Creative banvu etlu aghrun nathi jetlu sahelu laghe books and stories free download online pdf in Gujarati

ક્રિયેટીવ બનવું એટલું અઘરું નથી જેટલું સહેલું લાગે

‘ જે લોકો ક્રિયેટીવ હોય છે તે લોકો વધુ ખુશ હોય છે ‘ આ વિજ્ઞાનિક રીતે સાબિત થયેલું સત્ય છે . તો આ સત્યની સામે પારનું એક બીજું સત્ય એ પણ છે કે જે લોકો ખુશ રહેતા હોય છે તે વધુ ક્રિયેટીવ હોય છે .ઓકે એગ્રી પણ હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે ક્રિયેટીવીટી એટલે શું ? શું છે ક્રિયેટીવીટીની વ્યાખ્યા ? મોટાભાગના નિષ્ણાતોના મતે ક્રિયેટીવીટીની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી પણ મોટાભાગના નિષ્ણાતો એ વાત પર પણ સહમત છે કે નવા વિચારો આવવા , મુશ્કેલીઓનું કોઈક અલગ જ રીતથી નિવારણ કરવું અથવા એક થી વધુ આઈડિયાઓને એકસાથે જોડીને આગળ વધવું એનું નામ ક્રિયેટીવીટી . એક બીજી વ્યાખ્યા આ પણ છે : ક્રિયેટીવીટી મતલબ એક એવી માનસિક અવસ્થા કે જેનાથી વ્યક્તિ કૈક અલગ જ વિચારી શકે કે જેના લીધે કાર્યને નવીન રીતે કે જુદા દ્રષ્ટિકોણથી પૂર્ણ કરી શકે .

ઓકે એટલું સમજાયું કે નવા વિચારો આવવા એ ક્રિયેટીવીટીનો શરૂઆતનો તબક્કો છે . પણ સાવ એવું પણ નથી . ક્રિયેટીવીટીનો એક અર્થ એ પણ થાય છે કે કશુક ક્રિયેટ કરવાનો એટીટ્યુટ રાખવો . ક્રિયેટીવીટી મતલબ કશુક જાણવાનો પ્રથમ પ્રયત્ન કરવો અને જાણ્યા પછી - સમજ્યા પછી એને રિસ્પોન્ડ કરવું . જો તમે કશીક વાત - ચિત - ચીજ કે ઘટના વિષે જાણતા હશો તો ક્રિયેટીવ બની શકશો , તો એમાં તમારા વિચારો , અભિવ્યક્તિ રેડી શકશો . પણ હજુ સવાલ તો એમ ને એમ ઉભો જ છે કે ક્રિયેટીવીટી એટલે શું ?

કોપીબ્લોગરના સ્થાપક બ્રિયાન કલાર્કે આ જાણવાનો એક નવતર પ્રયોગ કર્યો . એમણે માઈક્રોબ્લોગ્ગિંગ સાઈટ ટવીટર પર સવાલ પૂછ્યો કે ક્રિયેટીવીટી એટલે શું ? અને તમારે મન શું છે ક્રિયેટીવીટી ? જવાબો રસપ્રદ મળ્યા અને કદાચ આ જવાબોમાંથી આપણે પણ જાણી શકીએ આ સવાલનો ઉત્તર . ૧ . ક્રિયેટીવીટી એટલે સમસ્યાનો એક એવો અનોખો ઉકેલ કે જે બધાને સમજાય . ૨. ક્રિયેટીવીટી એટલે સમસ્યાનો ઉકેલ પણ જરા હટકે અંદાઝમાં . ૩. ક્રિયેટીવીટી એટલે ઘટના કે પરીશ્થીતીને અલગ રીતે જોવી કે વ્યક્ત કરવી . ૪. ક્રિયેટીવીટી એટલે એક એવી અભિવ્યક્તિ કે જેમાં શબ્દો કે વર્તન દ્વારા બીજાને પ્રોત્સાહિત કરી શકાય કે નવા આયામો આપી શકાય . ૫. ક્રિયેટીવીટી એટલે આઈડિયાઓનું હકીકતમાં રૂપાંતરણ . ઓકે આ તો થોડા નમૂનાઓ થયા જવાબોના પણ આ અને આ સિવાયના જવાબોથી એક વસ્તુ નજરે ચડી કે કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં થોડું હટીને વિચારવું અને પછી એનું બીજાથી અલગ રીતે સોલ્યુશન કરવું એ પણ એક પ્રકારની ક્રિયેટીવીટી જ થઇ . અહી કલાર્કે પુછેલા સવાલના જવાબમાં મોટાભાગના લોકોનો ઉત્તર કોઈને કોઈ સમસ્યાના સમાધાનના સંદર્ભમાં આવેલો છે અને ક્રિયેટીવીટીની રીતે વિચારીએ તો એ સાચો પણ છે પરંતુ આપણે જનરલી ક્રિયેટીવીટીને લેખન , ગાયન કે બીજી કલાઓના માધ્યમથી વધુ જાણીએ છીએ આપણે મન ક્રિયેટીવ પર્શન એટલે એ જે કશુક નવું અને બીજા નાં કરી શકતા હોય એ કરી બતાવે , એને અમલમાં મૂકી શકે અને એનાથી બીજાને પ્રોત્સાહિત કરી શકે.

દરેક વ્યક્તિ ગાયક , સંગીતકાર , ખેલાડી કે ચિત્રકાર તો નાં હોઈ શકે પણ એનો અર્થ એ તો નથી જ કે આ ક્ષેત્રમાં હોય એને જ ક્રિયેટીવ કહી શકાય અથવા તો આ લોકો કરે એને જ ક્રિયેટીવીટી કહી શકાય . હરગીઝ નહિ . ક્રિયેટીવ બનવું મતલબ કોઈ સમસ્યાનું સમાધાન શોધવાથી લઈને ખુદને વધુ બળ મળે એવી પ્રવૃત્તિ કરવી એમ પણ છે જ ને . આગળ કહ્યું એમ કોઈ પણ પરીશ્થીતીમાં લડવાનો ઝઝ્બો રાખવો એ પણ ક્રિયેટીવીટી જ છે . તમે કશુક અલગ વિચારી ના શકતા હો તો ફાઈટ ક્યાંથી આપી શકવાના ? અને તમે એ પરીશ્થીતીનો સામનો કરવાના ઉપાયો જેમ જેમ શોધતા જાવ એમ એમ તમારામાં ફાઈટીંગ સ્પીરીટ આવતું જાય આ પણ અંતે તો તમારા વિચારોમાં થયેલી ક્રિયેટીવીટી જ છે ને ?

ક્રિયેટીવ બનવું એટલે જિંદગીને જીવી જાણવી અને જિંદગીને ત્યારે જ જીવી જાણો ત્યારે તમે હરપળ હરઘડી રંગ બદલતી જિંદગીની પતવારને સુખ-દુઃખના ઉછળતા મોજાઓમાં સલામત રાખી શકો. દરેક ઘડીએ નવું નવું જાણવાની ઇન્તેઝારી રાખવી એ પણ ક્રિયેટીવીટી જ છે . જો તમે નવું જાણવાનો આગ્રહ કે ઉત્કંઠા રાખતા હશો તો સ્વાભાવિક છે કે એ જોયેલું કે જાણેલું કઈ પણ તમારી અંદર નવા આઈડિયાને જન્મ આપશે જેને ક્યારેક ને ક્યારેક તમે મૂર્તિમંત કરી શકશો અરે મૂર્તિમંત નહિ કરી શકો તો પણ એ વિચારોની ખરાઈ કરી શકશો કે પછી એના આધારે નવા વિચારોને જન્મ આપી શકશો .

ઓશોનું એક સુંદર વાક્ય છે . ક્રિયેટીવીટી એ બીજું કઈ નહિ પણ એ એક ગુણવત્તા છે , એ ગુણવત્તા કે જે કામ કે પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો . ક્રિયેટીવીટીને ખાલી કળા કે લેખન વગેરે સાથે નાં જોડી શકાય . ખરેખર તો ગુણવત્તાસભર કરેલું કોઈ પણ કામ કે પ્રવૃત્તિ એ ક્રિયેટીવીટી જ છે . જે પણ તમે કરી રહ્યા છો તે આનંદપૂર્વક કરો , જીવ લગાવીને કરો અને તમે જે કરી રહ્યા છો એ જો સમ્પૂર્ણ પણે વ્યવસાયિક નાં હોય તો એ બીજું કઈ નહિ પણ ક્રિયેટીવીટી છે . ઓશો આગળ કહે છે કે જે કામ કરતા તમને આનદ આવે એમાં અચૂક કશુક ને કશુક ક્રિયેટીવ છુપાયેલું છે ભલે બીજાને એનો ખ્યાલ નાં આવે પણ તમને તો કોઈક અદ્ભુત આનંદનો અનુભવ થશે જ , તમે કરેલા એ કામ કે પ્રવૃત્તિમાં શું ક્રિયેટીવ હતું એ કદાચ સંશોધિત કરવું તમારા માટે પણ અઘરું હોઈ શકે પણ એમાં કશુક નવીન - કશુક ક્રિયેટીવ હતું જ એનો આનદ તો અનુભવશો જ .

દરેક વ્યક્તિ ક્રિયેટીવ જ હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જ પણ છતાયે ક્રિયેટીવીટી એને જ ગણી શકાય કે જેમાં કશુક અનોખું છુપાયેલું હોઈ .ક્રિયેટીવ હોવું અને ક્રિયેટીવ બનવું એ બંનેમાં ફરક છે. કોઈ પણ ક્રિયેટીવીટીને બહાર લાવવી પડે છે , એને ઉજાગર કરવી પડે છે . ક્રિયેટીવીટી એટલે થોડા અલગ વિચારો , થોડું હટકે થીંકીંગ ., થોડું બીજાથી અલગ રીતે જોવું . હવે સવાલ એ છે કે આ ક્રિયેટીવ થીંકીંગ માટે શું કરવું ? આ રહ્યા થોડા સોલ્યુશન્સ .

સૌથી પહેલું સોલ્યુશન છે કે જાતને વધુ ખુલ્લી રાખો . ક્રિયેટીવ વિચારોના આવવાનું સૌથી મોટું કારણ કોઈ હોય તો એ છે કે આપણે આપણી જાતને કે વ્યક્તિત્વને એક ચોકઠામાં કેદ કરી રાખ્યે છીએ . બંધનોમાં બાંધી રાખીએ છીએ . બહારના બંધનો પણ ક્રિયેટીવ બનતા આપણને રોકતા જ હોય છે પણ એથી વધુ આપણે આપણી જાતે બાંધેલા તારોની કાંટાળી વાડ આપણને કશુક ક્રિયેટીવ કરતા રોકી રહી હોય છે . મોટાભાગની તકલીફોમાં આપણે મગજને ઓછો પરસેવો વળે એવા સોલ્યુશન જ શોધતા ફરતા હોઈએ છીએ . વધારે ઓપન બનવાથી , વધુ વિચારોને દિમાગમાં ઘુસવા દેવાની છૂટ આપવાથી અનેક નવી ક્રિયેટીવ તરંગમાળાઓ બનતી જાય છે . મોટાભાગના ક્રિયેટીવ લોકોના રિસર્ચમાં એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે આ બધા ક્રિયેટીવ લોકો કોઈ પણ મુશ્કેલી વખતે સાદા - સરળ કે સમાંધાનીય સોલ્યુશનો સ્વીકારવાને બદલે એ સમસ્યાને નિરાંતે બેસીને પોતાની રીતે ફરી એકવાર વિઝ્યુલાઈઝ કરતા હોય છે . આ વિઝુલાઈઝેશનને લીધે એમણે સમસ્યાનો અલગ જ અને સચોટની સાથે સાથે ટૂંકો ઉકેલ મળી જાય છે .

આગળ લખ્યું એમ ખુશીમાં ક્રિયેટીવીટી વધુ ખીલી ઉઠતી હોય છે . તાજેતરના એક અભ્યાસના અંતે એવું સાબિત થયું કે વ્યક્તિમાં જયારે નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારના ઈમોશન્સ ફૂલ સ્પીડમાં દોડતા હોય છે એ જ સમયગાળો ક્રિયેટીવીટીનો પાક ઉગાડવાનો સૌથી શ્રેષ્ટ સમયગાળો છે . મતલબ તમે ખુશ હો ત્યારે ક્રિયેટીવીટીની તકો વધુ હોય છે એ જ રીતે દુખી હો ત્યારે પણ તકો એટલી જ હોય છે . આમ તો એમ કહેવાય છે કે ખરાબ મુડ હોય ત્યારે કઈ સુજતુ નથી હોતું પણ રીસર્ચ એમ કહે છે કે આવા વખતે જ ક્રિયેટીવીટીનો કરંટ ફૂલ વોલ્ટેજે દોડતો હોય છે જરૂર હોય છે તો ફક્ત નક્કી કરવાની .

ઠીક છે ખુશ રહેવું , ખુલ્લા મન અને દિમાગ રાખવા વગેરે વગેરેથી ક્રિયેટીવીટી પ્રગટી શકે છે પણ આ સાથે સાથે આ પણ જાણવું જરૂરી છે કે ક્રિયેટીવ લોકોમાં એવી કઈ બાબતો હોય છે કે જે એમને બીજાથી અલગ અને ક્રિયેટીવ બનાવે છે . ક્રિયેટીવ માઈન્ડ બહુ ઝડપથી અને ખુબ જ ઓછા સમયમાં કોઇથી પણ ઈન્સ્પાયર થઇ જાય છે . એમને કોઈ સારો વિચાર , વર્તણુક કે વ્યવહારના પ્લસ કે માઈન્સ શોધવામાં બહુ વાર નથી લાગતી .ને એમાંથી એ પોતાને મોટીવેટ કરતો મંત્ર ઉચકી લે છે . એ દિવસે પણ સપના જોતા હોય છે , યસ ખુલ્લી આંખે . આવા ક્રિયેટીવ ભેજાઓ બેઠા તો હોય છે તમારી અડખેપડખે જ પણ એમનું દિમાગ કોઈ અવનવા સપના કે વિચારોમાં લાગેલું હોય છે . એ ખુલ્લી આંખે પણ કોઈ ક્રિયેટીવીટીની શોધ કરતા રહેતા હોય છે . ફોકસ્ડ રહેવું ક્રિયેટીવીટીનું એક ઓર પાસું છે જો આવા લોકો ફોકસ ના રહી શકતા હોય તો બહુ જલ્દીથી એ ચીજ - વાત કે પ્રવૃતિથી બોર થઇ જાય - કંટાળી જાય . ક્રિયેટીવીટીનો ઓર એક અસુલ છે કે ક્યારેય મોટા ના થાવ - આઈ મીન ઉમરમાં નહી પણ દિમાગથી , મનથી . મોટાભાગના ક્રિયેટીવ પર્સન્સ દિલોદિમાગથી હમેશા બાળક જ હોય છે , કોરી પાટી જેવા અને હમેશા નવું શીખવા તૈયાર .

પડવું અને ફરી ઉભા થવું એ ક્રિયેટીવીટીની સુપર સાઈન છે . મોટાભાગના ક્રિયેટીવલી સફળ લોકો અનેકોવાર પડ્યા હશે , નિષ્ફળ ગયા હશે પણ નિરાશ નહિ થયા હોય . એ તમારા આશ્ચર્યની વચ્ચે ફરીથી ઉભા થઈને સફળ થયા જ હશે . એવું કહેવાય છે કે ક્રિયેટીવ લોકો દિમાગનું નહિ પણ દિલનું સાંભળતા હોય છે . એમના દિલે એકવાર હા કહી તો પછી એ મુશ્કેલીઓનું નહિ પણ સાહસનું સ્મરણ કરવાનું શરુ કરી દે છે અને આ સાહસ એ બીજું કઈ નહી પણ ક્રિયેટીવીટીનું ફાઉન્ડેશાન જ છે . આપણે સુતા હોઈએ ત્યારે એ કામ કરતા હોય છે અને આપણે કામ કરતાહોય ત્યારે એ સુતા હોય છે ( આ કામ એટલે ક્રિયેટીવીટી જ તો ) . હસવું આવશે પણ ક્રિયેટીવ લોકોની આ જ દિનચર્યા હોય છે .બધાથી અલગ . ક્રિયેટીવ દિમાગ હમેશા મુશ્કેલીમાં પણ તક શોધતું હોય છે અને એમને મળી પણ રહે છે આફ્ટરઓલ એ જ તો ક્રિયેટીવીટી છે . ક્રિયેટીવ ભેજા નિરભિમાની હોય છે પણ સાથે સાથે ગર્વિલા પણ એટલા જ હોય છે . એમણે પોતે કરેલા કામમાં કૈક તો ઉણપ દેખાય જ છે પણ એ જ કામ પાછુ અમુક સમય પછી ગમવા પણ માંડે છે . ક્રિયેટીવ દીમાંગોને બંધનો નથી ગમતા અને એ જ રીતે નમ્બર ગેમમાં એમને બહુ વિશ્વાસ નથી હોતો કેમકે એમને એમની ક્રિયેટીવીટી પર પૂરો વિશ્વાસ હોય છે અને એ જ ક્રિયેટીવીટીનું રેટિંગ એ ખુદ જ નક્કી કરતા હોય છે .

ક્રિયેટીવ લોકોની નિરીક્ષણ શક્તિ ગઝબની હોય છે . ઘડીના છઠ્ઠા ભાગમાં એ જે તે પ્રસંગ કે પરીશ્થીતીનું બારીક નિરીક્ષણ કરી શકવાની તાકાત ધરવતા હોય છે . એમને બધું પરફેક્ટ જ જોઈએ જો થોડી પણ કચાસ રહી તો ગયું ટ્રેસબિનમાં અને શરુ થઇ જાય નવેસરથી . રૂટીનથી ભાગવું કે રૂટીનને તોડવું એ ક્રિયેટીવ પર્શન બનવાની પહેલી શરત છે . કશુક નવું , કશુક હટકે કે પછી કશોક નવો અખતરો જ તમને ક્રિયેટીવ ઇન્સાન બનાવી શકે છે , ક્રિયેટીવીટી જગાવી શકે છે . અને છેલ્લે જેમ પહેલી લાઈનમાં કહ્યું એમ ક્રિયેટીવ થવું એટલે ખુશ રહેવું અથવા ખુશ રહેવું ને ક્રિયેટીવ બનવું બંને સિક્કાની બે બાજુ જેવું જ છે .

‘એન એસ્સેન્શ્ય્લ એસ્પેક્ટ ઓફ ક્રિયેટીવીટી ઈઝ નોટ બીઈંગ અફ્રેડ ટુ ફેલ - આઈનસ્ટાઇન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED