આંદોલન Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંદોલન

લઘુનવલ આંદોલન

લેખક: યશવંત ઠક્કર

વાચકમિત્રોને...

સમાજ અને વ્યવસ્થાના પરિવર્તન માટે થતાં આંદોલન અને એની અસરની વાત કહેવાનો આ પ્રયાસ છે. આંદોલન સાથે જોડાયેલા યુવાનોની વિવિધ પ્રકારની લાગણી, અંદોલન પાછળનું રાજકીય નેતાઓનું રાજકારણ, ક્રાંતિના નામે યુવાનોને હાથા બનવવાની ચાલાકી, હેતુ પૂર્ણ થાય તે પહેલાં આંદોલનનું સમેટાઈ જવું, આંદોલનના નેતાઓની સત્તા લાલચા, પ્રજાની લાચારી, શહીદ સ્મારકની જાળવણી એવા વિવિધ મુદ્દાઓને સમજવાનો આ પ્રયાસ છે.

આશા છે કે આપ સહુને આ કૃતિ ગમશે.

-યશવંત ઠક્કરના જય ગરવી ગુજરાત.

આંદોલન

[૧]

ટેલિવિઝન પર દર્શાવાતાં, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનાં દૃશ્યો જોતાં જોતાં વંદનાદેવી, મનના સહારે વર્ષો જૂનાં, ‘નવનિર્માણ આંદોલન’નાં કેટલાંય દૃશ્યો જોવા લાગ્યાં. પોતાની જિંદગીને વળાંક આપનારાં બે દૃશ્યોએ એમના મન પર કબજો જમાવ્યો.

...નવનિર્માણ સમિતિના વાવટા સાથે દસેક હાજર લોકોનું સરઘસ નગરની સડક પર નારા પોકારતું નીકળી પડ્યું છે. ‘નવનિર્માણ સમિતિ ઝિંદાબાદ ઝિંદાબાદ.. ઇન્કિલાબ ઝિંદાબાદ ...અંધકારમાં એક પ્રકાશ, જયપ્રકાશ જયપ્રકાશ...’

સેનાપતિ સમાન યુવાન આયુષ સહુથી આગળ છે. મુખ્યમંત્રીનું રાજીનામુ, વિધાનસભાનું વિસર્જન અને ભ્રષ્ટાચાર નાબૂદી એવી મુખ્ય ત્રણ માંગણીઓ સાથેનું આંદોલન શરૂ થયું ત્યારથી આયુષનાં રૂપરંગ એટલે વધેલી દાઢી, લાંબા વાળ, કાળું પેન્ટ, સફેદ ઝભ્ભો, બંધ મુઠ્ઠી સાથેના ઊંચા થયેલા હાથ, અવાજમાં બુલંદી, આંખોમાં ઝનૂન. આયુષ એટલે જાણે દીવાનગીનો ધસમસતો પ્રવાહ!

આયુષની સાથે જ ગાઢ મિત્ર શૈલેશ પણ છે. પોતે પણ ‘મહિલા મોરચા’ની આગેવાની લઈને એ સરઘસની સાથે જોડાઈ ગઈ છે. મોટા પ્રવાહમાં નાના પ્રવાહ ભળતા હોય એમ સરઘસમાં લોકો ભળતાં જાય છે. આગાઉથી જાહેર થયા મુજબ સરઘસ ધારાસભ્યના નિવાસ તરફ રાજીનામુ માંગવા જઈ રહ્યું છે.

આઝાદ ચોકમાં પોલીસ ભરી બંદૂકો સાથે ઊભી છે. લાઉડસ્પીકર દ્વારા પોલીસ, લોકોને વિખેરાઈ જવા ચેતવણી આપે છે. ચેતવણી લોકોને સંભળાય ન સંભળાય ત્યાં તો ગોળીનો અવાજ સંભળાય છે અને સરઘસની આગળ ધસમસતો આયુષ વિખેરાઈને ઢગલો થઈ જાય છે. જાણે, લોહીના દરિયામાં ડૂબેલું શૌર્યનું જહાજ!

દૃશ્ય બીજું.... સાંજનો ભારેખમ સમય છે. પોતે ઘરની બારીમાં ઉદાસ બેઠી છે. વિધાનસભાનું વિસર્જન થઈ જવાથી, ‘નવનિર્માણ સમિતિ’ની આગેવાની હેઠળ નીકળેલું વિજય સરઘસ થોડી વાર પહેલાં જ પોતાની નજર સામેથી પસાર થઈ ચૂક્યું છે. પોતાને અફસોસ છે કે, જે આંદોલનની પોતે એક આગેવાન હતી એ જ આંદોલનનો આજે એ હિસ્સો પણ નથી બની શકી.

શૈલેશ આવીને ઊભો રહી ગયો છે પરંતુ પોતે બેખબર છે. ‘વંદના...’ શૈલેશનો અવાજ સાંભળીને એ ઝબકી જાય છે. ‘તું વિજય સરઘસમાં કેમ ન આવી?’ શૈલેશ સવાલ કરે છે. શૈલેશના સવાલનો જવાબ આપ્યા વગર જ એ પાણી લઈ આવે છે.

બંને વચ્ચે મૌન છવાયેલું રહે છે. શૈલેશ મૌન તોડે છે. ‘વંદના, આયુષ જેવા મિત્રનું ચાલ્યા જવું એ આપણા માટે આઘાત આપનારી ઘટના છે. પણ હવે આપણે એ આઘાતમાંથી બહાર આવવું જ રહ્યું.’

‘શૈલેશ, આયુષને હું ભૂલી શકું એમ નથી.’ એટલું બોલતાં બોલતાં પોતાની આંખોમાં આંસુ આવી જાય છે.

‘આયુષને તો હું પણ ભૂલી નથી શકતો. કેવી કેવી યાદો આપણાં મનમાં મૂકીને અચાનક જ ચાલ્યો ગયો!’ શૈલેશ બોલે છે.

‘આયુષ મારા માટે મિત્રથી પણ વિશેષ હતો. એની યાદ માત્ર મારા મનમાં જ નથી... મારી કૂખમાં પણ છે.’ પોતે અચકાતાં અચકાતાં મિત્રભાવે અંગતમાં અંગત વાત કહી દે છે.

વાત સાંભળતાં જ શૈલેશ અવાચક બની જાય છે.

પોતે ચિંતા વ્યક્ત કરે છે: ‘મારાં બા-બાપુજીને તો હજી કહ્યું પણ નથી. શું કરું એ સમજાતું નથી.’

વાતાવરણમાં ઉદાસીનો ભાર વધી જાય છે. શૈલેશ આશ્વાસન આપે છે: ‘ચિંતા ન કરીશ. બધી સમસ્યાના ઉકેલ હોય છે.’

‘શૈલેશ, મારે એવો ઉકેલ નથી લાવવો કે જેને લીધે મારે બીજા આયુષને ગુમાવવો પડે.’

‘એવો ઉકેલ આપણી પાસે છે.’

પોતે પ્રશ્નસૂચક ચહેરે શૈલેશ તરફ જુએ છે.

‘આપણે લગ્ન કરી શકીએ છીએ.’ શૈલેશે હિંમત એકઠી કરીને પોતાના મનની વાત કહે છે.

‘એટલે?’

‘હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો તને વાંધો ન હોય તો.‘

‘હું શું કહું? આવું બની જ ન શકે. મેં આયુષ સિવાય ક્યારેય કોઈનો વિચાર કર્યો જ નથી.’

‘પણ હવે કરવો જોઈએ. જિંદગી ઘણી બાકી છે.’

‘ હું એવું ન કરી શકું. આ મારી સમસ્યા છે. એમાં તમારે આવડો મોટો ભોગ આપવાની જરૂર નથી.’

‘આ ભોગ આપવાની વાત નથી તારા પ્રત્યેના પ્રેમની વાત છે. વંદના, તને માનવામાં નહીં આવે, હું તને પહેલેથી જ ચાહતો હતો. પણ, તું અને આયુષ એકબીજાની નજીક આવી ચૂક્યાં હતાં એટલે મેં મારું મન વાળી લીધું હતું.‘

પોતાના માટે શૈલેષની આ લાગણી અણધારી હતી. પોતે વિચારમાં પડી ગઈ હોવાથી શૈલેશને કશો જવાબ આપી શકતી નથી.

મૌનનો ભાર સહન ન થતાં શૈલેશે રજા માંગે છે. જતાં જતાં કહે છે: ‘વંદના, આ ઉપકારની વાત નથી. એકબીજાની ખુશીની વાત છે. વિચારજે અને જે યોગ્ય લાગે એ નિર્ણય લેજે. હું તારા જવાબની રાહ જોઈશ.’

[૨]

‘ટીવી જુએ છે કે વિચાર કરે છે?’ શૈલેશકુમારના સવાલથી વંદનાદેવી વર્તમાનમાં પાછાં ફર્યાં.

‘વિચાર કરું છું.’

‘શું લાગે છે? આ આંદોલન સફળ થશે?’

‘કોઈ આંદોલન સફળ થયું છે તે આ થશે? બહુ બહુ તો સરકાર હટી જશે. પરંતુ ભ્રષ્ટાચારનું શું? એ તો અખંડ જ રહેવાનોને?’

દેશભરમાં ‘ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન’ ફેલાઈ ચૂક્યું હતું. ન્યૂઝચેનલ પર આંદોલનનાં દૃશ્યો જોતાં જોતાં પતિપત્ની આંદોલનની સફળતા વિષે શંકાભરી વાતો કરવા લાગ્યાં.

શહેરના પ્રસારિત થઈ રહેલા સમાચાર જોતાં જોતાં જ શૈલેશકુમાર સફાળા ઊભા થઈ ગયા.

અરે! આ તો આપણો રવિ લાગે છે! આંદોલનમાં પહોંચ્યો લાગે છે!’ શૈલેશકુમાર ટેલિવિઝનની નજીક જતાં બોલ્યા.

‘રવિ ક્યાંથી હોય? કોઈ બીજું હશે.’ વંદનાદેવી પણ એમની બાજુમાં ઊભાં રહીને જોવા લાગ્યાં. પરંતુ, એ રવિ હોવાની ખાત્રી થતાં જ બોલ્યાં: ‘આ તો આપણો રવિ જ છે.’

રવિ મંચ પરથી બોલી રહ્યો હતો: ‘આપણા રાજકીય નેતાઓ વચ્ચે દેશને લૂંટવાની હરીફાઈ ચાલી છે. એમણે નથી કોલસો છોડ્યો, નથી પાણી છોડ્યું કે નથી જમીન છોડી. તમે અને હું સરકારને જે ટેક્સ ભરીએ છીએ એનું આપણને પૂરું વળતર મળે છે? કોઈપણ નાનુંમોટું કામ લાંચ આપ્યા વગર થાય છે? રાશનકાર્ડ કે આધારકાર્ડ માટે કામધંધો છોડીને દયામણા મોઢે સરકારી ઓફિસોમાં ઊભું રહેવું પડે છે. એક તરફ ગરીબોની થાળીમાં અનાજ નથી પહોંચતું તો બીજી તરફ સરકારી ગોદામોમાં અનાજ સડે છે. આ આપણું વહીવટી તંત્ર છે! આ તંત્ર હવે બદલાવવું જ જોઈએ. આપણું આંદોલન માત્ર સરકારને બદલવા માટેનું નથી. આપણા આંદોલનનો મુખ્ય હેતુ, આ સડી ગયેલી વ્યવસ્થા બદલવા માટેનો છે. પરંતુ આપણા કેટલાક નેતાઓને વ્યવસ્થા બદલવામાં રસ નથી. એ વ્યવસ્થા એમને કાળાં કામો કરવા માટે માફક આવી ગઈ છે. આપણે એ નેતાઓને ઘેર બેસાડવા માંગીએ છીએ. પ્રજા મોંઘવારી અને ભ્રષ્ટાચારના ત્રાસથી પીડા ભોગવી રહી છે ત્યારે તેઓ સમારંભો યોજીને આઠસો આઠસો રૂપિયાના ભાવની થાળી જમતાં જમતાં ગરીબોની ચિંતા કરે છે. જ્યારે એમને આટલી મોંઘી થાળી વિષે સવાલો કરવામાં આવે છે ત્યારે એ નફ્ફટ થઈને જવાબ આપે છે કે; - અમે જમીએ નહીં, આનંદ ન કરીએ, જીવનને માણીએ નહીં તો શું છાજિયાં લઈએ?- એમને એટલું જ કહેવાનું કે છાજિયાં તમે નહીં, અમે લઈશું. અમે લઈશું તમારા ભ્રષ્ટાચારનાં છાજિયાં! અમે લઈશું તમારી સડેલી વ્યવસ્થાનાં છાજિયાં! અમે લઈશું તમારી નફ્ફટાઈનાં છાજિયાં! એ પણ એકેએક નેતાના ઘરની સામે ઊભા રહીને. મિત્રો, દિલ્હીમાં ‘ભવ્ય છાજિયાં’ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આપણા શહેરમાંથી અમે વીસ કાર્યકરો પરમદિવસે દિલ્હી જવાના થવાના છીએ. અમે આ કાર્યક્રમનું અત્યારે રિહર્સલ કરી રહ્યા છીએ. તમારે અમને સાથ આપવાનો છે. તો શરૂ થાય છે ‘છાજિયાંનો ભવ્ય કાર્યક્રમ!’

‘હાયરે મોંઘવારી હાય હાય! હાયરે ભ્રષ્ટાચાર હાય હાય!’ ના નારા સાથે આંદોલનકારીઓ છાજિયાં લેતા હોય એ દૃશ્ય સાથે સમાચાર પૂરા થયા.

કોઈ અણધારી આફત આવી પડી હોય એમ પતિપત્નીના ચહેરા પર ચિંતા ફરી વળી.

‘વંદના, રવિ આંદોલનમાં જોડાઈ ગયો છે ને આપણને તો ખબર પણ નથી! તને કશું કહ્યું છે?’

‘મને કહ્યું હોય તો હું તમને વાત ન કરું?’

‘હવે ખબર પડી. આજકાલ ઘેર કેમ ઓછો રહે છે.’

‘મારું તો નહીં માને. જિદ્દી છેને! તમે ગમેતેમ કરીને એને વાળી લો. એને સમજાવો કે, આવાં આંદોલનો છેવટે તો નિષ્ફળ જ જતાં હોય છે.’

‘સમજાવવો તો પડશે જ.’

રવિની રાહ જોતાં જોતાં બંને જણાં ‘નવનિર્માણ આંદોલન’ના દિવસો યાદ કરવા લાગ્યાં.

આયુષ, વંદના અને શૈલેષની યુવાનીના એ દિવસો હતા. એમનાં ઉમંગ, જોશ, આક્રોશ, ઝનૂન, સંઘર્ષ, આશા અને નિરાશાના એ દિવસો હતા. અમદાવાદથી પ્રગટેલો ‘નવનિર્માણ આંદોલન’નો વંટોળિયો જોતજોતામાં આખા રાજ્યમાં પરિવર્તન માટેના પવનમાં ફેરવાઈ ગયો હતો. ત્રણે મિત્રો પણ આંખોમાં પરિવર્તનનાં સપનાં લઈને એ આંદોલનમાં જોડાયાં હતાં. સરઘસો, સભાઓ, સૂત્રો, શોર્યગીતો, વાવટા, નવા નવા કાર્યક્રમો, વિરોધ પ્રદર્શનો, સરકારને ચેતવણીઓ, ધારાસભ્યોને ઘેરાવો, પોલીસને ચકમા, રાજકાકરણની અટપટી રમતો, કોઈ જુદાજ હેતુથી અંદોલન સાથે જોડાયેલાં તોફાની તત્વો, તોડફોડ, લૂંટફાટ, આગના ભડકા, લાઠીચાર્જ, કર્ફ્યુ, ગોળીબાર અને આયુષ જેવા અનેક યુવાનોનું ઢળી પડવું!

સરવાળે રાજ્યની પ્રજાને શું મળ્યું હતું? થીગડાં મારેલી નવી સરકાર અને હતાશા! ભ્રષ્ટાચાર દૂર કરવાનો હેતુ હજી પૂરો નહોતો થયો છતાંય આંદોલન સમેટાઈ ગયું હતું. પછી તો રાજકીય ગલીઓમાંથી એવી વાત બહાર આવી હતી કે, સમગ્ર આંદોલન પાછળ ગણત્રીપૂર્વકની રાજકીય રમત હતી! જેનો મુખ્ય હેતુ માત્ર સત્તાપરિવર્તનનો હતો! આંદોલન સાથે જોડાયેલા કેટલાક યુવાન નેતાઓ તો સો સો રૂપિયાનું વળતર મેળવીને રાજકીય પક્ષોની સભાઓમાં ભાષણો કરવા લાગ્યા હતા. એમની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ એમને ખંધા રાજકારણીઓના અડ્ડા તરફ દોરી ગઈ હતી. શૈલેશ અને વંદનાને આવા પરિવર્તનની અપેક્ષા નહોતી. આ તો માત્ર સત્તાપરિવર્તન હતું. સમાજપરિવર્તન તો બાકી રહી ગયું હતું!

અધૂરા આંદોલનની પીડા પોતાનાં મનમાં ધરબી દઈને બંને જણાંએ લગ્ન કર્યાં હતાં. રવિના જન્મ પછી એમને ખુશ થઈને જીવવાનું એક કારણ મળ્યું હતું. પરંતુ, મનમાં ધરબાયેલી પીડા સાવ નાબૂદ થાય એવું વાતાવરણ એમને ક્યારેય જોવા મળ્યું નહોતું.

‘નવનિર્માણ આંદોલન’ પછી પણ જે જે આંદોલનો થયાં એમાં; ઊછળતાં મોજાં જેવા કેટલાય યુવાનો ઓસરી ગયા હતા પરંતુ સમાજમાંથી ભ્રષ્ટાચાર ઘટવાને બદલે વધતો જ ગયો હતો. સત્તાપરિવર્તનો થતાં હતાં પરંતુ જે લોકો સત્તા પર આવે એ બમણો ભ્રષ્ટાચાર આચરતાં હતાં. એટલે જ, દેશમાં ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન’ પર પણ એમને વિશ્વાસ નહોતો. એમને લાગતું હતું કે, આ અંદોલનથી કદાચ શાસન બદલાશે પણ સમાજ નહીં બદલાય.

ને હવે, સપનાંના સરવાળા સમાન રવિ પણ આંદોલનના રંગે રંગાઈ ચૂક્યો હતો. આજે ટેલીવિઝન પર, આંદોલનના રંગે રંગાયેલા એ રવિને જોઈને એમને લાગ્યું કે, ‘આ આયુષનું સંભારણું નથી, સાક્ષાત આયુષ છે.’

[૩]

રવિ દીકરા, આ આઝાદ ચોક છે. આપણા શહેરનો જૂનો વિસ્તાર છે.‘ શૈલેશે ભીડથી ખદબદતા ચોકના એક ખૂણે ઊભા રહીને કહ્યું.

‘મને ખબર છે પપ્પા. ક્યારેક ક્યારેક અહીંથી નીકળવાનું થાય છે.‘ રવિએ કહ્યું.

‘અચ્છા. તો તો તને એ પણ ખબર હશે કે, આ ચોકમાં જ એક શહીદનું સ્મારક છે.’

‘ના’

‘તું નજર કર. ક્યાય દેખાય છે?’

રવિએ ચોકની ચારે તરફ નજર ફેરવી. ‘ના પપ્પા, પણ તમે મને આ સવાલ શા માટે કરો છો?’

‘કહું છું. પણ પહેલાં સામે ઊભેલી ચાની લારીની બાજુમાં નજર કર. દીવાલમાં ચણાઈ ગયેલું એક સ્મારક દેખાય છે? ‘

રવિની નજર દીવાલનો હિસ્સો બની ચૂકેલી એક જૂની ખાંભી પર પડી.

‘હા પપ્પા, ખાંભી જેવું દેખાય છે તો ખરું.’

‘એ મારા મિત્ર આયુષનું સ્મારક છે. ‘નવનિર્માણ આંદોલન’માં એ આ જ ચોકમાં પોલીસની ગોળીથી વીંધાઈ ગયો હતો.

‘એ વાત તો મેં તમારી પાસેથી જ સાંભળી છે. પણ, એમની ખાંભીની આવી દશા જોઈને મને તો દુઃખ થાય છે.’

‘રવિ, તારી મમ્મી, હું અને આયુષ એ આંદોલનમાં પૂરા ઝનૂનથી જોડાયાં હતાં. એ આંદોલનના મુખ્ય ત્રણ હેતુ હતા. મુખ્યમંત્રી રાજીનામું આપે, વિધાનસભાનું વિસર્જન થાય અને ભ્રષ્ટાચાર દૂર થાય. પહેલા બે હેતુ સિદ્ધ થયા હતા પણ ત્રીજો હેતુ હજુ સિદ્ધ નથી થયો. ભ્રષ્ટાચાર હજુ દૂર નથી થયો.’

‘થશે પપ્પા, અમારી લડત એ માટે જ છે.’

‘નહીં થાય દીકરા, ભ્રષ્ટાચાર ક્યારેય દૂર નહીં થાય. કદાચ સરકાર દૂર થઈ જશે પણ ભ્રષ્ટાચાર દૂર નહીં જ થાય.’

‘તમે એવું કેમ માની લો છો?’

‘માનવું પડે છે. આવાં આંદોલનો થાય છે. યુવાનોનો ભોગ લેવાય છે. એક સરકાર હટે છે અને બીજી નવી સરકાર બને છે. લાઠીઓ ખાનારા અને જેલમાં જનારા સત્તા પર આવે છે અને મહેલમાં રહેતા થઈ જાય છે. આંદોલનો સત્તા માટે થાય છે. ભ્રષ્ટાચાર તો માત્ર બહાનું છે.’

‘તો શું? જે ચાલે છે એ ચાલવા દેવાનું? આંદોલનો કરવાનાં જ નહીં?’

‘કરીને પણ શો ફાયદો? બલિદાન આપનારા આપે અને એ બલિદાન એળે જાય તો એનો અર્થ શો? એમની ખાંભીઓ ધૂળ ખાવાની હોય તો એ ખાંભી અને પથ્થર વચ્ચે ફેર શો?’

‘પપ્પા, બધા આવું વિચારતા થઈ જશે તો દેશમાં કોઈ ભગતસિંહ, કોઈ સુભાષચંદ્ર કે કોઈ ગાંધી પાકશે જ નહીં. બલિદાન આપનારા એવું વિચારીને બલિદાન નહીં જ આપતા હોય કે; ભવિષ્યમાં પ્રજા એમને યાદ રાખશે, એમની ખાંભી મૂકશે કે એમની પૂજા કરશે. ભવિષ્યના ફાયદા કે ગેરફાયદાના હિસાબો તો શેરબજારના દલાલો કરે. ક્રાંતિના ચાહકો આવા હિસાબો ન કરે. એ તો આયુષકુમારની જેમ માથે કફન બાંધીને નીકળી પડે. જેમ આ લોકો નીકળી પડ્યાં છે.’ રવિએ નજીક આવી રહેલા સરઘસની તરફ આંગળી દર્શાવી.

સરઘસ આવી પહોંચતાં જ રવિ એમાં જોડાઈ ગયો. જતાં જતાં કહેતો ગયો: ‘પપ્પા, સાચવીને ઘેર પહોંચી જશો. હું રાત્રે આવીશ. તમે અને મમ્મી કાલની જેમ ભૂખ્યાં પેટે મારી રાહ ન જોતાં. જમી લેજો.’

[૪]

આંદોલનના રંગે રંગાયેલા રવિને પાછો નહીં લાવી શકવાના અફસોસ સાથે શૈલેશકુમાર મૌન બેઠા હતા. પતિની લાચારી સમજી ચૂકેલાં વંદનાદેવી એમને સમજાવવા લાગ્યાં: ‘શૈલેશ, તમે શા માટે જીવ બાળો છો? જે થવાનું હશે તે થશે. આપણે સાંસારિક અને વ્યાવહારિક થઈ ગયાં છીએ એટલે ફાયદા-ગેરફાયદાની ગણત્રી કરતાં થઈ ગયાં છીએ. કદાચ, આપણું લોહી ઠરી ગયું છે. પણ રવિનો શું વાંક? એ તો યુવાન છે. એને રોકનારાં આપણે કોણ?’

શૈલેશકુમાર કશો જવાબ આપે તે પહેલાં ટેલિવિઝન પર, શહેરમાં ચાલી રહેલા આંદોલનના સમાચાર આવવા લાગ્યા. વંદનાદેવીએ અવાજ વધાર્યો.

‘શહેરમાં ચાલી રહેલું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દિવસે ને દિવસે વેગ પકડતું જાય છે. આજે આંદોલના એક યુવાન આગેવાન રવિએ શહેરના એક ભુલાયેલા શહીદની યાદ તાજી કરાવી છે. વર્ષો પહેલાં સમગ્ર રાજ્યમાં ‘નવનિર્માણ અંદોલન’ ફેલાયું હતું. આ શહેર પણ એ આંદોલનથી પ્રભાવિત થયું હતું. આંદોલનના એક આગેવાન શ્રી આયુષકુમાર પોલીસ ગોળીબારથી શહેરના આ આઝાદકમાં શહીદ થયા હતા. વીર આયુષકુમારનું સ્મારક શહેરના આઝાદ ચોકનાં આ ખૂણામાં સ્થાપિત થયું હતું. શરૂઆતમાં એ સ્મારકની કાળજી લેવામાં આવતી હતી. પરંતુ સમય જતાં લોકો એ શહીદને ભૂલવા લાગ્યા હતા. શહીદનું એ સ્મારક દિવસે ને દિવસે ઝાંખું થતું ગયું. છેવટે એટલું બધું ઝાંખું થઈ ગયું હતું કે, આઝાદ ચોકમાંથી પસાર થનાર લોકોમાંથી કોઈની પણ નજરે પડતું નહોતું. સમાજ માટે બલિદાન આપનાર શહેરના સપૂતની ખાંભી પર સિંદૂરને બદલે ધૂળ ચડતી જતી હતી. આજે સવારે જ રવિને એ સ્મારકની જાણ એમના પિતાજી શ્રી શૈલેશકુમાર દ્વારા થઈ. રવિના પિતા શ્રી શૈલેશકુમાર અને માતા શ્રીમતી વંદનાદેવી પણ નવનિર્માણ આંદોલનના આગેવાનો હતાં. એમની નજર સામે જ વીર આયુષકુમાર આઝાદ ચોકમાં શહીદ થયા હતા. આજે આંદોલનના યુવાન આગેવાન રવિ તેમજ અન્ય કાર્યોકારોએ વીર આયુષકુમારના સ્મારકની સાફસફાઈ કરીને પૂજા કરી હતી....’

ટેલિવિઝન પર આયુષનું સ્મારક દેખાયું. રવિ અને બીજા અંદોલનકર્તાઓ આયુષના સ્મારકની પૂજા કરતા દેખાયા. સ્મારક પરની આયુષની તસવીર કુમકુમના તિલક અને દીપકના પ્રકાશથી ઝળહળી ઊઠી હતી. લોકો આયુષનો જયજયકાર કરતાં હતાં. સ્મારક પર પુષ્પોની વૃષ્ટિ થઈ રહી હતી.

એ દૃશ્ય જોઈને વંદનાદેવીનો ચહેરો પણ ઝળહળી ઊઠ્યો. એ ટટ્ટાર થઈ ગયાં. આયુષની યાદથી ભીની થયેલી આંખો એમણે લૂછી નાખી. એમના ઠરેલા લોહીમાં ઉષ્મા વ્યાપી ગઈ. એમના વ્યક્તિત્વમાં ધામો નાખીને પડેલી હતાશા ભગવા માટે મજબૂર બની ગઈ. એમનામાં જોશ અને ઉમંગનું પૂર ઉમટ્યું. જાણે, પોતે પણ આઝાદ ચોકમાં પહોંચી જઈને આંદોલનનો એક હિસ્સો બની ગયાં!

... અને રવિનો બુલંદ અવાજ સંભળાયો..

‘શહેરના પ્રજાજનો, આપણાથી થયેલી ભૂલને સુધારવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. આપણા જ શહેરના એક શહીદની તસવીર પરથી ધૂળ ખંખેરવાનો મને આનંદ છે. એ શહીદનું જે સપનું હતું એ જ આજના યુવાઓનું સપનું છે. અમે જાણીએ છીએ કે, સમાજના ઘણા વડીલો હતાશ છે. પરંતુ, યુવાનોને હતાશા પોસાય જ નહીં. જો યુવાનો હતાશ થઈ જશે તો ભય, અત્યાચાર અને ભ્રષ્ટાચારની સામે બાથ કોણ ભીડશે? જે લોકો હતાશ છે એમને મારો સવાલ છે કે, ભૂતકાળમાં ધાર્યું પરિણામ ન મળ્યું હોય તો વર્તમાનમાં અમારે પ્રયાસો નહીં કરવાના? દેશ અને સમાજ જેમ ચાલતા હોય એમ જ ચાલવા દેવાના? તો પછી અમારી આ યુવાની શા કામની? મંઝિલ ક્યારેય નહીં મળે એવું વિચારીએ તો તો પછી આપણે ગુલામી સિવાય બીજું કશું કરવાનું જ નથી રહેતું. અઢારસો સત્તાવનમાં જે આઝાદી નહોતી મળી એ આઝાદી ઓગણીસસો સુડતાલીસમાં મળી કે નહી? સંઘર્ષ અને સંગ્રામ અટકી ગયા હોત તો એ આઝાદી મળત ખરી? હા, આજે એ જ આઝાદી આપણને અધૂરી લાગે છે એટલે આપણે ફરીથી સંઘર્ષ કરી રહ્યાં છીએ. સમાજમાં કોઈ અંદોલન આખરી આંદોલન હોતું નથી. પેઢીઓ બદલાય છે પરંતુ દરેક પેઢીમાં યુવાની દીવાની જ હોય છે. મિત્રો, આ વાત પર મને ‘ઉમંગ’ નામની જૂની એક ફિલ્મનું ગીત યાદ આવે છે. આ ગીત વીર આયુષકુમારનું જ નહીં, પરંતુ ‘નવનિર્માણ આંદોલન’ સાથે જોડાયેલા અનેક લોકોનું પ્રિય ગીત હતું. આપણે બધાંએ એ ગીત દ્વારા આપણી લાગણી સત્તાધીશોના કાન સુધી પહોંચાડવાની છે....’

‘હમ લોગ હૈ ઐસે દીવાને દુનિયા કો ઝૂકાકર માનેંગે...’ રવીએ ગીત શરૂ કર્યું. રવિના સાથીદારો એના સૂરમાં સૂર પૂરાવવા લાગ્યા.... ‘મંઝિલ કી ધૂન મેં આયે હૈ, હમ મંઝિલ કો પાકર માનેંગે...’

રવિની બુલંદ વાણી સાંભળી રહેલાં શૈલેશકુમાર અને વંદનાદેવીએ એકબીજાના હાથ પકડી લીધા હતા. ગીત શરૂ થતાં જ વંદનાદેવીમાં ઊભાં થઈ ગયાં અને મુઠ્ઠી વાળીને ગીતમાં પોતાનો સૂર પુરાવવા લાગ્યાં.

‘હમ લોગ હૈ ઐસે દીવાને દુનિયા કો ઝૂકાકર માનેંગે...મંઝિલ કી ધૂન મેં આયે હૈ, હમ મંઝિલ કો પાકર માનેંગે...’

[સમાપ્ત]