રામ જાણે બાબા. Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામ જાણે બાબા.



































પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.


pallavimistry@yahoo.com



રામ જાણે, બાબા!

ચાર રસ્તાના સિગ્નલ પાસે કરોડપતિ શેઠ શ્રી મનહરપ્રસાદની નવીનકોર ચકચકિત ઈમ્પોર્ટેડ કાર આવીને ઊભી રહી. આગળ સફેદ યુનિફોર્મધારી ડ્રાઇવર બેઠો હતો અને પાછળ શેઠાણી ઠસ્સાભેર બેઠાં હતાં. બાજુમા એમનો ૭-૮ વર્ષનો બાબો બેઠો કમ ઊભો હતો. ત્યાં જ ગાડી પાસે એક મેલાં-ઘેલાં કપડાંવાળો ભિખારી દોડી આવ્યો અને શેઠાણી આગળ હાથ લાંબો કરી દયામણા અવાજે કહ્યું,

‘ભિખારીને કંઇક આપો, શેઠાણી બા !’

‘કાંઇ નથી.’ શેઠાણીએ તિરસ્કારથી એની સામે જોયું.

‘ભૂખ્યાને કંઇ આપો માઇ-બાપ.’

‘કહ્યું ને કંઇ નથી. આગળ જા.’ શેઠાણીએ આડું જોઇ કહ્યું.

‘બહુ ભૂખ લાગી છે, બા. બે દનથી કંઇ ખાધું નથી.’

‘જુઠ્ઠાડા, મારું માથું ન ખા, જા.’

‘સાચું કહું છું મા, રુપિયો બે રુપિયા આપો બા.’

‘જાય છે કે પોલીસને બોલાવું?’

‘દુખિયા પર દયા કરો, ભગવાન તમારું ભલું કરશે.’

શેઠાણીએ ગુસ્સે થઈ બારીનો કાચ બંધ કરી દીધો. ભિખારી બબડતો બબડતો બીજી ગાડી તરફ દોડ્યો. ગ્રીન સિગ્નલ મળતાં જ ગાડી ચાલુ થઈ અને બાબાના પ્રશ્નો પણ.

‘મમ્મી, મમ્મી. એ કોણ હતો?’

‘ભિખારી હતો, બેટા.’

‘મમ્મી, ભિખારી કોને કહેવાય?’

‘જે કંઇ કામકાજ ન કરે અને મફતનું માંગીને ખાય એને ભિખારી કહેવાય.’

‘તે હેં મમ્મી, મનુમામા ભિખારી કહેવાય?’

‘શું બકે છે બાબા તું?’

‘કેમ, મમ્મી કાલે જ તો પપ્પા તને કહેતા હતા કે આ તારો ભાઇ મનિયો કંઇ કામબામ તો કરતો નથી અને મફતનું ખાય છે.’

‘મોટાંની વાતો નાનાએ નહીં સાંભળવાની, સમજ્યો?’

‘મમ્મી, એ ભિખારી કહેતો હતો કે ભૂખ લાગી છે.’

‘હા, તેનું શું છે?’

‘તે હેં મમ્મી, ભૂખ ક્યાં લાગે?’

‘ભૂખ પેટમા લાગે, મુન્ના એટલું પણ નથી સમજતો?’

‘કોના પેટમાં લાગે, મમ્મી?’

‘તારા, મારાં અને...બધાંના પેટમાં લાગે.’

‘પણ મને તો ક્યારેય ભૂખ નથી લાગી, મમ્મી.’

‘લાગી હોય, બેટા. પણ તને ખબર ન પડી હોય.’

‘ભૂખ લાગીહોય એવી ખબર શી રીતે પડે, મમ્મી?’

‘કંઇ ખાવાની ઈચ્છા થાય ત્યારે ભૂખ લાગી છે એમ ખબર પડે.’

‘મમ્મી, મને ભૂખ લાગી છે.’

‘અરે! હમણાં તો આપણે ફાઇવસ્ટાર હોટલમા જમ્યાં.’

‘મને કેડબરીની ભૂખ લાગી છે, મમ્મી.’

‘હે રામ! આ બાબાને તો શું કહેવું? એ કંઇ ભૂખ ન કહેવાય, બાબા.’

‘તો ભૂખ કોને કહેવાય, મમ્મી?”

‘એ તને નહી સમજાય.’

‘તો કોને સમજાય, મમ્મી?’

‘હંઅઅઅ...પેલા ભિખારીને.’

‘મમ્મી, ભિખારીએ કહ્યું કે દુખિયા પર દયા કરો, તે દુખિયા શું હોય?’

‘જેની પાસે રહેવા ઘર ન હોય, ખાવા માટે અનાજ ન હોય અને પહેરવા માટે પૂરાંકપડાં ન હોય, તેને દુખિયા કહેવાય.’

‘તો આપણને શું કહેવાય?’

‘આપણને...? કંઇ નહી, બાબા.’

‘’મમ્મી, એ મમ્મી...’

‘વળી પાછું શું છે, મુન્ના?’

‘ભિખારીએકહ્યું કે દયા કરો, એ દયા શું હોય?’

‘જો બાબા, આપણું ઘર આવી જાય ત્યાં સુધી તું તારું મોં બંધ રાખે, એક પણ સવાલ ન પૂછે તો તેં મારા પર દયા કરી કહેવાય, સમજ્યો?’

‘ના મમ્મી, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અંડરસ્ટેન્ડ. કાલે ટીચરને પૂછી લઈશ.’

‘હા...શ.’

‘પણ મમ્મી...’

‘ઓહ બાબા, નો મોર ક્વેશ્ચન પ્લીઝ.’

‘મમ્મી, લાસ્ટ ક્વેશ્ચન. ભિખારીને આવા અઘરા અઘરા શબ્દો કેવી રીતે આવડ્યા હશે?’

‘રામ જાણે, બાબા.’