સ્વાભાવિક Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈશ્વરીય શક્તિ - ભાગ 3

    ઈશ્વરીય શક્તિ ભાગ 3   જય માતાજી મહાનુભાવો. વડીલો મિત્રો સ્ને...

  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

શ્રેણી
શેયર કરો

સ્વાભાવિક

સ્વાભાવિક

યશવંત ઠક્કર

એ દિવસે તમે ઓચિંતા મારા પરિવારના મહેમાન બની ગયા હતા. આ શહેરમાં તમારાં બીજા સગાં સંબંધીઓ પણ હતાં, પરંતુ એમની સાથે તમારે ગાઢ સંબંધ નહોતો. ગાઢ સંબંધ તો મારી સાથે પણ નહોતો, પરંતુ તમને એટલો વિશ્વાસ હતો કે, મારા પરિવારમાં તમને મીઠો આવકારો મળશે જ.

મેં, વંદના અને અમારી નાનકડી નેહાએ તમને અમારા નાનકડા ઘરમાં આવકાર્યા હતા. તમે આ શહેરમાં એક કન્યા જોવા માટે આવ્યા હતા. આ શહેરમાં તમારું કોઈ સંબંધી હોય તો એ બાબત પણ તમને સામાજિક દૃષ્ટિએ ઘણી મદદ કરનારી હતી.

રાત્રે જમ્યા પછી તમે જ અમને ફિલ્મ બતાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફિલ્મનું નામ સાંભળતાં જ નાનકડી નેહા રાજી રાજી થઈ ગઈ હતી, પરંતુ મેં જ કહેલું કે: ‘યોગેશભાઈ, ફિલ્મ આજે નહિ, તમારી સગાઈ થઈ જાય પછી ખુશીથી બતાવજો.’ તમે જવાબમાં કહ્યું હતું કે: ‘ચોક્કસ બતાવીશ.’

તે દિવસે ફિલ્મ જોવા ન મળી એટલે નેહા નિરાશ નહોતી થઈ. તમારી સગાઈની વાત સાંભળીને ઊલટાની ખુશ થઈ ગઈ હતી.,

બીજે દિવસે મેં મારી ઓફિસમાં રજા મૂકી હતી અને આપણે કન્યાના ઘરે ગયા હતા. કન્યાના પિતા મારા પરિચિત નીકળ્યા હતા. એમણે મને એકાંતમાં તમારા વિષે સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો હતો. . સ્વાભવિક રીતે જ મેં તમારા વિષે સારો અભિપ્રાય આપ્યો હતો.

સારા નસીબે તમને એ કન્યા ગમી ગઈ હતી. કન્યાને અને કન્યાના કુટુંબીઓને પણ તમે ગમ્યા હતા. વાત આગળ વધી હતી અને તમે તમારાં માતાપિતાને અને તમારી મોટી બહેનને તાત્કાલિક તેડાવી લીધાં હતાં. તમે બધાં ગાગરમાં સાગર સમાઈ જાય એમ મારા નાનકડા ઘરમાં સમાઈ ગયાં હતાં.

પછી તો તમારી સગાઈ થઈ હતી. તમે બધાં ત્રણ દિવસ સુધી મારા ઘરે રોકાયાં હતાં. મેં મારી ઓફિસમાં રજા લંબાવી દીધી હતી. ત્યારે મારો પગાર ઓછો હતો, અમને ઘસારો પણ લાગ્યો હતો, પરંતુ એક સામાજિક કામમાં અમે અમારાથી બનતું કર્યું એ વાતનો અમને આનંદ થયો હતો. તમારી સગાઈ થયા પછી તમે જતા રહ્યા હતા. તમારો ધંધો બંધ હતો એટલે તમારી ઉતાવળ પણ સ્વાભાવિક હતી.

*

આજે સવારે તમે આ શહેરમાં મને અણધાર્યા ભેગા થયા. તમે તમારા સસરાને ત્યાં ત્રણેક દિવસથી આવ્યા હતા. એ પણ સ્વાભાવિક છે કે, હવે તો તમે તમારી સાસરીમાં જ ઊતારો રાખો. પરંતુ અમારે ત્યાં જરા ડોકું કાઢ્યું હોત તો અમને આનદ થાત. મેં તમને મારા ઘરે આવવાનો આગ્રહ કર્યો તો તમે જવાબ આપ્યો કે: ‘બહુ સમય નથી, અવાશે તો ચોક્કસ ચૂક્કાસ આવીશ.’

તમે અમારે ત્યાં સાંજે આવ્યા પણ ખરા. જો કે તમે એકલા જ આવ્યા હતા. તમારા આવવાથી અમને આનંદ થયો. વંદનાએ તમને રોકાવાનો અને જમીને જવાનો અગ્રહ કર્યો પણ તમે કહ્યું કે: ‘રોકાવાનો સમય નથી. જમવાનું તો મારા સસરાને ત્યાં બની ગયું હશે,’ વંદનાએ તમને બીજે દિવસે જમવા આવવાનો આગ્રહ કર્યો, પરંતુ તમે તમારી મજબૂરી બતાવી કે: ‘મારી પાસે સમય નથી. મારે બીજે બેત્રણ જગ્યાએ પણ મળવા જવાનું છે.’

આજે તમારું વર્તન એવું હતું કે જાણે તમને અમારા ઘરની હવા માફક ન આવતી હોય. અમને તમારું એવું વર્તન સ્વાભાવિક ન લાગ્યું. તમે અમારા ઘરમાં બેઠા હતા, પરંતુ તમારું મન બીજે કશે હતું. બાકી, આ જ ઘરમાં તમે ત્રણ દિવસ સુધી ઘણા જ આનંદથી રોકાયા હતા. તમે ‘ભાઈ’, ‘ભાભી’, ‘બેટા’ જેવા શબ્દો છૂટા પૈસાની જેમ વાપર્યા હતા. તમે જ અમારા ઘર વિશે કહ્યું હતું કે, ‘ઘર નાનું પણ સારું છે.’

આજે તમે અમને સારું લગાડવા ખાતર થોડો સમય અમારે ત્યાં બેઠા. તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું હોય એમ, તમે ચા પીધાં પછી તરત જ જવા માટે ઊભા થઈ ગયા. મેં તમને વધારે રોકવા માટે માટે આગ્રહ કર્યો, પરંતુ તમે કહ્યું કે, ‘અમારે ફિલ્મ જોવા જવું છે.’ ત્યારે અમને લાગ્યું કે, તમારી ઉતાવળ સ્વાભાવિક હતી.

ફિલ્મનું નામ સંભાળીને નેહા ચૂપ ન રહી શકી. એ બોલી: ‘કાકા, તમારી સગાઈ થઈ ત્યારે તમે અમને ફિલ્મ બતાવવાનું કહ્યું હતું. આજે બતાવોને.’

જવાબમાં તમે ધંધાદારી હાસ્ય જેવું હસીને બોલ્યા: ‘ફિલ્મ તો તમારે લોકોએ મને બતાવવાની હોય.’ અને, તમે ઝડપથી અમારા ઘરની બહાર નીકળી ગયા.

તમારા ગયા પછી અમારા ઘરના વાતાવરણમા ચુપકીદી છવાઈ ગઈ. અમારી નાનકડી નેહાએ એ ચુપકીદીનો ભંગ કર્યો. મારા ગળે વળગીને એ કાલુંકાલું બોલી: ‘અમારે ફિલ્મ જોવી પણ નથી. ફિલ્મ જોવાથી તો આંખો બગડી જાયને પપ્પા?’

[સમાપ્ત]