હા, આપણે જીવી જઈશું ચુપચાપ,
બે સામ-સામે કિનારે ઊભેલા કોઇ અજાણ્યા પરિચિતની જેમ..! હ્રદયમાં ડુબેલા સંવેદનોને ભીતર જ સંતાડીને,
આંખની તરલતાને કિનારીમાં જ સમાવીને,
આપણે જીવી જઈશું એકબીજા વગર..
ક્યારેક,
કોઇ અજાણ્યા રસ્તાના કોઇ એવા જ વળાંકે,
અચાનક આપણે મળી જઈએ તો
પરિચિતતાની આભાસી ઝલકે નાનકડું સ્મિત રેલાવી,
એક પગલું પણ ચુક્યા વગર આમ જ આગળ વધી જશું
એક ધબકારો ચુકાય જશે શાયદ..!
તો પણ આપણા પડછાયા એકમેક્માં ફરી ભળે નહીં એવી રીતે, ચુપચાપ આગળ વધી જઈશું..
એકબીજાની જિંદગીથી ખૂબ જ દુર,
એકબીજાની ભીતર કોઇક ખૂણે છુપાઇને..
હા, આપણે જીવી જઈશું ચુપચાપ...!
રાજુલા શાહ
Chapter 1
“થર્ડ ફ્લોર ...આઈ.સી.યુ...રૂમ...” રીસેપ્શનીષ્ટે જવાબ આપ્યો.
“થેંક યુ..” કનિષ્કે આભાર વ્યક્ત કર્યો અને થર્ડ ફ્લોર પર જવા માટે આગળ વધ્યો.
કનિષ્ક લીફ્ટના દરવાજા તરફ દોડતો જતો હતો ત્યારે રસ્તામાં એક નર્સ સાથે અથડાયો.નર્સના હાથમાં રાખેલી ટ્રે નીચે પડતા રહી ગઈ.કનિષ્કનું સમગ્ર ધ્યાન થર્ડ ફ્લોર પહોચવામાં હતું.નર્સ સામે દિલગીરી વ્યકત કરવાનું પણ એને ન સુઝ્યું.લીફ્ટ પાસે પહોચીને એણે તરત જ ઉપરના ફ્લોર પર જવા માટેનું બટન દબાવ્યું.બટનની ઉપર રહેલી નાનકડી સ્ક્રીન પર નજર કરી.લીફ્ટ હજુ સાતમાં માળે હતી.ડાબા હાથની હથેળીમાં હળવેકથી જમણા હાથની મુઠ્ઠી મારી.માથા પરના વાળ વિખરાયેલા હતા.થોડું ઘણું શર્ટિંગ પણ નીકળી ગયું હતું.ગળામાં લટકતી ટાઇ એણે ઢીલી કરી.રીયાને શું થયું હશે.?...કેમ અચનાક આઈ.સી.યુ.માં દાખલ કરવી પડી હશે.?..કનિષ્કના મનમાં આવા અનેક વિચારો ચાલી રહ્યા હતા.
કનિષ્ક હવે વધુ રાહ જોઈ શકે તેમ ન હતો.લીફ્ટ પાંચમાં માળે જ થંભી ગઈ હતી.કનિષ્કે આમ તેમ નજર કરી.સીડી દેખાતા ત્વરાથી એ તરફ દોડ્યો અને એક જ શ્વાસે ત્રણ માળ ચડી ગયો.થર્ડ ફ્લોર પર પહોંચ્યો અને જેવું આઈ.સી..યુ.નું સાઈન બોર્ડ દેખાયું એટલે તરત જ સાઈન બોર્ડની દિશામાં ઝડપથી ચાલવા માંડ્યો.આઈ.સી.યુ.રૂમની નજીક આવીને ઊભો રહ્યો.રૂમની બહાર રીયાના પપ્પા ઊભા હતા.રીયાના મમ્મી અને તેનો મોટો ભાઈ અંકિત બેંચ ઉપર બેઠા હતા.રીયાના મમ્મીની આંખો રોઈ રોઈને લાલચોળ થઇ ગઈ હતી.રીયાનો ભાઈ બંને હથેળીમાં પોતાનો ચહેરો દબાવીને નિરાશ થઈને બેંચ પર બેઠો હતો.
રીયાના પપ્પા, ગિરિવરલાલ રીયાના મમ્મી ગાયત્રીબેનની પાસે આવીને બેઠા અને રીયાના મમ્મી એમની છાતીમાં મોઢું રાખી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
કનિષ્ક ઘડીભર એમ જ ત્યાં ઊભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો.પછી હિંમત કરીને આઈ.સી.યુ.ના દરવાજા તરફ ચાલવા માંડ્યો.બાજુમાંથી નર્સ અને ડોક્ટર પસાર થયા.કનિષ્ક એકદમ ધીમાં પગલે આગળ વધી રહ્યો હતો.મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે ભગવાન આ આખી ઘટનાને એક ખરાબ સ્વપ્નમાં ફેરવી નાખે.
“ઈશ્વર, જો તું માણસને સપનાઓને વાસ્તવિકતામાં બદલી શકવાની તાકાત આપે છે તો તારે કોઈક અસહ્ય વાસ્તવિકતાને પણ ખરાબ સપનામાં બદલી શકાય એવી શક્તિ આપવી જોઈએ.” કનિષ્ક મનોમન ઈશ્વર સાથે સંવાદ કરી રહ્યો હતો.
કનિષ્કે આઈ.સી.યુ.ના દરવાજામાં ઉપર આવેલી નાનકડી કાચની બારી માંથી અંદર નજર કરી.સૌ પ્રથમ તો રીયાના ચહેરા પર નજર ગઈ.જાણે ઘણા જન્મો પછી રીયાનો ચહેરો જોતો હોય એમ એના ચહેરાને ક્ષણભર નિહાળી રહ્યો.આટલા વર્ષો પછી પણ રીયાનો ચહેરો એટલો જ શાંત અને સૌમ્ય લાગતો હતો.એના સુંવાળા કાળા વાળની લટ એના સુંદર ચહેરા પર વિખરાયેલી હતી. ભરાવદાર પાંપણો વચ્ચે એની બાળક જેવી નિર્દોષ આંખો સમાયેલી હતી.મુલાયમ વાળ અને પાતળી ડોક.હડપચી તો જાણે ભગવાને ખુદ મૂર્તિકાર બનીને ચીવટથી કંડારી હતી.રીયાના ગુલાબી મઘમઘતા હોઠ કે જેને ક્યારેય ચુપ રહેવું પસંદ ન હતું અને તેનું અણીયારું નાક જેના પર આજે ઓક્સીજન માસ્ક લગાવેલુ હતું.કનિષ્કને અચાનક યાદ આવ્યું કે રીયા જયારે ગુસ્સે થતી ત્યારે સૌ પ્રથમ એનું આ અણીયારું ઉજળું નાક લાલઘૂમ થઇ જતું.કનિષ્ક ત્યારે રીયાને કહેતો પણ ખરા કે “રીયા,તું ખરેખર ખુબ નસીબદાર છે કે તારો ગુસ્સો મારી જેમ જીભ પર આવવાને બદલે તારા આ અણીયારા નાક ઉપર આવે છે..”
રીયાની છાતી સુધી સફેદ ચાદર ઓઢાડેલી હતી અને તેના કોમળ હાથ છાતી પર રાખેલા હતા.શ્વાસ ઘણા ધીમા ચાલતા હતા.અને શ્વાસોચ્છ્વાસની સાથે એના હાથ પણ ઉપર-નીચે થતા હતા.જમણા હાથ પર એક તીક્ષ્ણ સોય ભોંકેલી હતી જેને જોઇને કનિષ્કને ઝણઝણાટી થઇ આવી.કનિષ્કને એવું લાગ્યું કે કોઈકે એના દિલમાં સોય ભોંકી દીધી હતી.ચાદરમાંથી બહાર નીકળતા રીયાના પગની પાનીઓ હજુય એવી જ સુંવાળી,મુલાયમ અને ચમકદાર હતી.
સહેજ સણક સાથે રીયાની સસલા જેવી નાનકડી માસુમ આંખો જરાક ખુલી અને વળી પાછી બંધ થઇ ગઈ .ગ્લુકોઝની બોટલમાંથી લટકતી નળી હવામાં ધીરે ધીરે લહેરાતી હતી.રૂમની અંદર એક ભેંકાર સન્નાટો હતો.રૂમની સામેની તરફની બારીમાંથી રાતનું આકાશ દેખાતું હતું.તારાઓ સ્પષ્ટ દેખાતા ન હતા.માત્ર અડધો ઝાંખો ચંદ્ર જ દેખાતો હતો.કનિષ્ક બધું જ સ્તબ્ધ બનીને જોઈ રહ્યો હતો અને એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા.
થોડાક સમય પછી જાણે બેભાન અવસ્થામાંથી બહાર આવ્યો હોય એમ સમી ગયો.આજુ બાજુ નજર કરી. કનિષ્ક દરવાજા પાસેથી ખસીને સહેજ બાજુમાં આવ્યો.ડોક્ટરની ટીમ દોડતી આવી રહી હતી.ડોકટરની ટીમ જેવી દરવાજા પાસે પહોંચી કે ગીરીવરલાલ બેંચ પરથી ઊભા થઈને આઈ.સી.યુ.ના દરવાજા સુધી આવી પહોંચ્યા.
“મેમ,મહેરબાની કરીને મને કહો કે રીયાને શું થયું છે...?. અમને કંઈ જ સમજાતું નથી..છેલ્લા ૮-૯ કલાકથી બસ આવી રીતે જ બધું જોઈ રહ્યા છીએ.” નર્સને રોકીને એમણે થોડા રોષ અને અસહાયતાથી પૂછ્યું.
કનિષ્ક ત્યાં જ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો.
“હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું પણ તમે જરા ધીરજ રાખો.રીયાની હાલત અત્યારે ઘણી જ નાજુક છે.ડોક્ટર હમણાં આવીને તમને બધું જ જણાવશે.” નર્સે સાંત્વના આપતા કહ્યું અને ઝડપભેર આઈ.સી.યુ.ની અંદર દોડી ગઈ.
ડોકટર જાણે રીયા ઉપર કોઈ પ્રયોગ કરી રહ્યા હોય એમ એના શ્વાસ નોર્મલ કરવાની બનતી તમામ કોશિશ કરી રહ્યા હતા.ગીરીવરલાલ અસહાય બનીને બધું જોઈ રહ્યા હતા.કનિષ્ક કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો.
ડોકટરના ઘણા પ્રયાસો પછી રીયાના શ્વાસ નોર્મલ થયા અને ડોકટરને પણ જાણે હાશકારો થયો.ડોકટરની ટીમ આઈ.સી.યુ.ની બહાર આવી.
" ગીરીવરલાલ ,તમે મારી કેબીનમાં આવો.રીયાની તબિયત અને હાલની તેની સ્થિતિ વિશે તમને મહત્વની માહિતી આપવાની છે.” ડોકટરે પૂરી સ્વસ્થતાથી કહ્યું.
રીયાની મમ્મીને અંકિત પાસે મુકીને ગીરીવરલાલ ડોક્ટર સાથે ચાલવા લાગ્યા.
કનિષ્ક ઊભો થઈને આઈ.સી.યુ.રૂમના દરવાજામાં રાખેલી નાનકડી કાચની બારી સામે ફરીથી આવીને ઊભો રહ્યો.આઈ.સી.યુ.ની અંદર નર્સ રીયાની ચાદર સરખી કરી રહી હતી.કનિષ્ક બેબાકળો બનીને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે રીયાને શું થયું હશે.?..રીયા ક્યારે આઈ.સી.યુ.માંથી બહાર આવશે?...આવા અનેક વિચારો એના મગજમાં ઘર કરતા જતા હતા.રીયાની મિત્ર,નંદીની અને કનિષ્કનો મિત્ર,પ્રથમ બંને જો મિત્ર ન હોત તો કનિષ્કને રીયાની અત્યારની પરિસ્થિતિ વિષે કદાચ ખબર જ ન પડી હોત.કનિષ્કે પ્રથમને ફોન કર્યો.લગભગ ચારેક વખત રીંગ વાગી પછી પ્રથમે ફોન ઉપાડ્યો.
“હેલો,પ્રથમ,થેંક યુ યાર...નંદીનીએ રીયાની તબિયત વિષે તને ખબર આપી નહીંતર કદાચ મને રીયાની અત્યારની સ્થિતિ વિષે ખબર જ ન પડત.”
“અરે એ બધું છોડ..એ કહે રીયાની તબિયત અત્યારે કેવી છે ?”
“રીયા હજુ પણ આઈ.સી.યુ.માં છે અને તબિયત ઘણી નાજુક છે..”
“ડોક્ટર શું કહે છે?”
“ડોક્ટર હજુ પણ કોઈ નક્કર નિદાન કરી શક્યા નથી...અત્યારે રીયાના પપ્પાને એમણે કેબીનમાં બોલાવ્યા હતા..ખબર જ નથી પડતી શું ચાલી રહ્યું છે..?”
“કનિષ્ક,કોઈ મદદની જરૂર હોય તો જણાવજે...”
“ચોક્કસ...”
“સારું કનિષ્ક,કાલે ફરીથી કોલ કરીશ...બાય એન્ડ ટેક કેર..”
“બાય..”
ફોન ડિસ્કનેકટ કરીને કનિષ્કે ઊંડો શ્વાસ લીધો. કનિષ્ક ઘણો નર્વસ હતો અને પોતાના મોબાઈલને બે આંગળી વચ્ચે રાખીને ગોળ-ગોળ ફેરવી રહ્યો હતો.મોબાઈલની ગતિ સાથે કનિષ્ક એના ભૂતકાળમાં સરકતો જતો હતો..છેક પહેલી વાર રીયાને જોઈ હતી એ દિવસ સુધી એનું મન પહોંચી ગયુ.એ દિવસ પણ એક સ્વપ્ન જેવો જ હતો.
રાત્રિનો અંધકાર છવાતો જતો હતો એમ હોસ્પિટલની બહારના રસ્તા પર વાહનોની અવરજવર ઓછી થતી જતી હતી અને કુતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો.
Chapter 2
રીયાને જોઈ હતી એ દિવસ કનિષ્ક છેક છેલ્લા શ્વાસ સુધી નહિ ભૂલી શકે.કનિષ્કે કોઈ દિવસ સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ ચર્ચગેટ સ્ટેશન પર રીયા આવી રીતે એની સામે આવી જશે અને એ દિવસથી એની જિંદગી વળાંક લઈને એક નવા જ રસ્તા ઉપર સફર ચાલુ કરશે.વળી એ નવા સફરની શરૂઆત જ એટલી સુંદર હતી કે એના મુકામનો કનિષ્કને કોઈ દિવસ વિચાર જ નથી આવ્યો.
એ દિવસે ચર્ચગેટ સ્ટેશન પરથી રોજની જેમ જ સાંજના સાડા સાત વાગ્યાની લોકલ ઉપડી.ટ્રેન ધીમે ધીમે એની ગતિ પકડી રહી હતી.કનિષ્ક ડબ્બાના પ્રવેશમાં જ બરોબર વચ્ચે આવેલા સપોર્ટને પકડીને ઊભો હતો.એ પરસેવે રેબઝેબ થયેલો હતો અને શર્ટ લગભગ આખો ભીનો થઇ ચુક્યો હતો.ટ્રેનની ગતિ સહેજ વધી.અચાનક કનિષ્કનું ધ્યાન ટ્રેનને સમાંતર આગળની તરફ દોડતી એક છોકરી પર ગયું.કનિષ્કે પાછળથી એનું કોલેજ બેગ જોયું.કનિષ્ક જે ડબ્બામાં હતો એ ડબ્બો એ દોડતી છોકરીને સમાંતર આવવાની તૈયારીમાં જ હતો.કનિષ્કનો ડબ્બો જેવો એની પાસે આવ્યો અને બાજુમાંથી પસાર થયો કે તરત કનિષ્કને શું સુઝ્યું કે એણે એ છોકરી સામે હાથ લાંબો કર્યો.એ છોકરી પાસે કશું પણ વિચારવા માટેનો સમય ન હતો.એણે પણ પોતાનો હાથ કનિષ્કના હાથમાં આપી દીધો.કનિષ્કે હાથ પકડીને સહેજ દમ લગાવીને એને ડબ્બામાં અંદરની તરફ ખેંચી અને સેકંડના ગાળામાં રીયાએ ડબ્બાના પ્રવેશમાં કિનારી પર પોતાનો એક પગ મૂકી દીધો અને ધક્કા સાથે કનિષ્ક સામે આવીને ઊભી રહી ગઈ.હજુ પણ એનો હાથ કનિષ્કના હાથમાં જ હતો.
હજારોની ભીડમાં અલગ થઇ આવે એવો આ એક જ ચહેરો કનિષ્કે જોયો..ચૂડીદાર પંજાબી ડ્રેસમાં સજ્જ રીયા આકાશમાંથી પૃથ્વી પર અવતરેલી કોઈ પરી જેવી દેખાતી હતી.આંખોમાં વિસ્મય અને હોઠ પર લાલી હતી.કપાળમાં બરોબર વચ્ચે એક લાલ રંગની બિંદી લગાવેલી હતી.કનિષ્કને એના ગુલાબી ભરાવદાર ગાલને ચૂંટવાનું મન થઇ આવ્યું..ગરમીના લીધે એના કોમળ કાન લાલાશ પડતા લાગતા હતા.હડપચી તો જાણે કોઈક શિલ્પકારે કંડારેલી હોય એવી સુરેખ અને સ્પષ્ટ લાગતી હતી.આંખોની પાંપણો અને આંખો પરની ભમ્મર જાણે મોરપીંછના મુલાયમ રેશામાંથી સર્જેલી હતી.કનિષ્ક ઘડીભર તો એને જોઈ જ રહ્યો.કનિષ્કના મનના બધા જ તાર એક સાથે ઝણઝણવા લાગ્યા અને મનમાં એકસાથે સુરોની રેલમછેલ મંડાઈ ગઈ.ભીડ ખોવાઈ ગઈ.લોકો ખોવાઈ ગયા.ટ્રેનો બધી મૂંગી બની ગઈ.કોલાહલ શાંત થઇ ગયો.કનિષ્કને એવો આભાસ થયો કે જાણે વર્ષોથી એણે આ જ ક્ષણની રાહ હતી.આખા બ્રહ્માંડમાં જાણે માત્ર રીયાનું જ અસ્તિત્વ હતું એવું એને લાગ્યું.
“થેંક યુ...”
કનિષ્ક હજુ પણ એની સામે જોઈ રહ્યો હતો.
“હલ્લો.....મિસ્ટર..થેંક યુ....ક્યાં ધ્યાન છે તમારું..?”
“ઓહ ...સોરી...કઈ નહિ બસ એમ જ ...”
“લેડીઝ ડબ્બામાં ચડવાનો પ્રયત્ન કર્યો પણ એ છૂટી ગયો.જો તમે આજે મને ટ્રેનમાં ન ખેંચી હોત અને આ ટ્રેન મારાથી મિસ થઇ ગઈ હોત તો હું બાપ્પાના દર્શન ન કરી શકત અને ઘરેથી બધા એમને લઈને વિસર્જન માટે નીકળી ચુક્યા હોત....”
“ઇટ્સ ઓ.કે..મને ખુશી થઈ જાણીને...પણ આજે વિસર્જન હતું તો તમારે વહેલું નીકળી જવું હતું ઘરે જવા માટે...”
“વિચાર્યું તો હતું પણ આજે એક અસાઇન્ટમેન્ટ હતું જે કોલેજમાં જ પૂરું કરીને નીકળવું પડે એમ હતું તો મોડું થઇ ગયું...”
“એન્જીનીયરીંગ...?”
“નો.....નોટ માય કપ ઓફ ટી ...... ફેશન ડીઝાઇનીંગમાં છું.....WIFC કોલેજમાં....સેકન્ડ યર ...તમે..?”
“હું એન્જિનિરીંગમાં છું....VIT કોલેજમાં....ફોર્થ સેમેસ્ટર-આઈ.ટી.માં...”
મુંબઈ સેન્ટ્રલ પર ટ્રેન ઊભી રહી એ જ ક્ષણે એક મોટું ટોળું અંદર દાખલ થયું.ધક્કામુક્કીમાં કનિષ્ક અને એ છોકરી પણ ડબ્બામાં ઘણા અંદરની તરફ પહોચી ગયા.ટ્રેન વળી પાછી એની નિયત ગતિથી દોડવા માંડી.
“તમારું નામ...?”
“કનિષ્ક..”
“હાય..રીયા..” રીયાએ હાથ આગળ કર્યો.કનિષ્કે રીયા સાથે હાથ મિલાવ્યો.
“તમારે કયા સ્ટેશન પર ઉતરવાનું છે...?” રીયાએ પૂછ્યું.
“દહીસર...”
“તમારે...”
“તમારે ઉતરવાનું છે એ સ્ટેશનથી એક સ્ટેશન પહેલા....બોરીવલી...”
જોગેશ્વરી સ્ટેશન આવ્યું.ડબ્બામાં ભીડ ઘણી ઓછી થઇ ગઈ હતી.રીયાને અને કનિષ્કને બેસવાની જગ્યા મળી ચુકી હતી.બંને ચુપચાપ બેઠા હતા.રીયા વિન્ડો સીટ પર બેઠી હતી અને બારી બહારની શહેરની રોશની વચ્ચે છુપાયેલા સાંજના આછા અંધકારમાં કંઇક તાકી રહી હતી.
બોરીવલી સ્ટેશન આવવાની તૈયારી હતી.રીયાએ કનિષ્કની સામે જોયું.
“નાઈસ તું મીટ યુ...” રીયા આટલું બોલીને પોતાની જગ્યા પરથી ઊભી થઇ.
“સેમ હિઅર....” કનિષ્કે પણ સામે ખુશી વ્યકત કરી અને હાથ મળાવ્યો.
રીયા આગળ ચાલવા જ જતી હતી ત્યાં કનિષ્કે કહ્યું...”વિલ કેચ યુ ઓન ફેસબુક...”
“સ્યોર...” રીયાએ સ્મિત સાથે કહ્યું.
બોરીવલી સ્ટેશન આવ્યું..રીયા ડબ્બામાંથી નીચે ઊતરી અને સીડીની દિશામાં આગળ વધી.ટ્રેન તેનાથી વિરુધ્ધ દિશામાં દહીંસર તરફ આગળ વધી.
સમય એની નિયત ગતિથી આગળ ચાલ્યો જતો હતો.કનિષ્ક અને રીયા ફેસબુક પર એકબીજાના મિત્ર બન્યા અને બંને વચ્ચે દોસ્તી થઇ ગઈ.સમય સાથે એમની દોસ્તી વધુ ગાઢ બનતી ગઈ.મુંબઈની લોકલ ટ્રેન સાથે એ પણ સમયના વહેણમાં આગળ ને આગળ વહેતા ગયા.બંને કોલેજથી ઘરે પાછા ફરતી વખતે લગભગ રોજ સાથે એક જ ટ્રેનમાં આવતા.ક્યારેક રીયા સ્ટેશન પર કનિષ્કની રાહ જોતી તો ક્યારેક કનિષ્ક રીયાની રાહ જોતો.
Chapter 3
કોલેજનું છઠ્ઠું સેમેસ્ટર પૂરું થવાની તૈયારીમાં જ હતું.સેમેસ્ટરની ફાઈનલ એક્ઝામની તારીખ આવવાની રાહ હતી.કનિષ્ક તેના જીગરજાન મિત્ર તરંગ સાથે કોલેજના કેન્ટીનમાં ક્લાસ બંક કરીને બેઠો હતા.બંને ભાવિન અને પ્રથમની રાહ જોતા હતા.બંને જે ટેબલ પર બેઠા હતા તેની સામેની દીવાલ પર એક ઘડિયાળ લગાવેલી હતી.ઘડિયાળ સાડા પાંચનો સમય બતાવતી હતી.સાંજ થતાની સાથે જ કેન્ટીનમાં ભીડ વધતી જતી હતી.કેન્ટીનની હવામાં આમલેટની વાસ પ્રસરેલી હતી.ખૂણામાં ખુરશીઓ અસ્ત વ્યસ્ત પડી હતી.કેન્ટીનની એક બાજુ ફૂલ છોડ રોપેલા હતા.ફૂડ કાઉન્ટરની સામે જ કેશ કાઉન્ટર હતું.
“તરંગ,હું નીકળું છું.ટ્રેનનો સમય થવા આવ્યો છે.’’ કનિષ્કે ટેબલ પર પડેલા પુસ્તકો કોલેજ બેગમાં ભરતા કહ્યું.
“કનિષ્ક,ટ્રેન તો એક જશે ને બીજી આવશે.થોડી વાર રોકાઈ જા.ભાવિન અને પ્રથમ પણ છેલ્લો લેકચર અટેન્ડ કરીને આવતા જ હશે.”તરંગે બંને હાથ માથા પાછળ લઇ જઈને બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવતા કહ્યું.
“તરંગ,આજે મોડું થઇ ગયું છે.મારે નીકળવું પડશે.રીયા પણ સ્ટેશન પર રાહ જોઇને જ બેઠી હશે.” કનિષ્કે કહ્યું.
કનિષ્કે પુસ્તકો બેગમાં ભરીને બેગની ચેન બંધ કરી અને ખુરશી પરથી હજુ ઊભો જ થવા જતો હતો ત્યાં કેન્ટીનના દરવાજામાં ભાવિન અને પ્રથમે પ્રવેશ કર્યો.બંને વાતો કરતા કરતા જ્યાં તરંગ અને કનિષ્ક બેઠા હતા એ ટેબલ તરફ આવી રહ્યા હતા.
“ભાવિન અને પ્રથમ પણ આવી ગયા.હવે તો પાંચેક મિનીટ રોકાઈ જા......પ્લીઝ....પ્લીઝ ..” તરંગે કાકલુદી કરતા કનિષ્કને રોકાઈ જવા માટે કહ્યું.
“તારી પાંચેક મિનીટ કેટલી લાંબી હોય છે એ મને ખબર છે તરંગ...” કનિષ્કે “પાંચેક મિનીટ” શબ્દ પર ભાર મૂકતા કહ્યું.
ભાવિન કનિષ્કની બાજુમાં આવીને બેઠો અને પ્રથમ તરંગની બાજુમાં જઈને બેઠો.
“હવે તમે લોકો જ સમજાવો આ કનિષ્કને....રોકાવા માટે તૈયાર જ નથી...મિત્રો કરતા સાલાને ટ્રેન અને પેલી રીયાની વધુ ચિંતા છે..” તરંગે ભાવિન અને પ્રથમની સામે જોઇને કહ્યું.
“કનિષ્ક,હવે વધારે નાટક કર્યા વગર રોકાઈ જા...સાથે ચા પી લઈએ પછી નીકળજે....” ભાવિને કહ્યું.
“છોટુ...” પ્રથમે બૂમ પાડી.
છોટુ ટેબલ પાસે આવીને ઊભો રહ્યો.
“ચાર કટિંગ...”પ્રથમે છોટુની સામે જોઇને કહ્યું.
કનિષ્ક પાસે બોલવા જેવું કંઈ જ ન હતું.હવે રોકાવું પડે એમ જ હતું.’’આટલો બધો આગ્રહ કરો છો તો રોકાઈ જાવ છું..” કનિષ્કે ખભા પર ચડાવેલું બેગ પાછું ઉતારીને ટેબલ પર મૂકતા કહ્યું.
“હવે થઈને દોસ્તો વાળી વાત...” પ્રથમ કહ્યું.
કોલેજમાં લગભગ બધા જ ક્લાસના લેકચર પુરા થઇ ગયા હતા.કેન્ટીનમાં ભીડ વધતી જતી હતી.
છોટુ ટ્રેમાં ચાર કટિંગ લઈને આવ્યો.ટેબલ પર દરેકની સામે ચાના કપ મૂકીને છોટુ ઝડપભેર ગીત ગણગણાવતો પાછો કેન્ટીનના રસોડા તરફ ચાલવા લાગ્યો.ટેબલ પર મૂકેલા ચાના કપમાં ચાની સપાટી હજુ હાલક ડોલક થતી હતી.
સૌએ એક સાથે ચાના કપ હાથમાં લીધા અને એક સાથે જ ચાની પહેલી ચૂસકી મારી.દોસ્તીમાં સાથે શરાબના પહેલા ઘૂંટથી માંડીને ચાની ચૂસકી લેવાની મજા જ અનેરી હોય છે.સિગારેટનો પહેલો કસ સાથે મારતી વખતે નશો દોસ્તીનો ચડતો હોય છે.દોસ્ત વગરની સિગારેટ પણ ફિક્કી લાગે.આ દરેક વ્યસનમાં વ્યસનનું મહત્વ ગૌણ બનીને દોસ્તીનો નશો જ મુખ્ય બની જતો હોય છે.સિગારેટ કે દારૂ તો માત્ર એક બહાનું જ હોય છે.એક વાર આ દોસ્તીનો નશો ચડે એટલે સિગારેટ અને દારૂનો નશો ફિક્કો પડી જાય.
“આપણું ફાઈનલ યરનું એક્ઝામ ટાઇમ ટેબલ નોટીસ બોર્ડ પર આવી ચુક્યું છે.” પ્રથમ જાણે કોઈ ગંભીર વાતનો ઘટસ્ફોટ કરતો હોય એમ કહ્યું.
“બીજી મહત્વની વાત એ કે આ વખતે એક્ઝામ દર વખત કરતા વહેલી અને રીડીંગ વેકેશન દર વખત કરતા ઘણું નાનું રહેવાનું છે.”ભાવિને વાતમાં ઉમેરો કરતા કહ્યું.
તરંગ અને કનિષ્કને આ વાત સંભાળીને ચા નો ઘૂંટ ગળા નીચે ઉતારવામાં મુશ્કેલી પડી.બંનેએ એકબીજાની સામે જોયું અને બંનેની આંખો જાણે અંદર અંદર કંઇક વાતો કરી ગઈ.કનિષ્કને જાણે ખબર પડી ગઈ કે તરંગ હવે શું બોલવાનો છે.
“કનિષ્ક તું જલ્દી નીકળ.આજથી જ ફાઈનલ નોટ્સ તૈયાર કરવાની ચાલુ કરી નાખ...નહીતર મારા પાસ થવાના પણ ફાફા પડી જશે..” તરંગ લગભગ એક શ્વાસે બધું બોલી ગયો.
“ના હવે તો હું અહી જ રોકવાનો...થોડા સમય પહેલા શું કહેતો હતો.?..ટ્રેન તો એક જશે ને બીજી મળી જશે...અને રીયા માટે દોસ્તોને મુકીને થોડું જવાય..?.” કનિષ્કની અંદર પણ એકઝામનો ભય પ્રસરી ચુક્યો હતો પણ છતાંય કૃત્રિમ છટાથી બોલી રહ્યો હતો.
“તમે બંને પછી ઝઘડી લેજો ...પેલા એ કહો કે હવેની રણનીતિ શું છે ?” ભાવિને ચાની ચૂસકી લેતા કહ્યું.
“એમાં રણનીતિ શું?...આજથી સિગારેટ,પોર્ન,મૂવીઝ,છોકરી..બધુ જ ભૂલીને માત્ર અને માત્ર થોથાઓ રટવા બેસી જાઓ..” કનિષ્કે કહ્યું.
“પ્રથમને તો બહુ વાંધો નહિ આવે...બે એક વિષયનો અભ્યાસક્રમ તો પૂરો પણ થઇ ગયો હશે સાલાને..” ભાવિને કહ્યું.
“હા ...બે વિષય પુરા થઇ ગયા છે....” કોઈ ગુનાનો નિખાલસ સ્વીકાર કરતો હોય એમ પ્રથમે કહ્યું.
બધાએ કૃત્રીમ રોષથી પ્રથમની સામે જોયું અને મોટી મોટી ગાળો આપવાની ચાલુ કરી.
“તરંગ...” કનિષ્ક આટલું બોલીને થંભી ગયો...અને પછી આગળ બોલ્યો.
“યાર ...આપણે આ વખતની એકઝામમાં ખરેખર ખુબ મહેનત કરવી પડશે અને સારું રીઝલ્ટ લાવવું પડશે...નહીતર જોબ મળવી મુશ્કેલ થઇ પડશે.છઠ્ઠું સેમેસ્ટર પૂરું થતાની સાથે જ કેમ્પસ પ્લેસમેન્ટ શરૂ થશે અને જો આપણા એવરેજ પર્સેન્ટેજ કંપનીની જરૂરિયાત મુજબના નહિ હોય તો કોઈ પ્લેસમેન્ટમાં બેસવા પણ નહિ દે..”
“હા ,કનિષ્ક તું સાચું કહે છે...અને એટલા પર્સેન્ટેજ કરવા માટે આપણે આ અને આવતા બંને સેમેસ્ટરમાં ખુબ મેહનત કરવી પડશે.”તરંગે કહ્યું.
ટેબલ પર ચાના ખાલી કપ પડેલા હતા.થોડી વાર માટે સૌ કોઈ ચુપ રહ્યા.
ભાવિન અને પ્રથમે એકબીજાની સામે જોયું.
“ભાવિન ,આપણે નીકળીશું હવે...?” પ્રથમે પૂછ્યું.
“યસ....નીકળીએ....હવે....” ભાવિને જવાબ આપ્યો.
“ચાલો મિત્રો તો અમે હોસ્ટેલ તરફ જઈએ છીએ.કાલે લેક્ચરમાં મળીશું..”
બંને ઊભા થઈને કેન્ટીનની બહાર જતા રસ્તા તરફ ચાલવા લાગ્યા.
“તરંગ ,હું પણ નીકળું હવે?,..રીયા રાહ જોતી હશે..થોડી વાર પહેલા એનો મેસેજ હતો અને કદાચ કોલ લગાવવાની કોશિશ કરતી હશે તો પણ ખબર નહિ પડે કેમ કે મોબાઈલની બેટરી પણ પૂરી થઇ ગઈ છે...” કનિષ્કે કહ્યું.
“હા..”
“બાય...તરંગ...” બેગ ખભા પર લટકાવતા કનિષ્ક ખુરશી પરથી ઊભો થયો.
“બાય...” તરંગે સામે કહ્યું.
કનિષ્ક પણ કેન્ટીનની બહાર જતા રસ્તા પર ચાલવા માંડ્યો.કેન્ટીનની ભીડ ઓછી થતી જતી હતી.તરંગ હજુ ત્યાં જ બેઠો હતો.ખાલી પડેલા ચાના કપ સામે જોઇને કંઇક વિચારી રહ્યો હતો.
Chapter 4
રીયા કનિષ્કની રાહ જોઇને ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર.૩ પર બેઠી હતી.રીયાએ ડાર્ક બ્લુ કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું જીન્સ પહેરેલું હતું.ખભા પર વિવિધ ભાતના કાર્ટૂન ચીતરેલું બેગ લટકતું હતું.કનિષ્કની રાહ જોઇને બેઠેલી રીયા કંટાળી ગઈ હતી અને એ કંટાળો તેના ચળકતા લાલાશ પડતા ગાલ પર દેખાતો હતો.પરીઓને હોય એવા સુંવાળા વાળની લટ ચહેરા પરના પરસેવા સાથે ચોંટી ગઈ હતી.એના અણીયારા નાક પર ગુસ્સો હવે સ્પષ્ટ રીતે દેખાતો હતો.રીયા વારંવાર પોતાના મોબાઈલની સ્ક્રીન ચાલુ બંધ કરતી હતી.કદાચ કનિષ્કનો કોઈ મેસેજ હોય.પછી એ સીડી તરફ નજર કરતી જ્યાંથી કનિષ્ક રોજ આવતો હતો.
રીયા બેંચ પરથી ઊભી થઇ અને આમ તેમ નજર કરી.સ્ટેશનની ભીડ તરફ નજર કરી.અલગ અલગ દિશામાં સતત ભાગતા લોકો સામે જોયું.ટ્રેનનું લીસ્ટ જે એલ.સી.ડી.સ્ક્રીન પર દેખાતું હતું ત્યાં નજર કરી.પ્લેટફોર્મ ઉપર છત નીચે લટકતી ઘડિયાળમાં સમય જોયો.સાંજના ૬.૪૯નો સમય બતાવતો હતો. ઘડિયાળના કાંટા પણ ભીડની જેમ અવિરત દોડી રહ્યા હતા.ઘડીયાળની બાજુમાં લટકતી સ્ક્રીન પર અલગ અલગ ટ્રેનની વિગતો,પ્લેટફોર્મ નંબર,ઉપડવાનો સમય વગેરે દર્શાવેલા હતા.ટીકીટ બારી પરની લાઈન સમય સાથે લાંબી થતી જતી હતી.સ્ટેશન પરનો કોલાહલ વધતો જતો હતો અને હજુ સુધી કનિષ્ક કયાંય નજરે પડતો ન હતો.
રીયા સામેના પ્લેટફોર્મ નંબર.૨ પરથી પસાર થતી એક ફાસ્ટ લોકલને દુર ક્યાંક મુંબઈ શહેરમાં ગરકાવ થતી જોતી રહી.બેએક વ્યક્તિએ ચાલતી ટ્રેન પકડવાની આશાએ ટ્રેનની પાછળ દોડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા.સ્ટેશનની છત નીચે લટકતી બતીઓ એક પછી એક ચાલુ થવા માંડી.
પ્લેટફોર્મ નં.૩ પર લોકલ આવવાને માત્ર પાંચ મીનીટ જ બાકી હતી.રીયા બેંચ પર જઈને બેસી ગઈ.રીયાએ ફરી એક વાર કનિષ્કને કોલ લગાવી જોયો પણ સામે છેડેથી હજુ પણ “સ્વીચ ઓફ” નો મેસેજ સંભળાતો હતો. રીયાએ સીડી તરફ ફરી નજર કરી.કનિષ્ક હજુય દેખાતો ન હતો.ઘડીભર એમ જ સીડી તરફ મીટ માંડીને જોતી રહી.ઝબકારાની જેમ કનિષ્ક દેખાયો.પાછળના પ્લેટફોર્મ પરથી એક લોકલ પસાર થઇ.બોઝિલ વાતાવરણ થોડી ક્ષણો માટે હળવું થયું અને પવનની એક લહેરખી રીયાના ગાલ ઉપર બાજેલા પરસેવામાં ચોંટેલી વાળની લટને સ્પર્શતી ગઈ. કનિષ્કને જોતા જ રીયાનો કંટાળા સાથે ભળેલો ગુસ્સો ચહેરા પર ઊભરાઈ આવ્યો.
કનિષ્ક સીડી ઊતરીને ભીડને ચીરતો રીયા તરફ આવી રહ્યો હતો.કનિષ્કને જોતાની સાથે જ રીયાએ મોઢું મચકોડીને બીજી તરફ ફેરવી લીધું.કનિષ્ક હાંફતો હાંફતો રીયાની બાજુમાં આવીને ઊભો રહ્યો.રીયા હજુ બેંચ પર જ બેઠેલી હતી.કનિષ્કના બંને હાથ કમર પર ટેકવેલા હતા.કનિષ્કનો શર્ટ અંદરથી પૂરે પૂરો ભીંજાય ચુક્યો હતો.રીયાએ ગુસ્સા સાથે નજર ઉપર કરીને કનિષ્કની સામે જોયું.કનિષ્ક જાણે પહેલેથી જ એ ગુસ્સાવાળી નજર માટે તૈયાર હોય એમ રીયા સામે હળવું સ્મિત કર્યું.
રીયા હજુ કનિષ્કની સામે જ જોઈ રહી હતી.
“સોરી બાબા.....”કનિષ્કે ફરી કહ્યું.
રીયા કનિષ્કની સામે સ્થિર નજરે જોઈ રહી અને પછી ગુસ્સાથી કહ્યું.“કનિષ્ક તને ખબર નથી પડતી કે છેલ્લા બે કલાકથી તારો ફોન સ્વીચ ઓફ છે.એક વાર તો કહી દેવું જોઈએ ને કે તારે મોડું થવાનું છે તો હું અહી તારી રાહ જોઇને ન બેસી રહું.”
કનિષ્ક માત્ર રીયા સામે જોઈએ સાંભળી રહ્યો.
“ સોરી રીયા....પણ તારો મેસેજ જોયો એટલે હું તરત જ નીકળતો હતો પણ મિત્રોએ કેન્ટીનમાં જ રોકી લીધો અને ફોનની બેટરી પણ પૂરી થવાની તૈયારીમાં જ હતી.”
“જા તો હજુ બેસ તારા મિત્રો સાથે..કેન્ટીનમાં...”
“કમ ઓન રીયા..સોરી તો કહ્યું.હવે આ ઝઘડવાનો સમય નથી નહીતર આ લોકલ પણ છૂટી જશે..ગુસ્સો છોડી દે અને ઊભી થા.”
“કનિષ્ક આજે હું લેડીઝ કમ્પાર્ટમાં જઈશ.તારી સાથે હું નથી આવવાની..” રીયા અદબ વાળીને પાછી બેંચ પર બેસી ગઈ.
કનિષ્ક રીયાની બાજુમાં આવીને બેઠો.
”હવેથી તને ભૂલ્યા વગર જણાવી દઈશ..બસ..?” કનિષ્કે પોતાના કાનની બુટ પકડી અને રીયા સામે જોઇને કહ્યું.
“અને તને ઘરે જતા પહેલા બોરીવલી સ્ટેશનની બહાર જે તારી ફેવરેટ મલાઈ કુલ્ફી મળે છે એ પણ ખવડાવીશ અને ત્યાંથી હું બીજી ટ્રેન પકડીને દહીંસર જતો રહીશ.”
રીયાનો ગુસ્સો ધીરે ધીરે પીગળવા માંડ્યો.તેણે કનિષ્કની સામે જોયુ અને પછી હળવું સ્મિત કર્યું.
“ટ્રેન આવી ગઈ કનિષ્ક....” રીયાએ બેંચ પરથી ઊભા થતા કહ્યું.
રીયા પોતાનું બેગ સરખું કરતી હતી ત્યાં જ ટ્રેન પ્લેટફોર્મ નંબર ૩ પર આવીને હાંફતી હાંફતી ઊભી રહી ગઈ.લોકો ધક્કા મુક્કી કરીને ટ્રેનની અંદર પ્રવેશવા લાગ્યા.કનિષ્ક અને રીયા ઝડપભેર નજીકના કમ્પાર્ટમેન્ટ પાસે આવ્યા.કનિષ્ક બળપૂર્વક ભીડમાં ઘુસ્યો.રીયાએ કનિષ્કની પીઠ પરનું કોલેજ બેગ કસીને પકડી રાખેલું હતું.બંને ભીડને ચીરતા ડબ્બામાં પ્રવેશ્યા અને ઝટકા સાથે ટ્રેન ઉપડી.
કનિષ્ક અને રીયા ભીડને ભેદીને ડબ્બાની બરોબર વચ્ચે આવીને ઉભા રહ્યા જ્યાં પ્રમાણમાં ભીડ ઓછી હતી.ડબ્બામાં લોકોના પરસેવાની ગંધ પ્રસરેલી હતી.કનિષ્કના પગને અડીને એક માછલીની ટોપલી પડી હતી જેમાંથી તીવ્ર વાસ આવી રહી હતી.રીયાને ઝડપથી રૂમાલ કાઢીને પોતાના નાક આડે રાખી દીધો.
સ્ટેશન બદલાતા રહ્યા એમ ડબ્બાની અંદરની ભીડ વધઘટ થતી રહી.મલાડ સ્ટેશન પછી ભીડ એકદમ ઓછી થવા માંડી.કનિષ્ક જ્યાં ઊભો હતો એની બાજુની જગ્યા ખાલી થઇ એટલે એણે રીયાને ત્યાં બેસાડી દીધી અને એક વધુ સ્ટેશન પસાર થયું એટલે કનિષ્કને પણ બેસવાની જગ્યા મળી ગઈ.
રીયા બારીને અડકીને બેઠેલી હતી અને બાજુમાં કનિષ્ક બેઠો હતો.બંને થોડી વાર ચુપ થઈને માત્ર બારીની બહારના બદલાતા દ્રશ્યો નિહાળી રહ્યા હતા.એવા દ્રશ્યો જે દરેક પળે બદલાતા હતા.ગગનને ચૂમતી ઊંચી ઈમારતોથી માંડીને જમીનને ભેટીને બેઠેલા ઝુપડાઓ વચ્ચેનું બધું જ ટ્રેનમાંથી જોઈ શકાતું.ક્યાંક ગંદા નાળાની પાસે બાળકો રમી રહ્યા હતા તો ક્યાંક જાહેરાતોના બોર્ડ જાણે એમની પાછળની ઊંચી ઈમારતોને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા.ક્યાંક કોઈક વિના કારણે ઝઘડી રહ્યું હતું તો કોઈક ભૂખ તરસથી સબડતું ગંદા ગટરના નાળા પાસે પડેલું હતું.કોઈક રેસ્ટોરન્ટની ઝળહળતી રોશનીમાં પોતાના પ્રિયજન સાથે બેઠેલું હતું.સામેથી આવતી ટ્રેન તીવ્ર ગતિથી જયારે બાજુમાંથી પસાર થતી ત્યારે જાણે એક નાનકડું મુંબઈ બાજુમાંથી પસાર થતું હોય એવું લાગતું.
રીયા આ બધા જ દ્રશ્યો જોઇને કંઇક વિચારી રહી હતી અને કનિષ્ક રીયાને જોઈ રહ્યો હતો.બારીમાંથી આવતા પવનના લીધે રીયાના ચહેરા પરનો પરસેવો સુકાઈ ચુક્યો હતો અને ચહેરા પર જે વાળ ચોંટેલા હતા એ હવે હવામાં લહેરાતા હતા.ટ્રેનની ગતિ ઘડીકમાં ધીમી તો ઘડીકમાં તીવ્ર થતી જતી હતી.ડબ્બાની અંદરની ભીડ હવે એકદમ ઓછી થઇ ગઈ હતી.કનિષ્ક અને રીયાને જ્યાં ઊતરવાનું હતું એ બોરીવલી સ્ટેશનને આવવાની થોડી જ વાર હતી.
બોરીવલી આવતા જ બંને ઊતરીને સ્ટેશનની બહાર આવ્યા.
“કનિષ્ક....” રીયાએ કનિષ્કની સામે જોઇને કહ્યું.
“હા મને યાદ છે....મારું પ્રોમિસ...” કનિષ્કે કહ્યું અને બંને ત્યાં સ્ટેશનની બહાર ઊભેલા કુલ્ફી વાળા પાસે આવીને ઊભા રહ્યા.કુલ્ફી વાળાની લારી પર ઘણી ભીડ હોવાથી બંને રાહ જોઇને ઊભા રહ્યા.વારો આવતા જ કનિષ્કે એકસાથે ચાર કુલ્ફી લીધી.
“કનિષ્ક....ચાર કુલ્ફી..?” રીયાએ પૂછ્યું.
“હા..ચાર...એક મારા માટે અને ત્રણ તારા માટે..” કનિષ્કે હસતા હસતા ત્રણ કુલ્ફી એક સાથે રીયાના હાથમાં પકડાવી દીધી અને ખિસ્સામાંથી ૮૦ રૂપિયા કાઢીને કુલ્ફી વાળાને આપ્યા.
કુલ્ફી ખાઈને બંને છુટા પડ્યા.રીયા એના ઘર તરફ ચાલવા માંડી અને કનિષ્ક દહીંસર જતી ટ્રેન પકડવા માટે સ્ટેશનમાં દાખલ થયો.
શહેરનો કોલાહલ,ધૂળ,ટ્રેનનો અવાજ,ટેક્સીની અવર જવર બધું જ ઓછુ થતું જતું હતું અને મરીન ડ્રાઈવ પરનો સુરજ સમુદ્રના ખારા પાણીમાં પુરેપુરો ગરકાવ થઇ ચુક્યો હતો.
Chapter 5
મરીન ડ્રાઈવના રસ્તાને અડીને આવેલા ગુલમહોર કેફેના પહેલા માળેથી દુર સુધી પથરાયેલા દરિયાની ક્ષિતિજ અને મરીન ડ્રાઈવ પર પથરાયેલા પથ્થરો સાથે અથડાઈને ફીણ ફીણ થઇ પડતા મોજાઓ સ્પષ્ટ જોઈ શકાતા.કેફેના પહેલા માળે પારદર્શક કાચને અડીને આવેલા ટેબલ પર કનિષ્ક અને તરંગ બેઠા હતા જ્યાંથી રોડ પર થતી વાહનોની અવરજવર,મરીન ડ્રાઈવના ફૂટપાથ પર હાથમાં હાથ નાખીને ચાલતા પ્રેમી પંખીડાઓ અને દુર વળાંક લેતો મરીન ડ્રાઈવનો રસ્તો જોઈ શકાતો.કનિષ્કનો હંમેશા આગ્રહ રહેતો કે દર વખતે એ અહી આવે ત્યારે આ જ ટેબલ મળે.
કેફેમાં લોકોની ચહેલ પહેલ વધતી જતી હતી.દરવાજે ઊભેલો ચોકીદાર જેટલી વખત દરવાજો ખોલતો એટલી વખત રસ્તા પરથી પસાર થતા વાહનોની ઘરરાટી અને દરિયાના મોજાનો અવાજ અંદર ધસી આવતો.
“તરંગ,આપણે દર વખતે સેમેસ્ટરનું રીડીંગ વેકેશન ચાલુ થાય એની પહેલા અહીં તારી પસંદના ઢોસા અને ફિલ્ટર કોફી માટે આવીએ છીએ.પણ કોલેજ પૂરી થશે પછી શું?” ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ હાથમાં લેતા કનિષ્કે કહ્યું.
“પછી પણ આવીશું.....તું ભવિષ્યનું બહુ વિચાર્યા કરે છે કનિષ્ક... તું અને હું બંને આ પૃથ્વી પર જ રહેવાના છીએ એટલે આપણે આવી રીતે જ આ કેફેમાં આવીશું જેવી રીતે આજે આવ્યા છીએ.”
“અને આપણે ચાંદની બારમાં પણ જઈશું જે તારી પસંદ છે. જ્યાં આપણે દરેક સેમેસ્ટરની એક્ઝામ પૂરી થાય ત્યારે જઈએ છીએ...”
“હા યાર,આખી એક્ઝામ સીઝનમાં ભેગા થયેલા ટેન્શન અને સ્ટ્રેસ ત્યાંનો દારૂ પીધા પછી ઓગળી જાય છે..નહિ..?”
બેરર ટેબલ પાસે આવીને ઊભો રહ્યો “ સર,ઓર્ડર...??”
દર વખતે આ જ બેરર ઓર્ડર લેવા આવતો.બેરરને પણ જાણે ખબર જ રહેતી કે આ લોકો શું ઓર્ડર આપવાના છે પણ ઔપચારિક રીતે ઓર્ડરનું પૂછી લેતો.
“બે બટર મસાલા ઢોંસા અને બે ફિલ્ટર કોફી...” તરંગે ઓર્ડર આપ્યો.
કનિષ્કની નજર દૂર લહેરાતા મરીન ડ્રાઈવ પરના સમુન્દ્રના મોજાઓ પર હતી.લહેરાતા મોજા પર ચકળવકળ થતા પ્રકાશના કિરણો જાણે દૂરથી કનિષ્કને જોઈ રહ્યા હતા.
“હલ્લો...કનિષ્ક....ક્યાં ખોવાઈ ગયો છે..?” તરંગે કનિષ્કની આંખો સામે પોતાના હાથ હલાવતા પૂછ્યું.
“ક્યાંય નહિ....બસ એમ જ.....દૂર લહેરાતા મોજાને જોઈ રહ્યો હતો.”
“શું એમ જ...? તારા ચહેરા પર વંચાય આવે છે કે તું જોવે છે તો દરિયા તરફ પણ અંદર એક્ઝામ અને એકઝામના રીઝલ્ટ બંનેની ચિંતા ઘર કરી ગઈ છે."
“ચિંતા તો હોય જ ને યાર...તને પણ છે...બધાને છે..એમાય આ વખતે પેપર સારા નહિ જાય તો રીઝલ્ટ પણ સારું નહિ આવે અને પછી પ્લેસમેન્ટ વખતે કોઈ કંપની આપણી સામે પણ નહી જોવે.” કનિષ્ક ચિંતા સાથે એકધારું બોલી ગયો.
“પણ ખાલી ચિંતા કરવી એ તો એનો ઉપાય નથી ને?”
બેરર ટ્રેમાં બે મસાલા ઢોંસા અને ફિલ્ટર કોફી લઇ આવ્યો.ટેબલ પર રાખેલા પાણીના ગ્લાસ સહેજ સરખા કરીને એણે ટ્રે ટેબલ પર મૂકી.
“કનિષ્ક..આ વખતે તું એવી નોટ્સ બનાવજે કે જેને વાંચીને આપણે આરામથી સારા પર્સેન્ટેજ સાથે પાસ થઇ જઈએ.” તરંગે ફોર્કથી ઢોંસાનો ટુકડો કાપ્યો.
“એ તો મને પહેલેથી જ ખબર છે કે બધી મજુરી તો મારે જ કરવાની છે.”
“આપણે અત્યારે આ બધી ચિંતા કરવાનું રહેવા દઈએ અને ઢોસા પર ધ્યાન આપીએ.” તરંગે ઢોંસાનો ટુકડો પોતાના મોઢામાં મૂકતા કહ્યું.
“આપણી કોલેજ...દોસ્તો...મસ્તી.....મજા....આઝાદી..બધું જ માત્ર એક વર્ષ પુરતું છે.પછી તો ખબર નહિ આગળ જિંદગી શું ખેલ બતાવવાની છે.?” કોફીનો કપ હાથમાં લેતા કનિષ્કે થોડી ગંભીરતાથી કહ્યું.
“કનિષ્ક તું જોઈ લેજે આપણું સિલેકશન એક જ કંપનીમાં થશે...કોલેજ પૂરી થશે તો પણ આપણે તો સાથે જ રહેવાના..”
“ભગવાન કરે તારી વાત સાચી પડે..”
“સાચી જ પડશે..”
બંને વાતો કરતા રહ્યા અને ટેબલ પરના કોફી અને ઢોંસા ક્યારે પુરા થઇ ગયા એની ખબર જ ન રહી.બહાર દરિયાના મોજા પથ્થરો સાથે અથડાઈ અથડાઈને અવાજ કરતા હતા અને રોડ પરથી પસાર થતા વાહનોના અવાજમાં મોજાનો અવાજ ભળી જતો હતો.
તરંગે હાથ ઊંચો કરીને ઇશારાથી બેરરને બોલાવ્યો.બેરર ટેબલ પાસે આવ્યો.
“યસ સર..”
“કનિષ્ક,તારા માટે કંઈ મંગાવું..?”
“ના...કંઈ નહિ..”
“એક મસાલા ઢોંસા અને એક ફિલ્ટર કોફી..” તરંગે બેરરની સામે જોઇને કહ્યું. “થોડી ઉતાવળ કરજો પ્લીઝ...”
“ બસ પાંચ મિનીટ સર...” બેરરે જતા જતા કહ્યું.
કનિષ્ક વળી પાછો મરીન ડ્રાઈવ પર સ્થિર નજરે જોઈ રહ્યો હતો.
“કનિષ્ક તું કંઇક તો વિચારે છે ક્યારનો..?”
“કશું નથી વિચારતો...”
“કંઇક તો વિચારે છે તું...સાચું બોલ તારા સપનાઓ વિશે વિચારતો હતો ને..?”
“હા...”
“શું...?
“એ જ કે એ સપનાઓ પુરા કરી શકીશ કે નહિ?..આ મરીન ડ્રાઈવની પાસે મારી રેસ્ટોરેન્ટ બનાવી શકીશ કે નહિ?...ક્યાંક આ સપનાઓ સપના જ ન રહી જાય એનો ડર છે..”
“કેટલો ડરીશ તું જીંદગીથી...એક્ઝામથી..રીઝલ્ટથી..ભવિષ્યથી.? આ બધી ચિંતાઓ અને ડરથી સપનાઓ થોડા પુરા થવાના છે...?એના માટે તો લડવું પડશે અને સંઘર્ષ કરવો પડશે ત્યારે જ સપના પુરા થવાની ખુશી થશે.અને તું બહુ નસીબદાર છે કે તારી પાસે સપનું છે બાકી ઘણા લોકોને તો સપના શું હોય છે એ ખબર જ નથી હોતી.બસ જીંદગી જીવી જાય છે ..મશીનની જેમ..”
“પણ તને તો ખબર છે મારા સપનાની કિંમત...આ મરીન ડ્રાઈવ પર એક રેસ્ટોરેન્ટ ચાલુ કરવા માટે કેટલા રૂપિયા જોઈએ?..મારી બંને કીડની વેચી દઉં તો પણ માત્ર ભાડા પર જ કોઈક જગ્યા મળે.”
“એનો પણ રસ્તો તો છે જ ને...કોલેજ પૂરી કરીને બે ત્રણ વર્ષ જોબ કરી લે...પછી માસ્ટર ડીગ્રી માટે અમેરિકા જતો રહેજે અને રૂપિયા કમાઈને ત્રણ ચાર વર્ષમાં પાછો આવી જજે....પછી રેસ્ટોરેન્ટ ચાલુ કરજે..”
“હા તરંગ એ રસ્તો તો વિચારેલો જ છે પણ છતાંય એક અજાણ્યો ડર પરેશાન કરે છે.. સપનાઓ પણ કેટલી અજીબ વસ્તુ છે નહિ.?.જ્યાં સુધી સપનાઓને કાલ્પનિક વિશ્વમાંથી બહાર ન લાવો ત્યાં સુધી કોઈ વિશ્વાસ જ ન કરે તમારા સપનાઓ ઉપર...”
“સપના જયારે કાલ્પનિક વિશ્વમાં હોય ત્યારે પણ વિશ્વાસ કરનારા તો હોય જ છે.એક તો જેનું સપનું છે એ અને બીજા જે એના દિલમાં વસે છે એ..એ લોકો તો જયારે એ સપનું હજુ આત્માના સ્વરૂપમાં હોય અને શરીર ન મળ્યું હોય ત્યારે પણ એની પર વિશ્વાસ રાખે છે.”
“તરંગ,કેટલું સારું હોત જો આપણે આ વાસ્તવિક દુનિયાને આપણી સપનાની કાલ્પનિક દુનિયામાં લઇ જઈ શકતા હોત.”
“કનિષ્ક,તો સપનાઓની પછી કોઈ કિંમત જ ન રહે..”
બેરર ટ્રેમાં એક મસાલા ઢોંસો અને એક ફિલ્ટર કોફી લઈને આવ્યો.
“સર,બીજું કંઈ..?”
“ના ..બસ..થેંક યુ ...”
બેરરે ટેબલ પર ખાલી પડેલા ડીશ અને કોફીના કપ ટ્રેમાં લીધા અને કિચન તરફ આગળ વધ્યો.
કનિષ્ક અને તરંગ વાતોમાં મશગૂલ હતા અને બેરર બીલ લઈને આવ્યો.
બંનેએ બીલ વહેંચી લીધું .બીલ ચૂકવીને બંને કેફેની બહાર આવ્યા અને મરીન ડ્રાઈવના કિનારે કિનારે ચાલવા લાગ્યા.
“પેલી દૂર ઊભેલી ઈમારત તને દેખાય છે કનિષ્ક.?” એ ઈમારત તરફ આંગળી ચીંધીને તરંગે કહ્યું. “આપણે તારી રેસ્ટોરેન્ટ ત્યાં જ બનાવીશું...અગાશી પર ભાડું પણ સસ્તું હશે અને આપણે તેને સુધારીને એકદમ આકર્ષક બનાવી દઈશું.”
“શું ખબર તરંગ..?..અમેરિકાથી પાછા આવતા સુધીમાં તો એ જગ્યા વેચાઈ ગઈ હોય..”
“ હું નહિ વેચાવા દઉં..”
“એક વાત કહે કનિષ્ક,તારે રેસ્ટોરેન્ટ જ ખોલવું હતું તો તું એન્જિનિરીંગમાં કેવી રીતે આવી ગયો...? કંઈક હોટેલ મેનેજમેન્ટ કે એવા કોઈ ફિલ્ડમાં જવું જોઈતું હતું...”
“પોતાની રેસ્ટોરેન્ટ ખોલવાનું સપનું તો મેં એન્જિનિરીંગમાં આવ્યા પછી જોયું.એન્જિનિરીંગમાં આવતા પહેલા તો એક જ સપનું હતું.જે ફિલ્ડમાં જલ્દીથી સારા પગારની જોબ મળી જાય એમાં જવું અને એવી રીતે હું પહોંચી ગયો એન્જિનિરીંગમાં...પછી એક દિવસ અચાનક જ કેન્ટીનમાં બેઠો બેઠો હું આપણી કેન્ટીનમાં કામ કરતા નાના મોટા દરેક માણસને નિહાળી રહ્યો હતો અને કેન્ટીનનો માલિક જે રીતે આપણા બધાનું ધ્યાન રાખતો હતો અને આપણે જાણે એમના કોઈક ઘરના જ સભ્ય હોય એમ સાચવીને જમાડતો ત્યારે જ નક્કી કરી લીધું કે બોસ આપણે તો હવે આ જ કરવું છે જીવનમાં.....”
“બસ તો હવે તું કોઈ ચિંતા ન કરતો.તારા સપનાને સ્વરૂપ આપવાનું અને એમને વાચા આપીને લોકો સુધી પહોચાડવાનું કામ મારું...તારા આ સૌથી પાક્કા ભાઈબંધનું.....”
કનિષ્ક અને તરંગ પોતાની અતરંગી મસ્તીમાં સપનાઓની વાતો કરતા કરતા ,એકબીજાને ગાળો આપતા દુર સુધી ચાલતા રહ્યા અને પછી મુંબઈની ભીડ અને કોલાહલમાં ભળી ગયા.મરીન ડ્રાઈવ પરથી પસાર થતો દરિયાનો ખારો પવન એ બંનેની વાતો સાંભળી રહ્યો હતો.
દરેક માણસ કોઈકને કોઈક સપનું લઈને જીવતો હોય છે અને દરેકનું સપનું એના પોતાના માટે મોટું જ હોય છે પછી દુનિયાની નજરમાં ભલેને એ ઘણું નાનું લાગતું હોય.સપના ક્યાંથી આવે છે કે કેમ આવે છે એનું હજુ કોઈ ચોક્કસ વિજ્ઞાન કદાચ કોઈને ખબર નથી.પણ જયારે માણસ બહારની દુનિયામાં કંઇક જુએ છે અને અંદરથી એક અવાજ આવે છે કે હા બસ આ જ......અને એ સપનું બની જાય છે.પછી એ સપનું આખા બ્રહ્માંડમાં એક વિચારની જેમ ત્યાં સુધી ભટકે છે જ્યાં સુધી કોઈ એમને સાકાર ન કરે.માણસ એ સપનાઓની પાછળ પોતાની બધી તાકાત લગાવીને એ સપનાઓને પુરા કરવા માટે ઝઝૂમે છે અને સપનું પૂરું થાય કે તરત બીજા સપનાનો જન્મ થાય છે.
સંઘર્ષ છે ત્યાં સુધી જિંદગી છે પણ જેને સપના જોઇને સાકાર કરવાની હોંશ હોય એના માટે સપના છે ત્યાં સુધી જિંદગી છે.
Chapter 6
ટ્રેન ચર્ચગેટ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર પહોંચી.ટ્રેનની રાહ જોઇને ઊભેલો કનિષ્ક દોડીને ભીડને ચીરતો ડબ્બામાં પ્રવેશ્યો.રીયા માટે બારી પાસેની જગ્યા રોકીને પોતે બાજુમાં બેસી ગયો.રીયા મહામુસીબતે ભીડમાંથી જગ્યા કરતી કનિષ્ક પાસે આવીને ઊભી રહી.ટ્રેનનો ડબ્બો ખીચોખીચ ભરેલો હોવા છતાં પણ હજુય પ્લેફોર્મ પરથી લોકો ધક્કામુક્કી કરતા ડબ્બામાં ચડી રહ્યા હતા.ડબ્બાના એક ખૂણામાંથી કોઈકના ઝઘડવાનો અવાજ આવી રહ્યો હતો.
રીયા કનિષ્કની રોકેલી વિન્ડો સીટ પર આવીને બેસી ગઈ.ટ્રેન ઝટકા સાથે આગળ વધી અને થોડી જ ક્ષણોમાં ટ્રેન પુરપાટ ઝડપે પાટા પર ધડધડ અવાજ કરતી દોડવા લાગી.ડબ્બાના ખૂણામાંથી આવતો અવાજ હવે શાંત થઇ ચુક્યો હતો.હવાની એક ઠંડી લહેરખી બારીના રસ્તે અંદર પ્રવેશી અને સીધી જ રીયાના કોમળ ગાલને સ્પર્શતી આગળ વધી.રોજની જેમ રીયાની નજર બારીની બહાર પસાર થતા દ્રશ્યો તરફ હતી અને કનિષ્કની નજર રીયા તરફ.ટ્રેન જાણે મુંબઈ દર્શન કરાવતી હોય એમ મુંબઈના લગભગ દરેક રૂપ રંગને નજર સામે ઊભા કરી દેતી.મુંબઈ શહેરનું દરેક અંગ અને એ અંગના વળાંકો ,એની ભવ્યતા અને એની લાચારી બધું જ આ ટ્રેન દેખાડતી. ટ્રેનના પાટાની બંને તરફ પથરાયેલી ઝુંપડપટ્ટી,ગંદા ગટરના નાળા,ઈમારતો,જાહેરાતના બોર્ડ,ગંદા નાળા પાસે રમતા બાળકો.આ બધાના સમન્વયથી મુંબઈ શહેરની ઓળખ બનતી.
ટ્રેન એક પછી એક સ્ટેશન કૂદાવતી આગળ વધતી જતી હતી તેમ ટ્રેનની અંદરની ભીડ વધતી જતી હતી.લોકોના પરસેવાની ગંધ ડબ્બાની બહારથી આવતા પવન સાથે ભળતી જતી હતી.
“રીયા....” કનિષ્કે રીયાના ખભા પર હાથ મુકીને સહેજ હચમચાવતા કહ્યું.
રીયાએ ઝબકીને કનિષ્ક સામે જોયું.
“ક્યાં ખોવાઈ ગઈ હતી તું ?”
“કયાંય નહિ...બસ આ મુંબઈના મેઘધનુષી રંગોમાં મગ્ન થઇ ગઈ હતી.”
“મારે પણ જોવા છે....મુંબઈના મેઘધનુષી રંગો....ક્યાં છે? મને તો ક્યાંય દેખાતા નથી.”
“તને નહી સમજાય કનિષ્ક ...”
“કેમ...?..મને કેમ નહિ સમજાય...?”
“જવા દે એ બધું...તું બોલ આજે તારા સેમેસ્ટરની પરીક્ષાનું છેલ્લું પેપર હતું ને..?
“હા...”
“કેવું રહ્યું..?”
“સારું રહ્યું...બસ હવે માત્ર પરિણામની અને જોબ પ્લેસમેન્ટની એ બે જ ચિંતા છે...”
રીયાએ કનિષ્કની આંખોમાં ધારીને જોયું.
“ડરપોક છે તું કનિષ્ક..ચિંતા...ચિંતા ..ચિંતા....કેટલી ચિંતાઓ સાથે લઈને જીવીશ..?..છેલ્લે તો બધી ચિંતાઓ શરીર સાથે જ સળગી જવાની...અને કનિષ્ક,તને તો ચિંતા કરવાની જાણે ટેવ પડી ગઈ હોય એવું લાગે છે...”
“રીયા,ચિંતા તો રહેવાની જ ને અને ડરવું પણ પડે જ ને...મારા પપ્પાને કોઈ કરોડોની સંપતિ નથી કે લાઈફ સેટ હોય...એક મકાન છે ચાલીમાં.એ પણ કોર્પોરેશન વાળા ક્યારે આવીને તોડી પાડશે એ ખબર નથી..આવી મોટી ચિંતાવાળી ..હાહહ.....આમ પણ તમને ફેશન ડિઝાઈનીંગના સ્ટુડેન્ટને એન્જીનીયરીંગના સ્ટુડેન્ટની જિંદગીના સંઘર્ષો ક્યારેય નહિ સમજાય...??”
“સંઘર્ષો....” આટલું બોલીને રીયા ખડખડાટ હસવા લાગી...
”કનિષ્ક ,તું આટલું સ્પષ્ટ ગુજરાતી બોલતા ક્યાંથી શીખી આવ્યો.?” રીયાએ કપાળ પર બાજેલી પરસેવાની બુંદો રૂમાલ વડે લુછતા પૂછ્યું.
“તને આમાં પણ મજાક સુઝે છે?” કનિષ્કે સહેજ અધીરાઈથી પૂછ્યું.
“સોરી..કનિષ્ક....શાંત થઇ જા...હું બધું જ સમજુ છું..તારા જીવનમાં ખરેખર ઘણા સંઘર્ષો છે..પણ કદાચ તારામાં જ તાકાત હશે એમની સામે લડવાની એટલે કુદરતે તને આ સંઘર્ષો આપ્યા હશે.”
“બહુ મોટી મોટી વાતો કરે છે આજે તો તું....એ પણ ફિલોસોફી ઉપર...જયારે હું કંઇક ફિલોસોફી વિષે બોલું એટલે બોરિંગ લાગે છે નહિ તને..?”
“કરવી જ પડે ને...”કનિષ્કનો ગાલ ખેંચીને રીયાએ કહ્યું.”આમ પણ તારી પાસે મારા જેવી બિન્દાસ દોસ્ત હોય પછી તારી જીંદગીમાં કોઈ ચિંતા કે મુસીબત હોય એ કેમ ચાલે.?”
“વાહ...રીયા...વાહ..મારા જીવનનું મહાન સત્ય કહી દીધું તે તો..”
“કનિષ્ક,તું માત્ર તારા ઉપર ભરોસો રાખ..તારું પરીક્ષાનું રીઝલ્ટ પણ સારું આવશે અને તને કેમ્પસ પ્લેસમેન્ટમાં જ સારી જોબ પણ મળી જશે...” કનિષ્કની કોણી ઊપરનો હાથ પકડીને રીયા બોલી.
“રીયા,હું પણ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે જલ્દી જોબ મળી જાય તો બે ત્રણ વર્ષ કમાઈને અમેરીકા ચાલ્યો જાઉં અને જલ્દી પાછો આવીને અહી રેસ્ટોરેન્ટ ચાલુ કરું.”
“કનિષ્ક,તારા બધા સપના સાકાર થશે..તું બસ પોતાની ઉપરનો વિશ્વાસ ન ગુમાવતો ક્યારેય...”
“હા મેડમ....” કનિષ્કે હળવેકથી રીયાના રતુમડા ગાલ ખેંચ્યા અને નાકના ટેરવાને ચપટીમાં ભરીને આમતેમ ફેરવવા લાગ્યો.રીયા કૃત્રિમ રીતે ચિડાઈ ગઈ એટલે કનિષ્કે નાકનું ટેરવું મૂકી દીધું.રીયાએ કનિષ્કના બાવડા પર ચીપટી ભરી.
જોગેશ્વરી સ્ટેશન પર ટ્રેન થોભી..ભીડનો ઢગલો ડબ્બામાંથી બહાર ઠલવાયો.
“તારીફ તેરી નીકલી હે દિલ સે ...” ખંજરી વગાડતો અને ગીત ગાતો એક બાર વર્ષનો ગરીબ છોકરો ડબ્બામાં દાખલ થયો.ટ્રેન ઝટકા સાથે ઉપડી અને થોડી જ વારમાં તીવ્ર ગતિથી પાટા પર ફરીથી દોડવા લાગી.
ગરીબ છોકરો ગીત ગાતો ગાતો કનિષ્ક પાસે આવીને ઊભો રહ્યો.કનિષ્ક સામે એક આછું સ્મિત કર્યું એટલે કનિષ્કે બાળકના અસ્તવ્યસ્ત વાળમાં હાથ ફેરવ્યો અને શર્ટના ઉપરના ખિસ્સામાંથી બે રૂપિયાનો એક સિક્કો કાઢીને આપ્યો.છોકરો સ્મિત ફરકાવતો અને ખંજરી પર જરા વધુ દમ લગાવીને હાથ ઠપઠપાવતો ડબ્બામાં આગળની તરફ ચાલવા માંડ્યો.
ડબ્બામાં ભીડ ઓછી થતી જતી હતી.ટ્રેન જયારે ગતિ પકડતી ત્યારે ડબ્બાની ખુલ્લી બારીઓમાંથી હવા એકદમ જ અંદર ધસી આવતી.કનિષ્ક જાણે ધ્યાનપૂર્વક રીયાને સાંભળી રહ્યો હતો..દરેક શબ્દ જાણે ઠંડક આપી જતો..અંદરની ચિંતાને ઓગળી નાખતી દવા જેવા શબ્દો હતા રીયાના...મધુર સ્વર ...ટ્રેનના પૈડાનું પાટા સાથે ઘર્ષણ થતું ત્યારે એક અલગ પ્રકારનો લય રચાતો અને આ સંગીતની વચ્ચે રીયા અને કનિષ્કનો સંવાદ ચાલતો રહેતો.ક્યારે એમનું સ્ટેશન આવી જતું એમનું પણ ભાન ન રહેતું.
“મંજિલ આવવાની તૈયારીમાં છે...” બોરીવલી સ્ટેશન નજીક આવતા રીયાએ પોતાની સીટ પરથી ઊભા થઈને કહ્યું.
“મન નથી થતું તને જવા દેવાનું.. ” કનિષ્કે સીટ પર બેઠા બેઠા જ કહ્યું અને રીયાનો હાથ પકડીને ફરીથી સીટ પર બેસાડી દીધી.
“કનિષ્ક,પાગલો જેવી વાત ન કર..હમણાં સ્ટેશન આવી જશે અને મને ભીડમાંથી જગ્યા કરીને ઊતરવાનો પણ સમય નહિ મળે..” રીયા આટલું બોલીને ઊભી થઇ અને કનિષ્ક સામે હાથ લંબાવ્યો.
કનિષ્કે સીટ પરથી ઊભા થઈને રીયાનો હાથ પકડ્યો અને ભીડમાંથી જગ્યા કરતો દરવાજા પાસે આવ્યો.સ્ટેશન આવતા જ ટ્રેનની ગતિ ધીમી થતી ગઈ અને ટ્રેન થોડી ક્ષણો માટે થંભી ગઈ. રીયા ઊતરીને ઝડપભેર વોકવે તરફ ચાલવા માંડી અને ટ્રેન આગળ વધી.
રીયાએ પાછળ ફરીને ડબ્બાના દરવાજા પાસે ઊભેલા કનિષ્ક સામે જોયું અને હાથના ઇશારાથી “બાય” કહ્યું અને કનિષ્કે પણ સામે ઇશારાથી “બાય” કહ્યું.
ટ્રેનમાં ભીડ ઓછી થતી જતી હતી.શહેરના રસ્તાઓ પર ભીડ વધતી જતી હતી.સાંજ ઢળવામાં હતી અને મરીન ડ્રાઈવનો સુરજ પાણીમાં ધીમી ગતિ એ ડૂબી રહ્યો હતો.
Chapter 7
ચાંદની બારના દરવાજા સામે એક ટેક્ષી આવીને થોભી.તરંગ અને કનિષ્ક ટેક્ષીમાંથી બહાર આવ્યા.તરંગે ટેક્ષીનું ભાડું ચુકવ્યું અને બંને ચાંદની બારના દરવાજા તરફ ચાલવા માંડ્યા.દરવાજા ઉપર અલગ અલગ રંગોની નિયોન લાઈટ ગોઠવી હતી અને બરોબર વચ્ચે લાલ રંગની રોશનીમાં “ચાંદની બાર” લખેલું હતું.
લાંબી મૂછો અને કદાવર શરીર ધરાવતો ચોકીદાર દરવાજા આગળ ઊભો હતો.ચોકીદારના હાથમાં બંદુક હતી.કનિષ્ક અને તરંગ જેવા એ દરવાજાની નજીક પહોચ્યા કે ચોકીદારે બારનો દરવાજો ખોલી આપ્યો.કનિષ્ક અને તરંગ બારમાં પ્રવેશ્યા.
“પેલા ટેબલ પર....તરંગ...” કનિષ્કે ખૂણામાં જે ખાલી ટેબલ હતું એની તરફ આંગળી ચીંધી.
બંને એ ટેબલ પર જઈને બેઠા.પાછળથી બારનો દરવાજો ફરીથી ખુલ્યો અને ચાર લોકો અંદર દાખલ થયા.
“આજે કેવું મહેસુસ થાય છે નહિ કનિષ્ક...?.પરીક્ષા પૂરી થયા પછી...” તરંગે મેનુ કાર્ડ હાથમાં લેતા કહ્યું.
“ઘણું રીલેક્ષ ફિલ થાય છે અને સાલું આ દારૂ પીધા પછી તો વધુ રીલેક્ષ ફિલ થશે...” કનિષ્ક હસતા હસતા બોલ્યો.
“તું શું લઈશ...? ” તરંગે મેનુ કાર્ડ કનિષ્ક તરફ સરકાવતા કહ્યું.
“મારી દર વખતની પસંદગી તો તને ખબર જ છે તરંગ...”
“શું કનિષ્ક દર વખત એક જ બ્રાન્ડનો દારૂ પીવાનો....આજે વોડકા ટ્રાય કર...મજા પડી જશે..”
“ના..મને આમ પણ દારૂ ખુબ કડવી લાગે છે....આ તો તારી કંપની છે,અંદરનું ફ્રસ્ટેશન છે અને એક્ઝામ પૂરી થઇ એની ખુશી છે એટલે સહન કરી લઉં છું અને કડવા દારૂની મજા લઇ લઉં છું...”
“કનિષ્ક,તને તો પીધા પહેલા જ ચડી ગઈ હોય એવું લાગે છે...” તરંગ ખડખડાટ હસી પડ્યો.
“ મને પીધા પછી પણ બહુ મુશ્કેલીથી ચડે છે તો પીધા પહેલા તો કેવી રીતે ચડવાની...તરંગ..?”
“સારું ચાલ તરંગ હવે બેરરને બોલવ..ઓર્ડર આપી દઈએ..તારે જે પણ દારૂ ઓર્ડર કરવો હોય એ કરી દે...મારા માટે રોયલ બ્લેક જ ઓર્ડર કરજે...”
“સારું..”
બારમાં લોકોની અવરજવર વધતી જતી હતી.બારની અંદર ઝીલમિલાતી રોશની જાણે દારૂની માદક ખુશ્બુને ઝીલતી હોય એમ ઝળહળી ઊઠી.અંદર એક ગરમાટો ફેલાયેલો હતો.હવામાં સિગારેટની બોઝલ ખુશ્બુ છવાયેલી હતી.લોકોના મગજમાં ધીરે ધીરે એક શૂન્યતા છવાતી જતી અને દારૂના દરેક ઘૂંટ સાથે માણસ જાણે અહીં પળભરની શાંતિ ખરીદીને પીતો હતો.
કનિષ્ક જ્યાં બેઠો હતા ત્યાં અંધકાર હતો અને તરંગના ચહેરા પર લાલ અને લીલી રંગની રોશનીનો આછો પ્રકાશ પથરાયેલો હતો. “તરંગ ,તું હવે ઓર્ડર આપવાની મહેરબાની કરીશ.?.આપણે હજુ પાછા હોસ્ટેલ પર સમયસર પહોચવાનું છે.”
“તું અહીથી ઘરે નહિ જાય..?”
“તરંગ કેવી વાત કરે છે તું?..અહીથી બહાર નીકળ્યા પછી મને જો કોઈ સાચવી શકે એવું હોય તો એ આપણી કોલેજની બોયઝ હોસ્ટેલ જ છે...તને તો ખબર જ છે..પછી કેમ આવું પૂછે છે?”
“ઓ.કે. આઈ એમ ડન..બોલાવ બેરરને...” મેનુ કાર્ડ બંધ કરતા તરંગે કહ્યું.
તરંગે ટેબલ પર પડેલી ડીશમાંથી ખારી સિંગના બે દાણા લઈને મોઢામાં મુક્યા.એનું ધ્યાન હજુ પણ મેનુ કાર્ડમાં જ હતું.
કનિષ્કે ઈશારો કરીને સામે ઊભેલા બેરરને ઓર્ડર લેવા માટે બોલાવ્યો.
બેરર ટેબલ પાસે આવીને ઊભો રહ્યો.
“૩૦૦ ml રોયલ બ્લેક અને ૫૦૦ ml યુનાઈટેડ કિંગ.....જરા ઝડપથી ...”
“અને બે પ્લેટ શેકેલા કાજુ પણ...” કનિષ્કે ઓર્ડરમાં ઉમેરો કરતા કહ્યું.
બેરર ઓર્ડર લઈને બારના અંધકારમાં ક્યાંક ખોવાઈ ગયો.
“તને ખબર છે કનિષ્ક,આ બારની ઉપરના માળે શું છે?” તરંગે કુતુહલવશ પૂછ્યું.
“ના..” કનિષ્કની મુગ્ધ ઊંડી આંખોએ જાણે જવાબ આપ્યો.
“ધારણા તો કર ..શું હોય શકે..?”
“ચરસ-ગાંજો મળે છે?” કનિષ્કે એકદમ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું.
“જે નશાનો વેપાર ઉપર થાય છે એની સામે ચરસ-ગાંજા તો કશું જ નથી.”
“એવું તો શું થઇ છે ત્યાં...?”
“ત્યાં શરીરનો નશો થાય છે.....”
“મતલબ...? કઈ સમજાયું નહિ..તરંગ તું આમ ફેરવી ફેરવીને વાતો ન કરીશ.જે કહેવું હોય તે સીધું જ કહે..”
“અરે બુધ્ધુ ,ઉપર વેશ્યાલય છે....ગરમ શરીરોનો વ્યાપાર થાય છે..”
કનિષ્ક એકધ્યાને તરંગને સાંભળી રહ્યો હતો.અચાનક ઝબકીને એણે તરંગને પૂછ્યું.
“પણ તરંગ આ બધી તને કેવી રીતે ખબર..?.” કનિષ્કે આંખો પરના નેણ ઉપર નીચે કરતા પૂછ્યું.
“આપણી આ સેમેસ્ટરની પરીક્ષા ચાલુ થઇ એના આગળના અઠવાડિયે જ કોલેજમાં વાત થતી હતી.”
“આપણે તો ઘણા સમયથી અહી આવીએ છીએ..આપણને તો કશી ખબર ન પડી આ વિશે...”
“એ જ તો ખૂબી છે...”
“શું ખૂબી છે?..વગર વાંકના કોઈ દિવસ આપણે ન ફસાઈ જઈએ ...” કનિષ્ક સહેજ ઉશ્કેરાઈ ગયો.
“આપણે શું કામ ફસાઈ જઈએ...?”
“ઉપર જે કાળા કામ ચાલે છે ત્યાં સુધી જવાનો રસ્તો તો ક્યાંક આ બારની અંદરથી જ હશે ને?”
“ના...એ જ ખૂબીની તો હું વાત કરું છું..ઉપર જવાનો રસ્તો એવી જગ્યાએથી છે કે પોલીસને કે કોઈ બહારના માણસને ભણકારો પણ ન લાગે.”
“તરંગ તું જે રીતે વાત કરે છે એ જોઇને તો એવું લાગે છે કે તું તો ક્યાંક ત્યાં નથી ગયો ને?..”
“શું કઈ પણ બકવાસ કરે છે તું?.મારે ક્યાંથી એવા દિવસો આવી ગયા કે મારે અહી આવવું પડે..આ વાત તો મને સંજય પાસેથી ખબર પડી..મારી હોસ્ટેલના રૂમની બરોબર સામેની રૂમમાં રહે છે એ...”
બેરર ટ્રેમાં બે ગ્લાસ અને એક બાઉલમાં બરફના ટુકડા અને બે પ્લેટમાં શેકેલા કાજુ લઈને અંધારામાંથી અચાનક જ હાજર થયો.
એણે ટેબલ પર બંને ગ્લાસ રાખ્યા અને આઈસ ક્યુબનું બાઉલ પણ બાજુમાં મૂકી દીધું.
“પણ સંજયને આ બધી કેવી રીતે ખબર ?”
“સંજયને આ બધી એટલે ખબર છે કેમ કે એ અહી ઘણી વાર આવે છે ..શરીરનો નશો કરવા..”
“શું વાત કરે છે..?” કનિષ્કની આંખો ફાટી ગઈ..
“હા હું સાચું કહું છું..અને મહેરબાની કરીને આ વાત કોઈને કરતો નહિ..પ્લીઝ કનિષ્ક..એણે માત્ર મને જ કહી છે આ વાત..”
“આમ પણ એ જોઇને જ એવો લાગે છે...” માથું સહેજ હલાવીને કનિષ્કે કહ્યું.
“હા..હવે એ બધું છોડ અને ડ્રીંક એન્જોય કર..” તરંગે ચિયર્સ કરવા માટે ગ્લાસ આગળ કરતા કહ્યું.કનિષ્કે પણ ગ્લાસ આગળ કરીને ચિયર્સ કર્યું.ગ્લાસમાં ભરેલી શરાબની સપાટી હાલક ડોલક થવા લાગી અને અંદર રહેલા બરફના ટુકડા પણ ગોળ ગોળ ફરવા લાગ્યા.મદહોશ મહેફિલની શરૂઆત થઇ ચુકી હતી.
બંને મોડી રાત સુધી વાતો કરતા રહ્યા.કનિષ્ક પણ રીયા વિષેની પોતાની લાગણી નશામાં વ્યક્ત કરતો હતો ,એવી લાગણી જે રીયા સામે ક્યારેય શબ્દોની ભાષામાં વ્યકત નહતો કરી શક્યો.બંને જાણે નશામાં હોય ત્યારે એકબીજાને વધુ ધ્યાનથી અને મન દઈને સંભાળતા હોય એવું લાગતું હતું.જેમ જેમ ગ્લાસની સપાટી નીચે આવતી જતી તેમ તેમ બંનેના મનમાં સંઘરેલી વાતોની સપાટી ઉભરાઈને બહાર આવવા માંડતી.ગ્લાસમાં રહેલી દારૂની સપાટી તળિયા સુધી પહોચી ત્યાં સુધીમાં તો બંનેના મનમાં રહેલી બધી વાતો ઉભરાઈને બહાર આવી ચુકી હતી.
થોડી વાર પછી બેરર બીલ લઈને પાછો અંધારામાંથી બહાર આવ્યો.તરંગે જીદ કરીને બીલ ચુકવ્યું અને લથડાતા પગે બંને બારની બહાર આવ્યા.
“કનિષ્ક,આ બાજુ આવ તને પેલી ઉપર જવા માટેની એન્ટ્રી બતાવું..”
“ના મારે નથી જોવી એવી કોઈ એન્ટ્રી...” થોથાવતા અવાજે કનિષ્ક બોલ્યો.
“અરે તને ઉપર જવાનું નથી કહેતો...માત્ર એન્ટ્રી જોવાની વાત કરું છું.” તરંગ ખડખડાટ હસવા લાગ્યો..નશાના લીધે થોડું વધારે હસી લીધું.
તરંગ કનિષ્કનો હાથ પકડીને ખેંચતો તેની નજીક લઇ ગયો.
“જો પેલી ખખડેલી ગાડી દેખાય છે ને એની અંદરથી એક સીડી પસાર થાય છે જે પેલા ભોયરામાં જાય છે અને ત્યાંથી સીધા ઉપરની તરફ ...” કનિષ્કે એ બાજુ નજર કરી પણ બહુ ધ્યાન ન આપ્યું.
કનિષ્કે તરંગનો હાથ પકડ્યો અને ખેંચીને એ ગલીમાંથી બહાર લઇ આવ્યો.બંને મેઈન રોડ પર આવીને ઊભા રહ્યા.
કનિષ્કે હાથ ઊંચો કરીને ટેક્ષી રોકી અને બંને ટેક્ષીની પાછળની સીટ પર ગોઠવાયા.
“VIT કોલેજ...” તરંગ બોલ્યો.
ટેક્ષી ડ્રાઈવરે પાછળ જોયું અને તરત આગળ જોઈને મીટર ચાલુ કર્યું અને ટેક્ષી હંકારી મૂકી.
કનિષ્કે ગાડીના વિન્ડો ગ્લાસ નીચેની તરફ સરકાવ્યા અને સાથે જ મુંબઈની ખુશનુમા હવા અંદર ધસી આવી.જાણે મનમાં એક ટાઢક વળી હોય એમ કનિષ્ક આંખો બંધ કરીને એ પવનને માણવા માંડ્યો.આંખો સામે ઘણી બધી તસ્વીરો આવીને એકબીજામાં ભળી જતી હતી.નાનપણની અમુક સ્મૃતિઓ ઝબકારો બનીને સામે આવી જતી.નાનપણથી અત્યાર સુધી જોયેલા સંઘર્ષ જાણે એક ફિલ્મની જેમ બંધ આંખોમાં ચાલતા રહેતા.પપ્પા સાથે ક્યારેય ન જોડાય શકેલો પિતા-પુત્રનો સંબંધ,મમ્મી સામે ક્યારેય વ્યકત ન થઇ શકેલી લાગણી ,આ બધું જ જાણે નાટક બનીને આંખો સામે ભજવાય રહેતું અને કોઈ એકાદ આંસુ બંધ પાંપણોની વચ્ચેથી જગ્યા કરીને બહાર ધસી આવતું.
તરંગે સીટ પર માથું ટેકવેલું હતું અને એની પણ બંધ આંખો વચ્ચે એક આખી દુનિયા ગોળ ગોળ ઘુમતી હતી.ક્યાંય સુધી બંને આમ ચુપચાપ બેઠા રહ્યા.ટેક્ષી તેની ગતિથી મુંબઈના રસ્તા પર દોડતી જતી હતી.
થોડી વાર પછી કનિષ્કે આંખો ખોલી અને જાણે કોઈ સપનામાંથી બહાર આવ્યો હોય એમ આમતેમ નજર કરી.પછી તરંગની સામે જોયું.
“તરંગ..” તરંગના ડાબા હાથનું બાવડું પકડીને આમતેમ હલાવીને કનિષ્ક બોલ્યો.
તરંગે સહેજ ઝબકીને આંખો ખોલી અને કનિષ્ક સામે જોયું..”શું છે કનિષ્ક..?“
“તરંગ તે ક્યારેય તારા સપનાઓ વિશે વાત નથી કરી...આજે મારે જાણવું છે...તારા સપનાઓ વિશે ...”
ટેક્ષીએ જમણી બાજુ તીવ્ર ઝડપે વળાંક લીધો એટલે બંને ડાબી તરફ નમી ગયા ને વળી પાછા સીટમાં સરખી રીતે બેસી ગયા.
“મારા સપનાઓ...” આટલું બોલીને તરંગ હસવા લાગ્યો.
“મારે સપનાઓ નથી..હા સપનું છે એક નાનકડું...પણ પૂરું કરવું હોય તો બહુ મોટું..”
આટલા નશામાં પણ કનિષ્ક ધ્યાનથી તરંગને સાંભળતો હતો.
“મારે દુનિયા જોવી છે....બસ.. ન્યુયોર્ક, ઇટલી, પેરીસ, એમ્સટરડમ, લંડન, ચીન, થાઇલેન્ડ, દુબઈ, સ્પેન, રશિયા, સિંગાપોર, ગ્રીસ, ઈજીપ્ત,ભૂતાન,ઈરાન,......” તરંગ બસ બોલતો રહ્યો.
“મારે છે ને દુનિયાના બધા જ શહેરોમાં ફરવું છે.ત્યાની નાઈટ લાઈફ જોવી છે..ઝગમગતી રોશનીવાળી ગલીઓ જોવી છે...સુમસાન રસ્તાઓ પર ચાલવું છે..ભીડ જોવી છે...ચિક્કાર ભીડ...બરફ જોવો છે...રણ જોવું છે..જંગલમાં ભટકવું છે..ખૂનખાર જંગલી જાનવરો વચ્ચે રહેવું છે...અજાણ્યા શહેરમાં મોડી રાત્રે ફૂટપાથ પર ટહેલવા નીકળવું છે...કોઈ અજાણી છોકરીને કિસ કરવી છે...”
“વન્ડરફૂલ....” કનિષ્કે બે હાથથી તાળીઓ પાડવા માંડી..”ગર્વ છે તરંગ મને તારા સપના માટે..પણ તું આ કેવી રીતે પૂરું કરીશ.... તારું આ સપનું....?”
“એનો પણ રસ્તો મેં વિચારી રાખ્યો છે...પછી કહીશ ક્યારેક.. હોસ્ટેલ આવવાની તૈયારી છે અને મને ખુબ ચક્કર આવે છે...”
આટલું કહીને તરંગે ફરીથી માથું સીટ પર પાછળની તરફ ઢાળી દીધું.
ફરીથી કનિષ્ક બારી બહાર જોવા લાગ્યો.શહેરની સ્ટ્રીટ લાઈટનો આછો પીળો પ્રકાશ રસ્તા પર પથરાયેલો હતો.ક્યાંક ક્યાંક કૂતરાનો ભસવાનો અવાજ આવતો હતો.કોઈ વાહનના બ્રેકની ચીંચયારી સંભળાઈ..ટેક્ષીએ ડાબી તરફ વળાંક લીધો એટલે બંને જમણી તરફ ઝુકી ગયા અને વળી પાછા સીટમાં સીધા ગોઠવાઈ ગયા.ટેક્ષી જે દિશામાં દોડતી હતી તેને સમાંતર રેલ્વે ટ્રેક પરથી રાતની છેલ્લી લોકલ પસાર થઇ અને ટેક્ષીથી આગળ નીકળી ગઈ.કનિષ્ક એ ટ્રેનને જતી જોઈ રહ્યો.ટ્રેન ક્યાંક અંધકારમાં ગુમ થઇ ગઈ પછી કનિષ્કે ઉપર આકાશમાં નજર કરી.એની નજર શહેરની બધી જ રોશનીને ચીરીને ઝળહળતા તારાઓ તરફ પહોંચી ગઈ અને હોઠ પર એક આછું સ્મિત આવ્યું.
Chapter 8
“ટ્રેનનો સમય તો થઇ ચુક્યો છે પણ હજુ આવી કેમ નહિ?” હાથમાં રહેલો ચાનો કપ હોઠ સુધી લાવતા તરંગે કહ્યું.
“ધીરજ રાખ...આવતી જ હશે.” જે દિશામાંથી ટ્રેન આવવાની હતી એ દિશામાં કનિષ્ક નજર કરીને બોલ્યો.
“કનિષ્ક, આપણે ત્યાં બેંચ પર બેસીએ ..હજુ તો દુર દુર સુધી ક્યાંય ટ્રેન દેખાતી નથી.” તરંગે આંગળી ચીંધતા કહ્યું.
બંને બેંચ પર જઈને બેઠા,તરંગે ખભા પરનું બેગ ઉતારીને બેંચ પર પોતાની બાજુમાં મુક્યું.
“તરંગ ,તું અમદાવાદ કેમ રોકવાનો છે?.સીધો જામનગર તારા ઘરે કેમ નથી જતો રહેતો..?” કનિષ્કે પૂછ્યું.
“મારો ભાઈ ત્યાં મેડીકલ કોલેજમાં છે ને ...વિચાર્યું એને મળીને પછી જામનગર ચાલ્યો જાઉં....કેમકે આપણું વેકેશન પૂરું થાય ત્યાં સુધી એ ઘરે આવી શકે એવું લાગતું નથી..”
“પછી વેકેશનમાં તું શું કરીશ તું જામનગરમાં ...?”
“બસ ખાવાનું પીવાનું અને મજાની લાઈફ.....સ્કુલના મિત્રો સાથે આજુબાજુના ફરવા લાયક સ્થળો પર જઈશું...ક્રિકેટ રમીશું....અને ગીટાર ક્લાસમાં પણ જોડાવાનું વિચારી રહ્યો છુ....અને તું?”
“હું એક ટેમ્પરરી જોબ શોધીશ અને આવતા સેમેસ્ટરના ખર્ચા માટેનો બંદોબસ્ત કરીશ ...”
ટ્રેનની વ્હીસલનો અવાજ કાને પડ્યો અને તરંગ ત્વરાથી બેંચ પરથી ઊભો થયો.
“ટ્રેન આવતી લાગે છે..કનિષ્ક...”
કનિષ્કે એ દિશામાં નજર કરી તો દુરથી ટ્રેન આવતી દેખાઈ.બંને પ્લેટફોર્મની નજીક આવ્યા.
“તરંગ કોચ નંબર કયો છે..?
“C-8...“
“મને લાગે છે આપણે આગળની તરફ જવું પડશે..”
તરંગે ઉપર ડીજીટલ ડિસ્પ્લે પર નજર કરી તો ખબર પડી કે એ જ્યાં ઊભો છે ત્યાં તો કોચ નંબર 12 આવવાનો હતો.
બંને ઝડપભેર જ્યાં કોચ નંબર C-8 આવવાનો હતો ત્યાં જઈને ઊભા રહ્યા.
ટ્રેનની બ્રેક લાગવાથી એક તીણી ચીસ સંભળાય.પ્લેટફોર્મ પર લોકોની ભીડ વધતી જતી હતી.મુસાફરો એમનો કોચ નંબર શોધતા આમતેમ ભાગતા હતા.
તરંગ એના કોચમાં દાખલ થયો.પાછળ કનિષ્ક પણ દાખલ થયો.સીટ નંબર શોધતા બંને સીટ પાસે પહોચ્યા.તરંગે ઉપરના લગેજ કેરીઅરમાં પોતાનો સામાન ગોઠવી દીધો.
“હેપ્પી વેકેશન .....તરંગ..” હળવું સ્મિત કરીને બંને ગળે મળ્યા.
“સેમ ટુ યુ..”
કનિષ્ક કોચમાંથી જેવો નીચે ઉતર્યો કે ટ્રેન ઝટકા સાથે આગળની દિશામાં વધી.ટ્રેનની ગતિ વધતી ગઈ અને એ અમદાવાદની દિશામાં આગળને આગળ પ્રયાણ કરતી ગઈ. કનિષ્ક ટ્રેનની વિરુધ્ધ દિશામાં આગળ વધતો જતો હતો.
* * * * * *
કનિષ્ક ઘરે પહોચ્યો ત્યારે ઘરમાં કોઈ ન હતું.કાલ રાતનો આછો નશો હજુ ઊતર્યો ન હતો એટલે આવીને જેવો એ પલંગમાં પડ્યો કે આંખો મળી ગઈ.સાંજના લગભગ પાંચેક વાગ્યા સુધી એ ઘસઘસાટ સુતો રહ્યો.
સાંજના પાંચેક વાગે આંખો ઉઘડી અને આંખો ચોળતો પથારીમાંથી ઊભો થયો.થોડી વાર હજુ પથારીમાં જ પડ્યું રહેવાનું મન થયું.ઘડિયાળ તરફ નજર કરી ત્યારે પાંચ અને દસનો સમય બતાવતો હતો.સેકંડનો કાંટો મિનિટના કાંટા પાછળ અને મિનિટનો કાંટો કલાકના કાંટા પાછળ દોડી રહ્યા હતા.છત નીચે લટકતા પંખામાંથી કિચુડ કિચુડ અવાજ આવતો હતો.કનિષ્ક વિચારી રહ્યો હતો કે તરંગ પણ હવે તો અમદાવાદ પહોચી ચુક્યો હશે.
કનિષ્કે બાજુમાં પડેલું ટીવીનું રિમોટ હાથમાં લીધું અને ટીવી ઓન કર્યું.ઘડીકભર બસ ચેનલો ફેરવતો રહ્યો અને છેલ્લે કંટાળીને ન્યુઝ ચેનલ પર પોતાની પસદંગી ઉતારી.
કનિષ્ક બેડ પરથી ઊભો થઈને રસોડામાં પાણીની બોટલ લેવા માટે ગયો અને આ બાજુ ટીવીમાં આવતી ચેનલના સમાચાર અચાનક જ બદલાય ગયા.
“અમદાવાદની સિવિલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં બોમ્બ બ્લાસ્ટ.... અમદાવાદની સિવિલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં બોમ્બ બ્લાસ્ટ....” એકના એક શબ્દોનું ચેનલ પર પુનરાવર્તન થઇ રહ્યું હતું.
કનિષ્કના કાન પર આ શબ્દો પડ્યા.પણ બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટના વિશ્વમાં ક્યાંકને ક્યાંક બનતી જ હોય છે એવું વિચારીને એણે ધ્યાન ન આપ્યું.
ટીવી પર દેખાડવામાં આવતા દ્રશ્યો કમકમાટી ઉપજાવે એવા હતા.એક તરફથી એમ્બ્યુલન્સ આવી રહી હતી તો બીજી તરફથી પોલીસવાન આવી રહી હતી.ચારે તરફ માત્ર અરાજકતા અને અવ્યવસ્થા હતી.અમુક જગ્યાએ તો જાણે લાશોનો નાનકડો ઢગલો પડ્યો હોય એવું દેખાતું હતું અને શરીરનું લાલ લોહી કાળું બનીને કપડા પર ચોંટી ગયું હતું.કોઈકના હાથ શરીરથી છુટા પડેલા હતા તો કોઈકના પગ છુટા પડી ગયા હતા.કોઈકના કણસવાના અવાજો હતા તો કયાંક આત્માને ચીરી નાખે એવી કારમી ચીસો હતી.તડપતા અને દર્દથી પીડાતા અડધા જીવવાળા શરીર હતા.બોમ્બ બ્લાસ્ટ પછી તંગદિલી વધતી જ જતી હતી.મુખ્ય બિલ્ડીંગમાંથી બહાર આવતા લોકો ગમે તે દિશામાં અંધાધુધ બનીને ભાગતા હતા.
કનિષ્ક પાણીની બોટલ લઈને પાછો રૂમમાં આવ્યો ત્યારે ન્યુઝ રિપોર્ટરના એ શબ્દો ફરી કાને પડ્યા.મનમાં એક વિચાર ઝબકારાની જેમ પ્રવેશ્યો અને એ સ્તબ્ધ બનીને ત્યાં જ ઊભો રહી ગયો.કિચુડ કિચુડ અવાજ કરતા પંખા નીચે રાખેલી ખુરશીમાં ધબ્બ દઈને બેસી ગયો અને નજર ટીવી તરફ સ્થિર થઇ ગઈ.વારાફરતી બીજી ન્યુઝ ચેનલો ફેરવવા માંડ્યો.બધી ચેનલ પર માત્ર બોમ્બ બ્લાસ્ટના જ ન્યુઝ આવતા હતા.
“હે ભગવાન.....” માથાના ઘૂંઘરાળા વાળને મુઠ્ઠીમાં પકડીને એ બોલ્યો. ”તરંગ.....”
બાજુના બેડ પર પડેલો મોબાઈલ હાથમાં લીધો અને ઝડપથી તરંગનો નંબર કનેક્ટ કર્યો.હૃદયના ધબકારા તેજ થઇ રહ્યા હતા.સામે છેડેથી ફોન સ્વીચ ઓફનો મેસેજ સંભળાતો હતો.પળભર માટે તો કઈ સમજાયું નહિ .ગભરાહટ અને અકળામણ વધતા જતા હતા.
તરંગનો ભાઈ સિવિલ હોસ્પીટલમાં જ અભ્યાસ કરતો હતો એટલે કનિષ્ક મનોમન પ્રાર્થના કરવા લાગ્યો કે તરંગ ત્યાં પહોચ્યો જ ન હોય.કનિષ્ક બેબાકળો બનીને તરંગનો ફોન કનેક્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યો હતો પણ એના બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા.
કનિષ્કે તરંગના ભાઈનો ફોન પણ કનેક્ટ કરવાની કોશિશ કરી જોઈ પણ સામે છેડેથી માત્ર રીંગ જ સંભળાતી હતી.ફોનની રીંગ સાથે એના ધબકારા પણ તીવ્ર થતા જતા હતા.
ટીવી પર એ જ ન્યૂઝ અને એ જ દ્રશ્યોનું પુનરાવર્તન ચાલુ હતું.
કનિષ્ક માથું પકડીને ખુરશી પર બેસી રહ્યો.મગજ અને મન બંને સુન્ન થઇ ચુક્યા હતા.રૂમમાં ભરેલી એકલતા બમણા વેગથી વધતી જતી હતી.અણધાર્યા વિચારો કનિષ્કના મનનો કબજો કરી રહ્યા હતા.
અચાનક કનિષ્કના ફોનની રીંગ વાગી.બીજી જ સેકન્ડે કનિષ્કે પોતાનો મોબાઈલ હાથમાં લીધો.નામ જોયા વગર જ જાણે તરંગનો ફોન આવ્યો હોય એમ ફોન રીસીવ કરી લીધો.
“કનિષ્ક..” સામે છેડેથી અવાજ આવ્યો.
“હા ..તરંગ ...”કનિષ્કે જવાબ આપ્યો.
કનિષ્ક હજુ આગળ બોલે એની પહેલા સામે છેડેથી અવાજ આવ્યો..”હું ભાવિન બોલું છું.”
“હા ભાવિન....તે ન્યુઝ જોયા...અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો છે...” કનિષ્ક બેબાકળો બનીને બોલતો હતો.
“હા કનિષ્ક,એ ન્યુઝ મેં જોયા...”
“તરંગ સાથે કોઈ વાત થઇ તારી.? એ સાલાનો ફોન પણ સ્વીચ ઓફ બતાવે છે..”
“ના,મેં એના વિશે પૂછવા માટે જ તને ફોન કર્યો હતો.”
“ભાવિન,સિવિલ હોસ્પિટલમાં તારા કોઈ સગા સબંધી હોય તો તપાસ કરાવી જોને...”’
“હા,કનિષ્ક ...હું જાણીને કંઇક ખબર મળે તો જણાવું..” આટલું કહીને ભાવિને ફોન મૂકી દીધો.
કનિષ્ક હજુય તરંગને ફોન કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો પણ એનો ફોન સ્વીચ ઓફ જ બતાવતો હતો.
થોડી વાર પછી કનિષ્કના ફોનની રીંગ વાગી એટલે તરત જ એણે ફોન ઉપાડી લીધો.
“કનિષ્ક..” સામે છેડેથી માત્ર આટલો જ અવાજ કનિષ્કને સંભળાયો અને પછી મૌન પથરાય ગયું.
“ભાવિન ..આગળ પણ કંઇક બોલ..” ધ્રુજતા સ્વરે કનિષ્કે કહ્યું.
“એક ખરાબ સમાચાર છે...”
આટલું બોલીને ભાવિન ચુપ થઇ ગયો.એના હોઠ બીડાઈ ગયા ને આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી.બંને છેડે મૌન પથરાઈ ગયું.
“કનિષ્ક....તરંગ આપણને મુકીને ચાલ્યો ગયો...બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની યાદીમાં તરંગનું પણ નામ છે....” ફરી હિંમત ભેગી કરીને ભાવિન આટલું બોલ્યો.
“શક્ય નથી....એ કોઈક બીજો તરંગ હશે...તું ફરીથી ત્યાં તપાસ કરાવી જો...”
“મેં ત્રણ વખત ફરી ફરીને તપાસ કરવી અને તરંગના ભાઈ સાથે પણ વાત થઇ...કમનસીબે યાદીમાં જે તરંગનું નામ છે એ આપણા જ તરંગનુ નામ છે..”
કનિષ્કના હાથમાંથી ફોન સરકીને નીચે ભોંયતળિયા પર પછડાયો અને ફોનના બધા ભાગ છુટા પડી ગયા.
કનિષ્કની આંખો લાલચોળ થવા માંડી અને આંખોમાં પાણી ભરાવા માંડ્યું.ઘરની દીવાલો દુર ખસવા લાગી.પગ નીચેથી જમીન ખસવા માંડી એવો અહેસાસ થતો હતો.કઈ સમજાતું ન હતું.જાણે બધું જ એક દુ:સ્વપ્ન જેવું લાગતું હતું.પણ સામે ભીંત પર લટકતી ઘડિયાળના કાંટાનો ટીક ટીક અવાજ આ દુ:સ્વપ્ન નહિ પણ એક વાસ્તવિકતા છે એવું સાબિત કરતો હતો.
કનિષ્કના મોંઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો...”તરંગ...”
આંખોના ખારા ગરમ આંસુ,મોઢાની લાળ અને નાકમાંથી નીકળતું પાણી એકબીજામાં ભળી રહ્યા હતા.
Chapter 9
ભાવિન અને પ્રથમ સાથે જે પહેલી ટ્રેન મળી એ પકડીને કનિષ્ક જામનગર જવા રવાના થયો.આખા રસ્તે એની તરંગ સાથેની યાદો નજર સામે તરી આવતી અને એની આંખો વારંવાર આંસુથી છલકાય જતી.ગળામાં ડૂમો ભરાય આવતો.આ સફરનો જાણે ક્યારેય અંત ન આવવાનો હોય એવું લાગતું હતું.જાણે કનિષ્ક તરંગ સાથેની યાદો વાગોળતો સમયના આ ચક્રમાં જ અટવાય જશે.મનમાં ઉઠતા સવાલોના કનિષ્ક પાસે કોઈ જવાબ ન હતા અને કોની પાસેથી એ સવાલોના જવાબ મળશે એ પણ ખબર ન હતી.કનિષ્કનો કુદરત સામેનો ગુસ્સો વધતો જતો હતો કેમકે કનિષ્કને જે ગમતું એ કુદરત એને આપતી અને પછી ક્રૂર મજાક કરતી હોય એમ ઝુંટવીને છીનવી લેતી.કદાચ કુદરતની એ ટેવ જ હશે કે માણસ સાથે ક્રૂર મજાક કરીને એને હંમેશા પોતાનાથી નિર્બળ સાબિત કરવો એટલે જ ક્યારેક કુદરત ન માંગેલી વ્યક્તિને જીવનમાં મોકલી આપે અને એક પડાવ પર એને છીનવી લે.
તરંગના મૃત્યુ પછી કનિષ્કના તરંગ સાથેના સંસ્મરણો જીવતા થઈને મન અને મગજ પર કાબુ કરી રહ્યા હતા.કનિષ્કને એ દિવસ હજુ પણ ખૂબ સારી રીતે યાદ હતો જ્યારે એ પહેલી વખત તરંગને મળ્યો હતો.કોલેજમાં એડમિશન લીધું પછીના પહેલા જ દિવસે એ તરંગને મળ્યો હતો.કોઈક જન્મો જન્મની દોસ્તી તરંગ સાથે હોય એવું એને એ દિવસે લાગ્યું હતું.અનાયાસે જ તરંગે કનિષ્ક સામે સ્મિત કર્યું અને કનિષ્કે પણ જવાબમાં સ્મિત કર્યું.બંનેના ચહેરા પર કોલેજમાં પ્રવેશ કર્યો એનો રોમાંચ દેખાય આવતો હતો.આખો દિવસ એક પછી એક લેકચર ચાલતા રહ્યા અને સાંજે કોલેજ છૂટી ત્યારે તરંગ રસ્તામાં મળ્યો.તરંગ મુંબઇ શહેરમાં નવો હતો એ એના ચહેરાના હાવભાવ પરથી વર્તાય આવતું.તરંગ કનિષ્ક પાસે આવ્યો.
"હાય,તરંગ..." તરંગે કનિષ્ક તરફ પોતાનો હાથ લાંબો કર્યો.
"કનિષ્ક..." કનિષ્કે તરંગ સામે હાથ લાંબો કર્યો.
"તમે મુંબઈમાં જ રહો છો..?.." તરંગે પૂછ્યું.
"હા...અને તમે?"
"જામનગર..."
"તો અહીં હોસ્ટેલમાં રહો છો.?.."
"હોસ્ટેલમાં તો હવે જગ્યા નથી.હોસ્ટેલમાં અરજી આપી છે.કોઈ જગ્યા ખાલી પડશે ત્યારે એ લોકો જણાવશે."
"તો અત્યારે કઈ જગ્યાએ રહો છો.?"
"અત્યારે પી.જી.માં રહું છું.અહીં આપણી કોલેજથી નજીક જ છે."
"કોઈ મદદની જરૂર હોય તો મિત્ર સમજીને જણાવજો.."
"ચોક્કસ."
બંનેની વચ્ચેનો સંવાદ પૂરો થયો અને કનિષ્ક ચર્ચગેટ સ્ટેશન તરફ રવાના થયો અને તરંગ એના ફ્લેટ તરફ જવા માટે નીકળ્યો.
બંનેની દોસ્તી સમય સાથે વધુ ગાઢ બનતી ગઈ.બંને એકબીજાને ક્યારે "તમે"માંથી "તું" સંબોધીને બોલાવવા માંડ્યા અને મીઠી ગાળો દઈને વાતો કરવા માંડ્યા એનો અંદાજો જ ન રહ્યો.તરંગને હોસ્ટેલમાં એડમિશન મળી ગયું પછી કનિષ્ક પણ ઘણી વાર તરંગ સાથે હોસ્ટેલ પર જ રોકાય જતો.કોલેજની ફાઇનલ એક્ઝામ વખતે બંને મોડી રાત સુધી સાથે વાંચતા અને પછી કોલેજના સુમસામ રસ્તાઓ પર ટહેલવા માટે નીકળતા.કયારેક કોલેજના રસ્તાની હેલોજન લાઈટના પીળા પ્રકાશ નીચે બેસીને અડધી રાત્રે એકદમ નક્કામી વાતો કરતા.તરંગે જ કનિષ્કને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખવાડ્યું .તરંગે કનિષ્ક સામે એક એવી દુનિયા ખોલી હતી જે કનિષ્ક એની ગરીબીના લીધે ક્યારેય જોઈ શક્યો ન હતો.બંનેએ એકબીજા સાથે એમના સપનાઓ, તકલીફ,હાસ્ય,દુઃખ ,સુખ વહેંચેલા હતા.મુંબઇ શહેરને સાથે ખૂંદયુ હતું.જીવનનના ઘણા અનુભવો જે વ્યક્તિએ કરાવ્યા હોય એ વ્યક્તિ અનુભવ કરતા વધુ મહત્વની બની જતી હોય છે.
તરંગનું બોમ્બ બ્લાસ્ટમાં પહેલેથી ચીથરેહાલ થયેલું શરીર સ્મશાનમાં સળગતું હતું.કનિષ્ક એ શરીરની સામે જોઈ રહ્યો હતો.મગજ હવે વધુ વિચારી શકે એ સ્થિતિમાં ન હતું.મગજ આખું સુન્ન થઇ ચુક્યું હતું અને દિલમાં એક ન વર્ણવી શકાય એવી દુઃખદ લાગણીએ સ્થાન લઇ લીધું હતું.કનિષ્કની આંખોમાંથી વહેતા આંસુ જાણે થીજી ચુક્યા હતા અને ચિતાના તાપમાં પણ એ થીજેલા આંસુ ઓગળવા માટે તૈયાર ન હતા.ચિતાની જ્વાળામાં તરંગ સાથે જીવેલી દરેક ક્ષણ જાણે પ્રત્યક્ષ થતી હતી.તરંગનો હસતો ચહેરો જાણે એ જ્વાળામાંથી બહાર આવવા માટે મથતો હતો પણ આવી શકતો ન હતો.તરંગ સાથે જીવેલી એક કોલેજ લાઈફ અને હવે પછી જે જીવવાની હતી એ જીંદગી જાણે બંને બહુ અલગ હતા.તરંગનું શરીર રાખ બનવાની તૈયારીમાં હતું ત્યાં સુધી કનિષ્ક રોઈ જ ન શક્યો.જયારે નજર સામે માત્ર રાખ રહી ત્યારે કનિષ્ક ભાવિનના ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.એક આક્રંદ સાથે આકાશ તરફ જોયું અને ચીસ પાડી.કદાચ એ આશાએ કે એ ચીસ તરંગ સુધી પહોચી જાય.
Chapter 10
કનિષ્ક ઝબકીને જાગી ગયો.કોઈ દુ:સ્વપ્નમાંથી બહાર આવ્યો હોય એમ હેબતાઈને બધી દિશામાં નજર કરી.હોસ્પિટલના એ કોરિડરમાં ભેંકાર સન્નાટો હતો.માત્ર ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાતો હતો અને રાતના સાડા ત્રણનો સમય બતાવતો હતો. કોરિડરમાં જલતા સફેદ બલ્બનો આછો પ્રકાશ પથરાયેલો હતો.ખુલ્લી બારીમાંથી ઠંડા પવનની લહેરખી ચુપચાપ અંદર પ્રવેશી રહી હતી.બારી પાસે પડતી ગલીમાંથી કુતરાઓના ભસવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.
કનિષ્કે આંખો ચોળતા બાજુમાં બેઠેલા રીયાના મમ્મી પપ્પા તરફ નજર કરી.રીયાના મમ્મી ,ગાયત્રીબેન ગીરીવરલાલના ખભે માથું રાખીને બેઠા હતા.આંખો બંધ હતી પણ લાગતું હતું કે એ આખી રાત સુતા જ નથી.સોજેલી આંખો અને આંખ નીચેની કરચલીઓ પાસેના કાળા કુંડાળા જાણે એમના અંતરની વ્યથા વ્યકત કરતા હતા.ગીરીવરલાલની આંખો પરના જાડા કાચના ચશ્માની બીજી બાજુએ થાકેલી અને ઉદાસ આંખો જોઈ શકાતી હતી.
કનિષ્ક બેંચ પરથી ઊભો થઈને પેલા આછા બલ્બના પ્રકાશ તરફ ચાલવા લાગ્યો.બારી પાસે આવ્યો અને ગલીના અંધકારમાં જાણે શૂન્યમાં કંઇક તાકી રહ્યો હોય એમ ઊભો રહ્યો.
બારીમાંથી સુરજના કિરણોનો પ્રકાશ અંદર ફેલાવાનું ચાલુ થયું અને જલતી લાઈટના બલ્બના પ્રકાશને હરાવવાની કોશિશમાં લાગી ગયો.કનિષ્ક ચાલતો ચાલતો આઈ.સી.યુ.ના દરવાજાની કાચની નાની બારી પાસે આવીને ઊભો રહ્યો અને અંદર નજર કરી.અંદરનું દ્રશ્ય હજુ એવું જ સન્નાટાથી ભરેલું હતું.સ્વચ્છ સફેદ રંગની ચાદર રીયાની છાતી સુધી ઓઢાડેલી હતી.રીયાની મુખાકૃતિ હજુ એવીને એવી જ હતી.કનિષ્કને પળભર તો એવું લાગ્યું કે રીયા હમણાં પથારીમાંથી ઊભી થઈને બધા સાથે વાતો કરશે.
કનિષ્કે પાછળ ફરીને જોયું તો રીયાના મમ્મી પપ્પા જાગી ગયા હતા.
“અંકલ,હું ચા લઈને આવું છું.” ગીરીવરલાલની પાસે જઈને કનિષ્કે કહ્યું.
“ના,કનિષ્ક...ચાની કોઈ જરૂર નથી.રીયાની આવી પરિસ્થિતિ જોઇને પાણી પીવાનું પણ મન નથી થતું.એની આંખો ખુલે પછી જ કંઇક ગળા નીચે ઉતરશે.”
કનિષ્કે ગીરીવરલાલના ખભા પર સાંત્વના આપતા હાથ મુક્યો.
“અંકલ,રીયાને બહુ જલ્દી સારું થઇ જશે.તમે વિશ્વાસ રાખો.બહુ જલ્દી એ હસતી કુદતી આપણી વચ્ચે હશે.”
“બેટા,માત્ર એ આશાએ જ હૃદયની વેદનાને હજુ આંખો સુધી પહોંચવા નથી દીધી.”
“અંકલ,હું સમજી શકું છું.તમે ચિંતા ન કરશો.આપણે રીયાને બહુ જલ્દી સાજી કરી દઈશું..”
“ભગવાન કરે તારા શબ્દો બહુ જલ્દી સાચા પડે.” ગીરીવરલાલ ચશ્માં ઉતારીને આંખો ચોળવા લાગ્યા.
“અંકલ,હું જાઉં છું...ચા સાથે નાસ્તો પણ લઇ આવું છું.તમે કાલે રાત્રે પણ કશું જમ્યા નથી..”
“ના બેટા,નાસ્તાની કોઈ જરૂર નથી.હજુય જરાય ભૂખ નથી.આમ પણ બપોરે અંકિત પડોશમાંથી ટીફીન લઈને આવવાનો છે..”
“બપોરનું જમવાનું બપોરે વિચારશું..અત્યારે થોડો નાસ્તો તો કરવો જ પડશે.રીયાના મિત્રનું માન તો તમારે રાખવું જ પડશે.”
આટલું કહીને કનિષ્ક કેન્ટીન તરફના રસ્તે ઝડપી પગલે ચાલવા માંડ્યો.ગીરીવરલાલ આઈ.સી.યુ.ના દરવાજાની નાનકડી બારીમાંથી અંદરનું દ્રશ્ય જોઈ રહ્યા.બાજુમાં રીયાના મમ્મી આવીને ઊભા રહ્યા.બંનેએ એકબીજાની આંખોમાં જોઇને જ સાંત્વના આપી.
થોડી જ વારમાં કનિષ્ક ચા અને નાસ્તો લઈને આઈ.સી.યુ. રૂમ પાસે પહોચ્યો.રીયાના મમ્મી-પપ્પા હજુ ત્યાં આઈ.સી.યુ. રૂમના દરવાજા પાસે જ ઊભા હતા.એમને ત્યાં ઊભેલા જોઇને કનિષ્કે ચા નાસ્તો બેંચ પર મૂકી દીધો અને એમની પાસે જઈને ઊભો રહ્યો.
આઈ.સી.યુ.ની અંદરનું વાતાવરણ ફરીથી ગંભીર બની ચુક્યું હતું.ડોક્ટરની ટીમ રીયાની બગડતી તબિયતને કાબુમાં લેવાની કોશિશ કરી રહ્યા હતા. ઇલેક્ટ્રોકાર્ડીયોગ્રામ પર દેખાતા હૃદયના ધબકારનો અનિયમિત લય જોઇને બહાર ઊભેલા સૌ કોઈના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઈ.
નર્સે હાથમાં લીધેલા ઇન્જેક્શનની પાતળી તીક્ષ્ણ અણીદાર સોય રીયાના નાજુક કોમળ હાથની એક નસમાં ખોસીને ઇન્જેક્શનની અંદરનું બધું જ પ્રવાહી નસોમાં વહેતું મૂકી દીધું અને સોય બહાર કાઢીને એ જગ્યાએ રૂનું પૂમડું દબાવી દીધું.ડોકટરે વેન્ટીલેટરનો વાલ્વ સહેજ વધુ ખોલીને ઓક્સિજનનો પ્રવાહ વધાર્યો. ઇલેક્ટ્રોકાર્ડીયોગ્રામની સ્ક્રીન પર દેખાતા હૃદયના ધબકારાની ગતિ સામાન્ય અવસ્થામાં પાછી આવતી જતી હતી.
ડોક્ટરની ટીમ જાણે સતત ભગવાન સામે લડીને રીયાનો જીવ બચાવવાની કોશિશ કરી રહી હતી.
આઈ.સી.યુ. રૂમ એક એવો રણસંગ્રામ હોય છે જ્યાં ડોકટરે દર્દીનો જીવ બચાવવા માટે બધું જ ભગવાન પર છોડીને ભગવાન સામે જ લડવાનું હોય છે.
ક્ષણભર માટે જાણે રીયાની બગડતી તબિયત સુધરતી હતી એમ લાગતું હતું.રૂમની અંદર ચાલતો સંઘર્ષ થંભી ગયો. ઇલેક્ટ્રોકાર્ડીયોગ્રામની સ્ક્રીન હવે હૃદયના ધબકારાની સામાન્ય અવસ્થા સૂચવતી હતી.
ડો.સિંઘ આઈ.સી.યુ.ની બહાર આવીને થોભી ગયા.રીયાના મમ્મી પપ્પા પાસે આવીને ઊભા રહ્યા.
“મિ.ગીરીવરલાલ ,તમે મારા કેબિનમાં આવી શકશો??..રીયાની તબિયત વિશે એક અગત્યની વાત કરવાની છે.”
રીયાના મમ્મીને બેંચ પર બેસાડીને ગીરીવરલાલ ડોક્ટરની ટીમ પાછળ ડો.સિંઘની કેબીન તરફ ચાલવા લાગ્યા.કનિષ્ક આ ઘટનાને નિહાળતો રહ્યો અને જાણે શું થયું કે એ પણ ગીરીવરલાલની પાછળ પાછળ ચાલવા માંડ્યો.
ગીરીવરલાલ ડો.સિંઘની સામેની ખુરશી પર ગોઠવાયા.
“ગીરીવરલાલ,વાત જાણે એમ છે કે રીયાનો જીવ હવે ભગવાનના હાથમાં છે..”
“એવું ન કહેશો ડોક્ટર....મને વિગતવાર જણાવો કે રીયાને શું બીમારી છે..” ગીરીવરલાલ કાકલૂદીપૂર્વક જાણે વિંનતી કરતા હતા.પળભર માટે એમને ડો.ગીરીવરલાલમાં જ ભગવાન દેખાય ગયા જે રીયાનો જીવ બચાવી શકે એમ હતા.
“અમારાથી બનતા તમામ પ્રયત્નો અમે કરી ચુક્યા છીએ..પણ...”
“તમે પૈસાની ચિંતા ન કરશો...જેટલા પણ રૂપિયા થશે હું ખર્ચવા માટે તૈયાર છું પણ તમે રીયાને બચાવી લો..” લાચારીપૂર્વક ગીરીધારલાલે બે હાથ જોડીને કહ્યું.
“સવાલ રૂપિયાનો નથી.....માત્ર રૂપિયાથી જ રીયાનો જીવ બચી શકે એમ નથી...”
“તો..?...રીયાને થયું શું છે...?...કંઇક તો ઈલાજ હશે ને ડોક્ટર એની બીમારીનો..?”
ડો.સિંઘનો જવાબ સાંભળીને ગીરીવરલાલ સ્તબ્ધ બનીને ડોક્ટર સામે જોઈ રહ્યા.કનિષ્ક કેબીનની બહાર ઊભો હતો અને એણે આ વાતચીત સાંભળી લીધી.ડો.સિંઘનો જવાબ સાંભળીને હૃદય સેકન્ડ પુરતું ધબકવાનું ભૂલી ગયું.ડોકટરના મોઢામાંથી નીકળેલા શબ્દો જાણે ઝેર બનીને કનિષ્કના રોમ રોમમાં પ્રસરવા લાગ્યા.કનિષ્કની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી અને વળી પાછી એ જ યાદો સ્મૃતિ પટલ પર ઉભરાઈ આવી.ટ્રેનના પૈડાનો ખખડ ખખડ અવાજ કાન સુધી પહોચી ગયો.
Chapter 11
મુંબઈની લોકલ ટ્રેન રોજના સમયપત્રક પ્રમાણે દોડી રહી હતી.ભીડ એ જ હતી.ચહેરાઓ પણ એ જ હતા.ચહેરાઓ માત્ર અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હતા.આજનો સુરજ પણ રોજની જેમ મરીન ડ્રાઈવની પાળે બેઠેલા પ્રેમી પંખીડાઓને જોતા જોતા જ અસ્ત થઇ રહ્યો હતો.આખું મુંબઈ એ જ ગતિએ આગળ વધી રહ્યું હતું.પણ આજનો દિવસ કનિષ્ક માટે કંઇક અલગ હતો.
સવારના દસ વાગ્યા હતા.કનિષ્કની કોલેજમાં આવેલી જોબ પ્લેસમેન્ટની ઓફીસની બાજુના વિશાળ ખંડમાં કનિષ્ક તેના મિત્રો સાથે બેઠો હતો.આખો ખંડ વિદ્યાર્થીઓથી ખીચો ખીચ ભરેલો હતો.કનિષ્કે વાદળી રંગનો શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યા હતા.ગળામાં વાદળી રંગની ટાઈ બાંધેલી હતી.કનિષ્કના પગમાં આછી ધ્રુજારી હતી.ખોળામાં રાખેલી ફાઈલમાં અત્યાર સુધીના કમાયેલા સર્ટીફીકેટ અને રીઝલ્ટ સાચવીને રાખેલા હતા.કનિષ્કે બંને હાથેથી ફાઈલ જકડીને પકડી રાખી હતી.
ખંડના મુખ્ય સ્ટેજ પરથી જોબ પ્લેસમેન્ટ માટે આવેલી કંપનીનું પ્રેઝેન્ટેશન ચાલી રહ્યું હતું.કનિષ્કને માત્ર જોબમાં રસ હતો.ગમે તે ભોગે બસ જોબ મેળવવી હતી.તેના મનમાં અત્યારે ગભરાહટ સાથે માત્ર એક જ સવાલ હતો...આજે જોબ મળશે કે નહિ..?
ઘડિયાળના કાંટાઓ એમની નિયત ગતિથી એકબીજા પાછળ દોડી રહ્યા હતા.અમુક ચહેરાઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા તો અમુક ચહેરાઓ ઉપર ડર અને ચિંતા છવાયેલી હતી.સૌનું ધ્યાન સ્ટેજ પર હતું.
પ્રેઝેન્ટેશન પૂરું થતાની સાથે જ ખંડમાં હલચલ વધી ગઈ અને કલબલાટ શરૂ થઇ ગયો.વાતાવરણમાં કોલાહલ છવાઈ ગયો.સ્ટેજ પરથી શાંતિ જાળવવા માટેની સુચનાઓ અપાઈ રહી હતી.વારંવારની સુચના પછી અચાનક જ હોલમાં અજબ શાંતિ છવાઈ ગઈ.
સુચના આપનાર વ્યક્તિના હાથમા ઇન્ટરવ્યુ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓની એક યાદી હતી.એક પછી એક નામ સ્ટેજ પરથી જાહેર થતા ગયા.કનિષ્કનું નામ જાહેર થતા જાણે અડધી ચિંતા દુર થઇ ગઈ હોય એમ એ ખુરશી પર થોડા આરામથી ગોઠવાયો.કનિષ્કના બંને મિત્રો ભાવિન અને પ્રથમના પણ એમાં નામ છે એ જાણીને કનિષ્કને વધુ આનંદ થયો.જે વિદ્યાર્થીઓના એ યાદીમાં નામ ન હતા એ નિરાશ થઈને ખંડની બહાર નીકળવા લાગ્યા.
સમય જતો ગયો એમ વળી પાછું એ ખંડનું વાતાવરણ ગંભીર બનતું ગયું.
“કનિષ્ક,તારા કપાળ પર આટલો બધો પરસેવો કેમ છે?” કનિષ્કની બાજુમાં બેઠેલા ભાવિને પૂછ્યું.
“થોડો નર્વસ છું...”
“થોડો નહિ તું પૂરે પૂરો નર્વસ લાગે છે..” કનિષ્કની બીજી બાજુ બેઠેલા પ્રથમે કહ્યું.
“કનિષ્ક,તું ચિંતા ન કરીશ.એકદમ આરામથી ઈન્ટરવ્યું આપજે....એકદમ બેફીકર થઈને..તું ખાલી એટલું વિચારજે કે આ છેલ્લી કંપની નથી...હજુ તો ઘણી કંપની આવશે..” ભાવિન સાંત્વના આપતો હોય એમ કનિષ્કના ખભે હાથ મુક્યો.
કનિષ્કના મોબાઈલની લાઈટ ચાલુ થઇ અને સ્ક્રીન પર એક મેસેજ આવ્યો.રીયાનો મેસેજ હતો.
“All The Best,Kanishk...:) ”
કનિષ્કને જાણે મેસેજથી હિંમત મળી હોય એમ ચહેરા પર એક સ્મિત ફરી વળ્યું અને મેસેજનો જવાબ પછી આપવાના વિચારથી એણે મોબાઈલ સાઈલેન્ટ મોડમાં કરીને ખિસ્સામાં મૂકી દીધો.માથું સહેજ પાછળ કરીને ખુરશી પર ટેકો રહે એમ નમાવી દીધું.
સ્ટેજ પરથી ઇન્ટરવ્યુ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓના નામ એક પછી એક જાહેર થતા ગયા એમ ઈન્ટરવ્યું રૂમ તરફ વિદ્યાર્થીઓ જતા હતા.ભાવિનનું નામ જાહેર થયું એટલે એ ખુરશીમાંથી ઊભો થયો.પ્રથમ અને કનિષ્ક પણ સાથે ઊભા થયા.ભાવિન બંને મિત્રોને ગળે મળીને ઈન્ટરવ્યું રૂમ તરફ જવા માટે આગળ વધ્યો.કનિષ્ક અને પ્રથમના હૃદયની ધડકન તેજ થતી જતી હતી.વળી પાછી સન્નાટાથી ભરેલી ક્ષણોની શરૂઆત થઇ.ઈન્ટરવ્યુંમાં શું પૂછશે અને પૂછનાર વ્યક્તિ કેવો હશે એવા ઘણાય સવાલો એક સાથે એમના મનમાં ઘુમરાતા હતા.મગજ હવે વિચારો કરી કરીને જાણે થાકી ગયું હતું.
કનિષ્ક ખુરશી પરથી ઊભો થઈને વોશરૂમ તરફ ચાલવા લાગ્યો.
વોશરૂમમાં પહોચીને એ અરીશા સામે ઊભો રહ્યો.પેન્ટના પાછળના ખિસ્સામાંથી કાંસકો કાઢીને પોતાના અસ્તવ્યસ્ત ઘુંઘરાળા વાળ સરખા કર્યા.પાણીની એક ઝાલક મોઢા પર મારી અને રૂમાલથી હળવે હળવે ચહેરાને દાબીને સુકો કર્યો.પોતાની જ આંખોના પ્રતિબિંબમાં જોયું.આંખોની કીકીમાં પળભર માટે જાણે તરંગ હતો એવો અહેસાસ થયો.કનિષ્ક થોડી વાર ત્યાં ઊભો રહ્યો અને અન્યમનસ્કપણે અરીસામાં જોઈ રહ્યો.
થોડી વાર પછી કનિષ્ક વોશરૂમમાંથી પાછો ફર્યો.હોલમાં આવીને પોતાની ખુરશી પર બેઠો.હાથમાં પહેરેલી કાંડા ઘડિયાળ બપોરના ૧૧.૩૫નો સમય દેખાડતી હતી.
સ્ટેજ પરથી ફરી અમુક નામ જાહેર થયા.
“કનિષ્ક રાવલ...”
હૃદયના વધતા ધબકારા સાથે કનિષ્ક પોતાની ફાઈલ હાથમાં લઈને ઊભો થયો.
“ઓલ ધી બેસ્ટ...કનિષ્ક..” પ્રથમે કનિષ્કના ગળે મળીને કહ્યું.
કનિષ્ક ઇન્ટરવ્યુ રૂમ તરફ ચાલીને જતો હતો ત્યાં જ રસ્તામાં ભાવિન મળ્યો.
“ઓલ ધી બેસ્ટ..” ભાવિને કનિષ્કને હાથ મળાવતા કહ્યું.
કનિષ્કે આંખોના પલકારાથી જવાબ આપ્યો અને ચહેરા પર આછું સ્મિત આવ્યું.
ભાવિન પ્રથમની બાજુમાં આવીને બેઠો.
“કેવું રહ્યું ઈન્ટરવ્યું ,ભાવિન..?” કુતુહલવશ પ્રથમે પૂછ્યું.
“ઈન્ટરવ્યું તો સારું રહ્યું પણ એકાદબે પ્રશ્નોમાં ખુબ ગુંચવાય ગયો હતો..”
ભાવિન અને પ્રથમની વાતો આગળ ચાલતી રહી.બંને વાતચીત દરમ્યાન દરવાજા તરફ પણ નજર કરી લેતા હતા.એવી જ એક નજરમાં કનિષ્ક દેખાઈ ગયો.ખુશી અને ચિંતાના મિશ્રિત ભાવ એના ચહેરા પર ઉભરાઈ આવ્યા.કનિષ્કે દુરથી જ સ્મિત કર્યું.
“કનિષ્ક,કેવું રહ્યું ઈન્ટરવ્યું..?” ભાવિન અને પ્રથમ લગભગ એક સાથે બોલી ઉઠ્યા.
“ખુબ સરસ...મારી ધારણા કરતા તો ઘણું સારું રહ્યું..”
“હું નહોતો કહેતો કે તું નાહકની ચિંતા કરતો હતો.ઇન્ટરવ્યુંમાં કશું અઘરું પૂછવાના નહોતા..”
કનિષ્ક બંનેની વચ્ચે આવીને બેસી ગયો.પ્રથમ અને ભાવિન વારાફરતી ઈન્ટરવ્યું વિશે કનિષ્કને પૂછતા રહ્યા.
“પ્રથમ કુમાર..” સ્ટેજ પરથી જાહેરાત થઇ.
પ્રથમ બંનેને ગળે મળીને ઈન્ટરવ્યું રૂમ તરફ આગળ વધ્યો.ઘડિયાળના કાંટાની ટીક ટીક એની નિયત ગતિથી ચાલુ હતી.ઘડિયાળના કાંટા ફરતા રહ્યા એમાં ક્યારેય ખબર ન પડી કે પ્રથમ ક્યારે ઈન્ટરવ્યું આપીને પાછો આવતો રહ્યો.પણ પ્રથમ ચિંતાતુર ચહેરે પાછો આવ્યો.કનિષ્કની બાજુની સીટ પર આવીને બેઠો.
“શું થયું પ્રથમ....?” કનિષ્કે પ્રથમના ખભે હાથ રાખતા પૂછ્યું.
“કેમ આટલો ચિંતિત લાગે છે..?” ભાવિને સવાલ કર્યો.
“મારું ઈન્ટરવ્યું બહુ ખરાબ રહ્યું..” બંને હાથની હથેળીઓમાં પોતાનો ચહેરો ઢાંકતા પ્રથમ બોલ્યો.
“પણ એવા તો કયા અઘરા સવાલો પૂછ્યા હતા..?”
“સવાલો અઘરા નહોતા પણ પહેલા સવાલનો જવાબ જ હું ન આપી શક્યો પછી એટલો ગભરાઈ ગયો કે આખું ઈન્ટરવ્યું બગડી ગયું.”
“પ્રથમ બહુ ચિંતા ન કરીશ...જે થશે એ સારા માટે જ થશે...”કનિષ્કે સાંત્વના આપતા કહ્યું.
“પ્રથમ,હવે ઈન્ટરવ્યુંના વિચારો કરવાનું બંધ કર...આપણે ચા નાસ્તો કરતા આવીએ.હજુ ખબર નહિ ઈન્ટરવ્યું ક્યારે પુરા થશે અને ક્યારે પરિણામ જાહેર થશે..?” ભાવિને ખુરશી પરથી ઊભા થતા કહ્યું.
“અહીથી જવાનું મન નથી થતું...એકવાર પરિણામ જાહેર થાય પછી જ આપણે બહાર જઈશું..” કનિષ્કે ભાવિનને રોકતા કહ્યું.
ત્યાં જ સ્ટેજ પરથી જાહેરાત થઇ કે ઈન્ટરવ્યુંના પરિણામ સાંજે પાચ વાગ્યાની આસપાસ જાહેર થશે.આ જાહેરાતની સાથે જ જેમના ઈન્ટરવ્યું થઇ ચુક્યા હતા એ એક પછી એક હોલની બહાર નીકળવા લાગ્યા.
“કનિષ્ક ,હવે તો આવીશને?” ભાવિને કનિષ્કની સામે જોયું.
કનિષ્ક ઊભો થઈને ભાવિન પાસે આવીને ઊભો રહ્યો.પ્રથમ પણ પોતાની જગ્યાએથી ઊભો થયો.ત્રણેય જણ હોલની બહાર નીકળી ગયા.હોલનું વાતાવરણ હજુ પણ તનાવયુક્ત અને કોલાહલથી ભરેલું હતું.
કોલેજની બહાર આવેલી ચાની કીટલી પર આવીને બેઠા.બહાર રોડ પર વાહનોની અવરજવર હતી.વાહનોના હોર્નનો અવાજ અને એન્જીનની ઘરરાટીનો અવાજ કનિષ્કના મનના કોલાહલ સાથે ભળીને જાણે શાંત થઇ જતો..ત્રણેયમાંથી કોને શું વાત કરવી એ ખબર નહોતી પડતી.ચાની ચૂસકી અને સિગારેટના ધુમાડામાં થોડો તણાવ ઓગાળવાના પ્રયત્નો ચાલુ હતા.ત્રણેય સવા પાંચ વાગે પાછા હોલમાં આવી પહોચ્યા.
કનિષ્કના મોબાઈલની સ્ક્રીન પર લાઈટ થઇ.
“any update.? ” રીયાનો મેસેજ હતો.
“રીયા ,મારે મોડું થશે.પરિણામ હજુ જાહેર નથી થયા.તું સ્ટેશન પર મારી રાહ જોજે..આપણે સાથે જઈશું..”
કનિષ્કે મેસેજનો જવાબ આપીને મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો અને સ્ટેજ પર થતી જાહેરાત પર ધ્યાન દોર્યું.કનિષ્કને જેવી ખબર પડી કે ઇન્ટરવ્યુંમાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓની યાદી એ જાહેરાત કરનાર વ્યક્તિના હાથમાં છે એવા જ એના હૃદયના ધબકારા વધી ગયા.એક પછી એક નામ જાહેર થતા ગયા.દરેક નામની સાથે હોલનું વાતાવરણ કીકીયારીઓથી ઉભરાઈ જતું.
કનિષ્કના બંને હાથની આંગળીઓ એકબીજામાં પરોવાયેલી હતી અને આંખો બંધ હતી.
અને છેલ્લું નામ જાહેર થયું.
“કનિષ્ક રાવલ....”
કનિષ્ક બંધ આંખે કોઈ સપનું જોતો હોય એવો અહેસાસ થયો.ભાવિન અને પ્રથમ તેને વળગી પડ્યા ત્યારે એને વિશ્વાસ થયો કે પોતાને જોબ મળી ગઈ છે.કનિષ્કની આંખો ખુશીના આંસુથી ભરાઈ આવી.શબ્દો ગળામાં જ ઓગળી ગયા.પળભર માટે તરંગ યાદ આવ્યો.મમ્મી પપ્પા યાદ આવ્યા અને રીયા પણ એક ઝબકારાની જેમ યાદ આવી.ઘડીભર કનિષ્કને એમ લાગ્યું કે કદાચ આ બધા પણ આ સમયે મારી સાથે અહી હાજર હોત.
ભાવિન અને પ્રથમ ઇન્ટરવ્યુંમાં ઉતીર્ણ ન થઇ શક્યા એનું ઘણું દુઃખ થયું.કઈ સમજ ન પડી કે શું પ્રતિભાવ આપવા.ભાવિન અને પ્રથમે સામે ચાલીને કનિષ્કને કહ્યું ..”કનિષ્ક,તું અમારી ચિંતા ન કરીશ...હજુ તો ઘણી કંપનીઓ આવશે અને કદાચ પ્લેસમેન્ટમાં જોબ ન પણ મળે તોય અમેરિકા તો જવાના જ છીએ...”
કનિષ્કને સમજાવીને બંને બહાર આવ્યા.કનિષ્કની રાહ જોતા બંને લોબીમાં ઊભા રહ્યા.લગભગ અડધો કલાક પછી કનિષ્ક બધી ફોર્માલીટી પૂરી કરીને બહાર આવ્યો.ત્રણેય પાછા કોલેજની બહાર આવેલી ચાની કીટલીએ આવ્યા.ખુબ મસ્તી કરીને ત્રણેય છુટા પડ્યા.કનિષ્ક ખભે બેગ લટકાવીને સ્ટેશન તરફ ચાલવા લાગ્યો.
Chapter 12
ચર્ચગેટ સ્ટેશન પર રીયા એ જ બેંચ પર બેઠી હતી જ્યાં કનિષ્કને આવતા મોડું થતું ત્યારે એ બેસીને રાહ જોતી.એ વારંવાર સીડી તરફ નજર કરતી અને વળી પાછી હાથમાં મોબાઈલને આમતેમ હાથમાં ફેરવતી અને કંઇક વિચારતી હતી.બ્લેક જીન્સ અને ઓરેન્જ ટી-શર્ટમાં આજે રીયા વધુ સોહામણી લાગતી હતી.રીયાએ આજે હેરસ્ટાઈલ પણ એકદમ અલગ રીતે વાળ ભેગા કરીને કલીપ મારીને બનાવી હતી.
ઢળતી સાંજે ચર્ચગેટ સ્ટેશન પરની ભીડ પણ વધતી જતી હતી.સાંજ થતાની સાથે જ મુંબઈ જાણે એક જ દિશા તરફ દોડવા માંડતું.
રીયાએ ફરીથી સીડી તરફ નજર કરી.કનિષ્ક હજુ પણ એ ભીડમાં ક્યાંય દેખાતો ન હતો.કનિષ્ક કદાચ હજુય વ્યસ્ત હશે એવું વિચારીને રીયાને કોલ કરવાનું પણ યોગ્ય ન લાગ્યું.રીયા ટ્રેન અને ભીડને જોયા કરતી અને કોઈક વિચારોમાં ખોવાય જતી.એણે સ્ટેશન પરની ઘડિયાળ તરફ નજર કરી.સાંજના સાડા છ વાગ્યા હતા.રીયાએ પગની આંટી મારીને અદબ વાળતા ફરી સીડી તરફ નજર કરી પણ હજુય કનિષ્કનો કોઈ પતો ન હતો.એણે વિચાર્યું હવે વધુ સમય કનિષ્કની રાહ જોવી યોગ્ય ન હતું.ઘરે પણ મોડું થશે તો બધા ચિંતા કરશે એવું વિચારીને કનિષ્કને મેસેજ કરીને જે પહેલી ટ્રેન મળે એમાં નીકળી જવાનું વિચાર્યું.ત્યાં જ એક ટ્રેન દુરથી એ પ્લેટફોર્મ તરફ આવતી દેખાઈ.રીયા બેંચ પરથી પોતાની બેગ લઈને ઊભી થઇ અને લેડીઝ કોચ તરફ જવા માટે આગળ જ વધતી હતી ત્યાં સામે કનિષ્ક દેખાયો.કનિષ્કને જોતાની સાથે જ રીયાના ચહેરા પર ઉત્સાહ આવી ગયો.અચાનક સ્ટેશનને ઢાંકતા પત્તરા નીચે લટકતી સફેદ લાઈટો ઝળહળી ઉઠી અને કનિષ્કનો ગંભીર ચહેરો સ્પષ્ટ રીતે રીયાની સામે તરી આવ્યો.
“કનિષ્ક ,શું થયું?..” રીયાએ કનિષ્કની આંખોમાં ધારીને જોયું.
“કનિષ્ક,કંઇક તો બોલ...મને ચિંતા થાય છે...” રીયાએ કનિષ્કનું કાંડું પકડી લીધું.કનિષ્કની નજર પોતાના કાંડા તરફ ગઈ અને પછી એણે રીયાની આંખોમાં જોયું.
કનિષ્ક સહેજ મલકાયો અને તરત જ બેગમાંથી જોબનો ઓફર લેટર કાઢીને રીયાના હાથમાં મૂકયો.રીયા વાંચ્યા વગર જ સમજી ગઈ અને કનિષ્ક સામે જોયું.કનિષ્કના ચહેરા પર એક બાળક જેવું સ્મિત આવ્યું અને રીયાનું મન પણ ખુશીથી છલકાઈ ગયું.
“લુચ્ચા.....નાટક કરતો હતો અને એ પણ મારી સામે...” કનિષ્કનો કાન મરોડીને રીયાએ કહ્યું.
“કાન તોડી નાખીશ શું..?” કનિષ્કે ઊંહકારા સાથે રીયાનો હાથ પકડી લીધો.રીયા કનિષ્કના ગળે વળગી પડી અને જોબ માટે અભિનંદન આપ્યા અને કહ્યું..” આજે હું બહુ બહુ બહુ બહુ જ ખુશ છું..”
“રીયા ,.....હું પણ...”
પ્લેટફોર્મ પર ટ્રેન આવી ચુકી હતી.ધક્કામુક્કી સાથે લોકો ટ્રેનમાં ઘુસવા માંડ્યા.
“રીયા..ટ્રેન..”
કનિષ્ક આટલું બોલીને રીયાનો હાથ પકડીને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં દાખલ થયો. કમ્પાર્ટમેન્ટમાં સફેદ લાઈટનો પ્રકાશ પથરાયેલો હતો.કનિષ્કે ઝડપથી બારી પાસેની જગ્યા રોકી લીધી.રીયાને બારી પાસે બેસાડીને પોતે એની બાજુમાં બેઠો. કમ્પાર્ટમેન્ટ જયારે માણસો અને એમના પરસેવાની ગંધથી સંપૂર્ણપણે ભરાય ગયો ત્યાર પછી ઝટકા સાથે ટ્રેન આગળની તરફ ઉપડી.સાંજ રાત્રિ તરફ દોડીને જતી હતી.કનિષ્ક અન્યમનસ્કપણે બારીની બહારના બદલાતા દ્રશ્યો સ્થિર નજરે જોતો હતો.કનિષ્ક મનોમન ખુબ ખુશ હતો એ વિચારીને કે હવે એના મમ્મીનો સંઘર્ષ ઓછો થશે.એના મમ્મીને હવે કારખાનાનું મજુર જેવું કામ કરવા નહિ જવું પડે.હવે એની મમ્મીનો આરામ કરવાનો સમય આવ્યો હતો આવું વિચારીને કનિષ્ક ખુશખુશાલ હતો.હજુ અમેરિકા જવાનું અને અહી મુંબઈમાં પોતાનું રેસ્ટોરેન્ટ ચાલુ કરવાનું સપનું ખુલ્લી આંખોમાં ક્યાંક કેદ હતું.અચાનક કનિષ્કને તરંગ યાદ આવ્યો અને એ વિચારવા લાગ્યો કે આજ તરંગ હોત તો કેટલો ખુશ હોત.
રીયા કનિષ્કના ચહેરા પરના બદલાતા ભાવ નિહાળી રહી હતી.
“કનિષ્ક...” રીયાએ કનિષ્કનો હાથ પકડી લીધો.
“હા...” કોઈ સપનામાંથી જાગતો હોય એમ કનિષ્કે રીયા સામે જોયું.
“શું વિચારે છે..?”
“કશું નહિ..”
“મને ખબર છે કનિષ્ક તું કોના વિશે વિચારે છે?..તરંગ વિશે વિચારે છે ને..?”
“હા..? ગમગીન ચહેરે કનિષ્કે બીજી તરફ પોતાની નજર ફેરવી લીધી.
“મારી સામે જો કનિષ્ક...” કનિષ્કના ચહેરાને હડપચીએથી પકડીને પોતાની તરફ કર્યો.
“કનિષ્ક,તરંગ અહી જ છે ક્યાંક આસપાસ.એ પણ આજે તારા જીવનની આ ક્ષણ જોઇને ખુબ જ ખુશ થતો હશે અને તને દુઃખી જોઇને એ પણ દુઃખી થઇ જશે...”
“પણ હું એની સાથે વાત નથી કરી શકતો.મારે એની સાથે કલાકો સુધી બેસીને વાતો કરવી છે.જોબ મળ્યાની ખુશીમાં પેલા બારમાં જઈને ખુબ દારૂ પીવો છે..ફરી પાછો મારા સપનાઓનો ખજાનો એની સામે ખોલવો છે...મારે આ ખુશી એની સાથે વહેચવી છે...રીયા,....હું ખુબ જ યાદ કરું છું એને...કોલેજની એ લોબીમાં ઊભા રહીને અમે અમારા સપનાઓ એકબીજા સાથે વહેચેલા છે...આ મુંબઈની સુમસામ સડકો પર ચાલતા ચાલતા એ સપનાઓ કેવી રીતે પુરા થશે એની વાતો કરી છે..અને આમ એ અચનાક મને અધૂરા રસ્તે મુકીને ચાલ્યો ગયો ક્યાંક અનંતમાં જ્યાંથી હું ધારીને પણ એને પાછો ન લાવી શકું...મારો જીવ આપીને પણ નહિ..”
કનિષ્કે બંને હથેળીમાં પોતાનો ચહેરો સમાવી લીધો.હથેળી પલળવા માંડી.રીયાએ કનિષ્કની પીઠ પર હાથ મુક્યો અને થોડી વાર ચુપ રહેવાનું જ પસંદ કર્યું.
કનિષ્કે થોડી વાર પછી પોતાને સંભાળીને સ્વસ્થ થયો.આજુબાજુ નજર કરી.ટ્રેનમાં ઊભેલા અમુક લોકો એની સામે જોતા હતા.કનિષ્કે રીયા સામે જોયું.રીયાએ આંખોના પલકારાથી જ કનિષ્કને સાંત્વના આપી.કનિષ્કે પણ બધું સમજતો હોય એમ હકારમાં માથું ધુણાવ્યું.
ટ્રેન બોરીવલી સ્ટેશન પર પહોંચવાની તૈયારીમાં હતી. કમ્પાર્ટમેન્ટની ભીડ ઓછી થતી જતી હતી.ટ્રેનના પૈડાનો પાટા સાથે થતો ઘર્ષણનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો.ઊંચી ગગનચુંબી ઈમારતોની લાઈટ ઝળહળતી હતી.જાહેરાતના હોર્ડિંગ અલગ અલગ રંગોની લાઈટથી પ્રકાશિત થઇ ચુક્યા હતા અને આકાશમાં તારાઓની ખુબ જ ઝાંખી રોશની પથરાવવાની ચાલુ થઇ ચુકી હતી પણ છતાંય તારાની વચ્ચે અંધકાર બાકી રહી ગયો હતો.તારાના પ્રકાશતરંગો હજુ પણ એ અંધકારને દુર કરવા માટે સક્ષમ ન હતા.
Chapter 13
આજે ચર્ચગેટ સ્ટેશન કંઇક અલગ અલગ લાગતું હતું.કનિષ્ક જાણે આ સ્ટેશનને પહેલી વખત જોતો હોય એમ સ્ટેશનની અંદર દાખલ થયો.પ્લેટફોર્મ નંબર ૩ પર જતી વખતે એ જ ભીડ મળી જે રોજ મળતી હતી પણ આજે એ ભીડ જાણે સામે ધસીને એને જકડી લેવા આવતી હોય એવો આભાસ થતો હતો.ભીડનો દરેક ચહેરો જાણે કનિષ્કને નીરખીને જોઈ રહ્યો હતો.કનિષ્કના પગ ધ્રુજી રહ્યા હતા અને તેજ ગતિએ ધબકતું હૃદય ફફડતું હતું.આંખોમાં ભીનાશ અને હોઠ પર શુષ્કતા હતી.સ્ટેશન પર થતી જાહેરાત પ્રત્યે કાન જાણે બહેરા થઇ ગયા હતા.કોલેજના છેલ્લા દિવસે કદાચ બધાને આવી જ બેચેની અને મનની શૂન્યાવસ્થાનો અનુભવ થતો હશે.
રીયા જ્યાં બેઠી હતી એ બેંચ પાસે આવીને કનિષ્ક ઊભો રહ્યો.રીયાએ મોઢું ઊંચું કરીને કનિષ્ક સામે નજર કરી.રીયાની આંખોમાં પણ આજે આછી ભીનાશ હતી પણ પોતાની અંદરની મનોસ્થિતિ કનિષ્ક સામે વ્યકત ન થઇ જાય એની કુત્રિમ કાળજી લઇ રહી હતી.
“આવી ગયો કનિષ્ક...?..યાર..બહુ રાહ જોવડાવી તે તો આજ...” દરેક શબ્દમાં કૃત્રિમ રોષ ભરેલો હતો.
“તને તો ખબર છે રીયા..આજે કોલેજનો છેલ્લો દિવસ હતો અને ક્યારે બધા મિત્રોને મળતા મળતા છુટા થવાનો સમય આવી ગયો એની ખબર જ ન રહી.”
“અને છેક છેલ્લે તને યાદ આવ્યું હશે કે હજુ રીયાને પણ મળવાનું બાકી છે...નહિ?”
“યાદ જ હતું કે આજે તને મળવાનું છે અને આજે તો વિશ્વાસ પણ હતો કે આજે છેક છેલ્લી લોકલમાં ભલેને ઘરે જવું પડે તો પણ તું આ બેંચ પર બેસીને મારી રાહ જોવાની હતી..”
કનિષ્ક આટલું બોલીને હસવા માંડ્યો.
“ના એવા ભ્રમમાં રહ્યો હોત તો તારે આજે એકલા જ ઘરે જવું પડ્યું હોત કેમ કે હું તો તને મુકીને જવાની જ હતી ત્યાં તું આવી ગયો.”
“એમ...?
“હા...જતી જ રહેત...બહુ રાહ જોવડાવી છે તે આ સ્ટેશન પર મને....”
“પણ આ વખતે તો આપણે કાલે મળી પણ નહિ શકીએ..એ તો ખબર છે ને..?”
“હા બહુ સારી રીતે ખબર છે..”
“આ કેવા પ્રકારની દોસ્તી નિભાવે છે તું ,રીયા..?”
“મજાક કરું છું,કનિષ્ક.આજે તો આખી રાત પણ આ સ્ટેશન પર બેસવું પડત તો બેસત પણ તારી સાથે જ લોકલમાં ઘરે જાત....”
હળવી ગતિએ ટ્રેન પ્લેટફોર્મ તરફ સરકી રહી હતી.લોકોની ચહેલ પહેલ વધતી જતી હતી.રીયા બેંચ પરથી ઊભી થઇ અને ખભે લગાવેલા બેગના સ્ટ્રેપસ સરખા કર્યા.કનિષ્ક હજુ પણ બેંચ પર જ બેઠેલો હતો.
“કનિષ્ક,ટ્રેન આવી ગઈ..”
“આજે ક્યાંય નથી જવું.આજે તું અહી જ બેસ મારી પાસે..” કનિષ્કે રીયાનો હાથ પકડીને બેંચ પર બેસાડી દીધી.
“કશું નહી..આજે ઘરે જવાનું મન નથી થતું.અહી જ તારી પાસે બેસી રહેવાનું મન થાય છે..”
રીયા કોઈ જ પ્રતિક્રિયા વગર બેંચ પર કનિષ્કની બાજુમાં આવીને બેસી ગઈ.
“સારું તને જયારે ઘરે જવાનું મન થાય ત્યારે કહેજે.”
થોડા સમય પુરતું બંને વચ્ચે મૌન પથરાયેલું રહ્યું.આટલી ભીડમાં પણ જાણે ચારેય બાજુ સન્નાટો પથરાયેલો હતો.બંને અદબ વાળીને બેઠા હતા અને એકબીજાના મન સાથે વાતો કરી રહ્યા હતા.
બંને ઘણા સમય સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા અને સ્ટેશન પરની ભીડને નીરખતા રહ્યા.એ દરમ્યાન સ્ટેશન પર એક પછી એક ટ્રેન આવતી અને ભીડને લઈને પાછી ચાલી જતી.
સ્ટેશન પર ભીડ ઘણી ઓછી થઇ ચુકી હતી અને એક ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી.
“રીયા,જઈશું...?” કનિષ્ક બેંચ પરથી ઊભો થયો.
રીયા પણ બેંચ પરથી ઊભી થઇ અને કનિષ્ક સાથે ડબ્બા તરફ ચાલવા માંડી.બંનેએ ડબ્બાની અંદર પ્રવેશ કર્યો.બંને જ્યાં વિન્ડો સીટ ખાલી હતી ત્યાં જઈને બેઠા.રીયા વિન્ડો સીટ પાસે બેઠી.ધીરે ધીરે આખા ડબ્બાની બધી જ સીટ ભરાય ગઈ અને ઝટકા સાથે ટ્રેન પ્લેટફોર્મ છોડીને કનિષ્ક અને રીયાના ઘર તરફની દિશામાં દોડવા માંડી.
ટ્રેનની ગતિ જેમ વધતી જતી હતી તેમ તેમ બારીમાંથી પ્રવેશતા પવનની ગતિ પણ વધતી જતી હતી.રીયાની નજર બારી બહારના બદલાતા દ્રશ્યો પર હતી.કનિષ્કે જયારે રીયા તરફ દ્રષ્ટિ કરી ત્યારે લાગ્યું કે પાછલા વર્ષોમાં કશું જ બદલાયું નથી.રીયા પણ એની એ જ છે અને બારી બહારના દ્રશ્યો પણ એના એ જ છે.આજે પણ રીયા એવી જ દેખાતી હતી જયારે એને પહેલી વખત જોઈ ત્યારે દેખાતી હતી.એ જ ગુલાબી ગાલ અને રતુમડા હોઠ.વાળમાં લગાવેલી બાર્બીડોલની પીન પણ એ જ.આંખો પણ તાજા જન્મેલા સસલાના બચ્ચાને હોય એવી નાજુક અને માસુમ.અને તેનું આં અણીયારું નાક જેની પર ગુસ્સો આવીને બેસતો ત્યારે એકદમ લાલ થઇ જતું.
બંનેમાંથી કોઈને પણ આજ કશું બોલવાનું મન નહોતું થતું.એ રીયા જેનું મોઢું ક્યારેય બંધ નહોતું રહેતું એ આજે એકદમ શાંત હતી.રોજની જેમ આજે પણ રીયાએ પોતાનો હાથ કનિષ્કના હાથમાં આપી દીધો.કનિષ્ક પણ કશું બોલ્યા વગર રીયાના હાથની નાજુક આંગળીઓ સહેલાવતો હતો.
“રીયા...” ગળામાં કંઇક અટવાઈ ગયું હોય એમ હળવા સાદે કનિષ્ક બોલ્યો.
“હા..”
“રીયા,મારે તને આજે એક મહત્વની વાત કહેવી છે..”
કનિષ્કના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ.
“તારે મને કંઇક કહેવા માટે અગાઉથી મારી પરમિશન લેવાની ક્યારથી જરૂર પડવા લાગી.?”
રીયાએ આંખો પરની ભમર ઉપર-નીચે કરતા કહ્યું.
“વાત એમ છે કે કદાચ તને કહું અને તને ખોટું લાગી જાય તો..?..એટલે..”
“મેં વળી તારી વાતનું ખોટું લગાડવાનું ક્યારથી શરૂ કર્યું.કનિષ્ક?”
કનિષ્ક પળભર માટે સ્તબ્ધ બનીને રીયા સામે જોઈ રહ્યો.
“રીયા,આઈ લવ યુ....”
“આઈ લવ યુ..ટુ....માય લવ...”રીયા એ હસીને ખુશમિજાજમાં કહ્યું.કનિષ્કનો ચહેરો ગંભીર થયો.
“રીયા....આઈ એમ સીરીયસ...”
“કનિષ્ક,પ્લીઝ..આજે તું મજાક ન કરીશ...”
“રીયા,આઈ એમ સીરીયસ..મારે તારી સાથે બાકીની જિંદગી પસાર કરવી છે..”
રીયાની આંગળીઓ કનિષ્કનાં હાથમાં થીજી ગઈ હોય એવો કનિષ્કને આભાસ થયો.રીયા સ્થિર નજરે કનિષ્કની સામે જોઈ રહી.
“કનિષ્ક,આઈ એમ સોરી...”
“રીયા,તું આ વાતનું કઈ ખોટું નહિ લગાડતી.છેલ્લા એક વર્ષથી તને આ વાત કહેવાનું વિચારતો હતો પણ ક્યારેય હિંમત જ ન થઇ..” રીયાને ગંભીર થતી જોઇને કનિષ્કે જાણે પોતાનો કોઈક વાતમાં બચાવ કરતો હોય એમ કહ્યું.
રીયા વ્યથિત બની ગઈ.બેચેની અનુભવવા લાગી.બારી બહાર સ્થિર નજરે જોઈ રહી.પછી કનિષ્ક તરફ ચહેરો ફેરવીને આંસુ ભરેલી આંખે માત્ર “કનિષ્ક..”એટલું જ બોલી શકી.બીજા શબ્દો જાણે ગળામાં અટવાઈ પડ્યા અને બહુ હિંમત ભેગી કરીને આગળ બોલવાનું ચાલુ કર્યું.
“કનિષ્ક,આઈ એમ રીયલી સોરી...મેં એ વિશે ક્યારેય કશું વિચાર્યું જ નથી..તું મારો સૌથી સારો દોસ્ત છે કનિષ્ક...”
“પણ હવે તું એ વિશે વિચારી શકે ને...મારે તારી સાથે જ બાકીની જિંદગી પસાર કરવી છે..”
“કનિષ્ક,એ શક્ય નથી....તને કેમ કરીને સમજાવું...?? આપણું કલ્ચર,આપણી જાતિ,આપણા પરિવારની સ્થિતિ બધું જ ઘણું અલગ છે..?”
“રીયા....”
“અને કનિષ્ક,હું કમિટેડ છું,શમન સાથે...” આટલું બોલીને રીયા અટકી.કનિષ્ક સ્તબ્ધ બનીને રીયા સામે જોઈ રહ્યો.
રીયાએ આગળ બોલવાનું ચાલુ કર્યું.કનિષ્ક સ્થિર શૂન્ય નજરે રીયા સામે જોઈ રહ્યો.
“શમન અમારા ફેમીલી ફ્રેન્ડસમાંથી છે...આઈ.આઈ.ટી.મુંબઈમાં મિકેનીકલ એન્જિનિરીંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે..છ મહિના પહેલા એક સબંધીને ત્યાં એક પ્રસંગમાં મળવાનું થયું હતું..પછી ક્યારે...”
રીયા એકશ્વાસે આટલું બોલીને અટકી ગઈ.
કનિષ્ક રીયાની સામે જ પલક ઝપકાવ્યા વગર જોઈ રહ્યો.જાણે એ જે ટ્રેનમાં જઈ રહ્યા હતા એ ટ્રેનનો અકસ્માત થયો હોય અને આખી ટ્રેનના ફૂરચેફૂરચા ઊડી ગયા હોય એવો આભાસ થયો.કનિષ્કને કઈ સમજાતું નહોતું કે આ શું થઇ રહ્યું હતું એની સાથે..? બધું જ એક ખરાબ ,દુષ્ટ સપના જેવું લાગતું હતું.
“કનિષ્ક,હું તને આ વાત કહેવાની જ હતી પણ ખબર નહિ કોઈ દિવસ કહી ન શકી અને વિચાર્યું કે એક દિવસ તને બધું કહીશ...” રીયાએ સ્વસ્થ થતા કહ્યું.
અચાનક સ્ક્રીન પર બોરીવલી સ્ટેશનનું નામ આવ્યું.ટ્રેનની ગતિ ધીમી થતી જતી હતી.કનિષ્કને કશું સમજાતું નહોતું કે શું બોલવું..?
ટ્રેન થંભી ગઈ.રીયા જગ્યા પરથી ઊભી થઈને ડબ્બામાંથી નીચે ઊતરવા માટે આગળ વધી.દરવાજા પાસે જઈને પાછા ફરીને જોયું તો કનિષ્ક હજુ એની સીટ પર જ બેઠો હતો અને બારી બહાર કંઇક તાકી રહ્યો હતો.રીયાને સમજાતું નહોતું કે કનિષ્ક સામે કેવી રીતે વર્તવું.એના શબ્દો પણ ગળામાં જ અટવાયેલા હતા.ટ્રેન ધીમી ગતિએ આગળ વધવા માંડી એટલે રીયાને કઈ સમજાયું નહિ કે શું કરવું એટલે ઝડપથી ટ્રેનમાંથી નીચે ઊતરી ગઈ.કનિષ્ક હજુ એની સીટ પર જ બેઠો હતો.ટ્રેન ઝડપથી આગળ વધી.રીયા બારી બહારના બદલાતા દ્રશ્યોમાં ક્યાંક ભળી ગઈ.કનિષ્કની મનોસ્થિતિ સમજી શકાય એવી હતી પણ સહન કરી શકાય એમ નહોતી.કદાચ આ ટ્રેન વધુને વધુ ગતિથી આગળ વધતી જ ગઈ હોત અને પ્રકાશની ઝડપે બ્રહ્માંડમાં ક્યાંક ખોવાઈ ગઈ હોત જ્યાં બધું જ બળીને રાખ થઇ જાય.બધું જ,કનિષ્કના દુઃખ દર્દ,સપનાઓ,રીયા પ્રત્યેનો પ્રેમ....
Chapter 14
આજે કનિષ્ક જમ્યા વગર જ અગાશી પર એના બેડ પર જઈને સુતો.મિત્રો સાથે કોલેજ કાળમાં જીવેલી યાદગાર ક્ષણો નજર સામે આવી જતી પણ સાથે આજે જે બન્યું એ એણે સપનામાં પણ નહોતું વિચાર્યું.એને મન તો એવું જ હતું કે રીયાને પણ પોતાના માટે એવી જ લાગણી છે જેવી એને રીયા પ્રત્યે છે.પણ રીયાને કોઈ બીજા છોકરા સાથે પણ પ્રેમ થઈ શકે એ કનિષ્કની કલ્પના બહારની વાત હતી.હજુય આ બધું સમય અને સ્થાનના કોઈ બીજા પરિમાણમાં બનતું હોય એવું એને લાગતું હતું પણ આ હકીકત હતી.અડધી રાત સુધી કનિષ્ક ચુપચાપ રોતો રહ્યો.આંખોમાંથી અવિરત આંસુ વહેતા રહ્યા અને ઓશીકું પણ ઉપરથી પુરે પૂરું ભીંજાય ગયું.
કનિષ્કને કશી જ ખબર નહોતી પડતી કે હવે શું કરવું ? હવે શું થશે?.જિંદગીમાં બધું જ નક્કામુ લાગવા માંડ્યું હતું.આખું ભવિષ્ય જ એક મૃગજળ જેવું લાગતું હતું.એ કોના માટે જીવશે એવું વિચારતો અને જવાબમાં એની આંખો વધુ આંસુ વહાવતી. તરંગ અડધે રસ્તે મૂકીને ક્યાંક અદ્રશ્ય થઈ ગયો.રીયા,એનો પહેલો પ્રેમ,એની હિંમત, એનું સર્વશ્વ એ પણ એક ઝાટકામાં આવી રીતે અલગ થઈ જશે એવું તો કોઈ દિવસ એણે સપનામાં પણ નહોતું વિચાર્યું.પોતાને એ આજે એકદમ નિઃસહાય અને એકલો અટૂલો અનુભવ કરતો હતો.ચારે તરફ અંધારા સિવાય કંઈ જ નજર નહોતું પડતું.
આંખો લૂછીને એ બેડ પરથી બેઠો થયો.પગમાં ચપ્પલ પહેરવાનું પણ એ ભૂલી ગયો અને સીધો ઘરની બહાર નીકળ્યો.બહાર ચાલીના અંધારાને ચિરતો એ મુખ્ય રસ્તા પર આવ્યો.મુખ્ય રસ્તા પર એ જમણી તરફ આગળ વધ્યો.રસ્તો સુમશાન હતો.ફૂટપાથ પરની પીળી લાઈટનો પ્રકાશ પથરાયેલો હતો.દૂરથી કુતરાના ભસવાનો અવાજ આવી રહ્યો હતો.ચાલતા ચાલતા એ ચાર રસ્તા પર આવીને ઊભો રહ્યો.ચારેય તરફ માત્ર સન્નાટો હતો.આગળ વધીને ફૂટપાથ પર આવેલી એક બેંચની બાજુમાં ફૂટપાથ પર જ બેસી ગયો.જ્યારે પણ એ કંટાળી જતો ત્યારે અડધી રાતે એ આ બેન્ચ પર આવીને જ કલાકો સુધી બેસતો અને એની અંદરના ઘોંઘાટને એ રસ્તા પરના સન્નાટાથી શાંત કરી દેતો.પણ આજે એને ફૂટપાથ પર જ બેસવાનું યોગ્ય લાગ્યું.ક્યારેક ક્યારેક રસ્તા પરથી કોઈ વાહન પસાર થતું ત્યારે સન્નાટો ડોહળાઇ જતો.અહીં મુંબઈમાં શાંતિ તો બહુ દૂરની વાત હતી.સન્નાટો પણ મળી જાય એ મુંબઇવાસીઓ માટે ઘણું હતું.
કનિષ્કે આકાશ તરફ નજર કરી.આકાશના તારાઓ તો મુંબઈની સ્ટ્રીટ લાઈટના પ્રકાશ પાછળ ધૂંધળા દેખાતા હતા.જાણે કનિષ્ક તરંગને ક્યાંક શોધતો હતો.ક્યાંક એ મળી જાત તો એને કહી દેત કે પોતે અહીં કેટલો કંટાળી ચુક્યો છે.એ કહેત કે મને પણ ત્યાં બોલાવી લે અહીં હવે જીવવા માટે કશું જ રહ્યું નથી.ચારેય તરફ માત્ર ઘોર નિરાશા અને દુઃખ સિવાય કઈ જ નથી.ફરી એની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા.સ્ટ્રીટ લાઈટના પીળા પ્રકાશમાં એના આંસુ ઝળહળતા હતા.
અદબ વાળીને ગોઠણ સામે માથું ટેકવીને એ ક્યાંય સુધી રોતો રહ્યો.એના હિબકાનો અવાજ ચાર રસ્તા પરથી ચારેય તરફ જઈને ક્યાંક અંધકારમાં ગુમ થઈ જતો હતો.નાકમાંથી નીકળતું પાણી એના હોઠ પર થઈને છેક ગળા સુધી પહોંચી ગયું હતું.સામેના ફૂટપાથ પર એક ગાંડો બેઠો હતો.અહીં આ ફૂટપાથ પર જ રહેતો હતો એના પરિવાર સાથે.પણ એક દિવસ એની પત્ની એના છ વર્ષના બાળકને લઈને આ ચાર રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે એક કાર અકસ્માતમાં બંને મૃત્યુ પામ્યા હતા એ દિવસે એ અહીં છાતી કુટી કુટીને રોયો હતો પણ ના તો એની પત્ની પાછી આવી કે ના એનું બાળક.તે દિવસ પછી એ ગાંડો બની ગયો અને આ ફૂટપાથ પર જ બેસી રહેતો.
એને જોઈને એવું લાગતું કે એ મહિનાઓથી નાહ્યો નહીં હોય.એના લાંબા વાળ ખૂબ જ ગંદા લાગતા અને એમાં ઘણો ઝીણો કચરો ચોંટેલો હતો.દાઢી છેક એની છાતી સુધી પહોંચી ગઈ હતી અને એ દાઢી એના નાકમાંથી નીકળતા પાણીને લીધે ભીની થઇ ચુકી હતી.એ ગાંડો કનિષ્કને નીરખી નીરખીને જોઈ રહ્યો હતો અને કનિષ્કને આવી રીતે રડતો જોઈને એ ખૂબ જોરજોરથી હસવા માંડ્યો. એના હસવાનો અવાજ કનિષ્કના રડવાના અવાજ કરતા વધુ તીવ્ર હતો.કનિષ્કનું ધ્યાન એની તરફ ગયું.ઘડીક તો એ સ્તબ્ધ થઈ ગયો.પણ પછી એને ખબર પડી કે આ તો એ જ ગાંડો છે.કનિષ્કે એની સામે જોયું એટલે એણે હસવાનું બંધ કરી દીધું અને વળી પાછો એ કનિષ્કને નીરખી નીરખીને જોવા લાગ્યો.કનિષ્કને કંઈ સમજાતું નહોતું. એ ઊભો થઈને એના ઘરની દિશામાં ચાલવા લાગ્યો.હજુય એ ગાંડાનું અટ્ટહાસ્ય એના કાનમાં ગુંજતું હતું.જાણે કુદરત એની લાચારી પર હસતી હોય એવું લાગ્યું.અચાનક તરંગની વાતો યાદ આવી.એના સપનાઓ યાદ આવ્યાં.એને હજુ સાકાર સ્વરૂપ આપવાનું છે એવું તરંગને આપેલું વચન યાદ આવ્યું.ક્યાંથી આટલી તાકાત એનામાં આવી એ ખબર ન પડી પણ એ મનોમન પોતાની જાતને કહેવા માંડ્યો કે હું મારા સપનાઓ માટે જીવીશ.તરંગને જે સપનું સાકાર કરવા માટેનું વચન આપ્યું હતું એ પૂરું કરીશ.છાતી ફાડીને મારી રીયાને પ્રેમ કરીશ.એને કદર હોય કે ન હોય પણ હું તો આખી જિંદગી એને જ પ્રેમ કરીશ.એ પ્રેમ ખાતર જીવીશ અને જેટલી વાર નિષ્ફળ જઈશ એટલી વખત ફરી પાછો પ્રેમ કરીશ.એને ખબર પણ નહીં પડે એમ એને જ ચાહીશ.અને મારા બધા જ સપનાઓ પુરા કરીને પછી જ તરંગને મળીશ. કેમ કે મને ખબર છે કે આમ કાયરની જેમ હું તરંગ પાસે જઈશ તો એ મારી સામે પણ નહીં જુએ.
ફૂથપાથ પર બેઠેલો ગાંડો કનિષ્કને જતા જોઈ રહ્યો હતો.દાઢી ખંજવાળતો એ પોતાની જગ્યા ઉપર ગયો અને ધાબળો ઓઢીને સુઈ ગયો.ધાબળા નીચે પોતાના પત્ની અને બાળકનો યાદ કરતો એ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો.
Chapter 15
ચાંદની બારના દરવાજાની બાજુમાં ઊભેલા ચોકીદારે બારનો દરવાજો ઉઘાડ્યો.કનિષ્ક હાથમાં લેપટોપ બેગ સાથે દાખલ થયો.સહેજ આગળ ચાલીને ઊભો રહ્યો.આમતેમ નજર કરી.ખૂણામાં એક ટેબલ ખાલી હતું ત્યાં નજર ગઈ.એ ટેબલ પર આછી રોશની પથરાયેલી હતી.બારમાં સજાવેલા ટેબલ વચ્ચેથી જગ્યા કરતો એ ટેબલ પાસે પહોચ્યો.ખભા પરથી લેપટોપ બેગ ઉતારીને ખાલી ખુરશીમાં મૂકી દીધું.ગળામાં ભરાવેલી ટાઈ ગુસ્સા સાથે ઢીલી કરી.બારમાં હજુ માંડ પચીસેક લોકો હતા.અડધા ઉપરનો બાર હજુ ખાલી હતો.
કનિષ્ક ખુરશીમાં બેઠો.ટેબલ પર રાખેલું મેનુ કાર્ડ હાથમાં લીધું અને કયો દારૂ પીવો એની અસમંજસમાં પડી ગયો.કદાચ તરંગ સાથે હોત તો દારૂની પસંદગીમાં આટલો સમય ન લાગ્યો હોત.
“સર..?” બેરર કનિષ્કના ટેબલ પાસે આવીને ઊભો રહ્યો.
“કિંગ સ્કોત્ચ....૨૫૦ મિલી..વન પ્લેટ સલાડ ,વન પ્લેટ રોસ્ટેડ નટ્સ...” કનિષ્ક ઓર્ડર આપતી વખતે પણ જાણે હજુય કોઈક મૂંજવણમાં હતો.
બેરર ઓર્ડર લઈને ચાલ્યો ગયો.કનિષ્કે ગળામાંથી ટાઈ કાઢીને બેગની અંદર મૂકી,
ઓર્ડરની રાહ જોતો કનિષ્ક બારમાં આમતેમ જોતો હતો.લોકો બારમાં આવવા માંડ્યા હતા.ભીડ વધતી જતી હતી.ઓફીસના કામનું ટેન્શન,બોસનો ગુસ્સો,ગાળો,સહકર્મચારીઓની ઈર્ષા ,ટોણા એ બધું જ અંદર ધરબાઈને મનના તળિયે બેસી ગયું હતું અને દારૂ આજે એ બધું જ બહાર કાઢવામાં મદદ કરવાનું હતું.
બેરર એક ટ્રેમાં કનિષ્કના ટેબલનો ઓર્ડર લઈને આવ્યો.
“થેંકયુ..” કનિષ્કે હળવા સ્મિત સાથે કહ્યું.
બેરરે પણ જવાબમાં એક સ્મિત આપ્યુ.
કનિષ્કે ચીપિયાથી આઈસ ક્યુબના બે ટુકડા સ્કોત્ચના ગ્લાસમાં નાખ્યા.મિનરલ બોટલમાંથી પાણી લઈને ગ્લાસમાં રેડ્યું.બારમાં વાગતા મંદ સંગીત સાથે સ્કોત્ચનો પેલો ઘૂંટ લસરકા સાથે ગળા નીચે ઉતર્યો.પછી તો કનિષ્ક બેરરને હાથથી પેગ લઇ આવવા માટે ઈશારા કરતો રહ્યો અને બેરર એક પછી એક ગ્લાસ ટેબલ પર મુકતો ગયો.કનિષ્ક પીતો ગયો અને આંખો લાલ થતી ગઈ.શરીરમાં આછી કંપન ચાલુ થઇ.એક આયામ પર અચાનક જ અડધો ગ્લાસ દારૂ મૂકી દીધો અને હાથ ઉંચો કરીને બેરરને બોલાવ્યો.
“બીલ...”
“બસ દો મિનીટ મેં આયા..” બેરર ટેબલ પરના ગ્લાસ અને ડીશ લઈને ચાલ્યો ગયો.કાઉન્ટર પરથી બીલ લઈને પાછો આવ્યો.કનિષ્કે મહેનતપૂર્વક પેન્ટના પોકેટમાંથી વોલેટ કાઢીને પાંચસોની નોટ બીલ પર મૂકી.બેરર બીલ અને પૈસા લઈને કાઉન્ટર પર ગયો.કનિષ્ક લથડાતો લથડાતો ખુરશી પરથી ઊભો થયો.જેમતેમ કરીને લેપટોપ બેગ ખભા પર લટકાવ્યું અને બારના દરવાજાની દિશા તરફ લથડાતી ચાલે ચાલવા માંડ્યો.પાંચ મિનીટ પછી પાછો આવ્યો ત્યારે કનિષ્ક ટેબલ પર ન હતો.ટીપ સમજીને એણે બાકીના પૈસા પોતાના ખિસ્સામાં મૂકી દીધા.
કનિષ્ક લથડતી ચાલે ચાંદની બારના દરવાજાની બહાર આવ્યો.મેઈન રોડ પર આવીને ઊભો રહ્યો.આંખોમાં પાણી હતું એટલે રસ્તા પરથી પસાર થતા વાહનોની લાઈટનો પ્રકાશ આંખના પાણીમાં ચમકી ઉઠતો.કનિષ્કની આખી દુનિયા અત્યારે ઝાંખી ઝાંખી દેખાતી હતી.
અચાનક શું સુઝ્યું કે કનિષ્ક પાછો વળ્યો અને ચાંદની બારની બાજુમાં પડેલી ખખડધજ વાન પાસે આવીને ઊભો રહ્યો.થોડી વાર ત્યાં ઊભો ઊભો એ વાનને જોતો રહ્યો.પૈડા વગરની એ વાનમાં સહેજ નમીને અંદર પ્રવેશ્યો તો એકદમ અંધારું જ હાથમાં આવ્યું.મહેનત કરીને આંખો ચોળીને નીચે ધ્યાન કેન્દ્રિત કરવાની કોશિશ કરી ત્યારે પહેલા પગથિયા ઉપર પગ પડ્યો.હિંમત કરીને લયપૂર્વક લથડતી ચાલે પગથિયા ઉતરતો ગયો અને છેક નીચે ભોયરામાં પહોચી ગયો.ત્યાં જમણી બાજુ એક રસ્તો હતો જ્યાં આછી લાઈટ પ્રકાશિત હતી.કનિષ્ક આગળ વધ્યો.નાની નાની આવી અનેક આછી લાઈટના પ્રકાશમાં દીવાલો સાથે અથડાતો અથડાતો ચાલતો રહ્યો.આગળ જતા એક સીડી આવી જે ઉપરની તરફ જતી હતી.કનિષ્ક હળવે હળવે એ સીડી ચડતો ગયો અને આછો આછો અંધકાર અચાનક એક ઉજાસમાં ફેરવાય ગયો.કનિષ્કે જયારે નજર સામેનું દ્રશ્ય જોયું ત્યારે એના પગ ત્યાં જ થંભી ગયા.
વાતાવરણમાં નિખાલસ વાસનાની ગંધ હતી.દારૂ પીને આવેલા મજુરવર્ગના લોકો હતા.સામાન્ય વર્ગમાંથી આવતા માણસો હતા.ખૂનખાર ગેંગમાં કામ કરતા ગુંડાઓ હતા.કનિષ્કની સામે જે લોબી હતી એમાં લગભગ દરેક જાતિ-ધર્મના લોકો હતા.લોબીની બંને બાજુની દીવાલો પર વિવિધ રંગોના પ્રકાશની લાઈટ ઝળહળતી હતી.હવા બોઝિલ લાગતી હતી અને તેમાં અતરની સુગંધ ભળેલી હતી.લોબીની બંને તરફ આવેલા રૂમના દરવાજા આગળ એક એક સ્ત્રી ઊભી હતી.અમુક રૂમના દરવાજા બંધ હતા.દરવાજે ઊભેલી દરેક સ્ત્રી એક જ જેવી લાગતી હતી પણ એમના ચામડીના રંગથી માંડીને માથાના વાળની લટને આંગળીથી ફેરવવાની રીત સૌ કોઈની અલગ હતી.
કનિષ્ક આગળ વધતો જતો હતો.
“આઉં રે ચીકને...” બાજુમાંથી એક સ્ત્રી કનિષ્કના ગાલ પર હાથ ફેરવતા બોલી.
કનિષ્કે ક્ષોભમાં ઝટકા સાથે એનો હાથ દુર ખસેડી દીધો અને આગળ વધ્યો.કનિષ્ક એક દરવાજા આગળ આવીને ઊભો રહ્યો.ત્યાં ઊભેલી સ્ત્રીએ હોઠ પર ઘાટી લિપસ્ટિક લગાવેલી હતી અને આંખોમાં આછું આંજણ કરેલું હતું.વાળમાં મોગરાના ફૂલની વેણ લગાવેલી હતી.બીજી વેશ્યાઓ કરતા આ સ્ત્રીમાં શરમ થોડી વધુ હતી.એ સ્ત્રીના આંખોમાં નશા સાથે બીજું પણ ઘણું ભળેલું હતું જે કળી શકાતું નહોતું.એણે કનિષ્કને આંખોથી હળવો ઈશારો કર્યો.કનિષ્ક એ સ્ત્રી તરફ આગળ વધ્યો અને લથડતા પગે રૂમની અંદર પ્રવેશ્યો એટલે પાછળથી એ સ્ત્રીએ દરવાજો બંધ કરી દીધો.
રૂમની અંદર ઝાંખો લાલ પ્રકાશ હતો.ખૂણામાં એક લાકડાનું ટેબલ હતું જેના પર સુશોભન માટે પ્લાસ્ટીકના ફૂલોથી સુશોભિત એવી ફૂલદાની ગોઠવેલી હતી.એ સ્ત્રી કનિષ્કની સામે આવીને ઊભી રહી.તેની પાછળ પલંગ હતો.એ પલંગ પર અલગ અલગ જાતના ફૂલોની પ્રિન્ટવાળી ચાદર પાથરેલી હતી.
કનિષ્ક લથડતો લથડતો સ્ત્રીની બાજુમાંથી પસાર થઈને પલંગ સુધી પહોંચ્યો.એ સ્ત્રી પાછું ફરીને ઘડીભર પલંગ તરફ જોઈ રહી જ્યાં કનિષ્ક બેઠો હતો. લચકતી ચાલે એ કનિષ્કની બાજુમાં આવીને બેસી ગઈ.
“આપકા ના...મ...?” કનિષ્કે થોથવાતી જીભે પૂછ્યું.
“લતા....વૈસે તેરે કો નામ સે ક્યાં લેના દેના..?..અપને કામ સે કામ રખ...”
દારૂના નશાથી ભરેલી આંખોએ કનિષ્કે લતાની સામે જોયું.
“એક રાત કા ૩૦૦૦ લૂંગી ઔર એક ઘંટે કા ૫૦૦ હોગા...પહેલે હી બતા દેતી હું , બાદ મેં કોઈ ખીટપીટ નહિ મંગતા....”
ખભા પર પિનથી બ્લાઉસ સાથે જોડેલો સાડીનો છેડો છુટો કર્યો એટલે એ સરકીને સીધો ભોંય પર પથરાઈ ગયો.લતાની ઉભરાતી છાતીના ઊભાર કનિષ્કની નજર સામે હતા.લતાના શરીરમાં જ્યાં જેટલી ચરબી સારી દેખાઈ એટલી જ ચરબી હતી.
કનિષ્કના હજુ બોલવાના પણ હોશ ન હતા એટલે એણે માત્ર માથું ધુણાવીને લતા જે પૈસા કહેતી હતી એ આપવા માટેની સંમતિ દર્શાવી.લતાએ કનિષ્કના ખભેથી લેપટોપ બેગ ઉતારીને જમીન ઉપર મુક્યું અને કનિષ્કની બાજુમાં આવીને બેઠી.હજુ લતા કઈ સમજે એ પહેલા તો કનિષ્કે એના ખોળામાં માથું મૂકી દીધું.લતાને કઈ સમજાયું નહિ.એણે લાગ્યું કે આ માણસ નશામાં છે એટલે આવી રીતે ખોળામાં માથું ઢળી ગયું હશે.એણે પોતાના બંને હાથની હથેળી પાછળની તરફ ટેકવી દીધી.થોડી વારમાં લતાને અહેસાસ થયો કે કનિષ્ક હળવે સાદે એના ખોળામાં માથું મુકીને રોઈ રહ્યો હતો.
“સા’બ ,ધંધે કે ટાઇમ પે યે સબ નાટક નહિ ચાહિયે...”
પણ કનિષ્કનું રુદન વધુને વધુ તીવ્ર બનતું જતું હતું.અવાજ વગરની તીવ્રતા વાળું.આંખોમાંથી આંસુ અવિરત વહી રહ્યા હતા અને લતાની લાલ ગુલાબી સાડીને પલાળીને છેક એના સાથળ સુધી પહોંચી ગયા.લતાને કશું સમજાતું નહોતું.દારૂનો નશો ઉતરશે એટલે પરિસ્થિતિ આપમેળે ઠીક થઇ જશે એમ માનીને એ એમ જ બેઠી રહી.
થોડી વાર પછી એને શું સુઝ્યું કે એણે પાછળ પલંગ પર ટેકવેલી હથેળી આગળની તરફ કરી અને કનિષ્કના માથા પર મૂકી.
“સા’બ ,આપ રોના બંધ કરીએ...”
કનિષ્કના હીબકા હજુ ચાલુ જ હતા.
“સા’બ,ક્યાં હુઆ..?” લતાને પણ અચાનક શું થયું કે એ કનિષ્કના ઘટાદાર કાળા વાળમાં પોતાની આંગળીઓ ફેરવીને વ્હાલ કરવા માંડી.
લતા પણ જાણે પરિસ્થતિ સમજી ગઈ હોય એમ વધુ વ્હાલથી કનિષ્કની પીઠ પસવારવા લાગી.ઓરડામાં કોઈ દિવસ ન છવાઈ હોય એવી શાંતિ છવાઈ ગઈ.જે રૂમમાં આજ સુધી વાસના ઠલવાતી હતી ત્યાં આજે કોઈકની વેદના ઠલવાઈ રહી હતી.રોજ જે રૂમ સ્ત્રીની વેદનાનો સાક્ષી બનતો એ આજે પુરુષની વેદનાનો સાક્ષી બન્યો હતો.
શરૂઆતમાં લતાને એક પુરુષને આ રૂમમાં રોતો જોઇને આનંદ થયો હતો પણ એની અંદરની સ્ત્રી આ પુરુષની વેદના જોઇને ધ્રુજી ગઈ.કનિષ્કના રૂદનની સચ્ચાઈ એનામાં ધરબાયેલી સ્ત્રીને પીગાળી ગઈ.
થોડા સમય પછી કનિષ્ક શાંત થયો.આંખોમાંથી વહેલા આંસુ ગાલ પર આવીને સુકાઈ ગયા હતા.લતા હજુ પણ એના વાળ સહેલાવી રહી હતી.લતાની આંખોના ખૂણા ભીના થઇ ચુક્યા હતા.કનિષ્ક હજુય હોશમાં ન હતો પણ થોડો શાંત હતો.લતાએ બંને હાથમાં કનિષ્કનો ચહેરો લીધો.
“સા’બ,લોગ યહા જી બહેલાને આતે હૈ,રોને નહિ..”
આટલું બોલીને લતાએ પોતાના હોઠ કનિષ્કના હોઠ પર મૂકી દીધા.લતાએ આંખો બંધ કરી અને એની આંખના ખૂણેથી આંસુ સરકીને કનિષ્કના ગાલ પર આવી પહોચ્યા.લતાની હથેળી ભીની થઇ ગઈ.લતાએ આગળ નમીને સહેજ પણ રાહ જોયા વગર કનિષ્કની બંને આંખો વારાફરતી ચૂમી લીધી અને તેના આંસુની ખારાશ પોતે ગળી ગઈ.કનિષ્ક પણ પોતાનું ભૂતકાળ ક્ષણભાર માટે ભૂલીને વર્તમાન ક્ષણમાં આવી ચુક્યો હતો.
બંનેના હોઠ જાણે એકબીજાના હોઠમાં ઓગળી રહ્યા હતા.આંખોમાંથી આંસુ નીકળવાના હવે બંધ થઇ ચુક્યા હતા.બંનેના શરીર એકબીજાથી વધુને વધુ નજીક આવતા જતા હતા.એમની ચામડી વચ્ચેના કપડાના બધા જ સ્તર એક પછી એક સરકતા ગયા.બંનેના હોઠ જાણે વધુને વધુ ઊંડાણ શોધતા હતા.આંખો બંધ હતી.લતાની હાથની આંગળીઓ કનિષ્કના હાથની આંગળીઓ વચ્ચે પરોવાઈને ભીંસાતી હતી.લતાની ઉતંગ છાતીના ઊભાર સાથે કનિષ્કની છાતી ભીડાઈ ગઈ.બંને શરીર જાણે એક બની ચુક્યા હતા.વેદના,પીડા,દર્દ બધું જ પળભર માટે ઓગળી ગયું.લતાએ પહેલી વાર કોઈ પુરુષ સાથે પોતાનું સ્ત્રીત્વ પામી લીધું.લતાની બંધ આંખોમાં મેઘધનુષ્યના સાતેય રંગ નાચતા હતા.જે સુખ એ રોજ બીજા પુરુષને આપતી એ સુખ આજ એને મળી રહ્યું હતું એવો અહેસાસ થયો.કનિષ્કના હોઠ લતાની ડોક અને છાતી પર થઈને નાભિ સુધી ફરતા રહ્યા.શ્વાસની તીવ્રતા વધતી જ ગઈ અને એક મુકામ પર બધું જ થંભી ગયું.બંને ક્ષણભર માટે એક બની ગયા હોય એવી અનુભૂતિ થઇ.લતા કનિષ્કના માથા અને વાળમાં પોતાના હાથ સહેલાવતી રહી.
કનિષ્ક લતાના પડખામાં ઘસઘસાટ સુતો હતો.લતા જાગતી જ હતી.એની આંખોમાં ચમક અને હોઠ પર સ્મિત હતું.આજે એના માટે એક વેશ્યાની રાત ન હતી પણ એક સ્ત્રીની રાત હતી.એવી સ્ત્રી જેને ઉમળકા હતા,સંવેદના હતી...જેને એક આત્મા પણ હતો.
સવાર પડતા જ વેશ્યાલયની લોબીમાં જાગતી રંગીલી રાત અલોપ થઇ ગઈ.બહાર રસ્તા પર પણ લોકોની અવરજવર વધતી ગઈ.બધા જ રૂમના દરવાજા બંધ હતા.લતાના રૂમની બારીના કાચમાંથી ઝાંખો પ્રકાશ અંદર પડતો હતો.કાચના એક નાનકડા કાણામાંથી આવતો પ્રકાશ સામેની દિવાલ પર એક પ્રકાશમય બિંદુનું સર્જન કરતો હતો.
ઝાંખા પ્રકાશમાં કનિષ્કની આંખો ઝબકારા સાથે ખુલીને બંધ થઇ ગઈ.આંખો ઝીણી કરીને હળવે હળવે એણે આંખો ખોલી.પહેલા તો રૂમની અંદર પડેલી વસ્તુઓ જોઇને કઈ ખબર ન પડી કે પોતે ક્યાં હતો?.પછી ધીરે ધીરે બધું યાદ આવવા લાગ્યું.એ ઝડપથી પલંગમાંથી ઊભો થયો અને જમીન પર પડેલા કપડા લીધા અને ઝડપથી પહેરી લીધા.રૂમમાં કનિષ્કની સિવાય અત્યારે બીજું કોઈ નહોતું.
બહારથી બંધ કરેલો દરવાજો ખોલીને લતા રૂમમાં પ્રવેશી.સામાન્ય પહેરવેશમાં એ કનિષ્કની સામે આવીને ઊભી રહી ત્યારે ઘડીક તો વિશ્વાસ જ ન થયો કે એ લતા હતી.સામે ઊભેલી લતાને ઓળખી પછી કનિષ્ક ક્ષોભથી પોતાનું મોઢું બીજી તરફ ફેરવી લીધું.
“સા’બ,જા રહે હો..?” લતાએ પૂછ્યું.
“હા..” કનિષ્કે માથું ધુણાવીને જવાબ આપ્યો.
કનિષ્કને અચાનક કંઇક યાદ આવ્યું હોય એમ ખિસ્સામાંથી પાંચેક હજાર રૂપિયા કાઢ્યા અને લતા સામે હાથ લંબાવ્યો.
“પૈસે નહિ ચાહિયે...સા’બ..”
લતા આગળ વધી અને કનિષ્કના ગળે મળી.કનિષ્કે પણ સંકોચ વગર લતાને છાતી સરસી ચાંપી.કનિષ્કની ઘણી આજીજી છતાંય લતાએ રૂપિયા ન લીધા.
બંને સ્વસ્થ થયા.લતાએ એના વિખરાયેલા વાળ સરખા કર્યા.કનિષ્કની સામે જોયું.કનિષ્કે હળવું સ્મિત કર્યું અને બંને છુટા પડ્યા.કનિષ્ક સડસડાટ પાછળ જોયા વગર રૂમમાંથી બહાર નીકળી ગયો.લતા સ્થિર નજરે કનિષ્કને જતો જોઈ રહી.બંનેમાંથી કોઈને પણ એકબીજાનું ભૂતકાળ ખબર નહોતી.એકબીજાએ કોઈ સવાલ પણ નહોતા પૂછ્યા.બ્રહ્માંડમાં રચાયેલી અનંત ક્ષણોમાંથી અમુક અલ્પ ક્ષણો માટે બંને મળ્યા અને જીવી ગયા એ અલ્પ ક્ષણોને.બંને એકબીજાના શરીરના નહિ પણ ક્ષણભરના નિ:સ્વાર્થ વ્હાલ અને પ્રેમના ભૂખ્યા હતા અને એ વ્હાલ-પ્રેમની ભૂખ સંતોષાવાથી બંને ખુબ ખુશ હતા.
Chapter 16
રીયાની હાલત હજુય નાજુક હતી.કનિષ્ક ડોકટરના કેબિનની બહાર ઊભો રહીને અંદર ચાલતી વાતચીત સાંભળી રહ્યો હતો.ડોકટરે જે કહ્યું એ સાંભળીને એના પગ નીચેથી જમીન જાણે ખસી ગઈ.આંખોના ડોળા સ્થિર થઇ ગયા.સામેથી પસાર થતા નર્સ અને દર્દીઓ એકદમ ધૂંધળા લાગવા માંડ્યા.હોસ્પિટલની હવામાં રહેલી બોઝિલ દવાની ગંધ પણ કનિષ્કના નાક પાસે આવીને જાણે થંભી ગઈ હતી.
“ડોકટર, પણ એનો કોઈ ઈલાજ તો હશે ને?....તમે પૈસાની ફિકર ન કરશો.પૈસાની વ્યવસ્થા થઇ જશે...તમે માત્ર મારી રીયાને બચાવી લો...” ગિરિવરલાલે ડૉ.સિંઘને કાકલૂદીપૂર્વક કહ્યું.
“ગિરિવરલાલ,એનો ઈલાજ તો છે પણ એ માત્ર પૈસાથી થાય એમ નથી.અમે આસપાસની બધી જ હોસ્પિટલોમાં તપાસ કરી ચુક્યા છીએ પણ કોઈ અસરકારક પરિણામ હજુ મળ્યા નથી.” ડૉ.સિંઘે લાચારીપૂર્વક કહ્યું.
ગિરિવરલાલ નિરાશ થઇ ગયા.શું કરવું એની અસમંજસમાં હતા.જયારે સામે કોઈ વિકલ્પ જ ન હોય છતાંય કોઈક નિર્ણય લઈને કંઇક પસંદ કરવું પડે એવી સ્થિતિ અત્યારે ગિરિવરલાલની હતી.
કનિષ્ક હજુય કેબીનની બહાર સ્તબ્ધ થઈને ઊભો હતો.
“ડૉ.સિંઘ,તમે કહો છો કે રીયાની એક કીડની ફેઈલ થઇ ગઈ છે બીજી પણ સરખી કામ નથી કરી રહી અને વહેલી તકે આ ફેઈલ થયેલી કીડની બદલવી પડે એમ છે તો મારી કીડની ન ચાલે..?” ગિરિવરલાલના મગજમાં શું સુઝ્યું કે ડોકટર સામે આ પ્રસ્તાવ મુક્યો.
“આ ઉંમરે થોડું મુશ્કેલ છે...છતાંય આપણે આ વિકલ્પ વિચારી શકીએ..આપણે તમારા ટેસ્ટ કરાવી લઈએ..જો કંઇક પોઝીટીવ પરિણામ મળે તો કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે આજે જ તમને અને રીયાને કીડની ટ્રાન્સપ્લાન્ટની હોસ્પિટલમાં મોકલી આપીશું.. ”
“ડોકટર ,હું રીયાની મમ્મી સાથે વાત કરું છુ જો એની પણ કીડની રીયામાં ટ્રાન્સપ્લાન્ટ થઇ શકતી હોય તો એના પણ ટેસ્ટ સાથે જ કરાવી લઈએ..”
“નો પ્રોબ્લમ...”
ગિરિવરલાલ ઊભા થઈને કેબીનની બહાર આવ્યા અને દોડતા આઈ.સી.યુ. રૂમ તરફ ગયા.
ડૉ.સિંઘે બેલનું બટન દબાવ્યું.નર્સ કેબિનમાં દાખલ થઇ.ડૉ.સિંઘે નર્સને બધા ટેસ્ટ અને દવાઓ તૈયાર કરવા માટેની સુચના આપી.
કનિષ્ક હજુ પણ આ બધું જોઈ રહ્યો હતો.
થોડી વાર પછી ગિરિવરલાલ રીયાના મમ્મીને લઈને ડોક્ટરની કેબિનમાં આવી પહોચ્યા.ડૉ.સિંઘે બેલનું બટન દબાવીને નર્સને કેબિનમાં આવવાની સુચના આપી એટલે નર્સ કેબિનમાં દાખલ થઇ.
“મેં તમને સમજાવ્યું એમ આ લોકોના ટેસ્ટ કરાવી લો અને લેબ આસિસ્ટન્ટને આ રિપોર્ટ ઈમરજન્સીમાં આપવા માટે જણાવજો.”
“ઓ.કે.ડોક્ટર..”
નર્સ ગિરિવરલાલ અને ગાયત્રીબેનને તેની સાથે લઇ ગઈ.કનિષ્ક ત્યાં જ ઊભો હતો.આટલી અંધાધૂંધીમાં ગિરિવરલાલનું ધ્યાન પણ એ તરફ ગયું ન હોતું.
કનિષ્ક આઈ.સી.રૂમની બહાર બેંચ પર જઈને બેઠો.રીયાનાં લગભગ બધા જ નજીકના સંબંધીઓ હોસ્પિટલમાં આવી ચુક્યા હતા.માત્ર શમન આવી શક્યો ન હતો.રીયાની સગાઈ શમન સાથે થઇ એ વાતને હજુ છ મહિના થયા હતા અને સગાઇ પછી શમન અભ્યાસર્થે અમેરિકા જતો રહ્યો હતો.
કનિષ્ક આઈ.સી.યુના દરવાજા પાસે આવ્યો.દરવાજાની ઉપરના ગોળાકાર કાચમાંથી એણે રૂમની અંદર નજર કરી.રીયાના નાક પર ઓક્સિજન માસ્ક લગાવેલુ હતું જે રીયાના ચહેરા પર ઘણું બિહામણું લાગતું હતું.પણ રીયાના ગાલ હજુય પહેલા જેવા જ ચળકતા અને રતુમડા હતા.આંખોની પાંપણોનો આકાર પણ એટલો જ અણીદાર હતો અને આંખો પર હજુય એટલી જ મદહોશી હતી.એના રેશમી વાળની અમુક લટ એના ચહેરા પર પથરાયેલી હતી.કનિષ્ક વિચારી રહ્યો હતો કે કોલેજથી પાછા ફરતી વખતે જે હસતી,કુદતી,ઉછળતી રીયાને આજે શું થઇ ગયું હતું...? કઈ સમજાતું ન હતું.એણે પણ અફસોસ થતો હતો કે ગુસ્સામાં એણે કોલેજના છેલ્લા દિવસે પોતાની લાગણીઓ રીયા સામે વ્યકત કરી પછી એની સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું.
ટેસ્ટ પુરા થઇ ગયા પછી રીયાના મમ્મી-પપ્પા પરિણામની રાહ જોતા આઈ.સી.યુ.રૂમની બહાર બેઠા હતા.
“ડૉ.સિંઘ તમને બોલાવી રહ્યા છે...” નર્સે ગિરિવરલાલ પાસે આવીને કહ્યું.
ગિરિવરલાલ ગાયત્રીબેનને ત્યાં જ બેંચ પર બેસાડીને નર્સ સાથે ચાલવા માંડ્યા.કનિષ્ક પણ એમની પાછળ ડૉ.સિંઘની કેબીન સુધી પહોચી ગયો.ગિરિવરલાલ ડૉ.સિંઘની સામે ખુરશી પર બેઠા હતા.
“ગિરિવરલાલ ,મને કહેતા ઘણું દુઃખ થાય છે કે તમારા બંનેમાંથી કોઈની પણ કીડની રીયામાં ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે એમ નથી..” ડૉ.સિંઘે પોતાના ચશ્માં કાઢીને ટેબલ પર મુક્યા.
ગીરીવરલાલને ઉપરથી આકાશ અને પગ નીચેથી જમીન ખસી ગઈ એવો ધ્રાસકો પડ્યો.ગીરીવરલાલ ડૉ.સિંઘ સામે શૂન્યમનસ્કપણે જોઈ રહ્યા.
“ડોક્ટર...”બેભાન અવસ્થામાંથી બહાર આવતા હોય એમ ગિરિવરલાલના મોઢામાંથી શબ્દો નીકળ્યા.
“ગિરિવરલાલ ,હિંમત રાખો..અમારા પ્રયત્નો પણ ચાલુ જ છે.શું ખબર બહારથી કોઈ કીડની મળી જાય..?” ડોકટરે ગિરિવરલાલને સાંત્વના આપતા એમનો હાથ દબાવ્યો.ગિરિવરલાલ સામે કોઈ રસ્તો બચ્યો જ નહતો માત્ર ડોકટરના શબ્દોને ભગવાનના શબ્દો માનીને આશા રાખવા સિવાય.
“જેવું કોઈ પોઝીટીવ પરિણામ મળે એટલે અમે તમને જણાવીશું..” ડો.સિંઘે કહ્યું.
ગિરિવરલાલ કેબિનમાંથી બહાર આવ્યા અને નિરાશ પગલે આઈ.સી.યુ.રૂમ તરફ આગળ વધ્યા.મનોમન ગિરિવરલાલ ગાયત્રીબેનને સાંત્વના આપવા માટેની તૈયારી કરતા હોય એમ બહારથી હિંમતવાળા દેખાવાની કોશિશ કરતા હતા.
કનિષ્કને પણ કશુંય સમજમાં નહોતું આવતું.એ પણ ડોકટરના કેબીનની બહાર મૂર્તિવંત બનીને ઊભો હતો.અચાનક કનિષ્કને શું સુઝ્યું કે ઝડપથી ડૉ.સિંઘના કેબિનમાં દાખલ થયો.ડોક્ટરનું ધ્યાન તેના હાથમાં પકડેલી કોઈ દર્દીની ફાઈલમાં હતું.કનિષ્ક ડોક્ટરની સામે જઈને ઊભો રહ્યો.ડોકટરે ફાઈલમાંથી નજર હટાવીને કનિષ્ક સામે જોયું.
“ડોક્ટર,હું કનિષ્ક..રીયાનો મિત્ર..”
“હું શું મદદ કરી શકું તમારી..?”
“ડોક્ટર,તમે હમણાં જે રીયાના પપ્પાને કહ્યું એ હું સાંભળી રહ્યો હતો.રીયા માટે કોઈ કિડનીની વ્યવસ્થા થઇ..?”
“ના,હજુ સુધી તો નથી મળી.અમે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ.પણ જો હવે જલ્દી કીડની નહિ મળે તો રીયાનો જીવ બચવાના ચાન્સ ઘણા ઓછા થઇ જશે.”
ડોકટરે હાથમાં રાખેલી ફાઈલ સામે ટેબલ પર મૂકી.
કનિષ્ક ત્યાં ઊભો ઊભો કંઇક વિચારી રહ્યો હતો.બેબાકળો બનીને ડોકટરના કેબિનમાં રાખેલી ગુરુનાનકની છબી સામે જોઇને મનોમન રીયા માટે પ્રાથર્ના કરી રહ્યો હતો.
“ડોક્ટર,આપણે મારા ટેસ્ટ કરાવી જોઈએ.જો ટેસ્ટ પોઝીટીવ આવે તો તાત્કાલિક મારી કીડની રીયામાં ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખીએ.”
“પણ..તમે..?” ડોકટરે ખુરશીમાંથી સહેજ ઊંચાનીચા થઈને કહ્યું.
“ડોક્ટર ,રીયાની જિંદગીથી વધારે કિમતી કશું જ નથી.જેટલા ઝડપથી ટેસ્ટ થઇ શકે એટલા ઝડપથી કરાવી આપો..સમય બહુ ઓછો છે..”
“હા તમે બેસો..હું નર્સને બોલવું છું..”
ડોકટરે બેલનું બટન દબાવીને નર્સને તાત્કાલિક અંદર આવવાની સુચન કર્યું.થોડી જ વારમાં કેબિનનું બારણું ખુલ્યું અને નર્સ અંદર દાખલ થઇ.
“યસ..સર..”
“નર્સ,તમે ઝડપથી આમના ટેસ્ટ કરાવી લો...રીયાની કીડની માટે...” કનિષ્ક સામે આંગળી ચીંધતા ડોકટરે કહ્યું.
“ઓ.કે. સર..”
“ટેસ્ટ માટે બધું તૈયાર થાય એટલે મને તરત જાણ કરજો..”
નર્સ ઝડપથી કેબીનની બહાર નીકળી ગઈ.
“કનિષ્ક ,પણ આમ અચાનક...મારા આટલા વર્ષોના અનુભવમાં હું પહેલી વખત જોવું છું કે કોઈ મિત્ર એના બીજા મિત્રને બચાવવા માટે કીડની આપવા સુધી તૈયાર હોય...બાકી ઘણી વખત તો મેં જોયું છે કે સગા ભાઈ કે બહેન પણ કીડની આપવા માટે તૈયાર નથી થતા.”
“ડોકટર,રીયા મારા માટે એક મિત્રથી ઘણી વધારે છે.રીયા તો હજુ બાળક છે.એની પાસે સપનાઓ છે નાના નાના..રીયાને હજુ લગ્ન કરવાના છે..શમન સાથે..પછી એના બાળકો સાથે રમવું છે.રીયા તો એક વખત એવું પણ કહેતી હતી કે એણે બાળકમાં બેબી ગર્લ જોઈએ છે...એ પણ ટ્વીન્સ..”
આટલું કહીને કનિષ્ક આછું હસી પડ્યો.
ડોકટરના આશ્ચર્ય સામે કનિષ્ક આવેશમાં આવીને ઘણું બધું બોલી ગયો અને ડૉ.સિંઘ પણ જાણે બધું જ સમજી ગયા હોય એમ આગળ સવાલ કરવાનું બંધ કર્યું.
ડોકટરના ટેલીફોનની રીંગ વાગી.ડૉ.સિંઘે ફોને ઉપાડ્યો.સામે છેડે નર્સનો અવાજ હતો એવું કનિષ્કને લાગ્યું.નર્સ જે બોલતી હતી ડોકટર એ સાંભળીને માત્ર હકારમાં માથું ધુણાવતા હતા.થોડા વખતની વાતચીત પછી ડોકટરે ફોન મુક્યો.
“કનિષ્ક,ટેસ્ટ માટે બધું જ તૈયાર છે....મારી સાથે ચાલો..” ડૉ.સિંઘ એમની ખુરશીમાંથી ઊભા થયા.કનિષ્ક પણ પોતાની ખુરશીમાંથી ઊભો થયો અને ટેસ્ટ કરાવવા માટે ડૉ.સિંઘની પાછળ ચાલવા માંડ્યો.
Chapter 17
ડૉ.સિંઘ પોતાની કેબિનમાં હાથમાં રિપોર્ટ લઈને બેઠા હતા.એમના ચહેરા પરના હાવભાવ જણાવતા હતા કે એ આતુરતાપૂર્વક કોઈકને કંઈક કહેવા માંગે છે.
“MAY I COME IN SIR...?” ડૉ.સિંઘના કેબીનનો દરવાજો ખોલતા કનિષ્કે કહ્યું.
“YES...”
કનિષ્ક ડૉ.સિંઘની સામેની ખુરશી પર બેઠો.
“કનિષ્ક,તમારા રિપોર્ટ આવી ચુક્યા છે અને બધા જ રિપોર્ટ પોઝીટીવ છે.તમારી કીડની રીયામાં ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે.”
કનિષ્કનો ચહેરો ખુશીથી છલકાઈ ગયો.
“થેંક યુ ડોક્ટર...તો હવે રીયાની તબિયત સારી થઇ જશે ને..?”
“હા..ઓપરેશન પછી બહુ જલ્દી..પણ કનિષ્ક તે ખરેખર વિચારી લીધું છે ને..? તું ખરેખર કીડની દાન કરવા માંગે છે ને..?...આઈ મીન હું પહેલી વાર આવો કેસ જોઉં છું એટલે માનવામાં નથી આવતું..”
“ડોકટર,મેં પુરા હોશમાં આ નિર્ણય લીધો છે.હું રીયાને કીડની આપવા માંગું છું.અને બીજી વાતની કાળજી રાખજો કે આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ.રીયાને કે તેના પરિવારમાં કોઈને ખબર ન પડવી જોઈએ કે આ કીડની મેં આપી છે.એ લોકો માટે કીડની દાનમાં આપનાર વ્યક્તિ હંમેશા અજાણ જ રહેવી જોઈએ.”
“પણ રીયા અને એમનો આખો પરિવાર તમને ઓળખે છે પછી એમને જણાવવામાં શું વાંધો...?”
“હા એ વાત સાચી.પણ રીયાને આ વાતની ખબર પડશે તો એના પ્રતિભાવ શું હશે એ હું ધારણા કરી શકું એમ નથી. હું તમને બધું નહિ સમજાવી શકું.તમે બસ દાતાનું નામ જાહેર ન કરશો...પ્લીઝ..” કનિષ્કે ડૉ.સિંઘને વિંનતી કરી.
“ઓ..કે.કનિષ્ક,સમજી શકું છું.આ વાત માત્ર મારી અને તમારી વચ્ચે જ રહેશે.આ કિડનીનો દાતા બધાથી અજાણતો રાખવાની જવાબદારી મારી..”
“થેંક યુ..ડોક્ટર..”
ડૉ.સિંઘ મનોમન વિચારી રહ્યા કે લોકો પ્રેમમાં છાતી ચીરીને દિલ આપવાની વાત કરે છે અને અહી સામે બેઠેલો વ્યક્તિ કીડની આપવાની વાત કરે છે.
ડૉ.સિંઘે ઘડિયાળ તરફ જોયું.
“હજુ ઓપરેશનની તૈયારી કરવાની છે અને તમને અને રીયાને બીજી હોસ્પીટલમાં મોકલવાના છે.હું નર્સને બધી જ માહિતી આપી દઉં છું.તમને આગળની વિગતો કીડની હોસ્પિટલમાં મળી રહેશે અને હું એમને જાણ કરી દઈશ કે દાતાની ઓળખ રીયા કે તેના પરિવાર સામે જાહેર નથી કરવાની.”
આટલું કહીને ડોકટરે ફોન પર નર્સને કેબિનમાં આવવા માટે કહ્યું.
થોડી વારમાં નર્સ કેબિનમાં દાખલ થઇ.
“યસ સર..”
“કનિષ્ક અને રીયાની ફાઈલ બધા રિપોર્ટ સાથે તૈયાર કરો અને બંને ફાઈલ તાત્કાલિક મહેતા કીડની હોસ્પિટલમાં મોકલી આપો.મારી ત્યાંના ડોક્ટર સાથે વાત થઇ ગઈ છે.અને રીયાને એમ્બ્યુલન્સ દ્રારા ત્યાં ખસેડવાની વ્યવસ્થા પણ કરવાની છે”
“ઓ.કે.સર..હું એમ્બ્યુલન્સ તૈયાર કરાવું છું”
નર્સ આટલું બોલીને ચાલી ગઈ.
“ડોક્ટર,તમે મને મહેતા હોસ્પિટલનું સરનામું જણાવશો.હું મારી રીતે સીધો જ મહેતા કીડની હોસ્પિટલ પહોચું છું.” કનિષ્ક આટલું બોલતા ખુરશીમાંથી ઊભો થયો.
ડોકટરે કનિષ્કના હાથમાં કીડની હોસ્પિટલના ડોક્ટરનું વીઝીટીંગ કાર્ડ આપ્યું.કનિષ્ક ડૉ.સિંઘ સામે સ્મિત કરીને કેબીનની બહાર નીકળ્યો.
******
ઓપરેશન રૂમમાં કનિષ્કને એનેસ્થેસિયા આપીને બેડ પર સુવડાવવામાં આવ્યો હતો.કનિષ્ક જાણે કોઈક ગાઢ નિદ્રામાં સુતો હોય એમ લાગતું હતું અને મોઢા પર નિર્મળ સ્મિત અને આત્મસંતોષ હોય એવું દેખાતું હતું.બંધ આંખોની કીકીઓ પણ હસતી હોય એવી ચહેરાની આભા હતી.પ્રેમ પરિપૂર્ણ થયાનો અહેસાસ હતો.જીવનમાં પોતાના પ્રેમ માટે કંઇક કરી છૂટવાની જે તમન્ના હતી એ આજે પૂરી થવાની હતી.અંદરથી પ્રગટેલો પ્રેમ આજે એના રોમ રોમમાં એનેસ્થેસિયા સાથે પ્રસરી ચુક્યો હતો.પણ કમનસીબે એ પ્રેમ રીયા સુધી પહોંચ્યો ન હતો.
ઓપરેશન રૂમમાં ડોક્ટરની ટીમ આવી ચુકી હતી.બધા સાધનો એમના નિયત સ્થાને ગોઠવાઈ ચુક્યા હતા.રૂમમાં આંધળો સન્નાટો છવાયેલો હતો.રીયાને બાજુના ઓપરેશન થીએટરમાં રાખવામાં આવી હતી.સમય અને સ્થાનના આ પરિમાણમાં પણ બંનેનું મિલન શક્ય ન હોતું.આ જ કનિષ્ક માટે નિમિત હતું.ભગવાનને પણ આ જોઇને દયા આવી હશે અને સમય અને સ્થાનના બ્રહ્માંડના કોઈ બીજા પરિમાણમાં બંનેનું મિલન નક્કી કરી દીધું હશે..ઈશ્વરની પણ કોઈક મજબૂરી રહી હશે કે આ બે માણસોનું મિલન ન કરાવી શક્યો કેમકે એની શક્તિ તો એટલી વિશાળ છે કે આ બ્રહ્માંડમાં રહેલી બે આકાશગંગાને એ પોતાની શક્તિથી એકબીજાની નજીક લઇ જવા એકબીજા પ્રત્યે આકર્ષિત કરી શકે છે અને આ તો માત્ર બે માનવીય જીવ છે.
ડોકટરની ટીમ ઓપરેશન માટે તૈયાર હતી.ટીમના બધા જ સભ્યો ઓપરેશન માટે પોતાના નિયત સ્થાન પર ગોઠવાઈ ચુક્યા હતા અને ઓપરેશનના બધા જ સાધનો પણ વ્યવસ્થિત કામ કરી રહ્યા હતા.
ઓપરેશન ચાલુ થયું.જીવનમાં પ્રથમ વખત કોઈક કનિષ્કના શરીર પર એક મોટો ચીરો પાડી રહ્યું હતું. ચીરાની જગ્યાએથી લોહીની ધાર છૂટી.નર્સે કોમળ રૂની મદદથી એ લોહીને આગળ રેલાતું અટકાવ્યું.ડોકટરે ઇલેક્ટ્રોકાર્ડીઓગ્રામ પર નજર કરી.કનિષ્કના હૃદયના ધબકારાની સ્થિતિ અનિશ્ચિત થવા લાગી.નર્સે ઝડપથી કનિષ્કના જમણા હાથ પર ઇન્જેક્શન આપ્યું અને લોહીની બોટલમાંથી વહેતા લોહીને વધુ માત્રામાં વહેવા માટેની સગવડ કરી આપી.સ્થિતિ થોડી સામાન્ય થતાની સાથે જ ડોકટરે પુરા ધ્યાનપૂર્વક ઓપરેશન ચાલુ રાખ્યું.ઓપરેશન રૂમની બહાર લટકાવેલી ઘડિયાળનો ટીક ટીક અવાજ આખી લોબીમાં ગુંજતો હતો.લોબીમાં એકદમ ગાઢ સન્નાટો છવાયેલો હતો.ઓપરેશન લગભગ ત્રણેક કલાક ચાલ્યું અને સફળતા પૂર્વક પાર પણ પાડ્યું.તાત્કલિક રીયામાં એ કિડનીના ટ્રાન્સપ્લાન્ટનું પણ ઓપરેશન કરવામાં આવ્યું અને રીયાની હાલત પણ પહેલા કરતા ઘણી સારી હતી.રીયાને હજુ હોશ આવ્યો ન હતો.
ભાનમાં આવતા કનિષ્કે આંખો ખોલી. આખું શરીર જાણે સુન્ન પડી ગયું હતું.કમરની ઉપર સહેજ દર્દનો અહેસાસ થતો હતો.ભાનમાં આવતાની સાથે જ પીડા વધતી જતી હતી.કનિષ્કની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા.ફરીથી બધા એ જ દ્રશ્યો નજર સામે તરવા માંડ્યા.રીયાને પહેલી વખત જોઈ હતી એ દિવસનો ચહેરો અને કોલેજના છેલ્લા દિવસે જે ચહેરો જોયો હતો એ નજર સામે આવ્યા.કનિષ્કના ચહેરા પરનું સ્મિત જોઇને એની આંખોમાં આવેલા આંસુ પણ ચમકી ઉઠ્યા.
કોઈ સ્ત્રીને એનો પ્રેમ ન મળે તો એ સમાધાન કરી લે છે.એ સ્ત્રી એનો બધો જ પ્રેમ કોઈ અજાણ પુરુષ સાથે લગ્ન કર્યા પછી પોતાના બાળકમાં ઢોળી નાખે છે અને સંતોષ માની લે છે પણ એક પુરુષ એવું નથી કરી શકતો. એક પુરુષને ખરેખર જયારે પ્રેમ થઇ જાય અને એ સ્ત્રીને મુકીને આગળ વધવાની વાત આવે ત્યારે એ સ્ત્રી મુકાતી નથી.એ સ્ત્રી એની સાથે ચાલે છે.એના માથાના વાળ ઉતરી જાય અને દાઢીના વાળ સફેદ થઇ જાય છતાંય એ સ્ત્રી એના હૃદયના એક ખૂણામાં જીવતી હોય છે,સ્મૃતિ બનીને. જેમ મંદિરના ગર્ભગૃહમાં દીવો સળગતો હોય એમ એક દીવો એના હૃદયમાં પણ સળગે છે અને એની સ્મૃતિનો તાપ એ પુરુષના હૃદયને બાળતો રહે છે.સ્મશાન તરફની એની યાત્રાનો પ્રારંભ થાય ત્યાં સુધી એ સ્ત્રી એની સ્મૃતિમાં અને મનમાં હોય છે અને કદાચ મૃત્યુ પછી પણ એ સ્ત્રી એની ચેતનામાં વસવાટ કરતી હોય છે .
કનિષ્કની તબિયતમાં સુધારો થયો અને એને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા મળી ત્યારે એણે રીયાને મળવાની ઈચ્છા વ્યકત કરી.રીયાને આઈ.સી.યુ.રૂમમાં રાખી હતી.ડૉ.સિંઘની ભલામણથી કનિષ્કને આઈ.સી.યુ.માં જવા દેવા માટેની મંજુરી મળી ગઈ.કનિષ્ક જયારે રીયાને મળવા માટે ગયો ત્યારે એ દવાની અસર નીચે ઘસઘસાટ સુતી હતી.કનિષ્ક એના બેડ પાસે જઈને ઊભો રહ્યો અને એના સૌમ્ય ચહેરાને જોઇને થોડો વખત એમ જ ઊભો રહ્યો અને સ્મિત કર્યું.રીયાની પાસે જઈને એના કપાળ પર એક હળવું ચુંબન કર્યું અને સડસડાટ રૂમની બહાર નીકળી ગયો.
Chapter 18
કનિષ્ક ઘણી વાર અડધી રાતે આવીને એ ચાર રસ્તા પર બેસતો જ્યાં એને થોડી શાંતિ લાગતી.આજે પણ એ ચાર રસ્તા પર આવીને બેઠો ત્યારે ત્યાં જે એક ગાંડો બેસતો હતો એ સુતો હતો.લાઈટના અજવાળા નીચે જઈને એ બેઠો.વિચારોની આખી એક શ્રુંખલા ચાલુ થઇ.નાનપણથી લઈને અત્યાર સુધીની તમામ કડવી ક્ષણો નજર સામે ઉભરાઈ આવી.
કનિષ્ક ઘણી વાર વિચારતો કે એનો જન્મ જ શા માટે થયો છે..?..નાનપણથી એ માતા પિતાનો પ્રેમ ઝંખતો પણ એની ગરીબીએ એના માતાપિતાને એટલા મજબુર કરી મુક્યા હતા કે એમને કનિષ્ક માટે ક્યારેય સમય જ ન હતો.કનિષ્ક બાલમંદિરમાં ભણતો ત્યારે જોતો કે ક્લાસના બધા છોકરાઓને એમની મમ્મી લેવા અને મુકવા માટે આવતી જયારે કનિષ્ક આડોશ પડોશમાંથી જ કોઈકની સાથે ઘરે આવી જતો.ઘરે આવીને પણ એ ગલીના નાકે ઊભો રહીને કારખાનામાં કામ પર ગયેલી એની મમ્મીની રાહ જોતો.દુરથી એની મમ્મીને આવતી જોઇને એ એના મમ્મી તરફ દોડતો અને ગળે વળગી પડતો.એ ઘર સુધી આવતા ત્યાં સુધી જ એને એ પ્રેમ મળતો અને વળી પછી મમ્મી ઘરના કામમાં લાગી જતી.કનિષ્ક એની મમ્મી રસોઈ બનાવતી ત્યારે જ જમવા બેસી જતો.ઘરનું કામ કાજ પૂરું કરીને એની મમ્મી કનિષ્ક પાસે આવે ત્યાં સુધીમાં તો કનિષ્કને ઊંઘ આવી જતી.રોજનો બસ આ જ ક્રમ..રવિવારની એ ખુબ આતુરતાથી રાહ જોતો કેમ કે રવિવારના દિવસે જ એના મમ્મી સાથે પૂરો દિવસ પસાર કરી શકતો.
ઘણી વાર કનિષ્કને થતું કે મમ્મી તેને એના ખોળામાં ક્યારેય નથી સુવડાવતી કે ક્યારેય એના હાથે કોળીયો પણ નથી આપતી.કનિષ્ક એ બાળસહજ પ્રેમ માટે ઝૂરતો હતો.કનિષ્ક પણ સમય કરતા વહેલા જ જાણે મોટો થઇ ગયો હતો અને મમ્મીની પરિસ્થતિ સમજી શકતો હતો પણ છતાંય મનના કોઈક ખૂણામાં એ પ્રેમની તરસ રહી જ ગઈ હતી.ઉંમર કરતા વહેલી સમજણ આવી ગઈ હતી એટલે એ ક્યારેય પોતાના પ્રોબ્લેમ એના મમ્મીને ન કહેતો.ક્યારેક એનો ઉકેલ આવી જતો પણ ક્યારેક એ અંદરને અંદર એટલું ઘૂંટાતો કે રાતે બે હોઠ દબાવીને મોઢામાંથી એક ઊંહ્કારો પણ ન નીકળે એમ એ રોઈ પડતો અને મન હળવું કરી લેતો.
કનિષ્કને એના પપ્પાનો ખુબ ડર લાગતો.ભણવામાં તો એ પહેલેથી હોશિયાર હતો અને એટલે જ કનિષ્કની મમ્મી રાત દિવસ મહેનત કરીને એની સ્કુલ ફી માટે પૈસા ભેગા કરતી.પણ કનિષ્ક જયારે બીમાર પડતો ત્યારે એ અંદરથી ખુબ ડરી જતો.એ માસુમ જીવને જયારે એના પપ્પા દવાખાને લઇ જતા અને બીમારી થોડીક ગંભીર હોય અને દવા પાછળ જો વધુ ખર્ચો થઇ જતો તો એના પપ્પા કનિષ્ક ઉપર ચિડાઈ જતા.કનિષ્ક એમની તીક્ષ્ણ તિરસ્કાર ભરેલી નજરો સામે નજર ન મળાવી શકતો એટલે એ બીજી તરત નજર ફેરવી લેતો.બીમારીથી એટલે જ એ ખુબ ડરતો અને હંમેશા આગ્રહ કરતો કે એ બીમાર પડે ત્યારે એ એના મમ્મી સાથે દવાખાને જાય પણ કમનસીબે એના પપ્પા સાથે જ જવું પડતું.ઘણી વાર એને ઘરમાં ઉધરસ પણ આવતી તો એ દબાવીને રાખતો કેમ કે એણે જેટલી વખત જોરથી ઉધરસ આવતી એટલી વખત એણે એના પપ્પાની નજરનો સામનો કરવો પડતો અને કનિષ્કને એવું લાગતું કે એનાથી કોઈક મોટી ભૂલ થઇ ગઈ છે.એ તો એના પપ્પાની મજબૂરી હતી કે દવાના પૈસા ન હોવા છતાંય ઘણી વાર પગારનો મોટો ભાગ કનિષ્કની બીમારી પાછળ ખર્ચાય જતો એટલે એના પપ્પા એના તરફ તિરસ્કારભરી નજરે જોતા.પણ કનિષ્ક આ વાત સમજી શકે એ ઉંમરે પહોંચે એની પેલા જ એના પપ્પા પ્રત્યે કનિષ્કને ઘૃણા અને તિરસ્કારની ભાવના જન્મી ચુકી હતી.
નાનપણથી બનતી દરેક ઘટનાએ કનિષ્કના વ્યક્તિત્વ ઘડતરમાં બહુ મોટો ફાળો ભજવેલો હતો.બહુ નાની ઉંમરથી એને જાણે સમજાય ચુક્યું હતું કે પ્રેમ મેળવવો એ એના નસીબમાં નથી.એ માત્ર કોઈકને દિલ ફાડીને પ્રેમ કરી શકશે પણ બદલામાં ક્યારેય પ્રેમ પાછો નહિ મળે.એના આ જીવનને નજીકથી જેણે જોયું હતું એવા બે વ્યક્તિ તરંગ અને રીયા પણ એના જીવનના વર્તુળથી ઘણા દુર ચાલ્યા ગયા હતા.રીયા સામે એણે પ્રેમનો એકરાર કર્યો પછી ફરીથી ક્યારેય એની સામે વાત કરવાની હિંમત ન ચાલી અને રીયા પણ કનિષ્ક સાથે સામે ચાલીને વાત ન કરી શકી.રીયાને કીડની આપ્યા પછી પણ કનિષ્ક એવું જ વિચારતો રહ્યો કે રીયાને પ્રેમ કરવો હતો, દિલ ભરીને કર્યો અને કરતો રહેશે.રીયાને એ વાતનો અંદાજો ન આવે એની પણ પુરતી કાળજી લીધી જેથી કરીને રીયા જે જિંદગી અને જીવનસાથી પસંદ કરે એમાં એની પોતાની જ પસંદગી હોય.
તરંગ તો ક્યાંક અનંતમાં ખોવાય ચુક્યો હતો જ્યાં ધારીને પણ એ જઈ શકે એમ ન હતો.
નિરાશા અને એકલતાએ જ પહેલેથી સાથ નિભાવ્યો હતો અને હજુ પણ એ જ સાથ નિભાવતા હતા.જયારે રીયાની ખુબ યાદ આવતી ત્યારે એ બંધ આંખોએ મૂંગી ચીસો સાથે રોઈ લેતો.
Chapter 19
કનિષ્ક યુ.એસ. એમ્બસીમાંથી બહાર નીકળ્યો અને મુખ્ય રસ્તા પર આવીને ઊભો રહ્યો.ચહેરા પર સ્મિત હતું.સંતુષ્ટતા હતી.ભવિષ્યના ગર્ભમાં શું રહેલું છે એ જાણવાનો રોમાંચ હતો.પગમાં જાણે ઘણા દિવસ પછી થનગનાટ થયો હોય એમ લાગતું હતું.જાણે હમણાં એ રસ્તા પર દોડવા માંડશે અને એક ઉંચી ઉડાન ભરી લે એવો થનગનાટ.કનિષ્કે આકાશ તરફ નજર કરી.સુરજ હજુ વાદળોની પાછળ સંતાયેલો હતો.
ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો.કનિષ્ક દોડીને ફૂટપાથ પર હરોળબંધ ઉગાડેલા વૃક્ષો નીચેથી ચાલતો આગળ વધ્યો.વૃક્ષોના પાંદડામાંથી સરકતી પાણીની બુંદો એના શર્ટ પર પડતી તો ક્યારેક પેન્ટ ઉપર પડતી અને કપડા પર જ ફેલાઈ જતી.રસ્તા ભીના થઇ ચુક્યા હતા અને હવા વરસાદની સુગંધથી તરબોળ બની ગઈ હતી.
કનિષ્કે પાછળ જોયું અને ફૂટપાથ પરથી નીચે ઊતરીને મુખ્ય રસ્તા પર આવ્યો.હાથ લાંબો કરીને એણે ટેક્ષી રોકી.
“મરીન ડ્રાઈવ ચલોગે..?” કનિષ્કે કપાળ પર હાથ રાખીને વરસાદની બુંદોને આંખો પર પડતા રોકી.
“હા..બેઠીએ...” ડ્રાઈવરે પાછળની સીટ તરફ ઈશારો કરતા કહ્યું.
ડ્રાઈવરે ટેક્ષીનું મીટર શૂન્ય પર સેટ કર્યું ત્યાં સુધીમાં કનિષ્ક ટેક્ષીમાં બેસી ચુક્યો હતો.ડ્રાઈવરે ગાડી મરીન ડ્રાઈવ તરફના રસ્તે હંકારી મૂકી.
કનિષ્ક ટેક્ષીની બારીમાંથી દેખાતું મુંબઈ નિહાળી રહ્યો હતો.બારી બહારના દ્રશ્યો ઝડપથી બદલાતા જતા હતા.મુંબઈ આજે અલગ મિજાજમાં હતું.જાણે કે એ મુંબઈને પહેલી વાર જોતો હોય એમ વિસ્મયપૂર્વક એની આંખો ચકળવકળ થતી હતી.તરંગ સાથે હોત તો એણે જરૂર કહ્યું હોત..”વર્જિન મુંબઈ..”
ટેક્સી ક્યારેક ડાબી તરફ ટર્ન લેતી તો ક્યારેક જમણી તરફ ટર્ન લેતી.દરેક વળાંક પર જાણે બીજું અલગ પ્રકારનું મુંબઈ ચાલુ થતું.કનિષ્ક ક્યારેક આકાશમાં ઊંચે વાદળો તરફ જોતો તો ક્યારેક એ ઝરમરતા વરસાદમાંથી સામેની તરફ કંઇક જોવાની કોશિશ કરતો.ટેક્ષી ક્યારે મરીન ડ્રાઈવ પર આવીને ઊભી રહી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો.
“ભૈયા..કિતના હુઆ..?” કનિષ્કે ટેક્ષીનો દરવાજો ખોલવાનું હેન્ડલ પકડતા કહ્યું.
“૧૮૦...”
કનિષ્કે ૨૦૦ રૂપિયા આપીને ડ્રાઈવરને ચેન્જ રાખી લેવા માટે કહ્યું.
ટેક્ષીમાંથી ઊતરીને કનિષ્ક મરીન ડ્રાઈવના વિશાળ ફૂટપાથ પર આવીને ઊભો રહ્યો.આંખો સામે મરીન ડ્રાઈવનો દરિયો હતો જે આજે રોજ કરતા વધુ ઊંચા મોજા કાંઠા તરફ ફેંકી રહ્યો હતો.માથા પર કાળા વાદળાઓથી છવાયેલું આકાશ પણ જાણે સિંહગર્જના કરતું હતું અને પીઠ પાછળ આખું મુંબઈ કોઈક અચોક્કસ દિશા તરફ દોડી રહ્યું હતું.
આજે ઘણું બધું યાદ આવી રહ્યું હતું.ઘણા સંસ્મરણો મનની સપાટી પર સ્પષ્ટપણે ઊભરાઈ આવતા હતા.મરીન ડ્રાઈવના આ વિશાળ ફૂટપાથ પર ચાલતા ચાલતા એણે તરંગ સાથે પોતાના સપના વહેચ્યા હતા.
કનિષ્કે ધીમે ધીમે ફૂટપાથ પર ચાલવાનું ચાલુ કર્યું.તરંગે જે ટેરેસ બતાવ્યું હતું એ ટેરેસ આજે વરસાદી વાતાવરણમાં ધૂંધળું દેખાતું હતું.હજુય એ ટેરેસ પર ઢાંકેલું લીલા રંગનું કપડું દેખાતું હતું.કનિષ્ક ચાલતો ચાલતો એ કોફીબાર પાસે આવ્યો જ્યાં એ તરંગ સાથે તરંગના મનપસંદ ઢોંસા અને કોફીની મજા માણવા માટે આવતો.
કનિષ્ક એક મુકામ પર આવીને ઊભો રહી ગયો.મરીન ડ્રાઈવની પાળ પર એ બેઠો.પાછળ દરિયાની ક્ષિતિજ પર વીજળીના કડાકા થતા હતા.સામે વરસતા વરસાદની બુંદોને ચીરતા વાહનો પસાર થતા હતા.કનિષ્કના માથાના વાળ ભીંજાઈ ચુક્યા હતા અને પાણીની બુંદો એના વાળ પરથી સરકતી કપાળ પર થઈને આંખની પાંપણો સુધી આવીને ઘડીક થંભી જતી અને પછી હળવેકથી આંખમાંથી ઉભરાઈ આવતા ખારા આંસુ સાથે ભળી જતી.
“તરંગ....રીયા...” કનિષ્કના મોઢામાંથી આ બે શબ્દો સરી પડ્યા.
વરસાદ વધતો જતો હતો.દરિયા પર થતી વીજળીના ચમકારા ભયાવહ બનતા જતા હતા.
“તરંગ તું હોત તો કદાચ અહી ...મારે તને ઘણું બધુ કહેવું હતું...આજે મને યુ.એસ.ના વિઝા મળી ગયા..આજે મારા સપના તરફ એક ડગલું આગળ વધ્યો હોય એવો અહેસાસ થાય છે.હજુય એ ટેરેસ એમ જ પડ્યું છે જ્યાં આપણે મારું રેસ્ટોરેન્ટ ખોલવાની વાત કરી હતી.ત્યાં જયારે સાંજના સમયે લોકો એમના દોસ્તો કે એમના પરિવાર સાથે આવીને બેસશે અને દુનિયાના દુઃખ દર્દ બે ઘડી ભૂલીને એમની મસ્તીમાં ખોવાતા જોઇશ ત્યારે મને મારું સપનું સાકાર થયું હોય એવું લાગશે...તરંગ.....હવે હું કોને મારી આ સપનાની દુનિયામાં લઇ જઈશ..?”
કનિષ્કનું હૈયાફાટ રુદન વીજળીની ગર્જના અને વાહનોના અવાજમાં ભળી જતું હતું.કનિષ્કે બળપૂર્વક આંખો મીંચી દીધી હતી છતાંય ખબર નહિ આંસુ ક્યાંથી બહાર આવી જતા હતા.હોઠ ભીંસીને એણે ખોબામાં પોતાનો ચહેરો રાખી દીધો અને કુદરતને મૌન ફરિયાદ કરવા માંડ્યો.કનિષ્કની ફરિયાદ સામે કુદરત પણ લાચાર બની ગઈ હોય એમ નાસીપાસ થઈને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ વરસાવવા માંડી.કનિષ્ક પણ એ જ જગ્યાએ બેસીને ઘણા સમય સુધી ભીંજાતો રહ્યો.
સાંજ ઢળવામાં હતી.વરસાદ બંધ થઇ ચુક્યો હતો.વરસાદ આવ્યા પછી ઘણા યુગલો મરીન ડ્રાઈવ પર આવીને બેઠેલા હતા.અમુક યુગલો છત્રી પાછળ વરસાદની બુંદો વચ્ચે એકબીજાને ચુંબન કરતા અને એકબીજાને આશ્લેષમાં લઈને કલાકો સુધી બેસી રહેતા.
કનિષ્ક પાળ પરથી ઊભો થયો અને મુખ્ય રસ્તા પર આવીને ઊભો રહ્યો.હાથ ઉંચો કરીને ટેક્ષી ઊભી રાખી.ટેક્ષીમાં બેઠો એવી જ એ ટેક્ષી ચર્ચગેટ સ્ટેશન તરફ ભાગવા માંડી.
******
ચર્ચગેટ સ્ટેશનના એન્ટ્રી ગેટ પાસે ટેક્ષી આવીને ઊભી રહી.ભાડું ચૂકવીને કનિષ્ક ટેક્ષીમાંથી બહાર ઊતર્યો અને સ્ટેશનની અંદર દાખલ થયો.સાંજનો સમય હતો.સ્ટેશન પરની ભીડ વધતી જતી હતી.દિવસભરનો થાક,ચિંતા,તણાવ જાણે આ ભીડના ચહેરા પર દોરેલા હતા.આજે સામે આવતા ચહેરા અજાણ્યા લાગતા હતા.આટલી ભીડમાં પણ જાણે કંઇક ખૂટતું હતું.રોજ જે ભીડમાં કનિષ્ક ઓગળી જતો એ ભીડ આજે એનાથી અલગ હોય એમ લાગતું હતું.કનિષ્ક સ્ટેશન પર જાણે બધું તટસ્થભાવે નિહાળી રહ્યો હતો.આજે જાણે એ ભીડનો ભાગ હતો જ નહિ એવું લાગતું હતું.એક પછી એક ટ્રેન પ્લેટફોર્મ પર આવતી અને માણસોથી ખીચોખીચ ભરાઈને ભાગી જતી.
કનિષ્ક ટીકીટ વિન્ડોની સામે લાગેલી કતારમાં જઈને ઊભો રહી ગયો.આસપાસની દુનિયા હજુય વિસ્મયપૂર્વક નિહાળી રહ્યો હતો.ખિસ્સામાંથી રૂમાલ કાઢીને એણે કપાળ પર બાઝેલી પરસેવાની બુંદો લુછી.રૂમાલ આછો ભીનો થયો.કતારમાં લોકો ધીરે ધીરે આગળ ખસતા જતા હતા.સ્ટેશન પરના અલગ અલગ પ્રકારના ઘણા અવાજો મળીને કોલાહલનું એક લયબદ્ધ સંગીત રચતા હતા.
ટીકીટ લઈને કનિષ્ક નિયત પ્લેટફોર્મ તરફ આગળ વધ્યો.કનિષ્કની આસપાસથી પસાર થતા લોકો ટ્રેન પકડવા માટે લગભગ દોડતા હતા પણ કનિષ્ક પૂરી સ્વસ્થતાથી ચાલતો હતો.કનિષ્કના ઘર તરફ જતી ટ્રેન તેની સામેથી પસાર થઇ છતાંય કનિષ્ક આજે એ ટ્રેન પકડવા માટે દોડ્યો નહિ.ટ્રેનને એની ગતિથી નજર સામેથી પસાર થઇ જવા દીધી.ટ્રેન સામેથી પસાર થઇ એ સાથે જ રીયા સાથે બનેલી એક ઘટના નજર સામે ઉભરાઈ આવી.એક દિવસ આવી જ રીતે નજર સામેથી સરકતી ટ્રેનને પકડવા માટે રીયાએ દોટ મૂકી હતી અને ભાગીને એ ડબ્બામાં ચડી ગઈ હતી.એણે પાછળ ફરીને જોયું તો કનિષ્ક હજુય પ્લેટફોર્મ પર જ ઊભો હતો.એનું ધ્યાન હજુય ટ્રેનની બીજી તરફ હતું.રીયાએ બૂમ મારી ત્યારે તેનું ધ્યાન ભાગતી ટ્રેન અને ડબ્બાના દરવાજામાં ઊભેલી રીયા તરફ ગયું.એણે બીજી ક્ષણનો વિચાર કર્યા વગર જ દોટ મૂકી.ટ્રેનની વધતી જતી ગતિ સાથે તાલ મળાવીને એ ઝટકા સાથે ડબ્બામાં ચડી ગયો અને હાંફતો હાંફતો એ રીયાની બાજુમાં જઈને ઊભો રહી ગયો અને બંને એકબીજા સામે જોઇને ખડખડાટ હસી પડ્યા હતા.
કનિષ્ક યાદોના વિશ્વમાંથી બહાર આવ્યો ત્યારે સામે એક બીજી ટ્રેન આવીને પ્લેટફોર્મ પર ઊભી રહી ચુકી હતી.લોકો ધક્કામુક્કી કરતા ડબ્બામાં દાખલ થયા ત્યારે એ ભીડમાં કનિષ્ક પણ ભીડના પ્રવાહમાં ડબ્બાની અંદર ધકેલાય ગયો.ભીડ હજુય અચળ જ હતી.સ્ટેશન પરના લાઉડ સ્પીકરમાંથી ટ્રેનના ઉપડવાના સમયની જાહેરાત થઇ રહી હતી.
સહેજ ઝટકા સાથે ટ્રેન ઉપડી.કનિષ્કે પકડેલા હેન્ડલની પકડ સહેજ ઢીલી થઇ અને વળી એણે મક્કમતાથી હેન્ડલ પકડી રાખ્યું.પવનની એક લહેરખી ડબ્બામાં પ્રવેશી અને ડબ્બાના તમામ મુસાફરોને હળવો હાશકારો થયો.
કનિષ્કની નજર વિન્ડો સીટ પર ગઈ.ત્યાં એક છોકરી અને એક છોકરો બેઠા હતા.બંને એમના નાનકડા વિશ્વમાં મશગુલ હતા.એમણે એમની એક નાનકડી દુનિયા રચેલી હતી જ્યાં આ ટ્રેનની ભીડ,પરસેવાની ગંધ,કોલાહલ એવું કશું જ ન હતું.એમના એ નાનકડા વિશ્વમાં જે હતું એ કદાચ માત્ર કનિષ્ક જ સમજી શકતો હતો.ટ્રેન મુંબઈની ભીડમાં દુર ક્યાંક ક્ષિતિજમાં ગરકાવ થઇ ગઈ અને કનિષ્ક પણ..........
આભાર
મારા માતા-પિતાનો.... એમનો આભાર વ્યક્ત કરી શકું એટલી મારી લાયકાત નથી અને એમનું ઋણ તો હું હજાર જન્મો પછી પણ નહિ ચૂકવી શકું.
શ્રી કૃષ્ણ...જે એક ભગવાન કરતા વધુ મારો મિત્ર હોય એવો હંમેશા અહેસાસ થયો છે અને જેની સાથે મેં નાનકડી ખુશીથી માંડીને મોટામાં મોટું દુઃખ વહેચેંલુ છે.
મારા સ્કુલ-કોલેજના મિત્રો,ઓફિસના મિત્રો અને બીજા તમામ મિત્રો જેમના વગર આ જિંદગીની કલ્પના જ ન થઇ શકે.
મારા એ મિત્રો જેમને વાંચવામાં જરાય રસ નથી અને આ મારી પહેલી લઘુનવલ હોવા છતાંય જે વાંચવાના નથી એવા મારા જીગરજાન મિત્રો.
મારા મિત્ર તરંગના પપ્પા અને મારા પણ ખાસ મિત્ર એવા શ્રી કિશોર અંધારિયા જેમણે વાંચન-લેખનની દુનિયામાં મને હંમેશા માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
મારા સ્કુલ-કોલેજ તેમજ ટયુશનના તમામ શિક્ષકો જેમણે જીવનના દરેક મહત્વના તબક્કાઓ વખતે સાચી દિશા ચીંધવાનું અને એ દિશા તરફ ચાલવાની હિંમત આપવાનું કામ કર્યું છે.
આ પુસ્તકના પ્રથમ વાચકો ભરત,રુચિતા અને આર્યા ભટ્ટ.
જીલ શેઠ...જેણે આ પુસ્તકનું મુખપૃષ્ઠ ડીઝાઇન કર્યું છે.
રાજુલા શાહ...જેમની કવિતા આ પુસ્તકના પ્રથમ પાનાં પર મુકેલી છે.
જિંદગીના રસ્તા પર મળતા એ દરેક સહપ્રવાસી જે અડધે રસ્તે મુકીને ચાલ્યા ગયા છે અને જે હજુય સાથે ચાલી રહ્યા છે.
પુસ્તકો જે હંમેશા સાથે રહ્યા છે અને મરતા સુધી જે સાથે રહેવાના છે.
વાચકમિત્ર સાથે સંવાદ....
પુસ્તક લખવા પાછળ કાળી મજુરી કરી છે એવું તો નહિ કહું કેમકે મને લખવું ગમ્યું છે એટલે લખ્યું છે.માનસિક રીતે યાતના ભોગવી હોય એવું ક્યારેક લાગ્યું છે જ્યારે આ પુસ્તકના પાત્રો એ મારી ખોપડીમાં રીતસરનું તોફાન મચાવી દીધું હતું અને એટલે જ એમને વ્યકત કરવા બહુ આવશ્યક થઇ પડ્યું હતું.તમને ક્યાંક આ વાર્તા સ્પર્શ કરી ગઈ હોય એવું લાગે કે એના પાત્રો,ઘટના કે કોઈ પ્રસંગ તમારા મનને સ્પર્શી જાય તો મને નીચેના મોબાઈલ નંબર પર કે ઈ-મેઈલ આઈડી પર જરૂરથી જણાવજો.
M : +91-9712600042
Email : cevinpatel@gmail.com
Facebook id : https://www.facebook.com/kevin.patel.988?ref=bookmarks
વધુમાં જો આ રચના પેમેન્ટને લાયક લાગે તો નીચે પેમેન્ટ માટેની વિગતો આપેલી છે.
PayTm number : 9712600042
UPA ID : 9712600042@icici
Bank Details
Name : Patel Kevinkumar Arvindbhai
A/C no. : 000305015237
A/c type: current Account
IFSC code: ICIC0000003
Branch: Race Course Circle