આઝાદી Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઝાદી

નવલિકા

વાહ આઝાદી! લેખક: યશવંત ઠક્કર

નાથિયાનું નામ ખરેખર તો નાથાલાલ જ હતું, પણ તેના શેઠને જે ચાર-પાંચ કહેવતો આવડતી હતી તેમાંની એક કહેવત ‘નાણાં વગરનો નાથિયો’ હતી. આ કહેવત નાથાલાલ માટે સાચી પાડવી હોય તેમ શેઠ એને નાથિયો જ કહેતા. લખવામાં પણ ‘નાથિયા ખાતે ઉધાર’ જ લખતા. શેઠના ગ્રાહકો પાસે પાસે પણ નાથિયાને નાથાલાલ કહેવાનું વાજબી કારણ હતું નહીં એટલે તેઓ પણ નાથિયાને નાથિયો જ કહેતા. વર્ષોથી નાથિયા નાથિયા સાંભળીને તે પણ પોતાનું સાચું નામ નાથિયો હોવાનું જ માનતો થઈ ગયો હતો. અને તે એટલે સુધી કે કોઈ ભૂલેચૂકેય તેને નાથાલાલ કહે તો એને મશ્કરી લાગતી અને કોઈ વખત સામેવાળાને કહી પણ દેતો કે ‘બોલવામાં ધ્યાન રાખતો જા.’

નાથિયો ‘રામકૃપા હિન્દુ હોટેલ’ના વર્ષો જૂનાં બોર્ડવાળી ચાની હોટેલમાં નોકરી કરતો હતો. એનું કામ ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈને કારીગરને કહેવાનું, ગ્રાહકોને ચા આપવાનું અને ખાલી કપરકાબી ઉઠાવવાનું હતું. અતિશય આવશ્યક લાગે ત્યારે ટેબલ પર પોતું ફેરવી લેવાની તેમજ પાણીના ખાલી થયેલા કે અર્ધા ખાલી થયેલા પ્યાલાઓંને ફરીથી આખા ભરીને ટેબલ પર મૂકી દેવાની કામગીરી તેણે કરવાની રહેતી. આ સિવાય શેઠ તરફથી કૂવામાં પડવા સહિતનો જે હુકમ થાય એનું પાલન કરવા માટે તત્પર રહેવું પડતું. આ બધું શેઠના મોઢામાંથી સતત નીકળ્યે જતી ગાળો સાંભળતાં સાંભળતાં કરવાનું રહેતું.

નાથિયાને આખા દિવસનો પગાર સાંજે રોકડો મળી જતો. જેમાંથી તે બીડીની એક જૂડી ખરીદતો અને બાકીના પૈસાનું મટકું રમી નાંખતો. ખાવાનું બન્ને સમયનું શેઠ તરફથી મળતું. કોઈ વાર નાનું મોટું મટકું લાગી જાય તો નાથિયો બીડીના બદલે સિગારેટ પીએ ને રાત્રે જમ્યા પછી પાનનો ડૂચો મારે અને છેલ્લા ‘શો’માં એકાદ ફિલ્મ જોઈ નાંખે. તેનો પહેરવેશ સસ્તામાં ખરીદેલાં રંગબેરંગી પેન્ટ ને બુશર્ટ, ગળામાં રૂમાલ અને પગમાં ટાંચણી મારીને અટકાવી રાખેલી પટ્ટીવાલા સ્લીપર. મોકો મળે ત્યારે નાથિયો પોતાના માથા પર કાંસકો ફેરવી લે અને કારીગરને આંખ મારીને પૂછી લે, ‘બરાબર છે ને?’

નાથિયાના શેઠનું નામ એક જમાનામાં ચંપકિયો હતું. પણ નાણું વધવાની સાથે સાથે ચંપક થઈને ચંપકલાલ થયેલું. જો કે તેમની રીતભાત પરથી કોઈને એવું લાગે નહીં કે આ માણસે ક્યારેય ગરીબી જોઈ હોય. હકીકતમાં ચંપકલાલ પોતાનો ભૂતકાળ ખૂબી પૂર્વક ભૂલી ગયા હતા અને તે એ હદ સુધી કે દુનિયામો કોઈપણ ગરીબ માણસ તેમની નજરમાં ગાળ ખાવાને લાયક હતો. પરંતુ એમ જો બધાને ગાળો આપવા જાય તો સ્વાભાવિક છે કે તેમના ધંધાનું અથવા તો તેમનું પોતાનું ઉઠમણું થઈ જાય. એટલે જ આપી શકાય તેટલી ગાળો જેના તરફથી પ્રત્યાઘાતની કોઈ સંભાવના નહોતી એવા નાથિયાને જ આપતા.

ચંપકલાલ માટે ગાળો બોલવી તો નાથિયા માટે ગાળો સાંભળવી એ શ્વાસોશ્વાસ જેટલી સ્વાભાવિક પ્રક્રિયા હતી. નાથિયાને તો ગાળો સાંભળવાનું એટલું બધું વ્યસન થઈ પડયું હતું કે કોઈક દિવસ શેઠ થોડા સમય માટે ગાળો ના બોલે તો એનું માથું દુખવા લાગતું. કદાચ શેઠની તબિયત બરાબર નહીં હોય એવી શંકાથી શેઠની તબિયતના સમાચાર પણ પૂછી લે કે ‘શેઠજી, કેમ ઢીલા ઢીલા છો.’ જે સાંભળતા જ શેઠ બે ચાર ગાળો સંભળાવીને કહી દેતા કે ’મારી ચિંતા કર્યા વગર તારું કામ કર ને.’ અને ત્યારે નાથિયો જાણે કોઈ ભાવતું ભોજન મળ્યું હોય તેમ તૃપ્ત ચહેરે અને મુક્ત મને હસી લેતો.

શેઠ અને નોકરના આવા સમજણપૂર્વકના સંબંધને મોટા ભાગના લોકો વાજબી ગણતા પણ શેઠના એક મિત્ર નવનીતલાલની દૃષ્ટિએ આ સંબંધ અન્યાયી હતો.

નવનીતલાલનું નામ પણ એક જમાનામાં નવલો હતું. નાણાંના વધારા સાથે નવલ થઈને નવનીતલાલ થયું હતું. જોકે તેઓ પોતાનું મૂળ નામ ભૂલ્યા નહોતા. ભિખારીને પાઈ પૈસો આપી દેતા. કોઈ બહુ ભૂખ્યો લાગે તો નાસ્તો પણ બંધાવી આપતા. પોતાની કાપડની દુકાન હતી. સાત-આઠ નોકરો હતા. તે તમામને નવનીતલાલ માનથી બોલાવતા. દરેકને વાજબી પગાર આપતા અને બેન્કમાં ફરજિયાત બચત કરાવતા. વારતહેવારે બધાને પોતાને ઘેર જમાડતા. કોઈ નોકરને બીડીનું વ્યસન હોય તો તે છોડી દેવા માટે વારંવાર સમજાવતા. પોટલીબાજને તો તરત રજા આપી દેતા. ગાળ પોતે બોલે નહીં ને દુકાનમાં કોઈને બોલવા દે નહીં. આથી ઘણાંખરાં નોકરોને નવનીતલાલની દુકાન પાંડુંરંગ દાદાની શિબિર જેવી લાગતી અને થોડા દિવસોમાં જ નોકરી છોડીને જતાં રહેતા. અડીખમ મનના ચારેક માણસો મજબૂરીથી ટક્યા હતા અને બાકીના સુખદુ:ખની જેમ આવનજાવન કરતા રહેતા.

એક દિવસ નવનીતલાલ ચંપકલાલની હોટલે બેસવા આવ્યા ત્યારે વાતવાતમાં પોતાની વેદના રજૂ કરી કે ‘ખૂબ સારી રીતે રાખું છું. છતાંય નોકરો ટકતા નથી.’

ચંપકલાલે સિગારેટ સળગાવતા જવાબ આપ્યો કે ‘નોકરને નોકરની રીતે રખાય. એને બહુ ચડાવાય નહીં. પગની જૂતીને માથા પર રાખીએ તો લોકોને હસવાનું મળે.’

બચાવમાં નવનીતલાલે પોતાના ભૂતકાળની તેમજ પોતે વેઠેલા દુ:ખોની વાત કરી અને ‘ઈશ્વરકૃપાથી પાંચ પૈસા થયા છે તો માણસાઈ છોડવી નહીં.’ એવો વિચાર રજૂ કર્યો. ત્યારે ચંપકલાલે સિગારેટ પરથી રાખ ખંખેરતા કહ્યું, ‘એમાં માણસાઈ ક્યાં વચમાં આવી? હું તો એટલું જાણું કે ધંધો ધંધાની રીતે થાય. ધંધો કરતી વખતે સંતોની અમૃતવાણી ભૂલી જવાની. મોરારીબાપુની કથા સાંભળીને લોકો છેલ્લે બસમાં ચડવા માટે ધક્કામુક્કી કરે છે કે નહીં? કારણ કે ના કરે તો રહી જાય હવા ખાતાં. આ કાંઈ થોડું અમેરિકા છે? શ્રોતા તરીકે આપણી ફરજ કથા સાંભળવાની છે તો મુસાફર તરીકે આપણી ફરજ ધક્કામુક્કી કરવાની છે. મનેકમને આપણે આપણી ફરજ બજાવવી જ પડે. તારા નોકરો જતા રહે છે. ને મારા ટકી રહે છે. મારો કારીગર પોટલીબાજ છે. એટલે હું એને પીવા દઉં છું. આ નાથિયો મારી ગાળો ખાઈને પણ પડ્યો રહે છે. કારણકે હું એને બીડીઓ પીવાની ના પાડતો નથી. એને મટકાંની આદત છે તો રમવા દઉં છું. આપણે કેટલા ટકા? જો આપણા નોકરો પાસે બે પૈસા ભેગા થાય તો આપણી નોકરી છોડવાનો વિચાર કરે ને?’

‘પણ આ તો તમારાં નોકરનું જ નહીં, તમારું પણ અધ:પતન જ કહેવાય.’

‘એ તારે જે ગણવું હોય તે ગણ.’ દરેકને પોતાની સ્વતંત્રતા જાળવવાનો હક છે. લાખો લોકો કથા સાંભળે છે પણ તારા જેવો પાલન કરનારો મેં જોયો નથી. તું તો બીજાને સુધારવા નીકળી પડયો છે. આ તો સામા પ્રવાહમાં તરવા જેવી વાત છે.’

બંને વચ્ચે આવા સંવાદો તો અવારનવાર થયા કરતા પણ તે દિવસે વાત વટે ચડી ગઈ. નવનીતલાલે કહ્યું કે, ‘તારો નાથો જો મારે ત્યાં નોકરી કરવા આવે તો એની જિંદગી સુધારી દઉં’ તો ચંપકલાલે કહ્યું કે, ‘લઈ જા પ્રેમથી’ એટલું જ નહીં, તુરત ગાળ દઈને બોલાવ્યો ને કહી દીધું ‘જા, નવનીતલાલની દુકાને નોકરી કરવા.’

નાથિયાના માથે જાણે આભ પડ્યું, તેણે હાથ જોડ્યા, ‘હવે જાતી જિંદગીએ હું શેઠ શું કામ બદલું? ગમે તેવા તોય મારા શેઠ ચંપકલાલ. મને બીજો ના ફાવે. તમારી લડાઈમાં મારી જિંદગી શું કામ બરબાદ કરો છો?

પણ ચંપકલાલે કહ્યું, ‘તારે જવું જ પડશે. મારી ઈજ્જ્તનો સવાલ છે. તું ના જાય તો પણ હું તને નહીં રાખું.’

નાથિયો ના છૂટકે હોટલ છોડીને નવનીતલાલની સાથે જવા નીકળ્યો. બાપના કહેવાથી છોકરાને ટીવીમાં ચાલતી ક્રિકેટની મેચ જોવાનું છોડવું પડે ત્યારે એની માનસિક હાલત જેવી હોય તેવી જ હાલત નાથિયાની હતી. મનોમન તે નવનીતલાલને ડ્રાયવરછાપ કડક ગાળો ભાંડતો હતો.

રસ્તામાં જ નવનીતલાલે નાથિયાને તૈયાર લેંઘો-ઝભ્ભો પહેરાવ્યા અને કહ્યું કે ‘થોડા દિવસ આનાથી ચલાવ પછી આપણી દુકાનેના જ સરસ કાપડનાં કપડાં સીવડાવી દઈશ. કપડાં હંમેશા આપણું વ્યક્તિત્વ જળવાઈ રહે એવાં પહેરાય. રંગબેરંગી કપડામાં તો આપણે સર્કસના જોકર જેવા લાગીએ.’

પહેલો દિવસ તો નાથિયા માટે ખૂબ જ ત્રાસદાયક રહ્યો. આખા દિવસમાં માત્ર બે વખત જ ચા પીવા પામ્યો. બીડી તો દુકાન બંધ થયા પછી જ સળગાવી શક્યો. ‘બોલવામાં ધ્યાન રાખતો જા’ એવી સલાહ તો નવનીતલાલે કેટલીય વખત આપી પણ નાથીયાથી વારંવાર ચંપકલાલની માનીતી ગાળ બોલાઈ જતી હતી. છેવટે તેણે લાચારી વ્યક્ત કરતાં કહ્યું કે ‘તમે ગમે તેટલું કરશો પણ મારાથી એ ગાળ તો બોલાઈ જ જશે. એ મારા જૂના શેઠની યાદગીરી છે.’

નવનીતલાલે નાથિયાને ચંપકલાલ તેમજ ચંપકલાલની હોટલ ભૂલી જવા માટે અને નવી જિંદગી શરૂ કરવા માટે ખાસ્સી વાર સુધી સમજાવ્યો પણ નાથિયાથી એ બધું ભૂલ્યું ભુલાતું નહોતું. એ ગાળો, એ ચા, એ બીડીઓ, એ મટકાંના આંકડા વગેરે એને સતત યાદ આવતાં રહ્યાં અને આ બધાંનો વિરહ લાગ્યો હોય તેમ ચોથા દિવસે એ માંદો પડ્યો. જિંદગીમાં પહેલી વખત!

નવનીતલાલે નાથિયાને સરકારી દવાખાનામાં દાખલ કર્યો. થોડાંફળો લાવીને મૂક્યાં ને સલાહ આપી. ‘શાંતિથી આરામ કર અને સમયસર દવા લે. બિલકુલ સાજો થાય ત્યારે દુકાને આવજે. પગારની ચિંતા ન કરતો.’

ચારેક દિવસ પછી નવનીતલાલ નાથિયાની ખબર કાઢવા ગયા તો એ દવાખાનામાં હતો જ નહીં. એ તો બીજા જ દિવસે ખાટલો છોડીને નાસી ગયેલો. નવનીતલાલના હૃદયમાં આંચકો લાગ્યો. એમના મનમાં સવાલો ઉઠ્યા: ‘આટલી સંભાળ રાખી તોય દગો? શું ગરીબો પણ આટલા બેઈમાન હોઈ શકે છે?’

અનાયાસ જ નવનીતલાલ ‘રામકૃપા હિન્દુ હોટલ’ પર પહોંચી ગયા તો ત્યાં નાથિયો, શેઠની ગાળો સાંભળતો સાંભળતો ને બીડીના ધુમાડા કાઢતો કાઢતો પોતાની મૌલિક રીતથી નોકરી કરી રહ્યો હતો.

‘પધારો નવનીત શેઠ.’ ચંપકલાલે હસતાં હસતાં આવકારો આપ્યો. ચંપકલાલના હાસ્યમાં વિજયનો ભાવ હતો.

નાથિયો પણ હસ્યો. એ હાસ્યમાં જાણે ભરપૂર આઝાદી હતી.

‘કેમ?ખાતરી થઈ ગઈને કે નોકરને કેમ રખાય?’ ચંપકલાલે સવાલ કર્યો.

‘જેને ગુલામી કરાવી હોય એને ભગવાન પણ ન બચાવી શકે.’ નવનીતલાલે ઊકળતી ચા જેવું મોઢું કરીને જવાબ આપ્યો.

‘ગુલામી? નાથીયાની સ્થિતિને તું ગુલામી કહે છે. કદાચ હું કહીશ. એ પોતે જ આ સ્થિતિને આઝાદી સમજે છે. એનું શું?

‘પણ મારે ત્યાં શું ખામી હતી? વ્યસન નહીં, અપશબ્દ નહીં, મટકું નહીં. એ જ કે બીજું કશું?’

‘બસ ત્યારે. એ બધું અહીંયા છે અને એ જ નાથિયાની આઝાદી છે.’

ત્યારે નાથિયો પણ હેં હેં કરતાં ત્યાં આવી પહોંચ્યો. ‘આ બધી ઊંચા માઈલી વાતો છે. હું ને મારા શેઠ સમજીએ. તમે નહીં સમજો.’ એણે ચાના કપ મૂકતાં કહ્યું.

તે દિવસે નવનીતલાલે પહેલી વખત નાથિયાને નાથિયા તરીકે જોયો.

[સમાપ્ત]