આ તો સમયનો તકાજો Yashvant Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • નિયતી - 2

  Part :- 2 " હેલ્લો, મિસ નિયતી...??" નિયતિ ના ફોન પર કોઈ અજાણ...

 • એક શ્રાપિત પારીજાત - 2

  કેટલાક લોકો ને વાત કરતા સાંભળેલા કે એ ભક્ત ને પ્રથમ વાર જોવા...

 • અંધારી આલમ - ભાગ 16

  ૧૬ : વિસ્ફોટ... ! નાગરાજનની ક્રોધથી સળગતી નજર જોસેફના ચહેરા...

 • Love Differently

  અમૃતા અને આત્મિયના તાજા તાજા લગ્ન થયા હતા, બંને સરળ સમજુ અને...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-88

  પ્રેમ સમાધિ પ્રકરણ-88 વરસાદી જળમાં ભીંજાયેલાં કાવ્યા કલરવનાં...

શ્રેણી
શેયર કરો

આ તો સમયનો તકાજો

આ તો સમયનો તકાજો!

લેખકઃ યશવંત ઠક્કર

asaryc@gmail.com© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

આ તો સમયનો તકાજો!

વાચક મિત્રોને...

આ એક ગામડાના પરિવારની વાત છે. એવું પરિવાર કે જે પરિવાર સમજદારી દાખવીને બદાલાયેલા સમયને માન આપે છે. વટ, અભિમાન અને પરંપરાને છોડીને પરિવર્તનને આવકારે છે. વળી, આ વાત એક સમગ્ર ગામની અને ગામના સમાજની પણ છે. એટલું જ નહીં, આખા કાઠિયાવાડ પ્રદેશની પણ છે. લગભગ ચાળીસ વર્ષો પહેલાં કાઠિયાવાડના ગામડે ગામડે પરિવર્તનનું જે મોજું ફરી વળ્યું હતું એ મોજાની આ વાત છે. જે સમયે કાઠિયાવાડના ગામડે ગામડેથી નાનામોટા છોકરાઓએ સુરત શહેર તરફ પ્રયાણ કર્યું હતું એ સમયની આ વાત છે. એકબીજાં સાથે ભળી ગયેલાં સુખદુઃખની આ વાત છે.

આ પહેલાંની મારી વાર્તાઓને આપ સહુએ વધાવી છે એ રીતે જ આ વાર્તાને પણ વધાવશો એવો વિશ્વાસ છે. મારી વાર્તાઓ વાંચીને રાજીપો વ્યક્ત કરનારા વાચકોનો હું આભાર માનું છું. એવા વાચકોને યાદ કરવાનો પ્રયાસ કરૂં છે. આ રહ્યા એ વાચકો : જયેશ પટેલ, રજનીકાંત મકવાણા, અનીતા ગોહિલ, મહેશ કુનાર, પ્રવીણ સરવૈયા, કૃણાલ પારેખ, જ્યોતિ ચાવડા, એન.એચ. ઠક્કર, જય સદનિયા, શ્રેયા દેસાઈ, અંકુર તરવૈયા. આ યાદીમાં નામ ઉમેરાતાં રહેશે એવો મને ભરોસો છે.

-યશવંત ઠક્કરના રામરામ અને જય જય ગરવી ગુજરાત.

આ તો સમયનો તકાજો!

અમકુભાઈની વાત સાંભળીને આઈ જાહુમા ઘડીક તો સૂનમૂન થઈ ગયાં. આખેઆખો કરલિયો ડુંગરો જાણે કડડડભૂસ તૂટી પડયો. વરસોથી બારેમાસ વહેતી દેદુમલ નદીમાં પહેલી વખત પાણી સુકાઈ ગયાં હતાં ત્યારે લાગ્યો હતો એવો જ આઘાત આજે પાછો લાગ્યો. ડેલી, ખાનું, ફળિયું, ઓસરી ને ઓરડા બધું જ જાણે ચકરાવે ચડી ગયું. એમણે થાંભલીનો ટેકો લઈ લીધો.

‘અમકુ દીકરા, તું ગાંડો તો નથી થઈ ગ્યોને?’ જાહુમાએ બટકતા અવાજે પૂછ્‌યું.

‘મા, મને ખબર જ હતી કે મારી વાત તમને ઠીક નઈ લાગે. એટલે જ હું મારા મનની વાત મનમાં જ રાખવા માંગતો’તો. પણ તમે સૂરજનારણ્‌યના સમ દીધા એટલે મારે કહેવી પડી.’

‘ઈ તો તું કેદુનો નિમાણો થઈને રહેતો’તો એટલે વાત જાણવા સૂરજનારણ્‌યના સમ દેવા પડયા. પણ વાત આવી આકરી હશે એવી ખબર નહોતી.’

‘વાત આકરી સે પણ ખોટી નથી.’

‘તું ભલે કહે પણ મને આ વાત ઠીક લગતી નથી. આપડે દરબાર સીએ. આપડા સોકરા હીરા ઘહે? ઈ કામ તો કણબીના સોકરાનું.’

‘આપડા સોકરા હીરા ઘહે એમાં વાંધો સું સે ઈ મને નથી સમજાતું. હીરા ઘહવામાં સરમ સેની? હીરા ઘહવા સે. કાંઈ સોરી થોડી કરવી સે.’

‘હું એમ કઉં સું કે આ ધરતીમાંથી અનાજ પાણી ખૂટી ગ્યા સે? આપડે આપડા સોકરાને બાર્ય સેનો મોકલવો પડે?’

માના સવાલનો જવાબ આપવાના બદલે અમકુભાઈ પીરની ઊંંચી ફરકતી ધજા સામે જોઈ રહ્યા. દેદુમલના ધગધગતા વેકરા જેવી હકીકત એમના મનને દઝાડતી હતી.

અમકુભાઈ જ નહીં ગામના બીજા કેટલાય માણસોના મોઢાં પર નૂર રહ્યું નહોતું. નૂરનો આધાર વરસાદ પર હતો. અને વરસાદ નહોતો!

વરસ સારૂં હોય તો ઘેર ઘેર કોઠીઓ આનાજથી ભરેલી રહેતી. મગફળી તો હજુ ખેતરમાં હોય ત્યાંથી જ છોકરાઓ છાળમાં ભરી ભરીને ગામની દુકાનોનાં ત્રાજવાંમાં ઠાલવીને કહેતા કે : ‘શેઠ, પેંડા ને ગાંઠિયા દ્યો.’ નાની નાની છોકરીઓને નખ રંગવાની શીશી કે માથામાં નાખવાનાં બકલ લેવાનું મન થાય તો એ કોઠીમાંથી ગડિયું બાજરો ભરીને દુકાનો તરફ દોટ મૂકતી. બાયું અનાજના પવાલાં ભરીને જ તેલ, ગોળ, સાબુ જેવી ચીજોની ખરીદી કરવા જતી. રોકડા રૂપિયાનું ચલણ નામનું જ હતું. ઘણાના તો વેપારીઓને ત્યાં ખાતાં ચાલે. આખું વરસ વેપારીને ત્યાંથી ઉધાર અને દિવાળી ટાણે ચૂકતું. ગોકુલ આઠમના તહેવારે તો જાણે કપડાં, પાવા, ફુગ્ગા અને રમકડાં મારફતે રંગોની સવારી આવી ચડતી. લગ્નગાળો બરાબરનો જામતો. ગામના પટમાં ખેલ નાખીને ભવાયા ગામ આખાને રાજી કરતા અને પોતે પણ રાજી થતા.

પરંતુ, આ રંગીન ચિત્ર જો વરસાદ સારો પડયો હોય તો જ! પાક સારો પાક્યો હોય તો જ! નહીં તો સમગ્ર ચિત્ર કાળું ધબ્બ!

આ વખતે તો ચોમાસાએ મોઢું સંતાડયું હતું. વરસાદ નામનો ય પડયો નહોતો. ગોકુલ આઠમમાં પાવા મૂંગા જ પડયા રહ્યા હતા. વેપારીઓના પેંડા સુકાઈ ગયા હતા અને ગાંઠિયા ખોરા થઈ ગયા હતા. લોકોએ કોડિયામાં તેલ વધારે ન પડી જાય એવું ધ્યાન રાખીને દિવાળી શુકન પૂરતી જ ઉજવી. બેસતા વરસે લોકો એકબીજાને જોર વગરનું ભેટ્‌યા. આવનારા દિવસોની ચિંતાએ એમનાં મન ઢીલાં કરી નાખ્યાં હતાં.

કૂવાનાં પાણી ઊંંડાં જતાં રહ્યાં હતાં. અનાજ તો કોઈની કોઠીમાં રહ્યું નહોતું. બારે મહિના બાજરીના રોટલા ખાનારી પ્રજાને આયાતી ઘઉંની રોટલીઓ ખાવાનો વારો આવી ગયો હતો. વેપારીઓની ઉઘરાણી પતવાનું નામ નહોતી લેતી. શહેરમાંથી રોકડેથી લાવેલો માલ ગામમાં ઉધાર વેચવો એ એમના માટે ગાંઠનું ગોપીચંદન ખોવા જેવી વાત હતી. ઉધાર આપવાની ના પાડવાથી એમને કોઈના કવેણ સાંભળવા પડે. આવું ન થાય એટલા માટે એમણે ધંધો ઓછો કરી નાખ્યો હતો. ગમે તેવી પરિસ્થિતિમા અપન ઉધાર આપતા અચકાય નહીં એવા જગજીવન શેઠે પણ ઘણોખરો સંકેલો કરીને ગામ છોડવાની તૈયારી કરી લીધી હતી. અમકુભાઈનું ખાતું જગજીવન શેઠને ત્યાં ચાલતું હતું. હવે એમને બીજી વ્યવસ્થા કરાવી પડે એવી સ્થિતિ આવીને ઊંભી રહી હતી.

આખા ગામની આવી સ્થિતિમાં અપવાદ હતો કાનજી પટેલ. એ આખા ગામમાં છાતી કાઢીને ચાલી શકતો હતો. એના બે છોકરાઓ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા અને રોકડા રૂપિયા કમાતા હતા. એ છોકરાં હમણાં વતનમાં આંટો મારવા આવ્યા હતા. એ ગયા ત્યારે ચોળણી અને ખમીસ પહેરીને ગયા હતા અને આવ્યા ત્યારે ફેશનેબલ પેન્ટ, બુશર્ટ, મોજાં અને બુટ પહેરીને આવ્યા હતા. એમના વાળના રંગઢંગ બદલાઈ ગયા હતા. એ એમના ખીસામાં રૂપિયા અને હોઠ પર ફિલ્મી ગીતો લઈને આવ્યા હતા. શહેરમાંથી આવનારને દાળભાતિયો કહીને મજાક ઉડાવાનારા ગામલોકો હવે આ છોકરાઓની આગળ પાછળ ફરવા લગ્યા હતા. એ છોકરાઓ થોડા દિવસો પછી ફરી સુરત જવાના હતા અને સાથે બીજા આઠદસ છોકરાઓને પણ લઈ જવાના હતા.

સુરતનો હીરા ઉદ્યોગ કાઠિયાવાડનાં ગામડાં માટે ઈશ્વરનો અગ્િાયારમો અવતાર હતો. અમકુભાઈ આ બધું સમજતા હતા એટલે એમની એવી મરજી હતી કે એમનો દીકરો મંગળુ પણ કાનજી પટેલના છોકારાઓની જેમ બહાર નીકળી જાય તો સારૂં. બહાર એટેલે માત્ર ગામની જ બહાર નહીં પણ સમગ્ર વાતાવરણની બહાર. નવરા બેઠાં બેઠાં મૂછે વળ દેતાં દેતાં, માગીને બીડીઓ પીતાં પીતાં, બહારવટિયાની મર્દાનગીની વાતો સાંભળતાં સાંભળતાં, એકાદ હથિયારને જમીન પર ખાલી પછાડતાં પછાડતાં દિવસો પસાર કરવા પડે એવા વાતાવરણની બહાર. એમાંય હમણાં હમણાં અમકુભાઈના કાને એવી વાત આવી હતી કે ‘મંગળુ આજકાલ સાદુળની વાદે ચડયો સે.’

સાદુળ એટલે આમ તો સહેજ શક્તિશાળી માણસની એક જ લાતનું ઘરાક. પણ લાત તો શું, આખા તાલુકામાંથી કોઈ માણસ એની સામે આંગળી તો ચીંધે! સાદુળ સીમમાં રસ્તા વચ્ચે વેળા કવેળાએ કોઈને પણ આડફળુ બાંધી લેતો અને ધારિયું દેખાડીને ધમકી આપતો કે ‘આ સગું નઈ થાય.’ બસ, આ હતી સાદુળની તાકાત. રાતદિવસ છોકરાઓને સીમમાં મોકલવા પડતા હોય એવા લોકોને સાદુળ સાથે બગાડવું ઠીક લાગતું નહીં. એટલે સાદુળ માંગે ત્યારે ગમે તે રીતે સગવડ કરીને હજાર બે હજાર રૂપિયા એને આપી દેતા. આ બધું કાયદાના રખેવાળોની મીઠી નજર હેઠે જ ચાલ્યા કરતું. કોઈ સામનો કરનાર જ નહોતું એટલે સાદુળની જિગર અને ત્રાસ બંને વધી ગયાં હતાં. સાદુળના આવાં કામ એના બાપુને ગમતાં નહોતાં એટલે એમણે તો સાદુળને ગામમાં પગ મૂકવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. પરંતુ, એ ક્યારેક ક્યારેક એ નદીના સામા કાંઠે આવી ચડતો ત્યારે ગામના કેટલાક છોકરાઓ એનાં પરાક્રમો સાંભળવા દોડી જતા. એમની સાથે મંગળુ પણ દોડી જતો.

અત્યારે પણ પીરની ધજા જોઈ રહેલા અમકુભાઈના મનમાં એક જ સવાલ ઘૂંટાઈ રહ્યો હતો કે ‘મંગળુ ક્યાંક સાદુળના રવાડે તો નઈ ચડી જાયને?’

દીકરને ચિંતામાં પડેલો જોઈ જાહુમા હિંમત આપીઃ ‘તું શું કામે જીબ બાળેસ? ઉપર હજાર હાથ વાળો સે ઈ કોઈને ભૂખ્યો સુવાડતો નથી.’

‘માં, મને ચિંતા ભૂખની નથી. પણ...’

અમકુભાઈ ચિંતાનું કારણ કહે તે પહેલાં ડેલીની બારી ખખડી. માદીકરા બેઉનું ધ્યાન બારી તરફ ગયું તો રાજુ ભરવાડણ અધૂકડી બારી ઉઘાડીને ડેલીમાં આવતી દેખાણી. એની પાછળ એનો સાતેક વરસનો દીકરો ગોપુ ડૂસકાં ભરતો ભરતો આવ્યો. ગોપુની પાછળ એની જેવડા જ દસબાર જેટલા છોકરા પણ આવ્યા. ચારપાંચ મોટાં છોકરાઓ બારીમાંથી ડોકાં કાઢતાં ડેલીની બહાર જ ઊંભા રહી ગયા.

‘જાહુમા, નારણ્‌ય.’ રાજુ મોં મલકાવીને બોલી.

‘નારણ્‌ય. આવ્ય આવ્ય. સબળ ભૂલી પડી.’ જાહુમાએ આવકારો આપ્યો.

‘આ જોવોને રાવ લઈને આવવું પડયું.’

‘કોની?’

‘તમારા મંગળુભાઈની. મારા આ ગોપુના ખીસામાંથી બે રૂપિયાની નોટ કાઢી લીધી. કાલ્ય એના મામા આવ્યા’તા તે એણે ભાગ લેવા આપ્યા’તા.’

‘સું વાત કરસ? અમારો અમકુ આવું ક્યાંથી શીખ્યો?’

‘કોને ખબર્ય. હું તો રાવ લઈને આવવાની જ નહોતી. પણ આ છોકરો સાનો જ નહોતો રહેતો. એટલે મારે આવવું પડયું.’

અમકુભાઈએ પોતાના ખીસામાંથી બે રૂપિયા કાઢીને ગોપુના હાથમાં મૂક્યા અને છાનો રાખતાં બોલ્યાઃ ‘લે. આ તારા બે રૂપિયા. છાનો રઈ જા. હું એને એવો મારેહ કે કોઈ દી તારૂં નામ નઈ લે.’

‘એ મારતા બારતા નઈ હો. રાજુ હાથ જોડીને બોલીઃ માર સમ સે. મંગળુભાઈને એક ટપલીય અડાડતા નઈ. ઈ તો સોકરૂં કહેવાય.’

રાજુ થોડી વાર સુધી બેઠી. સુખદુઃખની વાતો કરીને ગઈ. જતાં જતાં ફરીથી મંગળુભાઈને નહીં મારવાની આજીજી કરતી ગઈ.

અમકુભાઈના મોઢા પરની ચિંતાનો રંગ ઘેરો થઈ ગયો. ‘મને આ વાતની જ ચિંતા કોરી ખાય સે મા. મંગળુનાં તોફાન વધતાં જાય સે.’ એ બોલ્યા.

‘ઈ તો હાલ્યા કરે. આ તો કાંઈ નથી. દરબારના સોકરા તો ગમે એને થોટથપાટ કરી લે. બે રૂપિયા લઈ લીધા એમાં સું મોટો જુલમ કરી નાખ્યો સે?’

‘મા, ગમે એટલી નાની પણ સેવટે તો લૂંટફાટ જ ને? ખોટું ઈ ખોટું. હું તો કઉં સુ કે જમાના હારે આપડે પણ બદલાવું પડશે. હું સમજુ સુ કે હીરા ઘહવા જાવું પડે ઈ વાત આપડા માટે નવી સે. પણ આ તો સમયનો તકાજો સે. જરૂર હતી ત્યારે આપડી કાઠી કોમે તલવાર્યું લઈને પ્રજાના જાનમાલનું રક્ષણ કર્યું. અન્યાય સામે લડવા બારવટાં ખેલ્યાં. પસી જરૂર પડી તો ઈ સંધુય અળગું કરીને હળ ને બળદના પૂસડાં હાથમાં લીધાં. મહેનત કરવામાં આપડે ક્યારેય પાસી પાની કરી નથી. મન દઈને ખેતી તો કરી. પણ હવે ઈ કામેય ઓસું પડે સે. અપડા સોકરા એકલી ખેતી પર આધાર નઈ રાખી સકે. જે કાંઈ બીજો હુન્નર આવડે ઈ કરવો પડશે.’ દિવસોથી મનમાં ઘોળાતી વાત અમકુભાઈએ હોઠ પર લાવી દીધી.

‘આ બધી ડાહી ડાહી વાતું તું જગજીવન શેઠ પાસેથી શીખ્યો લાગસ?’

‘હા, પણ વાત સોળ આની ખરી સે. આપડા સોકરા જો મૂછોને વાળ દેતાં બાપદાદાની વાતુંમાં જ રોકાયેલા રહેશે તો પાસળ રઈ જાહે. કાનજી પટેલના સોકરા બાર્ય નીકળતા હોય, જગજીવન શેઠ જેવા પણ બાપદાદાનું ગામ મૂકીને જાતા હોય, અરે દુદો આયર પણ પણ શહેરમાં જીને મહેનત મજદૂરી કરતો હોય તો પસી આપડો વાંક ખરો?’

‘આપડે દરબાર સીએ. બીજાં કરે એવું આપડાથી નો થાય.’

‘તમે બાર્ય નીકળો તો ખબર પડે કે આપડા કાઠી ભાયું કેવાં કેવાં કામ કરે સે. ઘણાય ભણીગણીને ખૂબ આગળ આવ્યા સે. સારી સારી નોકરીયું કરે સે તો ઘણાય ધંધો પણ કરે સે. જે નથી ભણી શક્યા ઈ પણ નાનુંમોટું કામ કરે સે. કોઈ ઘોડાગાડીયું હકાવે સે તો કોઈ રિક્ષાયું ફેરવે સે. જમાનાની હારે નો બદલાઈ તો ફેંકાઈ જાઈ.’

‘ઈ હંધુય મારા મર્યા પસી. હું બેઠી સું ત્યાં લગી કોઈએ ગામબાર્ય જાવાની વાત કરવાની નથી.’

‘જેવી તમરી મરજી.’ અમકુભાઈ વાત આટોપી લેતાં બોલ્યા.

થોડા દિવસો પછી જગજીવન શેઠે ગામ છોડયું. અમકુભાઈને લાગ્યું કે ગામનું એક અંગ કપાઈ ગયું. સૂરજનો તાપ દિવસે દિવસે વધવા લાગ્યો અને મંગળુની ફરિયાદો પણ.

પુના આહેરની ફરિયાદ હતી કે ‘મારો સોકરો ગાડું લઈને ખેતરથી આવતો’તો. એને મંગળુભાઈએ રોકીને દાટી દીધી સે કે ભાળ્ય આ કેડેથી નીકળ્યોસ. ટાંટિયો તોડી નાખેહ.’

મનુ લોહાણાની ફરિયાદ હતી કે ‘મેં મફત સિગારેટ નો દીધી એટલે મંગળુભાઈએ કુહાડી ઉગામી ને દુકાનના ઉંબરે મારી.’

તો ટપુ કુંભાર તો ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડયો. રમતે ચડેલા મંગળુએ એનાં આઠદસ માટલાં ફોડી નાખ્યાં હતાં.

હવે જાહુમાની ધીરજનો અંત આવી ગયો. મંગળુ પર શિખામણની કોઈ અસર થતી નહોતી. છેલ્લી ચેતવણી આપતાં હોય એમ એમણે મંગળુને આંખો કાઢીને કહી દીધું કે ‘આવાં કામાં કરવા હોય તો ફળિયામાં પગ મૂકતો નઈં’

મંગળુને જાણે આ ચેતવણીની જ રાહ હતી. એણે ધડ દઈને વળતો જવાબ દીધોઃ ‘કાંઈ વાંધો નઈં. ઘરમાંથી કાઢી મૂકશો તો મરી નઈં જાઉં. મનેય સાદુળ જેવું થાતા આવડેસ,’

જાહુમાને લાગ્યું કે ‘ડેલી તૂટીને હેઠી પડી સે અને આવતુંજાતું લોક બે પેઢી વચ્ચેનો આ તમાશો જોઈ રહ્યું સે.’ આજ સુધીમાં એમની સામે ઊંંચા અવાજે વાત કરી હોય એવો આ પહેલો બનાવ! પાળ તૂટવાની અણી પર હતી. તૂટતી પાળને આડો હાથ દેતાં હોય એમણે ભીના અવાજે કહ્યુંઃ ‘દીકરા, સાદુળ જેવા થાવું એમાં કાંઈ મર્દાનગી નથી.’

‘તઈં સેમાં મર્દાનગી સે? હીરા ઘસવામાં મર્દાનગી નથી. હથિયાર ઉગામવામાં મર્દાનગી નથી. તો હું સું કરૂં? સતાધારની જગ્યામાં જીને બેહી જાઉં?’

‘સતાધારની જગ્યામાં બેહવાવાળો તો એક જ થઈ ગયો. આપો ગીગો. તારૂં ઈ કામ નઈં. પણ હા, હીરા ઘહવા જાવું હોય તો હવે મારી ના નથી. મજૂરી કરવી પડે તો મજૂરી કરજે પણ નિર્દોષને રંજાડવાનું કામ કોઈ દી કરતો નઈં. આ ગામની રક્ષા કરવામાં તારા દાદાએ જીવ આપી દીધો સે. પણ તું એનું નામ બોળવા ઊંભો થયોસ.’ ગળગળા અવાજે આટલું બોલીને જાહુમા પૂજાના ઓરડામાં ચાલ્યાં ગયાં.

એ જ દિવસે જાહુમાએ અમકુભાઈને કહી દીધું કે ‘મંગળુ હીરા ઘહવા રાજી સે અને મને પણ ઈ વાતમાં જ ડહાપણ લાગે સે.’

‘પણ કાનજી પટેલના સોકરા તો કાલ્ય સવારના પોરમાં જ નીકળે સે. હું પૂસી આવું. જો લઈ જાતા હોય તો કાલ્ય જ મંગળુને મોકલી દઈં.’

‘ભલે’ કહીને જાહુમાએ એક નિસાસો નાખ્યો.

બીજે દિવસે સવારે મંગળુ, કાનજી પટેલના છોકરાઓ સાથે સુરત જવા નીકળ્યો. વિદાય આપવા ડેલી સુધી આવેલા જાહુમાએ છુટ્ટા મનથી શિખામણ આપીઃ ‘મંગળુ દીકરા, સાસવીને રહેજે. સુરત તો શહેર કહેવાય. કોઈ તુકારો કરે તો સાંભળી લેજે. જમાનો બદલાય ગ્યો સે. આપડે પણ બદલાવું પડે...’

આખો દિવસ હાથમાં કુહાડી રાખવા ટેવાયેલા મંગળુ એને અળગી કરાવનું ભૂલી ગ્યો હતો. અમકુભાઈનું ધ્યાન પણ કુહાડી પર નહોતું ગયું. પરંતુ, જાહુમાના ધ્યાનમાં કુહાડી આવી ગઈ. એમણે કહ્યુંઃ ‘દીકરા, કુહાડી મૂકતો જા. એનું ન્યા કાંઈ કામ નથી.’

‘માળ્યે હાળ્યે, ઈ તો હું ભૂલી જ ગ્યો.’ કહીને મંગળુએ કુહાડી જાહુમાના હાથમાં મૂકી દીધી.

‘મા, એને કયો કે ખાવાપીવામાં ધ્યાન રાખે અને કાગળ લખતો રહે.’ મંગળુની બાએ ઓસરીમાં ઊંભાં ઊંભાં ધીમા અવાજે ભલામણ કરી.

‘હવે તમે મારી ફિકર સોડી દ્યો.’ મંગળુએ કહ્યું અને કાનજી પટેલના છોકારાઓ સાથે બસ પકડવા માટે સડકની વાટ પકડી.

અમકુભાઈ પણ બધાને પાદર સુધી વળાવવા નીકળ્યા.

મંગળુ દેખાતો બંધ થયો ત્યાં સુધી જાહુમા ડેલીએ ઊંભાં રહ્યાં. પછી ‘જેવી આપા ગીગાની મરજી.’ એવું બોલીને ડેલીની અંદર આવ્યાં. બે ઘડી ડેલીના સૂના ખાનાને જોઈ રહ્યાં. ખાનામાં ડાયરો ભરાતો અને વીરતાની વાતો મંડાતી એ દૃશ્યો એમની નજર સામે તરવરવા લાગ્યાં. જાહુમાં આગળ ચાલ્યાં તો ખાલીખમ ફળિયું જાણે રાવ કરતુ હોય એવું લાગ્યું. જે ખીલે અમકુભાઈના બાપુની ઘોડી બંધાતી એ ખીલો નિમાણો થઈને વરસોથી ઊંભો છે. એણે કઢાવી નાખતાં જાહુમાનો જીવ ચાલતો નથી. પગથિયાં ચડયાં તો એમને લાગ્યું કે ‘જાણે ગ્િારનાર ચડી.’ ઓસરીમાં જુએ છે તો જાણે અમકુભાઈના બાપુ ઠપકાભરી આંખોથી જાહુમાને જોતાં બેઠા છે!

‘તમે જ કયો કે હું સું કરૂં? જમાના હારે હાલવું પડે કે નઈં?’ જાહુમાથી બોલાઈ ગયું.

જાહુમા કોઈની સાથે વાત કરે છે એવું લાગતાં મંગળુની બા ચકી ગયાં. એમણે જાહુમાને પૂછ્‌યુંઃ ‘બા, કોની હારે વાત કરો સો?’

જાહુમા ભૂલ સુધારવા બોલ્યાઃ ‘તમારી હારે વાત કરૂં સું. કઉં સું કે જીવ બાળતાં નઈં. જમના હારે આપડે પણ હાલવું પડે. આ તો સમયનો તકાજો!’

સમાપ્ત

ગુજરાતી પ્રાઈડ’ તેમ જ ‘માતૃભારતી’ દ્વારા પ્રકાશિત યશવંત ઠક્કરનાં ઈ-પુસ્તકોની યાદી

૧. આ આવકારો છે

૨. રોકડિયા ચૂકવે ૠણ

૩. આવ મંગળ અમને નડ

૪. જાન ભાડે મળશે

૫. પરમાનંદની ડાયરી

૬. જમાનો કેમ બદલાયો?

૭. વાસ્તવિકતાની ધરતી પર

૮. મારા ગાંધીની ટોપી ખોવાણી, મને મળી

૯. ટમટમનાં પડીકાં

૧૦. ચપટી ભરીને વાર્તા

૧૧. દરિયાની માછલી

૧૨. બાબુ

૧૩. અસર

૧૪. જ્ઞાનમંત્ર

૧૫. શિક્ષા

૧૬. પરીવર્તન

ઉપરાંત ‘મિર્ચી ક્યારો’ના ચાર ભાગ.Yashvant Thakkar

asaryc@gmail.com