Ek Sadhah Vidhavani Dayari Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ek Sadhah Vidhavani Dayari

એક સદ્યઃ વિધવાની ડાયરી...

નીલમ દોશી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

એક સદ્યઃ વિધવાની ડાયરી...

તારીખ ચોવીસ માર્ચ

રાત્રિના બરાબર બારના ટકોરા પડઘાય છે. મારી ચારે તરફ માના ગર્ભ જેવો અંધકાર....ગોરંભાયેલ આસમાનમાં કયાંક દૂર દૂર બે ચાર છૂટીછવાઇ હીરકકણીઓ અંધકાર સામે ઝઝૂમી રહી છે. હાથમાં ડાયરી લઇને બેઠી છું. વરસોની મારી એકમાત્ર સાથીદાર. સંવેદનાઓ ઠાલવવાનું મારું એક માત્ર હાથવગું કે હૈયાવગું સાધન....એક મહિનો....પૂરા ત્રીસ દિવસ વીતી ગયાં. જીવનસફરના અંતિમ પડાવની શરૂઆતમાં જ સાથીનો સાથ છૂટી ગયો. પાંત્રીસ વરસોનો સાથ પલક ઝપકતાં જ પૂરો....

દિવસો, મહિના અને પછી વરસો ગણાતા રહેશે. સમયપંખીની ઉડાન તો વણથંભી...બધી વિધિઓ પૂરી થઇ ગઇ. આજે નર્મદામાં અસ્થિ વિસર્જન..... જીવતો જાગતો માનવી એક નાનકડી મટકીમાં સમાઇને નદીના નીરમાં ભળી ગયો. મારી નજર સમક્ષ અખિલને લઇને દૂર દૂર દોડી જતી મટકી .....અને મારા લંબાયેલ હાથ ખાલી..સાવ ખાલી....

સગાસંબંધીઓથી ઘેરાયેલું ઘર આજે ખાલી થઇ ગયું. પરંતુ માનવીનું મન કયારેય ખાલી રહી શકયું છે ખરું ? મનમાં તો વિચારોની વણથંભી વણઝાર....

‘‘શો મસ્ટ ગો ઓન..’’ જનારની પાછળ કે તેની સાથે કોઇ જઇ શકતું નથી. જોકે જઇ શકાતું હોત તો પણ ખરેખર કોઇ જાય કે કેમ ? શ્વાસ ચાલે ત્યાં સુધીના જ સઘળા સંબંધો... મૃત્યુને કોઇએ સત્યમ્, શિવમ, સુંદરમ્‌ કહ્યું છે. ગમે કે ન ગમે..જીવનના એ સત્યનો સ્વીકાર વહેલો કે મોડો દરેકે કરવાનો જ હોય છે ને ? પોતાની અત્યંત નિકટની વ્યક્તિની અણધારી વિદાયથી હચમચી જનાર માનવીની ભીતરનો એક ખૂણો ખાલી થઇ જાય એવું બને...પરંતુ દરેક માનવીના મનમાં બીજા પણ અનેક ખૂણાઓ હોય જ છે એનું શું ?

વીસમે વરસે અખિલ સાથે સહજીવનના શ્રીગણેશ કર્યાં હતાં. પાંત્રીસ વરસોનો સાથ છૂટતાં પૂરી પાંચ મિનિટ પણ ન થઇ. આમ અચાનક...સાવ અચાનક....બધા કહે છે..

થોડાં વહેલા ગયા..બાકી અખિલભાઇ મોતમાં ખાટી ગયા. આવું મોત તો નસીબદારને મળે. ઉપરથી તેડું આવ્યું ને કોઇના હાથનું પાણી પીવા યે ન રોકાણા...

કેમ થયું, શું થયું..કેવી રીતે થયું..? પ્રશ્નોના મારા આજ સુધી ચાલ્યા. આંખો વરસતી રહી. આવનાર વ્યક્તિઓ અલગ અલગ....પરંતુ રડનાર તો એકનું એક જ ને ? આમ પણ ચોવીસ કલાક કોઇ રડી શકે ખરું ? રડીરડીને થાકયા પછી હવે આંખના આંસુ ખૂટી જાય ત્યારે.....

જોયું ? જરાયે પડી છે ? આંખમાંથી બે આંસુ યે પાડયા ? બાઇ જબરી હોં. નહીંતર બીજું હોય તો ભાંગી પડે. ‘’ અરે, ભઇ, હું આખી ભાંગી ગઇ છું. એ જ વાતોથી હવે હું ગૂંગળાઉં છું. મને જરી શ્વાસ તો લેવા દો. ચપટીક મોકળાશ તો આપો. જનાર સાથે સૌથી વધારે સગાઇ મારે જ હતી ને ?

પરંતુ જે દુઃખ બધાની સામે દર્શાવી ન શકાય એવા દુઃખનો લોકો માટે ખાસ કોઇ અર્થ નથી હોતો. દુઃખ હોય એટલું પૂરતું નથી. એ દુઃખ બહાર દર્શાવવું પણ જરૂરી છે. કદાચ એ જ વધારે જરૂરી છે.

‘બહાર નીકળીને એ બધા શું કહેતા હશે એની કલ્પના જરાયે અઘરી નથી.’ અમને તો એમ કે અવની રડીરડીને અડધી થઇ ગઇ હશે. પણ..અહીં તો એવું કંઇ દેખાયુ નહીં. ધણી જેવો ધણી ગયો છે..પણ આંખમાં આંસુનું ટીપું યે હતું ?’

‘અરે, મારી બઇ, જોઇ શકો તો જુઓને મારી ભીતર..મારા હૈયામાં ઝાંકી જુઓ..’પરંતુ કોઇના હૈયામાં કયારેય કોઇ ઝાંકી શકયું છે ખરું ?જોકે આમ જુઓ તો એમાં લોકોનો વાંક નથી. હું પણ એમાંની જ એક હતી ને ? કોઇને ત્યાં ખરખરામાં કે બેસણામાં જતી હતી ત્યારે એમની સાથે ટીકા કરવામાં હું પણ કયાં નહોતી ભળતી ?જીવનના કેટલા બધા સત્યો પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ સમજાતા હશે. અને કયારેક તો ત્યારે પણ વણસમજાયા રહી જતા હશે.

તારીખ ૩૦ માર્ચ

અ.સૌ.માંથી હું હવે ગં.સ્વ.? નામની આગળ વિશેષણ જ બદલાયું કે પછી.....?આજે સવારે કપાળે ચાંદલો કરવા જતાં હાથ ધ્રૂજી રહ્યો હતો. સદનશીબે ઘરમાં કોઇ જૂનવાણી રિવાજો નથી. છતાં મનમાં એક હિચકિચાહટ જરૂર અનુભવાઇ. પરિવર્તન આવે તો પણ સદીઓના સંસ્કાર છૂટતા સમય તો લાગવાનો જ ને ?

દીકરી અને વહુ..બંનેએ કહ્યું, ’ મમ્મી, ચાંદલા વિનાનું તમારું કપાળ જરા યે સારુ નથી લાગતું. તમે પહેલા રહેતા હતા એમ જ રહેવાનું છે.’

અને વહુએ મારા કપાળે નાનકડી ટીપકી જેવડો ચાંદલો ચીપકાવી દીધો. તેને ખબર છે કે મને તો હંમેશા મોટો, ગોળ લાલચટ્ટક ચાંદલો જ જોઇએ.પણ..... હજુ આટલા......ચપટીક સુધારાથી જ સંતોષ માનવાનો રહ્યો. નાનકડો, મરુન કે કાળો ચાંદલો કરી શકું...એટલો સુધારો....મોટા, ગોળ, લાલચટ્ટક ચાંદલા જેવડો સુધારો કયારેય આવી શકશે ખરો ? રંગીન કપડાં પહેરવાના...પણ હવે બહું ઘેરા નહીં...બંગડી સોનાની પહેરવાની, લાલ, લીલી બંગડીઓ નહીં રણકાવવાની. નાકની ચૂંક નહી કાઢો તો ચાલશે...એટલો સુધારો હવે સમાજે માન્ય કરી લીધો છે. અરીસામાં મારો ચહેરો મને જ અપરિચિત લાગે છે. ડાર્ક અને બ્રાઇટ રંગોની હું ચાહક.....હવે મારાથી કેસરી, લાલ, લીલા કપડાં ન પહેરાય..એ સારું ન લાગે. કોને સારું ન લાગે ? સમાજને. સમાજ એટલે ?

તારીખ ચાર એપ્રિલ..

ડાયરી લખવાની મારી જૂની આદત. જોકે રોજ તો નહીં..પરંતુ જયારે મનનો ભાર વધી જાય, વાદળો ઘેરાય અને અંતરના આકાશમાં ગોરંભો છવાય ત્યારે શબ્દોરૂપે ડાયરીમાં વરસી રહે...અને ફરી નવા વાદળો માટે મન તૈયાર...મનનું ચોમાસું તો બારે માસ....અતિવર્ષા થાય પણ દુકાળની તો ચિંતા જ નહીં.

એક માનવીનું આખ્ખું અસ્તિત્વ ભૂંસાઇ ગયું. ફરી એકવાર રુટિન ગોઠવાતું જાય છે. અખિલની બધી નિશાનીઓ ધીમે ધીમે ઘરમાંથી અદ્રશ્ય થતી રહે છે. પણ મનની નિશાનીઓનું શું ? જીવનમાંથી એક વ્યક્તિની હંમેશ માટે બાદબાકી એટલે શું ? ભીતરમાં ખડકાયેલ સારી, નરસી સ્મૃતિઓના ગંજનું શું ? એને કેમ અદ્રશ્ય કરવી ? જનારની સાથે એ પણ ભૂંસાઇ જતી હોત તો ? તો અતીતના ઓથારમાંથી બહાર આવી શકાય ખરું ?

દીકરાએ ખટપટ કરાવીને અહીં બદલી કરાવી લીધી. હવે મમ્મીને એકલી ન રખાય. મને કહેવાનું મન થઇ ગયું,

‘બેટા, મમ્મી તો વરસોથી એકલી જ રહી છે. અમારું સહજીવન જરૂર હતું. જેને સખ્યજીવન બનાવવાના મારા ઓરતા અધૂરા જ રહી ગયા. એ પ્રયત્નોમાં હું સફળ થઇ શકી નહીં. હું દુઃખી નહોતી..પરંતુ સુખનો એહસાસ પણ કયાં પામી શકી હતી ? પાંત્રીસ વરસોના સહવાસ પછી પણ અમારા સંબંધનો સોનચંપો કયારેય મઘમઘી શકયો નહીં એ વાસ્તવિકતાથી તમે સદા અજાણ જ રહ્યાં છો અને હવે અજાણ જ રહેવાના. ‘પરંતુ આવું કશું બોલી નહીં. બસ..એક ખામોશી..ચૂપકીદી.... વરસોથી જળવાયેલ ભ્રમ અકબંધ રહે તે જ સારું છે. મહોરા ઓઢીને ફરતા ચહેરાઓની દુનિયામાં કયાં ખોટ છે ? મનના અમુક સત્યો..અમુક રહસ્યો કયારેય બહાર આવવા નથી પામતાં. માનવીની સાથે જ ચિતામાં જલી જતા હોય છે.

અનીશ, અંકિતા હવે મારી સાથે જ જમે છે. આજે જમતાં જમતાં આડીઅવળી વાતો કરીને મને ખૂબ હસાવી. મારા દુઃખને ઓછું કરવા માટે દીકરી, દીકરો, વહુ સૌ પોતાની રીતે પ્રયત્ન કરતાં રહે છે.

બેટા, મને દુઃખ તો અવશ્ય થયું છે....ખૂબ થયું છે. પણ હુ કંઇ પડી નથી ભાંગી...અને પડી ભાંગ્યાનુ નાટક મારાથી નથી ભજવાતું. દીકરા,વહુના પ્રયત્નો જોઇ મારી આંખો ભીની થતી રહે છે. અને અનીશ વધારે ઢીલો બને છે. હું એને સમજાવી શકું તેમ નથી. પિતા પ્રત્યેનો તેનો આદર, લાગણી ઓછા થાય એ મને મંજૂર નથી. એવું ન બને માટે તો જીવનભર.....

નજર સમક્ષ કેટલાયે દ્રશ્યો ઉભરાય છે. પણ હવે એ બધાનો કોઇ અર્થ નથી. અખિલની સાથે કયારેક ઝગડી લેતી..પરંતુ હવે તો એ યે કયાં શકય રહ્યું છે ? આમ પણ મૃત માનવીની વળી ફરિયાદ કેવી ?

વાયરા સંગે થરથરતો અંધકાર બારીમાંથી અંદર ડોકિયું કરે છે. માનવીના મનની જેમ તે પણ કેટકેટલા રહસ્યો પોતાની અંદર સંગોપીને બેઠો હશે ? પહેલાં તો અંધકાર મને હમેશા ખુશ્બોભર્યો લાગતો. હવે બે શ્વાસની આવનજાવન વચ્ચે ઘૂંટાતો ગહન અંધાર થોડો બિહામણો કેમ લાગે છે ? મારી સદાની પાણીદાર આંખો હમણાંથી કોરીકટ્ટ કેમ રહે છે ? અનેક અનુત્તર પ્રશ્નો....

તારીખ દસ એપ્રિલ

આજે સાંજે મારી સાથે ભણતો નિખિલ મળવા આવ્યો હતો. દેશમાં આવ્યો અને આ સમાચાર મળ્યા તેથી તુરત દોડી આવ્યો. આમ તો દર વખતે દેશમાં આવે ત્યારે ઘેર આવતો જ. પણ કયારેય તેની સાથે ખૂલીને વાત નહોતી કરી શકી. અખિલથી એ સહન ન થતું. મારે કોલેજમા નિખિલ સાથે બહું સારું બનતું એ સાંભળ્યા પછી તો એની સાથે વાત કરું એટલે તેના મનમાં શંકાનો કીડો સળવળવાનો જ. બોલે તો કશું નહી.. કેમકે તો પોતાના ઉદાર હોવાની છાપ કેમ જાળવી શકાય ? પોતે એવો જૂનવાણી નથી..અને મને બધી સ્વતંત્રતા આપી છે એ દેખાડવું તો તેમને ખૂબ ગમે. બાકી અંદરથી કયો પુરૂષ બદલાયો છે ?

આજે નિખિલ સાથે મુકત રીતે વાત કરી શકી એનો આનંદ થયો. હવે કોઇનો ખોટૉ ડર રાખવાનો નથી એ અહેસાસ મનમાં જાગી ગયો. જોકે મનોમન હું એક અપરાધભાવ પણ અનુભવી રહી. અખિલને જે વાત નહોતી ગમતી એ હવે કરાય કે નહીં ? અંદર થોડી ડરી ગઇ..ખળભળી ગઇ કે શું અખિલ જતાં હું દુઃખી થવાને બદલે.......? ભીતર સળવળતા અનેક પ્રશ્નો જાતને હચમચાવી રહ્યાં છે.

અખિલની અણધારી અલવિદા મને દુઃખ અને આંચકો આપી ગયા છે. પણ સાથે સાથે અમુક વાતો જે મને જીવનભર ખૂંચતી રહી છે. એક પુરુષના સ્વભાવને લીધે અનેક ઇચ્છાઓને અવગણીને જીવવું પડયું છે...અન્યાય સહન કરવા પડયા છે...હવે એમાંથી મુક્તિ....એ અહેસાસ આ થોડા દિવસોમાં જરૂર થયો છે.પૂરી પ્રામાણિકતાથી એનો સ્વીકાર કરવો જ રહ્યો. અખિલ પ્રત્યેનો એ દ્રોહ નથી. ફકત અંતરમાં ચૂભતી રહેલ સચ્ચાઇ છે. અને ડાયરીમાં મારી જાત આગળ પણ પ્રામાણિક ન રહી શકું તો લખવાનો કોઇ અર્થ ખરો ? બસ મનને ખુલ્લુ..સાવ જ ખુલ્લુ કરવાનો આ એક સંનિષ્ઠ પ્રયત્ન છે. હળવા થવાનો એક અખતરો માત્ર....

તારીખ વીસ એપ્રિલ...

પહેલાં અઠવાડિયે ફોન કરતી દીકરી હવે રોજ ફોન કરે છે..મમ્મીની ચિંતા કરે છે. શકય હોય ત્યાં દીકરો, વહુ બધી જગ્યાએ મને સાથે લઇને જાય છે. મમ્મી હવે એકલા પડી ન જાય એ જોવાની પોતાની ફરજ બરાબર બજાવે છે. પપ્પા હતા ત્યાં સુધી એવી કોઇ જરૂર નથી એમ માનતો દીકરો હવે મારું સતત ધ્યાન રાખે છે. બેટા, પપ્પા હતા ત્યારે યે તારી મા અંદરથી એકાકી જ રહી છે. તમારી હૂંફની જરૂર કદાચ ત્યારે વધારે હતી. પરંતુ તમને એ કેમ સમજાવી શકાય ? અમે સાથે હતાં અને છતાં નહોતાં..એ સત્યથી તમે તો સાવ અપરિચિત..

ખેર ! અખિલ હતા ત્યારે અનેકવાર ઝગડો કરતી, આંસુઓ સારતી..હવે તો એ પણ અશકય...... કોઇ પુરુષ પોતાની પત્નીના અંતરને...એની આરઝૂને સમજી શકશે ખરો ? એના આગવા, સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરી એને થોડી મોકળાશ, થોડી અંગત સ્પેસ...આપી શકશે ખરો ? કે પછી એના અંગત ખૂણા સુધી પોતે પહોંચી શકે.. એને પામી શકે એટલી ઉંચાઇ પ્રાપ્ત કરી શકશે ખરો ? સ્ત્રી પરનો હક્ક, માલિકીભાવ જતો કરવો સહેલો નથી. પરંતુ હક્કની, અધિકારની એ ભાવના એને કયારેય કશું આપી શકે નહીં..એ વાત એ સમજીને સ્વીકારી શકે ખરો ? નારીવાદ કહીને એની હાંસી કરનાર પુરુષ સ્ત્રીના મનથી કેટલો દૂર ચાલી જાય છે એ એને કેમ સમજાતું નથી ? એ વિરોધ નથી કરતી..કે નથી કરી શકતી...પણ એનું મન તો સતત વિરોધ..વિદ્રોહ કરતું જ રહે છે એ તેને કેમ સમજાતું નથી ? અને એ વિદ્રોહ કયારેક એને....

તારીખ સાતમી મે..આ વખતે ઘણાં સમય બાદ ડાયરી હાથમાં લેવાઇ. હમણાંથી વાદળો જલદી ઘેરાતા નથી. કદાચ તેથી...ડાયરીનો નાતો કદાચ વાદળો સાથે વધારે રહ્યો છે. હકીકતે પૂરા દસ દિવસ હમણાં ફરી આવી. અમારી મહિલા સંસ્થાએ દર વરસની જેમ આ વખતે પણ દસ દિવસની ટૂર ગોઠવી હતી. આમ તો આવી રીતે બહેનપણીઓ સાથે કયારેય જઇ શકી નથી. પરંતુ દીકરા વહુએ ખૂબ આગ્રહ કરેલ..

‘મમ્મી, તમારે જવાનું જ છે. તમે બધા સાથે હળો...મળો...ફરો તો તમને થોડૉ ચેઇંજ મળશે..અને સારું લાગશે.’અને ખરેખર ખૂબ સારું લાગ્યું. આખું રાજસ્થાન ફરી આવ્યા. બધાએ સાથે મળી ખૂબ આનંદ કર્યો. આમ તો અખિલ હતા ત્યારે પણ રાજસ્થાન તો ગયેલા જ. પરંતુ બહારગામ જવું એટલે અખિલને મન સારી હોટેલમાં રહેવું..ખાવું પીવું...અને એકાદ બે કલાક કયાંક આંટો મારી લેવો. ’ આખો દિવસ ચોરના માથાની જેમ ભાટકવા થોડાં આવ્યા છીએ ? થોડાં દિવસ શાંતિથી રહી શકાય...આરામ મળી રહે એ માટે આવ્યા છીએ.’ તેની કોઇ પણ ફિલોસોફી..કોઇ પણ વિચાર સાથે હું સંમત થાઉં છું કે નહીં...એ જોવાની....જાણવાની જરૂર એને કયારેય લાગી નથી. ફરવાનો આનંદ કદાચ આ વખતે પહેલીવાર જ માણી શકી. અખિલ, આવું લખવા બદલ તારી માફી માગું છું. પણ...જાત સામે આયનો ધર્યો છે. અને આયનો કદી જૂઠ્ઠું બોલે ખરો ?

‘મમ્મી, તારી બહેનપણીઓને કયારેક ઘેર બોલાવતી હો તો ? તમે બધા સાથે મળીને તમારું ગ્રુપ બનાવો તો તમને સારું લાગશે. અને એકલવાયું નહીં લાગે. અમે બંને નોકરીને લીધે તમને વધારે સમય નથી આપી શકતા એનો અમને ખ્યાલ છે.’

‘અવની, તારી બહેનપણીઓ સમયે, કસમયે ઘેર આવી ચડે છે એ મને જરાયે નથી ગમતું. એમને જરા સમજાવી દેજે..’આ કયો અવાજ મનમાં પડઘાઇ રહ્યો છે ?

કયારેક કહેવાઇ જતું.....

અખિલ, તમારા મિત્રો તો ગમે તે સમયે આવી ચડે છે અને આવીને કંઇ ને કંઇ બનાવવાની ફરમાઇશ પણ કરે છે. ને હું બનાવીને એમને ખવડાવું પણ છું. મારી બહેનપણીઓ માટે તો તમારે કશું કરવાનું હોતું નથી. છતાં...’ અને અખિલનો જવાબ....’ હા, થોડું ભણ્યા એટલે સરખામણી કરવાના...સ્ત્રી સ્વતંત્રતાનો ઝંડો લઇને ફરવાની હવે ફેશન ચાલે છે ને ? પણ મારા ઘરમાં મને એ બધું નહીં પોષાય.

‘‘મારું ઘર...’’ અખિલના આ શબ્દો સાથે મારા ભીતરમાં ખળભળાટ...ધરતીકંપ...

હું મૌન..સાવ મૌન...બોલીને ઝંઝાવાત ઉભો કરવાની મારામાં નહોતી હિંમત કે નહોતી ઇચ્છા...મારી પાસે બીજો કોઇ વિકલ્પ પણ કયાં હતો ? તે દિવસે અનરાધાર વાદળો વરસ્યાં હતાં.પણ....

શું મારી પાસે કોઇ વિકલ્પ હોત તો..? તો શું મેં વિકલ્પ પસંદ કર્યો હોત ?

પ્રામાણિક જવાબ શોધવા માટે જાતને આખ્ખેઆખ્ખી ઉલેચવી પડે..પરંતુ હવે એનો કોઇ અર્થ કયાં છે ?

આજે દીકરાના આ શબ્દોએ મારા મનમાં ભરબપોરે ચંદનની શીતળતા પ્રસરાવી દીધી. કહેવાનું મન થઇ આવ્યું કે ‘બેટા, આટલો સમય તો મારા માટે કયારેય કોઇએ કાઢયો નથી. જીવનભર બધાની સગવડો સાચવતી, જરૂરિયાતો પૂરી કરતી હું...

આજે મારી સગવડ કોઇ સાચવે છે, મારો વિચાર કરે છે એ અહેસાસ જ મનને એક ટાઢક..એક હાશકારો આપી જાય છે. પંચાવન વરસની ઉંમરે કોઇ અબોધ શિશુ સમ એ પ્રથમ એહસાસની અનુભૂતિનો રોમાંચ મારી અંદર ઉછળે છે. જોકે બહારથી તો ઠાવકી, ઠરેલ સ્ત્રીનું મહોરું અકબંધ.....મારી ભીતરની સાથીદાર...સાક્ષી આ ડાયરીના પાનાઓને પણ કદાચ આર્શ્વર્ય થતું હશે કે આજે મારા પાનાઓમાં આ નવી વાતો કેમ ચીતરાય છે ? મને પોતાને યે મારી અંદર ઉઠતી આ બધી વાતોનું, આ અનુભૂતિઓનું આર્શ્વર્ય થાય છે. પણ ડાયરીના પાનામાં તો મનનું પ્રતિબિંબ જ પડવાનું ને ?

તારીખ ચૌદ મે...

આજે એક વાર્તા લખાઇ. વાર્તા તો છેલ્લા ચાર વરસથી છૂટક છૂટક લખાતી હતી. પ્રકાશિત થતી રહેતી હતી. મને યાદ છે એ દિવસ....એકવાર સ્ત્રી, પુરૂષના અવૈધ સંબંધો વિશે મારાથી વાર્તા લખાઇ ગઇ હતી. જેમાં એક સ્ત્રીને પણ સેકસની ઇચ્છા હોય છે એ દર્શાવાયેલ....અને અખિલ મારી પર....’ તારા મનમાં આવા વિચારો આવે જ કેમ ? આવો કોઇ અનુભવ તને હશે તો જ..તને આવું લખવાનું સૂઝે ને ? ‘મારી પાસે દલીલો તો અનેક હતી...પણ એનો કોઇ અર્થ નહોતો. ખૂનની વાતો લખતા લેખકોને ખૂન કરવાના અનુભવની જરૂર નથી પડતી. અને પુરુષ માટે સેકસની ઇચ્છા કે એ ઇચ્છાને દર્શાવવી સ્વાભાવિક ગણાય છે. તો સ્ત્રી માટે પણ એ એટલું જ સ્વાભાવિક શા માટે નહીં ? એ એવી ઇચ્છા દર્શાવે તો બેશરમ, બોલ્ડ કે બિન્દાસ ગણાય. એ એને શોભે નહીં....નારી તો લજ્જાના આભૂષણમાં જ શોભે !

પણ.... દલીલ કરવાથી તો નારીવાદનું એક વધારે લેબલ લાગે એટલું જ..બાકી સ્ત્રી સ્વાતંર્ત્યની વાતો લખી શકનાર સ્રીઓ પણ કદાચ એનો પોતાના જીવનમાં એહસાસ કરી શકતી હશે કે કેમ ? મારે વાર્તાઓ પણ એક નિશ્વિત દાયરામાં રહીને જ લખવાની હતી. આસપાસ દોરાયેલા એક અદ્રશ્ય પરિઘની બહાર જવાનું શકય નહોતું બન્યું.

પણ આજે કોઇને જવાબ દેવાનો નહોતો. મુક્તિના અહેસાસ સાથે વાર્તા લખાઇ...મનમાં પરમ સંતોષનું એક વાદળ...જે સભર તો હતું..પરંતુ એને વરસવાની જરૂર નહોતી.

મારા જેવા અનુભવો બીજી સ્ત્રીઓને પણ થતા હશે કે કેમ ? કે પછી મારી સંવેદનશીલતા વધુ પડતી હશે ?મનમાં એક રંજ પણ ઉભરાતો રહે છે. આ રંજના અનેક રંગો છે. કાચિંડાની માફક એ બદલાતા રહે છે.

અખિલની અનેક ન ગમતી વાતો સાથે સતત સમાધાન કરી જીવન જીવાતું રહ્યું. કયારેક એ મૂડમાં હોય ત્યારે પૂછતો,

અવની, આપણે તો સાત જનમ સાથે રહેવાનું છે ને ? ‘’ હા, પણ આ સાતમો જનમ છે..’

એવું હું મનમાં બોલતી ખરી..પણ એ જવાબ હસવા ખાતર પણ અખિલ સહન કરી શકે નહીં. તેથી હું જરાક સ્મિત ફરકાવીને મૌન બની રહેતી. એ સ્મિતમાંથી અખિલ પોતાને મનગમતો જવાબ તારવતો રહેતો. કેટલી સ્ત્રીઓ સાચા દિલથી આવતા જન્મે પણ આ જ પતિ મળે એવું ઇચ્છતી હશે ? જોકે આ પ્રશ્ન પતિઓને પણ જરૂર પૂછી શકાય. અને પૂરી પ્રામાણિકતાથી જવાબ મળે તો એ શું હોઇ શકે એની કલ્પના અઘરી નથી જ. આમ પણ માનવી માત્રને પરિવર્તન ગમે છે. અને ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે. બધાને કદાચ પારકી બૈરી કે પારકો ધણી જ સારો લાગતો હશે ? ઘરકી મુર્ગી દાલ બરાબર ....અને પારકા ભાણાનો લાડુ મોટો જ લાગવાનો.

કેમકે પારકા સાથે કંઇ દાળ ચોખાના ભાવની માથાફોડ થોડી જ કરવાની હોય ? ત્યાં તો સરસ મજાના તૈયાર થઇને સારા દેખાવાના સઘળા જોરદાર પ્રયત્નો...પોતાના માણસ પાસે વળી સારા દેખાવાની શી જરૂર ?

આવી માનસિકતામાંથી સ્ત્રી કે પુરુષ કોઇ બાકાત કયાં રહી શકયું છે ?

અન્યની ખોટી વાતને પણ હું ઉદારતાથી સહી લઉં છું. મારે એની સાથે કયાં જિંદગી કાઢવી છે ?

અને જેની સાથે જિંદગી કાઢવી છે એની સાથે સહિષ્ણુ બનવું કેવું અઘરું બની રહે છે ?મનમાં ગાંડાઘેલા વિચારોની ઉથલપાથલ ચાલતી રહે છે.

તારીખ વીસ મે

આજે મારો જન્મદિવસ હતો. સવારથી અનીશ અને અંકિતા મંડયા હતા. મારી જાણ બહાર ન જાણે શી યે તૈયારી ચાલી રહી હતી. પપ્પા નથી તેથી મમ્મીને એના જન્મદિવસે જરાયે ઓછું ન આવવું જોઇએ. નહીંતર તો દર જન્મદિવસે અનીશ, અંકિતા ફોન કરીને વીશ કરી લેતા. પણ આ વખતે તો હું એકાકી હતીને ?

ના, બેટા, આ વખતે તો તમે મારી સાથે છો...એકાકી તો પહેલાં હતી. જતાં જતાં અખિલ જાણે મને મારો દીકરો પાછો આપતો ગયો.

અંકિતા, આટલા વરસો સુધી હું તો જાણે મમ્મી, પપ્પાને સાવ ભૂલી જ ગયો હતો. ભણવા માટે હોસ્ટેલમાં ગયો. પછી નોકરી માટે દૂર રહ્યો. લગ્ન કરીને પણ દૂર જ..ખેર ! ....હવે જાગ્યા ત્યાંથી સવાર. પપ્પા માટે તો હવે કશું કરી શકીએ તેમ નથી. પણ...’અનીશના અવાજમાં શ્રાવણી ભીનાશ ઘૂંટાઇ રહી. મારા કાને અનાયાસે અથડાયેલ આ શબ્દો.... અનીશ સરસ મજાની કેક લાવ્યો હતો. અંકિતા સુંદર સાડી લાવી હતી. અને સાંજે તો આર્શ્વર્યની અવધિ જ.... મારા મિત્રો આવી પહોંચ્યા ત્યારે તો....હું છલોછલ...

દીકરા, વહુ સામે હું આભારભરી નજરે જોઇ રહી. કશું બોલી ન શકી. પછી તો પાર્ટી જામી. બધાએ સાથે મળી ગીતો ગાયા... દસ વાગ્યે બધા વિખેરાયા ત્યારે હું એક સાવ નવા જ અનુભવથી લથપથ. બાકી તો..’ હવે આપણે થોડા નાના છીએ તે જન્મદિવસ ઉજવીએ ? એવી ફોર્માલીટીની શી જરૂર ? અને આપણે કંઇ દુનિયામાં આવીને કોઇ ધાડ નથી મારી દીધી. આ બધા નવી પેઢીના તૂત છે. પશ્વિમનું આંધળું અનુકરણ.....’મારી દલીલો બધી બૂમરેંગ જ સાબિત થવાની એની જાણ હોવાથી મૌન સ્વીકાર માત્ર....આમ પણ પોતાની સામે કોઇ દલીલ કરે એ અખિલ કયારેય સહન કરી શકતો નહીં. તેની સાથે ચર્ચાને કોઇ અવકાશ કયારેય રહેતો જ નહીં...તેની માન્યતાઓ સામે બધા વિકલ્પોના દરવાજા બંધ જ....

તારીખ ત્રીસ મે...અખિલ જતા મારું જીવન બદલાયું છે. કદીક એક ખૂણો ખાલીપાનો એહસાસ કરાવી રહે છે. તો બીજા અનેક ખૂણા લીલાછમ્મ થતા રહે છે. કયાંક વાંચેલી એક પંક્તિ આ ક્ષણે મનમાં પડઘાય છે.

આવ્યું, ગયું ન કોઇ તમારા સ્મરણ સિવાય,

કેવી સભર બની છે આ તનહાઇ તો જુઓ..

હવે રોજ સવારે મારે મોનગ વોક માટે જવું પડે છે. દીકરા, વહુ અને દીકરી, જમાઇ બધાનો હુકમ છે. આમ પણ હવે મારે સવારે કોઇનો સમય સાચવવાનો નથી. ગરમ નાસ્તો બનાવવાનો નથી. સવારમાં અખિલની બૂમે રઘવાયા થઇને દોડવાનું નથી. અખિલે આડીઅવળી મૂકી દીધેલી વસ્તુઓ શોધવાનું ટેન્શન નથી. મિત્રોના ફોન અખિલની હાજરીમાં આવે અને લાંબા ચાલે તો ફફડવાનું નથી. બહારથી આવવામાં વહેલું મોડું થઇ જાય તો કોઇ ખુલાસાઓ આપવાના નથી. રાત્રે મનપસંદ સીરીયલ જોવા માટે કોઇ ટોકતું નથી. હું કયાં..કયારે..કોની સાથે ગઇ હતી તેના પુરાવાઓ આપવાના નથી. ઘરમાં હવે બધું મને પૂછીને થાય છે. પોણી જિંદગી વીતી ગયા પછી હવે મારી ઇચ્છા મુજબ જીવવાની આઝાદી મળી છે. અખિલ, હું ખુશ છું એ બદલ સોરી. પણ આજે મારી આસપાસ છલોછલ સુખ રેલાઇ રહ્યું છે. ભીતરના ઘણાં ખૂણાઓ કોળી ઉઠયા છે.

પણ અખિલ, સાવ સાચું કહું...? એ બધાની સામે પેલા ખાલી ખૂણાનો ખાલીપો મને વધારે કનડે છે. તમને ન ગમતી વાત કરું છું ત્યારે મનમાં એક ટીસ કેમ ઉઠે છે ? કોઇ ગીલ્ટની ફીલીંગ કેમ જાગે છે ? આનંદનો અનુભવ થાય છે ત્યારે એક અપરાધભાવ કેમ પીડે છે ? તમારી સામે લાખો ફરિયાદો છતાં તમારા પગલાના ભણકારાની ઝંખના કેમ જતી નથી ?

બધાનો જવાબ કદાચ એક જ..અખિલ, હું તમને ચાહું છું..સાચા દિલથી ચાહું છું. મારી સમસ્ત ફરિયાદો સાચી હોવા છતાં ચાહું છું. એક નાનકડાં અઢી અક્ષરના શબ્દની અનુભૂતિ આ ક્ષણે તીવ્રતાથી કરી રહી છું.

આવતી કાલથી કદાચ હવે ડાયરી નહીં લખું....સુખી છું..ખુશ છું..એવું લખતી વખતે જાણે તારો દ્રોહ કરી રહી હોઉં એવું ફીલ થાય છે.કાલથી દિલની સઘળી વાતોને અંતરમાં જ ધરબી દઇ, સામે આવતી દરેક પળને અતીતના તાણાવાણા કે ભાવિના વિચારોથી મુકત રાખીને જીવવાનો પ્રયત્ન કરીશ..અને પછી એક દિવસ હું પણ અચાનક.....સાવ અચાનક તારી સામે આવીને ઉભી રહી જઇશ.

અખિલ, ત્યારે તું એમ તો નહીં પૂછે ને ?

આટલી બધી વાર ?

અને તો હું શું ખુલાસો આપીશ ?