નામ : હેમલ મૌલેશ દવે
ઈ-મેઈલ :
ફોન નંબર : 99251 52625
“ I can’t wait any more “
ને આજે પણ એ વાવાઝોડાની જેમ દોડતી મારી પાસે આવી હતી ને પૂછતી હતી ..” જુઓ ને જરા હું આમાં જાડી તો નથી લાગતી ને ? મને આ વનપીસ બરાબર તો લાગે છે ને કે નહીં ? હું બહુ નીચી તો નથી લાગતી ને ? બ્લેક કલર હું પહેરી શકું ને ? આ કલર મારા સ્કીન કલર સાથે ભળી નહીં જાય ને ? પ્લીઝ ..જલ્દી બોલો ને ...!!!
“ I can’t wait any more please “ !!!
ને એના આ એક વાક્યે મને ઝંઝોડીને રાખી દીધી ..શું હતું એ એક આવા સાદા વાક્યમાં કે જે વાક્યથી મારા જીવનના અર્થ બદલાઇ ગયા .. ? મારૂ જીવન બદલાઈ ગયું ..? મારા જીવનની દિશા ફંટાઈ ગઈ ને હું હતી નહોતી થઈ ગઈ .? મારા જીવવાના માયના બદલાઈ ગયા ??
ને આ એક વાક્ય સાથે મારૂ ફ્લેશ બેક શરૂ થાય છે , મનના પટારાનાં એક ખૂણામાં સાચવીને રાખેલા ભૂતકાળના સંભારણા આળસ મરડીને બેઠા થાય છે ને એ સંભારણાની આગેવાની કરે છે કોલેજના દિવસો.
કોલેજની કેન્ટીનનાં જુદા જુદા ટેબલ પર બેસીને પહેલી વાર જોયા પછી ક્યારે એ સામસામે બેસતા થઈ ગયા તે ક્યાં ખબર રહી ..! હા ..એના ભાગે ભલે પહેલાં એ દોસ્તી જ રહી પણ મારા ભાગે તો એ હતો “my first love.” એનું પહોળું કપાળ , વાંકડિયા વાળ અને મજબૂત બાંધો , થોડો ઘઉંવર્ણો રંગ ..તેની કપડાં પહેરવાની સ્ટાઈલ ..મળતાવડો સ્વભાવ , બોલવાની આવડત અને ઊંચું કદ ..તેને ભીડમાંથી તારવી દેવા પૂરતા હતા. ને મારા ભાગે હતા મારા લાંબા વાળ. મારો લહેરાતો ચોટલો કોઈને પાછળ ફરીને જોવા મજબૂર કરતાં હતા ..એ સિવાય શું હતું ? કોઈ ઓળખ ? ન કોઈ નામ જાણતું હતું ના એવું કોઈ કામ કોલેજમાં હતું . બસ લાંબા વાળવાળી છોકરી ...આટલી જ ઓળખ મને કોઈના દિલમાં ઘર કેમ બનાવવા દે ? ન જ દે ને...?? છતાં ય હું આશુતોષની તોષા બની ગઈ હતી .. કોણ જાણે કેમ કોલેજની બધી જ છોકરીઓને પાછળ છોડીને હું તેની નજીક આવી ગઈ એના પહોળા કપાળની સાથે તેનું હ્રદય પણ પહોળું હતું ને એ હ્રદયમાં મારૂ પણ નામ હતું ..એ જ મારે માટે બસ હતું. મારી હયાતીના પુરાવા માટે એ જ પૂરતું હતું . આગળ પાછળ જોયા વગર જ ..બીજું કઇં જ વિચાર્યા વગર હું એની બની હતી.
ને એટલે જ આંખના પલકારામાં કોલેજ પૂરી થઈ ગઈ હતી..એ પલકારામાં કોલેજની કેન્ટીન હતી .. ને હતો કોલેજની પાછળના ભાગે આવેલો બગીચો કે જે લવગાર્ડન તરીકે જ ઓળખાતો.. ..વરસાદી મોસમમાં મારા લાંબા વાળને ખુલ્લા કરીને સાથે પલળવાની આશુની ખ્વાઈશ હતી તો બાઇક પર એકબીજાને હુંફને જીવંત કરતી લોંગ ડ્રાઈવ હતી ..ક્યારેક મારા સાદા પંજાબી ડ્રેસ કે ચૂડીદારનો પહેરવેશ બદલીને વેસ્ટર્ન કપડાં ટ્રાય કરવાની શીખ હતી ... ક્યારેક કોલેજમાંથી બંક મારીને સિનેમા હૉલ પર ફ્લોપ ફિલ્મો જ જોવા જવાની આશુતોષની જીદ હતી ..પરંતુ હા ...હાઇવેની હોટલ વાળા આશુતોષનાં વિચારને મેં ક્યારેય મચક ન આપીને તેની નારાજગી વ્હોરી લીધી હતી આ એક જીદને મેં ક્યારેય પૂરી કરી જ ન હતી . આ સમયે તે ગુસ્સે ભરાતો પણ મને એને મનાવતા આવડતું હોવાનું મને અભિમાન હતું . પણ હવે એ જ ત્રણ વર્ષ લાંબા પલકારાનો સમય ખેંચાતો જતો હતો. ન ક્યાંય મળવાનું ..ન લાંબી વાત... ન કોઈ લોંગ ડ્રાઈવ કે ન કેન્ટીન .. ઘરમાં વાત કેમ કરવી મારે ? એની સમજ મને નહોતી પડતી .દિવસો લાંબા લાગતાં અને રાતો તો એનીથી પણ લાંબી ..આશુતોષની ઉતાવળ વધતી જતી હતી અને હું નિરુપાય બનીને રહી ગઈ હતી .કડક સ્વભાવના પપ્પાને મનાવવાની કોઈ રીત મને દેખાતી ન હતી આવા અસમંજસવાળા દિવસોમાં કોઈ સાથે સંદેશો મોકલાવીને આશુતોષે એમાં લખ્યું હતું કે “ I can’t wait any more “ ગુડ બાય .
ને એ ઊડી ગયો એના પહોળા હ્રદયમાં કોઈ બીજીને સમાવી ને ..!! પછી મને સમજાયું કે હું લાંબા વાળવાળી છોકરી જ છું મને કોઈ પ્રેમ કરવાનો અધિકાર નથી કારણ કે લાંબા વાળ સાથે મારૂ સુખદ નસીબ બહુ ટૂંકું છે મારા કદ જેટલું જ .
ને હવે મેં મારા લાંબા વાળ કાપી નાખ્યા છે ..થોડી ઇમેજ ચેઈંજ કરી છે . હવે હું મારા ટૂંકા વાળ સાથે મેચ થાય એવા જ કપડાં પહેરું છું . જીન્સ જોડે ફાવી ગયું છે ને કુર્તાઓ માંગે એટલા મળે મારી પાસે ..હા હાઇ હિલ તો હું સ્લીપરમાં પણ વાપરતી થઈ ગઈ છું. મને કપડાં પહેરવાની સેન્સ આવી ગઈ છે . ક્યારેક હું બોલ્ડ ને બ્યુટીફૂલ બનવાની કોશિષમાં મારી જાત આગળ ફૂલ/fool દેખાવ છું પણ વાંધો નહીં.
બીજા આગળ સ્માર્ટ બનતા આવડી ગયું છે.
ને હવે આજે આશિષ સાથે લોંગ ટર્મ રિલેશનશીપ ચાલી રહી છે બહુ જ જલ્દી એના પર લગ્નની મહોર લાગશે. હા આશિષ નું કપાળ ટૂંકું છે ને વાળ ક્રુ કટ છે..હ્રદય સાંકડું છે એ મને બીજાની સાથે વાત કરતાં પણ જોઈ નથી શકતો . હું મારા આખા ગ્રૂપને મળી નથી શકતી કારણ કે એમાં છોકરાઓ પણ છે .
પરંતુ હવે હું મારા ટૂંકા વાળ સાથે ખુશ છું ને ટૂંકા હ્રદય વાળા આશિષ સાથે પણ .
ને એક ધક્કા સાથે પાછી હું વર્તમાનમાં આવી ગઈ છું ...બાજુમાં રહેતી લાંબા વાળ વાળી ..થોડી જાડી નીચી પાયલ મને પૂછે છે ..: જુઓ ને જરા આમાં હું જાડી તો નથી લાગતી ને ..???
હેમલ દવે