વિવિધ પ્રકારની ઇડલી Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવિધ પ્રકારની ઇડલી

હવે તો ગુજરાતમાં ઇડલી અત્યાધિક લોકપ્રિય બની ગઈ છે. સાઉથ ઇન્ડિયન હોટલ સિવાય નાસ્તાની લારીઓમાં પણ ઇડલી સહેલાઇથી મળી રહે છે. આમ તો ઇડલી બધાંના ઘરે પણ બનતી જ હોય છે. પરંતુ દર વખતે ઇડલીમાં કંઈક નવિનતા મળી જાય તો વધારે મજા આવે. સ્વાદ, સુગંધ સાથે વિવિધતાનો પણ રંગ ભળે એટલે ઘરમાં બધાં ખુશ પણ થઈ જાય. ફિટનેસ કન્સલ્ટન્ટ કહે છે કે બહાર જમવા જાઓ ત્યારે પીત્ઝા ઑર્ડર કરવા કરતાં ઇડલી ઑર્ડર કરવી વધુ હેલ્ધી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી નેપાળ ગયા ત્યારે સવારના નાસ્તામાં ચાની સાથે ઉત્તપમ કે ઇડલી ખાતા હતા. દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઇડલી તો બધાને ગમે એવી વાનગી ગણાઇ ગઇ છે. તે ફક્ત બનાવવામાં સહેલી જ નથી પણ એટલી જ પૌષ્ટિક્તા ધરાવે છે. પચવામાં બહુ સરળ છે. તમને જ્યારે હાઇવે પર જમવા માટે કંઇ પણ ન મળે ત્યારે કોઇ પણ નાની એવી હોટલમાં ઇડલી તો જરૂર મળી રહેશે. ઇડલી બાફીને બનતી હોવાથી ગમે ત્યાં ખાવાથી સહીસલામત ગણાય છે. ઈડલી માટે ધ્યાન રાખો કે ચોખા અને અડદ હંમેશા પહોળા વાસણમાં જ પલાળો. ઈડલીનુ ખીરુ બનાવવા માટે હંમેશા ઝીણા ચોખા જ વાપરો. ચોખા પલાળતા પહેલાં તેને બરાબર પાણીથી ધોઈ લો. પાણીમાં ચોખા પલાળ્યા બાદ ઉપર થોડા મોથીના દાણા નાંખી દેવા. ઈડલીના ખીરા માટે છોતરા વિનાની આખી અડદ દાળ લેવી. તેને પલાળતા પહેલાં પાણીથી માત્ર એક જ વાર ધોવી. ચોખા પલાળ્યા બાદ તેને ઢાંકવાને બદલે ખુલ્લા જ રાખવા. ઈડલીનું ખીરુ થોડુ કરકરું પીસવું. અડદ દાળને પાતળી ગ્રાઈન્ડ કરવી. ખીરામાં સિંધવ મીઠુ નાંખવું. તથા તેમાં આથો લાવવા માટે હંમેશા પહોળા વાસણનો ઉપયોગ કરવો. ખીરાને સહેજ હૂંફાળી જગ્યાએ રાખવું. આથો આવીને ખીરુ લગભગ ડબલ જેટલું ઉપર ન આવી જાય ત્યાં સુધી તેનો આથો આવવા દેવો. આથો બરાબર આવી જાય પછી ઈડલી ઉતારતાં પહેલાં તેમાં થોડું દહી અને બેકિંગ સોડા મિક્સ કરવું. ખીરુ બરાબર હોય તો પણ જો ઈડલી ઉતારવામાં ભૂલ કરશો તો ઈડલી પોચી નહિ થાય. ઈડલી સ્ટેન્ડમાં ખીરુ નાંખતા પહેલા તેની સપાટી પર વ્યવસ્થિત માત્રામાં તેલ લગાવો. કૂકરમાં પાણી બહુ વધારે ન ભરવું. લગભગ દોઢ કપ જેટલા પાણીમાં ઈડલી તૈયાર કરવી. વધુમાં વધુ ૧૨-૧૫ મિનિટ માટે જ સ્ટીમ કરવી. આનાથી વધુ સમય ઈડલી સ્ટીમ કરશો તો પણ તે કડક થઈ જશે. અમે આપના માટે આ બુકમાં વિવિધ પ્રકારની ઇડલીની વાનગી સંકલિત કરીને રજૂ કરી છે એ જરૂર તમને પસંદ આવશે. અને આ બુકના અંતમાં એક ઇડલીની ન્યુટ્રીશન કિંમત શું છે એ જાણવાનું ચૂકશો નહીં.

*ફણગાવેલા કઠોળ અને શાકભાજીની ઈડલી

સામગ્રી : બે વાટકી ચોખા, ૧ વાટકી અડદની દાળ, અડધી વાટકી ફણગાવેલા મગ, અડધી વાટકી ફણગાવેલા સોયાબીન, અડધી-અડધી વાટકી છીણેલા ગાજર અને કોબીજ, ૧ નાની ચમચી ખાવાના સોડા, ૧ નાની ચમચી પલાળેલી ચણાની દાળ, મીઠો લીમડો, રાઈ, તેલ, સ્વાદ અનુસાર મીઠું, પા વાટકી માખણ.

રીત : ઇડલી બનાવવા પહેલા ચોખા અને અડદની દાળ પલાળી રાખો. સવારે તેને બારીક દળી લો. ત્યારબાદ તેમાં મીઠું અને ખાવાનો સોડા નાંખી આથો આવે ત્યાં સુધી મૂકી રાખો. હવે એક નાની ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈનો વઘાર કરી લીમડો, પલાળેલી ચણાની દાળ, ગાજર, કોબીજ, ફણગાવેલા મગ, સોયાબીન નાંખો અને છેલ્લે આ મિશ્રણમાં મીઠું નાંખી એક મિનિટ ગેસ પર ગરમ કર્યા બાદ ઉતારીને અલગ મૂકી દો. હવે ઇડલી મિક્સને ઇડલીના સાંચામાં તેલ ચોપડીને થોડું નાંખો. તેની ઉપર ચમચીથી શાકભાજી અને કઠોળનું તૈયાર કરેલું મિશ્રણ નાંખો. આ મિશ્રણની ઉપર ફરીથી ઇડલીનું મિશ્રણ નાંખો. હવે તેને દસ-પંદર મિનિટ વરાળ આપી ચઢવા દો. આ ઇડલીને માખણ લગાવી ચટણી અને ગરમાગરમ સંભાર સાથે પીરસો.

*ચોખા અને મગની દાળની ઈડલી

સામગ્રી

૧/૨ કપ ચોખા, ૧/૨ કપ લીલી મગની દાળ, ૧/૪ ટીસ્પૂન મેથીના દાણા, ૧/૨ કપ ખમણેલા ગાજર, ૧/૨ કપ ઝીણા સમારેલો લીલા કાંદાનો સફેદઅને લીલો ભાગ, મીઠું સ્વાદાનુસાર, ૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ.પીરસવા માટે- લીલી ચટણી.

રીત: એક ઊંડા બાઉલમાં ચોખા, મગની દાળ અને મેથીના દાણા મેળવી, જરૂરી પાણી ઉમેરી ૫ થી ૬ કલાક માટે પલાળી રાખો. હવે તેને નીતારી, થોડું પાણી ઉમેરીને મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ બનાવો. હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં ગાજર, લીલા કાંદા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે ખીરાને બાફતા પહેલા તેમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરો અને તેની પર ૨ ટીસ્પૂન પાણી રેડો. હવે પેસ્ટમાં પરપોટા થવા માંડે ત્યારે ધીરેથી હલાવી લો. હવે થોડું-થોડું ખીરૂ ઇડલીના દરેક સાંચામાં રેડી સ્ટીમરમાં ૧૦ મિનિટ માટે અથવા ઇડલી રધાઇ ત્યાં સુધી બાફી લો. થોડું ઠંડું થવા દઇ, ઇડલીને સાંચામાંથી બહાર કાઢી લીલી ચટણી સાથે તરત જ પીરસો.

*ચોખા અને અડદની દાળની ઈડલી

સામગ્રી: ૧ કપ અડદની દાળ, ૩ કપ અર્ધઉકાળેલા ચોખા (ઉકળા ચોખા), ૧/૨ ટીસ્પૂન મેથીના દાણા, મીઠું સ્વાદાનુસાર, નાળિયેરનું તેલ અથવા બીજું કોઇ પણ રિફાઇન્ડ તેલ , ચોપડવા માટે
ફ્રાઇડ નાળિયેરની ચટણી, પીરસવા માટે, સંભાર પીરસવા માટે.

રીત: એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથીના દાણા સાથે જરૂરી પાણી મેળવી ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો. બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા ૩ કલાક સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો. હવે પલાળેલી અડદની દાળ અને મેથીના દાણાના મિશ્રણને મિક્સરમાં ફેરવીને (થોડું થોડું જરૂરી પાણી રેડતા રહી) સુંવાળી અને ફીણદાર પેસ્ટ તૈયાર કર્યા પછી કાઢીને બાજુ પર રાખો. એ જ રીતે પલાળેલા ચોખાને મિક્સરમાં ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો. હવે અડદની દાળની પેસ્ટ અને ચોખાની પેસ્ટને એક બાઉલમાં મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે રાતભર બાજુ પર રાખો. જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ ખીરાને એક ચમચા જેટલું લઇને તેલ ચોપડેલા દરેક ઇડલીના મોલ્ડમાં મૂકી ૧૦ થી ૧૨ મિનિટ સુધી બાફી લો. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ ઇડલી તૈયાર કરી નાળિયેરની ચટણી અને સંભાર સાથે ગરમ ગરમ પીરસો.

*રવા ઇડલી
સામગ્રીઃ ૧ કપ રવો, ૧ કપ તાજું દહીં, ૧ ચમચી ઇનો, ૧ કપ ઝીણી સમારેલી કોબીજ, ૧ કપ ઝીણી સમારેલી ડુંગળી, ૨ચમચી કોથમીર, મીઠો લીમડો વઘાર માટે, ૩ ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું સ્વાદ મુજબ.

રીત: રવાને ધીમા તાપ પર ગુલાબી થાય ત્યાં સુધી સેકીને એક તરફ મૂકી દો. જ્યારે રવો ઠંડો થઈ જાય ત્યારે એક બાઉલમાં નાખીને દહીંની સાથે મિક્સ કરી લો. હવે તેમાં ઇનો અને બાકીની સામગ્રી મિક્સ કરો. ઇડલી મેકરમાં થોડું પાણી ઉકાળી ઇડલીના સાંચામાં મિશ્રણ નાખી ઇડલી મેકરમાં 10-15 મિનિટ સુધી બફાવા દો. લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો.

*ક્રિસ્પી ઇડલી ચાટ
સામગ્રી : નાની ઇડલી, ૧૫ નંગ પનીરના ટુકડા, અડધી વાટકી બાફેલા બટાકાના ટુકડા, અડધી વાટકી બાફેલા કાળા ચણા, અડધી વાટકી ક્રશ કરેલી પાપડી જરૂર મુજબ સજાવટ માટે, આમલીની ચટણી, ગળ્યું દહીં, મરચું, સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ, સમારેલી કોથમીર, થોડી સેવ - ભભરાવવા માટે, મીઠું-સ્વાદ મુજબ.

રીત : સૌપ્રથમ ઇડલીને એકદમ ક્રિસ્પી સાંતળી લો. એ જ રીતે બાફેલા ટુકડા અને પનીરના ટુકડા પણ સાંતળી લો. ઇડલીમાં ક્રશ કરેલી પાપડી મિકસ કરો. હવે એક પ્લેટમાં ઇડલી, પનીર અને બટાકાના ટુકડા, પાપડી, આમલીની ચટણી, ગળ્યું દહીં, મીઠું, મરચું, બાફેલા ચણાથી સજાવટ કરો. છેલ્લે બારીક સેવ અને કોથમીરથી સજાવીને સર્વ કરો.

*વેજિટેબલ ફ્રાય ઈડલી

સામગ્રી : ચોખા બોઈલ કરેલા ત્રણ કપ, અડદદાળ એક વાટકી, રાંધેલ ચોખા (ભાત) ચાર ચમચી, ચપટી સાજીફૂલ, ફણસી ચાર ચમચી (ઝીણી સમારેલ), ગાજર પીસ ત્રણ ચમચી, વટાણા ચાર ચમચી, મીઠું સ્વાદ મુજબ, ટોપરું સૂકું ૧/૪ કપ, વઘાર માટે : તેલ ચારથી પાંચ ચમચી, રાઈ અડધી ચમચી, જીરું અડધી ચમચી, ચપટી હિંગ, લીમડો.

રીત : ચોખા તથા દાળને અલગ અલગ ચારથી પાંચ કલાક પલાળી ત્યાર બાદ મિક્સીમાં પીસી ખીરું બનાવી ફરી પાંચ કલાક માટે રાખવું. ત્યાર બાદ ખીરામાં ટોપરાનું છીણ, મીઠું નાખવા. ફણસી, ગાજર, વટાણા બાફવા. થોડા અલગ રાખી બીજા ખીરામાં મિક્સ કરવા. સાજીફૂલ નાખી હલાવવું. વઘાર માટે તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડો નાખી અડધો વઘાર ખીરામાં રેડવો, અડધો અલગ રાખવો. ઈડલીના સ્ટેન્ડમાં થોડું તેલ લગાવી ખીરામાંથી ઈડલી મૂકી ૧૫ મિનિટ સુધી બોઈલ કરવી. ત્યાર બાદ ઉપર થોડા બોઈલ વેજિટેબલ મૂકી વઘાર રેડવો અને ગરમ ગરમ સ્વાદ માણવો.

*કાંચી પૂરમ ઇડલી
સામગ્રી: ૧/૨ કપ અડદની દાળ, ૧/૨ કપ અર્ધઉકાળેલા ચોખા (ઉકડા ચોખા), ૧/૨ કપ ચોખા (કાચા), મીઠું (સ્વાદાનુસાર) (એક ચપટીભર) હળદર, ૧/૨ ટીસ્પૂન સૂંઠ, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૩ આખા કાળા મરી, ૧ ટીસ્પૂન તલનું તેલ, ૧ ટેબલસ્પૂન ઘી, ૧/૨ ટેબલસ્પૂન ચણાની દાળ, ૧/૨ ટીસ્પૂન રાઇ, ૧/૨ ટીસ્પૂન અડદની દાળ, ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ ટેબલસ્પૂન સમારેલા કાજુ, ૮ કડીપત્તા, તેલ (ચોપડવા માટે), પીરસવા માટે –કોલંબૂ નાળિયેરની ચટણી.

રીત: એક ઊંડા બાઉલમાં અડદની દાળ સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો. એક ઊંડા બાઉલમાં અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખા સાથે જરૂરી પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને પલાળવા માટે ૪ કલાક બાજુ પર રાખો. હવે પલાળેલી અડદની દાળ ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૩/૪ કપ પાણી સાથે ફેરવીને સુંવાળી પેસ્ટ તૈયાર કરી, પેસ્ટને બીજા એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો. તે પછી અર્ધઉકાળેલા ચોખા અને કાચા ચોખાને ધોઇને નીતારી લીધા બાદ મિક્સરમાં લગભગ ૧/૨ કપ પાણી સાથે ફેરવીને અધકચરી પેસ્ટ તૈયાર કરીને આગળ તૈયાર કરેલી અડદની દાળની પેસ્ટ સાથે મેળવી લો. તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. આમ તૈયાર થયેલા મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ઠંડી જગ્યા પર ૧૦ થી ૧૨ કલાક રાખી મૂકો. આથો તૈયાર થયા પછી, તેમાં હળદર અને સૂંઠ મેળવી સારી રીતે મિક્સ કરી મિશ્રણને બાજુ પર રાખો. હવે એક ખાંડણીમાં જીરૂ અને કાળા મરી ઉમેરીને પરાઇ વડે અધકચરો પાવડર તૈયાર કરી બાજુ પર રાખો. એક નાના નૉન-સ્ટીક પૅનમાં તલનું તેલ તથા ઘી ગરમ કરી, તેમાં ચણાની દાળ નાંખી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં રાઇ, અડદની દાળ, જીરા અને મરીનો પાવડર અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં કાજુ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો. આમ તૈયાર થયેલા વઘારને ખીરામાં ઉમેરી સારી રીતે મિક્સ કરીને એક ચમચા જેટલું ખીરૂ ઇડલીના દરેક તેલ ચોપડેલા મોલ્ડમાં રેડી લો. આ મોલ્ડને ઇડલી બાફવાના પાત્રમાં મૂકી ૧૦ મિનિટ સુધી ઇડલી બરાબર રંધાઇ જાય ત્યાં સુધી બાફી લો. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે બીજી વધુ ઇડલી તૈયાર કરો. દરેક ઇડલીને થોડી ઠંડી પાડ્યા પછી મોલ્ડમાંથી કાઢી લો. કોલંબૂ પાવડર અને નાળિયેરની ચટણી સાથે પીરસો.

*ત્રિરંગા મસાલા ઇડલી
સામગ્રી:૨ કપ સોજી, ૨ કપ દહીં, ૨ ટેબલ સ્પૂન ગાજરનો રસ, ૨ ટેબલ સ્પૂન પાલકનો રસ, મીઠું સ્વાદાનુસાર, ૧ નાની ચમચી બેકિંગ સોડા, ૨ પાઉચ ઇનો સોલ્ટ, ૧ નાની ચમચી મરી, થોડુંક સૂકાયેલા નારિયેળનું છીણ, ૮-૧૦ લીમડાના પાન, ૧ નાની ચમચી રાઇ, ૧ ટેબલ સ્પૂન તેલ, ૨ ડુંગળી ઝીણી સમારેલી, ૨ ઝીણા સમારેલા ટામેટા, ૧ ટેબલ સ્પીન ટોમેટો સૂપ, ૧ ટી સ્પૂન ચિલી સોસ, ૨ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું ગાજર, ૨ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
કોથમીર ઝીણી સમારેલી.

રીત: સૌથી પહેલા એક બાઉલમાં સોજી અને દહીં બરોબર મિક્સ કરી લો. પછી એમાં મીઠું, બેકિંગ સોડા, મરી નાંખીને હલાવો. ત્યારબાદ ઇડલી મોલ્ડને ગ્રીસ કરી લો, પછી ઇડલીના ખીરામાં ઇનો મીઠું નાંખીને બરોબર મિક્સ કરી લો. હવે ખીરાને ત્રણ ભાગમાં બરોબર વહેંચી દો. પછી એક ભાગને એવો સફેદ જ રહેવા દો. બીજા ભાગમાં ગાજરનો રસ નાંખો અને ત્રીજા ભાગમાં પાલકના રસને બરોબર મિક્સ કરી દો. પછી ત્રણેય પ્રકારના મિશ્રણને અલગ અલગ નાંખીને ઇડલીના સ્ટેન્ડમાં માઇક્રોવેવમાં 5 મિનીટ માટે રાખી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો એમાં રહી અને લીમડાંના પાન નાંખો. ત્યાર બાદ ડુંગળી નાંખીને સાંતળી દો અને પછી ટામેટા નાંખીને સાંતળી દો. હવે એમાં ગાજર અને સિમલા મરચાંને પણ સાંતળી લો. પછી એમાં મરચું અને ટામેટા સોસ અને મીઠું મિક્સ કરો. હવે ઇડલીના બે બે ટુકડાં કરીને આ વઘારમાં મિક્સ કરો. હવે એને સર્વિગ ડિશમાં કાઢીને કોથમીર અને સૂકાયેલા નાળીયેરથી સર્વ કરો.

*ચાઇનિઝ ઇડલી
સામગ્રી: ૫ ઇડલી, ૧ ટેબલ સ્પૂન માખણ, તળવા માટે તેલ, ૧ સમારેલું લસણ, ૧ ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદુ, ૧ લીલું મરચું, ૨-૩ લીલી ડુંગળી, ૧-૨ કપ લાલ શિમલા મરચું, ૧/૨ કપ પીળું શિમલા મરચું, ૧ ટી સ્પૂન સોયા સોસ, થોડો મરી પાવડર, ૧/૪ ટી સ્પૂન ખાંડ
૧ ટેબલસ્પૂન કોર્ન ફ્લોર.

રીત: સૌથી પહેલા ઇડલીને બરાબર આકારની કાપી લો. હવે એક પેનમાં માખણ અને સમારેલી ઇડલી નાંખીને શેકી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને એની અંદર લસણ, આદુ, લીલું મરચું, લીલી ડુંગળી, લાલ અને પીળા શિમલા મરચા, સોયા સોસ, કાળું મરચું અને ખાંડ નાંખીને સારી રીતે પકાવો. બાદમાં એમાં કોર્ન ફ્લોર અને પાણી નાંખીને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં શેકેલી ઇડલી નાંખીને પકાવો. ચાઇનિઝ ઇડલી તૈયાર છે. એને ગરમા ગરમ પીરસો.

*એક ઇડલીની ન્યુટ્રીશન કિંમત.

એનર્જી- ૮૭ કેલેરી, પ્રોટીન- ૨.૮ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ-૧૮.૪ ગ્રામ, ફાઇબર-૦.૯ ગ્રામ, કોલેસ્ટેરોલ-૦.૦ ગ્રામ, વિટામિન એ- ૩.૩ મિલિસીગ્રામ, વિટામિન બી૧- ૦.૧ મિલિગ્રામ, વિટામિન બી૩- ૦.૮ મિલિગ્રામ, વિટામિન સી- ૦.૦ મિલિગ્રામ, ફોલિક એસિડ-૧૧.૨ મિલિગ્રામ, કેલ્શિયમ- ૧૨.૪ મિલિગ્રામ, આર્યન-૦.૪ મિલિગ્રામ, મેગ્નેશિયમ- ૨૦.૧ મિલિગ્રામ, ફોસ્ફરસ– ૫૨.૭ મિલિગ્રામ, સોડિયમ-૩.૩ મિલિગ્રામ, પોટેશિયમ- ૮૯.૭ મિલિગ્રામ, ઝિંક- ૦.૪ મિલિગ્રામ.