Dosti: Khushi-ne karein hazaarghani, Dukh-ne kare zero percent books and stories free download online pdf in Gujarati

દોસ્તી : ખુશીને કરે હજારગણી , દુઃખ ને કરે ઝીરો પરસેન્ટ

એક રૂમના બંધ બારણા પર અંગ્રેજીમાં લખેલું હતું કે ‘ ડોન્ટ ડીસ્ટર્બ , આઈ એમ હર્ટ ‘. ઘણા લોકો એ સુચના વાચીને જતા રહ્યા પણ એક વ્યક્તિ બારણા પાસે આવીને એ વાંચીને દરવાજાને પાટું મારીને ખોલતા જ રૂમમાં દાખલ થતા બોલી ઉઠે છે ‘ આ બહાર શું અંગ્રેજીમાં ચોટાડ્યુ છે ...કઈ ખબર ના પડી ‘ ને પછી હળવેથી પેલાની આંખમાં આંખ નાખીને પૂછી લ્યે છે ‘ શું થયું બોલ તો ? ‘ આ છે દોસ્તી !!! દોસ્તીને કોઈ નોટીસો ના નડે ....દોસ્તીને કોઈ બંધનો ના હોય , દોસ્તીની એક જ ભાષા હોય - દિલની ભાષા . દિલમાંથી જે શબ્દો નીકળે એ જ લેન્ગવેજ ઓફ દોસ્તી !!! . એમાં શિષ્ટાચાર ના હોય એમાં દીલાચાર હોય . કોઈની સાથે વાત કરતી વખતે શબ્દો ગોઠવવા પડે એ દોસ્તી નથી , શબ્દો ધડાધડ છૂટે એ દોસ્તી છે . દોસ્તો મળે ત્યારે શબ્દો ત્રાજવે તોળવા નથી પડતા , દોસ્તો મળે ત્યારે તો વાતોની વખારો ખુલી જાય....મનડાના મોબાઈલની બેટરી ફુલ્લી રીચાર્જ થઇ જાય ..દોસ્તોની એક અલગ જ ડીક્ષનરી હોય ..એના શબ્દો અલગ હોય અને અનોખા હોય .

આજે છે દોસ્તીનો દિવસ , દોસ્તોનો દિવસ . આજે છે ઓગષ્ટનો પહેલો રવિવાર યાની કે ફ્રેન્ડશીપ ડે . ફર્સ્ટ વર્લ્ડવોર પછી દુનિયાના દેશો વચ્ચે પડેલું અંતર ઓછું કરવા અને એકબીજા પ્રત્યેની નફરત ઓછી કરવા માટે શુભેચ્છા સંદેશો મોકલવાનું શરુ થયું અને આમ ૧૯૨૦ના ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર બન્યો ફર્સ્ટ ફ્રેન્ડશીપ ડે . પણ દોસ્તીની ઉજવણીની તે કોઈ તારીખ હોતી હશે ? દોસ્તી કાઈ થોડી કોઈ ચોક્કસ દિવસની મોહતાજ છે .સુદામાએ કૃષ્ણને તાંદુલની પોટલી આપેલી એ પણ ફ્રેન્ડશીપ ડે જ હતો અને એ જ કૃષ્ણ જયારે અર્જુનના રથના સારથી બન્યા એ પણ ફ્રેન્ડશીપ ડે જ હતો . દોસ્તીના તે કાઈ ચોક્કસ દિવસો થોડા હોય? આજનો દિવસ તો એક પ્રતિક માત્ર છે બાકી દોસ્તી કોઈ ક્ષણભર માટે કે કોઈ ચોક્કસ સમયગાળા માટે હોય તો એ દોસ્તી શેની ? દોસ્તી માટે કોઈ એક ચોક્કસ દિવસ ક્યારેય પુરતો ના હોય શકે , દોસ્તી તો હોય છે જિંદગીભરની , આખા આયખા સુધી ચાલે એ દોસ્તી અને સાથ નિભાવે એ દોસ્ત અને દોસ્તના છેલ્લા શ્વાસ ખૂટી જાય તો પણ જીગરમાં , જહેનમાં અને દિલોદિમાગમાં અખંડ જળહળતી રહે એનું નામ દોસ્તી . દોસ્ત જતો રહ્યો તો શું થયું પણ એની યાદો અને એની દોસ્તીની સુગંધ જિંદગીભર સાથે રહી જાય એનું નામ દોસ્તી ...!!

દોસ્તી એટલે મોકળાશ , દોસ્તી એટલે એક એવું બંધન એક એવું વળગણ જે તમને અહેસાસ કરાવે મુક્તિનો. જગતના અનેક સંબંધોમાં આ એક જ રિશ્તો એવો છે જેમાં બંધનમાં બંધાવું ગમે . દોસ્તીના દોરડાથી બંધાયા છતાં પણ માયલો મુક્તિની મિજબાની કર્યા કરે એ દોસ્તી , એમાં બંધાવાની પણ એક મજા છે કારણકે દોસ્તી એ લોહીનો નહિ પણ દિલનો સંબંધ છે . ડાયરેક્ટ દિલથી દિલ મળે ત્યાં જ હોય દોસ્તી . લોહીના સંબંધો ઘણા છે , અમુલ્ય છે અને અઢળક છે પણ આ બધા સંબંધોથી પણ એક વેંત ઉંચો જો કોઈ સંબંધ હોય તો એ છે દોસ્તીનો સંબંધ . દોસ્ત એટલે ભગવાન જેને આપણી સાથે લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયા હોય એ રિશ્તો - એ વ્યક્તિ - એ સંબંધ એટલે જ તો દોસ્તી , અને દોસ્તીના સંબંધો લોહીના સંબંધોથી પણ વધુ મજબુત , વધુ ટકાઉ અને વધુ ચિરંજીવી નીવડતા હોય છે . દોસ્તી એટલે કાકા, મામા , બાપ , ભાઈ , બહેન જેવા અનેક સંબંધોનું કોકટેલ . દોસ્તીમાં આ બધા સંબંધોનો અર્ક છે - ફ્લેવર છે અને ટેસ્ટ પણ છે .

અને દોસ્તી એટલે ?... એક જ સિગારેટ કે બીડીમાંથી ચાર જણા કશ લગાવે એ દોસ્તી ... પેટ ભરેલું હોય તોય પરાણે દાળવડા ખાવા જ પડે એ દોસ્તી ..અને દાળવડા ખાધા પછી ચલ પૈસા આપી દે એવું હસતા હસતા કહી દે એ દોસ્ત ....નદીમાં નહાવા પડતા જેની હાજરીમાં તમે બિન્દાસ ચડ્ડી ફગાવી શકો એ દોસ્તી ...વાત કરતી વખતે શબ્દો કરતા વધુ ગાળો છૂટતી હોય એ દોસ્તી .... કોલેજમાં ગમતી બહેનપણી નાં આવી હોય તો ચાલે પણ દોસ્ત નાં આવ્યો હોય તો ક્લાસમાં જીવ ચોટે નહિ એનું નામ દોસ્તી ....અને ભાઈબંધને ગમતી છોકરીને સૌથી પહેલો ભાભી કહી બેસે એ દોસ્તી ...ને એ જ ભાભી સાથે ભાઈબંધનું મિલન કરાવવા ઉછીના ઝગડા વહોરી લ્યે એ દોસ્તી ... દોસ્તી એટલે ટુ-સીટર બાઈક પર હક્કથી ચાર જણા ચડી બેસે એ .... દોસ્તી એટલે અર્ધી રાત્રે ફોન કરીને પૂછે કે કેમ એલા હજુ ક્યાં ડાફોળિયાં મારે છે એ ... હજુ પહેર્યું પણ નાં હોય એવું નવું નક્કોર ટીશર્ટ જે હક્કથી પહેરવા લઇ જાય એ દોસ્ત ... નવા બાઈકની પહેલી ચક્કર મારે એ દોસ્ત ...વહેલી સવારે બસ પકડવાની હોય તો વગર પૂછ્યે કહી દયે કે હું આવીશ તને મુકવા એ દોસ્ત ....દોસ્તનો મુડ બનાવવા બધાય કામ પડતા મુકીને એની સાથે આડેધડ રખડવા નીકળી પડે એ દોસ્તી ...સુરજ કદાચ ઉગવાનું ભૂલી જાય તો ચાલે પણ દિવસમાં એક વાર તો દોસ્તને મળવું જ પડે એ દોસ્તી ...કોઈપણ જરૂરિયાતમાં જેનો દરવાજો અર્ધી રાત્રે પણ બિન્દાસ અને બેજીજક ખખડાવી શકાય એ દોસ્તી ....પોતાના વધુ માર્ક્સની ખુશીને બદલે દોસ્તના ઓછા માર્કનો ગમ મનાવે એ દોસ્તી ..ઘરના કોઈને દવાખાને દાખલ કર્યા હોય તો આપણી સાથે રાતભર જાગે એ દોસ્ત ...ઘરે કોઈ પ્રસંગ હોય તો જેને કાર્ડ લખવાની જરૂર ના પડે એ દોસ્ત ને તોય પ્રસંગના મંડાણથી છેક છેલ્લું મહેમાન જાય ત્યાં સુધી મૂંગામોઢે દોડતી રહે એ દોસ્તી ....મનોજ ભલે ને ગમે એટલો મોટો માણસ થઇ ગયો હોય પણ એને ભરબજારે એ મનીયા કે પછી પૈસાદાર ફેમિલીમાં પરણ્યા પછી ઓડીમાંથી ઉતરતી રીટાને ઓય રીટાડી પોકારી શકે એ દોસ્તી .!!!

કોઈને કહી નાં શકાય એવી વાત જેને કહી શકાય એ દોસ્ત . દોસ્ત સાથે વાત કરવામાં કોઈ પૂર્વભૂમિકાની જરૂર નહિ . દોસ્તીમાં ગોળગોળ વાતોને સ્થાન નથી , એમાં તો ટુ ધ પોઈન્ટ ચાલુ જ પડી જવાનું હોય અને દોસ્તે સાંભળવું જ પડે . દોસ્તી એક એવો સંબંધ કે જેમાં વાત કર્યા પછી પાછળ ઉમેરવું નથી પડતું કે ‘ કોઈને કહેતો નહિ કે કહેતી નહિ :. દોસ્તી એટલે વિશ્વાસ ...દોસ્તી એટલે ભરોસો ...દોસ્તી એટલે એક એવું સેફ ડીપોઝીટ વોલ્ટ જેમાં તમે ચિંતા કર્યા વગર કોઈ પણ વાત ને સંઘરી શકો . દોસ્તો સાથે કરેલો સંવાદ હોય તો છે ખુલ્લાદિલનો પણ એ ક્યારેય જાહેર નાં થાય . દોસ્તીમાં થયેલી એક એક વાત જાહેરપણે હમેશ માટે ખાનગી જ રહે . દોસ્તો સાથે થયેલી વાતો એટલે એક એવો દસ્તાવેજ જેમાં સહી સિક્કાની જરૂર નહિ , જેમાં સાક્ષીની સહીઓની જરૂર નહિ . દોસ્તીમાં લિંગભેદ નથી હોતો . બે છોકરાઓ-પુરુષો વચ્ચેની અને બે છોકરીઓ-સ્ત્રીઓ વચ્ચેની દોસ્તીમાં ભેદ પડે જ નહિ કેમકે દોસ્તીમાં ભેદભાવ નથી હોતો . દોસ્તીમાં અમીર-ગરીબ પણ ક્યાં હોય છે ? બે દોસ્ત હોય તો પૈસા ગૌણ થઇ જાય .દોસ્તીમાં આવક જાવકનું રજીસ્ટર નથી રખાતું. દોસ્તીમાં જમા-ઉધાર જેવું કઈ છે જ નહિ . મેં ૩૦૦ વાપર્યા અને તે ૩૦ જ એવી મુનીમગીરી દોસ્તીમાં નાં હોય . દોસ્તીનું સરવૈયું ના નીકળે , એ તો એક એવી ખાતાવહી છે જેમાં જમા ઉધારની આવક સતત ચાલુ જ હોય . હજુ સુધી કોઈ એવો સોફ્ટવેર નથી બન્યો જે સાચી દોસ્તીનું બેલેન્સ-સીટ કાઢી શકે .

દોસ્ત એટલે તમારા હરેક સવાલના જવાબ આપે ...વિરહ , ઝગડા , લફરા , દર્દ , ખુશી , કુટુંબની વાત ...યુ કેન શેર એનીથિંગ વિથ ફ્રેન્ડસ ..... દોસ્તી એટલે જ શેરીંગ ...દોસ્તી એટલે જ વહેચવું પછી ભલે ને એ ગમ હોય કે ખુશી .દુઃખમાં સૌથી પહેલો સાંભરે એ દોસ્ત અને દુઃખને હળવું કરવા સૌથી પહેલા પહોચે એ દોસ્તી . કોઈ પર દિલ આવી ગયું , નોકરીનું કાલે ઈન્ટરવ્યું છે , મોલમાં મસ્ત નવા શુઝ આવ્યા છે થી લઈને આજે કોલેજ જવાનો નહિ પણ બંક કરીને ફિલ્મ જોવાનો મુડ છે એવો સૌથી પહેલો અણસાર જેને મળી જાય એ છે દોસ્ત . દોસ્તી એટલે જ આંસુ અને હાસ્યનો અતુટ સંબંધ . જેની સાથે હસી શકો તો ખરા જ પણ જેની પાસે પોક મુકીને રડી શકો એ દોસ્ત . દોસ્તના મો થી બોલ શું થયું ? સાંભળતા વેત જ અટક્યા વગર આખી વાત કહી શકાય એ દોસ્તી . ઘણી વાર તો થોબડું જોઇને જ તમારું દર્દ પૂછી લે એ દોસ્ત . દોસ્ત પાસે હરેક સમસ્યાનું સમાધાન હોય , હરેક સવાલનો રામબાણ જવાબ હોય .કેટલીય વખત મુશ્કેલ પરિશ્થીતિમા રસ્તો કાઢી આપે એ દોસ્ત . જેના માટે રડી નહિ પણ જેના દુખે રડી પડાય એ દોસ્તી . દોસ્તી એટલે તમારી ખુશીને હજારગણી કરી દે અને તમારા દર્દને ઝીરો પર્સન્ટેજ કરી દે એ સંબંધ. `

દોસ્તીમાં કોઈ શરત ન હોય , બિનશરતી થાય એ સંબંધ એટલે જ દોસ્તી અને જો શરતી થાય તો એ દોસ્તી નહિ પણ ફક્ત એક કોન્ટેક્ટ , એક ઓળખાણ . દોસ્તી કરવાનું કોઈ કારણ ના હોય , અકારણ થઇ જાય એ દોસ્તી . તમારા દોસ્તો સાથે ક્યાં કારણથી દોસ્તી થયેલી એ યાદ કરી જોજો મોટાભાગે કોઈ કારણ નહિ મળે .એક મુલાકાત થાય ,એ મુલાકાત ધીરેધીરે વાતચીતમાં ફેરવાઈ અને ક્યારે એકબીજાના સુખદુખના સાથી બની જાય એ ખબર નાં પડે . દોસ્તીમાં હાથ કરતા દિલ મળે એ વધુ મહત્વનું છે . ઘણી દોસ્તી બચ્ચનના ડાયલોગની જેમ મિલા લો યાર સિકંદર ને જિંદગીમેં બહોત કમ લોગો સે હાથ મિલાયા હૈ ની જેમ પણ થઇ જાય તો ઘણી દોસ્તીમાં બી માય ફ્રેન્ડ કહીને હાથ લંબાવવો પણ પડે .સ્વાર્થ વગર બંધાઈ જાય એ દોસ્તી . દોસ્તી નિસ્વાર્થ હોય અને હોવી જ જોઈએ , જો એમાં સ્વાર્થ ભળે તો એ દોસ્તીની ઈમારત બહુ લાંબો સમય ના ટકે. દોસ્તી તૂટે પણ ખરી પણ તોય યાદો દિલમાં અકબંધ રહે એ જ સાચી દોસ્તી .દોસ્તનો પ્રેમ એકતરફી હોય . જો તમને કોઈ સાંગોપાંગ ઓળખતું હોય તો એ ફક્ત ને ફક્ત તમારો દોસ્ત જ ઓળખતો હોય . એક દોસ્તને બીજા દોસ્તની બધી ખબર હોય , ખૂબીઓની ખબર હોય અને ખામીઓની પણ અને છતાયે એ તમને ચાહ્યા કરે , પ્રેમ કર્યા કરે એ છે દોસ્ત .દોસ્ત કાઈ ખોટું કરે તો દર્દ અનુભવે પણ અંતે તો મોટા દિલે માફ કરતી વખતે એનો તકિયાકલામ એક જ હોય ‘ ગમે એમ તોય ભાઈબંધ છે મારો ‘ દોસ્તીમાં તો કોઈ કારણ વગર પણ કલાકો સુધી મહેફિલ જામતી હોય . જહાં ચાર યાર મિલ જાયે વહી રાત હો ગુલઝારની જેમ દોસ્તો મળે એ સભાનો , એ મીજલસનો કોઈ ચોક્કસ એજન્ડા ના હોય એમાં તો એય ને એક પછી બીજી ને બીજા પછી ત્રીજી એમ વાતું ને વિગતાડીયું ચાલતી જ રહેતી હોય , વિષયો શોધવા ના પડે . દોસ્તો મળે ત્યારે કદાચ ઈશ્વર પણ એક વખત અટકીને કાન માંડતો હશે કેમકે એ જલસો જ કોઈ ઓર હોય છે . કદાચ ઈશ્વરે જિંદગી બનાવતી વખતે જ વિચાર્યું હશે કે માનવીના જીવનમાં સુખની જે ક્ષણો આવશે એનું નામ દોસ્તી હશે .

મોટાભાગે દોસ્તીની શરૂઆત બાળપણથી થાય છે . સ્કુલમાં હોમવર્ક રહી ગયું હોય તો સાહેબ આવે એ પહેલા ફટાફટ લખી આપે કે સ્કુલ પીકનીકની બસમાં દોસ્તની બાજુમાં બેસવા સાહેબ પાસે કરગરે કે પછી નાસ્તાબોક્ષમાં પડેલી એક સેન્ડવિચના ચારમાંથી બે પીસ જેની સાથે શેર થવા માંડે એ છે દોસ્તીની શરૂઆત . પણ સાચી દોસ્તી અથવા દોસ્તો મળવાનો શ્રેષ્ઠ સમય છે જવાની . જવાનીમાં બનેલા દોસ્તો મોટાભાગે સ્મશાન સુધી સાથે રહે છે . કેમકે જવાની સમય જ છે બેફીકરાઈનો , બગાવતનો અને બિન્દાસ બનવાનો . જવાનીમાં માણસ વધુ સાફદિલ હોય છે , તડફડ એના સ્વભાવમાં હોય છે અને વ્યવહારમાં વધુ પ્રમાણિક હોય છે . જવાનીની પાંખો ફૂટતા જ આપણે માં-બાપની છત્રછાયામાંથી બહાર નીકળીને દુનિયાના દલદલમાં પગ માંડતા હોઈએ છીએ ત્યારે બહારની દુનિયાનો સાચો આયનો બને છે દોસ્ત - મિત્ર . કિશોરાવસ્થાથી જવાનીમાં કદમ માંડતા મોટા થવામાં જો કોઈ સૌથી વધુ મદદ કરતુ હોય તો એ છે મિત્ર . એક મિત્ર બીજા મિત્રનો હાથ પકડીને નોકરી , પ્રેમ , અભ્યાસ , જનરેશનગેપ , બેવફાઈ , બેરોજગારી , લગ્નજીવન , બુઢાપો જેવી જીવનની અનેક વૈતરણીઓને પાર કરી જાય છે અને આવી વૈતરણીઓ પાર કરતી વખતે જે સાચા હશે એ જ સાથ આપશે . કહેવાય છે ને કે કસોટીમાં જ તમારો સાચો મિત્ર કોણ છે એ ખબર પડી જાય છે .

પણ બધા જ મિત્રતાની વ્યાખ્યામાં નથી આવતા . મિત્રોના ટોળા ના હોય , મોબાઈલ કે ઈમેલના કોન્ટેક્ટ લીસ્ટમાં ૭૦૦ કે ૧૦૦૦ મિત્રોની કોન્ટેક્ટ ડીટેલ હશે પણ એમાંથી ૨ કે ચાર જ એવા હશે જે મિત્ર હશે કે જેની સાથે તમે બધું જ શેર કરી શકતા હો , એના અને તમારા દિલની ધડકનો એકસાથે ચાલતી હોય જેની પાસે તમે હળવા થઇ શકતા હો , ખુલી શકતા હો , ખીલી શકતા હો . બાકી તો તાળીમિત્રો , ખાલીમીત્રો , ઉજાણીમિત્રો , અપડાઉન મિત્રો , ગલ્લા મિત્રો , પાડોશી મિત્રો , ઓફીસ મિત્રો , ગલી મિત્રો અને આજના ફેસબુકના જમાનામાં વર્ચ્યુલ મિત્રો તો છે જ . હેપ્પી મિત્રતા દિવસ !!!!!!

તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી ,

બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત !!!

- મુકુલ ચોકસી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED