તો?
પલ્લવી જિતેંદ્ર મિસ્ત્રી.
અમોલે મૉલમાં ફરીને નીપાએ લીસ્ટમાં લખ્યા મુજબની લગભગ બધી જ ચીજો ટ્રોલીમાં અકત્રિત કરી. ‘કંઈ રહી તો નથી જતું ને?‘ લીસ્ટ પર ફરીવાર નજર નાંખીને ચેક કર્યું, એક બે ચીજ રહી જતી હતી, તે પાછો આંટો મારીને એ લઇ આવ્યો, અને ફરી લીસ્ટ ચેક કરીને પછી ‘બધી જ ચીજ આવી ગઇ છે’ એવા મનોમન વિધાનથી સંતોષપૂર્વક એ કેશ કાઉન્ટર તરફ આગળ વધ્યો. દર વખતે તો એ અને નીપા બન્ને સાથે આવીને જ ખરીદી કરતા. ખરેખર તો નીપા જ ખરીદી કરતી અને પોતે ટ્રોલી લઈને એની સાથે સાથે ચાલતો.
બધું લેવાય જાય એટલે નીપા ગ્રીન સિગ્નલ આપે પછી અમોલ ટ્રોલી કેશ કાઉન્ટર પર લઈ લે. નીપા ચીજો ચેક કરી કરીને ટ્રોલીમાંથી કાઢીને કાઉન્ટર પર મૂકે. બીજી તરફ એટેડન્ટ થેલીમાં સામાન ભરી આપે. નીપા એના પર્સમાંથી મેમ્બરશીપ કાર્ડ આપે, એ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય અને અમોલ એની પર્સમાંથી પૈસા અથવા ક્રેડિટ કાર્ડ આપે એટલે પેમેન્ટ થાય. એક્ઝિટ ડોર પર બીલ અને ચીજવસ્તુઓ ચેક થાય એટલે બન્ને કાર પાસે આવીને, સામાન મૂકી રવાના થાય.’ હું તો તારો કૂલી, કેશિયર અને ડ્રાઈવર છું’ અમોલ કહેતો અને નીપા એના જવાબમાં, ‘હા, એ ખરું. પણ સૌથી અગત્યની વાત તું ભૂલી જાય છે અને તે એ કે તું મારો વર છે.’ એ કહેતી અને બન્ને હસી પડતા.
અમોલને આ બધી પ્રોસીજર ( ભીડમાં બધે ફરવાનું – ચીજોના ભાવ જોવાના – પેમેન્ટ માટેની લાંબી લાઈનમાં ઉભા રહેવાનું ) નો બહુ જ કંટાળો આવે. એ નીપાને કહેતો, ‘આના કરતા આપણા કરિયાણા વાળાને ફોન પર લીસ્ટ પ્રમાણે ચીજ વસ્તુઓ નોંધાવીને મંગાવી લે તો એ ફ્રી હોમ ડીલીવરી કરે કે નહીં?’ પણ નીપા કહેતી, ‘મોલમાં ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળતું હોય, અમુક ચીજમાં એક પર એક ફ્રી પણ હોય, શાક વીણીને અને જેટલું જોઈએ એટલું (૧૭૫ ગ્રામ પણ ) લેવાય, વસ્તુઓની ઘણી બ્રાન્ડ્સ હોય એટલે કમ્પેરીઝન કરીને રીઝનેબલ વસ્તુ લેવાય, ઉપરાંત મેમ્બરશીપ કાર્ડમાં પોઈંટ્સ જમા થાય, અમુક પોઇંટ્સ જમા થાય એટલે એના પર પણ વસ્તુ ફ્રી મળે. કરિયાણા વાળાને ત્યાં આવું કંઈ મળે નહીં, ઉપરાંત કારીયાણાવાળા ને ત્યાં ગરમી હોય, જ્યારે મોલમાં તો એસીની ઠંડક હોય, તને તો ખબર જ છે કે મને ઠંડક કેટલી પ્રિય છે, મારી ફેવરીટ સીઝન પણ શિયાળો છે.’ ‘હા, તું ભૂલથી અહીં ભારતમાં જન્મી, તારે તો અમેરિકા કે લંડન જેવા શીત પ્રદેશમાં જન્મ લેવા જેવો હતો.’ અમોલ હસીને કહેતો. નીપા કહેતી, ‘અરે! તું જોજે ને, આવતા જન્મમાં હું ઉત્તર કે દક્ષીણ ધ્રુવ પ્રદેશમાં જ જન્મવાની છું.’ નીપા હસીને અમોલને કહેતી. ‘હા, પછી ‘એસ્કીમો’ ની જેમ ‘ઇગ્લુ’માં રહેજે.’ અમોલ હસીને કહેતો.
‘પણ મોલમાં ફરી ફરીને જોવામાં આપણી કેટલી શક્તિ વેડફાય અને કેટલો બધો સમય બગડે?’ અમોલ ફરીથી દલીલ કરતો. ‘ઘરમાં તો તું તારા કામમાં અને હું મારા કામમાં વ્યસ્ત થઇ જઈએ છીએ, જ્યારે અહી આપણે ખરીદીના બહાને તો સાથે સમય વીતાવી શકીએ છીએ ને? તું મને એ તો કહે કે સમય બચાવીને તારે કરવુ છે પણ શું? ટીવી. પર મેચ જોશે અથવા મોબાઈલ પર વોટ્સ એપ અને ફેસબુક કરશે કે ગેમ રમશે એ જ ને?’ નીપા કહેતી. ‘In a Marriage Life, one person is always right and the other is husband, એટલે તમારા લોકો (સ્ત્રીઓ) ની સામે કોઈ પણ દલીલ કરવી જ નકામી’ એમ બબડીને અમોલ ચુપ થઈ જતો.
છતાંય દર વખતે એ નીપાના આગ્રહથી એની સાથે પરાણે મોલમાં ખરીદી માટે તો જતો જ, પણ આજની વાત જુદી હતી. આજે તો એણે એકલા જ ખરીદી માટે મોલમાં આવવું પડ્યું. ઘરમાં કઠોળ, શાકભાજી, ફળો, દહીં, તેલ બધું જ ખલાસ થવા આવ્યું હતું, બન્ને આજે ખરીદી માટે આવવાના જ હતા. પણ આગલા દિવસે જ ઘરમાં અતિથીઓ એટલે કે સગામાથી ચાર પાંચ મહેમાનો અચાનક આવી પહોંચ્યા. ખરેખર તો એ લોકો ડાકોર જવા નીકળ્યા હતા, પણ અમદાવાદની નજીક આવીને એમની ગાડી બગડી. એટલે ગાડી રીપેરમાં આપીને એ લોકો અમોલના ઘરે આવ્યા. ગાડી રીપેર થઈને આવે ત્યાં સુધી રોકાવાના હતા. એટલે નીપાએ ‘બધી ચીજવસ્તુઓ એક જગ્યાએથી જ મળી જશે’ એમ સમજાવીને અમોલને મોલમાં ખરીદી કરવા મોકલી આપ્યો અને પોતે બધા માટે ચા નાસ્તાની સગવડ કરવામાં પરોવાઈ.
અમોલ બધી ચીજ વસ્તુઓ ભેગી કરીને ટ્રોલી લઈને કેશ કાઉન્ટર પર આવ્યો, ત્યાંજ એની નજર એની પાછળ ટ્રોલી લઈને ઉભેલી એક સુંદર યુવતિ તરફ ગઈ. એણે પીળા રંગની સ્ટાઈલીશ કુર્તી અને બ્લ્યુ રંગનું જીન્સ પેન્ટ પહેર્યું હતું. યુનિક સ્ટાઈલમા કપાવેલા રેશમી છુટ્ટા વાળ ખભા સુધી લહેરાતા હતા, કાનમાં લાંબા ઇઅર રિંગ્સ શોભતા હતા, એક હાથમાં બ્રેસલેટ અને બીજા હાથમાં ઘડિયાળ પહેરેલું હતું, એણે લગાવેલા ઈમ્પોર્ટેડ પરફ્યુમની સુગંધ અમોલના નાકને તરબતર કરી ગઈ. અમોલની નજર એ યુવતી સાથે મળી ત્યારે ‘આને ક્યાંક જોઈ છે’ એમ અમોલને લાગ્યું.
‘વસુ?’ એ ઉત્સાહ પૂર્વક બોલી ઊઠ્યો, પછી જરા ખંચકાઈને સુધાર્યું, ‘વસુંધરા?’
‘હા, અમોલ, હું વસુંધરા.’ તરત એ યુવતિએ પરિચિતતાનું સ્મિત આપ્યું.
‘અહીં ક્યાંથી?’ ખુશખુશાલ અમોલે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘અહીં જોબ કરું છું, ગયા મહિને જ મુંબઈ થી અહીં અમદાવાદમા ટ્રાંસફર મળી.’
‘સરસ, ઘણું સરસ.’ અમોલ ઉત્સાહમાં આવી ગયો.
વસુંધરા અને અમોલે બન્નેએ પોતપોતાના બીલનું પેમેન્ટ કર્યું અને સામાન લઈને મોલની બહાર નીકળ્યા.
-અમદાવાદમાં કયા એરિયામાં રહે છે? અમોલે પૃચ્છા કરી.
-સેટેલાઈટ એરીયામાં રહું છું. વસુંધરાએ કહ્યું.
-કાર લઈને આવી છે ?
-ના, કાર સર્વિસમાં આપી છે, રીક્ષામાં આવી છું.
-હું શ્યામલ ચાર રસ્તા પાસે રહું છું, સેટેલાઈટ મારે રસ્તામાં જ પડે છે, ચાલ મારી સાથે, મારી કારમાં તને તારા ઘરે મૂકી જાઉં. અમોલે કહ્યું.
વસુંધરા આનાકાની કર્યા વગર અમોલ સાથે કારમાં બેઠી.
‘વસુ, તને યાદ છે, કોલેજનું આપણું સાત દોસ્તોનું ગૃપ કેટલું સરસ હતું ? જ્યાં જઈએ ત્યાં સાથે ને સાથે જ,’ અમોલે કાર ડ્રાઈવ કરતાં કરતાં કોલેજજીવનના જુના દિવસો યાદ કરાવ્યા. એક પછી એક વાત કાઢીને અમોલ બોલતો જ ગયો અને વસુંધરા ચુપચાપ સાંભળતી રહી. સાંભળતા સાંભળતા એ અમોલને આગળથી ડાબે.. હવે સીધા.. હવે જમણે.. કહીને પોતાના ઘરનો રસ્તો બતાવતી ગઈ.
‘બસ, મારું ઘર આવી ગયું.’ એક એપાર્ટમેન્ટ આગળ એણે અમોલને ગાડી ઊભી રાખવા કહ્યું. અમોલ એક ક્ષણ વિચારમાં એને તાકી રહ્યો અને પછી બોલ્યો,
-વસુ, એક વાત કહું, તું ખરાબ તો નહી લગાડે ને?
-ના, બોલ શું કહેવું છે? વસુ બોલી.
-વસુ, તે વખતે તું મને ખુબ જ ગમતી, હજુ પણ ગમે છે,
-હં, વસુએ ખાલી હોંકારો કર્યો.
-વસુ, કોણ જાણે કેમ પણ હું તને એ વખતે આ વાત કહેવાની હિંમત ન કરી શક્યો., ‘કદાચ તું ગુસ્સે થઇ જાય કે દોસ્તી તોડી નાખે તો?’ એવો મનમાં ડર લાગ્યો હશે, કે પછી હું કમાતો નહોતો એટલે મને આત્મવિશ્વાસ ન આવ્યો હોય, એ જે હોય તે પણ આજે તને મેં ફરીથી જોઈ ત્યારે આ વાત કહેવાની લાલચ હું રોકી શક્યો નહીં.
-હં, વસુએ પાછો હોંકારો કર્યો.
-વસુ, માની લે કે તને મેં તે વખતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હોત તો?’
વસુંધરા એક ક્ષણ અમોલની સામે તાકી રહી, પછી દરવાજો ખોલીને કારમાંથી ઉતરી, કારનો દરવાજો બંધ કર્યો. અને જરા ઝૂકીને, કારની વીન્ડોમાંથી અમોલની સામે જોઈને હસીને બોલી, ‘તો?‘
અમોલ શ્વાસ રોકીને એને સાંભળી રહ્યો. વસુ આગળ બોલી, ‘અમોલ, તારા આ ‘તો?’ નામના પ્રશ્નનો કોઈ જવાબ મારી પાસે કે ઇવન સમય પાસે પણ નથી, કહેવાય છે ને કે, - Past is a History, Future is a Promissory note, and Present is a Gift. માટે ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવીએ એજ આપણા બંને માટે સારું છે. જે વખતે જે થવાનું હોય તે જ થાય છે, એ વાત સ્વીકારીને ચાલીએ તો જ જીવનમાં સુખેથી રહેવાય. એની વે, થેન્ક્સ ફોર ધ લીફ્ટ, બાય બાય.’ પાછળ જોયા વિના વસુંધરા સડસડાટ ચાલતી થઇ ગઈ અને અમોલ અવાચકપણે એને જતી જોઈ રહ્યો.