મિત્રતા Hemal Maulesh Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિત્રતા

મિત્રતા“

જીવનની આપાધાપીમાં કયારેક કઇંક એવુ બની જાય છે જે જીવનભરનું સંભારણું બનીને રહી જાય છે......ના એની યાદમાંથી છટકી શકાય કે ના છટકવું ગમે છે. ક્યારેક એ ટીસ બનીને ઊઠે છે.. ક્યારેક તડપ બનીને પ્રસરે છે.......રોમેરોમમાં વેદના બનીને પ્રગટે છે.......એ યાદોનાં તીખારા સૂતેલી રાખમાંથી અગ્નિ પેદા કરે છે......આજે આવી જ આગમાં લપેટવાનુ “સદભાગ્ય” મારા ભાગે છે.....પણ ના હું એનાથી ભાગવા માગૂ છુ ના ક્યારેય ભાગી છુ.પીડાને પણ ક્યારેક માણવી પડે છે.આ પીડા મૃત્યુની સાથે મારા પ્રિયજનની મુલાકાતની છે .....મોતને નજરે નીરખ્યાની વાત. છે..... ..અમાસનો દિવસ કોઇની કાળરાત્રી બન્યાની વાત છે. ત્યારે હું માંડ ૧૧ વર્ષની હોઇશ..ને આ ઉંમરે મોત સાથે પહેચાન તો ક્યાં બનાવી હોય..! છ્તાં ય એ ૧૧ વર્ષના હાથોમાં એક જીંદગી એ શ્વાસ મુક્યાની આ વાત છે, એક હસતી રમતી ૧૫ જ વર્ષની કન્યાની આ વાત છે.

અમારા ઘરને બીલકુલ અડીને જ એનુ ઘર હતુ..એ ઘરનો કલબલાટ હમેંશા કાનોને અથડાતો જ રહેતો..પછી એ પછડાતા વાસણનો હોય કે ઝપટાતા બારી બારણાનો હોય.… વાતચિતનો હોય કે સતત રહેતી અવરજવરનો હોય…જે હોય તે પણ એ અવાજ મારા સુનાપણાનો સાથીદાર હતો…..મમ્મી પપ્પાના સ્કુલે ગયા પછીનો સથવારો હતો..તેના ઘરના કલશોરથી મન તો મારુ ભરાતુ હતુ.

આજથી લગભગ 23 વર્ષ પહેલાની વાત છે પહેલા તો કેવુ કે ટીવી તો હતા નહિ કે આજના બાળકોની જેમ ખોડાઇ ને જ રહીએ.. કે ન હતા મોબાઈલ કે આખો દિવસ એમાં પસાર કરી શકીએ કે નહોતી કોઈ મોબાઈલ ગેમ્સ કે તેમાં રમી શકીએ ......અમે તો એ ય ને મસ્ત સાતતાળી .થપ્પો .દોરડાકુદ ,ચૌખંડાને નારગોળ .ખોખો ને કબ્બડી જેવી કેટલીયે રમતો સાથે જ રમતા..ક્યારેક અમારા ગામમાં સર્કસ આવે કે જાદુગરના ખેલ આવે ત્યારે તો જાણે અમારે ઉત્સવ આવ્યો હોય .સર્કસ આવીને જતુ રહે તો પણ અમારા સર્કસનાં દાવ તો ચાલુ જ રહેતા......એની જેમ ખેલ કરવાની અમે થોડી ઘણી કોશિશ કરતાં હતા .........દર રવિવારે ક્યાંક ને ક્યાંક જવાનું હોય ..એ પણ સાઇકલમાં ..ખૂબ મજાના દિવસો હતા....!

અને આવા જ મજાના દિવસોમા એક દિવસ એને એટલે કે મારી એ મિત્રને ચક્ક્રર આવ્યા ને પડી ગઇ…..ડોકટરને દેખાડ્યુ.. થોડી દવા આપી ,થોડું સારું થયું પણ ફરી પાછું એજ ચક્કર આવવાનું શરૂ થયું એટ્લે અમારા ગામમાંના ડોક્ટરને કઇંક વધારે કારણ ન મળ્યું અને તેને મોટા શહેરમાં બતાવવાનું કહ્યું ત્યાં પણ ગયા પરંતુ કોઈ જ કારણ શોધી શકાયું નહીં ..મગજની એ બીમારી એને વળગી ગઇ હતી અને પછી આમ જ જુદાજુદા ડોકટરોની મુલાકાતોના દોર ચાલુ જ રહ્યા.. ....દોરાધાગા , માનતા–બાધા કરવાનુ પણ એ શિક્ષિત મા–બાપ ચુક્યા નહી…….ધીમે ધીમે સમય રંગ બતાવતો ગયો..કાળની કેડી જાણે એને માટે એને માટે વધુને વધુ નજીક આવતી ગઇ..પણ ક્યા મા–બાપ આ વાતને સ્વીકારવા તૈયાર થાય ?અને મા-બાપ જ શું કામ એ મીઠડી છોકરીને આમ સૂનમૂન સૂતેલી જોવા માટે એને જાણતા લોકોમાં કોઈ જ તૈયાર ન હતું ....તેના મા - બાપ અને બધા સ્નેહીજનો ગમે તે કરી છૂટવા તૈયાર હતા…હવે તો તેની યાદદાસ્ત પણ સાથ છોડવા લાગી હતી……સાથે ગમતી વસ્તુઓની અમારા બન્ને વચ્ચે ક્યારેક થતી જીદ તો આપોઆપ જ છુટવા લાગી હતી. હમેંશા મને જોઇને એની અઠ્યાવીસી દેખાડતી એ હવે ક્યારેક જ ધીમુ મલકતી હતી.. અમારી ‘ફોરેન’ના કાપડમાથી સિવડાવેલી એક સરખી ફ્લાવર પ્રિન્ટ વાળી પિન્ક મેકસી હવે હું એકલી એક્લી જ પહેરતી હતી..અને એને આવો બધો અણસાર નહોવા છતાં ય એની મમ્મીને હું તેને પહેરાવાનો આગ્રહ રાખતી હતી.. કારણ બધાની આશા ખુટી ગઇ હતી પણ મને તો કક્યાં ખબર જ હતી કે એની પાણીદાર આંખોનુ તેજ ધીમેધીમે ઓલવાતુ જતુ હતુ..અને હવે બધાને નિરુપાય થઈને જોયા કર્યા સિવાય હાથમા કઈં જ ન હતુ. આજથી અઢી–ત્રણ દાયકા પહેલા તો મેડીકલ સાયન્સ પણ ક્યાં એટલું ડેવલોપ હતુ કે ઉપાય પણ શક્ય બને..!

આમ બધા જ ઉપચારોથી ત્રસ્ત થઇને અંતે ભગવાનની ઇચ્છાની આગળ એ પરિવાર ઝુકી ગયો..રોજ થતી તેના નામની પુજા–અર્ચના એના આયુષ્યમા તો નહિ પણ એના એ આયખાની પીડા ઓછી કરે એની માટે જ થવા લાગી..ને એ આખા આયખાની પીડામાંથી છુટકારો અપાવે એ દિવસ પણ આવ્યો ..

એ અમાસનો દિવસ હતો …એવરત–જીવરતના વ્રતનો દિવસ હતો. .મારા મમ્મી અને તેના મમ્મીના બહેનપણા પણ અમારી જેમ જ અંખંડ હતા..તેઓ બન્ને પુજાની તૈયારીમા પડ્યા અને તેની પાસે બેસવાનું કામ મારુ હતુ.. હજુ તો ત્યાં એના માથા પાસે તેનો હાથ પકડીને બેઠી જ હતી કે તેને આંચકી આવવા લાગી અને આવી રીતે એને ઘણી વાર આંચકી આવતી એટલે મેં માસીને અવાજ દીધો..ને માસીએ બહારથી જ મને કહે એને થોડું પાણી પા ત્યાં હું આવું છુ.. ત્યાં જ મારો અવાજ સાંભળીને દોડતા માસા પણ આવ્યા અને મેં તથા માસાએ પાણી પાયુ ..એક ચમચી પાણી પીધુ ને બીજી ચમચીમા તો એ મોટી મોટી આંખો મારી સામે જ જોતી રહી ગઈ…આંચકી બંધ અને તેની પીડા પણ બંધ..એ શ્વાસ છુટી ગયો અને અમારી ‘અખંડ‘ મૈત્રીને તોડી ગયો..!

આજે પણ એ ‘જીવરત‘ ના દીવસે એના ”જીવતર‘ સાથે ખેલાયેલુ મોતનુ ઉજવણું યાદ આવે છે. એની આંખો જોઈને જ માસી ખૂણામાં જઈને જે ચીસો પાડીને રડેલા એ ચીસોએ મને ઘણી રાતો જગાડી હતી .કેટલું દુખ ને કેવડી વેદના ..!!! મને તો એ કરૂણ ક્ષણોની યાદ તો છે જ સાથે એની એ નાનકડી જીંદગીના ફુલગુલાબી પ્રસંગો પણ યાદ છે કારણ એ અમે સાથે જીવેલા હતા..સ્કુલનો સથવારો..રમતોમાં અડિખમ રહેનારો..તેના જીદ્દી સ્વભાવને લઈને મારી સાથે હમેંશા જીતનારો એ સાથ એની જીવનની સફરને ટુકાવીને છુટી ગયો…..

એની એ મોટી આંખો તો મને હજુ પણ નજરે ચડે છે. એનુ એ તેજ હજુ પણ આકરૂ લાગે છે..મને તો એ પણ ખબર નહોતી કે તેની સફર આટલી અધુરી છે…અમારી રમતો પણ હજુ તો અધુરી હતી ..અમારા એ બાળપણના દિવસો ક્યાં પુરા જીવ્યા હતા..એ દિવસોના દિવસો સુધી મારી સાથે એટલી વણાયને રહી...ડગલે ને પગલે એની યાદ મને આવતી રહી ....એ ઘરમાંથી એનો અવાજ આવતો તેની માંદગી દરમ્યાન જ બંધ થઈ ગયો હતો પણ એ સૂતી તો હતી .તેની હયાતીના પુરાવા એ પલંગ દેતો તો હતો જ .....પણ હવે તો એ પણ નહીં .....એની હાજરી એ પલંગ પર પણ નહીં ......એ ઓરડો પણ ખાલી અને મારૂ હ્રદય પણ ખાલી .....એના એ મૃત્યુ એ મારા બાળમાનસ પર કરેલા આઘાત મને ક્યારેય કોઇની નજીક ન જવા દીધી..અને કયારેક લાગે છે એ બાળમાનસ હજુ પણ મારા મનમા જીંવત છે.. કોઇની પણ એનુ સ્થાન લેવાની કોશિષ મને તેની સાદી મૈત્રીથી પણ દુર કરી દે છે. મૃત્યુ સાથે બધાએ એક વાર મુલાકાત કરવી જ પડે છે એ સત્ય તો હવે સમજાયું હતું ને આ સત્ય બહુ જ કડવું હતું ....!

અત્યારે ફ્રેન્ડશીપ દીવસ ઉજવવામાં આવે છે .મિત્રોને મળવાનું આસાન થઈ ગયું છે .મૈત્રીની પરિભાષા બદલાઈ છે

ત્યારે આ ફ્રેન્ડ્શીપ ડે ના સ્પેશીયલ દિવસની જરુર નહોતી અને મને તો હજુ પણ તેને યાદ કરવાનું કોઇ જ કારણ શોધવા નથી જવુ પડતું ..એ બાળપણનુ જીવાયેલુ નાનકડું સખીપણું આજે પણ મને વીતેલી વાતોને યાદ કરીને હસાવી પણ શકે છે અને આ લખતી વખતે મારી જાણ બહાર મારી આંખોને વહેતી પણ કરી મુકે છે..

અને હા..આજે બધા મિત્રોની વચ્ચે પણ મને એની ખોટ સાલે જ છે..બધાને પોતિકી મૈત્રીનાં મુલ્યની પહેચાન હશે ને હોવી જ જોઇયે ..જ્યાં મારી પહેચાન તો ખુબ જ નાની છે..ક્યાંક હજુ પણ એ આંખોનો ચમકારો પાછો મેળવાની આશા સાથે જ.. મૈત્રી સંબંધ ધરાવતા બધાને શુભકામના..કે તમારી મિત્રતાનો અંત ક્યારેય અમારી મિત્રતા જેવો ન જ હોય..!!!

અસ્તુ .