દૂધીની વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દૂધીની વાનગીઓ

દૂધીની વાનગીઓ

- મિતલ ઠક્કર

શાકભાજીમાં દૂધી ભલે સસ્તી હશે પણ તે સારી એટલી જ છે. દૂધીમાંથી જેટલી વિવિધ વાનગીઓ બનતી હશે એટલી બીજાં કોઇ શાકભાજીમાંથી નહીં બનતી હોય. દૂધી એ દરેક ઋતુમાં મળતું શાક છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ શાક છે, દૂધીમાંથી સ્વાદિષ્ટ ખીર કે હલવો બનાવી શકાય છે તો થેપલાં અને મૂઠિયાં જેવા પોચા ફરસાણ પણ બનાવી શકાય છે. ગુજરાતીઓના ઘરમાં દૂધીની વિવિધ વાનગી બનતી હોય છે જેમ કે દૂધીનું શાક, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં, દૂધીનો હલવો. કેમકે દૂધી પચવામાં ઘણી હળવી છે. હવે વજન ઉતારવા માટે દૂધીના રસનો ઉપયોગ થાય છે. આજની યુવા પેઢીને દૂધીનું શાક ખાવાનું કહેવામાં આવે તો ભલે મોંઢું મચકોડતા હોય પણ એ નોંધી લો કે એક સંશોધન પ્રમાણે શહેરી લાઇફસ્ટાઇલ પ્રમાણે જીવતાં અને તળેલું કે જંકફૂડ ખાતાં શહેરીજનોમાંથી ૭૦ ટકા લોકોને હૃદય સંબંધી રોગોનું જોખમ રહે છે. દૂધીમાં ઝીરો કોલેસ્ટરોલ હોય છે. જે હૃદયને હેમખેમ રાખવામાં ભારે ઉપયોગી છે. વળી, તેનામાં રહેલાં વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હૃદયને તંદુરસ્ત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા વડીલો કહેતા હતા કે દૂધી એટલે નીરોગી અને દૂધી ચલાવે બુદ્ધિ એ સો ટકા સાચી વાત છે. દૂધીના આવા અનેક ફાયદાઓ આ ઇબુકના અંતમાં પણ આપ્યા છે. અમે આપના માટે દૂધીની એવી નવી-જૂની અને મજેદાર વાનગીઓ સંકલિત કરીને લાવ્યા છે કે જે લોકો એમ માને છે કે દૂધી એક સામાન્ય શાકભાજી જ છે, એ પણ આ વાનગીઓ ખાઇને કહી ઊઠશે કે દૂધી ખરેખર શાકની રાણી છે.

* દુધી ચણાની દાળનું શાક

સામગ્રી: દુધીના ટુકડા કાપેલા, ચણાની દાળ ૧/૨ કપ, ટામેટા ૧/૨ કપ, પાણી ૧/૨ કપ, લસણ ૧ ચમચી બારીક કાપેલું, હળદર ૧/૨ નાની-ચમચી, તેલ ૨ ચમચી, જીરું ૧/૨ નાની-ચમચી, રાઈ ૧/૨ નાની-ચમચી, હિંગ ૧/૪ નાની-ચમચી, લાલ મરચું ૧ ચમચી, ધાણાજીરું ૧/૨ ચમચી, કોથમીર ૨ ચમચી બારીક કાપેલી, મીઠું સ્વાદ પ્રમાણે.

રીત: સૌ પ્રથમ ચણાની દાળને 1 કપ પાણીમાં 1 કલાક માટે પલાળી લો. ત્યારબાદ દુધીને ધોઈ એની છાલ ઉતારી એના ટુકડા કાપી લો. હવે પ્રેસર કુકરમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખી ફૂટવા દો. પછી રાઈ ફૂટવા લાગે એટલે હિંગ, લસણ નાખી થોડી વાર સાંતળો. હવે કુકરમાં કાપેલા ટામેટા નાખી થોડી વાર રહેવા દો. પછી ચણાની દાળ અને દુધી નાખી હલાવી લો. ઉપરથી હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાખી સારી રીતે મસાલા મિક્ષ કરી લો. હવે કુકરમાં પાણી નાખી ઢાકણ બંધ કરી 2 થી 3 સીટી વગાડો. આમ, કુકર ઠંડુ થઇ જાય પછી ઢાંકણ ખોલી વધારાનું પાણી ઉકાળી લો. તૈયાર છે દુધી ચણાની દાળનું શાક.

* દૂધીનું ભડથું

સામગ્રી : ૫૦૦ ગ્રામ દૂધી, ૬ નંગ લીલા કાંદા, ૩ નંગ ટામેટા, ૪ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ, ૩ ટેબલ સ્પૂન સમારેલી કોથમીર, ૨ થી ૩ ઝીણા સમારેલા મોટા લાંબા લીલા મરચાં, ૪ કળી સૂકું લસણ, ૨ ટીસ્પૂન કાશ્મીરી મરચું, ૧ ટીસ્પૂન હળદર, ૧ ટેબલ સ્પૂન ધાણાજીરું, ૧ ટીસ્પૂન જીરું, ૧ ટીસ્પૂન ખાંડ, ૨ ટેબલ સ્પૂન મલાઇ, ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું.

રીત: સૌપ્રથમ દૂધીને છોલી તેના મોટા ટુકડા કરીને વરાળથી બાફી લેવી. ઠંડી થાય એટલે મેશ કરવી. એક કઢાઇમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું નાખવું. જીરું તતડવા લાગે એટલે વાટેલું સૂકું લસણ, સમારેલા લીલા કાંદા અને ઝીણું સમારેલું લસણ નાખીને સાંતળવું. ગાર્નીશિંગ માટે થોડો લીલો કાંદો અને લીલું લસણ રહેવા દેવાનું. સમારેલા ટામેટાં અને લીલા મરચા નાખવા. ટામેટા ચડે એટલી વાર થવા દેવું. પછી એમાં હળદર, ધાણાજીરું, કાશ્મીરી મરચું, ગરમ મસાલો, મીઠું નાખી બરાબર મિક્ષ કરવું. તેલ છૂટું પડે એટલે મેશ કરેલી દૂધી ઉમેરી થોડું પાની, ખાંડ, મલાઇ નાંખી ઢાંકી દેવું. અને થોડી વાર થવા દેવું. તૈયાર થાય એટલે લીલો કાંદો, કોથમીર અને લીલું લસણથી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસવું.

* જૈન દૂધી ઢોકળાં

સામગ્રી: એક કપ ચણાનો લોટ, અડધો કપ મકાઇનો લોટ, બે ચમચી રાગીનો લોટ, અડધો કપ પીળી મકાઇનો લોટ, બે ચમચી સોજી, એક કપ દૂધીનું છીણ, અડધી ચમચી ક્રશ કરેલ લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, પા ચમચી ખાવાનો સોડા, એક ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું, એક વાટકી ખાટી છાસ.

વઘાર માટે: પા ચમચી રાઇ, એક સમારેલું લીલું મરચું, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, એક ચમટી હિંગ, પા ચમચી તલ, ૨-૩ ચમચી તેલ, ગાર્નિશિંગ માટે કોથમીર.

રીત: એક બાઉલમાં ઉપર સામગ્રીમાં જણાવેલ બધા જ લોટ મિક્સ કરી તેમાં દૂધીનું છીણ, ક્રશ કરેલ લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, હળાદર, મીઠું અને છાસ બધું જ મિક્સ કરી ખીરું તૈયાર કરો. જરૂર લાગે તો પાણી ઉમેરવું, પરંતુ ખીરું ઘટ્ટ રહેવું જોઇએ. છેલ્લે ખીરામાં ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. સ્ટ્રીમરને પ્રી સ્ટીમ કરી રાખવું. તેલથી ગ્રીસ કરેલ પ્લેટમાં ઢોકળાનું ખીરું નાખી ઢોકળાને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દો. ઢોકળાં તૈયાર થઈ ગયા બાદ ૫-૭ મિનિટ સુધી રહેવા દેવા. ત્યારબાદ ૨-૩ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, લીમડો, લીલાં મરચાં વગેરે નાખી વઘાર કરવો અને વઘારને ઢોકળાં પર પાથરી દો.

* દૂધીનો ઓળો

સામગ્રી: ૧ દૂધી, ૨.૫ વાટકી લીલી ડુંગળી સફેદ ભાગ સહિત (સૂકી ડુંગળી પણ ચાલે), ૨ વાટકી ટમેટા, ૧ ચમચો લીલા મરચા, ૧/૨ વાટકી લીલા વટાણા (ઓપશનલ), ૧ લાલ સૂકું મરચું, ૧ તમાલપત્ર, ૨ ચમચા તેલ, ૧ ચમચી રાઇ, ૧ ચમચી જીરું, ચપટી હિંગ, ૧.૫ ચમચી લસણની પેસ્ટ, ૩ ચમચી લાલ મરચું, ૧ ચમચી હળદર, ૩ ચમચી ધાણાજીરું, ૧.૫ ચમચી ગરમ મસાલો, મીઠું અને કોથમીર.

રીત: સૌ પ્રથમ દૂધીની છાલ કાઢી લાંબી ચીરીઓ કે કટકા કરી વરાળે બાફી લેવી. પછી બાફેલી દૂધીનો મેશર વડે છૂંદો કરી લેવો. હવે એક કડાઈમાં તેલ લઇ રાય, જીરું, હિંગ, લીમડાના પાન, તમાલપત્ર, લાલ સૂકું મરચું ઉમેરી વઘાર કરવો. પછી લસણની પેસ્ટ ઉમેરી સહેજ સાંતળી ટમેટા, વટાણા, હળદર, મીઠું ઉમેરી ગળે ત્યાં સુધી સાંતળવા. પછી લીલી ડુંગળી ઉમેરી ચડી જાય ત્યાં સુધી સાંતળવી. પછી લાલ મરચું, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરી હલાવી દૂધી ઉમેરી મિક્સ કરી લેવું. કોથમીર ભભરાવી ગેસ બન્ધ કરી દેવો. રોટલા, ગોળ, લીલી ડુંગળી, લસન-મરચાંની ચટણી, છાસ કે દહીં જોડે ગરમ ગરમ દૂધીનો ઓળો સર્વ કરવો. તૈયાર છે દૂધીનો ઓળો.

* દૂધીનો હલવો

સામગ્રી: ૨ કપ ખમણેલી દૂધી, ૩ ટેબલસ્પૂન ઘી, ૧/૨ કપ ભૂક્કો કરેલો માવો, ૩/૪ કપ સાકર, ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર, ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ દૂધ.

સજાવવા માટે: ૧ ટેબલસ્પૂન બદામની કાતરી, ૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી.

રીત: એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં દૂધી અને માવો મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં સાકર, એલચી પાવડર, ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ દૂધ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી ઊંચા તાપ પર પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. હવે તેને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી રાંધી લો. પિસ્તા અને બદામ વડે સજાવીને ગરમ-ગરમ પીરસો. દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં બનાવવાની આ સરળ રીત છે, જેથી તેને સતત હલાવતા રહી વધુ સમય સુધી રાંધવાની જરૂર પડતી નથી.

* દૂધીનું રાયતુ

સામગ્રી: ૧ કપ સમારેલી દૂધી, ૧/૪ કપ સ્લાઇસ કરેલા કાંદા, ૧/૪ ટીસ્પૂન ઝીણા, મારેલા લીલા મરચાં, ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ, ૧ કપ જેરી લીધેલું તાજું દહીં, ૩ ટેબલસ્પૂન શેકીને અર્ધકચરી કરેલી મગફળી, મીઠું સ્વાદાનુસાર, ૧ ટીસ્પૂન તેલ, ૧/૨ ટીસ્પૂન રાઇ, ૭થી ૮ કઢીપત્તા.

રીત: એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધી, કાંદા, લીલા મરચાં, આદૂ અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી, પૅનને ઢાંકીને મધ્યમ તાપ પર ૧૦ મિનિટ સુધી અથવા પાણીનું બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી ઠંડું થવા બાજુ પર રાખો. હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં મૂકી તેમાં દહીં, મગફળી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો. વઘાર તૈયાર કરવા માટે એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કડીપત્તા મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. હવે આ વઘારને તૈયાર કરેલા દહીં-દૂધીના મિશ્રણ પર રેડી સારી રીતે મિક્સ કરી લો. તરત જ પીરસો.

* દૂધી પકોડા

સામગ્રી: ૧ મધ્યમ સાઇઝની દૂધી, ૧ કપ ચણાનો લોટ, ૨ ચમચા ચોખાનો લોટ, ૧ મધ્યમ કાંદો સમારેલો, ૩ થી ૪ કળી લસણ ઝીણું સમારેલું, ૩ લીલાં મરચાં બારીક સમારેલાં, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી કાળું મીઠું, ૧ ચમચો બારીક સમારેલી કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ.

રીત: દૂધીની છાલ કાઢી એને છીણી લો. એમાં મીઠું મિક્સ કરી ૧૫ થી ૨૦ મિનિટ રહેવા દો. ત્યાર બાદ દૂધીને નીચોવી પાણી કાઢી લો અને એક બોલમાં ટ્રાન્સફર કરો. હવે એમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, કાંદા, લસણ, લીલું મરચું, ચાટ મસાલો, લાલ મરચું, હળદર, કાળું મીઠું, કોથમીર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી ભજિયાં બને એવું ખીરુ બનાવો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે એમાંથી એક ચમચો ભરી તૈયાર કરેલા ખીરામાં ઉમેરો અને ખૂબ હલાવો. હવે આ ખીરામાંથી ગરમ તેલમાં નાની સાઇઝનાં ભજિયાં પાડો. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચઅપ સાથે પીરસો.

* દૂધી અને દાલના વડા

સામગ્રી: ૫૦૦ ગ્રામ છીણેલી દૂધી, ૧ ટીસ્પૂન લસણ (ઝીણું સમારેલ), અડધી ટીસ્પૂન આદુ (ઝીણું સમારેલ), ૧ ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ૧ ટેબલસ્પૂન કોથમીર, ૧ ટેબલસ્પૂન ફૂદીનો, ૧ ટીસ્પૂન ચાટમસાલા, ૨ ટેબલસ્પૂન સોયાબીનના ગ્રેન્યુલ્સ (૪ ટેબલસ્પૂન ગરમ પાણીમાં દસ મિનિટ પલાળેલાં), ૨ ટેબલસ્પૂન તુવેરની દાળ તથા ૨ ટેબલસ્પૂન ચણાની દાળ (બંને બાફેલી), ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, થોડાં બ્રાઉન બ્રેડના બ્રેડક્રમ્સ.

રીત: સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો. આદું-લસણને થોડીવાર સાંતળીને દૂધી ઉમેરો અને હલાવો. ગરમ મસાલો, દાળો, સોયાબીન, ચાટ મસાલો, કોથમીર તથા ફુદીનો ઉમેરો. વ્યવસ્થિત ભેળવીને ધીમા તાપે ચારથી છ મિનિટ સુધી રંધાવા દો. નીચે ઉતારી લઈ બ્રેડક્રમ્સ ભેળવો. ત્યાર બાદ એક સરખા વડા જેવડાં ભાગ પાડીને પહેલેથી ગરમ કરેલાં ઓવનમાં 150 અંશ સેન્ટિગ્રેડ પર પાંચથી સાત મિનિટ પકાવો. ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

દૂધીના દાળવડાં

સામગ્રી: પાંચસો ગ્રામ દૂધી, બે ટેબલસ્પૂન સોયાબીન, ચાર ટેબલસ્પૂન તુવેર દાળ, ચાર ટેબલસ્પૂન ચણાની દાળ, બ્રેડ ક્રમ્સ અથવા ટોસ્ટનો ભૂકો, થોડો કૉર્નફ્લોર, એક ટેબલસ્પૂન તેલ, એક ટીસ્પૂન લસણ બારીક સમારેલું, એક ટીસ્પૂન આદું બારીક સમારેલું, એક ટીસ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, એક ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર, એક ટેબલસ્પૂન બારીક સમારેલો ફુદીનો, એક ટીસ્પૂન ગરમ મસાલો, એક ટીસ્પૂન ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, ચપટી હિંગ.

સર્વ કરતી વખતે: ખાટી-મીઠી ચટણી, કોથમીર-ફુદીનાની ચટણી.

રીત: સોયાબીનને પણ દસથી પંદર મિનિટ પાણીમાં પલાળી રાખો. દૂધીને છાલ છોલી છીણી લો. તરત જ એક નૉનસ્ટિક પહોળી કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં આદું-લસણ-મરચાં ઉમેરી સાંતળો. ત્યાર બાદ દૂધી અને સોયાબીનને નિચોવી વધારાનું પાણી કાઢી એમાં ઉમેરી દો. ત્યાર બાદ ગરમ મસાલો, બાફેલી દાળ, પલાળેલાં સોયાબીન, ચાટ મસાલો, કોથમીર, ફુદીનો બધું ઉમેરો. વ્યવસ્થિત મિક્સ થાય ત્યાં સુધી રાંધો. હવે મિશ્રણને ઠંડું પડવા દો. હવે એમાં બ્રેડક્રમ્સ અને થોડો કૉર્નફ્લોર ભેળવો અને ચપટા ગોળા બનાવો. જરૂર હોય એ પ્રમાણે કૉર્નફ્લોરમાં રગદોળી તળી લો. વધારાનું તેલ નિતારી ખાટી-મીઠી તેમ જ ફુદીના-કોથમીરની ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.

દૂધીનો જયુસ

સામગ્રી : ૩૦૦ ગ્રામ જેટલી દૂધી, ૧ ઇંચ આદુનો ટુકડો, થોડી લીલી ચા, ફુદીનાનાં ૭-૮ પાન, ૧ ચમચી મધ.

રીત: પહેલાં દૂધીને છોલી લો. એના ટુકડા કરીને મિક્સરમાં નાખો. બાકીની બધી સામગ્રી નાખી એમાં સાથે થોડુંક પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી લો. મોટી જાળીવાળી ગળણીથી ગાળી ઉપર ૨-૩ ટીપાં લીંબુનાં નિચોવો. ઇચ્છા હોય તો એક ચમચી મધ પણ એમાં ભેળવીને લઈ શકો છો. આ જયુસ પાચન સુધારે છે. અને ફૅટ્સ બાળે છે. અને શરીરમાંથી કચરો કાઢવા માટે એટલે કે ડિટૉક્સિફિકેશન માટે પણ એ ઉપયોગી છે. વેઇટલૉસ માટે આ જયુસ ખૂબ જ ગુણકારી છે.

દૂધીના ફાયદાઓ :

* દૂધીનો રસ શરીરની તરસ તો બુઝાવે જ છે, સાથે સાથે થાક પણ ઉતારી દે છે. શરીરને પર્યાપ્ત પ્રમાણમાં સોડિયમ પણ પૂરું પાડે છે. ઉનાળામાં જેને નોકરી-ધંધા અર્થે બહાર ફરવા નીકળવું પડતું હોય છે તેના માટે તો દૂધી ઉત્તમ છે.

* પિત્તપ્રકૃત્તિના લોકોને પેટ સાફ ન આવવાની સમસ્યા હોય તેમને માટે રોજ સવારે એક ગ્લાસ દૂધીનો રસ ઉત્તમ છે.

* દૂધીમાં પાણીનું પ્રમાણ અધિક છે તેના ઉપયોગથી શરીરની કેલરી તમને સ્થૂળ બનાવી શકે એટલી વધતી નથી. વળી ફાઇબર પણ હોવાથી પેટ ભરાયેલું લાગે છે અને ખોરાક લેવા ઉપર આપો આપ સંયમ આવે છે. આમ દૂધી વજનને કાબૂમાં રાખે છે.

* દૂધીમાં શરીરને ઠંડું રાખવાનો કુદરતી ગુણ છે. એટલે પેશાબમાં એસિડનું પ્રમાણ વધારે હોય તેને પેશાબ કરતી વખતે જે બળતરા થતી હોય છે તેને દૂધીના રસના ઉપયોગથી શમાવી શકાય છે.

* દૂધી મગજને પણ ઠંડું અને શાંત રાખવામાં ઉપયોગી સિદ્ધ થઇ છે. તેના આ ગુણને કારણે આજના ધમાલિયા જીવનમાં સતાવતી માનસિક તાણથી પણ આપણને બચાવે છે. સોડિયમ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોવાથી હાયપરટેન્શન ધરાવતી વ્યક્તિ માટે પણ ઉપયોગી છે.

* આયુર્વેદ અનુસાર વધુ પિત્તને કારણે જ્યારે લિવર તેની કાર્યક્ષમતા ગુમાવે ત્યારે દૂધીનો ઉપયોગ કરવાથી તે સક્ષમ બને છે.