આરતી... Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

આરતી...

આરતી

યશવંત ઠક્કર

અક્ષય તો માનતો હતો કે, કોઈ મા પોતાના દીકરાના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતાં આપતાં જ પોતાનો જીવ છોડે એવી ઘટના તો માત્ર ફિલ્મમાં જ જોવા મળે. પરંતુ એવી જ ઘટના જ્યારે અક્ષયના પોતાના જ જીવનમાં બની ગઈ ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ માનતો થઈ ગયો હતો કે: ‘હા, મૃત્યુ એવું પણ હોઈ શકે છે.’

એ દિવસે અક્ષયનાં બીમાર બામાં અદ્ભુત શક્તિ આવી ગઈ હતી. એમણે સવારમાં જ અક્ષયને પોતાની પથારી પાસે બેસાડીને ગીતાજીનો આઠમો અધ્યાય વંચાવ્યો હતો. ત્યાર પછી એમણે અક્ષયને યમુનાજીની આરતી ગાવાનું કહ્યું હતું, પરંતુ અક્ષયને યમુનાજીની આરતી આવડતી નહોતી. આ કારણથી અક્ષયને એવો અફસોસ પણ થયો હતો કે: ‘જો મને યમુનાજીની આરતી આવડતી હોત તો આજે બા કેવાં રાજી થાત!’

અક્ષયની મૂંઝવણ એનાં બાથી છાની નહોતી રહી. એમણે અક્ષયને કહ્યું હતું: ‘દીકરા, યમુનાજીની આરતી તો આવડવી જ જોઈએ. હું તને કાંઈ વધારે શીખવાનું નથી કહેતી, પણ યમુનાજીની આરતી તો જરૂર શીખજે. ચાલ, હું ગાઉં છું ને તું ઝીલજે.’ પછી એમણે યમુનાજીની આરતી ગાવાનું શરૂ કર્યું હતું અને અક્ષયે પણ એ આરતી ઝીલતાં ઝીલતાં ગાઈ હતી. આ સમયે ત્યાં હાજર રહેલા પાડોશીઓ આ પવિત્ર દૃશ્ય જોઈને ભાવવિભોર થઈ ગયા હતા. એક પાડોશીએ અક્ષયને કહી દીધું હતું કે: ‘આજે તું તારાં બાની પથરીથી દૂર ન જતો. આ જે શક્તિ દેખાય છે એ શક્તિ બુઝાતા દીવાની છે.’

એ પાડોશીની વાત સાચી પડી હતી. બપોર પછી અક્ષયનાં બાએ અક્ષયને વિનતી કરી હતી કે: ‘અક્ષય દીકરા, હવે તું મને રાજીખુશીથી વિદાય આપ, જેથી મારા જીવની સદ્ગતિ થાય.’

અક્ષયની આંખોમા આંસુ આવી ગયાં. એ માંડ એટલું બોલી શક્યો કે : ‘બા, તમે એવું કેમ બોલો છો?’

‘દીકરા, તું ઢીલો પડે એ મને બરાબર નથી લાગતું? માણસે કેટલું જીવવાનું હોય? હું જેટલું જીવી છું એટલું ઓછું નથી. તને ઉછેર્યો અને ભણાવ્યો. હવે તો તને નોકરી પણ મળી ગઈ છે. આનાથી વધારે સુખ કેવું હોય? મારી કોઈ ઇચ્છા બાકી નથી રહી. કોઈનાં માબાપ કાયમ માટે જીવતાં નથી. તારા બાપુજી ગયા ત્યારે મેં હિંમત રાખી હતી, હવે હું જઉં છું તો તારે હિંમત રાખવાની છે. તું મને હિંમત રાખીને રજા આપ.’

અક્ષયમાં એનાં બાને રાજીખુશીથી વિદાય આપવાની હિંમત આવી ગઈ હતી. એણે એનાં બાને બે હાથ જોડીને કહ્યું હતું : ‘બા, હું તમને રાજીખુશીથી રજા આપું છું.’ આટલું સાંભળતાં જ એનાં બા એનો વાંસો થાબડીને એનો બોલ્યાં હતાં: ‘શાબાશ દીકરા, મારે આ જ જોઈતું હતું. હવે તારે મારી પાછળ કાંઈ કરવાનું રહેતું નથી. મારા જીવનો વૈકુંઠમાં વાસ થશે. જય શ્રીકૃષ્ણ’

‘જય શ્રીકૃષ્ણ.’ અક્ષય બે હાથ જોડીને બોલ્યો હતો.

અક્ષયનાં બાએ દુઃખી થયા વગર જે રીતે આ સંસારમાંથી વિદાય લીધી, એ ઘટના અક્ષયને દુઃખમાં મોટી રાહત આપનારી હતી, છતાંય એને બે વાતનો અફસોસ હતો : ‘એક તો જીવનમાં જયારે સ્થિરતા આવી અને સુખના દિવસો આવ્યા અત્યારે જ બાએ વિદાય લીધી. બીજી વાત એ કે, બાને કૅન્સર જેવું દર્દ હતું એ વાતની એમણે મને ખબર જ ન પાડવા દીધી અને મને જયારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. રાજકોટના જાણીતા ડૉક્ટર મહેતા પણ એ રોગને પારખી ન શક્યા! એવું કેમ બન્યું હશે?’ જેવા હોશિયાર એ પણ મારાથી એ વાત કેમ છુપાવી હશે.’

અક્ષયે નક્કી કર્યું હતું કે, એક વખત તો ડૉક્ટર મહેતાને મળીને આ બાબત ચર્ચા કરવી જ છે.

નક્કી કર્યા મુજબ અક્ષય રાજકોટ ગયો અને ડૉક્ટર મહેતાને નિરાંતે મળ્યો. અક્ષયની ફરિયાદ સાંભળી લીધા પછી ડૉક્ટર મહેતાએ બોલવાનું શરૂ કર્યું: ‘અક્ષયભાઈ, તમારું માનવું એમ છે કે, હું તમારાં બાનું દર્દ પારખી ન શક્યો, પરંતુ મારું કહેવું એમ છે કે, એમને એમની તબિયતની એટલી ચિંતા નહોતી, જેટલી ચિંતા તમારી હતી. એ દિવસે મેં તમારાં બાને તપાસીને એમને પૂછ્યું હતું કે, ‘તમારી સાથે બીજું કોણ આવ્યું છે?’ ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે, ‘મારો દીકરો હમણાં આવશે. તમારે જે કાંઈ કહેવું હોય તે મને કહો.’ મેં કહ્યું હતું કે, ‘તમને ખાસ કશી તકલીફ નથી. ચિંતા કરવાની જરૂર નથી.’ તો એમણે કહ્યું હતું કે, ‘ડૉક્ટર સાહેબ, મેં તમારા કરતાં વધારે ચડતીપડતી જોઈ છે., પણ હું તમને હાથ જોડીને કહું છું કે, મારા દીકરાને મારા દર્દ વિષે કશું ન કહેતાં. એ ખૂબ તકલીફો વેઠીને હમણાં જ નોકરીએ લાગ્યો છે. મારે એને ખાલી નથી કરવો. હું જાણું છું કે, મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. તમારી સારવારથી કદાચ હું કદાચ થોડું વધરે જીવું, તો પણ એ જીવનમાં મને આનંદ નહિ આવે. મારે એવું આયુષ્ય નથી જોઈતું. મને મારા જીવનથી સંતોષ છે. હું રાજીખુશીથી મારા મૃત્યને સ્વીકારી લઈશ.’ મેં એમની સામે દલીલ કરી હતી કે, ‘માની સારવાર કરાવવાની દીકરાની ફરજ છે, તો તમે શા માટે એને અટકાવવાની ઇચ્છા રાખો છો?’ તો એમને કહ્યું હતું કે, ‘હું જાણું છું કે, મારો દીકરો દેવું કરીને પણ મારી સારવાર કરશે, પણ એ જોઈને મને દુઃખ જ થશે. હું તમને મારો બીજો દીકરો માનીને તમારી પાસેથી વચન માંગું છું કે, તમે મારા દીકરાને માત્ર એટલું જ કહેજો કે, તમારી બાને હવાફેરની જરૂર છે માટે વતનમાં લઈ જાઓ અને ઘરેબેઠાં થાય એટલી સેવા કરો.’

હું એમને વધારે સમજાવું એ પહેલાં તો તમે આવી ગયા. હું એ વખતે ધર્મસંકટમાં મુકાઈ ગયો હતો. એક ડૉક્ટર તરીકે મારી ફરજ હતી કે, હું તમને સાચી વાત જણાવી દઉં. પરંતુ તમારા બાનું દર્દ છેલ્લા સ્ટેજમાં હતું, સારવારથી પણ ખાસ ફર્ક પડે એમ નહોતો. તમારાં બાને પણ એ વાતનો ખ્યાલ આવી ગયો હતો. એવી કટોકટીની ક્ષણોમાં મેં તમને એ જ કહ્યું કે જે તમારાં બા ઇચ્છતાં હતાં.’

ડૉક્ટર અટક્યા. અક્ષયની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ડૉક્ટરે પોતે ઊભા થઈને અક્ષયને પાણી આપ્યું. ‘એ દિવસે તમે તમારાં બાને લઈને ગયા પછી મને પસ્તાવો થયો હતો, તમને ફોન કરીને સાચી વાત કહી દેવાનો વિચાર પણ આવ્યો હતો, પરંતુ તમારાં બાની ઇચ્છા હું ટાળી ન શક્યો. આજે, તમે કહો છો ત્યારે મને ખબર પડી કે, તમારાં અહીંથી ગયા પછી તમારાં બાએ ફક્ત પંદર દિવસ પછી ભગવાનનું નામ લેતાં લેતાં એમનો જીવ છોડ્યો. આ વાતની મને પણ નવાઈ લાગે છે. આવી બીમારીમાં દર્દી ખૂબ રિબાતા હોય છે. ગમે એટલા ધાર્મિક લોકો પણ આ રીતે જીવ નથી છોડી શકતા. કુટુંબીઓ એમને ભગવાનનું નામ લેવાનું કહે તો પણ એમના મુખમાં ભગવાનનું નામ નથી આવતું, ફરિયાદો આવે છે. તમારાં બા ખરેખર પુણ્યશાળી હતાં. એમણે જે રીતે વિદાય લીધી એ રીતે બહુ ઓછા લોકો વિદાય લેતા હોય છે. તમારે દુઃખી થવાનું કોઈ કારણ નથી. હું એક ડૉક્ટર તરીકે હું મારી ફરજ ચૂક્યો હોઉં એવું તમને લાગતું હોય તો તમે મને તમારો ગુનેગાર ગણી શકો છો અને જો તમને એમ લાગતું હોય કે, મેં તમારાં બાની ઇચ્છા પ્રમાણે ઠીક કર્યું છે તો તમે મને તમારો ભાઈ માનીને માફ કરી શકો છો. બાકી, તમે સમજી શકો છો કે, મેં જે કાંઈ કર્યું એમાં મારો કોઈ સ્વાર્થ ન હતો. મેં તમારાં બાની સારવાર કરી હોત તો મને તો કમાણી જ થાત, પરંતુ...’

‘બસ ડૉક્ટર સાહેબ, હવે વધારે ખુલાસાની જરૂર નથી.’ અક્ષયે ડૉક્ટરને અટકાવીને અને હાથ જોડીને કહ્યું, ‘માફ કરજો. મેં તમારી આવડત પર શંકા કરી, પણ એક જોતાં સારું થયું કે, મને મારાં બા વિષે ઘણું વધરે જાણવા મળ્યું. હવે મારા મનમાં તમરા માટે કશી ફરિયાદ નથી. તમે માત્ર ડૉક્ટર નથી, મારા મોટા ભાઈ છો.’

એ દિવસે, ડૉક્ટર મહેતાને મળીને બહાર નીકળ્યો ત્યારે રસ્તા પર ઘોંઘાટનો પાર નહોતો, પરંતુ અક્ષયને એ ઘોંઘાટ સંભળાયો નહિ, એને સંભળાતી હતી એનાં બીમાર બાએ મરણપથારીએથી ગવડાવેલી યમુનાજીની આરતી.

***