મગની મસ્ત વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મગની મસ્ત વાનગીઓ

મગની મસ્ત વાનગીઓ

મિતલ ઠક્કર

મગને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કોઈ ડાયેટ પર હોય કે પછી બિમાર હોય તેને સૌથી પહેલાં મગ ખાવાની સલાહ અપાય છે. મગને તાકાત પ્રદાન કરનાર માનવામાં આવે છે. એટલે જ આપણે ત્યાં વર્ષોથી કહેવાય છે કે મગથી સારા ચાલે પગ. પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર એવા મગ ભાગ્યે જ કોઈને પસંદ ન આવતા હોય તેવું બને. દરેક ઘરમાં મગની દાળ બનતી જ હોય છે. ફણગાવેલા મગનું સેવન આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. ફણગાવેલા મગને બાફીને સવારે નાસ્તામાં ખાવાથી વધારે ફાયદો આપે છે. તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. વજન ઘટાડવા બાફેલા મગ સૌથી વધારે હિતકારી ગણાય છે. કેમકે તેમાં ઓછી કેલેરી હોય છે. અને ફાઇબર વધુ હોવાથી પાચનશક્તિ સારી રહે છે. મગ માટે એક પંક્તિ બહુ જાણીતી છે. મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાંદું, નિત્ય સેવન મારું કર તો માણસ ઉઠાડું માંદું. તે પ્રોટીનયુક્ત પણ હોવાથી સ્નાયુ મજબૂત બને છે. બધા પ્રકારના કઠોળમાં મગ ઔષધ જેવું કઠોળ છે. મગ પચવામાં હલકા, નિર્દોષ અને બળવર્ધક છે. આથી ગૃહસ્થોથી માંડીને જૈન મુનિઓમાં તેમજ અઠ્ઠાઈ ઉપવાસ કરતાં જૈનોમાં મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આવા ગુણકારી એવા મગની વિવિધ વાનગીઓ બનાવી તમે તમારા પરિવારને સારા આરોગ્યની ભેટ આપી શકો છો.

ફણગાવેલા મગનું શાક

સામગ્રી: 1 કપ ફણગાવેલા મગ, 2 નાના બટેટા નાના ટુકડામાં સમારેલા, 1 ટામેટું સમારેલું, અડધું ઈંચ આદું, ઝીણું સમારેલું, 6થી 8 લસણની કળી સમારેલી, 1 લીલુ મરચું સમારેલું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી લાલ મરચું પાઉડર, પા ચમચી હળદર, 1 ચપટી હિંગ, દોઢ ચમચો તેલ, સવા કપ પાણી, 1થી 2 ચમચા સમારેલી કોથમીર, મીઠું જરૂર મુજબ.

રીત: એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં આદુ અને લસણનો વઘાર કરો. થોડીવાર સાંતળો પછી તેમાં લીલા મરચાં અને ડુંગળી ઉમેરો અને તેને સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય પછી તેમાં હિંગ અને ટામેટા ઉમેરો. તેને થોડીવાર પાકવા દો. ત્યારબાદ તેમાં ધાણાજીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરો. ત્યારબાદ તેમાં ફણગાવેલા મગ અને સમારેલા બટેટા મિક્સ કરો અને ઢાંકીને પાકવા દો. બટેટા ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે ફણગાવેલા મગનું શાક.

મગદાળનો હલવો

સામગ્રી: 1 કપ ફોતરા વિનાની મગદાળ, 9થી 10 ચમચા ઘી, 4 એલચીનો પાઉડર, 10થી 12 પિસ્તાંની કતરણ, 10થી 12 બદામની કતરણ, 1 ચમચો કિશમિશ, અડધો લિટર ફૂલ ફેટ દૂધ, 2 કપ પાણી, દોઢ કપ ખાંડ.

રીત: મગની દાળને તે ડુબે તેટલા પાણીમાં 4-5 કલાક અથવા રાતભર પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારીને ¼ કપ પાણી મિક્સ કરી ગ્રાઈન્ડરમાં ક્રશ કરી સ્મુધ પેસ્ટ બનાવી લો. એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરો. તેમાં મગદાળની પેસ્ટ ઉમેરો અને મધ્યમ તાપે સતત હલાવતા તેને પકાવો. પેસ્ટમાંથી પાણી બળી જાય અને લચકા પડતું મિશ્રણ બની જાય. ઘી અલગ દેખાવા લાગે ત્યાં સુધી પકાવો. મગની દાળને પકવતા હોય ત્યારે જ બીજા પેનમાં દૂધ, પાણી અને ખાંડ મિક્સ કરો અને મધ્યમ તાપે ઉકળવા મુકો. મગદાળની પેસ્ટ લચકા પડતી થઈ જાય એટલે તેમાં ખાંડવાળુ ઉકળતુ દૂધ મિક્સ કરી લો. હવે તેને હલાવતા રહીને પકાવો. દૂધ બળી જાય અને ફરી તેમાં ઘી ઉપર દેખાવા લાગે એટલે ગેસ પરથી ઉતારી લો અને પિસ્તાં, બદામ, કિશમિશ મિક્સ કરી દો. તૈયાર છે મગદાળનો હલવો.

મગદાળના ઢોકળા

સામગ્રી: 1 કપ આખા મગ, 1 ચમચો આદું-મરચાંની પેસ્ટ, 1 ચમચો કોથમીર સમારેલી, 1 ચમચો તેલ, 1 ચમચી ફ્રુટ સોલ્ટ/ઈનો, 1 ચમચો લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ. વઘાર માટે-1 અથવા 2 ચમચા તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચમચી તલ, 8થી 10 મીઠા લીમડાના પાન, 2 ચમચા પાણી, 1 ચપટી હિંગ, ગાર્નિશ માટે- સમારેલી કોથમીર, કોપરાનું છીણ.

રીત: મગને સાફ કરી ધોઈને રાતભર પાણીમાં પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારી લો. પલળેલા મગ અને કોથમીરને મિક્સ કરીને ગ્રાઈન્ડરમાં કરકરી પેસ્ટ બનાવી લો. પેસ્ટને એકદમ સ્મુધ ન બનાવવી. આ પેસ્ટમાં આદુ-મરચાની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. છેલ્લે તેમાં ફ્રુટ સોલ્ટ અથવા ઈનો મિક્સ કરો. આ મિશ્રણને તેલ લગાવેલી થાળીમાં રેડી દો. થાળીને ઢોકળીયામાં મુકીને વરાળે ઢોકળા બાફી લો. 12-15 મિનીટમાં ઢોકળા તૈયાર થઈ જશે. થાળીમાં ચપ્પુથી કાપા મુકીને ઢોકળાના ચોરસ ટુકડા કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરુંનો વઘાર કરો. પછી તેમાં હિંગ, મીઠો લીમડો અને તલ ઉમેરો. તલ તડતડી જાય એટલે તેમાં 2 ચમચા પાણી ઉમેરો. પાણી ઉકળે એટલે તેને ગેસ પરથી ઉતારી લો અને ઢોકળા પર રેડી દો. આ ઢોકળાને કોથમીર અને કોપરાના છીણથી ગાર્નિશ કરીને સર્વ કરો.

મગદાળની ખીચડી

સામગ્રી: અડધો કપ મગદાળ, અડધો કપ ચોખા, 1 ડુંગળી સમારેલી, 1 ટામેટુ સમારેલુ, અડધો ઈંચ આદુનો ટુકડો સમારેલુ, 1 લાલ મરચું સમારેલુ, સવા ત્રણ ચમચી જીરું, પા ચમચી હળદર, 1 ચપટી હિંગ, 4 કપ પાણી, દોઢ ચમચો તેલ અથવા ઘી, મીઠું સ્વાદ મુજબ.

રીત: મગની દાળ અને ચોખાને ધોઈને અડધો કલાક પલાળી રાખો. પછી તેમાંથી પાણી નિતારી લો. પ્રેશરકુકરમાં 2 ચમચા ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં જીરુંનો વઘાર કરો. પછી ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા, લીલા મરચા અને આદુ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર અને હિંગ ઉમેરો. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં પલાળેલી દાળ અને ચોખા મિક્સ કરો. હવે તેમાં પાણી અને મીઠું ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી દો. પ્રેશરકુકરમાં તેજ તાપે 5-6 સીટી વાગવા દો. પછી ગેસ બંધ કરી દો. કુકરમાંથી જાતે વરાળ નીકળી જાય પછી તેને ખોલો. ખીચડીને બાઉલમાં કાઢી ઉપર ઘીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

પંજાબી સ્ટાઈલ મગનું શાક

સામગ્રી: અડધો કપ આખા મગ 4-5 કલાક પલાળેલા, 2 ચમચા તેલ, 1 તમાલપત્ર, અડધી ચમચી જીરું, 1 ચપટી હિંગ, 1 ડુંગળી સમારેલી, 1 ટામેટુ સમારેલુ, 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, પા ચમચી હળદર, પા ચમચી લાલ મરચું પાઉડર, અડધી ચમચી ધાણાજીરું, પા ચમચી ગરમ મસાલો, 3 કપ પાણી, 2 ચમચા સમારેલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ.

રીત: પ્રેશરકુકરમાં 2 ચમચા તેલ ગરમ કરો. તેમાં તમાલપત્ર અને જીરુંનો વઘાર કરો. પછી તેમાં ડુંગળી ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો તેને 1-2 મિનીટ સાંતળો. પછી તેમાં ટામેટુ, હળદર, લાલ મરચુ, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પકાવો પછી તેમાં પલાળેલા મગ ઉમેરો અને પાણી રેડી કુકરનું ઢાંકણ બંધ કરી દો. 15 મિનીટ મગને મધ્યમ તાપે પાકવા દો. પછી ગેસ બંધ કરી દો. કુકરમાંથી જાતે વરાળ નીકળી જાય એટલે ઢાંકણ ખોલો. તૈયાર છે મગનું શાક.

મગની દાળનો શીરો

સામગ્રી: 100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરાં કાઢેલી), 75 ગ્રામ ચોખ્ખું ઘી, 75 ગ્રામ ખાંડ, એક કપ દૂધ, દોઢ કપ પાણી, પા ટેબલ સ્પૂન એલચીનો પાઉડર. સજાવટ માટે-8થી 10 બદામની કતરણ, 4થી 5 પિસ્તાંની કતરણ.

રીત: એક પેનમાં ઘી ગરમ થાય ત્યારબાદ ક્રશ કરેલી મગની દાળને લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સતત શેકતા રહો. હવે એમાં ગરમ કરેલું દૂધ અને પાણી ઉર્મેયા બાદ ખાંડ નાખો. શીરાને એકસરખો હલાવતા રહો. ઘી છૂટવા માંડે એટલે એમાં એલચીનો પાઉડર અને થોડી બદામ-પિસ્તાંની કતરણ મિક્સ કરી લો. સર્વિંગ બાઉલમાં શીરો સર્વ કરો ત્યારે બાકીની બદામ અને પિસ્તાંની કતરણ વડે ગાર્નિશ કરો.

પીળી મગની દાળની કચોરી

સામગ્રી: કણિક માટે- ૩/૪ કપ મેંદો, ૨ ટીસ્પૂન પીગળાવેલું ઘી, મીઠું-સ્વાદાનુસાર. પૂરણ માટે-૧ ૧/૨ કપ પીળી મગની દાળ , આગલી રાત્રે પલાળી રાખ્યા બાદ નીતારેલી, ૨ ટીસ્પૂન તેલ, ૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧/૨ ટીસ્પૂન અજમો, ૧/૨ ટીસ્પૂન વરિયાળી, ૧/૨ ટીસ્પૂન તલ, ૧/૨ ટીસ્પૂન હીંગ, ૧/૨ ટીસ્પૂન હળદર, ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર, ૧/૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ, ૨ ટીસ્પૂન વરિયાળીનો પાવડર, ૨ ટીસ્પૂન સાકર, મીઠું-સ્વાદાનુસાર. બીજી જરૂરી વસ્તુ- તેલ-તળવા માટે. પીરસવા માટે- ખજૂર-આમલીની ચટણી.

રીત:

કણિક માટે- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો. આ કણિકના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૬૩ મી. મી. (૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લીધા પછી તેને ભીના મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો. પૂરણ માટે- મગની દાળને નીતારી એક બાઉલમાં મૂકી તેમાં ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બાઉલને પ્રેશર કુકરમાં મૂકી, કુકરની ૧ સીટી સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મગની દાળને ફરીથી નીતારી લીધા બાદ તેને બાજુ પર રાખો. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, વરિયાળી, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગની દાળ, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, વરિયાળીનો પાવડર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી થોડું ઠંડું થવા બાજુ પર રાખો. આ પૂરણના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. રીત: વણેલા એક ભાગને સપાટ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, તેની કીનારીઓ મધ્યમાં વાળીને ઉપરથી બંધ કરી લો. આમ વાળી લીધા પછી તેને હાથમાં લઇને ગોળ કચોરી તેયાર કરી લો. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની કચોરી તૈયાર કરી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડી કચોરીઓ નાંખી તે કરકરી અને દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.

તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી નિતારી લીધા પછી ગરમ ગરમ પીરસો. અહીં ધ્યાન રાખશો કે કચોરીને ધીમા તાપ પર તળવી, જેથી તેની દરેક બાજુ સરખી રીતે તળીને કચોરીનું ઉપરનું લોટનું પડ સરસ મજેદાર બને.

પાલક-મગની દાળ

સામગ્રી: 100 ગ્રામ મગની દાળ, 500 ગ્રામ પાલકની ભાજી, 2 નંગ કાચી કેરી, 1 ટી સ્પૂન ધાણાજીરૂં, મીઠું સ્વાદાનુસાર, આખાં લાલ મરચાં, હળદર, મરચું, તેલ, રાઈ, હિંગ, ગોળ.

રીત: સૌપ્રથમ મગની દાળને પાંચથી છ કલાક માટે પલાળી રાખો. આ દરમિયાન પાલકની ભાજીને ધોઈને બરાબર સાફ કરી લો. તેને મોટી-મોટી કટ કરી લો. બેથી ત્રણ પાણીએ સાફ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં હિંગ અને સૂકાં મરચાં નાખીને અડધી મિનિટ સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં પાલકની ભાજી નાખીને એકથી બે મિનિટ માટે સાંતળવી. હવે તેમાં મગની દાળ, મીઠું અને હળદર નાખી બફાવા દો. દાળ બફાય જાય એટલે તેમાં ધાણાજીરૂં, ગોળ અને કાચી કેરી ઝીણા કટકા કરીને નાખો. થોડીવાર ઉકાળ્યા બાદ ગરમા-ગરમ દાળ સર્વ કરો.

મગની દાળના ખમણ

સામગ્રી: 1 કપ મગની દાળ, 1 ચમચી ચણા દાળ, 3 થી 4 નંગ લીલા મરચાં, 1 ચમચી કોથમીર, 2 ચમચી દહીં, 1 ચમચી હળદર, 1/2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી તેલ, મીઠું સ્વાદાનુસાર.

વધાર માટે- 11/2 ચમચી તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી લાલ મરચું, 7 થી 8 લીમડો, 2 ચમચી લીલા મરચાં સમારેલા,

રીત: સૌપ્રથમ પલાળેલી મગની દાળને મીઠું અને લીલાં મરચાંની સાથે મિક્સરમાં દળી લો. જરૂર પડે તો થોડુક પાણી નાખી શકો છો. આ પેસ્ટને એક વાડકામાં કાઢી તેમા બેસન, દહીં, લીલા ધાણા, હળદર અને બેકિંગ સોડા નાખી હલાવો. હવે ઢોકળાના પેનમાં કે ઢોકળાની ડિશમાં તેલ લગાવી લો અને તેમા ઢોકળાનું મિશ્રણ પાથરી દો. ગેસ પર એક તપેલીમાં પાણી ઉકાળો અને તેની ઉપર ઢોકળાની ડિશ ઢાંકીને મુકી દો. તેને દસ મિનિટ સુધી થવા દો. પછી ઉતારીને ઠંડી કરવા મુકો. એક ફ્રાઈંગ પેન લો, તેમાં તેલ ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ, હિંગ, કઢી લીમડો અને લીલા મરચાં નાખો. આ મસાલો તતડતા જ તેને ઢોકળા પર નાખી દો. ઢોકળાને ચોરસ ટુકડામાં કાપી લો. કોથમીરથી સજાવી ચટણી સાથે સર્વ કરો.

મગની દાળના ઉત્તપા

સામગી: 1 વાટકી મગની ફોતરાંવાળી દાળ, 2 નંગ લીલા મરચાં, 2 નંગ ટામેટાં, 2 નંગ ડુંગળી, 2 નંગ કેપ્સિકમ, 1/4 ચમચી હળદર, મીઠું –સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.

રીત: સૌપ્રથમ મગની દાળ પાંચ છ કલાક પાણીમાં પલાળી રાખો. તેનાં ફોતરાં કાઢી લીલાં મરચાં સાથે તેને મિકસરમાં ક્રશ કરી લો. આ ખીરામાં હળદર મીઠું મિકસ કરો. તેમાં કેપ્સિકમ, ડુંગળી તથા ટામેટાં ઝીણાં કાપીને મિકસ કરો. ગેસ પર નોનસ્ટિક મૂકી ગરમ કરી તેના પર તે ખીરું પાથરો. તેના પર વધેલાં ડુંગળી, ટામેટાં કેપ્સિકમના ટુકડા નાખો. નીચેની બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ તેલ મૂકીને શેકો. તૈયાર થાય એટલે ગરમા-ગરમ પીરસો. આ ઉત્તપા ટામેટાના સોસ જોડે બહુ સ્વાદિષ્ટ લાગે છે.

મગની દાળ અને પાલકની ઈડલી

સામગ્રી: 3/5 કપ પલાળેલી પીળી મગની દાળ, 2 કપ પાલક ઝીણી સમારેલી, 3 નંગ લીલા મરચાં, 2 ચમચી પીસેલું આદું, 1 કપ દહીં, 1 ચમચી તેલ, 1 ચમચી ઈનો, મીઠું સ્વાદાનુસાર.

રીત: સૌપ્રથમ મિક્ષરમાં સાવ થોડું પાણી લઈ, પાલક, પલાળેલી મગની દાળ, લીલાં મરચાં અને આદું બધાને સાથે પીસી લ્યો. પછી તેમાં દહીં, મીઠું નાખીને મિક્ષ કરો. ત્યારબાદ બે ચમચી પાણીમાં ઈનો મિક્ષ કરી ખીરામાં નાખો. તેને બરાબર મિક્સ કરો. ઈડલીના મોલ્ડમાં તેલ લગાડી દસથી પંદર મિનિટ ઈડલીને સ્ટીમ કરો. પૂરુ સ્ટીમ થયા પછી ટોપરાની ચટણી અને સાંભાર સાથે ગરમા-ગરમ સર્વ કરો.

***