નવી વાનગીઓ ૪ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવી વાનગીઓ ૪

નવી વાનગીઓ

મીતલ ઠક્કર

ભાગ - 4

મોગલાઈ આલુ

સામગ્રી : ૩૫૦ ગ્રામ નાનાં બટાકાં, ૧ ચમચી આદુંની પેસ્ટ, ૧ ચમચી વાટેલો અજમો, ૧ ચમચી અધકચરી વાટેલી મેથી, ચપટી હિંગ, ૧ ચમચી લાલ મરચું, ૨ ચમચા તેલ, મીઠું સ્વાદ મુજબ, ૧/૨ ચમચી ચાટ મસાલો.

રીત : મીઠાના પાણીમાં બટાકાં બાફીને છોલી નાખો. હવે પેનમાં તેલ ગરમ કરીને બધા મસાલા શેકો. તેમાં બટાકાં નાખી ધીમી આંચ પર ગુલાબી થાય ત્યાં સુધી ચડવા દો. ગેસ ઉપરથી નીચે ઉતારીને તેમાં ચાટ મસાલો ભભરાવો. પૂરી-પરોંઠાં સાથે મોગલાઈ આલુની મોજ માણો.

મોગલાઈ ફ્લાવર

સામગ્રી: એક મધ્યમ આકારનું ફ્લાવર, બે ઈંચનું આદું, લસણની ૮ કળી, ૨ લીલાં મરચાં, બે નાની ડુંગરી બારીક કાપીને, ૨ ટમેટાંનો રસ, ૧ ચમચી જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, કોથમીર, થોડા બાફેલા લીલા વટાણાં અને બટાટાનું તળેલું ખમણ સજાવટ માટે.

રીત : ફ્લાવરના પાન અને દાંડા કાપી નાખો. ફક્ત વચ્ચેનું ફ્લાવર જ રાખો. સ્વચ્છ મીઠાના પાણીથી તે ધોઈ લો. આદુ, લસણ, લીલાં મરચાં થોડું મીઠું નાખીને વાટી લો. આ મસાલો ફ્લાવર પર સારી રીતે લગાડો. કુકરમાં તપેલીમાં મૂકીને ફ્લાવર ૨ મિનિટ બાફો. થોડું તેલ ગરમ કરી. કાપેલી ડુંગળી લાલ થાય ત્યાં સુધી સાંતળો, તેમાં ટમેટાનો રસ, ગરમ મસાલો વગેરે નાખો. આ મસાલો ફ્લાવરની ચારે બાજુએ લગાડો. ફ્લાવરને ઓવનમાં રાખી સોનેરી થાય તેટલું શેકો. ડીશમાં રાખી ચારે બાજુ વટાણા અને બટેટાનું ખમણ સુંદર દેખાય તે રીતે સજાવો. ઉપર કોથમીર છાંટો નાની છરી કાપવા માટે ડીશમાં રાખો.

ચટપટી પકોડી

સામગ્રી : ૪ બ્રેડ સ્લાઈસ, ૧ ૧/૨ કપ છીણેલું પનીર, ૧/૪ ડુંગળી સમારેલી, ૧/૨ ચમચી કાળાં મરી પીસેલાં, ૨ ચીઝ ક્યુબ્સ, ૧/૨ ચમચી મીઠું, માખણ જરુર મુજબ.

રીત : પનીર, ડુંગળી અને કાળાં મરી મિક્સ કરો. ઓવન પહેલાં બરાબર ગરમ કરો અને પછી ગેસ ધીમો કરો. થોડું માખણ લગાવો. તૈયાર મિશ્રણ સરખી માત્રામાં પાથરો. ૧/૨-૧/૨ ચીઝ ક્યૂબ છીણીને સ્લાઈસને જાળીના રેક પર મૂકો અને ક્રિસ્પ થાય ત્યાં સુધી ગ્રીલ કરો. મીઠું ભભરાવી સોસની સાથે પીરસો.

મસાલા મગ

સામગ્રી: 250 ગ્રામ મગ, 2 ચમચી બુરૂ ખાંડ, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી ચાટ મસાલો, ½ ચમચી હળદર, ½ ચમચી આમચુર, ½ ચમચી સંચળ, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ.

રીત: મગને 8 કલાક પાણીમાં પલાળી રાખો. પછી તેને પાણીમાંથી કાઢી નિતારીને કોરા કરી લો. કોરા મગને કપડા પર એકાદ કલાક સુધી પાથરી રાખો જેથી તે બરાબર સુકાય. પછી તેમાંથી થોડા મગને ગરમ તેલમાં તળો. મગ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળવા પછી તેને કાઢી લેવા. આ રીતે બધા મગને થોડા થોડા કરીને તળી લેવા. એકબાઉલમાં ખાંડ, લાલ મરચું, ચાટ મસાલો, હળદર, આમચૂર, સંચળ અને મીઠું મિક્સ કરી લો. તેમાં તળેલા મગ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. મગ એકદમ ઠંડા થઈ જાય એટલે તેને એરટાઈટ કંટેનરમાં ભરી લો.

કોર્ન પાલક ડોસા

સામગ્રી: ૪ ટેબલ સ્પૂન ચોખા, ૨ ટેબલ સ્પૂન ચણાની દાળ, ૨ ટેબલ સ્પૂન અડદની દાળ, ૧ ટેબલ સ્પૂન મગની દાળ, ૧ ટેબલ સ્પૂન તુવેર દાળ, ૧૦-૧૫ લીમડાના પાન, ૩-૪ સૂકા લાલ મરચાં, ૧/૨ ટી-સ્પૂન જીરું, ચપટી હિંગ. સ્ટફિંગ માટેઃ-એક ઝૂડી પાલક ધોઈને ઝીણી સમારેલી, ૨૦૦ ગ્રામ પનીર, ૧૦૦ ગ્રામ ચીઝ, ૧ અમેરિકન મકાઈના બાફેલા દાણા, ૨-૩ ટેબલ સ્પૂન બટર

રીત: બધી જ દાળ અને ચોખા લઈને તેમાં મરચાં, જીરું, લીમડો, હિંગ નાખી દાળ-ચોખા ડૂબે તેનાથી થોડુંક વધારે પાણી નાખી ૩-૪ કલાક પલાળી રાખો ત્યારબાદ ઝીણું વાટી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બાજુ પર રાખો. ડોસા ઉતારવા માટે આ બેટર તૈયાર છે.

નોન સ્ટીક પેન ગેસ પર મૂકીને બેટર ફેલાવી સહેજ ચડી જાય એટલે ઉપર બટર લગાવીને બારીક સમારેલી પાલક પાથરો આ પાલક માખણમાં સરસ ચડી જશે. હવે બાફેલા મકાઈના દાણા નાખીને ઉપર ખમણેલું ચીઝ અને પનીર ભભરાવીને ડોસાના પડને બંને બાજુથી વાળીને રોલ બનાવી લો. અંદર પાલક-મકાઈ સાથે ઓગળેલું ચીઝ એક મસ્ત સ્વાદ આપશે. આ રોલને પ્લેટમાં મૂકી ચાર કે પાંચ પીસમાં કાપીને ગરમ ગરમ સર્વ કરો.

ડોસા સાથે પિરસવાની ચટણી માટે

સામગ્રી:૨ ટામેટાં, ૨ ડુંગળી, ૪-૫ સૂકા મરચાં, ૧૫-૧૭ કાજુ, મીઠું સ્વાદ પ્રમાણે

રીત: એક વાસણમાં તેલ મૂકી તેમાં સૂકા મરચાં સાંતળો, કાંદાના મોટા ટુકડા નાંખો અને સાંતળો સહેજ ટ્રાન્સપરન્ટ થાય એટલે ટામેટાં નાખો. એ સહેજ ગળે પછી તેમાં કાજુ ઉમેરો. દસેક મિનિટ આ મિશ્રણને ઢાંકીને શેકાવા દો. હવે ગેસ પરથી ઉતારી મીઠું ઉમેરો, હવે બધું ક્રશ કરી લો. એક વાસણમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ ફૂટે એટલે અડદની દાળ ઉમેરો તે ગુલાબી શેકાય પછી મીઠા લીમડાના પાન, સૂકા મરચાં નાખીને આ વઘાર ઠંડો પડે એટલે ક્રશ કરીને રાખેલા મિશ્રણમાં નાંખી દો. ડોસા માટેની ચટણી થઈ ગઈ તૈયાર.

વેજ કોર્ન લૉલીપૉપ

સામગ્રી: ૧ કપ કોબી ઝીણી સમારેલી, અડધો કપ બાફેલા મકાઈના દાણા, ૨-૩ નંગ બાફેલા બટાકા, ૧ નંગ ઝીણો સમારેલો કાંદો. ૧ ચમચી આદું મરચાં-લસણની પેસ્ટ, ૧ ચમચી આમચૂર પાઉડર, અડધો કપ બ્રેડક્રમ્સ, ૨ ટે.સ્પૂન કૉર્નફ્લૉર, અડધી ચમચી ગરમ મસાલો, ૧ કપ બાફેલા નૂડલ્સ, સ્વાદાનુસાર મીઠું, જરૂર મુજબ તેલ.

રીત: એક બાઉલમાં ૧ કપ ઝીણી સમારેલી કોબી, મકાઈના દાણા, બાફેલા બટાકા, ઝીણો સમારેલો કાંદો, આદું-મરચાં લસણની પેસ્ટ, આમચૂર પાઉડર, બ્રેડ ક્રમ્સ, કૉર્ન ફ્લૉર, ગરમ મસાલો વગેરે લેવું. બરાબર મસળી લેવું. સ્વાદાનુસાર મીઠું ભેળવી લો. મનગમતાં આકારના એકસરખાં નાના નાના ગોળા બનાવી લેવા. બાફેલી નૂડલ્સમાં લપેટીને ગરમ તેલમાં તળી લેવા. વેજ કૉર્ન લૉલીપોપની ઉપર ટૂથપીક લગાવી લો. શૅઝવાન સૉસ સાથે ગરમાગરમ સર્વ કરો.

પોટેટો બાસ્કેટ

સામગ્રી: અડધો કિલો બટાટા અધકચરાં બાફીને વચ્ચેથી કાપેલા, ચીઝ સ્લાઈઝ, લાલ સીમલા મરચું ઝીણું કાપેલું, ૨ મોટા ચમચા મેયોનીઝ, ઓલિવ્સ ઝીણા સમારેલા, કોથમીર ઝીણી સમારેલી, સ્વાદ પ્રમાણે મીઠું, જરૂર મુજબ તેલ.

રીત: બટાટાને વચ્ચેથી સ્કૂપ કરીને ગરમ તેલમાં તળી લેવા. તેમાં વચ્ચે ચીઝની સ્લાઈઝ ગોઠવવી. ઉપર મેયોનીઝ, ઓલિવ્સ, ઝીણું સમારેલું લાલ સીમલા મરચું ગોઠવવું. જરૂર મુજબ મીઠું ભભરાવી કોથમીરથી સજાવી સર્વ કરવું.

ગવાર કોફતા કરી

સામગ્રી: ૪૦૦ ગ્રામ ગવાર, ૧ ટેબલ સ્પૂન ધાણા, ૦।। ટી-સ્પૂન જીરું, ૨ લીલા મરચાં, કટકો આદુ, ૪ કળી-લસણ, ૦।। ટી-સ્પૂન ખસખસ, ૪ ટેબલ સ્પૂન સમારેલી-કોથમીર, ૪ ટેબલ સ્પૂન ખમણેલું કોપરું, ૧ ટી-સ્પૂન મગસતરી. મીઠું, હળદર, હિંગ, ૨ ટેબલ સ્પૂન તેલ.

કોફતા માટે- ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ ટી-સ્પૂન-કોર્ન ફ્લોર, ૨ ટેબલ સ્પૂન સમારેલી પાલક, ૧ ટેબલ સ્પૂન કોથમીર, ૧ ટી-સ્પૂન વાટેલા આદુ-મરચાં, મીઠું, હળદર, હિંગ, સોડા, ૨ ટેબલ સ્પૂન તેલ.

રીત: ગવારના નાના કટકા કરી, થોડું પાણી નાંખી ચડાવી લેવા. કોફતા માટે સૂચવેલી બધી જ સામગ્રી ભેગી કરી, પાણી નાંખી ખીરું તૈયાર કરવું. ચપટી સોડા ઉમેરી, ખૂબ હલાવીને ગરમ તેલમાં કોફતા તળવા. ધાણા, જીરું, મગસતરીને આછા શેકી, ખસખસ ઉમેરી, ખાંડીને ભૂકો કરવો. કોથમીર, મરચાં, આદુ-લસણ, કોપરું ભેગા કરી, થોડું પાણી નાંખી વાટવા. તેમાં ખાંડેલો મસાલો ભેળવવો. તેલ ગરમ મૂકી તૈયાર કરેલો મસાલો સાંતળવો. બાફેલો ગવાર ઉમેરી મીઠું તથા હળદર નાંખવા. થોડીવાર ઉકાળી તેમાં કોફતા નાંખવા. સાચવીને હલાવી પરોઠા સાથે ‘કરી’ સર્વ કરવી.

પાલક-ગાજર પાસ્તા

સામગ્રી: ૧ કપ બાફેલા પાસ્તા (૨) ૦।। કપ-વ્હાઈટ સોસ, ૦।। કપ પાલક ગ્રેવી, ૩ ટેબલ સ્પૂન ગાજરનું છીણ (૩) ૨ ટેબલ સ્પૂન છીણેલું ચીઝ, ૧ ટેબલ સ્પૂન બટર

રીત: ૧ નંગ સમારેલો કાંદો થોડા બટરમાં સાંતળી પાલક ઉમેરવી. મીઠું તથા લીલું મરચું નાંખી ચડાવવી. બ્લેન્ડ કરી ગ્રેવી તૈયાર કરવી. થોડું ચીઝ ભેળવવું. બેકિંગ ડિશમાં બટર લગાવી થોડો વ્હાઈટ-સોસ પાથરવો. પાસ્તામાં બાકીનો વ્હાઈટ-સોસ તથા પાલક ગ્રેવી ભેળવી ડિશમાં પાથરવું. ઉપર ગાજરના છીણની બોર્ડર બનાવવી. ચારે તરફ છીણેલું ચીઝ ભભરાવવું. બાકીનું બટર ગરમ કરી ગાજરના છીણ તેમજ પાસ્તા ઉપર રેડવું. ઓવનમાં બેઈક કરી ટોમેટો-કેચપ સાથે વાનગી સર્વ કરવી.

દૂધીનું ખાટું શાક

સામગ્રી : ૧ નાની દૂધી, ૧નાનું ટામેટું, ૧ કપ દહીં, બે મોટા ચમચાં તેલ, ૧/૪ ચમચી જીરું, ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી રાઈ, તળવા માટે તેલ. સજાવટ માટે : ૬-૮ ટુકડા દૂધી, ૧ મોટું લાલ ટામેટું, ૧ ઝૂડી કોથમીર.

રીત : દૂધીને ધોઈ તેના બારીક ટુકડા કરો. તેલ ગરમ કરી એમાં દૂધીના ટુકડા બદામી રંગના તળીને બહાર કાઢી જુદા રાખી મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી. તેમાં જીરું અને રાઈનો વઘાર કરી ટામેટાંના બારીક ટુકડા નાખો. તેમાં મીઠું, મરચું, અને હળદર નાખી સારી રીતે ચડવા દો. બરાબર ચડી જાય. એટલે તેમાં દહીં નાખી બે મિનિટ રહેવા દો. તેના પર દૂધીના ટુકડા નાખી ૧૦-૧૫ મિનિટ સુધી ધીમે આંચે ચડવા દો. તૈયાર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી ચારે બાજુએ દૂધીના ટુકડા ગોઠવી સજાવો. ઉપર કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો.

દહીંવાળા ઉપમા

સામગ્રી : ૨૦૦ ગ્રામ તાજુ દહીં, ૨૫૦ ગ્રામ રવો, ૧ નાનો કાંદો, ૧ નાનું ટમેટું, ૧૦ ગ્રામ મગફળી, ૧૦ ગ્રામ ક્રિશમિશ, ૧૦ ગ્રામ કાજુ, મીઠો લીમડો, જરા હીંગ, અને રાઈ, ૫૦ ગ્રામ મટર, ૧ નાની ચમચી ચણાની દાળ, લીલા મરચાં સ્વાદ પ્રમાણે, ૫૦ ગ્રામ ગાજરના બારીક ટુકડા, ૩ મોટા ચમચા તેલ, અથવા ઘી, થોડી કાપેલી કોથમીર અને કોપરાની છીણ.

રીત : પ્રથમ રવાને કોરોજ કઢાઈમાં શેકી લેવો. તેજ કઢાઈમાં તેલ મૂકીને કાંદા સાંતળી લેવા. પછી રાઈ, લીમડો, હીંગ તથા ચણાની દાળ જરા શેકી લેવી. શેકાઈ જાય એટલે તેમાં મટરના દાણા, ગાજરના ટુકડા, ટામેટાના ટુકડા લીલા મરચાં અને મીઠું નાંખી દો. હલાવીને તેમાં કાંદા નાંખી દો. હલાવીને તેમાં મથેલું દહીં નાખો સાથે ૧ ગ્લાસ પાણી પણ નાંખી દો. એ બધું સારી રીતે ઉકળી જાય એટલે બધા કાપેલા મેવા રાખો. ઉકળતાં પાણીમાં ધીરે ધીરે રવો નાખતા જાઓ. અને હલાવતા જાઓ. બે-ચાર મિનિટમાં ઉપમા તૈયાર થઈ જશે અને કોથમીર કોપરાથી સજાવો.

કેસર-પનીર રબડી

સામગ્રી : ૨૦૦ ગ્રામ પનીર, ૧ ૧/૨ લીટર દૂધ, ૧ કપ ખાંડ, થોડું કેસર.

રીત : સૌપ્રથમ દૂધને ઉકાળીને અડધું કરવું. તેમાં ખાંડ નાંખવી. પનીરને મસળીને એકદમ લીસ્સું કરવું. તથા તેમાંથી નાની નાની ગોળી વાળવી. કુકરમાં ૧/૨ લીટર પાણી નાંખી પનીરની ગોળી નાંખવી. તથા એક સીટી વગાડવી. કુકર ઠંડુ થાય એટલે તેમાંથી બધી પનીરની ગોળી કાઢીને દૂધમાં નાંખવી. કેસર એક વાસણમાં ગરમ કરીને તેમાં દૂધ નાંખીને એકરસ કરવું અને દૂધમાં નાખવું. તથા હલાવવું. ફ્રીઝમાં ઠંડી કરીને પીરસો.

ફુદીના પૂરી

સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ, ૧ કપ સોજી, ૧ ચમચી અજમો, ૧ ચમચો ફુદીનાનો પાઉડર, ૧ ચમચો મોણ માટે તેલ, લોટ બાંધવા માટે દૂધ, તળવા માટે તેલ.

રીત : ફુદીના સિવાયની બધી સામગ્રી મિક્સ કરી પૂરીનો કઠણ લોટ બાંધો. તેને દસ મિનિટ સુધી ઢાંકી રાખો. પછી તેમાંથી લૂઆ બનાવો. દરેક લૂઆ પર ફુદીનાનો પાઉડર ભભરાવીને વણો અને તળી લો. પૂરી ઠંડી થઈ ગયા પછી એરટાઈટ ડબ્બામાં પેક કરી લો. સોસ, ચટણી અથવા ચા સાથે ખાવાનો આનંદ લો.

મકાઇની ત્રિકોણ પૂરી

સામગ્રી : બે વાટકી મકાઇનો લોટ, એક વાટકી આરારૃટ અથવા ઘઉંનો લોટ, એક ચમચી મીઠું, એક ચમચી મરચું, બે ચમચી અજમો, એક ચમચો તેલ મોણ માટે, તળવા માટે જરૃરી તેલ.રીત : બંને લોટને ભેગાં કરી, ચાળીને એમાં મીઠું, અજમો અને મોણ નાખી કઠણ લોટ બાંધો. પોલીથિનની મદદથી મોટો પાતળો રોટલો વણો. ચપ્પુથી એના ત્રિકોણાકારમાં ટુકડા કાપી નાખો. ચા કે કોફી સાથે ગરમાગરમ ત્રિકોણ પૂરી પેશ કરો. આ ત્રિકોણ પૂરી પૌષ્ટિક હોવાની સાથે-સાથે સ્વાદિષ્ટ પણ હોય છે.

ઢોકળાનું શાક

સામગ્રી: ઢોકળા માટે- ૧/૪ કપ લીલી મગની દાળ ૨ થી ૩ કલાક સુધી પલાળેલી,૨ લીલા મરચાં - ટુકડા કરેલા, મીઠું- સ્વાદાનુસાર, એક ચપટીભર હીંગ, ૧ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ, તેલ- ચોપડવા માટે. બીજી જરૂરી વસ્તુઓ- ૨ કપ તૂરીયા- ત્રાંસા કાપેલા, ૧ ટેબલસ્પૂન તેલ, ૧/૨ ટીસ્પૂન રાઇ, ૧/૪ ટીસ્પૂન હીંગ, એક ચપટીભર ખાવાનો સોડા, મીઠું-સ્વાદાનુસાર, ૧ કપ બાફેલા મકાઇના દાણા, પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે (થોડું પાણી ઉમેરીને)-૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર, ૩ લીલા મરચાં, ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ, મિક્સ કરીને મસાલો બનાવવા માટે- ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર, ૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર, ૧ ટીસ્પૂન સાકર ૧/૪ ટીસ્પૂન મરચાં પાવડર, ૧ ટીસ્પૂન ધાણા પાવડર, મીઠું- સ્વાદાનુસાર.

રીત: ઢોકળા માટે- લીલી મગની દાળને નીતારીને તેમાં લીલા મરચાં અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને બાફવા મૂક્તા પહેલાં તેમાં ફ્રૂટ સોલ્ટ અને ૧ ટીસ્પૂન પાણી મેળવો. જ્યારે તેમાં પરપોટા થતા દેખાય ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો. એક ૧૦૦ મી. મી. (૬”)ની થાળીમાં થોડું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલું ખીરૂ રેડી લો. પછી તેને ૭ મિનિટ સુધી બાફી લો. તે પછી તેને બહાર કાઢી થોડા ઠંડા થવા દો, તે પછી તેના સરખા ચોરસ ટુકડા કરી બાજુ પર રાખો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને ૩/૪ કપ પાણી મેળવી એક ઉભરો આવવા દો. પછી તેમાં તૂરીયા, ખાવાનો સોડા, મીઠું અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તે પછી તેમાં પેસ્ટ અને મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. પીરસતા પહેલા, તેમાં ઢોકળાના ટુકડા મેળવી, હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.

***