સહજીવનના લેખાજોખા Hemal Maulesh Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સહજીવનના લેખાજોખા

એ આજે તમે બહારથી આવો તો શાક લેતા આવશો પ્લીઝ ..?? ‘ કિચનમાંથી ઊંડે ઊંડેથી ઉદાસ સ્વર કિચનના સિંગલ દરવાજાને ભેદીને બહાર આવ્યો ....વિચાર આવ્યો કે, કોઈ દિવસ નહીં ને આજે કેમ આવો ઑડર આવ્યો હશે !!! અરે , થયું હશે કઇંક ચાલોને !!! એક જ દિવસનો સવાલ છે ને ! ને મોઢેથી એમ જ હા નીકળી ગઈ.

સાંજ પડી ને શાક પણ આવી ગયું .. હા એ સવાલ ત્યાંનો ત્યાં જ રહ્યો એનો જવાબ જાણવાની ન જીજ્ઞાસા થઈ ન સામેથી કારણ જાણવા મળ્યું . અહી જ સંબંધની દોરીમાં નાનકડી ગાંઠ પડવાની શરૂઆત થઈ ચૂકી હતી.

છેલ્લા 3 વર્ષથી જીવતા સહજીવનનો એક અણધાર્યો સવાલ કે, જેના જવાબ મેળવવાની તાલાવેલી એ પતિ મહાશયને નથી લાગતી. બસ અહીંયા જ સંબંધના સમીકરણ બદલાવાની શરૂઆત થઈ જાય છે. કોઈ બે વ્યક્તિનું જોડાણ જ્યારે થાય છે ત્યારે એ બન્નેના વ્યક્તિત્વનો જો સહિયારો વિકાસ થાય તો ને તો જ સંસારનું ગાડું સુખરૂપ ચાલ્યા કરે પરંતુ થાય છે એવું કે એક પૈડું જોર કરે છે ને બીજું તેની સાથે દોડતા હાંફી જાય છે ..કોઈને એ ખ્યાલ નથી આવતો કે દોટ થોડી ઓછી લગાવશુ તો કઈ બગડી નહીં જાય ને બીજું પૈડું જરા જોર લગાવશે તો સરખું ચાલશે. બસ આવી આંટીઘૂંટીમાં જીવનનૈયા હાલકડોલક થાય છે ને પછી એ નૈયાને હલેસા મારનાર તથા તે નૈયામાં સવાર બધા જ લોકોને એનો ધક્કો પહોંચે છે.

હવે આવું બને જ નહીં એ શક્ય તો નથી કારણ કે બન્ને જુદા જુદા વ્યક્તિત્વના માલિક છે સંવાદ સાધતાં ને સંધાતા 'વાર' તો લાગવાની પરંતુ જો એ 'વાર' લંબાઈ જાય તો જીવનની ‘વાટ ‘ લાગી જાય છે એ નક્કી વાત છે. પરંતુ થોડો પ્રયત્ન ,થોડી આપસી સમજણ અને સૌથી મહત્વનું પાસું - ‘પ્રેમ ‘ હોય તો આ સંવાદ વિવાદમાં પરિણમે પરંતુ વિખવાદમાં નહીં ડૂબે .

જ્યાં અહંકાર હોય ત્યાં અધિકાર ભળે છે ને અહમ અને સ્વાભિમાનની પાતળી ભેદરેખા પારખતા વાર લાગે છે ત્યારે સ્વમૂલ્યાંકન જરૂરી બને છે એના દ્વારા જ આપણે આપણી જાતને પારખી શકીશું ને સાથે બીજાને મૂલવી શકીશું ને આમ તો બીજાની મુલવણી કરવાની જરૂર પણ નહીં પડે જો આપણને આપણી જાત સાથે વાતો કરતાં આવડી જાય.

બાકી લેખાજોખાં માંડવામાં જ દિવસો પસાર થશે ને દિવસો ક્યારે મહિનાઓમાં ને પછી વર્ષોમાં પલટાઈ જશે તેનો ખ્યાલ આવશે ત્યારે બહુ મોડુ થઈ ગયું હશે ..ત્યારે જિંદગીના અમુલ્ય વર્ષો એળે ગયા હોય એવું લાગશે. બસ આ સમય ન આવે તે માટે જ સંબંધનું મેનેજમેંટ કરવું જરૂરી બને છે . આજના ફાસ્ટ યુગમાં જ્યારે સમય બહુ તેજીથી ચાલ્યો જાય છે ત્યારે તે સમયની એકાદ ક્ષણને પકડવામાં જો કામયાબ રહીએ તો આવી આંટીઘૂંટી પલકવારમાં ઉકેલી શકાય છે. દેહ છે ..દૈહિક જરૂરિયાતો છે ..તેમ જ મન છે તો માનસિક જરૂરિયાતો છે ..એમાં ખૂણે ખાંચરે ઘણું દફન કરીને જીવવું પડે છે એના હર્ષ શોક ન હોય ..એવું બધાના જીવનમાં હોય જ .એ ખૂણામાં ક્યારેક જઈને જોઈ લેવું પડે ..જીવી લેવું પડે ને પછી જીરવી લઈને આગળ વધવું જ પડે . જો એ ખૂણામાં પેલા ‘પોપટ’ની જેમ જીવ રાખીને જીવ્યે જઇયે તો એનો કોઈ ફાયદો નથી કારણ કે એ પોપટને ક્યારેય પાંખો આવવાની જ નથી. વળગણ છોડવાની વાત નથી વળગણને થોડો ક સમય અળગા મૂકવાની વાત છે.

પરંતુ ભૂલ અહિયાં જ થાય છે વળગણો એટલા વળગે છે કે એ વળનાં સળ આખા જીવનમાં ઉપસી આવે છે ને પછી એ સળ પાકે છે ને એમાંથી નાની મોટી એષણા , આકાંક્ષા , લોભના પાકી ગયેલા ઝરણા ફૂટયા જ કરે છે ને વહ્યા કરે છે ચોતરફ દુર્ગંધ ફેલાવતા. પછી કોઈ ડોક્ટર એની દવા કરી નથી શકતો બસ દુઝ્યા કરે છે. હકીકત સમજવાની અહિયાં જ છે જે દર્દની દવા જ નથી એ દર્દને પ્રવેશ ન આપવો એમાં જ ખુદની ભલાઈ છે એટલું સ્વાર્થી તો બનવું જ પડે છે તો જ જીવન જીવવાનો ખરો અર્થ સમજવાની શરૂઆત કરી શકીએ. બાકી ઘણા બધા મગતરાની જેમ જીવન જીવે છે મિસમેનેજમેંટની સાથે તેમની જિંદગી કઈ રોકાઈ નથી જતી એ પણ જીવે છે પછી ભલેને એ જીવતરમાં બધાને નડયા જ કરતાં હોય જીવે જાય છે પરંતુ ‘પ્રાણ ‘ નથી હોતો. જીવનમાં પ્રાણ નથી હોતો ને ત્યારે જ એનું પરમ તત્વ પહોંચતું નથી ને સંબંધના સવળા અવળા અર્થ કાઢતા લોકો પોતાની મરજી મુજબ જીવવા હવાતિયાં માર્યા કરે છે.

દરેક વ્યકિતના જીવનમાં સુખ દુખની આવન જાવન રહે છે . ભલે કોઈ કેટલો પણ સમજદાર કેમ ન હોય ..એક વખત તેની સમજદારી તેને દગો દે છે . આવે વખતે ખાસ કોઈ એવી વ્યક્તિની જરૂર પડે છે જે એને સાંભળે , સંભાળે અને જીવનના ડગલાં માંડતા ફરીથી શિખડાવે. આ કુદરતે બધાને પોતપોતાની ક્ષમતા લઈને જ મોકલ્યા છે અને જો આપણે એ ક્ષમતા બહારની સપાટીએ તેને મળવાની આશા રાખીશું તો એ મેળ ક્યારેય પડવાનો જ નથી ..એટ્લે આપણે જો કોઈ સાથે પણ તાલમેલ સાધવો હશે તો એ માટે આપણે આપણી સપાટીને થોડી ઘણી હલબલાવી અને એના લેવલમાં કરવી જ પડશે . માણસ ડિપ્રેસનમાં ક્યારે આવે છે ? જ્યારે પ્રેશર હદ બહારનું બની જાય ...દિલ બોઈલર બની જાય અને મગજ બોમ્બ બની જાય ત્યારે એ ફાટવાના જ છે.

માણસના મન પર કોઈનો કંટ્રોલ રહી શકે નહીં સિવાય કે ખુદ નો ....પણ માણસ પોતા પર કાબૂ નથી રાખી શકતો અને બીજા પર કાબૂ રાખવાની દોડ લગાવે છે ..જાતને પૂરી જાણી નથી શકતો અને બીજાને જાણવાના પ્રયત્નો કરે છે .......અને આવી જ દોડમાં જ્યારે અપેક્ષાથી વિરુધ્ધનું કઈ પણ થાય એટ્લે એ પાછો પડે છે ..બસ આવી દોડભાગ સાથે જિંદગી જીવ્યા કરે છે ...અને કમનસીબી તો ત્યાં છે કે માણસ ખુદને ખોજયા વગર જ આ દુનિયા તજીને જતો પણ રહે છે . ન એના જીવનમાં કોઈ મેન્ટર આવે છે કે ન એના જીવનમાં કોઈ એન્ટર થાય છે બસ એમ ને એમ જ દુનિયાને ટાટા બાય બાય કરે

માણસ જ્યારે જીવ પર આવે ત્યારે એ કઈ પણ કરી છૂટે છે બસ જિજીવિષા હોવી જોઈએ ને ખુદ પર થોડો ઘણો ભરોસો . અને એ ભરોસામાં પછી ભલે જ્યારે વિશ્વાસ ત્યારે એ કમબેક કરે જ છે ને કરી શકે છે . ..લાગણી જ્યારે બંધાય છે ત્યારે બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે .....અભાવ પણ ભાવમાં પલટાય છે અને ગુસ્સો ત્યારે પ્રેમના જુસ્સામાં વળોટાય છે અને જ્યારે પરિસ્થિતી ઉલ્ટી હટાય ત્યારે બધી જ વેર વિખેર થઈ જાય છે .. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ કુદરત તરફથી જો સુખ આપણને મળતું હોય તો દુખ કેમ મળી ન શકે ? અને જો દુખ મળે જ છે તો એને સહન કરવાની તાકાત પણ આપણી અંદર જ ક્યાંક પડી હશે ..બસ એને શોધવાની જરૂર છે અને ન મળે તો એને શોધી આપનાર કોઈ મેન્ટર ની જરૂર છે ....બાકી આપણે બધુ જ કરી શકીએ છીએ કોઈની મદદ લીધા વગર જ જો આપણી અંદર બેઠેલા ગુરુને આપણે શોધી શકીએ અને એને સમજી શકીએ.

માણસ હમેંશા એક જિજીવિષા લઈને જીવતો હોય છે ..કોઈ આશાનો તાંતણો એને એ જિજીવિષાથી બાંધીને રાખે છે . ન એ એમાંથી છૂટવા માગે છે કે ન છૂટી શકે છે . કારણ અકારણ એ એ ઈચ્છાઓનો આધીન બનીને રહે છે અને પછી જ શરૂ થાય છે એની જીવવાની મથામણ . એ મથામણ ક્યાંક એને સફળ બનાવે છે તો ક્યારેક નિષ્ફળ . આવી સફળતા અને નિષ્ફળતા પચાવવા વખતે મનની તાકાત કામ આવે છે . આજે બીજા પર આવી પડેલી મુશ્કેલીને સમજવા અને સલાહ દેવામાં આપણે હુકમના એકકા સાબિત થઈએ છીએ પણ એ જ પરિસ્થિતી જો આપણી સમક્ષ આવીને ઊભી રહે તો આપણું વર્તન ગુલામ જેવુ બનીને રહે છે ....આ પરિસ્થિતીને કેમ સંભાળવી તેની ખબર જ નથી પડતી અને પછી ખોટા રાગો આલાપવાનું શરૂ થઈ જાય છે .

આવા સમયે જે તે સ્થિતિને જો આસાનીથી સ્વીકારી લેવાય તો પણ એ સ્થિતિની આક્રમતા હળવી થાય છે . પરંતુ એ સમયે તો આપણી ઉપર જ દુખ કેમ અથવા જાણે આખી દુનિયામાં આપણે જ દુખી છીએ એવા ઘાટ ઘડાઈ જતાં હોય ને એમાં પણ કઇં નવાઈ પામવા જેવુ નથી એ તો આપનો માનવ સ્વભાવ છે . જે આપણાં વારસામાં વણાઈને આવે છે . એના તાણાવાણાની માયાજાળ મોટી હોય છે . એને ઉકેલતા વાર તો લાગવાની જ ને !!

જ્યારે બે વ્યક્તિના વ્યક્તિત્વનું મિલન થાય છે ત્યારે દૈહિક મિલનની સાથોસાથ જો આત્માનું મિલન થાય તો ને તો જ આ સંબંધોના મેનેજમેંટને વેગ મળે છે બાકી અસ્તવ્યસ્ત જીવન જીવવાની જ જેને આદત પડી ગઈ છે એનું આપણે કોઈ સુધારી ના શકીએ કારણ કે સુધરવાનું જાતે જ હોય છે.

હેમલ મૌલેશ દવે