jaat sathe vat જાત સાથે વાત Hemal Maulesh Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

jaat sathe vat જાત સાથે વાત

દરેક વ્યકિતના જીવનમાં સુખ દુખની આવન જાવન રહે છે . ભલે કોઈ કેટલો પણ સમજદાર કેમ ન હોય ..એક વખત તેને સમજદારી તેને દગો દે છે . આવે વખતે ખાસ કોઈ એવી વ્યક્તિની જરૂર પડે છે જે એને સાંભળે , સંભાળે અને જીવનના ડગલાં ફરીથી શિખડાવે .....મોટીવેશનલ સ્પીકર પ્રિયા કુમાર પણ આવી જ એક દુવિધામાં ફસાઈ હતી અને તેને મળ્યા એક એવા મેન્ટર કે જેમને ફરીથી પ્રિયાની મુલાકાત તેની પ્રિય જિંદગી સાથે કરાવી ........આ બધી જ મથામણને તેને થયેલા અનુભવની વાણીને પ્રિયા એ પુસ્તક ‘ “ I AM ANOTHER YOU ‘ માં વર્ણવી છે . એક રીતે પોતાની સહજ સ્ટોરીને સરસ શબ્દોમાં પુસ્તકમાં પરોવી છે .

અતિશય ગરમી સહન નથી થતી કે અતિશય ઠંડી પણ સહન નથી થતી કે પછી નથી સહન થતી ભૂખ કે તરસ ..બધુ માપમાં જ સારું છે અને જો એ માપના મૅપને સમજતા ન આવડે તો એમાં પડતાં ગેપને કોઈ પૂરી ન શકે ….. એ આ પુસ્તકનો હાર્ડ હાર્દ છે ..એક કડક લેશન જે શીખવું જરૂરી બને છે , તો જ આ જીવનના નકશામાં આપણે રંગ પૂરી શકીશું .

આ કુદરતે બધાને પોતપોતાની ક્ષમતા લઈને જ મોકલ્યા છે અને જો આપણે એ ક્ષમતા બહારની સપાટીએ તેને મળવાની આશા રાખીશું તો એ મેળ ક્યારેય પડવાનો જ નથી ..એટ્લે આપણે જો કોઈ સાથે પણ તાલમેલ સાધવો હશે તો એ માટે આપણે આપણી સપાટીને થોડી ઘણી હલબલાવી અને એના લેવલમાં કરવી જ પડશે . માણસ ડિપ્રેસનમાં ક્યારે આવે છે ? જ્યારે પ્રેશર હદ બહારનું બની જાય ...દિલ બોઈલર બની જાય અને મગજ બોમ્બ બની જાય ત્યારે એ ફાટવાના જ છે અને ત્યારે વ્યકિતને નેધરલેંડ તો શું એ ક્યાંય પણ જઈ શકે છે .

પુસ્તકમાં દર્શાવેલ બધી જ રીતને આપણાં મન સાથે જ સંબંધ છે . આપણે કોઈ પણ બાબતને ‘અતિશય ‘ સહન નથી કરી શકતા પરંતુ મજાની વાત એ છે કે આપણાં પ્રયત્નો દરેક બાબતમાં ‘ અતિશય’ જ હોય છે . આપણને મજા પણ ખૂબ જોઇયે છે તો દુખ પણ ખૂબ આવવાનું જ ને ! એટ્લે જ્યારે સમતોલ રહેતા નથી આવડતું ત્યારે આવી પરિસ્થિતી ઊભી થાય છે કે તે કોઈ પણ સ્વરૂપ પકડી શકે છે .

માણસના મન પર કોઈનો કંટ્રોલ રહી શકે નહીં સિવાય કે ખુદ નો ....પણ માણસ પોતા પર કાબૂ નથી રાખી શકતો અને બીજા પર કાબૂ રાખવાની દોડ લગાવે છે ..જાતને પૂરી જાણી નથી શકતો અને બીજાને જાણવાના પ્રયત્નો કરે છે .......અને આવી જ દોડમાં જ્યારે અપેક્ષાથી વિરુધ્ધનું કઈ પણ થાય એટ્લે એ પાછો પડે છે ..બસ આવી દોડભાગ સાથે જિંદગી જીવ્યા કરે છે ...અને કમનસીબી તો ત્યાં છે કે માણસ ખુદને ખોજયા વગર જ આ દુનિયા તજીને જતો પણ રહે છે . ન એના જીવનમાં કોઈ મેન્ટર આવે છે કે ન એના જીવનમાં કોઈ એન્ટર થાય છે બસ એમ ને એમ જ દુનિયાને ટાટા બાય બાય કરે છે .

પ્રિયા આધ્યાત્મિક ગુરુએ બતાવેલી આ બધી જ ટેકનિક્સ એકદમ ફોલો કરે છે અને સફળ થાય છે ..શું કામ ? કારણ કે એ હારી ગયેલો જીવ છે ......એને ખબર છે કે આ જ અંતિમ પડાવ છે જો આમાંથી એ પાર નહીં ઉતરે તો પછી એની માટે બીજો કોઈ જ માર્ગ રહેતો નથી . ... અને માણસ જ્યારે જીવ પર આવે ત્યારે એ કઈ પણ કરી છૂટે છે બસ જિજીવિષા હોવી જોઈએ ને ખુદ પર થોડો ઘણો ભરોસો . અને એ ભરોસામાં પછી ભલે જ્યારે વિશ્વાસ ત્યારે એ કમબેક કરે જ છે ને કરી શકે છે . ..લાગણી જ્યારે બંધાય છે ત્યારે બીજા પ્રશ્નો ગૌણ બની જાય છે .....અભાવ પણ ભાવમાં પલટાય છે અને ગુસ્સો ત્યારે પ્રેમના જુસ્સામાં વળોટાય છે અને જ્યારે પરિસ્થિતી ઉલ્ટી હટાય ત્યારે બધી જ વેર વિખેર થઈ જાય છે .. ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આ કુદરત તરફથી જો સુખ આપણને મળતું હોય તો દુખ કેમ મળી ન શકે ? અને જો દુખ મળે જ છે તો એને સહન કરવાની તાકાત પણ આપણી અંદર જ ક્યાંક પડી હશે ..બસ એને શોધવાની જરૂર છે અને ન મળે તો એને શોધી આપનાર કોઈ મેન્ટર ની જરૂર છે ....બાકી આપણે બધુ જ કરી શકીએ છીએ કોઈની મદદ લીધા વગર જ જો આપણી અંદર બેઠેલા ગુરુને આપણે શોધી શકીએ અને એને સમજી શકીએ.

માણસ હમેંશા એક જિજીવિષા લઈને જીવતો હોય છે ..કોઈ આશાનો તાંતણો એને એ જિજીવિષાથી બાંધીને રાખે છે . ન એ એમાંથી છૂટવા માગે છે કે ન છૂટી શકે છે . કારણ અકારણ એ એ ઈચ્છાઓનો આધીન બનીને રહે છે અને પછી જ શરૂ થાય છે એની જીવવાની મથામણ . એ મથામણ ક્યાંક એને સફળ બનાવે છે તો ક્યારેક નિષ્ફળ . આવી સફળતા અને નિષ્ફળતા પચાવવા વખતે મનની તાકાત કામ આવે છે . આજે બીજા પર આવી પડેલી મુશ્કેલીને સમજવા અને સલાહ દેવામાં આપણે હુકમના એકકા સાબિત થઈએ છીએ પણ એ જ પરિસ્થિતી જો આપણી સમક્ષ આવીને ઊભી રહે તો આપણું વર્તન ગુલામ જેવુ બનીને રહે છે ....આ પરિસ્થિતીને કેમ સંભાળવી તેની ખબર જ નથી પડતી અને પછી ખોટા રાગો આલાપવાનું શરૂ થઈ જાય છે . આવા સમયે જે તે સ્થિતિને જો આસાનીથી સ્વીકારી લેવાય તો પણ એ સ્થિતિની આક્રમતા હળવી થાય છે . પરંતુ એ સમયે તો આપણી ઉપર જ દુખ કેમ અથવા જાણે આખી દુનિયામાં આપણે જ દુખી છીએ એવા ઘાટ ઘડાઈ જતાં હોય ને એમાં પણ કઇં નવાઈ પામવા જેવુ નથી એ તો આપનો માનવ સ્વભાવ છે . જે આપણાં વારસામાં વણાઈને આવે છે . એના તાણાવાણાની માયાજાળ મોટી હોય છે . એને ઉકેલતા વાર તો લાગવાની જ ને !! પરંતુ એથી જરા પણ ગભરાયા વગર કોઈ એવી વ્યક્તિની ખોજમાં લાગવું જોઇયે જે તમારી આવી કપરી પરિસ્થિતીને સમજે અને તમને એમાંથી ઉગારે . મોટે ભાગે આવી પરિસ્થિતી ચોક્કસ સમયને આધીન હોય છે એટ્લે કે જો એ સમયને સ્થિરતાથી પસાર કરીએ તો પણ એમાંથી નીકળી જવાતું હોય છે અને સમય આવ્યે પણ એમાંથી ન નીકળી શકીએ તો જલ્દીથી કોઈ એવા વ્યક્તિને આવી મુંજવણ જણાવી જોઇયે કે જેથી કરીને જલ્દીથી બગડેલી બાજી હાથમાં આવી જાય .

પણ આપણને આપણી બગડેલી બાજીને પાછી હાથમાં આપનારા આપણી પાસે કોણ છે અને કેટલા છે ? એ ધ્યાનમાં આવવું પણ એટલું જ જરૂરી છે . ક્યારેક ગલત વ્યક્તિને કહેવાયેલી બાતો બૂમરેંગ થાય છે .

એટલે જ કોઈ વ્યક્તિ આપણાં જીવનમાં આપણાં સુખની સાથે આપણાં દુખમાં પણ આધિપત્ય ધરાવે તેવી હોવી જોઇયે અને મહત્વની વાત એ છે કે જો આપણું વાંચન વિશાળ હશે તો આપોઆપ જ આપણી સમજનો વિસ્તાર થતો રહેશે અને આપણે ખુદ જ આપણાં ગુરુ બનવાની લાયકાત ધરાવતા થઈ જશું .

બાકી કોઈ વ્યક્તિ એમ કહે કે , હું સર્વગુણ સંપન્ન છું તો એ વાત આ જમાનામાં માની ન શકાય એવી છે . સાચું તો એ છે કે , આપણી નબળાઈઓને આપણે જેટલા જલ્દીથી સ્વીકારીશું એટલી જલ્દી એ નબળાઈઓને આપણે આપણાં રસ્તામાંથી દૂર કરી શકીશું . બસ જરૂર છે એને સ્વીકારવાની અને સમજવાની અને આપણો રસ્તો કે આપણી કેડી આપણે જ કંડારવાની .

કોઈ રાઝદાર મળે તો ઠીક છે ન મળે તો ‘અકેલે અકેલે ચલને કા મઝા હી કુછ ઓર હોતા હૈ ‘