માસિક ધર્મ કે માનસિક ધર્મ Hemal Maulesh Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માસિક ધર્મ કે માનસિક ધર્મ

માસિક ધર્મ કે માનસિક ધર્મ ?

અરે રે ! આ મારી પુર્વી તો ચૌદ વર્ષની થઈ ગઈ છે પણ હજુ કેમ આમ ? દિનાબેન !! મને બહુ ચિંતા થાય છે .કોઈ ડોક્ટરને બતાવું કે શું કરું ? આ જુવોને તમારી નેહા અને મારી પુર્વીને દોઢ વર્ષનો જ ફેર છે છતાં પણ આમ કેમ ? અરે ! સુરભિ ચિંતા શેની કરે છે ? આ જો નેહા હવે સ્કૂલ જાય ને તો મને કેટલી ઉપાધિ થાય છે અને ક્યાંક આડોઅવળો પગ પડી ગયો તો ? કેટલું ધર્મ સંકટ ??

સુરભિ આજે સવારે થયેલા સંવાદોને વાગોળી રહી હતી . ક્યારેક ચીડ અને ગુસ્સો આવતો કે સાલ્લું આ બધુ સ્ત્રીઓના ભાગે જ કેમ ? ને પછી પોતે જ બબડતી કે .સૃષ્ટિની રચના કરવા માટે માસિક ધર્મ આવવો આવકાર્ય જ નહીં અનિવાર્ય પણ છે .

ને પાછી પોતાના જ વિચારોનો સંકેલો કરીને એ કામે વળગી ..પણ આ સવારનો વળગેલો વિચાર ક્યાંય કેડો મૂકતો નથી . હજુ એની દીકરી સ્ત્રીત્વની નિશાનીને પામી કેમ નથી શકી ? કે પછી આજકાલની છોકરીઓને તો બધુ જ ખબર પડતી હોય છે ને હવે ક્યાં પહેલાની જેમ કપડાં સુકવવાની ઝંઝટ કે પછી ખૂણો પાડવાની ઝંઝટ છે . કદાચ મને ન પણ કીધું હોય ? ચાલો આજે સાંજે જ આ પ્રશ્નનો જવાબ મેળવીને રહીશ અને નહીંતર શનિવારે ડોક્ટરને બતાવવા જવું જ પડશે . આજકાલ તો દસ બાર વર્ષની છોકરીઓ પણ .....!

ઝટપટ કામ પતાવ્યું અને જરા જેટલી આંખ મીંચવા આડી પડી પણ એ વિચારોએ કેડો મુકયો જ નહીં ...ને એ વિચારોએ જ પછી તો ભૂતકાળનો પટારો ખોલી દીધો . એ પટારામાંથી તો જે કઇં નીકળે એના પર તો ક્યાં કાબૂ જ રહ્યો ....કેવા દિવસો હતા એ ? બન્ને કાકા અને તેમનો પરિવાર સાથે દાદા દાદીની ઓથ વેકેશનમાં આવતો ફઈબાનો પરિવાર , એ ધિંગા મસ્તી , જમવામાં થતાં ઝઘડા કે અગાશીએ સુવા જવાની હોડ ....! તેને યાદ છે સૌથી મોટી ફઈબાની મીના હતી જેને હવે અગાશીમાં બધાની સાથે સુવાની છૂટ ન હતી . ત્યારે બધા રાજી થયા હતા જે હાશ હવે સંકડાશ ઓછી થશે ને ત્યાર પછીના વેકેશનમાં વારો હતો કાકાની ક્રુતિનો ને હવે હું અને શીલું બે જ બચ્યા હતા ..એ ય ને પગ પ્રસારીને સૂતા ને આકાશી નજારાને માણતા. હા ! એ બન્નેના અગાશીએ સુવાના બંધનનું કારણ જાણવાની કોશિશ નહોતી કરી . શું જરૂર હતી ? અમને તો જગ્યા મળી હતી ...બીજા જ વેકેશનમાં શીલુનું સુવાનું બંધ થઈ ગયું ને પછી બચી હું એકલી ...ને એકલી છોકરીને તો સગા ભાઈની સાથે જવાની પણ ક્યાં છૂટ હતી ત્યાં આ તો રાતે એકલા સુવાની વાત હતી . મારૂ સુવાનું બંધ થયું ત્યારે મને સમજાયું કે મારી બહેનોનું સુવાનું કેમ બંધ થયું હતું !!!!

ને હવે એ મારી મા , દાદી અને કાકીઓ માટે પ્રાણ પ્રશ્ન બની ગયો હતો . ડોશીવેદ્યના કેટલાય પ્રયોગો મારી પર કરવામાં આવ્યા હતા . અજમાનો ઉકાળો , ગરમ ગરમ વસ્તુઓ , પપૈયાંની ચીરો ખાઈખાઇને તો હું ઉબકી ગઈ હતી .ને પછી આ વાત પહોંચી મોટેરાઓ આગળ . ને જો આ વાત બહાર પડી જાય તો તો ભારે થઈ જાય !!! એટ્લે પૂરી સાવધાની સાથે મને ‘બધુ’ જ સમજાવવામાં આવ્યું . કોઇની સાથે વાત કરવી નહીં ..સ્કૂલમા કોઈને કૈ જ પૂછવું નહીં કે કહેવું નહીં ..મહિનામા ત્રણ દિવસ મારે ખબર નહીં કેમ પણ એ નાનકડી ઓરડીમા મારા ભણવાના ચોપડાઓ લઈને ખાલી ખાલી બેસી રહેવું પડતું . જમવાનું પણ એક જુદી થાળીમા રહેતું . મારા ચોકખા ચણાક કપડાઓને અગાશી પર સૌનું ધ્યાન પડે એ રીતે મારે જ ધોઈને નાખવા જવા પડતાં ...! ને મને આવી રીતે જુદી શું કામ રાખવામા આવે છે એનું કોઈ જ કારણ મને મળતું નહીં અને મને કોઈ જણાવતું પણ નહીં ...! મને આનંદ એ જ વાતનો હતો કે આ વેકેશનમા ફઈબા અમારે ઘેર નહીં આવે પરંતુ અમારે એમના ઘેર જવાનું છે અને મારી બન્ને બહેનોને અહીંયા જ રહેવાનુ છે પરંતુ મને મા અને કાકી ભેગા ત્યાં જવાનો મોકો મળવાનો છે . શહેરમાં રહેતા ફઈબાના ઘેર જવા હું અંધારી ઓરડીમા રહેવા તૈયાર હતી .

એ દિવસ આવી પહોંચ્યો . મને તો શેરીમાંથી જ ખબર પડી કે ફઈબાની તબિયત ખરાબ છે અને અમે તેમને મદદ કરવા માટે ત્યાં જઇ રહ્યા છીએ. બાકી ઘરમાં તો આવી વાત ક્યારેય થઈ નહોતી . !!!

એ જ દિવસે અમે જવા નીકળી ગયા ને ત્યાં બે ત્રણ દિવસમા મારી સાથે જે કઈં પણ થયું એમાં મને મારી બહેનોનું અગાશી સુવાનું બંધ કેમ થયું ,, મને અમસ્તી જ એ ઓરડીમા કેમ સુવા દેવામાં આવતી હતી ? ઘરના શું ચિંતા કરતા હતા ? શું કામ મારે ત્રણ દિવસ ફરજિયાત જુદું રહેવું પડતું ? એ બધા જ અઘરા સવાલોનો તાળો મળી ગયો હતો .

ને ચાર દિવસ પછી મા અને કાકી ગયા ને હવે મારે ફઇબાને ઘેર રહીને જ ભણવાનું હતું . હા એક વાત મને ગમતી હતી ડોક્ટર મેડમ ખૂબ સારા હતા . તેમણે આપેલ બધી દવાઓ સમયસર લેવાનું ચૂક્તી નહીં . થોડા દિવસ તો મજા આવી પણ પછી ઘર ખૂબ યાદ આવતું હતું . મીના હતી તો સારું હતું ને હવે તો મને પણ બધુ જ સમજાતું હતું .. એ રાત તો કેમ ભૂલાય ? એ સવારથી કઈક બેચેની જેવુ લાગતું હતું ને સાથે થોડો થાક લાગતો હતો . ક્યારેક પેટમાં કોઈક વલોણું ફેરવતું હોય એવો દુખાવો થતો હતો . મીના આજે સવારથી બહાર હતી ને ફઈબા એના કામમાં . ઘેર હું એકલી રહેવાની હતી . થોડી વાર તો થયું ફઈબાને વાત કરું ? પણ ના ના ..એ હમણાં એમની સંસ્થાની મિટિંગમા જવાના હતા . ચૂપચાપ મોઢું ઓશિકામા દબાવીને સૂતી રહી ..સહન ન થયું તો માથાનું ઓશીકું પેટ નીચે દબાવ્યું . ને એ ક્યારેય સહન ન કરેલી પીડાને પચાવવાની કોશિષ કરતી રહી ..કેટલો સમય ગયો ખબર ન પડી ? પીડા જાણે પોતીકી બની હોય એમ સાથે ને સાથે રહી .. ક્યારની લાગેલી તરસ છુપાવવા જ્યાં ઊંઠી ને આખી પથારી લાલ ....જમીન લાલ ને પહેરલા કપડાં લાલ . ..ને આ લાલ લાલ જોયા પછી ફઈબાની ખુશી પણ લાલ લાલ . ને પછીના વર્ષે જ પાછી એ પોતાના ઘરમા રહેવા આવી ગયેલી ......! તો શું મારે પણ પૂર્વીને એના ફઇબાને ઘેર મોકલવી પડશે કે પછી .?? કે હવે જમાનો બદલાયો છે . ?

તા. ક. : કિશોરાવસ્થામાં પ્રવેશતાની સાથે જ છોકરીઓને 'માસિક ધર્મ' ની શરૂઆત થાય છે . પહેલીવાર કિશોરીઓએ માસિક ધર્મનો સામનો કરવો પડે છે ત્યારે તેમની શારીરિક સ્થિતિની સાથેસાથે માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. શરીરમાં અચાનક થઇ ગયેલા ફેરફારને લઇને તે ચિંતા અનુભવવા લાગે ને બીજી તરફ તેને શરમ પણ આવે છે.

દરેક છોકરીના જીવનમાં આ દિવસ આવે જ છે શરૂઆતમા તે સંકોચ, ચિંતા, શરમની લાગણીથી ઘેરાયેલી રહે છે. મોટાભાગની છોકરીઓને 10થી 13 વર્ષની ઉંમરની અંદર માસિક ધર્મ શરૂ થઇ જાય છે.
મોટાભાગની છોકરીઓને મહિનામાં એકવાર માસિક ધર્મ આવે છે. બે માસિક ધર્મની વચ્ચેનો સમય સરેરાશ 25થી 32 દિવસનો હોય છે. પણ કેટલીક છોકરીઓમાં આ સમયગાળો વધુ તો કેટલીકમાં ઓછો હોઇ શકે છે. માસિક ધર્મ સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસના હોય છે. જો તમે ગર્ભ ધારણ નથી કરતા તો આ ચક્ર તમારા મેનોપોઝ(રજોનિવૃત્તિ) સુધી દર મહિને ચાલતું રહેશે પણ જો અચાનક તેના ચક્રમાં અનિયમિતતા આવે તો તપાસ કરાવવી જરૂરી છે.
માસિક ધર્મ દરમિયાન દરેક સ્ત્રીના મૂડમાં ફેરફાર થતા રહે છે. ક્યારેક મૂડ સારો તો ક્યારેક ખરાબ રહે છે. આ દરમિયાન બેચેની, આળસ, ભૂખ ઓછી લાગવી, ચીડિયા બની જવું વગેરે સ્વાભાવિક છે. ખાસ કરીને શાળાએ જતી છોકરીઓમાં આવું થાય છે. આવામાં માતાએ તેને માનસિકરૂપે તૈયાર કરવી જરૂરી છે. તેણે પોતાની કિશોરી પુત્રીને સમજાવવી જોઇએ કે સ્ત્રીના શરીરની આ પ્રક્રિયા બહુ સામાન્ય છે. ને જો અસામાન્ય જણાય તો ઊંટવૈદ્યા કર્યા વગર ડોકટર પાસે જવું જોઇયે જેથી કરીને સુરભિ જેવી દશા ન થાય .