Electronic Bhangar: World might be at risk...! books and stories free download online pdf in Gujarati

ઇલેક્ટ્રોનિક ભંગાર : વર્લ્ડ માઈટ બી એટ રિસ્ક ...!

ફ્લેટ પેનલ ટેલીવિઝન ( ૭ વર્ષ ) , ડીઝીટલ કેમેરા ( ૬.૫ વર્ષ ) , ડીવીડી પ્લેયર ( ૬ વર્ષ ) , ડેસ્કટોપ કોમ્પ્યુટર ( ૬ વર્ષ ) , વિડીયો ગેમ કોન્સેલ ( ૬ વર્ષ ) , નોટબુક કે લેપટોપ ( ૫.૫ વર્ષ ) , ટેબ્લેટ ( ૫ વર્ષ ) , સાદો સેલફોન ( ૪.૭ વર્ષ ) અને સ્માર્ટફોન ( ૪.૬ વર્ષ ) ...... વધુ આગળ માથું ખંજવાળો એ પહેલા કહી દઉં કે આપણે રોજબરોજના જીવનમાં વાપરતા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનાં નામની સાથે કોંસમાં એની અંદાજીત ઉમર લખી છે . મોબાઈલ પર આંગળીઓ રમાડતા , ટીવી પર મનોરંજન માણતા કે પછી પીસી પર ગેમ્સ રમતા કે નેટ સર્ફ કરતા ક્યારેય વિચાર આવ્યો છે કે આ ઉપકરણો કેટલું જીવતા હશે ? હ્હ્હહહ આપણે મનુષ્યો તો વર્ષની ભાષામાં જ વાત કરવાના ને ? ઓકે , જો આ ઉપકરણોની જિંદગી વિષે ક્યારેય વિચાર્યું હોય અને આગળ લખ્યું એમ આયુષ્યના આકડાઓ વાચી ચુક્યા હોવ તો પછી તરત જ પાછળ ને પાછળ એ પણ વિચાર આવવો જોઈએ કે તો પછી મર્યા પછી આ બધા ક્યાં જતા હશે ?? ( મર્યા પછી આઈ મીન કામ કરતા બંધ થયા પછી કે વપરાશમાંથી દુર થયા પછી ....!!! ) નાનું બાળક આવું પૂછે ત્યારે તો આપણે ફટ દઈને આકાશ તરફ આંગળી ચીંધીને કહી દઈએ કે બેટા એ તો ત્યાં આકાશમાં તારા થઇ જાય પણ આઈ એમ સ્યોર કે રોજબરોજ અને બિન્દાસ વપરાતા આ ઈલેક્ટ્રોનિક જીવડાઓની આખરી મંજિલ વિષે તમે નહિ જ જાણતા હોવ .

આગળ લખ્યું એમ ઈલેક્ટ્રોનિક આઈટમોની આયુષ્ય બહુ લાંબુ નથી હોતું ને એમાયે ખાસ કરીને અત્યારના ટેકનોલોજીકલી એડવાન્સ યુગમાં !!! રોજ નવી નવી ટેકનોલોજીનો પ્રાદુર્ભાવ થઇ રહ્યો છે . હજુ તો ૪૦ ઇંચનું ટીવી કે લેટેસ્ટ સ્માર્ટફોન ખરીદીને પૂરો વાપર્યો પણ નાં હોય ત્યાં નવી ટેકનોલોજી વાળું ટીવી કે સ્માર્ટફોન બજારમાં આવી જાય છે . માણસની ખરીદશક્તિ વધી છે , ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓમાં રોજેરોજ થતી નવી નવી શોધો અને સગવડતાઓને લીધે હમણાં જ લીધેલી આઈટમ જૂની થઇ જાય છે . કોઈ પણ ઘરમાં જુઓ તો વપરાશમાં નાં હોય એવા બે-ચાર મોબાઈલ ફોન કે ડબલું થઇ ગયેલ લેપટોપ કે પીસી મળી જ જશે . વિશ્વની વાત બાજુ પર રાખીએ તો પણ ખાલી ભારતમાં જ ૨૦૨૦ સુધીમાં ઉકરડે ફેંકાતા કોમ્પ્યુટર્સની સંખ્યામાં ૫૦૦ ગણી વૃદ્ધિ થઇ ચુકી હશે . ૨૦૨૦ સુધીમાં મોબાઈલ ઈ-વેસ્ટનો દર ફક્ત ભારતમાં જ અત્યાર કરતા ૧૮ ગણો થઇ જવાનો અને એ જ રીતે ટીવીનો કચરો ડબલ થઇ જશે .જૂની વસ્તુઓનો નિકાલ ક્યાં કરવો એની હજુ કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી . બાય-બેક ઓફર્સમાં જુના સામે નવું મળતું રહે છે . પણ પછી ધીરે ધીરે જુનાઓનો જે ગંજ ખડકાઈ છે એનું શું કરવું ? જૂની ઈલેક્ટ્રોનિક આઈટમ્સ જેટલી ફરી વાપરી શકાય એટલી તો ફરી યુઝ થાય જ છે પણ જે સાવ નોન-યુઝ કે ઓલ્ડ ફેશન છે એના નસીબમાં તો એક જ સ્થળ રહે છે - ઉકરડો / ભંગારનું ગોડાઉન કે પછી કબાડીવાળો .

બસ ૨૧મી સદીમાં આખુયે વિશ્વ આ ઈલેક્ટ્રોનિક ભંગારવાડો બનતું જાય છે . ઈલેક્ટ્રોનિક કચરાના ઢગ ખડકાતા જાય છે . નોર્થ ઓર સાઉથ અને ઇસ્ટ ઓર વેસ્ટ બધા આ ઈ-વેસ્ટની સમસ્યાથી પીડિત છે . સમાધાનો શોધી રહ્યા છે પણ મુશ્કેલી એ છે કે આ ઈ-ઉકરડો જેટલો ક્લીયર થાય છે એનાથી બમણી કે ત્રણ ગણી ઝડપે નવો ઈ-કચરો ઉકરડામાં ફેકાઈ રહ્યો છે . આખુયે વિશ્વ બહુધા ઈલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ધરી પર ફરી રહ્યું છે ત્યારે સ્વાભાવિકપણે ઈ-કચરાની સમસ્યા પણ એટલી જ વિકરાળ અને ચિંતા ઉપજાવનારી રીતે વધતી જાય છે અને આ કોઈ સાદો કચરો તો છે નહિ કે રોડના ખૂણે કે સોસાયટીના ખાલી પ્લોટમાં ઢગલો કરીને દીવાસળી ચાંપી શકાય ? આ કચરો વપરાશમાં હતો ત્યારે જેટલો ઈન્ટેલીજન્ટ હતો એટલો જ વપરાશમાંથી દુર થયા પછી ખતરનાક છે અને ભારત માટે તો વધુ ખતરનાક ..!!! કેવી રીતે ? આવો જાણીએ .

ભારત દુનિયાનું સૌથી વધુ ઝડપે વિકસતું ઈલેક્ટ્રોનિક બજાર છે . આ ઉપરાંત મોટી મોટી આઈટી કંપનીઓ અને કોલ-સેન્ટરો ભારતમાં કાર્યરત છે અને પરિણામે ઈ-કચરો પણ એટલી જ ઝડપે જનરેટ થાય છે .. એકલા બેગ્લોરમાં જ દર વર્ષે ૩૦૦૦૦ કોમ્પ્યુટરો નકામા થઇ જાય છે અથવા આંશિક રીતે બિનવપરાશમાં આવી જાય છે . વિકસતા ભારતીય અર્થતંત્રને લીધે સરેરાશ ભારતીયના ઘરમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો પગપેસારો ઝડપથી થઇ રહ્યો છે અને એ જ અર્થતંત્રને લીધે ભારતીય બહુ ઝડપથી એ વસ્તુઓને બદલાવી રહ્યો છે જે જૂની થઇ ગયેલી ઈ-વસ્તુઓને પોતાની રીતે નિકાલ કરી રહ્યો છે. એક અહેવાલ મુજબ મોટાભાગના જુના કોમ્પ્યુટર્સમાંથી જરૂરી સ્પેર્સ કાઢીને એને જમીનમાં દાટી દેવાય છે કે પછી સળગાવી દેવાય છે . ચાલો ત્યાં સુધી તો નિકાલની રીત સમજી શકાય એવી છે પણ હકીકતમાં એ-કચરામાં સૌથી વધુ હાનીકારક તત્વો હોય છે . નાની લાગતી ચીપ કે પુઠ્ઠા જેવા લાગતા મધરબોર્ડમાં સૃષ્ટિને હાનીકારક અને તોબા પોકારી દે તેવા રસાયણો અને તત્વો કે ઘટકોની સર્કીટ લાગેલી હોય છે . તમને એમ થશે કે હવે એમાં શું નુકશાનકારક ? કોમ્પ્યુટર કે મોબાઈલ તો બંધ થયો એટલે ભાંગી કે કબાડીમાં આપી દેવાનો , બંધ થયા પછી એ શું નડવાનો ? બસ અહી જ ભૂલ થાય છે સમજવાની . જો આ ઈ-વેસ્ટને સરખી રીતે નિકાલ ના કરાય તો એમાં રહેલા ભ્સ્માંશુરો માનવજાતિ અને પર્યાવરણ બંનેને સારું એવું નુકશાન પહોચાડી શકે છે ઈનફેક્ટ પહોચાડી રહ્યા જ છે .

ભારતમાં વિશ્વના બીજા દેશોની સરખામણીએ ઈ-કચરાનું પ્રમાણ હજુ એકાદ ટકા જેટલું જ છે પણ આ વાંચીને હરખાવાની જરૂર એટલા માટે નથી કે વિશ્વના વિકસીત દેશોનો મોટા ભાગનો ઈ-કચરો એશિયામાં અને ખાસ કરીને ભારતમાં જ વધુ ઠલવાય છે અને એનું કારણ એ છે કે ભારત આવા ઈ-કચરાને ફરીથી ઉપયોગમાં લઇ શકાય અથવા સમૂળગો નિકાલ કરી શકાય એવી સગવડતાઓનું મોટું બજાર બની ગયું છે . જેને લીધે જગતના મોટા દેશો , ખાસ કરીને અમેરિકા , ઇંગ્લેન્ડ અને યુરોપનો મોટાભાગનો આવો ઈ-ભંગાર આપણા દેશમાં ઠલવાય છે . વિદેશોમાં ઈ-કચરાનો નિકાલ બેહદ મોંઘો પડે છે જેને લીધે મોટાભાગનો કચરો ભારતમાં કે એશિયામાં ઠલવાય છે કે જ્યાં કાયદા એટલા સખત નથી અને નિકાલની પ્રક્રિયા પણ બેહદ સસ્તી છે .ઠલવાય એનો વાંધો ઓછો છે પણ મૂળ વાત એ છે કે આ -ઈ-કચરાનો જો યોગ્ય નિકાલ કે ફરી-વપરાશની પ્રક્રિયામાં જરા જેટલી પણ ચૂક વિનાશ નોતરી શકે છે અને એ વિનાશ પણ નારી આંખે નાં દેખાય એવો છે . વધુ ઊંડાણથી અસરોનો અભ્યાસ કરવા આવા ઈ-કચરામાં રહેલા દાનવો વિષે જાણીએ .

ટીવી અને કોમ્પ્યુટરના મોનીટરોમાં સીસા નો વપરાશ થાય છે અને એનો વધુ ઉપયોગ ઉલ્ટી , બેહોશી કે અમુક સંજોગોમાં મોતના રૂપે આવે છે . એ જ રીતે ચીપો અને કેથોડ રે ટ્યુબ બનાવવામાં કૈડ્મીયમ વપરાય છે જે ફેફસા અને લીવર માટે હાનીકારક છે . સ્ક્રીન પેનલોમાં વપરાતું બેરીયમ માંસપેશીઓને નબળી પડી શકે છે તો ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં સૌથી વધુ વપરાતું પીવીસી યાની કી પ્લાસ્ટિકને બાળવાથી જેરી રસાયણો ગેસ દ્વારા વાતાવરણમાં ભળે છે જે માથા અને યકૃતના કેન્સર માટે કારણભૂત છે . પેનલને કાટથી બચાવવા ક્રોમિયમ વપરાય છે જે જો ભૂલે ચુકે શરીરના સમ્પર્કમાં આવી જાય કે પ્રવેશી જાય તો નુકશાનકારક છે અને એ પણ એટલું ગંભીર કે એના વધુ સંસર્ગથી માનવશરીરના ડીએનએને નુકશાન પહોચી શકે છે . ઈ-કચરા રૂપે પડ્યા પડ્યા પણ પોતાની અંદર ઘૂઘવતા રાખતા આવા દાનવોનું લીસ્ટ ઘણું લાબું છે એટલે ફક્ત નમૂનારૂપ તત્વોનો ઉલ્લેખ કર્યો .

હવે આપણને પ્રશ્ન એ થાય કે આ બધા આપણને કેવી રીતે નડે ? આપણે કાઈ થોડા મોબાઈલ કે ટીવી ની સ્ક્રીનો સાથે ઘસાઈને જ જીવવાના છીએ જિંદગીભર ? પણ વાત એ નથી , મૂળ વાત એ છે કે આ બધા હાનીકારક તત્વો તો ઉપકરણો ચાલુ હોય ત્યારે પણ હોય જ છે પણ એની વધુ ગંભીર અસરો ત્યારે આવી શકે જયારે એ બંધ હોય કે પછી નિકાલની કતારમાં હોય . હવે જો ઈ-વેસ્ટના નિકાલ સમયે આ બાબતોની કાળજી રાખવામાં નાં આવે તો આ તત્વો સ્વાભાવિક પણે સળગાવો તો વાયુ વાટે અને દાટો તો જમીન વાટે એક યા બીજે રીતે પર્યાવરણથી લઈને માનવજીવનને હાની તો પહોચાડવાના જ . મોટાભાગના ઈ-ઉપકરણો રીસાઈકલ અથવા અપગ્રેડ થતા હોય છે . એક અંદાજ મુજબ ભારતમાં ૨૦ લાખથી વધુ કોમ્પ્યુટર્સ રીસાઈકલ થવા તૈયાર છે . રીસાઈકલ એટલે જરૂરી ભાગ કાઢીને બાકીની નકામી ચીજોનો નિકાલ કરવો અથવા બગડેલા ભાગને કાઢીને એની જગ્યાએ નવા પાર્ટ્સ ફીટ કરીને ફરીથી વપરાશમાં મુકવું . બંને કેસમાં ઈ-કચરો તો નીકળવાનો જ એટલે ફરી વાત ત્યાં જ આવીને ઉભી રહે છે કે જો આ કચરાનો યોગ્ય નિકાલ નાં થાય તો મુશ્કેલીઓનો વાયરસ આવ્યા વગર રહે જ નહિ ..!!!!

એશિયામાં દર વર્ષે લગભગ 1 કરોડથી વધુ આવા કોમ્પ્યુટરો આયાત કરાય છે અને ભારતની વાત કરીએ તો આયાતી કમ્પ્યુટરો સિવાય દર વર્ષે અંદાજે ૧૫૦૦૦ જેવા કોમ્પ્યુટરો ભંગાર થવા અથવા રીસાઈકલ થવા તૈયાર હોય છે . હજુ આમાં આપણે દર વર્ષે ઈ-ઉકરડામાં જતા મોબાઈલ્સ , ફ્રીજ , ઈલેક્ટ્રોનિક રમકડાઓ કે બીજા ઈ-ઉપકરણોનો ઉમેરો કરીએ તો આંકડો અધધધ થઇ જાય. . ભારતમાં મોટાભાગે બે પ્રકારના ઈ-કચરા આવે છે - એક જે સાવ ભંગાર જ છે અને બીજા કે જેને રીપેર કરીને ફરી વેચવામાં આવે છે . બંને પ્રકારમાં આ ખતરનાક તત્વોની મોજુદગી તો છે જ . ઈ-વેસ્ટમાં કોમ્પ્યુટરનો કચરો સૌથી વધુ જહેરીલો કે ખતરનાક મનાય છે . થાય છે એવું કે જરૂરી પાર્ટ્સ કાઢી લીધા પછી ક્યાં તો એને બાળી નખાય છે અથવા તો જમીનમાં દાટી દેવાય છે . એક સર્વે મુજબ ભારતમાં લગભગ ૭૦% જેટલો ઈ-કચરો બહારથી ઠલવાયેલો હોય છે અને કરુણ વાત એ છે કે લગભગ ૮૫% ઈ-વેસ્ટનો નિકાલ ખુલી જમીન પર કરી દેવામાં આવે છે ધીરે ધીરે દાટેલા કચરામાંથી આવા હાનીકારક તત્વો જમીનને પ્રદુષિત કરે છે , જમીનની ફળદ્રુપતાને અસર કરે છે , ભૂમિજળને નુકશાન કે પ્રદુષિત કરે છે , પર્યાવરણને નુકશાન કરે છે . દાટેલા કચરામાંથી નીકળતા હાનીકારક ગેસો કે સળગાવાયેલા આવા કચરામાંથી નીકળતા ગેસોને લીધે અસ્થમા અથવા ઘણી વાર વધુ પડતા સીસાને સળગાવવાથી મોતના બનાવો પણ બને છે .

ભારત ઈ-વેસ્ટનું મોટું ડમ્પિંગ યાર્ડ બની ગયું છે એ તો આપણે આગળ જાણ્યું , બેંગ્લોર , મુંબઈ , ચેન્નાઈ , મેરઠ , ફિરોઝાબાદ જેવા મેઈન ઈ-વેસ્ટ ઉકરડાઓમાં દિલ્હી સૌથી મોટું સેન્ટર છે .એસોચેમના રીપોર્ટ મુજબ ૨૦૧૯ સુધીમાં ૨૩ %નો ગ્રોથ થઇ શકે છે એવા આ સેક્ટરમાં ઈ-કચરાની અણઘડ રીતે થતો નિકાલ , યોગ્ય જાણકારીના અભાવે ખતરનાક રીતે થતા નિકાલના માઠા પરિણામો આવી રહ્યા છે . આવનારા વર્ષોમાં ભારત આ બાબતમાં ચીનથી પણ આગળ નીકળી જશે એવા સમયે ચિંતાની વાત એ છે કે મોટાભાગ ના આવા કેન્દ્રો પર બાળકો કામ કરે છે . એકલા દિલ્હીની જ આવી ડમ્પિંગ સાઈટો પર ૧૦૦૦૦ જેવા બાળ-મજદૂરો છે . રસાયણો અને હાનીકારક તત્વોની આડઅસરો પર્યાવરણની સાથે સાથે આ બાળકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે.

વિશ્વભરમાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટ માટે અનેક સંસ્થાઓ અને સરકારો કાર્ય કરી રહી છે . ભારતમાં પણ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ બનતા પ્રયત્નો કરે છે પણ વિશ્વમાં રી-સાઈકલ પ્રક્રિયાનો દર ફક્ત 12 ટકા જેવો જ છે ત્યારે ભારત તો સ્વાભાવિકપણે આમાં ક્યાય પાછળ છે . ભારતમાં ઘણીબધી સ્વેચ્છિક સંસ્થાઓ ઈ-વેસ્ટ ડ્રાઈવ ચલાવે છે , જુના-તૂટેલા કે નકામા ઉપકરણોને એકઠા કરીને નુકશાન ના થાય એવી રીતે નિકાલ કરતી રહે છે . આવી સંસ્થાઓ જુના ઉપકરણોને ફેકી કે બાળી કે દાટી દેવાને બદલે જો ચાલુ હાલતમાં હોય તો સ્કુલના બાળકોને વપરાશમાં આપવાની હિમાયત કરે છે . ઘણા બધા ઉપકરણો ચાલુ હાલતમાં હોય છે પણ જુના મોડેલને લીધે એને ભંગારમાં આપવા કરતા જરૂરિયાતમંદોને આપવાથી ઈ-વેસ્ટની સમસ્યામાં આંશિક રાહત મળી શકે છે . વારંવાર ફક્ત શોખ ખાતર ઉપકરણો બદલતા પહેલા આ વિષે પણ વિચારવું જ રહ્યું . લાખો જુના / સારી હાલતમાં ચાલુ હોય એવા કોમ્પ્યુટર્સ , મોબાઈલ્સ કે બીજા ઉપકરણો ભંગારમાં આપવા કરતા કે નાશ કરવા કરતા સ્કૂલોના બાળકો કે બીજા જરૂરિયાતમંદોને આપવા વધુ હિતાવહ છે કેમકે જેટલો આ ઈ-ભંગાર ઉકરડા તરફ ઓછો જશે એટલું પર્યાવરણને થતું નુકશાન ઘટાડી શકાશે.. તો હવે જયારે ચાલુ જેવા પણ જુના લગતા મોબાઈલ / કોમ્પ્યુટર કે બીજા કોઈ ઈ-ઉપકરણો સળગાવી/ ભાંગી કે ભંગારમાં દેવાનું વિચારો ત્યારે આટલું જરૂર યાદ રાખજો ...!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED