સપનું સવાયું કે પછી? Hemal Maulesh Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનું સવાયું કે પછી?

પાડોશમાંથી જોરથી ખણખણ કરીને એક અવાજ આવ્યો અને આખા ઓરડાની દિવાલોમાં ફરી વળ્યો ને એકદમ આંખો ખૂલી ગઈ. ચારે બાજુ નજર કરી તો સપના અને સત્યની ધાર પર આવીને ઊભું રહી જવાયું . ફરી એક વાર આંખો મીંચાઇ ફ્લેશબેકમાં જવા માટે ને એ અવાજની સાથે તૂટેલા સપનાની થોડી ઘણી યાદો ફરી મન મસ્તિષ્કમાં ફરી વળી.

આવો સિનારિયો લગભગ બધાના જીવનમાં બન્યો જ હશે કે બનતો હશે ને બનતો જ રહેશે . શું છે આ ? સપનાથી હકિકત વચ્ચેની યાત્રા ? એ સપનું , સપનું જ રહે છે કે પછી તેને હકિકતનો સાથ મળશે સત્યમાં પલટવા માટે ? આ વ્યક્તિગત બાબત છે . person to person જુદું હોવાનું પરંતુ યાત્રાનો રસ્તો એક જ છે. જે આંખ બંધ થવાની સાથે જુદા જુદા પાત્રો સાથે તમારા મનોજગતમાં પ્રવેશ કરે છે, દિવસભરના તમારા જુદા જુદા સત્યને સાચવીને સપનામાં કણ કણ બનીને વેરે છે અને આ ભેગા થયેલા કણકણને ફરી એક જુદા સત્યને જન્મ આપવા . આ એક અનંત પ્રક્રિયા છે જે ચાલતી રહે છેઃ દિવસ રાતની જેમ જ , અહિયાં દિવાસ્વપ્નોની વાતને બાકાત રાખવામાં આવી છે જે દિવસે ખુલ્લી આંખે જોવાતા હોય છે.

આ સપનાઓને પાંખો આવે છે ત્યારે ઊડીને ગગનની પાર પહોંચી જાય છે તો ક્યારેક સમુદ્રની સમૃદ્ધ સફરે પહોંચી જાય છે. એમાં ક્યાંય અવરોધ નથી હોતો કારણ કે ત્યારે તે સંસાર જગતમાંથી મુક્ત થઈને પોતાના પારલૌકિક જગતમાં વિહરે છે. ક્યારેક આવા સપનાઓ સાચા પડે છે તો ક્યારેક કોઈક ઘટના જ્યારે ઘટે છે ત્યારે આપણને લાગે છે કે ‘આવું પહેલા પણ આપણે અનુભવેલું ‘ આ અનુભવ એ બીજું કઈ જ નથી પરંતુ આપણી જાત સાથે ક્યારેક કરેલી વાત છે જે આપણે ભૂલી ગયા હોઈએ છીયે પરંતુ આપણું સુષુપ્ત મન આ ભૂલતું નથી. એ નાની નાની વાતો યાદ રાખે છે એને ક્યારે પૂરી કરવાની એ પણ યાદ રાખે છે. ઘણા લોકો પોતાના સપનાઓને recall કરી શકે છે એટ્લે કે ઉઠ્યા પછી પાછા તરત સૂઈ જઇને એ અધૂરા સપના સાથે reconnect થઈ શકે છે. સપનું કેટલી તીવ્રતાથી જોવાઈ રહ્યું હોય એની પર આધાર રાખે છે. સપના રંગીન હોવાની ખાતરી રાત્રે સૂતા વખતે કરી શકાય છે કારણ કે ‘જેવુ વિચારશો એવું સપનામાં વિહરશો’. પરંતુ એક વાત નક્કી છે કે આવા સપનાઓ પર રોક નથી લાગી શકતી. હા એ સપનું યાદ ન રહે તે અલગ બાબત છે. ખેર આવા સપનાઓનું આયુષ્ય રાત પૂરતું જ હોય છે તો ક્યારેક મનના અસિમ ખૂણે સચવાઇને પડ્યું રહે છે ક્યારેક આળસ મરડતું ઊભું થાય છે જો એને વિહરવાની તક મળે તો પાછું ફરે છે અથવા ક્યાંક ગોટમોટ થઈને પડ્યું રહે છે. ક્યારેક એને મનગમતો આકાર મળે છે તો ક્યારેક એને સપનાની દુનિયામાં જ વિલીન થવું પડે છે .’ દૂર ગગન કી છાંવ મેં સપનો કે ગાંવ મેં ‘ રહેવાની બધાની હોંશ હોય છે અને એની માટેની ખોજ ચાલ્યા કરે છે પરંતુ એ મોજ કોઈકને ભાગે આવે છે અથવા એમ કહીયે કે કોઈક એવું સદ્દભાગી હોય છે જેને એની ખોજ પછીનો આનંદ પ્રાપ્ત થાય છે .

માણસ હમેંશા સપનામાં જીવતો હોય છે અને એ સપનાઓને સાકાર કરવા એ દિવસ રાત એક કરી દેતા અચકાતો નથી ..પણ આ બધી જ મથામણોમાં એ ખરેખર એની સપનાની દુનિયા ને આકાર આપી શકે છે ખરા ? એ પ્રશ્ન જો પૂછીએ કોઈને તો કેટલા લોકોનો જવાબ ‘હા’ માં હશે ? અને સપના પણ કેવા કેવા સ્નેહના સપના .સફળતાના સપના .સોનેરી સાથના સપના .સંબંધોના સાથના સપના ને સુપર ડૂપર જિંદગી જીવવાના સપના ..આનો કોઈ અંત હોય છે ખરા ? કહે છે બાળક જન્મે એ પછી ઊંઘમાં એ ક્યારેક હસતું હોય છે ને એ હાસ્ય પાછળ એના પૂર્વજન્મના મીઠા સંભારણા હોય છે ..તો શું આ સંભારણા પણ સપનાનો એક પ્રકાર જ ન થયો ?

કદાચ હા ને કદાચ ના ...આ બન્ને સ્થિતિઓ સપના જોતી વખતે તેને સાકાર કરવા માટે થતી મહેનત વખતે ઉદભવતી જ હોય છે અને આની પાછળના કારણોના કેટલાય તારણો નીકળી શકે .

દરેક વ્યક્તિનું પોતાનું સપનું હોય છે કે હું આવી રીતે જીવીશ અથવા હું મારી પત્ની કે પતિ સાથે આવી રીતે રહીશ મારે પણ સુંદર ઘર હશે ,બાળકો હશે ,મજાનો સંસાર હશે ...આવા અનેક વિચારો બધાને આવ્યા જ હોય છે ..આવતા રહે છે .બધાને સરસ મજાની જિંદગી જીવવી હોય છે પણ જીવાય છે ખરું ? કારણ કે એની સ્વપ્ન નગરીમાં જે રીતે વિહાર કર્યો હોય છે એ જ રીતે તે વાસ્તવિક જિંદગીમાં જીવવાનો યત્ન કરે છે એટ્લે ક્યારેક એને મળેલું સુખ એને જોયેલા સુખ સાથે મેળ બેસાડી નથી શકતું અને તેને મળેલા સુખની ક્ષણો એ સરખામણીમાં જ વિતી જાય છે .સરવાળે રહે છે શૂન્ય અને પછી એમાંથી ફેલાયા કરે છે શૂન્યતા ..!

દરેક વખતે બે કે ત્રણ વ્યક્તિઓ જે એક જ ઘરમાં સાથે રહેતા હોય એ બધાના સપના જુદા જુદા હોય છે એવા સમયે એ સપનાને પારિવારિક ભાષા શીખવવી જરૂરી બને છે તો જ એ સપનાને સાકાર કરવાના સહિયારા પ્રયત્નો થાય . આ સમયે કદાચ ભલે એ સહિયારા પ્રયાસનો પ્રવાસ પાર ન ઉતરે પણ એ પ્રયાસનું માન તો બધા જાળવી શકે એટલી સમજણ હોવું ઘટે . એકબીજાના સપનાનું સન્માન હોવું જોઇયે . પણ મિત્રો , આવું બને છે ખરા ? આપણે એકબીજાના સપનાની કદર કરી શકીએ છીએ ખરા ? આપણે તો આપણાં ખુદના જ સપનાને પૂરું કરવા એકબીજાની મદદની અપેક્ષા રાખતા ફરીએ છીએ. તારું સપનું ખોટું છે ને મારૂ જ સાચું એવો ભાવ ક્યારે સપાટી પર તરવા લાગે છે એની ખબર નથી રહેતી . પછી એમાંથી જ જન્મે છે ઝીણી તિરાડો જે સપનાને ક્યારેક તાર તાર કરીને ભાંગે છે ..કાચ તૂટે અને તેની કરચો જેમ વેરાય તેમ એ વેરાય છે ને પછી વિખેરાય છે . આવા સપનાઓને તો ધ્યાન નથી રહેતું પણ એ આપણી ઊંઘને વેરણ કરી નાખવા મદદગાર બને છે . હકીકતમાં સપના જોવાની તાકાત તો બધાને મળી હોય છે પણ એ સાચા કરવાની તાકાત બહુ ઓછા પાસે હોય છે કારણ કે તેની માટે જરૂર છે હિંમતની ,અનોખી હામની તો જ એ સપનાઓને પામી શકાય છે, એની ઊંચાઈ સુધી પહોંચી શકાય છે . બાકી સપનાઓએ તર્ક વિતર્કના દાયરામાં રહીને જોવાવાળા લોકોની ભરમાર છે .

ઘણા શાસ્ત્રોના અર્થ નિચોવીને સપનાને હકિકત સાથે જોડવાના પ્રયત્નો કરે છે ..સપનામાં આ જોયુ તો આ જોયું તો આ ફાયદો કે આ નુકસાન .સપનામાં સોનાનો ભંડાર જોયો કે કોઈનું મૃત્યુ જોયું કે પાણી જોયું કે આગ જોઈ . આવા શુભ અશુભ સપનાઓની વણઝાર ચાલ્યા જ કરે છે કોઈને એ સપના સવાર સુધી યાદ રહે છે અને કેટલાય આ બધા જ સપનાઓને ભૂલી જાય છે જાણે એ દિવાસ્વપન હોય . પરંતુ આવા મેળ વગરના વિધાનોમાં ન પડીને આપણે જ આપણાં સમાધાન શોધવા રહ્યા. આપણાં સપનાઓનું પૃથકરણ તો આપણે જ કરવું રહ્યું . એ કરેલા પૃથકરણ પરથી જ આપણી મનોદશાની જાણ થાય છે એમાંથી વૈજ્ઞાનિક તારણો પણ કાઢી શકીએ . પરંતુ કોઈ એવી પ્રક્રિયામાં પડતું નથી પરંતુ એ કોઇની મદદ લે છે અને આવા અનેક સપનાઓને ખુદની ઓળખ આપવાવાળાઓનો ભંડાર આ દુનિયામાં પડેલો છે . કેટકેટલા ઉધામાં કરીશું તો પણ એ સપનાઓની આવન જાવન અટકવાની છે ખરા ? કદાચ ક્યારેય નહીં . દિવસભરની ઘટનાઓનો ભાર રાત્રે સપના વહન કરે છે તો એ ભાર જેટલો હલકો રાખીશું એટલો સપનાઓનો ભાર ઓછો લાગશે ને રાત્રિની સુખરૂપ પસાર થશે. ..બાકી સપનાને ઘણી વાર આંખો પણ આવે છે અને પાંખો પણ . સત્યની સાથે મુલાકાત કરાવે એ જ સપના સાચા બાકી તો દેખતે રહો સપને .કૌન રોક સકતા હૈ.