દોસ્ત, મને માફ કરીશ ને Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્ત, મને માફ કરીશ ને

દોસ્ત, મને માફ કરીશ ને ?

લેખક

નીલમ દોશી

દોસ્ત, મને માફ કરીશ ને ?

( કલાગુર્જરી મુંબઇ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા બેસ્ટ બુક એવોર્ડ ઓફ વરસ 2014 )

આનું નામ નવલકથા..

માનવજીવનની સર્વોચ્ચતા અને અને અધમતા વિશે જગતનો ઇતિહાસ ભર્યો પડયો છે. માનવહ્રદયની બે સર્વોચ્ચ વિભાવનાઓ ..એક પ્રેમની અને બીજી ધિક્કારની ..મુઠીભર હ્રદયમાં ધબકતી આ બે લાગણીઓએ છેક આદમ અને ઇવથી માંડીને જગતભરની પ્રજાઓના હજારો સંબંધોના ઉત્તમ અને અધમાધમ, પાવિત્ર્ય અને પૈશાચિકતા, પયંગબરી અને રાક્ષસી બધા જ પ્રકારો પ્રગટાવ્યા છે. જયભિખ્ખુ તેથી જ કહે છે,

“ આદમી છે દેવ, શેતાનનો ચેલો “ આ મુઠ્ઠીભર હ્રદયમાં પ્રેમ પ્રગટે છે ત્યારે મનુષ્યનું ઇશ્વરીપણું પ્રગટે છે. અને ધિક્કાર પ્રગટે છે ત્યારે સ્વનાશ અને સર્વનાશની બધી જ રિતરસમો પ્રગટ થાય છે. આશ્ર્સ્વર્યની વાત કેવી છે કે પ્રેમની સર્વોચ્ચ લાગણીના શિખર પર પણ વેર અને ધિક્કાર બિરાજે છે.. તો વેરના સર્વોચ્ચ શિખરે પ્રેમ બિરાજે છે. આપણા મહાકાવ્યો..રામાયણ અને મહાભારત એના જવલંત ઉદાહરણો છે.

પ્રેમ ઇશ્વર સમો અવ્યાખ્યેય છે. માનવહ્રદયને અને જીવનને અજવાળતો પ્રેમ શબ્દાતીત અને અર્થાતીત છે. પ્રેમ જાગે છે ત્યારે જીવનના મધુર અને પવિત્ર અર્થો પ્રગટે છે..પણ એ જ પ્રેમ જયારે અધિકાર માગે છે ત્યારે એ એનું સત્વ ગુમાવે છે.

પ્રેમ અને નફરતની બંને વિભાવનાનું “દોસ્ત, મને માફ કરીશ ને ? “ નવલકથામાં નીલમબેને ઉકૃષ્ટ અને ભાવવાહી શૈલીમાં આલેખન કર્યું છે. લોકસત્તા, જનસત્તાની રવિવારીય પૂર્તિ “ મહેફિલ”માં તેના આરંભથી અંત સુધી પ્રત્યક્ષ થવાનું બન્યું. તે સમયે સાપ્તાહિક એડીટોરીલ કાર્યમાં તેના સત્વ સુધી પૂર્ણતયા ન પહોંચી શકાય તે સ્વાભાવિક છે. પરંતુ આ નવલકથા વિશે લખવાનું આવ્યું ત્યારે ફરી એકવાર આખી નવલકથા ભાવક તથા અવલોકનકાર તરીકે અભ્યાસદ્રષ્ટિથી વાંચી ગયો. આ અનુભવ ઉમદા અને નવો નીકળ્યો. સમગર નવલકથ અને ગે જે તારણો નીકળ્યા તેની નોંધ પણ કરતો ગયો. ત્યારે ફરીથી આ સંવેદનરસી નવલકથામાંથી ઋજુલ પ્રતિભાવો અને તેની બળકટતા પ્રગટ થતા ગયા તે પણ અનુભવાયું..

નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ..ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. પ્રેમની પવિત્રતા શિશુવયમાં પ્રગટે તેની નિર્મળતા અલૌકિક હોય છે.

નવલકથાનો ઉઘાડ નિસર્ગ અને ઇતિના નિર્મળ વ્યક્તિત્વ સાથે થાય છે. નાનપણમાં ઉછરેલો પ્રેમ કિશોરવય સહજ મસ્તી, તોફાનની નિર્દોષતામાં વિકસતો જાય છે. ઇતિના આરંગેત્રમ વખતે અનિકેતે ઇતિને એક મ્યુઝીકલ ઘડીયાળ ભેટ આપ્યું..

“ આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર, સમયથી પર હશે એવા કોઇ શબ્દો વિના જ... “

અનિકેતની બહેન અમેરિકામાં હતી. તેણે તેના કુટુંબને અમેરિકા બોલાવી લીધું. અનિકેતની વિદાયના એ પ્રસંગે ઇતિ અને અનિકેતના પ્રબળ ભાવવાહી પ્રસંગનું કરૂણમંગલ સ્થિતિનું હ્રદયસ્પર્શી વર્ણન વાર્તાના પ્રવાહને વેગ આપે છે. એ

કાવ્યમય ક્ષણો ભાવકને અચૂક ભીંજવી રહે છે.

કાળનું ચક્ર ફરે છે. અને ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અનિકેતને કહેતી રહે છે..જેમાં દરેક વખતે અનિકેત હાજર છે.અરૂપ..એક પુરૂષ એ સહન નથી કરી શકતો..ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે.પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી. ઇતિને અનિકેતથી દૂર કરવાના પેંતરા કરતો અરૂપ હકીકતે અસુરક્ષાની ભાવનાથી પીડાય છે. અરૂપના પ્રેમભર્યા હ્રદયમાં અનિકેત માટે નફરત, ધિક્કાર, વેરની આગ ભભૂકે છે. અને આ આગ માનવીને સારાસારનું ભાન ન ભૂલાવે તો જ નવાઇ.. અનિકેત મરી જાય છે..એ વાત પણ અરૂપ ઇતિથે છૂપાવે છે.મૃત્યુને આંગણે ઉભેલા અનિકેતને અંતિમ ક્ષણોએ પણ ઇતિ મળી ન શકે એ માટે મથતો રહે છે.

અનિકેત હવે આ દુનિયામાં નથી..એ સમાચાર ઇતિને મળતા તે આઘાતથી મૂઢ બને છે. પણ એ આઘાત કંઇ ફકત અનિકેતના મૃત્યુનો નથી. એ આઘાત અરૂપે તેની સાથે કરેલા આવા વર્તનનો.. અરૂપના આ હીન કક્ષાના સ્વરૂપનો પરિચય સરળ ઇતિના ચિતત્તંત્રને આંચકો આપી ગયું. ઇતિ કોઇ પણ સંવેદન રહિત, જડ બની ગઇ.. ઇતિની આ સંગદિલ સ્થિતિથી હચમચી ગયેલા અરૂપના હૈયામાં પસ્તાવાનું પાવક ઝરણું પ્રગટયું. તે રાત દિવસ રડીને ઇતિની માફી માગતો રહ્યો. શબવત બની ગયેલી ઇતિ સમક્ષ પોતાના પાપનો..પોતાની ભૂલોનો એકરાર દિલની પૂરી સચ્ચાઇથી કરતો રહ્યો..માફી કે સજા માગતો રહ્યો.પરંતુ હવે મૂઢ બની ગયેલી ઇતિ એ સમજી શકે..સાંભળી શકે એવી ચેતના ગુમાવી બેઠી હતી. અરૂપ પ્રેમનો સાચો અર્થ પામ્યો હતો. પણ કયા ભોગે ?

એવા સમયે અરૂપનો મિત્ર, અંકુર, તેની પત્ની વૈશાલી અને તેના બે નાનકડાં બાળકો..પરમ, પરિનિ તેમને ઘેર આવે છે. નિસંતાન ઇતિના હ્રદયમાં એ બંને બાળકો કેવી રીતે વાત્સલ્યનું ઝરણું ફરીથી વહેતું કરે છે..મૂરઝાઇ ગયેલી ઇતિમાં કેવી રીતે નવજીવનનો સંચાર થાય છે. અરૂપનો સ્નેહ કઇ ઉંચાઇએ પહોંચે છે..એનું હ્રદયસ્પર્શી આલેખન, મનને રણઝણાવી રહે છે. અરૂપ મનોમન પોતાના દોસ્ત અનિકેતની માફી માગતો રહે છે. અને અંતમાં ઇતિ અને અરૂપ કેવી રીતે બે બાળકોને અનાથાશ્રમમાંથી દત્તક લાવે છે..એ પ્રસંગોનું ભાવવાહી ચિત્રણ સહ્દયી ભાવકોની આંખો અવશ્ય ભીંજવી જશે. અંતે આકાશના તારામાં જાણે અનિકેતને નીરખી રહ્યો હોય તેમ અરૂપ તારો બની ગયેલા દોસ્તની મનોમન માફી માગતા બોલી ઉઠે છે..

“ દોસ્ત, મને માફ કરીશ ને ? “ શીર્ષકના આ શબ્દો સાથે નવલકથા પૂરી થાય છે.

અરૂપ… નામ પ્રમાણે જ રૂપ, અરૂપભરી લાગણીઓ અનુભવી. ઇતિનો ગુનેગાર થયો. પરંતુ ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે. પ્રેમના ફરિશ્તા સમા ઇતિ અને અનિકેતનું પાત્રાલેખન સંવેદનાની નિર્મળતા સાથે જે રીતે આલેખાયેલું છે તે સર્જકચિત્તની અનાયાસ શક્તિનું સ્વયંભૂ નિર્વહણ કેવું હોય તેનો સતત ભાવાનુભવ કરાવે છે. સમય નિરવધિ છે. ( ભવભૂતિ કહે છે.. કાલો હ્યયં નિરવધિ વિપુલા ચ પૃથિવિ ) કાળ યુગોથી અપ્રતિમ વિજેતા રહ્યો છે. એણે સર્જેલી ક્ષણોના પરિતાપ વેઠવા જ રહ્યા. ઇતિ, અનિકેત અને અરૂપ કાળના હાથના રમકડાં.. કાળ મહાન છે એની પ્રતીતિ નવલકથામાં સતત થતી રહે છે.

નવલકથામાં પાત્રોના અતીત અને વર્તમાનનું ખૂબ સરસ ગૂંફન થયું છે. પ્રસંગાનુરૂપ વાર્તાના કલાત્મક આયામ નિખરતા રહે છે. પાત્રાલેખનમાં એક સર્જક તરીકે જે ધીરતા, પ્રસંગોના આકલનમાંથી તેમના જે મનોભાવો, લાગણીઓ, અને મથામણ પ્રગટવા જોઇએ તે તે કૌશલ લેખિકાની કલમમાંથી સંગોપાંગ ઉતર્યા છે. પ્રકૃતિના મનોરમ વર્ણનો પાત્રોની ભાવ સૃષ્ટિને પ્રગટ કરે છે. ભાષા કે વિદ્વતાની કોઇ ભભક નહીં.. ઓછા પાત્રોની અંતરંગ જીવનની લીલાના આવર્તનો બહું સરળ અને સહજ રીતે નિર્માતા રહ્યા છે. પ્રેમ, અહંકાર અને ધિક્કારની લડાઇમાં પ્રેમનો વિજયધ્વજ ફરકાવતી આ કથાનો આનંદ સાત્વિક આનંદ છે. કાલના ફલક પર માનવી પ્રેમથી જ જીવી શકે અને જીતી શકે..

આજના કોર્પોરેટ યુગમાં સમાજ, માણસો, સંબંધો વગેરે સંકુલ અને સંકીર્ણતામાં ઉઝરડાઇ રહ્યા છે તેવે સમયે માનવહ્રદયની ઉદાત્તતા, ઉત્કૃષ્ટતા વ્યવહાર જગતની ભીડમાં પણ પ્રગટી શકે છે. જીવનની કવિતાનું મધુર અને પવિત્ર ગાન ગૂંજી શકે છે તે તરફ આ નવલકથા નિર્દેશ કરે છે. નવલકથાનું કથા વસ્તુ અને ઘટના તત્વ મજબૂત છે. સાચી સંવેદનશીલતાથી ખળભળતી આ નવલકથા સંઘેડાઉતાર બની છે.દરેક પ્રકરણની કાવ્યાત્મકતા પણ સ્પર્શ્ય બની રહે છે. નવલકથાનું સમગ્રતયા પોત કસબના તાણાવાણા સાથે સુધડ રીતે વણાયું છે. જીવન પ્રેમ અને ધિક્કાર..બંનેને સ્પર્શે છે ત્યારે કેવા કરૂણમંગલ ચડાવ ઉતાર વેઠવા પડે છે…. જીવન કેવું આજાર બની જાય છે તેની કરૂણગાથા આ નવલકથામાં સુપેરે પારગામી બની રહે છે.

સર્જનકલાની એક ખૂબી નોંધવાનું પણ મન થાય છે. કરૂણતા આલેખતી જગતની ઉત્તમ કૃતિઓ વાંચીને ભાવક છેવટે આનંદ અને પરિતોષ પામે છે. પીડા શેષમાં આનંદ મૂકતી જાય તે પણ સર્જનલીલાનો કેવો ગૂઢ ચમત્કાર..!

આથી જ આ કૃતિ વાંચ્યા, સમજયા અને માણ્યા પછીનો મારો હર્ષોદગાર આ છે..

“ આનું નામ નવલકથા “

અ.સૌ. નીલમબેનને અંત:કરણની શુભેચ્છાઓ, શુભાશિષો, અને આવી અનન્ય કૃતિઓ દ્વારા ગુજરાતી ભાષાને જીવાડવાના સર્વે પ્રયાસો થતા રહે એવી શુભ કામના.. આ પ્રતિભાવનો નીલમબેન આભાર ન માને તેવી વિનંતિ છે .

દેવહુમા( રણછોડભાઇ પંચાલ )

( સંપાદક ..જનસત્તા..લોકસત્તા )

તારીખ 18/2/ 2011

આવકાર

નીલમબહેન દોશીની પ્રથમ નવલકથા “ દોસ્ત મને માફ કરીશને” પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે ત્યારે એમને આવકાર અને અભિનંદન આપું છું.

નીલમબહેને બાળનાટક, નવલિકા, લઘુકથા જેવાં સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સર્જન કર્યું છે. એમના બાળનાટ્યસંગ્રહ.. “ગમતાના ગુલાલ “ ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાધીનગર, દ્વારા તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તક માટે દ્વિતીય ઈનામ પ્રાપ્ત થયું છે. એમણે ડાયરીના સ્વરૂપમાં લખેલું પુસ્તક “ દીકરી, મારી દોસ્ત” વાંચકોનો પ્રેમ મેળવી ચૂક્યું છે. એનો અંગ્રેજીમાં..” ડોટર માય ફ્રેંડ “ નામે અનુવાદ પણ પ્રકાશિત થયો છે. “ કવિતા તેમનો પ્રથમ પ્રેમ છે. તેઓ વિવિધ સામયિકો અને અખબરોમાં નિયમિત રીતે કટાર લખીને માણસના જીવનમાં બનતી નાની નાની વાતો અને માનવસંબંધો પર ઉજાસ પાડે છે. તેઓ પોતાની સર્જનપ્રક્રિયા માટે માને છે: “ ભીતરમાં જે કાંઈ સંઘરાયેલું છે તે અનાયાસે શબ્દરૂપે બહાર આવતું હશે. મારા લખાણમાં સંવેદના ચોક્કસ હોય જ. જે લખું તે ફીલ કરીને દિલથી જ લખું છું.”

નીલમબહેન છેલ્લા પાંચેક વરસથી સાહિત્યસર્જન પરત્વે વિશેષ સક્રિય થયાં છે. તેઓ કહે છે: “મારું શમણું મોટા સાહિત્યકાર થવાનું નથી. મારું સાચું શમણું તો છે અનાથ બાળકો માટે કામ કરવાનું.” સાહિત્યના સેવનથી વિકસેલી સંવેદનશીલતા અને જીવન પ્રત્યેની સમજ એમને સમાજસેવાનાં કામ તરફ ખેંચી જાય એમાં નવાઈ નથી.

પોરબંદરમાં જન્મેલાં નીલમ દોશીએ એમનું લખેલું પોતાના નામે છપાવવાનું શરૂ કર્યું એ પહેલાં તેઓ પોતાની રચનાઓ અન્ય સગાંવહાલાંઓનાં નામે છપાવતાં હતાં. એની શરૂઆત મોટી બહેનના લગ્નપ્રસંગે એમને કશીક અદ્વિતીય ભેટ આપવાના ઉત્સાહમાંથી થઈ હતી. એ ભેટ રૂપે એમણે એમની એક કવિતા બહેનના નામે છપાવી. ત્યાર પછી અન્ય સગાંવહાલાં પણ એમના નામે કોઈ ને કોઈ રચના છપાવવાનો આગ્રહ રાખવા માંડ્યાં. એક વાર નીલમબહેનની એક વાર્તા એમના પોતાના નામે છપાઈ ત્યારે કેટલાંક સગાંવહાલાં નારાજ થઈ ઊઠ્યાં હતાં એવું નીલમબહેન રમૂજપૂર્વક યાદ કરે છે.

તેઓ છેલ્લાં દસેક વર્ષોથી ગુજરાતની બહાર વસે છે. નિજાનંદ માટે પ્રવાસ કરવો ગમે છે. બંને સંતાનો અમેરિકામાં સ્થિર થયાં હોવાથી ભારત અને અમેરિકાની વચ્ચે એમની આવન જાવન ચાલતી રહે છે. એ કારણે એમને વિવિધ સ્થળો અને જુદા જુદા પ્રકારના લોકોનો પરિચય થતો રહ્યો છે. નીલમબહેનને માણસો ગમે છે. માણસ પર અવિશ્વાસ કરવા કરતા વિશ્વાસ મૂકીને કદીક છેતરાવું પડે તો તે પણ તેઓ વધારે પસંદ કરે છે. સંબંધો એમને મન બહુમૂલ્ય મૂડી છે. લાગણીનું મહત્ત્વ એટલું બધું કે જાણે એમનું મન લાગણીનાં એક ટીપાંને મેગ્નિફાય કરીને સાગર જેવડું કરી નાખતું હોય એવું નજીકના મિત્રોનું નિરીક્ષણ છે. તેઓ જીવન પ્રત્યે ભરપૂર સકારાત્મક અભિગમ ધરાવે છે.

આ બધું જ એક વ્યક્તિને સર્જક બનવા માટે ઘણું બધું ભાથું પૂરું પાડે છે. સંવેદનશીલ મન, બીજા લોકો તરફ સમભાવ, સંબંધોમાં ઊંડી શ્રદ્ધા, ચિત્તને સદા ઊર્ધ્વગામી રાખવાની ખેવના વગરે ગુણો એમના વ્યક્તિત્વને પ્રગટાવે છે. નીલમબહેનની પ્રથમ નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશને’ના વિષયવસ્તુ, એનાં પાત્રોમાં દેખાતી સંવેદનશીલતા, જીવન પ્રત્યેની સમજ, સંબંધોની નવી ભૂમિકાની ખોજ જેવી વિવિધતાનાં મૂળ એના સર્જકના ચિત્તમાં જ પડેલાં જોઈ શકાશે.

આ પ્રથમ નવલકથા સાથે ગુજરાતી નવલકથાના પ્રવાહમાં પ્રવેશ કરી રહેલાં નીલમબહેનને હું શુભેચ્છા સાથે આવકાર આપતાં આનંદ અનુભવું છું.

-વીનેશ અંતાણી

કંઇક કહેવું છે....

શબ્દોના સથવારે એકલતાને અકાંતમાં પરિણમવાની મથામણ એટલે મારી આ શબ્દયાત્રા.... પતિ તેના કામમાં અતિ વ્યસ્ત અને બાળકો સાત સાગર પાર...ત્યારે હમેશની જેમ મારા never failing friends પુસ્તકોનો સથવારો જ રહ્યો.પહેલી વાર જયારે ડી.બી. ગોલ્ડમાંથી બાર હપ્તાની લઘુનવલ લખવાનું આમંત્રણ આવ્યું ત્યારે શું કહેવું તે ખબર નહોતી પડી. નવલકથા...અને હું ?

આજ સુધી અનેક નવલકથાઓ વાંચી છે. અશ્વિની ભટ્ટ, દર્શક,ક.મા. મુનશીથી માંડીને રઘુવીર ચૌધરી, વીનેશ અંતાણી..આ બધા મારા પ્રિય લેખકો..એમની નવલકથાઓ એક વાર નહીં અનેક વાર વાંચી છે.અને ત્યારે હમેશા મારા મનમાં પ્રશ્ન અચૂક ઉઠતો કે બાપ રે..! આટલું બધું કેમ લખી શકાતું હશે ? મારો પ્રથમ પ્રેમ તો કાવ્ય જ..પરંતુ છંદની ગાડીપકડી શકાઇ નહીં. કદાચ એ માટે જરૂરી ધીરજનો મારામાં અભાવ. અતિશય ઉતાવળિયૉ સ્વભાવ.. તેથી છંદની ગાડી છૂટી ગઇ અને પધ્યને બદલે ગધ્યના કુછંદે ચડી ગઇ.

નવલિકાઓ, નાટકો, લલિત નિબંધો લખાતા હતા..છપાતા હતા..કયારેક ઇનામ પણ મળતા હતા...અછાંદસ કાવ્યો પણ કયારેક સાવ અચાનક ઉતરી આવતા. પણ નવલકથાઅનું તો સપનું યે નહોતું આવતું.પણ જયારે સામેથી આમંત્રણ આવ્યું ત્યારે હિંમત કરી શરૂ કર્યું. અને મને પોતાને પણ ખબર ન પડી કે બાર પ્રકરણ કયારે કેમ લખાઇ ગયા.એ લઘુનવલ “ખંડિત મૂર્તિ “ છપાણી..ઘણાં વાચકોએ સરસ પ્રતિભાવ આપ્યા...ઉત્સાહ વધ્યો.અને એ જ મૂડમાં “ દોસ્ત, મને માફ કરીશને ? “ના ચાર હપ્તા લઇને શુક્રવારે જનસત્તામાં મળવા ગઇ. કેમકે જનસત્તા પ્રેસ ઘરની સામે જ હતું. તરુણભાઇએ કહ્યું..તમે મૂકી જાવ..અમારા દેવહુમા સાહેબ વાંચશે ને એમને પસંદ આવશે તો છાપીશું.મારા આશ્ર્વર્ય વચ્ચે બીજે જ દિવસે શનિવારે જનસતામાંથી ફોન આવ્યો કે દેવહુમા સાહેબે કહ્યું છે કે આ નવલકથા તો છોડાય જ નહીં...પહેલા પ્રકરણથી જ તેમને સ્પર્શી ગઇ. અને તે જ રવિવારથી છપાવાનું ચાલું થયું. હું તો મનમાં ગભરાઇ કે મેં તો ચાર જ પ્રકરણ લખ્યા છે..આગળ શું કરીશ એ તો વિચાર્યું પણ નથી. આટલું જલદી છપાવાનું ચાલું થઇ જશે એવી તો કલ્પના કયાં હતી ?

પરંતુ પછી તો લખ્યે જ છૂટકો હતો ને ?

જનસત્તાના તંત્રી તરુણભાઇ અને દેવહુમા સાહેબના સુંદર પ્રતિભાવ મારો ઉત્સાહ વધારતા રહ્યાં.

છવીસ રવિવાર સુધી ચાલેલ આ વાર્તાનો સુંદર પ્રતિભાવ બીજા પણ અનેક મિત્રો તરફથી મળતો રહ્યો. ઇતિ, અરૂપ અને અનિકેતમાં હું ખોવાતી રહી.

બે નાટયસંગ્રહ, દીકરી મારી દોસ્ત ડાયરી સ્વરૂપ, લઘુકથા સંગ્રહ, બે નવલિકા સંગ્રહ અને હવે આ નવલકથા.. ઉપરાંત બીજા બે પુસ્તકો પણ લાઇનમાં તૈયાર છે.

હજુ એક નવલકથા અધૂરી છે..કદાચ એ છેલ્લી જ હશે. “ઝિલમિલ “ નામ લખાયા પહેલા જ નક્કી છે..એની પાછળનું કારણ તો એ લખાશે ત્યારે જ....પ્રબોધભાઇ જોશીએ સમય કાઢીને આખી નવલકથા વાંચી અને ગમી છે એવો પ્રતિભાવ આપ્યો ત્યારે ખરેખર આનંદ થયો. કેમકે એમના શબ્દોમાં મને પૂરી શ્રધ્ધા છે. કહેવા ખાતર એ મને ન જ કહે એ વિશ્વાસ છે.હંમેશની માફક તરૂબેન કજારિયા પાસેથી મારો લાગો લેવાનું કેમ ચૂકાય ?અનેક મિત્રોના સાથ, સહકાર વિના તો આ શબ્દયાત્રા આગળ ચાલી જ ન શકે ને ? પણ મિત્રોનો કંઇ આભાર થોડો હોય ? અને એ બધાની મૈત્રી કોઇ નામની મોહતાજ રહી નથી.

જનસત્તાના તંત્રી તરુણભાઇ દત્તાણી, રણછોડભાઇ પંચાલ ( “દેવહુમા”) હર્ષદભાઇ પંડયાના પ્રોત્સાહન બદલ આભારી છું.ડિવાઇન પ્રકાશનના અમૃતભાઇ ચૌધરીના ત્વરિત સાથ, સહકાર બદલ ખાસ આભાર માનું છું.

મારા પરિવાર હરીશ, પૂજા, હાર્દિક, જીતેન ,ગતિ..અને નાનકી જિયા બધાનો હૂંફાળૉ સાથ મારી શબ્દયાત્રાનું ચાલકબળ છે.

અર્પણ..દોસ્ત, મને માફ કરીશ ને ? એવું જેને કદી કહેવું નથી પડયું એવા દોસ્ત અને જીવનસાથી હરીશને..

પ્રકરણ 1 - અનિકેત આવ્યો છે.

“ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની કયાંક બહુ વરસાદ જેવું લાગે છે. “

ઇતિ હતી જ એવી. ઉડતાં પતંગિયા કે ચંચળ હરિણી જેવી. આ ક્ષણે તે ઘરના બગીચામાં એક સસલાની પાછળ દોડી રહી હતી. આગળ ચંચળ સસલું અને તેની પાછળ અતિ ચંચળ ઇતિ..અંતે થાકીને પરસેવે રેબઝેબ બની ઇતિ બગીચાના હીંચકા પર બેસી ગઇ. તુરત પેલું સસલું પણ ઇતિના પગ પાસે લપાઇ ગયું. બે ચાર મિનિટ પછી અચાનક ઇતિ પર હેત ઉભરાઇ આવ્યું હોય તેમ ઠેકડો મારીને ઇતિના ખોળામાં ચડી ગયું. ઇતિ તેને સ્નેહથી પંપાળી રહી.

ઇતિની સવારની શરૂઆત હમેશા કંઇક આ રીતે જ થાય.

પંખીઓ ચાંચમાં કોમળ તેજકિરણો ચૂગીને બગીચામાં ઠાલવવાનું શરૂ કરે, પ્રભાતને ભાવભીનું નોતરું આપી કલબલ કરી મૂકે... અને એ ઝાકળભીના નોતરાને માન આપી જાસૂદના ફૂલ જેવી સવાર પંખીના ટહુકે ટહુકે ઉઘડવાની શરૂઆત કરે ત્યાં ઇતિ બગીચામાં આવી જ પહોંચી હોય. આવીને સૌ પ્રથમ કામ તુલસીકયારે દીવો કરી, પાણી રેડી ભાવથી વંદન કરવાનું. અને પછી બગીચાના દરેક ફૂલ પાસે જઇ તેમના વ્યક્તિગત ખબર અંતર પૂછવાનું શરૂ થાય. પ્રભાતના પ્રથમ કિરણોને હાથે અનાવરણ પામતી કળીઓ તો જાણે ઇતિના, મુખ્ય મહેમાનના આગમનની પ્રતીક્ષામાં જ હોય તેમ ઇતિના પગલાની સાથે જ ખીલી ઉઠે. આમ તો આ હમેશનું દ્રશ્ય...રોજિંદી ઘટના. પરંતુ આ બધું જાણે પહેલીવાર જોતી હોય તેમ ઇતિની આંખોમાં નર્યું વિસ્મય છલકી રહે. ઇતિનો હાથ ઉઘડતી કળી પર મૃદુતાથી પ્રસરી રહે. તેના સ્નેહસ્પર્શથી કળીઓ વધારે હસી ઉઠતી કે પછી કળીઓની ખુશ્બુથી ઇતિ વધારે પ્રસન્ન થઇ ઉઠતી..એ કહેવું મુશ્કેલ હતું. આ થોડી ક્ષણોમાં ઇતિ જાણે આખ્ખા ચોવીસ કલાકનું ભાથું ભરી લેતી. ઝાંખા અંધકાર અને ઝાંખા ઉજાસનું અદભૂત સામંજસ્ય રચાતું. અને ઇતિના ચહેરા પર એક દિવ્ય આભા પ્રસરતી.

ઇતિ બધા ફૂલોની ખબરઅંતર પૂછી લે ત્યાં તો ધોળા ધોળા રૂના ઢગલા જેવું એક નાનકડું સસલું દોડીને ઇતિને મળવા આવી પહોંચતું. અને પછી શરૂ થતી ઇતિ અને સસલાની જુગલબન્દી. બંનેની એક બીજાની પાછળ દોડ શરૂ થાય. ઇતિ તેને થોડું પંપાળે..કશુંક ખવડાવે પછી જ તે ત્યાંથી વિદાય લે.

આ નવો બંગલો બન્યાને બે વરસ થયાં હતાં. શહેરથી દૂર હોવાને લીધે આસપાસ બહું વસ્તી નહોતી. આ સસલું ન જાણે કયાંથી અહીં આવી ચડતું. શરૂઆતમાં એકાદ બે વાર ડરતું ડરતું આવેલ પણ પછી તો ઇતિનું પાક્કું દોસ્ત બની ગયેલું. ઇતિને તો અહીંનું એકાંત બહું વહાલું લાગતું. સરસ મજાનો બગીચો, વાયરા સંગે સદા ડોલતો રહેતો આસોપાલવ, ભરઉનાળે મહોરી ઉઠતો લાલચટક ગુલમહોર, પીળોઘમરક ગરમાળૉ, કે લીલીપીળી લીંબોડીથી લચી પડતો લીમડો..અને બીજા પણ નાના મોટા અનેક વૃક્ષો, તેની શાખે શાખે ટહુકતાં પંખીઓ. નાનકડી ચકલી સુધ્ધાંનો સાદ ઇતિ સાંભળી શકે. બધા પંખીઓની રોજ સવાર સાંજ ઇતિ હાજરી લેતી. ઉગમણે ઓવારેથી નાચતી આવતી ઉષારાણીનું રૂમઝૂમ આગમન થાય અને સાથે સાથે ઇતિના પગ પણ જાણે થિરકી ઉઠે..જોકે

‘ સારા ઘરની સ્ત્રીઓથી નચાય નહીં. ‘

અરૂપની એ વાત સાથે સહમત તો ઇતિથી નહોતું થવાતું. પરંતુ વિરોધ કરતાં તો તે શીખી જ કયાં હતી ? તેથી ઉષારાણી સાથે ઇતિ નાચતી તો નહીં પરંતુ હીંચકાને એક અદભૂત લયથી ઠેસ જરૂર લાગી જતી. હીંચકાની ગતિ સાથે ઇતિરાણીના મનની ગતિ પણ ચાલુ રહેતી. હીંચકા પર મૂકાવેલ નાની નાની ઘૂઘરીઓ રણઝણીને તેમાં તાલ પૂરાવતી રહેતી.

બગીચામાં બે ચાર મોરલાં તેની ઢેલરાણી સાથે આવવાનું કદી ચૂકે નહીં. કયારેક મુડ આવી જાય તો નર્તન પણ કરી રહે. સતત ચહેકતો રહેતો પોપટ અને કાળી પણ કામણગારી મેના તો ઇતિના આ બગીચાના નિત્યના રહેવાસી. કાબરની કલબલ તો અહીં સદાબહાર. પોતાની પીળી ચાંચથી કશુંક સતત વીણતી જાય અને આમતેમ જોતી જાય. નાનકડી ચકલીઓનો તો પાર નહીં. ઝાડે ઝાડે ફરતી જાય અને ચીં ચીં થી બગીચો ગજવતી જાય. ભોળિયા, ગભરું પારેવાઓને પણ ઇતિનો બિલકુલ ડર ન લાગે. એક નાનકડી ખિસકોલી અહીં ઇતિ સાથે રોજ રમવા આવે. ઇતિ તેને જોઇને નાના બાળકની ચંચળતાથી ગાઇ ઉઠે..

’તું અહીંયા રમવા આવ,..મજાની ખિસકોલી....તું દોડ તને દઉં દાવ...મજાની ખિસકોલી.. “

ઇતિ તેની સામે એક મીઠું હાસ્ય વેરે એટલે ન્યાલ થઇ ગઇ હોય તેમ દોડીને તે બાજુમાં ઉભેલ ગુલમહોરના ઝાડ પર ચડી જાય. ગુલમહોર પોતાની ડાળીઓ ઝૂકાવી જલદી જલદી તેને પોતાના લાલ પાલવમાં સમાવી લે.

આવી સંગીતમય સવારને ઇતિ મનભરીને માણી લે ત્યાં અરૂપનો ઉઠવાનો અવાજ આવે અને ઇતિ બધાને જલદી જલદી આવજો કહી અંદર દોડે. અરૂપનું કામ બધું વ્યવસ્થિત. ઇતિ વિના તેને એક ક્ષણ પણ ચાલે નહીં. ઇતિની આ પ્રભાતચર્યા અરૂપના મતે તો એક પાગલપન જ હતી. પરંતુ ઇતિ હતી જ એવી. બધા જેવી છતાં બધાથી અલગ..અને એ અલગતાનો અરૂપ દીવાનો હતો. ઇતિની સરળતા, મુગ્ધતા તેને ઘણીવાર સમજાતી નહીં પરંતુ આકર્ષી જરૂર રહેતી. ત્રીસ વરસની ઇતિમાં સોળ વરસની ચંચળતા, મુગ્ધતા હજુ અકબંધ હતી. નાની નાની વાતમાં તે ખિલખિલાટ હસી ઉઠતી. અને કયારેક કોઇ વાત ન ગમે તો એક મૌન ઓઢીને રહી જતી. પરંતુ ત્યારે તેની મોટી, વિશાળ, પાણીદાર આંખોમાં કોઇ અકલ ઉદાસી તરવરી રહેતી. જોકે અતિ સરળ ઇતિ વધારે વાર ઉદાસ ન રહી શકતી.

હા, કયારેક કોઇ સાંજે હજુ અરૂપ આવ્યો ન હોય અને તે એકલી બગીચામાં હીંચકા પર બેઠી હોય ,પંખીઓ આવીને ઇતિ સાથે થોડી ગુફતગૂ કરી પોતાના બચ્ચાની સંભાળમાં ગૂંથાયા હોય, વૃક્ષને પાંદડે પાંદડે દીવાઓ ઝિલમિલાતા હોય તે સમયે કોઇની યાદ આવીને ઇતિની આંખોને ઝરૂખે જરૂર બેસી જતી પણ જાણ્યે અજાણ્યે ઇતિથી તેની અવગણના જ થતી રહેતી. કયારેક કોઇ પ્રાર્થનાના સૂર તેના મોંમાંથી સરી રહેતા. અને સમૂહમાં સાંધ્યઆરતી થતી રહેતી. વૃક્ષો, પંખીઓ, વહેતો વાયરો કે બીડાતા સૂર્યમુખી, મહેકતો મોગરો, ખરતો પારિજાત કે હીંચકાને વળગીને ખીલતી રાતરાણી સૌ તેમાં પોતાનો સાદ પૂરાવતા રહેતા..અને ઇતિની એકલતાના સાથીદાર બની તે ક્ષણોને મીઠા એકાંતમાં પલટાવી નાખતા. બગીચાનો આ રણકતો હીંચકો ઇતિનું અતિ પ્રિય સ્થળ..ઇતિ મોટે ભાગે ત્યાં જ બેસેલી જોવા મળે. ઘણીવાર ભરબપોરે પણ મધુમાલતીની વિશાળ ઘટા નીચે તે હાથમાં કોઇ પુસ્તક લઇ બેસી હોય. સવાર અને સાંજ તો ઇતિની હાજરી અચૂકપણે ત્યાં હોય જ.

આવી સુંદર સવાર માણ્યા બાદ ઇતિની બપોર થોડી અકળાવનાર બની રહેતી. આવડા વિશાળ બંગલામાં એકલાં એકલાં શું કરવું તે ઇતિને કયારેય સમજાતું નહીં. બપોરે ઉંઘવાની તેને આદત નહોતી. કોઇ કલબમાં કે કોઇ કીટ્ટી પાર્ટીમાં જવાનું તેને કયારેય ગમ્યું નહોતું. વાંચી વાંચીને તે કેટલું વાંચે ? સવાર અને સાંજ તો બગીચા અને હીંચકાને સથવારે સરસ મજાની પસાર થઇ જતી. પરંતુ બપોરનો સમય કયારેય જલદી ખૂટતો નહીં.

આજે પણ એવી જ, ધીમી ગતિના સમાચાર જેવી એક બપોર હતી. રોજની જેમ જ સૂર્ય પોતાના તેજ કિરણોથી વૃક્ષોને હંફાવી રહ્યો હતો. ઇતિ ઘરની અંદરના હીંચકા પર બેસી રીમોટની સ્વીચો આમતેમ ફેરવી રહી હતી. ઇતિની અકળામણ પારખી લેવા છતાં ઘડિયાળનો કાંટો જલદી ફરવાનું નામ નહોતો લેતો. સંધ્યારાણીના આગમનને હજુ વાર હતી. શું કરવું તે ઇતિને સમજાતું નહોતું. અરૂપને કહેશે તો અરૂપ તુરત કહેશે,

‘ અરે, ગાડી છે, ડ્રાઇવર છે, શહેરમાં આટલી કલબો છે, સંસ્થાઓ છે..જયાં મન થાય ત્યાં જતી હો તો..’પરંતુ ઇતિને એવું કશું ગમતું જ નહોતું. અને પોતાને જે ગમતું હતું તે અરૂપને નહોતું ગમતું. અને અરૂપને ન ગમે તે ઇતિ કેમ કરે ?

કંટાળેલી ઇતિ ટીવી.ની સ્વીચ બંધ કરવા જતી હતી ત્યાં ફોન રણકયો. થોડા કંટાળાથી ઇતિએ ફોન ઉંચકયો.આ બળબળતી બપોરે વળી કોણે તેને યાદ કરી ?

ત્યાં ફોનમાંથી મમ્મીનો અવાજ રેલાયો ’ ઇતિ બેટા, કેમ છો ? ‘

ઇતિ તુરત લીલીછમ્મ..

મમ્મીના “ કેમ છો ? ” નો ઇતિ કોઇ જવાબ આપે તે પહેલાં જ.....…

’ બેટા, અનિકેત આવ્યો છે. અને તને બહું યાદ કરે છે. બને તો એકવાર તુરત આવી જા....’

અને વાત આગળ ચાલે, કે ઇતિ કશું પૂછે તે પહેલાં ફોન કપાઇ ગયો.

“અનિકેત ? “

ઇતિની આંગળીઓ તુરત અધીરતાથી ફોનના ડાયલ પર ફરી રહી. પણ....ફોન રિસાઇ ગયો હોય તેમ ફરીથી લાગ્યો જ નહીં. વારંવારના પ્રયત્નો નિષ્ફળ જવાથી ઇતિ ધૂંધવાઇને આંખ બંધ કરીને બેઠી રહી.

જેને પસાર થઇ ગયેલી ક્ષણો માનીને બેઠી હતી..એ ક્ષણો અંદર આટલી હદે....

કોઇ પંખીની જેમ પાંખો ફફડાવતી યાદો......કયાંકથી એક સાદ...અને ઇતિનું જીવન એક ઝાટકે દસ વરસ પાછળ ઠેલાઇ ગયું. સ્મૃતિઓનું ઘેઘૂર વન આજે યે આટલું લીલુછમ્મ હતું ? અને પોતાને પેલા કસ્તુરી મૃગની માફક તેની જાણ પણ નહોતી ? અસ્તિત્વમાં રાતરાણી, પારિજાત કે મોગરાની સઘળી સુગંધ એકસામટી કયાંથી ઉતરી આવી ? કોઇ ઝાકળભીની ગંધ મનના પટારામાં સચવાઇને પડી હતી ? અને આજે..એક સાદે...! સમયની કઇ છીપમાં આ સંબંધ સચવાઇને અકબંધ પડયો હતો ? બળબળતી આ બપોરે વરસાદ વિના મેઘધનુષી રંગો કયા આકાશમાં ઉગી નીકળ્યા ?

મુગ્ધાવસ્થાના મોંસૂઝણામાં ફૂટેલ કૂંપળો ઘેઘૂર વૃક્ષ બનીને અંદર કોઇ ખૂણામાં સચવાયેલ હતી ? કેટલાક સંબંધોની સુવાસ, કુમાશ, મુગ્ધતા અને રોમાંચ કાળના સ્પર્શથી પણ વણબોટાયેલ રહેતા હોય છે ? અને તે અજ્ઞાત હતી..આ બધાથી.. ? મનની સામે કરેલ કિલ્લેબંદી એક કાંગરો ખરતાં જ....

ઇતિના મનની ક્ષિતિજે તેજના ટશિયા ફૂટી નીકળ્યા.

ફોનમાંથી રેલાતા મમ્મીના શબ્દો તેના મનમાં પડઘાતા રહ્યા. ‘ અનિકેત તને યાદ કરે છે..’

“અનિકેત “ હ્રદયના અજ્ઞાત ખૂણામાં થીજી ગયેલ એક નામ..! એ ઉચ્ચાર સાથે જ અસ્તિત્વમાં પીઠીવરણું પ્રભાત ઉઘડી રહ્યું. ચહેરા પર ઉષાની લાલાશ...એક ઉજાસ....! અને એ ઉજાસમાં ઉઘડયા કદી ન વિસરાયેલ એ સદાબહાર દ્રશ્યો....

“સાત વરસની ઇતિ આ વરસે તેની બહેનપણીઓની જેમ પ્રથમ વાર ગૌરીવ્રત રહી હતી. વ્રત હોવાથી આજુબાજુની તેના જેવડી બધી છોકરીઓ સાથે મળીને રોજ સાંજે કંઇક નવી નવી રમતો રમ્યા કરતી. આજે આભાની મમ્મી પોતાની દીકરીની સાથે બધી છોકરીઓને ગીત ગવડાવતા હતા અને એકશન શીખવાડતા હતા.છોકરીઓ ઉમંગે છલકતી નાચતી હતી.

‘હો મારા આંગણામાં... નાચે મોર…

કે મોરને પૂછે ઢેલ..કે ઢેલને પૂછે મોર..કોણ આવ્યો તો ચોર ? “

થોડે દૂર ચૂપચાપ ઉભેલ અનિકેતને જોઇ ઇતિને જાણે ચાનક ચડી હતી..તેણે મસ્તીથી લલકાર્યું હતું

’અનિકેત આવ્યો ‘તો ચોર..’

બધી છોકરીઓએ તેને હસીને ઝિલી લીધું હતું. અને તેમના મુકત,ચંચળ હાસ્યથી વાતાવરણ ગૂંજી રહ્યું.અનિકેત રિસાઇ ગયો હતો. આમ પણ આ પાંચ દિવસથી તે થોડો એકલો પડી ગયો હતો. તે પણ ઇતિ જેવડો જ હતો. પરંતુ પોતે છોકરો હતો અને છોકરાથી આ વ્રત ન કરાય..! એમ બધાં કહેતાં હતાં.

‘ કેમ ન કરાય ? ‘ એવા તેના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેની અને ઇતિની મમ્મી કેટલું હસતા હતા ! અનિકેત ગુસ્સે થઇને ત્યાંથી દોડી ગયો હતો. પોતે છોકરી હોત તો..? એવો વિચાર પણ તેના બાળમનમાં ...

અનિકેત દોડી ગયો હતો...દોડી ગયો હતો..જાણે એકની એક ટેપ બંધ આંખો સામે રીવાઇન્ડ થઇ રહી હતી. કયાં ? કેમ ? ઇતિ પરસેવે રેબઝેબ....! બંધ આંખોમાં દેખાતા આ પ્રશ્નો કોઇ જોઇ તો નથી જતું ને ?અનાયાસે ઇતિની પાંપણો જોશથી બીડાઇ ગઇ.

પણ એ દિવસો હવે કયાં ?હવે એવો કોઇ ડર રાખવાની જરૂર જ નથી. હવે તો ખુલ્લી આંખમાં દેખાતી વાતો...પ્રશ્નો પણ કોઇ કયાં જોઇ શકે છે ?

અને ફ્રેમમાં બીજું દ્રશ્ય “ હાજિર હૂં.. “ કરતાં દોડીને પોતાની હાજરી પૂરાવવા ગોઠવાઇ ગયું.

વ્રતને બીજે દિવસે બધી છોકરીઓની સાથે ઇતિ પણ મહેન્દી મૂકાવતી હતી. ચંચળ, નિર્દોષ બાલિકાઓના કિલકિલાટથી વાતાવરણ પ્રસન્નતાથી છલકતું હતું. બધી છોકરીઓ પોતાના હાથમાં મૂકાતી મહેંદી જોવાને બદલે બીજાનો હાથ જોવામાં જ મશગૂલ હતી. બીજાના હાથમાં કેવી ડીઝાઇન મૂકાય છે તે જોવામાં તેમને વધારે રસ હતો. અનિકેત પણ હમેશની માફક તે ટોળીમાં હાજર તો હતો. પરંતુ તે એક જ છોકરો હોવાથી એકલો પડી ગયો હતો. અને પોતે કંઇક બોલે એટલે આ તોફાની ટોળી તેની મસ્તી કરવામાં જરાયે પાછળ પડે તેમ નહોતી જ. અને ઇતિ તો એમાં સૌથી પહેલા જ હોય. તે જાણતો હોવાથી તે ચૂપચાપ એક તરફ બેસીને જોઇ રહ્યો હતો. આ પાંચ દિવસ જલદી પૂરા થાય તો સારું. હમણાં પોતાનો કોઇ ભાવ પણ નથી પૂછતું.

‘અનિકેત, તારે મહેંદી મૂકવી છે ? ‘

’ હું કંઇ છોકરી નથી...એવા નખરા અમે ન કરીએ...’

જોકે નાનકડા અનિકેતને મન તો બહુ થતું હતું. પોતાના હાથ પણ મહેંદીથી લાલ બનીને કેવા સરસ લાગે...! પરંતુ સાથે સાથે તે એ પણ જાણતો હતો કે જો પોતે ભૂલથી પણ હા પાડી તો આ છોકરીઓ તેની મજાક કરવામાં કશું બાકી નહીં જ રાખે. અને તેથી ઠાવકા થઇને ના પાડવામાં જ પોતાની ભલાઇ છે. તે સમજતો અનિકેત થોડો ઉદાસ બની ગયો.

ઇતિના હાથની મહેંદી મૂકાઇ ગઇ. અને તે દોડીને અનિકેતને બતાવવા આવી. અનિકેતનો ઉદાસ ચહેરો ઇતિને ન જ ગમે.

’અનિ, જો તો મારી મહેંદી..કેવી મૂકાણી છે. ! ‘

ઇતિએ પોતાના નાનકડા હાથ આગળ કર્યા.

ઇતિના હાથ આ ક્ષણે પણ લંબાયા. તેની આંખ ખૂલી ગઇ. પોતાના કોરાકટ્ટ હાથ સામે ક્ષણવાર તાકી રહી. પણ...હાથમાં મહેંદી ય નહોતી અને સામે અનિકેત પણ કયાં હતો ? તેની નજર આસપાસ ફરી વળી..ના, અનિકેત કયાંય નહોતો જ. તેણે ફરીથી આંખો બંધ કરી.

શું કરતો હશે અનિકેત અત્યારે ? ઇતિના મનમાં પ્રશ્ન જાગ્યો. પણ તેનો જવાબ વિચારે તે પહેલાં પેલી ટેપ આગળ ચાલી.

‘નાનકડો અનિકેત પૂરી ગંભીરતાથી મહેંદી જોઇ રહ્યો હતો. જરા મોં બગાડી તેણે કહ્યું હતું.

’ઠીક છે. કંઇ એવી બધી સરસ નથી. મને તો લાગે છે કે તારા કરતાં આસ્થાની મહેંદી વધારે સારી મૂકાણી છે.‘

ઇતિને ચીડવવાનો એક પણ મોકો અનિકેત ન જ છોડે.

ઇતિએ મોં બગાડયું.

‘જા, તને તો કંઇ પૂછવું જ ન જોઇએ..’

’ કેમ સાચી વાત કહી એટલે ન ગમીને ? હું તો જે સાચું લાગે તે જ કહું. ‘

મોં ગંભીર રાખી અનિકેતે કહ્યું.

ઇતિ હવે તેને કેમ છોડે ?તેણે મહેંદીવાળો હાથ અનિકેતના ગાલે અડાડયો.અનિકેતે ઇતિનો હાથ પકડી લીધો અને મહેંદી લીપાઇ રહી. તેનો હાથ પણ મહેંદીથી ખરડાયો. અને ઇતિના હાથની ડીઝાઇન લીપાઇ ગઇ.ઇતિ ગુસ્સે થઇને અનિકેતને મારવા દોડી. પણ અનિકેત એમ કયાં હાથમાં આવે તેમ હતો ?

ત્યારે કે આજે પણ..?

આટલા વરસોથી કયાં હાથમાં આવતો હતો ? આજે પણ કયાં પકડાયો હતો ? હમેશની માફક આજેય છટકી ગયો હતો. જોકે બહારથી ભલે છટકી શકયો હતો. બાકી ઇતિના મનમાંથી કયાં, કેમ છટકી શકે ?

ઇતિની અંદરથી નહોતો છટકી શકયો તેની જાણ શું પોતાને છેક આજે થઇ ?

કેટકેટલા દ્રશ્યો નજર સમક્ષ ઉઘડતાં હતાં. ! એક પછી એક..જાણે અતીતના દ્રશ્યોનો સ્લાઇડ શો ચાલુ થયો હતો.

ચાર દિવસોથી છોકરીઓનો કલબલાટ ચાલુ હતો. હવે આજે વ્રતનો છેલ્લો દિવસ હતો. ઇતિને મંદિરે પૂજા કરવા જવાનું હતું.તેની મમ્મી...નીતાબહેનને આગલા દિવસથી થોડું તાવ જેવું હતું. છતાં તેણે ઇતિને તૈયાર કરી. સરસ મજાના મરુન કલરના ચણિયા ચોળી, માથા ઉપર ટીપકીવાળી,ચમકતી ઓઢણી, હાથમાં મેંચીંગ બંગડીઓનો ઝૂડો, પગમાં ખનકતા ઝાંઝર, બે ભમરની વચ્ચે ઝગમગ બિંદી, માથાથી કપાળ સુધી લટકતો નાનકડો ટીકો, ગળામાં શોભી ઉઠતો મરુન નેકલેસ, કાનમાં લટકતાં ઝૂમ્મર અને હાથમાં પૂજાની થાળી....

નાનકડી ઇતિ આખી ઝળહળ ઝળહળ...

દીકરીને શણગારી તો ખરી..પણ હવે ઇતિની મમ્મીને તાવ સાથે ઠંડી ચડી હતી. ઇતિ સાથે જવું કેમ ? ઘરમાં બીજુ કોઇ નહોતું જે તેની સાથે જઇ શકે.

ત્યાં અનિકેતના મમ્મી... સુલભાબહેન, હવે કેમ છે ? એમ પૂછવા આવ્યા. નીતાબહેનની હાલત જોઇ બધું સમજી ગયા. તેમણે તુરત ઇતિની મમ્મીને કહ્યું,

’તમે ચિંતા ન કરો...હું ઇતિને લઇને મંદિરે જાઉં છું. તમારી પૂજામાં કોઇ ચોક્ક્સ વિધિ કરાવવાનો હોય તો મને કહો..મને કદાચ કંઇ ખબર ન પડે.’

પોતે પંજાબી હોવાથી ગુજરાતીના રીતિરિવાજની પોતાને ખાસ ખબર ન હોવાથી કોઇ ભૂલ થાય તો ? એમ વિચારી સુલભાબહેન ઇતિની મમ્મીને પૂછી રહ્યા.

‘ના, રે સુલભાબહેન, ત્યાં મંદિરે ગોર મહારાજ હશે જ. એ કહે તેમ કરવાનું છે. મારાથી તો જવાય તેમ લાગતું નથી. અને તેના પપ્પા.....’વચ્ચે જ સુલભાબહેન બોલ્યા,

‘ તમે શાંતિથી આરામ કરો. ઇતિ મારી પણ દીકરી જ છે ને ? એ બહાને અમે મા દીકરો પણ મંદિરે દર્શન કરી આવીશું. ‘

અને સુલભાબહેન નાનકડા ઇતિ અને અનિકેતને સાથે લઇ મંદિરે ચાલ્યા.

રોજની ચંચળ ઇતિ આજે શાંત હતી. અનિકેત ઇતિની મસ્તી કરવાનું ચૂકયો નહોતો.

’ ઇતિ, આજે તું તારી પેલી ઢીંગલી છે ને... ..તેના જેવી લાગે છે.

ઇતિએ અનિકેત સામે જોયું. પરંતુ કશું બોલી નહીં. અનિકેતને ચાનક ચડી. તેણે ઇતિને વધારે ચીડવી.

‘ સાડી પહેરી છે તેમાં રોફ મારે છે ! કંઇ બોલતી કેમ નથી..? ’

‘મારી સાડી ઢીલી થઇ ગઇ છે. મારાથી સરખું ચલાતું નથી. ‘

એક હાથે સાડી પકડી ધીમે ધીમે ચાલતી ઇતિ રડમસ અવાજે બોલી ઉઠી.

અનિકેત ખડખડાટ હસી પડયો. ઇતિ મોઢુ ફૂલાવી ચાલતી રહી. સુલભાબહેન પુત્રને ખીજાયા અને ઇતિને પ્રેમથી કહ્યું,’ બેટા, હમણાં મંદિરે પહોંચી તને સરખી કરી આપું હૉં. ‘

ઇતિએ અનિકેત સામે જોઇ જીભડો કાઢયો. અનિકેતે ઇતિ સામે હાથ ઉગામ્યો. જવાબમાં ઇતિએ પોતાને અંગૂઠો બતાવ્યો. અને પછી હમેશની માફક બંને ખડખડાટ હસી પડયા.

આ ક્ષણે પણ ઇતિનો અંગૂઠો બંધ આંખે અનાયાસે ઉંચો થઇ ગયો. જાણે અનિકેતને ડીંગો બતાવી રહી. મોઢા પર એક સુરખિ છવાઇ, એક મંદ મુસ્કાન, બંધ આંખોમાં એક પ્રતિબિંબ..અને...

ગોર મહારાજ એકી સાથે કેટલીયે છોકરીઓને પૂજા કરાવતા હતા. ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી. અનિકેત અને તેની મમ્મી બાજુમાં ઉભા હતા. સાત વરસનો અનિકેત રસપૂર્વક..કૂતુહલથી બધું નીરખી રહ્યો હતો.

નાનકડી ઇતિ પરમ શ્રધ્ધાથી ગોર મહારાજ કહે તે મુજબ નાગરવેલના લીલાછમ્મ પાન પાથરી તેમાં એક પછી એક વસ્તુ ગોઠવતી જતી હતી. તો ઘડીકમાં એક હાથે ઓઢણીનો છેડો સરખી કરતી જતી હતી. જવારાને નાગલા વીંટાળ્યા..કંકુ ચોખાથી વધાવ્યા. અંતે મહારાજે આરતી કરાવી.

દીવાના પ્રકાશમાં નાનકડી કુમારિકાઓના અદીઠ ઓરતા ઝગમગી ઉઠયા. ઇતિની આંખો ચમકી રહી. નિર્દોષ બાલિકાઓના ચહેરા પર એક આભા છવાઇ ગઇ હતી. પરમ આસ્થાથી ઇતિ આંખો બંધ કરી શંકર ભગવાનને વન્દી રહી હતી. અનિકેત કશું સમજયા વિના તેની સામે જોઇ રહ્યો હતો. તેનાથી પણ અનાયાસે હાથ જોડાઇ ગયા હતા.

આરતી પૂરી થતાં ઇતિ પૂરી શ્રધ્ધાથી અને ગંભીરતાથી સૌ છોકરીઓ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી રહી હતી. પગમાં રૂમઝૂમ ઝાંઝર ખનકી રહ્યા હતા.

જાણે એક નાનકડી દુલ્હન ચોરીના ચાર ફેરા ફરી રહી હતી. સુલભાબહેને અનિકેતને પણ ભગવાનને પગે લાગવાનું કહ્યું. બંને બાળકોને સાથે પગે લાગતા જોઇ સુલભાબહેને પણ આંખો બંધ કરી.. તેમની બંધ આંખોમાં ભવિષ્યનું કોઇ શમણુ ઉભરી આવ્યું હતું કે શું ?

તેમણે ઇતિને માથે વહાલથી હાથે ફેરવ્યો. ઇતિ આંખો ખોલી આન્ટી સામે જોઇ રહી.

આજે આ ક્ષણે પણ ઇતિ આન્ટીને અને તેમની બંધ આંખોમાં શમાયેલ શમણાંને જોઇ શકતી હતી.. અને આજે તો ઓળખી પણ શકતી હતી.

આજે આ સમજનું ભાન અચાનક આવવાથી ઇતિની આંખો ખૂલી ગઇ..ન સમજાતી અનેક વાતો..ન સમજાતા અનેક દ્રશ્યો આજે કેમ....?

એક વ્યાકુળતા....અને ઇતિએ ગભરાઇને ફરીથી જોશથી આંખો બંધ કરી.

દર્શન કરીને સુલભાબહેન બંને બાળકોને લઇને મંદિરની બેન્ચ પર બેઠા હતા. કેટલાયે બાળકો મંદિરના કમ્પાઉન્ડમાં રમતાં હતાં. અનિકેતે પણ પ્રસ્તાવ મૂકયો,

’ ઇતિ, ચાલ, તું મને પકડવા આવ. તે દિવસનો તારો દાવ દેવાનો બાકી છે. યાદ છે ને ? ‘

’ના, હોં.. સાડી પહેરીને મારાથી ન દૉડાય. અને એટલે હું તો હારી જ જાઉં ને ? ‘

સાત વરસની ઇતિ તેના જેવડા જ અનિકેતને કહી રહી હતી. અનિકેત વારંવાર પોતાનો દાવ આપવાનું કહી રહ્યો હતો.પરંતુ પોતે સાડી પહેરેલ હોવાથી દોડી શકે તેમ નહોતી. તેથી બોલી ઉઠી.

’ ના, હોં..આજે નહીં..’

બેંચ પર બેઠા બેઠા પગ હલાવતાં..ઝાંઝર રણકાવતાં ઇતિ બોલી ઉઠી હતી. અનિકેત ઇતિના ઝાંઝરનો રણકાર સાંભળી રહ્યો હતો. ઇતિના પગ અજાણતા આ ક્ષણે હલી ઉઠ્યા. પણ..ઝાંઝર કયાં હતાં તે રણકે ?

ઇતિની આંખો ફરીથી ખૂલી ગઇ. વર્તમાન અને અતીત આમ ભેળસેળ કેમ થતા હતા ?

ઇતિ અભાનપણે ઊભી થઇ અને બે ડગલાં ચાલી..કદાચ હવે ઝાંઝર રણકશે.....! પણ...પણ ખાલી પગ થૉડા રણકવાના હતા ?

અને અરૂપને તો ઝાંઝર ગામડિયા જેવા લાગતા હતા..!

અરૂપ...! આ નામ જીવનમાં કયાંથી..કયારે આવી ગયું ?

પ્રકરણ 2 - સાસરું એટલે ?

“ ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસોનું મનને છે કેવું ઘેલું આ જર્જરિત આ જણસનું ? “

“અરૂપ” આ નામ ઇતિના જીવનમાં અચાનક કયારે પ્રવેશી ગયું તેની પૂરી સમજ ઇતિને આજ સુધી નથી પડી. પરંતુ આ ક્ષણે તો એવો કોઇ વિચાર સુધ્ધાં મનમાં સ્થિર થઇ શકે તેમ નથી. આ ક્ષણે તો પ્રતીક્ષા છે ફકત ફોનના રણકવાની. ઇતિની આશાભરી નજર ફોન પર ત્રાટક કરતી રહી. પરંતુ એ ત્રાટકની જાણે કોઇ અસર ન થઇ હોય તેમ કપાઇ ગયેલ ફોન ફરીથી લાગ્યો જ નહીં કે સામે છેડેથી પણ રણકયો નહીં. જોકે મનના તાર તો સતત રણઝણી રહ્યાં હતાં. પોતાની હાજરીનો અણસાર સુધ્ધાં ન આવે તેમ મનના ખૂણે લપાઇને વરસોથી ચૂપચાપ બેસેલી એક આખી સૃષ્ટિ જાણે અચાનક આળસ મરડીને બેઠી થઇ અને કલબલ કરી રહી.

‘અનિ, તને કેટલી વાર કહ્યું.. ? મારા ચોટલાની મસ્તી નહીં હોં. છોડ હવે..મને ખેંચાય છે. ‘

આ કોણ તેના વાળ ખેંચતું હતું ? એક ક્ષણમાં ઇતિનો હાથ અનાયાસે પોતાના વાળમાં ફર્યો. ના..ના.. ત્યાં હવે લાંબા બે ચોટલા કયાં રહ્યા હતા ? અને વાળ ખેંચવાવાળુ પણ સમયની કઇ ગુફામાં અદ્રશ્ય થઇ ગયું હતું તેની જાણ સુધ્ધાં કયાં થવા પામી હતી ?

અને છતાંયે નજર સમક્ષ તો......

‘ અનિ મારો ચોટલો છે. કંઇ દોરી નથી. મને ખેંચાય છે. તું રોજ ખેંચી ખેંચીને મારા કેટલા વાળ તોડી નાખે છે. ખબર છે ? ‘

અનિકેતના હાથમાંથી ચોટલા છોડાવવાનો પ્રયત્ન કરતાં ઇતિ બોલી..

પણ એમ કંઇ અનિકેત થોડો છોડે ? ઇતિની મસ્તી કરવાનો એક પણ મોકો ગુમાવવો અનિકેતને ન જ પોષાય.

’ઓહ..! તારો ચોટલો છે ? મને તો એમ કે....... ‘

અનિકેત વાકય પૂરું કરે તે પહેલાં મમ્મીને રસોડામાંથી બહાર આવતી જોઇને અનિકેતના શબ્દો અધૂરા જ રહી ગયા. કેમકે મમ્મી તો હમેશા ઇતિનો જ પક્ષ લેવાની. તેની જાણ તેને હતી જ. અને ઇતિ પણ એ કયાં નહોતી જાણતી ? તેણે જીભડો કાઢયો...અને….

‘ લે બોલ હવે..બહું બોલબોલ કરતો હતોને ? આન્ટી આવ્યા એટલે બોલતી બંધ થઇ ગઇને ! ‘

પરંતુ આંટી બંનેને કયાં નહોતાં ઓળખતાં ? બહાર આવતા જ તેણે ઇતિને અનિકેત સામે જીભ કાઢતા અને અનિકેતને ઇતિના વાળ ખેંચતા જોઇ લીધા હતા. કશું બોલ્યા સિવાય તે મોટેથી હસી પડયાં. તેમને હસતાં જોઇ ઇતિ, અનિકેત થોડા શાંત રહી શકે ? અને હાસ્યનું એક ઘેઘૂર પૂર ફરી વળ્યું. ત્રણેના મીઠા હાસ્યથી ઓરડાની દીવાલો પણ પુલકિત પુલકિત....! આ નિર્મળ સ્નેહના સાક્ષી થવાનું સદભાગ્ય બંને ઘરની દીવાલોને અનેક વાર મળતું રહેતું. એ નિર્બન્ધ હાસ્યમાં તરબોળ થતી દીવાલોને જાણે ઇંટે ઇંટે ટહુકા ફૂટતા.

સુલભાબહેનને ઇતિ ખૂબ વહાલી હતી. જોકે ઇતિ હતી પણ એવી જ. સૌ કોઇને પરાણે વહાલી લાગે તેવી. અને આ તો બેઉ છોકરાઓના રોજના ધમાલ મસ્તી હતા.અનિકેતની મમ્મીને આવેલ જોઇ ઇતિએ તુરત ફરિયાદ કરી.’ આંટી, અનિકેતને કહોને. એ રોજ મારા વાળ ખેંચે છે..’’અનિ..છોડ મારી દીકરીના વાળ. રોજ બિચારીને હેરાન કરે છે.’

‘બિચારી..!’

અનિકેત ચાળા પાડતો બોલ્યો. ‘ તેણે મને કેટલું પાણી ઉડાડયું છે ? જો આ મારું શર્ટ આખું ભીનું થઇ ગયું. અને હવે તને જોઇને ચાગલી થઇને ફરિયાદ કરે છે. તારી ચમચી છે તે મને ખબર છે..’

‘ આંટી....જાણી જોઇને થોડું પાણી ઉડાડયું હતું. એ તો ભૂલથી.....’’ અને મારાથી પણ ભૂલથી જ ચોટલા ખેંચાઇ ગયા હતાં. જો, આમ કેવા ભૂલથી ખેંચાઇ જાય છે. ‘

અનિકેતે ફરી એકવાર ઇતિના વાળ ખેંચવાની તક ઝડપી લીધી.

અનિકેત અને ઇતિની ધમાલ મસ્તીથી બંને ઘર ગૂંજતાં રહેતાં. લડતાં..ઝગડતાં અનિકેત..ઇતિને એકબીજા વિના જરાયે ચાલતું નહોતું એ વાત બંનેના ઘરના જાણતાં હતાં. અને તેથી કયારેય બંનેના ઝગડામાં વચ્ચે પડતા નહીં. કેમકે ઝગડયા પછી પાંચ મિનિટમાં બંને સાથે ખિલખિલાટ હસતાં જ હોય. કેવા છલકતા અને મલકતા દિવસો હતા ?

બંધ આંખે ઇતિના ચહેરા પર આજે પણ એ મલકાટ ઝગમગી ઉઠયો.

ફરી દ્રશ્ય બદલાયું.

એક દિવસ ઇતિ ન જાણે કઇ વાત પર અનિકેત પર ગુસ્સે થતી હતી.અને અનિકેત સફાઇ આપતો હતો.

’ કાલે તું મને મારીને ભાગી ગઇ હતી. તેનું શું ? ‘ ’ દાખલા પછી શીખડાવીશ. એમ તેં કેમ કહ્યું હતું ? ‘’ એ તો મારી મરજી. મારે બધું તારી મરજી મુજબ જ કરવું એવું થોડું છે ? ’’ હા, એવું જ છે. તારે મારી મરજી મુજબ જ કરવાનું. ‘’કેમ, કંઇ તારી દાદાગીરી ચાલે છે ? ‘’હા, ચાલે છે. જા સાત વાર ચાલે છે..તારી ઉપર તો મારી દાદાગીરી ચાલવાની જ...’

‘ચાલ, આપણે એક શરત કરીએ...હું કહું એમ તારે કરવાનું...અને તું કહે એમ મારે કરવાનું . બરાબર ?’’હમેશા ? ‘ઇતિએ નિર્દોષતાથી પૂછયું.’ હા, હમેશા ..’’ અને કયારેક હું એમ ન કરું તો ?’અનિકેતને ગુસ્સે કરવા ઇતિએ પૂછયું.’ તો પણ હું તો ઇતિ કહેશે એમ જ કરીશ..બસ ? ‘’ સ્યોર ? ‘’ સ્યોર..પાક્કું. ‘ઇતિનો હાથ આ ક્ષણે પણ અનાયાસે લંબાયો. પરંતુ પ્રોમીસ આપવાવાળો હાથ ત્યાં કયાં હતો ?

એ હાથ સમય અને સંજોગોના વમળમાં કયાંક તણાઇ ગયો હતો. પોતાને પણ એની જાણ કયાં થઇ શકી હતી ? પોતે આટલી બેપરવા તો કયારેય નહોતી.…

અનિકેત વિના ઇતિ આટલા વરસો....!

એક પળ જેના વિના ચાલતુ નહોતું...એના વિના આટલા વરસો ચાલી ગયા ?

એક નાનકડી વાત પણ પોતે અનિકેતને પૂછયા સિવાય કયારેય કરી હતી ? ઇતિની બધી જવાબદારી અનિકેતની હતી. ઇતિ તો કયારેય કંઇ વિચારતી જ નહીં. બિન્દાસ..! બસ...અનિકેત કહે તે આંખ મીંચીને કરવાનું..સ્વીકારવાનું. અને આવડો મૉટો નિર્ણય...તેણે એકલીએ લઇ લીધો હતો ? એક ઋણાનુબંધ આમ અડધેથી છૂટી ગયો હતો...અને કોઇ અન્ય ઋણાનુબંધ અચાનક જોડાઇ ગયો હતો ? એ સિવાય આવું બની જ કેમ શકે ?

ઋણાનુબંધ..! મન મનાવવાનું કોઇ સબળ કારણ કે બીજું કશું ?

પોતાની એક એક ક્ષણના સાથીદારથી આમ અચાનક જીવનભર છૂટી પડી ગઇ ? કયારે ? કેમ ? આટલા વરસે જાણ થઇ ? કે પછી અંતરના કોઇ ખૂણામાં સતત જલતા રહેલ આ ધૂપની સુવાસથી તે જાણ્યા છતાં અજાણ બની રહી હતી ?

આજે એક ફોન.... અનિકેત નામનો એક ઉચ્ચાર...અને તે કયા તાણાવાણામાં અટવાઇ ગઇ છે ? અતીતના કયા જાળાઓમાં ગૂંથાઇ રહી છે ?

ઇતિએ જોશથી માથું ધૂણાવ્યું. જાણે મનમાંથી બધા વિચારો એક ઝાટકે ખંખેરી નાખવા માગતી ન હોય !

પણ...પણ એમ માથું ધૂણાવવાથી વિચારો ખંખેરી શકાતા હોત તો માણસ સહેલાઇથી સુખી થઇ શકત. પણ માનવી તો અટવાતો રહે છે.. મનની ભૂલભૂલામણીમાં. અને ઘણી વાર એ ભૂલભૂલામણી છે તેવી નથી જાણ થતી કે નથી જીવનભર તેમાંથી બહાર નીકળી શકાતું.

ઇતિ પણ કયાં નીકળી શકી હતી ? તેને તો પોતે ભૂલભૂલામણીમાં ફરતી હતી કે કેમ તેની જાણ પણ કયાં થવા પામી હતી ?

અતીતના ચલચિત્રની શરૂ થયેલ પટ્ટી ફરતી રહી. એક પછી એક દ્રશ્યોની વણથંભી વણઝાર...! દિવાળીના દિવસો હતાં. ગુજરાતી પાડોશમાં વરસો સુધી રહેવાથી અનિકેતનું ઘર પણ લગભગ ગુજરાતી જેવું જ બની ગયું હતું. અનિકેતની મોટી બહેન ઇશાએ સરસ મજાની રંગોળી બંને ઘરમાં કરી હતી. ઇતિ અને અનિકેત તેમાં મોડી રાત સુધી મદદ કરી રહ્યાં હતાં.

અચાનક અનિકેતે પોતાના રંગવાળા હાથ ઇતિના સ્કર્ટમાં લૂછયાં અને ઇતિ વિફરી હતી. તેણે ઇશા દીદીને ફરિયાદ કરી

’દીદી, આ અનિને કહી દો મારા નવા કપડાંમાં રંગવાળા હાથ લૂછીને બગાડી નાખ્યા. ‘

’દીદી, લૂછયા નથી ભૂલથી જરા હાથ અડી ગયો છે. ‘

’સાવ ખોટ્ટો..જો, હવે મારા હાથ પણ ભૂલથી તારા શર્ટને અડી જાય તો મને કહેતો નહીં. ‘

અને થોડીવારમાં જ ઇતિના હાથ અનિકેતના શર્ટને “ભૂલ”થી અડી ગયા સિવાય કેમ રહી શકે ?

અને પછી શરૂ થઇ બંનેની દોડાદોડી. ઇતિ અને અનિકેત, બંનેના મમ્મી,પપ્પા ત્યાં બહાર ખુરશી નાખીને બેઠાં હતાં. વાતો કરતાં કરતાં બધાને સ્નેહથી નીરખી રહ્યાં હતાં ઇશા અનિકેતથી ઘણી મોટી હતી. નાના ભાઇ માટે સ્વાભાવિક રીતે જ તેને અપાર સ્નેહ હતો. અને ઇતિ પણ તેને ઓછી વહાલી નહોતી.

લડતાં ઝગડતાં ઇતિ, અનિકેત થોડી વાર પછી સાથે મળીને માટીના કોડિયામાં તેલ પૂરી રહ્યાં હતાં. એક પછી એક દીવા પ્રગટતા જતાં હતાં. અનિકેત અને ઇતિ હરખાતાં હતાં. હારબંધ પ્રગટતા કોડિયાનો ઉજાસ વાતાવરણને અજવાળી રહ્યો હતો. સૌના દિલમાં આનંદ છલકતો હતો. નાનકડા દીવડાની રોશની આગળ રંગબેરંગી લાઇટોનો ઝગમગાટ ફિક્કો લાગતો હતો. હાથમાં ફૂલઝર લઇને બંને જોશથી હલાવી રહ્યા હતાં. ઇતિ પતંગિયાની માફક આમતેમ દોડી રહી હતી. અચાનક તેનો પગ એક સળગતાં ફટાકડાને જરા અડી ગયો હતો. અને તેની ચીસ નીકળી ગઇ હતી. અનિકેત બધી ધમાલ,મસ્તી છોડીને ઇતિ પાસે પહોંચી ગયો હતો.

’ઇતિ, બહું બળે છે ? ‘

દાઝી તો ઇતિ હતી. પરંતુ તેની વેદના અનિકેતના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.

‘ ના રે, બહું નથી..’

બહાદુર બની ઇતિએ જવાબ આપ્યો. અને તે એક તરફ બેસી ગઇ. અનિકેત પણ તેની પાસે બેસી ગયો. સુલભાબહેન દવા લઇ આવ્યા અને ઇતિના પગે લગાડી દીધી. અનિકેતનું મોઢુ દયામણું બની ગયું હતું.તેની આંખો છલકાઇ આવી હતી. તેને થયું કે મારે લીધે ઇતિ દોડતી હતી અને તેથી જ દાઝી ગઇ.

‘ અનિ તો સાવ છોકરી જેવો છે. હું દાઝી તો ય કયાં જરાય રડી છું ?

‘ હું દાઝયો હોત તો હું પણ ન રડું. ‘

’ તો પછી નથી દાઝયો તો ય કેમ રડે છે ? ‘

પરંતુ નાનકડા અનિકેત પાસે એનો જવાબ કયાં હતો ? એવી કોઇ સમજણ પણ કયાં હતી ? મનમાં જે ઊગતું હતું તે અનાયાસે શબ્દોરૂપે બહાર આવતું હતું. એનો અર્થ શોધવાની જરૂર કયાં હતી ? અને કોઇ અર્થ હતો પણ નહીં. જે હતી તે ફકત નિર્ભેળ લાગણી.

અનિકેતને મીઠાઇ બહું ભાવે જયારે ઇતિને જરાય ન ભાવે. તેને તો ખાટું અને તીખું જ પસંદ આવે. અનિકેત દિવાળીની મીઠાઇ ઝાપટે ત્યારે ઇતિ ચોરાફળી અને મઠિયા પર મારો ચલાવે.

‘ જો આ ઘૂઘરા એકવાર ચાખી તો જો..કેવા સરસ લાગે ‘

’તારા ઘૂઘરા તું ખા..હું તો મારા મઠિયા જ ખાઇશ. મઠિયા એકવાર ખાઇ જો તો ખબર પડે. ‘અને પછી ધીમેથી ઇતિએ ઉમેર્યું.

’ આમ તો જોકે તને મઠિયા નથી ભાવતા એ સારું જ છે. નહીંતર મારા ભાગમાં આવત જ નહીં.

હું કંઇ તારી જેમ આખો દિવસ ખાધા કરું એવો નથી.’

’એ તો મને ખબર છે. આ મીઠાઇ આખો વખત કોણ દાબ્યા કરે છે ? ‘

અને ઇતિ ખડખડાટ હસી પડી.

અને તે હાસ્યમાં અનિકેત બધું ભૂલી ગયો. અને ઇતિ સામે જોઇ રહ્યો.

કેવા સરસ મજાના દિવસો હતાં.

દિવાળી તો અહીં પણ આવતી. અરૂપ દિવાળી ઉપર જાતજાતની અનેક લાઇટીંગ્સ લાવતો અને તેમનો બંગલો રોશનીથી ઝળહળી ઉઠતો. છતાં ઇતિથી માટીના કોડિયા કદી ભૂલાતા નહીં. અરૂપ તેને જૂનવાણી કહેતો છતાં થોડાં કોડિયામાં તે દીવા જરૂર પ્રગટાવતી અને દીવાના એ ઉજાસમાં અનિકેત થોડી ક્ષણો અનાયાસે ચમકી રહેતો. અનેક જાતના ફટાકડાં ધડાધડ ફૂટતાં. અરૂપને મોટા અવાજવાળા ફટાકડા પસંદ હતાં. ઇતિને અવાજ જરાય ન ગમે પણ...! તેને તો નાનકડી ફૂલઝડી કે જમીનચક્રી કે ફુવારામાંથી નીકળતો પ્રકાશનો ધોધ હમેશા આકર્ષતો. પણ એ તો નાના છોકરાના ફટાકડાં હતાં. અને ઇતિ હવે નાનકડી છોકરી થોડી હતી ? હવે તે મોટી થઇ હતી. સમજદાર થઇ હતી. તેના લગ્ન થઇ ગયા હતાં અને તે સાસરે આવી હતી. સાસરે સાસુ નહોતા તો શું થયું ? અરૂપ તો હતો ને ? અરૂપને ગમે તે જ કરવું એ જાણે ઇતિનો સ્વભાવ બની ગયો હતો. ઇતિએ ઉંડો શ્વાસ લીધો. મોગરાની સુવાસ પવનની લહેરખી પર સવાર થઇને ઇતિના અંતરને મહેકાવી ગઇ.

સાસુ અને સાસરું શબ્દની સાથે જ એક દ્રશ્ય ઇતિના મનમાં દોડી આવ્યું.

ઇતિ અને અનિકેત એક જ સ્કૂલમાં ભણતાં હતાં અને રીસેસમાં બંને સ્વાભાવિક રીતે જ સાથે નાસ્તો કરતાં.

તે દિવસે સ્કૂલમાં અનિકેતના નાસ્તાના ડબ્બામાંથી સેવ મમરા ખાતા ખાતા ઇતિ પૂછતી હતી.

‘તને તો સેવ મમરા નથી ભાવતા. તો કેમ લાવ્યો છે ? ‘

’ તને બહુ ભાવે છે ને એટલે..’

અને તું આ ચીક્કી કેમ લાવી ? તને કયાં ભાવે છે ? ‘

’તને ભાવે છે એટલે..’ ખડખડાટ હસતા હસતા ઇતિએ જવાબ આપ્યો હતો.

’ અને અનિ, આજે સાંજે તારે મને દાખલા શીખડાવવાના છે એ યાદ છે ને ? ‘

‘ના, રે, આજે સાંજે તો અમે બધા છોકરાઓ ક્રિકેટ રમવાના છીએ..દાખલા કાલે..’

’ એ કંઇ હું ન જાણું. આજે તારે મને દાખલા કરાવવાના છે બસ..તને એક વાર કહી દીધું. ‘

’ લો, કહી દીધું. જાણે મહારાણી સાહેબાનો હુકમ ! ‘

’હા, હુકમ તો હું હમેશા તારી ઉપર ચલાવવાની

શું સમજયો ? ‘

’ હમેશા ? ‘

’હા..હા..હમેશા.. ‘ બેધ્યાન ઇતિ બોલી.

’ જા..જા..તારા લગ્ન થશે એટલે તું તો સાસરે જવાની..છોકરીઓને સાસરે જવાનું હોય છે. ‘

અનિકેતે તેનું જ્ઞાન પ્રદર્શિત કરતાં કહ્યું.

’ પણ હું તો સાસરે જ નહીં જાઉં. ‘

’ બધી છોકરીઓ એમ જ બોલે. ઇશાદીદી પણ એમ જ બોલતાં હતાં. પરંતુ તેના હમણાં લગ્ન થશે એટલે એ પણ સાસરે જશે.’

અનિકેતની બહેનની સગાઇ થઇ ગઇ હતી અને હવે લગ્ન આવતાં હતાં તેથી અનિકેતને એટલી પાક્કી જાણ હતી કે છોકરીઓએ સાસરે જવાનું હોય. તેનું જનરલ નોલેજ આજે ઇતિને ઇમ્પ્રેસ કરવામાં કામમાં આવ્યું.

નાનકડી ઇતિ થોડી ગંભીર બની ગઇ.

’ હેં અનિ, બધી છોકરીઓએ સાસરે જવું પડે ? ‘

’હા.. છોકરીઓએ જવું પડે..’

’ છોકરાઓએ કેમ ન જવું પડે ? ‘

’છોકરાઓ સાસરે ન જાય..ખાલી છોકરીઓ જાય..’

’પણ એવું કેમ ?’

’ એ તો મને પણ ખબર નથી..’ મમ્મીને પૂછી જોઇશું.

’મારી મમ્મી પણ મને ઘણીવાર કહેતી હોય છે, ‘ સાસરે જઇશને એટલે ખબર પડશે. હેં અનિ, સાસરું કેવું હોય ? ‘

’મને કેમ ખબર પડે ? મેં થોડું સાસરું જોયું છે ? ‘

’મમ્મી કે’તી તી કે બધી છોકરીઓ મોટી થાય એટલે સાસરે જાય.અને સાસરે કંઇ મમ્મી ન હોય.. પણ અનિ, મને તો મમ્મી વિના ન ગમે..મારે યે સાસરે જવું પડશે..? રડમસ ઇતિ બોલી.

‘ હા, એ વાત સાચી. મમ્મી વિના તો કોઇને ન ગમે.આપણે મમ્મીને પૂછીશું..તું સાસરે ન જાય તો ન ચાલે ? ‘

‘ અને મમ્મી કહેતી હતી કે સાસરે મરજી પડે તેમ ન કરાય...ત્યાં સાસુ હોય...અને સાસુ કહે તેમ કરવું પડે..

“ના, ના, સાસુ નહીં અરૂપ કહે તેમ” સાસરે સાસુ તો ન હોય તેવું પણ બને. પોતાને કયાં હતા ? પણ..સાસરે અરૂપ જરૂર હોય..એ કહે તેમ કરવાનું હોય. તેને ગમે તે પહેરવાનું..તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની.. એ ખુશ થાય તો ખુશ થવાનું. એ દુ:ખી હોય ત્યારે દુ:ખી થવાનું. એને સાસરું કહેવાય..! ‘

ઇતિ કેટલી સમજદાર થઇ ગઇ હતી. !

વર્તમાન અને અતીતના તાણાવાણા સાથે ગૂંથાતા હતા કે શું ? પોતે આ ક્ષણે કયાં હતી ? બંને વચ્ચે ફંગોળાતી હતી ?

પ્રકરણ 3 - રેતીનું ઘર

“ કયારેક કયાંક રેતથી રમ્યા હશું તેથી આ ભીંતમા ઘૂઘવતુ તાણ હોય છે...”

ઇતિ અને અનિકેત... બંને વરસોથી બાજુબાજુમાં રહેતા હતા. અને બંનેના ઘર વચ્ચે.... પાડોશીઓ વચ્ચે સુગંધી સંબંધો હતા. અનિકેતના મમ્મી સુલભાબહેન અને ઇતિના મમ્મી નીતાબહેન બંને પાક્કા બહેનપણી. નીતાબહેનના ગુજરાતી વાતાવરણની મજા સુલભાબહેન માણતા તો સુલભાબહેનના ઘરના પંજાબી રીતિરિવાજોમાં નીતાબહેન સામેલ થતાં. બંને કુટુંબ વચ્ચે એક ઘરોબો સ્થપાઇ ગયેલ..કોઇ ભેદભાવ વિનાનો. ઇતિ અનિકેતની જેમ જ આ બંને બહેનપણીઓ પણ હમેશાં સાથે જ હોય. કોઇ ફોર્માલીટી વિનાના.... દિલના સંબંધોથી જોડાયેલ બંને કુટુંબો વચ્ચે ઇતિ અને અનિકેત પુષ્પની માફક ખીલતા રહેતા. બંને બાળકો લગભગ સરખી ઉંમરના હતાં અને તેમના કિલકિલાટથી બેઉ ઘર સતત ગૂંજતાં રહેતાં.

હમણાં અનિકેતની મોટી બહેનના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પ્રસંગ એક ઘરમાં હતો. પરંતુ તેની ધમાલ બંને ઘરમાં ચાલી રહી હતી. ઇશા બંને ઘરની દીકરી હતી. સુલભાબહેન સાથે નીતાબહેન પણ એટલા જ વ્યસ્ત હતાં. ઇતિ અને અનિકેત પણ પતંગિયાની માફક આમતેમ ઉડતાં રહેતાં. તેમને તો આ બધી ધમાલ બહું ગમતી. રોજ નવા નવાં કપડાં પહેરવા, નવું નવું ખાવા પીવાનું. બસ આખો દિવસ ધમાલ અને મસ્તી. સ્કૂલમાં પણ વેકેશન હતું તેથી એની નિરાંત હતી.

ઇશાદીદીની ખુશી જોઇને ઇતિને ખૂબ આશ્ર્વર્ય થતું હતું. લગ્ન થશે એટલે દીદીને તો સાસરે જવું પડશે અને સાસરે તો કંઇ મમ્મી ન હોય તો પણ દીદી કેમ ખુશ થતાં હશે એ રહસ્ય ઇતિની સમજમાં આવતું નહોતું. પણ પૂછે કોને ? અનિકેતને પણ પૂરી ખબર કયાં હતી ?

લગ્નને બે જ દિવસની વાર હતી. ઇતિ આખો દિવસ ઇશાદીદીની આસપાસ મંડરાતી રહેતી. દીદી શું કરે છે, કેમ કરે છે તે જોયાં કરતી. અંતે તેનાથી ન રહેવાયું તેણે દીદીને પૂછી જ લીધું,

’ હેં દીદી, સાસરે તો મમ્મી નહીં હોય તો તમને ગમશે ? તમે સાસરે ન જાવ તો ન ચાલે ? ‘જવાબમાં ઇશા ધીમું મલકી, ‘ ઇતિ, તું મોટી થઇશને એટલે તને બધું સમજાઇ જશે.

‘દીદી, સાસરે બીજું કોણ કોણ હોય ? ‘ઇતિના કૂતુહલનો પાર નહોતો આવતો.

‘ ઇશા જવાબ આપ્યા સિવાય હાથમાં મૂકાયેલી મહેંદી સામે નીરખી રહી. મહેંદીમાં એક નામ ઉપસતું હતું. અને નામની સાથે એક ચહેરો...અને એ ચહેરાના ઉજાસની સુરખિ ઇશાની આંખોમાં છવાઇ હતી. આ અબૂધ બાલિકાને તે શું જવાબ આપે ? તે શા માટે બધાને છોડીને સાસરે જતી હતી ?

ત્યાં અનિકેત ઇતિને બોલાવવા આવી પહોંચ્યો.

‘ઇતિ, ચાલ બહાર જો..બધા કેવી મજા કરે છે. ‘

અને ઇતિ બધું ભૂલીને અનિકેતની પાછળ દોડી ગઇ. ઇશા પરમ સ્નેહથી આ નાનકડાં, વહાલસોયા ભાઇને જોઇ રહી. તેની પાંપણો અનાયાસે ભીની બની. એક આંખમાં મિલનની મધુરતા હતી તો બીજી આંખમાં સ્વાભાવિક રીતે જ વહાલાના વિજોગના વાદળો ઘેરાયેલ હતાં. એકને પામવા માટે કેટલું છોડવું પડે ! અને કેટલું નવું અપનાવવું પડે ? બિલાડીના ટોપની જેમ અચાનક કેટલા બધા સંબંધો ફૂટી નીકળે ? એક છોકરી રાતોરાત કાકી, મામી, ભાભી, કે વહુ બની જાય...છોકરીની જિંદગીની આ કરૂણતા કહેવાય કે મધુરતા ? ઇશા મનોમન વિચારી રહી. અને પછી હાથમાં મૂકાયેલ મહેંદી સામે જોઇ છાનું છાનું મલકી રહી. જાણે મહેંદીએ તેને કોઇ જવાબ આપી દીધો હતો.

બે દિવસ તો ધમાલમાં કયાં પસાર થઇ ગયા. રોજ રાત્રે ઢોલીઓના તાલે ઇતિ અને અનિકેત ઘૂમતાં રહેતાં. અંતે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. સારા દિવસોને તો હમેશા ઉડવાની પાંખો હોય છે ને ?

સવારથી વિધિઓની પરંપરા ચાલી રહી હતી. રાત્રે બહાર મંડપ નીચે ભાંગડાની રમઝટ બોલતી હતી. ઇતિ અને અનિકેત પણ નવાં કપડાં પહેરી મહાલી રહ્યાં હતાં. અને કૂતુહલથી બધી વિધિઓ જોઇ રહ્યાં હતાં. ઇતિ થોડી ગંભીર બનીને બધું નીરખી રહી હતી. કદાચ સાસરે જવામાં શું કરવાનું હોય તેનું નિરીક્ષણ કરી રહી હતી ! ઇશાદીદી આજે કેવા સરસ લાગતાં હતાં.. કેવા સરસ તૈયાર થયાં હતાં..કેટલા ઘરેણા પહેર્યા હતા. સાસરે જવાનું હોય ત્યારે આવું તૈયાર થવાનું હોય ? પોતે પણ આવી જ સરસ તૈયાર થશે.. પણ...ના, ના, પોતાને સાસરે જવું જ નથી..ત્યાં તો મમ્મી ન હોય..પરંતુ કદાચ જવું પણ પડે. બધી છોકરીઓને જવું જ પડે..મમ્મી ખોટું થોડી કહે....?

દરેક વિધિ ઇતિએ ખૂબ રસથી નિહાળી હતી. લગ્ન પછી વિદાયના સમયે ઇશાને રડતી જોઇ ઇતિની આંખો પણ છલકી આવી. દીદી આટલું રડે છે તો પણ આન્ટી તેને સાસરે શા માટે મોકલી દે છે તે ઇતિને કેમેય સમજાયું નહીં. અને આંટી પોતે પણ પાછા રડે છે. તો સાસરે ન મોકલે તો ન ચાલે ? અને તેમાંયે નાનકડા અનિકેતને ભેટીને તેની બહેન રડી અને અનિકેત પણ બહેનને ભેટી મોટેથી રડી પડયો..હવે બહેન તેનાથી દૂર બીજે ઘેર જાય છે તે સમજી ચૂકેલ અનિકેતના ડૂસકાં શમતાં નહોતાં. અને અનિકેતને રડતો જોઇ ઇતિના આંસુ કેમ રોકાય ? તેને તો આન્ટી પર ખૂબ ગુસ્સો આવ્યો. ઇશાદીદીને સાસરે મોકલાવાની શી જરૂર હતી ? દીદી આટલી રડે છે તો પણ આંટી જોને સમજતાં જ નથી..પણ તે શું કરે ? સાસરું નક્કી ખરાબ હોવું જોઇએ એવું મનોમન નક્કી કરી ચૂકેલ ઇતિ એક તરફ ઉભી હતી. અને પછી તો દીદી કારમાં બેસીને ચાલી ગઇ. કેસરિયાળો સાફો ઘરની રોનક લઇ ચાલ્યો ગયો હતો. શરણાઇના ઘેરા, કરૂણ સૂર વાતાવરણને ગમગીન બનાવી રહ્યાં.

એક જ વ્યક્તિની ગેરહાજરી ઘણીવાર જીવનમાં અને ઘરમાં કેવો ખાલીપો સર્જી દેતી હોય છે. ઉડતા સમયપંખીની પાંખ કપાઇ ગઇ હોય તેમ સમય ખૂટવાનું નામ જ નહોતો લેતો. દીકરી સાસરે જાય ત્યારે ઘરમાં પથરાતો સૂનકાર તો અનુભવે જ સમજાય. ઘરની રોનક જાણે ચાલી ગઇ હતી. સુલભાબહેનની સાથે નીતાબહેન પણ વારેવારે ભીની થતી આંખો લૂછતાં રહેતાં. ઇશાની વિદાયના વાતાવરણની ઉદાસી બંને ઘરમાં દિવસો સુધી પથરાઇ ગયેલી. ઇતિ અને અનિકેત પણ અણોહરા થઇને ફર્યા કરતાં હતાં. અને ત્યારે ઇતિએ તો મનમાં નક્કી કરી નાખેલ ..’ના રે, આપણે તો સાસરે જવું જ નથી ને..! ‘

અને છતાં ઇતિ સાસરે આવી જ ને ? એકદમ અચાનક આવી...ખૂબ ઝડપથી આવી.. જોકે સાસરે સાસુ તો નહોતા..કોઇ દુ:ખ પણ આમ તો કયાં હતું ? નાનપણમાં કલ્પના કરીને ડરતી હતી તેવું ખરાબ સાસરું પણ કયાં હતું ? બધું સારું જ હતું. છતાં આજે કેમ કશુંક ખૂટતું હોવાની લાગણી મનમાં જાગી રહી છે..!

શરૂઆતમાં ઇતિને સાસરે કશો અભાવ લાગતો હોય તો તે દરિયાનો. નાનપણથી દરિયાકિનારે ઉછરેલ ઇતિને દરિયા સાથે એક આત્મીયતા બંધાઇ ગયેલ. દરિયા વિના તેને અતડું લાગતું હતું. પરંતુ પછી તો એના વિના પણ રહેવાની આદત પડી ગઇ. અનિકેત જેવા અનિકેત વિના પણ તે આટલા વરસો રહી જ ને ? તો પછી દરિયાની શી વિસાત ?

જોકે હવે તો છેલ્લા પાંચ વરસથી તેઓ ફરીથી દરિયાના સાન્નિધ્યમાં આવી શકયાં હતાં. પહેલીવાર અરૂપ સાથે કેટલી હોંશથી.. છલકતા ઉત્સાહથી ઇતિ દરિયે ગઇ હતી. ભીની રેતીમાં આટલા વરસે પણ ઘર બનાવવાની ઇચ્છા જાગી હતી. પણ અરૂપને એવી બાલિશતા ન જ ગમે તેટલું તો તે જાણી જ શકી હતી. પરંતુ એ વાત અરૂપને કહ્યા સિવાય તે રહી શકી નહીં. તે અને અનિકેત રેતીમાં કેવી રીતે ઘર બનાવતા..પછી તે ઘર મોજામાં કેવા તણાઇ જતા.. તે બધી વાત કરતાં ઇતિના હૈયામાં અને આંખોમાં એક અનેરી ચમક ઉભરી આવી હતી.. વીતેલા દિવસોની મીઠી યાદ.. અને ડૂબતા સૂરજની લાલિમા તેના ચહેરા પર છવાઇ હતી. અરૂપે મૌન બની તે વાતો સાંભળી હતી. કોઇ પ્રતિભાવ આપ્યા સિવાય.

‘ આપણે દર રવિવારે દરિયે આવીશું. ‘ ઇતિ ઉત્સાહથી બોલી ઉઠી હતી. અરૂપ મૌન જ રહ્યો હતો.

જોકે દર રવિવારે દરિયે આવવાનું બનતું નહીં. કેમકે રવિવાર સિવાય અરૂપને સમય ન હોય અને રવિવારે અરૂપનો કોઇ ને કોઇ કાર્યક્રમ ગોઠવાઇ જ ગયો હોય. કયારેક પિકચર..કયારેક કલબ, કોઇ પાર્ટી, કે પછી કોઇ મિત્રને ઘેર..કયારેક લોંગ ડ્રાઇવ પર જવાનું અરૂપને મન થતું. ઇતિ દરિયાનું કહે તો તરત.....

’ અરે, એ ને એ પાણી..એમાં રોજ નવું શું હોય ? કેટલી રેતી ઊડતી હોય છે. બસ..બેન્ચ કે રેતી પર ખાલી બેસી રહો. મને તો રોજ એક જ જગ્યાએ જવાનો કંટાળો આવે. કોઇ ગ્લેમર વિનાનો ફિક્કો દરિયો. પાણી જોઇ જોઇને માણસ કેટલીવાર જોઇ શકે ? ‘

ઇતિ કહી ન શકી કે ના, ખાલી બેસી રહેવાનું નથી હોતું. દરિયાના ઘૂઘવતાં,ઉછળતાં મોજાં તેને કેટલી બધી વાતો કરે છે ! સાંજે દરિયામાં સંતાતા સૂરજદાદા તેને હસીને આવજો કરે છે. ભીની રેતીમાં તો કેટલા ઘરો બને..પાણીમાં પગ બોળાય અને અસ્તિત્વ આખું કેવું ઝળહળ થઇ જાય.. આ કંઇ ખાલી બેંચ પર બેસી રહેવાની વાત થોડી છે ?

પરંતુ આવું બધું અરૂપને તો ગાંડા જેવું જ લાગે. અને અરૂપને ન ગમે એવું કરવાનું મન ઇતિને નહોતું થતું. તેથી તે મૌન જ રહેતી.

જોકે પછી ઇતિનો વિલાઇ ગયેલ ચહેરો જોઇ અરૂપ તુરત કહેતો,

’ ઓકે..આવતા રવિવારે ચોક્કસ દરિયે બસ..ખુશ ? ‘

ઇતિને ખુશ થતાં કયાં વાર લાગતી હતી ? તેની સરળતા તેને વધારે અપસેટ થવા નહોતી દેતી. અને અરૂપને ગમતું બધું કરવા તે તત્પર બની જતી. જોકે પછી પેલો રવિવાર જલદીથી આવતો નહીં એ અલગ વાત હતી. સંજોગો જ એવા આવતા રહેતા કે દરિયે જવાનો કાર્યક્રમ જલદી બની શકતો નહીં.

બાકી શૈશવના તે દિવસોમાં તો...

વરસોથી રવિવારની સાંજ દરિયાકિનારે સાથે ગાળવાનો ઇતિ અને અનિકેતના કુટુંબનો વણલખ્યો નિયમ બની ગયો હતો. જમવાનું પણ ત્યાં જ. ઘેરથી કેટલું બધું બનાવીને લઇ જવાનું. રવિવાર એટલે પિકનીક....આખો દિવસ મોજ મસ્તી, ધમાલ ....અને નિર્ભેળ આનંદ....

રવિવારની સાંજે સૂર્ય પશ્વિમ ક્ષિતિજે ગુલાલના છાંટણા વેરી દરિયામાં અંતિમ ડૂબકી મારી રહ્યો હોય, બંનેના માતા પિતા વાતોમાં ડૂબેલા હોય અને બંને બાળકો... ઇતિ અને અનિકેત ભીની રેતીમાં ઘર બનાવવાના મહાન કાર્યમાં મશગૂલ હોય. જો કે ઘર બનાવવાનું કામ તો ઇતિ જ કરતી. અનિકેત તો બાજુમાં બેઠો બેઠો નિરીક્ષણ કરે અને સલાહ સૂચન આપવાનું કામ કર્યા કરે. ઇતિ હોંશે હોંશે એ સૂચનોનો અમલ કરતી રહે. આમ પણ ઇતિનો તો સ્વભાવ જ એવો.. ખાસ કોઇ આગ્રહ વિનાનો..બધાની બધી વાતનો સ્વીકાર.! એટલે અનિકેતની દરેક વાતનો સહજ સ્વીકાર થતો. તેની કોઇ પણ વાત દલીલ વિના માનવી એ ઇતિ માટે સહજ હતું.

શંખલા, જાતજાતના છીપલાઓની હાર વડે ભીની રેતીમાં ઇતિ ઘરની અંદર કેટલાયે ઓરડાઓ બનાવે..

’અનિ, આ તારો રૂમ...બાજુમાં આ મારો રૂમ...અહીં આપણે રમવાનું..અને આ આપણું કીચન.. આ આપણી અગાશી...આ......’

ઇતિ ઉત્સાહથી અવિરત બોલ્યે જતી. અને અચાનક અનિકેત કહેશે, ‘ ના, ઇતિ, અહીં આ સારું નથી લાગતું. ‘

અને મહામહેનતે બનાવેલ એ ઘર એક પળના યે વિલંબ વિના વિખેરાઇ જાય...અને અનિકેતની સૂચના પ્રમાણે નવેસરથી ઇતિ ઘર બનાવવામાં વ્યસ્ત..!

કલ્પનાની પાંખે બાળવિશ્વમાં એક રંગીન દુનિયા રચાતી રહે.

કયારેક બંનેને સંતોષ થાય તેવું ઘર બની રહે ત્યાં દરિયાનું કોઇ મોટું મોજુ ઊછળતું આવીને એક ક્ષણમાં ઘરને તાણી જાય. ઇતિ, અનિકેત જોઇ રહે...અને દુ:ખી થવાને બદલે બંનેના નિર્ભેળ હાસ્યથી દરિયાની આથમતી સાંજમાં એક ઉજાસ પ્રગટી રહે. અને ફરીથી થોડે દૂર નવું ઘર બનાવવાની મથામણો ચાલુ. કોઇ ફરિયાદ વિના..કોઇ વિષાદ વિના. અને દરેક વખતે એમાં કલ્પનાના અવનવા રંગો ઉમેરાતા રહે. આથમતો સૂર્ય બંને બાળકો પર એક હેતભરી નજર નાખી, પશ્વિમ આકાશમાં સાન્ધ્યરંગોની કટોરી ઢોળી બીજે દિવસે આવવાનો વાયદો કરી ધીમેથી પાણીમાં અંતિમ ડૂબકી મારી અદ્રશ્ય બની જાય.

આવી તો અગણિત રવિવારની સાંજ..ઘૂઘવતા દરિયાના મોજા..અને ડૂબતા સૂરજની સાક્ષી..!

કયારેક ઇતિ કહેશે, ‘ અનિ, તું યે અહીં મારી બાજુમાં બીજું ઘર બનાવ ને ‘

નાનકડો અનિકેત તરત કહે,’ ના, હું શું કામ જુદુ ઘર બનાવું ? હું તો તારા ઘરમાં જ રહીશ. ’

પણ.....એ દિવસ કદી આવ્યો જ નહીં.

કાળદેવતાને આ બાળકો પર કદાચ વહાલ તો ઉપજતું હશે. પરંતુ તેણે તો તેના હિસાબ કિતાબ સાક્ષીભાવે જ પતાવવાના રહ્યાને ? અને તેના હિસાબ કિતાબ કયારેય કોઇને સમજાયા છે ખરા ?

દિવસો હરખભેર દોડયે જતા હતા. બંનેની અન્દર વહેતી સ્નેહની સરવાણી તેમની પણ જાણ બહાર અલગ અલગ રંગ રૂપ ધારણ કરતી જતી હતી..બંનેની મસ્તી, દોસ્તી એક નવી ઉંચાઇ સાથે નિખરતી રહેતી.

તેમનું શૈશવ સાથે વીત્યું અને કિશોરાવસ્થા પણ સાથે જ...! સ્કૂલે સાથે આવવા જવાનો ક્રમ કયારેય તૂટયો નહીં. અનિકેત સાથે હોય એટલે ઇતિના મમ્મી, પપ્પાને કોઇ ચિંતા હોય જ નહીં.

સામાન્ય રીતે અનિકેત સ્કૂલમાં ઓછાબોલો અને શાંત ગણાતો હતો. પરંતુ તે દિવસે....તે દિવસે.. સાવ નાની વાતમાં તે મલય સાથે ઉશ્કેરાઇને ઝગડી પડયો. ! વાત બોલાચાલીથી થઇ હતી અને જો શિક્ષક સમયસર વચ્ચે પડયા ન હોત તો કદાચ મારામારી સુધી પહોંચી જાત. આજે મલય અનિકેતના હાથનો માર ચોક્કસ ખાત. ઇતિ માટે અનિકેતનું આ સ્વરૂપ બહું નવું...આશ્રવર્યજનક હતું. તેને સમજાયું નહીં આજે આવી નાની વાતમાં અનિકેત આમ ઉશ્કેરાઇ કેમ ગયો ?

વાત બહું મોટી પણ કયાં હતી ? દસ વરસના ઇતિ અને અનિકેત પાંચમા ધોરણમાં ભણતા હતા. તેમની સ્કૂલમાં ટીખળી છોકરાઓ અવારનવાર છોકરીઓની મસ્તી કરતા રહેતા. અને છોકરીઓ સામાન્ય રીતે તેને હસવામાં ટાળી દેતી. અવારનવાર આવું ચાલતું રહેતું.

આજે મલયે ઇતિની મશ્કરી કરી ત્યારે અનિકેત ત્યાં જ હતો. અને બસ...! અનિકેતનો પારો સાતમા આસમાને. ઇતિના લાખ વારવા છતાં અનિકેત કંઇ સાંભળવા તૈયાર જ કયાં હતો ?

સાંજે સ્કૂલ પૂરી થયા બાદ સાથે ઘેર જતી વખતે ઇતિએ અનિકેતને પૂછયું પણ ખરું..’અનિ, આજે કેમ આટલો બધો ?..’

અનિકેત મૌન રહ્યો. જવાબ આપ્યા સિવાય તેણે એક નજર ઇતિ સામે નાખી. ઇતિએ હવે આગળ પૂછવાનું માંડી વાળ્યું. અને વાત ત્યાં પૂરી થઇ હતી.

પણ તે દિવસ પછી ઇતિની મસ્તી કરવાનું છોકરાઓ ભૂલી ગયા હતા.જોકે અનિકેતનું નામ ઇતિના બોડીગાર્ડ તરીકે પડી ગયું હતું. એ અલગ વાત હતી.પરંતુ અનિકેતને એવી પરવા કયાં હતી ?

સ્મૃતિઓના પતંગિયા ફરફર કરતાં ઊડી રહ્યા હતા. ઇતિની નજર સામે એક પછી એક દ્રશ્યો જાણે ઊઘડતા જતાં હતાં. જાણે આજે જ આ ક્ષણે બધું બની રહ્યું હતું.

કયાં છે ઇતિનો એ બોડીગાર્ડ આજે ? કાળની કઇ ગુફામાં ખોવાઇ ગયો ?

એ બોડીગાર્ડનું નામ અરૂપ કેમ કરતા..કયારે થઇ ગયું ?

કાળ કરવટ લે છે ત્યારે સમય નથી બદલાતો..બદલાય છે જીવન..

ઇતિનું પણ જીવન બદલાયું હતું. સાવ અણધાર્યું બદલાયું હતું.

પ્રકરણ 4 - મૈત્રીભાવનું પવિત્ર ઝરણું..

“ આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી, એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે.”

‘ એકવાર ના પાડીને કે તારે ઉઠવાનું નથી. ‘

બાર વરસની ઇતિ સત્તાવાહી અવાજથી અનિકેતને ધમકાવી રહી હતી.

અનિકેતને ચાર દિવસથી તાવ આવતો હતો. સૂઇ સૂઇને સ્વાભાવિક રીતે જ તે કંટાળી ગયો હતો. અને હવે તેને બહાર રમવા જવાની ઇચ્છા થતી હતી. પણ આ ઇતિ જોને......તેના કડક ચોકી પહેરામાંથી છટકવું કયાં આસાન હતું ? સ્કૂલમાં કોઇ ફંકશનને કારણે આઠ દિવસની રજા હતી. અને રજામાં આમ સૂઇ રહેવું કયા કિશોરને ગમે ? તેની મમ્મી સુલભાબહેન થોડા દિવસ માટે બહારગામ ગયા હતા. ઘરમાં બાપ દીકરો એકલા હતા...અને ત્યાં આ તાવ...! તેના પપ્પા મૂંઝાઇ ગયા હતા. જોકે ઇતિનું કુટુંબ બાજુમાં હતું તેથી ખાસ ચિંતા નહોતી. ઇતિની મમ્મી આંટાફેરા કર્યા કરતી. જમવાનું તો આમ પણ વરસોથી એક્બીજાની ગેરહાજરીમાં એક્બીજાને ત્યાં જ ગોઠવાતું. તેથી એવો કોઇ પ્રશ્ન નહોતો.

આજે તાવ વધારે હોવાથી ઇતિને તેની મમ્મીએ અનિકેતને કપાળે પોતા મૂકવા બેસાડેલી. અને ઇતિ પૂરી જવાબદારીથી પોતાની ડયુટી બજાવતી હતી માતૃત્વનો ઝરો બાર વરસની ઇતિમાં ફૂટી નીકળ્યો હતો. અનિકેતને દવા આપવાનો સમય થયો છે કે કેમ તે જોવા પોતા મૂકતી ઇતિ પાંચ પાંચ મિનિટે દીવાલ ઉપરની ઘડિયાળમાં જોતી રહેતી હતી. જરાયે મોડું ન થવું જોઇએ. આજે તેનું ધ્યાન કોઇ વાતોમાં…કોઇ મસ્તીમાં નહોતું. આજે તો તે અનિકેતની ચોકીદાર હતી. તેણે અનિકેતનું ધ્યાન રાખવાનું હતું. એ કંઇ ઓછી જવાબદારી હતી ? અને અનિકેત તો કંઇ સમજતો જ નહોતો. તાવ હોય તો સૂતુ રહેવું જ જોઇએ ને ? અને સમયસર દવા તો પીવી જ પડે ને ? અનિકેત તેની ઉપર કૃત્રિમ ગુસ્સો કર્યા કરતો હતો. પણ ઇતિ કંઇ એવી પરવા કરે તેમ કયાં હતી ? અનિકેત ગમે તેટલા નખરા ભલેને કરે..પણ ઇતિ પાસે તેનું થોડું ચાલવાનું હતું ?

બોલબોલ કરતા અનિકેતના મોં પર હાથ મૂકી ઇતિ દાદીમાની જેમ તેને ધમકાવી નાખતી.

‘મોં બંધ....! ડોકટરે બહું બોલવાની ના પાડી છે. તારે આરામ કરવાનો છે . ‘

’હા, તને તો ખીજાવાની મજા પડી ગઇ! એકવાર સાજો થવા દે ને..પછી જો...’

’પછીની વાત પછી.... મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. ચાલ,ચૂપચાપ દવા પી લે.’

અને ચમચીમાં દવા કાઢી ઇતિ ધીમેથી અનિકેતના મોંમાં દવા ખોસી દેતી. અનિકેત ગમે તેટલું કટાણું મોઢું ભલે કરે..પણ તેને ખબર હતી કે દવા તો પીવી જ પડશે. આ ઇતિ કંઇ તેને છોડે તેમ છે નહીં. તેની પાસે પોતાનું કંઇ ચાલવાનું નથી. અનિકેતે ગુસ્સામાં દવા તો પીધી પણ પોતાના ભીના હાથ ઇતિના ફ્રોકમાં લૂછવાનું ભૂલ્યો નહીં. કૃત્રિમ રોષથી ઇતિ કહે,

‘ચાલ, હવે ચૂપચાપ સૂઇ જવાનું છે.’

‘તું મારી ઉપર બહું દાદાગીરી કરે છે.’ મમ્મી આવશે એટલે બધું કહી દેવાનો છું.’

‘ કહેવું હોય તે કહી દેજે. ચાલ, હવે અત્યારે સૂઇ જા. ‘ આંટીને ઓળખતી ઇતિ પૂરેપૂરી રાજાપાઠમાં હતી.

‘ તું કહે ત્યારે મારે સૂઇ જવાનું ? હું નહીં ચલાવી લઉં..જા..’

‘ બધું ચલાવવું પડે. માંદો કેમ પડયો ?’

’તે કંઇ ગુનો કર્યો છે ? તું તો મને થોડીવાર પણ ઉભો નથી થવા દેતી.’

’ પણ તો પછી જલદી સાજા ન થવાય ને? ચાલ, તું તો બહું ડાહ્યો છે ને ? ’

ઇતિના અવાજમાં થોડી નરમાશ આવી.

‘ના, મારે કંઇ ડાહ્યા નથી થવું. એકવાર મને સાજો થવા દે ને પછી જો..હું પણ તને કેવો હેરાન કરું છું.’

’ પછીની વાત પછી..અત્યારે અંકલે અને મમ્મીએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે. એટલે હું કહું એમ તારે કરવાનું...’

’ ચાલ હવે બહુ વાતો થઇ. ચૂપચાપ સૂઇ જા. ‘

ઇતિએ ફરી રોફ છાંટયો.

‘તું કહે ત્યારે મારે સૂવાનું..તું કહે ત્યારે મારે દવા પીવાની..તું કહે એ જ મારે ખાવાનું. બધુ તું કહે તેમ કરવાનું. ઇતિ, તું કહે છે તેમ બધું હું કરું જ છું ને ? દવા કેવી કડવી છે તો પણ પી લઉં છું ને ? પણ તું તો મને થોડીવાર પણ ઉભો નથી થવા દેતી...’ અનિકેતની વાત તો સાચી છે. પણ પોતે શું કરે ? ઇતિને દયા આવી ગઇ. તેણે ત્યાં પડેલી એક સ્ટૉરીબુક હાથમાં લઇ નાના બાળકને ફોસલાવતી હોય તેમ ધીમેથી કહ્યું,

’ અનિ, ચાલ, આમાંથી કઇ વાર્તા વાંચુ ? તું આંખ બંધ કરીને સાંભળ..’

’ના, વાર્તા નહીં...આપણે રોજ સ્કૂલમાં ગાઇએ છીએ..તે પ્રાર્થના ગા. મને એ બહું ગમે છે.’

’તું આંખો બંધ કરીને સૂઇ જા તો હું પ્રાર્થના ગાઉં. બસ ? ’

કહ્યાગરા છોકરાની માફક અનિકેતે આંખો બંધ કરી દીધી. અને ઇતિના હાથ અનાયાસે અનિકેતના વાળમાં ફરતા ગયા...અને ગળામાંથી સ્વરો ગૂંજી ઉઠયા.

” મૈત્રીભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે..

શુભ થાઓ આ સકલ વિશ્વનું,

એવી ભાવના નિત્ય રહે...એવી ભાવના નિત્ય રહે...”

ઇતિના મોં પર એક દિવ્ય આભા છવાઇ રહી. અને એક પછી એક પ્રાર્થના સરતી રહી..

“ એક જ દે ચિનગારી..મહાનલ..એક જ દે ચિનગારી.. “ કે પછી

“ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા..”

વચ્ચે વચ્ચે અનિકેત આંખ ખોલી છાનોમાનો ઇતિને જોઇ લેતો. ઇતિ કંઇ બોલ્યા સિવાય અનિકેતની આંખો પર હાથ મૂકી દે...અને પ્રાર્થના આગળ સરતી રહે.

ઇતિના ગળામાંથી આ ક્ષણે પણ એ સ્વરો વરસો બાદ આપમેળે ગૂંજી ઉઠયા.. એકાદ ક્ષણ તે ચોંકી ગઇ. પણ એ સમાધિમાંથી બહાર આવવું તેને ગમ્યું નહીં. તેની આંખો ફરીથી બંધ થઇ.

એક કિશોર અને કિશોરી કયા ભાવવિશ્વની સફરમાં ખોવાયેલ હતા તેની જાણ તેમને પોતાને પણ કયાં હતી ?

કાળદેવતા આ કિશોર કિશોરીના નિર્વ્યાજ સ્નેહઝરણામાં એકાદ ક્ષણ ડૂબકી મારી.. મૌન આશીર્વાદ વરસાવતા હળવેથી ત્યાંથી ખસી રહ્યા. આ પવિત્ર,દિવ્ય વાતાવરણમાંથી ખસવાની ઇચ્છા તો તેમને યે નહોતી થતી. પણ....

અનિકેતના પપ્પા સાંજે ઓફિસેથી આવીને કહેતા, ‘ઇતિ બેટા, હવે તું થાકી ગઇ હઇશ. લાવ, થોડીવાર હું પોતા મૂકુ. પણ ઇતિ અનિકેત પાસેથી ખસવાનું નામ કેમ લે ? અનિકેતને તે પૂરેપૂરો ઓળખેને..! દવા પીવાનો કેવો ચોર છે..તેની જાણ અંકલને થોડી હોય ? અને અનિકેત માટે ઇતિ કોઇનો વિશ્વાસ કરી કેમ શકે ?

અનિકેતે તો તુરત કહ્યું, ‘હા, ઇતિ, તું જા..હવે તો પપ્પા છે ને ? તે મને દવા આપી દેશે. ‘ ઇતિ કરતાં પપ્પાને પટાવવા સહેલાં હતા તે અનિકેત જાણતો હતો. પણ જવાબમાં ઇતિએ અનિકેતને હોઠ પર આંગળી મૂકી ચૂપ કરીને અંકલને કહ્યું,

’ ના, અંકલ..તમે તમારે છાપુ વાંચો. પોતા હું મૂકુ છું. તેને દવા પીવાનો સમય થશે પછી દવા પીવડાવીને જ જઇશ. તમારી પાસે તો અનિ નખરા કરશે. ‘

અને અંકલને પણ ઇતિની વાત સાચી લાગી. અને તેમણે હાથમાં પેપર લીધું અને ઇતિએ અનિકેતની સામે વિજયી અદાથી જોયું. અનિકેતે કશું બોલ્યા સિવાય ચાદર માથા સુધી ખેંચી લીધી. કદાચ તેમાં જ પોતાની સલામતી છે તે સમજતાં તેને વાર નહોતી લાગી.

બે દિવસ પછી હોળી હતી. અનિકેતનો તાવ તો ઉતર્યો હતો. પરંતુ હજુ બહાર જવાય તેવી શક્તિ આવી નહોતી. અને ઇતિ જેવી ચોકીદાર બેઠી હોય ત્યારે તો જવાનો કોઇ સવાલ જ નહોતો. નહીંતર દર વરસે ધૂળેટીના દિવસે ઇતિ, અનિકેત હાથમાં પિચકારી અને કલર લઇને તૈયાર જ હોય. તેમનું આખું ટોળુ સાથે મળીને બહાર ઉપડયું જ હોય.

‘ ઇતિ, આજે હવે મને તાવ પણ નથી. અને કાલે તો સાવ સારું થઇ જશે પછી આપણે રંગ લઇને રમવા જશુંને ? ‘

’ એ અત્યારથી ન કહી શકાય. બે દિવસ પછી જોઇશું. ‘

ગંભીરતાથી ઇતિ બોલી.

‘ પણ હવે તો મને સારું છે. ‘

’એકવાર કહ્યુંને પછી જોઇશું. હું અને અંકલ ડોકટરને પૂછીને પછી કહેશું. ‘ મોટા માણસની જેમ ઇતિએ જવાબ આપ્યો.

અને ડોકટરને પૂછતાં તેમણે આરામની સલાહ આપી અને તે પણ ઇતિની હાજરીમાં...પછી અનિકેત હલી પણ કેમ શકે ?

ધૂળેટીને દિવસે સવારે અનિકેત નિરાશ થઇને સૂતો હતો. હજુ સાવ સારું નહોતું થયું. તેને થયું ઇતિ અને બધા રમતાં હશે અને તે એકલો અહીં આમ પડયો છે. તેને રડવું આવતું હતું. બહારથી આવતા હસવાના અવાજ તેને આમંત્રણ આપતાં હતાં. તે ધીમેથી ઉભો થયો. ઇતિને જે કહેવું હોય તે કહે. પોતે કંઇ ઇતિની દાદાગીરી ચલાવી લેવાનો નથી. બધું ઇતિ કહે એમ જ કરવું એવું થોડું છે ? પોતે રમવા ઉપડી ગઇ છે. અને મારે આમ પડયા રહેવાનું? પણ શું કરે તે ? બહાર પપ્પા બેઠાં હતાં અને પેલી ચિબાવલી પપ્પાને કહીને જ ગઇ હશે કે અનિકેતને બહાર નીકળવા દેશો નહીં. અને પપ્પા ઇતિ કહે તેમ કરવાના જ.

અનિકેતને બહું ગુસ્સો આવ્યો. તે ધીમેથી ઉભો થયો. બારીમાંથી બહાર જોઉં તો ખરો ઇતિ અને બધા કેવા રમે છે ! તે ધીમેથી ઉભો થયો. ત્યાં જ ઇતિ આવતી દેખાઇ. તે ઝડપથી પોતાની જગ્યાએ જઇને સૂઇ ગયો.

પણ ઇતિએ તેને જોઇ લીધો હતો.

અંદર આવીને તેણે પહેલું કામ આનિકેતને ધમકાવવાનું જ કર્યું.

’ ઉભા થવાની ના પાડી હતી ને ? કેમ ઉભો થયો હતો ? ‘

એ તો બે મિનિટ...ખાલી જોતો હતો. અને આમ પણ મારે પાણી પીવું હતું. ‘

’ પાણી અહીં રાખ્યું જ છે. બહાના ન કાઢ. બહાર જવું હતું એમ કહી દે ને..’

એ તો જાઉં પણ ખરો. તારી દાદાગીરી હવે હું ચલાવવાનો નથી.

’ બસ હવે..ચાલ, ચૂપચાપ સૂઇ જા. અનિ, તું તો ડાહ્યો છે ને ? ‘

ઇતિ થોડી નરમ પડી. અનિકેત રમવા નથી જઇ શકતો તેનું દુ:ખ તો તેને પણ થતું હતું. પણ શું થાય ?

‘ ઇતિ, તું તારે રમવા જા..હું નહીં નીકળું. બસ ? ‘

’ ના,મને તારા વિના રમવા જવું ન ગમે. ‘

’ તે તું આજે બિલકુલ રમવા નહીં જાય ? ‘

’ તને મજા ન હોય તો કેમ જાઉં ? ‘ સ્વાભાવિકતાથી ઇતિએ કહ્યું.

‘ ના, ના, ઇતિ, તું જા...મને ખબર છે તને પણ રંગથી રમવું કેટલું ગમે છે. ‘

હવે અનિકેતે ઉદારતા દર્શાવી. તે તો એમ જ માનતો હતો કે ઇતિ રમવા ગઇ જ હશે.ત્યાં તો ઇતિએ હાથમાં અત્યાર સુધી છૂપાવી રાખેલ ગુલાલ અનિકેતને કપાળે ધીમેથી અડાડયો.

‘ લે તારે હોળી રમવું હતું ને ? ‘

’ એ ય આ તો ચીટીંગ કહેવાય હોં. મારી પાસે રંગ નથી એટલે તું એકલી મને આમ રંગી દે એ ન ચાલે. ‘

ચાલે..ચાલે બધું ચાલે..કોણે માંદા પડવાનું કહ્યું હતું ? ‘

પણ ત્યાં તો ચાલાક અનિકેતે ઇતિને ખબર ન પડે તેમ ધીમેથી ઇતિએ બાજુમાં મૂકેલ ગુલાલના પડીકામાંથી ગુલાલ હાથમાં લઇ લીધો હતો અને અચાનક ઇતિને આખી ભરી મૂકી.

‘ અનિ....મારું ફ્રોક...તારી પાસે ગુલાલ કયાંથી આવી ગયો ? ‘

ત્યાં બાજુમાં રાખેલ પડીકા ઉપર તેનું ધ્યાન ગયું. અને તે સમજી ગઇ.

અનિકેત મોટેથી હસી પડયો. કેવી રંગાઇ ગઇ ? મને રંગવા આવી હતી. લે લેતી જા…

અને પછી તો બંનેની મસ્તી થોડીવાર ચાલી. બંને ગુલાલથી આખા લાલ થઇ ગયા હતાં. ખિલખિલાટ હસવાનો અવાજ સાંભળી અનિકેતના પપ્પા પણ અંદર આવી ગયા. બંનેને ગુલાલના રંગે રંગાયેલ જોઇ તે પણ હસી પડયા. હવે ઇતિ અંકલને થોડી છોડે ? તેણે દોડીને અંકલને રંગથી ભરી દીધા. અનિકેત હસી પડયો.

‘ પપ્પા. ઇતિથી બચવું સહેલું નથી. ‘

’ આજે તો બચાય જ નહીં ને..’

‘ અનિ, એક મિનિટ, હું બારણું બંધ કરી આવું. નહીંતર બધા ઘરમાં આવીને તને હેરાન કરશે. અને બારણું બંધ કરવા જતાં જતાં ઇતિ લાગ જોઇ ફરી એકવાર અનિકેતને રંગવાનું ચૂકી નહીં.

ગુલાલના રંગની એ સુરખિ આ ક્ષણે પણ ઇતિના મોં પર છવાઇ હતી તેનાથી ઇતિ બેખબર જ રહી. પણ બંધ આંખે તે એકલી એકલી મોટેથી હસી પડી.

પણ આમાં બીજા કોઇ દ્રશ્યની ભેળસેળ કેમ થઇ જતી હતી ?

‘ ઇતિ, આ શું નાના છોકરાની જેમ મસ્તી માંડી છે ? છિ..મને આવું જરા ય ગમે નહીં. રંગથી આવા ગંદા થવું એ કંઇ આપણું કામ છે ? ‘

લગ્ન પછી પહેલી હોળીએ સવારે ઉઠતાંની સાથે જ મલકતી ઇતિએ અરૂપને ગુલાલવાળો હાથ હજુ તો અડાડયો જ હતો ત્યાં અરૂપનો રુક્ષ અવાજ સાંભળી તે અટકી ગઇ. છતાં ધીમેથી કહ્યું ખરું,

‘ અરૂપ, આજે તો હોળી છે તેથી મને થયું કે...’વચ્ચેથી જ અરૂપે કહ્યું,’ હા, મને ખબર છે હોળી છે. પરંતુ હવે તું નાની નથી. હવે થોડી મેચ્યોર થતાં શીખ.’

અને ઇતિ મેચ્યોર થઇ ગઇ હતી. તે દિવસ પછી આજ સુધી એક પણ હોળી ઉપર રંગનું નામ સુધ્ધાં ઇતિએ નથી લીધું. ધૂળેટીને દિવસે તે બાલ્કનીમાંથી બહાર જોઇ રહેતી. પરંતુ અહીં આસપાસ ખાસ કોઇ વસ્તી નહોતી. કોઇ રડયું ખડયું કયારેક દેખાઇ જાય એટલું જ. જોકે કોઇ ન દેખાય તો પણ શું ? ઇતિને તો ધૂળેટીને દિવસે પેલા ધોળા ધોળા સસલાને પણ રંગથી ભરી મૂકવાનું મન થઇ જતું. તેનું ચાલે તો દોડી જતી ખિસકોલીને પણ તે રંગી નાખે અને ઉડતાં પંખીઓને પણ રંગથી નવડાવી દે. લીલા પોપટ ઉપર લાલ રંગ કેવો લાગે ? કાળી મેનાને તો સરસ મજાના મેઘધનુષી રંગથી શણગારી દે. ઇતિની કલ્પનાઓનો કોઇ અંત કયાં હતો ?

પણ ના, હવે તો તે સાસરે આવી હતી. મેચ્યોર થઇ ગઇ હતી. એવી બાલિશતા....નાદાની તો શૈશવમાં શોભે......

પરંતુ આ ક્ષણે તો તે દિવસની મસ્તીનો કેફ ઇતિને જરૂર ચડયો હતો. કે પછી તે કેફ કયારેય ઉતર્યો જ નહોતો. ફકત અંદર છૂપાઇ રહ્યો હતો? અને ઇતિને ખબર નહોતી પડી.?

ઇતિ એકલી એકલી હસી પડી. તેની નજર સમક્ષ આ પળે આખો ગુલાલવાળો થઇ ગયેલ અનિકેત દેખાતો હતો. અને ઇતિના ચહેરા ઉપર એ ગુલાલની સુરખિ.....

હોળીના બે દિવસ પછી અનિકેતની મમ્મી આવી ત્યાં સુધીમાં તેનો તાવ ઉતરી ગયો હતો. અને ઇતિ પોતાને કેવો હેરાન કરતી હતી, કેવી ખીજાતી હતી..તેની ફરિયાદ અનિકેત મમ્મીને કરતો હતો. અનિકેતની મમ્મીનો વહાલભર્યો હાથ બંને બાળકો પર ફરતો હતો.

ઇતિ તો ખડખડાટ હસતી હતી. અને અનિકેતની મમ્મી પોતાને માટે લાવેલ ફ્રોક પહેરીને તે કેવું લાગે છે તે અરીસામાં જોવામાં મશગૂલ હતી.

‘ બહું રૂપાળી લાગે છે..બસ હવે..’ અનિકેત ખડખડાટ હસતો હતો.

’મારી ઇતિ ગમે તે પહેરે...સરસ જ લાગે..’

અનિકેતની મમ્મીએ હમેશની જેમ પુત્રને બદલે ઇતિનું જ ઉપરાણું લીધું. અને ઇતિ વટથી અનિકેત સામે.....!

’ઇતિ, આ સાડી સાવ સાદી લાગે છે. સાવ મણિબેન જેવી તું આમાં દેખાય છે. સારી સાડી પહેરને..’ઇતિના કાનમાં અરૂપના શબ્દો કયારે ઘૂસી ગયા ?

પ્રકરણ 5 - વિદાય લેતું વરસ..

” હું આંખ મીંચુ ત્યાં સ્મરણૉનુ ભરતકામ અન્ધારનુ એક પોત, ને ઘટનાઓના બુટ્ટા “

ઇતિ અને અનિકેત હવે આઠમા ધોરણમાં આવ્યા હતા. ઇતિને ભારતનાટયમ્ શીખવાની ખૂબ હોંશ હતી. પરંતુ એક તો ડાન્સીંગ કલાસ તેના ઘરથી ખાસ્સા દૂર...અને ઇતિનો સમય સાંજનો. તેથી તેને એકલી કેમ મોકલવી ? તેને તેડવા મૂકવા જઇ શકે તેવું ઘરમાં કોઇ હતું નહીં. પરંતુ રામના હનુમાનની જેમ અનિકેત હાજર હતો જ ને ? ઇતિને તેડવા મૂકવાનું કામ સહજ રીતે જ તેના ભાગમાં આવ્યું.

ઇતિનો ડાંસીંગ કલાસ એક કલાક ચાલે. કલાસની બાજુમાં જ એક બગીચો હતો. કલાસ ચાલે તેટલી વાર અનિકેત બગીચાની બેંચ પર બેઠાં બેઠાં પોતાની સ્કેચબુકમાં અનેક ચિત્રો દોરે. આમ પણ અનિકેતનું ડ્રોઇંગ ખૂબ સરસ હતું. જાતજાતના સ્કેચ નાનપણથી તે બનાવ્યા કરતો. ઇતિના કાર્ટુન બનાવી તેને ચીડવવાનું તો અનિકેતનું હમેશનું મનગમતું કામ હતું. અને અહીં આમ પણ ઇતિની પ્રતીક્ષા કરવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. એકલા બેસીને કંટાળો ન આવે તે માટે તે જાતજાતના ચિત્રો દોર્યા કરતો. સાંજના સુન્દર વાતાવરણના અનેકરંગી ચિત્રો તેની બુકમાં આકાર લેવા લાગ્યા. કલ્પનાશીલ તો તે હતો જ. અને હવે અનાયાસે આવી મળેલ આ એક કલાકના એકાંતે તેની કલ્પનાને વેગ આપ્યો. તે આસપાસ નિરીક્ષણ કરતો રહેતો અને તેના હાથની પેંન્સીલ ફર્યા કરતી. અનેક રેખાઓ ઉપસતી રહેતી. ઇતિની પણ વિવિધ મુદ્રાઓ તેમાં ઉપસતી. સાંજને સમયે બહારથી આવીને પોતાના માળામાં લપાઇ જતાં પંખીઓ, વૃક્ષોની વિવિધ છટાઓ, કે આસમાનમાં ખીલતી અનેકરંગી સન્ધ્યાના રંગો કે મુકત રીતે વિહરતા કાળા ધોળા વાદળોના વિવિધ આકારો વિગેરે તેની સ્કેચબુકમાં સ્થાન પામતાં રહેતાં.

ઇતિના કલાસ પૂરા થાય અને ઇતિ બહાર આવે ત્યારે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય,

’ અનિ, આજે શું દોર્યું ? બતાવતો.’’ આજે ખાસ કશું નહીં. ‘

કહી અનિકેત બુક સંતાડવાનો ખોટો પ્રયત્ન કરે. એમ સીધી રીતે બતાવી દે તો મજા કેમ આવે ? એ તો ઇતિ ગુસ્સે થાય..પોતે થોડી રકઝક કરે, પછી ઇતિ તેના હાથમાંથી ઝૂંટવીને બુક ખોલે, સાચી ખોટી ટીકા કે વખાણ કરે..એ તો જેવો ઇતિનો મુડ....અને અનિકેતને તેની બધી મહેનત વસૂલ લાગે. ઇતિ કયારેક પ્રશંસા કરે તો કયારેક કડક વિવેચકની માફક ટીકા પણ કરે.

આજે અનિકેતે ઇતિ ડાંસ કરતી હોય તેનો એક સુન્દર સ્કેચ કર્યો હતો. અને ઇતિને હમણાં બતાવવાની ઇચ્છા તેને નહોતી. તેથી ઇતિના બહાર નીકળવાનો સમય થયો ત્યારે નોટબુક થેલામાં મૂકી આંખો બંધ કરી તે ચૂપચાપ બેસી ગયો. તેને ખબર હતી બહાર આવતાની સાથે જ ઇતિ ચહેકવાની.

અને આવી બધી વાતોમાં ઇતિને પટાવવી કંઇ સહેલી વાત તો નહોતી જ.ઇતિની જાસૂસ જેવી પૂછપરછમાંથી છટકવું કંઇ આસાન નહોતું જ. . અનિ, આજે શું દોર્યું ? બહાર નીકળતાની સાથે જ ઇતિનો પહેલો સવાલ હોવાનો જ. અને પોતે ખોટું બોલે એ પકડી પાડતાં ઇતિને જરાયે વાર ન જ લાગે. ઇતિ પાસે ખોટું બોલવું કંઇ સહેલું થોડું હતું ?

પરંતુ આજે ઇતિ બહાર નીકળી ત્યારે કદાચ જુદા મુડમાં હતી કે પછી કોઇ અવઢવમાં હતી. આજે બહાર આવીને તેણે અનિકેતને કશું પૂછયું નહીં..

‘ અનિ, ચાલ..’ કહી તે સીધી ચાલવા લાગી.

પાછળ બીજી છોકરીઓ પણ કંઇક હસતી હસતી બહાર નીકળી. અનિકેત સામે જોઇ બધીએ કંઇક મશ્કરી કરી હોય તેવું લાગ્યું. જોકે અનિકેતને તો આવી કોઇ પરવા કયાં હતી ? પરંતુ ઇતિને મજા નહોતી આવી..અને અનિકેતને કંઇ કહે તો શું પરિણામ આવે તેનાથી તે અજાણ નહોતી. વરસો પહેલાં બિલકુલ નાદાન વયે..પણ ઇતિની મશ્કરી કરનારને તેણે છોડયો નહોતો. તો આજે તો …

અને તેથી અનિકેતને કોઇ વાતની જાણ ન થવી જોઇએ.

બહાર નીકળતી છોકરીઓની અવગણના કરી તેણે ઝડપથી ચાલવા માંડયું.

આજે અનિકેતને પણ એટલું જ જોઇતું હતું. તે પણ મૌન રહીને તેની સાથે ચાલવા લાગ્યો. આજે આખો રસ્તો ચૂપચાપ જ કપાયો. અનિકેત પોતાના વિચારોમાં મગ્ન હતો અને ઇતિ પોતાના ખયાલોમાં ખોવાયેલ જ રહી. આજે ન ઇતિએ કશું પૂછયું ન અનિકેતે કોઇ વાત કરી.

આસપાસના વૃક્ષોને, પંખીઓને કે પશ્વિમઆકાશમાંથી ઉતરતી આવતી સન્ધ્યાને પણ આજે આ બંનેને મૌન જોઇને આશ્ર્વર્ય થયું. તેઓ તો આ બંનેની મસ્તીના રોજના સાથીદાર. સન્ધ્યારાણીને આજે જરાયે મજા ન આવી.તેણે કશું બોલ્યા સિવાય ચૂપચાપ જલદીથી ચાલતી પકડી. બંનેના ટહુકા વિના રસ્તો આખો જાણે અણોહરો બની ગયો. આમ પણ આ રસ્તે ખાસ અવરજવર રહેતી નહીં. ઇતિ આજે મૂડમાં નહોતી. અને અનિકેતને પોતાની ડ્રોઇંગબુક આજે ઇતિથી સંતાડવી હતી.તેથી તે તેની ચિંતામાં હતો. તેથી ઇતિના બદલાયેલ મૂડની તેને જાણ ન થઇ. ઘેર પહોંચ્યા ત્યાં સુધી બંને મૌન જ રહ્યા.

અનેક વસંત અને પાનખરની આવનજાવન ચાલુ રહી. સસલા જેવો સમય ભાગતો રહ્યો. કિશોરાવસ્થાની મુગ્ધતાનો અદ્રશ્ય સંચાર ધીમે ધીમે ઇતિ, અનિકેતના તન, મનમાં છવાતો જતો હતો. કુદરતના નિયમોમાં અપવાદ નથી હોતા. પરંતુ સાવ નાનપણથી શરૂ થયેલ આ સથવારો ફકત તે બંને માટે જ નહીં પરંતુ તેમના કુટુંબ માટે પણ એટલો સહજ અને સ્વાભાવિક બની ચૂકયો હતો કે તેમાં બીજા કોઇ વિચારને ક્ષણવાર માટે પણ અવકાશ નહોતો. ઇતિ અને અનિકેત તો સાથે જ હોય ને ? અને અનિકેત સાથે હોય પછી ઇતિની ચિંતા કરવાની કોઇને હોય જ નહીં. એ સત્યબહું સહજતાથી સ્વીકારી લેવામાં આવ્યું હતું. સરસ મજાના દિવસો સરસ રીતે દોડયે જતાં હતાં.

ઇતિ નૃત્યમાં નિપુણ હતી. અનિકેત તેના વખાણ કરતાં થાકતો નહીં. ‘ ઇતિ, તું મોટી થઇને ડાન્સ કરવા દેશ અને પરદેશમાં જઇશ..તારા સ્ટેજ પ્રોગ્રામો થશે..ઇતિની વાહ વાહ થશે...અને હું તારો પી.એ. બનીશ. મારા સિવાય એ બધું મેનેજ કોણ કરવાનું હતું ? ‘

‘ હા, અનિ..તારા સિવાય....’ કોઇ ઊંડી ગુફામાંથી દબાયેલ એક અસ્ફૂટ સ્વર સંભળાયો કે શું ?

ઇતિ અતીતમાં હતી કે વર્તમાનમાં ? આ કયો સંધિકાળ હતો ?

દ્રશ્યો પલટાતા રહ્યા. જાણે બગડી ગયેલ ટેપમાં રીવાઇન્ડ, ફોરવર્ડની પ્રક્રિયા આપોઆપ ચાલી રહી હતી.

સમયની સાથે ઇતિ અને અનિકેત વિકસતા રહ્યા. ઇતિના ડાન્સીંગ કલાસ પૂરા થયા હતા અને હવે આરંગેત્રમની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. કલ્પનાની પાંખે તે અને અનિ દેશ અને પરદેશની ગલીઓમાં ઘૂમતા રહેતા. ઇતિના શો યોજાતા અને અનિકેત તેનો પડછાયો હતો..તેનો શ્વાસ..તેનો આત્મા હતો. અને બધું કેટલું સહજ...સ્વાભાવિક... કોઇ આયાસ વિનાનું હતું. જાણે બીજો કોઇ વિકલ્પ..બીજો કોઇ અવકાશ..બીજા કોઇ વિચારની ગુંજાઇશ જ નહોતી.

કોઇ સગપણ વિનાના..નામ વિનાના સંબંધો મહોરી રહ્યા હતાં. જેની સુવાસથી બે આત્મા મઘમઘ થઇ રહ્યા હતા.

બારમું ધોરણ પૂરું થયું. અને ઇતિનું આરંગેત્રમ યોજાયું.

આરંગેત્રમની આગલી રાત્રે.…

‘ઇતિ, એક દિવસ તું મહાન કલાકાર થઇશ. તારી વાહ વાહ દેશ અને પરદેશમાં થશે.’

‘ મને તો સારા ઘરની છોકરીઓ ડાન્સ કરે એ જરાયે ન ગમે...’

જીવનમાં આ કયા શબ્દોની ભેળસેળ થઇ રહી હતી..?

અનિકેતની વાતો ઇતિ પરમ શ્રધ્ધાથી સાંભળતી અને સ્વીકારતી રહેતી.અનિકેતની કોઇ વાતમાં તેને કયારેય અવિશ્વાસ આવી જ ન શકે. અનિ કહે છે તેમ થાય જ..કોઇ શંકાને સ્થાન કયાં હતું ?

ઇતિની મહેનત અને અનિકેતની આસ્થા,અને દોડાદોડી રંગ લાવી. આરંગેત્રમનું ખૂબ ભવ્ય આયોજન થયું. અને તેવી જ ભવ્ય સફળતા. અને ઇતિથી વધુ ખુશખુશાલ અનિકેત.

અનિકેતે ઇતિને એક સરસ મજાની મ્યુઝિકલ ઘડિયાળ ભેટ આપી.

’ આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર...સમયથી પર હશે “ એવું કશું બોલ્યા સિવાય.

શબ્દોની જરૂર કયાં હતી ? શબ્દો તો બિચારા સાવ વામણા..... !

ઘડિયાળ...! ઇતિની નજર પોતાના કાંડા પર પડી. સરસ મજાની રોલેક્ષ ઘડિયાળ ગયા વરસે જ અરૂપે તેને ભેટ આપી હતી. અનિની ઘડિયાળ તો ચૂપચાપ પડી હતી...ઇતિની બેગના કોઇ એક ખૂણામાં અનિકેતની જેમ જ.

સમય બધો કયાં દોડી ગયો હતો...! કાશ ! સમયથી પર જઇ શકાયું હોત..! પણ.... અશકય...અસંભવ લાગતી હોય તેવી વાતો જીવનમાં બનતી જ રહે છે ને ? તેનો ખ્યાલ મુગ્ધાવસ્થામાં ન આવે તે સહજ હતું.

જેમ સૂર્યનું ઊગવું એક સનાતન સત્ય હતું...સ્વાભાવિક હતું. તેમ ઇતિ અને અનિકેતને તેમનો સાથ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના સહજ લાગતો હતો. જાણે પથ્થરની લકીર પર કોતરાયેલ એક નામ..! અનિકેત પંજાબી હતો કે ઇતિ ગુજરાતી હતી... એવા કોઇ ભેદભાવની તો કયારેય જાણ પણ કયાં થવા પામી હતી ?

યૌવનાવસ્થામાં પ્રવેશતા આ તરૂણો હવે કોલેજમાં આવ્યા હતા. તેમના સાથમાં, વર્તનમાં કોઇ ફરક નહોતો પડયો. બંનેની સાહજિકતા એવી જ રહેવા પામી હતી. અને દિવસો દોડતાં રહેતાં હતાં. દરેક સવાર સોનેરી અને રાત રૂપેરી..

કોલેજના દિવસો એટલે દરેકની જિંદગીનો અણમોલ સમય. આંખોમાં શમણા ઉઘડવાની વેળા..ભાવિના સપનાં, દિલને ઝકઝોરતી અદીઠ લાગણીઓ..એક થનગનાટ. ઉત્સાહ, અને રોમાંચ. કશુંક કરવાની ઝંખના, મનગમતા સાથીદારની જાણ્યે અજાણ્યે થતી રહેતી તલાશ, દિલમાં પ્રગટતો રેશમી એહસાસ.... આ સઘળા તત્વો કોલેજજીવનને યાદગાર બનાવે છે. અને ભવિષ્યની સુમધુર..ખાટીમીઠી સ્મૃતિઓ તરીકે સચવાઇ રહે છે.અને ઘણીવાર જીવનસંધ્યાએ ફરી એકવાર સ્મૃતિઓનો એ ખજાનો ‘ સિમસિમ ખૂલ જા’ ની માફક ખૂલતો રહે છે.

શૈશવથી શરૂ થયેલ ઇતિ,અનિકેતનો સંગાથ એવો જ લીલોછમ્મ રહ્યો હતો.આમ પણ બંને એક જ કોલેજમાં હતાં. શૈશવના મસ્તી તોફાન હજુ કયારેક પ્રગટતાં રહેતાં.

તે દિવસે કબીરવડના સાન્નિધ્યમાં..નર્મદાને કિનારે યુવક યુવતીઓનો મેળો જામ્યો હતો, પરીક્ષા પછીનો રવિવાર હતો તેથી કેટલી બધી કોલેજની બસો નર્મદાના કિનારે આવી પહોંચી હતી. કબીરવડ એ પિકનીક માટેનું આ તરફનું સૌથી નજીકનું, વિશાળ અને રળિયામણું સ્થળ હતું. યૌવનના ઉત્સાહ અને રંગીનીથી વાતાવરણ છલકતું હતું. કોઇ નર્મદામાં નાહવાનો લહાવો લેતા હતા. કોઇ વડલાની વિશાળ છત્રછાયામાં આરામ ફરમાવતા હતા. કોઇ અમસ્તા અમસ્તા ટહેલતાં હતાં. કોઇ મંદિરમાં દર્શન કરતા હતા. કોઇ પંખીઓના કલરવને માણતા હતા. તો કોઇ ઇતિહાસના શોખીન કબીરવડના ઇતિહાસની વાતો જાણવામાં મશગૂલ હતા. અંતાક્ષરીના ચાહકોએ અહીં પણ ગીતોની રમઝટ જમાવી હતી. કયાંક પ્રેમીપંખીડાને તક મળતા એકાંત શોધી પારેવાની જેમ ઘૂ.. ઘૂ કરી રહ્યા હતા. પસંદ અપની અપની..ખયાલ અપના અપના...

ઇતિ અને અનિકેત મૌન બની નર્મદાના પાણીમાં પગ બોળી ઊભા હતા. શબ્દો નહોતા છતાં વાતો નહોતા કરતા તેમ કેમ કહી શકાય ? અચાનક અનિકેત બોલ્યો,

‘ ઇતિ, જો આ નાનકડી માછલી બરાબર તારા જેવી જ દેખાય છે ને ? ‘

‘હું કંઇ માછલી જેવી છું ? ’ કૃત્રિમ ગુસ્સાથી માનૂની બોલી ઉઠી.

’ના રે, મેં એમ કયાં કહ્યું ? તું કંઇ માછલી જેવી થોડી છે ? એ તો માછલી તારા જેવી છે. ‘

‘ અને તું મગરમચ્છ જેવો..જા..’કહેતી ઇતિ છણકો કરી અનિકેતને ગુસ્સે કરવાના ઇરાદાથી પાણીમાં આગળ જવા લાગી. બે મિનિટ તો અનિકેત એ ગુસ્સાને માણી રહ્યો અને મૌન રહ્યો. અને પોતે ત્યાં જ ઉભો રહ્યો. ..પરંતુ આગળ પાણીનો ફોર્સ વધારે હતો. તેથી ગભરાઇને તેણે બૂમ પાડી,

‘ ઇતિ, પાછી ફર. ...ત્યાં પાણી વધારે છે..’

પણ આજે ઇતિ ન જાણે કયા મૂડમાં હતી ? અનિકેતની બૂમ તેણે સાંભળી તો ખરી..પણ રોકાવાને બદલે કે પાછા વળવાને બદલે રીસે ભરાયેલ મહારાણીની માફક તે તો આગળ ને આગળ વધતી રહી...અને પાછળ ફરીને અનિકેતને અંગૂઠો બતાવતી રહી..

અનિકેતનો શ્વાસ થંભી ગયો હતો.

એક ક્ષણ....અને તે પાણીમાં દોડયો. ઝડપથી ઇતિને પક્ડી લીધી. અને કશું બોલ્યા સિવાય કે ઇતિ કશું સમજે તે પહેલાં તેણે ઇતિને એક લાફો લગાવી દીધો. ઇતિ સ્તબ્ધ. અનિએ તેને માર્યું ? તેણે તેની સામે જોયું. પરંતુ અનિકેત તો ભરપૂર ગુસ્સામાં હતો. ઇતિ સામે નજર પણ નાખ્યા સિવાય તે ઇતિનો હાથ ખેંચી તેને પાણીની બહાર લઇ આવ્યો. અને ત્યાં જ કિનારે બેસી પડયો. અનિકેતના ચહેરા સામે જોઇ ઇતિ કશું બોલી શકી નહીં.

થોડીવાર બંને મૌન બેસી રહ્યા. પછી ધીમેથી અનિકેતે પૂછયું,’ ઇતિ, બહું લાગી ગયું ? ‘

ઇતિએ અનિકેત સામે જોયું. ધીમેથી નકારમાં ગરદન હલાવી...બંનેની આંખમાં અસ્ત થતાં સૂરજની લાલિમાનું પ્રતિબિંબ ઉભરતું હતું. પવનની મંદ લહેરખી આવીને ધીમે ધીમે ઇતિના વાળની લટને અછડતો સ્પર્શ કરી, ભાગી જતી હતી. જાણે કોઇ સુન્દર યુવતીની છેડતી કરીને સરી જતી ન હોય.!

અને એ લાલિમા આ ક્ષણે પણ ઇતિના ચહેરા પર ચમકી રહી હતી. આ ક્ષણે પણ અનિકેતનો ગુસ્સાથી લાલઘૂમ થયેલ ચહેરો તેની નજર સમક્ષ તરવરી રહ્યો હતો. તેની બંધ કીકીઓમાં આ કયો પ્રકાશ પથરાતો હતો ?કયારેક કોઇ કોઇ સંબંધ સંજોગોની દીવાલોમાં ચણાઇ ગયેલ લાગતો હોય છતાં દીવાલના પોલાણમાં એના પડઘા ..એનો સળવળાટ દ્રશ્ય કે અદ્રશ્ય રીતે હાજર જ રહે છે. એ સંબંધો કાળને પણ અતિક્રમી જતાં હોય છે. સમયની સાથે એ ઝાંખા પડવાને બદલે એ દિલના અતલ ઉંડાણમાં સચવાઇને પડી રહે છે.

અને ફિલ્મની રીલ રીવાઇન્ડ થતી રહી. એક પછી એક દરિયાના મોજા ઊછળતા હતા કે શું ? આ કઇ ભરતી આજે અણધારી..સાવ અણધારી ઇતિના મનોઆકાશમાં ઉછાળા મારતી હતી. ? દીવાલના પોલાણમાં વરસોથી અકબંધ રહેલા પડઘા આજે બહાર આવવા કેમ ઉછાળા મારી રહ્યા હતા ? ફિનીકસ પક્ષીની માફક રાખમાંથી આજે વરસો સજીવન થતા હતા કે શું ?

“ અનિકેત “ નામની એક ચિનગારી પ્રજવળી હતી અને.

પ્રકરણ 6 અનિકેત ગયો...?

“ ચાલ્યા ગયા સમયની ખરી ગઇ છે કોઇ ક્ષણ રહી રહી તે પાંપણોમા હવે પાંગર્યા કરે

ઇતિ અને અનિકેતનું કોલેજનું આ છેલ્લું વરસ હતું. કોલેજમાં દર વરસની જેમ વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. ઇતિને રાજા દુષ્યંતના વિરહમાં ભટકતી, પ્રતીક્ષા કરતી શકુંતલાનો ડાન્સ કરવાનો હતો. આમ પણ ભારતનાટયમમાં તે કુશળ હતી.તેનું આરંગેત્રમ કયારનું પૂરું થઇ ગયું હતું. હવે તે આ ડાન્સની પ્રેકટીસમાં વ્યસ્ત હતી. અનિકેતે એક નાટકમાં ભાગ લીધો હતો. શેણી વિજાણંદની નૃત્યનાટિકામાં અનિકેત વિજાણંદનું પાત્ર કરતો હતો. બંનેની પ્રેકટીસ પૂરજોશમાં ચાલી રહી હતી.

અંતે કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો.

દુષ્યંતના વિરહમાં ભટકતી શકુંતલા આશ્રમના વૃક્ષોને, પુષ્પોને, વેલીઓને, હરણના બચ્ચાને...એમ દરેકને પૂછતી રહે છે. વિરહીણીની એ અવસ્થાને ઇતિએ એવી સુંદર રીતે વ્યકત કરી કે દરેક પ્રેક્ષકોની આંખ ભીની બન્યા સિવાય રહી નહીં.

તો વિજાણંદના પાત્રમાં ‘શેણી ..શેણી ‘ કરતો વિજાણંદ હેમાળો ગાળવા નીકળે છે ત્યારે તેના અભિનયમાં જાન રેડી અનિકેતે બધાને રડાવ્યે જ છૂટકો કર્યો. વિજાણંદની વ્યથા જોઇ ઇતિના ડૂસકાં તો શમવાનું નામ નહોતાં લેતાં.

કાર્યક્રમમાં બંનેએ ઇનામ મેળવ્યા. પ્રોગ્રામ પૂરો થયા બાદ તે રાત્રે ઘેર જતી વખતે બંને મૌન હતા. કદાચ શું બોલવું તે બેમાંથી કોઇને આજે સમજાતું નહોતું. બંનેના ભાગે વિરહનો અભિનય કરવાનું કેમ આવ્યું હતું. આ શું કાળદેવતાનો કોઇ ગૂઢ સંકેત હતો ? હવે પછી આવનાર સમયની કોઇ એન્ધાણી હતી ? સમયના સંકેતો સમજવા, તેના તાણાવાણા ઉકેલવા કયાં આસાન હોય છે ?

‘અરૂપ, તે દિવસે ડાન્સમાં હું શકુંતલા બની હતી..અને અનિકેત નાટકમાં વિજાણંદ બનેલ. અને અમારા બંનેના અભિનયે બધાને રડાવ્યાં હતાં.’ એકવાર કોઇ કાર્યક્રમની વાત નીકળતા ઉત્સાહમાં આવી જઇ ઇતિએ અરૂપને કહેલું.

‘ મને તો સારા ઘરની છોકરીઓ આવા કોઇ આલતું ફાલતું પ્રોગ્રામમાં ભાગ લે તે જ ન ગમે. ‘

’ પણ અરૂપ, એ કંઇ કોઇ આલતું ફાલતું પ્રોગ્રામ નહોતો. અમારી કોલેજનો વાર્ષિક કાર્યક્રમ હતો. અને અનિકેતે વિજાણંદના પાત્રમાં જાન રેડી દીધો હતો. ‘

’ મને તો એવા નાટકિયા માણસો ...’

વાકય પૂરું કરતાં પહેલાં અરૂપથી ઇતિ સામે જોવાઇ ગયું અને પછી ઇતિની આંખો સામે જોઇને કે ગમેતેમ તેણે એ વાકય પૂરું ન કર્યું. અને ઇતિ પણ પછી આગળ કશું ન બોલી.

અંતરમાં કોઇ ઉઝરડો પડયો કે કેમ એની જાણ પણ કદાચ ન થઇ. અરૂપને ગમે તે સાચું. એ હદે ઇતિએ અરૂપમાં પોતાની જાત ઓગાળી નાખી હતી. જોકે કયારેક થોડી ખિન્નતા તે જરૂર અનુભવતી. પણ એ સિવાય બીજી કોઇ ભાવના, રોષ તેનામાં જન્મતો નહીં. ઇતિ કદાચ વધુ પડતી સરળ હતી. આ જમાનાને અનુરૂપ તે નહોતી કે શું ?

ફરી દ્રશ્ય બદલાયું.

કોલેજના પ્રોગ્રામમાં તો તે દિવસે વિરહનો અભિનય જ કરેલ હતો. પરંતુ... હવે વાસ્તવિક જીવનમાં પણ તેનો સાચો અનુભવ કરાવવા કાળદેવતા જાણે તૈયાર થયા હતા કે શું ? સમય જેવો કઠોર કે સમય જેવો મૃદુ પણ અન્ય કોણ હોઇ શકે ? ઇતિ, અનિકેતના જીવનમાં વિધાત્રીએ એવી કોઇ ક્ષણ લખી હતી કે શું ?

કાળ જયારે કરવટ બદલે છે ત્યારે તેનો સળવળાટ ભલભલાના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે. એ સત્યથી કોઇ અજાણ નથી હોતું. અને છતાં જયાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી બેપરવા બનીને તે જીવે છે. એ વિશે લખે છે, બોલે છે..પરંતુ એ મહેસૂસ નથી કરી શકતો. અને કદાચ જીવનની મજા જ એમાં છે. નહીંતર ભવિષ્યના દુ:ખની જાણકારીથી માનવી વર્તમાનની ખુશી પણ ખોઇ બેસે. કેટલાક અજ્ઞાન આશીર્વાદરૂપ જ હોય છે.

ઇતિ અને અનિકેત જીવનમાં કયારેય છૂટા પડી શકે તેવી તો કલ્પના પણ કયાં હતી ? પરંતુ જેની કલ્પના ન હોય તે બને તેનું નામ જ કદાચ જિંદગી કહેવાતું હશે !

ચોમાસાના સરસ મજાના દિવસો હતાં. હમેશની માફક તે દિવસે પણ રવિવારે બંને કુટુંબ દરિયે ગયાં હતાં. આ ક્રમ મોટે ભાગે કયારેય તૂટયો નહોતો. ઇતિ, અનિકેત મૉટા થયાં હતાં. હવે દરવખતે ભીની રેતીમાં ઘર બનાવવાને બદલે કિનારાની નજીક દરિયાના પાણીમાં કે કયારેક કિનારાની ભીની રેતીમાં સાથે ચાલતાં રહેતાં. કયારેક સાથે કોઇ ગીત ગુનગુનાતા રહેતાં. તો કયારેક શૈશવની કોઇ જૂની યાદોના સ્મરણોમાં ખોવાઇ રહેતા. કદી મૌન બની અસ્ત પામતા સૂર્યને અને તેની રંગછટાને નિહાળી રહેતાં. વાતો કરવા માટે હમેશા શબ્દોની જરૂર થોડી પડતી હોય છે ? દરિયાના ઘૂઘવતાં મોજાઓ કે અસ્ત પામતાં રવિકિરણો તેમની દોસ્તીના હમેશનાં સાક્ષી બનતાં.

આજે પણ એવી જ એક સાંજ હતી. ઇતિ, અનિકેત મૌન બનીને ભીની રેતીમાં ચાલતાં હતાં. ત્યાં અચાનક વાતાવરણ પલટાયું. આમતેમ દોડાદોડી કરતાં વાદળાઓને જાણે આ બંને પર વહાલ વરસાવવાનું મન થઇ આવ્યું હોય તેમ પાણીથી લચી પડતાં વાદળોએ અનરાધાર વરસવાનું શરૂ કર્યું. ધરતી અને આકાશ બધી લાજ શરમ, મર્યાદાઓ નેવે મૂકીને એકમેકને ભેટી રહ્યા. મહિનાઓના વિરહ બાદ આ મિલનવેળા આવી હતી. ઇતિ અને અનિકેત પાણીથી તરબોળ થઇ ઉઠયા. ઇતિ તો આનંદની ચિચિયારી પાડી રહી. વહાલા વરસાદને આવકારવામાં ઇતિ, અનિકેત કોઇ ઉણપ ન જ દાખવે. વરસાદી ગીતો બંનેના ગળામાંથી અનાયાસે ફૂટી નીકળ્યાં હતાં. નાના બાળકની માફક બંને આમતેમ દોડીને ભીંજાતા રહ્યા. આજે એક તો દરિયાનો સંગાથ, અનિકેતનું સાન્નિધ્ય, અને ઉપરથી વહાલ વરસાવતું પાણી. ઇતિ નાના બાળકની જેમ ચહેકી ઉઠી. ઉપર તરફ જોઇ મોં ખોલી નીતરતાં જળને તે આસ્વાદી રહી.

’ અનિ, આમ પાણી પીવાની કેવી મજા આવે નહીં ? જાણે સીધો આકાશમાંથી નળ ખૂલ્યો. ફિલ્ટર કરવાની કોઇ જરૂર જ નહીં. ‘

પાણીમાં ભીંજાતી ઇતિ બોલી.

‘ ઇતિ, ચાલ, ત્યાં ભીંજાવાની વધુ મજા આવશે.’

અને અનિકેત ઇતિને કિનારા પાસેના પાણીમાં ખેંચી ગયો.

‘ ઇતિ, જલદી અંદર આવતી રહે. આ વરસાદને પણ અત્યારે જ હેરાન કરવાનું સૂઝયું. ‘

વરસાદના એક છાંટાની સાથે જ અરૂપે દોડીને ઇતિને બગીચામાંથી અંદર બોલાવી લીધી.

હજે તો ક્ષણ પહેલાં પાણીથી લથબથ ઇતિ અચાનક કોરીક્ટ્ટ.......

પાત્રો ભેળસેળ થતાં હતાં કે ઇતિનું જીવન જ ભેળસેળિયું બની ગયું હતું ?

દ્રશ્યો બદલાતાં જતાં હતાં. સમય કઇ પળે કઇ સપાટી કૂદાવીને ઇતિને કયાં ખેંચી જતો હતો.

અનિકેતની બહેન ઇશા લગ્ન પછી અમેરિકામાં સેટલ થઇ હતી. અને તેણે પોતાના માતા,પિતા અને ભાઇ માટે ગ્રીનકાર્ડ માટે ફાઇલ મૂકી હતી. હવે વરસો બાદ તેમની અરજીનો વારો આવ્યો હતો. અને ત્રણેને વીઝા મળી ગયા. હવે શરૂ થઇ જવાની તૈયારીઓ. એક મહિનામાં તો ત્યાં પહોંચી જવાનું હતું. અનિકેતને હવે આગળ ત્યાં ભણવાનું હતું. ત્યાં જવાની તૈયારીના કામમાં ઇતિ અને તેના કુટુંબને પણ સ્વાભાવિક રીતે જ કેટલાય કામો કરવાના આવ્યા. ઘર સમેટીને જવાનું હતું. પાછા આવવાની કોઇ ખાતરી નહોતી. પરંતુ આવવું હોય ત્યારે આવી શકાય એ ગણતરીથી ઘર વેચવાને બદલે બંધ કરીને ચાવી ઇતિને ત્યાં જ રાખવાની હતી. ઇતિના ઘરના તો ત્યાં જ હતાં. તેથી ઘરની સંભાળની કે એવી કોઇ ચિંતા નહોતી. હવે તો ઘરમાં આખો દિવસ ધમાલ રહેતી. ઇતિ અને અનિકેત બધા પેપર્સ તૈયાર કરવામાં લાગી ગયા. કશું વિચારવાનો, થાક ખાવાનો સમય જ કયાં હતો ?

આખો દિવસ અનિકેતનો અવાજ આવતો રહેતો અને ઇતિ દોડતી રહેતી.

’ઇતિ, આ કાગળો કયાં ? ડોકયુમેન્ટસનું લીસ્ટ બની ગયું ? જરા જોને, કંઇ રહી તો નથી જતું ને ? આ સર્ટીફીકેટની ઝેરોક્ષ થઇ ગઇ કે બાકી છે ? બીજું કશું રહી જશે તો ચાલશે.. જોજે કોઇ કાગળ ન રહી જવો જોઇએ. નહીંતર પાછી લપ થશે. ‘

‘ ઇતિ, આજે મારી સાથે શોપીંગમાં આવવાનું છે. મને તો ત્યાં શું લઇ જવું, કેવું લઇ જવું એ કંઇ ખબર નહીં પડે. તું સાથે હોય તો સારું રહે. ‘

અનિકેતની મમ્મી કહેતી..અને ઇતિ તેમની સાથે ભાગતી.

‘ ઇતિ બેટા, આવું ન ચાલે તું આંટીના અને અનિકેતના બધા કામ કરે અને અંકલને ભૂલી જાય એ ન ચાલે હોં.. જો તો આ શર્ટ મને સારું લાગશે ? આ અમેરિકાની આપણને બહું ખબર ન પડે.. ‘

ઇતિ પતંગિયાની જેમ ઊડતી રહેતી. તેને ઘડીભરની ફુરસદ કયાં હતી ? પોતે શું કરે છે તે વિચારવાનો સમય કયાં મળ્યો હતો ? બંને હવેથી છૂટા પડે છે એવો વિચાર પણ હજુ સુધી કદાચ બેમાંથી કોઇના મનને સ્પર્શ્યો નહોતો. બસ એક અભાનાવસ્થામાં કામ થતું જતું હતું. વરસોનો સાથ છૂટવાની પળ આવી છે...અને આ બધી તૈયારીઓ પોતે તેની કરી રહ્યા છે એ સભાનતા તો આવી છેક અંતિમ દિવસે..ત્યાં સુધી તો કેટકેટલા કામો..!

અનિકેતના મમ્મી, પપ્પા એક તરફ ઘર અને સામાનની પળોજણમાં પડયા હતા. તો બીજી તરફ શોપીંગ...બેંકના કામો પતાવવામાં પણ સારો એવો સમય જતો હતો. ઇતિના મમ્મી, પપ્પા પણ એમાં સાથ પૂરાવતા રહ્યાં. ઇશાદીદી માટે લઇ જવાની વસ્તુઓનું લીસ્ટ પણ લાંબુ હતું. મસાલા, અથાણા અને પાપડ..એ બધું નીતાબહેન તૈયાર કરતાં રહ્યાં. આમ બંને ઘરમાં ધમાલ ચાલી રહી હતી. સમયને પાંખો ફૂટી હતી.

જવાને આગલે દિવસે અનિકેત નીચે કંઇક કામમાં હતો. અનિકેતની બધી તૈયારીની જવાબદારી તો વગર કહ્યે...બિલકુલ સ્વાભાવિકતાથી ઇતિને ભાગે જ હતી.

મોડી સાંજે ઉપરના રૂમમાં અનિકેતની બેગ ઇતિ છેલ્લીવાર સરખી ગોઠવી રહી હતી.. ત્યારે તેની ધૂંધળી બનેલી આંખોને બેગમાં કંઇ સ્પષ્ટ દેખાતું નહોતું.

“ આંખમા તો પાણી આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી. “

ઇતિ બેગમાં અનિકેતના કપડાં ઉપર નીચે કરી રહી હતી. પોતે શું કરી રહી હતી તે આજે તેને સમજાતું નહોતું. કદાચ આજે જ તેને ભાન આવ્યું હતું કે અનિકેત તેનાથી દૂર..ખૂબ દૂર જાય છે. અત્યાર સુધી અનિકેતના કામની ધમાલમાં ડૂબેલ ઇતિને ભાન હતું જ નહીં...કે પોતે આ તૈયારીઓ કરે છે..તે અનિકેતના જવાની છે ! અચાનક જાણે આકાશમાં વીજળીનો ચમકાર થાય અને સઘળુ ઝળાહળા થઇ જાય, ન દેખાયેલ દ્રશ્યો દેખાઇ જાય તેમ ઇતિ એક ક્ષણમાં ભાનમાં આવી હતી. શું આજ સુધી દોડીદોડીને તે અનિકેતના જવાની..તેની વિદાયની તૈયારીઓ કરી રહી હતી ? ખરેખર આ સત્ય હતું ? અનિકેત તેનાથી દૂર...ખૂબ દૂર જઇ રહ્યો છે ? તેની પાંપણે અનાયાસે બે બુંદ ચળકી રહ્યા. ત્યાં અનિકેત ઉપર આવ્યો,

’ઇતિ, શું કરે છે તું ? ‘

ઇતિએ જવાબ ન આપ્યો. તેણે જલદી જલદી આંખો લૂછી. અને કામમાં મશગૂલ હોય તેમ બેગમાં કપડાં સરખા ગોઠવવા લાગી. અનિકેત ઇતિની આંખોમાં જોઇ રહ્યો. શું દેખાતું હતું ઇતિની વિશાળ,પાણીદાર આંખોમાં ?

‘ઇતિ, ‘

અનિકેતનો અવાજ જાણે સાતમા પાતાળમાંથી આવતો હતો.

મૌન ઇતિ અનિકેત સામે જોઇ રહી. શું બોલવું તે અનિકેતને પણ કયાં સમજાતું હતું ?

“ આંખ મીંચીને આ કોણ મંથર મંથર ઉઘડે ? જન્મજન્માંતરના થર એક પછી એક ઉઘડે.”

‘ ઇતિ તેં શું શું ભર્યું છે..મને તો કંઇ ખબર નથી..’

જે બોલવું હતું તેને માટે શબ્દો કયાં હતા ?’બધું લીસ્ટ બનાવીને અહીં ઉપરના ખાનામાં રાખ્યું છે.’

હવે ? હવે શું બોલવું ?

‘ મારા પેપર્સ તો એકે ભૂલાયા નથીને ? ‘

‘ આ ફોલ્ડરમાં તારા બધા પેપર્સ છે. ‘

ફરી પાછુ મૌન.

કેવાં નિરર્થક સવાલ, જવાબ થતા હતાં તેની સમજણ તો બંનેને પડી હતી. પરંતુ....

થોડી મૌન ક્ષણો પસાર થઇ રહી. કાળદેવતા બંનેને સ્નેહભરી નજરે નીરખી રહ્યા. કદાચ તે પણ આ પળની મૌન મહેકથી....

’ ઇતિ........’ અને મૌન.

’ અનિ...’ .......અને મૌન.

એક ક્ષણ...એક ક્ષણ...અને ઇતિ, અનિકેતને વળગી રહી. બંને એક્બીજાને આલિંગી રહ્યા.અનિકેતનો હાથ ઇતિના માથા પર હળવેથી ફરી રહ્યો હતો. દિવ્યતાની આ પરમ ક્ષણમાં ભંગ ન થાય તેમ ધીમેથી, જરાયે અવાજ કર્યા સિવાય કાળદેવતા ત્યાંથી સરકી રહ્યા. સમાધિની આ પરમ ધન્ય ક્ષણમાં ખલેલ પહોંચાડવાનું તેને પણ યોગ્ય નહોતું લાગતું.

ઇતિ, અનિકેતનો કદાચ આ પહેલો અને..... છેલ્લો..(?) સ્પર્શ ....!

શું એ હતું સ્પર્શમાં ? શબ્દોમાં એ સમર્થતા કયાં ?

આ ભાવસમાધિનો ન જાણે કયારે ભંગ થાત ? કદાચ...

પરંતુ ત્યાં અનિકેતની મમ્મીનો નીચેથી અવાજ આવ્યો,

’અનિ, કેટલી વાર ? નીચે આવો છો ને ? સમય થવા આવ્યો. ઇતિના ગળામાં ડૂસકુ થીજી ગયું.

“અનિકેત.......”

“ઇતિ..”

મૌન.....શબ્દો પોતાની નિરર્થકતા સમજીને કયાંય અદ્રશ્ય.....

મોડી રાત્રે બધા એરપોર્ટ પર ભેગાં થયાં હતાં. સુલભાબહેન અને નીતાબહેન ભેટી પડયા હતા. તેમને પણ છૂટા પડવાનું આકરું લાગતું હતું. વરસોનો સંગાથ આજે છૂટતો હતો. સ્વાભાવિક રીતે જ બધા ભાવુક બની ગયાં હતાં. બંને ઘરના ઋણાનુબંધ આજે પૂરા થતાં હતા કે શું ? ઇતિ અને અનિકેતના પપ્પા સ્વસ્થતા જાળવી સંપર્કમાં રહેવાની વાતો કરતાં હતાં.

ઇતિ, અનિકેત મૌન રહીને એક તરફ ઉભા હતા.

“ છૂટા પડતી વખતે બોલવાનું શું ? હૈયાને શબ્દોમાં તોલવાનું શું ? “

આજે બંને પાસે કોઇ શબ્દો નહોતા. બંનેની આંખોમાં શ્રાવણ ઉતરી આવ્યો હતો.

દૂર આકાશમાં ચમકતાં તારા સામે ઇતિ એકીટશે જોઇ રહી હતી. એકમેક સામે નજર મિલાવવાનું બંને ટાળતાં હતાં. અને છતાં એકમેક સિવાય કોઇને જોતા પણ કયાં હતાં ?

અંતે સુલભાબહેન બોલ્યા,’ ઇતિ, તારા વિના અમને તો બહું સૂનુ લાગશે. મારો અનિકેત તો ઇતિ વિના સાવ એકલો થઇ જવાનો. ઇતિ, તારા વિના એનું ધ્યાન કોણ રાખશે ? કે તારા વિના એની મસ્તી કોણ કરશે ? નીતાબહેન, અમારી ઇતિનું ધ્યાન રાખજો હોં. એ ફકત તમારી જ દીકરી નથી. પહેલાં એ અમારી છે. હું તો જલદીથી તેને પણ ત્યાં બોલાવી લેવાની છું. તમે જોજોને...’

નીતાબહેન પણ મૂંગામૂંગા માથુ હલાવી આંસુ ખાળી રહ્યાં.

અનિકેતને વળાવી ઇતિ ઘેર આવી ત્યારે શું કરવું તે તેને સમજાતું નહોતું..દૂર દૂર ઉડતા પ્લેનને તે નીરખી રહી...નીરખી રહી..જે તેના અનિને તેનાથી દૂર...સાત સાગર પાર લઇને ઊડી રહ્યું હતું...ઊડી રહ્યું હતું. અને ઇતિ બેબસ હતી...બિલકુલ બેબસ...!

ઇતિની નજર અનાયાસે બારીમાંથી ડોકાતા આસમાન પર પડી.પણ.... કયાંય દૂર સુધી અનિકેતના પ્લેનનું નામોનિશાન ન દેખાયું.

હા, તેને બદલે અરૂપની ચમકતી હોન્ડાસીટી જરૂર દેખાઇ.

પ્રકરણ 7 - શણગારેલી ઢીંગલી...

“ચાલે નહી હકૂમત,

સમય સ્વયંમનો જપ્યા કરે છે,

પળપળ પૂરો જપ.”

અમેરિકા પહોંચ્યા પછી અનિકેતના ફોન નિયમિત આવતા રહેતા.તેના મમ્મી,પપ્પા પણ ઇતિ સાથે અને તેના મમ્મી, પપ્પા સાથે વાતો કરતા રહેતા. અનિકેતની કોલેજ ચાલુ થઇ ગઇ હતી. તેને ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડયું હતું. શૈશવથી સતત સાથે રહેલ બે વ્યક્તિ ભૌગોલિક રીતે તો દૂર થઇ હતી. પરંતુ હૈયાને દૂર શું અને નજીક શું ? જયાં અંતરનો સેતુ રચાયેલ હોય ત્યાં માઇલોના અંતરની શી વિસાત ? જોકે છતાં કયારેક ઇતિ એકલતા જરૂર અનુભવતી. અનિકેતના ગયા પછી થોડાં સમય સુધી તો શું કરવું તેની સમજ જ ઇતિને નહોતી પડતી. અનિકેત સિવાય એકલાં કેમ જઇ શકાય,કયાં જઇ શકાય તે પ્રશ્ન દિવસો નહીં મહિનાઓ સુધી ઇતિને મૂંઝવતો રહ્યો. આખો દિવસ હવે કરવું શું ? ભણવાનું પણ હાલ પૂરતું તો પૂરું થયું હતું. હવે આગળ શું કરવું તે વિચારવાનું હતું. અને છેલ્લે અનિકેતના જવાની તૈયારીની ધમાલમાં અનિને પૂછવાનું પણ રહી ગયું હતું.

ઠંડીના દિવસો શરૂ થઇ ચૂકયાં હતાં. પક્ષીઓ કામકાજેથી વહેલાં વહેલાં આવીને પોતાના માળામાં ઉષ્મા મેળવવા લપાઇ જતાં હતાં. સાંજના રંગો પૂરા ખીલે ન ખીલે તે પહેલાં જ જાણે ઉતાવળ આવી ગઇ હોય તેમ રાત્રિ જલદી જલદી રૂપેરી ઓઢણી માથે નાખી, ન નાખી અને આવી પહોંચે. ઠંડો વાયરો રાતરાણીની મહેક લઇને ફરતો રહે. ડાળીઓ નવા પર્ણની આશાએ જલદીથી જૂના પર્ણો ખંખેરવા માગતી હોય તેમ આખી રાત પર્ણો ખેરવ્યા કરે. શાંત રાત્રિમાં પર્ણના ખરવાનો ખર ખર અવાજ વાતવરણમાં અથડાયા કરે. ઇતિની આંખો જલદીથી બિડાવાનું નામ ન લે. ઇતિના મનની મોસમ પણ ઠીંગરાઇ ગઇ હતી. હમણાં વાતાવરણ કેવું શુષ્ક, સાવ નિર્જીવ બની ગયું હતું. હકીકતે બધું રાબેતા મુજબ જ હતું. પરંતુ ઇતિ એકલી પડી ગઇ હતી..સાવ એકલી... તેને કશું સુંદર નહોતું લાગતું. સૃષ્ટિનું બધું સૌન્દર્ય જાણે અનિકેત હરી ગયો હતો. બધું વીણીચૂણીને પોતાની સાથે અમેરિકા ઉપાડી ગયો હતો કે શું ?

ઇતિ હવે દરિયે જાય છે તો ત્યાં પણ સમુદ્રનો ઘૂઘવાટ, એનું સંગીત કયાં ? મોજાઓ પણ કેવાં ગમગીન બની ગયાં છે. નાળિયેરીના વૃક્ષો અણોહરા બનીને ચૂપચાપ ઉભા રહે છે. ઇતિ સાથે વાત કરવાની તકલીફ પણ કયાં લે છે ? સૂર્યદાદા પણ પોતાની રંગલીલા જલદીથી સમેટી ઇતિ સામે નજર ન નખાતી હોય તેમ વિદાયના બે બોલ કહ્યા સિવાય પાણીમાં ડૂબકી મારી જાય છે. ઇતિની ગમગીનીમાં બધાં જાણે અનાયાસે સામેલ થતાં રહે છે. હથેળીમાં ભીની રેતી લઇ ઇતિ તેની સામે જોઇ રહે છે. થોડીવારમાં રેતી આપોઆપ સરકી જાય છે. ઇતિની પણ જાણ બહાર. ઇતિ થોડીવાર આમતેમ આંટા મારીને આવતી રહે છે. મજા નથી આવતી. મનોમન અનિકેત સાથે વાતો કરતી રહે છે. અને દિવસ માંડ પૂરો કરે ત્યાં શિયાળાની આ લાંબી લાંબી રાત. બારીમાંથી દેખાતાં તારાઓ ઇતિ ગણ્યા કરે. અમેરિકામાં પણ આ જ તારાઓ દેખાતાં હશે ? પણ ત્યાં તો એ તારાઓ નિહાળવા કયાં મળે ? અનિકેત શું કરતો હશે અત્યારે ? ઇતિના મનમાં પ્રશ્ન પડઘાતો રહેતો.

અનિકેતનો ફોન આવે ત્યારે શું શું પૂછવાનું છે..શું વાતો કરવાની છે બધું ઇતિ નક્કી કરી રાખતી. પરંતુ અનિકેતનો ફોન આવે ત્યારે બધું ભૂલાઇ જવાય. ફોન અનિકેત જ કરતો રહેતો. કેમકે તેની પાસે હજુ મોબાઇલ નહોતો. અને તે કયારે રૂમ ઉપર કે કયારે કોલેજે હોય તે સમય કશો નિશ્વિત નહોતો. ફોન આવે ત્યારે જે પૂછવાનું નક્કી કરી રાખેલ હોય તે બધું ઇતિ ભૂલી જતી. અને અનિ ત્યાં શું કરે છે તે વાતો જ થતી રહે.

અનિકેત ફોનમાં ઇતિને ત્યાંની વાતો કરતો રહેતો. અને ઇતિના પ્રશ્નોનો તો પાર જ કયાં હતો ?

‘ આજે શું બનાવ્યું ? શું ખાધું ? કયાં ગયો ? શું કર્યું ? ‘

ઇતિ અહેવાલ લેતી રહેતી. અને અનિકેત હોંશે હોંશે આપતો રહેતો. કયારેક અનિકેતે કશું બનાવ્યું ન હોય..અને ’ સમય નથી મળ્યો ‘ એવું અનિકેત કહે ત્યારે ઇતિ તેને ખખડાવવાનો પોતાનો અબાધિત અધિકાર ભોગવવાનું ચૂકતી નહીં.

‘ એટલો સમય પણ ન મળે ? ‘ એમ કહી ઇતિ બહુ ખીજાય ત્યારે અનિકેત કહેતો,

‘એ તો તું અહીં આવીશ ત્યારે જ તને સમજાશે.’

‘ઇતિ ત્યાં કેમ આવશે..શા માટે આવશે ? એવા પ્રશ્નોનો કોઇ અર્થ નહોતો. એવો વિચાર તેમના મનમાં કદી ઉગ્યો જ નહીં. એકાદ વરસ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. પણ પછી.....

કાળે ફરી એકવાર કરવટ બદલી હતી. અને કાળ કરવટ બદલે ત્યારે........!

બે વરસની ઉંમરથી અસ્તિત્વ સાથે વણાઇ ગયેલું એક નામ જીવન ક્ષિતિજમાંથી એકદમ અણધારી રીતે કેમ, કયાં અદ્રશ્ય થઇ ગયું. તે સમજાયું નહીં. અચાનક અનિકેત, તેના મમ્મી, પપ્પા સૌના ફોન આવતા બંધ થઇ ગયા ! ઇતિએ જુદી જુદી ઘણી રીતે..ઘણાં દ્વારા પ્રયત્નો કર્યા..પરંતુ દરેક સંપર્કસૂત્ર કપાઇ ગયા. ઇતિ ફોન કરતી તો શરૂઆતમાં વોઇસ મેઇલ પર જતા. પછી તો એ પણ બંધ. મેઇલના પણ કોઇ જવાબ નહીં. અનિકેત કયા વિશ્વમાં અદ્રશ્ય થઇ ગયો તે સમજાયું નહીં. ઇતિના મમ્મી પપ્પાએ પણ ઘણાં પ્રયત્નો કરી જોયા..પરંતુ આ તો કાળની કરવટ હતી.. એનો તાગ કોને મળી શકે ? મઘમઘ થતું પુષ્પ અચાનક ખરી પડે તેમ સંબંધો અચાનક ખરી પડયા. જો કે પુષ્પ ખરી શકે..તેની સૌરભ તો કયાં ખરવાની હતી ? કેટલીક મહેક શરીરને જ નહીં આત્માને.. પ્રાણને સ્પર્શી હોય છે..જે કયારેય...

ઇતિ સ્તબ્ધ ! સાત જનમ બેસીને વિચારે તો પણ એનું કોઇ કારણ તે શોધી શકે તેમ નહોતી. આમ બની જ કેમ શકે ? પણ...બન્યું હતું એ હકીકત હતી.અને ઇતિને કોઇ ફરિયાદ વિના હકીકતનો સ્વીકાર કરવાનો હતો. ઇતિના મમ્મી, પપ્પાને પણ આશ્ર્વર્ય થયું. પણ એ ડોલરિયા દેશમાં જઇને ભલભલા બદલાઇ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે ? કદાચ કોઇ ધોળી છોકરી ગમી ગઇ હોય અને...

અને શરમનો માર્યો અનિકેત કે તેના માતા પિતા જણાવી ન શકતા હોય તેથી સંબંધ કાપી નાખ્યા..કે પછી.....! જાતજાતના વિચારો કરતાં રહ્યા. જોકે કોઇ પણ વિચાર મગજમાં બેસતો તો નહોતો જ. પરંતુ જે પણ હોય તે..પરંતુ હવે તે લોકો કોઇ સંબંધ રાખવા નથી માગતા એ તો દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું.

અને અંતે..જે હોય તે..કયારેક તો જાણ થશે ને ? આવું વિચારી ઇતિના મમ્મી, પપ્પાએ તો મન મનાવી લીધું અને પુત્રીને પણ એ જ સમજાવી.

જો કે આ બધું ઇતિની સમજ બહારનું હતું. પરંતુ સમજાય કે ન સમજાય સ્વીકારવાનું તો હતું જ ને ? આ પળે તો જે સામે આવ્યું તે એક માત્ર સત્ય હતું. બાકી અત્યાર સુધી અનુભવેલું બધું.......!

ઇતિ કશું વિચારવા માગતી નહોતી. તેનો સહજ, અતિ સરળ સ્વભાવ ..બધું સ્વીકારી લેવાની આદતને લીધે તે એટલું જ વિચારતી ‘અનિ જયાં રહે ત્યાં ખુશ રહે..બસ અનિની જે ઇચ્છા હોય તે ઇતિને મંજૂર જ હોય. અનિની ઇચ્છાને ઇતિ માન ન આપે તેવું તો બને જ નહીં ને ?કોઇ ફરિયાદ વિના પૂર્ણ શ્રધ્ધાથી તેણે હકીકત સ્વીકારી લીધી. એક ક્ષણ માટે પણ કોઇ કડવાશ તેના મનમાં પ્રવેશી શકી નહીં. આમ પણ તેમણે કયાં કયારેય સાથે જીવવા મરવાના વચનો આપ્યા હતા ? તેથી દગો કે વિશ્વાસઘાત એવા કોઇ સવાલો તો ઉપસ્થિત જ નહોતા થતા. બસ..અનિ ખુશ રહે...! અંતરની અમીરાતથી ધબકતા,મધુરતાથી ધબકતા હૈયામાં કડવાશની કોઇ કણી માટે જગ્યા કયાં હતી ? અનિની છબી તેના મનમાં એ જ રહી.બહાર સપાટી પર દેખાતી રહેતી હતી તેને બદલે હવે અંદર ઊંડે ઉતરતી ગઇ..બસ..એક માત્ર ફરક......

કોઇ પીડા વિના પૂરી સહજતાથી દરેક વાત..દરેક પરિસ્થિતિનો સ્વીકાર એ કદાચ ઇતિની પ્રકૃતિ હતી. અનિકેત ભૌતિક અર્થમાં તેનાથી દૂર ભલે ગયો હોય..બાકી ઇતિથી દૂર તે જઇ શકે તેવી તો ઇતિ કલ્પના પણ કરી શકે તેમ નહોતી.

સમયની એક વામન ક્ષણમાં કેટલી વિરાટ..અનંત શકયતાઓ...આશ્ર્વર્યો.. ભરેલ હોય છે..તે એહસાસ તો સ્વાનુભવે જ સમજાય ને ?

ઇતિનું ભણવાનું હવે પૂરુ થયું હતું. કોઇપણ માતા પિતાની જેમ ઇતિના મા બાપ પણ દીકરીના લગ્નની ચિંતામાં...છોકરો શોધવામાં પડયા. ઇતિ તો કશું વિચારતી જ નહોતી. ત્યાં તેના જીવનમાં અરૂપનું આગમન એકદમ અણધાર્યું થયું. ઇતિના માસીએ તે બતાવ્યો હતો. ભણેલ ગણેલ, દેખાવડો, સારું કમાતો, અને કુટુંબમાં પણ ખાસ કોઇ નહોતું. તે પણ અમેરિકાથી આવ્યો હતો.

વાત ચાલી અને એક દિવસ અરૂપ ઇતિને જોવા આવ્યો. તે તો ઇતિને જોઇને જ મુગ્ધ થઇ ગયો. ઇતિની ભાવવાહી, વિશાળ,ચમકતી,પાણીદાર આંખોમાં તે ખોવાઇ ગયો. તેણે તો ત્યાં જ હા પાડી દીધી. કશું પૂછવાની તેને જરૂર જ ન લાગી. જાણે પહેલી નજરે જ તે ઇતિમાં ખોવાઇ ગયો. તેણે ઇતિને પણ કોઇ સવાલો ન પૂછયાં. ઇતિને તો શું પૂછવું તે સમજાયું જ નહોતું. અરૂપ અમેરિકાથી આવ્યો હતો. અનિકેતને ઓળખતો હશે ? તેના વિશે પૂછું? અરૂપ સામે બેઠી બેઠી ઇતિ અનિકેત વિશે જ વિચારી રહી હતી. અરૂપની સામે તે કેમ બેઠી છે તેનો વિચાર પણ એ ક્ષણે તેને સ્પર્શ્યો નહોતો. અમેરિકા અને અનિકેત..બસ...એટલો જ સંબંધ મનમાં ઉગતો હતો. અરૂપ સામે જોવાની કોઇ જરૂરિયાત તેને નહોતી લાગી. અરૂપ અમેરિકાથી આવ્યો હતો.અને અમેરિકામાં અનિકેત હતો..બસ રહી રહીને આ એક જ વાત તેના મનમાં આવતી હતી.

અમેરિકામાં હોય તે બધા જાણે અનિકેતને ઓળખતાં જ હોય.! ઇતિ તો એવું જ વિચારી રહી હતી. જોકે પૂછવાની લાખ ઇચ્છા છતાં ઇતિના હોઠ એ ક્ષણે કોઇ શબ્દો ઉચ્ચારી ન જ શકયા. “અનિકેત “ નામ અંદર જ થીજી રહ્યું.

ઇતિના મમ્મી, પપ્પાને પણ અરૂપ ગમ્યો. ઇતિને પૂછતાં તે જવાબ ન આપી શકી. આ બધું શું થઇ રહ્યું છે તેની જિંદગીમાં ? ના પાડવાનું કોઇ દેખીતું કારણ નહોતું. તો હા પાડવાની .....? લગ્ન કરવાના ? સાસરે જવાનું ? જોકે સાસરાનો અર્થ હવે કોઇને પૂછવો પડે તેમ નહોતો. અને પૂછવું હોય તો પણ જવાબ આપનાર પોતે જ એક સવાલ બનીને રહી ગયો હતો.

ઇતિની જિંદગી વિશે વિચાર તો અનિકેતે કરવાનો હોય. ઇતિનું જીવન કેવું હશે તેની કલ્પના તો અનિકેત કરતો. અત્યાર સુધી પોતે કયારેય કોઇ ચિંતા..કોઇ કલ્પના..કોઇ વિચાર પોતાના ભાવિ વિશે કયાં કર્યો હતો ? એ બધું ઇતિનું કામ થોડું હતું ? એને તો અનિ કહે એમ કરવાનું હોય..બસ...બાકી બધું એની જવાબદારી. પણ હવે ?હવે આ ક્ષણે અનિને શોધવો કયાં ? તેને એટલી પણ ભાન નથી પડતી કે ઇતિ એકલી શું કરશે ? કેમ કરશે ? આવો મોટો નિર્ણય તે અનિ વિના કેમ લઇ શકે ?

’તે અનિને પરણી શકે ? અનિ હોત તો પોતે અને અનિ પરણ્યા હોત ? ઇતિના મનમાં પહેલીવાર આ વિચાર વીજળીની જેમ ઝબકી ગયો. અનિ સાથે લગ્ન ? આવો વિચાર તો આજ સુધી કયારેય નથી આવ્યો..આજે આમ અચાનક ?તે અને અનિ પ્રેમી, પ્રેમિકા થૉડા હતા ? હા, એકબીજાનું સર્વસ્વ જરૂર હતા.પણ.. આવું તો બેમાંથી કોઇએ કદી કયાં વિચાર્યું હતું ? કે એકબીજાને કદી કહ્યું હતું ? હકીકતે તે અને અનિ છૂટા પડી શકે એવી કોઇ કલ્પના જ નહોતી આવી. ઇતિ અજબ અસમંજસમાં અટવાઇ. એક તરફ માતા પિતા હતા. જે તેને સમજાવતા હતા કે અરૂપ જેવો છોકરો નશીબદારને જ મળે.ઇતિને તો કોઇ બહેનપણી..કોઇ મિત્ર પણ કયાં હતા ? એવી જરૂરિયાત જ કદી નહોતી લાગી. જે હતો તે એકમાત્ર અનિકેત...અને તે આમ ઇતિની પરમ જરૂરિયાતની પળે ખોવાઇ જાય..રિસાઇ જાય..ઇતિની આંખો છલકાઇ આવી. એક અકથ્ય મૂંઝારો તેના પ્રાણને ઘેરી વળ્યો. જેની આરપાર તે કશું જોઇ શકવા અસમર્થ હતી. માતાપિતાને તે કશો જવાબ આપી શકી નહીં.

તેના મૌનને સંમતિ માની ઇતિની સગાઇ નક્કી થઇ ગઇ. બે દિવસમાં તો સગાઇની બધી તૈયારી પણ થઇ ગઇ. જેમ અનિકેતના અમેરિકા જવાની વાત ઇતિના મગજમાં આગલા દિવસ સુધી નોંધાઇ નહોતી. તેવી જ રીતે સગાઇની વાત પણ ઇતિનું મગજ નોંધી શકયું નહીં. ઇતિ તરફથી કોઇ વિરોધ ન આવ્યો. અને વિરોધનો અભાવ એટલે સ્વીકાર એ સત્ય માની લેવામાં કોઇને વાંધો ન આવ્યો. આમ પણ કોઇના મૌનનો મનગમતો અર્થ કાઢવો હમેશાં આસાન હોય છે. ઇતિના ઘરમાં બધાને અરૂપ ખૂબ ગમી ગયો હતો. અને અરૂપમાં ના પાડવા જેવું કે ન ગમવા જેવું શું છે ? ઇતિને ન ગમ્યું હોય તો તો બોલે ને ? ઇતિના માસીએ પણ કહ્યું.

‘ દીદી, આ તો લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. વધાવી લો. સારા કામમાં સો વિઘ્ન.’અને બહેનની વાત ઇતિની મમ્મીને પણ યોગ્ય લાગી. અને તુરત સગાઇનો દિવસ નક્કી થઇ ગયો. આમ પણ અરૂપે જેમ બને તેમ જલદી કરવાનું કહ્યું હતું.

ઇતિને તો જાણે આ બધા સાથે કોઇ નિસ્બત જ નહોતી. જે થાય તે....ત્યાં હતો એક માત્ર સાક્ષીભાવ કે પછી ઉદાસીન ભાવ. પહેલા કશું વિચાર્યા સિવાય અનિકેત કહેતો તેમ તે કરતી રહી હતી.. આજે માતા પિતા કહે તેમ તે કરતી રહી.

અરૂપને ઉતાવળ હતી..તરત સગાઇ...અને અઠવાડિયામાં તો લગ્ન..કરવાનું નક્કી થયું.

સગાઇને બીજે દિવસે અરૂપે ઇતિને એક સરસ મજાની બાર્બી ડોલ ભેટ આપી. જે દુલ્હનના શણગારથી શોભતી હતી. ઇતિ સ્તબ્ધ..! મૂઢની માફક તે ઢીંગલી હાથમાં લઇ બેસી રહી. આ ભેટમાં તેને અનિકેતની હાજરી..તેની સુવાસ કેમ અનુભવાતી હતી ? ઘડીકમાં ઢીંગલી તરફ તો ઘડીકમાં અરૂપ તરફ જોઇ રહી.

અરૂપે કહ્યું..’ આ તો જસ્ટ મસ્તી..મજાક..’

પણ ઇતિ માટે આ મજાક કયાં હતી ?

તેની સાથે પોતાના શૈશવની કોઇ અણમોલ યાદ સંકળાઇ હતી એની જાણ અરૂપને થોડી જ હોય ?

તેની નજર સમક્ષ તો દસ વરસનો અનિકેત હસતો હતો. અને ઇતિને કહેતો હતો..

’ તારા લગ્ન થશે ને ત્યારે હું તને શું ભેટ આપીશ.? ખબર છે ? ‘

ગૌરીવ્રતના ત્રીજા વરસે પૂજા કરીને આવેલ શણગારેલ ઇતિને જોઇને અનિકેતે કહ્યું હતું. અને ઇતિ ચંચળતાથી બોલી ઉઠી હતી.

‘શું આપીશ “

’તારા જેવી જ શણગારેલ ઢીંગલી...બાર્બી ડોલ...! .’અને બંને ખડખડાટ હસતા હતા !

આજે અરૂપની આ ભેટ...! તેનાથી અરૂપને પૂછાઇ જ ગયું,

’તમે અનિકેતને ઓળખો છો ? એ પણ અમેરિકામાં જ છે. ‘

’અનિકેત..કોણ અનિકેત ? ‘

જવાબમાં ઇતિ મૌન રહી.અને અરૂપે પણ આગળ કોઇ પૂછપરછ કરી નહીં.

એ ઢીંગલી આજે પણ કબાટમાં મોજુદ છે. બિલકુલ મૌન બનીને ચૂપચાપ બેઠી છે.

તે પછી પણ અરૂપે અનેક ભેટો ઇતિને આપી જ હતી ને? પણ...

પ્રકરણ 8 - લગ્ન અને હનીમુન...

“કેસરિયાળો સાફો ઘરનું ફળિયુ લઇને ચાલ્યો,પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાતડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાતપૈડુ સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે..”

દરેક છોકરીના જીવનમાં એક સવાર ઉગે છે. તેના શમણાંનો રાજકુંવર આવે છે અને માતાપિતાનો વરસોનો સંગાથ છોડી, છોકરી તે રાજકુંવર સાથે પોતાની અલગ દુનિયા વસાવવા હોંશે હોંશે જાય છે. હવે તેનો એક આગવો માળો રચાય છે. અને તે પિયાના ઘરની રાણી બની રહે છે.

ઇતિના શમણાનો રાજકુંવર આવ્યો કે નહીં એની તો ઇતિને પૂરી સમજણ પડી નહીં પરંતુ તેના જીવનમાં પણ એ દિવસ તો જરૂર આવી પહોંચ્યો. દરેક છોકરીની જેમ તેના જીવનમાં પણ પીઠીવરણું પ્રાગડ અચાનક ઉઘડયું. Marriages are made in heaven. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે “ એ કદાચ સત્ય જ હશે. નહીંતર જેને કદી જોયો કે જાણ્યો નહોતો..જીવનના બાવીસ વરસો સુધી જે કયારેય ડોકાયેલ નહીં એ અરૂપ કયા પાતાળમાંથી આપમેળે ફૂટી નીકળ્યો ? અને હજુ તો ઇતિ કંઇ સમજે..વિચારે તે પહેલાં તેની સાથે લગ્નના પડઘમ વાગવા પણ લાગ્યાં. અને બે વરસની ઉમરથી જેને જાણતી હતી. જે તેની ક્ષણેક્ષણમાં સમાયેલ હતો એ અનિકેત કયા આકાશમાં અદ્રશ્ય થઇ ગયો હતો. કાળદેવતાએ પણ તેની ભાળ ન જ આપી.

આ કઇ વેળા હતી..પાંદડું ખરવાની કે કૂંપળ ફૂટયાની ? એક પાંદડું ખર્યું કે એક કૂંપળ ફૂટી તે સમજવું, અનુભવવું ઇતિ માટે આસાન નહોતું. આછા અંધકાર અને આછા પ્રકાશ વચ્ચેની એ ક્ષણો હતી. નહીં ઉજાસ...નહીં અંધાર..! વાદળછાયો ગોરંભો ઇતિના મનમાં ઘૂંટાતો હતો. એક ગોપી પોતાની યે જાણ બહાર અંતરમાં કોના વહાલનું વૃન્દાવન સંગોપીને બેઠી હતી ? આ ક્ષણે સાજનના સપનાએ અંતરકયારી તરબતર થઇ મહેકી ઉઠવી જોઇએ. આંખોમાં શમણાં અંજાવા જોઇતા હતા. પણ...પણ એ બધું અનુભવવાનો, સમજવાનો સમય જ કયાં મળ્યો હતો ?

જલદી અમેરિકા જવાનું છે. એમ અરૂપે કહેવાથી લગ્ન તાત્કાલિક લેવા પડયા. ચટ્ મંગની..પટ્ટ વ્યાહ..! ખરીદી, તૈયારી, સગાવહાલાઓની ધમાલ..ઇતિને તો જાણે કશું સમજાતું જ નહોતું. કશું સ્પર્શતું નહોતું. બધા કહે તેમ તેણે કરવાનું હતું..એ જ એકમાત્ર સત્ય હતું. તે ઉદાસ નહોતી તો એવી ખાસ ખુશી પણ નહોતી અનુભવી શકાતી.

વરસો પહેલાં એક દિવસ અનિકેતની બહેન સાસરે જતી હતી ત્યારે તેની જેવી જ તૈયાર થવાનું નક્કી કરતી ઇતિએ આજે સોળે શણગાર સજયા હતા. છતાં આયનામાં પોતે ફિક્કી કેમ લાગતી હતી..! હાથમાં મહેંદી મૂકાઇ હતી. પરંતુ તેમાં કોઇ ચહેરો સ્પષ્ટ ઉપસ્યો નહોતો. મહેંદીનો રંગ અંતરમાં ઉઘડયો જ નહીં. બહાર ઢોલ જરૂર ધબકયા પણ ઇતિનું હૈયુ કેમ ધબકયું નહીં કે તેનો રણકાર ઇતિને કેમ સ્પર્શ્યો નહીં તેની જાણ ઇતિને પણ કયાં થવા પામી ? કશુંક ખૂટતું હતું. પરંતુ શું ? તે તેને સમજાતું નહોતું. કશુંક બહાર આવવા મથી રહ્યું હતું. પરંતુ એ સમજી શકાય કે શોધી શકાય તેટલો સમય..તેટલું એકાંત ઇતિને મળ્યા જ નહીં.

ઇતિના ઘરનાએ આ પ્રસંગે અનિકેત અને તેના ઘરના હાજર રહી શકે તે માટે તેને શોધવાના ઘણાં નિષ્ફળ પ્રયત્નો કર્યા. અંતે એક દિવસ ઇતિના લગ્ન બહું જલદીથી થઇ ગયા.અનિકેત વિના જ થઇ ગયા. જેમ અનિકેત ગયો ત્યારે વિચારવાનો સમય નહોતો મળ્યો તેમ જ આ દિવસોમાં પણ ઇતિને કશું વિચારવાનો સમય જ ન મળ્યો. કેટકેટલા કામો અને સમયનો અભાવ...

અરૂપના હાથમાં તેનો મહેંદીવાળો હાથ મૂકાયો. હસ્તમેળાપની એ મંગલ ઘડી આવી. ઇતિના ગળામાં અરૂપના નામનું મંગલસૂત્ર ઝગમગી ઉઠયું. કયારે કેમ થયું ઇતિને તો પૂરું સમજાયું પણ નહીં. ગોરમહારાજ કહે તેમ તે કરતી રહી. જે સૂચનાઓ મળે તેનું મૌન પાલન થતું રહ્યું. ખુશી કે ઉદાસી કશું ખાસ અનુભવાયું નહીં.

હા, માતા પિતાની વિદાય લીધી ત્યારે ઇતિ ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠી. નીતાબહેનના આંસુ પણ રોકાતાં નહોતાં. જીવની જેમ જાજેરા જતન કરીને ઉછરેલ તુલસીકયારો આજે અન્યને આંગણે રોપાવા જઇ રહ્યો હતો. કેસરિયાળો સાફો ઘરનો ઉજાસ લઇને ચાલ્યો. ઇતિના રુદનમાં અનેક રંગો ભળ્યાં હતાં. આ આંસુમાં કોઇ એક ચહેરો, કોઇની એક ઝલક અદ્રશ્ય જ રહી. અને છતાં....

દીવાલ પર કંકુવાળા હાથના થાપા કરી, પોતાની હાજરી અને વિદાય બંનેની સહી કરી ઇતિએ શણગારેલી મોટરમાં પગ મૂકયો ત્યારે વાતાવરણ હીબકે ચડયું હતું. શરણાઇના કરૂણ મંગલ સૂર રેલાતા હતાં. પંખીઓ, વૃક્ષો પણ ઇતિને વિદાય આપી રહ્યા. કણ્વમુનિ જાણે શકુંતલાને વિદાય આપી રહ્યા હોય અને એક એક કળી, વિરહના શોકમાં સંતપ્ત બની હોય તેમ આજે ઇતિની વિદાયથી સમસ્ત વાતાવરણમાં ઘેરા શોકની છાયા છવાઇ હતી. પૈડુ સિંચાયું અને અરૂપની ગાડી નીતાબહેનના ઘરનો આ અણમોલ ખજાનો લઇને ચાલી.

ઇતિ અરૂપની ગૃહલક્ષ્મી બનીને અરૂપને ઘેર આવી. સાસરે આવી..

લગ્ન પછી તુરત અમેરિકા જવાનું છે એમ કહી લગ્નની ઉતાવળ તો અરૂપે કરાવી હતી. પરંતુ લગ્ન પછી તેનો નિર્ણય બદલાઇ ગયો. લગ્ન પછી અરૂપે અમેરિકા જવાને બદલે હમેશ માટે દેશમાં જ રહેવાનું નક્કી કર્યું. ઇતિના મમ્મી,પપ્પા તો દીકરી દૂર નહીં જાય એ વિચારે ખુશ થયાં. ઇતિને તો હજુ સુધી પૂરી ખબર જ નહોતી પડતી. જેમ બધા કહે તેમ તે કરતી ગઇ હતી. વિચારવાની શક્તિ જાણે તે ખોઇ બેઠી હતી. એક ધરામાંથી ઉખેડેલ તુલસીકયારો બીજી ધરામાં ધરબાઇ રહ્યો હતો. હવે તેને ત્યાં જ વિકસવાનું હતું. ફૂલવા ફાલવાનું હતું. ફૂલવા ફાલવા માટે જરૂરી ખાતર, પાણી, હવા ઉજાસ મળશે કે કેમ ? એ તો સમય સિવાય કોણ કહી શકે ?

હનીમુન માટે કેરાલાની રમ્ય વનરાજિમાં અરૂપ સાથે ઘૂમતા ઇતિના મનોપ્રદેશમાં વીજળીની જેમ અનિકેત કયારેક ચમકી જતો. અત્યારે કયાં હશે એ ?નાળિયેરીના ઝૂંડમાંથી ચળાઇને આવતા સૂર્યના કિરણોના પ્રકાશ કે પાંદડાઓમાંથી ટપકતા વરસાદના પાણીના ટીપાઓની સાથે અનિકેતની યાદ મહેકી ઉઠતી. કેરાલાના રમણીય સાગર કિનારે તેને પ્રસન્નતા અર્પી. આમ પણ દરિયો તો તેનો શૈશવનો સાથીદાર. તેની ભીની રેતી કે ઊછળતા મોજા સાથે તે કલાકો સુધી વાતો કરી શકતી. અરૂપ તેને ખુશ કરવાના સઘળા પ્રયત્નો કરતો. ઇતિ માટે તેની આંખોમાં સ્નેહ છલકતો રહેતો. પહેલી જ નજરે ઇતિને જોઇ ત્યારથી જ તેને ઇતિ ગમી ગઇ હતી. અને હવે ઇતિ તેની હતી..તેના એકલાની..તેથી તે સ્વાભાવિક રીતે જ ખુશખુશાલ હતો. યૌવનનો ઉન્માદ, મનગમતો સાથી..પ્રકૃતિનું અનુપમ સૌન્દર્ય.. અને પોતાનો પ્રેમ..અરૂપના મનમાં કોયલના ટહુકાર..અને મયૂરના કેકારવ...! અરૂપને તો હમણાં કાગડાંનો કર્કશ અવાજ પણ મીઠો લાગે તેમ હતું.

અરૂપ પોતાના શૈશવની અગણિત વાતો કરતો રહેતો. અને ઇતિને પણ તેની શૈશવની વાતો પૂછતો. ઇતિ અથાહ ઉત્સાહથી વાતો કરતાં થાકતી નહીં. અને ઇતિના શૈશવની વાતો અનિકેત સિવાય તો થઇ જ કેવી રીતે શકે ? તેની એક એક વાતમાં ઇતિ ઇચ્છે કે ન ઇચ્છે અનિકેતની હાજરી ડોકિયા કરતી રહે એ સ્વાભાવિક જ હતું ને !

અરૂપ અકળાઇને કહેતો, ’હું તારી વાત પૂછું છું. અને તારી વાતમાં તારા કરતાં તો આ અનિકેતની વાતો જ વધારે હોય છે. એ સિવાય કોઇ વાત નથી તારી પાસે ? ‘

તેના અવાજમાં અનિચ્છાએ પણ એક ચીડ ભળી જ જતી.

’પણ અરૂપ, અમે સાથે જ મોટા થયા..સાથે જ સ્કૂલે જતા આવતા..સાથે જ...’

’ બસ,..બીજું શું શું સાથે કરતા ? ‘

અરૂપના પ્રશ્નની ધાર સમજયા વિના જ ઇતિ ઉત્સાહથી બોલી ઉઠતી.

’ અરે, બધું ...બધું જ તો સાથે કરતાં હું ને અનિકેત...અને એટલે જ મારી વાતમાં અનિકેતની વાત આવે જ ને ? ’નિર્દોષતાથી ઇતિ ચહેકી ઉઠતી. તેની વિશાળ આંખોમાં એક ચમક પ્રગટતી. તેને થતું તે વાતો..અનિકેતની વાતો કર્યા કરે... અંતરના દ્વાર ખોલી નાખે. અને પછી અરૂપમય બની રહે.

પણ...’તો નથી સાંભળવી મારે તારા અનિકેતની વાત..’

પોતે અનિકેતની વાત કયાં કરતી હતી ? તે તો પોતાની વાત કરતી હતી.

અરૂપ શા માટે ગુસ્સે થતો હતો એ ઇતિની સમજમાં કેમે ય ન આવતું.

અને શૈશવની જ નહીં તેની ડાન્સની કે તેની કોલેજની..કે તેની કોઇ પણ ક્ષણની વાત કરે ત્યારે અનિકેતને તેમાંથી બાકાત રાખવો એ ઇતિ માટે કયાં શકય હતું ? જોકે અરૂપનો ગુસ્સો કંઇ લાંબો ચાલતો નહીં. ઇતિને તે ખૂબ પ્રેમ કરતો. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. છતાં.......

એક દિવસ સવારે ઇતિ અને અરૂપ હાથમાં ચાનો કપ લઇ બહાર ગાર્ડનમાં બેઠાં હતાં. ત્યારે પોતે કેવી રીતે ડાંસીંગ કલાસમાં જતી. અનિકેત તેને મૂકવા આવતો અને બિચારો બહાર બેસીને ઇતિની રાહ જોયા કરતો. તે બધી વાત હોંશથી અરૂપને કરતી ઇતિ છલકતી હતી. કેવી રીતે અનિકેતે તેના આરંગેત્રમની તૈયારીઓ કરી હતી. અને દિવસો સુધી તે કેટલો હેરાન થયો હતો, પછી આખો કાર્યક્રમ કેવો સરસ થયો હતો. તે બધી વાતો ઉત્સાહથી અરૂપ પાસે ઠાલવી રહી હતી. અરૂપ એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય બધી વાતો સાંભળતો હતો. ઇતિની આંખમાં અનિકેતના નામના ઉચ્ચાર સાથે પ્રગટતી એક સ્વાભાવિક ચમક અરૂપે જોઇ હતી..અનુભવી હતી..પણ સમજી નહોતી.

ઇતિ પાસે તો અનિકેતની વાતોનો વણખૂટયો ખજાનો હતો.

‘ અરૂપ, તને ખબર છે. ઇશાદીદીના એટલેકે અનિકેતની બહેનના લગ્ન થયાં ત્યારે સાસરે જતી વખતે તે ખૂબ રડી હતી. મને આંટી પર એવો તો ગુસ્સો આવ્યો હતો કે દીદી આટલું રડે છે તો પણ આંટી તેને સાસરે કેમ મોકલી દે છે. અને અનિકેતે મને પહેલીવાર કહ્યું હતું..કે જો મારી બહેન પણ સાસરે જવાની છે. અને બધી છોકરીઓએ સાસરે જવાનું હોય. ત્યારે અમે પૂરા દસ વર્ષના પણ નહોતા. અરૂપ, મને તો સાસરું એટલે શું એની પણ કયાં ભાન હતી ? અનિ તો હમેશા મારી મસ્તી કરતો રહેતો. જોકે એક વાત કહું ? તેને ખીજવવાનો એક પણ મોકો હું ય ચૂકતી નહીં. અને આંટી હમેશા મારી જ વાત માનતાં. અને બિચારા અનિને બધાં ખીજાતાં. ‘

ઉત્સાહથી કહેતી ઇતિ ખડખડાટ હસી રહેતી. અને કોઇ પ્રતિભાવ વિના અરૂપ મૌન.

પરંતુ બહું જલદીથી ઇતિએ અનુભવ્યું કે અનિકેતની વાત આવે છે અને અરૂપ તુરત વાત બદલાવી નાખે છે.

બે ચાર વાર અરૂપનો ગુસ્સો જોઇ ધીમે ધીમે કાચબો અંગો સંકોરી લે તેમ ઇતિએ પોતાની વાતો સંકોરી લીધી. અરૂપને અનિકેતની વાત નથી ગમતી એ તો સમજાયું..પરંતુ શા માટે નથી ગમતી ? એ ઇતિની સમજ બહાર જ રહ્યું. ઇતિની વાતો બહાર આવતી બંધ થઇ ગઇ. એક આખી સૃષ્ટિ મનને તળિયે લપાઇ ગઇ. અરૂપની ખુશીને જ તેણે પોતાની ખુશી બનાવી દીધી. કોઇ ફરિયાદ વિના. હા, કયારેક ઉદાસીના પંખીઓ ઘડીભર આવીને પાંખો જરૂર ફફડાવી ઉઠતાં. પરંતુ ઇતિ એની ઉપેક્ષા કરતી. જાણે પોતે એ ફફડાટ સાંભળ્યો જ નથી.

છતાં તકલીફ તો થતી જ. ઇતિની વાતોમાં આવતા અનિકેતને અરૂપ કેમે ય સહન નહોતો કરી શકતો. અનિકેત જેમાં હોય તે કોઇ વાત અરૂપને ગમતી નહોતી જ. અને ઇતિ પોતાની કોઇ પણ વાત કરવા જાય અનિકેત આવ્યા સિવાય કેમ રહી શકે ? ઇતિની ઇચ્છા, અનિચ્છાનો કોઇ સવાલ જ કયાં હતો ? હવે ઉપાય ફકત એક જ બચ્યો હતો. ઇતિએ પોતાની વાતો..શૈશવની વાતો કે અતીતની કોઇ વાતો કરવાની જ નહીં. જે જિંદગી જીવાઇ હતી એને ભૂલી ન શકાય તો કયાંક ઉંડે..ખૂબ ઉંડે દાટી દેવાની હતી.

અરૂપને અનિકેતની વાતો નથી ગમતી એ સમજી ચૂકેલ ઇતિ મૌન બની રહેતી. અરૂપ સમજવા છતાં ન સમજતો. તે ઇતિને ભરપૂર પ્રેમ કરતો રહેતો.પોતે અનેક વાતો કરતો રહેતો. ઇતિને ખુશ કરવાના, પ્રસન્ન રાખવાના સઘળાં પ્રયત્નો પોતાની રીતે કરતો રહેતો. જાતજાતની રમૂજો કરી તે ઇતિને હસાવતો રહેતો. ઇતિ પાણી માગે ત્યાં દૂધ હાજર કરતો અરૂપ અનિકેતની વાત આવે અને આખો બદલાઇ જાય. કશું બોલે નહીં. પરંતુ એ મૌન એવું તો ધારદાર હોય કે ઇતિને ખૂંચ્યા સિવાય ન રહી શકે. અને તેથી ઇતિએ એ દરવાજો બંધ કરી દીધો હતો. બસ..બધું ભૂલી અરૂપ અને ફકત અરૂપમય તે બની રહી. પાછળ ફરીને જોવાનું કદી વિચાર્યું જ નહી. જીવન સપાટી શાંત...સાવ શાંત..કોઇ વમળો વિનાની....

હનીમુનથી પાછા આવ્યા બાદ અરૂપ તેના બીઝનેસમાં થોડો બીઝી જરૂર થઇ ગયો. પરંતુ ઇતિનો ખ્યાલ તે સતત રાખતો. ઓફિસમાંથી પણ ઇતિને ફોન કરતો રહેતો. શકય તેટલો સમય ઇતિ સાથે વીતાવી શકાય તેવા પ્રયત્નો તે કરતો રહેતો. ઇતિ તેના માટે અણમોલ હતી.

ઘરમાં ઇતિ આખો દિવસ એકલી પડી જતી. સ્વાભાવિક રીતે જ અનિકેતની વાત, તેની યાદ તેના દિલમાં ચમકી ઉઠતી. પરંતુ અરૂપને નથી ગમતું તેથી ધીમેધીમે ઇતિના જીવનનું એ પાત્ર બહારથી અદ્ર્શ્ય થતું ગયું. અનિકેતની સ્મૃતિઓ દિલના અતલ ઉંડાણમાં ધરબાઇ રહી. ઇતિને મોઢે કયારેય હવે અનિકેતનું નામ નથી આવતું. તે અરૂપમય સંપૂર્ણરીતે અરૂપમય બની રહી. કોઇ ફરિયાદ વિના સરળતાથી ઇતિનું જીવન વહેતું રહ્યું. અરૂપનો સ્નેહ ઇતિની જિંદગી બની રહ્યો. ઇતિની જિંદગીમાં અનિકેત નામે કોઇ પાત્ર હતું એ પણ ભૂલાતું ગયું કે પછી ....

કાળદેવતા ઇતિ સામે કયારેક હસી લેતા એટલું જ. તેને એકને જ કદાચ ખ્યાલ હતો કે ઇતિ જાતને છેતરી રહી છે..અનિકેત તો આ બેઠો તેના દિલના તળિયે... પણ કોઇ વાત ફોડ પાડીને કહેવા કાળદેવતા થોડા રોકાય છે ? સમય સમયનું કામ કરશે અને એક દિવસ ....!

અને સમય સરતો રહ્યો...સરતો રહ્યો...

અરૂપના સ્નેહમાં કોઇ કમી કયાં હતી ? ઇતિ જીવનમાં ગોઠવાતી ગઇ. કોઇ અફસોસ વિના..હજારો લાખો સ્ત્રીની માફક..તદન સહજતાથી..સરળતાથી..! પરંતુ કેટલાક સત્યો કે કેટલાંક પાત્રો, કેટલાક સંબંધો વરસો પછી પણ એની એ જ કુમાશ,મુગ્ધતા અને ઋજુતા સાથે જીવતા હોય છે. તેને નથી કાટ લાગતો કે નથી ઉધઇ લાગતી કે નથી તેનો ચળકાટ ઝાંખો પડતો. એ દેખાય કે ન દેખાય પરંતુ એ હોય છે જરૂર. એ સત્યથી ઇતિ કદાચ અજાણ હતી.

લગ્ન પછી અરૂપને બાળકની ખૂબ ઉતાવળ હતી. પણ પિતા બનવાની તેની હોંશ લગ્નજીવનના આટલા વરસો બાદ પણ પૂરી ન થઇ. ઇતિ પણ શિશુને આવકારવા ઉત્સુક હતી. આમ પણ ઇતિને તો બાળકો ખૂબ વહાલા હતાં. માતૃત્વની સ્વાભાવિક ઝ્ંખનાથી ઇતિ બાકાત નહોતી. અનેક ડોકટરો પાસે બંને ફરી વળ્યા. પણ.....! બંનેના બધા રીપોર્ટ નોર્મલ આવતા હતા. અને તેથી નશીબ સિવાય કોને દોષ આપી શકાય ?

ઇતિએ એકવાર કોઇ શિશુને દત્તક લેવાની વાત અરૂપ પાસે મૂકી જોઇ.

‘ અરૂપ, બાળક વિના ઘર કેવું સૂનુ લાગે છે. આપણે કોઇ નાનકડાં શિશુને અપનાવીએ તો ? ‘

પરંતુ અરૂપને એ વાત ગળે ઉતરી નહીં. બાળક હોય તો આપણું પોતાનું જ...નહીંતર બાળક વિના પણ ચાલશે.

‘ ઇતિ, મને તો તારું..આપણું જ બાળક જોઇએ.. પારકા કદી પોતાના થઇ શકે નહીં. અને અનાથાશ્રમમાંથી લીધેલ બાળક કોનું હોય..કેવું હોય...તે કેમ ખબર પડે ? ’

ઇતિને દલીલ કરવાનું મન તો થયું. પરંતુ હમેશની જેમ તે ચૂપ જ રહી. અરૂપને ન ગમતી કોઇ વાત કરવાની તેને ઇચ્છા જ ન થતી. થોડી ગમગીન તો તે જરૂર બની. પરંતુ મનને મનાવી લીધું. બાળકનું સુખ તેના નશીબમાં નહીં હોય.

જે નથી મળી શકતું એ માટે નશીબ જેવું હાથવગુ અને આસાનીથી સ્વીકારી શકાય તેવું કારણ બીજું કયું હોઇ શકે ?

અરૂપને ખાસ કોઇ ફરક ન પડયો. તેને માટે તો ઇતિ જ સર્વસ્વ હતી અને રહેશે. તેની જિંદગીમાં તેનું કામ અને તેની ઇતિ.. બે જ વાતનું અસ્તિત્વ હતું. દુનિયાની દરેક સુખ સગવડ તેની ઇતિને મળવી જોઇએ. ઇતિ માટે તેણે શહેરની બહાર, થોડે દૂર શાંત વાતાવરણમાં એક સરસ બંગલો બનાવવો શરૂ કર્યો હતો.

બાળક માટે ઇતિને સમજાવવામાં થોડી તકલીફ જરૂર પડી હતી. પરંતુ અંતે ઇતિની સરળતા તેને મદદરૂપ બની. ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને ?

‘તું કહીશ એમ જ હું કરીશ. ‘’ હમેશાં ? ‘

‘ હા, હા, હમેશા..’‘ પ્રોમીસ ?

નાનકડાં ઇતિ, અનિકેતનો અવાજ આ કયાંથી, કોણ આવીને કાનમાં કહી ગયું ?

કાળની ઘેરી ગુફામાં એ પ્રોમીસ અને પ્રોમીસ આપવાવાળો હાથ કયાં અદ્રશ્ય થઇ ગયાં હતાં ?

ઇતિ કહે તેમ તો અનિકેતે કરવાનું હતું. અહીં અનિકેત કયાં ?

ઇતિએ તો અરૂપ કહે તેમ જ કરવાનું ને ?

ઇતિ, અરૂપ, અનિકેત...?

જીવનના તાણવાણા કોણ ઉકેલી શકયું છે ?

પ્રકરણ 9 - મારે માટે એટલું ન કરી શકે ?

“ અહીં સાદ કોના નામના સંભળાય છે ગઇ કાલના, આવ્યા કરે છે સાંભરણની વેલ પર ભીના ફૂલો. “

બાળક માટેની ઇતિની ઝંખના અપૂર્ણ જ રહી. અરૂપે દત્તક લેવાની ના પાડયા પછી ઇતિ એકલી પડતી ત્યારે કદીક ઉદાસીનતા જરૂર અનુભવતી. નાનકડાં શિશુની કિલકારીથી આ બંગલો વંચિત જ રહ્યો. બાળક માટેની ઇતિની હોંશ અધૂરી જ રહી. જોકે અરૂપને એ ઉદાસીની જાણ સુધ્ધાં કયારેય થવા ન પામતી. તે તો એવા ભ્રમમાં જ રહ્યો કે ઇતિ પણ હવે પોતાની માફક બાળકની વાત ભૂલી ગઇ છે.

સૂર્ય વાદળા પાછળ સંતાઇ ગયો હતો. જાણે દુનિયાના લોકોથી નારાજ થયો હોય અને પોતાના કિરણો તેને આપવા ન માગતો હોય તેમ જીદ કરીને વાદળની બહાર ન આવવા મથી રહ્યો હતો. નામ તો વાદળનું આવતું હતું કે તેણે સૂર્યને ઢાંકી દીધો હતો. પણ સાચી વાતની કોને જાણ હતી કે સૂર્ય ખુદ વાદળ પાછળ છૂપાઇ ગયો છે. આજે જાણે તેને વિશ્વને અજવાળવાની કોઇ તમન્ના નહોતી. આજે વિરામ.... તો જ વિશ્વને તેનું મહત્વ સમજાય...એવું વિચારતો હશે કે શું ?

સૂર્ય તો વિચારે કે નહીં..પણ ઇતિ તો આવું જ કંઇક વિચારતી હતી. ઇતિની અંદર પણ કોઇ સ્મૃતિએ વિરામ લીધો હતો..બહાર ન આવવાની જીદ પકડી હતી કે શું ? જે દરિયો મનની અંદર ઉછળતો રહ્યો હોય..એની જાણ હોય કે નહીં..પરંતુ એ કયારેય દૂર જઇ શકે ખરો ? ભલેને સવાર થઇ ગઇ હોય પરંતુ પાંપણને ખોલીને જોવું નથી

ઇતિના મનમાં એવી એક જીદ પ્રગટી હતી કે શું ? પરંતુ ઇતિ તો કયારેય જીદી નહોતી. અને છતાં આજે આમ કેમ ? પોતાની અંદર એક એક ક્ષણની છબી આજે દસ વરસ પછી પણ આટલી હદે જીવંત હતી ? અને પોતે બેખબર હતી ?

‘અનિકેત આવ્યો છે..’

આજે મમ્મીના આ એક વાકયે તેની સમગ્ર ચેતના જાગી ઉઠી હતી ? એક ચિનગારી પરની રાખ ઊડી રહી હતી કે શું ? મનની કિલ્લેબંદી તૂટી રહી હતી? એક શબ્દ..અને એ કિલ્લાના કાંગરા ખરવા લાગ્યા હતા કે શું ?

માટીની ઝાકળભીની ગંધ દિલની તિજોરીમા સચવાઇને પડી હતી ને તેનું ભાન પણ પોતાને નહોતું ?આ કયો રંજ, કઇ ઉદાસી જિંદગીની સપાટી ઉપર તરી આવી હતી ? જેને ભૂલી ચૂકી હોવાનો દાવો દસ વરસથી કરતી આવી છે એ ફકત એક ભ્રમ હતો ? જાત પાસે કરેલી છેતરપિંડી માત્ર હતી ? પોતે આજ સુધી આત્મવંચનામાં જ રાચતી હતી ?

આ દસ વરસમાં તેના હોઠ પર કયારેય અનિકેતનું નામ સુધ્ધાં નથી આવ્યું.તે સંપૂર્ણ અરૂપમય બની રહી હતી. અરૂપ પણ તેનાથી ખુશ હતો.જીવન શાંત વહેતા પાણીની જેમ કોઇ અવાજ વિના વહેતું હતું કોઇ વમળ નહીં..કોઇ આન્દોલન નહીં. ઇતિ કદાચ પૂર્ણ સમર્પણની ગાથા હતી અરૂપનો શબ્દ ઇતિની ઇચ્છા બની રહેતો. ઇતિના જીવનની એક એક પળ અરૂપની હતી.ઇતિના અસ્તિત્વની આસપાસ સુખ સગવડનો એક અભેદ કિલ્લો અરૂપે ચણી દીધો હતો. જયાં અંદર તો સઘળુ મોજુદ હતું. ફકત કિલ્લાની બહાર એકલા કશું જોઇ શકાતું નહોતું. જોવાની જરૂર જ કયાં પડતી હતી ? ઇતિનો દરેક શબ્દ અરૂપ પ્રેમથી ઝિલતો. ઇતિ વિના તેને થોડી વાર પણ કયાં ચાલતું ? ‘ ઇતિ, ઇતિ ‘ કરતાં અરૂપ થાકતો નહીં. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. ઇતિને ખુશ રાખવા તે સતત મથતો. જોકે તેની દ્રષ્ટિ અને દુનિયા અલગ હતી. ઇતિની દ્રષ્ટિથી તે કયારેય જોઇ ન શકતો..તે વાત અલગ હતી. પરંતુ હવે ઇતિની દ્રષ્ટિ કે દુનિયા પણ અલગ કયાં રહી હતી ? અરૂપ તેને જેટલું બતાવવા ઇચ્છતો તેટલું જ તે જોતી. અને ઇતિના વધુ પડતા સરળ સ્વભાવને લીધે ઇતિને કોઇ ફરિયાદ નહોતી. કોઇ અભાવ નહીં..બસ..જીવન જીવાતું જતું હતું.. કોઇ અવરોધ વિના.

અરૂપ ઓફિસે જાય ત્યારે ઇતિને કંટાળો આવતો. તે એકલી એકલી શું કરે ?કામ કરવા માટે ચોવીસ કલાકના કામવાળા ઘરમાં હતા. ઇતિને થયું પોતે નોકરી કરે..થોડી બહાર નીકળે..તો મજા આવે. તેણે અરૂપને વાત કરી જોઇ. અરૂપ તો જાણે કોઇ જોક સાંભળતો હોય તેમ ખડખડાટ હસવા લાગ્યો..

’નોકરી..? મારી ઇતિરાણી નોકરી કરે ? અરે,તારે નોકરી કરવી પડે તો તો મારે ડૂબી મરવું જોઇએ..’’

’ના, અરૂપ, એમ નહીં...પણ તું નથી હોતો ત્યારે આખો દિવસ ઘરમાં બોર થવાય છે. ‘

’અરે, ટી,વી. જો..છાપા મેગેઝિનો વાંચ..ઘરમાં તારી બહેનપણીઓને બોલાવ..કોઇ કલબમાં જવું હોય તો જા. મારી ઇતિરાણી જલસા કરે એ જ મને ગમે. ‘’પણ...’’ઇતિ, મારે માટે તું એટલું ન કરી શકે ? ‘

અરૂપનું આ હમેશનું ધ્રુવ વાકય. ઇતિને કયારેક કોઇ વાત ન ગમે તો પણ અરૂપનું આ વાકય આવે અને ઇતિ ઓગળી જાય. બધું ભૂલી અરૂપમય..તેના વિચારોમય બની રહે...

ઇતિને થયું પોતે ડાન્સ કલાસ ચાલુ કરે. એ બહાને પોતાને પણ થૉડી પ્રેકટીસ રહે અને પોતાનું મગમતું કામ કર્યાનો આનંદ અને સંતોષ પણ મળે.

પરંતુ ડાન્સનું નામ તો અરૂપની કોર્ટમાં દાખલ થતાની સાથે જ રીજેકટ થઇ ગયું.

‘ ઇતિ, મને મારી પત્ની ડાન્સ કરે એ જરાયે ન ગમે. નાચવું એ કંઇ આપણા જેવા લોકોનું કામ છે ? ‘

અને ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકે ને ?

સોનાના મોટા પિંજરમાં પંખીને બધા લાડ લડાવવામાં આવતાં હતાં. પંખીને તો આ પિંજર છે એવો અહેસાસ સુધ્ધાં નહોતો. પાંખો જેટલી ફફડાવવી હોય, ફફડાવી શકાતી. અને આ જ ઉડ્ડયન છે.....આસમાન આવું અને આટલું જ હોય....એ સ્વીકારી લેવામાં આવ્યું હતું. તેથી કોઇ અફસોસનો સવાલ જ નહોતો ઉઠયો.

જીવન જીવાતું ગયું....અરૂપની રીતે.... કોઇ ખાસ ફરિયાદ સિવાય...

હા, વચ્ચે વચ્ચે મનોઆકાશમાં અનિનો ..અનિની યાદનો એક ઝબકાર જરૂર ઉઠતો. પરંતુ બહાર કયારેય ડોકાતો સુધ્ધાં નહીં. જીવન એટલે કલબ, પાર્ટી, પિકચર,પીકનીક, ઇતિ અને અરૂપ..!

ઇતિને પિયર નિરાંતે રોકાવાની કયારેક ઇચ્છા થાય પરંતુ અરૂપને ઇતિ વિના ગમે જ નહીં. તે પણ ઇતિ સાથે તેને ઘેર જાય અને બે દિવસમાં ઇતિને લઇને પાછો..! ઇતિના માતા પિતા જમાઇનો સ્નેહ જોઇ ખુશખુશાલ હતા. સૌ ખુશ હતા..કયાંય કશો પ્રશ્ન જ કયાં હતો ? ઇતિનું જીવન તો સાવ પ્રશ્નો વિનાનું, સીધા સપાટ મેદાનમાં વહેતી નદી જેવું. એક જ લક્ષ્ય..આડે અવળે કશે નજર નાખ્યા સિવાય સાગરમાં ભળવાનું. ઓગળી જવાનું પોતાની મીઠાશ સુધ્ધાં મિટાવી દેવાનું..ભૂલી જવાનું..પૂર્ણ સમર્પણ...!

ઇતિને બાળકની તીવ્ર ઝંખના હતી. પરંતુ પોતાની એ ઝંખનાને પણ અરૂપની અનિચ્છા જોઇ તેણે વિસારી દીધી હતી. કે પછી વિસરી જવાનો છેતરામણો પ્રયત્ન કર્યો હતો. કયારેક કામવાળી બેનના નાના છોકરાને રમાડી લેતી હતી. બહાર જાય ત્યારે તેના માટે ઇતિ કશુંક ચોક્કસ લાવે. જોકે કામવાળા સાથે ઇતિ આમ આટલી ભળી જાય એ અરૂપને ગમતી વાત નહોતી જ. પરંતુ એવી કોઇ વાતમાં અરૂપ કશું બોલતો નહીં. ઇતિ ખુશ થાય છે ને ? ઇતિને ખુશ રાખવા મથતો અરૂપ, ઇતિની ખુશી શેમાં છે તે વિસરી જતો.ખુશ થવાની દરેકની રીત અલગ જ હોય છે ને ? દરેકની દ્રષ્ટિ અલગ અને દરેકની ખુશી પણ અલગ..એ સત્યથી અરૂપ અજાણ હતો ? કે પછી અણગમતા સત્યથી તે દૂર ભાગતો રહેતો.? ખુશીની જરૂરિયાત પણ બધાની અલગ જ હોવાનીને ?

આજે ઇતિના મનમાં વિચારોની વણથંભી હારમાળા કેમ ચાલુ હતી ? હકીકતે ફોન લાગતો નહોતો અને ઇતિ એક અજંપાથી આમતેમ ફરતી હતી. શું કરવું તે સમજાતું નહોતું. કયારેય ન આવેલ વિચારો આજે મનમાં કેમ પડઘાતા હતા ?

“ અનિકેત “ આ એક શબ્દના ઉચ્ચારે તેની અંદર આ કયું પૂર ઉમટયું હતું ? કયા પ્રવાહમાં તે તણાતી હતી ? અંતરમાં કોઇ ઉજાસ ઉઘડયો હતો કે અંધકાર છવાયો હતો તેની સમજણ પણ નહોતી પડતી.

એકલી બેસીને કંટાળેલી ઇતિએ રેડિયો ચાલુ કર્યો. અને રેડિયોમાંથી ગીતના સૂર રેલાઇ રહ્યાં.’ કહીં દૂર જબ દિન ઢલ જાયે...’આ શબ્દો કાને પડતાં જ ઇતિનું મન ફરી એકવાર વરસો કૂદાવી ગયું.

ઇતિ, અનિકેતનું કોલેજનું એ છેલ્લું વરસ હતું. અને વરસનો છેલ્લા મહિનાનો છેલ્લો દિવસ હતો. એકત્રીસ ડીસેમ્બરની રાત્રે સૌ કોઇ વિદાય લેતા વરસને આવજો અને આવનાર વરસને આવકારવાની ઉજવણીમાં પોતપોતાની આગવી રીતે વ્યસ્ત હતા. ઇતિ અને અનિકેતની કોલેજના કેમ્પસમાં પણ યૌવન હિલ્લોળે ચડયું હતું. વાતાવરણમાં ઠંડીની ચમક હતી. પરંતુ કેમ્પફાયરની ઉષ્મા તેને રંગીન બનાવતી હતી.

સાંજથી શરૂ થયેલ વિવિધ પ્રોગ્રામો છેલ્લા તબક્કામાં પ્રવેશ્યા હતા. ખાણીપીણીની જયાફતો જામી હતી. સાંજે અંતાક્ષરીની રમઝટમાં આજે ઇતિ ખીલી ઉઠી હતી.

‘કહીં દૂર જબ દિન ઢલ જાયે...’ ઢળતા સૂર્યની સાક્ષીએ ગવાયેલ આ ગીતે ઇતિના ચહેરા પર એક આભા પ્રગટાવી હતી. અને તેનો ઉજાસ અનિકેતની આંખોમાં પ્રગટયો હતો. સુમધુર ગીતોની રમઝટ હમણાં જ પૂરી થઇ હતી. બધાને પ્રતીક્ષા હતી ઘડિયાળમાં બારના ટકોરાની... પ્રિયજનોને આવકારવા, અભિનન્દવા સૌ જાણે અધીર બન્યા હતા. અને હવે એ પ્રતીક્ષાનો અંત નજીક હતો. વીતેલ વરસને અલવિદા કરી, આવનાર વરસને વધાવવાનો એક અદમ્ય ઉત્સાહ સૌના મનમાં છલકતો હતો. વાતાવરણમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. કેમ્પફાયરની ઉષ્મા સૌને મીઠી લાગતી હતી. ખુશનુમા વાતાવરણથી દરેક હૈયા છલોછલ હતા. કેમ્પફાયરની આસપાસ સંગીતના તાલે સૌના પગ થિરકતા હતા.

અચાનક ઇતિની ચીસ વાતાવરણમાં ગૂંજી ઉઠી. કેમ્પફાયરની આસપાસ ઘૂમતી ઇતિ અચાનક બેલેન્સ ગુમાવતા સીધી અંગારાની જવાળામાં જઇ પડી. એક ક્ષણ તો કોઇ કશું સમજી ન શકયું. અનિકેતે એક છલાંગ લગાવી..સીધો અંગારામાં...અને બીજી જ ક્ષણે ઇતિને ઉપાડી બહાર.! ઇતિ તો ભય અને પીડાથી બેહોશ થઇ ગઇ હતી. અનિકેત પોતે પણ દાઝયો હતો..પણ કયાં..કેટલું તેનું તો અત્યારે તેને કયાં ભાન હતું ? વાતાવરણની પ્રસન્નતા એક પળમાં ગમગીનીમાં પલટાઇ હતી. સૌ બેબાકળા બની ગયાં હતાં.એમ્બ્યુલન્સ આવી અને ઇતિ, અનિકેતને લઇને ચાલી ત્યારે ઘડિયાળમાં બરાબર બારના ટકોરા પડતાં હતાં. નવા વરસની શરૂઆત થઇ ચૂકી હતી.

પૂરા પંદર દિવસ ઇતિને હોસ્પીટલમાં રહેવું પડયું. ઇતિના માતા પિતા ઇશ્વરનો આભાર માની રહ્યા.એક ઘાત ગઇ સમજીને. અને ઘાત અનિકેતને લીધે ટળી શકી હતી તેથી તેનો આભાર માન્યા સિવાય કેમ રહેવાય? પરંતુ અનિકેતને એવી કોઇ જરૂર કયાં હતી ?

હોસ્પીટલમાં ઇતિનો ચાર્જ સ્વાભાવિક રીતે જ અનિકેતે લઇ લીધો હતો. અનિકેતને પણ થોડા દિવસ ડ્રેસીંગ કરાવવું પડયું હતું.

‘ઇતિ, એક દિવસ બે સરદારજી ચેસ રમવા બેઠા...’ઇતિ ખડખડાટ હસી ઉઠતી.

અનિકેત ઇતિને જોક કહેતો રહેતો. સરદારજીના જોક સાંભળવા ઇતિને ખૂબ ગમતા. અને અનિકેત પાસે તેનો કયાં તૂટો હતો ?ડ્રેસીંગની અસહ્ય પીડા અનિકેતના જોકમાં થોડી વાર વિસરાઇ જતી. ‘

‘ અનિ, તને જરાયે બીક ન લાગી ? આગમાં જંપ મારતા ?’

‘ એવો વિચાર કરવા જેટલો...બીક અનુભવવા જેટલો સમય કયાં હતો ? ‘’ તો પણ...! અનિ, તું કયાંક વધારે દાઝયો હોત તો ? ‘’તો તારી સાથે હોસ્પીટલમાં રહીને આપણે બંને આખી હોસ્પીટલ માથે લેત. ‘ બીજું શું ? ‘અને અનિકેત તરત વાતને બીજે પાટે વાળી દેતો.

‘ ઇતિ, તેં મને ઓછો હેરાન કર્યો હતો ? યાદ છે ? હું નાનો હતો અને મને તાવ આવેલ ત્યારે કેવી દાદાગીરી મારી પર તેં કરેલી. ? મને હોળી પણ નહોતી રમવા દીધી. હું કંઇ ભૂલ્યો નથી હૉં. ‘ ઇતિને દવા પીવડાવતી વખતે અનિકેત કહેતો.

’હા, તું નાનો હતો ત્યારે....! અને હું તો ત્યારે બહું મૉટી હતી ખરું ને ?

ઇતિ હસતી. અને પીડાને છૂપાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી રહેતી.

‘ હવે હું તો ગણી ગણીને બદલો લેવાનો..માંડ આટલા વરસે મોકો મળ્યો છે. ‘’ તું મને કેટલી પ્રાર્થના ગવડાવતો..! એ હું પણ કંઇ ભૂલી થોડી છું ?ચાલ, હવે તારો વારો.’

ઇતિ ચહેકતી.

‘હું ગાઇશ ને તો આ હોસ્પીટલમાંથી બધા દર્દીઓ અહીં તારા રૂમમાં એકઠા થઇ જશે. અને મને મારશે...માથુ દુખાડવા બદલ ‘’હું કંઇ ન જાણું. ‘અને ઇતિની ફરમાઇશ અનિકેત પૂરી ન કરે તેવું તો આમ પણ કયારે બનતું હતું ? તો અત્યારે તો ઇતિ રાજાપાઠમાં હતી..તેનો હક્ક હતો.અને અનિકેત ધીમા અવાજે બે લાઇન ગણગણી રહેતો.ઇતિ આંખો બંધ કરી તેમાં ખોવાઇ જતી.‘તું પ્યારકા સાગર હૈ...તેરી એક બુંદ કે પ્યાસે હમ....’

આ ક્ષણે..આ ગીત કયાંથી..કઇ દિશાથી રેલાઇ રહ્યું ? ઇતિના કાનમાં આ સ્વરો કયાંથી પડઘાઇ રહ્યા ? આ તો અનિકેતનો અવાજ...!

‘આ શું રાગડા તાણવાના ? મને તો અંતાક્ષરી જરા યે ન ગમે. મન ફાવે તેમ ગમે તેવા અવાજે..ગાતા આવડતું હોય કે નહીં.. બધા લલકારે...અરે, ગીતો સાંભળવા હોય તો કેસેટ કે સી.ડી.ની કયાં ખોટ છે ?‘

અનિકેતના અવાજની સાથે આ બીજો કયો અવાજ ભળી ગયો ?

આ વરસે જ અરૂપને ઘેર નવા વરસની ઉજવણી માટે બધા મળ્યા હતા અને ઇતિએ અંતાક્ષરીનો પ્રસ્તાવ મૂકયો હતો ત્યારે અરૂપ બોલી ઉઠયો હતો.એક ક્ષણ ઇતિ ઝંખવાઇ ગઇ હતી. કશું ખૂંચ્યું હતું..પણ શું..? એ વિચારવાનો સમય ત્યારે કયાં હતો ?

પછી અંતાક્ષરીને બદલે મ્યુઝિક્લ ચેરની રમત અરૂપે શરૂ કરાવી હતી. અને ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી.

અરૂપ માટે ઇતિ એટલું તો કરી જ શકે ને ?

અતીતની ટેપ આગળ ચાલે તે પહેલાં ઘડિયાળમાં નવના ટકોરા પડયા. અને ઇતિ ચોંકીને વર્તમાનની ભૂમિ પર આવી. અરૂપ હજુ આવ્યો નહોતો. રોજ કરતાં તેને મોડું થયું હતું.

ફોનની અને અરૂપની રાહ જોઇ જોઇને થાકેલી ઇતિ કંટાળતી બેઠી હતી. ફરી એકવાર ફોન કરવાનો પ્રયત્ન કરી જોયો. પણ વ્યર્થ. ફોને આજે તેની સાથે દુશ્મનાવટ આદરી હતી કે શું ? કે પછી કિસ્મતની કોઇ અગોચર ક્ષણમાં નિમિત્ત બનવાનું તેને ફાળે આવ્યું હતું ?

ઇતિએ થોડીવાર મેગેઝિનના પાનાઓ ફેરવ્યા..પણ મજા ન આવી. ઘડિયાળનો કાંટો ખસતો જ નહોતો. ઊભા થઇ ટી.વી. ચાલુ કર્યું. આમતેમ ચેનલો બદલતી રહી. એક જગ્યાએ રામાયણની સીરીયલ આવતી દેખાઇ. બીજુ આડુઅવળું જોવાને બદલે તેણે તે ચેનલ ચાલુ રાખી.

સુવર્ણમૃગ પાછળ ગયેલ રામની બૂમ સંભળાતા સીતાજી લક્ષ્મણને રામની મદદે જવા વિનવતા હતા. લક્ષ્મણજી જવા તૈયાર નહોતાં થતાં. અંતે સીતાજીની જીદને લીધે જવા તૈયાર થયા. પરંતુ જતાં પહેલાં તેમણે સીતાજીને લક્ષ્મણરેખા દોરી આપી હતી..અને તેની બહાર નીકળવાની મનાઇ કરીને ગયા હતા.

પોતાની આસપાસ પણ શું આવી કોઇ અદ્રશ્ય લક્ષ્મણરેખા દોરાયેલી છે કે શું ? અરૂપે દોરેલી લક્ષ્મણરેખા...! જેના દાયરામાં તે....બંધ હતી. એક કેન્દ્રની આસપાસ પરિઘની મર્યાદિત ત્રિજયામાં તે ઘૂમતી રહી હતી કે શું ? અને ક્યાંકથી અનિકેતની ચીસો તેને સંભળાતી હતી ? તે ઇતિને પોકારી રહ્યો હતો કે શું ? આજે આ વ્યાકુળતા શા માટે ? આજે આવા વિચારો શા માટે ?

નાનપણમાં તેના ઘરની સામે એક ભરવાડનું કુટુંબ રહેતું હતું. તેના ઘરમાં તેણે ઘણી બકરીઓ પાળી હતી. આ બકરીઓના પગમાં એક દોરી બાંધી હોય..અને દોરીનો બીજો છેડો દૂર કોઇ મોટા પથ્થર સાથે કે કોઇ વૃક્ષ સાથે બાંધેલ હોય. કોઇની દોરી થોડી નાની હોય ..કોઇની થોડી મોટી. બકરી તે સીમિત દાયરામાં ફરતી રહેતી. અને સ્વતંત્રતાનો એહસાસ કદાચ કરતી રહેતી. પોતે પણ શું આવી જ કોઇ....

આજે આવી બધી વાતો મનમાં કેમ ઘૂમરાય છે ?

અને દોરી અરૂપના હાથમાં....!

શૈશવમાં જોયેલો પેલો કઠપૂતળીનો ખેલ એક તે દિવસે સ્કૂલમાં પપેટ શોનો કાર્યક્રમ હતો. ઇતિ, અનિકેત અને બધા બાળકો હોંશે હોંશે નીરખી રહ્યા હતાં. પંચતંત્રની કેટલીય વાર્તાઓ કઠપૂતળીના માધ્યમથી બાળકો સમક્ષ રજૂ થઇ રહી હતી. બધાં ખુશખુશાલ બની તાળીઓ પાડતાં હતાં. તાળીઓના ગડગડાટ વચ્ચે નાચતું સસલું, દોડતું હરણ, બોલતો પોપટ અને ઉડાઉડ કરતાં ચકા,ચકીને જોઇ ઇતિ,અનિકેત પણ હરખાતાં હતાં. રાણીના કહ્યા મુજબ નાચતાં રાજાને જોઇ ઇતિનું હસવું રોકાતું નહોતું. રાજા પર રાણી કેવો રોફ, રૂઆબ જમાવે છે. પોતે પણ કયારેક અનિકેત ઉપર આમ જ રોફ મારે છે ને ? ન જાણે દસ વરસની ઇતિના મનમાં ત્યારે આવો વિચાર કેમ ચમકી ગયો ? તેણે અનિ સામે જોયું હતું. તે તો ખેલ જોવામાં મશગૂલ હતો. રાણીના દરેક હુકમનું પાલન કરતાં રાજાને ઇતિ પરમ આશ્ર્વર્ય અને આનંદથી નીરખી રહી હતી. હવામાં લટકતા રાજા, રાણીને જોવાની બધાને મજા પડી ગઇ હતી. ઇતિ તો જાણે પોતે એ રાણી હોય તેમ તેનો ચહેરો હસુ હસુ થઇ રહ્યો હતો.

રાણી....રાણી તો તે જરૂર બની હતી. અરૂપના ઘરમાં તે રાણીની જેમ જ રહેતી હતી. તેનો પડયો બોલ ઝિલાતો રહેતો. પરંતુ કઠપૂતળીની દોરી થોડી એના હાથમાં હોય ? એ તો સંચાલકના...અરૂપના હાથમાં હોય. તે દિવસે તો રાજાને હુકમ કરતી મહારાણી તેણે જોઇ હતી. આજે એ મહારાણી શું કોઇ એકદંડિયા મહેલમાં...!

ઇતિ ચોંકી ઉઠી...આજે પોતાને આવા ગાંડા ઘેલા વિચારો કેમ આવે છે ?

ચારે તરફથી અનિકેતનો સાદ કેમ સંભળાય છે ? અનિ તેને બોલાવી રહ્યો હોય, તેને પોકારી રહ્યો હોય તેવું કેમ લાગે છે ? કયાં છે અનિકેત ? કઇ દિશામાંથી આ સાદ આવે છે ? આ કયો પોકાર તેને હચમચાવી રહ્યો છે ? પ્રાણમાં આટલી વ્યાકુળતા કેમ જાગી ઉઠી છે ?

‘ અનિ... અનિ..’ કોઇ પોકાર અને....?અને ત્યાં તો બારણે બેલનો ધડાધડ અવાજ..!

પ્રકરણ 10 - અણધાર્યું પ્લાનીંગ.. સિમલા...

“ના ઉઘાડે છોગ નહીતર આમ અજવાળુ ફરે, કોઇએ કયારેક છાની જયોત પ્રગટાવી હશે….”

‘અનિ, એક મિનિટ તો શાંતિ રાખ..ખોલુ છું.’ ઉપરાઉપરી બેલનો અવાજ સંભળાતા ઇતિ અભાનપણે ઉભી થઇ..અને નિન્દ્રામાં ચાલતા માણસની જેમ દરવાજા સુધી પહોંચીને દરવાજો ખોલ્યો. અનિકેતની આ આદત કયારેય નહીં જાય. ભારે અથરો...ધડાધડ બેલ માર્યા જ કરે,એક મિનિટ તેનાથી રાહ ન જોઇ શકાય. પોતે કેટલીવાર આ માટે તેની પર ગુસ્સે થઇ છે. પણ તેને અસર થાય તો ને ?

દરવાજો ખોલતા ઇતિ જોઇ રહી. અનિકેત આજે બદલાઇ ગયેલ કેમ લાગે છે ?

’એય ઇતિરાણી, કયાં છો? આમ બાઘાની માફક જોઇ શું રહી છે ? હવે મને અંદર આવવા દેવાનો છે કે નહીં ? ‘

શબ્દો તો કાને અથડાયા..પણ હજુ તેનો અર્થ કયાં સમજાતો હતો ? આ બધું શું છે ? અનિકેત વળી તેને ઇતિરાણી કહેતો કયારથી થઇ ગયો ? અને અનિકેત બહાર કયાં ગયો હતો ? હમણાં સુધી તો તે અહીં જ..પોતાની સાથે જ તો હતો..અને આમ સાવ બદલાઇ ગયેલ કેમ લાગે છે ?

દરવાજા પાસે ઉભી ઉભી ઇતિ વિચારી રહી. ત્યાં...‘અરે, ઇતિ, હું છું ..અરૂપ..તારો અરૂપ..કોઇ ભૂત બૂત નથી. તું તો જાણે કોઇ અજાણી વ્યક્તિને જોતી હોય તેમ જુએ છે. કોઇ સપનું નથી જોયું ને ? અને હવે મને અંદર આવવા દેવાનો છે કે પછી મારે બહાર જ તપ કરવાનું છે ?

અરૂપના અવાજે ઇતિ વર્તમાનની ક્ષણોમાં ઝબકી ઉઠી. તેણે આંખો ચોળી.

આ..આ તો અરૂપ હતો. અનિકેત નહીં. તો પછી અનિ..અનિકેત કયાં ? ઇતિની બહાવરી આંખો ચકળવકળ ચારે તરફ ઘૂમી વળી. ત્યાં આસપાસ કોઇ દેખાયું નહીં.

એટલે અત્યાર સુધી શું તે અતીતની ગલીઓમાં ઘૂમતી હતી ? આ થોડા કલાકમાં તેણે આટલા વરસો ફરી એકવાર જીવી લીધા હતા ?

આ ક્ષણ સુધી અનિકેત પોતાની અંદર આટલી હદે....? અને પોતાને જાણ સુધ્ધાં નહોતી ?

અનિકેત....એક વિસરાઇ ગયેલું નામ ...એક વીતી ગયેલી વાત માની આટલા વરસો પોતાની જાતને છેતરી રહી હતી ? કે પછી પોતે જ અંધકારમાં અટવાયેલ હતી ?

‘ઇતિરાણી, કયાં ..કઇ દુનિયામાં ખોવાઇ ગયા છો ? અરૂપે તેને ખભ્ભો પકડી હચમચાવી નાખી. ‘ શું છે ઇતિ ?

ઇતિ થોડી દૂર ખસી. અરૂપ અંદર આવ્યો.

ઇતિ કશો જવાબ આપે તે પહેલા જ....

‘ ઇતિ, ચાલ જલદી તૈયારી કર..ઘણું કામ છે ? ‘

મૌન ઇતિએ પ્રશ્નાર્થભરી નજરે અરૂપ સામે જોયું.

’અરે, બાબા, તું તો હું જાણે કોઇ અજનબી હોઉં એમ મારી સામે જુએ છે. એની વે..ઇતિ, આપણે કાલે સવારે સિમલા જઇએ છીએ..જો આ પ્લેનની બે ટિકિટ..બધુ બૂકીંગ પણ થઇ ગયું છે. ઓકે ? ખુશ ? આમ પણ ઘણાં સમયથી આપણે કયાંય જઇ શકયા નથી ને. ચાલ ,જલદી સામાન પેક કર..અને હા, બહું ભૂખ લાગી છે. જલદી કંઇક સરસ ખાવાનું ફટાફટ...અને પછી તૈયારી. કાલે સવારે પાંચ વાગ્યાની ફલાઇટ છે.’

અરૂપ એકી શ્વાસે જાણે અહેવાલ આપતો હોય તેમ બોલી ગયો.અને ઇતિને સફાળા ભાન આવ્યું.’ના, અરૂપ, કાલે તો મારે...’ઇતિ વાકય પૂરું કરે તે પહેલા જ ..’શું છે કાલે ? અરે, કાલની વાત કાલે..અત્યારે તો પેટમાં ગલૂડિયા બોલે છે. પહેલા પેટપૂજાનો પ્રબંધ થવો જોઇએ હોં.’’ અરૂપ, આજે મમ્મીનો ફોન આવેલ........’’ સારું સારું..ચાલ, વાત થઇ ગઇ ને ? હવે જરા જલદી..પ્લીઝ..’

’ના, એમ નહીં, ત્યાં અનિકેત આવ્યો છે..વરસો પછી એના કોઇ સમાચાર મળ્યા છે. મેં તને અનિકેતની વાત તો કરી હતી ને ? તે આવેલ છે અને મને મમ્મીએ બોલાવેલ છે. મને લાગે છે.........’

એકીશ્વાસે ઇતિ બોલી ઉઠી.

પરંતુ તે વાત પૂરી કરે તે પહેલાં અરૂપ વચ્ચે જ ઉતાવળથી બોલ્યો

’અનિકેત..કોણ અનિકેત ? ઓહ..યસ..યસ યાદ આવ્યું. પેલો તમારો પડોશી હતો તે ? એની વે..સિમલાથી આવીને નિરાંતે જઇ આવજે. બસ ? અત્યારે હવે તેની લપ કાઢીને પ્લીઝ...મને બોર નહીં કરતી.. આમ પણ આજે હું સખત થાકયો છું. કાલે સવારે વહેલું જવાનું છે..હજુ તો પેકીંગ પણ બધું બાકી છે. ‘

‘પણ અરૂપ આમ અચાનક સિમલાનો પ્રોગ્રામ ? આપણે તો એવી કોઇ વાત પણ કયાં થઇ હતી ?’

’અરે, એ જ તો સરપ્રાઇઝ છે ને ? કેટલી મહેનતે માંડમાંડ ટિકિટ મેળવી છે. ખબર છે ? હવે આડીઅવળી વાતો કરીને ફરવાનો બધો મુડ ન બગાડતી.’

’પણ અરૂપ, મારે પહેલા અનિકેત પાસે જવું છે. મમ્મી કશુંક કહેતી હતી..પણ ફોન કપાઇ ગયો. અને જોને ફરીથી લાગતો પણ નથી. તારા મોબાઇલમાંથી કરી જોને. કોઇ પ્રોબ્લેમ તો નથી ને ? મને ચિંતા થાય છે. ‘

‘ ઓકે..ઓકે..હું વાત કરી લઉં છું. ત્યાં સુધીમાં તું જમવાની તૈયારી કર. મોડું થાય છે. ‘ ઉપર ચડતા ચડતા અરૂપે કહ્યું. ઇતિ પરાણે રસોડામાં પહોંચી પણ મન તો...

અરૂપે લાખ વાર કહેવા છતાં ઇતિએ રસોઇ કરવા માટે મહારાજ રાખ્યો નહોતો. પછી પોતે આખો દિવસ શું કરે ? અને તારાબહેન તો આખો દિવસ ઘરમાં મદદ કરવા માટે હતા જ. પરંતુ બે દિવસ માટે તે બહારગામ ગયા હતા. તે હોત તો આજે તે જ રસોઇ બનાવી નાખત. આ ક્ષણે તેને રસોઇ કરવાની જરાયે ઇચ્છા નહોતી થતી. પણ કોઇ ઉપાય નહોતો. તેણે પરાણે રસોઇ શરૂ કરી. પણ જીવ તો અનિકેતમાં જ અટવાયેલો રહ્યો.

“ કોઇ પ્રોબ્લેમ તો નહીં હોય ને ? આટલા વરસે અનિકેત કયાંથી..કયારે આવ્યો ? આટલા વરસો કયાં હતો ? એકલો આવ્યો હશે કે તેની ગોરી પત્ની પણ સાથે હશે..? “

અનિકેતે લગ્ન કરી લીધા હશે અને કોઇ કારણસર કહી શકયો નથી તેથી જ આટલા વરસો પોતાનો અત્તોપત્તો લાગવા નથી દીધો. એમ માનતી ઇતિએ અનિકેતને કરવા અનેક ફરિયાદો વિચારી લીધી.

“ અનિકેતનો તો તે બરાબર વારો કાઢશે. સમજે છે શું તેના મનમાં ? અરે, તેની પત્નીને પણ તે તો હક્કથી કહેશે. કે અનિકેતને આટલા વરસો કયાં છૂપાવી રખ્યો હતો ? અનિકેતની દરેક વાત..દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ ઉપર પોતાનો પણ હક્ક તો ખરો જ ને ? એ મનભરીને અનિકેત સાથે લડશે..ઝગડશે..અનિકેત તેને મનાવશે..અને પછી જ પોતે તેની બધી વાતો સાંભળશે...વાત છે અનિ મળે એટલી વાર. આટલા વરસે હવે ઇતિ યાદ આવી ? “

ઇતિનું મન રોષથી ..અભિમાનથી છલકી રહ્યું. જાણે ગર્વભંગ થયેલી એક માનૂની..! તેના રોમરોમમાં એક અધીરતા..જાગી હતી. શાક બળવાની વાસ પણ તેને કયાં આવી ?

તે તો ફરી એકવાર તે દિવસોમાં પહોંચી ચૂકી હતી.

પોતે ત્યારે હજુ રસોઇ બનાવતા શીખતી હતી. અનિકેતની બહેન ઇશા અમેરિકાથી આવી હતી. અને તે દિવસે સાંજે અનિકેતના આખા કુટુંબને જમવાનું કહ્યું હતું. ઇતિ મમ્મીને કીચનમાં મદદ કરાવતી હતી. તે રસોડામાં પરોઠા વણતી હતી અને અનિકેત આવ્યો હતો. ઇતિને પરોઠા બનાવતી તેણે જોઇ.

‘આંટી, આજે મને જમવામાંથી બાકાત રાખજો હોં. હું તો બહાર જમીને જ આવીશ. ‘ગંભીરતાથી અનિકેત બોલ્યો.

‘ કેમ ? ‘

અનિકેત આમ કેમ કહે છે તે નીતાબહેનને સમજાયું નહીં..

‘ કયાંય બહાર જવાનું છે ? ‘

‘આંટી, જવાનું તો નથી. પરંતુ લાગે છે કે આજે જવું પડશે.’

’ બેટા, કંઇક સમજાય તેમ સરખું બોલને..આમ ગોળગોળ શું બોલે છે ?’

‘ના, ના, આંટી..ખાસ કશું નહીં. આ તો ઇતિને રસોડામાં જોઇને મને થયું કે મારે આજે અહીં જમવાનો અખતરો કરવો કે નહીં ? કે પછી બહાર જમી લેવું વધારે સારું રહેશે ? એ વિચારતો હતો. આમ તો અખતરો કરી લઉં. પણ આંટી, આ તો હમણાં પાછી કોલેજમાં પરીક્ષાઓ પણ આવે છે ને તેથી માંદા પડવું પોસાય તેમ નથી.‘

કોઇ ગંભીર વાત કરતો હોય તેમ અનિકેતે કહ્યું.અને ઇતિ ચિલ્લાઇ...’ અનિ....’નીતાબહેન હવે સમજયા અને ખડખડાટ હસી પડયા.જોકે મોઢેથી તો એમ જ બોલ્યા,

’ એય અનિ, મારી દીકરીની મસ્તી નહીં હોં. એ સરસ રસોઇ બનાવે છે. એકવાર ખાઇશ તો આંગળા ચાટતો રહી જઇશ. શું સમજયો ? ‘

’ ના, મમ્મી, એને તો બહાર જ જમવા જવા દે..કોઇ જરૂર નથી તેને અહીં જમવાની. ‘ઇતિ કૃત્રિમ ગુસ્સાથી બોલી ઉઠી.

’ ઓહ, તને ખરાબ લાગી ગયું. સોરી ઇતિ, ઓકે ચાલ, હું પણ અહીં જ જમીશ. તને ખરાબ લાગે તે મને ન ગમે. એના કરતાં માંદા પડવાનું હું વધું પસંદ કરું. એકાદ બે ડાયજીન કે એવું કશું લઇ લઇશ. બસ ? એમાં શું મોટી વાત છે ?

નીતાબહેન હસતાં હસતાં બંનેની વાતો સાંભળી રહ્યા. નાનપણથી ઘરના બધા ઇતિ, અનિકેતની મસ્તી જોતાં જ આવ્યા હતાં.

અનિકેત ગેસની નજીક આવીને ઇતિની મમ્મી પાસે ઉભો રહી ગયો. અને હસવા લાગ્યો.’ આંટી, બચાવી લેજો હોં. ‘‘ એમ કંઇ મમ્મી પાસે ઘૂસી જવાથી તું બચી નહીં જાય હોં. ‘

‘ મને ખબર જ છે. તારાથી બચવું કંઇ સહેલું નથી. ‘અનિકેત મોટેથી હસી રહ્યો.અનિ, આમાં હસવા જેવું શું છે ? ‘

’ ના, ના, કશું નહીં. હું તો જોતો હતો કે તારા હાથમાં આ વેલણ કેવું વિચિત્ર લાગે છે ? જોવું છે અરીસામાં ? ‘

’ હું કંઇ પહેલીવાર રસોઇ નથી કરતી..શું સમજયો ? ‘

’ અરે બાપ રે..એટલે આની પહેલાં પણ તેં કોઇ ઉપર અખતરો કરી લીધો છે એમ ? એ અખતરાનો ભોગ કોણ બન્યું હતું ? અરે..હા..યાદ આવ્યું..તે દિવસે આંટી પેટમાં દુ:ખવાની ફરિયાદ કરતાં હતા...યસ..તે દિવસે જ તેં એ ભવ્ય અખતરો કર્યો હશે..બરાબરને ? આંટી, સાચી વાતને ? તે દિવસે તમે પેટમાં દુ:ખવાની વાત કરતા હતાં ને ? ‘

તમારા બેના ઝગડામાં મને સંડોવવાની જરૂર નથી.

હવે અનિકેત જોશથી હસી પડયો.‘જો ઇતિ, આંટી પણ તારાથી કેવા ગભરાય છે બિચારા ! સાચી વાત કહી શકતા નથી.

’ તમે બંને તમારો ઝગડો પૂરો કરી લો ત્યાં સુધીમાં હું તારે ઘેરથી બધાને બોલાવી લાવું.’

કહી નીતાબહેન હસતાં હસતાં કીચનની બહાર ગયા.

ઇતિએ હાથમાં પકડેલું વેલણ અનિકેત તરફ ઉગામ્યું.

‘ અરે વાહ..! તું તો ઝાંસીની રાણી જેવી લાગે છે ? હું કલ્પના કરુ છું કે રાણી લક્ષ્મીબાઇના હાથમાં તલવારને બદલે આમ વેલણ હોય તો કેવું લાગે ? ‘

’અનિ..હવે સાચ્ચે જ તું મારા હાથનો માર ખાઇશ હોં. ‘

’ એક મિનિટ, મને વિચાર કરી લેવા દે... કે તારા હાથના આ આડાવળા નકશા ખાવા કે પછી માર ખાવો બેમાંથી શું વધારે સારું પડશે ? ‘

‘ હા..હા..તું તારે બહાર જ જમી લેજે. જોઉં છું કેટલા દિવસો બહાર જમે છે ? ‘કેટલા દિવસો એટલે ? જાણે કેમ મારે હમેશા તારા હાથનું જ ખાવાનું હોય ? ‘’ તો કોના હાથનું ખાવાનું છે ? અચાનક ઇતિ મૌન...અનિકેત મૌન.વાત કયાંથી કયાં આવી ગઇ હતી ?

મોઢામાંથી આ કેવા શબ્દો નીકળી ગયા હતા ? અનિકેત રોજ થોડો તેના હાથનું ખાવાનો છે ? ઇતિ આગળ વિચારી ન શકી.’ અનિ, શું વિચારે છે ? ‘’ અરે હું તો વિચારતો હતો કે આ તારી રોટલીનો નકશો કયા દેશનો છે ? તે સમજાતું નથી. ‘

અનિકેતે વાત ઉડાડતાં કહ્યું.

‘ આમ પણ હમણાં કોઇ અખતરાનો ખતરો લેવો પોસાય તેમ નથી. તને પણ ખબર છે કે હમણાં પરીક્ષાઓ આવે છે તેથી માંદા પડવું પણ ચાલે તેમ નથી. નહીતર વળી હિમત કરી નાખત. ’

‘ અનિ ‘

ગુસ્સે થઇને ઇતિ હાથમાં વેલણ પકડી અનિકેત તરફ દોડી.અનિકેત આગળ અને હાથમાં વેલણ પકડી ઇતિ તેની પાછળ...આજે તો તે અનિકેતને નહીં જ છોડે..હમણાં તે બહુ ચગ્યો છે.

ઇતિ હાથમાં વેલણ ઉગામી રહી.

ત્યાં અરૂપ નીચે આવ્યો,’ અરે, ઇતિ કયાં ખોવાઇ ગઇ છો ? અને આમ હાથમાં વેલણ ઉગામી શું કરી રહી છે ? કોઇને મારવાના મૂડમાં તો નથી ને ? અને આ શાક તો જો બળી ગયું કે શું ? ’

ઇતિએ એકાદ ક્ષણ શાક સામે અને હાથમાં રહેલ વેલણ સામે જોયું....પોતે કયાં હતી ? ઇતિની આંખમાં વર્તમાનની ક્ષણો ઉતરી આવી.

તેણે જલદી ગેસ બંધ કર્યો. અને અરૂપે ઘેર ફોન કર્યો કે નહીં તે જાણવા માટે હજુ તેને પૂછે તે પહેલા જ તેની આંખનો પ્રશ્ન વાંચી અરૂપે કહ્યું.

’આજે મોબાઇલમાં પણ નેટવર્ક બીઝી જ આવે છે. તેથી વાત થઇ શકી નથી. કશો વાંધો નહીં. પછી ફરીથી પ્રયત્ન કરીશું. ચાલ, હવે થાળી પીરસ..’શું બોલવું તે ઇતિને સમજાતું નહોતું.

‘અરે, આટલી અગત્યની વાત છે ને અરૂપ પણ ખરો છે..આટલા વરસો બાદ અનિકેતનો કોઇ મેસેજ આવ્યો છે. અને અરૂપ કશું સમજતો કેમ નથી ? વાત પણ નિરાંતે સાંભળતો નથી.

પણ હજુ આગળ વિચારે કે બોલે તે પહેલાં અરૂપે પ્રેમથી તેનો હાથ પકડી તેને પોતાની સાથે જમવા બેસાડી દીધી.

ઇતિના મનમાં દોરડાના પરિઘમાં ફરતી પેલી બકરીની યાદ ફરી એકવાર......

‘ ઇતિ, તું ચિંતા ન કર..આમ પણ અત્યારે ખૂબ મોડું થઇ ગયું છે. આટલી રાત્રે કોઇને ઉઠાડવા યોગ્ય ન ગણાય. કાલે સવારે રસ્તામાંથી વાત કરી લઇશું. માત્ર પંદર દિવસનો જ તો સવાલ છે ને ? આવીને તું તારે નિરાંતે અનિકેતને મળવા જજે. હું પણ આવીશ તારી સાથે તારા અનિકેતને મળવા...બસ ?

ચાલ, હવે જલદી કર..કેટલું કામ છે..! ‘

ઇતિ શું બોલે ?

યંત્રવત્ જમાયું...સામાન પેક થયો....કામ તો બધું થયું. કયારે ? કેમ ? સમજાયું નહીં.

આજે પહેલીવાર અરૂપે ઇતિને સામાન પેક કરાવવામાં મદદ કરાવી હતી. તે સતત એક કે બીજી વાત કરતો રહ્યો. ઇતિ સમજયા વિના સાંભળી રહી. શબ્દો તો કાને પડતાં હતાં. પરંતુ અર્થ ખોવાઇ ગયાં હતાં.

બહાર આકાશમાં વાદળો ઘેરાયાં હતાં. નાનકડું બાળક તોફાન કરી લે પછી કોઇના ડરથી સલામતી માટે માતાના પાલવની પાછળ છૂપાઇ જાય તેમ ચન્દ્ર વાદળોના આંચલમાં છૂપાઇ ગયો હતો. ઇતિ આખી રાત ચન્દ્ર અને વાદળોની સંતાકૂકડી જોતી રહી. આંખમાં ઉંઘનું એકે તણખલું આવવાનું નામ નહોતું લેતું. મન કયાંય દૂર દૂર કોઇ જાણીતાં છતાં અજાણ્યા પ્રદેશની સફરે..... બંધન તનને હોઇ શકે. મનને તો સ્થળ કાળના બંધનો સુધ્ધાં કદી કયાં નડી શકયા છે ? આજે વરસો પછી પહેલીવાર ઇતિ આટલી હદે અસ્વસ્થ બની હતી. અરૂપની દરેક વાત પૂરી શ્રધ્ધાથી, સહજતાથી સ્વીકારી લેતી ઇતિ આજે કશું કેમ સ્વીકારી શકતી નહોતી ?

આ કયો અજંપો પ્રાણને ઘેરી વળ્યો હતો ? આ કઇ છટપટાહટ અંતરમાં જાગી હતી ? દીવાલ પરની ઘડિયાળ ટીક ટીક અવાજ વડે રાત્રિની નીરવતાનો ભંગ કરતી રહી.

અને બીજે દિવસે સવારે સિમલા જવા માટે પ્લેનમાં બેસતી વખતે અચાનક અરૂપને યાદ આવ્યું.પોતે મોબાઇલ સાથે લેતા તો ભૂલી ગયો હતો..!

પ્રકરણ 11 - અદીઠ ભયના વાદળો...

“કદી પળ વીતાવવી મુશ્કેલ હોય છે. બાકી, યુગોમાં વીતવું સહેજે નવું નથી..”

ઇતિ, અનિકેત સિમલા પહોંચ્યા તો ખરા. પરંતુ સિમલાની ગુલાબી ઠંડીમાં ત્યાંના લીસા, પહોળા, અદભૂત માલ રોડ પર જીવનસાથીની સાથે ટહેલતાં એ ભવ્ય સૌન્દર્યમાં પણ ઇતિને કોઇ રંગીનીનો અનુભવ ન થયો. એ ઠંડક તેને શીતલતા ન જ અર્પી શકી.

આમ તો કુદરતના આ અદભૂત સૌન્દર્ય પાછળ ઇતિ દીવાની હતી. બીજો કોઇ દિવસ હોત તો નાના બાળકની માફક તે ચહેકી ઉઠી હોત. પરંતુ આજે સામે દેખાતા આ રમણીય નજારાએ, એ ધવલ, ઉત્તુંગ શિખરોએ ઇતિને આમંત્રણ ન આપ્યું કે પછી ઇતિ તે આમંત્રણનો એહસાસ ન કરી શકી ? વાતાવરણ તો બદલ્યું. પરંતુ મનની ઋતુ કયાં બદલી શકી હતી ? લાલચટ્ક ગુલમહોર પણ સાવ ફિક્કો ફસ. મનમાં જ ટહુકાઓનો તોટો હોય ત્યાં સંગીત કેમ ગૂંજે ? ભરચક રોશનીની ઝાકઝમાળમાં પણ ઇતિને તો ઘેરા અન્ધકારની જ અનુભૂતિ કેમ થતી હતી ?

આંખ ફરતે છવાતાં પાતળા ઝાકળમાં કોણ છવાતુ જતું હતું ?

સમય આકાશમાંથી આ કઇ ઉદાસીની ક્ષણો વરસતી હતી..? તે સિમલામાં હતી. તે યાદ રાખવું પડતું હતું. ઇતિના વારંવાર કહેવાથી અરૂપે ઇતિને ઘેર ફોન કરવાના બે ચાર વાર પ્રયત્નો કર્યા હતાં પણ કયારેય લાગ્યો જ નહીં. અને પછી અરૂપનો મુડ જોઇ ઇતિ કશું બોલી શકી નહીં.

અરૂપ માટે તે એટલું તો કરી જ શકે ને ?

પરંતુ અરૂપ માટે ઇતિ પોતાનો મુડ તો લાખ પ્રયત્ન કર્યા પછી પણ ઠીક ન જ કરી શકી.અંદર શું ખૂંચતું હતું. એ સમજાતું નહોતું. પણ સતત એક બેચેની..એક અજ્ઞાત ભય તેના મનને ઘેરી રહ્યા. .

તેના અસ્તિત્વમાં અજંપાનું એક પૂર ઉમટયું હતું. અરૂપ તેને ખુશ કરવાના પ્રયત્નો કરતો રહ્યો. પણ ઇતિનું ધ્યાન જાણે ફકત કેલેન્ડર પર જ હતું. આ પાના જલદી ફરતા કેમ નહોતા ?

તે રાત્રે ઇતિને ધ્રૂજતી જોઇ અરૂપે પૂછયું,

’ ઇતિ, ઠંડી લાગે છે ? બારી બંધ કરું ? ‘

’ના, ના... કશું બંધ નહીં..... પ્લીઝ....’

ઇતિ જલદીથી બોલી ઉઠી. કોણ જાણે કેવી યે વ્યાકુળતા ઇતિના અવાજમાં હતી. અરૂપને આશ્ર્વર્ય થયું. બારી બંધ કરવા જેવા સામાન્ય પ્રશ્નમાં ઇતિ આમ એકદમ વિહવળ કેમ બની ઉઠી ? તેણે ઇતિ સામે જોયું.

ઇતિએ પડખું ફેરવી લીધું હતું. જાગતી હતી કે ઉંઘી ગઇ હતી એ અરૂપને સમજાયું નહીં.

બીજે દિવસે સવારથી ઇતિને તાવ હતો. તેને સખત ઠંડી ચડી હતી. શરીર અને મન બંને ધૂજતા હતાં. અરૂપે ડોકટરને બોલાવ્યાં હતાં. અને પોતે તેને કોલનવોટરના પોતા મૂકી રહ્યો હતો. ઇતિ મનોમન ગીલ્ટી ફીલ કરતી હતી. અરૂપ કેટલી હોંશથી પોતાને અહીં લાવ્યો છે. અને પોતે આમ...?

’અરૂપ, સોરી...મારે લીધે તારી કોઇ હોંશ પૂરી ન થઇ શકી. ’

’ ઇતિ,મારે તો તું જલદી સારી થઇ જાય એટલે બધું આવી ગયું.’ઇતિ કયારેક ઘેર ફોન કરવાનું કહેતી..

’ના, ઇતિ, તારે ઘેર અત્યારે ફોન કરીને મારે તેને તારી માંદગીના સમાચાર નથી આપવા. નાહકની તેમને પણ ચિંતા કરાવવી ? એક્વાર તું સાજી થઇ જાય..પછી બીજી બધી વાત.....’

ઇતિને થયું,.

અરૂપની વાત તો સાચી છે. મમ્મીને કેટલી ચિંતા થાય..? આમ પણ મમ્મીનો સ્વભાવ ચિંતાવાળો છે. અને હવે તો તેમની પણ ઉમર થઇ. અહીં તો ધ્યાન રાખવા માટે અરૂપ છે જ ને ?

ઇતિનો તાવ થોડો લંબાયો. અરૂપ સહજ રીતે જ તેની સેવામાં કોઇ કચાશ રાખતો નહીં. તેને આનંદમાં રાખવાના શકય તેટલા પ્રયત્નો કરતો રહેતો. જાગૃત અવસ્થામાં તે અરૂપ માટે અફસોસ કરતી રહેતી. પરંતુ તેના અર્ધ જાગૃત મનમાં અવારનવાર કદી ન વિસરાયેલ અનેક દ્રશ્યો ઝબકી રહેતા.

તે દિવસે અરૂપ તેની બાજુમાં જ બેઠો હતો. ઇતિ તાવના ઘેનમાં અર્ધબેભાન અવસ્થામાં કશુંક બબડતી હતી.

અરૂપને આ અસ્ફૂટ શબ્દો પૂરા સંભળાતા નહોતા તો સમજાય કયાંથી ?

‘ અનિ, અનિકેત, અરે, જો તો ખરો.. આ કેવું મોટું મોજું આવે છે. ચાલ, હવે દૂર નથી જવું. ‘

દરિયાના ઘૂઘવતા નીરમાં અનિકેતનો હાથ પકડી ઉભેલી ઇતિ અનિકેતને આગળ ન જવા વિનવી રહી હતી. પરંતુ અનિકેત ન જાણે કેમ આજે મસ્તીએ ચડયો હતો. ઇતિની વાત માનવાને બદલે તે વધારે ને વધારે દૂર જતો હતો. ઉછળતા મોજા તેને આહવાન આપી રહ્યા હોય તેમ ઇતિનો હાથ ખેંચતો તે આગળ ને આગળ...…

તેની પાછળ ખેંચાતી ઇતિ તેને વારંવાર વિનવી રહી હતી.

હમેશાં ઇતિની બધી વાત માનવાવાળો અનિકેત આજે જીદે ભરાયો હતો કે શું ? ધીમું ધીમું હસતો હસતો તે અટકવાનું નામ જ કયાં લેતો હતો ? અને તેની પાછળ ગયા સિવાય ઇતિને કયાં ચાલવાનું હતું ? ડરના માર્યા તેણે જોશથી અનિકેતનો હાથ પકડી લીધો.

‘ અનિ, હવે બહું થયું હોં.. પ્લીઝ..મસ્તી નહીં. હવે અહીંથી પાછા વળીએ. યાદ છે ? આપણે એકવાર કોલેજમાંથી પિકનીકમાં ગયેલા અને હું તને ચીડવવા નર્મદાના પાણીમાં થોડીક જ આગળ ગઇ હતી તો પણ તેં મને કેવો લાફો લગાવી દીધો હતો..એ કંઇ હું ભૂલી નથી હોં. લાગે છે આજે મારે ય તને એક લાફો ........’

અને......ઇતિનો હાથ ઉંચકાયો.

‘ ઇતિ કશું થાય છે ? ‘ ઇતિના ઉંચા થયેલ હાથને ધીમેથી નીચે મૂકતાં અરૂપે પૂછયું.

પરંતુ ઇતિ તો...

‘ અનિ, સાચ્ચે જ મારીશ હોં. ‘ અનિકેત તો હસતો હસતો આગળ ને આગળ...’ અનિ, પ્લીઝ...ચાલને પાછા વળી જઇએ. આજે મને ડર લાગે છે. ’

’ અરે, ઇતિ દરિયો તો નાનપણથી આપણો દોસ્ત..તેનાથી વળી ડરવાનું કેવું ? આજે મને દરિયો સાદ પાડે છે, બોલાવે છે. ઇતિ, તને સંભળાય છે એ સાદ ?

અને ખાલી દરિયો જ નહીં. ઇતિ, આ ચન્દ્ર, તારા, વાદળ બધા મને બોલાવે છે. ઇતિ, હું જાઉં ? ‘અનિકેતના અવાજમાં આજીજી કેમ સંભળાતી હતી ? અનિકેત આ શેની રજા માગી રહ્યો છે ?

’ ના, અનિ, તારે કયાંય જવાનું નથી. ઇતિને એકલી મૂકીને અનિ કયાંય ન જાય. .’

ઇતિના બહાવરો..બેબાકળો અવાજ અરૂપને પણ સંભળાયો..પરંતુ સમજાયો નહીં.

‘ ઇતિ, તું તો સાવ બુધ્ધુ જ રહી. કયારેક તો દરેક માનવીએ એકલા જવું જ પડે ને ? અરે, કયારેક તો એકલા જીવવું પણ પડે છે.’અનિકેતે ઇતિનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.

અનિ..તેનો અનિ આજે ઇતિને આમ છોડીને કયાં જવાની વાત કરે છે ? આજે અનિકેતને થયું છે શું ? તેનો અનિ તેનાથી દૂર કેમ જાય ? તેને એકલા એકલા કયાં જવું છે ?

’ નહીં અનિ, તો હું ય આવીશ તારી સાથે. આપણે સાથે જઇશું. પેલા તારલાની બાજુમાં જઇને ગૂપચૂપ બેસી જઇશું. અને રેંટિયો કાંતતા પેલા ડોશીમાને મળીશું ? ચાંદામામાને તો મારે કેટલું ય પૂછવાનું છે. અનિ, આપણે બંને તારલા બની ચમકીશું. પછી કોઇ આપણને નહીં શોધી શકે. કોઇ નહીં. ‘

’ ના, ઇતિ, એમ તારાથી ન અવાય. ત્યાં કોઇથી સાથે ન અવાય. અને આમ પણ તું તો હવે અરૂપની છે. તારે તો અરૂપ સાથે ખૂબ હોંશથી સરસ રીતે જિંદગી માણવાની છે. હું ઉપર બેઠો બેઠો તમને બંનેને આનંદથી નીરખતો રહીશ. અને ભગવાનને ય થોડા મસકા મારી તારી સિફારીશ કરતો રહીશ. કે મારી ઇતિને હમેશા હસતી રાખે. ઇતિ, હવે અહીં તો હું તારી રાહ જોઇ શકું તેમ નથી. તો ઇતિ, હું જાઉં ? ‘

અનિકેત ઇતિને વીનવતો રહ્યો.અરે, આજે અનિ તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કેમ કરે છે ? કયાં જવું છે તેને ઇતિને છોડીને ?

ઇતિ ના, ના કરતી રહી. પણ અનિકેતે તો આજે નિર્દય બનીને ઇતિનો હાથ એક ઝાટકે છોડી દીધો. અને પોતે દૂર દૂર પાણીમાં..મોજાના પ્રવાહ ઉપર સવાર.....અને ...અને થોડી ક્ષણોમાં તો આંખોથી ઓઝલ. ઇતિ ફાટી આંખે નીરખી કેમ રહી ? તે અનિકેતની પાછળ દોડી કેમ ન શકી ? તેને દોડવું છે. અનિકેતને રોકવો છે. પણ આ કોણે તેને પકડી રાખી છે ?

‘પ્લીઝ..પ્લીઝ...મારે અનિકેત પાસે જવું છે. અનિ, હું આવું છું તારી પાસે આવું છું. અનિ, ઉભો રહે... હું આવું છું. ‘

’ ઇતિ, મને જવા દે પ્લીઝ..જવા દે..આ દરિયાના તરંગો મને સાદ કરે છે. આ તારલાઓ મને બોલાવે છે. વાદળો મને આવકારે છે. અને એના નિમંત્રણને હું ઠુકરાવી શકું તેમ નથી. ઇતિ, હું રાહ જોઇશ....અનંત જન્મો સુધી હું તારી પ્રતીક્ષા કરીશ. કયારેક કોઇ પળે તું અચાનક આવે ત્યારે મેં અહીં તારે માટે બધું જોઇ રાખ્યું હશે. તેથી તને નિરાંતે ફેરવીશ. તને કોઇ તકલીફ ન પડે તેથી મારે પહેલા જઇને મારી ઇતિ માટે સગવડ કરવી પડેને? તારા સ્વાગતની તૈયારી કરવા હું પહેલા જાઉં છું. ઇતિ, ઉગતા સૂર્યના હૂંફાળા કિરણોની સંગે આપણે હાથમાં હાથ રાખી એકમેકમાં ઓગળી જઇશું. ઇતિ, હું તારી પ્રતીક્ષા કરીશ. શબરીની માફક બોર નહીં, હું તો મારી ઇતિ માટે તારલાઓ વીણી રાખીશ. અને અંતે એક દિવસ તું આવશે..ઇતિ, તું આવશેને ? ‘

દૂર દૂર પાણીના તરંગો પર સરતા અનિકેતનો મૌન સાદ કયાંથી આવીને ઇતિના મનમાં પડઘાઇ રહ્યો? કયારેય નહીં ને આજે અનિકેત આવું વિચિત્ર વર્તન કેમ કરે છે ? ઇતિનો હાથ પરાણે છોડાવીને તે એકલો એકલો કયાં જઇ રહ્યો છે ? અરે, રોકો, કોઇ અનિને રોકો..મારો હાથ છોડાવીને તે કયાં જાય છે ?

ઇતિનો હાથ અરૂપના કાંડા પર જોરથી ભીંસાઇ રહ્યો. ઇતિ પરસેવે રેબઝેબ,

પોતાના હાથ પર જોરનો અનુભવ થતાં બાજુમાં બેસેલ અરૂપ સફાળો ચોંકી ઉઠયો.

’ ઇતિ, ઇતિ, શું થાય છે તને ? ડર લાગે છે ? હું તારી બાજુમાં જ છું. ‘

એકાદ સેકન્ડ ઇતિની આંખો ખૂલી ન ખૂલી અને તેની નજર અરૂપ સામે પડી પરંતુ તેની આંખોમાં ઓળખાણનો કોઇ અણસાર ન દેખાયો. તેની આંખ ફરીથી જોરથી મીંચાઇ રહી.

’ અનિ, તને કંઇ ભાન પડે છે કે નહીં ? કયારની વિનંતિ કરું છું કે આગળ ન જવાય. પણ આજે તું મારું કેમ માનતો નથી ? તું તો કયારેય આવો નહોતો. આજે મારું કેમ સાંભળતો નથી ? જા.તારી કિટ્ટા..હવે તું લાખ વાર બોલાવીશને તો પણ હું નહીં બોલું ..’

અને ઇતિ ખરેખર પડખું ફરીને સૂઇ ગઇ.

’ પણ એમ ચેન કયાં મળવાનું હતું ? હવે અનિકેત દેખાતો કેમ નથી ? કયાં અદ્ર્શ્ય થઇ ગયો ?

‘ ના, ના, અનિ, એમ રિસાઇ ન જવાય. આપણા કીટ્ટા બુચ્ચા તો અનંતકાળના...આપણા રિસામણા, મનામણા તો ક્ષિતિજને પેલે પાર પણ ચાલ્યે રાખવાના. ‘

અને ઇતિ ન જાણે શું ય બબડતી રહી. અરૂપ તેનો અસ્ફૂટ અવાજ સાંભળી રહ્યો. કશું સમજાતું નહોતું. તેના મનમાં પણ કોઇ વિચારોનું ધમસાણ મચ્યું હતું. તેની અંદર પણ કોઇ દ્વન્દ ચાલી રહ્યું હતું કે શું ?

પૂરા દસ દિવસ ઇતિની આ હાલત ચાલુ રહી. ડોકટરો અને અરૂપ ઇતિની કાળજી લેતા રહ્યા. અંતે દવાઓની અસર થઇ. ધીમે ધીમે ઇતિને થોડું સારું થયું. તાવ તો ઉતર્યો પણ નબળાઇ તો હતી જ. તાવના ઘેનમાં તે શું બબડતી હતી તેનો તેને ખ્યાલ પણ નહોતો. ફકત તેના મનને એક અસુખ પીડી રહ્યું હતું. એટલું જ તે અનુભવી શકતી હતી. ખુશ રહેવાના, સ્વસ્થ થવાના કેટલા પ્રયત્નો છતાં પરમ વિષાદની એક છાયા તેની અંદરથી નીકળી શકી નહી. અદીઠ ભયના વાદળો મનમાં સતત ગોરંભાયેલ જ રહ્યા. અરૂપનો કોઇ પ્રેમ,કોઇ સંવાદ તેને હટાવી શકયા નહીં. રહી રહીને પાછા જવાની તીવ્ર ભાવના મનમાં કેમ જાગતી હતી ? અરૂપને બે ચાર વાર કહી પણ જોયું.

’અરૂપ, ખબર નહીં કેમ..પણ મને કોઇ અશુભના ભણકારા કેમ વાગે છે ? ચાલને પાછા જઇએ. ’

અરૂપ ખડખડાટ હસી પડતો, ’ અરે, એ તો તું થોડી બીમાર પડી ગઇ ને તેથી તારું મન આળુ થઇ ગયું છે. અને આમ પણ આ દસ દિવસોમાં તારું શરીર કેવું નબળું પડી ગયું છે ? તું કેટલી ફિક્કી પડી ગઇ છે ? થોડી તાકાત આવે પછી જ હવે તો અહીંથી હટી શકાય. આ બધા મનના ઉધામા છે. તારો સ્વભાવ વધુ પડતો લાગણીશીલ છે. તેથી કયારેક આવું થાય. તું ચિંતા ન કર પ્લીઝ..મારે માટે થઇને...અને જલદી જલદી સાજી થઇ જા. મને તારી બહું ચિંતા થાય છે. આમ પણ આપણા કુટુંબમાં આપણે બે જ તો છીએ..અને આપણે બંને તો સાથે છીએ..પછી શું ? ‘

ઇતિના હોઠ સખત ભીડાયા. શબ્દો તો અંદર જ રહી ગયા.

’ ના, અરૂપ, આપણે બે જ નહીં...મારી દુનિયામાં ત્રીજુ કોઇ પણ છે..તેનો એહસાસ આજે, આ ક્ષણે મને થઇ રહ્યો છે. એ હું તને કેમ સમજાવું ? મને એક અસુખ સતત પીડી રહ્યું છે..હું એક ભયંકર વેદનાના ઓથારમાંથી પસાર થઇ રહી છું તે તું નથી અનુભવી શકતો ?મારી આંખોમાં તું એ નથી વાંચી શકતો ? આ પળે મને હૂંફની જરૂર છે. અરૂપ, એ હૂંફ હું તારામાંથી કેમ નથી પામી શકતી ? તું મને કેમ સમજી નથી શકતો ? કે પછી સમજવા છતાં.....?

ઇતિ વલોવાતી રહી..અંદર જ..

વરસો પહેલાં જયારે અનિકેતથી કોઇ વાત છૂપાવવી હોય ત્યારે તે આંખો બંધ કરી દેતી.અને તો પણ અનિ જાણી જ જતો.

આજે ખુલ્લી આંખોમાં... તેના અસ્તિત્વના એક એક અણુમાં જાગેલ આ ઘેરા વિષાદને અરૂપ જોઇ, જાણી કે અનુભવી નથી શકતો ? ઇતિની પરમ વેદનાની આ પળે તે કયા સુખની વાતો કરે છે ?

અલબત્ત આ વેદના શેની છે તે તો પોતાને પણ કયાં સમજાય છે ? પરંતુ કંઇક હતું..ચોક્કસ હતું..જે પોતે સમજી કે સમજાવી શકતી નહોતી અરૂપ તેની વાતને ભલે હસવામાં કાઢી નાખે. પણ તેના પ્રાણમાં નિરંતર ઉઠતી આ વ્યાકુળતા ફકત તેના મનનો વહેમ છે..! એ વાત સાથે પોતે કેમે ય સંમત નથી થઇ શકતી તેનું શું ?

અંતે પંદર યુગ જેવા પંદર દિવસ પૂરા તો થયા.. ઇતિની અધીરતા પરાકષ્ઠાએ પહોંચી...

બસ...હવે ઘર કયાં દૂર હતું ? મંઝિલ સામે જ હતી. જઇને પહેલું કામ ફોન..અને તરત અનિને મળવા જવાનું. હવે તે અરૂપની કોઇ વાત નથી સાંભળવાની.. એક ક્ષણનો પણ વિલંબ નથી કરવાની.

પણ...વિલંબ થઇ ચૂકયો હતો કે શું ?

પ્રકરણ 12 - અરૂપ શું બોલે ?

“ રહી છે વાત અધૂરી શબ્દ, અર્થની વચ્ચે જાણે પડી ગઇ છે દૂરી...”

એક એક પગલામાં પહાડ જેવડો ભાર ઉંચકતી ઇતિનો સિમલાનો દરેક દિવસ એક આખા યુગનો ઓથાર લઇને વીતતો હતો.આખરે પ્રતીક્ષાનો અંત આવ્યો. આજે સિમલાનો છેલ્લો દિવસ હતો. નીકળવાનું તો બપોરે હતું. પરંતુ ઇતિ તો સવારથી જ સામાન પેક કરીને ઘડિયાળ સામે બેસી ગઇ હતી. પણ એમ કંઇ સામે બેસવાથી ઘડિયાળના કાંટા ઇતિથી ડરીને જલદીથી થોડાં ભાગવાના હતાં ? ઇતિનું ચિત્ત આજે અરૂપની કોઇ પણ વાતમાં ચોંટે તેમ નહોતું. તેની અધીરતા,વ્યાકુળતા સમજી ચૂકેલ અરૂપે તેને બીજી વાતોમાં વાળવાના નિષ્ફળ પ્રયાસ કરી જોયા. અંતે હારીને, રૂમમાં ટી.વી.ચાલુ કરી તે બેસી ગયો હતો. ઇતિની વ્યાકુળતા તેનાથી સહન નહોતી થતી. અને હવે ન જાણે કેમ અરૂપના મનમાં પણ એક અજ્ઞાત ડર, એક છાનો ભય ઉગ્યો હતો. કયો ડર ? કેવો ભય ? તેની જાણ સમય સિવાય કદાચ કોઇને નહોતી. ખુદ અરૂપને પણ નહીં.

પોતે બેસી રહે તો ઘડિયાળના કાંટા પણ કયાંક ચાલવાનું બંધ કરીને થંભી જાય તો ? ઘવાયેલી સિંહણની વ્યગ્રતાથી ઇતિ હોટેલના કમ્પાઉન્ડમાં... લોન પર નિરર્થક આંટા મારતી હતી. આંખો સામે સરસ મજાનો બગીચો હતો. અગણિત ફૂલો ઇતિને આવકારવા ઝૂમી રહ્યાં હતાં. પણ એ આવકારનો પડઘો ઇતિના મનમાં કોઇ રીતે પડતો નહોતો. હકીકતે ઇતિ સિમલામાં હતી જ કયાં ? તે તો અનિકેત સાથે આટલા વરસોનો હિસાબકિતાબ સમજવામાં પડી હતી.

અનિકેતે કોઇ ગોરી છોકરી સાથે લગ્ન કરી લીધા હશે. તેમ ઇતિ અને તેના ઘરના બધાએ સ્વીકારી લીધું હતું. અને હવે તો તેને ત્યાં બાળકો પણ હશે. અનિના બાળકોની કલ્પના માત્રથી ઇતિ રોમાંચિત થઇ ઉઠી. પોતાને બાળક નથી તો શું થયું ? અનિના સંતાનો તેનાં જ કહેવાયને ? અરે, અનિને કહીને તે એકાદને પોતાની સાથે રાખી પણ લેશે. પણ અનિની ગોરી પત્ની માને ખરી ? ઇતિ તો જાણે અનિકેતના સંતાનને ઉંચકીને બગીચામાં ઘૂમી રહી હતી. તેને પકડવાં દોડી રહી હતી. પરંતુ અનિકેતના બાળકો એમ થોડાં પકડાય ? તે પણ અનિની જેમ મસ્તીખોર જ હોવાનાને ? શું નામ હશે તેમના ? કોઇ અમેરિકન નામ જ હશે. પોતે અનિને બરાબર ખખડાવશે..લગ્ન ભલે કર્યા..પણ ઇતિને સાવ આમ ભૂલી જવાની ? રિસાવાનો તેને પૂરો હક્ક છે. અને આ વખતે તો જલદી માનવું જ નથી ને ! જોકે ના, ના, હવે બહું ઝગડાય નહીં. અનિની પત્નીને કદાચ ન પણ ગમે.

અરૂપને પણ જોને અનિની વાતો કયાં ગમે છે ?

અચાનક વીજળીનો ચમકાર..! તે ચોંકી ઉઠી. “ અરૂપને અનિકેત નથી ગમતો ! “ અત્યાર સુધી કયારેય ન આવેલ આ વિચાર સાવ જ અચાનક આ ક્ષણે ઇતિના મનોઆકાશમાં વીજળીના ચમકારાની માફક જ ચમકી ઉઠયો. પણ શા માટે ? અરૂપને અનિકેત કેમ નથી ગમતો ? અરૂપ તો કયારેય અનિને મળ્યો પણ નથી છતાં.....

ઇતિના મનમાં અનેકરંગી વિચારોના તરંગો ઉછળી રહ્યાં. મન કયાંય સ્થિર નહોતું થતું. આશંકા, ડર, ગભરામણ...ભયના અનેક પક્ષીઓ અંતરમાં ફફડાટ મચાવી રહ્યાં હતાં.

ત્યાં અચાનક લોનમાં ઉડતું એક પતંગિયુ આવીને ઇતિના ખભ્ભા પર હળવેથી બેસી ગયું. જાણે ઇતિને આશ્વાસન આપતું ન હોય..! ઇતિની આંખો બંધ થઇ.

આવા જ અનેક પતંગિયા તે દિવસે સ્કૂલમાંથી પિકનીક પર બગીચામાં ગયેલ ત્યારે........

નવ વરસની ઇતિ પતંગિયાની પાછળ અને અનિકેત ઇતિની પાછળ તેને પકડવા દોડી રહ્યો હતો. બે હાથમાં પતંગિયાને નાજુકાઇથી પકડી ઇતિ સ્કૂલમાં શીખડાવેલું ગીત ગણગણતી હતી કે પતંગિયાને પૂછતી હતી....

” પતંગિયા ઉભે તો પૂછું એક વાત, તારી પાંખે કોણે પૂરી ભાત ? “

અનિ દૂરથી જ બૂમ મારતો.’ ઇતિ, છોડી દે બિચારાને..’ઇતિ હાથ ઉંચો કરી તેને ખુલ્લા આસમાનમાં તરવા માટે છૂટું મૂકી દેતી. અને પોતે પણ તેની પાછળ ભાગતી હતી.

નવ વરસના ઇતિ અને અનિકેત બંને તે દિવસે સ્કૂલ તરફથી પિકનીકમાં ગયા હતા. બંનેને વાપરવા માટે ઘેરથી દસ રૂપિયા મળ્યાં હતાં. બધા બાળકો તે પૈસામાંથી કશુંક ખરીદીને ખાતાં પીતા હતાં.

અનિકેતની નજર ત્યાં ઉભેલી એક લારી પર પડી હતી. લારીમાં બુટ્ટી, બંગડી અને નેકલેસ વિગેરે વેચાતા હતા. નાનકડાં અનિકેતને બ્લુ રંગના મણકાનો એક ચળકતો હાર બહું ગમી ગયો હતો. તેણે ઇતિને પૂછયું,

’ ઇતિ, આ બ્લુ હાર કેવો સરસ, ચમકતો છે નહીં ? ‘’ હા, બહું સરસ છે. ‘કશું સમજયા વિના ઇતિ બોલી હતી.

‘ આ કેટલાનો છે ? ‘ થોડું ડરતા નવ વરસના અનિકેતે પૂછયું હતું. જીવનની કદાચ પહેલી ખરીદી..! લારીવાળો કયાંક વધારે પૈસા કહેશે તો ?

લારીવાળાએ જવાબ આપ્યો,’ દસ રૂપિયા. ‘

અનિકેત ખુશ થઇ ગયો હતો. કોઇ રાજા મહારાજાની અદાથી તેણે ફટ દઇને દસ રૂપિયા આપી દીધા અને હાર ઇતિને આપ્યો હતો. ગોળ મણકાનો તે હાર ઇતિએ ઘણાં સમય સુધી ગળામાં પહેરી રાખ્યો હતો. ઇતિના દસ રૂપિયામાથી બંનેએ શેરડીનો રસ પીધો હતો.

અભાનપણે જ ઇતિના હોઠ આ ક્ષણે પણ ફરકયા. એ ઠંડક..એ મીઠાશ આજ સુધી અંદર મોજુદ હતી ?

રસ પીતાં પીતાં અનિના હોઠ પર રસની સફેદ છારી બાઝી હતી.

‘ અનિ, તને રસની મૂછ ઉગી. કહેતી ઇતિ હસતી હતી.અનિએ ઇતિના રૂમાલથી જ મોઢું લૂછ્યું હતું.

ઇતિ “ ગંદો “..ગંદો “ કહેતાં દોડી ગઇ હતી..દોડી ગઇ હતી. અને અનિકેતથી પકડાઇ નહોતી.

પરંતુ એક દિવસ અનાયાસે અરૂપથી પકડાઇ ગઇ હતી.

‘ ઇતિ, ચાલ, નીકળવાનો સમય થવા આવ્યો છે. ‘

ઇતિ બાઘાની માફક જ જોઇ રહી. પકડવા તો અનિકેત આવી રહ્યો હતો. અને પકડી પાડી હતી..અરૂપે ? ઇતિનો હાથ પોતાના ગળામાં ફરી રહ્યો. ચળકતાં હારને બદલે ત્યાં હીરાનું મંગળસૂત્ર ઝળહળી રહ્યું હતું.

મુંબઇ સુધીનો રસ્તો અનિકેત અને અરૂપની સંતાકૂકડીમાં જ વીત્યો. એક ક્ષણ પણ તે એકલી કયાં રહી શકી હતી ? ચિંતાના, ભયના, ઘેરી આશંકાના અદીઠ વાદળો ઇતિના મનોઆકાશમાં સતત ઘેરાતા રહ્યાં હતાં. તેને હટાવવાના પ્રયત્નોમાં ઇતિ આજે હારી હતી. તે વાદળોને વીંધીને અજવાસના કોઇ કિરણ સુધી પહોંચી શકાશે ?

પંદર વરસ જેવા પંદર દિવસોને ફગાવી અંતે ઇતિ ઘરના બારણા પાસે આવી પહોંચી. ઇતિના આવવાની અધીરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હોય તેમ પંખીઓએ કલબલાટ કરી મૂકયો. ફૂલોએ પોતાની ખુશ્બુ વાયરા સંગે ઇતિને મોક્લી તેનું અભિવાદન કર્યું. આસોપાલવ અને ગુલમહોરની ડાળીઓ ઇતિને આવકારવા થોડી ઝૂકી રહી. પરંતુ ઇતિને તો કશું દેખાયું જ નહીં. બધાની અવગણના કરી અધીરતાથી..વિહવળતાથી, ટેક્ષીમાંથી ઊતરી, અરૂપની રાહ જોયા સિવાય ઇતિએ દોડીને ઘરનું તાળુ ખોલ્યું. આ પંદર દિવસ જે ઘૂટન વેઠી હતી..તે હવે અસહ્ય બની હતી. ગાંડાની માફક તે ફોન તરફ દોડી..ત્યાં પગમાં કોઇ કવર આવ્યું. તેણે કવર ઉંચક્યું તો ખરું.પણ તેની પર નજર નાખવા જેટલી ધીરજ કયાં બચી હતી ? તેની ધ્રૂજતી આંગળીઓ ફોનના નંબર દબાવતી રહી.

ફોન સતત એન્ગેજ આવતો હતો. ઇતિની અધીરતા પરાકાષ્ઠાએ પહોંચી હતી. કયારેય સંતુલન ન ગુમાવતી શાંત ઇતિને આ ક્ષણે ફોનનો છૂટો ઘા કરવાનું મન થઇ આવ્યું. અને કદાચ ઘા થઇ જ જાત. ત્યાં…

ત્યાં અચાનક તેનું ધ્યાન હાથમાંના કવર પર પડયું. અને નજર અક્ષ્રરો પર..એક થરથરાટ.....

’આ ....આ ..તો અનિકેતના અક્ષર..! બંધ આંખોએ પણ તે ઓળખી શકે..! ધ્રૂજતા હાથે અધીરતાથી કવર ફાડવા જતાં અંદરનો કાગળ પણ થોડો ફાટયો. ઇતિની બહાવરી નજર કાગળના લખાણ પર સરકી રહી.

ઇતિ,

‘ જીવનમાં કયારેય તને કાગળ લખીશ એવી કલ્પના પણ કયાં કરી હતી ? આ પળે મને પણ આશ્ર્વર્ય થાય છે..હું..ઇતિને કાગળ લખું છું ? કાગળ લખવો પડે એટલા દૂર છીએ આપણે..?

આટલા વરસોમાં કાગળ લખવાની જરૂર નથી લાગી..તું દૂર કયાં હતી મારાથી ? રોજ સવારે ખીજાઇને તું મને ઉઠાડતી જ રહી છે ને ? મારી કઇ ક્ષણ તારા વિનાની હતી ? છે ?છતાં...છતાં...

આજે પણ ન લખત. પરંતુ હવે કાળદેવતા ઉપરનો વિશ્વાસ કદાચ ખોઇ ચૂકયો છું. કદાચ ન મળાય તો ? સમય એટલો સાથ પણ ન આપે તો ? જોકે આવી શંકાનો કોઇ અર્થ નથી જ. તું આવીશ જ...એ હું જાણુ છું. બસ...એ પળની પ્રતીક્ષામાં બારણા સામે મીટ માંડી રહ્યો છું. તું આવે એ ક્ષણને મારી કીકીઓમાં કેદ કરીને પછી જ આંખ મીંચવી છે. ઇતિ, તું પુનર્જન્મમાં માને છે ? આ ક્ષણે બધી શંકાઓ, તર્ક, વિતર્કો ફગાવી દઇને પૂર્ણ શ્રધ્ધાથી હું કહું છું કે હા, ઇતિ, હું પુનર્જન્મમાં માનું છું. અને તેથી જ..મારી કીકીઓમાં કેદ થયેલ એ ક્ષણને ફરીથી જયારે પણ આંખ ખૂલે ત્યારે……..

ઇતિ, એકવાર તને અલવિદા કહ્યા સિવાય જવાનું મને ગમશે નહીં. એક છેલ્લી વાર તને જોઇ લેવાની..મન ભરીને નીરખી લેવાની આ કઇ તડપન..કઇ વ્યાકુળતા પ્રાણમાં જાગી છે ? છેલ્લી ક્ષણોમાં આ લોભ કેમ છૂટતો નથી ?

તારા સમાચાર તો મને હમેશ મળતા રહ્યા છે. તું ખુશ છે..અરૂપ તને ખૂબ સાચવે છે..તારી મમ્મી પાસેથી એવું બધું સાંભળીને ખુશ થતો રહું છું. છતાં..ઇતિ, એકવાર તારા મોઢેથી તારી ખુશીની વાતો સાંભળી..તેમાં તરબોળ થવું છે..ભીંજાવું છે..

આ દિવસોમાં... દરેક ક્ષણે મારા ચિત્તમાં કયું દ્રશ્ય સતત રમી રહ્યું છે કહું ?તને યાદ છે ? આપણે નાના હતા અને તેં એકવાર વ્રત રાખેલ..પહેલીવાર સાડી પહેરી હતી. શણગાર સજયા હતા..અને સાડી સાચવતી તું ધીમા પગલા ભરતી હતી.! મંદિરમાં નાનકડા બે હાથ જોડી ઊભેલ દુલ્હન ઇતિ મારી કીકીઓમાં હમેશ માટે કેદ થઇ ગઇ છે. તારી આંખો તો એ ક્ષણે બંધ હતી. પરંતુ કશું સમજયા વિના ખુલ્લી આંખે હું તારી સામે અપલક નજરે..

આજે...આ ક્ષણે પણ મને તો એ જ નાનકડી ઇતિ દેખાય છે. આંખો બંધ કરું અને હું તારી ઝાંખીથી ઝળાહળા.....

અરૂપની ઓળખાણ મને અહીં અમેરિકામાં થઇ હતી. તારી કેટકેટલી વાતો હું તેને કરતો. તે મારો મિત્ર બની ગયો હતો. અને એટલે જ તો તે ત્યાં આવતો હતો ત્યારે તને ખાસ મળવાનું કહ્યું હતું. હું અરૂપને તારી કેટલી વાતો કરતો. એ તો અરૂપે તને કહ્યું જ હશે. તું અરૂપને મારી વાત કરે છે કે નહીં ? તારા પતિદેવ પાસે આખો દિવસ મારી વાતો કરીને બોર નથી કરતી ને ?

અરૂપને તારું એડ્રેસ આપી તેની સાથે તારા માટે દુલ્હનના ડ્રેસમાં ઢીંગલી મોકલી હતી. તને ગમી હતી કે નહીં ? એ તો તેં કોઇ દિવસ કહ્યું જ નહીં.! અરૂપનો પણ પછી કોઇ જવાબ આવ્યો જ નહીં.....અહીંની મારી વાતો અરૂપે તને કહી જ હશે.

અને અરૂપના ગયા પછી એક એક્સીડન્ટ થતાં ચાર મહિના હું હોસ્પીટલમાં..જીવનમરણ વચ્ચે ઝઝૂમતો રહ્યો. ઇતિ, યાદ છે ? નાનો હતો ત્યારે મને એકવાર થોડો તાવ આવેલ અને તું મને પોતા મૂકતી, મારી પાસે બેસી પ્રાર્થના ગાતી. દવા પીવડાવવા માટે કેટલું ખીજાતી..! અને આજે આટલો માંદો છું ત્યારે...? અને ઇતિ તને ખબર છે..? એ અકસ્માતમાં મમ્મી, પપ્પા...બંને....!! ઇતિ, તારો અનિ..એકલો..સાવ એકલો....! જો કે મારી પળેપળમાં તું હતી..અને છતાં....છતાં હું તને ઝંખતો રહ્યો.

જયારે તને ફોન કરવાની ભાન આવી અને ફોન કર્યો ત્યારે સમાચાર મળ્યા કે તારા લગ્ન થઇ ગયા છે. અરૂપ સાથે...મારા જ મિત્ર સાથે. જેની પાસે હું તારા વખાણ કર્યા કરતો. તારા લગ્ન થાય અને હું ખુશ ન થાઉં એ તો કેમ બને? યાદ છે હું તને કહેતો..

’છોકરીઓએ સાસરે જવું પડે..જો, તારે જવું પડયુંને ? સાસરું એટલે શું ? એવો પ્રશ્ન હવે નહીં પૂછે ને ? તને દુલ્હનના સ્વરૂપમાં જોવાની ઇચ્છા હતી પણ...

અરૂપનો સંપર્ક સાધવાની બે ચાર વાર કોશિશ કરી..પણ.. ! ખેર..! પછી મન મનાવ્યુ..તું તારી દુનિયામાં ખુશ છે..તારી મમ્મી પાસેથી તારા સમાચાર મળતા રહેતા..તને લગ્નના અભિનન્દન આપવા ફોન કરેલ પણ અરૂપે કહેલ કે તું બહારગામ ગઇ છે..તેથી વાત ન થઇ શકી..અને પછી કયારેય તને ફોન કર્યો નહીં...તું ખુશ હતી...છે..એટલું મારે મારે પૂરતું જ હોય ને ?

અને હું પણ એક જુદી દુનિયામાં ખોવાઇ ગયો. તારી યાદ મારા અસ્તિત્વની અંદર ઓગળી ગઇ હતી. અને હું ઓગળી ગયો હતો..નાનાં નાનાં અનાથ ભૂલકાઓની દુનિયામાં...કયાં..કયારે..કેમ..એ બધું લખવાની આ ક્ષણે તાકાત નથી. જોકે હવે તારી મમ્મીને બધી જાણ છે. તને મન થાય તો તેની પાસેથી જાણી શકીશ..

આ ક્ષણે તો એટલી જ ખબર છે. હવે મારી પાસે બહું ઓછો સમય બચ્યો છે. કેમ શું થયું...એ બધી વાતો અહીં આવીશ ત્યારે તને જાણ થવાની જ છે. અત્યારે એટલું બધું લખવાની તાકાત નથી. પરંતુ જિંદગીના કદાચ છેલ્લા દસ બાર દિવસ મારી પાસે બચ્યા છે. વતનના એ જ ઘરમાં અંતિમ શ્વાસ લેવાની અદમ્ય ઝંખના મને અહીં ખેંચી લાવી છે. આ ઓરડાની દીવાલોમાં તારી હાજરીની સુગંધ હજુ ઓસરી નથી. અહીંની દીવાલોમાંથી આપણું આખ્ખું શૈશવ ટહુકે છે. અહીં હું તને પ્રત્યક્ષ અનુભવી શકુ છું. રોજ તારી સાથે વાતો કરતો રહું છું. છતાં માનવનું મન લાલચુ ..લોભી છે. મોહ છૂટતો નથી. એકવાર...અંતિમ વાર તને પ્રત્યક્ષ જોવાની ઝંખના છૂટતી નથી. અરૂપ સાથે પણ મનભરીને ઝગડો કરવો છે. મને ભૂલી ગયો એની ફરિયાદ કરવી છે. તારા પતિ સાથે ઝગડો કરાય ને ?

ખેર..! બસ..એકવાર..છેલ્લી વાર તને...

મમ્મીને કહ્યું છે. તેણે તને ફોન કર્યો છે. અને મને જાણ છે. હવે કોઇ પળે અચાનક તું આવી ચડીશ. આવીશને ? એવો પ્રશ્ન અસ્થાને છે. કેમકે હું જાણું છું..તું આવીશ. એક પળના પણ વિલંબ વિના આવીશ. પણ કદાચ તું આવ અને હું ત્યારે બોલી શકું તેમ ન હોઉં..તો ? હવે નિયતિ પર ભરોસો નથી રહ્યો. તેથી અંતિમ વાર મન ભરીને તારી સાથે વાત કરી રહ્યો છું. ઇતિ, સાચ્ચે જ મેં કયારેય અરૂપના ભાગ્યની ઇર્ષ્યા નથી કરી..નહીં કરું. પરંતુ આ અંતિમ ક્ષણે ખોટું કેમ બોલું ? ઇતિ, આ ક્ષણે તો મને તેની ઇર્ષ્યા આવે જ છે..પહેલી ને છેલ્લી વાર. મને માફ કરી દેજે. ઇતિ,

અરૂપ સાથે પણ ઘણી વાતો કરવી છે. તારી સાથે તો ફરી એક્વાર લડવું છે, ઝગડવું છે..રિસાવું છે, મનાવું છે..મારી આંખોને ..મારા પ્રાણને તારી પ્રતીક્ષા છે. કાલે આંખો બંધ કરી ત્યાં તું મારી સમક્ષ હાજર. આપણે બંને દરિયાના પાણીમાં ઉભા હતા અને હું આગળ જતો હતો. તું પાણીમાં આગળ ન જવા મને વીનવતી હતી કે શું ? પરંતુ મારે તારો હાથ છોડીને જવાનું હતું. અંતિમ સફર પર તો એકલા જ જવાનું હોય ને ? સ્વપ્ન હતું કે સત્ય ?

ઇતિ, મને અંતિમ અલવિદા કરવા કયારે આવે છે ? મને ખીજાઇશ નહીંને ? ના, ના, મન ભરીને ગુસ્સે થજે..તારા ગુસ્સાની પ્રતીક્ષા મને ટકી રહેવાનું બળ આપે છે. ઇતિ.....મોડું નહીં કરે ને ? નહીં કરે ને ? ના. મને વિશ્વાસ છે..મારો સાદ આવે ને તું મોડી ન જ પડે....... ..’

અનિકેત..

ઇતિના હાથમાંથી પત્ર કયારે નીચે સરકી ગયો તેની જાણ ઇતિને થઇ નહીં. આંખોમાં બારે મેઘ ખાંગા થયા હતા..તેના હાથમાંથી નીચે પડેલ પત્ર અરૂપે ઉપાડયો. અરૂપની આંખો પત્રના અક્ષરો પર એકીશ્વાસે ફરી રહી. ત્યાં ફોન રણકયો..સામેથી કોઇ કશું બોલે તે પહેલાં જ... ઇતિએ ફોન ઉપર તરાપ મારી અને બોલી ઉઠી.

’હા, મમ્મી, હું આવું છું...આ ક્ષણે જ નીકળુ છું. મમ્મી.....’

ડૂસકાઓની વચ્ચે ઇતિનો અવાજ તૂટતો જતો હતો.

’ના, બેટા, હવે તું તારે નિરાંતે આવીશ તો પણ ચાલશે. બહું મોડું કરી નાખ્યું તે..ઇતિ, બહું મોડું...અનિકેત હવે આ દુનિયામાં ......’

સામે છેડેથી ધૂજતો અવાજ ઇતિના કાનમાં પડઘાઇ રહ્યો..

‘ અને બેટા, અરૂપને બધી વાત કરી તો હતી...છતાં....

છેલ્લી મિનિટ સુધી અનિકેતની આંખો દરવાજા પર....’નીતાબહેન આગળ કેટલું યે બોલતાં રહ્યાં. ઇતિ અવાચક...બસ..બસ.. ....નથી સાંભળવું...કશું જ નથી જાણવું…

ઇતિના હાથમાંથી રીસીવર છટકી ગયું....

મૂઢ ઇતિની આંખો અરૂપને તાકી રહી. તેમાં ઉઠતા અગણિત અનુત્તર પ્રશ્નો......!

અરૂપના હાથમાં રહેલ પત્ર ધ્રૂજી રહ્યો હતો કે અરૂપ આખો ધ્રૂજી ઉઠયો હતો ?

ઇતિની આંખો જવાબ માગતી હોય તેમ અરૂપ સામે ત્રાટક કરતી રહી.પણ.…

અરૂપ શું બોલે ?

પ્રકરણ 13 - ઇતિની શૂન્યતા.

“ ગયો કયાં અનાહત નાદ એ ? મને ઝંખતો હતો સાદ એ ? હું વિરાટ વિશ્વમાં એકલો, કોઇ ભાવભીનો સ્વર નથી. “

એક એક ક્ષણ એક યુગ જેવડી બની હતી. સોનાના પિંજરમાં પૂરાયેલ પંખીને અચાનક આકાશની ભાળ મળી હતી. ઉડવા માટેની છટપટાહટ જાગી હતી. પાંખો ફફડાવવાની તૈયારી....પણ....ત્યાં જ અચાનક પાંખો જ કપાણી... પંખી બેબાકળુ.... શું થયું તે સમજાયું નહીં...હવે સામે અનંત આસમાન તો હજુ મોજુદ હતું. પણ..…

કોણે કાપી પાંખો ? પક્ષીને સમજાય કે નહીં..પરંતુ ઇતિની નજર સમક્ષ તો પાંખોનો કાપનાર પણ હાજર જ .....અને છતાં....

ઇતિ મૌન હતી. અને અરૂપ પાસે બોલવા જેવું કશું બચ્યું નહોતું. એક ક્ષણમાં તે આખ્ખો ઉઘાડી પડી ગયો હતો. કયા ખુલાસાઓ આપે ? કેટકેટલા ખુલાસાઓ આપે ? છેલ્લા દસ વરસની એક એક ક્ષણનો જાણ્યે, અજાણ્યે તે ગુનેગાર હતો. ઇતિનો ગુનેગાર.

હવે નીચી નજરે અરૂપ મૌન...એકદમ જ મૌન.

ઇતિ મૂઢની જેમ અરૂપ સામે જોઇ રહી. એ નજરનો અસહ્ય તાપ અરૂપને દઝાડી રહ્યો.

બે પાંચ મિનિટ વીતી કે બે પાંચ યુગો. ? વાતાવરણમાં મૌનનો ભયાનક ઓથાર...સમયક્ષણો સરતી રહી. ઇતિ પરિસ્થિતિને હજુ પૂરી સમજી કે સ્વીકારી નહોતી શકતી કે શું ? પોતે આ બધું શું વાંચ્યું કે શું સાંભળ્યું એ સમજણ નહોતી પડતી કે પછી જે વાંચ્યું..સાંભળ્યું એમાં વિશ્વાસ નહોતો આવતો ?

કાળદેવતા પણ ગીલ્ટનો ભાવ અનુભવતા હોય તેમ થંભી ગયા હતા કે શું ? પોતે આ કયું અકલ્પ્ય રહસ્ય ઉઘાડું કરી નાખ્યું ? પોતાની બંધ મુઠ્ઠીમાંથી કઇ પળે આ કઇ વેદનાનો પ્રસવ થયો કે ઇતિ આમ જડ બની ગઇ ?

શું બોલવું તે અરૂપને સમજાતું નહોતું. અને શું પૂછવું, શું કહેવું તેની ઇતિને ખબર નહોતી પડતી. બીજી થોડી ક્ષણો આમ જ વીતી. વાતાવરણમાં એક અસહ્ય મૌન ગૂંગળાટ.....ભયંકર સ્તબ્ધતા....એક અસહ્ય ગૂંગળામણ.. સન્ન્નાટો..પવન પણ એકદમ ચૂપ. બહાર બગીચામાં ટપાક દઇને ખરતાં પાંદડાઓનો એક માત્ર અવાજ... કોરી આંખોમાંથી અશ્રુઓ તો ન ખર્યા પરંતુ મનમાંથી કશું જરૂર ખરી રહ્યું હતું. સમયના વાયરાની એક જોરદાર ફૂંક કે ઝંઝાવાત... અને શ્રદ્ધાની ઝળહળ જયોત બૂઝાઇ ગઇ.

અરૂપ નીચુ જોઇ બેસી રહ્યો. અને ઇતિ એકીટશે ત્રાટક કરતી હોય તેમ અરૂપ સામે..બિલકુલ અજાણ્યા અરૂપ સામે જોતી રહી. વરસોનો આ સાથીદાર આજે પરાયો બની ગયો હતો. આ અરૂપને તે કયાં ઓળખતી હતી ? એક પળ...અને ઇતિનું આખું વિશ્વ અલોપ. ન વાદળ, ન વરસાદ, ન વીજળી..ન ગર્જના, કશું જ નહીં. બસ ઘેરો સન્નાટો ..એ એક માત્ર સત્ય... જાણે એ સિવાય દુનિયામાં બીજું કશું હતું જ નહીં.

વિશ્વાસના અગણિત પંખીઓ એકી સાથે ઉડી ગયા. હતા. કોઇ કલરવ વિના. એક ઘેરી સ્તબ્ધતા.. મૌનના આ અસહ્ય ઓથાર હેઠળ અરૂપ શું બોલે ? શું સફાઇ આપે ? આરોપી હાજર હતો..પિંજર હતું..પણ કોઇ ફરિયાદી નહોતું. ઇતિની આંખ સામે અરૂપ કઇ રીતે નજર મિલાવે ? શું જવાબ આપે ઇતિની આંખના મૂક પ્રશ્નોનો ?

ઇતિ સોફા પર ફસડાઇ પડી. અનિ, તેનો અનિ હમેશ માટે અલવિદા કરી ગયો હતો. અંતિમ ક્ષણો સુધી તે ઇતિને ઝંખતો રહ્યો હતો. ઇતિની આંખો સમક્ષ ગાઢ અંધકાર છવાતો હતો. તેની આંખો કોરીધાકોર, બિલકુલ કોરી...! કોઇ દર્દીને એનેસ્થેશિયાનો મોટો ડોઝ અપાઇ જતાં તેનું ચેતાતંત્ર નિષ્ક્રિય...સંવેદનાહીન બની જાય. તેવી રીતે ઇતિનું ચેતાતંત્ર સાવ જ ભાવશૂન્ય..... વેદના અનુભવવા જેટલી સભાનતા યે અલોપ. કોઇ સંવેદના નહીં...નિતાંત શૂન્યતા. દૂર દૂર સુધી નિબીડ અંધકાર...પ્રકાશનું જાણે કદી અસ્તિત્વ હતું જ નહીં. આ વેદના અનિકેતની વિદાયની હતી કે અરૂપની આ અપરિચિત ઓળખાણની ?

પવનની એક લહેરખીની સાથે અંગારા પરની રાખ ઉડી જાય અને એક કારમું સત્ય સાવ અનાવૃત થઇ ઉઠે...એજ રીતે એક જ પળમાં સહન ન થઇ શકે તેવા બે સત્યો અતિ ભાવુક ઇતિ સામે ઉઘડયા હતા. જેનો તાપ ઝિલવો ઇતિ માટે આસાન કેમ બની શકે ? કયું સત્ય વધારે ગૂંગળાવી રહ્યું હતું ? તે વિચાર કરવાની ક્ષમતા કયાં ? અનિકેતને તો કુદરતે છીનવી લીધો હતો. પરંતુ......અરૂપ...? અરૂપનું આ સ્વરૂપ ? તેનો આ પરિચય ? અત્યાર સુધી તે અંધારાને અજવાસ માની અટવાતી રહી હતી ?

તેણે કયાં ભૂલ કરી હતી ? સપનામાં યે અરૂપનું આ સ્વરૂપ તે વિચારી શકે તેમ નહોતી. કયારેક અરૂપની કોઇ વાત ન ગમતી ત્યારે પણ એક ક્ષણ માટે યે અરૂપમાં કોઇ અવિશ્વાસ, કોઇ શંકા નહોતી ઉઠી. આમ પણ કોઇ માટે શંકા કરવાનું ઇતિ માટે શકય જ નહોતું. આંખો બંધ કરી તે વિશ્વાસ મૂકી શકતી. અને આજે ? એક ક્ષણમાં બધું કડડભૂસ ? સઘળા દરવાજાઓ બંધ...દિશાઓ મૂંગીમંતર...!

ઇતિ હમણાં આક્રન્દ કરી ઉઠશે..એવું માનતો અરૂપ તેની આ સ્થિતિ જોઇ ડરી ગયો. તેના મનમાં ભયના ભીના ભીના વાદળો ઘેરાયા..

ઇતિની આંખોમાં તો અઢળક વાદ્ળો..કોરાકટ્ટ વાદળો...૱’ ઇતિ, ‘ ઉંડી ગુફામાંથી આવતો હોય તેમ અરૂપનો ઘેરો અવાજ માંડમાંડ બહાર નીકળ્યો. શું બોલવું તેની ગતાગમ આજે અરૂપને પણ નહોતી પડતી.

તે કોઇ ખુલાસો આપવા ગયો. પણ કોને ખુલાસો આપે ? ઇતિ બહેરી બની હતી. કાનથી જ નહીં, તેની પંચેદ્રિયો બહેરી બની હતી. સમુદ્રના તરંગો પર સવાર થઇ હસતી ખેલતી માછલી અચાનક કિનારાની રેતીમાં ફેંકાય જાય અને બેબાકળી બની છટપટી ઉઠે એ સમજી શકાય. પરંતુ ઇતિના નશીબમાં તો છટપટાહટનું એ સુખ પણ કયાં ? પ્રાણનું પંખી આકુળવ્યાકુળ....અણુએ અણુમાં અદ્રશ્ય તરફડાટ...જળ થંભી ગયા હતા. જીવન થંભી ગયું હતું. ઇતિએ તો જીવનમાં કયારેય બીજી કોઇ એષણાઓ, ઇચ્છાઓ પણ કયાં રાખી હતી ? જે સંજોગો સામે આવ્યા તેનો બિલકુલ સહજતાથી સ્વીકાર કરતી આવી હતી. કોઇ આગ્રહ, દુરાગ્રહ વિના. અને છતાં ? તેના સમર્પણમાં કયાં ખામી હતી ?

ઇતિની કોરીધાકોર આંખો સામે જોતાં અરૂપે બે ચાર વાર ઇતિને બોલાવવાના પ્રયત્નો કરી જોયા. પણ કોઇ પ્રત્યાઘાત ન સાંપડતા અરૂપ હવે ખરેખર ડરી ગયો.

‘ ઇતિ..ઇતિ..પ્લીઝ.. મારે કોઇ ખુલાસાઓ નથી કરવા. હું ગુનેગાર છું. તારો અને અનિકેત બંનેનો ગુનેગાર. હું અનિકેતની ઇર્ષ્યા કરતો હતો. કોઇ કારણ વિનાની ઇર્ષ્યા. અનિ પાસેથી મેં તને ઝૂંટવી લીધી હતી. અનિકેત તારી વાતો કરતો રહ્યો. અને હું તને તેની પાસેથી ખૂંચવી લેવાના મનસૂબા મનોમન ઘડતો રહ્યો હતો. જેની અનિકેતને કલ્પના સુધ્ધાં નહોતી. અનિએ મોકલેલ સન્દેશ કે તેણે તારા માટે મોકલેલ ગીફટને, પેલી ઢીંગલીને મેં મારી બનાવી દીધી.. એક અનધિકાર ચેષ્ટાથી, દગાથી કોઇના વિશ્વાસનો ભંગ કરીને, મિત્રતા શબ્દને કલંક લગાડીને હું તારી અને અનિકેત વચ્ચે આવી ગયો. તારા જીવનમાં દાખલ થઇ ગયો. અને આટલા વરસો અનિકેતને હટાવવાના સભાન પ્રયત્નો કરતો રહ્યો. મારા સબકોંશીયસ માઇન્ડમાં તને ગુમાવી બેસવાનો એક ભય, સતત ડર...અને તેના પરિણામરૂપે તને અનિકેતથી દૂર રાખવાના વામણા પ્રયત્નો ! ઇતિ, તારા વિના હું જીવી શકું તેમ નહોતો. અને તેથી તને ગુમાવી બેસવાના સતત ડર, ખોટા ડરના ઓથાર નીચે હું અનેક ભૂલો કરતો રહ્યો. કદાચ અનિકેતને સાથે રાખીને હું તને પૂર્ણપણે પામી શકયો હોત. સમજાય છે ઇતિ, એ અત્યારે સમજાય છે. આ ક્ષણે એ સત્ય મારી સમક્ષ ઉઘડી રહ્યું છે. હું જાણુ છું કે હવે આ બધાનો કોઇ અર્થ નથી ઇતિ, તારી માફી માગવાને પણ હું લાયક નથી. પણ ઇતિ, તને હું ખરેખર પ્રેમ કરું છું. ખૂબ પ્રેમ કરું છું. કદાચ પ્રેમનો સાચો અર્થ સમજયા વિનાનો પ્રેમ. ’

અરૂપ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો. તે વલોપાત કરતો રહ્યો. પાગલની જેમ એકલો એકલો હૈયુ ઠાલવતો રહ્યો. શું બોલતો હતો તેનું પણ તેને ભાન રહ્યું નહોતું. વરસોથી અંદર સંઘરેલ ઉભરો આજે અચાનક ઉછળી ઉછળીને પોતાની જાતે જ બહાર આવવા મથી રહ્યો હતો. વારંવાર તે માફી માગતો રહ્યો. સજા માગતો રહ્યો. પણ....તે કોને કહેતો હતો ? ઇતિને તો કયાં કશું સ્પર્શી શકતું હતું ? બધિર પંચેદ્રિયો સુધી અરૂપનો વલોપાત કેમ પહોંચે ? ઇતિ જાણે પથ્થરની મૂર્તિ..નિર્જીવ...પ્રાણવિહીન...

યુગો એમ જ પસાર થઇ ગયા. અરૂપ એકીટશે ઇતિ સામે મીટ માંડી રહ્યો. હમણાં કોઇ ભાવ ઇતિની આંખોમાં ઉભરશે....ઇતિ રડી ઉઠશે.. પણ....પણ ઇતિમાં ચેતનનો કોઇ સંચાર ન ફરકી શકયો.

અરૂપની આંખો અનરાધાર વહેતી રહી. અંતે તે થાકયો. તેણે આંસુ લૂછયા. આ પાપનું પ્રાયશ્વિત ફકત આંસુથી નહીં થાય. તેણે હોમાવું પડશે. આહુતિ આપવી પડશે. જે કંઇ કરવું પડશે તે કરશે. એક દ્રઢ નિર્ધાર તેના પ્રાણમાં ઉગ્યો.

તે ઉઠયો. એકાદ ક્ષણ ઇતિ સામે જોયું. પછી ધીમેથી ઇતિનો હાથ પકડી ઉભી કરી અને ઉપર લઇ ગયો. ઇતિ તો જાણે ચાવી દીધેલી પૂતળી....! અને પૂતળીને કોઇ વિરોધ થોડો હોય શકે ? ઇતિ ઊભી થઇ. અરૂપ હાથમાં પાણીનો ગ્લાસ લઇ આવ્યો. એકાદ ક્ષણ ઇતિ ગ્લાસ સામે જોઇ રહી. અરૂપે નાના બાળકની માફક તેને પાણી પીવડાવ્યું. પછી તેને હળવેથી પલંગમાં સૂવડાવીને ચાદર ઓઢાડી. ઇતિની નિર્જીવતાથી તે અંદર સુધી હલબલી ગયો હતો.

બહાર ખરતા પર્ણોનો સરસર અવાજ રાત્રિની નીરવતાને ભેંકાર બનાવી રહ્યો હતો. અરૂપ ખુલ્લી આંખે, વ્યથિત હ્રદયે બારી બહાર જોતો રહ્યો. કદાચ આજે, આ ક્ષણે તે પ્રેમનો અર્થ પામ્યો હતો. પણ મોડો..... ખૂબ મોડો.

સઘળું ગુમાવી દીધા પછી જ અમુક સત્યો માનવી સમક્ષ ઉજાગર થતા હશે ?

કયાંક દૂરથી રેડિયાનો અવાજ અરૂપના કાને અથડાઇ રહ્યો હતો..” જિંદગીકે સફરમેં ગુઝર જાતે હૈ જો મુકામ..વો ફિર નહી આતે...ફિર નહી આતે...”સુનામી કે ધરતીકંપ જેવા કુદરતી તોફાન રહે છે તો એકાદ બે મિનિટ જ. પરંતુ તેની આફટર ઇફેકટથી ઘણીવાર વરસો સુધી મુકત થઇ શકાતું નથી.. પોતાના જીવનમાં આવેલ આ ધરતીકંપની અસરમાંથી કયારેય મુકત થઇ શકાશે ખરું ? આ ધરતીકંપ કુદરતી કયાં હતો ? આ તો પોતે જાતે જ સર્જેલ હતો. પરિણામના કોઇ ભાન વિના સર્જેલ આ ધરતીકંપે આજે તેને આ કયા મૉડ પર લાવી મૂકી દીધો હતો ? આ કઇ ઉથલપાથલ, કયો ખળભળાટ તેના પ્રાણમાં જાગ્યો હતો ? સદાનો સ્વસ્થ અરૂપ આજે છેક અંદર સુધી હલબલી ઉઠયો હતો.પોતે આ શું કરી રહ્યો હતો કે કર્યું હતું. એવી કોઇ સભાનતા અત્યાર સુધી નહોતી જાગી. ઇતિ માટે તેને ખૂબ પ્રેમ હતો. અને રખે એ પ્રેમ ઝૂંટવાઇ જાય તો ? અંદરના એ અજ્ઞાત ભયની સામે તે અભાનપણે ઝ્ઝૂમી રહ્યો હતો કે શું ? પ્રેમનો સાચો અર્થ બંધન નહીં મુક્તિ છે. એ સત્ય વિસરાઇ ગયું હતું. અને આજે એ ભાન થયું ત્યારે ? ત્યારે ઘણુ મોડું થ ઇ ગયું હતું.

અરૂપના મનમાં વિચારોની ઉથલપાથલ મચી રહી.

શાંત ગતિએ વહેતા પાણીમાં વમળો..ભયંકર વમળો રચાયા હતા. અને હવે એમાંથી બહાર નીકલવાના સઘળા રસ્તાઓ બંધ..

’ ભૂલ નથી કરી ‘

એમ કહી માનવી છટકી શકે છે. પરંતુ ભૂલના પરિણામોથી કેમ છટકી શકાય ? એ તો ઇચ્છા કે અનિચ્છાએ ભોગવ્યે જ છૂટકો.

હવે શું કરવું ? કંઇ સૂઝતું નહોતું. કોઇ દિશા દેખાતી નહોતી. ઇતિને ગુમાવી બેસવાની અસલામતીની ભાવનાથી પીડાઇને પોતે ન કરવાનું કરી બેઠો હતો. જૂઠનો સહારો લઇ ઇતિને અનિકેત પાસેથી ઝૂંટવી લીધી હતી. અનિકેતે ઇતિ માટે આપેલી ઢીંગલી પોતાના નામે આપી પોતે અનિકેતને કયારેય મળ્યો નથી એવું કહી એક દોસ્તનો વિશ્વાસઘાત કર્યો હતો. અને પછી પણ ઇતિના હૈયામાંથી અનિકેતને દૂર કરવાના સતત પ્રયત્નો...! કેટલો પાપી હતો પોતે ! મરતાં અનિકેતને પણ એકવાર ઇતિ મળી ન શકે માટે તેને અંધારામાં રાખી દૂર લઇ ગયો. પોતે આ શું કરી બેઠો ? આટલો ડરપોક હતો પોતે ? એક મરતા માનવીનો પણ ડર લાગ્યો ? મૃત્યુને આરે ઉભેલ માનવીની નાનકડી અંતિમ ઇચ્છા સુધ્ધાં પૂરી ન કરી શકયો ? આવો ક્રૂર તો તે કયારેય નહોતો. અરૂપ પોતાની જાતને કોસતો બેસી રહ્યો. આજે બધું દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. દીવાના એ ઉજાસમાં ઘોર અંધકાર....

કોઇ સંબંધને જીવનમાંથી પ્રયત્ક્ષ રીતે દૂર કરી શકાય પરંતુ દિલના ઉંડાણમાંથી એને તદન અદ્ર્શ્ય નહીં જ કરી શકાય. સૂર્ય દરિયામાં ડૂબી ગયા પછી પણ કયાંક તો એ ઉગ્યો જ હોય છે. ત્યારે યે તેના કિરણો કોઇ ભૂમિને અજવાળી જ રહ્યા હોય છે. એ કયારેય સંપૂર્ણપણે અસ્ત થઇ શકે નહીં. સૂકી દેખાતી નદીની અંદર કેટલીયે સદીઓ સચવાઇને અકબંધ પડી હોય છે. જે કાળની અસરથી લુપ્ત હોય છે. કોઇની હાજરી ન દેખાય એટલે એ ગેરહાજર જ છે એવું માની લેવું એ એક ભ્રમ જ હોઇ શકે. સત્ય નહીં. શારીરિક રીતે તમે કોઇને દૂર રાખી શકો. પણ જે સંબંધો મનમાં સચવાયેલ છે તેને કોઇ કેમ મિટાવી શકે ?

આજે બધું નજર સામે ઉઘડતું જતું હતું. એક પછી એક દ્રશ્યો નજર સમક્ષ આવતા જતા હતા. પોતે કેટલો વામણો નીકળ્યો હતો તેનું ભાન આ ક્ષણે થતું હતું. અનેક નવી ક્ષિતિજો આજે સૂતા સૂતા, બંધ આંખે અરૂપના મનમાં ઉઘડી રહી હતી. કયારેય ન જોઇ શકાયેલ કેટલીયે વાતો આ નિબિડ અંધકારમાં સ્પષ્ટ થતી જતી હતી. ઇતિની નાની નાની ઇચ્છાઓને અનિકેત સાથે સાંકળીને તેની કરેલી અવગણનાઓ અને ઇતિનું સમર્પણ. આ બધા પાપનું પ્રાયશ્વિત હવે કેમે ય થઇ શકે તેમ નહોતું. અનિકેત આ દુનિયા છોડીને ચાલી ગયો હતો. નહીંતર પોતે જાતે ઇતિને.....

કાશ ! કાળને રીવર્સ ગીયર હોત તો ?

ઇતિની ખુશી માટે આજે તે ગમે તે કરવા તૈયાર હતો. ઇતિની આ અવસ્થા તેના માટે અસહ્ય હતી. ઇતિ તેના સ્વભાવ મુજબ કશું જ નહીં પૂછે, કશું નહીં બોલે, એનાથી તે કયાં અજાણ હતો ? અને તે જ એના દુ:ખનું સૌથી મોટુ કારણ બની રહેવાનું હતું તે સત્ય આ પળે તેને સમજાયું હતું. ઇતિના મૌનનો આ ઓથાર કેમ જીરવાશે ?

અરૂપની નજર બાજુમાં સૂતેલ ઇતિના ચહેરા પર મંડરાતી રહી. ઇતિ જાગતી હતી કે સૂતી હતી ? એ સમજાય તેમ નહોતું. ઇતિ ચૂપ હતી...બસ..એટલું જ સમજાયું હતું. અસહ્ય આઘાતની, વેદનાની લિપિ તેના અણુ અણુમાં કોતરાયેલી તે જોઇ શકતો હતો. પણ એનો કોઇ ઉપાય દૂર દૂર સુધી નહોતો દેખાતો....

બહાર રાત્રિનો અંધકાર ઘેરો બનતો જતો હતો. કયાંક દૂરથી શિયાળવાનો અવાજ તેને ભયંકર, બિહામણો બનાવતો હતો. તારાઓ સાવ ફિક્કા..ચન્દ્ર તેજ વિનાનો. સૌ તેની દયા ખાતા હતા કે શું ?

કાલે ભાવિના ગર્ભમાંથી કઇ અજ્ઞાત ક્ષણોનો પ્રસવ થશે ?

પ્રકરણ 14 - ખાલીખમ્મ ક્ષણો...

“ આ પ્રતીક્ષાવત ક્ષણોનો એમ સથવારો થયો કોઇ બારી ખોલવામા એક જન્મારો ગયો..”

રાત આખી ખરતી રહી. રંગ ઉડી જતાં ઝાંખા પડી ગયેલ કપડાં જેવી સાવ નિસ્તેજ... ઝાંખીપાંખી સવાર ઉગી હતી. પંખીઓ ટહુકયા વિના જ..કોઇ ક્લરવ વિના જ… કામકાજે નીકળી ગયા હતા. ઉષા પોતાની રંગછટાના કામણ પાથર્યા સિવાય જ જાણે કોઇની વેદનાની અદબ જાળવતી હોય..કોઇના મોતનો મલાજો પાળતી હોય તેમ ગૂપચુપ સરી ગઇ હતી. વૃક્ષો ડોલવાનું ભૂલીને શૂન્ય નજરે આસમાનને તાકતા ઉભા હતાં. ઘાસ પરના ઝાકળબિંદુઓ આજે પ્રભાતના પ્રથમ કિરણોની સાથે જ જલદી જલદી ઉડી ગયા. આ ભારીભરખમ ક્ષણોનો તાપ તેમના કોમળ શરીરથી કેમ જીરવાય ? ઇતિનું રોજનું મુલાકાતી પેલું ચંચળ સસલુ ધીમે પગલે બગીચામાં આવ્યું, આમતેમ નજર ફેરવી ચૂપચાપ કોઇને શોધતું રહ્યું. આજે તેને વહાલ કરવાવાળુ કોઇ ન દેખાયું. થોડીવાર તો પ્રતીક્ષા કરી જોઇ. પરંતુ અંતે થાકીને, નિરાશ થઇ તે બહાર ઝાડીઓમાં અદ્રશ્ય થઇ ગયું. આસપાસ નજર ફેરવતી ખિસકોલી પોતાની ચંચળતા ભૂલીને સાવ જ ધીમે ધીમે ઝાડ ઉપર ચડી રહી હતી. બધાએ ઉદાસીના વસ્ત્રો ધારણ કરી લીધા હતા કે પછી ઉદાસ દ્રષ્ટિને બધે ઉદાસીનું પ્રતિબિંબ દેખાતું હતું ?

વિચારોના વમળમાં ફસાયેલ, થાકેલ અરૂપની આંખો છેક વહેલી સવારે જરાવાર માટે મીંચાઇ હતી. અર્ધઉંઘમાંયે તેને ઇતિની ચિંતા થતી હતી. આ વેદના, આઘાતમાંથી તેને બહાર કેમ લાવવી ? શું કરવું જોઇએ તે તેને સમજાતું નહોતું. અચાનક તેની આંખ ખૂલી ગઇ. ઘડિયાળમાં જોયું તો આઠ વાગતા હતા. તેની નજર બાજુમાં ગઇ. ઇતિ કયાં ? હમેશની માફક ગાર્ડનમાં છે ? તેણે બારીમાંથી નીચે નજર કરી. રોજ આ સમયે રણકતો હીંચકો સ્થિર...ખાલીખમ્મ હતો.

અરૂપ સફાળો ઉભો થઇ ગયો. ગભરાઇને જલદી જલદી પલંગમાંથી નીચે ઉતર્યો. કદાચ બાથરૂમમાં હશે માની દોડયો. પણ બાથરૂમ ખાલી હતો. તેનો શ્વાસ અધ્ધર ચડી ગયો. એક ક્ષણમાં તો કેટકેટલા અમંગળ વિચારો મનમાં દોડી આવ્યા. હાંફળોફાંફળો તે ગાંડાની માફક બધે દોડયો. ત્યાં તેની નજર બાલ્કનીમાં ગઇ. હાશ..!

ઇતિ બાલ્કનીમાં રાખેલ હીંચકા પર બેઠી હતી. આંખોમાં શૂન્યતા અને શરીરમાં નિર્જીવતા... જડતાના કોચલામાં પૂરાયેલ ઇતિ જાણે પથ્થરની મૂર્તિ. બધાથી સાવ નિર્લિપ્ત. નજર કયાંય દૂર દૂર સુધી કોઇને શોધતી હતી કે શું ? પણ..ના, એ આંખોમાં એવો કોઇ ભાવ પણ કયાં હતો ? કયાંય કોઇ અનુસન્ધાન નહીં....કોઇ સંવેદનનું દૂર દૂર સુધી નામોનિશાન નહીં. અફાટ રણમાં યે કયાંક દૂર દૂર મૃગજળનો ભાસ તો જરૂર થતો હોય છે. જે માનવીને આશા આપતા રહીને દોડતો રાખે છે. પણ અહીં તો એ સુખદ ભ્રમણા..એ મૃગજળ પણ કયાં ?

અરૂપે તેની પાસે જઇ મૃદુતાથી ઉચ્ચાર્યું. ‘ ઇતિ...’

ઇતિ પર કોઇ અસર નહીં. તે એમ જ ચિત્રવત્ બેસી રહી. શબ્દો તો સંભળાતા હતાં..અર્થ ખોવાઇ ગયો હતો. અરૂપ હળવેથી ઇતિ પાસે બેઠો. તેના વાળમાં સ્નેહથી હાથ ફેરવતો રહ્યો. ઇતિની આંખો નિર્જીવ..સાવ કોરીકટ્ટ.. પણ અરૂપની આંખો આજે કોઇ શરમ વિના છલકતી રહી. તે ઇતિને પ્રેમ કરતો હતો. ખરેખર સાચા દિલથી પ્રેમ કરતો હતો. ફકત પ્રેમનો મર્મ સમજી નહોતો શકયો. પ્રેમ એટલે બંધન નહીં. એ સત્યથી તે કદાચ અજાણ હતો. ઇતિને ખોઇ બેસવાના ડરે ઇતિની દુનિયામાંથી અનિકેતનું નામોનિશાન મિટાવવાના પ્રયત્નો તે કરતો રહ્યો. ઇતિની સામાન્ય વાતને, સામાન્ય ઇચ્છાને પણ તે અનિકેત સાથે જોડતો રહ્યો.

હવે ? હવે ઇતિની આ નિર્જીવતા, આ મૌન તેને દઝાડી રહ્યું હતું. શું બોલવું તે તેને સમજાતુ નહોતું. ઘણું કહેવું હતું, માફી માગવી હતી..પણ કોઇ શબ્દો મળતા નહોતા. શબ્દો સાવ પોલા...ખોખલા બની ચૂકયા હતા. ઇતિ કશું સમજી શકે તેવી માનસિકતા પણ કયાં બચી હતી ? તો હવે ? શું કરવું ? શું કરી શકે તે ? અરૂપની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં નીચે બેલ વાગી.

અરૂપ નીચે ગયો. કામ કરવા માટે તારાબેન આવ્યા હતા. વરસોથી અહીં તે જ બધું કરતા હતા. અરૂપે તારાબેન સાથે વાત કરી લીધી. ઇતિની તબિયત સારી નથી કહી રસોઇની અને ઘરની બધી જવાબદારી તેને સોંપી દીધી. તારાબેન ઓછાબોલા હતા. સાહેબને વધારે પૂછપરછ કર્યા સિવાય તે કામે વળગ્યા.

અરૂપે પોતાને હાથે બંને માટે ચા બનાવી. ઇતિને ચામાં હમેશા ખૂબ આદુ અને એલચી નાખવા જોઇએ. જયારે અરૂપને આદુ વિનાની ચા પસંદ હતી. આજે તેણે પોતાને માટે પણ આદુવાળી ચા બનાવી. અને હાથમાં બંનેની ચાના કપ લઇ ઉપર આવ્યો. કશું બોલ્યા સિવાય ઇતિના હાથમાં ચાનો કપ આપ્યો. ...મેન્ટલી રીટાર્ડેડ બાળક જોઇ રહે..બરાબર તેની માફક ઇતિ ઘડીકમાં ચા સામે તો ઘડીકમાં અરૂપ સામે જોઇ રહી. હાથમાં પકડેલ ચાના કપનું શું કરવાનું હોય તે સમજાતું ન હોય તેમ ! અરૂપે ધીમેથી કપ ઇતિના હોઠે લગાડયો. ઇતિને ઘૂંટડો ભરાવ્યો...

થોડીવારે અરૂપે ખાલી કપ ધીમેથી નીચે મૂકયો. નેપકીનથી ઇતિનું મોં લૂછયું. પોતે પણ ચા પીધી. સવારે દસ વાગ્યે બંને સાથે જમી જ લેતા. તેથી નાસ્તો કરવાની બેમાંથી કોઇને આદત નહોતી. પછી અરૂપ ઓફિસે જાય અને ઇતિ હાથમાં છાપા અને મેગેઝિનો લઇને બેસે.પરંતુ આજે અરૂપને ઓફિસે જવું નહોતું. ઇતિને આમ એકલી મૂકીને તે કયાંય જઇ ન જ શકે. અરૂપે ઓફિસમાં ફોન કરી પોતે હમણાં થોડા દિવસો નથી આવવાનો એવી સૂચના આપી દીધી.

હવે ? હવે શું કરવું ? શું બોલવું ?

તે હળવેથી ઇતિની બાજુમાં બેઠો.

‘ ઇતિ, મને માફ નહીં કરે ? ના..ના..મારે માફી નથી જોઇતી. તું કહે એ સજા મને મંજૂર છે. હું જાણું છું કે મારી ભૂલ માફીને પાત્ર નથી જ. અરે ? સજાને લાયક પણ હું નથી. ઇતિ, હું તને સમજી ન શકયો. તને ખોવાના ડરમાં હું ભાન ભૂલી ગયો....ઇતિ પ્લીઝ...અરૂપ આગળ બોલી ન શકયો.

તે ફરી એકવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠયો. ઇતિની આ હાલત તેનાથી જોઇ નહોતી શકાતી. પોતે કેટલો લાચાર બની ગયો હતો એનો અહેસાસ તે દરેક પળે કરી રહ્યો હતો. દોષ પણ કોને આપે ? પોતે જ આ માટે જવાબદાર હતો અને હવે....

અરૂપનો વલોપાત ઇતિને કાને કદાચ અથડાતો તો હશે પરંતુ અંદર સુધી સ્પર્શતો નહોતો.

તારાબહેન ઉપર આવ્યા. અરૂપે જલદીથી આંખો લૂછી.

તારાબેને ઇતિ સામે જોઇ પૂછયું

‘ બહેન, આજે જમવાનું શું બનાવું ? ‘ઇતિને મૌન જોઇ તેને થયું કે બહેનને સંભળાયું નથી. તેથી તેણે પોતાનો પ્રશ્ન ફરીથી રીપીટ કર્યો. ઇતિની આવી હાલતની તેને કલ્પના કેમ આવે ?

ઇતિ તારાબેનને ઓળખતી ન હોય તેમ ચૂપચાપ તેની સામે જોઇ રહી.

અરૂપે જવાબ આપ્યો,

’ બહેનની તબિયત હમણાં સારી નથી..તમને જે ઠીક લાગે તે બનાવી લેવાનું. પહેલાં તમે બનાવતા જ હતા ને ? બહેનને શું ભાવે છે તેનો ખ્યાલ તમને છે જ. બરાબર ને ? ‘

તારાબેને માથુ હલાવી હા પાડી. ઇતિને શું થયું છે તે તેને સમજાયું નહીં. પરંતુ વધારે પૂછપરછ કર્યા સિવાય તે નીચે ગયા.

અરૂપ પોતાની જાતને કોસતો બેસી રહ્યો..અંતે જમવાનો સમય થતાં તે નીચેથી બંનેની પ્લેટ લાવ્યો. તારાબહેને ઇતિને ભાવતું ઉન્ધિયુ અને પૂરી બનાવ્યા હતા.

‘ઇતિ, તારું ફેવરીટ ઉન્ધિયુ આજે તારાબહેને બનાવ્યું છે. તું જાતે ખાઇશ કે મારી ઇતિને હું ખવડાવું ?‘

જવાબની રાહ જોવાનો કોઇ અર્થ નહોતો. તે જાણતા અરૂપે નાના બાળકની જેમ ઇતિને કોળિયા ભરાવ્યા. તે જમતો ગયો અને ઇતિને જમાડતો ગયો. ઇતિને ખવડાવી, પાણી પીવડાવી અરૂપે તેને ધીમેથી ઉભી કરી. અને પલંગ પર સૂવડાવી. પોતે તેની પાસે તેના માથા પર હાથ ફેરવતો બેસી રહ્યો. ઇતિને લાગેલ આઘાતનો, ઇતિની વેદનાનો અહેસાસ તેને થયો હતો. પણ હવે..હવે શું કરી શકે તે ?

આ ક્ષણે તેને સમજાયું હતું કે અનિકેતની વિદાય કરતાં પણ પતિની આ અપરિચિત ઓળખાણનો, કદી ન કલ્પેલ આ સ્વરૂપનો આઘાત ઇતિને વધારે લાગ્યો હતો. આ કંઇ ફકત અનિકેતની વિદાયનો આઘાત જ નહોતો. એ તે સમજી શકયો હતો. અને તેથી જ....અઠવાડિયું આમ જ પસાર થયું....

આકાશમાં વાદળો ઘેરાયેલ જ રહ્યા. ઘનઘોર વાદળોએ ઝળહળતા સૂર્યને પણ ઢાંકી દીધો હતો. અસ્ત થવું અને ઉગવું એ ક્રમ પણ જાણે સૂર્ય ભૂલી ગયો હતો કે શું ? વાદળો હટે તો એનું અસ્તિત્વ અનુભવી શકાય ને? પણ આકાશનો ગોરંભો હટવાનું નામ જ નહોતો લેતો..દિવસો ફિક્કા,તેજહીન.

વરસાદની ઋતુ હતી. કાળાડિબાંગ વાદળો નહોતા ખસતા કે નહોતા વરસતા. સઘળું કોરુંધાકોર. વાતાવરણમાં નહીં ઉજાસ કે નહીં અંધકાર.

અરૂપના જીવનમાં, મનમાં અનેક નવી ક્ષિતિજો ઉઘડી હતી. કયારેય ન સમજાયેલ સત્યો સમજાયા હતા. ન જોઇ શકેલ અનેક વાતો આજે દીવા જેવી સ્પશ્ટ દેખાતી હતી. નાની નાની વાતોમાં પ્રેમને નામે ઇતિ પર કરેલ અદ્રશ્ય અત્યાચાર, અને દરેક વાતમાં ઇતિનું મૌન સમર્પણ ! તે શું ભૂલે અને શું યાદ કરે ? અરે, દરિયે જવા જેવી સામાન્ય વાતને પણ તે ટાળતો આવ્યો હતો. શા માટે ? કેમકે અનિકેતને દરિયે જવું ગમતું હતું..! ઇતિને ડાન્સીંગ કલાસ ચાલુ નહોતા કરવા દીધા..શા માટે ? છળ કરીને ઇતિને અનિકેત પાસેથી ઝૂંટવી લીધા બાદ પણ તે એક પછી એક અદ્રશ્ય અત્યાચાર નિર્દોષ ઇતિ પર કરતો રહ્યો હતો. અને સરળ ઇતિ અટલ વિશ્વાસથી પોતાની બધી વાત સ્વીકારતી આવી હતી. અરૂપની આંખોમાં સમુદ્રની છલોછલ ભરતી આવી હતી. જેને તે પોતાની જીત માનતો હતો તે કેવડી મોટી હાર હતી એ તેને સમજાયું હતું. પરંતુ કયારે ? સર્વસ્વ ગુમાવી બેઠા પછી.

ઇતિની વેદના તેને કોરી ખાતી હતી. શું કરે તે ? શું કરી શકે કે હવે શું કરવું જોઇએ તે સમજાતું નહોતું. ઇતિ માટે તે ગમે તે કરવા તૈયાર હતો. પોતે કરેલ પાપનું પ્રાયશ્વિત કેમ કરી શકાય તે સમજાતું નહોતું. અને ઇતિ કશું સાંભળી કે સમજી શકવાની સ્થિતિમાં કયાં રહી હતી ? જો આમ જ લાંબુ ચાલ્યું તો..? અરૂપ ધ્રૂજી ઉઠયો.

ઇતિએ તેને કોઇ પ્રશ્ન નહોતો કર્યો. કશું જ બોલી નહોતી. અભેદ મૌનની દીવાલ ઓઢીને તે બેસી હતી. તેની કોરી આંખોમા પથરાયેલ જડતા અરૂપને હચમચાવી રહી હતી. અરૂપ સાથે તે ઝગડી લે..તેને સજા કરે..તેને હલબલાવીને તેની પાસે જવાબ માગે તો અરૂપ પોતાનો ગુનો કબૂલ કરી માફી કે સજા માગી શકે. પણ..પણ તે કદાચ તેને પણ લાયક નહોતો. ઇતિની નફરતનો ઓથાર કેમ જીરવવો ? જોકે ઇતિની આંખોમાં નફરત હતી કે દયા હતી ? કે પછી એક પથરીલી શૂન્યતા ? તે પણ તેને સમજાતું નહોતું. ઇતિ એક જીવતી લાશ બની ચૂકી હતી.

કોઇ સાનભાન વિના ચાવી દીધેલ પૂતળીની માફક અરૂપ કહે તેમ ઇતિ કર્યા કરતી. અરૂપ ખાવાનું આપે અને કહે ત્યારે ચૂપચાપ ખાઇ લેતી. અરૂપ પાણી આપે ત્યારે પાણી પી લેતી. અરૂપ કહે ત્યારે બેસતી, તે કહે ત્યારે સૂઇ જતી.

ઇતિને તેના પિયર એકાદ મહિનો જવાનું સૂચન અરૂપે કરી જોયું. પણ ઇતિને તેની વાત સમજાઇ ન હોય તેમ ટગર ટગર તે અરૂપ સામે જોઇ રહી. આટલા વરસોમાં ઇતિને કયારેય અળગી ન કરનાર, કયાંય એકલી ન મૂકનાર અરૂપે તેને એકાદ મહિનો પિયર જવાની કે કયાંય પણ બીજે બહાર જવાની વાત કરી જોઇ. પણ જવાબ આપવાની સભાનતા ઇતિમાં કયાં બચી હતી ? આખો દિવસ બાલ્કનીમાં બેસી દૂર દૂર સુધી નિર્જીવ આંખે ન જાણે તે શું તાકી રહેતી.

’ ઇતિ, ચાલ, આપણે દરિયે જઇશું ? ભીની રેતીમાં સરસ મજાનું ઘર બનાવીશું.’

કે ‘ ઇતિ તારે ડાંસીંગ કલાસ જોઇન કરવા છે ? ‘

‘ ઇતિ, તારે નોકરી કરવી છે ? ‘

પણ કોણ જવાબ આપે તેને ? અરૂપ શું કહે છે તે ઇતિને પૂરું સમજાતું જ કયાં હતું ? બધિર ઇન્દ્રિયો લઇ તે ફકત શ્વાસ લઇ રહી હતી.

અરૂપ, જે કયારેય અનિકેતની વાત ભૂલથી પણ ન નીકળે તેનું સતત ધ્યાન રાખતો હતો..તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહોતો. તેને આશા હતી કયારેક અનિકેતની વાતો ઇતિના કાનમાં અથડાશે અને તેની ચેતના જાગૃત થશે..ઇતિ રડશે તેની પર ગુસ્સો કરશે કંઇક પ્રતિભાવ મળશે એ આશાએ તે અનિકેતની યાદ અપાવવા મથતો રહેતો.

સમય માનવીને કેટલી હદે બદલાવી દે છે ?

‘ ઇતિ, અનિકેત પ્રત્યેનો તારો પ્રેમ હું અનુભવી શકતો હતો. પણ સ્વીકારી નહોતો શકતો. પ્રેમનું એક જ સ્વરૂપ નથી હોતું..તે સત્ય સમજી નહોતો શકતો. તને ખબર છે ઇતિ, તને અનિકેતથી દૂર રાખવા માટે હું કેવા કેવા પેંતરા કર્યા કરતો હતો.. હું મૂરખ..સાવ મૂરખ હતો..હું અનિકેતની ઇર્ષ્યા કરતો હતો. શૈશવના તમારા નિર્વ્યાજ સ્નેહને સમજી શકવાની અક્કલ મારામાં કયાં હતી ? ઇતિ, તારા અરૂપને તું માફ નહીં કરે ? તેં મને આટલો પ્રેમ આપ્યો. પણ તારા પ્રેમને હું લાયક નહોતો. ઇતિ, મારી ભૂલ મને સમજાય છે. તારા અતીત સાથે સંકળાયેલી દરેક વાતથી તને દૂર રાખવાના પ્રયત્નો હું કર્યા કરતો. ‘

અરૂપ ઇતિ આગળ પોતાની જાતને કોસ્યા કરતો. પણ ઇતિ તો જાણે બહેરી...સાવ બહેરી..! આજે ઇતિના પ્રેમને તે સમજી શકયો હતો, સ્વીકારી શકયો હતો. પ્રેમના અનેક સ્વરૂપો હોય છે..અનિકેત પ્રત્યેનો પ્રેમ એ અરૂપ માટેની બેવફાઇ નહોતી. કે અરૂપ પ્રત્યેના પ્રેમની કચાશ નહોતી. ઇતિના સ્નેહમાં કયાંય ખોટ નહોતી. પોતે મનોમન વિચારતો રહ્યો હતો કે અનિકેતથી દૂર રાખીને તે ઇતિને મેળવી શકશે..કેવા મોટા અને ખોટા ભ્રમમાં તે હતો !

પરંતુ કેટલાક સત્યો માટે બહું મોડું થઇ જતું હોય છે. ‘ પોઇન્ટ ઓફ નો રીટર્ન ‘ પર પહોંચ્યા પછી કોઇ વાતનો અર્થ નથી રહેતો.એનો અહેસાસ અરૂપ કરી રહ્યો હતો. આગળ જવાતું નહોતું. અને પાછળ જવાની કોઇ ગૂંજાઇશ નહોતી રહી. શું કરવું ? હથોડાની જેમ અરૂપના મગજમાં આ એક જ વિચાર અથડાતો રહેતો. જે થઇ ગયું હતું તે ન થયું કેમ કરી શકાય ? અનિકેત, મારા દોસ્ત, એકવાર એકવાર આવ..હું તારો ગુનેગાર છું..હું હારી ગયો છું અનિકેત, હારી ગયો છું. કોઇ વ્યક્તિને ઝૂંટવીને મેળવી તો શકાય પણ પામી ન શકાય. દોસ્ત, સમજાય છે આજે મને સમજાય છે. અરૂપ પશ્વાતાપના પાવક અગ્નિમાં જલતો રહેતો. પણ નકામું હતું..બધું નકામું....સાવ અર્થહીન..

પણ એમ હિમત હાર્યે પણ કામ ચાલે તેમ નહોતું. ઇતિની હાલત માટે તે જ જવાબદાર હતો અને ઇતિની આ હાલત તે જોઇ શકતો નહોતો. શું કરે તે ? શું કરી શકે ?

પ્રશ્નનો ઉતર કોણ આપે તેને ? શું હમેશા આમ જ..? તેના પાપનું કોઇ પ્રાયશ્વિત નહીં હોય ?

પ્રકરણ 15 - અરૂપનું એકરારનામુ..

“ માર્ગ વચ્ચે જ અડાબીડ બનીને ઉભા છે

આંસુઓ એવા અકોણા છે કે ખસતા જ નથી. “

સર્પ જેવો સમય પોતાનો રોલ ભજવી વહી ગયો હતો. પરંતુ તેના લિસોટા રહી ગયા હતાં. પાણીમાં કોઇનું પ્રતિબિંબ ઝિલાય છે. વાયરો પોતાની સાથે કોઇની સૌરભ વહેતો રહે છે. પરંતુ સમય તો કોઇ સંવેદન વિના પોતાની છાપ છોડી ચૂપચાપ સરકી જાય છે. સમયની ક્ષણો તો ખરી ગઇ હતી. પરંતુ તેની ભીનાશ અરૂપની પાંપણૉમાં અને વેરાની ઇતિની આંખોમાં છોડતી ગઇ હતી. વામન ક્ષણની વિરાટ અસરોમાંથી મુકત થવાનું આસાન કયારે હોય છે ? પછી એ અસર સુખની હોય કે દુ:ખની હોય, આનંદની હોય કે વિષાદની હોય.....માનવી એમાં અટવાતો રહે છે. ફરી બીજી કોઇ ક્ષણ આવીને મુક્તિ ન અપાવે ત્યાં સુધી ખાલી શીશીમાં તડકો ભરવાની આ રમત.. આ ચકરાવો ચાલુ રહે છે.

અરૂપની આંખોથી હમણાં નિદ્રાદેવી રુઠયાં હતાં. અને અર્ધતન્દ્રામાં અરૂપના મનમાં આવા વિચારોની વણઝાર અવિરત ચાલુ રહેતી. આમાંથી કેમ છૂટકારો પામવો એ વિચારમાં અરૂપ ખુલ્લી આંખે બારીની બહાર તાકી રહેતો. સામે દેખાતા તારલાઓમાંથી જાણે કોઇ જવાબ મળવાનો હોય તેમ જોઇ રહેતો. આજે અરૂપની નજર કાચની મોટી બારીમાંથી દેખાતા વાદળો પર સ્થિર થઇ હતી.કાળા ડિબાંગ વાદળો કોઇ રખડું..સ્વચ્છંદ છોકરીની માફક આકાશમાં આમતેમ રખડતાં હતાં. વાતાવરણમાં અસહ્ય બાફ..ઉકળાટ હતાં. રૂમમાં તો એ.સી. ચાલુ હતુ તેથી ઠંડક હતી. અરૂપને થયું બહારની મોસમને તો જીરવી શકાય કે અનુકૂળ બનાવી શકાય તેવી સગવડ વિજ્ઞાને કરી આપી છે. પરંતુ મનની મોસમને અનુકૂળ કેમ બનાવવી ? મનની મોસમમાં આવેલ તોફાનને કેમ હેન્ડલ કરવું, જીરવવું ? એનો ઉપાય વિજ્ઞાન પાસે કયાં છે ? અરૂપની નજર બાજુમાં સૂતેલી ઇતિ પર પડી. ઇતિની આંખો બંધ હતી. કોઇ અજંપો અનુભવી શકવા પણ ઇતિ કયાં સમર્થ રહી હતી ?

કોઇ સંબંધ નવો નવો બંધાય ત્યારે ઘણીવાર એની ભીનાશ અંદરથી ન સ્પર્શે એવું બની શકે..પરંતુ જયારે સંબંધો તૂટે ત્યારે એની તીક્ષ્ણ કરચો અંતરમાં ચૂભ્યા સિવાય રહી શકતી નથી. અને મનને ઉધઈની માફક અન્દરથી કોરતી રહે છે.,તો કયારેક સમગ્ર અસ્તિત્વને લોહીલૂહાણ કરતી રહે છે. અમુક સંબંધોનું તૂટવું એટલે શું ? એ તો રામબાણ વાગ્યા હોય તે જ જાણે. જીવનના અમુક સત્યોનો મર્મ સ્વાનુભવ વિના પમાતો નથી હોતો. અંતરકયારીમાં કોઇ સુગંધિત સંબંધનો સોનચંપો ખીલ્યો હોય અને અચાનક કોઇ પોતાની ..સાવ જ પોતાની વ્યક્તિ જ તેને જડમૂળમાંથી કાપી નાખે ત્યારે એ વેદના જીરવવી આસાન નથી હોતી. માનવીનું મન અત્યંત સંકુલ છે. એકવાર જો કોઇ ભૂલભૂલમણીમાં ફસાયું તો પછી એનો કયાંય આરો કે ઓવારો મળતો નથી. પોતાના માનવી પાસેથી મળતી પીડા, વિશ્વાસઘાતની પીડા માનવીને પાગલ બનાવી દે કાં તો ફિલસૂફ બનાવી દે.

ઇતિ પાગલ કે ફિલસૂફ ન બની. તે બની ફકત જડ..ભાવશૂન્ય બની રહી. કશો વિચાર કરવાની, સમજવાની ક્ષમતા તે ખોઇ બેઠી. પાગલ બન્યા પહેલાની કે પછીની સ્થિતિ હતી આ ?

વાદળોના વરસવાની પ્રતીક્ષામાં સમય વહેતો રહ્યો. કામવાળા બેન..તારાબેન સાથે ઇતિને માયા બંધાઇ હતી. તારાબેન પણ ઇતિની આ હાલતથી ગભરાઇને પોતાની રીતે તેને બોલાવવાના પ્રયત્નો કરતા રહેતા. બહેનને અચાનક આ શું થઇ ગયું તે તેને સમજાતું નહોતું. તેમને ઇતિ માટે મમતા હતી. આદર હતો. ઇતિ તેનો કેટલો ખ્યાલ રાખતી હતી. તેની જરૂરિયાતના સમયે ઇતિએ તેને કયારેય ના પાડી નથી. ઉદાર ઇતિ તારાબહેનને વગર માગ્યે જ તેમના બાળકો માટે કે તેમના માટે પગાર ઉપરાંત પણ અનેક વસ્તુઓ આપતી રહેતી. તારાબહેન સાથે તેણે કદી કામવાળા જેવો વહેવાર નહોતો રાખ્યો.

ઇતિની હાલત જોઇ તારાબહેનની આંખો ભીની બની. તેણે પોતાની રીતે અનેક માનતાઓ માની હતી. સાહેબનો તેને ખાસ પરિચય નહોતો થયો. પરંતુ હવે સાહેબ ઓફિસે પણ નથી જતા અને બહેનનું કેટલું ધ્યાન રાખે છે તે જોઇ સાહેબ માટે પણ તેને આદર જનમ્યો હતો. નહીંતર આમ કામકાજ છોડીને કયો પુરુષ પત્નીની આવી સેવા કરે ? પોતે તો કદી આવું જોવા નહોતા પામ્યા. એમના સમાજના પત્નીની આવક પર જીવતાં..પત્નીને ઝૂડતા રહેતા, અને એક વસ્તુની જેમ ઉપયોગ કરતાં દારૂડિયા પુરુષોનું તેમને આશ્ર્વર્ય નહોતું થતું. ઇતિબહેન તો આવો દેવ જેવો પુરુષ પામ્યા છે. નશીબદાર તો ખરા જ ને ? પણ બહેનને શું થયું છે તે તેની સમજની બહારની વાત હતી. એક દિવસ તેણે થોડી હિમત કરી અરૂપને કહ્યું,

’ સાહેબ, મને ખબર છે તમે લોકો આવું બધું ન માનો. પણ...’’ પણ શું તારાબહેન ? ‘

’ સાહેબ, મને લાગે છે કે બહેનનો પગ કોઇની છાયામાં આવી ગયો લાગે છે. અથવા કંઇ નડતર જેવું હોય...એ વિના સાજા સારા બહેન સાવ આમ મૂંગામંતર થોડા થઇ જાય ? સાહેબ, અમારા જાણીતા એક બહેન છે. જેને માતાજી હાજરાહજૂર છે. અને આવા કેટલાયને તેણે સાજા કર્યા છે. સાહેબ, એકવાર આપણે બહેનને તેની પાસે લઇ જઇએ તો ? તે દાણા આપશે અને જે હશે તે સાચેસાચું કહી દેશે. ‘ઇતિની આ હાલતના કારણની ખબર તારાબહેનને નહોતી પરંતુ અરૂપ કારણોથી કયાં અજાણ હતો ? શું કહે તે તારાબહેનને ?

છતાં તારાબહેનની લાગણી તેને સ્પર્શી ગઇ.’ તારાબહેન, તમે એક કામ કરી શકો ? ‘તારાબહેન અરૂપ સામે જોઇ રહ્યા.

’ તારાબહેન, ઇતિને તો આપણે ત્યાં લઇ જઇ શકીએ તેમ નથી. પરંતુ તમે તેને બધી વાત કરી જુઓ..તે કોઇ રસ્તો બતાવશે તો આપણે તે મુજબ જરૂર કરીશું. ‘

’ ઠીક છે સાહેબ હું વાત કરી જોઇશ. ‘

કંઇક મૂંઝાતા તારાબહેન બોલ્યા અને નીચે ગયા..

અરૂપ ઇતિ પાસે જાતજાતની વાતો કર્યા કરતો. ઇતિ સાંભળે છે કે કેમ તેની પરવા કર્યા સિવાય..કયારેક..કોઇ વાત તેને સ્પર્શી જશે અને તેને હોંકારો મળશે..કોઇ પ્રતિસાદ મળશે..ભલે ને પછી તે ગમે તેવો નેગેટીવ હોય...એ પછી જોઇ લેવાશે. બસ એકવાર ઇતિની ચેતના પાછી આવે એકવાર ઇતિ તેનો એકરાર સાંભળી લે ..સમજી લે પછી તેને જે સજા કરવી હોય તે કરે..તે વિના અરૂપને ચેન પડે તેમ નહોતું. કોઇનું ચેન જાણ્યે અજાણ્યે છીનવી લેનારને કયારેક વહેલુ કે મોડું બેચેન બન્યે જ છૂટકો થાય ને ?

અરૂપને એક જ આશ્વાસન હતું કે ઇતિ પોતાની કોઇ પણ વાતનો વિરોધ કર્યા સિવાય તે જેમ કહે તેમ ભલે યાંત્રિકતાથી, પણ કરતી રહેતી.

એક સવારે ચા પી લીધા બાદ ઇતિ રોજની માફક હીંચકે બેઠી હતી. અરૂપ પણ આવીને તેની પાસે બેઠો.

‘ ઇતિ, તને ખબર છે ? મારી ઓળખાણ અમેરિકામાં અનિકેત સાથે અચાનક જ થઇ હતી. અને તેમાં યે નિમિત્ત તો તું જ હતી. તારા અનિકેત પાસે ઇતિની વાત સિવાય બીજું શું હોય ?

તે દિવસે રવિવાર હતો. અમે પાંચ છ મિત્રો મીશીગન લેઇકમાં બોટીંગ માટે ગયેલ. અનિકેત મારા મિત્ર સંકેતનો મિત્ર હતો. અને સંકેત તેને પોતાની સાથે લાવ્યો હતો. અમારી એ પહેલી મુલાકાત. ત્યાં બોટમાં બધા પોતપોતાની ગર્લફ્રેન્ડની વાતો કરતા હતા. અનિકેત મૌન હતો.તેના ચહેરા પર એક ચમક હતી. બીજા બધા કહે આ શાંત, ઘરકૂકડા છોકરાને વળી ગર્લફ્રેંડ જ ન હોય તે બિચારો શું વાત કરે ? દોસ્તોની આ મજાક સામે પણ અનિકેત મૌન જ રહ્યો અને કબૂલ કર્યું કે તેને કોઇ ગર્લફ્રેન્ડ નહોતી. પરંતુ તેના ચહેરા પરની ચમક હું પારખી ગયો હતો. છોકરીની વાત નીકળતા જ તેની આંખોમાં ઉઘડેલ ઉજાસમાં મને કોઇનું વણદીઠું પ્રતિબિંબ દેખાયું હતું.ન જાણે કેમ પણ હું તેની પાસેથી વાત કઢાવવા આતુર બની ગયો. મેં તેનો પરિચય વધાર્યો. દોસ્તી કેળવી. વિશ્વાસ હાંસિલ કર્યો. અને અંતે તેને બોલતો કર્યો.

શરૂઆતમાં મને હતું કે કદાચ કોઇ છોકરીની બે ચાર વાતો હશે.સાંભળવાની, મસ્તી કરવાની મજા આવશે. તેને હેરાન કરીશું અને બે ઘડી મોજ માણીશું.

પણ ના.. ત્યાં બે ચાર વાતો નહીં.. અનિકેતનું સમગ્ર અસ્તિત્વ...આખું જીવન હતું. તેની દરેક ક્ષણમાં તું સચવાયેલ હતી. ઇતિ, માત્ર તું. એક છોકરો આટલી હદે કોઇને ચાહી શકે એ મારે માટે નર્યું આશ્ર્વર્ય હતું. અમે બધા તો અત્યાર સુધી....’

અરૂપ પાણી પીવા બે ઘડી થોભ્યો. તેણે ઇતિ સામે નજર નાખી. પણ ત્યાં કોઇ ભાવ દેખાયા નહીં. પણ આજે અરૂપને કહ્યા સિવાય છૂટકો નહોતો. કયાંક આ વલોપાતના વમળમાં તે જ....

અનિકેતની વાત આવતાં કદાચ ઇતિ તરફથી એકાદ શબ્દ...એકાદ પ્રશ્ન આવશે એવી પાંગળી શંકા...અર્થહીન આશા અરૂપના મનમાં ઉગી આવી. ડૂબતો માણસ તરણુ પણ ઝાલે એવી એ ઠગારી આશા પણ આ ક્ષણે તેને આશ્વાસન આપતી હતી. પણ....

એકાદ મિનિટના મૌન પછી ઇતિ તરફથી કોઇ પ્રશ્ન..કોઇ હોંકારો ન આવતા તેણે આગળ વાત ચાલુ રાખી.

ઇતિ, અનિકેતની વાતોમાં તારું પ્રતિબિંબ ઉભરતું ગયું. એ ઇતિમય બનીને કહેતો રહ્યો.અને હું ઇતિમય બનીને સાંભળતો રહ્યો.તમારા શૈશવની એક એક ક્ષણ તેની અંદર કેટલી હદે જીવંત હતી..ઇતિ, તું મને તારા શૈશવની વાતો કરતી અને હું અકળાતો.. શા માટે ? મને બધી જાણ હતી જ. અને મારે તેનાથી દૂર જવું હતું, છૂટવું હતું. મારો અહમ ઘવાતો અને હું તને રોકતો. તું રોકાઇ જતી. તારો ઉત્સાહ રોકાઇ જતો. પણ......! બસ એ પણની પેલે પારનું સત્ય હું કયારેય સમજી ન શકયો.

‘ઇતિ, અનિકેતની વાતો હું કલાકો સુધી થાકયા, કંટાળ્યા વિના સાંભળતો રહેતો. અનિની એ સાથીદારમાં... તારામાં અભાનપણે હું ખોવાતો રહ્યો. અનિકેતની વાતોમાંથી ઉભરતા તારા પ્રતિબિંબને હું મારા મનમાં અંકિત કરતો રહ્યો. તારી છબી અનાયાસે મારી અંદર ઉતરતી રહી. શ્રીમંતનું લાડકું, હઠીલું બાળક જેમ કોઇ વસ્તુ માટે જીદ કરે તેમ મારા મનમાં એક જીદ પ્રગટી હતી. ઇતિને હવે હું મારી જ બનાવીને જંપીશ. હવે એ મારે જ જોઇએ. અનિકેત પાસેથી હું ઇતિને છીનવીને જ રહીશ. એવો નિર્ણય મેં મૂરખે કર્યો હતો. કેવા ભ્રમમાં હતો હું...! ’

બોલતાં બોલતાં અરૂપનું ગળુ ભરાઇ આવ્યું. છલકતી આંખે અરૂપ બોલતો રહ્યો. તેની એક એક વાતમાં આજે દિલની પૂરી સચ્ચાઇ હતી. ઇતિ સાંભળે કે નહીં.. સમજે કે નહીં...આજે તે ઠલવાઇ જશે. પૂરેપૂરો ઠલવાઇ જશે. ઇતિને જે માનવું હોય તે માને.. પણ હવે અંતરના આગળિયા ભીડેલા રાખવા અશકય હતા.

ઇતિ, તું અહીં જે વાતો કરતી તે બધી વાતો મેં અનિકેત પાસેથી સાંભળી હતી. વારંવાર સાંભળી હતી. અને એ એક એક વાતે મારા મનની બાળહઠ વધુને વધુ ઘેરી બનતી જતી હતી. તેની અનિકેતને કયાં જાણ હતી ? તે તો તદન નિખાલસતાથી એક સાચા મિત્ર આગળ પોતાનું હૈયુ ખોલી રહ્યો હતો. જેના પ્રત્યેક અણુમાં ઇતિ, અને ફકત ઇતિ જ હતી. અંદરથી હું એના પ્રેમની ઇર્ષ્યા કરતો. સખત ઇર્ષ્યા કરતો.. અને બહારથી તેના સાચા મિત્ર હોવાનો દંભ કરતો રહેતો. કેવી મોટી ભૂલ હું કરતો હતો તેનું મને કયાં ભાન હતું ?

અનિકેત દેશમાં પાછો ફરે તે પહેલાં તને મળી, તને પામી લેવાની. તીવ્ર ઝંખનામાં.....હરિફાઇમાં જીદે ભરાયેલ બાળકની જેમ જ હું યુ.એસ. છોડી ભારત પાછો આવ્યો.અનિકેતે મને ઢીંગલી આપી હતી. તને આપવા માટે. અને તારું સરનામું આપ્યું હતું. મેં તેને મારી કોઇ વાત તને કરવાની ના પાડી હતી. કે ” આપણે ઇતિને સરપ્રાઇઝ આપીશું. આ ભેટની પણ કોઇ વાત કરીશ નહીં. એને અચાનક આ મળશે ત્યારે એ કેવી ખુશ થઇ જશે.! અને તને શું કહેશે એ માણવાની ઇંતેજારી કર દોસ્ત...”

ભોળા અનિકેતને મારા મનના કપટની કલ્પના સુધ્ધાં કયાંથી હોય ? તેણે તો મારી દરેક વાતો બિલકુલ સરળતા, સહજતાથી પૂરા વિશ્વાસથી માની લીધી હતી. તારી જેમ જ. આંખો બંધ કરીને તેણે એક મિત્ર પર વિશ્વાસ રાખ્યો હતો. ઇતિ, બિલકુલ તારી જેમ જ. હું કોઇના વિશ્વાસને લાયક નથી...ઇતિ, કોઇના વિશ્વાસને તોડવાનું મહાપાપ મેં કર્યું છે.

ઇતિ, ઇતિ, આજે મને સમજાય છે. કે હું કેવડો મૉટો ગુનેગાર છું. કુદરતે જોડેલ બે દિલને છૂટા પાડવાનું પાપ હરખાતે હૈયે..અને પૂરી સભાનતાથી હું કરી રહ્યો હતો. નાના બાળકની જેમ હું કોઇની ગમતી વસ્તુ ઝૂંટવી લેવાની જીદે ભરાયો હતો. ઇતિ, હું સાચું કહું છું..હું ખરાબ નહોતો..કયારેય આવો નહોતો..ખબર નહીં કયા ઓથાર હેઠળ હું આ પાપ આચરી બેઠો..

તને મેળવવાની એક ઘેલછામાં હું સારાસારનું ભાન કે વિવેકબુધ્ધિ ખોઇ બેઠો હતો. મારી અંદર એક શેતાન જાગ્યો હતો. અને હું કોઇનો પ્રેમ, વિશ્વાસ ભૂંસી નાખવા કટિબધ્ધ બન્યો હતો.. મને કોઇ ભાન નહોતું રહ્યું. યેનકેન પ્રકારે અનિકેત પાસેથી તને ઝૂંટીને મારે મેળવી લેવી એ એકમાત્ર મારું ધ્યેય બની ગયું હતું.

“ Everything is fair in love and war. “ બસ એ વાકય જાણે મારે માટે બ્રહ્યજ્ઞાન બની ગયું હતું. હું મરણિયો બની ગયો હતો. અને એક મરણિયો માનવી જે કરે તે બધું જ મેં કર્યું. પૂરી સભાનતાથી, એક ક્રૂરતાથી કર્યું. હું હરખાતો હતો,અનિકેત આગળ મનોમન ગર્વ કરતો રહ્યો..

‘ કાં, દોસ્ત, તારી ઇતિ કયાં ? જો એ તો હવે મારી..સંપૂર્ણપણે મારી બની ગઇ છે. ‘

હું અનિકેતની હાંસી કરતો હતો...પરંતુ હકીકતે કુદરત મારી હાંસી કરતી હતી એ મને મૂરખને કોણ સમજાવે ?

કેવો દંભી હતો હું. કેવા ભ્રમમાં રાચતો હતો ! અમુક સંબધોને કાળ પણ છિનવી શકતો નથી એ સત્ય તો મને આજે સમજાય છે. ત્યારે તો હું મારી હોંશિયારીથી મનોમન ફૂલાતો હતો, હરખાતો હતો.ઇતિ, સાચું કહું ? તારી વાતોમાં આવતું અનિકેતનું નામ હું કયારેય સહન નહોતો કરી શકતો. કદાચ એક અજ્ઞાત ડર......મારી અંદર રહેલ ગીલ્ટી ભાવ, કંઇક ખોટું કર્યું છે. એ ગુનાની ભાવના મને અંદરથી જંપવા નહોતી દેતી. બીજા કોઇને જાણ હોય કે ન હોય પરંતુ મને તો જાણ હતી જ ને ? માનવી દુનિયા આખીથી ભાગી શકે પરંતુ પોતાનાથી કેમ ભાગી શકે ? તારી અંદરના અનિકેતનું નામોનિશાન મિટાવી દેવા પૂરી તાકાતથી હું ઝઝૂમી રહ્યો હતો.

હું તને ગમે તે ખુલાસાઓ આપીને મૌન કરી દેતો. અને તું તારી સરળતાથી મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકીને મારી દરેક વાતનો સ્વીકાર કરી રહેતી. મારો પુરુષ તરીકેનો અહમ સંતોષાતો. સ્ત્રીના પ્રેમને,સમર્પણને સમજી શકવાની શક્તિ કેટલા પુરુષોમાં હોય છે ? મારામાં પણ નહોતી જ. પ્રેમ એટલે સ્ત્રી માટે પૂરું જીવન અને પુરુષ માટે એક ઘટના માત્ર. નાની કે મોટી. પણ તેને માટે એ સર્વસ્વ નથી બની રહેતો.

મારા મનમાં સતત એક અજંપો જરૂર રહેતો. પણ એ અજંપો નેગેટીવ બનીને બહાર આવતો. તું મૌન થઇ જતી અને હું ખુશ થતો. હાશ ! હવે તું અનિકેતની વાતો નહીં કર્યા કરે. હવે તું અનિકેતને ભૂલી જઇશ.!

માનવી કેટકેટલા ભ્રમો સાથે જીવતો હોય છે.! મીઠા તોયે ભ્રમ માત્ર જ ને ?

ઇતિ, હું મૂરખ, પ્રેમ એટલે શું ? એ સમજી ન શકયો. હું બહું ખરાબ છું ઇતિ, બહું ખરાબ...’

એકીશ્વાસે હાંફતા...ત્રૂટક અવાજે બોલતા અરૂપની બંને આંખોમાંથી ગંગા જમના વહી રહી હતી. એના એક એક શબ્દમાં સચ્ચાઇનો, પશ્વાતાપનો, એહસાસનો રણકો હતો. અને છતાં મૂઢ બનેલી ઇતિને ઝકઝોરવા તે સમર્થ ન જ બની શકયો. ઇતિના હ્રદય આગળ લોખંડી કમાડ વસાઇ ગયા હતા. જે ભેદીને કોઇ સંવેદના અંદર જઇ શકતી નહોતી.

અરૂપ ઇચ્છતો હતો. અનિકેતની વાત સાંભળી ઇતિ રડે..ખૂબ રડે..પોતાને ખરું ખોટું ખૂબ સંભળાવે...ગમે તે રીતે ઇતિ ઠલવાય.

પરંતુ ઇતિના મૌનના ખડકને અરૂપની આંખોના ખારા જળ ન તોડી ન શકયા. કે ન અંદર સ્પર્શી શકયા. એ કાળમીંઢ ખડકને તોડીને કોઇ લીલી કૂંપળ ફૂટી ન શકી. કાળની એક જોરદાર થપાટે ઇતિના દિલના દરવાજા એવા તો સજ્જડ વાસી દીધા હતા કે હવે અરૂપ માટે તે ખોલવા અઘરા, અશકય થઇ પડયા હતા.

જીવનના રંગમંચ પર ઇતિને ભાગે હવે આ કયો રોલ ભજવવાનો આવ્યો હતો ?

પ્રકરણ 16 - બદલાતો અરૂપ“ હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે

નિગૂઢ પાનખર તણો એ સ્પર્શ આસપાસ છે..”

પૂર્વાકાશે હજુ પણ રોજ એ જ સૂર્ય ઉગતો હતો અને સાંજે સૂર્યાસ્તની સરહદ પર આછેરા તારલાઓ મૌન બની ઝળૂંબી રહેતા. ચેતનવિહિન, ઉલ્લાસવિહિન દિવસો અને અનાથ શિશુ સમી રાતો એકલી અટૂલી ઉભી ઉભી અશ્રુજળનો છંટકાવ કરી રહેતી. કોઇ જખમી મનુષ્ય દર્દથી ચિત્કારતો હોય તેમ પવન સૂસવાટા કરતો રહેતો. અને રોજ સવારે કેલેન્ડરનું પાનુ ઇતિની પથરીલી શૂન્યતા અને અરૂપના નિશ્ફળ પ્રયત્નોનું સાક્ષી બની ફાટતું રહેતું.

જયાં કદી સંબંધોના મોજા ઘૂઘવતા હતા ત્યાં આજે સાવ સૂક્કો, કોરો પટ..જયાં કોઇ કદી ચાલ્યુ હતું તેની છાપ, તે પગલા પણ અદ્ર્શ્ય થયા હતા. દૂર દૂર સુધી ઝાંઝવાનો અણસાર પણ નહીં. સમયની ગૂઢ લિપિ કોણ ઉકેલી શકયું છે ? માટીમાં મળી ગયા બાદ પણ દરેક બીજના નશીબમાં કૂંપળ બનીને ફરીથી પાંગરવાનું કયાં હોય છે ?

ઇતિ સૂતી હોય ત્યારે અરૂપના મનમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલતું રહેતું. આજે પણ તે આવા જ કોઇ વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં તારાબહેન આવ્યા. આજે તે ખુશ દેખાતા હતા.

આવીને તેણે અરૂપના હાથમાં કાગળની એક નાની પડીકી આપી.’ આ શું છે તારાબહેન ? ‘

’ સાહેબ માતાજી માની ગયા. મેં તેમને બહેનની બધી વાત કરી પહેલાં તો તેમણે બહેનને લઇને જ આવવાનું કહ્યું. પરંતુ મેં તેમને સમજાવ્યા અને ખોળો પાથરી આજીજી કરી ત્યારે કહ્યું,ઠીક છે.. તું આટલું કહે છે તો મારે કરવું જ રહ્યું.

’આ દાણા તેણે આપ્યા છે. અને બહેનને ખવડાવવાના છે. સાહેબ, ગમે તેમ કરીને બહેનને ખવડાવી દેજો. અને હા, સાહેબ, દસ મંગળવાર કરવાના તેમણે ખાસ કહ્યું છે. બહેન તો કેમ કરી શકશે ? પણ મેં માતાજીને પૂછી લીધું છે તેને બદલે કોઇ પણ કરે તો ચાલે. બહેનને બદલે હું કરીશ. તમે ચિંતા ન કરો. બહેનને જરૂર સારું થઇ જશે.’

તારાબહેનની લાગણી જોઇ અરૂપ ગળગળો થઇ ગયો. તેણે કહ્યું,

’ તારાબહેન, તમારે મંગળવાર કરવાની જરૂર નથી. હું જ કરીશ. શું કરવાનું છે..કેમ કરવાનું છે તે મને સમજાવજો. ‘

એક ડૂબતા માણસે તરણુ પકડી લીધું. અને આમ પણ અરૂપ તારાબહેનની શ્રધ્ધા તોડવા નહોતો માગતો.

તારાબહેન ખુશ થતાં પોતાના કામમાં પરોવાયા. હવે ઇતિને જરૂર સારું થઇ જશે. તેમ તેનું મન કહેતું હતું.

અરૂપ સંપૂર્ણપણે ઇતિમય બની ગયો હતો. પ્રેમનો સાચો અર્થ..મર્મ તે હવે સમજયો હતો. કાળને તો તે રીવર્સ ગીયરમાં ફેરવી શકે તેમ નહોતો. કે અનિકેતને પાછો લાવી શકે તેમ નહોતો. પરંતુ જે કંઇ તે કરી શકશે તેમાં હવે કોઇ કચાશ નહીં જ હોય. અરૂપ ડોકટરો, સાયકોલોજીસ્ટ પાસેથી પણ માર્ગદર્શન મેળવતો રહ્યો. ઇતિને ગમે તેમ કરીને હસાવવી કે રડાવવી તે જરૂરી હતું. અરૂપ, જે કયારેય અનિકેતની વાત ભૂલથી પણ ઉચ્ચારતો નહીં, તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહીં.

કોઇ પરિવર્તનની એન્ધાણી આપ્યા સિવાય, સીધા સપાટ દિવસો કાચબાની ગતિએ વહ્યે જતા હતાં. ઇતિમાં ખાસ કોઇ ફરક, કોઇ સુધારો પડયો નહોતો. તેની મૌનની દીવાલ તૂટી નહીં. કલાકો સુધી તે હીંચકા પર બેસી દૂર દૂર સુધી શૂન્ય નજરે જોઇ રહેતી. અરૂપ કહે તેમ મૌન રહીને કર્યા કરતી. અરૂપ તેના હાથને સ્પર્શતો તો જાણે પથ્થરનો હાથ. કોઇ નિર્જીવ વસ્તુનો સ્પર્શ કર્યો હોય તેવો અહેસાસ અરૂપને થતો. મંદબુધ્ધિના બાળકને કહીએ અને તે કોઇ વિરોધ વિના કે સમજયા વિના કર્યા કરે તેમ ઇતિ કર્યે જતી. અરૂપ થાકયા વિના અગણિત વાતો કરતો રહેતો. ઇતિ થોડા દિવસ તેની મમ્મી પાસે જાય તો કદાચ તેના મનનો ભાર થોડો હળવો થઇ શકે તેવું વિચારી અરૂપે તેને મોકલવાના કે પોતે સાથે જાય તે માટે તેવા ઘણાં પ્રયત્નો અરૂપે કરી જોયા. પણ વ્યર્થ. તેની કોઇ વાતનો પ્રતિભાવ તે ન જ મેળવી શકયો.

અંતે અરૂપે ફોન કરી તેની મમ્મીને થોડો સમય અહીં સાથે રહેવા બોલાવ્યા.

‘ ઇતિ, જો તો ખરી, કોણ આવ્યું છે ? ‘ અરૂપે ઉત્સાહથી બૂમ પાડી.

ઇતિ એમ જ હીંચકા પર બેસી રહી. કુતુહલથી તેની આંખો ફરી નહીં. તેની જિંદગીમાં એક અણધાર્યો શૂન્યાવકાશ સર્જાયો હતો. અને શૂન્યાવકાશમાં કોઇ પડઘા કેમ પડી શકે ? કોઇ આવે કે જાય ઇતિને કોઇ ફરક કયાં અનુભવાતો હતો ? તેને જગત આખા સાથે કોઇ લેવાદેવા, કોઇ સંબંધ કયાં રહેવા પામ્યો હતો ? કોઇ એક બિંદુ પર આવીને જીવન સ્થગિત બની ગયું હતું. જયાં કોઇ હલચલને અવકાશ નહોતો રહ્યો.

‘ઇતિ,’

ફરી એકવાર અરૂપે પ્રયત્ન કરી જોયો.

ઇતિ તરફથી કોઇ જવાબ ન મળતા અરૂપ ઇતિની મમ્મીને આવકારવા ઊભો થયો.

ઇતિ, બેટા, ‘

અવાજ સાંભળી ઇતિની આંખોમાં એકાદ સેકન્ડ આછો ચમકારો દેખાયો. અને ફરીને પાછી એ જ સ્થિરતા...તે એકીટશે મમ્મી સામે જોઇ રહી. જાણે તેને ઓળખવા મથી રહી.

‘ બેટા, તને જોવાનું બહું મન થયું હતું. તું ન આવી એટલે હું જ આવી ગઇ. બિટ્ટુ, તું મમ્મીને યે ભૂલી ગઇ ? ’

કહેતા નીતાબહેન ઇતિને ભેટી પડયા. દીકરીની પરિસ્થિતિની વાત તો અરૂપે તેમને કરી જ હતી. આજે નજરે જોઇ તેમની આંખો છલકી રહી.

ઇતિ જાણે ગૂંગળાઇ ગઇ હોય તેમ અસ્વસ્થ બની ગઇ. અરૂપ ધ્યાનથી ઇતિના વર્તનનો ફેરફાર જોતો રહ્યો. ઇતિની થોડી અસ્વસ્થતા પણ તેને ખુશ કરી ગઇ. કંઇક..કંઇક સંવેદના તો તે અનુભવી શકી. એક ઝબકારો જાગ્યો કે શું ? તેને આશા જાગી..હવે ઇતિમાં થોડો ફરક જરૂર પડશે. એક મા પાસે દીકરીનું હૈયુ ઠલવાશે. બસ..પછી તો તે પહોંચી વળશે. એકવાર ઇતિની ચેતના જાગવી જોઇએ. બાકીનું તે સંભાળી લેશે.

નીતાબહેન પુત્રીને માથે પ્રેમથી હાથ ફેરવતા રહ્યા. ઇતિના ચહેરા પરની એકાદ બે રેખા ફરકી..પણ મૌનની દીવાલ તો અકબંધ જ રહી. હોઠ ન જ ખૂલ્યા.

ઇતિ અને અનિકેતની વહાલયાત્રાના શૈશવથી સાક્ષી હોવાથી નીતાબહેન સમજી શકયા કે અનિકેતના મૃત્યુનો આઘાત જીરવવો ઇતિ માટે આસાન તો ન જ હોય. પરંતુ આટલી હદે..? ઇતિની આ હાલતની તો તે કલ્પના પણ નહોતા કરી શકયા. અરૂપે જયારે ફોન કરી તેમને રહેવા બોલાવ્યા હતા ત્યારે તેમના મનમાં હતું જ કે અનિકેતના જવાનો આઘાત ઇતિ માટે ખૂબ દુ:ખદાયક હશે જ. અને એમાંયે અંત સમયે મળી ન શકાયું તેનો રંજ પણ હશે જ. એ ખ્યાલ તેમને હતો જ. પરંતુ ઇતિની આવી હાલતની તો તેમને કલ્પના સુધ્ધાં નહોતી. અરૂપનું આદર્શ જમાઇ અને આદર્શ પતિ તરીકેનું તેમના મનમાં જે ચિત્ર વરસોથી હતું તેમાં અરૂપ માટે તો બીજી કોઇ કલ્પના શકય જ કયાં હતી ? ઇતિની આ અવસ્થા જોઇ તેમને ઇતિની સાથે સાથે અરૂપની પણ એટલી જ ચિંતા થઇ. જમાઇ ધંધાપાણી છોડી ઇતિની પાછળ..તેને સાજી કરવા માટે આટલું કરી રહ્યો છે એ જોઇ નીતાબહેનને અરૂપ માટે માન વધી ગયું.

’ બેટા, તું વધુ પડતી ચિંતા ન કરીશ. હું ધીમેધીમે અનિકેતની વાતો કરી તેને બોલતી કરી દઇશ. બહું નાનપણથી બંને સાથે રમીને મૉટા થયા છે તેથી થોડું વધારે થાય. અને તેમાં છેલ્લે તમારે અચાનક બહારગામ જવાનું થયું અને મળી ન શકાયું તેથી તેને કદાચ વધુ આઘાત લાગ્યો લાગે છે. બચપણની માયા જ એવી હોય.પણ બધું બરાબર થઇ જશે. બેટા, તું વધુ પડતું ટેન્શન ન લેતો.’

નીતાબહેન જમાઇને સધિયારો આપતા રહ્યા.

અરૂપ ફિક્કુ હસ્યો. શું બોલે તે ? આ સધિયારો તેને મૃગજળ જેવો લાગ્યો છતાં આભાસી તો આભાસી જળ તો ખરું ને ? તે આશા છોડી દે કે હિમત હારી જાય તે કેમ ચાલે ?પોતાની પાસે દિલના દરવાજા બંધ કરી દીધેલ ઇતિ કદાચ મા પાસે ખૂલી પણ જાય. એ આશાએ જ તેણે નીતાબહેનને અહીં તેડાવ્યા હતા. ભલે ઇતિ બધી સાચી વાત કહી દે..ભલે પોતે બધાની નજરમાં નીચો પડી જાય પણ તેની ઇતિ સાજી થાય એ જ મોટી વાત હતી તેને માટે.

ડોકટરોએ તેને કહેલું કે આઘાતને અંતિમ બિંદુએ..પરાકાશ્ઠાએ પહોંચેલ માનવીને એક નાનો સરખો ધક્કો પણ ગાંડપણની કક્ષાએ પહોંચાડી શકે. મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી ન બેસાય તે માટે કોઇ પણ પ્રકારની સંવેદના અનુભવવી, કોઇ પણ રીતે બહાર આવવી, વ્યકત થવી જરૂરી હતી. હસવું રડવું, ગુસ્સો, નફરત..કંઇ પણ...આ બધિરતા વધુ સમય ચાલી તો ? અરૂપ આગળ વિચારી ન શકયો. તેના મગજમાં ઘણની માફક સતત આ એક જ પ્રશ્ન વાગતો રહ્યો હતો. શું કરું ? શું કરું તો ઇતિ ફરી પાછી.....

પણ કશું કરવા જતાં કશુંક આડુઅવળુ થઇ જાય તો ? તે વિચાર પણ સતાવતો હતો. મનમાં સતત એક ભયનો ઓથાર...કંઇ પણ કરવા તૈયાર અરૂપને કોઇ દિશા, કોઇ દરવાજો દેખાતા નહોતા. સામાન્ય સંજોગોમાં નાસ્તિક ગણાતો અરૂપ આજે પૂરેપૂરો આસ્તિક બની અનેક માનતાઓ માની ચૂકયો હતો. ડૂબતો માણસ તરણુ પકડે તેવી તેની હાલત બની હતી. કયાંકથી કોઇ દરવાજો નહીં ખૂલી શકે ? તેના પાપની આવડી મોટી સજા ? અને ગુનેગાર તો પોતે હતો. સજા પોતાને હોય. ઇતિને શા માટે આ સજા ? કે પછી ઇતિને સજા એ જ તેની સૌથી મોટી સજા હતી કે શું ? જેથી તે પોતાની જાતને કયારેય માફ ન કરી શકે..જીવનભર વલોપાતની આ આગમાં જલતો રહે. તેને બધું મંજૂર હતું. પરંતુ ઇતિની આ દશાના મૂક સાક્ષી બનવું અઘરું…. બહું અઘરું બન્યું હતું તેને માટે.

તે રાત્રે ઇતિની બાજુમાં તેની મમ્મી સૂતી હતી.મમ્મીનો વહાલભર્યો હાથ પુત્રીના વાળમાં ફરી રહ્યો હતો.

‘ઇતિ, તને ખબર છે ? અનિકેત આવ્યો ત્યારથી મારી સાથે રોજ આખો દિવસ તારી જ વાતો કર્યા કરતો હતો. એકની એક વાત મારે તેને કેટલીયે વાર કહેવી પડતી. બિચારાના માબાપ એક અકસ્માતમાં ભગવાને છીનવી લીધા અને પોતાને આ જીવલેણ વ્યાધિ વળગ્યો.

અને ઇતિ, અનિકેતનું શરીર તો સાવ દુર્બળ થઇ ગયેલું. મારાથી તો તેની સામે જોવાતું નહોતું. તેને યે ખબર હતીકે તે હવે વધારે જીવવાનો નથી. છતાં આખો દિવસ હસતો જ રહેતો.મારા ખોળામાં માથુ રાખીને સૂતા સૂતા તમારા બાળપણની કેટલીયે વાતો કર્યા કરતો. તું તેને કેવી હેરાન કરતી. એકવાર તે માંદો પડયો હતો ત્યારે કેવી ખીજાઇને દવા પીવડાવતી હતી. ઇતિ, તેને તો બધું..બધું જ યાદ હતું હોં.

અરે, હા, ઇતિ, એક વસ્તુ તો તને આપતા ભૂલી જ ગઇ. અનિકેતે તને આપવા માટે રાખી હતી. પોતાને હાથે તને આપશે એમ કહેતો હતો. પરંતુ કમનશીબે એ દિવસ જ ન આવ્યો. ખેર ! એક મિનિટ થોભ તને આપુ..’

થોડી ક્ષણો નીતાબહેન ઇતિ સામે જોઇ રહ્યા. પરંતુ ઇતિ કશું પૂછે..કશું બોલે એ આશા ઠગારી નીવડી. તેણે મમ્મીની વાતનો કોઇ પડઘો પાડયો નહીં કે કશું પૂછયું નહીં. કોઇ આતુરતા તેની કીકીઓમાં ચમકી નહીં. એક છૂપો નિ:શ્વાસ નાખી નીતાબહેન ઉભા થયા અને પોતાના થેલામાંથી પીળી પડી ગયેલ એક નોટબુક લઇ આવ્યા.અને ઇતિના હાથમાં પકડાવી.

ઇતિ નોટબુક સામે જોઇ રહી. પરંતુ ઓળખાણનો કોઇ અણસાર તેની આંખોમાં ઉપસ્યો નહીં કે ન તેણે પાના ફેરવવાની કોઇ ઉત્સુકતા દર્શાવી. બસ..એકીટશે નોટ સામે જોઇ રહી.

ઇતિ, જો તો ખરી..અનિકેતે આમાં તારા કેટલા બધા ચિત્રો દોર્યા છે. ‘

કહેતા નીતાબહેને એક પછી એક પાના ફેરવતા ગયા. સૌથી છેલ્લે ડાંસ કરતી ઇતિનો મોટો, ખૂબ સરસ સ્કેચ હતો. ઇતિના ચહેરા પરની એક એક રેખા તેમાં એવી તો સરસ ઉપસી હતી.

‘ઇતિ, આ તો જો...અનિકેતે આ ચિત્રમાં તો કમાલ કરી છે . એક એક ભાવ કેવા સરસ ઉપસાવ્યા છે. અને તે પણ ખાલી પેન્સિલથી.

ઇતિની આંખો ચકળવકળ થતી રહી. એ કાળી રેખાઓ સામે તે જોઇ રહી. એ રેખાઓ પરિચિત છતાં અપરિચિત કેમ લાગતી હતી ? તેને કશું સમજાતું કેમ નહોતું ? ઇતિના ચહેરા સામે જોઇ તેના ભાવ ઉકેલવાની મથામણ કરતાં નીતાબહેનને થોડો ડર લાગ્યો. તેમણે ઇતિના હાથમાંથી સ્કેચબુક લઇ લીધી અને બંધ કરી.

ઇતિ, લે, થોડું પાણી પી લે. સારું લાગશે. ‘

અને નીતાબહેને ઇતિને પાણી પીવડાવ્યું. થોડું પોતે પીધું. અને ઇતિની બાજુમાં સૂતા સૂતા તેને માથે હાથ ફેરવતા બોલી રહ્યા.

‘ ઇતિ, તને ખબર છે..? તારા લગ્નના ફોટા તો અનિકેત કેટલી વાર જોયા કરતો. તું કેવી બદલાઇ છો, લગ્ન પછી કેવી લાગે છે..એ બધી વાતો સતત પૂછતો રહેતો. આગલે દિવસે પૂછી હોય તો પણ બીજે દિવસે ફરી પાછો એ જ વાતો મને પૂછ્યા કરતો. પછી તારી જેમ ખીજાઇને મારે સૂવડાવી દેવો પડતો. તારી બીક બતાવું એટલે ડાહ્યો થઇને ચૂપચાપ સૂઇ જતો. જોકે થોડી જ વાર હોં. અને વળી પાછા એના પ્રશ્નો ચાલુ થઇ જતા.

અને ઇતિ, અનિકેત ત્યાં અનાથ બાળકોની કોઇ સંસ્થામાં સેવાનું કામ કરતો હતો. નામ તો હું ભૂલી ગઇ. પરંતુ તેના મમ્મી પપ્પાના અવસાન બાદ અનિકેતે ભણવાનું પણ છોડી દીધું હતું. અને સંસ્થામાં જ રહેતો હતો અને આખો વખત એમાં જ કામ કરતો હતો. એના ફોટા પણ ઘણાં લાવ્યો હતો. તારે જોવા છે ? પછી નિરાંતે બતાવીશ હોં. અને, તારા લગ્નના આલ્બમ જોતાં તો તે ધરાતો જ નહોતો. મને કહેતો,

’ આંટી, ઇતિ આવે એટલી વાર છે. તેને ચીડવવાની કેવી મજા આવશે ! ‘ સાસરે નહીં જાઉં ‘ એમ કહેતી હતી ને ?કેવી સાસરે ચાલી ગઇને ? અને લગ્નમાં શું કર્યું હતું,કેમ કર્યું હતું. બધી વિગત પૂછતો રહેતો. મને કહે, ‘ એમ ટૂંકમાં નહીં. આંટી, મારે ઇતિના લગ્નની બધી વાત નિરાંતે સાંભળવી છે. ‘

હું લગ્નની બધી વાતો તેને કર્યા કરતી.અને તે થાકયા વિના સૂતો સૂતો સાંભળ્યા કરતો.

વળી કયારેક કહેતો,

‘ આંટી, આ લગ્નના ફોટામાં તેની આંખોમાં જે ચમક દેખાવી જોઇએ તે મને કેમ દેખાતી નથી ? તે બહું રડી હતી ? હું નહોતો આવ્યો એટલે ? સાસરે જતી વખતે મને યાદ કરતી હતી કે નહીં ? અને હવે તેને સાસરું એટલે શું એ સમજ પડી કે નહીં ? ‘

તારી મશ્કરી કરતો અનિકેત કેટલું હસતો હતો ? અને ઇતિ, તે તો અરૂપને પણ ઓળખતો હોય તેમ બધી વાતો કરતો હતો. જોકે તેની તબિયતને લીધે મેં બહું પૂછયું નહીં. દવા પીવાની તો ના જ પાડતો હતો. પણ તારી બીક બતાવીને હું તેને પીવડાવતી હતી. કે ઇતિને કહી દઇશ હોં..! પછી ભલે આવીને તને ખીજાય. પણ જોને તું યે આવી શકી નહીં. છેલ્લી મિનિટ સુધી તે તારી રાહ જોતો રહ્યો. તેની આંખો દરવાજા તરફ જ મંડાઇ રહેતી. જરાક અવાજ થાય અને તેને બારણું ખખડવાના જ ભણકારા વાગતા.

‘ આંટી, જુઓને ઇતિ આવી ? ‘

તને છેલ્લીવાર જોવાની, મળવાની તેની હોંશ અધૂરી જ રહી. ખેર! શું થાય ? બેટા, સૌ કિસ્મતના ખેલ છે. નશીબમાં લખેલું મિથ્યા થોડું થાય છે ? ‘

નીતાબહેન એકધારું બોલતા રહ્યા .

ઇતિની આંખના ખૂણે એક મોતી ચમકી રહ્યું. બહાર આવવાને બદલે પાંપણમાં જ થીજી ગયું. અરૂપે નીતાબહેનને કહી રાખ્યું હતું કે ઇતિ રડે એ બહું જરૂરી છે. તેથી નીતાબહેન અનિકેતની વાતો કરી તેને રડાવવા મથી રહ્યા હતા. ધ્રૂસકે ધ્રૂસકે રડાવવા મથતા નીતાબહેનને પાંપણમાં થીજી ગયેલું એક બુંદ કેમ દેખાય ? અનિકેતની છેલ્લી પળોની, તેની મૃત્યુની વાત કરતાં નીતાબહેન પોતે રડી પડયા. ઇતિની આંખો ચકળવકળ ફરતી રહી. જાણે કશું શોધવા મથતી ન હોય ?

ઇતિનું આ બહાવરાપણું જોઇ નીતાબનહેન ગભરાઇ ગયા. મૌન પુત્રીને માએ પોતાના પાલવમાં નાનકડા શિશુની જેમ ઢબૂરી દીધી.

દૂર દૂર આકાશમાં દેખાતા બે ચાર તારાઓ સાવ નિસ્તેજ લાગતા હતા. ચન્દ્ર પણ સાવ ફિક્કોફસ...! તારા અને ચન્દ્રના શણગારવિહિન રજની કોઇ વિધવાના સૂના કપાળ જેવી સૌભાગ્યવિહિન બનીને ધીમા પગલે ચૂપચાપ સરતી રહી.

ઇતિના ચહેરા પરની જડતાની એકાદ બે રેખાઓ હળવી થઇ હતી કે પછી એ પણ એક ભ્રમ માત્ર ?

પ્રકરણ 17 - યાદોના દીપ જલશે ?

“ કોઇ મારું ન થયું, કોઇ સંબંધો ન તૂટયા, ડાળખી સાવ લીલી રહી,અને પર્ણો ન ફૂટયા.”

અરૂપે મંગળવાર શરૂ કર્યા હતા. તારાબહેન કહે તે મુજબ કોઇ દલીલ વિના તે કરતો રહેતો. માને કે ન માને પણ ઇતિ માટે તે જરૂર કરશે. તારાબહેન કહેતા,

’ સાહેબ, ઘણીવાર મોટા મોટા દાકતરો ના પાડી દે ત્યારે કોઇ ચમત્કારની જેમ ચપટી ધૂળ પણ કામ કરી જાય. ‘

ઇતિના મમ્મી પણ આવું કશુંક કહેતા હતા. અરૂપ બધું સ્વીકારતો રહે છે..કરતો રહે છે.

‘તારાબહેન, તમે મંગળવાર ગણજો હોં. અને તમે આપેલા પેલા દાણા ઇતિને ખવડાવી દીધા છે. હવે તો ઇતિને સારું થઇ જશે ને ? મમ્મી, મારી..આપણી ઇતિ સારી થઇ જશે ને ? કહેતાં અરૂપનો અવાજ ગળગળો થઇ જાય છે. તારાબહેનને સાહેબની દયા આવે છે. બહેનની માંદગીએ સાહેબને કેવા હલબલાવી નાખ્યા છે. નીતાબહેન અરૂપને પોતાની રીતે સધિયારો આપતા રહે છે.

હવે રોજ સવારે અરૂપ વહેલો ઉઠી જાય છે. ઇતિની જેમ જ તુલસીકયારે પાણી રેડી, દીવો કરી ભાવથી નમી રહે છે. બગીચામાં એક આંટો મારે છે. પરંતુ બીજી કોઇ ગતાગમ પડતી નથી. ઇતિ અહીં બીજું શું કરતી તેની તેને જાણ કયાં હતી ? પંખીઓને કે સસલા, ખિસકોલીને તો અરૂપ અપરિચિત લાગે છે.

તેને જોઇને દોડીને ભાગી જાય છે. એક નિ:શ્વાસ સાથે અરૂપ ફકત તેમને જોઇ રહે છે. હજુ આ બધાને પ્રેમ કરતાં એ શીખ્યો નથી. પરિચયની કેડી ધીમે ધીમે પાંગરી રહી છે. વિશ્વાસ જનમવો બાકી છે. પ્રકૃતિ તરફથી હોંકારો મળવો હજુ બાકી છે.

ઇતિમાંથી જે કશુંક બાદ થઇ ગયું હતું. એ હવે અરૂપમાં ઉઘડતું હતું કે શું ? ફૂલમાંથી ખુશ્બુ બાદ થાય પછી ફૂલ ખીલેલું તો દેખાય પણ એનું સત્વ, એનું પુષ્પત્વ કયાં ? એ હોવા છતાં ગેરહાજર જ રહે છે. પાનખર વિના જ પર્ણ ખરી પડયાં હતાં. યાદોના સઘળા દીપ ઓલવાઇ ગયા હતા અને હવે અંધકારે જાણે ડેરો જમાવ્યો હતો. અરૂપના અનેક પ્રયત્નો ઇતિના અંતરમાં પડઘાયા વિના જ બૂમરેંગની જેમ પાછા ફરતાં હતાં.

ઇતિને તો હવે દરિયો પણ કયાં યાદ આવતો હતો ? પરંતુ અરૂપને હવે દરિયો જરૂર યાદ આવી ગયો. જીવનના સમીકરણો બદલાઇ રહ્યા હતાં.

‘ મમ્મી ચાલો, આજે આપણે બધા દરિયે જઇએ. ઘણાં સમયથી જવાયું નથી. મજા આવશે.’ ઇતિ સામે નજર કરતાં અરૂપે નીતાબહેનને કહ્યું. નીતાબહેને જમાઇની વાતમાં તુરત સાથ પૂરાવ્યો.

‘ચાલ ઇતિ, ઘણાં સમયથી હું પણ બહાર નીકળી નથી. જલદી તૈયાર થઇ જઇએ.’ઇતિ કશું સમજી ન હોય તેમ મૂઢની માફક મમ્મી સામે જોઇ રહી.

નીતાબહેને ફરીથી કહ્યું, ’દરિયાની હવા ખાવાની મને તો આદત થઇ ગઇ છે. ચાલ જરા ફ્રેશ થઇ જવાશે.’

ઇતિએ ઉભા થવાની કોઇ ચેષ્ટા દર્શાવી નહીં.

શું કરવું તે નીતાબહેનને સમજાયું નહીં. તેણે થોડા મૂંઝાઇને અરૂપ સામે જોયું.અરૂપે કશું બોલ્યા સિવાય ઇતિનો હાથ પકડી તેને પ્રેમથી ઉભી કરી.

ફરી એકવાર ચાવી દેવાઇ અને કઠપૂતળી ચાલી.

સામાન્ય સંજોગોમાં તો ઇતિ દરિયાને દૂરથી જુએ ત્યાં જ તેના પગને જાણે પાંખ ફૂટે. અને તે નાના બાળકની જેમ દોડી જાય. દરિયો તો ઇતિનો પ્રથમ પ્રેમ. દરિયા સાથે તેની અને અનિકેતની કેટકેટલી યાદો સંકળાયેલી છે. અરૂપને કદાચ તેથી જ દરિયે આવવું ગમતું નહીં. રવિવાર આવે અને દરિયે ન આવવું પડે માટે તેના અનેક પ્રોગ્રામ અગાઉથી બની જ ગયા હોય. ઇતિ કશું બોલ્યા સિવાય તેને અનુસરતી રહેતી. અનિકેત સાથે જોડાયેલી દરેક વાતથી ઇતિને દૂર રાખવાના કેટકેટલા પ્રયત્નો આટલા વરસો સુધી અરૂપે કર્યા હતા. આજે કાળની એવી તો થપાટ લાગી હતી કે તે આખો બદલાયો હતો. સમયની એક ફૂંકે પહેલાના અરૂપને અદ્રશ્ય કરી દીધો હતો અને હવે જાણે નવા જ અરૂપનો જન્મ થયો હતો.

આજે દરિયાએ પણ અરૂપનું કોઇ અલગ જ સ્વરૂપ જોયું. દરિયો એટલે ફકત ખારું પાણી જ નહીં..એ અરૂપને સમજાયું હતું. દરિયાને જોઇ ઇતિને બદલે આજે અરૂપને પાંખો ફૂટી હતી. ઇતિનો હાથ પકડી તે રેતીમાં દોડયો હતો. હાંફતા હાંફતા તે નીચે ભીની રેતીમાં બેઠો હતો અને હાંફતી ઇતિને પણ નીચે બેસાડી હતી.

’ ઇતિ, ચાલ, આપણે સરસ મજાનો બંગલો બનાવીએ. તારો વધારે સારો બને છે કે મારો ? આપણી હરિફાઇ...ચાલ કમ ઓન..ઇતિ,ઇતિના હાથ પકડી રેતીને અડાડતા અરૂપે ઉમેર્યું’ જોકે મને તો બંગલો બનાવતા યે કયાં આવડે છે ? મને શીખડાવીશને ?’કહી જવાબની રાહ જોયા સિવાય અરૂપે ભીની રેતી ભેગી કરવી શરૂ કરી.

ઇતિ એકાદ ક્ષણ અરૂપ સામે,અરૂપના રેતીવાળા હાથ સામે અને પછી રેતીના ઢગલા સામે જોઇ રહી. તેની આંખો અનાયાસે મીંચાઇ ગઇ.

અરૂપે ઇતિનો હાથ પકડી ભીની રેતીને અડાડયો.

’ઇતિ, તું તો બંગલો બનાવવામાં એક્ષપર્ટ છે. બંધ આંખોએ પણ બંગલો બનાવી શકીશ. ચાલ..’

ઇતિના આંગળા અભાનપણે રેતીમાં ફરી રહ્યા. બંગલો તો ન બન્યો. પણ તેના આંગળા ભીની રેતી પર આડાઅવળા લીટા કરતા રહ્યા.

અરૂપ માટે તો એ આશ્વાસન પણ કયાં ઓછું હતું ? તે બંગલો બનાવતો રહ્યો. સામે દૂર આસમાનમાં... કોઇ ચિત્રકાર મનમાની તસ્વીર ન આલેખી શકયો હોવાથી ગુસ્સે થઇને, રંગો વેરીને ચાલી જાય તેમ વેરાયેલ સૂર્યકિરણોએ આકાશમાં એક અનોખી રંગછટા ઉભી કરેલી હતી. એનું અદભૂત પ્રતિબિંબ સમુદ્રના આછા નીરમાં પણ ઉભરતું હતું. જાણે કોઇ ઝળહળતું ઝૂમ્મર તૂટીને એના ટુકડા પાણીમાં ન વેરાઇ ગયા હોય ! સૂર્યના કિરણોની લાલાશ દરિયાના પાણીમાં ઘેરાતી હતી. સાંધ્યરંગો ઇતિ અને અરૂપના ચહેરા પર ચમકી રહ્યા હતા. પાણીમાં ડૂબતા પહેલાં સૂરજ જાણે આકાશમાં પોતાની હયાતિના હસ્તાક્ષર કરતો હોય તેમ ક્ષિતિજે લાલ,પીળા રંગોની આભા ઉભરતી હતી. દૂરથી કાળા ટપકા જેવી દેખાતી કોઇ હોડી જલદીથી પાછા ફરવાની ઉતાવળમાં તેજ ગતિએ કિનારા તરફ ધસી રહી હતી. વૃક્ષોના પાણીમાં ઉભરતા લીલાછમ્મ પ્રતિબિંબથી પાણીનો રંગ પણ લીલેરી ઝાંય પકડતો હતો. સંતાકૂકડી રમતા સૂરજે છેલ્લીવાર ડોકુ બહાર કાઢી ઇતિ સામે કરૂણાભરી નજર નાખી જાણે ઇતિની હાલત જોવાતી ન હોય તેમ પાણીમાં અંતિમ ડૂબકી મારી ગયો. અસ્ત થતાં સૂરજની તેજલીલા થોડીવાર સૂર્યના હોવાની સાક્ષી પૂરાવતી રહી.

અરૂપના પ્રયત્નો પર કાળદેવતાની નજર ઠરી હતી કે શું ? તેને અરૂપની દયા આવી હતી કે શું ? ઇતિના આંગળા પહેલીવાર જાતે રેતીમાં ફરતા હતા.કોઇ રેખાઓ રેતીમાં ઉગતી હતી કે ઇતિના અંતરમાં ?

સૂરજદાદા અહીં ભલે અસ્ત પામી ગયા હતા. પરંતુ બીજે કયાંક ઉગવાની તૈયારી હતી જ. અહી ન દેખાય તેથી તેના અસ્તિત્વનો ઇન્કાર થોડો થઇ શકે ? એમ તો અનિકેત ઇતિના જીવનમાં વરસોથી કયાં દેખાયો હતો ? પરંતુ તેથી તેનું અસ્તિત્વ નહોતું એમ કેમ કહી શકાય ?ઇતિના હાથ ભીની રેતીમાં ઝાંખીપાંખી કોઇ રેખાઓ આંકતા રહ્યા.. અરૂપ ઇતિ સાથે વાતો કરતા કરતા બંગલો બનાવતો રહ્યો.

ઇતિની મમ્મી બાજુમાં બેસી અરૂપને બંગલો બનાવવવામાં મદદ કરવા લાગી ગયા.’ ‘અરૂપ બેટા, જો આમ કરીશ તો વધુ સરસ લાગશે. તને ખબર છે અનિકેતને યે બંગલો બનાવતા નહોતું આવડતું. તે તો ઇતિ બનાવે તેમાં ખાલી સલાહ સૂચના જ આપ્યા કરે. અને ઇતિનો બંગલો જ જોયા કરે. મારી ઇતિ બંગલો બનાવે ને સૌ બે ઘડી જોઇ રહે હોં.’

ઇતિ, જો તો ખરી આ અરૂપે પણ સરસ મજાનો બંગલો બનાવ્યો હોં. ‘

ઇતિ તો બંધ આંખે ન જાણે શું જોઇ રહી હતી ? કે પછી ફકત અંધકાર..કશું દેખાતું નહોતું ? સ્મૃતિઓના પાના ભૂંસાઇ ગયા હતા કે શું ? કશું ઉઘડતું નહોતું. બંધ આંખે કયારેક જે આખી સૃષ્ટિ જોઇ શકતી ત્યાં આજે અંધકાર..સંપૂર્ણ અંધકાર...! જીવન કોઇ એક બિંદુએ સ્થગિત થઇ ગયું હતું. આગળ કે પાછળ...કયાંય પણ નજર કરવાની ક્ષમતા ગુમ થઇ ગઇ હતી.

‘અરે, ઇતિ, તારે હીંચકા ખાવા છે ? યાદ છે તું ને અનિ નાના હતા ત્યારે હીંચકા માટે કેવા ઝગડતા હતા ? અનિકેત તને કેવા જોશથી હીંચકા નાખતો હતો અને તું ગભરાઇને ચીસો પાડી ઉઠતી. અરૂપ બેટા, તને ખબર છે? ઇતિ નાની હતી ને ત્યારે સાવ બીકણ હતી. અને અનિકેત તેને ડરાવવાનું કયારેય ચૂકતો નહીં. બંને વચ્ચે ઇટાકિટ્ટા..રિસામણા, મનામણા ચાલ્યા જ કરતા. ઇતિનો વાંક હોય ને તો પણ અમારા આ બેનબાની છાપ જ એવી કે ઇતિ તો બહું ડાહી..એ તોફાન કરે જ નહીં. અને ઠપકો તો અનિકેતને ભાગે જ આવે. અરે, સુલભાબહેન..અનિકેતની મમ્મી પણ તેને જ ખીજાય. મારી ઇતિ તો બધાની લાડલી ને ચાગલી. અને બધા અનિકેતને ખીજાતા હોય ત્યારે આ બેનબા છાનામાના અનિકેતને અંગૂઠો બતાવતા ઉભા હોય. ઇતિનું ટીખળ બીજા કોઇને દેખાય નહીં. અને અનિકેતની પીપૂડી તો સાંભળે જ કોણ ? સાચુંને ઇતિ ? ‘બોલતા બોલતા નીતાબહેન અનિકેતની યાદથી ગળગળા થઇ ગયા. ઇતિ મટકુ પણ માર્યા સિવાય મમ્મી સામે જોઇ રહી હતી. શું સાંભળતી હતી એ સમજવાનો પ્રયત્ન કરતી હતી કે શું ?

’ અને, અરૂપ, અનિકેત જરાક કંઇક કરે ને ત્યાં બધાની આંખે ચડી જાય. અને સૌ તેને જ કહે,

’તું જ એવો છે..તેં જ કંઇક તોફાન કર્યું હશે. ઇતિ તો બહું ડાહી છે. ‘

અનિકેતને વારંવાર આવું સાંભળવું પડતું. પણ હું તો મારી દીકરીને ઓળખું ને ?એના પરાક્રમની મને તો જાણ હોય ને ?મારે સુલભાબહેનને કહેવું પડતું,’ તમે નકામા અનિને ખીજાવ છો..આ મારી દીકરી કંઇ ઓછી નથી. તેણે જરૂર કશુંક કર્યું જ હશે.આમ પણ અનિકેતને ચીડવવો એ તો ઇતિનું મનગમતું કામ. ખરુંને ઇતિ ? સળી કરીને પોતે દૂર ભાગી જાય અને અનિ બિચારો ફસાઇ જાય. ‘

ત્રાંસી આંખે ઇતિ સામે જોતા જોતા નીતાબહેન એકધારા બોલી રહ્યા હતા. અરૂપની નજર તો ઇતિ સામે જ ખોડાયેલી હતી.ઇતિના હાવભાવનું સૂક્ષમ નિરિક્ષણ તે કરી રહ્યો હતો. અને ઇતિ ?

ઇતિના કાન પર કોઇ શબ્દો અથડાતા હોય..કોઇ ઝાંખી યાદ ઉભરી આવતી હોય તેમ વચ્ચે વચ્ચે એકાદ નાનો આછો ઝબકાર તેના ચહેરા પર છવાઇ જતો. અને ફરી પાછો ગાઢ અંધકાર.

અને એ અંધકારે અરૂપ ફરી પાછો હતાશાની ગર્તામાં ધકેલાઇ જતો. પણ ના..ના એમ હતાશ થયે કેમ ચાલશે ?

રાત સુધી એમ જ અરૂપ અને નીતાબહેન આડીઅવળી વાતો કરતા રહ્યા.તેમની વાતોમાં અનિકેત ડોકાયા કર્યો અને ઇતિની આંખોમાં વીજળીના ક્ષણિક ઝબકારની આવનજાવન ચાલુ રહી. અરૂપ આશા નિરાશા વચ્ચે ઝૂલતો રહ્યો. નીતાબહેન દીકરીની હાલતથી દુ:ખ અનુભવતા રહ્યા.

‘ ઇતિ, ચાલ, આજે તો આપણે પણ ફરી એકવાર નાના બની જઇએ અને હીંચકા ખાઇએ.

ઇતિનો હાથ પકડી અરૂપ તેને હીંચકા પાસે લઇ ગયો. અને ઇતિને હીંચકા પર બેસાડી તે ધીમેધીમે હીંચકા નાખવા લાગ્યો. ઇતિના હાથ મજબૂતીથી હીંચકાની સાંકળ પકડી રહ્યા. જાણે કશુંક છૂટી જતું હોય અને પોતે બાંધી રાખવા માગતી ન હોય ! અરૂપે ધીમે ધીમે હીંચકાની ગતિ વધારી. ઇતિએ આંખો બંધ કરી દીધી. અરૂપના મનમાં હતું કે ઇતિ ડરની મારી હમણાં ચીસ પાડી ઉઠશે.પરંતુ તે આશા પણ ઠગારી નીકળી.

‘ ઇતિ, આજે જમવા કયાં જશું ? સામાન્ય રીતે અરૂપ કોઇ મોટી હોટેલ જ પસંદ કરતો. ઇતિને તો બહાર ભૈયાજી પાસે ઊભી પાણીપૂરી અને જાતજાતની ચાટ ખાવી બહુ ગમતી. પરંતુ અરૂપને એવું કયારેય ગમતું નહીં.

આજે અરૂપે સામેથી જ કહ્યું

’ ઇતિ, તારા પેલા ફેવરીટ ભૈયાજીની ચાટ ખાવા જઇશું ને ? અને ગાડી એક ખૂમચાવાળા પાસે ઉભી.ઇતિ, તારે કઇ ચાટ ખાવી છે ? ‘

પરંતુ મેન્ટલી રીટાર્ડેડ બાળક શું જવાબ આપે ? પ્રશ્ન સમજાય તો જવાબની અશા રાખી શકાયને ? નીતાબહેન જમાઇની કાળજી જોઇ રહ્યા હતા. દીકરીનો કેટલો ખ્યાલ રાખે છે. ઇતિ નશીબદાર છે. માની ઇશ્વરનો આભાર માની રહ્યા.

અંતે નીતાબહેને જ ઇતિની ફેવરીટ આલુ ચાટ અને પાણીપૂરી મગાવી. અરૂપે પણ હસતા હસતા અને સિસકારા બોલાવતા બોલાવતા પાણીપૂરીની મજા માણી. તે ઇતિના મોંમાં મૂકતો ગયો અને પોતે ખાતો ગયો.

‘ અરે, બાપ રે, ઇતિ, આ તો બહું તેજ છે. અરે, ભૈયાજી જરા કમ તેજ બનાઇયે..’

જોકે ઇતિને તીખી તમતમતી જ ભાવતી હતી એનાથી અરૂપ અજાણ્યો નહોતો જ. કદાચ ઇતિ ભૈયાજીને કોઇ સૂચના આપે તેમ માની અરૂપ કહેતો રહ્યો. કોને ખબર છે ..કયારે, કઇ નાની સરખી વાત ઇતિની ચેતના જગાડી શકે. તે કોઇ તક છોડવા નહોતો માગતો. પરંતુ હજુ અરૂપના પાપનું પ્રાયશ્વિત પૂરુ નહોતું થયું. કયારેય થશે કે કેમ એ પણ શંકા હતી. પરંતુ અરૂપ પોતાના તરફથી કોઇ કચાશ નહીં જ રહેવા દે. પાપ કર્યું છે તો સજા પણ ભોગવશે જ.

તે રાત્રે ઇતિ પોતાની જાતે નીતાબહેનની સાડીનો છેડો પકડી નાનપણમાં સૂતી હતી એમ જ ટૂંટિયુ વાળીને સૂઇ રહી.નીતાબહેન પુત્રીને માથે સ્નેહથી હાથ ફેરવી રહ્યા. પુત્રીની આ દશા જોઇ તેમના દુ:ખનો પાર નહોતો. શું કરવું તે તેમને પણ સમજાતું નહોતું.

કશુંક કરવું જોઇએ. પણ શું ? શું ઇતિ હમેશા આમ જ..? દીકરી ઉપર આ કોની નજર લાગી ગઇ છે ? સૂઝે એટલી માનતા તે મનોમન માનતા રહ્યા. પુત્રી પર કોઇનો ઓછાયો પડી ગયો છે કે શું ? નહીતર આવી ડાહી દીકરી આમ......? અનિકેતના જવાનું દુ:ખ જરૂર થાય પણ આમ કોઇ આ હદે ભાંગી પડે ?

નીતાબહેનને કયાં જાણ હતી કે આ કંઇ અનિકેતની વિદાયનું જ દુ:ખ નહોતું. આ તો વરસોનો વિશ્વાસ તૂટયાની કરચો હતી જે ઇતિને અંદર સુધી ખૂંચી ગઇ હતી. જેનામાં પૂરી શ્રધ્ધા રાખી પૂર્ણ સમર્પણ કર્યું હતું તેનું આવું સ્વરૂપ અચાનક નજર સમક્ષ ઉઘડતાં અવાચક બની ગયેલ ઇતિની બધી ઇન્દ્રિયો સાન ભાન ગુમાવી બેઠી હતી. એક ક્ષણમાં ઇતિની આસપાસ, ચારે તરફ ફકત અંધકાર...ઘોર અંધકારનું પૂર ફરી વળ્યું હતું. અને એ પૂરમાં ડૂબી ગયેલી ઇતિ હવે બહાર આવી શકતી નહોતી.કયારેય આવી શકશે ખરી ? અંધકારનું આ પૂર કયારેય ઇતિના જીવનમાંથી ઓસરી શકશે ખરું ?

અરૂપ બાજુના રૂમમાં સૂતા સૂતા મનમાં ને મનમાં સવાલ કરતો રહ્યો. ઇતિ તેની મમ્મી સાથે સૂવે તો કદાચ કોઇ વાત કરે એમ માની તે અલગ સૂતો હતો. જોકે તેનો જીવ તો ઇતિ આસપાસ જ મંડરાતો હતો. બાકી તેના પ્રશ્નોના જવાબ તો કાળદેવતા સિવાય કોણ આપી શકે ? કાળદેવતાને હૈયા જેવું, દયા, માયા જેવું કશું હશે તો ખરું ને ?

પ્રશ્નો..પ્રશ્નો.. અનેક અનુત્તર પ્રશ્નોએ અરૂપની આંખોની ઉંઘ હરી લીધી હતી.

પ્રકરણ 18 - જન્મદિવસની ગીફટ..“ ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે પણ

પાંપણૉમાં અટવાતી રાત જાય ના આગળ..”

હમણાં અરૂપની સવાર રોજ વહેલી પડી જતી હતી. આખી રાત તેનું મન વિચારોના વમળમાં ચકરાવા લેતું રહેતું. અર્જુનને દેખાતી પક્ષીની એક આંખની માફક અરૂપને ઇતિ માટે શું થઇ શકે એ એક જ વાતનો વિચાર મનમાં સતત ઘૂમતો રહેતો. અને થાકેલી આંખો વહેલી સવારે અલપઝલપ બે ચાર ઝોંકા ખાઇ લેતી. બાકી તો ઉંઘ અરૂપથી કોસો દૂર જ રહેતી.

બાલ્કનીમાંથી બે કબૂતર પાંખમાં કૂમળા સૂર્યકિરણોને ભરીને આવ્યા અને અરૂપ ઉપર ઠાલવ્યા. છેક વહેલી સવારે મીંચાયેલી અરૂપની આંખો તુરત ખૂલી ગઇ. કબૂતરોએ તેને જોઇ ઘૂ ઘૂ કરતાં કશુંક કહ્યું. પરંતુ તેમના કલરવને સાંભળવાની આદત તો ઇતિને હતી. અને ઇતિ તો હમણાં પોતાની જાતથી પણ બેખબર હતી. ગુલમહોરના રાતા રંગની ઝાંય સાથે ઉષાએ પણ ધીમેથી અંદર ડોકિયું કર્યું. ઇતિને સૂતેલી જોઇ તેને મજા ન આવી. અરૂપ સાથે હજુ નાતો કયાં બંધાયો હતો ? ઇતિ વિના સ્વાગતની આશા રાખવી વ્યર્થ છે એ ખ્યાલ આવતાં તેણે રિસાઇને જલદી જલદી વિદાય લીધી.

અરૂપ તો ઇતિના વિચારોમાં ખોવાયેલ જ રહ્યો.

આજે ઇતિનો જન્મદિવસ હતો. જોકે ઇતિને તો હમણાંથી તારીખ,વારનું કોઇ ભાન કયાં રહ્યું હતું ?

અરૂપ બે દિવસથી વિચારતો હતો કે શું કરું ? શું કરું તો ઇતિ ખુશ થાય ? તે ખુશી અનુભવી શકે એવું શું કરી શકાય ? આટલા વરસ સુધી તો બધું કેવું સહેલું હતું ! ઇતિને એક સરસ મજાની ગીફ્ટ આપવાની. કયારેક હીરાની વીંટી..કે બુટ્ટી, મોંઘી સાડી કે એવું કશું. સાંજે મોટી પાર્ટી રાખવાની. બધું પોતાની પસંદગીનું. ઇતિને ગમે તેવું તેમાં કશું જ નહોતું. એ અહેસાસ તો આજે અચાનક અરૂપને થયો. જોકે ઇતિએ તો “નથી ગમતું” એવું પણ કયારેય નહોતું કહ્યું. અરૂપની પસંદગીને પોતાની પસંદગી બનાવીને જ ઇતિ આટલા વરસો પોતામય થઇને જીવી હતી..કોઇ ફરિયાદ વિના હસીને જીવી હતી. પોતે મૂરખ, કયારેય આ સમર્પણને સમજી ન શકયો. આ પ્રેમને લાયક તે કયાં હતો ? તે તો મનોમન હરખાતો હતો. કે પોતે ઇતિને અનિકેતથી અલગ પાડી શકયો છે. અનિકેતને ગમતું કશું નથી થતું.

અને હવે ઇતિ પણ અનિકેતને ભૂલી ગઇ છે માનીને શાંતિ લેતો રહ્યો.

આજે એ જ અરૂપ વિચારતો થયો હતો કે સ્ત્રીના આંતરમનને પુરુષ કયારે ઓળખી શકશે ? કયારે સાંભળી શકશે એના ન બોલાયેલ શબ્દોને ? એની આંખોની લિપિ કયારે ઉકેલી શકશે ? સાચા અર્થમાં એને કયારે પામી શકશે ? કયારેય ન આવેલ વિચારો આજે મનમાં છલકતા હતા જે અરૂપના બદલાયેલ સ્વરૂપની સાક્ષી પૂરાવતાં હતાં.

ઇતિ માટે શું કરવું તે વિચારતા આજે અરૂપના મન:ચક્ષુ સમક્ષ જૂની યાદો ઉભરાઇ આવી. પોતે ઇતિને કેટલો અન્યાય કર્યો હતો તે આજે દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. ઇતિએ તો અરૂપની ઇચ્છામાં પોતાની જાત ઓગાળી નાખી હતી. પૂરા સ્નેહથી કોઇ ફરિયાદ સિવાય હસતા મોઢે અરૂપને ગમતું બધું કરતી રહી હતી. જયારે પોતે ? ઇતિને શું ગમે છે તે જાણવા છતાં કયારેય કશું કર્યું નહીં કે કરવા દીધું નહીં. કેમકે એ બધા સાથે એક કે બીજી રીતે અનિકેત સંકળાયેલ હતો. અને અનિકેતને ઇતિના જીવનમાંથી કેમ દૂર કરવો તે જ એકમાત્ર તેનું ધ્યેય બની ગયું હતું. અને એ ધ્યેયમાં તે સફળ પણ થયો હતો ! અનિકેતને હમેશ માટે ઇતિથી દૂર કરી દીધો. હવે ઇતિ અને અનિકેત કયારેય નહીં મળી શકે..કયારેય નહીં.. તેણે તો ખુશ થવું જોઇએ.

કેવો મોટો ભ્રમ..! તે સફળ નહોતો થયો. આ તો તેના જીવનની સૌથી મોટી નિષ્ફળતા હતી આજે તેની ઇતિ વેદનાના ઓથાર હેઠળ છે..ફકત અને ફકત તેને લીધે. અરૂપને માથા પછાડવાનું મન થતું હતું. પરંતુ એમ કરીને યે તે અનિકેતને પાછો લાવી શકે તેમ કયાં હતો ? ઇતિની ચેતના પાછી લાવી શકે એમ કયાં હતો ? જીવનભર ઇતિને અન્યાય કરતો રહ્યો. આટલો ખરાબ હતો પોતે ? ઇતિના સમર્પણને પણ ન સમજી શકયો. અરૂપના મનને કયાંય જંપ નહોતો વળતો. ના, પોતે ગમે તેમ કરીને ઇતિને ખુશ કરશે. તેની ચેતના પાછી લાવશે. તેને ખૂબ હસાવશે..સાચા દિલથી હસાવશે. ઇતિ.. ઇતિ… એકવાર.. બસ એકવાર...

અને અરૂપની આંખો ચૂઇ પડી. આંખોમાં જાણે લીકેજ થઇ ગયું હતું. હમણાં વારંવાર છલકી ઉઠતી હતી.

આજે શું કરે તે ? ઇતિને શું આપે તો ઇતિ ખુશ થાય ? એ વિચારમાં ન જાણે તે કેટલીવાર એમ જ બેસી રહ્યો.

દસ વરસમાં પહેલીવાર... ઇતિને શું ગમે છે તેનો વિચાર આવી રહ્યો હતો. અચાનક તેને એક વસ્તુ યાદ આવી. પેલી ઢીંગલી..યસ...ખોટું બોલીને પોતાને નામે તેણે ઇતિને આપી હતી. ઇતિએ તે સાચવીને રાખી હતી તેની તેને જાણ હતી જ. તક મળ્યે ઇતિના કબાટમાં ખાંખાખોળા તે જરૂર કરતો રહેતો. કયાંક અનિકેત કોઇ રીતે ઇતિના સંપર્કમાં તો નથીને ? આજે તેને પોતાની જાતની શરમ આવતી હતી. કેટલો નીચો ઉતરી ગયો હતો પોતે ? અને ઇતિ ? કદાચ મૌન સમર્પણની જીવતી જાગતી ગાથા ? એક ફળફળતો નિ:શ્વાસ સરી પડયો.

પરંતુ ના..અત્યારે તેને દુ:ખી થવાનો કે આંસુ સારવાનો પણ હક્ક નથી. ઇતિ સાજી થાય, નોર્મલ બને એ જ એકમાત્ર તેના જીવનનું ધ્યેય..ઇતિ કેમ ખુશ થાય એ જ હવે તેનું લક્ષ્ય.

મનને સમજાવી તેણે ઉપર જઇ ઇતિનો કબાટ ખોલ્યો. સૌથી નીચેના ખાનામાં ઢીંગલી અને એક ઘડિયાળ પડયા હતા. યસ..એ ઘડિયાળ અનિકેતે ઇતિના આરંગેત્રમને દિવસે તેને ભેટ આપી હતી.

એકાદ ક્ષણ અરૂપ બંને વસ્તુ સામે જોઇ રહ્યો. આંખ બંધ કરી મનોમન ઇતિ અને અનિકેતની માફી માગી. ધીમેથી કબાટ બંધ કર્યો. કેટલા જતનથી ઇતિએ અનિકેતની આ યાદગીરી સાચવી રાખી હતી. ઢીંગલી તો જોકે પોતે પોતાના નામથી ઇતિને આપી હતી. ઇતિએ તે માની લીધું હતું કે પછી ?

ઘડિયાળ વરસોથી બંધ પડી હતી. સમયને..અતીતની સ્મૃતિઓને પોતાની અંદર કેદ કરીને તે પણ મૌન બની ગઇ હતી. અરૂપે ઘડિયાળમાં સેલ નાખી તેને ચાલુ કરી. ઘડિયાળનો ટીક ટીક અવાજ તેના કાનમાં પડઘાઇ રહ્યો.

ઢીંગલી અને ઘડિયાળ બંને સરસ રેપરમાં પેક કરી તે નીચે આવ્યો. બસ આનાથી સારી ગીફટ આજે બીજી કોઇ હોઇ શકે નહીં. અને આજે પાર્ટી ઘેર નહીં..દરિયે રાખવી છે. આમ તો કોઇને બોલાવવાની ઇચ્છા નહોતી. પરંતુ નહીં બોલાવે તો પણ બધા આવવાના જ. કેમકે બધા મિત્રો વચ્ચે આ વણલખ્યો નિયમ હતો. પહેલા તો થયું કે ઇતિની તબિયત સારી નથી એમ સૌને કહી દઉં. પણ પછી કંઇક વિચાર આવતાં તેણે માંડી વાળ્યું. આજે બધા સાથે દરિયે જશું. થોડીવાર તે એમ જ આંખ બંધ કરી બેસી રહ્યો..

ઇતિ હજુ નીતાબહેન સાથે સૂતી હતી. નીતાબહેને ઇતિને પ્રેમથી ઉઠાડી. આજે પુત્રીનો જન્મદિવસ હતો. પરંતુ ઇતિને તો પોતાનો જન્મદિવસ આજે કયાં યાદ આવવાનો હતો ? એવા સાનભાન કયાં બચ્યા હતાં ? પુત્રીની હાલત એક માથી જોવાતી નહોતી. સદાની હસતી, રમતી, ચંચળ પુત્રી આ હદે નિર્જીવ થઇ ગઇ હતી ? માને કે પતિને સુધ્ધાં નથી ઓળખી શકતી. પોતે શું કરી શકે ? જમાઇએ કેવી આશાથી બોલાવ્યા હતા. પરંતુ કઇ રીતે જમાઇને મદદરૂપ બની શકે તે સમજાતું નહોતું. હવે તો કોઇ ચમત્કાર જ.…

પોતે કશું કરી શકતા નથી એ વિચારે નીતાબહેન અફસોસ કરી રહ્યા.

ઇતિનું બધું કામ કરવાની જવાબદારી તો અરૂપે પોતે જ રાખી હતી. એ કામ તે કોઇને સોંપી શકે તેમ નહોતો. સોંપવા માગતો જ નહોતો. ઓફિસે જવાનું પણ તેણે બંધ કરી દીધું હતું. કયારેક ફોનથી ખપ પૂરતી વાત કરી લેતો. બાકી કોઇ રસ તેને રહ્યો નહોતો. ઇતિ સિવાય કોઇ પ્રાયોરીટી તેના જીવનમાં રહી નહોતી.

નીતાબહેન જમાઇનો પુત્રી પ્રત્યેનો પ્રેમ જોઇ હરખાઇ રહેતા. કેટલી સાચવે છે મારી દીકરીને.! કોઇ પુરુષ દોસ્તના અવસાનના સમાચારે પુત્રી આ હદે ભાંગી પડે અને છતાં પુરુષ, એક પતિ આટલા સ્નેહથી પત્નીને સાચવે..સંભાળે..તેમને માટે આ બહું મૉટી વાત હતી.સવારે ઇતિને ચા પીવડાવી અરૂપે તેને સરસ પેક કરેલ ગીફટબોક્ષ આપ્યું.

’ ઇતિ, આજે તારો બર્થ ડે છે ભૂલી ગઇ ? મારી ઇતિરાણીનો આજે હેપી બથડે છે. મમ્મી, તમને યાદ છે કે તમે યે ભૂલી ગયા ? ઇતિ, મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે.. કહી અરૂપે ઇતિનો હાથ પકડયો. અને કહ્યું,’

ઇતિ, લે, આ તારી ગીફ્ટ...’

કહી ઇતિના હાથમાં બોક્ષ પકડાવ્યું. ઇતિ ઘડીકમાં અરૂપ સામે ને ઘડીકમાં બોક્ષ સામે જોઇ રહી.

’ ઇતિ, જો તો ખરી..બોક્ષમાં શું છે ? જમાઇરાજે શું આપ્યું છે એ મને યે ખબર તો પડે.’ નીતાબહેને હસતા હસતાં કહ્યું.

’ ઇતિ, આપણે બોક્ષ ખોલીશું ? તારી મનપસંદ વસ્તુ છે હોં. એકવાર બોક્ષ ખોલીને જોઇશ ? મને વિશ્વાસ છે તને ગીફટ ગમશે જ. ઇતિની આંખોમાં કોઇ ચમક ઉભરી નહીં. એ જ નિસ્પ્રુહતા.

નીતાબહેનને થયું કયાંક જમાઇને ખોટું લાગી જશે.

‘ઇતિ બેટા, અરૂપ આટલા પ્રેમથી તારે માટે કશુંક લાવ્યો છે. જરા ખોલીને જો તો ખરી.’

ઇતિ મૌન.

ત્યાં નીતાબહેનને યાદ આવ્યું. પોતે ઇતિ માટે ગીફટ લાવેલા તે તો ઉપર જ રહી ગઇ હતી.

‘એક મિનિટ...હું આવું હોં. ‘ કહેતા તે ઇતિની વસ્તુ લેવા ઉપર ગયા.

ઇતિ હાથમાં રહેલ બોક્ષ સામે જોઇ રહી હતી. આ બધું શું છે તે સમજાતું નહોતું.’ઇતિ, બોક્ષ તું ખોલીશ કે હું જ ખોલીને મારી ઇતિને બતાવું ? ઓકે..ઓકે... આજે જાતે ખોલવાની મહેનત થોડી કરાય ? આજે તો ઇતિરાણી રાજાપાઠમાં હોય. બરાબરને? લાવ, હું જ ખોલીને બતાવું.‘

ઇતિના હાથમાંથી બોક્ષ લઇ અરૂપે ખોલ્યું. અંદરથી દુલ્હન બનેલી ઢીંગલી અને અનિકેતે આપેલી ઘડિયાળ...ઇતિ એકીટશે નીરખી રહી. કંઇક ઓળખવા જાણે મથી રહી. કશુંક ઉઘડતું હતું ? પણ શું ? એ સમજાતું નહોતું. કોઇ ધૂંધળી, ઝાંખી યાદ...? ત્રાટક કરતી હોય તેમ ઇતિ બંને વસ્તુ તરફ વારાફરતી જોઇ રહી.

’ ઇતિ, આ ઢીંગલી અનિકેતે તારા માટે મોકલેલી. યાદ છે ? અને મેં કેવી બનાવટ કરેલી ? મારા નામે તને આપીને ?હું બહું ખરાબ છું નહીં ? ઇતિ, તારો અરૂપ બહું ખરાબ છે ખરુંને ?

’અને ઇતિ, આ ઘડિયાળ.. તને યાદ છે ? અનિકેતે તારું આરંગેત્રમ પૂરું થયું ત્યારે તને આપેલીને ? મને અનિકેતે વાત કરેલી. આજે તારા કબાટમાંથી કેવી શોધી કાઢી. ઇતિ, કેવી સરસ લાગે છે ? અરૂપે ધીમેથી ઘડિયાળ ઇતિના કાંડામાં પહેરાવતા કહ્યું.’ વાહ! ઘડિયાળ શોભે છે કે મારી ઇતિરાણી ? ‘

એ સંગીતમય ઘડિયાળની ટીકટીકનો અવાજ ઇતિના કાનમાં પડઘાઇ શકયો કે શું ? કશુંક ઉછળી ઉછળીને બહાર આવવા મથી રહ્યું હતું. ખબર નહીં પરંતુ ઇતિનો હાથ અનાયાસે ધીમેધીમે ઘડિયાળ પર ફરી રહ્યો હતો. કયો સ્પર્શ હતો આ ?તેની નજર ઘડીક ઘડિયાલ પર, ઘડીક ઢીંગલી પર અને ઘડીક અરૂપ પર ફરી રહી. આ બધું શું ભેળસેળ થઇ રહ્યું હતું ? અતીત કે વર્તમાન...? આ કયા ગૂંચવાડા હતા ?

અરૂપે તેના હાથમાં ઢીંગલી મૂકી. ઇતિ એકીટશે ઢીંગલી સામે નીરખી રહી. તેની આંખો ભીની બની હતી કે અરૂપને એવો ભ્રમ થયો હતો ?

ત્યાં નીતાબહેન ઇતિની ગીફટ લઇને નીચે આવ્યા.

‘ ઇતિ, જો તો આમા શું છે ? ‘ અરૂપે આગળ આવી નીતાબહેનના હાથમાંથી પેકેટ લીધું.’ મમ્મી, ઇતિને બદલે હું ખોલું ?

નીતાબહેને મૌન રહી ધીમેથી માથુ હલાવ્યું.

અરૂપે પેકેટ ખોલ્યું. અંદરથી ઇતિનું આખું શૈશવ સજીવ થઇ ઉઠયું.

ઇતિના શૈશવના અનેક ફોટાઓ સુન્દર આલ્બમમાં ક્રમવાર ગોઠવી તે દરેકની નીચે નીતાબહેને કશુંક લખ્યું હતું.

અને ઇતિના શૈશવમાં અનિકેતની હાજરી સ્વાભાવિકપણે હોય જ ને ?

અરૂપ એક પછી એક પાનુ ફેરવતો ગયો. ઇતિને બતાવતો ગયો. નીચે લખેલ લખાણ મોટેથી વાંચતો ગયો. અને આંસુથી છલકતો રહ્યો. આ નિર્વ્યાજ સ્નેહને સમજયા..જાણ્યા સિવાય જ તેણે.....ઇતિને ચક્કર આવતા હોય તેમ ત્યાં જ બેસી પડી. પોતે આ શું જોતી હતી ? સાવ જ પરિચિત પાત્રો..આજે અપરિચિત બની બેઠાં હતા. કશુંક બહાર આવવા ઉછાળા મારી રહ્યું હતું.

ઇતિની હાલત જોઇ નીતાબહેન ગભરાઇ ગયા. તેમને હતું કે કદાચ આ બધું જોઇ ઇતિની યાદદાસ્ત પાછી આવી જશે. તેમને તો એમ જ હતું કે આઘાતને લીધે ઇતિ પોતાની યાદશક્તિ ખોઇ બેઠી છે. તે અરૂપ સામે જોઇ રહ્યા. અરૂપે આલ્બમ બાજુ પર મૂકી તેમને ચિંતા ન કરવા કહ્યું. અને ઇતિને પાણી પીવડાવી શાંત કરી.

થોડીવારે ઇતિ જરા સ્વસ્થ થઇ.

ઇતિ, એક વસ્તુ બતાવું ? આજે અરૂપ ઉપર એક ભૂત સવાર થયું હતું કે શું ?

ઇતિનો હાથ પકડી અરૂપ તેને ઉપર લઇ ગયો. અરૂપે પૂજારૂમમાં અનિકેતનો ફોટો થોડા દિવસ પહેલાં જ લગાડયો હતો.

ઇતિ, જો અનિકેતને તેની આ ઘડિયાળ અને ઢીંગલી બતાવીશું ? આજે અનિકેત જયાં પણ હશે તને અચૂક યાદ કરતો હશે. અનિકેતના ફૉટા પાસે દીપ પ્રગટાવી, અગરબત્તી કરી, હાથ જોડતાં અરૂપ ગળગળો બની ગયો. દોસ્તની માફી માગવા સિવાય તે શું કરી શકે ? અને ઇતિ ..? ઇતિ અનિકેતના ફોટા સામે એકીટશે જોઇ રહી. તેની આંખ જાણે મટકુ મારવાનું પણ ભૂલી ગઇ હતી. ઇતિના અંતરમાં કોઇ ઉથલપાથલ મચી શકી કે નહીં એ અરૂપને સમજાયું નહીં. કયાંય સુધી ઇતિ એમ જ બેઠી રહી. ઘડીકમાં અનિકેતના ફોટા સામે તો ઘડીકમાં અરૂપ સામે તેની કીકીઓ ચકળવકળ ફરતી રહી. હવે અરૂપને ડર લાગ્યો. તેણે ધીમેથી ઇતિને ઊભી કરી.અને નીચે લઇ આવ્યો. ઇતિની નજર એકાદ બે વાર આપમેળે પાછળ ફરી ખરી. તેની પાંપણે ખારા પાણીનું એકાદ બુંદ બાઝયું હતું કે એ પણ પોતાનો વહેમ માત્ર ? ઘડીયાળની ટીકટીકનો અવાજ વાતાવરણની નિસ્તબ્ધતામાં ખલેલ પહોંચાડી રહ્યો હતો.

તે રાત્રે દરિયાકિનારે મિત્રો સાથે પાર્ટી ચાલી. ઇતિની તબિયત હમણાં સારી નથી એવું અરૂપે બધાને સમજાવી દીધેલ. આજે હમેશની જેમ મ્યુઝીકલ ચેર કે એવું કશું નહીં.. પરંતુ અંતાક્ષરીની રમઝટ જામી હતી.અને સૌથી નવાઇની વાત એ હતી કે કયારેય ન ગાનાર અરૂપ આજે ઇતિનો હાથ પકડીને મૉટેમૉટેથી લલકારી રહ્યો હતો.ઇતિની તબિયત હમણાં સારી નથી તેથી ઇતિને બદલે પણ પોતે જ ગાશે એમ કહી અરૂપ જિંદગીમાં પહેલીવાર અંતાક્ષરીમાં ભાગ લઇ રહ્યો હતો અને ઇતિના પ્રિય ગીત ગાઇ રહ્યો હતો. કદાચ કોઇ ગીત,કોઇ કડી, કોઇ શબ્દો ઇતિના અંતરના આગળા ઉઘાડી જાય એ શ્રદ્ધા અને આશાથી અરૂપ ઉઘડી રહ્યો હતો..છલકી રહ્યો હતો.

ઇતિની પાંપણે કયારેક ચમકી ઉઠતા મોતી સમા બે બુંદ અરૂપના હૈયામાં આશાનો દીપ પ્રગટાવતા રહ્યા હતા.

રાત્રિના અંધકારમાં ગીતોના શબ્દો પડઘાતા હતા.

“ આયના મુઝસે મેરી પહેલી સી તસ્વીર માગે.. મેરે અપને મેરે હોનેકી નિશાની માગે...”

દરિયાના ઉછળતા મોજાઓ પણ તેમાં સાદ પૂરાવતા રહ્યા. અરૂપને પણ પહેલાની ઇતિની તલાશ હતી. પોતે પામી શકશે ફરી એક્વાર એ ઇતિને ?

અચાનક અરૂપની નજર દૂર દેખાતા... એક ચમકતા તારા પર પડી. અરૂપ જોઇ જ રહ્યો. તે તારામાં તેને અનિકેતનનો ચહેરો કેમ દેખાતો હતો ?

‘અનિ, અનિ, તું સાંભળે છે દોસ્ત ? મને માફ કરી શકીશ દોસ્ત ? હું તારો ગુનેગાર છું. તારો ગુનેગાર. ઇતિ તારી જ હતી, તારી જ છે. હું તો વચ્ચે આવી ગયો હતો. હું પાપી છું અનિકેત, પાપી છું. પરંતુ મારા કર્મની સજા ઇતિને શા માટે ? તને ઇતિ દેખાય છે ? દોસ્ત, મને માફ કરીશને ? ઇતિ સારી થઇ જશે ને ? ‘

અરૂપ એ તારા સામે જોઇ અનિકેતની માફી માગતો શું નુ શું બબડતો રહ્યો.

અરૂપ આજે મનજીવો કે મરજીવો બન્યો હતો.અને પોતાના મનમાં જ ખૂબ ઉંડે ડૂબકી મારનારને હમેશા પ્રતીતિ થાય છે કે પોતાની અંદર એક ઘૂઘવતો દરિયો પણ છે અને અવકાશની અખિલાઇ પણ છે. પોતાની અંદરના એક પરમ તત્વની પહેચાન અરૂપ પામ્યો હતો.

ભીની આંખે તે આજે સાચા દિલથી અનિકેતને સ્મરી રહ્યો હતો.

આ ક્ષણે અનિકેત તારામાંથી બહાર આવે તો હસતા હસતાં ઇતિ તેને સોંપી દે. અને પોતે તેની જિંદગીથી દૂર ચાલ્યો જાય. કાશ ! પોતાની ભૂલનું પ્રાયશ્વિત કરવાનો એક મોકો ઇશ્વર તેને આપે. પણ..તે મોડો હતો બહુ મોડો...

અરૂપ વિચારમાં લીન હતો. ત્યાં કોઇએ ગીત શરૂ કર્યું

“ મેરે દોસ્ત, તુઝે તેરા મીત મુબારક, યે સાલ નયા,નયા ગીત મુબારક..”

ગીતના શબ્દો દૂર દૂર ગૂંજતા રહ્યા. કોઇ શબ્દો અનિકેત સુધી પહોંચ્યા હશે ? કોઇ શબ્દો ઇતિના હૈયાને ઢંઢોળી શક્યા હશે ?

આખરે કયાં સુધી ? કયાં સુધી ? આનો કોઇ ઉપાય નહીં મળે ? ઇતિ હમેશ માટે આમ જ લાશ બનીને જ જીવશે ?

અરૂપના અનુતર પ્રશ્નોનો ઉતર કોણ આપે ? સમય આપી શકે કદાચ. પરંતુ જવાબ ન આપવો પડે માટે તે પણ મૌન રહીને ધીમે પગલે ચૂપચાપ ત્યાંથી ચૂપચાપ સરકી ગયો.

પ્રકરણ 19 - સરતો સમય...

કેલેન્ડરનું પાનુંફાટે, કેટલુંલઇ સંગાથે ?

કેલેન્ડરના પાનાઓ એક પછી એક ફાટતા રહ્યાં. સમયને રોકી કે માપી શકાતો નથી. એ નિરાકાર છે. ચિરંતન છે, એને એક બિંદુથી શરૂ કરી અમુક બિંદુ આગળ પૂરો કરી શકાતો નથી. એ બધાને સ્પર્શે છે. પરંતુ એને કોઇ સ્પર્શી શકતું નથી. એ તો જાણે હમેશનો જલકમલવત્..... સતત વહેતો રહે છે. પરંતુ એનું વહેણ તો બિલકુલ અપરિચિત. એ કયારે કઇ દિશામાં વળશે, કોને સહારો આપશે કે કોને પોતાની અડફેટમાં લેશે એનો પાર કયાં પામી શકાય છે ?તે એક ક્ષણમાં કોઇને ઉગારી દે તો એક ક્ષણમાં કોઇને ડૂબાડી દે..સમયની વામન ક્ષણમાં વિરાટ શકયતાઓ રહેલી છે એનો ઇન્કાર કોણ કરી શકે ?

સમયના દામનમાંથી ક્ષણો સતત સરતી રહે છે. દરેક ક્ષણ પોતાના પાલવમાં કશુંક સાથે લેતી જાય છે. અને કશુંક આપતી પણ જાય છે. આપવા લેવાનો આ વહેવાર નિરંતર ચાલતો રહે છે. કયારેક ખુશી લઇને ગમ આપતી જાય છે. તો કયારેક ગમ લઇને અઢળક ખુશીની લહાણી કોઇને કરતી જાય છે.

ફરીથી એક રાત પૂરી થવા આવી હતી. રાતથી ગોરંભાયેલા વાદળો આજે સહસ્ત્રધારે છલકી રહ્યાં હતાં. ભીની માટીની મહેકથી વાતાવરણ તરબતર થઇ ઉઠયું હતું. પહેલાના દિવસો હોત તો ઇતિ દોડીને બહાર ભીંજાવા નીકળી જ ચૂકી હોત. અને...અને પોતે તેને અટકાવી પણ હોત...!

ભીંજાવાથી હમેશા દૂર ભાગતો અરૂપ આજે વરસાદ જોઇને આનંદમાં આવી ગયો હતો. તેણે જલદી જલદી ઇતિને ઉઠાડી.

‘ ઇતિ, જો તો ખરી..બહાર કેવો સરસ વરસાદ ચાલુ થયો. હવે ઉકળાટ શમી જશે. ઇતિ ચાલ, આજે આપણે સાથે ભીંજાઇએ. ‘

ઇતિ કશું સમજે તે પહેલાં તેનો હાથ ખેંચતો અરૂપ બહાર બગીચામાં આવ્યો. વરસાદને કેમ મણાય તે પોતાને કયાં આવડતું હતું ? લોન પર એકાદ આંટો મારી તે ઇતિ સાથે હીંચકા પર બેઠો. હીંચકાની ઘૂઘરીઓ રણકી રહી. હીંચકા ઉપરના છાપરાને વળગીને રહેલ વેલમોગરાની મીઠી મહેક માટીની સુગંધ સાથે જાણે હરિફાઇ કરી રહી હતી. ઘણાં સમયથી ગોરંભાયેલ વાદળો આજે કોઇ દિલચોરી કર્યા સિવાય...મુકતમને વરસી પડયા હતા.

ત્યાં અચાનક પેલું સસલુ આવી ચડયું. વરસાદથી બચવા કે પછી ઇતિને મળવા તે હીંચકા પાસે આવી ઇતિની બાજુમાં નીચે લપાઇ ગયું. હમણાં તેની આ સખી તેને ખોળામાં લઇ વહાલ કરશે. એવા માનની અપેક્ષાએ તે ઇતિ સામે જોતું રહ્યું કે શું ? ઇતિએ આજે તેને ખોળામાં કેમ ન લીધું ? આવી ઉપેક્ષા ? તે રિસાઇને ભાગી જવા જતું હતું. ત્યાં અરૂપે તેને ઉંચકીને ધીમેથી ઇતિના ખોળામાં મૂકી દીધું.

’ ઇતિ, તારું આ મિત્ર મને તો ઓળખે નહીં તેથી મારો વિશ્વાસ નહીં કરે..તું તારા આ બધા મિત્રો સાથે મારી ઓળખાણ કરાવીશને ? હવે તારો અરૂપ પણ આ બધાનો દોસ્ત બનશે. ઇતિ, હું કોઇનો વિશ્વાસ કયારેય તોડીશ નહીં..કયારેય નહીં..ઇતિ સાંભળતી કે સમજતી નહોતી પરંતુ ભાવાવેશમાં આવી અરૂપ સતત બોલતો રહ્યો. ઇતિનો હાથ આદતવશ સસલા ઉપર ફરતો રહ્યો.

ઇતિ, જો પેલી ખિસકોલી ...અને અરે, આ તો મોર પણ આવી પહોંચ્યો ને ? અને ઇતિ, આ કાળુ પક્ષી દેખાય છે તે કાબર છે કે કોયલ ? મને તો એવી કોઇ ગતાગમ કયાં પડે છે ? મારી સાથે બધાનો પરિચય કરાવીશને ? ‘

હવે આકાશે વરસવાનું બંધ કર્યું હતું અને વૃક્ષો વરસી રહ્યા હતાં. પોતે તો આ બધાથી હમેશા વંચિત જ રહ્યો હતો. પોતાના જ ઘરમાં છવાયેલ પ્રકૃતિના આ અદભૂત નજારાને કદી જોવા કે માણવા નહોતો પામ્યો. અરે, તે તો ઇતિને પણ મૂરખ ગણતો. ખરો મૂરખ તો પોતે હતો. એની જાણ આજે થઇ હતી. ઇતિની આંખો ચારે તરફ ફરતી હતી. એ આંખો શું જોતી હતી એ તો કોણ કહી શકે ?

આકાશમાં મેઘધનુષી રંગો ખીલી ઉઠયા હતા. અરૂપ પણ આ સૌન્દર્યથી આજે પહેલીવાર અભિભૂત થયો હતો. કાશ ! આ મેઘધનુષી રંગો ઇતિના અંતરમાં પણ ફરી એકવાર પ્રગટી ઉઠે. અરૂપના અંતરમાંથી કોઇ શબ્દો વિના પ્રાર્થના સરી રહી. તેનું હૈયુ કોઇ અગોચર તત્વને પરમ શ્રધ્ધાથી નમી રહ્યું.

આજે ભલે પોતાની અને ઇતિ વચ્ચે એક અંતર પડી ગયું છે. એ અંતર પાર થઇ શકશે કે કેમ એ અરૂપને જાણ નથી. પરંતુ તેણે શ્રધ્ધા ગુમાવી નથી. હારવું તેને પોસાય તેમ નથી. તેને માટે હવે આ એક સાધના બની ગઇ છે. પરિણામ કયારે આવશે ? આવશે કે કેમ ? એની પણ જાણ નથી. કોઇ બીજે અંકુરિત થવા માટે પહેલાં માટીમાં ધરબાવું પડતું હોય છે. અરૂપ પોતાનું અસ્તિત્વ મિટાવીને પણ ઇતિને ફરીથી અંકુરિત કરવા, નવપલ્લવિત કરવાં મથી રહ્યો હતો.

ભીનો ભીનો અરૂપ ઇતિને લઇ અંદર આવ્યો ત્યારે તેની શ્રદ્ધા દ્વિગુણિત થઇ હતી. અને તેનો પડઘો હવે કયારેક ઇતિના કોઇ વર્તનમાં પડી રહ્યો હતો. કયારેક એકાદ ક્ષણિક ચમકારો દેખાતો હતો. કયારેક માથુ હલાવીને જવાબ પણ મળી શકતો હતો. એટલો સુધારો અવશ્ય આવ્યો હતો. અરૂપના સતત પ્રયત્નો, મહેનતનું એટલું પરિણામ જરૂર આવ્યું હતું. પરંતુ એ સુધારાએ અરૂપની શ્રધ્ધા વધુ મજબૂત બનાવી હતી. ઇતિ પોતાના તરફથી કશું બોલતી નહીં. કશું પૂછતી નહીં. હસવું રડવું, ગુસ્સો,એવી કોઇ અનુભૂતિ જાગી શકી નહોતી. અરૂપના જાતજાતના અખતરાઓ,પ્રયત્નો અવિરત ચાલુ હતા. ખાસ કોઇ પરિણામ ભલે મળ્યું નહોતું. પરંતુ અરૂપ હિંમત નહોતો હાર્યો. કે થાકયો નહોતો. તેણે શ્રધ્ધા ગુમાવી નહોતી. તેની જીવનનું એક માત્ર લક્ષ્ય “ઇતિ” અને ફકત ઇતિ...

“ इदम् अपि गमिष्यति..” કયાંક વાંચેલ આ વાકય અરૂપના મનમાં હમણાં રોજ પડઘાઇ રહેતું. સારા દિવસો ચાલ્યા જાય છે તો માઠા દિવસો પણ જવાના જ ને ? આ દિવસો પણ કયારેક તો જશે.. એ શ્રધ્ધા તે ખોવા નહોતો માગતો.

તારાબહેન મંગળવાર ગણ્યા કરતાં. અવારનવાર માતાજી પાસે જઇ આવતા. કયારેક કોઇ તાવીજ..કોઇ માદળિયુ લેતા આવતા. અને ઇતિના ઓશીકા નીચે મૂકી દેતા. આવા બધામાં બિલકુલ ન માનતો અરૂપ હવે કોઇ વાંધો ઉઠાવતો નહીં. તે ડોકટરોને મળતો રહેતો. તેની સૂચના મુજબ કરતો રહેતો. ઇતિની એક એક ક્ષણનો તે સાચા અર્થમાં સાથીદાર બની ગયો હતો. કાશ ! ઇતિ તેના આ બદલાયેલ અરૂપને જોઇ શકે..ઓળખી શકે.

ઇતિને ગમતું બધું કરવા તે સતત મથી રહેતો. અનિકેતને પાછો લાવી શકાય તેમ હોત તો આજે તે ખુશી ખુશી ઇતિને અનિકેતના હાથમાં સોંપી દે..પરંતુ હવે એ યે કયાં શકય રહ્યું હતું ? કયારેય અનિકેતની વાત સુધ્ધાં ન ઉચ્ચારવા દેતો અરૂપ આખો દિવસ ઇતિ પાસે અનિકેતની વાતો કર્યા કરતો. આ રસ્તે જ ઇતિને પામી શકાશે એવું તેના મનમાં ઉગ્યું હતું. શ્રધ્ધાના એ સથવારે અરૂપ ડગ્યા સિવાય ઝઝૂમી રહ્યો હતો.

ઇતિના મમ્મી એક મહિનો રોકાયા હતા. પછી ઇતિના પપ્પાની તબિયત સારી ન હોવાથી તેમને જવું પડયું હતું. તેમણે પણ પોતાની રીતે ઇતિને સમજાવવાની મહેનત કરી હતી. પણ જોઇએ તેવું પરિણામ આવી નહોતું શકયું તેનો રંજ લઇને તેઓ ગયા હતા.નીતાબહેન જતી વખતે અરૂપ પાસે રડી પડયા હતા.

’બેટા, હું મા થઇને હારી ગઇ. પણ તું હિમત હાર્યો નથી.અને એનું મને ગૌરવ છે. મારા આશીર્વાદ છે એક દિવસ તારી મહેનત જરૂર ફળશે. મારી ઇતિ નશીબદાર છે. તારા જેવો પતિ પામી શકી છે. બીજું કોઇ હોય તો..? ‘

નીતાબહેન વાકય પૂરું ન કરી શકયા અને અરૂપની આંખો છલકાઇ આવી. શું બોલે તે ? શું જવાબ આપે ?

ધીમેથી તે એટલું જ બોલી શકયો,

‘ બસ, મમ્મી, આશીર્વાદ આપો..ઇતિ નોર્મલ થઇ જાય. એથી વિશેષ ખુશી મારે કઇ હોઇ શકે ? ‘

કહેતા અરૂપનો અવાજ રુંધાયો હતો.

ઇતિને ગળે લગાડતા નીતાબહેનના ડૂસકા શમતા નહોતાં. તે મન ઉપર કાબૂ રાખી શકયા નહોતા. ઇતિની કોરી આંખો અસ્વસ્થ બની હતી. જાણે કશુંક સમજવા મથતી હતી પણ સમજાતું નહોતું.

જતી મમ્મીને ઇતિ જોઇ રહી. તે થોડી રઘવાઇ બની હતી. મમ્મીને આવજો કહેવાના શબ્દ તો ગળામાંથી નહોતા નીકળ્યા. પરંતુ નીતાબહેન હાથ હલાવી રહ્યા ત્યારે ઇતિનો હાથ આપમેળે ઉંચો થયો હતો.

અને અરૂપ રાજી રાજી.....

તે દિવસે અરૂપના એક ખાસ મિત્રની દીકરીનું આરંગેત્રમ હતું. સામાન્ય રીતે અરૂપને આવા કોઇ કાર્યક્રમોમાં જવું પસંદ નહોતું. પરંતુ હવેની વાત અલગ હતી. અરૂપ આખ્ખેઆખો બદલાયો હતો, સંજોગો બદલાયા હતા. ઇતિને જે ગમતું એ હવે અરૂપને ગમે જ. જિંદગીએ આ કયો ટર્ન લીધો હતો ? કયારેક જીવન ક્ષિતિજને પાર વિસ્તરે છે. અને જીવનનો મર્મ ઉઘડે છે. માનવી “સ્વ” ને ભૂલી “પર”માં રાચે છે અને ત્યારે એક નવો ઉજાસ અંતરમાં પ્રગટે છે અને અસ્તિત્વ આખું ઝળાહળા થઇ ઉઠે છે. જીવનને રોજ જાણે એક નવી ઉંચાઇ સાંપડે છે.

’ઇતિ, આજે સાંજે આપણે નૈયાનું આરંગેત્રમ જોવા જઇશું ? ‘નીતાબહેનને મૂકીને આવ્યા પછી અરૂપે ઇતિને પૂછયું.સદનશીબે ઇતિ કોઇ વાતનો ખાસ વિરોધ કરતી નહીં.

તે સાંજે બંને અરૂપના મિત્રની દીકરી નૈયાનું આરંગેત્રમ જોવા ટાઉનહોલમાં ગયા.ઇતિ એકીટશે નૃત્યો જોઇ રહી. તે થોડી અસ્વસ્થ બનતી લાગી. અરૂપને આશા જાગી હતી કયાંક કોઇ તાર સંધાઇ જશે અને ઇતિ હલબલી ઉઠશે. ઇતિની આંખો કયારેક બંધ થઇ જતી તો કયારેક અનાયાસે ખૂલી પણ જતી. સામે નૈયાની આકૃતિમાં કોઇ ભળી જતું હતું કે શું ? કોણ હતું એ ? પોતે કેમ ઓળખી શકતી નહોતી ?મન:ચક્ષુ સમક્ષ કશુંક ઉઘડવા મથતું હતું. તેણે જોશથી માથુ હલાવ્યું. પોતાને શું થાય છે એ જ કયાં સમજાતું હતું ?

એકાદ નાનકડી હલચલ.એકાદ આછેરો ઝબકાર,.. આવું..આવું જ પોતે કયાંક....પણ કયાં ?

તેની અસ્વસ્થતા બારીક નજરે અરૂપ જોઇ રહ્યો હતો, અનુભવી રહ્યો હતો.. ઇતિની અસ્વસ્થતા આજે તે દિલથી ઇચ્છી રહ્યો હતો. તેના મનમાં આશાનું કિરણ જાગ્યું હતું. પરંતુ ઉતાવળ કરાય તેમ નહોતું. આ જડતાનું કોચલું તૂટવું જોઇએ..અંગો સંકોરીને પડેલ કાચબો પણ ઋતુ બદલાય ત્યારે ચેતનવંતો બને છે. ઇતિ પણ ફરી એકવાર જાગશે.નવપલ્લવિત થશે જ. ફરીથી લીલીછમ્મ કૂંપળો ફૂટશે. કુદરતમાં પણ પાનખર કાયમ થોડી જ રહે છે ? ઇતિ તેની ઇચ્છા અનુસાર જીવી શકે એ માટે અરૂપ બધું જ કરી છૂટશે. બસ એકવાર આ જડતા દૂર થવી જોઇએ. પછી બીજું કોઇ પણ પરિણામ આવે અરૂપ તૈયાર હતો. બની શકે ભાન આવતા ઇતિ જીવનભર પોતાનું મોં જોવા પણ તૈયાર ન થાય. તેને છોડીને હમેશ માટે જતી રહે. કંઇ પણ બની શકે. પરંતુ તો યે શું ? કોઇ પણ સજા કોઇ દલીલ વિના એ સ્વીકારી લેશે.

અરૂપના મનમાં અનેક વિચારોની આવનજાવન અવિરત ચાલુ હતી.

કાર્યક્રમ પૂરો થયો. અરૂપ ઇતિનો હાથ પકડી હોલની બહાર નીકળ્યો. ગાડીમાં આખે રસ્તે અરૂપ નૈયાના ડાન્સના વખાણ કરતો રહ્યો. ‘ ઇતિ, તને કેવું લાગ્યું ? ‘ અને જવાબ ન મળતા પોતે જ આગળ બોલતો રહ્યો.

’મને જોકે તારા જેટલી સમજ તો ન જ પડે. પણ નૈયાએ સારું કર્યું નહીં ? અને અરૂપ પ્રોગ્રામની ખામીઓ, ખૂબીઓ ખૂબ રસથી વર્ણવતો રહ્યો.

‘ઇતિ, તારું આરંગેત્રમ તો મને જોવા નથી મળ્યું.. પણ અનિકેત ખૂબ વખાણ કરતો હતો. બહું સરસ કાર્યક્રમ થયો હતો નહીં ? મને તો જોકે એમાં બહું ખબર કયાં પડતી હતી ? પણ આજે આ જોઇને થાય છે કે કેવી મહાન કલા છે નહીં ? ઇતિ, મને તો થાય છે તું ધારે તો આજે પણ આ ક્ષેત્રમાં ઘણું કરી શકે. તું ફરી એકવાર શીખવાનું ચાલુ કરને. પહેલા તો મને ડાન્સ એટલે શું? કલા એટલે શું એનું ભાન કયાં હતું ? આજે જ એના મહત્તા સમજાઇ. આંતરમનની, અભિવ્યક્તિ માટે આનાથી શ્રેષ્ઠ બીજી કોઇ રીત, બીજું કોઇ માધ્યમ હોઇ જ ન શકે. ઇતિ, તું તારી પ્રેકટીશ ફરીથી ચાલુ કરીશ ? હમણાં ઘણાં સમયથી મૂકાઇ ગયું છે ને ?તો થોડો સમય ઘેર ટયુશન રાખી લઇએ કે પછી કોઇ કલાસ જોઇન કરવા હોય તો તે કરી લે. તને કયાં વાર લાગવાની છે ? જરા તાજું જ કરવાનું છે ને ? અને પછી તો ઇતિ, તારા કાર્યક્રમ હું એરેન્જ કરીશ.તું મહાન નૃત્યાંગના અને હું તારો સેક્રેટરી બનીશ. ઇતિ, આપણે વર્લ્ડ ટુર કરીશું. દેશ પરદેશમાં તારા કાર્યક્રમો યોજાશે. તું સ્ટેજ પર ડાંસ કરતી હોઇશ. થિરકતી હઇશ અને હું સૌથી આગળ બેસી મારી ઇતિને તાળીઓથી વધાવતો રહીશ. ઇતિ, આપણું આ સપનું એક દિવસ સાકાર બનશે. જરૂર સાકાર બનશે.’

ભાવાવેશમાં અરૂપ સહજ રીતે બોલતો રહ્યો. અંતરમાંથી આવતી એ વાણીમાં દિલની પૂરી સચ્ચાઇ હતી. કોઇ બનાવટ નહીં..કોઇ પ્રયત્નો નહીં.

ઇતિ સાંભળતી હતી કે નહીં તે ખબર નહોતી પડતી પરંતુ આવું જ કંઇક પોતે કયારેક સાંભળી ચૂકી હતી. એવી કોઇ લાગણી કેમ થતી હતી ? આવું કયાં, કયારે સાંભળ્યું છે ? ઇતિ કશુંક યાદ કરવા મથતી હતી પરંતુ ચિત્ર સ્પષ્ટ નહોતું થતું. આ શબ્દો તો જાણીતા છે. છતાં....એની મથામણ ચાલુ થઇ હતી એ અરૂપ જોઇ શકયો. હાશ ! કોઇ લાગણી તો તે અનુભવી શકી. કાલે તે ડોકટરને જરૂર આ વાત કરશે. આમ પણઆવતીકાલે ડોકટરને મળવા જવાનો વારો હતો. દર અઠવાડિયે તે ઇતિમાં થતાં ફેરફાર તે ડોકટરને કહેતો રહેતો. અને હવે પછી શું કરવું જોઇએ તેનું માર્ગદર્શન મેળવવા જતો હતો.

અરૂપમાં આવેલ પરિવર્તન ક્ષણિક નહોતું. તેના અંતરના દ્વાર ઉઘડયા હતા. પ્રેમનું સાચું સ્વરૂપ તેને ઓળખાયું હતું. જોકે એ માટે બહું ભારે કિંમત તેને ચૂકવવી પડી હતી. તે પોતે પોતાના આ સ્વરૂપથી આશ્ર્વર્ય પામતો હતો. કયાંથી આવી રહ્યા છે આ શબ્દો ? આ વાણી કયાંથી ફૂટી નીકળે છે ? એક કાંકરી એવી તો જળમાં પડી હતી કે સમંદર ખળભળી ઉઠયો હતો.

બીજે દિવસે સાંજે ઇતિ બગીચામાં હીંચકા પર રોજની જેમ દૂર દૂર જોતી બેઠી હતી ત્યાં અરૂપ તેની પાસે સરસ મજાના ઘૂંઘરુ લાવ્યો.

’ઇતિ, લાવ તારા પગ...’ કહી તેણે ઇતિને ઘૂંઘરું બતાવ્યા. ઇતિ, પહેરીશ ને આ ? ફરી એક્વાર તું થિરકીશ અને હું...’

કહેતા ગળગળા બની ગયેલ અરૂપે ઇતિના પગમાં ઘૂંઘરું પહેરાવ્યા. ઇતિ પોતાના પગ સામે જોઇ રહી. ઊભી તો ન થઇ. પરંતુ તેના પગ જરૂર હલી ઉઠયા.અને ઘૂંઘરું રણકી ઉઠયા. અને સાથે રણકયો ઇતિના કાનમાં કોઇ અવાજ..

ઇતિ તે અવાજને ઓળખી શકી કે નહીં ?

“ આજ અધૂરી રહી જશે તો કાલે ફરી મંડાશે એમ વાર્તા જીવતર કેરી આગળ આગળ જાશે “

ઇતિના જીવતરની વાર્તા આ ક્ષણે તો થંભી ગઇ હતી. એ આગળ ચાલશે કે કેમ ? ચાલશે તો કઇ રીતે ?

કોઇ નવી કૂંપળ ફૂટશે ખરી ?

( શીર્ષક પંક્તિ..હરીશ દોશી. )

પ્રકરણ 20 - પરમ, પરિનિનો કલરવ.

“ ના સમય પણ સતત પ્રવાહ જાળવી શકતો કયાં વહી જાય છે એ વેળ જે સ્મરણમા છે ? “

તે દિવસે ધોધમાર વરસ્યા બાદ જાણે ખાલી થઇ ગયા હોય તેમ વાદળોએ વિશ્રામ લીધો હતો. બે દિવસથી આકાશ કોઇ તરુણીના કાળા કેશકલાપ જેવા વાદળોથી ઘેરાયેલું હતું. સૂરજ જેવા સૂરજને પણ ઢાંકીને વાદળો આકાશમાં પોતાનું સામ્રાજય જમાવીને બેઠા હતા. આસમાન જાણે મીરાની કાળી કામળી ઓઢીને ચૂપચાપ બેસી ગયું હતું. જેથી બીજો કોઇ ડાઘ જ ન લાગે. સહદેવ જેવા સમયે મૌનવ્રત લીધું હતું કે શું ? વાદળા પાણીથી છલોછલ તો હતા જ. પરંતુ વરસી શકતાં નહોતા. કોઇની પ્રતીક્ષામાં હતા કે શું ?

આજે અરૂપનો ખાસ મિત્ર અંકુર અને તેની પત્ની વૈશાલી તેમના બે બાળકો સાથે તેમને ઘરે બે દિવસ રહેવા માટે આવ્યા હતા.પાંચ વરસનો પુત્ર પરમ અને ત્રણ વરસની પુત્રી પરિનિ..જોતાં જ ગમી જાય તેવા સ્માર્ટ અને પરાણે વહાલા લાગે તેવા મીઠાબોલા હતાં. વૈશાલી સાથે ઇતિને પણ ખૂબ ફાવતું. તે અને અરૂપ ઘણીવાર તેમને ત્યાં જઇ આવેલ. પરમ અને પરિનિ તો ઇતિને ખૂબ વહાલા હતા. આખો દિવસ તે તેની સાથે રમતી અને રમાડતી રહેતી. પરંતુ હવે બદલાયેલ સંજોગોની વાત અલગ હતી.

આજે ઘણાં સમય પછી તેઓ અહીં આવ્યા હતા. આમ તો આગલે દિવસે જ અરૂપે તેમને ફોનમાં બધી વાત કરી દીધી હતી. જેથી તેઓ આવે ત્યારે ઇતિનું વર્તન જોઇ તેમને ખરાબ ન લાગે. ઇતિને લાગેલ આઘાતની વાત સાંભળી અંકુર અને વૈશાલી સ્તબ્ધ થઇ ગયેલ. અરૂપને આશ્વાસન આપતાં તેમણે કહ્યું હતું.

’ દોસ્ત, ચિંતા ન કર. તારો પ્રોબ્લેમ અમારો પ્રોબ્લેમ છે. આપણે સાથે મળીને કોઇ ઉકેલ શોધીશું. આ વૈશાલીનું માનસશાસ્ત્ર કયારે કામ આવવાનું છે ? વૈશાલી, this is a challenge for you. U have to prove your degree now. ‘

વૈશાલીએ હસતા હસતાં ચેલેંજ સ્વેકારી લીધી હતી. આમ અરૂપ થોડો આશ્વસ્ત હતો.વૈશાલી આવતાની સાથે જ ઇતિને ભેટી પડી.

’ અરે, ઇતિ, તું તો અમને સાવ ભૂલી ગઇ. આવું ન ચાલે હોં. પરંતુ કશો વાંધો નહીં. અમે તમને એમ ભૂલવા થોડા દઇએ ? હજુ ગયા વરસે જ તેઓ મળ્યા હતા. તેથી પરમને તો આંટી બરાબર યાદ હતા. તે વહાલથી આંટીને વળગી પડયો,’ આંટી, મારી ચોકલેટ....’

ઇતિને કશું સમજાયું નહીં. જોકે તેનો હાથ પરમના માથા ઉપર ફરી રહ્યો. ઓળખાણ પણ પડી હોય તેવું લાગ્યું. પણ કોઇ શબ્દો મળ્યા નહીં. શું બોલવું તે સમજાયું નહીં. ત્યાં તો ભાઇનું જોઇ નાનકડી પરિનિ પણ આંટી પાસે દોડી આવી. કે કયાંક ભાઇ એકલો ચોકલેટ લઇ લેશે તો ? ચોકલેટમાં ભાગ પડાવવા માટે કે પછી આંટીના વહાલમાં ભાગ પડાવવા તે પણ ઇતિ પાસે આવી પહોંચી. અને સીધી ઇતિને વળગી પડી. પરાણે વહાલી લાગે તેવી આ મીઠડી છોકરીને જોઇ ઇતિની આંખોમાં, સમગ્ર અસ્તિત્વમાં એક ચમક ઉભરાણી. તેના હાથ આપોઆપ લંબાયા. અને પરિનિ તો જાણે કોઇના હાથ લંબાવાની પ્રતીક્ષામાં જ હતી. ઇતિ પરિનિને તેડી છાતી સરસી ચાંપી વહાલ કરી રહી.

આ દ્રશ્ય જોઇ રહેલ અરૂપના ચહેરા પર સ્મિતની લહેરખી ફરી વળી. અંકુર અને વૈશાલી પણ જોઇ રહ્યા. વૈશાલી તો જાણે કોઇ ઉપાય મળી ગયો હોય તેમ ખુશખુશાલ.

’ઇતિ, તારા હાથના બટેટાવડાનો સ્વાદ હજુ ભૂલાયો નથી હૉં. ખવડાવીશને ?’

’ના હો ભાભી, પહેલા તમારા હાથની આદુ, એલચી અને ફુદીનાવાળી સરસ મજાની ચા પીવી છે ’

’ અરે, પહેલા આ તોફાની બારકસને તો નીચે ઉતરવા દે’

વૈશાલીએ પરિનિને નીચે ઉતરવા કહ્યું.

પણ પરિનિ વધારે વળગી. ચોકલેટ લીધા સિવાય તે કેમ ઉતરે ?

અને તેને નીચે ઉતારવા ઇતિ પણ કયાં રાજી હતી ? જોકે શું કરવું તે તેને ખબર નહોતી પડતી. પરંતુ તે પરિનિને નીચે ઉતારવા નહોતી માગતી. તેટલી ખબર તો સૌને પડી હતી.

અરૂપે ચોકલેટ લઇ ઇતિના હાથમાં આપી

‘ લે ઇતિ, આ પરમ, પરિનિને આપ. ‘ઇતિએ એકાદ ક્ષણ અરૂપ સામે જોયું. પછી તેના હાથમાંથી ચોકલેટ લઇ બાળકોને આપી.

ભાભી, હવે ચા કે બટાટાવડાનું શું છે ? અમે કંઇ તમને છોડવાના નથી હોં. અંકુરે ફરીથી ઇતિને યાદ દેવડાવ્યું.

શું જવાબ આપે ઇતિ ? હજુ તો પ્રશ્ન જ પૂરો કયાં સમજાયો હતો ?

વૈશાલી ઇતિનો હાથ ખેંચી તેને રસોડામાં ખેંચી ગઇ.

‘ કેમ છો તારાબેન ? ‘

તારાબહેન ઘણાં સમયથી ઇતિને ત્યાં હોવાથી અંકુર, વૈશાલી પણ તેમને ઓળખતા હતા.

તારાબેને હસીને જવાબ આપ્યો.

’ મજામાં. તમે લોકો આવ્યા એ બહું સારું કર્યું. બહેનને સારું લાગશે. ઘરમાં હવે બોલાશ થશે તો બેનને કદાચ બધું યાદ આવી જશે. આમેય બેનને આ છોકરાઓની બહુ માયા છે. ‘

તારાબેન આ બધાના આવવાથી ખુશ થયા હતા.

’ હે માતાજી, સૌ સારા વાના કરજો.’

તારાબેને મનોમન માતાજીને પણ યાદ કરી લીધા.

’ ઇતિ, બટાટાવડામાં મસાલો તો તારે જ કરવો પડશે હોં. કેમ ખરુંને તારાબહેન ? ’

તારાબેને હસીને હા પાડી. મારા બેનના હાથના બટાટાવડા ખાધા હોય તે એનો સ્વાદ કયારેય ન ભૂલે.

ત્યાં અંકુર પણ રસોડામાં અંદર ઘૂસી આવ્યો.

’કેમ છો તારાબહેન ..આજે શું જમાડવાના છો ? અને ભાભી, આપણી મસાલાવાળી ચાનું શું છે ? કોઇ બહાના નહીં ચાલે. લો ફ્રીઝમાંથી આદુ, ફુદીનો હું જ કાઢી આપું. ફ્રીઝમાં હશે જ. અરૂપની આદતથી હું કયાં અજાણ છું ? ‘

અંકુરે ફ્રીઝમાં થોડા ખાંખાખોળા કરી, આદુ,ફુદીનો શોધી કાઢયા. અને દૂધ બહાર કાઢયું. વૈશાલીએ ચા, ખાંડના ડબ્બા ઇતિના હાથમાં પકડાવ્યા. ઇતિ થોડી મૂંઝાઇ ગઇ. છેલ્લા બે મહિનાથી તેણે રસોડામાં પગ જ કયાં મૂકયો હતો ? તેનાથી અરૂપ સામે જોવાઇ ગયું.

આ તેની જૂની આદત હતી. જયારે કંઇ સમજ ન પડે ત્યારે અરૂપ સામે તે જોઇ રહેતી. અને અરૂપ વગર કહ્યે ત્યારે પણ સમજી જતો. તો આજે કેમ ન સમજે ?

‘અરે, બંને ભેગા થઇ મારી ઇતિને હેરાન કરો છો ? ચાલો, હું જ મદદ કરીશ મારી ઇતિને .’

કહેતાં અરૂપે ગેસ પર ચાનું પાણી ઉકળવા મૂકયું. ખાંડ, ચા નાખતાં નાખતાં તેણે ઇતિને પૂછયું,’ ઇતિ, આટલી ખાંડ બરાબર છે ને ? ચાલશે ને ? માપમાં આપણને ખબર ન પડે.’ઇતિથી વગર પ્રયત્ને માથુ ધૂણાવાઇ ગયું. અરૂપ એકદમ બીઝી હોય તેમ ઇતિને કહે, ‘લે, આ આદુ.. સાણસીથી કચરતાં મને તારી જેમ નહીં ફાવે. એમાં તારી મદદ જોઇશે.’

કહી તેણે આદુનો ટુકડો અને સાણસી ઇતિના હાથમાં પકડાવ્યા.

ઇતિથી અનાયાસે સાણસી દબાઇ અને આદુ પીસાઇને ચામાં…

’ઇતિ, જોજે, ચા ઉભરાય નહીં. ધ્યાન તારા અરૂપ સામે નહીં, ચાની તપેલીમાં રાખજે હોં. ‘

અરૂપ સામે જોઇ રહેલી ઇતિના કાનમાં વૈશાલીનો ટહુકો સંભળાયો તો ખરો પણ અર્થ......?

ત્યાં ઇતિના હાથમાં અરૂપે ગરણી પકડાવી. ઇતિએ યંત્રવત ચા ગાળી. હવે અરૂપને થયું..આજના દિવસનું બહું થયું. તારાબહેનને બાકીનું કામ પતાવવાની સૂચના આપી ઇતિનો હાથ પકડી તે બહાર બગીચામાં આવ્યો.તારાબેન પોતાના કામે વળગ્યા.

ઇતિ રોજની જેમ હીંચકા પર બેઠી. અંકુર, વૈશાલી પણ ચાના કપ હાથમાં લઇ બહાર આવ્યા. એક કપ ઇતિના હાથમાં પકડાવી વાતોના ગપાટા મારતાં બધા કયાંય સુધી બેસી રહ્યા. અંકુર, વૈશાલી આમ પણ વાતોડિયા હતા જ. જયારે પણ બધા ભેગા થાય ત્યારે મોડી રાત સુધી ગામગપાટા ચાલે, હસી મજાકની છોળ ઉડયા કરે. જાતજાતના જોકસ ચાલે…..ગીતો ગવાય. બધા પોતપોતાના અનુભવોની વાતો કરતાં રહે. ઇતિ પાસે તો હમેશા ગીત ગવડાવ્યે જ છૂટકો કરે.

ગયે વરસે અંકુરને ઘેર બધાએ સાથે મળીને કેવી મજા કરી હતી. તે યાદો તાજી કરતા વૈશાલીએ કહ્યું,ઇતિ ગયે વખતે તેં સરસ મજાના ગીતો સંભળાવ્યા હતા. આ વખતે કંઇ છટકી નહીં જવાય હોં. ‘

’હા, ભાભી, ચાલો ફરમાઇશ અમારી, ગીતો તમારા. આ વખતે મારું પ્રિય ગીત તો તમારે સંભળાવવું જ પડશે.’ અંકુરે ઉમેર્યું. કયું ગીત યાદ છે ને ? યાદ ન હોય તો ચાલો હું જ યાદ કરાવી આપું. કહી અંકુરે લલકાર્યું.

‘ મૈને તેરે લિયે હી સાત રંગકે સપનેં ચુને....સપનેં સૂરીલે સપનેં..’

ઇતિ બેબસ બની અરૂપ સામે જોઇ રહી. પણ અરૂપનું ધ્યાન કદાચ પરમ અને પરિનિમાં હતું. ઇતિ પોતાની જાતે આજે શું કરે છે.....?

પરિનિ અરૂપના ખોળામાં ચડી બેઠી હતી. અને કંઇક નખરા કરતી અને કરાવતી હતી.

વૈશાલીએ કહ્યું,’

’ અંકુર, ઇતિ જેટલું સરસ નહીં પણ થોડું તો કયારેક અમે પણ ગુનગુનાવી લઇએ છીએ હોં..

’હા, તારા જેવા બાથરૂમ સીંગરનો જોટો ન જડે. ’

અંકુરે વૈશાલીની મજાક ઉડાડતા કહ્યું.

બાથરૂમમાં તો બાથરૂમમાં ગાઇએ તો છીએ ને ?

‘ ચાલ, ઇતિ આજે તો હું જ શરૂં કરું. તું સાદ પૂરાવજે હોં. આમ પણ મને શબ્દો બહું યાદ રહેતા નથી. ‘ઇતિની મૂંઝવણ પારખી વૈશાલીએ લલકાર્યું,

’મૈને તેરે લિયે હી સાત રંગકે સપને ચૂને...’

અને તે અટકતી ત્યારે ઇતિ સામે જોતી પરંતુ ઇતિના ગળામાંથી શબ્દો સરી શકયા નહીં.

અરૂપે કહ્યું,’ ઇતિને બદલે આજે અરૂપ ગાશે.’

’અરૂપ તું ગાઇશ ? ‘ અંકુરે આશ્ર્વર્યથી પૂછયું.

’કેમ, હું ગાઇ ન શકું ? ‘

’ગાઇ તો જરૂર શકે પણ યાર, સાંભળવાવાળાનો કંઇક તો વિચાર કરવો જોઇએ ને ? અમારી થોડી દયા, માયા રાખજે હૉં.’

’ બસ..બસ આપશ્રી જાણે પાછા બહું સરસ ગાવ છો ! ‘

વૈશાલીએ અરૂપનો પક્ષ લીધો.

‘ અરે, અહીં તો ઘરની વ્યક્તિ જ વિરોધ પક્ષમાં બેસી ગઇ. ‘

’ ઘરના પણ કયારેક તો પક્ષપલટો કરે હૉં...’

અને વૈશાલીએ તો એક પછી એક ગીતોની જાણે રમઝટ બોલાવી. ઇતિના ગમતાં ગીતોની તેને જાણ હતી જ. વૈશાલી ગાતી રહી. ઇતિ ઘડીકમાં વૈશાલી સામે અને ઘડીકમાં દૂર દૂર આકાશમાં ચમકતાં તારાઓ જોતી રહી. તેની આંખો એ તારામાં કોઇને શોધતી હતી કે શું ? ના, ના એટલી સૂધબુધ ઇતિમાં કયાં બચી હતી ?

અચાનક અરૂપ અને અંકુરના તાળીઓના ગડગડાટના અવાજે ઇતિ જાણે આ દુનિયામાં પાછી ફરી.’વાહ..આજે તો તમે બંને સરસ જુગલબંદી કરી. વૈશાલી, ઇતિ સાથે તું ગાઇ શકે છે ખરી હોં. પણ તારે એકલા ગાવાની હિમત કયારેય કરવી નહીં.’

અચાનક વૈશાલી કહે,

ઇતિ, તને યાદ છે ? પરિનિ હજુ સાવ નાની હતી અને તમે લોકો અમારે ત્યાં આવેલ. આપણે સાથે એક પાર્ટીમાં જવાનું હતું. હું પરિનિને ડાયપર પહેરાવતી હતી. ત્યાં અચાનક તારું ધ્યાન જતાં તેં પરિનિને ડાયપર પહેરાવવા નહોતું દીધું

‘ભાભી, જુઓ તો ખરા આને કેટલા રેશીઝ થઇ ગયા છે. આજે એને ડાયપર ન પહેરાવો.’’ પણ સુ સુ કરશે તો ? ‘

ભલે કરે..હું તેડીશ બસ..’

અને પછી તું તેને તેડીને ફરતી રહી. અને આપણે બધા જમતા હતા ત્યારે જ ..આ બદમાશે તારી ભારે સાડી પવિત્ર કરી હતી..યાદ છે ? અને આપણે બધા કેવા ખડખડાટ હસી પડયા હતા... યાદ છે આ શેતાનનું પરાક્રમ ? ‘

પરિનિને આગળ કરતાં વૈશાલી બોલી.

ઇતિ મૌન રહી. પણ તેના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી ફરકીને ચાલી ગઇ એવો અરૂપને ભ્રમ કેમ થયો ? ત્યાં તો પરિનિ ઇતિના ખોળામાં ચડી બેઠી.’આંટી સ્ટોરી...’અને પરમ પણ બાકી કેમ રહે ?

‘આંટી, આ વખતે કઇ સ્ટોરી કરશો ? ‘

‘ ચકી,ચકાની ‘ પરિનિ ટહુકી ઉઠી.’ના, ના, એ તો કેટલીયે વાર મેં સાંભળી લીધી છે. એ નહીં. ‘

‘ ના, આંટી સ્ટોરી રાત્રે કરજો. હું મારી ડ્રોઇંગબુક સાથે લાવ્યો છું. ગયે વખતે તમે મને એમાં કેવો સરસ પીકોક દોરી આપેલ ને ? આ વખતે શું દોરી આપશો ? એક મિનિટ, હું મારી બુક લઇ આવું. ‘કહી કોઇ કશું બોલે તે પહેલાં પરમ પોતાની બુક લેવા અંદર દોડી ગયો.અને ભાઇને જોઇ હમેશા તેની નકલ કરનાર પરિનિ થોડી બાકાત રહે ?’ હું પણ મારી બુક લઇ આવું’

કરતી તે પણ અંદર બુક લેવા ભાઇની પાછળ દોડી.

અને પાંચ મિનિટમાં તો પોતાની બેગમાંથી ખાંખાખોળા કરી બંને ભાઇ બહેને પોતપોતાની ડ્રોઇંગબુક લઇ આવીને ઇતિને સોંપી દીધી.

’ આંટી, જુઓ, આમા મેં દોરેલ ચિત્રો તમને બતાવું.’

‘ ના, આંટી, પહેલાં મારા ચિત્રો...’

અને પરિનિએ પરમની બુક ઇતિના હાથમાંથી લઇ દૂર ફગાવી દીધી અને પોતાની બુકમાં રંગો પૂરેલ હતા તે બતાવવા લાગી.

વૈશાલી હસી પડી

’ ઇતિ, આ છે ટેણી ,પણ બહું જબરી છે હોં. અંકુરે તેને માથે ચડાવી છે. તેથી જિદ્દી બની ગઇ છે. અંકુર હમેશા દીકરીનો જ પક્ષ લઇ તેને બગાડે છે. ‘

‘આંટી, એ તો કોપી કેટ છે. ‘ હું કરું એમ જ તેને કરવું હોય છે. ‘

પરમે બહેનની ફરિયાદ કરી.વૈશાલી બંને ભાઇ બહેન ઝગડતા હતા તેમને શાંત કરવા લાગી.

પરમને લાગ મળતા પરિનિને મારી લીધું અને પરિનિનો ભેંકડો ચાલુ.

ન જાણે કેમ પણ ઇતિએ રડતી પરિનિને ઉંચકી લીધી અને કોઇ કશું બોલે તે પહેલાં પરિનિને ઉંચકી ઉપર ચાલી ગઇ.

સૌ જોતાં જ રહી ગયા.

આજે પહેલીવાર ઇતિએ સામેથી કંઇક પ્રતિક્રિયા દર્શાવી હતી.

ચાવી દીધા સિવાય પૂતળી જાતે ચાલી હતી. અરૂપને આશાની કિનાર વધુ રૂપેરી થતી લાગી.

બીજે દિવસે સવારે વૈશાલી ઇતિને કહે,’ ઇતિ, અમે ઘણાં સમયથી એકલાં કયાંય બહાર જઇ શક્યા નથી. જયાં જઇએ ત્યાં આ બારકસો સાથે જ હોય. આજે માંડ ચાન્સ મળ્યો છે. તારી સાથે બંને સરસ મીક્ષ થઇ ગયા છે. તને વાંધો ન હોય તો અમે તેમને તારી પાસે મૂકીને પિકચર જોવા જઇએ ? તું એટલો સમય સાચવીશ બંનેને ?

ઇતિ પ્રશ્ન સમજે કે જવાબ આપે તે પહેલાં બંને બાળકો ઇતિને વીંટળાઇ વળ્યા.હા, અમે આંટી પાસે રહેશું. તમે જાવ.. અમે તો આંટી સાથે રમીશું. હેં ને આંટી ?આંટી શું જવાબ આપે ? અને તેના જવાબની અપેક્ષા પણ કયાં કોઇને હતી ?

’ અને અરૂપ, તારે અમને થિયેટર સુધી મૂકવા આવવું પડશે હોં. અમને અહીં કશું મળે નહીં. ‘ અંકુરે કહ્યું.

અરૂપ એકાદ ક્ષણ અચકાયો.આમ ઇતિને એકલી મૂકીને..? પરંતુ વૈશાલી સામે નજર પડતાં તેને કશુંક સમજાયું. અને તે ઊભો થયો.

’ ઇતિ, તું આ પરમ, પરિનિ સાથે થોડી વાર રહીશ ? હું આ લોકોને થિયેટર સુધી મૂકી હમણાં પાછો આવું છું. તું પરમ, પરિનિનું ધ્યાન રાખીશને ?

મૌન ઇતિ અરૂપ સામે જોઇ રહી. અરૂપ જલદીથી બહાર નીકળી ગયો. અંકુર, વૈશાલી તેને અનુસર્યા.

‘બાય,..ઇતિ, ટૈક કેર...’

જતાં જતાં અરૂપ પાછળ ફરી જોતો રહ્યો. આમ ઇતિને એકલી મૂકીને જતાં તેનો જીવ નહોતો ચાલતો. પરંતુ કોઇ ઉપાય નહોતો. વધુ એક અખતરો કરવો જ રહ્યો. જોકે જતાં જતાં તારાબહેનને બધાનું ધ્યાન રાખવાની સૂચના આપ્યા સિવાય તે રહી ન જ શકયો. તારાબેને અરૂપને ઇતિની ચિંતા કર્યા સિવાય જવાનું કહ્યું. આજે માંડ સાહેબ બહાર નીકળ્યા હતા. આટલા સમયથી સાહેબ તેને માટે અપરિચિત રહ્યા હતાં. પરંતુ જયારથી ઇતિનું બોલવાનું બંધ થયું હતું ત્યારથી તે સાહેબને ઓળખતી થઇ હતી. કયારેક તો તેને સાહેબની દયા આવતી હતી. પુરુષ માણસ બૈરી માટે કેટલું કરે છે ! બેન માટે સાહેબ ઉભા સૂકાય છે. તે જોઇ તારાબેનને સાહેબ માટે માન થયું હતું.

ઇતિ ત્યાં ઊભી ઊભી ત્રણેને જોતા જોઇ રહી. શું કરવાનું તેની સૂઝ તેને કયાં પડતી હતી ? છેલ્લા બે મહિનાથી તે અરૂપ કહે તેમ કર્યા કરતી. આજે પૂતળીને ચાવી આપવાવાળું કોઇ નહોતું.

આજે પૂતળીએ જાતે ચાલવાનું હતું. એ ચાલી શકશે ખરી ?

પ્રકરણ...21 - હીમ ઓગળશે ?

“ જિન્દગી યૂં ભી ગૂજર જાતી કયોં તેરા રાહગુઝર યાદ આયા ? “

ચાવી દીધા સિવાય ચાલવાનું પૂતળી માટે આસાન થોડું જ હોય છે ? થોડી ક્ષણો એમ જ વીતી. ઇતિ મૂઢની માફક ઉભી હતી.

તારાબેન અંદર કામ કરતા હતા પરંતુ તેમની નજર ઇતિ પર હતી. ઇતિ જાતે કશું કરે એ જોવા તેઓ પણ આતુર હતા. તેથી તે વચ્ચે કશું બોલવા નહોતા માગતા. નછૂટકે જ એમને ઇનવોલ્વ થવાનું હતું . અરૂપ સાથે રહીને આટલા દિવસોથી પોતે જે જોતા આવ્યા હતા તેથી તેમને એટલી સમજણ તો પડી ચૂકી હતી.

શું કરવું તે ન સમજાતા ઇતિ હજુ ત્યાં જ ઉભી હતી ત્યાં પરમ આવ્યો.

’ આંટી, મને આઇસ્ક્રીમ આપશો ? ‘

શું કરે ઇતિ ? તેની આંખો હમેશની જેમ અરૂપને શોધી રહી. તારાબેન દૂર ઉભા ઉભા બધું જોઇ રહ્યા હતા. પરંતુ સાહેબનું જોઇ જોઇને તે પણ શીખી ગયા હતા. બેન જાતે શું કરે છે તે જોવાનું વધારે અગત્યનું હતું. તેટલી સમજ તો આ અભણ બાઇને પણ પડી ચૂકી હતી. અને જરૂર પડે તો પોતે છે જ ને ?

ઇતિને અરૂપ કયાંય દેખાયો નહીં. હવે ? નાનકડો પરમ એની આંખોના ભાવ થોડો વાંચી શકવાનો હતો ? તેણે તો મૌન ઇતિને હલબલાવી નાખી.

‘ આંટી, ચાલોને મને આઇસ્ક્રીમ આપોને..અને ઇતિનો હાથ ખેંચી તેને ફ્રીઝ પાસે ઢસડી ગયો.

ઇતિથી આપોઆપ ફ્રીઝ ખોલાયું. અરૂપની હમેશની આદત મુજબ ફ્રીઝરમાં આઇસ્ક્રીમ હાજર હતો જ. ઇતિએ બે ચાર ક્ષણ ફ્રીઝમાં જોયા કર્યું. પરંતુ પરમની ધીરજ થોડી રહે ? તેની બૂમાબૂમ ચાલુ. અને ઇતિ ભાનમાં આવી હોય તેમ તેનો હાથ લંબાયો. અને એક કપ પરમને અપાયો. ત્યાં પરિનિ પણ હમેશની માફક ભાઇની પાછળ પાછળ આવી પહોંચી.

’ આંટી, મને ય ખાવો છે.’

પરમને એકલાને જ આઇસ્ક્રીમ મળ્યો અને પોતે રહી ગઇ માની તેણે પોતાની ટેપ ચાલુ કરી.

‘આંટી, પહેલાં મને..’

ઇતિની નજર આજુબાજુ ફરી રહી. અરૂપ કયાં ? પરંતુ કોઇ દેખાયું નહીં.

શું કરવું તેની પૂરી સમજ નહોતી પડતી.પરંતુ ઇતિએ પરિનિને ઉંચકી લીધી. અને ફ્રીઝ ખોલી તેને પણ આઇસ્ક્રીમ આપ્યો. પરિનિ જાતે ખાવા ગઇ. પરંતુ અડધો તેના ફ્રોક પર ઢોળાતો હતો. આઇસ્ક્રીમ ખવાઇ ગયો ત્યાં સુધીમાં તો પરિનિના બધા કપડાં આઇસ્ક્રીમવાળા થઇ ગયા હતા. તેથી તેણે ‘ છિ છિ..ગંદુ..’ કહી જાતે જ ફ્રોક કાઢી નાખ્યું. આમ પણ તે બહું ચોખલી હતી.

પરિનિએ કપડાં કાઢી નાખ્યા તે જોઇ પરમ દોડીને તેની બેગમાંથી પરિનિનું બીજું ફ્રોક લઇ આવ્યો અને ઇતિને આપ્યું.

‘ આંટી, લો, આ પરિનિનું ફ્રોક..તેને તો પહેરતાં પણ નથી આવડતું.

ઇતિ હાથમાં ફ્રોક પકડી ઊભી રહી. ત્યાં બોલકી પરિનિ આગળ આવી અને બંને હાથ ઉંચા કરી હસતી હસતી ઇતિ સામે ઊભી ગઇ.

’ આંટી, પહેરાવો..’

ઇતિએ પરિનિના ગળામાં ફ્રોક નાખ્યું. પછી તો પરિનિએ જાતે જ ફ્રોક સરખું કરી લીધું. અને ઇતિનો હાથ ખેંચી તેને બગીચામાં લઇ ગઇ.

ચૂપચાપ ઉભીને બધું નિહાળી રહેલ તારાબેનને હાશ થઇ. બધું સમુનમુ પાર ઉતર્યું તો ખરું. થોડીવાર ઇતિને નીરખતાં તે ત્યાં ઉભા રહ્યા. તેમની આંખો ભીની બની. બધું બરાબર છે..એ જોઇ તે પાછા રસોડામાં ગયા.

’ આંટી, ચાલો, આપણે ગાર્ડનમાં હીંચકા ખાઇએ. મને હીંચકા ખવડાવશોને ? ‘

ઇતિ બાળકોને દોરતી હતી કે પોતે બાળકોથી દોરાતી હતી તે સમજાય તેમ નહોતું. પરંતુ ઇતિ બંને સાથે હીંચકા પર બેઠી હતી અને હીંચકો ઝૂલી રહ્યો હતો. ઇતિનું ધ્યાન પરમ, પરિનિ તરફ પડયું હતું. અને અહીં હવે બીજું કોઇ કે અરૂપ નથી અને પોતાની જવાબદારી છે તેવો અહેસાસ કદાચ થઇ રહ્યો હતો. થીજેલો બરફ પીગળવાની આ શરૂઆત હતી કે શું ? બાળકોના સ્નેહની ઉષ્માથી ભીતર કશુંક ઓગળતું હતું ?

અચાનક પરિનિને મસ્તી સૂઝી. તે ઇતિને ગલીપચી કરવા લાગી.

‘ આંટી, તમે કેમ બોલતા નથી ? નહીં બોલોને તો હું આમ હેરાન કરીશ.’ ખિલખિલ હસતી પરિનિ ઇતિની પાછળ પડી ગઇ.

‘ આંટી, મમ્મી કયારેક અમારી કિટ્ટા કરે ને ત્યારે અમે બંને મમ્મીને આમ જ ગલીપચી કરીએ..પછી મમ્મી હસી પડે અને બુચા કરી લે હોં. ‘

પરમે બેનની કેફિયત રજૂ કરી.

પરિનિ ઇતિના ખોળામાં ચડી ગઇ. આંટી બોલે નહીં એ કેમ ચાલે ? તેણે જોશમાં આવી ઇતિને ગલીપચી કરવાનું ચાલુ રાખ્યું. તેના નાનકડા હાથ ઇતિના શરીર પર ફરવા લાગ્યા...

અચાનક ઇતિની આંખમાંથી ન જાણે કેમ પાણી છલકવા લાગ્યા. પરમ, પરિનિ તો ગભરાઇ ગયા.પરમે તો બહેનને ખીજાવાનું ચાલુ કરી દીધું.

’ પરિ, આંટીને આમ હેરાન ન કરાય..હું મમ્મીને કહી દઇશ હોં. ચાલ, આંટીના ખોળામાંથી ઉતર નીચે. આંટી સોરી..અમે તમને હેરાન કરીએ છીએ ને ?પ્લીઝ આંટી, રડો નહીં. ‘

કહી પરમ અંદર દોડી ગયો. અને આંટી માટે પાણીનો ગ્લાસ ભરીને લઇ આવ્યો. કોઇ રડે ત્યારે પાણી અપાય તેટલી સમજ તેને હતી. તેણે ઇતિને પરાણે પાણી પીવડાવ્યે જ છૂટકો કર્યો.

ઇતિનું ધ્યાન હજુ કયાંય કેન્દ્રિત થતું નહોતું. ત્યાં પરિનિ હીંચકા પરથી ગબડી પડી. તેના પગમાં છોલાયું હતું અને થોડું લોહી નીકળ્યું હતું. લોહી જોઇ પરિનિનો ભેંકડો મોટેથી ચાલુ થયો.

ઇતિ ગભરાઇ ગઇ. આ શું થયું ? એકાદ ક્ષણ તે જોઇ રહી. બીજી ક્ષણે તે પરિનિને ઉંચકીને અંદર દોડી, ચાવી દીધા સિવાય પૂતળીએ પહેલીવાર જાતે અંદર જઇ પરિનિને સાફ કરી તેણે ડેટોલ લગાવી, બેન્ડએઇડ લગાવી દીધી. અને પરિનિને ખોળામાં લઇ તેને થાબડવા લાગી. હવે પરિનિ તો હસતી હતી. પરંતુ ઇતિની આંખમાંથી મોટામોટા બોર જેવા આંસુઓ ટપકી રહ્યા હતા.

તારાબેન દોડી આવ્યા હતાં. ઇતિ પાસે જતાં હતા ત્યાં જ અરૂપ આવી પહોંચ્યો. સાહેબને જોઇ તે પાછા વળી ગયા.

ઇતિના ખોળામાં પરિનિ સૂતી સૂતી હસતી હતી. અને ઇતિ....

અરૂપ દોડયો. અંકલને આવેલ જોઇ પરિનિએ ઇતિના ખોળામાંથી ઠેકડો માર્યો.’અંકલ, આંટી રડતા હતા..પણ મેં હેરાન નથી કર્યા હોં. ‘

’ ના, બેટા, તું તો બહું ડાહી છે. ‘ કહેતાં અરૂપે એક હાથે પરિનિને વહાલ કર્યું અને તેનો બીજો હાથ ઇતિના આંસુ લૂછી રહ્યો.આ આંસુ આજે તેને નવી આશાનો સન્દેશ આપતા હતા..ઇતિના મનના સૂનકારમાં કોઇ ગાબડું..કોઇ તિરાડ પડી હતી તેની ઝાંખી આ આંસુ કરાવી રહ્યા હતા ? કયાંક કશું સ્પર્શ્યું હતું ? બરફ ઓગળ્યો નહોતો પરંતુ તાપમાન ઉંચુ જરૂર ગયું હતું.

આ પોતાનો ભ્રમ કે હકીકત ? ભ્રમ હોય તો પણ કેવો મીઠો..કેવો સુખદ !

અરૂપે ધીમેથી ઇતિના કપાળ પર વહાલભર્યું ચુંબન કર્યું. અને તેને ઉભી કરી. નાનું બાળક વડીલનું કહ્યું માનીને ઉભું થાય તેમ ઇતિ ઉભી થઇ હતી.

બધા અંદર ગયા. અરૂપે બાળકોને ટી.વી. ચાલુ કરી આપ્યું. થોડીવાર બંને કાર્ટુન જોતા રહ્યા. અરૂપ ઇતિ પાસે જઇને બેઠો.

‘ ઇતિ, કાલે આપણે પરમ, પરિનિને કયાં ફરવા લઇ જશું ? કાલે શું પ્રોગ્રામ બનાવીશું ? છોકરાઓને મજા આવે તેવી જ કોઇ જગ્યાએ જશુંને ? હા, કાલે ફન ફેર છે એમાં જઇશું કે ? કે પછી સરકસ પણ અત્યારે આવ્યું છે. તે જોવા લઇ જશું ? આ બધું નક્કી કરવાનું તારું કામ. આપણે તો ડ્રાઇવર માત્ર....! બોલો મેડમ, કયાં જઇશું ? ‘અરૂપ નાટકીય અન્દાજમાં બોલી રહ્યો.

જોકે એ ઉપાય પણ નિષ્ફળ જ રહ્યો.થોડીવાર કાર્ટુન જોઇ પરિનિ ઇતિ પાસે દોડી આવી.

‘ આંટી, ચાલો, આપણે ફરીથી બહાર ગાર્ડનમાં રમીએ. ‘અંકુર, વૈશાલી પિકચર જોઇને આવ્યા ત્યારે ઇતિ,અરૂપ પરમ, પરિનિ સાથે ઘરના ગાર્ડનમાં રમતા હતાં. અને કોઇનું ધ્યાન તેમની પર પડે તેમ લાગ્યું નહીં.

‘ અરે, વાહ..અમને તો કોઇ રમાડતા પણ નથી. ઇતિ, આ બારકસોએ બહું હેરાન તો નથી કર્યાને ? ‘’ અમે કોઇને હેરાન નથી કરતાં. અમે તો અંકલ અને આંટી સાથે રમતા હતાં. ‘મોં ફુલાવી પરમ બોલ્યો. મમ્મી તો બસ આમ જ કહેવાની.

‘ઓહ..મારા દીકરાને ખરાબ લાગી ગયું ? સોરી..મને ખબર છે મારો દીકરો તો બહું ડાહ્યો છે. કોઇને હેરાન ન કરે. ‘

‘ ને હું પણ ડાહી છું ‘ ભાઇ એકલો ડાહ્યાનું બિરુદ લઇ જાય તે કેમ ચાલે ?

‘ અરે, તું તો થોડી વધારે જ ડાહી છે. ‘

એનો અર્થ ન સમજતી પરિનિ ખુશ થઇ ઉઠી.પરમે ધીમેથી મમ્મીના કાનમાં કહ્યું,’ દોઢડાહી..હેં ને મમ્મી ? ‘

વૈશાલી હસી પડી. અને હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા સમજાવ્યો.પરમ, પરિનિ સામે જોઇ મલકી રહ્યો.પરિનિને કશું સમજાયું નહીં. તે પણ ભાઇ સાથે હસી રહી.

અને એ બધાના હાસ્યનો પડઘો બગીચાના વૃક્ષોએ પણ પોતાની ડાળીઓ હલાવીને પાડયો. માળા તરફ પાછા ફરતાં પંખીઓએ કેટલા સમય બાદ કલબલાટ કરી મૂકયો.

અરૂપ હસતાં હસતાં કહે,’ બસ..આટલીવારમાં આવી ગયા ? હજુ તો અમારે કેટલું ય રમવાનું બાકી છે. ‘અરૂપ તેમની સાથે વાત કરી રહ્યો. અને ઇતિ તો પરમ, પરિનિ સાથે કયાંય અદ્ર્શ્ય..ત્રણેના ખિલખિલાટ હાસ્યનો અવાજ ઘરમાં પડઘાતો હતો.

રાત્રે પરિનિને જમાડવાનો ચાર્જ ઇતિ પાસે હતો. ઇતિને બદલે પરિનિ વાર્તા કહેતી જતી હતી અને ઇતિ હસતી હસતી પરિનિના મોંમાં કોળિયા મૂકતી જતી હતી. ઇતિ સમજતી હતી કે નહીં એની અરૂપને ખબર નહોતી પડી. પરંતુ તેને આમ હસતી જોઇ અરૂપને બત્રીસ કોઠે દીવા પ્રગટયા હતાં.

રાત્રે બધા બરાબર થાકયા હતા. પરંતુ કોઇની આંખોમાં ઉંઘ નહોતી. આનંદથી છલોછલ મનને થાક જલદીથી કેમ દેખાય ? બધાએ જમી લીધું પછી ઇતિ કશું બોલી તો નહીં. પરંતુ પરિનિને જમાડી તેને પોતાની સાથે ઉપર લઇ ગઇ. પરિનિએ બીજા બધા સાથે કીટ્ટા કરી હતી તેથી તે ઇતિ સાથે જ રહી. અહીં તેની બધી જીદ પૂરી થવાની હતી એ તે બરાબર જાણતી હતી. તે પોતાનો નાનકડો થેલો ઉંચકીને ઇતિના રૂમમાં લઇ આવી. તેણે ઇતિના રૂમમાં જ ડેરો જમાવ્યો.

’હું અહીં આંટીના રૂમમાં જ રહીશ..’ તેણે ડીકલેર કરી દીધું.

અને જાણે હમેશા અહીં જ રહેવાની હોય તે ઇતિના રૂમમાં તે પોતાના રમકડાં, બુકસ,કપડાં, માથાની પીનો વિગેરે બધું કાઢીને ત્યાં રહેલ ડ્રેસીંગ ટેબલ પર ગોઠવવા લાગી. બધા તેની હરકત જોઇને હસી રહ્યા.

‘ ઇતિ, મારી દીકરીને તો કોઇ આંગળી આપે તો તે સીધી પહોંચો જ પકડી લે હોં. જો આણે તો તારા રૂમ ઉપર કબજો કરી લીધો. ‘

ઇતિ કશું બોલ્યા સિવાય પરિનિને તેનો સામાન ગોઠવવામાં મદદ કરવામાં પડી હતી. પરિનિ થેલામાંથી બધું કાઢીને તેને બતાવતી જતી હતી અને આપતી જતી હતી. અરૂપ જોઇ રહ્યો હતો. વૈશાલી અને અંકુર કશું બોલવા જતાં હતા. પરંતુ અરૂપે તેને અટકાવ્યા હતા. તેને માટે તો આ બધું એક આશીર્વાદ જેવું હતું. ઇતિ જે કરે તેમાં કોઇ ખલેલ પાડવા તે નહોતો ઇચ્છતો.

બધો સામાન ગોઠવાઇ જતાં પરિનિએ વિજયીની અદાથી પરમ સામે જોયું. પરંતુ પરમનું ધ્યાન અત્યારે ટી.વી.માં હતું.

હવે પરિનિએ તેની ડ્રોઇંગબુક કાઢી. તેમાંથી ઇતિને બધું બતાવ્યું. અને ક્રેયોનના કલર કાઢી એક કલર ઇતિના હાથમાં પકડાવ્યો. ઇતિ અને પરિનિ થોડીવાર ડ્રોંઇંગબુકમાં કલર પૂરતા રહ્યા.

અંકુર, વૈશાલી અને અરૂપ વાતોમાં ગૂંથાયા હતા. ઇતિ અને પરિનિનું કલર પૂરવાનું કામ થોડીવાર ચાલ્યું. પણ પરિનિ એક જ કામ વધારે સમય કરી શકે તેમ કયાં હતી ? હવે તેનું ધ્યાન ત્યાં શો કેઇસ પર પડેલી દુલ્હન ઢીંગલી પર ગયું. કલર પડતાં મૂકી ઉંચી થઇ તે તેની સામે જોઇ રહી. આંટીને પૂછયા સિવાય કેમ લેવાય ? જોકે આ આંટી તેને ના નથી પાડવાના..તેની તેને સમજ પડી ગઇ હતી. ’આંટી, હું આ લઉં ? ‘

કલર પૂરતી ઇતિ પરિનિ સામે જોઇ રહી. અને આંટીએ ના નથી પાડી..એટલે લેવાય જ ને ? પરિનિએ ઢીંગલી હાથમાં લીધી.

ઇતિનું ધ્યાન ખેંચવા તેણે હવે ઇતિના હાથમાંથી કલર લઇ એક તરફ મૂકી દીધા. અને ઇતિને ઢીંગલી બતાવવા લાગી. ઢીંગલીની સાડીનો છેડો થોડો ખસી ગયો હતો..

’ આંટી, આ સરખો કરી આપોને. ‘

તેણે ઢીંગલી ઇતિના હાથમાં મૂકી. ઇતિ એકીટશે ઢીંગલીને નીરખી રહી. અનિકેતે અરૂપને આપેલી અને અરૂપે તેના જન્મદિવસે ફરીથી આપેલી એ ઢીંગલી આજે પહેલીવાર ઇતિએ હાથમાં પકડી, ધારી ધારીને જોઇ. આંખોમાં એક ચમક ઉભરી. તેની અંદર આ કયો સળવળાટ..આ કઇ હલચલ મચી રહી ? આ કયા દ્રશ્યો નજર સમક્ષ ઉઘડું ઉઘડું થઇ રહ્યા ? કશુંક પ્રગટતું હતું અને ફરી પાછું કયાં અદ્રશ્ય થઇ જતું હતું? જાણે ઇતિ સામે કોઇ સંતાકૂકડી રમી રહ્યું હતું. કોઇ અનુસન્ધાન રચાવા મથતું હતું. ઇતિએ આંખો જોશથી બંધ કરી. બંધ આંખે તે કશુંક જોવા મથી રહી.હળવે હળવે તેનો હાથ ઢીંગલી પર ફરી રહ્યો.અંદર કોઇ તાર રણઝણી ઉઠયા. પણ એ રણકારનો મર્મ... ?

‘આંટી, આ સરખું કરી આપોને. ઢીંગલીની સાડીનો છેડો બતાવતાં પરિનિ બોલી ઉઠી. અને તેણે ઇતિને હલબલાવી મૂકી. આંટી આમ બેઠા બેઠા સૂઇ જાય તે કેમ ચાલે ?

ઇતિ ઝબકી ગઇ. તેની આંખો ખૂલી ગઇ. તે ઘડીકમાં ઢીંગલી સામે તો ઘડીમાં પરિનિ સામે જોતી રહી. પોતાને શું થતું હતું એ સમજાતું નહોતું. એક અસ્વસ્થતા કેમ અનુભવાતી હતી ? આવું કશું ઇતિ વિચારતી હતી કે કેમ ? ઇતિને મૌન જોઇ પરિનિએ ફરી એકવાર તેને હલબલાવી નાખી..

’ આંટી..’

ઇતિ ભાનમાં આવી. તે પરિનિ સામે જોઇ રહી હતી કે પછી નજર સમક્ષ....

પરિનિએ ઇતિના હાથમાં સાડીનો છેડો પકડાવ્યો.

‘આંટી, આ નીકળી ગયો છે. સરખો કરી આપોને. પ્લીઝ....

ઇતિ હાથમાં છેડો પકડી જોઇ રહી.‘આંટી, મને ઢીંગલીનું ગીત આવડે છે. ગાઉં ? ‘અને પરિનિને જવાબની તો જરૂર જ કયાં પડતી હતી ? એણે તો તુરત શરૂ કરી દીધું.

“ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી,બોલ, બા, બોલ, એને કેમ બોલાવું ? કેમ બોલાવું ? “

આંટી, મારી ઢીંગલી પણ તમારા જેવી જ છે. સાવ મૂંગી. જલદી બોલે જ નહીં ને.

કહીને પરિનિ તો પોતાની ધૂનમાં જ આગળ ગાતી રહી. ઇતિ તો ન જાણે કયાં ખોવાયેલી રહી.

પરમે હવે ટી.વી. બંધ કર્યું અને ત્યાં આવ્યો અને આંટીના હાથમાં ઢીંગલી જોઇ મોટેથી હસવા લાગ્યો’આવડા મોટા આંટી ઢીંગલીથી રમે છે ?’ મમ્મી, અંકલ, જુઓ તો આંટી કેનાથી રમે છે ? ‘

અંકુર, વૈશાલી સાથે વાતોમાં ગૂંથાયેલ અરૂપનું ધ્યાન ઇતિ પર પડયું. અરૂપે ઇતિના હાથમાં ઢીંગલી જોઇ.

ઇતિની અસ્વસ્થતા તેનાથી કેમ છૂપી રહે ?

‘અરે, એ તો મારા પરમ મિત્ર અનિકેતની યાદગીરી છે નહીં ઇતિ? કેવી સરસ છે.. મારી ઇતિ જેવી જ.‘

અરૂપ આગળ કશું બોલે તે પહેલાં પરિનિએ ઇતિના હાથમાંથી ઢીંગલી લઇ લીધી હતી.

બધા પોતાને મૂકીને ઢીંગલીને મહત્વ આપે તે કેમ ચાલે ? ’

વિહવળ બની ઉઠેલ ઇતિ ઢીંગલી સામે, પરિનિ સામે અને અરૂપ સામે વારાફરથી જોઇ રહી. અરૂપે સાચવીને ઢીંગલી ફરીથી જગ્યાએ મૂકી.

ઇતિ કયાંક ખોવાઇ ગઇ હતી કે શું ? અતીતની કોઇ ઝાંખી તેના મનમાં ઉઘડી કે શું ? અરૂપ તેની સામે જોઇ રહ્યો. આશાની કિનાર વધુ ઉજળી થતી લાગી.

ત્યાં પરિનિએ ઇતિને હચમચાવી નાખી.

‘ આંટી, મને આ સ્ટોરીબુકમાંથી વાર્તા કરો.’પોતાની અને આંટીની વચ્ચે કોઇની દખલગીરી તેને ગમી નહીં. તેણે ઇતિના હાથમાં વાર્તાની નાનકડી ચોપડી પકડાવી.

ઇતિ ભાનમાં આવી. પરિનિએ રંગીન ચિત્ર દોરેલી એ ચોપડીમાંથી સિંડ્રેલાની વાર્તા કાઢી ઇતિને આપી.અને પોતે હક્કથી ઇતિના ખોળામાં લંબાવી દીધું. ઇતિ ચોપડીના પાના ફેરવતી રહી. પોતે હવે આનું શું કરવાનું છે ? તેની નજર અક્ષરો પર ફરતી રહી. હોઠ ફફડયા પણ ખરા..પરંતુ શબ્દોએ સાથ ન આપ્યો. તે મૂંઝાઇ રહી. આ શું થાય છે પોતાને ? અરૂપે ઇતિના હાથમાં ચોપડીના પાના ફરતા જોયા. તેણે ઇતિના હાથમાંથી ધીમેથી ચોપડી લીધી.

‘ ચાલો, આજે હું જ આમાંથી સ્ટોરી કરું. પરમ પણ બાજુમાં આવીને ગોઠવાઇ ગયો. અરૂપે વાર્તા શરૂ કરી. વૈશાલી અને અંકુર પણ આવીને આ વાર્તા શેશનમાં ગોઠવાઇ ગયા. પહેલાના જમાનામાં ઘરની વડીલ વ્યક્તિ રામાયણ કે ગીતાજી વાંચે અને બધા સભ્યો આસપાસ ગોઠ્વાઇ જાય તેમ બધા અરૂપ આસપાસ ગોઠવાઇ રહ્યા. અને અરૂપ સીંડ્રેલાની વાર્તા વાંચતો રહ્યો.પરમ, પરિનિ ખુશખુશાલ. પરિનિ તો ઇતિના ખોળામાં માથું રાખીને સૂતા સૂતા જ સાંભળતી હતી.

વાર્તા સાંભળતાં સાંભળતા જ પરિનિ કયારે ઉંઘી ગઇ તે ખબર પડી નહીં. ઇતિનો હાથ પરિનિના માથાપર ફરી રહ્યો હતો

વાર્તા પૂરી થઇ ત્યારે પરમની આંખોમાં પણ ઉંઘના વાદળો ઘેરાયા હતા.

‘ઇતિ, પરિનિને પણ મારી સાથે લઇ જાઉં. ? ‘પરમને ઉભો કરતાં વૈશાલીએ પૂછયું. જોકે ઇતિના જવાબની જાણ તેને હતી જ. ઇતિનું માથુ નકારમાં જોશથી હલ્યું.

તે રાત્રે ઇતિ અને અરૂપ વચ્ચે માસૂમ પરિનિ બંનેને વીંટળાઇને સૂતી રહી.ઇતિના હાથ પરિનિને વીંટળાયા હતા કે પરિનિના હાથ ઇતિને વીંટળાયા હતા એ સમજવું આસાન નહોતું. પરિનિને સરખી સૂવડાવવા જતાં તે ફરીથી જાગી ગઇ હતી અને ફરી એકવાર તેનો કિલકિલાટ ચાલ્યો. ઇતિ અને અરૂપ બંને તેમાં ખોવાતા રહ્યા. અંતે માસૂમ પરિનિ ઇતિને વળગી ઉંઘી ગઇ.

ઇતિની આંખ પણ મીંચાઇ. અરૂપની આંખો અને મન બંને ઝોલે ચડયા હતા. ઇતિનું આ કયું વણદીઠુ સ્વરૂપ તેની સામે ઉજાગર થતું હતું. ?

બહાર બગીચામાંથી પર્ણના ખરવાનો અવાજ આજે બિહામણો નહોતો લાગતો. રાત આજે નાનકડા સફેદ ફૂલડાઓથી ઝગમગતી હતી.

કેલેન્ડરમાં વળી તારીખનું એક પાનું ફાટયું હતું. લગ્નને બીજે દિવસે સવારે શયનખંડમાંથી બહાર નીકળતી, શરમાતી, લજ્જાતી દુલ્હનની અદભૂત લાલિમા પૂર્વાકાશે છવાયેલી હતી. વાદળોને વીન્ધીને ઉષારાણી પોતાના દામનમાં ફરી એકવાર ખુશી, ગમ, આશા, નિરાશા, વેદના, વલોપાત, નિર્ભેળ આનંદ....ન જાણે કેટલુંયે ભરીને આવી પહોંચી હતી. કોને ભાગે આજે શું આવશે ?

વાતાવરણમાં કશુંક ઉઘડું ઉઘડું થતું હતું. ઇતિની આંખો બંધ હતી. તેના ચહેરા પર સવારના સૂર્યના કોમળ કિરણો પોતાનો સ્નેહ વરસાવી રહ્યા હતા. ઇતિના હાથ પરિનિની આસપાસ વીંટળાયેલ હતા. પરિનિ ઇતિને વળગીને તેના પેટ પર પોતાના નાનકડા પગ ચડાવીને આરામથી સૂતી હતી. અરૂપની આંખ ખૂલી ગઇ હતી. તે ઇતિની સામે એકીટશે સ્નેહભરી નજરે નીરખી રહ્યો હતો. આ પળે ઇતિના ચહેરા પર કોઇ તણાવ નહોતો દેખાતો. દેખાતી હતી નિરવિધ પ્રસન્નતાની એક ઝલક.જાણે સઘળું ઝળાહળા...અરૂપ જોઇ જ રહ્યો. પરિનિને વીંટળાઇને સૂતેલ ઇતિ કેવી અદભૂત લાગતી હતી. અરૂપની અંદર કશુંક ઓગળતું હતું. કે કશુંક ઉઘડતું હતું ?

તેનાથી રહેવાયું નહીં. ઇતિની ઉંઘમાં ખલેલ ન પડે તેમ ધીમેથી તેનો હાથ ઇતિના વાળમાં ફરી રહ્યો. ઇતિ આ પળે જાણે નાનકડી બાલિકા હતી. અને પોતે..? પોતે કદાચ અરૂપ મટીને અનિકેતના પાત્રમાં આવી ગયો હતો કે શું ? ઇતિને એક હળવું ચુંબન કરવાની તીવ્ર ઇચ્છાને તેણે પરાણે દબાવી રાખી. ના, ના, ઇતિને કોઇ ખલેલ ન પહોંચવી જોઇએ. આ ક્ષણે અરૂપ અનિકેતમાં ઓગળી ગયો હતો. હવે અંદર કોઇ ઇર્ષ્યા નહોતી. કોઇ હરિફાઇ નહોતી. આજે, આ ક્ષણે કદાચ તે અનિકેતને પૂર્ણ રીતે સમજી શકયો હતો. તેને પામી શકયો હતો. અનિકેત પણ હવે પારકો નહોતો લાગતો. તે અને અનિ અલગ કયાં રહ્યા હતા ? ઇતિના માધ્યમ વડે બંને એકાકાર બની ચૂકયા હતા.

અરૂપ ન જાણે કયાં સુધી એમ જ ઇતિને નીરખતો તેની પાસે બેસી રહ્યો..બસ...આમ જ યુગો ભલે પસાર થઇ જાય તે જિંદગી આખી આ રીતે..આ મનોહર દ્રશ્ય તે નીરખતો રહેશે. હમેશા તર્કથી વિચારનાર અરૂપ આજે ભાવનાઓના પૂરમાં તણાતો હતો. કાળદેવતાને પણ આજે પહેલીવાર જાણે અરૂપ પર વહાલ ઉભરાઇ આવ્યું હોય તેમ તેમની ગતિ સાવ ધીમી થઇ ગઇ હતી કે શું ? પ્રેમનો અર્થ પામેલ એક નવા જ અરૂપનો જન્મ આ પળે થયો હતો.

અચાનક પરિનિની આંખ ખૂલી. ઉઠતાની સાથે જ તેણે ઇતિ સામે જોયું.ઇતિ ઉંઘતી હતી. પરિનિએ હવે પોતાની તોફાની નજર અરૂપ તરફ ફેરવી. અરૂપનો હાથ ઇતિના વાળમાં ફરી રહ્યો હતો. અને તે એકીટશે જાણે ત્રાટક કરતો હોય તેમ ઇતિને તાકી રહ્યો હતો. ચંચળ પરિનિ ખડખડાટ હસી પડી. અરૂપ અંકલ સામે તેણે શરારતી નજરે જોઇ આંખ મીંચકારી. અરૂપ તેના નખરા જોઇ ખુશખુશાલ. પરિનિએ હવે ઇતિ સામે જોયું. અને મસ્તીમાં આવી ઉંઘતી ઇતિને ગલીપચી ચાલુ કરી. અને પોતે મૉટેથી ખિલખિલાટ હસી રહી. ઇતિની આંખો ખૂલી. બે પાંચ ક્ષણ તે જાણે પરિસ્થિતિને સમજવા મથી રહી. પોતાની ઉપર ઝળૂંબી રહેલ મસ્તીખોર પરિનિને તેણે જોઇ અને જાણે સમજ પડી હોય તેમ તેને પોતાની ઉપર ખેંચી. અને તેને ગલીપચી કરવા લાગી. બંને મસ્તીએ ચડયા. હાથમાં ઓશીકા ઉપાડી સામસામે ફેંકાવા લાગ્યા. પરિનિના ખડખડાટ હાસ્યના પૂરમાં ઇતિ તણાઇ રહી. બંનેની બાથંબાથ ચાલી. અરૂપ તો જોઇ જ રહ્યો. ઇતિને આટલી નિર્બન્ધ હસતી કદાચ પહેલીવાર તેણે જોઇ હતી. આ મુક્ત હાસ્યની તોલે કોઇ સુખ આવી શકે ખરું ?

અરૂપની આંખો અનરાધાર વરસી રહી. આ સુખ તેનાથી જીરવાયું નહીં. તે બાલ્કનીમાં ચાલ્યો ગયો. પોતે આને લાયક હતો ખરો ? બસ..તેની ઇતિ આમ જ હસતી રહે..તેની દ્રષ્ટિ દૂર આકાશ તરફ પડી. હાથ આપોઆપ જોડાયા. આસમાનમાં બાલરવિ ધીમેધીમે વિકસી રહ્યો હતો. પોતાના કૂમળા કિરણોની હૂંફ તે વિશ્વને અર્પી રહ્યો.

આંખો લૂછી અરૂપ અંદર આવ્યો. આવીને ઇતિ પાસે પલંગ પર બેઠો.

ઇતિને તો આજે આસપાસનું કોઇ ભાન નહોતું. તે પરિનિમાં ખોવાઇ ગઇ હતી. ત્યાં ઉંઘમાંથી ઉઠેલ પરમ આવ્યો. ઇતિ અને પરિનિને મસ્તી કરતા જોઇ તે બાકી કેમ રહે ? તેણે પણ હાથમાં ઓશીકુ લીધું.

’ આંટી, હવે મારો વારો....એ ય પરિ, હવે તું આઘી ખસ..આંટી, એ બહું જબરી છે. મારો કયાંય વારો જ નથી આવવા દેતી. આંટી, આખી રાત તો એ તમારી પાસે જ હતી. હવે મારો વારો. આ પરિનિ મને રોજ હેરાન કરે છે. ‘’ ના, હોં..આંટી આ પરમનો જ વાંક છે. એ મને રોજ હેરાન કરે છે. મને તો પપ્પા રોજ મારી “ ડાહી દીકરી “ એમ જ કહે છે. ને આંટી, તમને ખબર છે ? મમ્મીએ મારા ત્રણ પેટ નેઇમ પાડયા છે. જુઓ, હું સૂતી હોઉં ને ત્યારે મમ્મીને બહું ગમું. ત્યારે મમ્મી મને “મીઠી” કહે છે. પછી હું દોડતી હોઉં ને ત્યારે મમ્મી મને “ ફુદકડી “ કહે છે. અને પરમ સાથે મસ્તી કરતી હોઉં ને ત્યારે મને “ જબરી “ કહે છે. પરિનિએ હાસ્યથી છલકતા અવાજે વિગત જણાવી.મારા થ્રી પેટ નેઇમ થયાને ? મીઠી, ફુદકડી અને જબરી. પોતાની નાની આંગળીઓથી નામ ગણાવતી પરિનિને ઇતિ વહાલ કરી રહી. ’ આંટી, ખાલી જબરી નહીં....” જબરી જલેબી.. “ પરમે સુધાર્યું.’ ના, આંટી, મમ્મી એવું નથી કહેતી. એવું તો ખાલી આ પરમ જ કહે છે. એ લુચ્ચો છે. ‘હવે પરમની લિમિટ આવી ગઇ હતી. હાથમાંના ઓશીકાનો ઘા કરી તે પરિનિને મારવા દોડયો. અને પરિનિ દોડીને ઇતિની ચાદર પાછળ સંતાઇને પરમ સામે જીભડો કાઢી રહી.

ઇતિએ આંખો ચોળી..આજે આ બધું શું થઇ રહ્યું હતું તેની સામે ?

બે ચોટલા ઝૂલાવતી નાનકડી ઇતિ, આંટીની પાછળ કોઇને ઠેંગો બતાવતી,જીભડો કાઢતી ઉભી હતી. અને ....આવી જ ફરિયાદ વરસો પહેલાં કોઇ...અંદર એક ક્ષણમાં આખો યુગ તાદ્ર્શ થઇ આવ્યો કે શું ?

ઇતિએ જોશથી આંખ ખોલ બંધ કરી. તે ભાનમાં હતી કે કોઇ સપનું જોઇ રહી હતી ? આ કોણ તેને દેખાતું હતું ? કોઇ ભ્રમ થતો હતો કે શું ? જાણે કોઇ આવીને ‘ હાઉકલી’ કરીને દોડી જતું હતું. દેખાવા છતાં નહોતું દેખાતું. ઓળખાવા છતાં નહોતું ઓળખાતું.

ઇતિને એકીટશે નીરખી રહેલ અરૂપની આંખો છલકી ઉઠી હતી. ઇતિની અસ્વસ્થતામાં તેને ઇશ્વરના આશીર્વાદ..ઇશ્વરની અસીમ કૃપા દેખાતી હતી. શું ખરેખર ઇશ્વરે તેને માફ કર્યો હતો ? તેના પાપનું પ્રાયશ્વિત તે કરી શકયો હતો ? અનિકેતે તેને માફી આપી હતી ? તેની ઇતિ ખરેખર .......અરૂપની આંખોમાં પૂર આવ્યું હતું.

ઇતિનું ધ્યાન અચાનક અરૂપ તરફ ગયું. આંખમાંથી વહેતા એ નીરમાં અરૂપ જાણે ઓગળી રહ્યો હતો. ઇતિ એકાદ ક્ષણ તેની સામે જોઇ રહી. ન જાણે કેમ પણ આપોઆપ તેણે અરૂપનો હાથ ધીમેથી પકડયો. હવે જ અરૂપને ખ્યાલ આવ્યો કે ઇતિ તેને જોઇ ગઇ છે. તેણે ચહેરો પાછળ ફેરવીને જલદી જલદી આંસુ લૂછી નાખ્યા. અને મંદ હસીને ઇતિ સામે નજર ફેરવી. ઇતિએ અરૂપનો હાથ દબાવ્યો. તેના ચહેરા પર આજે સાચી પ્રસન્નતાની એક ઝલક પથરાઇ હતી. અચાનક અરૂપ નાના શિશુની માફક તેને વળગી પડયો. ઇતિનો હાથ અભાનપણે અરૂપના વાંસામાં ફરી રહ્યો.સમય થોડી ક્ષણો થંભી ગયો. ઘણાં સમય પછી કોઇ અનુપમ દ્રશ્યના સાક્ષી બનવાનું સદભાગ્ય તેને મળ્યું હતું.

પરમ, પરિનિ એકબીજા સાથે ઝગડવામાં વ્યસ્ત હતા. ત્યાં વૈશાલી તેને લેવા ઉપર આવી પહોંચી.’ પરમ, પરિનિ, હવે નીચે ચાલો..દૂધ પીવાનું છે કે નહીં ? આંટીને હેરાન નથી કરતાંને ? ઇતિ, આ પરિનિ બહું ચંચળ, મસ્તીખોર છે તેને....’

પણ તેનું વાકય અધુરૂ જ રહી ગયું. અરૂપ અને ઇતિ પર નજર પડતાં તે સ્તબ્ધ બની એકાદ ક્ષણ ઊભી રહી. તેની આંખો ભીની બની. ત્યાં અંકુર આવી ચડયો. તે કશુંક બોલવા જતો હતો. વૈશાલીએ ધીમેથી નાક પર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો સંકેત કર્યો અને આ દિવ્ય ભાવસમાધિમાં ખલેલ ન પહોંચે તેમ હળવેથી તે બાળકોને અને પતિને લઇ ચૂપચાપ ત્યાંથી સરી ગઇ.

યુગો વીતી ગયા કે કલાકો..તે સમજાય તેમ નહોતું. સમયની ગતિનો આધાર ઘડિયાળ પર જ થોડો હોય છે ?

પ્રકરણ 22 - ઉઘડતું સત્ય.

“છબી કોઇ ખેંચો તરત આ ક્ષણે,

આ એકાદ વરસે, હસાયુ હશે.“

કયાંય સુધી અરૂપ અને ઇતિ આ ભાવસમાધિમાં લીન થઇ રહ્યા. અને હજુ આ સમાધિ ન જાણે કયાં સુધી ચાલત..

વૈશાલી પરમ, પરિનિને પરાણે નીચે લઇ તો ગઇ હતી. પરંતુ પરિનિ ઇતિ વિના દૂધ પીવે તેમ નહોતી.. તે જીદે ચડી હતી. વૈશાલીનું ધ્યાન જરા હટતાં જ તે દોડીને ઉપર આવી પહોંચી.

અને લાડથી ચહેકી ઉઠી.’આંટી,..હું તમારી પાસે જ દૂધ પીશ હોં...’

અરૂપ સફાળો ઉભો થઇ ગયો. ઇતિને મૌન બેસી રહી. અરૂપ આંખો લૂછતો નીચે ગયો.

પરિનિએ ઇતિને ઝકઝોરતા કહ્યું’આંટી, તમે મને દૂધ પીવડાવશોને ?‘

ત્યાં વૈશાલી ઉપર આવી પહોંચી. પરિનિને ખીજાઇને કહે,’ આંટીની ચમચી.. તું આંટીને બહું હેરાન કરે છે ને ? ‘‘ ના, હું હેરાન નથી કરતી. ‘ પરિનિએ જોરદાર વિરોધ નોંધાવ્યો.

‘ ના, ના, મમ્મી પરિનિ હેરાન કરે છે હોં..જો હું તો આંટીને કેવું વહાલ કરું છું. ‘

કહી પરમે ઇતિને વહાલથી ગાલે એક પપી કરી. ઇતિએ કશું બોલ્યા સિવાય પરમ, પરિનિને પોતાની તરફ ખેંચ્યા.

‘ ઇતિ, છોકરાઓ હેરાન કરે તો જરા ખીજાજે હોં. આમ પણ આ પરિનિ બહું માથે ચડાવવા જેવી નથી. તને જરા વાર જંપવા નહીં દે..લાવ, એ બારકસને હું નીચે લઇ જાઉં..’

કહેતાં વૈશાલીએ પરિનિને લેવા હાથ લંબાવ્યો. પણ ઇતિએ પરિનિને પોતાની પાસે ખેંચી રાખી અને માથુ હલાવી ના પાડી. હજુ શબ્દો સાથ નહોતા આપતા.

‘મોઢામાં મગ ભર્યા છે ? બોલીને કહે તો કંઇક ખબર પડે. આ તારા ડોકા ધૂણાવવાનું બંધ કર’

વૈશાલીએ હસતાં હસતાં કહ્યું અને નીચે જતાં જતાં ઉમેર્યું,’ તમે લોકો જલદી નીચે આવો.. અમે બધા નાસ્તાની રાહ જોઇને બેઠા છીએ..અને પેલો તારો વર તારા વિના પાણી પણ પીવે તેમ નથી. આજે તો અંકુર અને તારાબેન સાથે કીચનમાં ઘૂસ્યો છે. તેથી તારા કીચનની ખેર નથી. જોઇએ આજે તે શું ખીચડી પકાવે છે ? કંઇક પરાક્રમ કરીને બધું વેરણછેરણ કરી નાખ્યું હશે. ચાલ, હું નીચે જઇને જરા જોઉં. ત્યાં તું આ બારકસોને લઇને નીચે આવ. ‘

અને પગથિયા ઉતરતાં હસીને ટકોર કરી રહી,’ અને જરા યાદ રાખજે..અમે તારે ઘેર આવ્યા છીએ...મહેમાન અમે છીએ તું નહીં હોં.. અમે નીચે તારી રાહ જોઇએ છીએ..

અને પરમ, પરિનિ હવે નો તોફાન. ઓકે ? ‘વૈશાલી હસતી હસતી નીચે ઉતરી ગઇ.

થોડીવારે ઇતિ નીચે ઉતરી ત્યારે અરૂપ તેની સામે જોઇ જ રહ્યો. ઇતિએ પરિનિને તેડી હતી. અને પરમ ઇતિનો હાથ પકડી ધીમેધીમે દાદર ઉતરતો હતો. અરૂપ એકીટશે ઇતિ સામે જોઇ રહ્યો. જાણે ઇતિને પહેલીવાર જોતો હતો. ઇતિનું આ સ્વરૂપ તો પોતે કયારેય જોવા નથી પામ્યો. બે બાળકો સાથે ઇતિ કેવી લાગતી હતી ? નવમાતૃત્વ પામેલી સ્ત્રી પોતાના નવજાત શિશુને તેડીને પહેલીવાર બહાર નીકળતી હોય ત્યારે જે સંતોષ, પરમ સુખ અને એક ગૌરવની રેખા તેના ચહેરા પર અંકાયેલી હોય તેવો ભાવ અત્યારે ઇતિના સઘળાયે અસ્તિત્વમાંથી છલકતો હતો. ઇતિ આખી ઝળહળા..અરૂપ એકીટ્શે ઇતિને જોઇ રહ્યો.

‘ આ ઇતિને તો તેણે કદી જોઇ જ નથી.’ ઇતિનું આ સ્વરૂપ તેના અંતરમાં એક ઉજાસ પ્રગટાવી રહ્યું.

પરમ, પરિનિએ નાસ્તો પણ ઇતિને હાથે જ કર્યો. બંનેમાંથી કોઇ એકબીજાને છોડવા કયાં તૈયાર હતા ?

‘ અરૂપભાઇ, આ તમારી ઇતિ માથુ હલાવે કે ડોકા ધૂણાવે તે તમને સમજાતું હશે પણ અમને નથી સમજાતું હોં. ‘

વૈશાલીએ હસીને કહ્યું. પણ ઇતિનું ધ્યાન વૈશાલીની કે કોઇની વાતોમાં કયાં હતું ? તેની દુનિયામાં તો આ ક્ષણે પરમ, પરિનિ સિવાય કોઇનું અસ્તિત્વ જ નહોતું.

પરમ, પરિનિ ઇતિને વીંટળાતા રહ્યા. તેમના ટહુકા આખા ઘરમાં તો પડઘાતા જ હતા. પરંતુ ઇતિના દિલમાં પણ એ પડઘાઇ શકયા એનો આનંદ અરૂપને હૈયે છલકતો હતો. પૂરા બે મહિના બાદ ઇતિ હસી હતી. ઇશ્વર એનું હાસ્ય સલામત રાખજે. અરૂપથી અનાયાસે પ્રાર્થના થઇ ગઇ.

આખો દિવસ બધા શોપીંગમાં રખડતા રહ્યા.પરમ, પરિનિના કપડાં લેવાતાં હતાં. તે બંને ઇતિને બતાવીને જ લેતા હતા. ઇતિ પૂરું સમજયા વિના માથુ હલાવતી રહી. આજે દિવસ ક્ષણ બનીને પસાર થઇ ગયો.

તે રાત્રે પરમ, પરિનિ વચ્ચે કોઇ ઝગડો ચાલી રહ્યો હતો.

‘ એય પરિ, ચાલ, તું મમ્મી પાસે હૉં. આજે આંટી પાસે સૂવાનો મારો વારો છે. કાલે તું સૂતી હતી.’’ના હોં, આંટી મારા છે હું જ એની સાથે સૂઇશ ‘

ઇતિની પાછળ સંતાતી પરિનિએ જવાબ આપ્યો.’એવી દાદાગીરી નહીં ચાલે. આંટી, પરિનિને કહી દો ને...પ્લીઝ..આજે મારો વારો છે ને ? ‘’ આંટી, તમે કોના છો ? ‘ પહેલા મારા ને ? ‘પરિનિએ અઘરો સવાલ પૂછયો.

ઇતિ શું જવાબ આપે ? બંને ભાઇ બહેન કયારના તેની પાસે સૂવા માટે દલીલો કરી રહ્યા હતા. ઇતિ કશો જવાબ આપ્યા સિવાય બંનેને વહાલ કરી રહી.

ત્યાં અઘરા પ્રશ્નનો જવાબ આ બધી ચર્ચા સાંભળી રહેલ અરૂપે જ આપ્યો.

‘ ઓકે બેટા, આંટી તમારા બંનેના..આજે તમે બંને આંટી સાથે સૂજો બસ ? હું બહાર બીજા રૂમમાં સૂઇશ..આંટીની એક તરફ પરમ અને બીજી તરફ પરિનિ.. અને વચ્ચે આંટી . બરાબર ?

ઇતિ, ઇટ્સ ઓકે ? ‘ઇતિએ હકારમા માથુ નમાવ્યું.

હવે પરમ, પરિનિ ઇતિને કેમ છોડે ?

વાઉ..’

અને બંને કૂદકો મારી ઇતિના પલંગ પર ચડી ગયા..’ આંટી સ્ટોરી.. આંટી સ્ટોરી ‘

કરતી પરિનિ ઇતિને ગળે ઝૂલી રહી.’ આંટી, આજે ઉન્દર સાત પૂછ્ડીવાળાની સ્ટોરી હોં. ‘

’ ના, આંટી, એ સ્ટોરી તો ઘણીવાર સાંભળી છે. ‘ પરમે પોતાનો જોરદાર વિરોધ નોંધાવ્યો.

’ આંટી, તમને પેલી જાદુઇ શેતરંજીની સ્ટોરી આવડે છે ? શેતરંજી ઉપર બેસીને આકાશમાં ઉંચે ઉડાય અને જયાં જવું હોય ત્યાં જવાય. ‘

જયાં જવું હોય ત્યાં જઇ શકાય...? ઇતિના મનમાં પ્રશ્ન ઉઠયો કે શું ? તેને કયાં જવું છે ? આવો કોઇ પ્રશ્ન તેના મનમાં ઉગતો હતો કે શું ? જોકે ઉગતો હોય તો પણ તેનો જવાબ વિચારી શકે એટલી સ્વસ્થ માનસિકતા હજુ કયાં આવી હતી ?

આંટી કયાંક એ વાર્તા જ ચાલુ ન કરી દે એ ડરે પરિનિ બોલી ઉઠી.‘ ના, આંટી, પરમને તો રોજ એ જ વાર્તા ગમે છે. મારે એ નથી સાંભળવી.’’ચાલ, આંટીને જે ગમતી હશે ને એ જ સ્ટોરી કરશે. આંટી, તમને કઇ ગમે છે ? ‘પરમે જવાબ પોતાની તરફેણમાં જ આવશે એવી આશાભરી નજરે પૂછયું.

અને પરિનિને તો જાણે વિશ્વાસ જ હતો કે આંટી તો પરિનિને ગમે તે જ કરશે.

હજુ ઇતિ કોઇ ફેંસલો સંભળાવે તે પહેલા પરમને જાણે ખ્યાલ આવી ગયો હતો કે અહીં કદાચ પોતાની દાળ નહીં ગળે. હમણાં બધાની જેમ આંટી પણ કહી દેશે,

’ પરિનિ નાની છે ને ? એટલે...’

અને એમ હાર માની શરણાગતિ સ્વીકારવી એના કરતાં તેણે બીજો ઉપાય કાઢયો.

’ આંટી, તમારી પાસે કેરમ છે ? ચાલોને આપણે કેરમ રમીએ.’ઇતિના ઘરમાં કેરમ કે કેરમથી રમવાવાવાળુ કશું કયાં હતું ?

ઇતિ મૌન બની રહી.ત્યાં તો પરિનિ દોડતી આવી. તેના હાથમાં મમ્મી પાસેથી લાવેલ પત્તા હતા.

‘ આંટી, ચાલો આપણે પત્તા રમીએ..ઢગલાબાજી..’

’ ના, આંટી, આપણે સાંજે રેતીમાં બંગલો બનાવ્યો હતો ને ? તેવો બંગલો બનાવીએ. મારી પાસે બંગલો બનાવવાના બ્લોક્સ છે. હું લઇ આવું. ‘

કહેતો પરમ દોડી ગયો. અને રંગબેરંગી બ્લોક્સ લઇને આવી ગયો.અને ત્યાં ઢગલો કર્યો.

ઇતિ પરિનિએ કરેલ પત્તાના ઢગલા અને પરમે કરેલ બ્લોક્સના ઢગલા સામે જોઇ રહી.

’એક કામ કરીએ..પહેલા પરિનિની ઢગલાબાજીની એક ગેઇમ રમી લઇએ અને પછી બંગલો બનાવીએ.. બરાબર ?’

પરમે વચ્ચેનો રસ્તો કાઢયો.

પરિનિએ હવે માની જવામાં જ સલામતી જોઇ.

ઓકે, આંટી.’

પરમ, પરિનિની નોકઝોંકમા ગૂંથાતી ઇતિ બંને સાથે ઢગલાબાજી રમી રહી. વચ્ચે બંને ભાઇ બહેનના મીઠા ઝગડા ચાલુ જ રહ્યા. ઇતિ પણ નાની બાળકી જ બની ગઇ હતી. બંને સાથે ઝગડા કરવાની કેવી મજા આવતી હતી. તે જાણીજોઇને અંચઇ કરતી અને પરમ તેને પકડી પાડતો. અને ત્રણેના ખડખડાટ હાસ્યથી દીવાલો પણ ગૂંજી રહેતી. આ ઘરની દીવાલોએ પણ આવો મીઠો કલરવ પહેલા કયાં સાંભળવા મળ્યો હતો ?

ઢગલાબાજીની રમત પૂરી થતાં ત્રણે બંગલો બનાવવા બેઠા. ત્યાં અંકુર ,વૈશાલી અને અરૂપ આવ્યા.

’વૈશાલી કહે,

અરે, હજુ સૂતા નથી ? કે આંટીને પણ સૂવા દેતા નથી અને હેરાન કરો છો ? ‘

’ના ,મમ્મી આંટીએ જ રમવાનું કહ્યું છે. હેં ને પરમ ?’પરિનિએ ચાંપલી થતા નિર્દોષતાથી સફાઇ પેશ કરી.અને પાછો ભાઇનો સપોર્ટ માગ્યો.ઇતિ તો હસતા હસતા બંગલો બનાવવામાં મશગૂલ હતી.

ત્યાં અરૂપે નાના છોકરાની જેમ જીદ કરતા કહ્યું,’ અમને રમાડતા...રમત બગાડતા....અમારે પણ રમવું છે. અમને રમાડશો ? ‘

પરમ, પરિનિ તો ખુશ થઇ તાળી પાડવા લાગ્યા. અંકલ પણ રમશે હવે તો પોતાને કોઇ ના પાડી શકશે નહીં.

’ ‘અંકલ ચાલો..’

અને અરૂપ તેમની સાથે નીચે બેસી ગયો. બ્લોક્સના બે ભાગ પડયા અને એક તરફ અંકલ અને પરમ અને બીજી તરફ આંટી અને તેની ચમચી પરિનિ. કોનો બંગલો પહેલા બને છે ?વૈશાલી અને અંકુરને તો શું કરવું તે સમજાયું નહીં. બંને નીચે આઇસ્ક્રીમ લેવા ચાલ્યા ગયા.બંનેના બંગલા લગભગ સાથે જ બન્યા. પરંતુ

‘ હું ફર્સ્ટ..’ નો નારો બંને બાળકોએ જરૂર લગાવ્યો. અરૂપ,ઇતિ તાળી પાડી રહ્યા.ઘરમાં જાણે જીવંત ટહુકા ફૂટી નીકળ્યા. અને સમયને પાંખો આવી. ઘર આખું ઝળહળ ઝળહળ... ત્યાં વૈશાલી અને અંકુર આઇસ્ક્રીમ અને પાન લઇને આવ્યા.’આઇસ્ક્રીમ કોને ખાવો છે ? ‘બ્લોકસ બધા એક તરફ રહી ગયા. અને બધા આઇસ્ક્રીમમાં મગ્ન.પાન ચાવતા ચાવતા પરિનિએ જીભડો કાઢયો.

‘ આંટી, જુઓ, મારી જીભ લાલ થઇ છે ને ? ‘’ તે પાન ખાઇએ એટલે જીભ તો લાલ થાય જ ને ? એમાં કંઇ તેં નવાઇ નથી કરી. સમજી ? બધાની થાય.’’

પરમે જાણે જીવનનું સત્ય ઉચ્ચાર્યું.

‘ ભલે જા..હું તો આંટીને પૂછું છું. ‘ઇતિએ પણ પોતાની લાલ લાલ જીભ બહાર કાઢી.

અને ઘરની દીવાલો કદી ન જોયેલું આ અદભૂત દ્રશ્ય જોઇ હસી ઉઠી.

અને મોડી રાત્રે પરમ, પરિનિ વચ્ચે ઇતિ સૂતી ત્યારે તેના ચહેરા પર અદભૂત શાંતિ, સંતોષની સુરખિ છવાઇ હતી.

સવારે એ જ કલબલાટ, કલરવ લઇ બાળકો ઉઠયા. ખાસ્સા મસ્તી તોફાન ઇતિ, પરમ અને પરિનિ ત્રણે બાળકો વચ્ચે ચાલ્યા.

ત્યાં વૈશાલી આવી. આજે તો તેમને જવાનું હતું.

‘ચાલો બેટા, હવે જલદી કરો. કાલથી સ્કૂલ છે ને ? આજે તો આપણે ઘેર જવાનું છે.’છોકરાઓને કયાં જવું હતું .? તેમણે મોઢુ બગાડયું.

‘મમ્મી, પ્લીઝ એક દિવસ..’પરમે આજીજી કરી.

બાળકોના જવાનું નામ સાંભળી ઝાંખો થઇ ગયેલ ઇતિનો ચહેરો અરૂપથી છાનો કેમ રહી શકે ? તેણે વૈશાલી સામે નજર કરી.

તેની વણકહી વાત વૈશાલી સમજી ગઇ. તેણે અંકુર સામે જોયું.

અંકુરે અરૂપની આંખમાં રહેલી આજીજી વાંચી લીધી હતી. આજે તેના દોસ્તને તેની જરૂર હતી. ના કેમ પાડે ? તેણે તુરત ફેંસલો આપ્યો

’ઓકે..આજનો એક દિવસ..’

’કાલની સ્કૂલ બગડશે.’ વૈશાલીએ કહ્યું.

’ એક દિવસમાં કશો વાંધો નહીં આવે.. ઇતિ, અમે તો બરાબર ધામા નાખ્યા છે હોં. ‘ અંકુરે ઇતિને શોધતા કહ્યું.

પરંતુ ઇતિ કે બાળકો આગળ કશું સાંભળવા કયાં રોકાયા હતા ? તે તો બાળકો સાથે નીચે ચાલી ગઇ હતી અને તેમની સાથે ગાર્ડનમાં રમી રહી હતી. પકડાપકડીની રમત ચાલી રહી હતી. અરૂપે એક આભારવશ નજર અંકુર અને વૈશાલી તરફ નાખી.

‘ અંકુર, વૈશાલી થેન્કસ…

’નો થેંકસ...નો ફોર્માલીટી. પરંતુ અરૂપ, મને લાગે છે આ બાળકો જ ઇતિની દવા બની ગયા છે.’

અરૂપની આંખમાં પાણી તગતગી રહ્યા. આખરે ઇશ્વરે તેને માફ કર્યો હતો કે શું ? બે દિવસ પહેલાની ઇતિ અને આજની ઇતિમાં આસમાન જમીનનો તફાવત હતો. જાણે કશું બન્યું જ નથી. ઇતિને કશું યાદ જ નહોતું કે શું ?

અરૂપ એક ઉંડા વિચારમાં પડી ગયો. એક વધુ સત્ય નજર સમક્ષ ઉઘડયું હતું.

જીવનની કેટલી બધી બાબતો આ થોડા સમયે તેને ઉઘાડી આપી હતી ! રોજ જાણે એક નવી ક્ષિતિજ ખૂલતી હતી.એક નવી દ્રષ્ટિ સાથે નવા દરવાજાઓ ખૂલતા જતા હતા. જીવનનો રાહ અને મંઝિલ બંને બદલાયા હતા. બદલાયું હતું અરૂપનું આખું અસ્તિત્વ.

ચા નાસ્તો તૈયાર છે..’ તારાબેને કહ્યું.

‘ હા.અમે આવીએ જ છીએ. ‘

ઇતિ માટે તો પરમ,પરિનિ સિવાય બીજું કોઇ હતું જ નહીં. તે બાળકોમાં એકાકાર થઇ ગઇ હતી. પરિનિ સાથે ખિલખિલાટ હસતી ઇતિને જોઇ અરૂપના દિલમાં થોડી શાતા વળી હતી. ઇશ્વરના લાખ ઉપકાર માનવા સાથે ઇતિનું આ હાસ્ય હમેશા જળવાઇ રહે એવી પ્રાર્થના તેના દિલમાંથી આપોઆપ નીકળી હતી. બાળકોને તે કેટલા દિવસ રોકી શકશે ? કાલે તેઓ ચાલ્યા જશે ત્યારે ? વિચારધારા આગળ ચાલે તે પહેલાં પરિનિ અને પરમ દોડતા અંદર આવ્યા. અરૂપનું ધ્યાન તેમાં ખેંચાયું.

બાળકોએ ઇતિ પાસે ફટાફટ દૂધ પી લીધું. તેમની કાલીઘેલી વાતોમાં ઇતિ ઓગળતી રહી. તે પણ તેના જેવડી જ બની ગઇ હતી.

‘ આંટી જ નવડાવે..’ પરિનિએ જીદ પકડી. અને વૈશાલી તેને સમજાવવાનો કે હા, ના કરવાનો પ્રયત્ન કરે તે પહેલાં તો ઇતિ પરિનિને લઇ બાથરૂમમાં પહોંચી ગઇ હતી. શાવરના અવાજ સાથે ઇતિ અને પરિનિનો કિલકિલાટ બાથરૂમની દીવાલ ઓળંગીને બહાર છલકાતો હતો. તેમના હાસ્યના ટહુકાના પડઘા આખા ઘરમાં અને અરૂપના આખા અસ્તિત્વમાં પડઘાઇ રહ્યા.

બધા નાહીને તૈયાર થયા અને પછી કયાં જવું તેની થોડીવાર ચર્ચા ચાલી. અને અંતે પરમ, પરિનિને ઝૂ જોવા લઇ જવાનું નક્કી થયું.

’ ઇતિ, પરમ, પરિનિને ઝૂ જોવા લઇ જઇશું ?

ઇતિ તો તૈયાર જ હતી ને ?

અને આખો કાફલો કારમાં ગોઠવાયો. ઇતિને તો બીજા કોઇ સાથે જાણે સંબંધ જ નહોતો. બીજા કોઇને તે ઓળખતી જ કયાં હતી ? તે બાળકોમાં ગૂંથાતી રહી અને બાળકો પણ તેનો પીછો કયાં છોડવાના હતા ? બે ગ્રુપ પડી ગયા હતા. એક ગ્રુપમાં અરૂપ, વૈશાલી અને અંકુર હતા અને બીજા ગ્રુપમાં ઇતિ, પરમ અને પરિનિ હતા. અને આ બીજા ગ્રુપને પહેલા ગ્રુપ સામે જોવાનો પણ અવકાશ નહોતો. તેમનું ગ્રુપ તો પોતાની મસ્તીમાં મશગૂલ હતું. કારમાં પણ તેમની રમતો ચાલુ જ રહી હતી. આ ગ્રુપમાં હાસ્યના ફુવારાઓ ઉડતા હતા. અને તેમાં ભીંજાતું હતું બીજું ગ્રુપ. અરૂપના ચહેરા પર એ કિલ્લોલની આભા છવાતી હતી.

ઝૂમાં પહોંચતા જ પરમ, પરિનિ ઇતિનો હાથ ખેંચી એક પાંજરા પાસેથી બીજા પાંજરા તરફ દોડવા લાગ્યા. ત્રણે જણાને જાણે એક નશો ચડયો હતો.

’ આંટી, મંકી, મંકી..’ અને બીજી પળે ત્રણે વાંદરાના પિંજર પાસે.

’ આંટી, તમે પેલા વાંદરાની વાર્તા સાંભળી છે ને ? બે બિલાડી પાસેથી રોટલો કેવો પોતે ખાઇ ગયો હતો. ‘

પરમે ઉત્સાહથી પોતાનુ જ્ઞાન દર્શાવ્યું.

‘ આંટી, અહીં આવો...જુઓ તો પોપટ કેવો સરસ દેખાય છે.’ઇતિનો હાથ ખેંચતા પરિનિ બોલી ઉઠી.

‘બોલ… સીતારામ બોલ...’ પરિનિ પોપટને કહેતી રહી. અને ત્રણે મોટેથી લલકારી રહ્યા.’ પઢો રે પોપટ રાજા રામના.....અને પછી પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,પોપટ આંબાની ડાળ,પોપાટ સરોવરની પાળ..’

અને પરિનિ, પરમ તો ખુશખુશાલ બની તાળીઓ પાડવા લાગ્યા. અરૂપ પણ તેમની સાથે તાળીઓ પાડવામાં અને ગાવામાં જોડાઇ રહ્યો.

થોડીવાર પછી એક મોટા મગર પાસે જઇ બધા ઉભા. પરિનિ તો મગરને જોઇ ડરીને ઇતિની પાછળ સંતાઇ ગઇ. ‘ આંટી, મને બીક લાગે છે.. બિલ્લી તળાવમાં તરવા ગઇ હતી ત્યારે તેનો સાડી છેડો છૂટી ગયો હતો અને મગર બિલ્લીને ખાઇ ગયો હતો ને ? ’

પરિનિ એક “ બિલાડી જાડી” બાળગીતના શબ્દોને યાદ કરતાં બોલી ઉઠી. અને ઇતિની સાડીના છેડા પાછળ ભરાઇ રહી.

ઇતિએ પરિનિને પોતાની વધુ નજીક ખેંચી. ’ આંટી, મને તો કોઇની બીક ન લાગે હોં..’ પરમે પોતાની બહાદુરી બતાવી.’ મગરભાઇ, મગરભાઇ, તમારે મીઠા મીઠા જાંબુ ખાવા છે ? ‘પરમે તો પોતાની બહાદુરી સાબિત કરવા મગર સાથે વાતો પણ શરૂ કરી..’ અને હેં અંકલ, મગર કેવો બુધ્ધુ હતો નહીં ? ‘

પરંતુ પરિનિને મગર પાસે ઉભા રહેવું બહું ગમ્યું નહીં.. ઇતિનો હાથ ખેંચી તે તેને આગળ ખેંચી ગઇ. અરૂપ પણ પાછળ પાછળ તેમની સાથે જોડાયો. આગળ જતાં શિયાળને જોઇ પરિનિ બોલી ઉઠી.’

’ આંટી, શિયાળની વાર્તા મને આવડે છે હોં. દ્રાક્ષ ખાવા તેણે કેવા કૂદકા માર્યા હતા અને પછી પહોંચાતું નહોતું તેથી દ્રાક્ષ ખાટી છે એમ કહી દીધું હતું ને ? ‘

’ મને તો શિયાળની એક જ નહીં ઘણી વાર્તા આવડે છે. હેં આંટી, શિયાળ તો લુચ્ચુ હોય ને ? ‘

’ આંટી, આ પરમ પણ બહું લુચ્ચો છે હોં. મને રોજ હેરાન કરે છે. ‘ ઇતિની કોર્ટમાં પરિનિએ પોતાની ફરિયાદ રજૂ કરી.

‘ અને આંટી, આ પરિનિ સાવ બુધ્ધુ છે.મગર જેવી. ‘

પરિનિને ચીડવવાનો એક પણ મોકો પરમ કેમ છોડે ?

ઇતિ તો બોલ્યા સિવાય બંનેના હાથ પકડી હસતી રહી. અને હવે ત્રણે પહોંચ્યા સિંહના પાંજરા પાસે.’ આંટી, સિંહ તો જંગલનો રાજા કહેવાય ને ?

‘ પણ રાજા યે કેવો મૂરખ..કૂવામાં કૂદકો મારી દીધો હતો. નાનકડું સસલું તેને મૂરખ બનાવી ગયું હતું ને ? મને મમ્મીએ વાર્તા કરી હતી. ‘

પરિનિ તો એકદમ ડરીને ઇતિને ચોંટી ગઇ હતી. ઇતિએ હવે તેને તેડી લીધી હતી.

‘ આંટી, આવડી મોટીને તેડાય ?એય પરિનિ નીચે ઉતર...હું મમ્મીને કહી દઇશ હૉં. આંટીને હેરાન ન કરાય.

પરમે ડાહ્યા બનીને કહ્યું.

હેં આંટી, હું હેરાન કરું છું ? આંટીએ જ સામેથી મને તેડી છે હેં ને આંટી ? ‘ઇતિ હસી રહી.

અને અંતે થાકીને બધા જમવા ગયા ત્યારે ઇતિના ચહેરા પર મેઘધનુષી રંગો ખીલ્યા હતા.

પરમે પોતાના માટે પીઝાનો ઓર્ડર આપ્યો.

‘ હું તો આંટી ખાશે તે જ ખાઇશ. આંટી, તમે શું ખાશો ? ‘’ આંટીની ચમચી. આંટી તો તીખું..મરચાવાળુ ખાશે..બોલ, તું ખાઇશ ? ‘

‘હા..ખાઇશ જા..તારે શું ? આંટી કંઇ તીખું નથી ખાતા..હેંને આંટી ? ‘બધા હસી પડયા.

‘ઇતિ, તું શું ખાઇશ બોલ ? ‘વૈશાલીએ પૂછયું.

ઇતિ વતી અરૂપ જવાબ આપવા જતો હતો ત્યાં વૈશાલીએ આંખોથી ઇશારો કરતાં અટકી ગયો.

મેનુ કાર્ડમાં જોત જોતાં વૈશાલીએ ફરીથી પોતાનો સવાલ રીપીટ કર્યો.’ઇતિ, લે આ મેનુ...અને જલદી નક્કી કર. તારી આ ચમચી તું ખાઇશ એ જ આજે ખાવાની છે.’બીજુ મેનુ કાર્ડ ઇતિના હાથમાં થમાવતા વૈશાલીએ કહ્યું.ઇતિ હાથમાં આવેલ મેનુ કાર્ડ સામે જોઇ રહી. જાણે કોઇ અભણ વ્યક્તિના હાથમાં અચાનક કોઇએ અંગ્રેજી પુસ્તક પકડાવી દીધું હોય તેમ ઇતિ બાઘાની જેમ જોઇ રહી.

‘ આંટી, આપણે આ ખાશું ? સેંડવીચનું ચિત્ર જોઇ તેની બાજુમાં બેસેલી પરિનિ બોલી ઉઠી.કયાંક આંટી તેને ન ભાવતું કંઇ મંગાવશે તો ? ‘આંટીને જે ખાવું હોય તે જ ખાવા દે ને..’ પરમે બહેનની ચાલ સમજી જતાં તુરત કહ્યું.’ આંટીને સેન્ડવીચ જ ભાવે છે હેં ને આંટી ? ‘અને આંટીનું ડોકુ જરા ધૂણતા પરિનિએ ખુશ થઇને ફટાફટ બંનેનો ઓર્ડર આપી દીધો.

વૈશાલી કશું બોલવા જતી હતી પણ અરૂપે તુરત કહ્યું.

’ઓકે..ઇતિ અને પરિનિ સેંડવીચ ખાશે. ઇતિ વધારે ગૂંચવાય તેવું તે નહોતો ઇચ્છતો. વૈશાલી સમજી ગઇ.

અને બધાએ પોતપોતાના ઓર્ડર લખાવ્યા.

પરમ, પરિનિ ટહુકતા રહ્યા. ઇતિ આપોઆપ પરિનિને ખવડાવતી રહી. પરિનિ ઇતિના મોંમા પણ સેંડવીચ મૂકતી રહી. હસી મજાકનો દોર ચાલતો રહ્યો. અરૂપ હસતો તો હતો. પરંતુ સાથે સાથે હવે કાલે શું થશે તેની આશંકામાં થોડો વ્યગ્ર પણ હતો..કાલે બાળકો જતાં ફરીથી ઇતિ પહેલાની માફક જડ તો નહીં થઇ જાય ને ? ફરીથી એ જ યાતના ? એ જ મૂઢતા ?

કાલે ? કાલનો સૂરજ તેના માટે કયો સંદેશ લઇને ઉગશે ?

પ્રકરણ 23 - દોસ્ત, મને માફ કરીશ ને ?

“ સૂર્યને ઝંખના છે દર્શનની પાંપણો એણે પાથરી, આવો મૌનનો બરફ ઓગળે આખર...”

કોઇ નાનકડી, કોમળ કૂંપળ કાળમીંઢ ખડકને તોડીને પણ બહાર આવી શકે છે. અને ત્યારે પથ્થર જેવો પથ્થર પણ લીલોછમ્મ બની જાય છે. એ માટે ખડકે ધીરજ રાખવી રહી. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી રહી. એ એની કસોટી છે. અને એ કસોટીમાંથી એ સાંગોપાંગ પાર ઉતરી શકે તો અને ત્યારે એ લીલોછમ્મ બની શકે.

અરૂપ પણ અત્યારે કાળની કસોટીની એરણે ચડયો હતો. એમાં ધીરજ કે શ્રધ્ધા ગુમાવવી પાલવે તેમ નહોતી. કોઇ પ્રાયશ્વિત કયારેય આસાન નથી હોતું. આવનાર ક્ષણની કલ્પનાથી અરૂપ અસ્વસ્થ બન્યો હતો. પરમ, પરિનિ જશે ત્યારે ઇતિ સહન કરી શકશે ? સંભાળી શકશે એ પોતાની જાતને ? કે પછી પોતે તેને સંભાળી શકશે ખરો ? કાશ ! સમય અહીં જ રોકાઇ જાય તો ? આ પળ કયારેય ન ખૂટે તો ?

પરંતુ એ શકય નહોતું. એનાથી તે કયાં અજાણ હતો ? જે સમયનો ડર માનવીના મનમાં હોય તે સમય માનવીની ઇચ્છા હોય કે ન હોય આવી જ પહોંચે છે ને ?

અરૂપ ધારે તો પણ આવનાર ક્ષણને કેમ રોકી શકે ?

છેલ્લા ત્રણ દિવસની માફક આજે પણ સવાર તો પરમ, પરિનિ અને ઇતિના કિલકિલાટથી ચહેકી રહી. રોજની જેમ ઇતિ પરમ, પરિનિમાં ગૂંથાયેલી રહી. વૈશાલી અને અંકુર સામાન પેક કરતાં હતાં એ જોઇ પરમ, પરિનિને મજા ન આવી. થોડીવાર તો ધમાલ પણ કરી જોઇ. પરંતુ આજે તો તેઓ પણ સમજતાં હતાં કે હવે પોતાનું કશું ચાલવાનું નથી. ગમે કે ન ગમે આજે જવું જ પડશે. તેથી થોડા ઉદાસ થઇ ગયા. ઇતિએ પરિનિને નવડાવી, દૂધ પીવડાવ્યું અને તૈયાર કરી. તે ઇતિને ચોંટેલી જ રહી. તૈયાર થઇ થોડું બાકી રહી ગયેલું શોપીંગ પતાવવા બધા બહાર નીકળ્યાં.

અરૂપે પરમ, પરિનિ માટે પણ ઘણી ખરીદી કરી.

‘ ઇતિ, જો તો આ ફ્રોક પરિનિને સારું લાગશે ? કે પછી આ કલર તેને વધારે સારો લાગશે ? અરૂપે હાથમાં લાલ અને સફેદ રંગના બે ફ્રોક લઇને પૂછયું. ઇતિ જોઇ રહી. તેણે બંને ફ્રોક હાથમાં પકડયા. પરંતુ કશું સમજાયું નહીં. ત્યાં પરિનિનું ધ્યાન જતાં તે બોલી ઉઠી.

‘ રેડ..આંટી, મને રેડ કલર ગમે છે. ‘ અને તેણે ઇતિના હાથમાંથી રેડ ફ્રોક લઇ લીધું. વૈશાલી, અંકુર ના,ના, કહેતા રહ્યા. અને અરૂપ ઇતિને બતાવી બતાવીને પરમ, પરિનિ માટે ખરીદી કરતો રહ્યો. આજે ખરીદીમાં તેને જે આનંદ આવતો હતો તે જીવનમાં પહેલાં કયારેય નહોતો આવ્યો. જોકે પહેલાં કયારેય આવી કોઇ ખરીદી કરવાનું પણ કયાં આવ્યું હતું ? ખરીદી માટે નાના બાળકના સેકશનમાં જવાનું નશીબમાં કયારેય આવ્યું જ નહીં. આજે ખરીદી કરતી વખતે ઇતિના ચહેરા પર એક ચમક અરૂપે જોઇ હતી. અને એ ચમક તેના ઉત્સાહને વધારતો રહ્યો હતો. વૈશાલીએ પણ ઇતિ માટે એક સુંદર ડ્રેસ લીધો હતો.

પૂરા ત્રણ કલાક ખરીદીમાં વીત્યાં. બધા ખુશ હતા. જમીને આવ્યા ત્યારે સાંજ થવા આવી હતી. અને અંકુર, વૈશાલીને જવાનો સમય થઇ ગયો હતો.

‘અરૂપ મને લાગે છે કે હવે અમારે નીકળવું જ રહ્યું. મન તો નથી થતું. છોકરાઓની સ્કૂલનો પ્રોબ્લેમ ન હોત તો જરૂર હજુ થોડા દિવસો રોકાઇ જાત. શું કરું દોસ્ત ? ‘

’ અંકુર, હું સમજી શકું છું. તમારા આવવાથી ઇતિના ચહેરા પર જે ચમક આવી છે..જે હાસ્ય આવ્યું છે તે માટે હું તમારા બંનેનો આભાર કયા શબ્દોમાં માનું ? ’

બોલતાં બોલતાં અરૂપનો અવાજ રુન્ધાયો.

‘ દોસ્ત કહીને આભાર માનવાની ફોર્માલીટી કરીશ ? ‘અંકુર અને અરૂપ ભેટી પડયા.

’એક કામ કરો..થોડાં દિવસો તમે બંને અમારે ત્યાં આવો. મને લાગે છે..ઇતિની દવા આપણે કોઇ નહીં, પરંતુ પરમ, પરિનિ જ બની શકશે. તમે બંને ચોક્કસ આવો. અમે રાહ જોઇએ છીએ. ‘

વૈશાલીએ પ્રેમથી કહ્યું

’ હા, મને પણ તમારી વાત સાચી લાગે છે. કાલે ઇતિની પરિસ્થિતિ જોઇ પછી શું કરવું તે નક્કી કરીશું. અરે, પણ ઇતિ કયાં ? ‘

’ ઇતિ બીજે કયાં હોય ? પરિનિ તેને બહાર હીંચકા પર ખેંચી ગઇ હશે. જતાં જતાં જેટલો લાભ લેવાય તેટલો લઇ લે ને..પરિનિને તો ઇતિ પાસેથી લેવી પણ સહેલી નહીં થાય. ભેંકડો તાણવાની જ. તેને મનાવવી પડશે. તમે બંને સામાન લઇ બહાર આવો ત્યાં હું પરિનિને જરા ફોસલાવતી થાઉં.’

કહેતાં વૈશાલી બહાર ગાર્ડનમાં ગઇ.પરિનિ, તેં આંટીને આપણા ઘેર આવવાનું કહ્યું કે નહીં ? ‘ધીમેથી ઇતિ પાસેથી પરિનિને લેતાં વૈશાલીએ કહ્યું.પરિનિએ જવાબ ન આપ્યો. મોં ફૂલાવી બેસી રહી.

ઇતિના ચહેરા પરની ચમક ગાયબ.

અંતે થોડીવારે અંકુર, વૈશાલી પરમ, પરિનિને લઇને નીકળ્યા ત્યારે ઇતિની આંખો છલકી રહી. એક પણ શબ્દ તે બોલી નહી. શબ્દોમાં દરેક વખતે અભિવ્યક્તિનું સામર્થ્ય કયાં હોય છે ? આજે પણ ફરી એકવાર શબ્દો વામણા..સાવ વામણા બનીને,ચૂપ થઇ ગયાં.

પરમ, પરિનિને પણ તેના વહાલા આંટી પાસેથી જવું નહોતું.

‘ચાલો, પરમ, આંટીને બાય કરો. પરમે બાય બાય કહેતાં ઇતિને કહ્યું

‘આંટી, તમે આવશોને અમારે ઘેર ? હું તમને મારી બધી ગેઇમ્સ, બુકસ અને બધું બતાવીશ. મારી પાસે બહું બધી બુકસ છે. ‘

પરિનિ તો ઇતિને વહાલથી વળગી જ રહી.

ઇતિ પાસેથી પરિનિને લેતા વૈશાલીની આંખ પણ ભરાઇ આવી.

‘ પરિનિ, આંટીને બાય કરો. આંટી આપણે ઘેર આવવાના છે હોં. ‘ પરિનિએ મોં ફૂલાવી પરાણે હાથ હલાવ્યો.

‘ ઇતિ, હવે તું અને અરૂપ અમારે ત્યાં આવો છો હોં. આ છોકરાઓને તારી એવી માયા તેં લગાડી છે ને કે મારે તો હવે તેમને સાચવવા પણ ભારે થઇ પડશે. ‘

કહેતી વૈશાલી ઇતિને ભેટી રહી.

અરૂપને કહેવાનું મન થઇ ગયું. ‘ મને પણ હવે ઇતિને સાચવવી ભારે પડશે. બાળકો તો કાલે ભૂલી જશે. દરેક પરિસ્થિતિમાં બાળક જેટલું એડજેસ્ટ કોઇ નથી થઇ શકતું. કેમકે બાળકના મનમાં અતીતની કોઇ ભૂતાવળ કે ભવિષ્યનો કોઇ તણાવ નથી હોતા. તે સંપૂર્ણપણે આજમાં જીવે છે. તેના મનમાં કોઇ આગલી, પાછલી ભૂમિકા, કોઇ આગ્રહો કે પૂર્વગ્રહો નથી હોતા. પ્રત્યેક ક્ષણે વર્તમાનમાં જીવતું બાળક સહજતા અને સરળતાથી અનુકૂલન સાધી શકે છે. કાશ ! આપણે સૌ બાળકની માફક ફકત આજમાં જીવી શકતા હોઇએ તો ? ‘

આવા વિચારોમાં અટવાયેલ અરૂપને અંકુરે બાય કર્યું ત્યારે તે સફાળો ભાનમાં આવ્યો. થોડાં દિવસોમાં આવવાનો વાયદો લઇ અંકુરની કાર ઉપડી ત્યારે ઇતિ ચિત્રવત્ દરવાજામાં ઉભી હતી. પરમ, પરિનિ બારીમાંથી હાથ હલાવીને બાય કરતાં કરતાં ન જાણે શું બોલી રહ્યાં હતાં ? ધીમેથી ઇતિનો હાથ ઉંચકાયો. બે ચાર ભારી ભરખમ ક્ષણો...અંકુરથી પણ ગાડી જલદીથી સ્ટાર્ટ કયાં થતી હતી ?

પાછળ ધૂમાડાના લિસોટા છોડતી કાર નજરથી અદ્રશ્ય થઇ. હવે ?

હવે ખાલીખમ્મ ક્ષણો અને ખાલીખમ્મ ઇતિ...! શું કરવું તે અરૂપને પણ સમજાયું નહીં. બે પાંચ મિનિટ સમય થીજી ગયો.

અરૂપે ધીમેથી ઇતિનો હાથ પકડયો. અને બંને ઉપર ગયા.

ફરી પાછો એ જ પ્રશ્ન...... હવે ?

અરૂપની નજર બારીની બહાર દેખાતા ખુલ્લા આસમાન પર પડી. સ્વચ્છ આકાશમાં ફરીથી વાદળો ઘેરાયાં હતાં.

‘ઇતિ, આપણે થોડા દિવસો પછી પરમ, પરિનિ પાસે જઇશુંને ? એમના વિના ઘર કેવું સૂનુ લાગે છે ? ઘરની રોનક જતી રહી નહીં ? મને પણ આજે નથી ગમતું.’

અરૂપ બાળકોની વાતો કરતો રહ્યો. ઇતિ એમ જ સાંભળતી રહી. જોકે કયારેક માથુ હલાવી સમજયાનો સાદ પૂરાવતી રહી. અને અરૂપને થોડો હાશકારો મળતો રહ્યો.

’ઇતિ, તારું ફેવરીટ પિકચર લગાડીશું ? હમણાં ઘણાં સમયથી આપણે નથી જોયું. ‘ઇતિ પ્રશ્નાર્થ ભરી નજરે જોઇ રહી. તેનું ફેવરીટ પિકચર કયું હતું ?

અરૂપ ખુશ થયો. એટલીસ્ટ ઇતિની આંખોની એ પથરીલી શૂન્યતા અદ્રશ્ય થઇ શકી હતી. તેની આંખમાં પ્રશ્ન જાગતા હતા. અને અરૂપ માટે એ આશ્વાસન પણ કયાં ઓછું હતું ?

આ ત્રણ દિવસમાં અરૂપ,અંકુર કે વૈશાલી સાથે ઇતિ ભાગ્યે જ કશું બોલી હતી. મોટે ભાગે પરમ, પરિનિ સાથે મસ્તીમાં જ રહી હતી. પરમ, પરિનિની પણ બધી વાતોના જવાબ તે કયાં આપી શકી હતી ? જલદીથી શબ્દો સૂઝતા નહોતા. તે તો બસ.. પરમ, પરિનિ સાથે હસતી રહી હતી. દોડતી રહી હતી. તેનું બધું કામ તેઓ કહે તે મુજબ કરતી રહી હતી. તેના ગળામાંથી બહુ ઓછા શબ્દો સરી શકયાં હતાં. પરંતુ બાળકોને એવી જરૂર કે ખબર પણ કયાં હતી ? તેમની જીભ સતત ચાલુ રહેતી હતી. બંને ભાઇ બહેન અંદરો અંદર વાતો કરીને કે લડી, ઝગડીને મસ્તીમાં જ રહેતા અને ઇતિને પણ એ જ મસ્તીમાં ઇનવોલ્વ કરતાં રહેતાં.

અરૂપ,વૈશાલી કે અંકુર પણ ઇતિને બહું બોલાવવાના પ્રયત્નો કરી તેને મૂંઝાવવાને બદલે ઇતિ આ રીતે પણ કશાકમાં ઇનવોલ્વ રહે છે તેથી ખુશ હતા. ઇતિ ખુશ છે, હસે છે. આટલું આશ્વાસન તેમને માટે પૂરતું હતું. અને બાળકોને તો આંટી પોતાની સાથે રમે છે, તેમની વાતો સાંભળે છે અને બધી ફરમાઇશ પૂરી કરે છે એથી વિશેષ શું જોઇએ ?

ઇતિ તરફથી કશો જવાબ ન મળતા અરૂપે ફરી પૂછયું,’ ઇતિ, આપણે પિક્ચર જોઇશું ? ‘

કહેતાં અરૂપે ‘ બેબીઝ ડે આઉટ ‘ પિકચરની સી.ડી. લગાડી. ઇતિનું આ ઓલટાઇમ ફેવરીટ પિકચર હતું. એ પિકચરની નાનકડી બેબી તેને ખૂબ ગમતી. તેના નખરા જોઇ તે તાળી પાડી ઉઠતી. નાના બાળકની જેમ હોંશથી તેણે કેટલીયે વાર આ પિકચર જોયું હતું. ત્યારે અરૂપને કયારેય ન સમજાતું કે આ પિકચરમાં એવું છે શું ? તેને થતું આ ઇતિ પણ ખરી છે. ગાંડાની જેમ આ એક જ પિકચર પાછળ પડી છે.

પણ આજે આ ક્ષણે કદાચ એક વધારે સત્ય અરૂપની સામે ઉઘડયું હતું. ઇતિને આ પિકચર કેમ ગમતું હતું તેનો અરૂપને અચાનક ખ્યાલ આવ્યો હતો. તેનું રહસ્ય, મર્મ આજે અરૂપ સમજી શકયો હતો. અને આ સમજણે અરૂપને વિચારતો કરી મૂકયો..

ઇતિ પિકચરમાં મશગૂલ બની રહી. અને અરૂપ હવે આગળ શું કરવું જોઇએ તેના વિચારોમાં ખોવાઇ રહ્યો.

પિકચર પૂરું થતાં બંને સૂતા ત્યારે રાતના બાર વાગી ગયા હતા. અરૂપની આંખોથી ઉંઘ કોસો દૂર હતી. ઇતિ તો નાનકડા બાળકની જેમ તુરત ઘસઘસાટ ઉંઘી ગઇ હતી. અરૂપના મનમાં અનેક વિચારોની ઉથલપાથલ ચાલુ રહી. અને કોઇ નિર્ણય સપનામાં લેવાયો કે જાગતામાં તે સમજ તેને પોતાને પણ ન પડી. પરંતુ મનમાં પહેલીવાર એક સંતોષ કે સમજ જાગ્યા. અને અંતરમાં જાગી એક શાંતિ.

સિમલાથી આવ્યા બાદ અરૂપ આજે પહેલીવાર થોડો રીલેક્ષ થઇને સૂઇ શકયો.

બીજે દિવસે સવારે અરૂપની આંખ ખૂલી ત્યારે બાજુમાં ઇતિ નહોતી. અરૂપ સફાળો ઉભો થઇ ગયો.

ઇતિ..ઇતિ કયાં ? તેણે બારીમાંથી નીચે નજર કરી. હીંચકા પર કે બગીચામાં ઇતિ દેખાઇ નહીં. બાલ્કનીના હીંચકા પર પણ ન દેખાઇ. અરૂપે બાથરૂમમાં નજર કરી. બાથરૂમ ખુલ્લો હતો અને તેમાં કોઇ નહોતું. અરૂપ બધે ફરી વળ્યો. ઉપર કયાંય ઇતિ દેખાઇ નહીં. હવે તે ગભરાયો. બે બે પગથિયા એકી સાથે ઉતરતાં તે નીચે આવ્યો.

‘ ઇતિ ‘

નીચે ઉતરતાં ઉતરતાં જ તેનાથી મોટેથી બૂમ પડાઇ ગઇ. તેના અવાજનો રઘવાટ સાંભળીને ઇતિ તો નહીં, પરંતુ તારાબેન દોડી આવ્યા. જરા હસીને તેણે સમાચાર આપ્યા..

’ બેન રસોડામાં આવ્યા છે. ‘’ શું કરે છે ? કશું બોલ્યા ? ‘ અરૂપે અધીરતાથી પૂછયું.’ હજુ તો કશું બોલ્યા નથી. પણ સાહેબ, તમે ચિંતા ન કરો. હવે જરૂર સાજા થઇ જશે. આજે સામેથી રસોડામાં આવ્યા છે. અને ચા બનાવે છે.’તારાબેને વિગતવાર સમાચાર આપ્યા.

અરૂપને માન્યામાં ન આવ્યું. ઇતિ..ઇતિ રસોડામાં ? શું તે નોર્મલ બની ગઇ હતી ? એકી સાથે બે બે પગથિયા ઉતરતો તે નીચે આવી રસોડામાં ઘૂસ્યો. ગેસ પર તપેલીમાંથી ચા ઉભરાતી હતી અને ઇતિ હાથમાં સાણસી પકડી બેધ્યાન ઉભી હતી. અરૂપે જલદીથી ગેસ બંધ કર્યો. ઇતિના હાથમાંથી સાણસી લીધી.

’ ઇતિ, તારી તબિયત સારી નથી. તું કેમ રસોડામાં આવી ? ‘

તારાબેનને ચા ગાળવાનું કહી તે ઇતિને લઇને બહાર આવ્યો. બંને બહાર ઇતિની પ્રિય જગ્યા હીંચકા પર બેઠા. અચાનક અરૂપનું ધ્યાન સામે ટીંગાતા કેલેન્ડર પર ગયું. 21 જુલાઇ...ઓહ..આ તો અનિકેતનો બર્થ ડે. ઇતિને તો કયાં કશું યાદ હતું ? નહીંતર આ દિવસે તે અચૂક અનિકેતને યાદ કરતી અને કહેતી,

’ અરૂપ, આજે અનિકેતનો બર્થ ડે છે. તે તો ન જાણે કઇ દુનિયામાં ખોવાઇ ગયો છે. મને એકવાર પણ યાદ નથી કરતો. જોને તે એક ફોન પણ નથી કરતો. ‘

આ દિવસે તો ઇતિથી અરૂપને જરૂર ફરિયાદ થઇ જ જતી. અને અરૂપ તેને ગમે તેમ સમજાવીને બીજી વાતોએ ચડાવી દેતો. આજે અરૂપને આ બધું યાદ આવી ગયું. પોતે કેવો....…

તેનાથી એક નિશ્વાસ નખાઇ ગયો. જરાવારે થોડા શાંત બન્યા પછી તેણે ઇતિને પૂછયું,

‘ઇતિ, આજે કઇ તારીખ છે તને યાદ છે ?

ઇતિ અનિકેત સામે જોઇ રહી.’ ઇતિ, આજે 21 જુલાઇ..આજે શું છે ? કોનો બર્થ ડે છે ? ‘હમેશા જે તારીખ ઇતિને ભૂલાવવાની કોશિશ કરતો હતો તે તારીખ ઇતિને યાદ અપાવવા આજે અરૂપ મથી રહ્યો. સમયની સાથે કેટકેટલું બદલાય છે !

’ ઇતિ, એક મિનિટ.’

કહી અરૂપ ઇતિનો હાથ પકડી તેને પૂજારૂમમાં લાવ્યો.

‘ ઇતિ, આજે અનિકેતનો બર્થ ડે છે ને ? ‘ઇતિ મૌન...એકીટશે ફોટા સામે ચકળવકળ જોઇ રહી.અરૂપે ફોટા ઉપર ચાંદલો કર્યો. ગુલાબનું ફૂલ ચડાવ્યું. પછી વંદન કરી ધીમેથી બોલી રહ્યો,

’ ઇતિ, તારા અનિને કહેને કે મને માફ કરી દે..ઇતિ, હું તમારા બંનેનો ગુનેગાર છું. પાપી છું. ઇતિ, આજે અનિનો જન્મદિવસ છે. ઇતિ, મને માફી નહીં.. જે સજા આપવી હોય તે આપ. હું ખરાબ છું..ઇતિ, બહું ખરાબ...’

અરૂપનું ગળુ રુન્ધાઇ આવ્યું. ઇતિના ખોળામાં માથું રાખી તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો.

ઇતિ અવાચક..તે થોડીવાર અનિકેતના ફોટા સામે તો થોડીવાર રડતા અરૂપ સામે જોઇ રહી....તેનો હાથ અનાયાસે અરૂપના માથામાં ફરી રહ્યો. તેની આંખમાંથી પણ ગંગા જમના વહી રહી હતી. તેને શું સમજાયું હતું એ ખબર નહોતી. પણ આ ક્ષણે અરૂપ કે અનિકેતના ભેદભાવ મટી ગયા હતા કે શું ? અરૂપના સાચા પશ્વાતાપમાં ભીતરનો બધો મેલ ધોવાઇ ગયો હતો. કયાંય સુધી બંને એમ જ ...

થોડીવારે અરૂપ શાંત થયો.

‘ઇતિ, આપણે નાસ્તો કરી લઇએ પછી તૈયાર થઇ જા. બહાર જવું છે.’

ઇતિ પ્રશ્ર્નાર્થભરી નજરે તેની સામે જોઇ રહી. સાન, ભાન તો આવ્યા હતા. પરંતુ શબ્દો ન જાણે કયાં ખોવાઇ ગયા હતા.

ઇતિની આંખનો પ્રશ્ન વાંચી અરૂપે કહ્યું,

‘એ સરપ્રાઇઝ છે. તું નાહીને તૈયાર થઇ જા.. આજે અનિકેતનો બર્થ ડે છે ને ? તે ઉજવવા જવું છે. અનિને બદલે આજે હું તને સરસ મજાની ગીફટ આપીશ ચાલ, જલદી....’

થોડીવારમાં ઇતિ ઉપર નહાવા ગઇ. આજે ઇતિ પહેલીવાર એકલી જાતે ઉપર ગઇ હતી. એ નિહાળી રહેલ અરૂપે ફોન જૉડયો.

કલાક પછી અરૂપ અને ઇતિ બહાર નીકળ્યા. કયાં જવાનું છે તે ઇતિએ કશું પૂછયું નહીં અને અરૂપે કહ્યું નહીં. કદાચ ઇતિએ માની લીધું હશે કે અરૂપની કોઇ પ્રિય જગ્યાએ લંચ માટે જતા હશે. જોકે આમ તો આવું કશું વિચારવાની ક્ષમતા ઇતિમાં ફરીથી આવી હતી કે કેમ ? તેની જાણ કયાં હતી ?

થોડીવારમાં ગાડી શહેરના એક અનાથાશ્રમ પાસે આવીને ઉભી. અરૂપ નીચે ઉતર્યો. ઇતિ જોઇ રહી આ કયાં આવ્યા તે તેને કદાચ સમજાયું નહોતું. પરંતુ હમેશની જેમ મૌન બની તે અરૂપની પાછળ ચાલી. અહીં કોઇ ફંકશન હતું કે શું ?

ત્યાં અરૂપને જોઇ અનાથાશ્રમના સંચાલિકા બહેન આવ્યા. તેને ટ્રસ્ટી તરફથી કદાચ સૂચના મળી ગઇ હતી. તેથી તે અરૂપ, ઇતિને માનપૂર્વક ઓફિસમાં લઇ ગયા.

‘ અમે થોડીવાર અહીં બેઠા છીએ. પછી તમને કહીએ. ‘

‘ તમે આરામથી બેસો. હું તમારે માટે પાણી મોકલું. ‘ કહી અરૂપનો સંકેત સમજી જઇ બહેન ઓફિસમાંથી બહાર નીકળ્યા.

ઇતિ, અરૂપ બેઠા. ઇતિ ત્યાં ટીંગાડેલ બાળકોના ફોટા સામે જોઇ રહી. અહીથી દત્તક અપાયેલ બાળકોના એ ફોટા હતા.

‘ઇતિ, અહીં પરમ, પરિનિ જેવા સરસ મજાના ઘણાં બાળકો છે. આપણે એક લઇશું હમેશ માટે ? ‘ઇતિ સમજી ન શકી કે પછી જે સમજી તે સ્વીકારી ન શકી. તે અરૂપ સામે એકીટશે જોઇ રહી.

’ હા, ઇતિ, તેં એકવાર કહ્યું હતું ને કે આપણે બાળક દત્તક લઇએ તો ? આજે આપણે એ માટે જ અહીં આવ્યા છીએ..’

ઇતિ મૌન.

પણ મૌન રહેવું હવે અરૂપને કયાં પાલવે તેમ હતું ?

‘હા, ઇતિ આપણે અહીંથી કોઇ પરિનિ કે પરમને દત્તક લઇશું. તું મમ્મી બનીશ અને હું પપ્પા..ઇતિ, હું તારી વાત..તારી ઝંખના સમજી ન શકયો. ‘

બોલતા બોલતા અરૂપનો અવાજ રુંધાયો.

‘ ઇતિ, આપણે બાળક જોઇશું ? પરમ જેવો છોકરો લેશું કે પરિનિ જેવી મીઠ્ડી છોકરી..? ‘

ઇતિની આંખોમાં પાણી તગતગી રહ્યા. તે કશુંક બોલવા ગઇ પરંતુ ગળામાં થીજી ગયેલ શબ્દોએ સાથ ન આપ્યો.

‘ એક મિનિટ. હું આવું. ‘

અરૂપ બહાર નીકળ્યો. અને થોડીવારમાં પાછો આવ્યો ત્યારે તેની સાથે પેલા બહેન અને બે થી ત્રણ વરસની ઉમરના લાગતા પાંચ બાળકો હતા. ત્રણ છોકરીઓ અને બે છોકરાઓ કશું સમજયા વિના ત્યાં ઉભા રહી ગયાં.

‘ઇતિ જો તો..તને કોણ જોઇએ છે ? ‘

ઇતિ બધા સામે જોઇ રહી. આ બધું શું થઇ રહ્યું હતું ? તેની આંખમાં દરિયો છલકાણો.

અચાનક એક છોકરો ઇતિ પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો,

’ તમે કેમ રડો છો ? ‘ઇતિ જોઇ જ રહી.

અચાનક તેના હાથ આપોઆપ લંબાયા. અને બીજી જ પળે તેણે છોકરાને ઉંચકી લીધો. અને કશું બોલ્યા સિવાય જાણે પરમને તેડયો હોય તેમ ઓફિસની બહાર નીકળી ગઇ. અરૂપ પણ જલદીથી તે બહેનને કશુંક કહી ઇતિની પાછળ બહાર નીકળ્યો.

ઇતિ બાળકને તેડીને લોબીમાં ચાલતી હતી. ત્યાં પાછળથી એક નાની છોકરીએ તેનો છેડો પકડયો. ઇતિએ પાછળ ફરીને જોયું. એક મિનિટ ઉભી રહી ગઇ. છોકરી થોડી ગભરાઇ હોય તેવું લાગ્યું. તેના નાનકડા હાથમાં હજુ છેડો પકડેલ હતો. ઇતિએ અરૂપ સામે જોયું.

‘ આ છોકરીને લેવી છે ? ‘ઇતિએ હકારમાં ડોકુ હલાવ્યું.

‘ ઓકે તો લાવ, આને પાછો આપી આવીએ અને આને લઇએ. ઓકે ? ‘

અને અરૂપે છોકરાને ઇતિના હાથમાંથી લેવા હાથ લંબાવ્યો.

’ ના, ‘ કહેતી ઇતિ પાછી હટી ગઇ. અને છોકરાને પકડી રાખ્યો. કયાંક કોઇ લઇ લેશે તો ? છોકરો પણ ઇતિ પાસેથી જવા ન માગતો હોય તેમ ઇતિને વળગી રહ્યો. અરૂપ મૂંઝાયો.

’ ઓકે ઇતિ, આ જ જોઇએ છીએ ને ? તારી પાસેથી કોઇ તેને નહીં લઇ લે બસ.. ચાલ, આપણે જઇશું ? ‘

ઇતિએ નકારમાં માથુ ધૂણાવ્યું.તો ?

‘ આ..આ..ઇતિના ગળામાંથી શબ્દ નીકળ્યો..આને..આને પણ...’

ઇતિએ છોકરી સામે આંગળી કરી.’’ આને પણ લેવી છે ? ‘ઇતિએ માથુ હલાવી હા પાડી. અને અરૂપ સામે જોઇ રહી.

અરૂપે કશું બોલ્યા સિવાય હસીને પેલી બાળકીને ઉંચકી લીધી.ઇતિની આંખોમાં ઉજાસ અંજાયો.

અરૂપે પેલા બહેનને કશુંક કહ્યું..અને પોતે કાલે આવીને બધી વાત કરીને ફોર્માલીટી પૂરી કરી જશે એમ જણાવ્યું. ટ્રસ્ટીની ભલામણ હોવાથી તે બહેનને કશું કહેવાનું હતું નહીં.

અરૂપ “પરિનિ” ને તેડીને અને ઇતિ “પરમ” ને તેડીને બહાર નીકળ્યા ત્યારે ઇતિની આંખો ચમકતી હતી. અરૂપ છલકતો હતો. બાળકો કશું સમજયા સિવાય બંનેને ચોંટી રહ્યા હતા.

સમય પણ આજે સાક્ષીભાવે નિર્લિપ્ત રહી શકયો હશે કે પછી તેણે પણ આ ચારે પર વહાલ વરસાવ્યું હશે ?

હવે તો સમયને બે નહીં અસંખ્ય પાંખો ફૂટી. અને તેની ગતિ ઝડપી...અતિ ઝડપી બની રહી. અને એક મહિનામાં તો કાળદેવતા એક સરસ મજાના,અનુપમ દ્રશ્યના સાક્ષી બની રહ્યાં.

મહિના પછી અરૂપ અને ઇતિ તેમના વહાલા બાળકો “ અમી” અને “ઉજાસ” ને લઇને વૈશાલીને ત્યાં ગયા.

પરમ, પરિનિ તો અમી, ઉજાસને જોઇ જે છલકાણા..જે છલકાણા..કે ઇતિને પણ ભૂલી ગયાં. થોડીવારમાં તો ચારે બાળકોના કિલકિલાટથી વાતાવરણ લીલુછમ્મ..

સાથે સાથે કાળદેવતાએ એ પણ જોયું કે ઇતિ હસતાં હસતાં વૈશાલી સાથે કોઇ વાત કરી રહી હતી અને પછી ઇતિ અને વૈશાલી બંને સાથે મોટેથી કોઇ ગીત લલકારી રહ્યા હતાં.

અરૂપે ઉંચે આકાશમાં જોયું.

રાત્રિના નીરવ અન્ધકારમાં દૂર દૂર એક તારો ચમકતો દેખાતો હતો.

અરૂપને એ તારામાં અનિકેત કેમ દેખાયો ?

તેના રુંધાયેલ ગળામાંથી એક ધીમો અવાજ નીકળ્યો.

‘દોસ્ત, મને માફ કરીશ ને ? ‘

***