Ruchini Chitthi books and stories free download online pdf in Gujarati

રુચિની ચિઠ્ઠી

Name: Pallavi Jeetendra Mistry

E mail: hasyapallav@hotmail.com

રુચિની ચિઠ્ઠી. (વાર્તા) પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-શું કરીશું આપણે હવે?

પુત્રવધૂ વનિતા કંઇ કામ અંગે ઘરની બહાર ગઇ અને પતિ-પત્ની એકલા પડ્યા એટલે જયેશભાઇ, પત્ની જયાબેનને અધિરાઇ પૂર્વક પૂછી બેઠા.

-વહુ-દિકરો વનિતા-વરુણ આપણને રોકાઇ જવા માટે આગ્રહ તો ખૂબ કરે છે, અને આપણને પણ એમની સાથે રહેવા લાલચ થઈ જાય છે. આ વખતે તો વળી દસ દિવસ વનિતાએ આપણી સરભરા પણ ખૂબ કરી છે. ખૂબ આદર-સત્કારથી રાખ્યા છે. એ આપણને અહીં જ રોકાઇ જવા આગ્રહ કરી રહી છે.પણ અંતરમા કોઇ અદ્ર્શ્ય ભય છે મને.

અત્યારે આપણે બે જણ આપણા મહેસાણાના ઘરમા આરામથી રહીએ છીએ. સરસ મજાનું જીવન ગોઠવાઇ ગયું છે, આપણુ જીવન સીધુ સાદુ છે, જરુરીયાતો ઓછી છે અને આપણને ચાલી રહે એટલી મૂડી છે આપણી પાસે.

પણ ક્યારેક મને ભવિષ્યની ચિંતા સતાવે છે. આપણને બે માથી કોઇને લાંબી કે મોટી માંદગી આવી તો શું? અથવા તો બે માથી એક નહી હોઇએ ત્યારે શું? એવે વખતે દિકરા-વહુની સાથે રહેતા હોઇએ તો નભી જઈએ, શું કહો છો તમે?

-જો જયા, તને તો ખબર જ છે કે નભી જવાની વાતમા હું માનતો નથી. ‘બે માથી એક ના હોય ત્યારે શું?’ એવી ભવિષ્યની ચિંતા પણ હું કરતો નથી. હું તો વર્તમાનમા સુખેથી જીવનારો માણસ છું. છતાંય તારી ઈચ્છા વરુણ-વનિતા સાથે રહેવાની હોય તો મારી ના પણ નથી. પણ હું ઇચ્છુ છું કે તુ કોઇ પણ નિર્ણય લે તે પહેલા એકવાર શાંતિથી વિચારી લે.

-તમારી સાથે આટલા વર્ષ રહી છું, એટલે તમારા વિચારોને સારી રીતે સમજુ છું અને તમારી સાથે સમ્મત પણ છું, દેસાઇ. પણ મારું માનું હ્રદય એક ના એક દિકરા માટે અદમ્ય ખેંચાણ અનુભવે છે.

-જયા, એક ના એક દિકરા પ્રત્યેની તારી લાગણી હું સમજું છું. તેં કેટલી માવજતથી એને ઉછેર્યો છે. એની આંખમા આંસુ આવે તો પણ તું કેટલી વિહ્વળ થઈ જતી તે હું જાણું છું. નાનપણમા માંદા રહેતા વરૂણની કેટલી કાળજી તેં કરી છે. કેટલી ચીવટપૂર્વક તેં એને ભણાવ્યો છે. એનો અભ્યાસ ના બગડે તે માટે તેં તારા મોજશોખ ઊંચા મૂક્યા છે તે મને ખબર છે. હું તારી માતા તરીકેની એકે એક ગતિવિધિનો સાક્ષી છું.

-અને તમે પણ તમારી પિતા તરીકેની ફરજ ક્યારે ય નથી ચૂક્યા. વરુણ નાનો હતો અને ક્યારેક લાઇટ જતી રહેતી તો એને અંધારામા ડર લાગવાથી રડવા માંડતો, ત્યારે તમે એને અગાશીમા લઈ જઈને આકાશમાના તારા અને ચંદ્ર બતાવીને છાનો રાખતા. સ્કુલમા હતો ત્યારે અભ્યાસમા મદદ કરતા. કોલેજમા એડમીશન વખતે ઓફીસમાથી રજા લઈને કેવી દોડાદોડ કરી હતી? અરે, એકવાર સાયકલ શીખતી વખતે એ પડ્યો અને એનો હાથ ભાંગી ગયો હતો તો તમે ઉંચા જીવે એને ઓર્થોપિડિક હોસ્પિટલમાં લઈને દોડ્યા હતા તે મને બરાબર યાદ છે. એના હાથે પાટો રહ્યો એ ત્રણ અઠવાડિયા દરમ્યાન એને નવડાવવાની જવાબદારી તમે બરાબર નીભાવી હતી તે યાદ છે ને?

-હા જયા,મારાથી પણ એની મુશ્કેલી જોવાતી નહી. એની આંખમા આંસુ આવતા તો દિલ મારુ રડતું. એનું હસતુ મોઢું જોઇને જ મારી સવાર સુધરતી. અને છતાં પણ એની ખોટી જીદ ક્યારેય પૂરી નહોતી કરી, પિતા તરીકે જે સંસ્કાર આપવા જોઇએ તે આપ્યા. એનામા હું મારું બચપણ નિહાળતો. એ સરસ રીતે ભણ્યો, સિવીલ એન્જીનિયર થયો, મને સંતોષ છે, બસ.

-હા, આપણે એને સંસ્કાર અને લાડ પ્યાર આપવામા કે એની જરુરિયાતો પુરી કરવામા ક્યારે ય ઓછા નથી ઉતર્યા. આપણે જે શીખ્યા છીએ કે, ‘ લાગણીશીલ થવું, પણ લાગણીવશ ના થવું.’ એ એની પરવરિશમા સારુ કામ આવ્યું. બસ, આ એના લગ્ન વખતે છોકરી ની પસંદગીમા જ આપણે માર ખાઇ ગયા. છોકરી અને ઘર તેમ જ કુટુંબ વિશે ખુબ સારુ સાભળેલું. શરુઆતમા તો બધું બરાબર ચાલ્યું, પણ પછી ધીરેધીરે વનિતાનું વર્તન બદલાતું ગયું. આપણે બે, એને આંખમા કણાની જેમ ખુંચવા લાગ્યા, આપણને એ એવોઇડ કરવા માંડી. આપણે વનિતા ને માટે ધાર્યું હતુ કેવું અને નીકળી કેવી?

-જયા, હવે એ વાતનો અફસોસ કરવાથી શું મળે? તેં તો સાભળ્યું છે ને કે, ’જોડી ઓ ઉપરવાળો જ બનાવે છે.’ તો એની મરજીનો સ્વીકાર કર. હવે જે થઈ ગયું છે તે ભુલી જા અને હવે શું કરવું છે તે નક્કી કર.

-હા, તમારી વાત તો સાચી છે. ‘ઢોળાયેલા દૂધનો અફસોસ કરવાથી શું વળે?’ હવે તો આગળ શું કરવું છે તે જ વિચારવાનું. બન્ને જણે આ દસ દિવસમા આપણને સાચવ્યા પણ ખૂબ અને હવે બન્ને જણ આપણને રોકાઇ જવાનો ખૂબ આગ્રહ કરી રહ્યા છે. દિલ કહે છે, ‘રોકાઇ જા-આવો મોકો કદાચ ફરીવાર ન મળે.’ અને દિમાગ કહે છે, ’કંઈ ગરબડ જરુર છે,કારણ વગર વનિતાને અચાનક પ્રેમ જાગી જાય એ સંભવ નથી.’ હું ખૂબ જ અવઢવમા છું. ખાસ કરીને વરુણ સાથેના આપણા લગાવના હિસાબે રહી જવા મન આતુર છે, પણ કોક અજાણ્યો ડર મનના ખૂણે છે, જેનાથી મન રોકાઇ જતાં પાછું પડે છે.

-ભૂતકાળના અનુભવ પર અધારિત તારો ડર હું જાણું છું, જયા. અને મને પણ એ જ આશંકા છે કે ---

- પુત્ર-પુત્રવધૂ એકલા પડ્યા છે એટલે હમણા ખોટે-ખોટો પ્રેમ દેખાડે છે. પણ થોડા જ દિવસમા આપણાથી કંટાળી જશે, ત્યારે ફરીથી સ્વતંત્રપણે રહેવાની કાર્યવાહી આરંભી દેશે, ખરેખર તો મારે જાણવું છે કે અચાનક આપણા માટે જાગી ઉઠેલી એમની લાગણી પાછળનું ખરું કારણ શું છે? હા જયા, મને ખબર નથી પડતી એ લોકો શા માટે આપણને રોકાવા માટે અતિ આગ્રહ કરી રહ્યા છે. મને તો દાળમા કંઇ કાળું લાગે છે. પણ ખરી વાત શું છે તે જાણવું તો જાણવું પણ શી રીતે? તને કંઇ ખ્યાલ આવે છે ખરો આ બાબતે?

-તમારી આશંકા કદાચ ખરી હોય, એમનો પ્રેમ કોઇ સ્વાર્થ પ્રેરિત હોય. એમનુ કામ નીકળી જાય પછી----‘ગરજ સરી અને વૈધ વેરી.’ અને તો તો દેસાઇ, સાથે રહીને ફરી જુદા થવાનુ આવે ને તો મારું તો હૈયું જ બેસી જશે.

-હું જાણુ છું, વરુણ તને કેટલો વહાલો છે તે. પણ હવે એની અને આપણી દુનિયા અલગ છે, જયા. બાળકો મોટા થાય એટલે એમને એમની રીતે જીવવા દેવા જોઇએ અને આપણે આપણી રીતે જીવવું જોઇયે.

-બસ, તો પછી. એ બન્ને ખુશ રહે તો મારું દિલ પણ રાજી. આપણી એક ની એક પૌત્રી ઋચિના સારી રીતે લગ્ન થઇ ગયા એટલે ગંગા નાહ્યા. આપણે હવે આપણા ગામ, આપણે ઘરે જઇએ.

વાત જાણે આમ હતી. જયેશભાઇ અને જયાબેનનો એક નો એક પુત્ર વરુણ એ બન્નેને એ ખુબ વહાલો. એમનુ કુટુંબ બહુ પૈસાદાર નહી, સાધારણ ગણાય. પણ ખાનદાની અને સંસ્કારિતા પૂરેપૂરી. એમને મન ભણતરનુ ખુબ જ મહત્વ. જયાબેન બી.એ. થયેલા અને લગ્ન પછી બી.એડ. પાસ કરેલું. વરુણ પણ સીવીલ એંજીનિયર થયો અને સારી જોબ પર લાગ્યો એટલે કન્યાઓના માગાં આવવાના શરુ થયા. ત્રણ-ચાર જાણીતા કુટુંબ માથી અમૂલખભાઇની વનિતા સુંદર, નાજુક, નમણી અને ઓછા બોલી, એટલે સૌની નજરમા વસી ગઇ. સામે છેડે અમૂલખભાઇના ઘરે વનિતા સહિત સૌને સોહામણો વરુણ પસંદ આવ્યો. એટલે ‘ચટ મંગની પટ બ્યાહ.’ થઇ ગયું. અને વનિતા પરણીને આ ઘરમા પુત્રવધૂ તરીકે ગોઠવાઇ ગઈ.

જયેશભાઇ-જયાબેને વનિતાને પુત્રવધૂ તરીકે લાવ્યા ત્યારે જ મનોમન નક્કી કરેલું કે ‘આપણને પુત્રી નથી પણ વનિતાને જ આપણી દિકરી ગણીશું.’ અને એમણે એ માટે દિલથી પ્રયત્નો પણ કર્યા.

વરુણ-વનિતા ફરવા જાય ત્યારે જયાબેન એ જોડીને જોઇને ખુશ થતા. વનિતા મોર્ડન,વેસ્ટર્ન, સ્લીવલેસ ડ્રેસ પહેરે તો પણ જયેશભાઇ કે જયાબેન વાંધો ન લેતા. મન થાય ત્યારે વનિતા પિયર રહેવા જતી તો પણ કંઇ ના કહેતા. વનિતા સવારે મોડી ઊઠતી, ઇચ્છા થાય તો જ ઘરકામમાં મદદ કરાવતી, તો પણ જયાબેન મોટું મન રાખીને ચલાવી લેતા. ‘PEACE AT ANY COST’ નુ સૂત્ર જયાબેને આત્મસાત કરી લીધું હતું.

વરુણ-વનિતાને ઘરમા પ્રાયવસી મળે તે માટે જયેશભાઇ-જયાબેન ક્યારેક વરુણને રજા હોય ત્યારે સગા-સબંધીના ઘરે મળવા જતા. એક બે વાર તો આઠ-દસ દિવસની જાત્રા પર પણ જઇ આવ્યા. પણ આ બધું કરવા છતાં વનિતા બહુ ખુશ નહોતી લાગતી.વરુણ સાથે તો એ બરાબર રહેતી પણ જયાબેન-જયેશભાઇ ઘરમા જાણે કોઇ ત્રાહિત વ્યક્તિ હોય એમ એમની સાથે વર્તતી. બહુ અતડી અતડી લાગતી. ખુબ કોશિશ કરી છતાં જયાબેન સમજી ના શક્યા કે વનિતાને કયાં ઓછું આવતું હતું.

ધીમે ધીમે વનિતાએ વરુણને પણ પોતાના વશમા કરી લીધો. પહેલા મમ્મી-પપ્પા સાથે ખાસ્સો સમય વીતાવતો વરુણ હવે એમની સાથે ખપ પૂરતું જ બોલતો. પહેલા બધી જ વાત કરતો વરુણ હવે ઘણીવાર જરુરી વાતો પણ કહેતો નહી, વનિતા કહે તેમ જ કરતો. બન્ને જણ બહાર જાય તો ક્યાં જાય છે કે ક્યારે પાછા ફરશે તે પણ જણાવતા નહી. રાહ જોઇ જોઇને જયેશભાઇ-જયાબેન જમી લેતા, સુઇ જતા. આમ એક જ ઘરમા રહેવા છતાં બન્ને કપલનુ જીવન અલગ અલગ ટાપુ જેવું થઇ ગયું હતું.

એકવાર જયાબેનની તબિયત ખરાબ હતી. સવારથી તાવ આવતો હતો. એ પથારીમાથી ઉભા થવા ગયા તો ચક્કર આવી ગયા. જયેશભાઇ એ એમને પથારીમાથી ઉઠવાની ના કહી. અને વનિતાને ચા બનાવવા કહ્યું તો એણે મોઢું બગાડીને ચા બનાવી આપી. જયેશભાઇ જયાબેનને ડોક્ટરના દવાખાને લઈ ગયા. આવીને જોયું તો ઘરમા વરુણ કે વનિતા કોઇ ના મળે. એમણે વરુણને ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મીટીંગ હોવાથી વરુણ જલદી ઓફિસ ચાલ્યો ગયો અને વનિતાની નાની બહેનને જોવા છોકરો આવવાનો હતો એટલે એ એના પિયર ગઈ હતી. જયેશભાઇને બહુ ગુસ્સો આવ્યો, અને જયાબેનને બહુ દુખ થયું, પણ તેઓ કરી પણ શું શકે? મનોમન સમસમીને બેસી રહ્યા.

જ્યારે વરુણ ઓફિસથી આવી ગયો અને વનિતા પિયરથી આવી ગઈ ત્યારે જયેશભાઇએ પોતાની નારાજગી વ્યક્ત કરી. વરુણ તો કઈ ન બોલ્યો પણ વનિતા પગ પછાડતી રુમમાં જતી રહી અને ધડામ લઈને રુમનો દરવાજો બંધ કરી દીધો. પછી વરુણે ખૂબ મનાવી ત્યારે બહાર આવીને રસોઇ બનાવી.

એકવાર રક્ષાબંધનના દિવસે ઘણા મહેમાન ઘરે જમવાના હતા. વનિતાએ એ દિવસે, ‘મારી તબિયત બરાબર નથી’ કહીને ધરાર જયાબેનને મદદ ના કરાવી. જયાબેને એકલે હાથે વીસ જણની રસોઇ બનાવી. અને જેવા મહેમાનો ગયા કે પછી વનિતાની તબિયત સારી થઈ ગઈ. એ વરુણ સાથે બહાર ફરવા નીકળી ગઈ. જયાબેનને વનિતાના આવા વર્તનથી ગુસ્સો તો બહુ આવ્યો પણ ઘરની શાંતિ ના જોખમાય એટલે તેઓ ચુપ જ રહ્યા. આવા તો નાના મોટા અનેક બનાવ બનતા ગયા. જયાબેન જેટલુ સમાધાનકારી વલણ અપનાવતા ગયા, વનિતા એટલી જ બિંદાસ્ત બનતી ગઈ. જયાબેને વરુણને એક બે વાર પોતાની વાત સમજાવવનો પ્રયત્ન કરી જોયો. પણ વનિતાએ વરુણને એવો તો પોતાના વશમા કરી લીધો હતો કે એ કંઈ સમજવા તૈયાર જ નહોતો

છેવટે જયેશભાઇ-જયાબેને દિકરા-વહુની જિંદગીમાથી ખસી જવાનું નક્કી કર્યું. વડોદરાનું ઘર એમના હવાલે કરીને બન્ને જણ મહેસાણાના પોતાના ઘરે રહેવા ચાલ્યા ગયા.

ત્યારપછી વરુણને મળવાનુ મન થાય ત્યારે બન્ને જણ બે-ચાર દિવસ વડોદરા રહેવા આવતા. વનિતાને જ્યારે ડિલીવરી વખતે પિયર જવાનુ થયું ત્યારે જયેશભાઇ અને જયાબેને વડોદરા રહેવાની તૈયારી બતાવી.પણ વનિતાએ એમને કહ્યું, ‘મમ્મી-પપ્પા, તમે વરુણની કે આ ઘરની જરા પણ ચિંતા ના કરતા. અહીં કામવાળી અને રસોઇવાળી રાખી લીધી છે. તમને વડોદરાની ધમાલ અને ગરમીમા ફાવશે નહી.’ ‘સમજદારકો ઇશારા કાફી હૈ.’ વનિતાની ઇન્ડાયરેક્ટ વાત,’તમારી અહીં કોઇ જરુરીઆત નથી. રખેને વરુણ મારી ગેરહાજરીમા પાછો મા-બાપ નો થઇ જાય તો?’ બન્ને જણ સમજી ગયા અને એકલા રહેતા વરુણની ચિંતા કરવા સિવાય એ લોકો કંઇ કરી ના શક્યા.

જયેશભાઇએ તો વનિતાના સ્વભાવ પરિવર્તનની આશા જ છોડી દીધી હતી. પણ જયાબેનના દિલના ખૂણે એક આશા હતી કે વનિતા ‘મા’ બનશે એટલે એનો સ્વભાવ બદલાશે. એ થોડી ‘ઉર્મીલ’ બનશે અને કૂણી પડશે. માતૃત્વ એના દિલમાં સ્નેહની સરવાણી પેદા કરશે. અને એમની વચ્ચેના સંબંધોમા સુધાર થશે. પણ એવું કંઇ ના થયું. ઉલટાની મા બનેલી વનિતા તો ઔર છકી ગઈ, જાણે ‘કડવી કારેલી ને વળી લીમડે ચઢી.’ એણે તો સાસુ-સાસરા સાથેના સંબંધો સાવ લિમીટેડ કરી નાખ્યા.

જયાબેનને દુ:ખ તો બહુ થતું. માનુ દિલ કેટલીય વાર દિકરાને જોવા-મળવા તરફડતું. પણ જ્યાં દિકરાને મા ને મળવાની જ પડી ન હોય તો? મળવાની વાત તો દૂર રહી, વરુણ માતા-પિતાને ફોન પણ ભાગ્યે જ કરતો. એ લોકો ફોન કરતા ત્યારે પણ, ‘હં, કેમ છો? મજામા? થોડો કામમા છું. પછી વાત કરું છું.’ કહીને ટાળી દેતો. જયાબેન મનોમન દિકરાના આવા રુક્ષ વર્તનથી દુ:ખી થતા. ક્યારેક રડી પડતા. જયેશભાઇ એમને સાંત્વન આપતા. ઘરકામ, મિત્ર-મંડળ નો સંગાથ, રામકથા, બાગ વગેરે જગ્યાએ જઇને સમય પસાર કરતા. બન્નેને થતું, ‘આપણને જો ભગવાને એક દિકરી આપી હોત તો કેટલું સારું થાત. એ દિલમા ઘૂઘવતા લાગણીના પૂરનો પડઘો જરુર પાડત.’ છોકરાઓની ઝંખનામા સ્ત્રી ભૃણ હત્યા કરનારા મા-બાપોને એમને પોકારી પોકારીને કહેવાનું મન થતું,’ શા માટે તમારા વહાલના ઝરણાને તમે જાતે જ સૂકાવી નાખો છો?’ પછી એ મનોમન પ્રભુને પ્રાર્થના કરતા કે, મારા દિકરાને સદબુધ્ધિ આપજે અને સદા સુખી રાખજે.’ સંસારની આ બધી પળોજણ ભુલવા માટે એમણે સદવાચનમાં મનને પરોવી દીધું હતું.

દિકરા વરુણના ઘરે દિકરી રુચિનો જન્મ થયો ત્યારે દાદા-દાદી જયેશભાઇ-જયાબેન હરખઘેલા થઇ ગયા હતા. વરુણના સાસરે રુચિને રમાડવા જવાના પ્રસંગે જયેશભાઇ-જયાબેન વડોદરા ગયા અને પછી વરુણના આગ્રહથી ત્યાં રોકાયા. દિકરા સાથે ગાળવા મળેલા આ આનંદભર્યા દિવસોએ જયાબેનના મુરઝાયેલા મનને જાણે નવજીવન આપ્યું. જયાબેન રોજ વરુણને ભાવતી વાનગી બનાવતા. વરુણ સાથે રહેવા મળ્યું તો માના દિલને શાતા વળી.પણ સુખના એ દિવસો લાંબા ના ટક્યા. વનિતા રુચિને લઇને સવા મહિને ઘરે આવી. નાના બાળક સાથે ઘરના કામકાજમા વનિતાને મદદરુપ થવાની ઇચ્છા રાખનાર જયાબેનને વનિતાએ પોતાના રુક્ષ વર્તનથી જણાવી દીધું કે, ‘હવે હું આવી ગઇ છું, અને તમે જઇ શકો છો.’

જયેશભાઇ-જયાબેન પાછા મહેસાણા આવી ગયા.ત્યાર પછી એ લોકો ભાગ્યે જ વડોદરા જતા. રુચિને રમાડવાનુ-જોવાનુ ખુબ મન થતું, પણ વનિતાનુ વર્તન યાદ આવતા પગ ના ઉપડતા. વનિતા પોતે તો ‘મહેસાણા તો ગામડું છે, મને ત્યાં ના ગમે.’ કહીને ન આવતી કે ન વરુણ-રુચિને મોકલતી. હા, રુચિ સમજણી થઇ ત્યારથી વનિતાથી છાનોમાનો દાદા-દાદીનો ફોનથી સંપર્ક રાખતી.

પણ રુચિના લગ્ન નિર્ધાર્યા ત્યારે જાણે ચમત્કાર થઇ ગયો.આમંત્રણ આપવા વનિતા પોતે વરુણને લઇને મહેસાણા આવી. બન્ને જણ પુરા બે દિવસ એમની સાથે રહ્યાં.અને જતા જતા વનિતાએ અતિ આગ્રહપૂર્વક કહ્યું, ‘મમ્મીજી-પપ્પાજી, તમારી એકની એક પૌત્રીના લગ્ન છે. જલદી-જલદી આવી જજો. અમે તો તમને અત્યારે જ અમારી સાથે લઇ જાત, પણ શું થાય, અમારે અહીંથી બારોબાર અમદાવાદ જવાનુ છે. પણ હા, તમારે જેમ બને એમ જલદી આવી જવાનુ છે, અને હા, લગ્ન પછી પાછા મહેસાણા આવવા તૈયાર ના થઇ જતા. હવેથી તમારે અમારી સાથે વડોદરા જ રહેવાનુ છે. તમારા સિવાય અમારું છે ય કોણ?’

વનિતાના આ અતિ આગ્રહથી જયેશભાઇ-જયાબેન આશ્ચર્યમા મૂકાઇ ગયા. એકબીજાની સામે જોઇ ઇશારાથી વાત કરી, ‘વનિતા તો કાચીંડો છે. ક્યારે રંગ બદલે કહેવાય નહી. દેખતે હૈં આગે આગે હોતા હૈ ક્યા?’

જયેશભાઇ-જયાબેન રુચિના લગ્નના દસ દિવસ પહેલા વડોદરા આવ્યા.કામકાજની ધમાલ વચ્ચે પણ વરુણ-વનિતાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું. રુચિના લગ્ન સારી રીતે પતી ગયા. રુચિ સાસરે ગઇ, સગા-સબંધીઓ પણ ગયા અને ઘર સુનુ સુનુ થઇ ગયું. જયેશભાઇ-જયાબેન પણ મહેસાણા જવા તૈયાર થયા પણ વનિતાએ એમને ન જવા દીધા, આમ કહીને કે, ‘મમ્મીજી-પપ્પાજી, આ પણ તમારું જ ઘર છે ને, હવે અહીં જ રહો, મારી સાથે, તમારા દિકરાની સાથે.’

-શું વિચારમા પડી જયા, મહેસાણા જવું છે કે અહીં વડોદરામા રહેવું છે?

-અરે, મને યાદ આવ્યું દેસાઇ, રુચિએ વિદાય વેળાએ મારા કાનમા કહ્યું હતું, ‘દાદી,તમારી થેલીમા મેં એક ચિઠ્ઠી મૂકી છે. મમ્મી-પપ્પા ઘરમા ન હોય ત્યારે તમે વાંચજો.’

-ઓહ! તો બોલતી કેમ નથી. જા, જલદી અને લાવ એ ચિઠ્ઠી.

અને જયાબેને એ ચિઠ્ઠી લાવીને જયેશભાઇને આપી. અને કહ્યું, ‘લ્યો,વાંચી સંભળાવો, દેસાઇ’

જયેશભાઇએ ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યો અને ચીઠ્ઠી વાંચવા માંડી.

‘પરમ પૂજ્ય દાદાજી અને દાદીમા, ચિઠ્ઠી લખવાનો સમય નથી, ઘણા કામ કરવાના બાકી છે અને ઘરમા મહેમાનો પણ છે. છતાં મેટર એક્દમ અરજંટ છે એટલે લખ્યા વિના પણ ચાલે એમ નથી. મારી મમ્મીનું બદલાયેલું વર્તન જોઇને તમને નવાઇ તો જરૂર લાગતી હશે. મને પણ નવાઇ લાગી હતી. એટલે મેં છાનામાના તપાસ કરી. તો પપ્પાના સવાલના જવાબમા મેં મમ્મીનું કહેવુ સાંભળી લીધું. મારા જ મમ્મી-પપ્પાની આ વાત તમને કહેતા દુખ તો થાય છે, પણ----

હકીકત એવી છે કે મમ્મીએ નક્કી કર્યું છે કે તમને પ્રેમભર્યા વર્તનથી જીતી લેવા અને વડોદરા રહેવા મનાવી લેવા. થોડા દિવસ પછી મહેસાણાનું ઘર વેચી દેવા સમજાવી લેવા. વડોદરાનું ઘર પણ વેચી દેવું. બન્ને ઘરના પૈસામાથી વડોદરામા ત્રણ બેડરુમનો ફ્લેટ લઇ લેવો. દાદાજી-દાદીમા, હું મમ્મીને સારી રીતે જાણું છું. એ ‘ગરજ સરી કે વૈધ વેરી’ જેવું કરશે. અને એટલે જ તમને વિનંતી કરું છું કે તમે મમ્મીની વાતોમા આવ્યા વગર મહેસાણા પાછા જતા રહેજો. હું ક્યારેક તમને મળવા ત્યાં આવીશ. મમ્મીને આ વાતનો અણસાર આવવા ન દેશો. ચિઠ્ઠી વાંચીને તરત ફાડી નાખજો. Take care. Love you grandma-grandpa. ‘એજ, લિ. તમારી વહાલી રુચિ.

રુચિની ચિઠ્ઠી સાંભળી જયાબેની આંખોમાથી આંસુઓની ધાર ચાલી.જયેશભાઇ પણ ક્ષણભર તો અવાક થઈ ગયા. પછી સ્વસ્થ થઈને એમણે જયાબેનને સાંત્વન આપતા કહ્યું, ‘ચાલ જયા, સામાન પેક કરીએ. આ ભ્રામક સગપણની માયાજાળ તોડીને આપણે જઇએ આપણી વહાલપની દુનિયામા.’ અને બન્ને જણ ચાલી નીક્ળ્યા મહેસાણાની વાટે. મનમા આ ગીતની પંક્તિ મમળાવતા, ‘આપણા મલકના માયાળુ માનવી— હાલોને આપણા મલકમા.’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED