અવનવા નાસ્તા Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવનવા નાસ્તા

અવનવા નાસ્તા

મિતલ ઠક્કર

આ વખતે આપના માટે અવનવા નવા નાસ્તાની રીત શોધીને લઇ આવી છું. બ્રેકફાસ્ટમાં આવા નાસ્તાથી મજા આવી જાય છે. સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ દરરોજ સવારે બ્રેકફાસ્ટ લે છે તે આખા દિવસ દરમિયાન પોતાને સ્ફૂર્તિમય અને સક્રીય અનુભવે છે. બાળકોમાં દરરોજ બ્રેકફાસ્ટ લેવાના કારણે બુદ્ધિ અને સ્મરણશક્તિમાં વધારો થાય છે તથા ક્લાસમાં ભણવામાં રુચિ વધે છે. અમુક સંશોધનોમાં સાબિત થયું છે કે બ્રેકફાસ્ટ લેવાથી સ્થૂળતા અટકે છે. કોલેસ્ટરોલનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે જેથી હૃદયરોગ થતાં અટકે છે. બ્રેકફાસ્ટ લેવાથી ભૂખ ઓછી લાગે છે તથા એકસાથે ભરપેટ ખાવાની ટેવ ઘટે છે. અને બ્રેકફાસ્ટ ન કરવાથી હૃદયરોગ, ઓસ્ટીઓપોરોસિસ, સ્થૂળતા, મૂડસ્વિંગ્સ, શારીરિક શક્તિ તથા સ્મરણશક્તિમાં ઘટાડો, સ્ત્રીઓને માસિક ચક્રમાં અનિયમિતતા વગેરે જેવી બીમારીઓ ઝડપથી થાય છે. આખી રાત દરમિયાન કંઈ ન ખાવાથી શરીરમાં એનર્જીનું પ્રમાણ ઘટે છે. પરિણામે સવારે પૌષ્ટિક સંતુલિત નાસ્તો જે ૨૦થી ૨૫ ટકા જેટલી કેલરી આપતો હોય તેવો હોવો જોઈએ. એટલે જ સ્વસ્થ જીવન માટે કોઈએ સાચું જ કહ્યું છે કે બ્રેકફાસ્ટ રાજાની જેમ, લંચ રાજકુમારની જેમ અને ડિનર ભિખારીની જેમ કરવું. ચાલો ત્યારે અવનવા નાસ્તાને ટ્રાય કરી જુઓ.

ક્રિસ્પી બ્રેડ કપ્સ

સામગ્રી:

ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે- ૮ વધેલી ઘઉંની બ્રેડની સ્લાઇસ, ૧/૨ ટીસ્પૂન લૉ ફેટ માખણ , ચોપડવા માટે.

પૂરણ માટે- ૩/૪ કપ બાફેલા મીઠી મકાઇના દાણા, ૧ ટીસ્પૂન તેલ, ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા, ૧/૪ કપ ઝીણા સમારેલા લાલ અને લીલા સીમલા મરચાં, ૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ ટેબલસ્પૂન કોર્નફલોર , ૧/૨ કપ ઠંડા લૉ ફેટ દૂધમાં ઓગાળેલું, મીઠું- સ્વાદાનુસાર.

રીત: ટોસ્ટ કરેલ આવરણ બનાવવા માટે- દરેક બ્રેડ સ્લાઇસની કડક કીનારીઓ કાપી નાંખો. બ્રેડ સ્લાઇસને મલમલના કપડામાં લપેટી સ્ટીમરમાં ૪ થી ૫ મિનિટ સુધી બાફી લો. બ્રેડ સ્લાઇસને સાફ અને સૂકી જગ્યા પર મૂકી રોલિંગ પિનની મદદથી હળવેથી વણી લો. મફીન ટ્રેમાં લૉ ફેટ માખણ ચોપડો. વણેલી બ્રેડ સ્લાઇસને માખણ ચોપડેલા મફીન ટ્રેના સાંચાની અંદર દબાવીને મૂકો અને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦૦ સે (૪૦૦૦ ફે)ના તાપમાન પર ૧૫ મિનિટ માટે અથવા બ્રેડ કરકરી થાય ત્યાં સુધી બેક કરી લો. હવે તેને બાજુ પર રાખો.

પૂરણ માટે- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી અથવા તે અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમાં સીમલા મરચાં અને લીલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો. તેમાં મીઠી મકાઇ, કોર્નફલોર-દૂધનું મિશ્રણ અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ માટે અથવા મિશ્રણ જાડું થાય ત્યાં સુધી રાંધી લો. પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો. હવે દરેક ટોસ્ટ કરેલ આવરણમાં પૂરણનો એક-એક ભાગ ભરી દો. તરત જ પીરસો.

ચના જોર ગરમ

સામગ્રી : 1 કિલો કાબુલી ચણા, 6 નંગ લીંબુ, 800 મિલી પાણી, 200 ગ્રામ તેલ, મરચું, ખાંડ, હળદર, લવિંગ, મીઠું સંચળ, તજ

રીત: : સૌ પ્રથમ આગલે દિવસે રાત્રે ચણાને પલાળો. બીજે દિવસે સવારે ઊકળતા પાણીમાં તેને નાખો. એક ઊભરો આવે એટલે નીચે ઉતારી લો. તેમાં 1 ચમચી તેલ નાખી ઢાંકી રાખો. ત્રીસ મિનિટ બાદ ચણાને બહાર કાઢી કોરા કરો. સેલો ફેન પેપર-બેગમાં થોડા ચણા નાખી દબાવો. તે બધા ચપટા થયે તેલમાં તળી લો. તળેલ ચણા ઉપર લીંબુનો રસ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ, મરચું, હળદળ, સંચળ અને મીઠું નાખી હલાવો.

બ્રેડનો નાસ્તો

સામગ્રી: ૧૨ બ્રેડની સ્લાઇસ, ૨ ટેબલસ્પૂન તેલ, ૨ ટીસ્પૂન રાઇ, ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ, ૧ કપ ઝીણા સમારેલા કાંદા, ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા, ૧/૪ કપ ટૉમેટો કૅચપ, ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ, મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર

રીત : બ્રેડની સ્લાઇસને પાણીમાં ડૂબાવીને તરત જ કાઢી લો. પછી તેમાં રહેલું પાણી બરોબર નીચોવી તેનો ભુક્કો કરી બાજુ પર રાખો. એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો. રાઇ જ્યારે તતડવા માંડે, ત્યારે તેમાં લીલા મરચાં અને આદુ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સાંતળી લો. પછી તેમાં કાંદા મેળવી વધુ ૨ મિનિટ સાંતળી લો. તે પછી તેમાં ટમેટા મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો. છેલ્લે તેમાં બ્રેડનો ભુક્કો, ટૉમેટો કૅચપ, લીંબુનો રસ, મીઠું અને કોથમીર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી, થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો. તરત જ પીરસો.

લીલી મેથીના શક્કરપારા

સામગ્રી: 2 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી મેંદો, 2 વાટકી સમારેલી મેથી, 2 ચમચી મરચું, 2 ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, 1 ચમચી તલ, 1 ચપટી હળદર, તેલ તળવા માટે, મીઠું સ્વાદાનુસાર રીત : બંને લોટને એક થાળીમાં ભેગા કરી લો. પછી તેમાં સમારેલી મેથીની ભાજી તેમજ ઉપર જણાવેલો બધો જ મસાલો જોઈતા પ્રમાણમાં ઉમેરી દો. બે ચમચા તેલનું મોણ નાખી શક્કરપારાનો લોટ બાંધી લો. લોટને સરખી રીતે મસળી લુવા કરી પાટલી પર પાતળા શક્કરપારા કાપી લો. આ દરમિયાન એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં, ધીમા તાપે શક્કરપારાને લાઈટ બ્રાઉન રંગના થાય એ રીતે તળી લો. આ શક્કરપારાને પેપર નેપકિન પર મૂકીને થોડીવાર માટે ઠંડા કરી લો. શક્કરપારા ઠંડા થાય એટલે તેને ડબ્બામાં ભરી બાળકોને કે ઘરના અન્ય સભ્યોને સર્વ કરો.

કોબી પરાઠા

સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ, મીઠું , સ્વાદાનુસાર, ઘઉંનો લોટ- વણવા માટે, તેલ- ચોપડવા અને શેકવા માટે.મિક્સ કરીને પૂરણ બનાવવા માટે- ૧ ૧/૪ કપ ખમણેલી ફૂલકોબી, ૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર, ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં, ૧/૨ ટીસ્પૂન ખમણેલું આદૂ, મીઠું , સ્વાદાનુસાર, ૧/૪ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, ૧ ટીસ્પૂન દાડમનો પાવડર

રીત: એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું મિક્સ કરી, જરૂર પુરતું પાણી મેળવી, મસળીને નરમ કણિક તૈયાર કરો. કણિકના ૮ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો. મિક્સ કરી બનાવેલ પૂરણના ૪ સરખા ભાગ પાડી, બાજુ પર રાખો. કણિકના દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો. પૂરણના એક ભાગને તેની પર એકસરખું પાથરી લો અને હવે તેની પર બીજી રોટી મૂકી તેને કવર કરી દો. એક નૉન-સ્ટીક પૅનને ગરમ કરી, તેના પર થોડું તેલ ચોપડો. પરાઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડા તેલની મદદથી શેકી લો. ગરમ-ગરમ પીરસો.

પૌઆની કટલેસ

સામગ્રી: 1 કપ- પૌઆ, 1/2 કપ બાફેલા બટાકા, 1/2 કપ બાફેલા વટાણાં, 2 મોટી ચમચી દહીં1/2 ચમચી કાળા મરી પાઉડર, 1/2 ચમચી લાલ મરચું, 1/4 ચમચી -હળદર પાઉડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાં પાઉડર, 1/2 ચમચી સમારેલા લીલા મરચું, 1 ચમચી –આદુ, 2 ચમચી સમારેલી કોથમીર, 1 ચમચી મીઠુ

રીત: સૌ પ્રથમ એક વાસણમાં પૌંઆને પાણીથી ધોઇ લો અને પલાળી રાખો. તે બાદ બાફેલા બટેકાને બરાબર મસળી લો. તે બાદ તેમાં વટાણાં ઉમેરો. એક બાઉલ લો અને બાદમાં તેમા મરચાની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, પૌઆ મિક્સ કરો. તેમા દહીં, હળદર પાઉડર, લાલ મરચું, ગરમ મસાલો, કાળા મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો . આ દરેક સામગ્રીને બરાબર મિક્સ કરો. તેમા કોથમીર ઉમેરો. તે બાદ આ મિશ્રણને પેટીસનો આકાર આપો. હવે એક કડાઇ લો અને તેમા તેલ લો. હવે તેલને ગરમ કરો. તેમા તૈયાર કરેલી પૌઆની પેટીસ તરો. તે હલકા બ્રાઉન રંગની થાય એટલે બહાર નીકાળી દો. તૈયાર છે તમારી ગરમા ગરમ અને સ્વાદિષ્ટ પૌઆની કટલેસ.. આ કટલેસને તમે ચટણી કે કેચપ સાથે પણ સર્વ કરી શકો છો.

રાજસ્થાની હાંડવો

દાળ અને ચોખાને સાફ કરો અને પાંચેક કલાક પલાળીને રાખો. સમય થાય ત્યારે તેમાંથી વધારાનું પાણી કાઢી લો. ચોખામાં આદું, મરચાં મિક્સ કરો અને તેને કરકરું પીસી લો. એક મોટા વાસણમાં કાઢો. દાળને અલગથી પીસો અને તેને પણ એમાં મિક્સ કરો. દહીંને ફેંટો અને સાથે તેમાં ચોખાનું મિશ્રણ મિક્સ કરો. આ બધાને સારી રીતે હલાવીને આથો આવવા માટે રાખો. જ્યારે તેમાં આથો આવે ત્યારે તેમાં છીણેલા દરેક શાક અને કોથમીરને મિક્સ કરો. એક નોનસ્ટિક કડાઇ લો અને તેમાં તેલ ગરમ કરો. તેમાં રાઇ, જીરું, હિંગ લીમડો મિક્સ કરીને વધાર કરો. તેને હાંડવાના મિશ્રણમાં મિક્સ કરો. ઢાંકણું લગાવીને તેને ચઢવા દો. ચપ્પાની મદદથી તેને અંદર સુધી ચેક કરો. તમારો હાંડવો તૈયાર થાય ત્યારે તમે ગરમાગરમ તેનો સ્વાદ માણી શકો છો. જો તમે ઇચ્છો તો ઉપરથી પણ ફરીથી વધાર કરી શકો છો. આ હાંડવો ચટણીની સાથે સ્વાદિષ્ટ લાગે છે.

પોટેટો સ્માઇલી

સામગ્રી: 5 નંગ બાફેલા બટેટા, 1 કપ પૌઆં, 1/2 કપ કોર્ન ફ્લોર, 1 મોટી ચમચી કાળામરી પાઉડર, તરવા માટે તેલ, સ્વાદાનુસાર મીઠું

રીત: સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લો અને તેને મસળી દો. હવે તેમા કોર્ન ફ્લોર, મીઠુ, કાળામરી પાઉડર, પૌઆંનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ દરેક સામગ્રીને બરાબર મિકસ કરીને તેને લોટની જેમ ગુંદી લો. હલે હથેળી પર તેલ લગાવી લો, તે બાદ એક મોટો પ્લાસ્ટિકનો ટૂકડો લો અને તેની પર પણ તેલ લગાવી લો. (તેલનું પ્રમાણ વઘારે રાખવું જેથી બટેટાનું મિશ્રણ તેની પર મૂકવાથી પ્લાસ્ટિકમાં ચોટે નહીં). હવે મિશ્રણને પ્લાસ્ટિકના અડધા ભાગ પર મૂકો અને પ્લાસ્ટિકની બાકી બચેલા ભાગને તેની પર ઢાંકી દો. હવે વેલણની મદદથી બટેટાને વણી લો. તે બાદ બટેટાની રોટલીના ઉપરના ભાગ પરથી પ્લાસ્ટિક હટાવી લો. હવે એક નાની વાટકી કે બોટલના ઢાંકણથી બેટેટાની રોટલીને ગોળ આકારમાં કટ કરી લો. હવે તેમા બે આંખો બનાવી લો. તેમજ ચમચીની મદદથી સ્માઇલી બનાવી લો. તે બાદ હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા સ્માઇલીને બ્રાઉન થાય ત્યાં સુધી તરી લો. એક વારમાં તેલમાં વધારે સ્માઇલી ન તરવી, નહીતર તે ક્રિસ્પી થશે નહીં. હવે એક-એક કરીને સ્માઇલીને પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે પોટેટો સ્માઇલી.. સ્માઇલીને તમે ટોમટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.

આલુ ટિક્કી

સામગ્રી: ત્રણ મોટા બાફેલા બટાકા, પા ચમચી કાળા મરીનો પાઉડર, પોણો કપ બાફેલા લીલા વટાણા, અડધી ચમચી મસળેલું આદું, પા ચમચી ગરમ મસાલો, એક ચમચી જીરું પાઉડર, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું સ્વાદાનુસાર, તેલ તળવા માટે.

રીત : સૌપ્રથમ બાફેલા લીલા વટાણાને મેશ કરી લો. તેમાં ઉપર બતાવેલ તેલ સિવાયની બધી સામગ્રી ઉમેરો અને માવો તૈયાર કરો. આ રીતે તૈયાર થયેલા માવાના દસ સરખા ભાગ કરીને એકબાજુ રાખો. હવે બાફેલા બટાકાને છોલીને તેનો માવો તૈયાર કરો અને તેમાં મીઠું અને મરી ઉમેરીને, બરાબર એકરસ ન થઈ જાય ત્યાં સુધી મસળો. આ માવાના પણ દસ સરખા ભાગ કરો. ત્યાર બાદ હાથ ધોઈને બંને હાથે સ્હેજ તેલ લગાડો. બટાકાના માવાના એક સરખા ગોળા વાળો. હવે એક-એક બટાકાના ગોળાને લઈને તેને હાથથી દાબીને સ્હેજ પૂરીની જેમ સપાટ બનાવો. તૈયાર કરેલા લીલા વટાણાના માવાને તેમાં ભરીને ચારેબાજુથી એવી રીતે વાળો કે જેથી અંદરનો માવો બહાર ન આવે. હવે તેને ધીમેધીમે દાબીને સપાટ કરો. આ પ્રમાણે દરેક ગોળાને માવો ભરીને તૈયાર કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં એક ચમચી તેલ ધીમા તાપે મૂકો. તૈયાર થયેલા ગોળાને બેથી ત્રણના માપમાં વારાફરતી મૂકીને શેકતા જાઓ. ટિક્કીનો કલર રતાશ પડતો થાય ત્યાં સુધી બંને બાજુ ધીમા તાપે શેકો. વચ્ચે-વચ્ચે જરૂર પડે તો તેલ ઉમેરો. આ રીતે તૈયાર થયેલ આલુ ટિક્કીને દહીં સાથે પીરસો.

ચિલી પાસ્તા

સૌથી પહેલા પાણીમાં એક ચમચી ઓલિવ ઓઈલ, મીઠું અને પાસ્તા નાખી તેને પાંચ મિનિટ સુધી બાફો. ત્યારબાદ ઠંડા પાણીમાં ચાળી તેને અલગ રાખી લો. શિમલા મરચું અને ટામેટાને બેક કરી પેસ્ટ બનાવી લો. એક પેનમાં ઓલિવ ઓઈલ અને માખણ ગરમ કરો. લસણ, આદુ અને ડુંગળી નાખી તેને શેકો. ત્યારબાદ સોયાસોસ, ટામેટાં અને શિમલા મરચાંની પેસ્ટ ઉમેરો. તેમાં ટોમેટો કેચઅપ, પનીર, મીઠું નાખો. ક્રીમ અને ચીઝ નાખી તેને સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે ચિલી પાસ્તા.

લાલ- લીલા દલિયા

સામગ્રી: એક કપ દલિયા, અડધો કપ લીલા વટાણા, બે નંગ નાના ગાજર ઝીણા સમારેલા, એક ટેબલ સ્પૂન તેલ, એક ટીસ્પૂન જીરૂં, એક નંગ ડુંગળી ઝીણી સમારેલી, એક નંગ મધ્યમ ટામેટું સમારેલું, બે ટીસ્પૂન બટર, મીઠું સ્વાદાનુસાર, કોથમીર.

રીત: સૌપ્રથમ બે કપ પાણીમાં દલિયાને ત્રીસ મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ કૂકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી નાખી લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં લીલા વટાણા, ગાજર અને ટામેટાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. એકાદ મિનિટ માટે સાંતળ્યા બાદ તેમાં દલિયા, મીઠું અને ત્રણ કપ પાણી નાખીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે કૂકરનું ઢાંકણ બંધ કરી દો. બે સીટી વગાડો. કૂકર ઠંડું થાય એટલે દલિયાને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

કાકડીના થેપલા

સામગ્રી : એક વાટકી પલાળેલા સાબુદાણા, અડધી વાટકી શિંગદાણાનો ચૂરો, એક વાટકી કાકડીનું છીણ (પાણી નિતારેલુ), બે નંગ લીલા મરચાં, મીઠું સ્વાદ અનુસાર, એક ટીસ્પૂન લાલ મરચું, એક ચમચી ખાંડ, સ્વાદ અનુસાર જીરૂં, ઘી

રીત: સૌપ્રથમ પલાળેલા સાબુદાણામાં ઘી નાંખી બધી સામગ્રી નાખી દો. જરૂર મુજબ પાણી નાખીને કણક જેવો લોટ તૈયાર કરો. આ લોટ સહેજ ઢીલો રાખવો. હવે હાથમાં ઘી લગાવી તૈયાર કરેલી કણકમાંથી લુઓ લઈને થાપો. મધ્યમ તાપ પર થેપલા શેકો અને ઉપરથી ઘી લગાવો. ગરમા-ગરમ ફરાળી થેપલા ચટણી સાથે પીરસો.

***