બાજરીની વિવિધ વાનગીઓ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાજરીની વિવિધ વાનગીઓ

બાજરીની વિવિધ વાનગીઓમિતલ ઠક્કર

અન્યની સરખામણીમાં બાજરીને ભલે હલકું ધાન્ય ગણવામાં આવે, પરંતુ તે પૌષ્ટિક અનાજ છે. અન્ય કોઈપણ અનાજ કરતાં તેમાં ચરબી સૌથી વધારે છે. બાજરીમાં આયર્નનું પ્રમાણ ૧૦૦ ગ્રામે ૮ મિ.ગ્રામ છે. જરૂરી આયર્ન એકલા આ જ અનાજમાંથી પ્રાપ્ત થાય છે. એનિમીક કંડિશનમાં બાજરી વાપરવી હિતાવહ ગણાય છે. તેમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ક્ષારો વધુ માત્રામાં છે. કેરોટીન તથા ‘બી’ જૂથના વિટામિન પણ સારા પ્રમાણમાં હાજર છે. તેની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય છે. બાજરીને છડીને બાજરી-મગની દાળની ખીચડી બનાવી શકાય, બાજરી-મગની દાળના કકરા લોટનું-છાશ સાથે- ભૈડકું બને, મેથીની ભાજી બાજરીના લોટના મસાલાવાળા થેપલા, બાજરીના વડા તથા બાજરીની સુખડી પણ બનાવી શકાય. એ જાણી લો કે, બાજરીમાં ગ્લુટીન નામના પ્રોટીનની ગેરહાજરી હોવાથી તેના લોટમાં ચીકાશ નથી હોતી. તેની પાતળી રોટલી વણવી મુશ્કેલ છે. બાજરીની બ્રેડ પણ ન બની શકે. સિવાય કે અન્ય અનાજનું ગ્લુટીન તેમાં ઉમેરો. બાજરીને અંગ્રેજીમાં “પલ મિલેટ્સ” કહે છે. બાજરીમાં કેલ્શિયમ ઓછું. રાગી(ફીંગર મિલેટ્સ) માં ઘણું કેલ્શિયમ હાજર. બંને હલકા ધાન્યને ભેગા કરી વાનગી બનાવતાં કેલ્શિયમ- આયર્ન સમૃદ્ધ વાનગી બને છે. અહીં આવી જ કેટલીક વાનગીઓનું સૂચન કર્યું છે. જે તમને જરૂર પસંદ આવશે.

બાજરી- રાગીની સુખડી

સામગ્રી: (૧) ૦।। વાડકી બાજરીનો લોટ + ૦।। વાડકી રાગીનો લોટ (૨) ૦।।। વાડકી ગોળ (કેમિકલ વગરનો) (૩) ૦।। વાડકીથી (૪) ૦। ટી-સ્પૂન ઈલાયચીનો ભૂકો, ૧ ટેબલ સ્પૂન શેકેલા તલ, ૧ ટેબલ સ્પૂન શેકેલું, છીણેલું સૂકું, કોપરાનું છીણ.

રીત : (૧) બંને લોટ ભેગા કરવા. ઘી ગરમ મૂકી ધીમે તાપે તેમાં શેકવા. (૨) ગોળને કાતરીને ઝીણો ભૂકો કરવો. (૩) લોટ ગુલાબી શેકાય એટલે તેમાં ગોળ નાંખી તરત જ વાસણ નીચે ઉતારી લેવું. બરાબર હલાવી ગોળ ભેળવવો તથા કોપરું, ઈલાયચી તેમજ અડધા તલ પણ ભેળવવા. (૪) બરાબર હલાવી મિશ્રણને થાળીમાં પાતળુ પાથરવું. બાકીના તલ ભભરાવવા. (કાળા તલ પણ વાપરી શકાય.) (૫) ખાખરા બનાવવાના લાકડાના દટ્ટા વડે બરાબર દબાવી પાતળુ, સુંવાળુ થર તૈયાર કરવું. (૬) તરત જ ચોરસ કટકા કરી, ઠંડા પડે એટલે ઉખાડવા.

બાજરીના ઉત્તપમ

સામગ્રી: 1 કપ બાજરી, 1/4 કપ અડદની દાળ, 1 ટીસ્પૂન મેથીના દાણા, 1 કપ ડુંગળી સમારેલી, 1/2 કપ લીલું નારિયેળનું છીણ, 2 લીલા મરચાં સમારેલાં, 1/2 કપ કોથમીર સમારેલી, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર મુજબ.

રીત: સૌપ્રથમ બાજરી, અડદની દાળ અને મેથીને બરાબર સાફ કરીને છથી સાત કલાક માટે પલાળી રાખો. ત્યાર બાદ તેમાંથી વધારાનું પાણી કાઢીને તેને પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. આ ખીરાને પાંચથી છ કલાક માટે ઢાંકીને આથો લાવવા માટે મૂકી દો. ત્યારબાદ જ્યારે ઉત્તપમ બનાવવાના હોય તેના અડધો કલાક પહેલા તેમાં ડુંગળી, નારિયેળ, લીલા મરચાં, કોથમીર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. થોડી વાર માટે મૂકી રાખ્યા બાદ તેમાંથી ઉત્તપમ ઉતારો. એક નોનસ્ટિક તવો ગરમ કરો. ત્યાર બાદ તેમાં એક ચમચા જેટલું ખીરું પાથરો. બંને બાજુથી લાઈટ ગોલ્ડન રંગના થાય ત્યાર બાદ તેને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.

બાજરા ખીચડી

સામગ્રી : બાજરો એક કપ, મગ આખા ૩/૪ કપ, આદું-મરચાં વાટેલા એકથી દોઢ ચમચી, હળદર એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, આખા ધાણા અડધી ચમચી, અધકચરા મરી દાણા અડધી ચમચી, સૂકાં મરચાં બે નંગ, લીમડા પત્તાં, ઘી ત્રણ ચમચી, રાઈ એક ચમચી, જીરું અડધી ચમચી, હિંગ ચપટી, એકદમ ઝીણા સમારેલ બટાટા ત્રણ ચમચી, લીલાં મરચાં આખા બે નંગ, તજ ટુકડો, લવિંગ બે નંગ, લીંબું રસ એક ચમચી (મરજિયાત), આખા મોટા એલચા ત્રણ નંગ.

રીત : બાજરાને ત્રણથી ચાર કલાક પલાળવો. મગને એક કલાક પલાળવા. પ્રેશર પાનમાં ઘી મૂકી રાઈ, જીરું, હિંગ વારાફરતી નાખવા. લીમડા પત્તાં, તજ, લવિંગ નાખી બટાટાના પીસ ઉમેરવા. ત્યાર બાદ મગ-બાજરી નાખી હલાવો. બાકીની તમામ સામગ્રી ઉમેરી હલાવવું. પાંચ કપ જેટલું પાણી નાખી પ્રેશર પાનમાં વપંદર મિનિટ મધ્યમ તાપે રાખવું. અતિ સ્વાદિષ્ટ ખીચડી દહીં અથવા કઢી અથવા ગરમ દૂધ જોડે આરોગવી.

બાજરીના વડા

સામગ્રી: 500 ગ્રામ બાજરીનો લોટ, 200 ગ્રામ ખાટું દહીં, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, મીંઠુ સ્વાદાનુસાર, 1 કપ મેથીની ભાજી, 1 ચમચી તલ, 6થી 7 કળી લસણ, 1 ચપટી હિંગ, 1 ચપટી હળદર

રીત: સૌપ્રથમ બાજરીના લોટમાં મેથીની ભાજી ઝીણી સમારીને નાખવી. ત્યારબાદ તેમાં લસણ, આદું-મરચાંની પેસ્ટ, હિંગ, હળદર અને મીંઠુ નાખી ખાટા દહીંથી લોટ બાંધવો. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે હાથથી થેપીને વડા તૈયાર કરો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. ધીમી આંચે આ વડા ફ્રાય કરો. લાઈટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.

મેથી બાજરા પૂરી

સામગ્રી: ૧ કપ બાજરાનો લોટ, ૧/૨ કપ ઘઉનો લોટ, ૧ કપ તાજી મેથીના પાન, ૧ ટી.સ્પૂન લસણની પેસ્ટ, ૧ ટે.સ્પૂન લીલા મરચાંની પેસ્ટ, ૨ ટે.સ્પૂન તલ, ૨ ટે.સ્પૂન ધાણાજીરું, ૧/૨ ટે.સ્પૂન હળદર, ૧/૨ આમચૂર પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠું, તળવા માટે તેલ.

રીત: એક કથરોટમાં બાજરાનો અને ઘઉંનો લોટ લો. તેમાં ઝીણાં સમારેલાં મેથીના પાન, લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, આમચૂર પાઉડર, તલ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર ભેળવી લો. પૂરી માટેનો લોટ બાંધવો. લોટને અડધો કલાક રાખી મૂકો. નાની નાની પૂરી બનાવી મધ્યમ આંચ ઉપર તળી લેવી. ગરમાગરમ પૂરી સ્વાદિષ્ટ લાગે છે.

બાજરી રોટી ઉપમા

સામગ્રી: ૪ નંગ બાજરીના રોટલા, ૧ નંગ કાંદો, ૪ નંગ લીલા મરચાં, કોથમીર , ૧/૪ ટી.સ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું.

તડકા માટે: ૧ ટે.સ્પૂન તેલ, ૧/૨ ટી.સ્પૂન જીરું, ૧/૨ ચમચી રાઈ, જરૂર મુજબ મીઠા લીમડાના પાન.રીત: બાજરાની તૈયાર રોટીના નાના ટૂકડાં કરવા. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ તતડે ત્યારબાદ જીરું અને મીઠો લીમડો નાખીને બાજરીની રોટલીનો ભૂકો નાખવો. કાંદો અને લીલા મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર નાખીને બરાબર ભેળવી લો. કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો. નવીનતા લાવવા માટે તેમાં ફણગાવેલા મગ પણ ભેળવી શકાય છે.

બાજરીના લાડુ

સામગ્રી: ૨ કપ બાજરીનો તાજો લોટ, ૧ કપ ગોળ, અડધો કપ ઘી, ૧૦ નંગ કાજુ, ૧૦ નંગ બદામ, ૨ ટે.સ્પૂન ખાવાનો ગુંદર, ૩ ટે.સ્પૂન સૂકા નારિયેળનું ખમણ, ૧ ટે.સ્પૂન એલચી પાઉડર. રીત: એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ગુંદર નાખીને ધીમી આંચ ઉપર તળી લો. ગરમ ઘીમાં લોટ ભેળવીને શેકી લો. રંગ બદલાય તેટલો શેકી લેવો. ઘી છૂટું પડવા લાગે એટલે આંચ બંધ કરવી. તેમાં ઝીણો સમારેલો ગોળ નાખીને બરાબર હલાવી લો. બદામ અને કાજુનો કરકરો ભૂકો તથા એલચીનો ભૂકો નાખીને બરાબર મિક્સ કરવું. નાળિયેરનું ખમણ તથા તળેલા ગુંદરનો પાઉડર નાંખીને હલાવી લેવું. નાના લાડુ બનાવી લેવા. પોષ્ટિક લાડુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.

બાજરીની ઈડલી

સામગ્રી: ૩ કપ બાજરી, ૧ કપ ચોખા, ૧ કપ અડદની દાળ, ૧ ટે.સ્પૂન મેથી, સ્વાદ પ્રમાણે મીઠું.રીત: બાજરી અને ચોખાને બરાબર સાફ કરીને છ કલાક પલાળીને રાખો. અડદની દાળમાં મેથી નાખીને બે કલાક પલાળીને અલગ રાખો. બાજરી અને ચોખાને બરાબર વાટી લેવા. અડદની દાળને પણ વાટી લેવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિશ્રણને છથી આઠ કલાક માટે રાખવું. ઈડલી મૉલ્ડમાં ઈડલી ખીરું મૂકીને ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો. નારિયેળની ચટણી અને સંભાર સાથે ગરમાગરમ ઈડલી સર્વ કરો.

બાજરીના થેપલા

સામગ્રી: 1 દૂધી, 11/2 કપ ઘઊંનો લોટ, થોડો બાજરીનો લોટ, 1/2 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન અજમો, 1/2 લાલ મરચાંનો પાઉડર, 3 ટીસ્પૂન દહીં, મીઠું સ્વાદાનુસાર, તેલ જરૂર પ્રમાણેરીત: સૌપ્રથમ દૂધીની છાલ ઉતારી લો અને તેને છીણીને એકબાજુ રાખી દો. છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બાજરીનો લોટ, હળદર, લાલ મરચાંનો પાઉડર, અજમો, દહીં અને મીઠું એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો. તેમાં પાણી ઉમેરીને નરમ કણક બાંધો. કણકમાંથી નાનો લૂઓ લઈને તેમાંથી ગોળ થેપલા વળો. હવે થેપલાને તવા પર તેલ સાથે શેકી લો. બંને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યા સુધી શેકી લો. દૂધીના થેપલાં કોથમીર મરચાંની ચટની કે પછી દહીં સાથે ગરમ-ગરમ સર્વ કરો.

બાજરીના રોટલા

સામગ્રી : બાજરીનો લોટ : 2 કપ, પાણી : 3/4 કપ, મીઠું : સ્વાદાનુસાર, ઘી : ઈચ્છા પ્રમાણે

રીત : સૌ પ્રથમ બાજરીના લોટને એક વાસણમાં ચાળી લેવો, હવે તેમાં મીઠું નાખીને ધીમે ધીમે પાણી નાખતા જઈને લોટ બાંધવો, હવે આ લોટને હથેળી વડે વજન આપતા જઈ પાંચેક મિનીટ મસળવો, ત્યારબાદ તેમાંથી સરખે ભાગે લુવા તૈયાર કરવા, મધ્યમ સાઈઝના ચાર લુવા તૈયાર થશે, હવે ગેસ પર માટીની તાવડી કે તવો ગરમ કરવા મુકવો, લુવાને બાજરીના લોટમાં રગદોળીને પાટલા પર રાખી એકદમ હળવે હાથે ભાખરીથી સહેજ જાડો રોટલો વેલણ વડે વણવો, ગરમ તાવડી પર મુકવો, એક બાજુ શેકાઈ એટલે તવેથા વડે રોટલો ઉખાડીને બીજી બાજુ શેકવો, ત્યારબાદ જે ભાગ કાચો હોય ત્યાજ ફેરવીને શેકી લઇ ઉતારવો, ફૂલકા રોટલી જેમ પણ રોટલાને ફુલાવી શેકી શકાય, બધા રોટલા તૈયાર કરી તેની પર ઘી લગાવી લેવું.

હરિયાણવી બાજરા ખીચડી

સામગ્રી: ૧ કપ બાજરો, ૧ કપ પીળી મગની દાળ, અડધો કપ લીલા વટાણા, ચપટી હિંગ, ૧/૨ ટે.સ્પૂન હળદર, ૧ ટે.સ્પૂન જીરું,

૧/૨ જીરું પાઉડર, ૧/૨ ટે.સ્પૂન ગરમ મસાલો, ૨ નંગ સૂકા લાલ મરચાં, ૨ નંગ લીલા મરચાં, ૧ ટે.સ્પૂન ઘી, સ્વાદ પ્રમાણે મીઠું.

રીત: બાજરીને એક રાત પાણીમાં પલાળીને રાખવી. મગની દાળને પાણીમાં પલાળીને રાખવી. પ્રેશર કુકરમાં બાજરી અને મગની દાળ ઉમેરી પાંચ કપ પાણી નાંખવું. સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી ધીમી આંચ ઉપર ૪ સિટી વગાડવી. એક કડાઈમાં ઘી લઈને તેમાં જીરું, આખા લાલ મરચાં, હિંગ નાંખીને ખીચડીમાં વઘાર કરવો. હળદર, ગરમ મસાલો, જીરું પાઉડર અને લીલા વટાણા ઉમેરી પાંચ મિનિટ ધીમી આંચ ઉપર પકાવવું. લીલા મરચાં ઝીણા સમારીને નાંખવા. બરાબર હલાવીને ગરમાગરમ ખીચડી ઉપર ઘી નાંખીને પીરસવું. ખીચડી બનાવવા બાજરી અને મગની દાળ સપ્રમાણ લઈ શકાય. અથવા ૩ વાટકી બાજરી અને ૨ વાટકી મગની દાળ લઈને પણ ખીચડી બનાવી શકાય.

બાજરીની ખીર

સામગ્રી: બે કપ બાજરીનો કકરો લોટ, દોઢ કપ ખાંડ, અડધો કપ બદામ-પિસ્તાની કતરણ, એક લિટર દૂધ, માવો જરૂર મુજબ, ઈલાયચી પાવડર

રીત: સૌપ્રથમ કરકરા બાજરીના લોટને દૂધ સાથે જાડા તળિયાના વાસણમાં ગેસ પર ગરમ કરવા મુકો. હલાવતા રહો. જ્યારે બાજરીનો લોટ ફૂલીને નરમ થઈ જાય ત્યારે ઈલાયચી અને ખાંડ મિક્સ કરીને સતત હલાવતા રહો. પાંચ મિનિટ પછી માવો મસળીને નાખી દો. એક મિનિટ પછી ગેસ બંધ કરી દો. તૈયાર ખીરને બદામ-પિસ્તાની કતરણથી સજાવીને ગરમાગરમ જ સર્વ કરો.

***