તેલ બચાવો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેલ બચાવો

તેલ બચાવો

યશવંત ઠક્કર

‘આ જગતમાં બહુ જ ઓછા લોકો સુખચેન ભોગવી શકે છે. મોટાભાગના લોકોના નસીબમાં તો જિંદગી ભરનો ઢસરડો જ લખાયેલો હોય છે.’ પ્રસ્તુત વિધાનની સાબિતી આપતો જીવતો જાગતો નમૂનો એટલે શ્રી કનૈયાલાલ કારકુન.

તમે કનૈયાલાલ કારકુનની મુખમુદ્રા પર સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જુઓ તોયે પ્રસન્નતાની એકાદ રેખા પણ તમને જોવા નહીં મળે. કારણ એ જ કે કનૈયાલાલના લોકશાહી આધારિત મગજમાં અસામાજિક તત્વ જેવી એક માન્યતા ઘૂસી ગઈ છે કે: ‘મારા નસીબમાં ઢસરડો પાક્કા ઓઈલપેઇન્ટથી લખાઈ ચૂક્યો છે, જે ગમે તેટલા પુરુષાર્થના પેટ્રોલથી પણ ધોવાય એમ નથી.’ જો કે કનૈયાલાલની એ માન્યતા સત્યથી વેગળી પણ નથી. ‘ઘરથી ઓફિસ વાયા દવાખાના' અને 'ઑફિસથી ઘર વાયા બજાર' જેવી કાયમી ફેરા મારતો ખટારો એટલે જ શ્રી કનૈયાલાલ કારકુન.

કતલખાને બોકડો જતો હોય એવી હાલતમાં કનૈયાલાલ અત્યારે ઘર તરફ પગલાં માંડી રહ્યા છે. એમના એક ખભે ઘઉંની થેલી અને બીજા ખભે શાકભાજીની થેલી છે. એક હાથમાં કેરોસીનનું ડબલું અને બીજા હાથમાં તેલની બરણી છે.

કનૈયાલાલ મનોમન ભગવાન વિષ્ણુને ઠપકો આપે છે: ‘અરે વિષ્ણુ દેવ, તારે ચાર હાથની શી જરૂર છે? તારે ચાર હાથ મને આપવાની જરૂર હતી. તું તો શંખ,ચક્ર, ગદા અને કમળ લઈને અદાથી ઊભો છે. પણ કોઈ વાર કેરોસીનનું ડબલું, તેલની બરણી, ઘઉંની થેલી અને શકભાજીની થેલીઓ હાથમાં લઈને આ શહેરમાં ચાલી તો જો. તને પણ ખબર પડે કે કનૈયાલાલની જિંદગી શી ચીજ છે!’

કનૈયાલાલ અવારનવાર ઈશ્વરને ઠપકો આપતાં કહેતાં કે: ‘શું યાર, તું પણ વગર વિચાર્યે સર્જન કર્યે જ જાય છે? મારા જેવી હલકી આઈટમોનું ઉત્પાદન કરવામાં તને શો લાભ થાય છે? અરેરે! દુનિયામાં લાખો કનૈયાલાલોએ એકાદ જ ટાટા બિરલા છે! શા માટે ભેદભાવ રાખે છે? પણ હું જાણું છું કે તું પણ આખરે તો એક ઉત્પાદક જ છે ને? તમામ પ્રકારની હલકી ભારે ક્વૉલીટીનું ઉત્પાદન કરવાની તારી નીતિ છે. જ્યારે ખુદ તારી સૃષ્ટિમાં જ સમાજવાદ નથી તો અમારા દેશમાં સમાજવાદ ક્યાંથી આવશે?... આ કિશોરકુમારનો જ દાખલો આપું. એ જો એકાદ વખત ભેંકડો તાણીને ગીત ગાઈ નાંખે તો એને હજાર રૂપિયા જેવી રકમ મળે અને હું જો એ જ ગીત મારી ઘેર ગાઉ તો મારી [અ]ધર્મપત્ની મારું ઇનસલ્ટ કરી નાંખે અને મકાનમાલિક ઘર ખાલી કરાવવાની ધમકી આપે... બીજો દાખલો પપ્પુનો આપું. મારી સાથે પરીક્ષા વખતે મારામાંથી જોઈને લખતો ત્યારે તો એ બેળે બેળે પાસ થતો. એ જ પપ્પુડિયો મસ્કત ગયો તો અત્યારે મસ્તરામ બની ગયો છે અને હું અહીં મારા મલકમાં પડી રહ્યો તો અસ્તરામ બની ગયો છું. તારા દરબારમાં કોઈ જગ્યાએ મર્ક્યુરી લાઇટનું તેજ છે તો કોઈ જગ્યાએ ઊડી ગયેલા બલ્બનું અંધેર છે.’

જીવનજરૂરિયાતની વસ્તુઓ લઈને કનૈયાલાલ ઘર તરફ જઈ રહ્યા છે, જે દૃશ્ય ખરેખર અલૌકિક છે. ભરદરિયે નાવ હાલકડોલક થતી હોય તેમ કનૈયાલાલ ટાંટિયા ભરબજારે થકાવટ-નૃત્ય કરી રહ્યા છે. ભૌતિક વજન ઉપરાંત અસંતોષ અને વેદના જેવી જલદ અને પ્રતિભંધિત વસ્તુઓને કનૈયાલાલ પોતાના મગજમાં ભરીને જે ભાર ખેંચે છે એનું વજન કરવાનાં કાંટાની શોધ હજુ થઈ નથી.

પંક્ચર થયેલો ખટારો ઉછળે એમ કનૈયાલાલ ઉછળી રહ્યા છે. કેરોસીનના ડબલામાંથી ઊડતી છાલકો કનૈયાલાલના દુષિત વસ્ત્રોને વધારે દૂષિત કરી રહી છે. કનૈયાલાલનાં વસ્ત્રો પર કેરોસીન અને પરસેવાનું સંયોજન થઈ રહ્યું છે. તેથી કનૈયાલાલને ‘કાર્બન વત્તા ઓકસાઈડ બરાબર કાર્બનોકસાઈડ’ જેવું સૂત્ર યાદ આવી જાય છે. જે તેઓ વિદ્યાર્થી અવસ્થામાં શીખ્યા હતા. પરંતુ મગજને ખૂબ કષ્ટ આપવા છતાં એમને ‘કેરોસીન વત્તા પરસેવો બરાબર...’ એવું કોઈ સૂત્ર યાદ ન આવ્યું.

આખરે કનૈયાલાલે પોતાની કલ્પનાશક્તિનો દોર છોટો મૂકી દીધો: ‘કેરોસીન વત્તા પરસેવો બરાબર સોનું થતું હોય તો? બંનેના સંયોજનમાંથી અમૃતાંજન બામ બનતું હોય તો? ટુથપેસ્ટ બનતી હોય તો? ચોકલેટ બનતી હોય તો?’

કનૈયાલાલ કલ્પનાનો વધારે સ્ટોક જમા કરે તે પહેલાં તો એમનો પગ કેળાની છાલ જેવા ખતરનાક પદાર્થ પર પડ્યો અને તેઓ જમીનદોસ્ત થઈ ગયા. ઘઉં ની થેલી ખભેથી છૂટી થઈ જવાથી ઘઉં નો અર્ધા કરતાં વધારે જથ્થો થેલીમુક્ત થઈ ગયો. ડબલામાંથી કેરોસીનની ગંગા પ્રગટી. તેલની જમના ગાંડી બને તે પહેલાં જ કનૈયાલાલે બરણી સીધી કરી દીધી. એ પહેલા તો તેલની એક નાનકડી નહેર ઘઉં તરફ આગળ વધી ગઈ હતી.

કનૈયાલાલ; માયાળુ મલકની વિશિષ્ટ ભૂમી પર ઘઉં, કેરોસીન અને તેલનો ત્રિવેણીસંગમ થતો જોઈ રહ્યા. એમણે ઊભા થવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ એમને સફળતા મળી નહીં. ઈશ્વરને પોકારવા માટે આનાથી વધારે કરુણ દશા કઈ હોઈ શકે? એમણે ઈશ્વરને પોકાર કર્યો:

‘અરે ઓ સૃષ્ટિના ડાયરેક્ટર! આ કેવો કરુણ રોલ તું મારી પાસે કરાવી રહ્યો છે? ફૂલ નહીં તો ફૂલની પાંખડીરૂપે જીવન જરૂરિયાતની આ અલ્પ ચીજ વસ્તુઓ હું મારી અર્ધાંગનાના ચરણથાંભલામાં ધરવા માટે જઈ રહ્યો હતો એ પણ તારાથી જોઈ શકાયું નહીં? તને ઘઉંથી ભરેલું કોઈ ગોડાઉન ધ્યાનમાં ન આવ્યું? તેલના ડબ્બાઓથી ભરેલી કોઈ મિલ ધ્યાનમાં ન આવી? કેરોસીનથી ભરેલો કોઈ ટાંકો ધ્યાનમાં ન આવ્યો? મધ્યમવર્ગનો મામૂલી એવો કનૈયાલાલ જ ધ્યાનમાં આવ્યો? મેં સાંભળ્યું છે કે તું એન્ડ ટાઇમે આવવાવાળો છે. પ્રહલાદને પ્રોટેક્શન આપવા માટે તું એન્ડ ટાઇમે થાંભલામાંથી બહાર નીકળ્યો હતો. હાથી અને મગર વચ્ચે ફાઈટિંગ જામી હતી ત્યારે તું જ એન્ડ ટાઇમે હાથીની મદદે પહોંચી ગયો હતો. હિંદી ફિલ્મમાં વિલનના ઓર્ડરથી હીરોઈન જ્યારે ના છૂટકે નાચી રહી હોય અને તૂટેલા કાચના ટૂકડા તેના નાજુક ચરણોમાં વાગવાથી લોહીથી ડિઝાઈન બનતી હોય, એ જ સમયે જેમ હીરો હીરોઈનને બચાવી લે અને ઘીના ઠામમાં ઘી ઢળી રહે તેમ તેં પણ ઘણી જગ્યાએ લાસ્ટ ટાઈમે પહોંચી જઈને બગડતી બાજીને સુધારી લીધી છે. તેં જ દ્રૌપદી જેવી લેડીની આબરૂ સાચવી છે. તેં જ લંકાના દાદા ગણાતા રાવણને પતાવી દીધો હતો. તેં જ કંસ જેવાની ચટણી બનાવી દીધી હતી. તું અવારનવાર અવનવી જગ્યાએથી પ્રગટ થયો છે. પણ આ મોંઘવારીના રાક્ષસ સામે રક્ષણ આપવા માટે તું મારી કાર્બન પેનમાંથી કેમ પ્રગટ થતો નથી? તને કેરોસીનના ડબલામાંથી પ્રગટ થવાનું કેમ સૂઝતું નથી? કે પછી મોટી રકમની લાંચ લઈને તું પણ નિષ્ક્રિય બની ગયો છે? જોને અત્યારે તારા પૃથ્વીરૂપી સ્ટેજની દશા! ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, રીઢા રાજકારણીઓ અને અસામાજિક તત્વો મન ફાવે એવી એક્શન કરી રહ્યા છે. કોઈ તારા કહ્યામાં જ નથી? તારી હાલત પણ મોરારજીભાઈ જેવી થઈ ગઈ છે? તારો આ બત્રીસપૂતળીનો ખેલ સાવ ચેન્જ થઈ ગયો છે? માનવરૂપી પૂતળાઓને ખેંચવાનો દોર હવે તારા હાથમાં નથી લાગતો. એ કંટાળાભરેલી કામગીરી માટે તેં કોઈ પગારદાર મેનેજર રાખી લીધો લાગે છે. તેથી જ આ કનૈયાલાલના તકદીરનો દોર હેલ્ડ અપ થઈ ગયો છે. આટલાંઆટલાં વર્ષો નોકરી કરી છતાં પ્રમોશન નથી મળતું. જરૂર તારી ઑફિસમાં કોઈએ ખટપટ કરી લાગે છે. મારા સી.આર.માં ખોટી એન્ટ્રી પાડીને ચિત્રગુપ્તેજ તને મારી ઉપર એક્શન લેવા માટે ચડવણી કરી લાગે છે. પણ આ બધું ખોટું થઈ રહ્યું છે. મારી કોઈ મિસ્ટેક હોય તો બહુ બહુ તો એરરબૂકમાં એન્ટ્રી પાડ અથવા તો લૉગબૂકમાં એન્ટ્રી પાડીને મેમો આપ, પણ આમ સી.આર.માં એન્ટ્રી પાડીને સીધા એક્શન લેવાની પ્રોસિજર બરાબર નથી. મને તો કોઈ વાંધો નથી ભગવાન, પણ આમાં તો તારી ઇમ્પ્રેસન ખરાબ પડે છે. પ્લીઝ! મારી ઍપ્લિકેશન પર ધ્યાન આપીને મારા પ્રૉબ્લેમ્સ સોલ્વ કરી આપ, ભગવાન.’

કનૈયાલાલ રસ્તામાં પડ્યા પડ્યા ભગવાનને વિનંતી કરી રહ્યા હતા ત્યારે એમની બાજુમાંથી જ સાયકલો, સ્કૂટર્સ, રિક્ષાઓ, બસ જેવાં વાહનો પસાર થઈ રહ્યાં હતાં. આવતાજતા લોકો પણ 'બિચારો કારકુન' એવું બોલીને દયા ખાતાં ખાતાં પસાર થઈ જતાં હતાં. કનૈયાલાલને કોઈએ પણ ઊભા કર્યા નહીં.

એવામાં જ કનૈયાલાલના જોવામાં આવ્યું કે તેલની બરણી ફરીથી આડી પડી ગઈ છે અને એમાંથી તેલનો પ્રવાહ વહી રહ્યો છે. એમણે ઊભા થવા માટે જોરદાર પ્રયાસ કર્યો, પણ એમ કરવા જતાં એમની કમરમાં જોરદાર સબાકો આવ્યો. બરણીમાંથી વહી જતા તેલને રોકવા માટે એમને કોઈ રસ્તો ન સૂઝતાં આખરે એમણે જોરથી બૂમ પાડી કે: ‘તેલ બચાવો. તેલ બચાવો.’ પરંતુ કોઈએ તેલની બરણી સીધી કરવાની તસ્દી લેધી નહીં. કનૈયાલાલે ફરીથી બૂમ પાડી કે: ‘તેલ બચાવો...તેલ બચાવો...’

... ને કનૈયાલાલને ચિરપરિચિત એવો અવાજ સંભળાયો કે: ‘હવે તમારે પથારી છોડવી છે કે નહીં? આટલી આટલી કરકસર કરું છું તોય પથારીમાં પડ્યા પડ્યા તેલ બચાવો તેલ બચાવોની બૂમો પાડો છો! તેલની બરણી તો કાલની ખાલી પડી છે. કેરોસીન અને ઘઉં પણ લાવવાનાં છે. તૈયાર થઈને બજારમાં જાઓ અને શાકભાજી પણ લેતા આવો. તમને સવાર સવારમાં સૂત્રો પોકારવાની બીમારી ક્યાંથી લાગુ પડી ગઈ છે?’

કનૈયાલાલને નવાઈ લાગી કે: ‘હું તો રસ્તા પર પડ્યો છું ને આ મારી પત્નીનો અવાજ અહીં ક્યાંથી? એ પથારી પથારી કરે છે તો જરૂર કશી ગરબડ લાગે છે.’

કનૈયાલાલ વિશેષ વિચાર કરે તે પહેલાં જ એમણે ફરીથી એ કર્કશ અવાજ સાંભળ્યો કે: ‘ ઊઠો. આ તેલ ને ઘાસલેટ લેવા કોણ મારો બાપ જાશે?’

એ શબ્દોની સાથે જ કનૈયાલાલના માથા પર વજનદાર હથોડા જેવા હાથનો પ્રહાર થયો અને એમની આંખો ખૂલી ગઈ.

[ પ્રગટ: "ચાંદની" એપ્રિલ,1979 ]