રામ જાણે Hemal Maulesh Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામ જાણે

નામ : હેમલ મૌલેશ દવે

ઇ-મેઈલ :hemal.maulesh@gmail.com

ફોન નંબર : 99251 52625

‘ “ રામ જાણે “ ‘

દરિયાના ઊછળતા મોજા સાથે આજે હું પણ કૈંક ઊછળી રહી હતી કે મારી અંદર કૈંક ઊછળી રહ્યું હતું ..રામ જાણે ..!!

હા એ રામ જ જાણે !! એનું નામ રામ હતું જે હવે મારા હ્રદયની આરપાર ઉતરીને મન પડે ત્યારે

ઊછળીની બહાર આવવા માગતું હતું ..” This is not right time baby “ બસ રામ જાણે એ right ટાઈમ ક્યારે

આવશે જ્યારે હું ગાઈ વગાડીને ઢોલ પિટાવીશ ..ઓહ પણ હવે ક્યાં ઢોલ પીટવાની વાત છે …!!! હવે તો મૂકો એક

સ્ટેટસ વોટસઅપ પર ..બીજું મૂકો ફેસબુક પર .....ને દુનિયા આખીને ખબર બસ થોડી જ સેક્ન્ડોમાં ........પણ આ મારા

હવાઈ તુક્કા આ રામ સાચો પાડવા દેશે ત્યારે ને ..!!!!

ચાલો ભવિષ્યને બાજુએ મૂકી ..ભૂતકાળને વાગોળી લઉં એમાં ક્યાં બંદો વચ્ચે આવશે ...!! ને હવે

હું પહોંચું છું નીલી નીલી પહાડીઓની વચ્ચે જ્યાં હું રામને પહેલી વાર મળી હતી ...ક્યાં પહાડ ને ક્યાં દરિયો ...!! પણ

તકદીરમે મિલના લીખા થા બોસ ..!! સાંજને માણતી એક ટેકરી પર જ્યારે હું બેઠી હતી ગુલતાન બનીને, ત્યારે આ

મહાશય એ સાંજને માણવાને બદલે ક્લિક ક્લિક કરવામાં વ્યસ્ત હતા ...ને મને પણ ડિસ્ટર્બ કરતાં હતા ને ત્યારે હું

બબડતી હતી કે આટલી સાંજને માણવા કરતાં પકડવામાં વ્યસ્ત છે કેવો માણસ છે ..??? ને પછી આ માણસે મારા

એ બબડાટને પકડ્યો .. એ સાંજના ફોટોગ્રાફ સાથે મને પણ પકડી લીધી ને એવી કે જાણે વર્ષોથી એની જ પકડમાં

જીવતી રહેતી હોય ...!!

*****************************************************************************************

સાગરને હંમેશા શ્વાસોમાં ભરીને જીવતી હું ..મને એમ જ હતું કે મને એ ખારી હવાઓમાં જ મીઠો

સાથ મળશે પણ એ મને મળ્યો પહાડીઓની પાતળી હવામાં ....!! ને હવે એ મારી સાથે જીવતો હતો ક્યારેક ખારાશ

બનીને ક્યારેક મીઠાશ બનીને ...વિરુદ્ધ સ્વભાવ અમને એક થવા દેશે કે નહીં ? ક્યારેક ઉઠતાં આ સવાલના જવાબ

સામે એનો પ્રેમ પુનમી દરિયાના મોજાની જેમ વરસતો ....તરસને તરસી રાખીને પણ એ તૃપ્ત કરી દેતો..દૈહિક

આવેગોને ખાળીને એ મારા મનને સુંદર મનોભાવોથી ભરી દેવામાં હંમેશા કામયાબ રહેતો ને બસ એની આ વાત પર

જ હું મુસ્તાક હતી ને ..!!! એ મારો પ્રેમ હતો કે મારૂ જીવન .. જીવન જીવવાનું બળ હતો કે જીવન કેમ જીવી શકાય

એ શીખડાવનાર કળ હતો ... એ હું ક્યારેય નક્કી ન કરી શકી ને નક્કી કરવા માગે છે પણ કોણ ..?? અરે યહી તો

રાઇટ ચોઈસ હે બેબે ....!!

બસ આ એની તકીયા કલામ હતી .શબ્દોની સાથે એ ખેલી શકતો હતો ને ખીલી શકતો હતો ..ગમે તેવી

પરિસ્થિતીને “ રાઇટ “ લગાવીને “ ટાઈટ” કરી શકતો હતો ..એનો સાથ સાથે હોવો એટ્લે જાણે દુનિયા મુઠ્ઠીમાં

સમાયેલી લાગતી ...!! ને એ મુઠ્ઠીને હવે બંધ કરી દેવાનું ઝનૂન મારામાં જાગ્યું હતું પણ મારા આ રામનો “’ રામ’ “

જાગતો નહોતો ..કોણ જાણે ક્યારે જાગશે .??

અરે ! જુવો હરીફરીને વાત ત્યાં જ આવીને ઊભી રહી ,,ભૂતકાળનો પટારો આજે 3 વર્ષનો થયો છે ..ને

વિચારેલા ભવિષ્યને હવે ઉડવું છે પણ પાંખો..!! આ રામ આપે ત્યારે ને ..!!

આજે રામ આવવાનો છે ..ને રાહ જોવડાવીને મારો દમ કાઢશે...ને પાછું કઈ કહેવાય નહીં ને

કહેવાય જાય પછી એ બોલે એ સહેવાય નહીં..હા પાછું એ બોલે એના પર રિસાવાય પણ નહીં ને જો રિસાયા તો

મનાવવાનું તો એ ક્યાં શીખ્યો જ છે ...ને છતાં ય એ મારો રામ છે ॥ અલગ, અલ્લડ, અનોખો ને અલગારી. છેલ્લા

ત્રણ વર્ષથી દરેક મંગળવાર મારે એને નામ જ રહેતો ..ભીડથી ભાગતા મારા એ અલગારી રામને શનિવાર ને રવિવાર

પસંદ ન હતા. બસ મંગળવાર જ જાણે મારા જીવન જીવવાનું કેન્દ્ર હતું. ને એ દર મંગલવારે એ કેન્દ્રમાંથી છૂટતા

તેજવલયો બાકીના વારની ત્રિજયામાં ફેલાતા જતાં હતા.

ક્યારેક એ તેજવલયોમાં મમ્મીના તણખા પણ ઝરતાં ..! “ક્યાં સુધી મંગળવારની માયા ચાલુ

રાખવાની છે. માણસો મંગળ પરથી જઈને પાછા આવી જાય છે ને તું એક મંગળવાર પર જ અટકીને ઊભી છો “ આ

મમ્મી ઉવાચ પાછું બીજા મંગલવારે રામને ટ્રાન્સફર થતું પણ આ ટ્રાન્સફોરમેશનની એક પણ પ્રક્રિયા એના ફોર્મેટને

બદલાવી શકતી નહી ઊલટાનું મારૂ ફોર્મેટ થઈ જતું ને પછી મમ્મીનાં શબ્દોને ઝેલવાની ને જીલવાની અને જીલીને

જીવવાની તાકાત આવી જતી હતી.

*****************************************************************************************

આજે મંગળવાર છે ને મારી હેતાનાં લગ્ન છે ...અમેરિકાનો મનન મારી સખીને પંદર દિવસની અંદર જ

હાઈજેક કરી જવાનો છે .મારી નાનપણની સખી ..મારા સુખ દુખની સાથીદાર .મને કડવા બોલ બોલીને જિંદગીની

મીઠાશ આપનારી સખી .જેની સાથે હું રામની સીતા બનવાના સપના શેર કરી શકતી હતી .તે આજે પરણી જવાની છે.

એના જવાની કસક સાથે મારા મનમાં એના મારાથી વહેલા ‘પરણી’ જવાની કસક પણ છે...કોઈને માટે પરણવું કેટલું

સહેલું છે માત્ર પંદર દિવસ અને હું દિવસો ..મહિનાઓ ને વર્ષોથી આ દિવસની રાહ જોયા કરું છું તો પણ ....!!

*****************************************************************************************

આજે આ બીજો મંગળવાર છે જ્યારે રામ નથી આવ્યો કે નથી રામનો કોઈ સંદેશો આવ્યો ...!! મારા

હેતાળ સંભારણા આજે મને શાતા નથી આપતા પણ અંદેશા આપે છે..!! ને હવે મને શંકા જાગે છે કે હું રામની

પરણેતર બની શકીશ કે નહીં ? ને મારી શંકાને આજે કોઈ સમાધાન નથી મળવાનું ..રામનું ન આવવું એટલે મારા

જીવનની .મારા મંગળવારથી મંગળવારની સફરને થંભાવી દેવી ...

ને હવે ત્રીજો,ચોથો.પાંચમો “રામ જાણે “ કેટલાય મંગળવાર મારી જિંદગીમાંથી ધીરે ધીરે પસાર

થઈ રહ્યા છે..હવે મને ગણતરી યાદ નથી ..મમ્મીના બોલને હું અબોલ બનીને સાંભળું છું ..દરિયાની ખારાશ મને

સ્પર્શીને મારા અણુઅણુમાં પગપેસારો કરવા લાગી છે..હા હ્રદયમાં કઇંક મીઠાશ જેવુ બાકી છે હજુ ..ક્યાંક આછી

પાતળી આશ પણ ઝૂલે છે..ભવિષ્ય જેવુ કઈં યાદ નથી હવે મને ..અને.!!! અને મારા ભર્યા ભર્યા ભૂતકાળનો પટારો

ચીંથરેહાલ છે.

*****************************************************************************************

આજે હેતા આવવાની છે એને ગુલાબી ગુલાબી ટેણકીને લઈને.... 3 મહિનાની શલ્વીને ફોટામાં જોઈ હતી

ત્યારે હ્રદયમાં કૈંક ઠરવાની સાથે બળવાની વાસ પણ આવી હતી .પરંતુ આ વાસને સુંગંધમાં પલટાવાનો કસબ તો હવે

ક્યાં મારી પાસે હતો કે ન હતો મારે હવે કોઈ મંગળવારનો મહિમા કે મને આ કસબનો કારીગર બનાવે ...!!

ને હેતા આવી ..તેની ટબૂડીને જોઈને પેલી બળવાની વાસ તો એવી ઊડી કે યાદ જ ન આવી કે

આવી કોઈ વાસ તેના જીવનમાં હતી. ને બીજી વાસ પણ ક્યાં યાદ હતી ...!! રામની સુવાસ જ હ્રદયમાં ભરીને બેઠી

હતી કે તેના વિરહની આગને એણે ક્યારેય રાખ થવા દીધી નહોતી ..એ આગમાંથી પણ તેને હ્રદય બળવાની સુગંધ

જ આવતી હતી. ..ને હવે એ ટબૂડીના જોરે એ આગને છમકારા મળતા ગયા..હવે એને મંગળવારનો દરિયો યાદ

નહોતો આવતો ..કદાચ હવે એ મંગળવારની માયામાંથી મુક્ત થવા માગતી હતી...!

ને હવે આજે એની સગાઈ હતી. એ કોઈની પરણેતર બનવા જઈ રહી હતી..આજે એના

હાથમાં પણ મહેંદી હતી ..લાલચટક ઘરચોળું અને સફેદ પાનેતરનો સમન્વય તેના શરીરને શોભા આપવાની તૈયારીમાં

હતા . હેતાની એ નાજુક નમણી ટેણકી શલ્વીએ ફક્ત ત્રણ જ મહિનામાં એને મંગળવારના મોહમાંથી મુક્ત કરી

એની કાકી બનાવવાનું નક્કી કરાવી દીધું હતું. આવતી કાલે બુધવાર હતો ને તેની પરણેતર થવાની સફર શરૂ થવાની

હતી. સગાઈની સાંજ કઇંક ભારેખમ લાગતી હતી ક્યારેય ન અનુભવી હોય એવી કઇંક છૂટવાના ગમ કરતાં પણ કઈક

તૂટયાની પીડા અંદર ભળી રહી હતી ..મનનના ભાઈ કવનની સગાઈની અંગૂઠીના ચળકાટે તેની અંદર રહેલા એક

જગ્યાએ સૂતેલા અંધકારને જગાવી દીધો હતો..મમ્મીના માયાજાળમાં એ હવે સલવાયેલી હતી..અંદરથી ફક્ત ને ફક્ત

રામની જ સીતાં બનવાના સપનાઓમાં સચવાયેલી પડી હતી .. બધુ જ જાણતી હેતાના હૂંફાળા વર્તને તેને કવનની

કવિતા સુધી પહોંચાડી હતી...!! પણ હજુ ય મંગળવારની મજબૂરી એને ઝુરાપો દેવડાવતી હતી. ને બસ આ ઝુરાપાની

ક્ષણોએ, એને ફરી પછી એ જ દરિયા કિનારે મહેંદી ભરેલા હાથે પહોંચવા મજબૂર કરી દીધી હતી. તે જાણતી હતી કે

હવે આ મંગળવાર તેની જિંદગીમાં ક્યારેય નહીં આવે.

આજે એ જ મંગળવાર હતો ને એ જ દરિયા કિનારો , એ જ રાહ જોવાતી પળો હતી..અકથ્ય વેદનાનો

સરવાળો ડૂબતો સુરજ ભાગી તો નહોતો શકતો પણ ગુણાકાર કરીને હાથમાં પકડાવતો હતો ..બધુ જ જેમનું તેમ હતું

સિવાય એક રામ ..બસ આ એક વિચારે એ આટલા મહિનાઓના વિયોગના બાંધને બાંધી ન શકી ..તૂટી પડી કારણ

કે એ છૂટી શકતી નહોતી ..કે છૂટવા માગતી નહોતી .....ગમે તે હોય પણ હવે એ વધારે તૂટી પણ નહીં શકે ને કોઈને

પોતાની જેમ તોડી પણ નહીં શકે. એક અઘરો નિર્ણય કર્યો એ હતો અંગૂઠીના ચળકાટને ઝાંખો કરવાનો .......!!

ને હવે એ દરિયા કિનારેથી પાછી ફરતી હતી એક આકરા નિર્ણય સાથે. બહારનો રામ ભલે સમયના

કાળચક્રમાં ક્યાંક ખોવાઈ ગયો પણ તે તેના હ્રદયમાં સૂતેલા રામને જાગતો રાખવા માગતી હતી ...!!

આજે પણ એ જ દરિયા કિનારો છે .. એ જ મારી પ્રતિક્ષા છે .....એ જ હવાની વ્યાપ્ત ખારાશ સમગ્ર

અસ્તિત્વમાં છે ...એ જ આશ છે .. એ જ પ્યાસ છે ....!! એ જ ‘રામ ‘ નામનો મારા હ્રદયમાં વાસ છે.

ને હા હવે મારૂ નામ શબરી છે.

હેમલ દવે