Ginipig Nilam Doshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ginipig

ગીનીપીગ

નીલમ દોશી

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ગીનીપીગ

કન્યાવિદાયની શરણાઇના ઘેરા વિષાદભર્યા સૂર વાતાવરણમાં ઉદાસી છેડી રહ્યાં હતાં. જાન ઉઘલવાની વસમી વેળા હળુહળુ પગલે આવી પહોંચી હતી. ...એક આંખમાં વિરહ અને બીજી આંખમાં મિલનના માધુર્ય સાથે શુચિ સ્નેહીઓની વિદાય લઇ રહી હતી. માનસ તો દીકરો પરણાવી વહુને ઘેર લઇ જતો હતો. છતાં તેની આંખોમાં વાદળો..અઢળક વાદળો ઘેરાયાં હતાં.

ગમે તેવા કઠોર બાપની આંખો પણ ઘડીભર ભીની કરી દેતા આ પ્રસંગે પણ મહિન તો બધાથી અલિપ્ત.. આંખો ચકળવકળ..દીકરી પિતાની વિદાય લેવા આવી. મહિન ગભરાઇ ગયો...ના..ના...કરતો દૂર ભાગ્યો. આંખોમાં ઓળખાણનો કોઇ અણસાર નહીં. જલદીથી દોડીને એક ખૂણામાં ભરાઇ ગયો. અસ્તિત્વમાં થરથર ધ્રૂજારી... કયાંક કોઇ તેને અડકી જશે તો ? માનસે નજીક આવી મહિનનો હાથ ઉંચકી દીકરીને માથે મૂકયો. શુચિના હૈયામાંથી એક ધ્રૂસકું સરી પડયું.

બે ચાર ભારી ભરખમ ક્ષણો. વાતાવરણમાં સોપો પડી ગયો. શરણાઇના વિષાદભર્યા સૂર કરતાં પણ વધારે વિષાદ આ મૌનમાં ઘૂંટાયેલ હતો. ત્યાં ગોર મહારાજની બૂમ આવી,

ચાલો, જરા જલ્દી કરો. વિદાયની ઘડી વીતી જાય છે. સારું ચોઘડિયું વીતી જશે. આપણે મૂરત સાચવી લેવાનું છે. આના પછી કાળ ચોઘડિયું શરૂ થઇ જશે..

પણ ગોર મહારાજને કયાં ખબર હતી કે છેલ્લા દસ વરસથી આ ઘરમાં કાળ ચોઘડિયું જ ચાલી રહ્યું છે.

માનસના મનમાં દસ વરસ પહેલાની એ પળ અવારનવાર ડોકિયા કરતી રહી છે. તેને અસ્વસ્થ બનાવતી રહી છે. આજે દસ વરસ બાદ પણ માનસ નક્કી નથી કરી શકયો કે પોતે મહિનનું સારું કર્યું હતું કે ખરાબ ? મનોમન વલોવાતો રહ્યો છે. એક અજંપો વેઠતો આવ્યો છે. જાત સામે દલીલો કરતો રહ્યો છે. કયારેક લાગે છે... જે કર્યું છે તે સાચું જ કર્યું છે. એ સિવાય બીજો ઉપાય જ કયાં હતો ? પોતે જે કર્યું હતું તે મિત્રના સારા માટે જ ને ?

મનને દલા તરવાડીની માફક આશ્વાસન આપતો રહે છે.

પણ..મહિનને ઘેર જાય છે..મહિનની હાલત જુએ છે ત્યારે પોતાની બધી દલીલો તેની સામે બંડ પોકારે છે. મહિન નહોતો જીવતો, નહોતો મરેલો..આખો દિવસ વ્રિક્ષિપ્તની દશામાં બેસી રહેતો. કોઇ નજીક આવે તો ભયથી થરથરી રહેતો. જોશથી બૂમો મારી તેને ધક્કો મારતો. ઘરમાં કોઇને ઓળખી શકતો નથી. એક વત્સલ પતિ, પ્રેમાળ પુત્ર અને વહાલસોયો બાપ સઘળા સંબંધોનો અર્થ ખોઇ ચૂકયો હતો. કયારેક તોફાન મચાવતો..તો કયારેક દિવસો સુધી સૂનમૂન બેસી રહેતો. કયારેક એકલો એકલો રડતો રહેતો. કયારેક ન જાણે શું યે બબડતો રહેતો. કોઇ સમજી શકતું નહીં. જીવતા માનવીનું આખું ચેતાતંત્ર ખોરવાઇ જાય ત્યારે એ બની રહે છે..એક જીવતી લાશ માત્ર..બસ..મહિન પણ....

શિવાનીએ રડીરડીને તેને ફરિયાદ કરી હતી. ’ માનસભાઇ, આ શું થઇ ગયું તમારા મિત્રને ? પરદેશથી આમ પાગલ બનીને આવ્યા છે ? શું થયું છે તેમને ?

શું જવાબ આપે માનસ ? જે ડર હતો તે કમનશીબે સાચો પડયો હતો. દુનિયાનો કોઇ ડોકટર મહિનની હાલતમાં સુધારો નહીં કરી શકે તેની તેને જાણ હતી. શું થયું હતું..કેમ થયું હતું. બધી જાણ ફકત તેને એકલાને જ હતી. અને પોતે કોઇને કશું કહી શકે તેમ નહોતો. એક મા રોતી કકળતી હતી. એક પત્ની પાસેથી તેનો પતિ, બાળકો પાસેથી તેનો પિતા છિનવાઇ ગયો હતો. વ્યક્તિના મૃત્યુનું દુઃખ માનવી ભૂલી શકે છે. કુદરતે દરેક માનવીને એ શક્તિ આપી છે. પરંતુ પોતાની વ્યક્તિની આ હાલત નજર સામે જોવી, જીરવવી એ વ્યથા અનુભવ સિવાય પામી શકાતી નથી.

આ રસ્તે કદાચ મોત આવી શકે એવી માહિતિ પોતે મહિનને આપી હતી..પરંતુ આવું પણ બની શકે એવી વાત કયાં કરી હતી ? આ શકયતાની....જીવતા મોતની પૂરી શકયતાની જાણ હોવા છતાં એ વાત કેમ ગળી ગયો હતો ? પોતાના પ્રમોશનનો આધાર, નોકરીનો આધાર એની પર હતો માટે ?

ભીતરના એ ડંખને હળવો કરવા તો સામે ચાલીને મહિનની દીકરીને વહુ બનાવી પોતાના ઘરમાં લઇ આવ્યો હતો.

પોતે કોઇ પ્રાયશ્વિત કરી રહ્યો હતો ? ના, ના, પ્રાયશ્વિત શાનું ?કોઇ પાપ થોડું કર્યું છે ? આજે મહિનની પત્ની, સંતાનો જીવતાં છે એ કોને લીધે ? પોતાને લીધે જ તો...

જાત સાથે હમેશની જેમ આ ક્ષણે પણ સવાલ, જવાબ ચાલતા રહ્યા.

અરે, તમે હજુ અહીં જ ઉભા છો ? ત્યાં બધા તમારી રાહ જોઇ રહ્યા છે. ચાલો..જલદી...’

પ્રયત્નપૂર્વક વિચારોને ખંખેરી માનસ પત્ની સાથે ચાલ્યો.

મહિનની પત્ની હાથ જોડી રૂંધાયેલ અવાજે કહી રહી હતી.

માનસભાઇ..તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલાય. શુચિ હવે તમને સોંપી છે. દસ વરસથી એણે બાપનો પ્રેમ નથી જોયો. તમે તો બધું જાણો છો. એના પિતાને સ્થાને હવે તમે છો..એની ભૂલચૂક થાય તો......

એક માની માત્ર આંખ જ નહીં..પૂરું અસ્તિત્વ છલકી રહ્યું હતું.

માનસ આખ્ખો ને આખ્ખો હલબલી ગયો.

ભાભી, જરાયે ચિંતા ન કરો. શુચિ અમારા ઘરની વહુ નહીં. દીકરી બનીને જ રહેશે.

માનસના શબ્દોમાં પૂરી સચ્ચાઇ નીતરી રહી. તેના અવાજમાં શ્રાવણી ભીનાશ ભળી હતી.

જાન વિદાય થઇ. બધાની આંખો ભીની ભીની..માંડવાને સૂનો કરી દીકરીએ નવજીવનની કેડીએ પ્રસ્થાન કર્યું. ત્યારે પણ એક પિતાની આંખોમાં દુનિયાભરની શૂન્યતા છવાયેલી હતી. પરંતુ આજે તેણે કોઇ તોફાન નહોતું મચાવ્યું એ પૂરતો પત્ની ઇશ્વરનો આભાર માની રહી.

તે રાતે માનસના પુત્રનો ઓરડો ઝગમગ શોણલાથી મઘમઘતો હતો.

ત્યારે માનસની પાંપણો બીડાવાનું નામ જ નહોતી લેતી. તેની નજર સામે તો હતી દસ વરસ પહેલાંની એ ક્ષણ....

તે દિવસે રસ્તામાં અચાનક મહિન મળી ગયેલ. બંને લંગોટિયા દોસ્ત..ઘણાં સમયે મળી શકયાં હતાં.

દોસ્ત, કેમ છે ? સાંભળ્યું છે તારી નોકરી છૂટી ગઇ.

હા, પણ ઘરમાં કોઇને કહ્યું નથી. તું ઘેર આવે તો ધ્યાન રાખજે. તારું કેમ ચાલે છે ?

અમારા માથા ઉપર પણ લટકતી તલવાર તો છે જ. આજ સુધી તો નોકરી છે, કાલની ખબર નથી. પણ તું આમ કયાં જાય છે ?

એ તો મને યે ખબર નથી. કંઇક કામ શોધવાનો પ્રયત્ન તો કરવો રહ્યો ને ? તારાથી કંઇ મદદ થઇ શકે તેમ હોય તો બોલ.

માનસ વિચારમાં પડી ગયો.

શું વિચારે છે દોસ્ત ? કામ ગમે તે હશે તો પણ ચાલશે.

એકાદ મિનિટ અચકાયા બાદ માનસે ધીમેથી કહ્યું

કામ તો એક છે..પણ..

અરે, તો પછી બોલને..‘‘પણ’’ ને વચ્ચે લાવ્યા સિવાય..

મહિનના અવાજમાં અધીરતા ઉછળી આવી. કોઇ દોસ્ત નહીં.. જાણે ઇશ્વર મળી ગયો..

દોસ્ત, કામ બહું અઘરું છે.

પૈસા મળવાના છે ને ?

માગ એટલા પૈસા...

બસ...તો પછી બોલને..તારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. ગમે તેવું અઘરું કામ કરવા..રાત દિવસ મજૂરી કરવા તૈયાર છું.

મહિન, હું અચકાઉં છું. તને કેમ કહું ? કામ જ એવું છે. જીવનું જોખમ છે.

એટલે સ્મગલીંગ કે ડૃગ કે એવું કશું ?

ના..ના. એવા નીચ કામ ન હું કરું ન તને કરવા દઉં.

બસ.. તો પછી જે કામ હોય એ કરીશ.

મહિન....

હવે વાતમાં મૉણ નાખ્યા સિવાય કહી દે ને..તને ખબર નથી અત્યારે મારી હાલત કેવી છે...પૈસા મળતા હશે તો હું ગમે તેવું અઘરું કામ કરી શકીશ...

અઘરા સહેલાનો સવાલ નથી. સવાલ તારી જિંદગીનો છે.

પ્લીઝ..દોસ્ત, હું તૈયાર છું. મારે માટે આ જીવન મરણનો સવાલ છે. વધુમાં વધું મોત જ આવશે ને ? આમ પણ......

માનસ બે ચાર ક્ષણ મિત્ર સામે જોઇ રહ્યો.

ઓકે..તું કાલે મળ. હું મારી કંપનીના હેડને વાત કરું છું..

કાલે કયાં ?

અહીં જ..

પણ જોજે હોં ભૂલાય નહીં. તું મને નોકરી નથી અપાવવાનો..પાંચ પાંચ વ્યક્તિને જીવતદાન આપવાનો છે. પાંચ જીવને બચાવવાનું પુણ્ય તારે ફાળે આવશે.

મહિનના સ્વરમાં ન જાણે કેવી યે લાચારી હતી.

બંને છૂટા પડયા ત્યારે મહિનના અંતરમાં આશાની એક લકીર ઝળહળી હતી. એક રાત તો વધુ જીવતદાન મળ્યું. કાલે માનસ જરૂર કોઇ શુભ સમાચાર લઇને જ આવશે.

આશાની એ ઉજળી કિનાર સાથે મહિન ઘેર ગયો. દવા લાવવાનું ભૂલાઇ ગયું છે. કાલે નહીં જ ભૂલે એવું પત્નીને કહી વધારે સવાલથી બચવા..માથું દુઃખવાનું બહાનું કાઢી ઉપર ચડી ગયો.પોતે બહાર ખાઇ લીધું છે. એમ ખોટું બોલી પોતાનું એક ટંકનું ખાવાનું બચાવ્યું. કદાચ ગર્ભવતી પત્ની બે કોળિયા વધારે પામી શકે.

પથારીમાં આડો તો પડયો..પણ પથારી કંઇ ઉંઘની ખાત્રી થોડી આપી શકે છે ? મહિનની સામે...તો એક આખી ભૂતાવળ ઉભી થઇ હતી..ભૂખની ભૂતાવળ..પૈસાની ભૂતાવળ..

તેની નજર સમક્ષ તે દિવસે વાંચેલ છાપાની હેડલાઇન ...

મંદીથી ત્રાસેલ અને દેવું ભરપાઇ ન કરી શકેલ, નોકરી ગુમાવી બેસેલ એક હીરાઘસુ કામદારે અન્ય કોઇ ઉપાય ન દેખાતા પોતાની પત્ની અને ત્રણ સંતાનની હત્યા કરી પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. ‘‘

આ સમાચારે મહિનની ભીતર કબજો જમાવ્યો હતો. બે મહિનાથી તેની નોકરી પણ મંદીના ખપ્પરમાં હોમાઇ હતી. પણ હજુ સુધી ઘરમાં કોઇને જાણ નહોતી થવા દીધી. જાણ કરે પણ કઇ રીતે ? બે દીકરી પછી ભગવાને દીકરાની આશા આપી હતી. સોનોગ્રાફીના રીપોર્ટમાં દીકરો છે એવી જાણ થતાં જ પત્ની અને મા બંને કેવા હરખાઇ ઉઠયા હતા. પત્નીની તબિયત થોડી નરમ રહેતી હતી. માની દવા તો વરસોથી ચાલુ જ હતી. બે દીકરીઓનો ભણવાનો ખર્ચો.... પાંચ વ્યક્તિના પેટનો ખાડો કોઇ આવક વિના કેમ પૂરી શકાય ?

આ બે મહિના તો પી.એફ.ના જે થોડા પૈસા આવ્યાં હતાં તેમાંથી ગાડું ગબડયું હતું. પણ હવે..? પી.એફ.ના પૈસામાંથી નાનીબેનના લગ્ન વખતે લોન ઉપાડી ચૂકયો હતો. તેથી ખાસ કશું બચ્યું નહોતું. દાગીના તો હતા જ કયાં કે વેચી શકે ? સામે ભરડો લઇ રહેલ ભૂખમરો સ્પષ્ટ દેખાતો હતો. મરણિયા બની બીજી નોકરીની તપાસમાં ભટકતો રહ્યો હતો.

પટાવાળાની નોકરી કરવા પણ તૈયાર હતો. પણ.....

કયાંય દૂર દૂર સુધી આશાનું કોઇ કિરણ નજરે નહોતું ચડતું. એવા કોઇ સધ્ધર મિત્રો નહોતા જેની પાસે હાથ લંબાવી શકે..ઘરમાં બીમાર મા, પ્રસૂતિને આરે ઉભેલી માંદી પત્ની..દીકરીઓ નાની..કોને વાત કરે ? દિલની મૂંઝવણ વ્યકત કરી શકાય એવું પણ કોઇ ઠેકાણું નહોતું. સગાઓને તો ખબર પડે તો ઉલટા દૂર ખસી જાય એવા હતાં. ઘરનું ભાડું ન ભરાવાથી કુટુંબને લઇને કયાં જશે ? કોઇ આશરો નથી. શું ફૂટપાથ પર...?

આખું અસ્તિત્વ ધ્રૂજી ઉઠયું. ગભરાઇને આંખો બંધ કરી તો ફૂટપાથ પર ટૂંટિયુ વળીને સૂતેલ કણસતી, ગર્ભવતી પત્ની, ખાંસતી મા..અને હાથમાં બટકું રોટલો લઇ ધૂળમાં રગદોળાતી પુત્રી દેખાઇ..તેને કમકમા આવી ગયા. આંખો બંધ કરે કે ખુલ્લી રાખે..દ્રશ્યોમાં કોઇ ફરક નહોતો પડતો....

કયાંય આરો કે ઓવારો..કોઇ કિનારો નહોતો દેખાતો...શું પોતાને પણ આવો જ કોઇ રસ્તો લેવાનો સમય આવ્યો છે ? ફરીથી તેની નજર સામે છાપાની એ લાઇન તરવરી રહી. એ આખા સમાચાર વિગતવાર તેણે પૂરી પાંચ વખત વાંચ્યા હતા. મરનારે લખેલી ચિઠ્ઠી તો મોઢે થઇ ગઇ હતી. કઇ રીતે બધાને માર્યા અને પોતે પણ મર્યો..એ બધું જ વિગતવાર વાંચી નાખ્યું હતું.

જો આ અઠવાડિયામાં ભગવાન કોઇ રસ્તો ન સૂઝાડે તો....

છેલ્લે સુધી કોઇને જાણ ન થવી જોઇએ. જેથી અંતિમ ઘડી સુધી કોઇને કશી પીડા સહન કરવાની ન આવે. આમ પણ મર્યા પછી તો પીડાનો સવાલ જ કયાં રહે છે ?જીવતા મારી નાખવા ને રોજ રોજ મોતથી બદતર જિન્દગી,અપમાન, અભાવની પીડા આપવી તેના કરતાં.....

અચાનક મહિનને લાગ્યું કે પોતાના હાથ સાપ જેવા બની ગયા છે. જે વારાફરતી પોતાની જ વ્યક્તિઓને ગળે ભરડો લઇને.. ડંશ દઇ રહ્યા છે. પોતાની નાગચૂડમાંથી છૂટવા મથતી પત્ની,માતા અને માસુમ પુત્રીઓ..

પપ્પા બચાવો..આ સાપ મારા ગળે વીંટળાય છે.

એને કયાં ખબર છે કે એ સાપ નહીં એના પપ્પા છે. ’’ પપ્પા ’’ શબ્દ એની હાંસી ઉડાવે છે.

અરે, નાગ..નાગ..મારા ગળે ભરડૉ લે છે..મહિન, છોડાવ મને..અરે, મહિન, તમને સંભળાતું નથી.. જુઓ તો...મારા ગળા આસપાસ નાગ. કાળૉ..મોટૉ...નાગ...

અરે, મહિન બેટા..દોડ..આ જો મોટો બધો અજગર...મારી છાતી પર ચડી બેઠો..બચાવ બેટા..બચાવ..

ચારે તરફથી ’ બચાવ..બચાવ ’ ના પોકાર..એક તરફ મા, એક તરફ પત્ની અને સામે વહાલસોયી બે પુત્રીઓ...બધાની આસપાસ નાગ ભરડૉ લઇ ચૂકયો છે. પોતે બચાવી નથી શકતો. કેમ બચાવે ? તે પોતે જ તો સાપ બની ગયો છે. મહિન..મહિન શંકરલાલ દેસાઇ....જેનું માનવીમાંથી સાપમાં રૂપાંતર થઇ ચૂકયું છે. જે પોતાના જ કુટુંબને ભરખી જવા આતુર છે.

બેટા, ડરો નહીં.બસ...આ છેલ્લી યાતના છે. પછી હમેશ માટે બધી પીડામાંથી તમે મુકત...

શિવાની, ડર નહીં..આ અંતિમ પીડા છે..હવે પછી તને કોઇ અભાવ નહીં પીડે...ઉપર તારી પાસે કોઇ વાતની ખોટ નહીં હોય. ઇશ્વરને ઘેર શેની મણા છે ? અને હું યે તમારા બધાની પાછળ પહોંચું જ છું. હું પણ પછી એકલો રહીને અહીં શું કરીશ ? હું કંઇ તમારા બધા વિના જીવી શકવાનો છું ?

અને મા. તારે તો બહું ચિંતા કરવા જેવું કયાં છે ? તું તો આમ પણ ઘણીવાર ભગવાન પાસે મોત માગતી હોય છે ને ? બે ચાર વરસ જીવી તો યે શું ને ન જીવી તોયે શું ?મા, આ અજગર નથી..તેં જેને જન્મ આપેલ તે દીકરાના હાથ રાતના અંધકારમાં તારે ગળે અજગરની જેમ વીંટળાયા છે. તને દુઃખમાંથી મુક્તિ આપવા માટે. મા, તારા મજબૂર દીકરાને માફ કરી દઇશને તું ? તને સુખ આપવાના પ્રયત્ન તરીકે જ આને જોઇશ ને તું ? મા, હું હત્યારો કે ખૂની નથી. તમે બધા મને સમજી શકશો ને ? હું તમને બધાને ખૂબ પ્રેમ કરું છું. અને તેથી જ......

અર્ધતન્દ્રામાં યે મહિનની આંખોમાં શ્રાવણ, ભાદરવાના પૂર ઉમટી આવ્યા છે.

હું..હું મહિન નથી..હું એક સાપ છું. કાળૉતરો નાગ છું. બધાને ડસી જઇશ. મારા જ સંતાનને હું ભરખી જઇશ..હા, હું સાપ છું....મોટો બધો સાપ...

સાપ..સાપ..

શબ્દ સાંભળતા જ પત્ની એકદમ ગભરાઇને ઉભી થઇ ગઇ. આસપાસ જોયું..કંઇ દેખાયું નહીં. બાજુમાં સૂતેલ પતિ સાપ સાપ...રટે છે. અને આંખોમાંથી તો અનરાધાર પાણી....

તેણે પતિને હલબલાવી નાખ્યો...શું સપનું જોયું કે ? અહીં તો કોઇ સાપ નથી.

અને આ તો જુઓ...આખા પરસેવે નીતરી રહ્યા છો..

હવે આ મહિનાનો પગાર આવે એટલે એક નાનકડો પંખો જરૂર લેવો છે. તમારી હાલત તો જુઓ..

મહિન ભયથી... પરસેવાથી રેબઝેબ...

પોતાને આ શું થયું છે ? ચારે તરફ સાપ ને ફકત સાપ જ કેમ દેખાય છે ? શું પોતાનું રૂપાંતર સાપમાં થઇ ગયું છે ? પોતે મહિન છે કે સાપ છે ? કાળો, લાંબો નાગ...

તેની ભયભીત આંખો ચારે તરફ ફરી રહી. તે ખરેખર સાપ બની ગયો છે ? કયાંક પત્નીને ખબર પડી જશે તો ? તેણે ગોદડું માથે ઓઢી લીધું. અને જોશથી પકડી રાખ્યું. કોઇ ખોલીને કયાંક જોઇ ન લે...

આખી રાત કોઇને ખબર ન પડી જાય માટે આવી ગરમીમાં પણ તે માથા સુધી ઓઢી પડયો રહ્યો...અંદર ને અંદર ધ્રૂજતો રહ્યો. સવાર પડશે ને બધા જોશે એટલે ખબર પડી જ જશે..દીકરીઓ સાપ જોઇને કેવી ડરી જશે...કયાં છે પોતાનું દર ? પોતાનુ જંગલ ? એમાં છૂપાઇ જાઉં ?

બીજે દિવસે સવારે ઉઠયો ત્યારે શરીરમાં તાવ ભર્યો હતો. પણ માનસની યાદ આવતા જ.....

સાંજે ઓફિસેથી આવો ત્યારે આ દવા લેતા આવજો. બે દિવસથી ખલાસ થઇ ગઇ છે. કાલે પણ તમે ભૂલી ગયાં હતાં. મહિનના હાથમાં દવાનું પ્રીસ્ક્રીપ્શન ફરીથી આપતા શિવાનીએ કહ્યું.

પત્નીના ઉપસેલા પેટ તરફ નજર કરતાં મહિને કાગળ લીધો.

જલદી જલદી તૈયાર થઇ મહિન ભાગ્યો. નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યો ત્યારે હજુ નવ જ વાગ્યા હતા. માનસ અગિયાર વાગે આવવાનો હતો...

એક વ્યગ્રતા..અજંપો..અધીરતા, આશા,નિરાશા, કેટકેટલી ઉથલપાથલ.. યુગો જેવી ક્ષણ....કાંટા ખસતા જ નહોતા. માનસ પોતા માટે શું લઇને આવશે ?જીવન કે મરણ ? અને તે પણ પોતાના એકના નહીં..આખા કુટુંબના....

અંતે માનસ દેખાયો.

શું થયું દોસ્ત ?

મહિન નોકરી તો છે જ..પણ....

પ્લીઝ..દોસ્ત, આજે કોઇ ’’ પણ ’’ ને વચ્ચે ન લાવીશ..

ઠીક છે. ચાલ, મારી સાથે.

કયાં ?

અમારી કંપનીના હેડ પાસે..તને તો ખબર છે હું એક મોટી ફાર્માસ્યુટીકલ કંપનીમાં કામ કરું છું...

ઓકે..ઓકે.ચાલ..

જો, મહિન, તું અમારા બોસ પાસેથી બધું બરાબર સમજી લેજે...તારે જે પૂછવું હોય તે જાતે પૂછી લેજે. પછી તને યોગ્ય લાગે તે નિર્ણય લેવાની છૂટ છે. પાછળથી મને દોષ ન દેતો...

મહિન વિચારી રહ્યો. દોસ્ત, તને કયાં ખબર છે..મારી ઉપર ચાર જીવોની હત્યા અને એક આત્મહત્યાનું જોખમ તોળાઇ રહ્યું છે. એનાથી વિશેષ જોખમી બીજું શું હોઇ શકે ?

અને....

વિદેશી ફાર્માસ્યુટીકલ કંપનીના હેડે તેને પોતાની ઉપર થનાર પ્રયોગોની વાત કરી હતી. કદાચ જીવ પણ જાય... પહેલાં તેના શરીરમાં રોગ ઉત્પન્ન કરનાર જીવાણુઓ,વાયરસ દાખલ કરવાના હતા. પછી તે રોગ મટાડવાના અખતરાઓ..અનેક પ્રયોગો.....છ મહિના કે એકાદ વરસ પણ લાગી જાય. તેના શરીર ઉપર અખતરા કરી સાચી દવા શોધાઇ શકે તો અનેકને જીવતદાન મળી શકે તેમ હતું.. ઉંદર, સસલા, વાન્દરા પર સફળ પ્રયોગ થઇ ચૂકયો હતો. હવે જરૂર હતી..ગીનીપીગ તરીકે એક માણસની..સાજા સારા, સ્વસ્થ માણસની....

અને મહિનને બનવાનું હતું એ ગીનીપીગ....

મહિનને તો આમા કશું વિચારવા જેવું જ ન લાગ્યું. કશું પૂછવાની જરૂર જ ન લાગી.આ તો સાવ સહેલું છે. પહેલાં રોગ કરશે અને પછી મટાડશે.! સાવ સાદી સીધી વાત છે. નકામો માનસ ગભરાવતો હતો.

અર્જુનને દેખાતી પક્ષીની એક આંખની જેમ જ મહિનની નજરને પૈસા અને ફકત પૈસા જ દેખાતા હતા. પોતે ન હોય તો કુટુંબને જીવવા માટે કેટલા પૈસા જોઇએ..બસ તેના મગજમાં એ બધા હિસાબ કિતાબ જ ચાલતા હતાં.

મહિનની બધી માગણી સ્વીકારાઇ. અનેક કાગળિયા પર તેની સહી લેવાઇ. મહિને હોંશથી કરી આપી.

મહિનને પૈસા મળ્યા..તેણે માગ્યા એટલા પૈસા મળ્યા...જે નાનકડા ઘરમાં તે રહેતો હતો એ પત્નીને નામે ખરીદાઇ ગયું. હવે જીવનભર ભાડું ભરવાનું નહોતું. તે હોય કે ન હોય તેના કુટુંબને ઘરમાંથી કોઇ કાઢી નહીં શકે. કાયમનો આશરો થઇ ગયો. હવે ? હવે બીજી એટલી જ રકમ તેની પત્નીને નામે બેંકમાં, ફીક્ષ ડીપોઝીટમાં મૂકાઇ ગઇ. જેના વ્યાજમાંથી તેને દર મહિને ઘરખર્ચ પૂરતા પૈસા મળી રહે. બસ...આટલી વ્યવસ્થા થઇ ગઇ..આનાથી વધારે તો પોતે જીવતો રહે તો યે કયાં કરી શકવાનો હતો ? તેના જીવનની કીંમત આનાથી વધારે હોઇ જ ન શકે. હૈયામાં એક હાશકારો ઉઠયો..

હવે કદાચ હોમાશે તો પણ તે એકલો જ....

પોતાને છ મહિના માટે કંપની વિદેશ મોકલે છે. કદાચ વધારે સમય પણ થાય..તેથી બધો પગાર એકી સાથે આપી દીધો છે. એમ ઘરમાં બધું વિગતવાર સમજાવી દીધું. બેંકમાં રાખેલ એફ.ડી.ની માહિતી પણ આપી. પત્નીને કોઇ તકલીફ ન પડે તેની બધી વ્યવસ્થા કરી લીધી. ત્યાંથી પોતે ફોન ન કરી શકે તો ચિંતા ન કરવી.

પત્ની, મા અને પુત્રીઓ ખુશખુશાલ..મહિનનું તો નસીબ ઉઘડી ગયું. જવાને આગલે દિવસે મહિને મા, પત્ની, અને દીકરીઓ સાથે જઇ બધા માટે ખૂબ ખરીદી કરી.

‘તમારે કશું લેવાનું નથી ?’

મારી બધી તૈયારી કંપનીએ કરી લીધી છે. થોડાં કપડાં મુંબઇથી લેવાના છે. મુંબઇથી જ જવાનું છે ને તેથી. પછી મોંઘી હોટેલમાં બધાએ આનંદથી ખાધું. જાણે કોઇ ઉત્સવ મનાવતા હતા.. મા અને પત્નીને તબિયતનું ધ્યાન રાખવાની સૂચના આપી.

પછીના દિવસે મોટી પ્રયોગશાળામાં તે ટેબલ પર સૂતો હતો. તેનું મેડીકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. બધું બરાબર હતું. અને....

શરૂઆતમાં તો ખાસ કંઇ ખબર ન પડી. સારું સારું ખાવાનું આપવામાં આવતું હતું. કોઇ ફરિયાદ નહોતી. આમાં ડરવા જેવું શું હતું ? બસ..જુદી જુદી દવાઓ આપશે..તેની અસરો જોશે...અને એ અસરો દૂર કરવાની દવા પણ આપવાના જ છે ને ?

રોજ નવા ઇંજેકશનો, નવી દવાઓ..રોજ જુદા જુદા વાયરસ તેના શરીરમાં દાખલ કરવામાં આવી રહ્યાં હતાં. ધીમે ધીમે મન ઉપર, તન ઉપર એની અસર દેખાવા લાગી. કંઇ સમજી શકવાની શક્તિ બચી નહોતી. તે ભાનમાં હતો કે બેભાન એ પણ સમજાતું નહોતું. જાતજાતની નળીઓ, વાયરોથી તેનું શરીર વીંટળાયેલ રહેતું. શરીર સાથે અનેક મશીનો..મોનીટરો જોડાયેલ હતાં. આસપાસ કશીક ચર્ચા ચાલી રહેતી. તે સાંભળી શકતો..પરંતુ સમજી ન શકતો.

શું લાગે છે મીસ્ટર સ્મિથ ?

સર, હજુ ચોકક્સ કહી શકાય નહીં. દવાની સાચી અસર સાત દિવસ પછી ખબર પડે. મહિન તરફ જોતાં સ્મિથે જવાબ આપ્યો.

ઓકે..ઓકે.યુ કેરી ઓન..

ત્યાં મહિનનું આખું શરીર ખેંચાવા લાગ્યું. તરફડિયા મારતો તે હાંફવા લાગ્યો. મીસ્ટર સ્મિથ દોડયા. જલદીથી બીજું એક ઇન્જેક્શન આપ્યું. સામે રાખેલ મોનીટર પર સ્મિથની નજર સ્થિર બની. લાલ, ભૂરી રેખાઓ ઉંચીનીચી થતી રહી.

શું લાગે છે ? ફેઇલ જશે ?

ના, આને તો કંટ્રોલ કરી શકાશે. આ તો માઇનોર છે. લેટ અસ સી...કાલે શું અસર થાય છે ? હવે આ ઇંજેક્શનથી આગલી અસર નાબુદ થઇ જવી જોઇએ.. હજુ કાલે બીજા વાયરસ દાખલ કરવાના છે. બ્રેઇન ઉપર એની શું અસર થાય છે એ ચકાસવું પડશે.

મીસ્ટર રોનાલ્ડો , હવે આ તમારા ચાર્જમાં...સતત નિરીક્ષણ ખૂબ આવશ્યક છે. જે ફેરફાર થાય એ નોંધતા રહેશો. ઓકે..?

ઓકે..સર.

મીસ્ટર સ્મિથ અને તેના બોસ બંને ત્યાંથી ચાલતા થયા.

જાતજાતના અનેક પ્રયોગો ચાલતા રહ્યા. તેની અસરો નોંધાતી રહી. અનેક અખતરાઓ તેના શરીર પર થતા રહ્યા. કયારેક અર્ધભાનમાં, કયારેક બેભાન અવસ્થામાં મહિન કણસતો રહ્યો.

બરાબર ત્યારે માનસ..... પોતે પરદેશમાં ટ્રેનીગ લેતો હતો. કંપનીએ તેને પ્રમોશન આપી મોકલ્યો હતો. એક ગીનીપીગની સ્થિતિ શી થાય છે એનાથી પોતે અજાણ નહોતો. અને છતાં...છતાં મિત્રને એમાં હોમી દીધો હતો... સારું કર્યું ? ખરાબ કર્યું ?

નજર સમક્ષ આ ક્ષણે પણ ભયથી થરથર ધ્રૂજતો મહિન દેખાયો.

દોસ્ત, તેં તો મને મરવાની વાત કરી હતી. જીવતાં મરવાની નહીં. મેં તો ન પૂછયું..પણ તું તો બધું જાણતો હતો ને ?

માનસની આંખ ફરી એકવાર વરસી પડી.

શું જવાબ આપે તે મહિનને ?