ભીડ
યશવંત ઠક્કર
તમે એવાં કેટલાય ભજનો કે ગીતો સાંભળ્યા હશે કે જેમાં ભગવાનને ભીડ ટાળવા માટે આજીજી કરવામાં આવી હોય. અહીં ભીડનો અર્થ થાય છે: અડચણ, મુશ્કેલી, હરકત. આવી ભીડ ટાળવા માટે ભગવાનની મદદ લેવી પડે એ સમજી શકાય એવી વાત છે, પરંતુ ઘણી વખત આવી ભીડ આવી પડે તે માટે જ જાણે કે માનવસર્જિત આયોજનો થતાં હોય છે. એવાં આયોજનો કે જેમાં માનવમહેરામણ ઊમટી પડે. અર્થાત ભીડ થાય. અહીં ભીડનો અર્થ થાય છે: ગિરદી, ભરાવો. આવી ભીડ [ગિરદી] ઊમટી પડે તો જ કાર્યક્રમ સફળ થયો કહેવાય, નહિ તો કાર્યક્રમનો ફિયાસ્કો થયો કહેવાય.
જુઓ. થઈને અજબ ભીડ કી ગજબ કહાની! ભીડ એટલે કે અડચણો કે દુઃખદર્દ. એ ભીડથી મુક્તિ મેળવવા માટે જ ગિરદીનું આયોજન કરવામાં આવે. અર્થાત, એક પ્રકારની ભીડથી છૂટકારો મેળવવા માટે બીજા પ્રકારની ભીડનું સર્જન કરવામાં આવે. દુનિયામાં એકલોઅટૂલો પડી ગયેલો માણસ ભીડથી [દુઃખથી] મુક્તિ મેળવવા ભીડ [ગિરદી] તરફ દોટ મૂકે. પરિણામે ઘણી વખત જે ભીડથી [દુઃખથી] મુક્તિ મેળવવા માટે એ ઘરેથી મોટા ઉપાડે નીકળ્યો હોય એ ભીડ [દુઃખ] રહી જાય બાજુ પર અને અણધારી નવી ભીડનો [નવા દુઃખનો] ભોગ થઈ પડે. એ નવી ભીડનું કારણ ભીડ [ગિરદી] બને.
ભગવાન કરે કે ક્યારેય ભીડના કારણે કોઈનો ભોગ ન લેવાય, પરંતું એક નહિ અનેક દાખલાઓ છે કે ભીડના [ગિરદીના] કારણે માણસો ચગદાયા હોય. ખાસ કરીને ધાર્મિક સ્થાનોમાં કે ધાર્મિક કાર્યોક્રમોમાં આવું અવારનવાર બને છે. ભીડ ભાંગનારા ભગવાનની નજર સામે જ ભક્તો ભીડનો ભોગ બને છે ને ભક્તો પર ફરીથી ભીડ આવી પડે છે. આયોજકો, લોકો ભેગા થાય એ માટે મોટા પાયે જાહેરાતો કરે, પરંતું એવો વિચાર ન કરે કે લોકો ભેગા થશે તો જગ્યા અને અન્ય સુવિધાની ભીડ ઊભી થશે. અહીં ભીડનો અર્થ થાય છે: ખેંચ, તંગી, અછત. જગ્યાની ભીડ! આમ, ભીડના [ગિરદીના] કારણે ધકામુક્કી થાય, જગ્યાની ભીડ [તંગી] ઊભી થાય, પરિણામે ન ધારેલી ભીડ [તકલીફ] ઊભી થાય.
ઘણા લોકોની શ્રદ્ધાનો ધકામુક્કી સાથે ગાઢ નાતો છે. એમને મંદિરમાં ધક્કામુક્કી કર્યાં પછી જે પ્રભુદર્શન થાય એમાં જ મજા આવે છે. પછી ભલે એવાં દર્શનના કારણે અશક્ત કે ઘરડાં લોકોને ધોળા દિવસે તારાઓનાં દર્શન થઈ જાય. વળી, માન્યતા પણ એવી જ સર્જવામાં આવે કે, ‘અમુક સમયે જ અને અમુક જગ્યાએ જ દર્શન કરવામાં આવે તો અધિક પુણ્ય મળે.’ બસ, આ અધિક પુણ્ય મેળવી લેવાની લાલચમાં જ ઘણા લોકો અધિક ચરણોની નીચે કચડાવાનું જોખમ પસંદ કરે છે. તીર્થસ્થાનોમાં ક્યારેક દર્શન માટે તો ક્યારેક પ્રસાદ માટે ધકામુક્કી થાય છે, ત્યારે કેટલાક ભક્તોને ત્યાંથી સીધા દવાખાના ભેગા થવું પડે છે. દવાખાનામાં પણ ભીડ [દુઃખ] ભોગવતા લોકોની ભીડ [ગિરદી] હોય છે અને દવાખાનમાં સુવિધાઓની પણ ભીડ [તંગી] હોય છે.
આમ જોઈએ તો, એક માણસ બીજા માણસને મળવાનું બને એટલું ટાળે છે. લોકો એક જ ફલેટમાં રહેતા હોય અને રોજ એકબીજાની નજરે ચડતા હોય તોય વાતચીત કરવાનું ટાળે છે. કોઈને નવા વર્ષના અભિનંદન આપવા માટે પણ એમના હાથ સળવળતા નથી. એમના હાથ અને એમનાં મન રેફ્રિજરેટરમાં મૂકેલી બ્રેડ જેવાં ઠંડાં થઈ ગયાં હોય છે. શહેર કે ગામમાં કેટલાય જાણીતા સ્નેહી કે મિત્રો હોય એમનાથી ભાગી છૂટવું હોય એમ કેટલાક લોકો પ્રવાસને બહાને અજાણ્યાં લોકોની ભીડમાં ભળવા માટે દોટ મૂકે છે. પ્રવાસના સ્થળે માણસોની ભીડ[તંગી] ન હોય, પણ જગ્યાની ભીડ [તંગી] હોય તો તેઓને ન ધારેલી ભીડનો [તકલીફનો] સામનો કરવો પડે છે.
ભીડ [ગિરદી] કોને ગમે છે? ઘણાને ગમે છે. નેતાઓને મતદારોની ભીડ ગમે છે. વક્તાઓને શ્રોતાઓની ભીડ ગમે છે. સ્વામીઓને ભક્તોની ભીડ ગમે છે. લેખકોને વાચકોની ભીડ ગમે છે. વેપારીઓને ગ્રાહકોની ભીડ ગમે છે. ભીડ છે તો એમને બરકત છે. ભીડની પણ એક મજા છે! ઘણાને તો ભીડ વગર ગમે જ નહિ. એકલતા એમને ખાવા દોડે! આવા લોકો સંબંધો વધારે, પ્રસંગો વધારે અને વહેવાર વધારે. એમને નાણાંની અને ટાણાંની ભીડ [તંગી] હોતી નથી.
આ વાસ્તવિક જગતમાં ભીડ [ગિરદી] ઓછી હોય એમ હવે ઘણા લોકોને આભાસી જગતમાં [સોશિયલ મીડિયામાં] ભીડનું ઘેલું લાગ્યું છે. પોતાના બ્લૉગ પર, ફેસબુક એકાઉન્ટ પર કે વોટ્સએપ્પ ગ્રૂપ પર જેમ Like, Comment, Dowenload, વગેરેની ભીડ વધે એમ એમને મજા પડે છે. એમને આભાસી જગતમાં જગ્યાની ભીડ [તંગી] નડતી નથી. વાસ્તવિક જગતમાં ભીડથી [ગિરદીથી] ભાગનારો માણસ આભાસી જગતમાં ભીડ [ગિરદી] માટે વલખાં મારે છે. આભાસી જગતમાં વહેવાર સાચવવા માટે રૂપિયાના ચલણની જરૂર પડતી નથી. Like, Comment, Shareના ચલણથી ચાલી જાય છે. વાસ્તવિક જગતમાં જેમ વહેવારિક ઝઘડા ચાલતા રહે છે, એમ આભાસી જગતમાં પણ વહેવારિક ઝઘડા ચાલતા રહે છે. કોણ કોની સાથે Like અને Commentનો કેટલો વહેવાર રાખે છે એની નોંધ રાખનારા પણ હોય છે. આભાસી જગતમાં Like, Commentની ભીડ [તંગી] માણસને દુઃખી કરી નાખે છે.
સમગ્ર વાતનો સાર એ છે કે, માણસને માણસ વગર ચાલતું નથી. અંતે...
કેમ બંધાતો નથી સંબંધ એવો
કે પટોળા પર પડેલી ભાત જેવો.
જિંદગી માંગી રહી છે રંગ નોખો
મૂંઝવે છે પ્રશ્ન કે કયો રંગ દેવો.
અંશ એનો છું છતાં એને વગોવું
હું કરું છું ભીડને અન્યાય કેવો.
વૃક્ષમાં પણ બોંબની અફવા મળી છે
આશરો લેવો હવે તો કેમ લેવો.
સહેજમાં બદલ્યાં ઘણાં ગામો શહેરો
હું નથી બદલી શક્યો બે ચાર ટેવો.