ માટે ‘શીબા’ રેસ્ટોરંટમાં મીટીંગ બોલાવી હતી.

ચેરમેન: તો મીટીંગમાં શું નક્કી કર્યું?

અધિકારી: મારે તો ‘ચાઈનીસ’ લેવું હતું પણ મેજોરીટીએ ‘પંજાબી’ પ્રીફર કર્યું

ચેરમેન: કાદવ-કીચડ હઠાવવાની આ કોઇ નવી પધ્ધતિઓ છે?

અધિકારી: તમે સમજ્યાં નહીં, હું તો ડીનરની વાત કરું છું.

ચેરમેન:ઓહ, ભયંકર. અતિ ભયંકર.

અધિકારી: ભયંકર નહીં ટેસ્ટી કહો, ટેસ્ટી.

ચેરમેન: અમે અહીં કાદવમાં સબડીએ છીએ અને તમને ત્યાં ‘શીબા’ માં ડીનરનું સૂઝે છે?

અધિકારી: તમારા માટે થઈને જ તો ‘શીબા’માં જવું પડ્યું અને નામરજી છતાં ‘પંજાબી’ લેવું પડ્યું.

ચેરમેન: ઘણો ઘણો આભાર તમારો! પણ એ તો કહો કે કાદવ હઠાવવા શું કરવાનું નક્કી કર્યું?

અધિકારી: એના માટે અમે બીજી મીટીંગ શનિવારે ‘પતંગ’ માં રાખી છે. આ તો શું ‘રીવોલ્વિંગ રેસ્ટોરંટ’ મા બેસીએ તો આખા અમદાવાદ પર બરાબર નજર રાખી શકાય.

ચેરમેન: ઓહ ગોડ! તમે લોકો ક્યારેય નહીં સુધરવાના.

અધિકારી: તમારે અમને સુધારવા છે, કે તમારી સોસાયટીને?

ચેરમેન: અમે કાદવ કીચડથી ત્રાસી ગયાં છીએ.

અધિકારી: તમે ખોટી ચિંતા કરો છો. વરસાદ જશે ને તડકો પડશે એટલે કાદવ સૂકાઈ જશે.

ચેરમેન: એટલે? ત્યાં સુધી અમારે આવામાં જ રહેવાનું? કેટલી માખીઓ થઈ છે, તમને ખબર છે?

અધિકારી: માખીઓની વસતિ ગણતરી અસંભવ છે.

ચેરમેન: મચ્છરોનાં ઝુંડના ઝુંડ ઉતરી આવ્યા છે.

અધિકારી: જ્યારે આ વાત બુધ્ધિશાળી માણસો પણ સમજતાં નથી ત્યાં મચ્છરોને તો ‘ફેમિલી પ્લાનિંગ’ કેવી રીતે સમજાવાય?

ચેરમેન: અમારા આરોગ્યનો કંઈ વિચાર કર્યો તમે?

અધિકારી: આરોગ્ય મંત્રી પણ શનિવારે ‘પતંગ’ ની મીટીંગમાં આવવાના છે.

ચેરમેન: અમારાં કપડાંની જે અવદશા થાય છે, તે તો જુવો.

અધિકારી:તમે ‘સર્ફ એક્સલ’ ની જાહેરાત નથી જોઈ?

ચેરમેન: ધૂળ પડે એવી જાહેરાતો માં.

અધિકારી: અરે અરે, તમે તો કાદવ- કીચડ પરથી ધૂળ પર આવી ગયા.

ચેરમેન: તમે અમારી ફરિયાદ પર ધ્યાન નહીં આપશો તો અમે ધૂળ પરથી પથ્થરો પર આવી જઈશું, સમજ્યા?

અધિકારી: સમજવાની તો તમારે જરૂર છે, નરેંદ્ર મોદીજીની ‘શ્રમયજ્ઞની’ વાત નથી સાંભળી કે?

ચેરમેન: તમારી સાથે માથાકૂટ કરવી નકામી છે.લાગે છે અમારે જ આમાં કંઈ કરવું પડશે.

અધિકારી: હવે તમે સમજ્યા.

ચેરમેન: શું? શું સમજ્યા?

અધિકારી: એ જ, “ જાત મહેનત જિંદાબાદ. “

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com