Vadaro Vikheraya books and stories free download online pdf in Gujarati

વાદળો વિખેરાયા

Name: Pallavi Jeetendra Mistry

e-mail: hasyapallav@hotmail.com

વાદળો વિખેરાયા પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

‘મેની હેપ્પી રીટર્ન્સ ઓફ ધ ડે, માય ડીયર, ડાર્લિંગ, ડોટર.’

નિરાલી સવારે જાગીને એના બેડરુમમાથી ડ્રોઇંગરુમમા આવી, એટલે ત્યાં આરામખુરશીમા બેસીને ન્યૂઝ પેપર વાંચી રહેલા નિરાલીના પપ્પા જયંતભાઇએ નિરાલીને બર્થડે વીશ કરી.

‘થેંક્યુ, મારા વહાલા વહાલા પપ્પા.’ નિરાલીએ પ્રેમથી એમને બાથ ભરતા કહ્યું.

ત્યાં જ રસોડામા થી ચાનો કપ લઈને આવેલી નિરાલીની મમ્મી સુષ્માએ કપ જયંતભાઇની પાસે રહેલી ટીપોય પર મૂકતાં કહ્યું, ‘ મારી લાડકવાયીને એના અઢારમા જન્મદિવસે ખુબ ખુબ અભિનંદન અને લાખ લાખ શુભેચ્છા’

હવે નિરાલી પપ્પાને છોડીને મમ્મી પાસે આવી અને વળગીને વહાલ કરતાં બોલી, ‘મારી પ્યારી પ્યારી માનો આભાર!’ અને પછી સોફામા બેસીને ભગવાનની માળા કરી રહેલા દાદીમાને પગે લાગતા બોલી, ‘દાદીમા,પાય લાગું.’ ‘ખુબ સુખી થજે મારા દિકરા.’ દાદીમાએ બોખા મોંનુ હાસ્ય રેલાવતા કહ્યું. ‘તારી મા જેવી ડાહી થજે, અને તારા પપ્પા જેવી ચતુર થજે, દિકરા.’ દાદીમાએ આશિર્વાદનો દોર લંબાવતા કહ્યું. ‘હા, અને તમારા જેવી સમજદાર પણ થઇશ, દાદીમા, ડોન્ટ વરી.’ નિરાલીએ સસ્મિત જવાબ આપ્યો.

‘રાજકુમારી નિરાલીજી, જરા અમને કહો તો ખરા, આજનો તમારો પ્રોગ્રામ શું છે? તમારો બર્થડે કઈ રીતે સેલીબ્રેટ કરવાના છો?’ જયંતભાઈએ નાટકીય અંદાજથી પૂછ્યું.

‘પ્રોગ્રામમાં તો પપ્પા, આજે રોજની જેમ જ રેગ્યુઅલર ટાઈમે કોલેજ જઈશ. ત્યાં કેટલાક ખાસ દોસ્તોને કેન્ટિનમાં આજે મારા તરફથી નાસ્તો કરાવીશ. કોલેજ પત્યા પછી ૩ ના શૉ માં અમે ૫ ફ્રેન્ડ્સ મૂવી જોવા જઈશું’

‘અને એ માટેનું ફંડ ક્યાંથી લાવશો?’ જયંતભાઈએ મજાકીયા અંદાજથી પૂછ્યું

‘મમ્મીએ મને ડ્રેસ લેવાના પૈસા આપ્યા છે ને, એ મેં આજના દિવસ માટે બચાવીને રાખ્યા છે. નિરાલી બોલી.

‘લ્યો, આપણી દિકરી તો અઢાર વર્ષની થતાં જ ડાહી અને સમજદાર થઈ ગઈ’

‘એટલે, હું આજ સુધી ડાહી નહોતી, પપ્પા?’

‘અરે, હું તો મજાક કરતો હતો, તું ડ્રેસ પણ લેજે અને દોસ્તોને પાર્ટી પણ આપજે, તારી મમ્મીએ તને આપવા માટે મારી પાસે ગઈકાલે જ પૈસા લઈ રાખ્યા છે.’

‘થેંક્યુ, મમ્મી, થેંક્યુ પપ્પા. અને હા પપ્પા, હવે તમારે મારા પોકેટ મની વધારવા પડશે.”

‘એ કઈ ખુશીમાં? પપ્પાએ કહ્યું.

‘હવે હું અઢાર વર્ષની થઈ ને એ ખુશીમાં. ભણી લીધા પછી તો હું નોકરીએ લાગીશ અને સારું કમાઈશ, એ પછી તો તમારે જોબ કરવાની જરૂર નહીં રહે. પપ્પા, તમે અને મમ્મી પછી દેશ-વિદેશમાં ફરજો. અને હું અને દાદીમા અહીં રહીને મજા કરીશું.’

‘વાતોના વડા કર્યે રાખીશ તો કોલેજ જવાનું મોડું થઈ જશે, બેન બા, હવે પરવારો’ મમ્મીએ કહ્યું.

‘ડોન્ટ વરી મોમ, તમારી સાથે નિરાંતે વાતો થાય, અને બર્થડે વીશના ફોન એટેન્ડ કરી શકાય, એટલા માટે તો આજે હું વહેલી ઊઠી છું. મોમ સાંજે તું પાંવભાજી અને પુલાવ બનાવજે. સાથે મારું ફેવરીટ ચોકલેટ કેક બનાવવાનું ભૂલતી નહીં’ નિરાલીએ લાડભર્યા સ્વરે કહ્યું.

‘ચોક્કસ બનાવીશ, બેટા, બીજી કોઈ ફરમાઈશ?’

‘સુષ્મા- જયંત, નિરાલી અઢાર વર્ષની થઈ. એના માટે તમે લોકો કોઇ સારો-લાયક મુરતિયો શોધવા માંડો, હવે.’ દાદીમાએ માળા બાજુમા મૂકીને કહ્યું.

-કેમ, દાદીમા, તમારે મને આ ઘરમાથી જલદીથી વિદાય કરી દેવી છે, કે?’ નિરાલીએ બનાવટી રીસ કરતાં કહ્યું.

-વહેલા કે મોડા- દરેક દિકરીને સાસરે તો જવાનું જ હોય છે. દરેક મા-બાપની ફરજ હોય છે કે દિકરીને સમયસર સાસરે વિદાય કરે, જેથી દિકરી એના સંસારમા સારી રીતે ગોઠવાય જાય.’ દાદીમાએ અનુભવ વાણી ઉચ્ચારી.

-હં મા, તમે વાત તો સોળ આની સાચી કરી.’ જયંતે કહ્યું.

-અચ્છા, જેમ મારી મમ્મી આ ઘરમા સારી રીતે સેટ થઈ ગઈ, એમ ને, દાદીમા?

-હા બેટા, તારી મમ્મી તો મારી વહુ ઓછી અને દિકરી વધારે છે.

-એટલે જ બા, તમે તમારા દિકરાને એટલે કે મને ઓછો અને તમારી વહુને એટલે કે સુષ્માને વધારે પ્રેમ કરો છો, ખરું ને? જયંતે હસતાં હસતાં કહ્યું.

-અરે! કોણે કહ્યું બા મને વધારે અને તમને ઓછો પ્રેમ કરે છે? સુષ્માએ ખાલી ખાલી વિરોધ નોંધાવ્યો.

-હું કહું છું ને? જયંતે કહ્યું.

-તો તમારી ભુલ થાય છે, જનાબ. જોતાં નથી, સાંજે તમારા જોબ પરથી આવવાના સમયે બા કેવા અધિર મને અને આતુરતાભર્યા નયને બહારના બારણા તરફ તાકીને બેસી રહ્યા હોય છે, તે? સુષ્મા બોલી.

-અરે! હું કંઈ જયંતની રાહ જોતી નથી હોતી, હું તો ટીવી.મા પોગ્રામ જોતી હોવ છું. દાદીમાએ પોતાનો પાંગળો બચાવ કરતાં કહ્યું.

-તમે જુઠું બોલો તો પકડાઇ જાવ છો, બા. ડોક્ટરે તમને સાંજે સમયસર જમી લઈને સમયસર દવા લેવાનું કહ્યું છે. પણ તમારા દિકરા ઘરમા ના આવે ત્યાં સુધી તમને ભુખ નથી લાગતી. અને એમના આવ્યા પછી અચાનક ભુખ લાગી જાય છે. સુષ્મા મીઠો ગુસ્સો કરતાં બોલી.

-અરે મમ્મી. પપ્પાને જોતાં જ દાદીમાના મોં પર જે ખુશી છવાઇ જાય છે, જાણે કે...

-જાણે કે.. ’બત્રીસે કોઠે દીવા થઈ ગયા, ખરુંને? જયંતે હસતાં હસતાં કહ્યું.

-અરે! એવું કંઇ નથી. તમે બધાં તો મારી પાછળ જ પડી ગયાં. એના કરતાં આની પાછળ પડો, એ હવે અઢારની થઈ. એના માટે કોઇ સારો છોકરો શોધી કાઢો. દાદી બોલ્યા.

- બોલ નિરાલી, તારા માટે કેવો છોકરો શોધીએ?

-પપ્પા, છોકરો તમને લોકોને ગમે તેવો શોધજો. પણ સાસુ તો મારે માટે મારી મમ્મીના સાસુ જેવા, એટલે કે આ દાદીમા જેવા ‘વહાલકુડા’ જ શોધજો, હોં.

-જો બેટા, ‘આપ ભલા તો જગ ભલા.’ એ હિસાબે તું સારી વહુ બનીશ તો તારી સાસુ પણ સારી સાસુ જ બનશે, હેં ને સુષ્મા? દાદીમાએ ડહાપણભરી વાત કરી.

-એકદમ સહી બોલા, માં. આજકાલની સાસુ તો મા કરતાં પણ વધુ એડજસ્ટ કરી લેવામા માનતી હોય છે.

-અચ્છા? મોમ, તારું અને દાદીનું એડજસ્ટમેન્ટ તો એક્સ્ટ્રા-ઓર્ડિનરી છે. જરા ઉસકા રાઝ હમે ભી તો બતાઓ.

-અરે! રાઝ-બાઝ કંઈ નહી, અમને બન્નેને મા-દિકરી જેવું બને છે બસ. સુષ્મા ઘભરાઇને બોલી.

-મોમ, એમા તું આટલી ઘભરાઇ કેમ ગઈ? શું વાત છે? મારાથી કંઇ વાત છુપાવે છે કે શું? નિરાલી બોલી.

-વાત-બાત કંઇ નથી નિરાલી, તું અમસ્તી શક કરે છે. સુષ્મા રડમસ સ્વરે બોલી.

-સુષ્મા, નિરાલી આજે અઢાર વર્ષની થઈ. વાત સમજી શકે એવી પુખ્ત અને સમજદાર થઈ કહેવાય. એને આજે આપણે સાચી વાત કહી દેવી જોઇએ. જયંતે દ્ર્ઢ સ્વરે કહ્યું.

-પ્લીઝ, જયંત. નિરાલી હજી નાની છે, બાળક છે.

-અચ્છા મોમ, ત્યારે તારે મન હું હજી બાળક છું. અને છોકરો શોધવાની વાત આવે ત્યારે પુખ્ત! આ તે ક્યાંનો ન્યાય? પપ્પા, પ્લીઝ. મારાથી કંઇ છુપાવો નહીં, મને બધી જ વાત કરો. નિરાલી આજીજી કરતાં બોલી. હવે વાત જાણવા માટે એની અધીરાઇનો પાર નહોતો.

-ઓ.કે. બેટા. કહું છું, બધી જ વાત તને કરું છું. પણ એક શરતે, તારે વાતને ધીરજ રાખીને સાંભળવી પડશે અને સમજદારી રાખીને પચાવવી પડશે.’ જયંતે કહ્યું.

-સ્યોર, પપ્પા, આઇ એમ રેડી ફોર ધેટ.

ઠીક છે, તો પછી અહીં મારી પાસે આવીને બેસ અને શાંતિ રાખીને મારી વાત સાંભળ.

આજથી ૨૫ વર્ષ પહેલાની આ વાત છે. મારો પરિચય સુષ્મા સાથે એક સેમિનારમા થયો હતો.અમે એકબીજાને મળ્યા અને આમારા વિચારો પણ મળ્યા. અમે લગ્ન કરવાનું નક્કી કર્યું, પહેલા તો અમારા બન્નેના ઘરવાળાએ વિરોધ કર્યો.

-કેમ, પપ્પા, વિરોધ શા માટે કર્યો?

-કેમ કે અમારા બન્નેની જ્ઞાતિ અલગ અલગ હતી. પણ અમારી બન્નેની લગ્ન કરવાની મક્કમતા જોઇને ઘરવાળા નરમ પડ્યા અને અમારો સંબંધ સ્વીકાર્યો. મા-બાપના આશિર્વાદ લઇને અમે લગ્ન કર્યા. આમ તો બધું બરાબર ચાલતું, પણ ક્યારેક તારી મમ્મી અને દાદી વચ્ચે ચણભણ થઇ જતી

.-શું વાત કરો છો, પપ્પા? મમ્મી અને દાદીમાનો સ્નેહ જોઇને આ વાત કોઇ માને નહી. નિરાલી બોલી પડી.

-ઘરમા બે વાસણ હોય તો ખખડે પણ ખરા. દાદી હસીને બોલ્યા.

-હા, બેટા. મને તારા દાદી માટે ‘પૂર્વગ્રહ’ હતો કે ‘હું એમને ગમતી નથી.’ સુષ્મા બોલી.

-અને મને એના માટે એવું હતું કે ‘જ્ઞાતિ બહારની છોકરીને જ્ઞાતિના રીત રિવાજ ની ખબર ના હોય એટલે એ ઘરમા સારી રીતે રહે જ નહી. દાદીમા બોલ્યા.

-ઓહ! પછી બન્નેના ‘પૂર્વગ્રહ’ કઈ રીતે દૂર થયા? નિરાલી જિજ્ઞાસાવશ બોલી પડી.

-અરે! મારી અને તારા દાદાની દશા ઘણીવાર ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થતી.ક્યારેક તારા દાદી નારાજ હોય, તો ક્યારેક તારી મમ્મીનું મોં ચઢેલું હોય. અને અમે બન્ને સમાધાન કરાવવાના પ્રયત્નમા લાગેલા હોઇએ. જયંતે કહ્યું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એક- બીજાને એડજસ્ટ થતાં ગયા, ઝગડા સાવ મટ્યા તો નહી, પણ એ ઓછા તો થઈ જ ગયા. પણ લગ્નના પાંચ વર્ષ પછી પણ અમારા ઘરે પારણું ના બંધાયું, ત્યારે અમે સૌ ચિંતિત થઈ ગયા. કેટકેટલા ડૉક્ટરો ની દવા કરી,તારા દાદીએ તો ગુરુવાર કરવાની અને અંબાજી માતાના મંદિરે દર્શન કરવા જવાની માનતા પણ રાખી. તારા દાદા તો પૌત્ર/પૌત્રી નું મોં જોયા વગર જ અવસાન પામ્યા. પણ દાદીએ આશા ના છોડી.

અંતે લગ્નના સાત વર્ષ પછી સંતાનની આશા ફળી. સુષ્માની પ્રેગનન્સીના સમાચારે ઘરમા હર્ષોલ્લાસ વ્યાપી ગયો. દાદીમા તો જાણે યુવાન સ્ફુર્તિલા બની ગયા. તારી મમ્મીની સંભાળ સગી દિકરીની જેમ લેવા લાગ્યા. ડૉક્ટરની સૂચના પ્રમાણે સુષ્મા બરાબર દવા લે છે કે નહી, સુષ્મા પૂરતો આરામ કરે છે કે નહી, સુષ્મા સારો ખોરાક લે છે કે નહીં....બધું તારા દાદીમા બરાબર ધ્યાન રાખે અને જરુર પડે તો તારી મમ્મીને બેકાળજી બદલ લઢી પણ નાખે. જયંતભાઇ બોલ્યા.

-હા, સાવ સાચી વાત છે. બા તો મને ફુલની જેમ સચવવા માંડ્યા. સગી દિકરીની જેમ કાળજી લેવા માંડ્યા. સુષ્માબેન બોલ્યા.

-અચ્છા! પછી શું થયું પપ્પા? નિરાલીએ ખુબ રસપૂર્વક હડપચી પર હાથ ટેકવીને પુછ્યું.

-પછી એક દિવસ તારી મમ્મીને અચાનક સાતમા મહિનામા ‘વાઇરલ ઇંફેક્શન’ થઈ ગયું, સખત તાવ અને એ પથારીવશ થઇ ગઈ. અમે ખુબ ઘભરાઇ ગયા અને તાત્કાલિક ડોક્ટરને કન્સલ્ટ કર્યા. ડોક્ટરની સલાહ મુજબ ભારે દવાઓ અને સંપૂર્ણ બેડરેસ્ટ લેવો પડ્યો. અમે બન્ને ખડે પગે સુષ્માની સેવામા લાગી ગયા. બરાબર આઠમા મહિને એક રાત્રે તારી મમ્મીને ભયંકર દુખાવો ઉપડ્યો. તાત્કાલિક હોસ્પિટલમા દાખલ કરવી પડી. તપાસીને ડોક્ટરે અત્યંત ગંભીર થઈને કહ્યું, ‘એક ક્રીટીકલ કંડીશન ઉભી થઇ છે. અમે મા અથવા સંતાન, બે માથી એક ને જ બચાવી શકીએ એમ છીએ. સુષ્માએ ચીસ પાડીને કહ્યું, ડોક્ટર મારા સંતાનને કોઇપણ હિસાબે બચાવી લ્યો.’ ડોક્ટરે વધારે ગંભીર થઈને કહ્યું, ‘અને હા, બીજી એક વાત. સુષ્માબેન ફરીવાર ક્યારે પણ મા નહી બની શકે.’

હું તો સાવ ચિત્તભ્રમ જેવો થઇ ગયો. બીજું કશું ના સુઝતા ઇશ્વરને કોસવા લાગ્યો, ‘ભગવાન,તેં આટલા વર્ષોના તપ પછી આવું ફળ આપ્યું?’ એક બાજુ ડોક્ટર મારો નિર્ણય પુછી રહ્યા હતા અને બીજી બાજુ સુષ્મા અમારા સંતાનને બચાવવાની વિનંતિ કરી રહી હતી. ત્યાં જ મારા આશ્ચર્ય વચ્ચે બાનો દ્રઢ સ્વર સંભળાયો, ‘ડોક્ટર મારી દિકરીને- મારી સુષ્માને કોઇ પણ રીતે બચાવી લો.’ અને આ સાંભળતાંની સાથે જ મારી અને સુષ્માની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મેં ફોર્મમા સહી કરી આપી અને તારી મમ્મીને ઓપરેશન થીયેટરમા લઈ જવામા આવી.

-પણ પપ્પા, પછી હું અને મમ્મી બન્ને કેવી રીતે બચી ગયા? આ ચમત્કાર શી રીતે થયો? નિરાલી આશ્ચર્યથી જયંતભાઇને તાકી રહી.

-ના બેટા, કોઇ ચમત્કાર નહોતો થયો. ડોક્ટર માત્ર સુષ્માને બચાવી શક્યા, અમારી વર્ષોની ઝંખનાના પરિણામ સ્વરુપ એ બાળકને નહીં.

-વ્હોટ? વ્હોટ આર યુ સેઇંગ પપ્પા? ડોક્ટરો બાળકને બચાવી ના શક્યા અને મમ્મી ફરીવાર મા બની શકે એમ નહોતી તો પછી હું? મારું અસ્તિત્વ કઈ રીતે શક્ય બન્યું? નિરાલી અત્યંત દ્વિધામા બોલી.

-હવે એ જ વાત પર આવું છું, બેટા. જયંતભાઇ જાણે સાવ થાકી ગયા હોય તેમ બોલ્યા.

સુષ્માને હોસ્પિટલમાથી ઘરે લાવ્યા પછી ઘરનું વાતાવરણ અત્યંત ભારે હતું. અમે ત્રણે જણ ગમગીનીમાં ડુબેલા હતા. ત્યારે એક દિવસ પૂજામાથી પરવારીને બાએ કહ્યું, ‘જયંત-સુષ્મા, તમે બન્ને એક અનાથ બાળકને કેમ ગોદ નથી લઈ લેતા? બાળકને સહારો મળશે, ઘરમા પ્રસન્નતા આવશે અને પુણ્યનું એક કામ થશે. અમે બન્ને એ બાના આ સૂચન પર વિચાર કર્યો અને એને સહર્ષ વધાવી લીધું અને તું આ ઘરમાં અમારા જીવનમાં મહેકતુ ફુલ બનીને આવી.

-એટલે? એટલે હું તમારી સગી દિકરી નથી? તમે મને દત્તક લીધી છે? નિરાલી અત્યંત આઘાતથી, દુ:ખથી અને આક્રોશથી બોલી.

-તને કોઇ દિવસ પારકાપણાનો અહેસાસ થયો છે, છોકરી? તારા માટે તારા આ પપ્પાએ પોતાનું વતન છોડ્યું, બાપીકું ઘર છોડ્યું, જમાવેલો વેપાર છોડ્યો. અને આ સાવ અજાણ્યા શહેરમા આવીને વસ્યા, નોકરી લીધી, હાડમારી વેઠી. તારી મમ્મીએ ટ્યુશન કર્યા અને તને જરાય કમી ન નડે એવો ઉછેર કર્યો. દાદીમા બોલ્યા.

-હા બેટા. લોહીના સંબંધ જ માત્ર સાચા હોય એ વાત સાચી નથી. અમારા તારી સાથેના સંબંધ પ્રેમના સંબંધ છે, લાગણીના સંબંધ છે, દરકારના સંબંધ છે અને એટલે એ સો ટચના સોના જેવા સચ્ચાઇના સંબંધ છે, તું પૂછતી હતી ને, કે અમારા સાસુ-વહુના સંબંધ મા-દિકરી જેવા કઈ રીતે છે? તો સાંભળ. જે ક્ષણે મેં બાને કહેતા સાંભળ્યા કે, ‘ડૉક્ટર, મારી દિકરીને-મારી સુષ્માને કોઇ પણ રીતે બચાવી લો.’ તે ક્ષણે જ મેં નિર્ણય લીધો હતો કે, ‘હવેથી હું એમને મારા સાસુ નહીં પણ મારા સગા મા માનીશ.’ મને એમનો મારા પ્રત્યેનો અણિશુધ્ધ પ્રેમ સમજાયો, બેટા. એ જ રીતે તું પણ અમારો પ્રેમ સમજવાની કોશિષ કર. સુષ્મા આંખમાં આંસુ સાથે, અવાજમાં આજીજી સાથે ભાવપુર્ણ રીતે બોલી.

-તારી વાત તો સાચી છે,. પણ મમ્મા, મને તો ખબર પણ નથી કે હું કોની દિકરી છું?

-બેટા, તું અમારી જ દિકરી છે, અમારું જીવન છે, અમારી ખુશી છે અને અમારું ગૌરવ છે, એ જ વાત પૂરતી નથી? જયંતે કહ્યું.

-તું તારી આ દાદીનું પારેવડું છે અને હમેશા રહેશે, સમજી? દાદી બોલ્યા.

-હા, દાદીમા, મમ્મી, પપ્પા.તમે મને કદી પારકાપણાનો જરા પણ અહેસાસ નથી થવા દીધો. આજે પણ તમે કહ્યું ન હોત તો મને સાચી વાતની ખબર જ ન પડત.

-બેટા, તને બહારથી કે બીજા કોઈ પાસેથી આ વાતની ખબર પડત તો એની ખરાબ અસર તારા પર થાત. એટલે આ વાત તને કહેવી જરૂરી હતી. આજે અમને લાગ્યું કે હવે તું વાત સમજવા જેટલી ઠરેલ થઈ છે, એટલે દિલ પર પથ્થર મૂકીને તને સાચી વાત જણાવી. અમે તો તને અમારા તન-મન-ધનથી અમારી દિકરી તરીકે પૂરેપૂરી અપનાવી ચૂક્યા છીએ, હવે તારા હાથમાં છે કે તારે અમને મા-બાપ તરીકે અપનાવવા છે કે નહીં.

-મને તમારી વાતો થોડી થોડી સમજાય છે, ખરી.

-તો થોડો સમય લે, પૂરેપૂરી સમજાય જશે.

-એની કંઇ જ જરૂર નથી.વિક્ચારું છું તો મને લાગે છે કે, કદાચ મારા અસલી મમ્મી-પપ્પા હોત તો ય મને આટલા લાડ-પ્યાર ન મળ્યા હોત જેટલા તમે મને આપ્યા છે. હું તમને મારા સાચા દિલથી પ્રણામ કરું છું, અને ભવો ભવ તમારી દિકરી જ બનું એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

-દિકરી, તેં તો આજે અમારો ભાર ઉતારી નાંખ્યો. સુષ્મા, ચાલ આજે તો બાને લઈને મંદિર જઈ આવીએ. કેમ કે આજે તો રહસ્યના-ગમગીનીના-ભારના વાદળો વિખેરાયા છે.

Name: Pallavi Jeetendra Mistry

E-mail: hasyapallav@hotmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED