Aur bhi Gum hain Zamane mein 'Imtihan' ke siva..!! books and stories free download online pdf in Gujarati

ઓર ભી ગમ હૈ જમાનેમેં ‘ ઇમ્તિહાન ‘ કે સીવા..!!

‘ બેટા થોડું ખાઈ તો લે ...ક્યારની પ્લેટ એમ ને એમ પડી છે ....ઠંડું થઇ જશે ....આમ છેલ્લી ઘડીએ કેટલુક વાચી લેવાની તું ? ....... પપ્પા , પેલી દવેસર વાળી નોટ આપો ને ? એમણે આઇએમપી કરાવેલા એના પર એક નજર નાખી લઉં ....એમાંથી જ ઘણું દર વખતે પુછાય છે ....’..........અમારે તો એય ને આખું વર્ષ ટીવી ને જલસા ચાલુ જ હતા ..પચ્ચા હજારનું તો ટ્યુશન બંધાવેલું .જોય હવે શું ધોળકું ધોળે છે આમાં ..? ....; બસ હવે છેલ્લા ૧૦-૧૨ દિવસ રહ્યા , પછી એય ને આપણે બંને છુટ્ટા ..છેલ્લા ૨-૩ વર્ષથી તો જાણે ઘરમાં જ કેદ થઇ ગયા છીએ ‘...’ હવે કેટલી વાર છે તારે ? ૧૨ વાગવા આવ્યા , કલાક વહેલું તો પહોચવું જોઈએ બેટા ...ચલ ફટાફટ બેસી જાં ને બુક્સ સાથે લઇ લે ત્યાં વાંચજે ..’... આ સવાદો તો સેમ્પલ છે પણ હકીકત છે કે ૧૩ માર્ચથી આવનારા એકાદ મહિના સુધી ઘરે ઘરેથી અને સેન્ટર સેન્ટરે આવા અનેક તકીયાકલામો સાંભળવા મળશે ...... વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એકઝામ્સ ......ઇમ્તિહાન્સ......પરીક્ષાઝ.......!!!!

જબરું છે નહિ ? એક કે બે વર્ષની તૈયારીઓની પારાશીશી બનતી આ પરીક્ષાઓના પરિણામો પરથી સાબિત કરવાનું કે તમારું બાળક હોશિયાર છે કે ઠોઠ ? ૧૬ કે ૧૮ વર્ષના થયેલા બાળકની બુદ્ધિમત્તા એના પરથી મપાય કે બોર્ડની માર્કશીટમાં ટકા કેટલા લાવ્યો અને એ પણ કોનાથી વધુ લાવ્યો કે કોનાથી ઓછા આવ્યા ? બીજી ગમે એટલી રીતે બાળક હોશિયાર હોય , અક્કલમંદ હોય કે પછી ભેજાબાજ હોય પણ જો પરીક્ષાના કાળમુખા પરિણામી પતાક્ડામાં ક્યાંક ૩૫થી નીચેનો આંકડો લખેલો આવ્યો તો બસ પતી ગયું એના પર ફેઈલ - નાપાસ - કે ઠોઠનો થપ્પો લાગી ગયો . બકુડો મોબાઈલ કે કોમ્પ્યુટરને ચપટી વગાડતા સેટ કરી આપતો હોય કે પછી ચકુડી મસ્ત ફૂલકા રોટલી કે પછી કપડાને ચક્કાસ ઈસ્ત્રી કરી શકતી હોય એ બધું હમજ્યા મારા ભાય , પણ જો એ જ બકુડો કે ચકુડી એકાદ સાયન્સ , એસએસ કે મેથ્સમાં ઉડી જાય તો પછી જુવો .... પપ્પા મોબાઈલને હાથ ના લગાવવા દે કે મમ્મીને એ ફૂલકા રોટલીમાં પણ ડચૂરો વળવા લાગશે .....વાંક પરીક્ષાર્થીનો છે કે પછી આપણી અપેક્ષાઓનો ??? આ સવાલ અઘરો છે , પણ છે ફરજીયાત !!!!

પરીક્ષા એટલા માટે છે કે વીતેલા વર્ષોમાં શાળામાં તમે શું જ્ઞાન મેળવ્યું અને એમાંથી તમને કેટલું યાદ રહ્યું ...આઈ રીપીટ કેટલું યાદ રહ્યું ...પણ ગોખણપટ્ટીના જમાનામાં યાદશક્તિ જેવી બી કોઈ ચીજ છે એ બિચારા બાળકોને ક્યાં સમજાય છે અને સમજાવે પણ કોણ ? છેલ્લું પેપર પૂરું થયા પછી વાગતા બેલ પછી પરીક્ષાર્થીઓના હૈયામાંથી નીકળતા હાશકારાનું જો રેકોર્ડીંગ થઇ શકતું હોત તો એનો આવાજ આખી દુનિયાને બહેરા કરી દે એવો હોત . સિમ્પલ છે ને ...એને એક ને જ ખબર છે કે પરીક્ષા , માર્ક , પરસેન્ટઆઈલ, ગ્રેડ અને ગ્રુપનાં નામે કેટકેટલું સહન કરવું પડેલું . પરિણામની વાત પરિણામ પાસે પણ આ જડસુ પરીક્ષાના ડાયનાસોરથી તો છૂટ્યા . જો કે જ્યાં સુધી પરિણામ નાં આવે ત્યાં સુધી બિચારું ઉભડક તો રહેવાનું જ ને પરિણામ આવ્યા પછી પાછું એન્ટ્રન્સ ટેસ્ટ ને લાઈન્સ લેવાની ને એડમીશન ને ....ઓહ માય ગોડ ....કરોળિયાના જાળા ની જેમ એ બિચારો ગુથાતો જ રહેવાનો ...બટ ટીલ ધેન સીટ બેક .....એન્ડ જસ્ટ ચીલ બબુઆ !!!

જેવી પરીક્ષાની મોસમ ચાલુ થાય કે પાનાઓ ભરીને અભ્યાસ સીસ્ટમ અને પરીક્ષા પદ્ધતિ વિષે શબ્દબાણો શરુ થઇ જાય છે .આ સિસ્ટમ્સ ક્યારે બદલશે કે કેટલી બદલશે એના વિષે પાનાઓ બગાડવાની જરૂર લાગતી નથી કેમકે ધીમે ધીમે થોડો થોડો સુધારો થઇ રહ્યો છે અને કદાચ ભવિષ્યમાં વધુ સારો અને ઉચિત સુધારો આ સીસ્ટમમાં થશે પણ ખરો પણ એવા ભ્રમમાં નાં રહેશો કે એનાથી પરીક્ષાર્થીને પડતા માનસિક ત્રાસમાં કોઈ ઘટાડો થશે . કેમકે આ માનસિક ત્રાસ બહુધા તો આ સીસ્ટમની બહારથી અને શાળાઓના વર્ગખંડોની પેલે પારથી જ ગુજારાય છે . શરૂઆત ઘરમાંથી જ થઇ જતી હોય છે . પોતે ભલેને ઓલ્ડ એસએસસીમાં બે ટ્રાય મારી હોય પણ સંતાન તો પહેલા ઘા એ જ પાસ થવું જોઈએ અને એ પણ સારા પરસેન્ટ સાથે . ઓકે ..સંતાન સફળ થાય એવું હર માં-બાપ ઈચ્છે જ એમાં કાઈ ખોટું પણ નથી , સંતાન સારું ભણે અને સારું કમાતો થાય એ જ મકસદ હોય છે પેરેન્ટ્સનો પણ એ પહેલા પુત્ર કે પુત્રી કેટલા પાણીમાં છે એનો ક્યાસ કાઢવો પડે કે નહિ ?

હા એ ખરું કે જમાનો સ્પર્ધાનો છે , હવે એ વખત નથી કે ઓછા માર્ક્સ સાથે પણ તમે આસાનીથી ક્યાંક ગોઠવાઈ જાવ એટલે અવ્વલ નહિ તો કઈ નહિ પણ સૌની સાથે દોડી શકાય એટલું પરીણામ તો લાવવું જ પડે પણ કહેવાનો અર્થ એ છે કે પરીક્ષા એનો માપદંડ છે એવું માનવું કે ઠસાવવું થોડુક ભૂલભરેલું છે . પરીક્ષાનું પરિણામ એ અંત નથી જ પણ એક એવી શરૂઆત છે કે જ્યાંથી તમે નવી મજીલો પર કદમ માંડવાના છો , જો સફળ થયા તો વધુ ઝડપથી અને જો નિષ્ફળ ગયા તો થોડી દેરીથી . નિષ્ફળતામાંથી શીખવું એ પણ એક પરીક્ષા જ છે ને ? ટીવી બંધ રાખવાથી , રમત-ગમત સ્ટોપ કરી દેવાથી કે પછી હરવા-ફરવાથી બાળક અવ્વલ માર્ક લાવશે એવું જો તમે માનતા હો તો મોટી ભૂલ કરો છો . એના કરતા જો આખાયે અભ્યાસ સત્ર દરમ્યાન તમે બાળકના વિકાસને ફોલો કર્યો હશે તો ખ્યાલ આવી જ જશે કે પરીક્ષામાં આ વછેરું કેટલું દોડવાનું ...એનાથી મોટો ફાયદો બાળક કરતા તો તમને જ થશે કે એટલીસ્ટ પરિણામોનો અંદાજો આવી જશે . સી આ તો એક્ઝામ છે , આમાં કોઈ પાસ થવાનું તો કોઈ ફેઈલ પણ બાળકના દીમાગમાં કેટલું ઇંધણ સમાય શકે એમ છે એનો ક્યાસ તો બે કે ત્રણ વર્ષમાં લેવાયેલી નાની મોટી એકઝામ્સ પરથી ખ્યાલ આવી જ જાય સરવાળે જો બાળક નબળું હોય તો તમારી અપેક્ષાઓના એવરેસ્ટ જેવડા ભારથી તો બચી જાય , હા પણ શરત એ કે બાળકની ક્ષમતા બાળક કરતા તમને જો વહેલી દેખાય જાય તો ...!!!!

વાત રોંગ ટ્રેક પર ચડી એવું લાગે છે તમને ? બિલકુલ નહિ ઈટ ઈઝ ઓન ધ રાઈટ ટ્રેક .... ફૈબાના નીલેશ કરતા આપણે વધુ ટકા લાવવા છે કે પાડોશીના પ્રવીણની જેમ એન્જીન્યર નહિ પણ કાકાની જેમ ડોક્ટર જ થવું છે એવા રબ્બરસ્ટેમ્પો મારતા પહેલા જો બાળકને એક વાર પૂછી શકો ને કે બેટા તને શું થવામાં રસ છે અને એના રસને તમારી આકાંક્ષા કે અપેક્ષા બનાવી શકતા હો તો ૧૦૦% ગેરંટી છે કે પરિણામોની શીટ જોઇને તમારા કરતા એ વધુ હરખાતો કે હરખાતી હશે . પણ ના .... આપણે આડોશી-પાડોશી , કાકા-મામા , ભાયબંધ-દોસ્તો બધાને એની કેરિયર વિષે પૂછશું પણ જેને આ મગજમારી અને મહામારી બેયને ગળે વળગાડીને ભણવાનું છે એને નહિ પૂછીએ ....સો સેડ ના ....!!! એ સાચું છે કે આજની શિક્ષણ વ્યવસ્થામાં આગોતરા પ્લાનીંગનું વધુ મહત્વ છે . હજુ તો બાળક જન્મ્યું પણ નાં હોય ત્યાં એડમીશનની ઉપાધિઓ લઈને ફરતા માબાપો પણ જોયા છે . કઈ લાઈન લેવી , કયું ગ્રુપ સિલેક્ટ કરવું થી લઈને સ્કુલ્સ , ટ્યુશન ક્લાસથી શરુ થયેલી આ ફરજીયાત દોડ પરીક્ષા કે પરિણામથી જ થોડી અટકવાની છે ?

ઓકે ..બેક ટુ એક્ઝામ મેનીયા ...... આપણી શિક્ષણ પદ્ધતિ જ એવી છે કે સાલ્લુ ઘણીવાર હોશિયાર વિદ્યાર્થીઓને પણ મુંડાવતા જોયા છે ત્યારે વિચાર આવે કે કેમ આમ ? પણ આમાં પરીક્ષા સીસ્ટમની સાથે સાથે વાંક આખા ભણતર દરમ્યાન એણે મેળવેલા વાતાવરણનો પણ ખરો જ . સ્કૂલ્સમાં તો ખબર જ છે કે વિવિધ ટેસ્ટ્સ અને યાદ રાખવાની પળોજણવાળું ભારેખમ વાતવરણ તો હોય જ છે પણ ત્યાંથી છૂટે તો ઘરમાં પણ એ જ . જાણે જિંદગીની અંતિમ પરીક્ષા આપવાની હોય અને પાસ થાય તો જ જીવાશે અને ફેઈલ થશે તો ડબ્બા ડુલ એવું અઘોષિત સૂત્ર વારેવારે અફળાયા કરતું હોય છે . સ્કુલમાં યાદ રાખવાની ચિંતા , ટયુશનમાં અઠવાડિક ટેસ્ટમાં ૧૦ કે ૨૦ માંથી મેક્સીમમ માર્ક લાવવાની ચિંતા ને અધૂરામાં પૂરું રોજ દિવસમાં કેટલીયે વાર માં-બાપના મુખે ઉચ્ચારતી ડોક્ટર-વકીલ-એન્જીનીયર થવાની જીદભરી આશાઓની ચિંતા ....ને આ ચિંતાઓના બોજ વચ્ચે એની પોતાની ચિંતાઓ તો અલગ ....યાદ રહેશે કે નહિ ? પરીક્ષા ટાઈમે ભૂલાય તો નહિ જાય ને ? ૩ કે સાડા ત્રણ કલાકમાં લખાશે તો ખરું ને ?.... આ ચિંતાઓની ચિતાની ઝાળ જો પરીક્ષા ટાઈમે જ બાળકને અડકી ગઈ તો સ્વાહા .... ને પરિણામમાં ચિતા તા ચિતા ચિતા ચિતા તા તા ....!!!!

૯મુ પૂરું થાય ત્યારથી શરુ થયેલી આ જદ્દ-ઓ-જહદ પૂરે ત્રણેક વર્ષ ભોગવી ભોગવીને ૧૦મા કે ૧૨માની એક્ઝામ આવતા સુધીમાં તો એના પર ભણતરનો અને માબાપની આશાઓનો બોજ એટલો બધો ખડકાઈ ગયો હોય છે કે ઘણા બધા બાળકો તો એન પરીક્ષા સમયે જ બીમાર પડી જાય છે તો ઘણા તો તૈયારીના અભાવે કે પછી આત્મવિશ્વાસના આભાવે પેપર આપવાનું માંડી વાળે છે . પણ સૌથી ચોકાવનારી વાત છે પરીક્ષાની બીકે ઘરેથી ભાગી જવું કે પછી એકાદ પેપર ખરાબ જવાને લીધે કેનાલમાં ભૂસકો મારવો કે પછી રૂમ બંધ કરીને પંખાના હુકે ટીંગાઈ જતા આશાસ્પદ બાળકોની સંખ્યાનો . ફૂલ જેવા બાળક પર પરીક્ષાના નામે થતો આ કદાચ સૌથી ક્રૂર અત્યાચાર છે . વાંક ભણતર , બાળકની બુદ્ધિ કરતા પણ સૌથી વધુ એ માવતરનો હોય છે જે એટલું સમજી નથી શકતા કે બાળકની ખોપડીમાં જેટલું જ્ઞાન સમાઈ શકે એટલું જ સમાય એથી વધુ ઘુસાડવા જાવ તો ખોપડી ફાટી જ જાય . પણ અફસોસ કે આવી સિમ્પલ વાત જયારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે . કેટલા વાલી એવા હશે કે જે એમ કહીને બાળકને પરીક્ષાખંડમાં મોકલતા હશે કે કઈ વાંધો નહિ ...પરિણામની ચિંતા કાર્ય વગર તને જેટલું આવડે છે એટલું લખી આવ ....નાપાસ કે ઓછા માર્કની ચિંતા કર્યા વગર .....

ચોક્કસપણે ૧૦ કે 12 ના પરિણામો ના આધારે એની આગળની કેરિયર ગોઠવવાની હોય છે એટલે સ્વાભાવિક રીતે આપણો પ્રયત્ન એ જ રહે કે આ પરીક્ષાઓમાં સંતાનનો દેખાવ સારો રહે અને એટલી જાગૃતિ રહેવી જ જોઈએ પણ જાગૃતિના નામે અપેક્ષા કે ઉપેક્ષા નો બોજો નુકાય છે બાળક પર એ અટકાવી શકાય તો બાળક એની રીતે અને કદાચ વધુ ઝડપથી ખીલી શકશે જો કે કહેવાનો અર્થ એ પણ નથી કે બાળક ઓછું બુદ્ધિશાળી છે તો એને સ્વીકારી લેવું ...હરગીઝ નહિ . પણ ચોક્કસપણે સૌથી પ્રથમ તો એની પ્રતિભા અને કેપેસીટીને જાણી લેવી પડે ને એ પછીથી એમાં શક્ય એટલો વધારો કરવા માટે બિલકુલ હેલ્ધી અને હકારાત્મક વાતાવરણ પૂરું પાડવું . સારી સ્કુલ્સ , મોંઘા ટ્યુશન કલાસીસ કે સતત ભણભણ કરવું સારા પરિણામની ગેરંટી નથી એ બાળક પહેલા આપણે જાણવું પડે . બોર્ડના પરિણામોમાં ટોચમાં રહેલા પ્રથમ ૧૦ ના નામ જોઈ લેવા ...દર વર્ષે એમાંથી મોટાભાગના રીક્ષા ચલાવતા , પંચરની કે કરિયાણાની દુકાનવાળા કે બિલકુલ ઓછા સાધનો ધરાવતા વાલીઓના સંતાનો જ હશે . બુદ્ધિ ખરીદવાથી ઓછી અને જન્મજાત વધુ મળે છે એ સ્વીકારવું રહ્યું , પણ હા સાથે સાથે ક્રમબદ્ધ રીતે અને હકારાત્મક પદ્ધતિથી જો બાળકને અભ્યાસને લગતી સગવડતાઓ પૂરી પાડી હોય તો પરિણામ સારું જ આવશે .

ગાંધીજીને મેટ્રીકમાં ૪૭% જ આવેલા ને આઇનસ્ટાઇન , ડાર્વિન , ધીરુભાઈ અંબાણી , બીલ ગેટ્સ કે આવા બીજા જગપ્રસિદ્ધ વિભૂતિઓ કોઈ પરીક્ષામાં ટોપ નહોતા આવેલા ને છતાયે પ્રતિભા અને લગનને લીધે જીંદગીમાં સફળ થયેલા . દાખલાઓ અનેક છે પણ એના માટે જરૂરી છે કે પરીક્ષાને ડાઘીયા કુતરાને બદલે એક એવી દ્રષ્ટીએ લઈએ કે આ કોઈ અંતિમ બિંદુ નથી જીવનનું , ઇસકે આગે જહાં ઓર ભી હૈ ..!!! અને હવે તો અનેકો દિશાઓ , લાઈનો , અભ્યાસક્રમો અને સ્કોપ્સ છે જ . એટલે પરીક્ષાના હાઉને મગજમાંથી કાઢીને વિચલિત થયા વગર અને સફળ થાય તો ઠીક પણ નિષ્ફળતાના ભયને દુર કરીને સરળતા અને શાંતિથી પરીક્ષા અપાય એ જોવાની જવાબદારી બાળકની નહિ પણ વાલીઓની છે , જો એવું થઇ શકે તો પેપર પૂરું કરીને બહાર નીકળેલા બાળકને પૂછવું નહિ પડે કે “ કેવું ગયું ? “ કેમકે એ સામેથી જ કોઈ શબ્દો ચોર્યા વગર જેવું હશે એવું જ કહી દેશે .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED