'S.M.G.' nu Ohh! My God: Be Minute Silence books and stories free download online pdf in Gujarati

'એસ. એમ. જી.' નું ઓહ! માય ગોડ: બે મિનીટનું સાયલેન્સ

સોશીયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સઅપ પર એક મેસેજ વારંવાર આવે છે જે મને , તમને અને અનેકોના વોટ્સઅપ પર કે ફેસબુક પર આવી ચુકેલો છે . આ મેસેજમાં અમુક નંબરો આપવામાં આવેલા છે જે ઈ સીરીઝના છે જેમકે ઈ૧૧૦ , ઇ૧૨૦ , ઇ૧૪૦ વગેરે વગેરે . દરેક પેકેજ્ડ ફૂડ પર કન્ટેન્ટનું એક લેબલ લગાડેલું હોય છે જેમાં એ ફૂડની ન્યુટ્રીશાન વેલ્યુથી લઈને એ ફૂડની બનાવટમાં શું વપરાયું છે તેનો ટકાવારી મુજબ ઉલ્લેખ હોય છે . આ ઈ સીરીઝના સાંકેતિક નામ એ જે તે ફૂડમાં પશુની કે સુવરની ચરબી છે કે નહિ તે દર્શાવે છે . મેસેજમાં આગળ લખેલું છે કે બિસ્કીટ , ટુથપેસ્ટ , મીઠાઈ , ચોકલેટ , કેક , પેસ્ટ્રી વગેરે વગેરે જેવા રોજીંદા ખોરાકમાં આ ઈ સીરીઝનું કન્ટેન્ટ વપરાય છે . મતલબ ઉપરોક્ત વસ્તુઓની બનાવટમાં સુવર / પશુઓની ચરબી અથવા એમના હાડકાના ચૂર્ણનો ઉપયોગ થાય છે .

સાચું ખોટું રામ જાણે પણ અહી આ જ જગ્યાએ ૧૧ મેં ૨૦૧૪ના રોજ લખેલો અને વાચકોએ ખુબ વખાણેલો ફૂડ પેકેટ પર છપાતા ખોટા લેબલો અને એમાં રહેલા હાનીકારક તત્વો વિશેનો લેખ આજે ફરી યાદ આવી જાય છે અને એ યાદ આવવાનું એક કારણ તાજેતરમાં થયેલો મેગી નુંડ્લ્સનો વિવાદ પણ છે . ૧૧મી મેં ના એ લેખમાં રોજબરોજની અનેક ખાદ્ય ચીજોમાં લેબલમાં લખેલા કન્ટેન્ટ કરતા જુદી જ વસ્તુઓ જે તે ખાદ્ય પદાર્થની બનાવટમાં વપરાય છે તેનો વિગતવાર ઉલ્લેખ કરેલો એમાં જ મેગી વિષે પણ લખેલું કે ‘ મેગીના પેકેટ પર બીજા બધા ઇન્ગ્રીડેંટસની સાથે સાથે એ પંચ ઓફ સોલ્ટ લખેલું હોય છે પણ પૃથ્થકરણના અંતે એક મેગીના પેકેટમાં ૨.૫-૩ ગ્રામ જેટલું મીઠું હોવાનું જાણવા મળ્યું છે જે આપણા શરીરની રોજીંદી મીઠાની જરૂરિયાતના ૬૦% જેટલું છે ....’ મતલબ જો તમે રોજ એક પેકેટ મેગી ખાતા હોવ તો બાકીના ભોજનમાં મળતા મીઠાને હિસાબે તમારા શરીરમાં જરૂરીયાત કરતા અનેકગણું વધુ મીઠું રોજ જમા થતું જાય જે સરવાળે તમારા લીવર કે કીડનીને જ નુકશાન કરે છે . છે ને ચોકી જવાય એવી વાત ?

આ તો એક વર્ષ પહેલા લખેલી વાત છે પણ હવે મેગીમાં હોવું જોઈએ એના કરતા વધુ માત્રામાં લીડ એટલે કે સીસું પણ હોવાનું જાણવા મળ્યું છે . ભારતમાં પેકેજ્ડ અને ઈન્સ્ટન્ટ ફૂડસ કેટલા હેલ્ધી અને ખાવાલાયક છે એનો ફરી એકવાર વિવાદ છેડાઈ ચુક્યો છે . ૧૧મી મેં એ લખેલા લેખમાં મેગી સિવાય બિસ્કીટ , અથાણા , ખાદ્યતેલ , ફરસાણ , મીઠાઈ , ફાસ્ટફૂડ , એનર્જી ડ્રીંક જેવા અનેક ખાદ્ય પદાર્થોની માન્ય સંસ્થા દ્વારા જાંચ થયા પછી એમાં મળેલા હાનીકારક તત્વો વિષે સંસદમાં મુકાયેલા રીપોર્ટને આધાર બનાવીને વિસ્તારપૂર્વક લખેલું છે પણ લાગે છે કે મોટાભાગની આવી ખાદ્યઉત્પાદક કંપનીઓ અને ખાસ કરીને બહુરાષ્ટ્રીય કંપનીઓ એ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને , એમને ગુમરાહ કરીને પોતાના ખિસ્સા ભર્યે રાખવાનું ચાલુ જ રાખ્યું છે . મેગી નુડલ્સ પર થયેલો વિવાદ કરતા પર જે તે સરકારે જાહેર કરેલો આ રીપોર્ટ લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે આ ઉત્પાદકોએ અચૂક પાળવી જ જોઈએ એવી સભાનતા દર્શાવવા તરફનું પ્રસંશનીય કદમ છે અને લોકોને શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે એ જોવું દરેક સરકારો અને સંસ્થાઓનું કર્તવ્ય છે .

ભારતમાં આપણામાંથી મોટાભાગના ખાદ્ય વસ્તુઓના પેકેટ પર લગાડેલા લેબલ પર ધ્યાન નથી આપતા અથવા તો આગળ લખ્યું એમ ઈ સીરીઝ જેવી જીણી જીણી બાબતોની જાણકારીનો અભાવ છે જેને લીધે કોણ જાણે કેટલુંયે સીસું કે બીજા આવા પદાર્થો આપણે ઓહિયા કરતા રહ્યા છીએ . મેગી નુડલ્સ તો તાજો જ દાખલો છે પણ ભૂતકાળમાં આવા અનેક વિવાદો બની ચુક્યા છે , એ વિવાદો સાચા હતા કે ખોટા એનું કોઈ સત્તાવાર કારણ પણ હજુ સુધી જાણવા નથી મળ્યું . કોકની બોટલમાં જીવડું કે પછી પેપ્સીની બોટલમાં કોઈ ગુટકાની ખાલી પડીકી નીકળી એવા સમાચારો ફોટા સહીત અખબારોમાં ઘણી વાર છપાઈ ચુક્યા છે . ૨૦૦૩મા કેડબરીની ડેરી મિલ્ક ચોકલેટમાં વંદો / જીવાત નીકળ્યાના સમાચારે આખા દેશમાં હલચલ મચાવી દીધેલી એ હજુ યાદ જ હશે . કમ્પનીએ સ્પષ્ટતા પણ કરેલી કે ક્યાંક સ્ટોરેજમાં ખામી રહી જવાને કારણે આવું બન્યું હશે પણ કેડબરી પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થયાનું યાદ નથી જ . ઇવન મેગાસ્ટાર અમિતાભ બ્રાંડ એમ્બેસેડેર હોવા છતાં અને કમ્પનીએ આ બનાવ પછી પેકિંગ માટે લખલૂટ ખર્ચો કર્યો હોવા છતાં ૨૦૦૪માં ફરીથી કલકત્તામાં ચોકલેટમાં જીવાતો નીકળવાનો કિસ્સો ફરીથી બનેલો જ .

ભારતમાં આવેલી મોટાભાગની બહુરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ કંપનીઓ એમ.એસ. જી . મતલબ મોનોસોડીયમ ગ્લુટામેટનો ઉપયોગ કરે છે . આમ તો આ એમ.એસ.જી સ્વાદ વધારવાના નામે સોડીયમની સાથે ભેળવાય છે . ઈન્સ્ટન્ટ ફૂડને લાંબો સમય સુરક્ષિત રાખવા માટે પણ આ દ્રવ્યનો ઉપયોગ થાય છે . આ એમ.એસ.જી.એટલે બીજું કઈ નહિ પણ અજી નોમોટો જ છે . આ એક પ્રકારની સમુદ્રી શેવાળ છે જે મીઠા જેવી જ હોય છે . મોટાભાગે ચાઈનીજ આઈટમ્સ જેવીકે મન્ચુરિયન , નુડલ્સ , ચાઉમીન વગેરમાં એનો વપરાશ વધુ હોય છે . આની મીલાવટથી જે તે વસ્તુ વધારે દિવસો સુધી ખાવા યોગ્ય બની રહે છે , બગડતી નથી અથવા મૂળ સ્વાદ અને સ્વરૂપમાં રહી શકે છે . ચાયનીઝ સિવાય ટમેટો સોસ , બર્ગર પિઝ્ઝા , ચટણી , અથાણું , મેક્રોની મસાલા વગેરેની બનાવટમાં પણ છૂટથી વપરાય છે . એમ તો કોલ્ડ સ્ટોરેજમાં રહેલી વસ્તુઓ પર પણ આનો છંટકાવ કરાય છે .એમ.એસ.જી.ના વધુ પડતા ઉપયોગથી મગજનું ટ્યુમર , એલર્જી , શરીર પર લાલ ચિન્હો , માથાનો દુખાવો જેવા રોગો થઇ શકે છે અને એથી જ જગતના મોટાભાગના દેશોમાં આના ઉત્પાદન , વેચાણ કે ઉપયોગ પર પ્રતિબંધ છે અઠવ તો નિયંત્રિત વપરાશની જ છૂટ છે કારણકે એનો વધુ ઉપયોગ મનુષ્યની કીડનીને ગંભીર નુકશાન પહોચાડી શકે છે પણ હમારે હિન્દુસ્તાનમાં એની પર કોઈ પ્રતિબંધ નથી જેનો આ રીતે લાભ લેવાય છે .

અમદાવાદ સ્થિત ક્ન્જ્યુંમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીએ લગભગ ૧૫ જેવી બ્રાન્ડનું પોતાની રીતે પોતાની લેબમાં ટેસ્ટીંગ કર્યું . એમનો ટેસ્ટીંગ કરવાનો ઈરાદો એ જ હતો કે આ બધી બ્રાન્ડના પેકેજ્સ ફૂડમાં લખ્યા મુજબ માત્રામાં પદાર્થો જેવા કે સોડીયમ , ફાઈબર , કેલ્શિયમ વગેરે છે કે નહિ ? પરીક્ષણના અંતે મોટાભાગની બ્રાંડ ખોટું બોલતી આઈ મીન લખતી પકડાઈ . ખાસ કરીને નુડલ્સ કે જેનો બાળકોમાં વધુ વપરાશ છે અને હવે તો નુંડ્લ્સને બધી ઉમરના લોકોના ખોરાક તરીકે પ્રમોટ કરાય છે ત્યારે પરીક્ષણ કરાયેલા મોટાભાગના નુડલ્સમાં લખ્યા કરતા ઓછી માત્રામાં સ્વાસ્થ્ય વર્ધક કન્ટેન્ટ મળ્યા . ઈન્સાઈટ મેગેજીનમાં આના પરિણામો પબ્લીશ થયા છે એ મુજબ સોડીયમ ૮૨૧મિગ્રા.( ૧૦૦ ગ્રામે ) જોવા મળ્યું જે બ્રિટીશ ફૂડ સેફટી એજન્સી એ આપેલા આંકડા કરતા ઉંચો આંકડો છે , એ જ રીતે ફાઈબર કન્ટેન્ટ એટલીસ્ટ ૬ ગ્રામ હોવું જોઈએ એના કરતા પણ ઓછું જોવા મળ્યું . વેજીટેબલ આટા નુડલ્સમાં વેજીટેબલની ન્યુટ્રીશન વેલ્યુ પણ લખ્યા કરતા ઓછી જોવા મળી છે . સરવાળે બસ દો મિનીટની આ મજા જો લગાતાર અને વધુ માત્રામાં લેવામાં આવે તો નુકશાનકારક બને એ વાત ચોક્કસ .

જરૂરી નથી કે એમ.એસ.જી. જ આ બધા દુખાવાનું કારણ છે અને એવું સાવ ક્યાય સાબિત પણ નથી થયું પણ આગળ લખ્યું એમ સતત અને વધુ વપરાશ આવી ઉપાધિઓ નોતરી શકે છે એ પણ હકીકત છે ને હકીકત એ પણ છે કે એમ.એસ.જી. સર્વત્ર છે , સચરાચર ....બચ કે જાઓગે કહા ??? આગળ કહ્યું એમ મોટાભાગની ચાયનીઝ ખાદ્યપદાર્થોમાં આ હોય જ છે , ક્યાંક સ્વાદ વધારવાના નામે તો ક્યાંક ફ્લેવર વધારવાના નામે . જો કે ખાલી ચાયનીઝ ફૂડઝને જ દોષ દેવો નકામો છે કેમકે પ્રોસ્સેસ્ડ , પેકેજ્ડ અને રેસ્ટોરન્ટમાં મળતી ડીશોમાં પણ આનો છૂટથી ઉપયોગ થાય જ છે . એમ.એસ.જી. ફૂડની ફ્લેવરમાં વધારો કરવા વપરાય છે પણ અમુક ફૂડ પદાર્થો જ એવા છે કે જેમાંથી નેચરલી એમ.એસ.જી. મળતું હોય છે . જેમકે બટેટા , વટાણા , ટમેટા , ટમેટો જ્યુસ , મશરૂમ , દ્રાક્ષ અને દ્રાક્ષનો જ્યુસ વગેરે .આ ઉપરાંત પાર્મેસન અને રોક્વેફોરટ પ્રકારના ચીઝમાં પણ કુદરતી રીતે એ.એસ.જી.છુટું પડે છે અથવા હોય છે . પણ એટલે એવું નથી કે આ બધું બંધ કરી દેવું પણ તમારી આ ફૂડઝને ખાવાની માત્રા પર એ.એસ.જી.નો પ્રભાવ નિલંબિત છે . આ આખીયે વાતનો એક અને મુખ્ય સુર એ નાં ભૂલશો કે વધુ માત્રા જ નુકશાનકારક છે સાથે સાથે એ પણ ચેતવણી રૂપ છે કે આવા પેકેજ્ડફૂડમાં મળતા આવા દ્રવ્યોનું પ્રમાણ નિયત માત્રા કરતા વધુ હોવાથી આપણે જાણ્યે - અજાણ્યે પેટમાં કે શરીરમાં ઓછો ખોરાક લેવા છતાં વધુ માત્રામાં સીસા ને નાં જાણે શું શું ઠાલવી દઈએ છીએ .

એમ.એસ.જી. નુકશાન કરે છે કે નહિ એના પર પણ મતમતાંતર છે જ . ઘણા નું કહેવું છે કે એ.એસ.જી.માં રહેલ ગ્લુટામેટ નુકશાન કરે છે , સોડીયમ નહિ . જયારે ઘણા એનાથી ઉલટું કહે છે . એટલે લેબલ પર ચાલાકીથી યીસ્ટ કે બીફ ફ્લેવરના નામો લખી દેવાય છે કેમકે એમાંથી પણ કુદરતી એમ.એસ.જી. છુટું પડે જ છે . મોટાભાગના અલ્ટ્રા પ્રેશ્યુંરાઈઝ્ડ ટીન્ડ દૂધ , દુધનો પાઉડર , કોટેજ ચીઝ , આઈસ્ક્રીમ વગેરમાં આ એમ.એસ.જી.. ભાઈ હાજર હોય છે . આ ઉપરાંત પેક્ડ વેજીટેબલ અને ફ્રેશ ફ્રુટ ટીનમાં પણ ખરું જ . ખાલી મેગીને છીંડે ચડાવીને ચોર સાબિત કરતા પહેલા એ જાણી લો કે બટેટાની ચિપ્સ , ફ્રોઝન ડીનર અથવા તો એ પ્રકારના અસંખ્ય પદાર્થો એવા છે કે જેમાં એમ.એસ.જી. કુદરતી કે અકુદરતી રીતે મોજુદ છે જ .. એટલે એ મુશ્કેલ જ છે કે એમ.એસ.જી.વાળા ખાદ્યપદાર્થોનું ચોક્કસ ને અલગથી લીસ્ટ બની શકે. જો તમે ફૂડ લેબલ ચેક કરવાની ટેવ ધરાવતા હોવ અથવા તો આવડી લાંબી મેગી કથા સાંભળ્યા પછી તમને પણ તમે ખાઈ રહેલા ફૂડમાં એમ.એસ.જી. છે કે નહિ એ ચેક કરવાની ઈચ્છા થઇ આવી હોય તો એ વાત પણ નોંધી લો કે કદાચ કોઈ ફૂડ લેબલ પર એમ.એસ.જી. એમ ચોખ્ખું નાં પણ લખ્યું હોય . તો ?? નો પ્રોબ્લેમ તો એના બીજા ઉપનામો પણ છે ...પેલું હુલામણું નામ કહે ને એવા. આવો જોઈએ ઓળી ઝોળી કર્યા વગર એમ.એસ.જી. ના ફૈબાએ પાડેલા એવા અમુક નામો ....!!!!

૧૧મી મેં ના લેખમાં લખેલું કે ભળતા નામો ફૂડ લેબલ પર લગાવીને અસલ કન્ટેન્ટને છુપાવવામાં આવે છે એ જ રીતે એમ.એસ.જી.ની જો તમે શોધખોળ કરતા હોવ ને નાં જોવા મળે તો આમાંના કોઈ નામો છે કે નહિ એની તપાસ કરવી - હાઈડ્રોલાઈઝડ પ્રોટીન , ઓટોલાય્ઝડ યીસ્ટ , ગ્લુટામેક એસીડ અને યીસ્ટ એક્સ્ટ્રકટ. જો આમાંના કોઈ દેખાય તો સમજવું કે આપકે ખોરાક મેં નમક હૈ ...આઈ મીન એમ.એસ.જી. હૈ ...!!!!! જો કે હવે તો ઘણા રેસ્ટોરન્ટનાં મેનુમાં લખેલું હોય છે “ નો એમ.એસ.જી . “ જો નાં લખ્યું હોય તો હિતાવહ છે કે પૂછપરછ કરી જોવી કે શેમાં અને કેટલું એમ.એસ,.જી. વપરાઈ રહ્યું છે . થોડી વેદીયાવૃતિ જેવી વાત લાગે છે ને ? લખનાર અને વાંચનાર બંનેને ખબર છે કે આવી ટેવો હજુ આપણે ત્યાં પડી જ નથી કે પાડવાના પણ નથી . આગળ લખ્યો એ કેડબરીના વિવાદ પછી પણ ચોકલેટો ખવાય છે એમ આ મેગી મહાભારત પછી પણ અટકી અટકીને નુડલ્સના ગૂંચળાઓ આરોગાવાના જ છે .લારીઓ પર ઢગલા મોઢે નુડલ્સ તો પણ ઓહીયા કરી જવાના જ છીએ . જો કે મેગીના વિવાદની અસર અમુક અંશે નુડલ્સના વેપાર પર પડી જ છે એ ચોક્કસ છે પણ સસ્તું અને સ્ટ્રીટ ફૂડના આપણે રહ્યા પાક્કા ચાહકો એટલે સોડીયમ - ફોડીય્મ માર્યા ફરે . પણ સાથેસાથે આ હકીકતને પણ નજરઅંદાજ નાં કરાય તો સારું ...!!!

પણ તો પછી આનો ઉપાય ? આમ તો એમ.એસ.જી ને તમારા શરીરમાં એન્ટ્રી મારતા સાવ બંધ કરવાનો સચોટ ઉપાય નથી પણ આ રહ્યા અમુક સરળ નુશ્ખાઓ : બને ત્યાં સુધી બહાર આવી ચીજો જમવાનું ટાળો અને એને ઘરે જ બનાવો ( અઘરું છે , હે ને ? !! ) ....કેન્ડ ફૂડનો વપરાશ ઓછો કરો , રસોઈના ઇન્ગ્રીડેંટ બને ત્યાં સુધી જાતે જ અને નેચરલ ખરીદો અને વાપરો .....રસોઈ માટે બેઝીક ફ્લેવર્ડ સોસ કે સૂપ કે ડ્રેસિંગ વાપરવા કરતા નેચરલ મીઠું કે અન્ય મસાલા વાપરો ...ખોરાકની ફ્લેવર વધારવા નેચરલ હર્બ જેવા કે ડુંગળી , લસણ , હળદર કે અન્ય મસાલા વાપરો ....!!!! શિખામણો અને સુઝાવો બહુ થઇ ગયા ....બહાર ખાવું આજના ઝડપી જમાનાની એક આવશ્યકતા બની ગઈ છે ત્યારે શક્ય હોય ત્યાં સુધી આવા પેક્ડ ફૂડનો ઓછો ઉપયોગ થાય તો પણ ઘણું .... બાકી આ જ જગ્યા એ લખેલો ૧૧મી મેં નો લેખ નેટ પર શોધીને વાંચી જવા વિનંતી ....આવા કેટલાયે એમ.એસ.જી.ની આખો પહોળી થઇ જાય એવી કથા એમાં છે જ ....જે વાંચતા બોલી જવાશે કે ઓ.એમ.જી. .....‘ ઓહ માય ગોડ ....’!!!!!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED