સાહિત્યકારોની અનોખી દુનિયા Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાહિત્યકારોની અનોખી દુનિયા

[૧] લુપ્ત

‘ગુજરાતી ભાષા બચાવ અભિયાન સમિતિ’ દ્વારા આયોજિત ચર્ચાનો કાર્યક્રમ પૂરો થયો. વક્તાઓ અને શ્રોતાઓ સભાખંડની બહાર નીકળી ગયા, પરંતુ બે વક્તાઓ મંચ પરથી ઊતરવાનું નામ નહોતા લેતા. એ બંને વચ્ચે ગરમાગરમ ચર્ચા ચાલુ જ રહી. એક વકતાનું કહેવું એમ હતું કે, ‘ભવિષ્યમાં ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે.’ જ્યારે બીજા વક્તાનું કહેવું એમ હતું કે, ‘ગુજરાતી ભાષા કોઈ કાળે લુપ્ત નહીં થાય.’

એમની રાહ જોઈને થાકેલા આયોજકે છેવટે આવીને હાથ જોડ્યા અને કહ્યું કે: ‘હે માનનીય વક્તાઓ, ગુજરાતી ભાષાનું શું થશે એ બાબત તો હું ખાત્રીપૂર્વક કશું કહી શકું એમ નથી. પરંતુ હું ખાત્રીપૂર્વક એટલું કહી શકું છું કે, ટૂંક સમયમાં જ ભોજનખંડમાંથી ભોજન લુપ્ત થઈ જશે.’

અને પછી એ બે વકતાઓએ શું કર્યું એ વિષે ચતુર વાચકોને કશું કહેવાની જરૂર ખરી?

[૨] એવોર્ડ પરત

[લેખકની પત્ની અને લેખક વચ્ચેનો એક સંવાદ]

પત્ની: એ કહું છું કે ક્યાં ચાલ્યા?

પતિ: એવોર્ડ પાછો આપવા જાઉં છું.

પત્ની: એવોર્ડ ભલે ને રહ્યો. કાંઈ નડતો નથી.

પતિ: તને નથી નડતો. મને નડે છે.

પત્ની: પણ મારી એક વાત સાંભળો. આ પાછો આપવા જાવ છો એ એવોર્ડ તમને ક્યાં કારણે મળ્યો હતો એ મને કહો.

પતિ: આ ઢગલાબંધ પુસ્તકો લખ્યાં છે એને કારણે.

પત્ની: તો ભલા માણસ, એનું ક્યાંક કરોને. ઝાઝી જગ્યા તો એ રોકે છે!

[૩] બારમું પુસ્તક

[વાચક અને લેખક વચ્ચેનો એક સંવાદ]

વાચક: આપશ્રીનું આજે કેટલામું પુસ્તક બહાર પડ્યું?

લેખક: બારમું.

વાચક: આગળનાં અગિયાર પુસ્તકોમાંથી મારે અત્યારે કેટલાંક પુસ્તકો જોઈએ છે તો મળશે?

લેખક: માફ કરજો. એ તમામ પુસ્તકો અપ્રાપ્ય છે.

વાચક: શું વાત કરો છો! એ બધાં પુસ્તકો વેચાઈ ગયાં?

લેખક: ના.

વાચક: તો?

લેખક: વહેંચાઈ ગયાં છે.

[૪] શ્રદ્ધાંજલિ

જાણીતા લેખક શ્રી આડોડિયાનું અવસાન થયું. એમની પાછળ શોકસભાનું આયોજન થયું. એ શોકસભામાં ધૂની સ્વભાવ માટે જાણીતા એવા ક્રાંતિકારી સાહિત્યકાર શ્રી અગનવાલા બોલવા માટે ઊભા થયા. એમણે શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. થોડીવારમાં જ શ્રોતાગણમાંથી એમના એક મિત્ર ઊભા થયા અને તેઓ અગનવાલાની પાસે ગયા.

એમણે અગનવાલાના કાનમાં કહ્યું કે: ‘અગનવાલાજી, તમે ખોટી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો. તમે ગુજરાતી સાહિત્યકારોની સ્વાયત્તતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છો’

‘તો શું આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્યકારોની સ્વાયત્તતાને શ્રદ્ધાંજલિ આપવાનો નથી?’

‘ના ભાઈ ના. એ કાર્યક્રમ તો આવતીકાલે છે. આજે તો સ્વર્ગસ્થ લેખક શ્રી આડોડિયાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે.’

[૫] પુરસ્કાર

જાણીતા વક્તા શ્રી દર્પણકુમારનું ‘દુનિયામાં પૈસા જ સર્વસ્વ નથી’ એ વિષય પર પ્રવચન હતું. એમણે દાખલા દલીલો સહિત એક કલાક સુધી શ્રોતાઓને રસતરબોળ કરી દીધા.

પ્રવચન પૂરું થયા પછી તેઓ કાર્યક્રમના આયોજકની ઓફિસમાં ગયા. આયોજકે દર્પણકુમારને પુરસ્કાર પેટે એક બંધ કવર આપ્યું. દર્પણકુમારે ઘડીનોય વિલંબ કર્યા વગર એ કવર ખોલીને રકમ ગણી લીધી.

‘આ શું છે? આટલો જ પુરસ્કાર?’ એમને આયોજકને કહ્યું.

‘બરાબર છે.’ આયોજકે કહ્યું.

‘અરે પણ તમે તો ગઈ વખતે વચન આપ્યું હતું કે, ભવિષ્યમાં મારા પુરસ્કારમા વધારો થશે. આ તો ગઈ વખત કરતા પણ ઓછા છે.’

‘દર્પણકુમાર જે છે એ બરાબર છે. સંતોષ રાખો. દુનિયામાં પૈસા જ સર્વસ્વ નથી’

[૬] વ્યાકરણ

[એક નવોદિત લેખક અને એક પ્રસિદ્ધ સાહિત્યકાર વચ્ચેનો સંવાદ]

નવોદિત લેખક: મારે એક સારા લેખક બનવું છે તો મારે શું કરવું જોઈએ?

પ્રસિદ્ધ સાહિત્યકાર: તમે પહેલાં ગુજરાતી ભાષાનું વ્યાકરણ બરાબર શીખો અને પછી લખવાનું શરૂ કરો.

નવોદિત લેખક: એનો મતલબ એ થયો કે, હું આ જન્મમાં તો લેખક નહિ જ બની શકું.

પ્રસિદ્ધ સાહિત્યકાર: એવું અશુભ કેમ બોલો છો મિત્ર?

નવોદિત લેખક: કારણ કે, મારો અર્ધો જન્મારો તો ગુજરાતી ભાષાનું સાચું વ્યાકરણ શોધવામાં જશે અને અર્ધો જન્મારો એ શીખવામાં જશે.

[૭] પ્રસ્તાવના

એક નવોદિત લેખકે એક જાણીતા સાહિત્યકારને પોતાની પ્રથમ નવલકથાની પ્રસ્તાવના લખી આપવાની વિનંતી કરી.

‘મિત્ર, હું તમારા પુસ્તકની પ્રસ્તાવના નહિ લખી શકું?’ જાણીતા સાહિત્યકારે કહ્યું.

‘કેમ એવું?’

‘તમારી આ લાંબી નવલકથા હું વાંચી શકું એમ નથી.’

‘હું તમને મારી નવલકથા વાંચવાનું નથી કહેતો. નવલકથાની માત્ર પ્રસ્તાવના લખવાનું કહું છું.’

‘પરંતુ પુસ્તક વાંચ્યા વગર એની પ્રસ્તાવના કેવી રીતે લખી શકું?’

‘જેવી રીતે બીજા સાહિત્યકારો લખે છે એવી રીતે.’

‘પુસ્તક વાંચ્યા વગર એની પ્રસ્તાવના લખવાની વાત મને માનવામાં નથી આવતી.’

‘સાહેબ, માફ કરજો. તમે સાહિત્યના વર્તમાન પ્રવાહોથી અજાણ છો.’

[૮] સંભાળ

પોતાના પુસ્તકોની ખૂબ જ સંભાળ રાખનાર લેખકની પત્નીએ બળાપો કાઢતાં કહ્યું: ‘તમારા કોઈ પુસ્તકનું પૂઠું સહેજ પણ ફાટે છે તો તરત જ એને નવું પૂંઠું ચડાવવા બેસો છો. પુસ્તકોની આટલી બધી માયા સારી નથી.’

‘લેખક માટે તો એનાં પુસ્તકો સંતાનો જેવાં હોય છે.’

‘તો કોઈ દહાડો આપણાં સાચુકલા સંતાનની ચડ્ડી બદલાવી દેતા હો તો. મને કેટલી રાહત!’

[૯] શ્રોતાઓ

મુશાયરાનું આયોજન કરનાર સાહિત્યપ્રેમી શ્રી અંબાલાલે એક કવિને ફોન કરીને સૂચના આપી કે : ‘મુશાયરામાં આવનારા કવિઓ વધી ગયા છે એટલે તમે ગઝલો રજૂ કરવામાં કંટ્રોલ રાખજો. મુક્તકો તો રજૂ કરતા જ નહિ. સીધી ગઝલ જ ઠપકારજો. સમજ્યાને? અને હા, ગઝલો ઓછી લાવશો તો ચાલશે, પણ આઠદસ શ્રોતાઓ તો લેતા જ આવજો. બધા કવિઓ માટે આ ફરજિયાત છે.’

[૧૦] ઇપૈસા

પતિ: જોયું? જોતજોતાંમાં મારી દસમી ઇબુક પ્રગટ થઈ ગઈ.

પત્ની: તમે તો ત્રીજી બુક પ્રગટ કરવાની તૈયારી કરતા હતાને?

પતિ: એ તો પ્રિન્ટેડ બુકની વાત છે. એમાં તો બહુ લફરાં છે. આ ઇબુક તો ઝડપથી પ્રગટ થઈ જાય.

પત્ની: પણ આ ઇબુક પ્રગટ કરો એમાં તમને પૈસા મળે?

પતિ: મળેને. ઇપૈસા મળે.

પત્ની: ઇપૈસા? એ કેવા હોય?

પતિ: [મોબાઈલમાં પોતાની ઇબુક બતાવીને] જો. આ મારી ઇબુક છે. એની નીચે જો. લાઈક અને કોમેન્ટ્સ દેખાય છેને? એને ઇપૈસા કહેવાય. ઈ જ પૈસા.

***